વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૪

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ત્રીજો: પ્રવેશ ૩ થી આગળ

    અંક ત્રીજો

    પ્રવેશ ૪ થો

    સ્થ : દુર્ગેશનું ઘર.

    [દુર્ગેશ, કમલા અને રાઈ બેઠેલા પ્રવેશ કરે છે.]

    કમલા : (હસતી હસતી) તમારી વિચક્ષણતા એટલી જ કે ? મારા ઘાંટા પરથી પણ તમે મને ઓળખી શક્યા નહિ?

    રાઈ : સ્ત્રીઓ કરતાં પુરુષોની વિચક્ષણતા ઓછી હોય છે તે હું કબૂલ કરું છું, પરંતુ વિચક્ષણતા દર્શાવવા સારુ સ્ત્રીને પુરુષનો વેશ લેવો પડે ત્યાં પુરુષોની નહિ તો પુરુષોના વેશની તો ખૂબી ખરી જ. એ વેશે ઘાંટામાંથી પણ સ્ત્રીત્વને પ્રગટ થવા દીધું નહિ, તે પણ પુરુષોની વેશ યોજનાનું સામર્થ્ય દર્શાવે છે.

    કમલા : સ્ત્રીઓના સ્ત્રીત્વને ઢાંકી રાખવાનું સામર્થ્ય અનેક યોજનાઓમાં સમાયેલું છે, તે નિઃસંશય છે.

    રાઈ : એ સર્વ ગોપનસામગ્રી છતાં કટારી ઝાલવાની ઢબથી હથિયારનો પરિચય ગુપ્ત રહેતો નહોતો.

    કમલા : ક્ષત્રિયાણી હથિયારની છેક અપરિચિત તો ન હોય.

    રાઈ : વીરાંગનાના તેજનો ઝબકારો જોવાનો અમને પ્રસંગ મળ્યો એ અમારું ધનભાગ્ય, પરંતુ છોકરાને વેશે અમારી સાથે નગરચર્ચા જોવા આવવાનું પ્રયોજન સમજાયું નહિ. દુર્ગેશને રાત્રે એકલા જવા ન દેવા એવો અણભરોંસો તો કમલાદેવીને હોય જ નહિ.

    કમલા : અનુભવ થવાનો પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે પ્રેમીજનોને પરસ્પર અવિશ્વાસ હોતો જ નથી.

    દુર્ગેશ : અને પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.

    રાઈ : ત્યારે ટૂંકા વિયોગની અધીરાઈ એ પણ સાથે આવવાનું કારણ ન હોય.

    કમલા : વિયોગની અધીરાઈનાં જે કૃત્રિમ વર્ણનો કવિતાને નામે જોડી કાઢવામાં આવે છે તેથી જ એ અધીરાઈ હસ્યાસ્પદ થવા પામે છે.

    (અનુષ્ટુપ)

    જલપાનતણું મૂલ્ય અધૂરું રહે તૃષા વિના,
    જે તાપથી તૃષા થાય આવજ્ઞા તેનિ ના ઘટે. ૩૯

    પરંતુ કલ્પનાઓ કરવાનો વિશેષ શ્રમ તમને નહિ આપું. પર્વતરાય મહારાજના વર્તન સંબંધે થયેલા લોકમત વિષે ઉપમંત્રીને વાકેફ કરવાની તમે યોજના કરી, તેથી મહારાજના એ વર્તનથી સ્ત્રી વર્ગની થતી અવમાનના તરફ ઉપમંત્રીનું લક્ષ ખેંચવા હું સાથે આવી હતી, અને પુરુષવેશ વિના મારાથી આવા પ્રસંગોમાં સાથે ફરાય એ તો એ અવમાનના દૂર થાય ત્યારે જ શક્ય થાય.

    દુર્ગેશ : એ અવમાનના આ રાત્રે દીઠેલા એક ચિત્રથી હ્રદય પર જેમ મુદ્રાંકિત થઈ છે તે સો વર્ણનોથી પણ અંકિત થઈ શકત નહિ.

    રાઈ : ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય.

    દુર્ગેશ : રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે?

    કમલા : એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો.

    રાઈ : મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો.

    કમલા : ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,

    (વસંતતિલકા)

    સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
    એવો હુતાશન મહા પ્રકટાવીશું કે
    તેની પ્રચંડ ઉંચિ જ્વાળાની માંહિં થાશે.
    અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. ૪૦

    [રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.]

    દુર્ગેશ : પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે.

    રાઈ : નવું રાજ્ય શાથી ?

    દુર્ગેશ : નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય?

    રાઈ : જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે – એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.

    [સહુ જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • ફિલ્મી ગઝલો – ૩૭. કતીલ શિફાઈ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    કતીલ શિફાઈ આમ તો પાકિસ્તાનના શાયર પણ એ હિંદુસ્તાનમાં પણ એટલા જ લોકપ્રિય છે. એમનું અસલ નામ મુહમ્મદ ઔરંગઝેબ. કતીલ એટલે જેમનું કત્લ થયું તે ( અને કાતિલ એટલે જેમણે કત્લ કર્યું તે ). શિફાઈ એમણે પોતાના નામમાં એટલે ઉમેર્યું કે એમના ઉસ્તાદનું નામ હકીમ મુહમ્મદ યાહ્યા શિફા ખાનપુરી હતું.

    પાકિસ્તાનમાં ફિલ્મી ગીતકાર તરીકે એમનું મોટું નામ હતું. બસો આસપાસ ફિલ્મોમાં એમણે એક એકથી ચડિયાતા ગીતો લખ્યા. અનેક હિંદી ફિલ્મોમાં પણ એમની રચનાઓ લેવાઈ. ‘૯૦ ના દશકની મહેશ ભટ્ટની ઘણી ફિલ્મોમાં એમની રચનાઓ હતી. ( ફિર તેરી કહાની યાદ આઈ, સર, નારાઝ વગેરે )

    બન્ને દેશોના દિગ્ગજ કહેવાય એવા બધા જ ગઝલ ગાયકોએ કતીલ સાહેબની ગઝલોને બખૂબી કંઠ આપ્યો છે. લગભગ કહેવત સમાન બની ગયેલા એમના અનેક શેર છે. એમાંના થોડાક :

    ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની
    વગરના હમ ઝમાને ભર કો સમજાને કહાં જાતે

    તુમ પૂછો ઔર મૈં ન બતાઉં ઐસે તો હાલાત નહીં
    એક ઝરા – સા દિલ ટૂટા હૈ, ઔર તો કોઈ બાત નહીં

    યે ઠીક હૈ કોઈ મરતા નહીં જુદાઈ મેં
    ખુદા કિસી કો કિસી સે મગર જુદા ન કરે

    જોઈ શકાય છે કે એમની રચનાઓની ખાસિયત એ છે, અઘરા ઉર્દૂ શબ્દોના ઇસ્તેમાલ વિના પોતાની વાત અસરકારક રીતે કહેવી.

    પ્રમાણમાં ઓછી જાણીતી એમની બે ફિલ્મી ગઝલો જોઈએ :

     

    લો ચલ દિયે વો હમકો તસલ્લી દિયે બગૈર
    એક ચાંદ છુપ ગયા હૈ ઉજાલા કિયે બગૈર

    ઉનસે બિછડ કે હમકો  તમન્ના હૈ મૌત કી
    આતી નહીં હૈ મૌત ભી લેકિન જિયે બગૈર

    ઐ જઝ્બેે – ઈશ્કે – યાર ન લે ઈમ્તેહાને – ગમ
    હમ  રો  રહે  હૈં  નામ  કિસી  કા  લિયે  બગૈર

    માંગે સે મિલ સકી ન હમેં તો કભી ખુશી
    પાએ હૈં લાખ રંજ તમન્ના કિયે બગૈર ..

     

    https://youtu.be/kQHl5tcb5vc?si=BF6_-nnmxU3cORCS

    – ફિલ્મ : ગુલનાર ૧૯૫૦

    – નૂરજહાં

    – હંસરાજ બહલ

     

    કબ તલક શમા જલી યાદ નહીં
    શામે ગમ  કૈસે  ઢલી  યાદ નહીં

    ઈસ કદર યાદ હૈ અપને થે કભી
    કિસને ક્યા ચાલ ચલી યાદ નહીં

    હમ  ઝમાને  મેં  કુછ  ઐસે  ભટકે
    અબ તો ઉનકી ભી ગલી યાદ નહીં

    અબ્ર થા, જામ થા, પર આપ ન થે
    વો  ઘડી  કૈસે  ટલી  યાદ  નહીં

    કટ કઈ ઉમ્ર કિસી તરહ કટી
    વો બુરી થી કે ભલી યાદ નહીં ..

    https://youtu.be/0MBpg8YdooY?si=lLXdLnrEc3bu6PMT

    – ફિલ્મ : પેંટર બાબુ

    – લતા / મહેન્દ્ર કપૂર

    – ઉત્તમ જગદીશ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૧૯ : चल अकेला …

    નિરંજન મહેતા

    ૧૯૬૬ની ફિલ્મ ‘સંબંધ’નું આ ગીત કંઇક અંશે ટાગોરના ગીત ‘એકલા ચલો’ની યાદ અપાવે છે.

    चल अकेला, चल अकेला, चल अकेला
    तेरा मेला पीछे छूटा राही चल अकेला

    हज़ारों मील लम्बे रास्ते तुझको बुलाते
    यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते
    है कौन सा वो इंसान यहाँ पे जिस ने दुख ना झेला
    चल अकेला …

    तेरा कोई साथ न दे तो तू खुद से प्रीत जोड़ ले
    बिछौना धरती को करके अरे आकाश ओढ़ ले
    पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला
    चल अकेला …

    દેબ મુકરજી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રદીપજી, સંગીતકાર ઓ.પી. નય્યર અને સ્વર છે મુકેશનો.

    જીવનની ફિલસુફીને સાદા શબ્દોમાં આ ગીતમાં નિખારી છે.

    સૌ જાણે છે અને સમજે છે કે જીવનપથ પર દરેકે એકલા જવાનું છે. અન્યોનો સાથ મળશે તો પણ તે છૂટી જશે પણ દરેકે તેની મુસાફરી આગળ એકલા ધપાવવી જ રહી ભલે અન્યો સાથે ન હોય.

    જીવનપથ એક લાંબો રસ્તો છે અને તે સરળ ન રહેતા તેમાં કંટક હોવાના. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે દુઃખ ન ભોગવ્યું હોય. દરેકે તેને સહેવાનું હોય છે.

    આગળ ઉપર કહ્યું છે કે ભલે અન્યો સાથ ન આપે પણ સ્વ સાથે તાલમેલ સાધ અને પ્રેમ કર. આ વિશાળ ધરતી જ પાથરણું છે અને ઉપર રહેલ આકાશ એક ઓઢવાનું છે એમ સમજી તેને અપનાવવાની વાત કરી છે.

    આપણે જાણીએ છીએ કે જે પણ કાંઈ જીવનમાં જોયું છે અને અનુભવ્યું છે તે કોઈ પૂરો ખેલ ન હતો. જીવનમાં તો હજી વધુ ખેલ જોવાના છે અને ભોગવવાના છે,

    એટલે કહે છે કે એકલા ચાલો, અન્યોની આશા ન રાખો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વૈશ્વિક ઉષ્મન પક્ષીઓનાં અસ્તિત્વ માટે જોખમકારક પરિસ્થિતિ છે

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    શિયાળો એ પક્ષીઓ માટે પ્રજનનનો સમય નથી. મેં કરેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે વિવિધ સ્થળોએ ચકલીઓ તેમના માળા શિયાળાની ઋતુમાં બનાવવાનું પસંદ કરતી હતી. આ એક અસામાન્ય  વર્તન છે. આનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા જે વિચારપ્રેરક અને વૈજ્ઞાનિક અભ્યાસ તરફ દોરી ગયા.

    હાલમાં, વૈશ્વિક ઉષ્મન (Global Warming)એ સમગ્ર પારિસ્થિતિક પર્યાવરણને સામુહિક સ્તરે બદલી નાખેલ છે. પક્ષીઓ જેના પર આધાર રાખે છે તે ખોરાક અને માળો બનાવવાની સામગ્રી હવે ત્યાં નથી હોતી. પક્ષીઓએ એવા નવા શિકાર, પરજીવીઓ, સ્પર્ધકો અને શિકારીઓનો સામનો કરવાનો આવે છે જેના માટે તેઓ અનુકૂલનક્ષમતા હજુ નથી મેળવી શક્યાં.

    ભારતમાં, પક્ષીઓના સંવર્ધનની મોસમ સામાન્ય રીતે જ્યારે તાપમાન વધવાનું શરૂ થાય ત્યારે, એટલે કે માર્ચની આસપાસમાં શરૂ થાય છે  છે અને જૂન સુધી ચાલે છે. આ સમય દરમિયાન પક્ષીઓ સંવનન વિધિ કરે છે, માળો બાંધે છે, ઇંડા મૂકે છે અને તેમના બચ્ચાને ઉછેરે છે. પક્ષીઓની વસ્તીના અસ્તિત્વ માટે તેમની પ્રજાતિઓની નવી પેઢીઓ ચાલુ રહે એ પ્રકારનો ખાતરીપૂર્વકનો તેમનાં બચ્ચાંઓનો ઉછેર ખુબ જરૂરી છે.

    આ વર્ષે, શિયાળો મોડો શરૂ થયો છે. શિયાળાના  પહેલા બે મહિનામાં ક્યારેય ઊંચું રહ્યું ન  હોય એટલું ઊંચું તાપમાન હતું. ડિસેમ્બર દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન ઐતિહાસિક રીતે ઊંચું હતું. આ વખતે તો તે સામાન્ય ઉનાળાના મધ્યભાગ જેટલું ખરાબ હતું.

    શરૂઆતમાં, મને લાગ્યું  કે નવા માળા બાંધવાના સમાચાર અપવાદરૂપ હશે.   પરંતુ જ્યારે ઘણા ચકલી પ્રેમીઓ દ્વારા પોતપોતાના સ્થાનો પર માળો બંધાવા વિશેના અહેવાલ મળવા લાગ્યા ત્યારે એ પ્રકારની તેમની વર્તણૂક મને ન સમજાઈ.  એ ચકલી પ્રેમીઓ પણ મારી જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે પ્રજનન માટે શિયાળાની પસંદગી શા માટે કરાઈ હશે.

    ઘણા કિસ્સાઓમાં, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્થળાંતર કરનારી પ્રજાતિઓનાં પક્ષીઓ તેમનાં બચ્ચાંઓના ઉછેર સંવર્ધન માટે વહેલાં આવે છે. ઘણાં પક્ષીઓ ઊંચા તાપમાનના પ્રતિભાવમાં તેમની સામાન્ય પ્રજનન મોસમ કરતાં વહેલા ઇંડા મૂકવાનું પણ શરૂ કરે છે.

    અમુક જ મોસમમાં પ્રજનન અને ઉછેર કરનાર પક્ષીઓ અને પ્રાણીઓની એવી પ્રજાતિઓ છે જે વર્ષના અમુક સમયે જ સફળતાપૂર્વક સમાગમ કરે છે. આજુબાજુના તાપમાન, ખોરાક, જંતુઓ અને પાણીની ઉપલબ્ધતા અને અન્ય પ્રજાતિઓના શિકારની વર્તણૂકોમાં ફેરફાર જેવા પરિબળોને કારણે વર્ષનો એ અમુક સમય જનમ પછી તેમનાં બચ્ચાંઓનાં અસ્તિત્વને વધારેમાં વધારે શક્ય બનાવે છે.

    સામાન્ય રીતે, પક્ષીઓની સંવર્ધન ઋતુ શિયાળા પછી, પ્રથમ લીલા છોડ અને ફૂલો દેખાવાનું શરૂ થાય ત્યારે, શરૂ થાય છે. આબોહવા ગરમ થતી જતી હોવાને કારણે હવે તે વહેલા અને વહેલા થઈ રહ્યું છે. આ રીતે ૨૧મી સદીના અંતમાં, વસંત લગભગ ૨૫ દિવસ વહેલા આવવાની શક્યતા છે, જ્યારે પક્ષીઓનું સંવર્ધન માત્ર ૬.૭૫ દિવસ પહેલાં થાય છે.

    આબોહવા પરિવર્તનને કારણે ગરમીનાં મોજાંઓ વારંવાર થવા લાગવાના સંદર્ભમાં પક્ષીઓના પ્રજનન પર તેમની સંભવિત અસરોને સમજવી મહત્વપૂર્ણ બની રહે છે.

    ગરમીને કારણે વધતા જતા તનાવ જનનકોશનો વિકાસ, ગર્ભાધાનની સફળતા, બચ્ચાંઓનો ઉછેર અને અસ્તિત્વ ટકી રહેવાની શક્યતાઓ તેવાં પ્રજનનનાં તમામ પાસાઓને અસર કરી શકે છે.

    પક્ષીઓની વિવિધતા પર્યાવરણ માટે મહત્વની છે કારણ કે તેઓ ફૂલોને પરાગનયન કરવામાં, બીજ ફેલાવવામાં, જંતુઓથી છુટકારો મેળવવામાં અને ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પક્ષીઓની અમુક પ્રજાતિઓ માટે મરુત પ્રાણીઓનાં શરીરો ખોરાક છે. એ રીતે તેઓ સફાઈ કામદારોને  મૃત પ્રાણીઓનાં શરીરોના નિકાલની વ્યયસ્થામાંથી  છુટકારો અપાવે છે, વધુમાં જે રીતે મૃત પ્રાણીઓનો એમના નિકાલ થાય છે તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે.

    જૈવિક વૈવિધ્ય માટે વૈશ્વિક ઉષ્મન એ બહુ મોટું જોખમ છે એ વાત વૈશ્વિક ઉષ્મન સામે લડતી વખતે ધ્યાનમાં લેવામાં આવે તે પણ હવે મહત્ત્વનું બની ગયું છે.

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

              * Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : લીલો બાવળ

    ગિજુભાઈ બધેકા

    મારા ફળિયામાં ઊગેલો છે તે ડાહ્યો બાવળે નથી ને ગાંડો બાવળે નથી. ગાંડો બાવળ ગાંડો નથી હોતો; લોકોએ એને ગાંડો શા માટે કહ્યો હશે તેનું કારણ લોકો જાણે, અને ડાહ્યા બાવળને ડાહ્યો કહેવામાં લોકોએ એમાં કયું ડહાપણ ભાળ્યું હશે તે મને તો કદી નથી સમજાયું. લોકો ડાહ્યા બાવળનાં દાતણ કરે છે અને ગાંડો બાવળ દાતણના કામમાં નથી આવતો એટલા માટે ઉપયોગી તે ડાહ્યો અને પોતાને નહિ ઉપયોગી તે ગાંડો એમ વખતે ઠરાવ્યું હોય ! લોકોનો સ્વભાવ તો એવો જ છે. જે બાળકો ઝટપટ ઊઠીને માબાપનું કામ કરે છે તેને તેઓ ડાહ્યાં કહે છે, અને જેઓ કોઈ પણ કારણે કામ નથી કરી શકતાં તેમને તેઓ ગાંડા કહે છે. લોકોનું ધોરણ ઉઘાડી રીતે સ્વાર્થનું છે. લોકોના સ્વાર્થમાં બિચારાં બાળકોને, ઝાડોને અને પોતાના સિવાય સૌને સહેવાનું.

    સાંદર્ભિક ચિત્રઃ નેટ પરથી

    સારું છે કે આ લીલો બાવળ લોકોના ઝપાટે નથી ચડ્યો. એનું કારણ છે. એ પરદેશી છે. કદાચ પરદેશીથી લોકો ડરે છે તેમ આ બાવળથી યે ડર્યાં હોય અને તેનું નામ ન લીધું હોય તો તે સંભવિત છે ! અગર તો તેઓ આ પરદેશથી આવનારને હજી કૌતુક અને વહેમથી જોતા હોય અને તેને વિષે કંઈ કહેતા પહેલાં સાવધાની રાખતા હોય એમ બનવું ય સ્વાભાવિક છે.

    અમે એને લીલો બાવળ કહીએ છીએ કારણ કે તે બારે માસ લીલો રહે છે. પરદેશમાં આવાં કાયમી લીલાં ઝાડો છે તેમાંથી આવેલ આ ભાઈ કદાચ ને હોય ! કોઈ કહેતું હતું કે આ બાવળ ઓસ્ટ્રેલીયાનો વતની છે; કદાચ એમ હશે.

    બાવળ કાયમ લીલો છે એટલે એ હમેશની શોભા છે. અને છતાં પાનખરમાં તે બૂંઠો નથી થતો એટલે જ વસંતમાં તેની શોભા વધી જતી નથી. એ એનું ભાગ્ય કહો એ દુર્ભાગ્ય કહો, પણ એ તો હમેશાં એવો ને એવો જ રહેવાનો. પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે. લીલા બાવળને કાંટા તો છે; પણ ડાહ્યા બાવળના કાંટાની જેમ નીચે પડીપડીને માણસોને તે લાગતા નથી. ડાહ્યા કહેવાતા માણસો ય બીજાઓને ધાર્યા કરતાં વધારે લાગે છે, એની સાક્ષી ડાહ્યો બાવળ આપી શકે છે. લીલા બાવળના કાંટા ઝાડ ઉપર જ રહે છે, અને સંભાળીને ઝાડ ઉપર ચડે તો તે કોઈને લાગતા પણ નથી. કાંટા કાંટામાં યે ફેર છે. બોરડીના કાંટાને લાગ્યા વિના રહેવાય જ નહિ; ગુલાબના કાંટાનો પણ એવો જ સ્વભાવ ઘડાયેલો. આ વળી લીલા બાવળના કાંટાનો સ્વભાવ જરા સારો છે; એની કેળવણી સારી હશે.

    લીલા બાવળને પરડા નથી થતા પણ શીંગો તો થાય છે. ખીજડાને જેવી સાંગરો થાય છે એવી જ સાંગરો લીલા બાવળને થાય છે. પક્ષીઓમાં પોપટ અને માણસોમાં નાના બાળકોને સાંગર બહુ ભાવે છે. પોપટને લીલી અને બાળકોને સૂકી સાંગરો બહુ ભાવે છે. એટલે તો બંનેમાં તફાવત હોય જ ના ?

    લીલા બાવળનાં ફૂલો તલબાજરડાના જેવાં થાય છે. એમાં ક્યાં ને કેવી રીતે મધ રહેતું હશે તે તો સક્કરખોરાઓ જાણે; પણ સક્કરખોરા તેમાંથી મધ લેવા આવે છે ખરા ! બરાબર બારીક અવલોકન કરી નક્કી કરવા માટે એક બાયનોક્યૂલર ગળે લટકાવી જ રાખવું જોઈએ.

    લીલો બાવળ અમારા આંગણાની શોભા છે. સવારે સૂર્યના તડકાને પોતાના શરીરની ચારણીમાંથી ચાળી ચાળીને અમારા ઉપર-ઘર અને ફળિયા ઉપર પાથરે છે, રાતે ચાંદનીની ધોળી ચાદરમાં કાળી ભાત પાડવાનું કામ પણ એનું જ છે. દિવસે કે રાતે આકાશને આખું જોવામાં આડે આવી ઊભો રહેનાર પણ એ જ છે.

    પવન સાથે લહેરો લેવાનું લીલા બાવળને બહુ ગમે છે. હિલોળેલ જેમ હિલોળા લેતો જાય છે ને ઝીણા સુસવાટે દુહાસોરઠા લલકારતો જાય છે. એની ડાળીઓને પવનમાં નાચતી જોઈને નાનાં છોકરાંઓના પગ અને મોટાંઓનાં હૈયાં નાચવા લાગે છે.

    લીલો બાવળ અત્યારે સૂતો છે; સાચે જ એ રાત્રે સૂઈ જાય છે ત્યારે એનાં પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • કાર્બન વેરો પ્રદૂષણને નાથી શકશે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં સરકારો જાતભાતના વેરા નાખતી આવી છે. વિકસીત દેશો હોય કે વિકાસશીલ, વેરાના પ્રકાર અને પ્રમાણ જુદા હોઈ શકે, પણ વેરા હંમેશા રહેવાના. યુરોપીય સંગઠન તરીકે ઓળખાતા યુરોપ ખંડના સત્તાવીસ દેશોના સમૂહ દ્વારા ૨૦૨૬ના આરંભથી એક વિશિષ્ટ પ્રકારના વેરાની ઘોષણા કરવામાં આવી છે. ‘કાર્બન એડજસ્ટમેન્‍ટ મિકેનીઝમ’ (સી.બી.એ.એમ.) તરીકે ઓળખાવાયેલા આ વેરાની ઘોષણાના પ્રત્યાઘાતરૂપે ભારત સહિત અન્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

    વિશ્વભરમાં થઈ રહેલું જળવાયુ પરિવર્તન દિનબદિન તીવ્રતર થતું રહ્યું છે. તેના માટે અનેકવિધ પરિબળો કારણભૂત છે. એ પૈકીનું એક મહત્ત્વનું પરિબળ એટલે કાર્બન ડાયોક્સાઈડ સહિતના ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન. કોલસો, ઈંધણ અને વાયુના જુદા જુદા ઉપયોગો થકી આ વાયુઓનું ઉત્સર્જન સતત થતું રહે છે, જે સરવાળે પર્યાવરણને હાનિ કરે છે અને જળવાયુને અસર કરતાં સમગ્રપણે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. જરૂરિયાત, સુવિધા અને વિકાસના નામે ઉત્સર્જન સતત વધતું જ રહ્યું છે.

    સાંદર્ભિક ચિત્રઃ નેટ પરથી

    યુરોપીય સંગઠન દ્વારા આગામી બે વર્ષમાં આની પર વેરો નાખવાનું સૂચવાયું છે, ત્યારે ભારતની ચિંતા જરા જુદા કારણને લીધે છે. આ દેશોમાં નિકાસ કરતા દેશોએ જે તે ચીજની ઉત્પાદનપદ્ધતિને લગતી હજારેક વિગતો પૂરી પાડવાની રહેશે. ભારતસહિત બીજા નિકાસકર્તા દેશોને આ વિગતો પૂરી પાડવાની લાંબી અને જંજાળયુક્ત પ્રક્રિયામાં દાખલ થવું પડશે એ ઉપરાંત બીજો મુખ્ય વાંધો એ છે કે આ રીતે ઘણાં વ્યાવસાયિક રહસ્યો બાબતે તેમણે સમાધાન કરવું પડશે.

    ૨૦૨૨માં લોઢું, સ્ટીલ અને એલ્યુમિનિયમની ભારતની કુલ નિકાસનો ચોથો ભાગ યુરોપીય સંગઠનમાં હતો. તેની કિંમતમાં પણ વીસથી પાંત્રીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે.

    સાવ પ્રાથમિક સ્તરે જોઈએ તો કાર્બનવેરો અશ્મિજન્ય ઈંધણના ઉપયોગ દરમિયાન થતા કાર્બન ઉત્સર્જન પરનો સીધો વેરો છે. એટલે કે પ્રદૂષણ કરવાની અને જળવાયુ પરિવર્તનમાં ભાગીદાર બનવાની હવે કિંમત ચૂકવવાની થશે. વધુ કિંમત ચૂકવવી ન પડે એ માટે ઉદ્યોગો ઉત્સર્જનમાં ઘટાડો થાય એવી ઉત્પાદનપદ્ધતિ અપનાવશે અને શક્ય ત્યાં સુધી સ્વચ્છ ઊર્જાનો પ્રયોગ હાથ ધરશે એમ માનવામાં આવ્યું છે. કાગળ પર કદાચ આ જોગવાઈ અસરકારક જણાય એમ બને, પણ વાસ્તવમાં એમ બનશે કે કેમ એ સમય કહેશે.

    ખરું જોતાં ધનિક અને વિકસીત દેશો સ્વચ્છ ઊર્જાના ઉપયોગવાળી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે એમ હોવા છતાં એવું કરતા નથી. અને પોતાની એ જવાબદારી તેઓ વિકાસશીલ દેશો પર ઢોળવા માગે છે. આ કારણે એક સૂચન એવું પણ કરાયું છે કે આ રીતે થતી આવકને યુરોપીય સંગઠનમાં ઊમેરો કરવાને બદલે વિકાસશીલ દેશો માટે તેનો ઉપયોગ કરવામાં આવે.

    ભારત સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ.ટી.ઓ.) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અન્ય અસરગ્રસ્ત દેશો સાથે પણ તેણે હાથ મિલાવવા પડશે. આ વેરાને પહોંચી વળવા સ્થાનિક ઉદ્યોગો પર આ જ પ્રકારનો કોઈ અન્ય વેરો નાંખવામાં આવશે એવા અહેવાલ પણ છે. અમેરિકા જેવો વિકસીત દેશ યુરોપીય સંગઠનના આ પગલાને અનુસરી શકે કે કેમ એ બાબતે પણ અવઢવ છે. હાલ તો અમેરિકાએ ‘સી.બી.એ.મ.’ સામે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ આ જ પ્રકારનો વેરો અમેરિકાના ઉદ્યોગો પર લાદવાની વાતચીત પણ થઈ રહી છે.

    ધારો કે આવો વેરો લાદવામાં આવે તો પણ મોટી કંપનીઓ એ વેઠી શકે, પણ નાના ઉદ્યોગો માટે તેનું ભારણ વધુ પડતું બની રહે. અલબત્ત, એ સવાલ એ પછી ઉભો જ રહે છે કે જે હેતુ માટે આ પગલું ભરવામાં આવે છે એ હેતુ સિદ્ધ થશે કે કેમ.

    એવું નથી કે યુરોપીય સંગઠન આમ કરનાર પહેલવહેલું છે. ઉત્તર યુરોપનાં ફીનલેન્‍ડ, સ્વીડન અને નોર્વે જેવા નાનકડા દેશોમાં એ છેક ૧૯૯૦ના દાયકાથી ચલણમાં છે. કેનેડાએ ૨૦૧૯થી આ માળખાને અપનાવ્યું છે, તો અગ્નિ એશિયાના દેશોમાં સૌ પ્રથમ તેનો અમલ સીંગાપુર દ્વારા ૨૦૧૯થી કરવામાં આવ્યો.

    આ નીતિના લાભ અનેક ગણાવાયા છે, એમ એની સામે દલીલો પણ વિવિધ થઈ રહી છે. એક દલીલ મુજબ આની વિપરીત અસર ઓછી આવકવાળાં જૂથ પર થશે, જેમની મુખ્ય આવક જરૂરિયાતની ચીજોના પરિવહન થકી છે તેમજ પોતાની આવકનો મોટો હિસ્સો જેઓ ઉર્જાના ખર્ચ પાછળ ખર્ચે છે. બીજો એક મુદ્દો એ છે કે વેરો નાખવાને બદલે નાણાંનો સીધો ઉપયોગ મૂળભૂત માળખાકીય સુવિધાઓને હરિત બનાવવા પાછળ કરવો જોઈએ. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં અશ્મિજન્ય ઈંધણો તેમજ કોલસો, વાયુ અને તેલના વ્યવસાય સાથે રાજકીય સાંઠગાંઠ ધરાવતી લૉબી હોય છે. તેમને પણ ધ્યાનમાં લેવાવા જોઈએ. ઊર્જાનો વધુ માત્રામાં ઊપયોગ કરનારા ઉદ્યોગો કાર્બનવેરાનો વિરોધ કરતા હોય છે. કેમ કે, એમ કરવાથી કિંમતો વધે છે અને સ્પર્ધાત્મકતા નબળી પડે છે. આને કારણે તેઓ પોતાનું ઉત્પાદન એકમ એવા પ્રદેશમાં ખસેડવા ઈચ્છે છે કે જ્યાં આવી નીતિઓ અમલી ન હોય.

    યુરોપીય સંગઠનના દેશો હોય કે અન્ય, વિવિધ ઓઠા હેઠળ આવક ઊભી કરવા માટે અલગ અલગ નામવાળી યોજનાઓ તૈયાર કરવામાં સત્તાધીશોને ફાવતું જડે છે. આથી એક નાગરિક તરીકે આવા વેરાની આખરી અસર આપણી પર જ પડવાની છે. ત્યારે એટલી અપેક્ષા રાખવી અસ્થાને નથી કે આવા વેરા કેવળ રાજ્ય માટે આવક ઊભી કરવાનો સ્રોત બનવા પૂરતા મર્યાદિત ન બની રહે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧ – ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અંતર તો રાખવું પણ કેટલું?

    મંજૂષા

    વીનેશ અંતાણી

    કાલ્પનિક નામવાળાં પતિપત્ની રમેશ અને રેખા થોડાં વર્ષોથી જુદાં થઈ ગયાં હતાં અને અલગ શહેરમાં રહેતાં હતાં. એમનું દાંપત્યજીવન ડામાડોળ કરી નાખે એવું ખાસ બન્યું નહોતું, માત્ર બંનેનો ઇગો વચ્ચે આવી ગયો હતો. નાનીમોટી કોઈ પણ બાબતમાં સમાધાન કરવાની તૈયારી રહી નહોતી. નિ:સંતાન દંપતી એકબીજાની હાજરી પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. રમેશનો પોતાનો બિઝનેસ હતો, રેખા બેન્કમાં મેનેજર હતી. અસહ્ય થવા લાગ્યું ત્યારે રેખાએ બીજા શહેરમાં બદલી કરાવી અને ચાલી ગઈ. ત્યાર પછી એમની વચ્ચે ફોનથી પણ વાતચીત કરવાનું બંધ થઈ ગયું. એમનો સંબંધ વધારે કડવો થતો ગયો. ત્રણેક વર્ષ પછી કોરોનાની મહાભયાનક બીમારી ફાટી નીકળી. લોકડાઉન જાહેર થયું. કરોડો લોકોની જેમ રેખા અને રમેશે બહારના જગત સાથે પ્રત્યક્ષ સંપર્ક ગુમાવી દીધો. બંને એકલાં રહેતાં હતાં એથી એમની માનસિક સ્થિતિ વધારે ભયાનક લાગતી હતી. ફરજિયાત અંતર જાળવવાનો અનુભવ એમને બહારના જગતમાંથી અંદર ખેંચીને જાતની વધારે નજીક લઈ ગયો. ઘરની કેદમાં એમને પોતાની મર્યાદાઓ વિશે ધ્યાનથી વિચારવાની તક મળી. સાથે રહેવાના સમયે બહુ મોટી લાગતી ઘટનાઓ ધીરેધીરે અર્થહીન લાગવા માંડી. બંનેને સમજાવા લાગ્યું કે એવી ક્ષુલ્લક બાબતોમાં એમણે થોડુંક પણ સમાધાન કર્યું હોત તો એમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું ન હોત. લોકડાઉનમાં એમનું મનોમંથન ચાલતું રહ્યું. કોરોના હળવો થયો અને લોકડાઉનની ભીંસ ઘટી પછી રમેશે આટલાં વર્ષોમાં પહેલી વાર રેખાને ફોન કર્યો. એ એટલું જ બોલી શક્યો: ‘રેખા. મને માફ કરી શકશે? હું તને –’ વધારે બોલવાની જરૂર પડી નહોતી. બંનેના રુદનમાં વચ્ચેનું બધું ધોવાઈને સાફ થઈ ગયું હતું.

    આ ઉદાહરણ લોકડાઉન જેવા ફરજિયાત અંતરમાંથી પાછી મેળવેલી નિકટતાનું છે. એની સામે વર્ષ બે હજારમાં બ્રિટનમાં બનેલી એક સત્યઘટના જોઈએ. વિદેશી પતિપત્નીએ એમના લગ્નજીવનના આરંભથી જ અંતર જાળવીને સંબંધ સમૃદ્ધ કરવાનો પ્રયોગ કર્યો હતો. મેં એ ઘટના વિશે ઘણાં વર્ષો પહેલાં લખ્યું હતું. સિયાન લગ્ન પહેલાં રહેતી એ ઘર એને બહુ ગમતું હતું. લગ્ન પછી એ પોતાનું ઘર છોડવા ઇચ્છતી નહોતી. એના સંગીતકાર પતિને પણ પોતાનું ઘર ગમતું હતું. એ પણ એનું ઘર છોડી સિયાનના ઘરમાં રહેવા જવા માગતો નહોતો. એ મુદ્દે બંને વચ્ચે સંમતિ હતી. એથી એમણે લગ્ન પછી ઘરગૃહસ્થી વસાવવા માટે એમની જૂની વ્યવસ્થા બદલી નહીં. પોતપોતાનાં ઘરમાં જ રહેવાનું ચાલુ રાખ્યું. એમના ઘર વચ્ચે પાંચેક માઇલનું અંતર હતું. એ વિશે સિયાને લખ્યું હતું: ‘એ વ્યવસ્થાથી અમે એકમેક પર પોતાને લાદતાં નથી અને અરસપરસ પૂરતી સ્પેસ આપી શકીએ છીએ. અમારા માટે રોમાન્સનો અર્થ છે બે-ત્રણ દિવસ પછી મળવાની ઉત્તેજના. અમે ચોવીસે કલાક એક જ છત નીચે રહેતાં ન હોવાથી રોજિંદા જીવનમાં અકારણ થતા ક્ષુલ્લક ઝઘડાથી બચી જઈએ છીએ અને એકબીજા પ્રત્યે માનસન્માન જાળવી શક્યાં છીએ. અત્યાર સુધી લાગ્યું છે કે અમારા ઘર વચ્ચેનું અંતર અમને વધારે નજીક લઈ ગયું છે.’

    એ રીતે જીવવાનો પ્રયોગ લગ્નજીવનના સંદર્ભમાં આત્યાંતિક લાગે પરંતુ વાત સંબંધોમાં અંતર રાખવાની છે. વચ્ચેથી હવા પસાર થાય એટલી જગ્યા રાખી હોય તો શ્વાસોચ્છવાસ રૂંધાતા નથી. કોઈ કોઈ પર હાવી થઈ જાય અને ગૂંગળામણ થાય એવી સ્થિતિ હાનિકારક છે. કોઈ પણ પ્રકારના સંબંધમાં સલામત અંતર રાખવાથી બીજી વ્યક્તિની વિચારસરણી અને અભિગમ સમજવાની તક મળે છે, એનો દૃષ્ટિકોણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજાય છે. અંતર રાખવાથી ઊભી થતી સ્પેસમાં દરેક જણ પોતાની રીતે વિકસી શકે છે.

    વાહનચાલકોની જેમ સંબંધોમાં સલામત અંતર રાખવાથી સંભવિત અકસ્માતોથી બચી શકાય છે. અંતર રાખવાની વાત લગભગ બધા જ સંબંધોને લાગુ પડે છે. પતિ અને પત્ની વચ્ચે તો ખાસ. નજીકના મિત્ર સાથે અણબનાવ જેવું બનવા લાગે તો થોડું દૂર ખસી જવું જોઈએ, જેથી સમય જતાં ગેરસમજ દૂર થાય અને સંબંધ ફરી સુધરે.

    માતાપિતાએ પણ અમુક સમય પછી સંતાનો સાથે યોગ્ય અંતર રાખવું જોઈએ, એમ કરવાથી સંતાનો એમની રીતે આગળ વધી શકે છે. વ્યવસાયમાં કોઈ સિનિયર વ્યક્તિ એના સહકર્મચારીઓ પર પોતાનો જ અભિગમ લાદે તો નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. દરેકને લાગવું જોઈએ કે એનું પોતાનું સ્વતંત્ર સ્થાન છે, એનું પણ વજૂદ છે અને એના દાયરામાં એ કોઈ રોકટોક વિના સ્વતંત્રપણે હરફર કરી શકે છે.

    દૂરથી જોયેલું ચિત્ર મોટું અને સ્પષ્ટ દેખાય છે અને હજી શું અને કેટલું કરવાનું બાકી છે તે સમજાય છે. ‘માઇલ્સ ટુ ગો’નો અર્થ દૂરથી વિશાળ ફલક પર નજર નાખવાથી જ સમજાય છે. જોકે પ્રશ્ન એ પણ છે કે કેટલું અંતર રાખવું ઉચિત છે? કદાચ એનો જવાબ આ રીતે મળે – એટલા નજીક રહેવું નહીં કે આપણે કશું જોઈ ન શકીએ અને એટલા દૂર પણ ખસવું જોઈએ નહીં કે જોવું હોય તે દેખાતું બંધ થાય. સ્પષ્ટ જોવા માટે પાંચ માઇલનું અંતર રાખવાની જરૂર ન પણ હોય, ક્યારેક એક વેંત જેટલું અંતર પણ આવશ્યક સ્પેસ ઊભી કરવા પૂરતું થઈ પડે છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ – રક઼ીબ સંગે સંવાદ

    સંવાદિતા

    પોતાની જ પ્રેમિકાના અન્ય પ્રેમી, એટલે કે પોતાના હરીફ, સાથે આવો સંવેદના-સભર સંવાદ સાધવો એ વિશ્વ કવિતાની વીરલ ઘટના છે

    ભગવાન થાવરાણી

    દુનિયાની દરેક ભાષામાં કેટલાક શબ્દો એવા હોય છે જેનો અદ્દલ એ જ અર્થ ધરાવતો પર્યાય અન્ય ભાષાઓમાં ભાગ્યે જ મળે. આપણી પરિચિત ભાષાઓમાંથી ઉર્દૂમાં આવા શબ્દો સવિશેષ છે. ગોયા, મરાસિમ, શબાબ, સાંય – સાંય, તિકડમ, જુગાડ, અબે, ખુશફહમી અને આજની નઝ્મનો વિષય એવો રક઼ીબ આવા શબ્દો છે.
    रक़ीब से શીર્ષક વાળી આ નઝ્મ ઉર્દૂના મહાન સર્જક ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ ની લખેલી છે. રકીબનો અર્થ થાય પ્રેમમાં પ્રતિસ્પર્ધી હોય એ વ્યક્તિ. આમ, એક જ સ્ત્રીને પ્રેમ કરતા એકથી વધુ પુરુષો એકમેકના રક઼ીબ કહેવાય અને એક જ પુરુષને પ્રેમ કરતી સ્ત્રીઓ એકબીજીની રકીબા !
     
    થોડીક વાત ફૈઝ વિષે. ( ફૈઝ શબ્દનો અર્થ વિજેતા થાય. ) પાકિસ્તાનના ફૈઝ સાહેબ ૧૯૮૪ માં ૭૪ ની વયે અવસાન પામ્યા એ પહેલાં એક કાલજયી અને ક્રાંતિકારી સર્જક તરીકે જગતભરમાં ખ્યાતિ પામી ચૂક્યા હતા. એમનું નામ નોબેલ પારિતોષિક માટે પણ પ્રસ્તાવિત થયેલું. નોબેલ સમકક્ષ ગણાતો રશિયાનો લેનિન શાંતિ પુરસ્કાર એમને એનાયત થયેલો. પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન – એ – ઈમ્તિયાઝ એમને મરણોપરાંત એનાયત થયેલો. એમનું મોટા ભાગનું જીવન તુમુલ સંઘર્ષમાં વીત્યું. પાકિસ્તાની  સામ્યવાદી પક્ષના તેઓ સક્રિય સદસ્ય હતા. ત્યાંની લિયાકત અલી ખાન સરકારને ઉથલાવવાના કથિત કાવતરા સબબ એમને ચાર વર્ષ કેદની સજા થયેલી. વિભાજન પહેલાં એમણે બ્રિટિશ આર્મીમાં લેફટનન્ટ કર્નલ તરીકે પણ સેવાઓ આપેલી. એ પછીના વર્ષોમાં સત્તારૂઢ થયેલ ભુટ્ટો સરકારના એ કૃપાપાત્ર હતા. એમના કુલ ૨૩ પુસ્તકોમાંથી ૮ એમના જીવનકાળમાં જ પ્રકાશિત થયેલા. એમનું પુસ્તક ‘ દસ્ત – એ – સબા ‘ હૈદ્રાબાદ જેલમાં લખાયેલું. કારાવાસ દરમિયાન એમણે લખેલા અને એમને એમના પત્નીએ લખેલા પત્રો પણ સંગ્રહરૂપે પ્રકાશિત થયા છે. એમના સમગ્ર કાવ્યોનો સંચય ‘ સારે સુખન હમારે ‘ ઉર્દૂ અને દેવનાગરીમાં ઉપલબ્ધ છે.
    એમની નઝ્મ ‘ रक़ीब से ‘ #નો ભાવાનુવાદ :

    આવ ! તારી સાથે સંકળાયેલ છે
    એક એવા સૌંદર્યની સ્મૃતિઓ
    જેણે મારા મનને રૂપ – મંદિર બનાવી મુકેલું
    એના પ્રેમમાં હું દુનિયા વિસરી ગયેલો
    દુનિયા આખી વાર્તા લાગતી મને

    તારા પગલાંને એ રસ્તાઓ પણ ઓળખે છે
    જેના પર એનું યૌવન મહેરબાન છે
    અહીંથી જ એ પરીના સૌંદર્યનો કાફલો પસાર થયો છે
    જેની મારી આંખોએ નિષ્કામ અર્ચના કરી છે

    હા, તારી સંગે રમણા કરી છે એ વ્હાલૂડી હવાએ
    જેમાં એના વસ્ત્રોની ઉદાસ ખુશ્બૂ હજી સાબૂત છે
    તારા ઉપર એ અટ્ટાલિકાએથી ચંદ્રનું નૂર વરસ્યું છે
    જ્યાં હજી વીતેલી રાત્રિઓની પીડ હયાત છે

    તેં તો જોયું છે એ મુખારવિંદ, એ કપોલ, એ ઓષ્ઠ
    આપણે બન્નેએ જેની કલ્પનામાં જીવન લૂંટાવી દીધું
    તારા ભણી પણ મંડાઈ છે એ ચંચળ જાદૂઈ આંખો
    જેમના ખાતર આપણે બન્નેએ આયખું ખોઈ નાંખ્યું

    પ્રેમની પીડાના આપણા પર સહિયારા ઉપકાર છે
    એ હદે કે ગણ્યા ગણાય નહીં
    આપણે આ પ્રેમમાં શું ખોયું અને શું પામ્યા
    તારા વિના સમજાવું તો સમજાવું કોને ?

    વિનમ્રતા અને અકિંચનતાની હિમાયત એમાં શીખ્યા
    વિષાદ – બુદ્ધિનો સંબંધ, દુ:ખ દર્દના અર્થ એમાં પામ્યા
    પીડિતોની મુશ્કેલીઓ એના કારણે સમજ્યા
    ઠંડા નિશ્વાસ, ફિક્કા ચહેરાના અર્થ પણ એના થતી સમજ્યા.

    લાચાર લોકો જ્યારે રડે છે
    એમના અશ્રુ આંખમાં જ થીજી જાય છે
    કમજોર લોકોના કોળિયા પર તરાપતા ગીધ
    ગણતરીપૂર્વકની મીટ માંડી ઝપટ મારે છે

    જ્યારે પણ વેચાય છે બજારમાં મજૂરનું માંસ
    રાજમાર્ગો પર ગરીબોનું લોહી વહે છે
    છાતીમાં રહી – રહીને એવી આગ ભડકે છે
    કે મારો સ્વયંના દિલ પર કાબૂ જ નથી રહેતો..

    યાદ રહે કે ફૈઝ સાહેબ આ સમગ્ર નઝ્મનો પ્રત્યેક શબ્દ પ્રેયસીને નહીં, એ શખ્સને ઉદ્દેશીને કહે છે જે પણ એમના જેવી ઉત્કટતાથીએમની પ્રેમિકાને ચાહે છે !
    ચાર – ચાર પંક્તિના સાત લયબદ્ધ બંધ અને એક જ બહરની પંક્તિઓમાં રચાયેલી આ રચનામાં પાંચમા બંધથી સહસા નઝ્મનો મિજાજ બદલાય છે . રકીબ સાથેના સંવાદ ઉપરથી એ કચડાયેલા લોકોની હાલતની વાત પર ઉતરી આવે છે. ભાવકને પહેલાં એ વિષય – પરિવર્તન સમ લાગે પણ થોડીક વારમાં સમજાય કે એ લોકોની પીડાની સમજણ પણ આ પ્રેમે જ તો ઉઘાડી આપી ! બન્ને એક જ પાત્રને બિનશરતી દિલ-ફાડ પ્રેમ કરીને જ શીખ્યા કરુણા, ઉદાસી અને દર્દનો સાચો અર્થ, અકિંચનોની મુસીબતો અને નિસ્તેજ ચહેરાઓનું હાર્દ ! કોઈને પ્રેમ કરીએ ત્યારે પ્રેમના આનંદ અને પીડાની સાથે દ્રષ્ટિનો વ્યાપ પેકેજમાં મફત મળે છે ! રમેશ પારેખના શબ્દો મૂજબ, હવે આપણે ‘ વિશ્વ દ્વારા પડાયેલી કાળી ચીસના ખાસ શ્રોતા ‘ બનીએ છીએ ! બધું નોખા અજવાળામાં દેખાય છે. હૃદય પથ્થર મટીને આઈનો બને છે અને આસપાસ ઘટિત થતી પણ અત્યાર સુધી ઉપેક્ષિત રહેલી ઝીણી – ઝીણી વાતો હવે એમાં ઝીલાય છે !
    સંવેદનાનું સ્તર બદલાય ત્યારે સમૂળગું બધું બદલાય !

    ફૈઝ સાહેબની અનેક ગઝલો અને નઝ્મો નૂરજહાં અને મેંહદી હસનથી માંડીને આબિદા પરવીન, ઈકબાલ બાનો, ફરીદા ખાનમ, નય્યરા નૂર, ગુલામ અલી અને જગજીત સિંહ સમાન દિગ્ગજોએ ગાઈને જાત રળિયાત કરી છે.

    #


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – ૮ : ન્યુઓપ્લાસિયા (Neoplasia) : શરીરના કોષોનું અમર્યાદિત વધવું, કેન્સર જેવા રોગોનું મૂળ

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ. પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    આપણામાંના ઘણાને વિચાર આવ્યો હશે કે કશુંક વાગે એ પછી સમયાંતરે ઘા રુઝાઈ જાય, પછી ત્યાં શરીરના કોષો ક્રિયાને અટકાવી દે છે. આ કુદરતી જરૂરી પ્રક્રિયા અવિરત ચાલતી જ રહે છે, તે પણ આપણી જાણ બહાર! હવે કોઈ વખત એવું બને કે અનન્ય અને થોડાં જાણીતાં કારણો આ પ્રક્રિયાને ખોરવી નાખે છે, અને શરીરના કોષો બેધડક કશા પણ નિયંત્રણ વિના વધવા માંડે અને ગાંઠ, રસોળી કે ચાંદા રૂપે દેખા દે. આમાંની કેટલીક ગાંઠો સાદી પણ હોય, અને નુકશાન કરે એવી કે જીવલેણ પણ હોય, જેને અમારી દાક્તરી ભાષામાં ન્યુઓપ્લાસિયા (Neoplasia) કહેવાય, અને એમાં સામાન્ય રીતે ઓળખાતા કેન્સર (કર્કરોગ)નાં લક્ષણો પણ હોય. ચાલો આજે એ વિષે થોડું વિચારીએ.

    ન્યુઓપ્લાસિયા શરીરના અંગમાં કોઈપણ કોષોમાં થઈ શકે, ચામડી, માંસપેશીઓ, અસ્થિ, અસ્થિમજ્જા, હોજરી અને આંતરડાં, મુખ, ગુદાદ્વાર, ગુદા, પેશાબની કોથળી, કલેજું, મગજ અને જ્ઞાનતંતુઓ, લોહી, લસિકાગ્રંથિઓ, આંતરસ્ત્રાવની ગ્રંથિઓ વગેરે. આ થાય ત્યારે જે તે અંગના કોશો અનિયંત્રિત વધવા માંડે, જે તે અંગના ભોગે વધતાં જઈને એ જોડેનાં અંગોને પણ દબાણ આપે, એમાં પ્રસરે, વળી લોહી અને લસીકાનળીઓ દ્વારા શરીરનાં બીજા દૂરના અંગોમાં પણ પ્રસરે છે, જો તે કેન્સર હોય તો!

    ન્યુઓપ્લાસિયાના ત્રણ પ્રકાર છે, સામાન્ય બિનઉપદ્રવી જેને બીનાઈન (Benign) કહેવાય, અને બીજો પ્રકાર તે, કેન્સર (Cancer કે Carcinoma) અથવા મેલિગ્નન્ટ (Malignant). ત્રીજો પ્રકાર એ આ બંનેના સંયુક્ત (Mixed) કોષોથી બને છે.

    (૧) કેન્સર કે કર્કરોગ – ગાંઠ, રસોળી કે ચાંદું. આમાં કોશો જે તે અંગમાં વધે અને સાથે-સાથે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રસરવાની શક્તિ ધરાવતા હોય છે. અને સમયસર સારવાર/સર્જરીથી કાઢી ના નખાય તો જીવલેણ બને છે. દા.ત. થાનનું કેન્સર (carcinoma breast), હોજરીનું કેન્સર (Gastric Cancer), ચામડીનું કેન્સર (Squamous Celled Carcinoma), ફેફસાનું કેન્સર (Lung Cancer) વગેરે. આ પ્રકાર લસીકાનળીઓ (Lymphatics) દ્વારા લસીકાગ્રંથિઓ (Lymphnodes)માં અને આખરે લોહી દ્વારા પ્રસરે છે.

    (૨) સારકોમા (Sarcoma) મોટેભાગે માંસ પેશીઓમાં થાય. દા.ત. ચરબીનું Liposarcoma, હાડકાંનું Osteosarcoma, જ્ઞાન તંતુનું Neurosarcoma કહેવાય છે. આ પ્રકાર મોટેભાગે લોહીની નળીઓ દ્વારા પ્રસરે છે, અને ઝડપથી જીવલેણ બને છે.

    (૩) સાદી ગાંઠ (Benign), મસા, રસોળી, ચાંદું – આ ગાંઠ જે અંગમાં હોય ત્યાંથી દૂરનાં અંગોમાં પ્રસરતી નથી. દા.ત. ચરબીની સાદી ગાંઠ લાઇપોમા (Lipoma), થાનમાં યુવાનીમાં થતી ગાંઠ ફાઇબ્રોએડીનોમા (Fibroma/Fibroadenoma), ઓસ્ટિઓમા (Osteoma), વગેરે.

    (૪) ઘણીવાર બંને પ્રકારના કોશો એક જ ગાંઠ કે ચાંદામાં દેખાય, એ ત્રીજો પ્રકાર (Mixed, like Teratoma).

    વળી એવું પણ જણાયું છે કે ઘણા અંગોમાં એવી પ્રક્રિયા થયા કરે, જે લાંબા સમયે સાદા રોગમાંથી કેન્સરમાં પરિવર્તિત થાય છે, જેને પ્રી કેન્સરસ (Pre-cancerous) કહેવાય, દા.ત. શિશ્નની ચામડી ઉપર લ્યુકોપ્લેકિયા (Leukoplakia), મોઢાનું દાંતના લીધે થયેલું ચાંદું (Tooth Ulcer), થાનમાં થતું પેગેટ્સ (Paget’s) ચાંદું, ગર્ભાશયના દ્વાર પરનું ચાંદું (Dysplasia, Chronic Cervicitis) વગેરે. જો કે સાદી ગાંઠ કે ચાંદું લાંબા સમયે વર્ષો સુધીમાં કેન્સરમાં રૂપાંતરિત થાય તો કહેવાય નહીં. એ પણ જાણી લો કે જે પ્રકારના કોષોમાં કેન્સરનો ઉદ્ભવ થયો હોય એ પ્રમાણે એનું નામકરણ થાય છે. ચામડી, ગ્રંથિઓ અને આંતરડાની અંદરના પડના કોષોમાંથી થતા રોગને કેન્સર (Cancer, Carcinoma) કહેવાય અને અન્ય માંસપેશીમાં થાય તેને સારકોમા (Sarcoma) કહેવાય છે. આ બંનેની પ્રકૃતિ વિભિન્ન હોવાથી તેના પ્રસરવાની પ્રક્રિયા અને સારવાર જુદા પડે છે.

    કેન્સર એ હૃદય રોગ પછીનું બીજા નંબરનું મૃત્યુનું કારણ છે. એના થવાના કારણો એટલા બધા ઓળખાયા છે કે જાણીએ તો ગભરાઈ જવાય, અને તેને લગતું વિજ્ઞાન ખૂબ જ જટિલ છે. આવા કેન્સરને પ્રોત્સાહિત કરે અથવા પેદા કરવા સક્ષમ કારણો થોડા જાણવા જોઈએ, જે નીચે પ્રમાણે છે.

    (૧) સિગારેટ સ્મોકિંગ, ફેફસાનું Lung cancer. ગુટકા ચાવવાથી Submucous Fibrosis નામની કેન્સર પહેલાંની પરિસ્થિત ખૂબ જ પીડાદાયક છે.

    (૨) વિવિધ જાતના રસાયણો, Various Chemicals. પેશાબની કોથળીનું કેન્સર (Carcinoma Bladder) એ એનીલિન ડાઈ (Aniline Dye)થી થાય છે.

    (૩) સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો (Ultraviolet Rays), મીલેનોમા (Melanoma)નું કેન્સર.

    (૪) ક્ષ-કિરણો, રેડિયેશન X-rays.

    (૫) ઘણા વાઇરસ, દા.ત. આફ્રિકામાં જડબાનું Burkitt’s Lymphoma કેન્સર, EBV (Epstein Barr Virus)થી સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર HPV (Human papilloma Virus) અને Herpes Virusથી થાય છે.

    (૬) આનુવંશિક/જેનેટિક (Genetic), દા.ત. Teratoma, કેટલાંક થાનનાં કેન્સર (Breast Cancer)

    (૭) શરીરની રોગને પારખી સામનો કરવાની શક્તિનો બગાડ (Compromised Immunity). દા.ત. AIDSના દર્દીમાં Kaposi’s Sarcoma નામનું કેન્સર.

    (૮) વધારે પડતો તૈલી ખોરાક.

    (૯) સડેલાં ફૂગવાળાં ધાન કે મગફળીના ઝેર (Aflatoxins)થી કલેજાનું (Liver) કેન્સર.

    (૧૦) વધારે પડતા દારૂનું સેવન અને સાથે માંસ (Red Meat)નું ભોજન.

    (૧૧) એ પણ જાણવું જરૂરી છે કે અમુક કેન્સર અમુક દેશોમાં વધારે જોવા મળે, પુરુષ અને સ્ત્રીનાં અંગો પ્રમાણે કેન્સર જુદાં હોય, ઉંમર પ્રમાણે પણ જુદાં કેન્સર થાય.

    (૧૨) નહીં મટતું ચેપી ચાંદું (Chronic Infection).

    જોકે યાદ રાખવું કે આ બધાં જ કારણો એકાદવારના સેવન કે ઉપયોગથી ના થાય. એકાદ બે સિગારેટ પીધી હોય તો ના થાય, પણ વર્ષો સુધી પીધી હોય તો ફેફસાનું (Lung) કેન્સર થઈ શકે. લાંબા ગાળાનો કારણો સાથે સમાગમ જરૂરી છે.

    કેન્સરની લાલબત્તી બતાવતા ચિહ્નો – (Warning Signs of Cancers)

    (૧) ખાવા પીવામાં ફેરફારની નિશાનીઓ – ગળે ખોરાક ના ઊતરે (Dysphagia), વારંવાર થતા લોહીના ઝાડા (Bloody Diarrhea) કે ઊલટી (Vomiting), ખોરાક ના પચે (Chronic Indigestion), મળત્યાગ વખતે લોહી પડે (Passing blood in stools), બંધ કોશ (Chronic Constipation), વગેરે.

    (૨) ચામડીનું મટે નહી એવું ચાંદું (Chronic Non-healing Ulcer)

    (૩) ના સમજાય એવું લોહી ઝરવું/વહેવું (Unexplained Bleeding), દા.ત. બ્રશ કરતી વખતે સામાન્ય કરતાં વધારે લોહી નીકળે, માસિક બંધ થયા પછી મોટી ઉંમરે, ફરી ચાલુ થાય.

    (૪) ચામડી પરનો મસો કે લાખું વધે કે તેમાંથી લોહી ઝરે. (Changes in Mole or Wart).

    (૫) ખાંસી જે કોઈ પણ દવાથી ના મટે (Nagging cough), ગળફામાં લોહી આવે, અવાજ જાડો થઈ જાય (Hoarseness of Voice).

    (૬) શરીરના અંગમાં ગાંઠ થાય, દા.ત. થાનની ગાંઠ.

    (૭) આંતરસ્રાવના અચાનક ફેરફારથી તેને લગતા રોગો દેખાય. દા.ત. થાઇરોઇડ અને એદ્રીનલની ગાંઠ.

    આવાં કારણોની યાદી ખૂબ લાંબી આપી શકાય, છતાં ખાસ નોંધવાનું કે આ નિશાનીઓ કેન્સર સિવાયના રોગોમાં પણ થાય છે, અને કેન્સર છે કે બીજો કોઈ રોગ છે તે જાણવા ઘણા ટેસ્ટ અને બાયોપ્સિ (Biopsy) પણ કરવી પડે.

    આટલું જાણ્યા પછી પ્રશ્ન થાય કે કેન્સર ના થાય માટે શું કરવું? (Preventive Measures)

    (૧) તમાકુનું સેવન બંધ કરવું. ખાસ કરીને ગુટકા ચાવવા સદંતર બંધ કરવા.

    (૨) વિટામિન સી વાળા ફળો, વિટામિન એ વાળા શાકભાજી, સંપૂર્ણ રેસા સાથેના ધાન, વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો. તૈલી પદાર્થો ઓછા ખાવા. (બંધ ના કરાય).

    (૩) સંઘરેલો અને પ્રિઝર્વેટિવવાળો ખોરાક ત્યજવો, કારણ કે સાચવવા નાખેલા રસાયણો કેન્સર માટેનું કારણ ગણાય છે.

    (૪) સમયસરની અને સમયાનુસાર યોગ્ય સ્પેશ્યાલિસ્ટ દાક્તરી તપાસ અને સારવાર. (Regular Medical Checkup by specialist).

    એવું કહેવાય છે કે દુનિયામાંનો કોઈપણ પદાર્થ એલર્જી કરી શકે, એમ કેન્સર માટે પણ કહી શકાય.

    જોકે આથી ગભરાવાનું નથી, મોત તો આવવાનું જ છે, પછી તે કોઈપણ રૂપે આવે. અને જો જલદી નિદાન અને તુરંત યોગ્ય સારવાર થાય તો બીજા રોગોની જેમ કેન્સર પણ સંપૂર્ણ મટી શકે છે. આ માટે સર્જરી, રેડિયોથેરાપી, કે કીમોથેરાપીનો ઉપયોગ જગજાહેર છે.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • રિઝાવા, ખિજાવા, ભસવા અને કરડવાની અથશ્રી : શ્વાન કથા

    નિસબત

    ચંદુ મહેરિયા

    પત્રકારત્વના વિધ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચારમૂલ્યવગરની ઘટના  હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં  અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં.

    કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતા શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલા કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે  પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    તે રીઝે તો ય અને ખીજે તો ય, શ્વાનની સોબત માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલા મેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.

    અમેરિકી  પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડાપ્રધાન ઋષિ સુનકે આ નસલના કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું.૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.

    પાળેલાની જેમ રખડતા કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે  ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું.એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઉભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃધ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.

    ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા  પ્રશ્નના જવાબમાં ૨૦૨૦ થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે.

    અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના  આક્રમક  બનવાના, લોકો પર હુમલા કરવાના  અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી,ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા- નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે.

    ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય , મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલા કે શું રખડતાં- તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે  ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે  કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી.

    હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.