વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • “ સુખ વહેંચણી ” નો નવતર પ્રયોગ “ ખેડુતોની વાડીઓમાં નિયમિત મિલન”

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    કોઇ સગા-સંબંધી કે સ્નેહી-સ્વજનના કુટુંબમાં મૃત્યુનો પ્રસંગ આવી પડ્યો હોય, ત્યારે આપણે ખરખરે [ખોંખારે] જતાં હોઇએ છીએ. એવું જ કોઇ ઓળખીતા પાળખીતા કે સ્નેહી સંબંધીમાં આવી પડેલ બીમારી કે અકસ્માતનો ભોગ બની પથારી સેવતા જણની ખબર પૂછવા પણ જતા હોઇએ છીએ. તમે યાદ કરજો ! ક્યારેક તેમના ઘરમાં નાની મોટી ચોરી થવા પામી હોય કે પછી અવળા સંજોગોનો ભોગ બની ધંધામાં લાંબી-ટૂંકી નુકશાની થવા પામી હોય, ત્યારેયે આપણે સમય કાઢીને ખાસ હુંફ-હોંકારો કે શક્ય તેટલો આર્થિક ટેકો પહોંચાડવાની ફરજ સમજતા હોઇએ છીએ. અરે ! આતો બહુરંગી જીંદગી છે ભાઇ ! કઠણાઇ માથા મારતી હોય, તો કોઇ શખ્સ-ઇસમ સાથે નજીવી બાબતમાં જીભાજોડી અને વાતવાતમાં વાત વધી જતાં કજિયો-કંકાસના ભોગ બની જવાયું હોય, ત્યારે એ કુટુંબને દિલાસો દેવાનું આપણે ચૂકતા નથી એવું બને છે ને ? ઊંડો વિચાર કરીએ તો સમજાયા વિના નહીં રહે કે મૃત્યુ પ્રસંગનો ખોંખારો, બીમારીમાં ખબર પૂછવી, ચોરી કે ધંધા-ફટકામાં આર્થિક ટેકો અને ઝઘડા-ટંટામાં અપાતો દિલાસો – આ બધાંમા પ્રસંગોપાત બોલાતા વેણ-વાક્યો ભલે અલગ અલગ વપરાયા હોય- ભાવાર્થ બધાનો એક જ છે કે “ સામાના દુ:ખમાં ભાગ પડાવવો.” અને એનું પરિણામ મળે છે હો મિત્રો ! આપણા તરફથી સાચા હદયથી એ પ્રસંગની પતાવટ માટે જરૂરી માર્ગદર્શન-ટેકો-સોઇ-હુંફ-મદદ જ્યારે મળે છે, ત્યારે  તે કુટુંબનું દુ:ખ જરૂર હળવું પડે છે.

    એવું જ સુખની વહેંચણીનું =

    જીંદગીમાં સુખના પ્રસંગો જ્યારે આવે – જેમ કે ઘેર દીકરી-દીકરાનો જન્મ થાય, તેની વર્ષગાંઠ ઉજવાતી હોય, યુવાન દીકરી-દીકરાનાં લગ્ન લેવાણાં હોય, નવા મકાનના વાસ્તુનો પ્રસંગ હોય, કે ક્યારેક યાત્રા-પ્રવાસ કે પરદેશગમનની વધાઇનો પ્રસંગ ભલેને હોય ! આવા બધા હરખના પ્રસંગે કુટુંબના બે-ત્રણ કે પાંચ-સાત સભ્યો જે હોય, માત્ર એના એ જ એ પ્રસંગની હોંશ માણી પ્રસંગને પૂરો નથી કરી દેતા ! પણ જેવી જેની પહોંચ અને મિત્રવર્તૂળ,સગા-સંબંધી, ઓળખિતા સમાજમાં જેવા જેના સંબંધો-બધાને ફોન, પત્ર,આમંત્રણ કે રુબરૂ તેડાં મોકલી,સૂર-સંગીત-જમણવાર અને પહેરામણી સાથેના પ્રસંગની ઉજવણીમાં સૌને ભાગીદાર બનાવીએ જ છીએને ! આ બધું શું છે કહો ! સુખની વહેંચણી કરી, સુખને વધુ મોટું કરવાના જ પ્રયત્નો થયા ગણાયને ?

    પણ આ તો થઇ માત્ર સામાજિક વ્યવહારો અને સંબંધો જીવતા રાખવાના પ્રયત્નોની વાત. પણ આપણે તો કરવી છે તે ઉપરાંતની 65-67 ટકા લોકો જેનાપર નિર્ભર છે,તેવા ખેતીવ્યવસાયમાં પડેલાઓમાં પણ આવું કંઇ થઇ શકે કે નહીં એની વાત 1

    જવાબ છે હા ! =

    જરૂર થઇ શકે. બીજા ધંધાઓમાં થોડી મોનોપોલી ભળાઇ રહી છે તે વાત સાચી, પણ ખેતીનો ધંધો એટલો વિશાળ અને સર્વત્ર વિસ્તરેલો છે, કે એમાં ‘મોનોપોલી’ જેવું કંઇ હોતું નથી. વળી આખો વ્યવસાય કુદરતી પરિબળો ને હોય છે પૂરેપૂરો આધિન ! એટલે બધી બાબતોમાં ખેડુતનું જ ધાર્યું થઇ રહે એવુંએ ખેતીમાં બનતું નથી. ખેતી એતો ખુલ્લો, બાપેય કરે અને બેટોયે કરે–એવો જાહેર ધંધો હોઇ, એકબીજાથી છૂપાવવાપણું કે ખાનગી રાખવાનું કોઇ કારણ પણ નથી.

    ઉલટાનું કોઇ નવા સફળ બીજ, કોઇ નવી પધ્ધતિ કે નવો પ્રોજેક્ટ દાખલ કરવાનું મન થાય, ત્યારે એકલા એકલા એનો અમલ કરવાને બદલે બે-ત્રણ કે પાંચ જણને એની જાણ કરી, એને પણ સાથે જોડ્યા હોય તો-વાડી એમની, મહેનત એમની, ખર્ચ પણ એમણે કરવાનો અને લાભ થાય તો ‘જશ’ આપણને આપે ! એટલે અન્યને લાભ અપાવવામાં નિમિત્ત આપણે બન્યા ! “ न हिंग लगे न फिटकरी, और रंग गाढा आये !” માત્ર આંગળી ચિંધ્યાનું જ પૂણ્ય ! કહો, આવો પ્રયત્ન શુંકામ ન કરવો ? હા, પણ આ તો જ શક્ય બને, જો  આપણા મનમાં બીજાને લાભ થઇ જાય, તે બાબતની ઇર્ષા ન હોય તો ! બીજાને કેમ વધુમાં વધુ ઉપયોગી થવાય, તેવી ભાવના હોય તો જોડાઇ રહેવાનાં પરિણામ તો સારાં જ મળતાં હોય છે મિત્રો !

    છેલ્લા ૪૭ વરસથી આદરેલા ખેતીના વ્યવસાયમાં જ્યાં કયાંયથી નવી વાત, નવી પધ્ધતિ, બિયારણ કે નાનો એવો નુસ્ખો પણ હાથ લાગ્યો છે, ત્યારે પોતાની વાડીમાં, જાત દેખરેખ નીચે તેની ચકાસણી કરીને પરિણામો લીધા છે. જે જે લાભદાયી જણાયાં, તેને કાયમી આવકાર્યાં છે અને એને એકલાને એકલા ઉપયોગમાં લેવાને બદલે જેટલા વધુ ખેડુતો એને અપનાવે તેટલાને એમાં શામેલ કરવાના પ્રયત્નો કર્યા છે. કારણ કે “સુખ વહેંચવાથી વધે છે” એ સંસ્કાર વાત્સલ્યધામ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠાના શિક્ષણે બાળપણથી જ દ્રઢ કર્યા છે.

    એની થોડીક વાત કરું, તો સફળ પ્રયોગ જ્યારે વાડીપર પૂરબહારમાં હોય ત્યારે અસંખ્ય વાર નાનાં-મોટાં મિલનો ગોઠવી, બહોળી સંખ્યામાં ખેડુતોને સ્થળ પર બોલાવી, બપોરના રોટલા ખવરાવી, નિદર્શનો અને ઉત્પાદનો બધું નજરોનજર દેખાડી, સફળ વાત કેમ જાજા ખેડુતો અપનાવતા થાય તેવી મહેનત લીધી છે. જરૂર પડ્યે તેમની વાડીઓમાં જઇ, સલાહ-સૂચનો કે માર્ગદર્શન દીધાં છે, ખેડુતોની મિટીંગો કે સભા-સંમેલનોમાં મોકો મળ્યેથી એ વાત બહોળા ખેડુતવર્ગને કાને નાખવાની ચીવટ લીધી છે. તક મળતાં રાજકોટ રેડિયો પર “ગામનો ચોરો” વિભાગમાં અને ટી.વી.ના માધ્યમથી ઇટીવી ના “અન્નદાતા” અને દૂરદર્શનના “કૃષિદર્શન” કાર્યક્રમમાં સફળ વાતોના સંદેશા ફરી ફરીને ઘુંટાવ્યા છે. ઘણાં છાપાં-સામયિકોએ મારી ખેતીના અનુભવોની વાત ખેડુતજગત માટે ઉપયોગી માનીને છાપ્યા કરી છે. ઉપરાંત બત્રીસેક પુસ્તકો ખેતીકાર્યમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની ઇચ્છા ધરાવતા ખેડુતવર્ગ માટે પ્રેરક બન્યા છે. મારી આવી જાણકારીની વહેંચણી, ટેકનીકની વહેંચણી- સંતોષની વહેંચણી બની છે. આનંદની વહેંચણી બની છે.

    સારા કામને કંઇ સીમા થોડી હોય ? =

    મન તો ઘોડા ઘડ્યા જ કરતું હતું કે આવી સફળ વાતો બહોળા ખેડુત સમાજમાં હજુ સારી રીતે વિસ્તારવાનો કોઇ ઉપાય ખરો ? શોધ ચાલુ જ હતી. એમાં એક પ્રસંગ ઊભો થયો- દોડવું હોય એને ઢાળ મળી જાય એવો ! માધુભાઇ નાંદરિયાની ભાગીરથી વિદ્યાલય-ટાટમમાં આસપાસના ૪૦ – ૫૦ ખેડુતોની એક મીટીંગ બોલાવાઇ હતી. ડૉ. બેનરજી બી.ટી. કપાસની ટેક્નોલોજી સમજાવવા મહેમાન બની આવેલા.મીટીંગ પૂરી થયે જમી-પરવારી, હું, માધુભાઇ નાંદરિયા, કાંતિભાઇ પડસાળા, ઠાકરશીભાઇ બોરડા, ઠાકરશીભાઇ ધનાણી, પોપટભાઇ વાઘાણી, મહેંદ્રભાઇ ગોટી, વલ્લભભાઇ પાંચાણી, રાજનભાઇ સરવૈયા વગેરે બેઠા બેઠા વાતો કરતા હતા કે “ મીટીંગમાં આવી મજા હો ! ક્યારેક ક્યારેક આ રીતે મળતા રહેતા હોઇએ તો નવું નવું જાણ્યા કરવાની બેટરી ચાર્જ થતી રહે ખરું ને ? ”  વિચાર બધાને ગમી ગયો. સૌએ વધાવી લીધો. પછી તો ધર્મના કામમાં ઢીલ થોડી પોસાય ? “ લખો નામ,  આપણે આટલા છીએ એટલાનાં. અને કરીએ નક્કી કે મહિનામાં એકવાર અચૂક મળવું.” પછી તો આસપાસ આંટા મારતા મિત્રોનેય બોલાવી લીધા.વાત વ્યવસ્થિત ગોઠવી.

    વિચાર બન્યો વ્યવહાર =

    મંડળનું નામ રાખવું-“કૃષિ વિકાસ મંડળ ગઢડા.” પણ તેનું કોઇ રજીસ્ટ્રેશન નહીં. કોઇ મૂડી ભેગી કરવાની નહીં.સભ્ય ફી પણ નહીં. માનો કે પ્રસંગોપાત કોઇ ખર્ચ કરવાનું અનિવાર્ય બન્યું, તો સ્થળ પર જ ૧૦૦ – ૨૦૦ – ૫૦૦ યથાશક્તિ સૌ આપી હિસાબ પૂરો કરી દેવાનો. મિલનમાં બપોરના રોટલા ખવરાવે, જે આમંત્રણ આપી મીટીંગના યજમાન બને તે. મંડળનું કોઇ પ્રમૂખ નહીં, કોઇ ખજાનચી નહીં. સૌનો દરજ્જો  એક સમાન !

    આમાં રાજકારણ કે ધર્મકારણ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ આવે નહીં. ખેતી કરતા હોય તે ખેડુત. અને જેને આવા કાર્યક્રમો માં રસ હોય તે ભળી શકે.-આવી શકે.દર મહિનાના છેલ્લા બુધવારે [ખરખરાના કામો બંધ હોય ને ! ] અગાઉથી નક્કી થયેલ યજમાનની વાડીએ સૌએ આપમેળે ભેળા થઇ જવું. જરૂર જણાય તો એકબીજાએ ફોનથી વાતચીત કરી લેવી. કોઇ કારણસર ક્યારેક ન અવાય તો માફ ! પણ મંડળ આપણે ઊભું કરી રહ્યા છીએ-એટલે શક્ય તેટલાં બીજા રોકાણો રદ કરી અહીં પહોંચવાની ગણતરી રાખવી. “બોલો બરાબર ને ?” –“ હા, બરાબર !” ફાઉંડેશન બરાબરનું ધરબાઇ ગયું..

    અને થઇ શરૂઆત=

    અમલીકરણ શરૂ થયાને આ જ ૨૦૨૪માં અઢાર વરસ પુરાં થઈને ઓગણીસમું  શરૂ થયું. દર મહિને, છેલ્લા બુધવારે અગાઉથી જાહેરાત થયા મુજબ યજમાન ખેડુતની વાડીએ નવ-સાડાનવ વાગતાં સૌ ભેળા થઇ જાય છે.ગઢડા,શિહોર  ઉમરાળા અને બોટાદ ચાર તાલુકાના પચાસેક જણા તો કાયમી છે.અને એમની સાથે ટવર્યા ટવર્યા નવા ચહેરા ભળતા રહી દર મિટીંગે ૮૦ – ૯૦ – ૧૦૦ જેવી સંખ્યા થઇ જાય છે.

    યજમાનની વાડીની મુલાકાત અને વિતેલા માસની વાત=

    સૌ પ્રથમ બધા આવતા જાય, તેમ તેમ યજમાનની વાડીમાં ઊભેલ મોલાત,પાકની તંદુરસ્તી, પિયતની સોઇ, પધ્ધતિ, પશુઓની સ્થિતિ, વૃક્ષોનો વસવાટ વગેરે બધી બાબતોનું નિરીક્ષણ કરે.પછીના અર્ધોએક કલાકમાં વિતેલા માસ દરમ્યાન કોઇને કોઇ નવી વાત મળી હોય, નવી પધ્ધતિ નજરે ચડી હોય, કોઇ સારું બિયારણ સાંપડ્યું હોય કે કોઇ રોગ-જીવાત કે રોઝડા-ભુંદડાંની મુશ્કેલી ઊભી થઇ હોય તેની વાત કરે. મુંઝવણના ઉપાય અંદરો અંદરની ચર્ચામાંથી મળી રહેતો ભલે, નહીં તો કોઇ જાણકારને મળી નિવેડો લાવવાની નોંધ થાય.કોઇ નવો કાર્યક્રમ કરવાનું સુજ્યું હોય તો દરખાસ્ત થાય, તેનાપર ચર્ચા થાય. અમલવારીનો નિર્ણય લેવાય.   

    તજજ્ઞતા બને મહેમાન =

    દર વખતે કોઇ એક અગર બે એવી વ્યક્તિઓને મહેમાન તરીકે બોલાવાય, કે જે ખેતીના વિવિધ પાસાંઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સમસ્યાઓ વિષે ઉંડા અભ્યાસી,જ્ઞાની હોય.તે વ્યક્તિ પછી કૃષિ યુની.ના વિજ્ઞાનિકો હોય, કે સામાજિક સંસ્થાઓના સંચાલકો હોય, ડૉક્ટરી વિદ્યાના જાણકાર હોય કે હોય પછી-પોલીસ,રેવન્યુ,વીજળી બોર્ડ, પાસપોર્ટ, આરટીઓ વગેરે કચેરીઓના હોય અધિકારી. તેમની પાસેથી જાણવા જેવી, ઉપયોગી વાતો એક-દોઢ કલાક સાંભળ્યા પછી પ્રશ્નોતરી થાય. છેલ્લે મહેમાનોનું આભારદર્શન અને આવતી મીટીંગ કોની વાડીએ-કોણ યજમાન છે, તેની જાહેરાત થાય. સૌ બપોરા કરવા ઊભા થાય.

    બપોરા =

    બપોરા બાબતે તો એવું નક્કી થયેલું કે યજમાન રોટલા બાબતે સાદું ભોજન-રોટલા,શાક,અથાણું અને છાશ-બસ પૂરતું. અને કપાણ્ય હોય તો ખાલી નાસ્તાથી પણ ચલાવાય. અરે ! સાથે ટીફીન લઇને આવવું પડે તોય ભલે ! કે સવારના બદલે બપોર પછી મિલનનો સમય રાખી, માત્ર ચા-પાણીથી રોડવવાનું ગોઠવીએ. પણ આતો પ્રદેશ છે કાઠિયાવાડનો ! અને મિલન હોય છે ખેડુતોનું. અને એય પાછું ખેડુતને ત્યાં જ ! એમાં રોટલા બાબતે સંકુંચન થોડું હોય ? “જેનાં અન્ન ભેળાં એનાં મન ભેળાં” અને અતિથિને રોટલો ખવરાવ્યા જેવું બીજું મોટું પૂણ્ય ક્યું ? ”કોઇ યજમાન વિના મિષ્ટાને બપોરા કરાવતા નથી

    મુંઝવણો =

    માત્ર છોડવા, ઝાડવા કે પશુ માંદા પડે, એની શું સેવા-ચાકરી કરવી એવા જ પ્રશ્નો આવે એવું કાયમ બનતું નથી. ક્યારેક એકબીજા વચ્ચેના શેઢાની તકરાર, વીજળીબોર્ડ સાથે લાઇટ કનેક્શનોને લગતા સવાલ, રેવન્યુ અને પોલીસને લગતી મુંઝવણો પણ સભ્યો તરફથી રજૂ થતી હોય છે. આવા ટાણે સભ્યોમાંથી જેની જે તે વિષયની વિશેષ જાણકારી હોય તેને તે પ્રશ્ન સોંપાય છે, અને પતાવટના પ્રયત્નો લેવાય છે.

    નવા પ્રયાણ = મૂળ ગણતરી સજીવખેતી બાજુ વળવાની છે. પણ તે શક્ય ના બને ત્યાં સુધી વચલા માર્ગ તરીકે-ખેતીમાં બિયારણ અને પાકસંરક્ષણ બાબતે જે માપથી વધુ ભાવો દઇ શોષાવું પડે છે, તેના છૂટકારા માટે સભ્યોએ હજાર હજાર રૂપિયા કાઢી એક “ अपना किसान मोल ” દુકાન શરૂ કરી છે. નહીંનફો-નહીં નુકશાનના ધોરણે ચીજ વસ્તુ મેળવી, પોતાને પડતો આર્થિક ઘસારો ઘટાડ્યો છે.

    ખેતી તો મુખ્ય વ્યવસાય છે ભાઇ ! એમાં મંડળમાં જોડાયા પછી ચાઇના પધ્ધતિથી મગફળીની ખેતી, કપાસ,તરબૂચ અને પપૈયામાં મલ્ચીંગ, જમીન-પાણીના નમૂનાની તપાસ, કપાસ સાથે સોયાબીન,તૂવેર અને દિવેલાનું મિશ્રપાકી વાવેતર, પશુપાલનમાં વિશેષ લેવી જોઇતી કાળજી, રોઝડા-ભુંદડાંના ત્રાસમાં થોડીકેય રાહત, ટપક પધ્ધતિનો અમલ,હરતા ફરતાગોબર ગેસપ્લાંટ વગેરે જેવા ઘણા પ્રયોગો અને સુધારા તથા સાંપ્રત પ્રવાહો સાથે ખેતીમાં કેમ ટકી રહેવાય તેવા પ્રયત્નો-એટલેકે પાયામાં ભલે ખેતી,ગોપાલન,બાગાયત,પર્યાવરણ જેવા વિષયો હોય, પણ સાથોસાથ સમાજમાં રહેનાર નાગરિક તરીકે શૈક્ષણિક અને સામાજિક રીતે પણ સંસ્કારિતાનું ઘડતર થાય,સ્વાસ્થ્ય સારું રખાય અને ઘસાઇને ઉજળા થવાની આદત ઊભી થાય તેવા થઇ રહેલા અમારા પ્રયત્નો શું “સુખ વહેંચણી” ના વ્યાજબી પ્રયત્નો ન ગણાય ?


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : જિજ્ઞાસા

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    આ વૈજ્ઞાનિક વૃત્તિનું પ્રથમ લક્ષણ જિજ્ઞાસા છે. આ બીજાના ખાનગી પત્રો વાંચવાના જેવી ક્ષુલ્લક અને ક્ષુદ્ર જિજ્ઞાસુ પ્રકારની નથી હોતી, પરંતુ નિઃસ્વાર્થી અને પવિત્ર હોય છે. ખરી બાતમી મેળવવી, સાધારણ હકીકતોમાંથી અસત્યનાં છોડાં જુદાં પાડી તથ્યની માપ્તિ કરવી એ કાર્યમાં સત્યને માટે અનહદ પ્રીતિ વિલક્ષણ પ્રેરક બળ આપે છે, પ્રેમીઓની પિપાસા, દેશભક્તોની ધગશ, અથવા તો મુમુક્ષોઓની જિજ્ઞાસા એ સર્વેના કરતાં વૈજ્ઞાનિકોની તથ્યોને માટે તૃષ્ણા[1] વધારે નિઃસ્વાર્થી અને તેથી વધારે પવિત્ર હોય છે.

    ફરહાદ તેની શિરીનને શોધવાને માટે ડુંગરા તોડવાને તત્પર હતો; દેશભકતોનાં દેશના માને કે મુક્તિને સાટે માથું આપવાનાં દૃષ્ટાંતો દેશદેશના ઇતિહાસમાં મળી આવે છે; નચિકેતા જેવા મુમુક્ષુઓ મોક્ષની ઇચ્છાથી પ્રેરાઈ યમરાજ પાસે જતાં ડરતા નથી-પરંતુ એમના સર્વ યત્નોમાં કંઇ પણ લાભની આશા હોય છે. પણ વૈજ્ઞાનિક યત્નોમાં, ખાસ કરીને વિજ્ઞાનનાં એવાં તથ્યોની શોધમાં, કેવળ જ્ઞાનશુદ્વિ સિવાય વૈજ્ઞાનિકોને કાંઇ લાભ થતો નથી. अर्थ साधयामि, देहं पातयामि वा એનાં દૃષ્ટાંતો મારવાડના શુષ્ક પ્રંદેશોમાંથી આવનારા, અને મુંબાઈ અને કલકત્તા જેવા શહેરોને ધુજાવનારા વ્યાપારીઓમાં મળી આવે, પરંતુ सत्यं साधयामि, देहंपातयामि वा એવા નિઃસ્વાર્થી શોધક બુદ્ધિવાળા સત્યપ્રેમીઓ તો વૈજ્ઞાનિકો સિવાય અન્ય મળવા મુશ્કેલ છે. ઇંદ્રને અસુરોથી બચાવવા ખાતર પોતાનાં અસ્થિ આપવામાં દધીચિ ઋષિને પૂજ્ય ગણતા દેવોની આજ્ઞા કારણુભૂત હતી, પણ ધવલગિરિ કે ગૌરીશંકરના ઉચ્ચતમ શિખર ઉપર અયવા તો ઉત્તર કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા, અને ત્યાંનાં હવામાન વગેરે તથ્યો વિષે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જિદગીનું જોખમ હોવા છતાં પણ તેને માટે ફરી ફરી પ્રયત્ન કરનારા વૈજ્ઞાનિકોને આત્મભોગની સ્વયંપ્રેરિત ભાવના કારણભૂત હોય છે.

    કેટલાએક અંશે એમ કહી શકાય કે શિકારીઓની પેઠે નવું પરાક્રમ કરવાની ભૌતિક લાલસા એમને પ્રેરે છે, પરંતુ આ લાલસા શિકારીઓની કેવળ શિકારી અતે હિંસક વૃત્તિથી ભિન્ન પ્રકારની હોય છે: કારણ કે આ પ્રયાસોનો અ’તિમ ઉદ્દેશ તો નવાં તથ્યો પ્રાપ્ત કરવાનો-તથ્યોની તૃષ્ણા છે. આ તૃષ્ણા બિનસ્વાર્થી  હોવાને લીધે વિજ્ઞાનના ઉચ્ચ આશય અને પ્રગતિનું મુખ્ય સાધન બને છે.

    જિજ્ઞાસા એ મતુષ્ય સ્વભાવનું સાધારણ લક્ષણ છે. નાના બાળકમાં પણ આ જિજ્ઞાસા સ્વાભાવિક હોય છે અને “આ શું છે”, “શા માટે”, “કેવી રીતે?” એવા પ્રશ્નોથી ઘણીવાર માતાપિતાને તેઓ પજવી મૂકે છે. ઘણી વાર આળસુ અને અજ્ઞાન માતપિતા તરફથી આ જિજ્ઞાસાને ઉતેજન ન મળવાથી તે દબાઈ જાય છે, અને તેથી વૈજ્ઞાનિક અન્વેષણને આવશ્યક માનસિક વૃત્તિ ખીલવા પામતી જ નથી. વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રોમાં તેમના બાલ્યકાળમાં ખીલવેલાં આ લક્ષણો વિષે ધણીવાર વાંચવામાં આવે છે.

    ક્લાર્ક મેક્સવેલ નામના પ્રતિભાશાળી ભૌતિકશાસ્ત્રીની બાલ્યાવસ્યામા આ વિષે ખાસ
    ઉલ્લેખ છે; તેને સાધારણ ઉત્તરથી સંતોષ ન યતો અતે દરેક પ્રશ્નને માટે ચોક્કસ ઉત્તર મેળવવા મથતો; “આનું કારણ શું” એટલાથી સતોષ ન માનતાં “આનું ખાસ કારણ શું ” એ પ્રશ્રથી વધારે માહિતી મેળવવા તે યત્ન કરતો. આ ઉત્કંઠા અને જિજ્ઞાસા વૈજ્ઞાનિકોના જીવનરસરૂપ છે, પરંતુ તે બાળકોના પ્રશ્નોના જેવી ક્ષણજીવી અને ક્ષુલ્લક નથી હોતી. સત્યશોધકના પવિત્ર આદર્શને લીધે જિજ્ઞાસામાંથી શુદ્ધ અને સાત્વિક માર્નાસક સ્થિતિ સધાય છે. તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ચોકસાઈ, બારીક નિરીક્ષણની ટેવ, સ્પષ્ટતા વગેરે ગુણ પણ આવશ્યક થઈ પડે છે.


    ક્રમશઃ


    હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “ચોકસાઈ” વિશે વાત કરીશું.

    [1] Passion for facts

  • આપણા ખોરાકમાં કેટલું ઝેર જવા દેવું એ કોણ નક્કી કરે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સ્વાસ્થ્ય અંગેની સભાનતાના વર્તમાન યુગમાં હવે લોકો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક આહાર પસંદ કરતા થયા છે. પણ પોતે લે છે એ ખોરાક એવો છે એની જાણ શી રીતે થાય? આપણા દેશમાં ૨૦૦૮થી ‘ફૂડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા’ (એફ.એસ.એસ.એ.આઈ.) નામની સરકારી સંસ્થા કાર્યરત છે, જેનું કાર્યક્ષેત્ર ખોરાકલક્ષી વિવિધ નીતિનિયમો, પ્રમાણમાપ નક્કી કરવાનું અને એ માટે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવાનું છે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ખાનપાનની લગભગ તમામ ચીજ અંગેનાં પ્રમાણમાપ તે નક્કી કરે છે. ખોરાકી મસાલા બનાવતી આપણા દેશની બે અગ્રણી કંપનીઓ ‘એવરેસ્ટ મસાલા’ અને ‘એમ.ડી.એચ.મસાલા’નાં કેટલાક ઉત્પાદનોના નમૂનાની ચકાસણી  ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા કરવામાં આવશે એવા હમણાં અહેવાલ છે. એનું ચોક્કસ કારણ છે.

    આપણા દેશની આ બન્ને અગ્રણી કંપનીઓનાં ચાર ઉત્પાદનોને હોંગકોંગ અને સીંગાપોરના સત્તાવાળાઓએ એપ્રિલ, ૨૦૨૪માં બજારમાંથી પાછા ખેંચાવી લીધા. આ ચાર ઉત્પાદનોમાં ‘એમ.ડી.એચ.’ના ‘મદ્રાસ કરી પાઉડર’, ‘સંભાર મસાલા મિક્સ્ડ મસાલા પાઉડર, તેમજ ‘કરી પાઉડર મિક્સ્ડ મસાલા પાઉડર’ અને ‘એવરેસ્ટ’ના ‘ફીશ કરી મસાલા’નો સમાવેશ થાય છે.  બન્ને બ્રાન્‍ડનાં આ ચારે ઉત્પાદનોમાં ઈથિલીન ઓક્સાઈડનું અતિ ઊંચું પ્રમાણ મળી આવ્યું. આ રસાયણ જૂથ એકમાં વર્ગીકૃત કેન્‍સરકારક છે, જેનો મુખ્ય ઉપયોગ જંતુનાશક દવા બનાવવા માટે થાય છે. ‘જૂથ એક’ એટલે ‘ઈન્‍ટરનેશનલ એજન્‍સી ફોર રિસર્ચ ઑન કેન્‍સર’ (આઈ.એ.આર.સી.) દ્વારા વર્ગીકૃત થયેલાં ચાર જૂથ પૈકીનું એક, જે સૂચવે છે કે આ જૂથના દ્રવ્યથી નિશ્ચિતપણે કેન્‍સર થાય છે. ભારતમાં ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ રસાયણના ઉપયોગની પરવાનગી નથી, અને તેના એક અધિકારીના જણાવ્યા અનુસાર નિકાસ તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી.

    ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વભરમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર છે. આ ઘટનાથી વિશ્વભરનાં બજારોમાં તેની પ્રતિષ્ઠા જોખમાઈ છે. ભારતમાંથી નિકાસ કરાતા મસાલાનું નિયમન ‘સ્પાઈસીઝ બોર્ડ ઑફ ઈન્‍ડિયા’ દ્વારા કરવામાં આવે છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. નિકાસ માટેના મસાલાની ગુણવત્તા અને સલામતિને સુનિશ્ચિત કરવા માટે આ બોર્ડ સુયોગ્ય પગલાં ભરતું રહે છે. હોંગકોંગ અને સીંગાપોરની ઘટનાને પગલે આ બોર્ડે જણાવ્યું છે કે આ બન્ને દેશોમાં મોકલાતા માલ માટે તે હવે પછી ઈથિલીન ઑક્સાઈડની ચકાસણીને ફરજિયાત બનાવશે. આ ઘટનાનું મૂળ શોધીને તેને માટે યોગ્ય પગલાં લેવા બાબતે બોર્ડ બન્ને નિકાસકારો સાથે વાત ચલાવી રહ્યું છે.

    હોંગકોંગ અને સીંગાપોરને પગલે હવે ‘એફ.ડી.એ.’ તરીકે ઓળખાતું અમેરિકાનું ‘ફૂડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ પણ આ બન્ને કંપનીઓનાં ઉત્પાદન અંગે ચકાસણી કરી રહ્યું છે.

    ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા દસ દસ વખત મસાલા અને જડીબુટ્ટીઓમાં ‘મેક્સિમમ રેસિડ્યુ લિમિટ’ (મહત્તમ અવશેષ મર્યાદા-એમ.આર.એલ.)નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મસાલા અને જડીબુટ્ટીઓમાં જંતુનાશક દવાઓના કાનૂની રીતે માન્ય પ્રમાણમર્યાદામાં વધારો કરાતો રહ્યો છે. અગાઉ તે એક કિ.ગ્રા. દીઠ ૦.૦૧ મિ.ગ્રા. હતી, જે વધીને હવે ૦.૧ મિ.ગ્રા. કરવામાં આવી છે. આ પગલાનો અનેક કર્મશીલો અને વિજ્ઞાનીઓએ વિરોધ કર્યો છે. નવી દિલ્લી સ્થિત સેન્‍ટર ફોર સાયન્‍સ એન્‍ડ એન્વાયર્નમેન્‍ટના સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સના પ્રોગ્રામ ડિરેક્ટર અમીત ખુરાનાએ જણાવ્યું હતું કે ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ મર્યાદામાં છૂટ મૂકવામાં આવે એનો અર્થ એ થયો કે છેવટે માનવશરીરમાં તે વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓના પ્રવેશ માટે માન્યતા આપે છે. આવડો મોટો નિર્ણય લેવામાં આવે તો જેના આધારે એ લેવાયો એ વિગતો જાહેર કરાવી જોઈએ. પ્રમાણમર્યાદા બદલાવા અંગેની માહિતી પણ પૂરી પાડવી જોઈએ.

    ‘એમ.આર.એલ.’નું મૂલ્ય ‘સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડ્સ બૉર્ડ એન્‍ડ રજિસ્ટ્રેશન કમિટી (સી.આઈ.બી.આર.સી.), કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલા ક્ષેત્રીય પ્રયોગો (ફિલ્ડ ટ્રાયલ)ના આંકડાના આધારે નક્કી કરાતું હોવાનું ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવ્યું. જો કે, ‘પેસ્ટિસાઈડ એક્શન નેટવર્ક ઑફ ઈન્ડિયા’એ આના વિરોધમાં એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી જંતુનાશક દવાઓના ક્ષેત્રીય પ્રયોગો હાથ ધરાતા નથી. પ્રાપ્ત વિગતોના આધારે ‘એમ.આર.એલ.’ નિર્ધારીત કરવાની કોઈ ઘોષિત પ્રક્રિયા નથી. સામાન્ય રીતે દવાઓની ઉત્પાદક કમ્પનીઓ વિગતો પૂરી પાડે છે અને તેના આધારે ‘સી.આઈ.બી.આર.સી.’ જંતુનાશક દવાઓને મંજૂરી આપે છે. ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી અવશેષની મર્યાદા નક્કી કરાતી નથી.

    અગાઉ ૨૦૨૨માં ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવેલું કે ભારતની મોટા ભાગની જંતુનાશક દવાઓ બાબતે ક્ષેત્રીય પ્રયોગોની વિગતોનો અભાવ હોય છે. તેઓ આ વિગતો પેદા કરી શકે ત્યાં સુધી ‘કોડેક્સ એલિમેન્ટેરીઅસ’ દ્વારા નિર્ધારીત આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ પાડવામાં આવે છે.

    આવી અટપટી વાતનો સાર એટલો જ કે આપણા દેશમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, જેના પ્રમાણમાપ માટે કોઈ નિર્ધારીત ધોરણ હજી નક્કી થયું નથી. અને એ નક્કી કરવામાં આવે તો તેની જાણકારી યોગ્ય રીતે જાહેર કરવામાં આવતી નથી. આ તો નિકાસ કરાયેલી સામગ્રીની ચકાસણી થઈ અને એમાં વાંધાજનક માત્રામાં કેન્‍સરકારક દ્રવ્યો મળી આવ્યાં, પણ દેશમાં જે ખાદ્યસામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે એમાં રહેલાં નુકસાનકારક દ્રવ્યોનું શું? એનાથી નાગરિકોને થતા નુકસાનની જવાબદારી કોની? નાગરિકો તેને અટકાવવામાં કશું પ્રદાન કરી શકે?

    નિકાસ થતી સામગ્રીમાં મળી આવતા દ્રવ્યોના કારણે આવતા પ્રતિબંધથી આર્થિક નુકસાન તો થાય છે જ, સાથે દેશની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. આત્મનિર્ભર હોવાના નારા લગાવવા અને એનું ઠાલું ગૌરવ લેવું એક વાત છે, અને વ્યવહારથી લઈને વ્યાપારમાં શુદ્ધતા જાળવવી બીજી વાત છે. નાગરિક તરીકે બીજું કશું તો આપણા હાથમાં નથી, પણ એટલું વિચારી અવશ્ય શકીએ કે આપણે શામાં છીએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૯– ૦૫ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન – ૭ : આર્બોરેટમ

    અવલોકન

     – સુરેશ જાની

    તે દિવસે  મારા દીકરાની સાથે ડલાસના વ્હાઈટરોક તળાવના કાંઠે આવેલા આર્બોરેટમની (વનસ્પતિ સંગ્રહાલય?) મુલાકાતે ગયો હતો. મન પ્રસન્ન થઈ ગયું. વસંતના આગમનની સાથે જ વનસ્પતિ સંપદા મહોરી ઊઠી હતી. એક જ મહિના પહેલાં જે વૃક્ષો સાવ બોડાં અને શુષ્ક હતાં, તે નવપલ્લવિત બની ગયાં હતાં. સર્વત્ર લીલોતરીનું સુભગ અને મનને શાતા આપતું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. વાતાવરણમાં ન તો શિયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડી હતી કે, ન તો પસીને રેબ ઝેબ કરી દે તેવી ગરમી.

    આ ખુશનુમા વાતાવરણમાં જાતજાતના અને ભાતભાતનાં ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં રંગોની સૃષ્ટિ ખડી થઈ ગઈ હતી. ભમરા ગુંજન કરતા ફુલોનો મિષ્ટ રસ પીવા ઊડી રહ્યા હતા. લીલા છમ્મ ઘાસની વચ્ચે ક્યાંક ક્યાંક દાણાદાર માટીના નાનકડા ઢગલા રતુમડી, કીડીઓની સેના ફરીથી કામગરી બની ગયાની સાક્ષી પૂરતા હતા.

    આવા મધુર માહોલમાં રોમન બગીચાના એક બાંકડા પર પોરો ખાવા અમે બેઠા. બે હજાર વર્ષ પહેલાંની, રોમન સંસ્કૃતિની પ્રતિકૃતિ જેવો માહોલ હતો. બાજુના એક ક્યારામાં પીળાં અઝેરિયા મંદ સમીરમાં ઝૂમી રહ્યાં હતાં. એક મહિના પહેલાં તો એની ઉપર કેવળ સૂકી ડાળીઓ જ હતી. એક ભમરો ત્યાં આવી પહોંચ્યો અને ફૂલે ફૂલે ફરી રસ પીવા લાગ્યો. સાવ સાદા પાણીમાંથી અઝેરિયાએ એ રસ બનાવ્યો હતો. હવે ભમરો એમાંથી મધ બનાવશે. એવા જ કોઈ ભમરાએ બનાવેલું મધ હું વાપરીશ અને મુખમાં મીઠાશ વ્યાપી જશે.

    અને એટલામાં જ આ શાંત માહોલમાં ખલેલ પાડતી, કોલાહલ કરતી, શાળાના બાળકોની એક વાનરસેના ત્યાં આવી પહોંચી. શોરબકોર મચી ગયો. શિક્ષિકાએ બાળકોને રોમ, રોમન સંસ્કૃતિ અને રોમન બગીચા વિશે જ્ઞાન આપતું નાનકડું પ્રવચન કર્યું; ફોટા પડ્યા અને એ લશ્કર વિદાય થઈ ગયું. ફરી પાછી શાંતિ સ્થપાઈ ગઈ.

    અને મન વિચારે ચઢી ગયું.

    એ રોમન સંસ્કૃતિ પણ ન રહી. આ આર્બોરેટમ પણ નહીં રહે. આ વસંત પણ નહીં રહે.  એ ભમરો પણ વિદાય થઈ જશે. એ અઝેરિયા પણ એક બે દિવસમાં કરમાઈને ધૂળ ભેગાં થઈ જશે. એ વાનરસેના બીજી કોઈ મસ્તીમાં પ્રવૃત્ત થશે. અમે પણ પાંચ મિનિટમાં ઊઠીને બાજુમાં આવેલા એક બીજા બગીચા તરફ પ્રયાણ કરીશું. બાંકડો ફરી સૂનો પડી જશે. સાંજ પડશે અને આ બધો નજારો રાતની કાળી ચાદર ઓઢીને પોઢી જશે. અમે પણ અમારા થાનકે પાછા પહોંચી જઈશું.

    સતત પરિવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..

    અને  ટેનીસનની મને બહુ ગમતી કવિતા ઊભરી આવી –

    There rolls the deep, where grew the tree
    O! earth what changes hast thou seen?
    There where the long street rolls hath been
    The Stillness of the central sea.

    – Tennyson


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા : ૧૫

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના પંદરમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકથી કેવળ ‘વાર્તાવ્યંગ્ય’ શિર્ષકથી જ કાર્ટૂન ચીતરાતાં રહ્યાં. ‘ઊધઈ ઊવાચ’ અંતર્ગત કાર્ટૂનો તેરમા અંકમાં છેલ્લી વાર દેખાયાં.

    વાર્તાવ્યંગ્ય

     

     

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ગુમરાહ : દુનિયાએ કંડારી રાખેલા રસ્તા કરતાં જુદો રસ્તો એ હંમેશા આડો રસ્તો હોતો નથી

    સંવાદિતા

    બહુ ઓછા લોકો જાય એ કેડી મેં પસંદ કરી. આ બધો ફરક એના કારણે છે

    – રોબર્ટ ફ્રોસ્ટ

    ભગવાન થાવરાણી

    બલવંત સિંહ આમ તો ઉર્દૂના લેખક પણ પછીથી એમણે હિંદીમાં લખવાનું પણ શરૂ કરેલું. જન્મ ૧૯૨૧માં હાલના પાકિસ્તાની પંજાબના ગુજરાંવાલામાં અને દેહાંત અહીંના અલ્લાહાબાદમાં ૧૯૮૬માં. નવલકથા અને વાર્તા સાહિત્યમાં એમનો દરજ્જો તો ઉર્દૂના દિગ્ગજો કૃષ્ણ ચંદર, મંટો, રાજીંદરસિંગ બેદી અને ઈસ્મત ચુગતાઈ સમકક્ષ ગણાય પણ એમના અંતર્મુખી અને અતડા સ્વભાવના કારણે બાવીસ નવલકથાઓ અને બસો જેટલી વાર્તાઓ લખવા છતાં આજીવન અપેક્ષાકૃત ગુમનામીમાં રહ્યા. એક વિવેચકે લખ્યા પ્રમાણે ‘ એ પોતાની ચામડીની ભીતર જ રહેવાનું પસંદ કરતા ‘ !  ‘ કાલે કોસ ‘ અને ‘ રાવી પાર ‘ એમની સૌથી ચર્ચિત નવલકથાઓ.
    એમની એક વાર્તા ‘ ગુમરાહ ‘ ની વાત કરીએ. વાર્તા મૂળ ઉર્દૂમાં લખાયેલી. ગુમરાહ એટલે રસ્તો ભૂલેલ વ્યક્તિ.
    એક પિતા ચિંતિત છે. એમના માંડ કિશોરાવસ્થામાં પ્રવેશેલ દીકરા વિષે એના માસ્તરે એકાધિક વાર ફરિયાદ કરી છે કે એ અવારનવાર સ્કૂલે આવતો નથી. ઘરેથી તો એ દરરોજ નિયમિત સ્કૂલે જવા નીકળી જતો. મધ્યમવર્ગીય કારકૂન પિતાને તો દીકરો ભણીગણીને આગળ વધશે અને ‘ કુટુંબનું નામ રોશન કરશે ‘ એવા અરમાન હતા અને હવે માસ્તર સાહેબની આ ફરિયાદ !
    એક દિવસ પિતા સ્કૂલે જવા નીકળેલા દીકરાને ખબર ન પડે એ રીતે એનો પીછો કરે છે. દીકરો ખરેખર સ્કૂલના રસ્તાને બદલે ઊંધો રસ્તો પકડે છે. એ સીધો નગરની ભાગોળે ડેરો નાખી પડેલા નટ બજાણિયાની બસ્તીમાં જાય છે. પહેલાં તો પિતાને થયું કે અત્યારે જ એ બદમાશનો કાન પકડીને ‘ સીધો દોર ‘ કરું પણ પછી વિચાર્યું, જોઈએ તો ખરા એના હવે પછીના પરાક્રમ ! બજાણિયાના ખેલ રસપૂર્વક જોઈ સીટી વગાડતો દીકરો તો નિજાનંદે મસ્ત હતો. એ ચોમેર ફેલાયેલી વનરાજીમાં વિહરતો આગળ આવેલી મદારીઓની વસાહતમાં પહોંચ્યો. ઓત્તારી ! પણ પિતાને યાદ આવ્યું, એ પોતે નાના હતા ત્યારે પણ ક્યારેક ઘૂમતા અહીં આવી ચડતા. વસાહતમાંથી થોડાક ખતરનાક કૂતરા જોર જોરથી ભસતા દોડી આવ્યા પણ છોકરાને જોઈને શાંત થઈ ગયા ! એ એને ઓળખતા હતા. ત્યાં તો મદારીઓના છોકરાં પણ તંબૂઓમાંથી બહાર નીકળી આવ્યા અને દીકરાના ગોઠિયા હોય તેમ એને વીંટળાઈ વળ્યા. એમાંના એકે તો દીકરાના ગળામાં ચાર – પાંચ જીવતા સાપ પહેરાવી દીધા ! પિતા આતંકિત ! એમનો ગુસ્સો હવે દીકરા માટેની ચિંતામાં ફેરવાયો. દીકરો જરાય વિચલિત નહોતો . એ હસતો હતો. સાપ તો સહજતાથી એના શરીર પરથી સરકી નીચે ઘાસમાં ખોવાઈ ગયા !
    બાપનો ગુસ્સો હવે ધીમે ધીમે લાગણીમાં પલટાતો હતો. દીકરો જે કંઈ કરે છે એ ગુનાઈત તો નથી જ.
    પ્રકૃતિના તત્ત્વો જોડે રમતો, ખેલતો, કૂદતો દીકરો હવે નગરની નદીના કિનારે કરચલા પકડતા માણસોને જોવામાં તલ્લીન બન્યો. પિતાને થયું, એક હું , વર્ષોથી આ બધા નિર્દોષ આનંદથી વેગળો, સંઘર્ષોમાં ગૂંચવાયેલો કલમ ઘસ્યે જાઉં છું અને બીજી તરફ મારો દીકરો જેણે પરિઆવરણ જોડે મૈત્રી કેળવી લીધી છે !
    ત્યાં અચાનક દીકરાની નજર પિતા પર પડી અને એ એક સાથે ખસિયાણો અને ભયભીત ! પણ પિતાનો પ્રતિભાવ સાવ અનપેક્ષિત હતો ! એ તો એને વઢવાને બદલે આશ્વસ્ત કરે છે ! થોડીક વારમાં બન્ને વચ્ચેનું અંતર અદ્રષ્ય થઈ ગયું. બન્ને બાપ દીકરો મિત્રોની જેમ નદી પાર કરી સામે કાંઠે જાય છે. બાપ દીકરાને પીઠ ઉપર બેસાડી નદી વટાવે છે. દીકરો હવે હોંશે હોંશે પિતાને સામે પાર રહેતા લકડહારા, મંદિરના સ્વામીજી અને ગુરુદ્વારાની વાતો કરે છે. સામે કાંઠે મળતા સ્વામીજી તો દીકરાના પેટ ભરી વખાણ કરે છે ! એ પછી આવતા ચાના બગીચામાં ચાની પાંદડીઓ વીણતી સ્ત્રીઓ પણ આ બાળકને ઓળખતી હતી. એક ઝૂંપડાંમાંથી નીકળીને એક સ્ત્રીએ તો છોકરાને વર્ષોથી ઓળખતી હોય એમ પૂછ્યું પણ ખરું ‘ બહુ દિવસો પછી આવ્યો તું દીકરા ! ‘
     
    દીકરો ઉત્સાહપૂર્વક પિતાને એની આ દુનિયાની વાત કરે છે. પિતાએ સિગરેટ સળગાવતાં એ એમને લાડપુર્વક ટોકે છે ‘ સારા માણસો ધૂમ્રપાન ન કરે ‘ . પિતાને ફરી દીકરા પર વહાલ ઉભરાઈ આવે છે. એ ઘડીક વિચારે છે, દીકરાને સ્કૂલ ન જવા બદલ ઠપકો આપવો કે નહીં પણ થોડાક મનોમંથન પછી માંડી વાળે છે. જે જગતથી એ પોતે અલિપ્ત હતા એ દીકરાનું ચિરપરિચિત જગત હતું !
    બન્ને સાંજે ઘરે પરત ફરે છે. પિતાની સાથે નોકરી કરતા કોઈક ખણખોદિયાએ  એમની પત્નીના કાનમાં ફૂંક મારી દીધેલી કે એ આજે ઓફિસ આવ્યા નહોતા. પત્ની ધુંઆંફુઆં ! એ કરડાકીથી તાડૂકે છે. પિતા બધો વાંક પોતાનો છે કહી દીકરાનો બચાવ કરે છે. પોતાના કારણે પિતાએ સાંભળવું પડ્યું એનો અપરાધ ભાવ અનુભવતો દીકરો રાતે પિતાની સોડમાં લપાય છે પણ એવી રીતે જાણે એ પિતાને પોતાની સોડમાં લેતો હોય ! હવે એ પિતા છે અને પિતા પુત્ર ! એ પિતાને સધિયારો આપે છે ‘ હવેથી હું ભણવામાં ધ્યાન આપીશ. બીજે ક્યાંય નહીં જાઉં. ‘
    એ ઘટનાના મહિનાઓ પછીની એક રાત. દીકરો હવે સ્કૂલ અને હોમવર્કમાં રચ્યો – પચ્યો રહે છે. એની મા અને શિક્ષકો હવે એનાથી ખુશ છે કારણ કે હવે એ ‘ ગુમરાહ ‘ નહીં પણ ‘ સીધા રસ્તે ‘ છે. પણ પિતા ?
    એ મનોમન ઈચ્છે છે કે દીકરો ફરી એક વાર સ્કૂલેથી ( અને પોતે ઓફિસેથી ! ) ભાગી રખડપટ્ટી કરવા નીકળી જાય. એમને લાગે છે કે પહેલાં દીકરો ગુમરાહ હતો, હવે એ પોતે છે. દીકરો તો ધોળે દિવસે રસ્તો ભૂલેલો એટલે પાછો ફર્યો, જે રાત્રિના અંધકારમાં પથચ્યુત થાય એનું શું !
    ‘ ગુમરાહ ‘ વાર્તા કેટલાક પ્રશ્નાર્થો છોડી જાય છે. સાંપ્રત સમયમાં પણ એ એટલા જ પ્રસ્તૂત છે જેટલા આ વાર્તા લખાઈ ત્યારે હતા.
    – શું શાળાનું ભણતર જ એકમાત્ર ભણતર છે ?
    – પ્રકૃતિના ખોળે વિહરતાં,  એના સાન્નિધ્યે ઉછરતા લોકોને હળીમળીને જે પ્રાપ્તિ થાય છે એ સમાજ માન્ય ભણતર કરતાં કમ છે ?
    – બાળકના કુદરતી આવેગોને ખાળી એને આપણે કંડારેલા માર્ગે જ ઘસડી જઈએ એ બરાબર છે ?
    – બધા જ ‘ અલગ રસ્તા ‘ શું ‘ ખોટા રસ્તા ‘ જ હોય ?

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૧

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચાને સમજવો

    ૪.૬ : અંશ # ૩  થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    જીવનની અર્થવ્યવસ્થાની નિર્ણયપ્રક્રિયાઓની રેખાકૃતિ 

    જીવનની અર્થવ્યવસ્થા બહુ સરળ છે. અર્થવ્યવસ્થાની સફરના નાણાકેન્દ્રિત વ્યવહારોનો પડાવ આપણે વટાવી ચૂક્યાં છીએ. આપણે હવે  એવા તબક્કામાં આવ્યાં છીએ જ્યાં આપણે કેવી અર્થવ્યવસ્થા અનુકૂળ આવશે અને તેનો અમલ આપણે શી રીતે કરવો છે તે નક્કી કરવું એ આપણી પોતાની પસંદગીનું ક્ષેત્ર છે. આ અર્થવ્યવસ્થાની ખીલવણી માટે આપણે અર્થશાસ્ત્રીઓનાં અર્થશાસ્ત્રની મદદ લેવી કે ન લેવી, એ અર્થશાસ્ત્રનું અને આપણી અંગત અર્થવ્યવસ્થાનું કોઈ પ્રમાણમાં મિશ્રણ કરવું કે ન કરવું, એ અર્થવ્યવસ્થાના નિયમો સમજવા છતાં તેમને બાજુએ મૂકવા ન મૂકવા વગેરે બાબતો વિશે આપણે, અને માત્ર આપણે જ, નિર્ણયો કરવાના છે.

    આપણા દરેકના રંગ, રૂપ, ઉછેર, જ્ઞાન અને અનુભવો, વિચારો, સંજોગો,  ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂતકાળનાં તેમજ વર્તમાનનાં પરિબળો, સાવે સાવ, આગવાં છે, તેથી આપણી પોત પોતાની અંગત અર્થવ્યવસ્થા પણ સાવ આગવી જ રહે છે. જીવનની અર્થવ્યવસ્થા એ આપણા હાથમાંના આ પુસ્તક કે પછી બીજાં કોઇ પણ પુસ્તક કે અમુકતમુક ઢાંચાઓ વડે સુચવાયેલી કોઈ અર્થવ્યવસ્થા નથી. આપણા જેવી જ દેખાતી પરિસ્થિતિમાં રહેલ કોઈ બીજી વ્યક્તિને અમુક અર્થવ્યવસ્થા અનુકૂળ આવી એટલે આપણને પણ આવશે એવું તો બિલકુલ નથી. ત્યાં સુધી કે,  અમુક સંજોગો કે સમયમાં આપણને જ અનુકૂળ આવી હતી એવી પણ કોઈ અર્થવ્યવસ્થા હોતી નથી. ગમે એટલા આદર્શ જણાતાં મોડેલ કે સાર્વત્રિક મનાતા નિયમો એક માર્ગદર્શિકાથી વધારે કંઈ નથી, ન હોઈ શકે. આપણે ડિજિટલ ટેક્નોલોજિના વ્યવસાયના સફળ સંસ્થાપક હોઇએ, આપણો વ્યવસાય પણ અમેરિકામાં જ હોય તો પણ બિલ ગેટ્સ કે સ્ટીવ જૉબ્સને જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે, આપણો વ્યવસાય ભારતમાં હોય તો જમશેદજી તાતાને કે ધીરૂભાઈ અંબાણીને કે નારાયણ મૂર્તિને, જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે. બિલ ગેટ્સ બિલ ગેટ્સ છે અને આપણે આપણે છીએ. આપણે પોતે વિકસિત,કે વિકાસશીલ કે અણવિકસિત જેવી અલગ અલગ પ્રકારની જે અર્થવ્યવસ્થામાં રહેતાં હોઇએ,  એ દરેક પરિસ્થિતિઓના અલગ અલગ સમયકાળના સંજોગો મુજબ આપણી અંગત અર્થવ્યવસ્થા, એ જ અર્થવ્યવસ્થામાં એ જ સમયકાળમાં રહેતાં બીજાં લોકો કરતાં, સાવ અલગ જ હશે.

    અર્થવ્યવસ્થાનાં અમુકતમુક આદર્શ મોડેલનું ન હોવું એ એક હકીકત છે. તો બીજી બાજુ  છે આપણી આગવી આર્થિક જીવનદૃષ્ટિને અનુરૂપ, આપણા આર્થિક નિયમોને કે અર્થવવસ્થા. નાં આપણાં પોતાનાં મોડેલ મુજબની આપણી પોતાની અર્થવ્યવસ્થા. આપણાં પોતાનાં અર્થતંત્ર કે વ્યવસ્થાને  ન ખીલવવામાં, કે અમલ કરવામાં, આદર્શ મોડેલનું ન હોવું એ અવરોધ નથી, ન હોઈ શકે. તેનું કારણ પણ બહુ સ્પષ્ટ છે.

    જીવનની અર્થવ્યવસ્થા એ આપણાં જીવન માટે, આપણા દૃષ્ટિકોણથી, આપણે નક્કી કરેલાં સુખનાં લક્ષ્યને સિદ્ધ કરવા માટેની, આપણી, અંગત, અર્થવ્યવસ્થાના ઘડતર માટેના નિર્ણયો લેવા માટેનું માળખું છે. એ માળખાંની મદદથી આપણને સમજણ પડે તેવી, આપણી વર્તમાન અને ભાવિ જરૂરિયાતો પુરી કરતી રહી શકે તેવી રેખાકૃતિ આપણે આપણી નજર સમક્ષ રાખી શકીએ છીએ. આ રેખાકૃતિની રેખાઓ પથ્થર પર કોતરેલી લકીરો નથી. આપણે નક્કી કરેલા નિયમો, તેમાંથી વિકસતું આપણી પોતાની અર્થવ્યવસ્થાનું તંત્ર, દરેક તબક્કે, બહુ બહુ તો, એવી માર્ગદર્શિકાઓ છે, જે આપણાં જીવનની અર્થવ્યવસ્થાના પ્રવાહોની દિશા નક્કી કરવામાં મદદરૂપ બનતું એક સક્ષમ સાધન માત્ર છે.

    આપણા જીવનના દરેક તબક્કે દરેક બદલતા સંજોગો અને સંદર્ભો તેમજ બદલતી રહેતી અપેક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર આપણા જીવનની અર્થવ્યવસ્થા પરિવર્તન પામતી રહે છે, અને રહેશે.

    યાદ રહે કે આપણા જીવનની આપણે પોતે નક્કી કરેલી અર્થવ્યવસ્થા એ અંતિમ સાધ્ય નહીં પણ, હંમેશાં, ભલે ગમે તેટલી આવશ્યક અને સક્ષમ હોય, પણ એક સાધન માત્રથી વિશેષ નથી.

    આપણાં જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટેના નિર્ણયો લેવા માટેના આ માળખાંને સક્ષેપમાં આ રીતે રજુ કરી શકાય.

    આપણે અત્યારે ક્યાં છીએ

    આપણે, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક એવા કોઈને કોઈ સમુદાયનો હિસ્સો છીએ. આપણને ગમે કે ન ગમે, કોઈ સમુદાય સાથેનાં આપણાં જોડાણ બાબતે આપણે સભાન હોઈએ કે ન હોઈએ, આપણે વિવિધ સમુદાયોમાં જ વસીએ છીએ. જેમ જેમ આપણે દુનિયામાં આપણા સ્થાન વિશેની આપણી સમજણ વધતી જાય તેમ તેમ આપણે એક સમુદાયમાંથી બીજા સમુદાય સાથે ભળવાના જાણ્યેઅજાણ્યે, પ્રયાસ કરીએ છીએ. દરેક વખતે, આપણી પસંદગીના સમયે, આપણી પસંદગી મુજબના સમુદાયમાં એવી ફેરબદલી સરળ હોય એ જરૂરી નથી. આપણે જે સમુદાયમાં છીએ તેમાંથી બહાર નીકળી જવું તો, મોટા ભાગે, વધારે મુશ્કેલ નીવડતું હોય છે. આપણા જેવા સામાન્ય માણસને મોટા ભાગે તો સમુદાય બદલીનો વિચાર આવે જ નહીં. આવે તો પણ એ કામ એટલું મુશ્કેલ જણાય કે એવો પ્રયત્ન કરવાનો વિચાર આવતાંની સાથે જ આપણે માંડી વાળવામાં શ્રેય જોતાં હોઈએ છીએ.

    આપણા જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટે આપણે હાલમાં કયા પ્રકારના સમુદાયનો ભાગ છીએ તે સમજવું જરૂરી છે. આજે વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણ સમુદાયમાં વસતી વ્યક્તિ કાલે નોકરિયાત તરીકે સરકારી કે ખાનગી ક્ષેત્રના સમુદાયનો હિસ્સો બની શકે છે. નોકરિયાત તરીકે પાછા આપણે નાણાકીય કે માર્કેટિંગ, કે ઉત્પાદન વ્યવસ્થાપન જેવા પેટાસમુદાયનો હિસ્સો પણ હોઇએ છીએ. પણ, એક વસ્તુ તો ચોક્કસ છે કે સન્યાસ લઈને હિમાલયમાં જઈને વસીએ કે ખ્રિસ્તી, જૈન કે બૌદ્ધ સાધુની જેમ પોતાની બધી જ સંપતિઓનો ત્યાગ કરી નાખીએ, તો પણ ઓછે કે વત્તે અંશે, કોઈને કોઈ રીતે, આર્થિક સમુદાયનો હિસ્સો અચુકપણે રહેવાનાં  જ છીએ.

    આપણા સમુદાયના અને આપણા પોતાના નિયમો 

    જ્યારે આપણે કોઈ સમુદાયનો હિસ્સો હોઈએ છીએ ત્યારે આપણે એ સમુદાયના નિયમો મુજબ તેમજ આપણા પોતાના સિધ્ધાંતો અનુસાર, એમ બેવડી વ્યવસ્થા અનુસાર એક સાથે, રહેવું પડે છે. સમુદાયના નિયમો આપણો સંદર્ભ  પણ છે અને અંકુશ પણ છે. આપણા સિધ્ધાંતો આપણી જીવન અંગેની ફિલસુફી, કે તેનો એક ભાગ, છે. આપણા દેશ અને શહેરના પોતાના નિયમો છે. આપણે જ્યાં નોકરી કરીએ છીએ તેના પોતાના નિયમો છે. આપણે જે ધર્મ કે આસ્થામાં માનીએ છીએ તેના, આપણાં ખાનપાનના કે ધનસંગ્રહ જેવી બાબતોના, પોતાના આગવા નિયમો હોય છે. આ બધા નિયમો મળીને આપણી આસપાસનું જે વાતાવરણ સર્જાય છે, તે આપણી જીવન વ્યવસ્થાનો સંદર્ભ નક્કી કરે છે.

    આપણા આ સંદર્ભની પસંદગી થકી, અને તેની સાથે આપણે શી રીતે કામ લેવું છે તેના વડે, આપણી ઓળખ  નક્કી થાય છે.

    આપણા પોતાના જીવન સિદ્ધાંતો બાબતે, સામાન્યપણે, આપણે સભાન નથી હોતાં. એટલે, તેટલા અંશે, એ સિદ્ધાંતોથી  અજાણ પણ  હોઈએ છીએ. આપણું જીવન આ સિધ્ધાંતોથી એટલી હદે આપોઆપ ચાલતું હોય છે કે આપણે તેની સામે નથી તો કદી પશ્ન કરતાં કે નથી તો કોઈ ચોખવટ માગતાં. આપણાં વર્તન, નિર્ણયો અને પગલાંઓનું એ અભિપ્રેત ચાલક બળ બની રહે છે.

    આપણી પોતાની આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતરનું પહેલું પગથિયું આપણા જીવન સિધ્ધાંતોને, આપણી જીવન ફીલસૂફીને, સભાનપણે સ્પષ્ટ કરવાનું છે. એ પછી, તેનું વિશ્લેષણ કરવું જોઈએ. એ વિશ્લેષણ આપણને આપણા સિધ્ધાંતો બદલવાની જરૂર છે કે ચાલુ રાખવાની જરૂર છે એ નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં મુકી આપી શકે તેવું હોવું જરૂરી છે. જોકે તેવો નિર્ણય લેવો કે નહીં તે, મહદ અંશે, આપણે, સ્વેચ્છાએ, સભાનપણે લેવાનો છે. આપણી સ્વેચ્છા એ શબ્દપ્રયોગ અહીં  સાપેક્ષ અર્થમાં છે, કેમકે આપણે જે સમુદાયમાં વસીએ છીએ તેના નિયમોના સંદર્ભની, સીધી કે આડકતરી, અસર આપણા આ નિર્ણય લેવાની પસંદગી પર પડે જ છે. એટલે ખરેખર તો ઇચ્છનીય એ રહે કે આપણા સમુદાયના નિયમોના સંદર્ભનું આપણે સમજપૂર્વક મૂલ્યાંકન કરીએ અને તેને ધ્યાનમાં લઈને આપણા સિધ્ધાંતોમાં ફેરફાર કરવા જરૂરી છે, કે આપણા સંદર્ભનું નવી દૃષ્ટિથી મૂલ્યાંકન કરવું જરૂરી છે તે નક્કી કરીએ. જો આપણા સિધ્ધાંતમાં ફેરફાર કરવો યોગ્ય ન જણાય તો, કદાચ, આપણા સમુદાયને બદલવાનો વિચાર પણ આપણે કરવો પડે.

    આ, આપણી આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતર માટે આપણા જીવન સિધ્ધાંતો અને આપણે જે સમુદાયનો હિસ્સો છીએ તેના નિયમોની સમીક્ષા કરવી એ પહેલો, અને ખુબ મહત્ત્વનો, વિચાર વ્યાયામ છે.

    આર્થિક સમુદાયના નિયમો

    ભારતના નાગરિક હોવું, અમુક ધર્મ કે વ્યવસાય સાથે સંકળાયેલા હોવું, યુવાન, મધ્ય વયના કે પ્રૌઢ કે નિવૃત હોવું, કે પછી કોઈ સામાજિક સંસ્થા કે સખાવતી પ્રવૃતિ સાથે જોડાયેલા હોવું જેવા વિવિધ સમુદાયોના આપણે એક સાથે સભ્ય હોઈ શકીએ છીએ. પરંતુ જ્યાં પણ, જે પણ પરિસ્થિતિમાં, રહેતા હોઇએ, જે કોઈ પણ સમુદાયના સભ્ય હોઇએ, આર્થિક સમુદાય એક એવો સમુદાય છે જેના સભ્ય તો આપણે હોઈએ જ છીએ. તેથી આપણી પોતાની અર્થવ્યવસ્થાની રૂપરેખા ઘડતી વખતે એ આર્થિક સમુદાયના સંદર્ભો આપણા ધ્યાન બહાર ન જાય એ બહુ જ આવશ્યક બની રહે છે. આપણી દરેક પ્રવૃતિ કે યોગદાન, ઓછેવત્તે અંશે, કોઈને કોઈ પ્રકારનાં આર્થિક વળતરના સ્વરૂપમાં જોવા મળે જ છે.  જે આર્થિક સમુદાયના આપણે સભ્ય છીએ તેના પોતાના નિયમો પણ હોય જ.

    કોઈ પણ આર્થિક તંત્રનો સૌથી મહત્ત્વનો નિયમ, તેમજ સદર્ભ, નાણા જ હોય; બધી અર્થવ્યવસ્થાઓ નાણાની આસપાસ જ રચાતી હોય છે. આપણા દરેક વ્યવહારો કે યોગદાનોના લેણદેણના વિનિમય માટે સર્વસામાન્ય માધ્યમ પણ નાણા જ હોય છે. આપણી સફળતા, આપણી બીજા સમુદાયોમાં સ્વીકૃતિ જેવા કોઈ પણ માપદંડ, એક યા બીજા સ્વરૂપે, નાણા દ્વારા જ નિર્દિષ્ટ થતા હોય છે. જો દરેક અર્થમાં સંસારનો ત્યાગ કરીને હિમાલયમાં વાનપ્રસ્થ અવસ્થામાં જીવન ગાળવાનું નક્કી કર્યું ન હોય તો, આપણે આ સ્વીકારવું રહ્યું, અને એ મુજબ જ આગળ વધવું રહ્યું.

    આપણી આર્થિક જીવનદૃષ્ટિનું બીજું મહત્ત્વનું પરિબળ નાણાના સંદર્ભમાં આપણે નક્કી કરેલા આપણા સિધ્ધાંતો છે. નાણા કેમ મેળવવાં, કેમ ખર્ચ કરવાં, તેના શા શા ઉપયોગો કરવા વગેરે બાબતો વિશે આપણા સિધ્ધાંતો વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે.

    નાણા વિશે આપણે શું વિચારવું જોઈએ?

    પહેલું તો એ કે નાણા વિશે આપણી જે કંઈ સમજણ હોય તે, બહુ ઝીણવટથી, તપાસી જવી જોઈએ. તે પછી,નાણા બાબતે આપણા દૃષ્ટિકોણ શું છે તે વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. તદુપરાંત, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આપણા આર્થિક નિર્ણયો અને પ્રવૃતિઓને લગતા આપણા સિધ્ધાંતોને આપણે બરાબર સમજીને અને વિચારીને સ્પષ્ટ કરી લેવા જોઈએ.

    આમ છતાં, જીવનની અર્થવ્યવસ્થાની સમગ્ર ચર્ચાવિચારણા માટે જે બહુ જ મહત્ત્વનો પદાર્થપાઠ આપણે યાદ રાખવાનો છે તે એ છે કે આપણે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા પૂરતું સીમિત નથી બની રહેવાનું. નાણા બિલકુલ અપ્રસ્તુત હોય, કે પછી કમસે કમ ઓછા મહત્વનાં હોય, એવા વિકલ્પોની આપણી ખોજ અવિરતપણે ચાલતી રહેવી જોઈએ.

     

    હવે પછીના મણકામાં આપણે આપણી આગવી અર્થવ્યવસ્થાનાં ઘડતર માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • નિર્જન કચ્ચાથીવુ દ્વીપ વિવાદમાં : ધુમાડો અને પ્રકાશ

    નિસબત

    ચંદુ મહેરિયા

    પચાસ વરસ પહેલાં, ૧૯૭૪માં,  થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ જેના માલિકી હકનો વિવાદ સમાપ્ત થયો હતો તે કચ્ચાથીવુ દ્વીપનો મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના  પ્રચારમાં ગરમાયો છે. તમિલ રાજનીતિનો આ વિવાદિત મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉઠ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવુ શ્રીલંકાને આપી દેવાના કોંગ્રેસના પગલાંને ‘ મા ભારતી કા એક અંગ કાટ દિયા’  થી માંડીને ‘ દેશની એકતા, અખંડતા અને હિતો વિરુધ્ધનું ‘ ગણાવ્યું છે. તમિલનાડુનો સત્તાપક્ષ ડીએમકે  કચ્ચાથીવુ પ્રશ્ને કોંગ્રેસની સાથે નથી પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનનો ભાગ છે એટલે તેના આ બેવડા વલણને ભાજપ વખોડે છે. આ સ્થિતિમાં રાજકીય દોષારોપણથી આગળ જોઈને આ પ્રશ્ને ખરી હકીકતો જાણવાની જરૂર છે. પણ આજે તો કચ્ચાથીવુ વિવાદની આગથી ઉઠેલા ધુમાડે સૌને તાપી લેવું છે. એની પછવાડેનો પ્રકાશ કોઈને શોધવો નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે પાક જલડમરુ મધ્ય અર્થાત પાણીનો માર્ગ બને છે. તેના પર ઘણા દ્વીપ આવેલા છે. તે પૈકીનો એક કચ્ચાથીવુ છે. આ નિર્જન ટાપુ ભારતના રામેશ્વરમથી બાર માઈલ અને શ્રીલંકાના જાફનાના નેન્દુતીવુથી સાડા દસ માઈલના અંતરે આવેલો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો કચ્ચાથીવુ દ્વીપ ચૌદમી  સદીમાં જ્વાળામુખીના વિસ્ફોટથી રચાયો હતો. રેતીલા અને પરવાળાના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો અહીં પુષ્કળ પ્રમાણમાં છે. તેથી મોટા વહાણો ત્યાં લાંગરી શકતા નથી. પીવાના સાફ પાણીના અભાવે કચ્ચાથીવુ પર કોઈ માનવ વસ્તી નથી. માછીમારો આરામ માટે કે તેમની જાળ સુકવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટાપુ પરનું એક માત્ર બાંધકામ કદાચ ખ્રિસ્તીઓ જેને નાવિકોના સંરક્ષક સંત માને છે તેવા સંત એન્થનીનું ચર્ચ છે. એટલે તેના વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં એક બે દિવસ ભારત અને શ્રીલંકાના માછીમારો ત્યાં જાય છે. તે સિવાય ટાપુ પર માનવીય અવરજવર સીમિત છે.છતાં તેની માલિકીનો વિવાદ હજુ ય યથાવત છે.

    ૨૮૫ એકરનો કચ્ચાથીવુ દ્વીપ રામનાથપુરમના રાજાને અધીન હતો. પછી તે મદ્રાસ પ્રેસીડેન્સીનો ભાગ બન્યો હતો. ભારતના માછીમારો અને શ્રીલંકાના તમિળો પારંપારિક રીતે તેનો માછીમારી માટે ઉપયોગ કરતા હતા. બ્રિટિશ શાસનમાં પણ  બંને દેશો તેનો સંયુક્ત ઉપયોગ કરતા હતા. ૧૯૨૧માં માછીમારી માટે બંને દેશોએ એક માત્ર પોતાનો જ હક હોવાના દાવા કર્યા અને તેની માલિકીનો વિવાદ પેદા થયો.તે ઉકેલવાના પ્રયાસો બંને દેશોના રાજદ્વારીઓ ભારતના સ્વાતંત્ર્ય પછી પણ કરતા રહ્યા હતા. ૧૯૪૮માં શ્રીલંકાએ તેની અનુમતિ વિના ભારતીય નૌસેના અભ્યાસ નહીં કરી શકે એમ જણાવ્યું અને ૧૯૫૫માં ત્યાં શ્રીલંકન એરફોર્સે અભ્યાસ કર્યો. તેથી પણ તણાવ વધ્યો. ૧૯૭૪માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકન વડાપ્રધાન સીરીમાવો બંડારનાયક વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી થઈ અને ભારતે કચ્ચાથીવુ પર પોતાના દાવો જતો કરી તેની માલિકી શ્રીલંકાને આપી દીધી. બંને દેશો વચ્ચે  આંતરરાષ્ટ્રીય જળ સીમા નિર્ધારિત થઈ હોવા છતાં માછીમારોની અવરજવર અને ધાર્મિક ઉત્સવમાં વિના વિસાએ જવાનું ચાલુ રહ્યું હતુ. ૧૯૭૬માં બંને દેશો વચ્ચેની અન્ય સમજૂતીમાં એકબીજાના વિશેષ આર્થિક ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લદાયો. તેથી તમિલનાડુનામાછીમારો માટે મુશ્કેલીઓ ઉભી થઈ.

    તમિલનાડુ સરકારે કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના નિર્ણયનો ૧૯૭૪થી જ વિરોધ કર્યો હતો. તમિલનાડુની રાજ્ય સરકારને આ નિર્ણય તેમના રાજ્યના માછીમારોના હિત વિરુધ્ધનો લાગતો હતો.રાજ્યમાં રાજવટ ડીએમકેની હોય કે એઆઈડીએમકેની બંને પક્ષો કેન્દ્રના આ નિર્ણયને રાજ્યના હિત વિરુધ્ધનો ગણતા હતા. ૨૦૦૮ અને ૨૦૧૧માં રાજ્યની વિધાનસભામાં કચ્ચાથીવુ દ્વીપ પરત મેળવી લેવા વિનંતી કરતો પ્રસ્તાવ પણ પસાર થયો હતો. હાલના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને પત્રો લખી વિનંતી કરી છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ટાપુ પરત લેવા દાદ  માંગી હતી.

    શું કચ્ચાથીવુ દ્વીપ પરત લઈ શકાય ? ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીઓનો ઉદ્દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટેનો હતો. આ પ્રકારની સમજૂતી બંને પક્ષોની સંમતિથી અને બંનેના હિતમાં હોય તે પ્રકારે થાય છે. સમુદ્રમાં સંસાધનોનું પ્રબંધન અને કાયદાના અમલનો પણ તેનો ઉદ્દેશ હતો..એટલે  કચ્ચાથીવુ પરત મેળવવો થુકેલું ચાટવા બરાબર છે. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટમાં તમિલનાડુ સરકારની અપીલના સંદર્ભે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા તત્કાલીન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘કચ્ચાથીવુ દ્વીપ સમજૂતી પ્રમાણે શ્રીલંકાને આપ્યો છે. હવે તે વૈશ્વિક જળ સીમાનો હિસ્સો છે. હવે તેને પરત મેળવવા માટે શ્રીલંકા સામે યુધ્ધ કરવું પડે.’ શું આ શક્ય છે?

    સીમા વિવાદો ઉકેલવાનો સ્થાપિત ચીલો જમીનની લેવડદેવડ છે. ભારતે કચ્ચાથીવુ દ્વીપ આપ્યો છે તો બદલામાં કન્યાકુમારી તરફની વાડ્જ બેંક ( ઈકો સિસ્ટમ માટેનો સામાન્ય શબ્દ) મેળવી પણ છે. અહીં માછીમારી પણ થઈ શકે છે અને ખનિજ સમૃધ્ધ વિસ્તાર પણ છે. હાલની કેન્દ્ર  સરકારે બાંગ્લાદેશ સાથેના  જમીન વિવાદમાં કરેલી સમજૂતીમાં વધુ જમીન આપીને ઓછી મેળવી છે. ચીન સરહદે ભારતે જમીન ગુમાવ્યાના આક્ષેપો વિપક્ષ સતત કરે જ છે ને?

    જ્યારે કોઈ મુદ્દો લોકહિતના નામે રાજકીય રૂપ ધારણ કરે છે ત્યારે સારાસાર વિવેક પણ ચૂકી જવાય છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર સભાઓમાં કચ્ચાથીવુ મામલે વિરોધ કર્યા પછી વિદેશમંત્રી એસ. જયશંકરે પત્રકાર પરિષદમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. વર્તમાન વિદેશમંત્રીનું પૂર્વના વિદેશ સચિવ તરીકેનું વલણ અને અભિપ્રાય અને હાલનું વલણ ધ્યાનથી ચકાસીએ તો તેમાં વિવાદનો ધુમાડો વધુ છે અને વાસ્તવિક પ્રકાશ ઓછો છે.

    કચ્ચાથીવુ તરફ  માછીમારી માટે જતા ભારતીય માછીમારોની ધરપકડો, તેમના વહાણોની જપ્તી અને ગોળીબારની ધમકીના બનાવો બન્યા છે. આ માછીમારોના અધિકારોનું હનન છે કે શ્રીલંકાની  જોહુકમી ? તેવો સવાલ થાય ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ જોઈ લેવી. તેમાં ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીનો હવાલો આપીને કચ્ચાથીવુ  શ્રીલંકાનો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હોય કે ૨૦૧૪માં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષના જવાબમાં ભારતનું વિદેશ મંત્રાલય ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં જઈ શકે નહીં તેમ જણાવે તો અધિકારોનું હનન ક્યાં? તેનો જવાબ મળે છે.

    રાજકીય નિરીક્ષકોના મતે કચ્ચાથીવુ વિવાદની અસર તમિલનાડુની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ થઈ નથી તો લોકસભા ચૂંટણીમાં તેની નહિવત અસર થઈ શકે છે. પણ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો તે બંને દેશોના સંબંધોને અસર કરનારો ન નીવડે પણ ઉકેલ લાવનારો નીવડે તો સારું. કચ્ચાથીવુ પરત મેળવવાનો મુદ્દો કેટલો ભાવનાત્મક છે અને કેટલો માછીમારોની રોજીરોટીનો છે, તેનો તર્કબધ્ધ અને અભ્યાસપૂર્ણ જવાબ મેળવવાનો પણ હજુ બાકી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગાંધી અને ટાગોર : એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

    તવારીખની તેજછાયા

    ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થીમ પર આ ટેબ્લો રજૂ કરાયો હતો

    પ્રકાશ ન. શાહ

    કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે.

    ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

    શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા… પાછા આપવાનું નામ જ નથી લેતા!) કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઈતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથેય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

    કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત: ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’ એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

    ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી. આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે: ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

    રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના- અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

    ૧૯૨૨માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો લંડન ટાઈમ્સમાં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

     

    સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા… કે આ ગાંધી?

    એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્્ગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે: ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા… એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી… એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

    મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઈતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઈતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૮ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વાહનો : ભાગ (૨)

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shaha Kala Sampoot – Vehicles Part 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com