વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પરિવર્તન – ૪ : પાનખર

    અવલોકન

     – સુરેશ જાની

    તે દિવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠેકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નિર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવિહીન, આમથી તેમ અફળાતાં પાંદડાં.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નિખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.

    હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું,  નીચે પણ એકેય પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સૂસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધિ  નામશેશ થઈ ગઈ છે.

    લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી હવે પાનના રંગ ખીલવી, રંગીન મિજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પૂરબહારમાં છે.  બાજુના મહાશય તો સદાકાળ હરિતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વિચલિત કરી શકતી નથી.  તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.

    એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે  ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે   ટુંટીયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા ૬0  –  ૬૫  વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેની બધી ખુમારી તો શું ? – સમગ્ર અસ્તિત્વ  ઓસરી ગયું છે .

    દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મિજાજ, એક રંગ, એક નિયત જિંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નિયતિ  પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વિખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.

    પાર્કથી થોડે દુર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઊડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઊતરી, અન્ય વૃક્ષોનાં મૂળિયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવિત કુંપળોમાં રસસિંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે,  કોઈ બીજો જ રંગ  મઘમઘાવશે.

    —————————–

           અને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચૂક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્ષક નિખાર તો નથી જ આપતો! એક દિવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.

    આ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નિયતિ છે.

    ફરી જન્મ, ફરી મૃત્યુ.
     આ જ જીવનક્રમ
    હજારો વર્ષોથી ચાલ્યો આવે છે.
    ચાલતો રહેશે.

    સતત પરિવર્તન. કશું શાશ્વત નહીં. સમાપનમાં એક જૂની સોનેટ રચના

    અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
    બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
    પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
    અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.

    જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
    સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
    ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
    નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.

    પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
    ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
    જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
    મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

    શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
    નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી  જિંદગી ઉગશે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અન્નસુલભતાના વિરોધાભાસે મોનાલીસાનું રહસ્યમય સ્મિત

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સામ્યવાદની પ્રગાઢ અસર હતી એવા સમયમાં અનેક લોકો કળાને ‘ભર્યા પેટના ચાળા’ ગણતા હતા. બે ટંક ભોજનના ફાંફા હોય એવે ટાણે કળાનો વિચાર શેં આવે? કળાનું બજાર વિકસતું ગયું એમ આ ખ્યાલ કદાચ દૃઢ થતો ગયો હશે, કેમ કે, વિવિધ કળાકૃતિઓ ઊંચા દામે વેચાતી થઈ અને તેને ખરીદવી એ મોભાનું પ્રતીક ગણાવા લાગ્યું. કળાનું બજાર આજે એટલું જ જોરમાં છે, પણ એ માટે લોકોનો કળાપ્રેમ નહીં, નાણાંપ્રેમ જવાબદાર છે.

    વર્ષના આરંભે જાન્યુઆરી, ૨૦૨૪ના અંતિમ સપ્તાહમાં ફ્રાન્‍સના પેરિસ ખાતે આવેલા જગમશહૂર લુવ્ર મ્યુઝીઅમમાં બનેલી એક ઘટના પ્રસાર માધ્યમોમાં ચમકી. બે કાર્યકર્તા મહિલાઓએ આ મ્યુઝીઅમમાં મૂકાયેલી ખ્યાતનામ ચિત્રકાર લિઓનાર્દ દ વિન્‍ચીની ચિત્રકૃતિ ‘મોનલીસા’ પર સૂપ ફેંક્યો. સૂપ ફેંકીને તેઓ ચિત્રની સામે ઊભી રહ્યાં અને ફ્રેન્‍ચ ભાષામાં બોલ્યાં, જેનો અર્થ આવો હતો, ‘વધુ મહત્ત્વનું શું છે? કળા કે સ્વસ્થ અને ટકાઉ આહારપ્રણાલિ?’ સાશા અને મેરી-જુલિયેટ નામની આ બન્ને મહિલાઓ ‘રીપોસ્ત એલીમોન્‍તેર’ નામના એક પર્યાવરણસંબંધી સંગઠનની સભ્ય હતી. આ સંગઠને પછી બન્નેનાં આ કૃત્યની જવાબદારી લેતાં ઘોષિત કર્યું, ‘સાશા અને મેરી-જુલિયેટ ટકાઉ આહારની સામાજિક સુરક્ષા અંગેની માગણી કરે છે.’ [1]

    આ ઘટનાનાં વિવિધ પરિમાણ છે. ‘મોનાલીસા’ યુરોપના નવજાગરણ યુગની એક મહત્ત્વની કૃતિ લેખાય છે, જે ખરા અર્થમાં અમૂલ્ય છે. દર વરસે લાખો મુલાકાતીઓ આ કૃતિના દર્શને ઉમટે છે. પરિણામે આ કૃતિને અટકચાળું કરવાથી જગતભરના લોકોનું ધ્યાન આકર્ષી શકાશે એમ ધારીને દેખાવકારો કે વિરોધીઓ તેને વિકૃત કે કુરૂપ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. આ હુમલા અગાઉ પણ પાંચ વખત તેની પર એક યા બીજી રીતના હુમલા થઈ ચૂક્યા છે. અલબત્ત, તે કુરૂપ ન થાય એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આ કિસ્સામાં પણ કૃતિ બુલેટપ્રૂફ કાચ પાછળ ઢંકાયેલી હોવાથી તેને કશું નુકસાન થયું નથી.

    પોતાની વાજબી કે ગેરવાજબી માગણીઓ પ્રતિ જગતના લોકોનું, ખાસ કરીને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે કોઈ ત્રાહિત બાબતને વચ્ચે લઈ આવીને તેના નુકસાનનો પ્રયત્ન કરવો એ એક પ્રચલિત અને પુરવાર થયેલી કાર્યપદ્ધતિ છે. આ પદ્ધતિનું અંતિમવાદી સ્વરૂપ એટલે અપહરણ યા અન્ય પ્રકારનું ત્રાસવાદી કૃત્ય. આ કિસ્સામાં બન્ને મહિલાઓ શું ઈચ્છતી હતી? તેમણે એમ કહ્યું હોવાનો અહેવાલ છે કે, ‘આપણી કૃષિપ્રણાલિ નકામી છે. આપણા ખેડૂતો કાર્યસ્થળે મરી રહ્યા છે.’

    જે સંગઠનની તેઓ સભ્ય છે એ જૂથે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે ‘ફ્રાન્‍સમાં દર ત્રણ પૈકી એક જણ સ્રોતના અભાવે આહાર પામી શકતો નથી. બીજી તરફ વીસેક ટકા જેટલો ઉત્પાદિત ખોરાક ફેંકી દેવામાં આવે છે.’ આથી આ સંગઠનની માગણી છે કે ‘આહારને સામાજિક સુરક્ષાના માળખામાં સામેલ કરી લેવામાં આવે અને પ્રત્યેક નાગરિકને દર મહિને દોઢસો યુરોનું એક કાર્ડ આપવામાં આવે, જેથી તેઓ ‘લોકશાહી ઢબે પસંદ કરાયેલી’ પૂર્વમંજૂરી ધરાવતી પેદાશ ખરીદી શકે.’ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં ઘણા વખતથી ખેડૂતો સરકારી નિયમનો અને વધતી જતી ઈંધણની કિંમતોના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.

    બન્ને મહિલાઓના આ કૃત્ય અંગે વિવિધ પ્રકારની ટીપ્પણીઓ થઈ રહી છે. કેટલાક લોકો એને ‘દેખાડાબાજી’ ગણાવી રહ્યા છે. કેટલાક માને છે કે તેમનો મુદ્દો સાચો હોય તો પણ વિરોધની આ રીત ખોટી છે, કેમ કે, તેઓ લોકોનું ધ્યાન કદાચ આકર્ષી શકે, પણ એનું પરિણામ ખાસ કશું મળતું નથી. કેટલાકે તો ટકાઉ ખોરાકપ્રણાલિ ઊભી કરવા અંગેની માગણી માટે ‘ખોરાકની ચીજ’ એવા સૂપના આ રીતે બગાડ સામે પણ વ્યંગ્ય કર્યો છે.

    બન્ને મહિલાઓને જે સજા થાય એ ખરી, પણ આ ઘટના એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે ફ્રાન્‍સની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ સ્થિતિ કેવળ ફ્રાન્‍સની કે યુરોપના દેશ પૂરતી મર્યાદિત નથી, વિશ્વભરમાં તે પ્રવર્તી રહી છે. થોડા સમય અગાઉ આ કટારમાં અન્નના અનાદર વિશે લખવામાં આવ્યું હતું. એ મુજબ રાંધેલા અન્નનો બગાડ પૃથ્વીના પર્યાવરણને પ્રદૂષિત કરવામાં મોટું પ્રદાન કરે છે, કેમ કે, તેના માટે અનેક પ્રકારના નૈસર્ગિક સ્રોતનો ઉપયોગ થતો આવે છે.

    આપણા દેશમાં પણ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી. એક તરફ એક મોટો શહેરી વર્ગ એવો ઊભો થયેલો જોઈ શકાય છે કે જેઓ સપ્તાહાંતે કે રજાના દિવસોએ બહાર ભોજન કરવા લાગ્યો છે. નાણાં ખર્ચીને પ્રાપ્ત કરાયેલા આ ભોજનનો બગાડ કરવાનો જાણે કે તેમને અધિકાર મળી જાય છે. ઢગલાબંધ વાનગીઓનો ઓર્ડર આપવો, અને પછી તેને પ્લેટમાં પડી રહેવા દેવી એ જાણે કે નવસામાન્ય પરિસ્થિતિ બની ગઈ છે. શુભાશુભ પ્રસંગોએ પણ ભોજનનો ગુનાહિત વેડફાટ આપણી પરંપરા બની રહી છે. બીજી તરફ એવો મોટો વર્ગ અસ્તિત્વમાં છે કે જેના માટે બે ટંકનું ભોજન સુદ્ધાં વૈભવ સમાન છે. આવો વર્ગ સામાન્ય રીતે નજરે ન પડે એનો અર્થ એમ નહીં કે તેનું અસ્તિત્વ નથી. આવો વર્ગ બોલકો નથી, અને તેમના વતી અવાજ ઉઠાવી શકે એવા બહુ ઓછા છે.

    સત્તાધીશોની પ્રાથમિકતામાં આ મુદ્દો આવે ત્યારે ખરો, પણ વ્યક્તિગત ધોરણે આપણે અન્નનો વેડફાટ અટકાવીએ તોય ઘણું.


    [1]


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રિયજન-એક પ્રેમોપનિષદ

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    શ્રી વીનેશ અંતાણી  કૃત ‘પ્રિયજન’ પ્રેમના વિવિધ આયામોને પ્રગટ કરતી. પ્રેમના ઊંડાણનો સ્પર્શ કરાવતી, સરળ-ગહન ભાવોનું દર્શન કરાવતી એક એવી નવલકથા છે જેના વિશે મૂક થઈને વાચાળ થવાનો વિરોધાભાસી અનુભવ સહૃદય અનુભવતો રહે છે. ‘પ્રિયજન’ ભાવોના સાધારાણીકરણની આત્યંતિક ક્ષણોમાં આપણને મૂકી દે છે. આખી કૃતિ વાંચી લીધા પછી એક નવલકથા પૂરી કરી એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીમાં ભાવક ઘેરાઈ જાય છે.

    કૃતિ એક નવા જ વાતાવરણમાં સતત વિકસતી રહે છે. અનેકવાર કહેવાતી કોઈ પ્રેમકથા અહીં નથી; કે નથી કોઈ પ્રણયત્રિકોણનો આભાસ. અહીં તો બે પુરુષો ને બે સ્ત્રીઓનાં – બે દામ્પત્યોનાં ભરપૂર જીવન વચ્ચેનો ઘેરો અવકાશ કૃતિનો ‘સા’ છે. કૃતિ ચાર પાત્રોમાં વહેંચાતી વહેચાતી અખંડત્વને પામતીરહે છે.

    પંચાવનમેં વર્ષે પહોંચેલા નિકેત અને ચારુનું એક સમયના પ્રિયજનોનું –ચારુના ગામમાં થયેલું આકસ્મિક મિલન ને એ મિલને ઠેલી દીધેલાં વર્ષો, સ્મૃતિ માટે ઉઘાડેલી બારીઓ – એ ‘પ્રિયજન’નું પાતળું કથાવસ્તુ.

    પ્રિયજન એવાં ચારુને નિકેત, કારણોસર, સમજપૂર્વક છૂટા પડેલાં છે, બંને પોતપોતાના જીવનમાં ગોઠવાય છે; પોતાનું સ્વત્વ તેમને મળેલા અનેરાં પાત્રો દિવાકરને ઉમામાં ઓગાળવા ભરપૂર પ્રયત્ન કરે છે. પણ એક ઘેરા શૂન્યાવકાશનું આછેરું આવરણ તેમના વર્તમાનને ભૂતકાળમાં ઢાળી દે છે.

    નિવૃત્ત થયેલો નિકેત જીવન દરમ્યાન મનમાં જીવાયેલા ગામમાં – ચારુના ગામમાં-નિવૃત્તિનો પ્રારંભ ગાળવા માટે આવે છે ને અચાનક જ તેનું ચારુ સાથે મિલન થઈ જાય છે. ચારુના આમંત્રણથી એ ચારુને ઘેર જ આવે છે. એકબીજાને જોતાં જ બંનેને ખ્યાલ આવે છે કે આ ક્ષણ બંનેના પરસ્પર પુનઃપ્રવેશની નથી કે કેમકે એ બંને એકબીજાની અંદર જ જીવેલા છે.

    બંનેના જીવનમાં વચ્ચેનાં વર્ષોનો એક અજાણ્યો પ્રવાહ વહ્યો છે. એ અજાણ્યા પ્રવાહમાં બે પાત્રો તરતાં દેખાય છે-નિકેતની પત્ની ઉમા ને ચારુનો પતિ દિવાકર. આ બંને પાત્રો કૃતિમાં પ્રત્યક્ષ હાજર નથી પણ નિકેત અને ચારુના મન પર તેમનો જે અદ્રશ્ય કબજો છે એનું બળ કૃતિને અત્યંત સંવેદનશીલ ક્ષણોમાં મૂકી દે છે. આ બંને પાત્રોએ પોતપોતાનાં પ્રિયજનોને ભરપૂર જીવન આપ્યું છે છતાં નિકેત અને ચારુનો એકબીજા વિનાનો સૂક્ષ્મ અવકાશ પૂરી શકાયો નથી. જીવનની આ ઝીણી વેદના બંનેના જીવનપટ પર ફેલાયેલી રહી છે. આથી જ તો ચારુ નિકેતને પૂછે છે કે, ‘ઉમાએ મારી ખોટ ન આવવા દીધી ?’ ત્યારે નિકેતનો ઉત્તર મળે છે : ‘એમ તો કેમ કહું? તારા સંદર્ભમાં જીવતો હતો એ વેદના ઠરીને છેક તળિયામાં સ્થિર થઈ ગઈ. તું જાણે ફ્રીઝ થઈ ગઇ મારામાં. અને ઉમા ચારે તરફ ફરી વળી.’ ઉમા નિકેતનું સર્વસ્વ પણ કેન્દ્રબિંદુ તો ચારુ જ.

    ચારુએ પણ જીવનભર એ જ અનુભવ કર્યો. એના મનના તળિયામાં સમુદ્ર જેવી જ એક બીજી જીવનસૃષ્ટિ જીવતી રહી.

    આ બંનેને પ્રેમ દરિયાકિનારે જ ઊગ્યો, પાંગર્યો ને વિસ્તર્યો તેથી એ નિઃસીમ બની શકયો, પ્રૌઢ બની શક્યો. આ પ્રૌઢીને જાળવતાં જાળવતાં મનુષ્ય હોવાને નાતે એ બંને બેવડ વળી જાય એટલી હદે તૂટી ગયાં છે પણ પોતાની પ્રૌઢી છોડી નથી. આથી જ તો ‘સમયનાં કેટલાં વન પસાર કરવાનાં હોય છે?’ એવા ચારુના ઉદ્ગારના જવાબમાં અપાયેલો નિકેતનો ઉત્તર પરિપક્વતાનો દ્યોતક છે. એ કહે છે ‘તે પણ ઘવાયા વિના. જેવા હોઈએ તેવા જ પાર નીકળવાનું . એ વનનો એક પણ કાંટો ચુભવો ન જોઈએ કે એક પણ ફૂલ જોયા વિનાનું ન રહી જવું જોઈએ.

    સમયના વન તરફની આ પ્રામાણિક નિષ્ઠાને કારણે જ ચારુને નિકેત પોતપોતાને મળેલા જીવનને પૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરી શક્યા છે ને એ પ્રયત્નમાં મહદંશે સફળ પણ બની શક્યાં છે; બંનેનાં જીવનમાં આવેલાં અજાણ્યાં પ્રિયજનોનું કેન્દ્રબિંદુ બની શકયા છે. ઢળતા જતા જીવનની એક સમજે ચારુ ઓફિસથી આવેલા દિવાકરને પૂછે, તમે થાકી ગયા છો ?’ ને જવાબ મળે, ‘તારા જેવી પત્ની હોય અને થાકી જવાય.” સંતાનો સાથે રમતના મેદાનમાં બેઠેલા ચારુ દિવાકર બધાની વચ્ચે એકલા પડી શકે, ખોવાઈ જઈ શકે એટલી હદે ચારુએ દિવાકરને પોતામાં ઓગાળ્યો છે.

    નિકેત- કદાચ પુરુષ હોવાને કારણે ઉષામાં આટલો બધો ઓગળી શક્યો નથી પણ એણે ઉમાને પોતાની તો કરી જ છે. પોતાના ભૂતકાળને દમ ભરીને ભૂલતાં ભૂલતાં એ ઉમાને પોતાની અંદર પ્રવેશવાની તક આપતો આપતો ઉમાનો પ્રિયજન બની બેસે છે. ઝીણી વેદનાને જીવતાં જીવતાં આ બંને પાત્રો આટલું કરી શક્યાં એ એમના પ્રેમની હેસિયત સૂચવી જાય છે.

    પણ કૃતિના વિસ્તાર માટે આટલું પૂરતું નથી. આ બંનેનો અનુરાગ વિરહની કસોટીએ ચડ્યો છે ત્યારે,ભાર તડકાના વાતાવરણની વચ્ચે વૃક્ષના વિસામા જેવાં દિવાકરને ને ઉમાનાં પાત્રો જે રીતે અહીં ઊઘડ્યાં છે તે ક્ષણો ક્ષણભર તો ચારુ – નીકેતને પણ વિસરાવી દે છે. દિવાકર ને ઉમાની બાથ બહુ મોટી છે. પોતપોતાનાં પ્રિયજનોને તેમની ઉદાસીન ક્ષણોની સાથે બંનેએ સ્વીકારી લીધાં છે. આ ઉદાસીન ક્ષણોનાં બંને સાક્ષી હોવા છતાં ખબર હોવાનો ભાવ તેઓ કળાવા દેતા નથી. ને જયારે આ ભાવ કળાવાની તક બંને ઝડપે છે. ત્યારે ચોકવાનું ચારુ-નિકેતના ભાગે આવે છે.

    ઉમાએ નિકેતની ક્ષણેક્ષણ પ્રમાણી છે. કાશ્મીરના પ્રવાસે ગયેલો નિકેત, શિકારામાં બેઠાં બેઠાં ભરપુર સુખ અનુભવે છે અને બરાબર ત્યારે જ ચારુનો ચહેરો તરવરી ઊઠે છે. પરિણામે વિહવળતાનો ઓછાયો તેના પર ફરી વળે છે. આ જોઇને ઉમા કહે છે. ‘તમારા ચહેરા પર આવડો મોટો સળ પેડ ને હું ન ઓળખું? તમારા તરફ મારી પીઠ હોય તોપણ મને ખબર પડે. જયારે આ તો તમારો ચહેરો મારી સામે છે.’

    ઉમા, નિકેતના અવસાદની સતત સાક્ષી છે. મૂક રીતે નિકેતની હૃદયગુહામાં કોઈનો આકાર તેણે જોયો છે.. પણ ઉમા ખૂલે તો છે પોતાની જીવનસંધ્યાની ક્ષણે. નિવૃત્ત થયેલો નિકેત ફરીથી એકવાર ભરપૂર ક્ષણોની વચ્ચે ચારુને સંવેદે છે ત્યારે પાન બનાવતી ઉમાના હાથ તેના ખભાને સ્પર્શે છે. નિકેત એને કોઈ સંદર્ભ વિના પ્રશ્ન કરે છે, ‘આવું કેમ બનતું હશે?’ ત્યારે માત્ર અનુભવથી જ સમજેલી ઉમા કહે છે, ‘સમજી શકાય એવું છે. આ બધાની ઉપર તમારી અંદર બીજો પણ એક સમયખંડ જીવતો હોય તો –‘ ને નિકેત લગભગ ફાટી આંખે જોઈ રહ્યો. ઉમા ત્યારે સ્પષ્ટ થતા કહે છે, ‘એનું નામ આજે તો મને કહો.. જયારે તમારો પંચાવન વર્ષનો પ્રવાસ પૂરો થયો હોય, પૌત્ર સાઇકલ ફેરવતો હોય, પત્ની પાન બનાવતી હોય ત્યારે પણ તમારી પાઈપ ઉપર જલતો વર્તમાન થોડી ક્ષણો માટે ઠરી જાય ને છતાં તમે પ્રમાણિક ન બનો? હવે આપણા જીવનમાં તરડ નહીં પડે. સંબંધોની ઉપર ઘણું જીવી લીધું આપણે. હું તમારી ક્ષણેક્ષણને ઓળખું એવું અભિમાન રાખું ને છતાંય તમારી અંદર લાંબા પટ જેવા વિસ્તરેલા એક સમયખંડ વિશે કશું જ જાણતી ન હોઉં એ મારી કેવડી મોટી નિષ્ફળતા કહેવાય? તમે એવું ઈચ્છો છો કે હું તમારા વિષે અધૂરી રહું ? આ ઉમાનો ચહેરો છે, જેને નિકેત કદાચ પહેલીવાર, આવી નાજૂક ક્ષણે ઓળખી શક્યો છે, ઉમાની આ આકૃતિ સમક્ષ નિકેત ક્ષણભર ઝાંખો પડે છે.

    બરાબર ઉમા જેવો જ ચહેરો દિવાકર પણ ધરાવે છે એ ચારુ – નિકેતના જીવનનું સુખદ આશ્ચર્ય છે. જીવનસંધ્યાએ દિવાકર ચારુને પૂછી બેસે છે. ‘ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તું મારી બનુંમાં જીવતી હોય છે છતાં જોજનો દૂર હોય છે…. હું માત્ર જાણવા માંગું છું . હું તને કશુંક ઓછું આપતો હોઉં એવું લાગે છે… તારા મનનો એક ખૂણો રણ જેવ બળબળતો જીવે છે ને તારા મનનો એ પ્રદેશ હું શોધી શક્યો નથી. હું તો આખી ચારુને મારા હોવાપણાથી ઢાંકી દેવા માંગું છું.’ જવાબમાં ચારુ કહે છે , ‘તે ઢાંકી જ છે.’ ત્યારે દિવાકર પૂછે છે, ‘તો પછી?’

    ‘એનું નામ શું છે?’ પૂછતી ઉમાને ‘તો પછી?’ પૂછતો દિવાકર, એક બિંદુ પાસે અનાયાસ ભેગા થઇ જાય છે. બંનેમાં પ્રિયજન તરીકે રહેલું સંવાદનું આ તત્ત્વ પ્રેમના એક રૂપનું ઉદઘાટન કરે છે જે રૂપમાં માલિકીભાવનો, અણધડ અધિકારતવનો અભાવ છે. ચારુ-નીકેતને પોતાનાં બનાવવામાં કશુંક ખૂટ્યાનો ભાવ ચારુ-નીકેતને બદલે આ બંને અનુભવે છે ! ભાવક આ ક્ષણે મુખ્ય પાત્રોને ભૂલીને ઉમા-દિવાકર વચ્ચે બીડાઈ જાય છે. તેની આજુબાજુ આ બંને કોમળતાની વજ્ર દીવાલ ઊભી કરી દે છે.

    ‘પ્રિયજન’ સંજ્ઞા વિસ્તૃત થતી થતી પરાકાષ્ઠાએ પહોચે તો છે દ્રષ્ટિને અંતે. વિદાય લેતો નિકેત ચારુને પૂછે છે, ‘અત્યારે કેવો અનુભવ થાય છે?’ ચારુ કહે છે, ‘દિવાકર બીજીવાર મૃત્યુ પામતા હોય એવું લાગે છે.’ ને વિદાય લેતા નિત ઉમા પાસે પહોંચવા ઉતાવળો બને છે. ઉમા ને દિવાકરના આરોહાનનું આ અંતિમ ચરણ છે. કોણ કોનું પ્રિયજન છે એ વાત વિચારવાનો હવે અવકાશ જ રહેતો નથી, ને અર્થ પણ નહીં. બધાં પાત્રોની રેખાઓ પરસ્પરમાં ઓગળી જાય છે ને ચારે જણ બને છે ભાવકના પ્રિયજન.

    કવિ સાદ્યંત, પ્રચ્છન્ન રીતે સૂક્ષ્મ કસકનો અનુભવ આપે છે. કરુણનું ધીમું ગાન સહૃદયના મનોજગતના સુકાયેલા તળાવ જેવા ચીરા પાડતું પાડતું કૃતિને અંતે ન સહેવાય તેવા વેદનાના ઓથાર નીચે ચાંપી દે છે. પાત્રોની બાહ્ય પ્રસન્નતા તેમાં સહેજ પણ મદદ કરતી નથી. દ્રષ્ટિનો અનુભવ મીરાંની જીવનભરની વેદનાની યાદ અપાવે એવો ગેરુઓ રંગ ધારણ કરે છે. ભાવક પણ કશાકથી છૂટા પડી ગયાની વેદનાને આત્મસાત કરે છે.

    કૃતિમાં પ્રગટ થયેલો પ્રેમનો મર્મ ‘પ્રેમ’ એવી સામાન્ય સંજ્ઞાના સમાવેશની બહારનો છે. એની નિઃસીમતા મૌનસમાધિમાં મૂકી દે છે. કૃતિ બને છે એક પ્રેમોપનિષદ. નવલકથાને બહાને અહીં જે કહેવાય છે તેની સાથે ભાવકનો એક અનોખો અનુબંધ રચાય છે. આ નિઃશબ્દ ક્ષણોને માણવા જેવી છે – ‘પ્રિયજન’ના પ્રિયજન બનીને.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સિનેમા પેરેડીસો – આ તો જાણે આપણા ગામનું થિયેટર

    સંવાદિતા

    આપણા સૌની બચપણની સ્મૃતિઓના ગામોમાં આવા થિયેટરો હતાં જ્યાં હવે શોપીંગ સેંટરો ધમધમે છે અને જ્યાં હજી પણ આપણી ખટમીઠી સ્મૃતિઓના અવશેષ ધરબાયેલા પડ્યા છે.

    ભગવાન થાવરાણી

    આજે વાત કરીએ ૧૯૮૮ ની એક ઉત્તમ ઈટાલિયન ફિલ્મ ‘ સિનેમા પેરેડીસો ‘ એટલે કે ‘ પેરેડાઈઝ ટોકીઝ ‘ વિષે. ફિલ્મના નિર્દેશક છે ગિસેપ તોરનાતોરે . આ આપણામાના એવા લોકોના મનની  વાત છે જેમનું પોતાનું એક ગામ હતું, ગામનું એક ચર્ચ ( કે મંદિર ) હતું, ચર્ચનો પાદરી ( કે પૂજારી ) હતો, નિશાળ હતી, ચોક હતો, ચોકમા બહુ ભીડ નહીં એવી આછેરી ચહલપહલ હતી અને સૌથી અગત્યનું કે એ ચોકમાં એક સિનેમા હતું જ્યાં દર અઠવાડિયે નવી ફિલ્મો ‘ ચડતી ‘ ! આ ગામના આબાલવૃદ્ધ ફિલ્મઘેલા લોકો એ ફિલ્મો અને એની વાર્તાઓ રીતસરની જીવતા. એમના આનંદ, દુખ, ઉલ્લાસ, ઉદાસી, પ્રેમ અને નિરાશાઓ એ સિનેમા અને એમાં લાગતી ફિલ્મો સાથે વણાયેલી હતી.
    ‘ સિનેમા પેરેડીસો ‘ 1ગાથા છે દ્વિતીય વિશ્વ યુદ્ધેતર ઈટાલિના એક નાનકડા ગામ ગિઆનકેલ્ડોની,  ત્યાંના સિનેમાગૃહ ‘ પેરેડીસો ‘ અને એના પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની, તેની સાથે એક ફિલ્મઘેલા  બાળક તોતો ઉર્ફે સાલ્વાટોર ઉર્ફે સાલ્વાટોર ડી વિત્તાની દોસ્તીની. .
    ફિલ્મ વર્તમાન – ૧૯૮૮ માં શરુ થાય છે અને પછી ભૂતકાળમાં સરી પડી પાછી વર્તમાનમાં આવે છે. જગવિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તાને એની માનો ગામેથી ફોન આવે છે કે એનો મિત્ર આલફ્રેડો અવસાન પામ્યો છે અને એ મિત્રની અંતિમયાત્રામાં હાજર રહેવા માંગતો હોય તો તુરત ગિઆનકેલ્ડો પહોંચે. સાલ્વાટોર ઉર્ફે તોતો ત્રીસ વરસ પહેલાં એનું ગામ, વિધવા મા મારિયા, નાની બહેન લિયાને છોડીને રોમ આવી વસ્યો છે જ્યાં એણે એક ફિલ્મકાર તરીકે વિશ્વવ્યાપી કીર્તિ અને કલદાર હાંસલ કર્યા છે. એ પછી એ ક્યારેય ગામ ગયો નથી. મા સાથે અછડતો ટેલિફોન – વ્યવહાર જળવાયો છે, બસ . સંદેશો મળતાં એ સ્મૃતિવનમાં સરી પડે છે.
    ૧૯૪૪. બાળક તોતો ફિલ્મઘેલો છે. ભણવામાં હોશિયાર પણ એ સંમોહિત છે ફિલ્મો અને એના ઝગમગતા સિતારાઓની આભાથી. મા એને દૂધ લેવા મોકલે અને એ દૂધના પૈસામાંથી ફિલ્મની ટિકિટ લઈ સિનેમામાં બેસી જાય ! એના પિતા યુદ્ધના મોરચે ગુમ છે અને એમને મૃત માની લેવામાં આવ્યા છે. ક્યારેક એ સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ઘુસી જાય અને પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની કારીગરી મુગ્ધતા અને કુતુહલપૂર્વક જોયા કરે. શરુઆતમાં એને હડધૂત કરી હાંકી કાઢતો આલફ્રેડો ધીમે ધીમે એનું બાળમાનસ સમજે છે અને એને રીલ બદલવા, પ્રોજેક્ટર ચાલુ કરવા વગેરેનો કસબ શીખવે છે. બન્નેની મૈત્રી કાળેક્રમે પ્રગાઢ સ્વરૂપ પકડે છે અને સંતાનવિહોણો આલફ્રેડો તોતોને પોતાનો માનસપુત્ર માનવા લાગે છે.
    પેરેડાઈઝ સિનેમા ગામના પાદરીની માલિકીનું છે. સમાજના ‘ નૈતિક મૂલ્યો ‘ ની જાળવણી માટે પાદરીએ એક નિયમ રાખ્યો છે. ફિલ્મ જાહેર જનતા માટે પ્રદર્શિત થાય એના આગલા દિવસે પોતે એકલા સિનેમામાં જઈ આલફ્રેડોને આખી ફિલ્મ ચલાવવાનું કહે અને જેવા પડદા પર કોઈ ચુંબન કે આલિંગન જેવા દ્રષ્યો આવે કે તુરત પોતાના હાથની ચેતવણીસૂચક ઘંટડી વગાડે. એનો અર્થ આલફ્રેડોએ એવો સમજવાનો કે એ દ્રષ્યની પટ્ટી એણે કાપી નાંખવાની છે !
    ગામના ચોકની બરાબર મધ્યમાં આવેલા આ એકમાત્ર સિનેમા હોલમાં રાત્રિનો છેલ્લો શો છૂટે કે તરત ચોકમાં જ પડ્યો – પાથર્યો રહેતો એક ગાંડો લોકોને બૂમો પાડી ચોક તાબડતોબ ખાલી કરવાની કડક સૂચના આપે કારણ કે એણે ચોકને ‘ તાળું મારવાનું ‘ છે !
    એક દિવસ પ્રોજેક્ટર રૂમમાં જ્વલનશીલ ફિલ્મ રોલ સળગી ઊઠતાં આગ લાગે છે. તોતોની હાજરીમાં આલફ્રેડો ગંભીર રીતે દાઝે છે. તોતો એને બચાવી તો લે છે પણ એ બન્ને આંખો ગુમાવે છે. આખું સિનેમા સળગી જાય છે.
    ગામનો એક નવ-શ્રીમંત સિનેમાનું પુનર્નિર્માણ કરાવે છે. નવા રંગરૂપ સાથેના સિનેમાના પ્રોજેક્ટર રૂમનો હવાલો બાળક તોતોને સોંપવામાં આવે છે કારણ કે ગામમાં એના સિવાય કોઈને એ કામ આવડતું નથી !
    તોતો યુવાન થાય છે. હવે એને બધા સાલ્વાટોર કહે છે. અંધ આલફ્રેડો ક્યારેક આવીને સાલ્વાટોર સાથે પ્રોજેક્ટર રૂમમાં બેસે છે. સાલ્વાટોર પણ એને પરમ મિત્ર અને પિતા સમાન માન આપે છે. ગામમાં નવી રહેવા આવેલી એલેના નામની છોકરીને જોઈ એ એના પ્રેમમાં પડે છે પણ એલેનાના શ્રીમંત માબાપને આ સંબધ મંજૂર નથી. અનુભવી આલફ્રેડોને આ પ્રેમ નામે પદારથ અને એનાથી થતા ખાનાખરાબીના રહસ્યોની ખબર છે. એલેનાના પ્રેમના કારણે હવે પોતાના નાના મુવી કેમેરાથી નાની – નાની ફિલ્મો પણ બનાવવા લાગેલા સાલ્વાટોરને એ ચેતવે છે કે પ્રેમમાં પાગલ થઈશ તો તારું ભવિષ્ય બની રહ્યું ! તારું સ્થાન આ ભૂખડીબારસ ગિઆનકેલ્ડોમાં નહીં, રોમ જેવી કલા નગરીમાં છે. આ બધું છોડીને ભાગ અને ત્યાં જઈ તારું અધિકારપૂર્વકનું નામ કમાવ ! તારા જેવા હોનહાર માટે અહીં કશું જ નથી. જતો રહે. પાછું વાળીને જોઈશ નહીં. મને કે તારા કુટુંબને યાદ કરીશ નહીં. લાગણીવેડામાં પડીશ નહીં.
    ઘણી કશ્મકશ પછી સાલ્વાટોર રોમ જતો રહે છે. ત્યાં એને એની ક્ષમતા મૂજબની કીર્તિ પ્રાપ્ત થાય છે. એ હવે વિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તા છે. સમગ્ર દેશ એના નામ અને કામથી પરિચિત છે.
    ત્રીસ વર્ષ. આલફ્રેડોની સલાહ અક્ષરશ: માની એણે પોતાના ગામ કે સ્વજનો ભણી પાછું વાળીને જોયું નથી. ગામમાં મા હવે વૃદ્ધ થઈ છે અને એકલી રહે છે. બહેન પરણી ગઈ છે અને એના ઉમરલાયક બાળકો છે. અચાનક આ દુખદ સમાચાર !  એ ગામ જવાનું નક્કી કરે છે. ગામ હવે નાનું એવું શહેર બન્યું છે. બધું બદલાઈ ગયું છે. એના પરિચિતો બધા હવે વૃદ્ધ થયા છે. સહાધ્યાયીઓ એની જેમ પાકટ. એ મોટા ભાગનાને ઓળખી જાય છે. લોકો એની નામનાથી પરિચિત છે. મા એના બારણે ટકોરાને ઓળખી જાય છે. ‘ આ તો મારો તોતો જ ‘ વિચારતી એ બહાવરી બની બારણું ખોલવા દોડે છે. એના હાથમાં ગૂંથાઈ રહેલા સ્વેટરના તાણાવાણા એની દોટ સંગે ઉખડે છે એના સ્મરણોના ઘોડાપૂર સાથે !
    સાલ્વાટોર આલફ્રેડોની અંતિમ યાત્રામાં શામેલ થાય છે. આલફ્રેડોની વિધવા એને કહે છે કે એ તારા નામે બે વસ્તુ મૂકતા ગયા છે. તું નાનો હતો ત્યારે જેના પર ચડીને ફિલ્મનું રીલ ફેરવતો એ સ્ટૂલ અને ફિલ્મનું એક રીલ.
    ફિલ્મના એક હૃદયવિદારક દ્રષ્યમાં હવે ખખડધજ બનેલા સિનેમા પેરેડીસોને સુરંગથી ઉડાડી દેવામાં આવે છે. એ જગાએ હવે આધુનિક પાર્કીંગ લોટ બનવાનો છે. જેમની સ્મૃતિઓ આ સિનેમા સાથે જોડાયેલ છે એ બધા એ કરુણ દ્રષ્ય જોવા ટોળે વળે છે અને સજળ નેત્રે પોતાના સપનાના મહેલને કડડભૂસ થઈ તૂટી પડતું નિહાળે છે. પ્રેક્ષકોમાં તોતો – સાલ્વાટોર પણ છે. એના માટે તો એ થિયેટર એના જીવનનું સૌથી અગત્યનું પ્રકરણ !
    ફિલ્મનું અંતિમ દ્રષ્ય. પોતાના ઘરે રોમ પાછા ફરી સાલ્વાટોર પેલા આલફ્રેડોવાળા ફિલ્મના રીલને પ્રોજેક્ટર પર ચડાવે છે. એના આશ્ચર્ય વચ્ચે એ નિહાળે છે એ બધા અંતરંગ રોમાંસના સાંધી દીધેલા દ્રષ્યો જે પાદરીએ ફિલ્મમાંથી કપાવી નંખાવેલા પણ આલફ્રેડોએ એના પરમ મિત્ર તોતો માટે સાચવી રાખેલા !
    મૂળ ફિલ્મઆશરે ત્રણ કલાક લાંબી છે જે બાળક તોતો, યુવાન સાલ્વાટોર અને પ્રૌઢ સાલ્વાટોર ડી વિત્તાની કથની વચ્ચે વહેંચાયેલી છે.
    ફિલ્મના બધા મુખ્ય પાત્રોની ભૂમિકાઓ એમની ઉંમરના બદલાતા દૌર અનુસાર અલગ – અલગ કલાકારોએ ભજવી છે, એક આલફ્રેડોના પાત્ર સિવાય જે ફિલીપ નોઈરેટ નામના ફ્રેંચ અભિનેતાએ અદ્ભૂત રીતે ભજવ્યું છે.
    ફિલ્મને ૧૯૮૯ ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર મળેલો. એની ગણના વિશ્વની સર્વકાલીન ઉત્તમ ફિલ્મોમાં થાય છે.

    1


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૫ ઉપાડ

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    .

    ઉપાડ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  પાંચમાં મહત્ત્વનાં ઘટક ઉપાડ  વિશે વાત માંડીશું.

    ઉપાડ શા માટે?

    આપણે આપણાં રોકાણોને સજાવી રાખીને, તેમને જોઈ જોઈને, ખુશ ન થયા કરી શકીએ. આપણે રોકાણ કરીએ જ એટલા સારૂ છીએ કે આપણા ભવિષ્યના ખર્ચાઓને, કે અચાનક આવી પડતા, વિપરીત, સંજોગોને, પહોંચી વળી શકીએ. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં આપણું રોકાણમાંથી ઉપાડ કરીને એ પરિસ્થિતિની જરૂરિયાત  પુરી કરવી પડતી હોય છે.

    ઉપાડ કેટલો કરવો?

    આપણી હાલની જરૂરિયાતને પહોંચી વળી શકાય તેટલી આપણી કમાણી ન હોય તો ભૂતકાળમાં કરેલી બચતો, કે રોકાણો,માંથી ઉપાડ કરીને એ જરૂરિયાત પુરી કરી શકાય છે. બચત કે રોકાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ તો હોય છે.

    આપણી જરૂરિયાત પુરી થઈ શકે એટલો ઉપાડ આપણે આપણી બચત કે રોકાણમાંથી કરવો જોઈએ.

    પણ જો બચત કે રોકાણ પર્યાપ્ત હોય તો?

    બચત કે રોકાણ કરતી વખતે આપણી ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળી શકાય તેનું આપણે ધ્યાન રાખ્યું હોય તો પણ ઘણી વાર એવું બને છે કે જ્યારે ખરેખર જરૂરિયાત ઊભી થાય ત્યારે એ બચત કે રોકાણ પુરાં ન પડે. આમ થવા પાછળનાં મુખ્ય કારણોમાંનું પહેલું કારણ તો એ કે બચત કે રોકાણ કરતી વખતે આપણે ભવિષ્યના ખર્ચાની જે ગણતરી મુકી હોય તેના કરતાં વાસ્તવિક ખર્ચ ઘણું વધારે આવી પડે. કે પછી ધાર્યા કરતાં ખર્ચ વહેલું પણ આવી પડ્યું હોય એમ પણ બને. આપણે અપેક્ષા કરી હોય તે કરતાં ખરેખર મળેલું વળતર ઓછું હોય તો પણ આપણું રોકાણ અને વળતર મળીને પણ આપણી જરૂરિયાત પુરી ન થાય. આપણે ગણતરી મુકી હોય તે કરતાં આપણી જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાના ભાવ ઘણા વધારે વધી જવાને કારણે આપણી તે સમયની  જરૂરિયાત માટે આપણી ખરીદ શક્તિ પર્યાપ્ત ન પરવડે એમ પણ બનતું હોય છે. તે ઉપરાંત આપણી વધતી જતી અપેક્ષાઓને કારણે આપણી જરૂરિયાતો જ  એટલી વધી ગઈ હોય કે આપણી વર્તમાન બચત કે રોકાણથી તેને સંતોષી ન શકાય.

    આ બધી સંભવિત ઘટનાઓ નાણાકીય અર્થવ્યવસ્થામાં નાણાના સંદર્ભમાં લેવાયેલા નિર્ણયો અને તેના અમલ સાથે સંબંધિત છે. આ દરેક કિસ્સાઓમાં આવક, વર્તમાન ખર્ચાઓ, બચત અને રોકાણનાં દરેક પાસાંને અનુરૂપ નાણાની જે કંઈ વ્યવવ્સ્થા કરી હતી તે ભવિષ્યની જરૂરિયાતોના સંદર્ભમાં અપુરતી નીવડેલ છે. રોકાણ સલાહકારો એવી સલાહ આપતાં હોય છે કે પોતાની જરુરિયાત પુરી કરવા માટે જે ઉપાડ કરવો પડવાની શક્યતા હોય તેના કરતાં વધારે બચત ઊભી કરવી હિતાવહ છે, જેથી સંભવિત ફુગાવાની અસરોને પહોંચી વળી શકાય. પરંતુ જેમની વર્તમાન આવક અમુક સ્તરની જ બચત કરવા માટે પુરતી હોય એવા સંજોગોમાં વધારાની બચત કરવા માટે અત્યારની, કે ભવિષ્યની, જરૂરિયાતોમાં કાપ મુકવાની જરૂર પડી શકે, કે વધારાનું કરજ ઉભું કરવું પડે. આવતી કાલની ચિંતામાં આજની જરૂરિયાતો પર કાપ મુકવાની સલાહ કેટલે અંશે વ્યાજબી ગણવી ? નાણાકીય અર્થવ્યવસ્થાના સિદ્ધાંતોની દૃષ્ટિએ કદાચ એ ઉચિત સલાહ હશે,પણ દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ઘડાતી અંગત અર્થવ્યયસ્થાના માળખામાં તે માંડ બંધબેસતી જણાય.

    આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે

    આ સંજોગોમાં આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે. આપણી આવક, ખર્ચાઓ કે બચતોમાં નાણાનો સિંહ ફાળો તો રહેવાનો જ છે; એ મુજબ નાણાનું સમજી વિચારીને રોકાણ કરવાની આવશ્યકતાનું અગત્ય પણ ઓછું ન આંકવું જોઈએ. તેમ છતાં, આપણી બિનનાણાકીય આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં સંસાધનોને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવામાં કામે લગાડી શકાય. આ બધાં સંસાધનોને યોગ્ય, કે ક્યારેક થોડાં કલ્પનાશીલ, રીતે કામે લગાડીને આપણી આજની તેમ જ ભવિષ્યની જરૂરિયાતોમાં કાપ મુકવાની સંભાવનાઓને મહદ અંશે નીવારવાની વ્યવસ્થા ઉભી કરી શકાય.

    આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં આપણાં બિનનાણાકીય સંસાધનોના વર્તમાન ઉપયોગને ભલે હાલનાં નાણા ઉપાર્જનમાં કામે ન લગાડીએ, પણ ભવિષ્યની જરૂરિયાત પુરી કરવામાં કામ આવે એવી આવડત કે સંપર્ક કેળવવામાં, કે કોઈ બિનનાણાકીય સેવા સંસ્થા કે સમુદાયની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા જેવા વિકલ્પોમાં રોકાણ જરૂર કરી શકીએ. સેવાઓની અર્થવ્યવસ્થા પર ભાવ વધારાની અસરો બહુ અસર નથી થતી. એટલે તેટલા પુરતી એ અર્થવ્યવસ્થા વિનિમય અર્થવ્યવસ્થા જેવી ગણી શકાય. એટલે કે, આપણી આવડત કે સેવાનું વર્તમાનમાં આપણે “ખર્ચ” કરીને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાં મદદરૂપ થાય એવાં “વળતર”વાળાં “રોકાણ”ને ઊભું કરી શકીએ.

    નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં આવક રળવા, ખર્ચ કે બચત કે રોકાણ કરવા કે પછી ઉપાડ કરવા માટે નાણાની સમજ જરૂરી છે

    નાણા એવી એક કેન્દ્રવર્તી બાબત છે જેના પાયા પર આજની સમગ્ર વ્યવસ્થાની ઈમારત રચાય છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને રાષ્ટ્રોના વ્યક્તિગત તેમ જ સામુહિક આદર્શો અને સ્વપ્નો નાણાના સંદર્ભમાં જ આકાર લે છે. આપણે કમાઈએ નાણામાં છીએ અને ખર્ચ, બચત, રોકાણ અને ઉપાડ પણ નાણાનાં માધ્યમથી જ કરીએ છીએ. એટલે, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનાં એક એકમ તરીકે આપણે નાણાની લાક્ષણિકતાઓ, બારીકીઓ, ક્ષમતાઓ અને મર્યાદાઓને સારી રીતે સમજવી એ આજના સમયની માંગ છે.

    આપણે જો વિનિમય અર્થવ્યવસ્થામાં રહેતાં હોઈએ તો નાણાને ઓછું મહત્ત્વ, કદાચ, આપી શકીએ. પણ આજે વિનિમય અર્થવ્યવસ્થા લગભગ બધે જ અપ્રસ્તુત બની ગઈ છે. પરિણામે, આપણાં જીવન વ્યવહારોનાં ચેતાતંત્રને ઉર્જા નાણા જ પુરી પાડે છે. એ સંજોગોમાં નાણાની ભૂમિકા અને ઉપયોગની સમજણ આપણાં જીવનમાં આપણે અપેક્ષા કરેલાં સુખની સિદ્ધિ પ્રાપ્તિ આપણે નાણાકેન્દ્રી અર્થ વ્યવસ્થામાંથી ખોળી કાઢવાની છે. તેથી, સુખ અને સંતોષમય વ્યક્તિગત જીવનશૈલી માટેની માર્ગદર્શિકાની આપણે જે રૂપરેખા તૈયાર કરી રહ્યાં છીએ તેમાં નાણાના વ્યવહારોની આર્થિક તેમ અંગત જીવન વ્યવસ્થા પરની અસરોની સમજણનાં રેખાંકનોની આડવાત વચ્ચેથી કરી લઈશું.

    આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં સંબંધી  નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો ની આડવાત પેટે આપણે હવે પછી નાણાની સમજણની વાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને વધુ સમાવેશી બનાવવાની જરૂર

    નિસબત

    ચંદુ મહેરિયા

    દેશની પહેલી લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ પાંચ ટકા હતું. આશરે સિત્તેર વરસો પછી વર્તમાન સત્તરમી લોકસભામાં તે વધીને પંદર ટકા થયું છે. અર્ધી આબાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેમાં વૃધ્ધિ કેટલી ધીમી છે તેનું આ પ્રમાણ છે. આખા દેશની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો  સરેરાશ ૮ ટકા જ  છે. ગુજરાત સહિત ૧૯ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો ૧૦ ટકાથી ઓછા છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૨માં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે  ૧૪૬ દેશોમાં ભારતનું સ્થાન ૪૮મું હતું.

    મહિલાઓ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દ્વાર આપણી પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાએ ભીડી રાખ્યા છે. રાજનેતાઓની માનસિકતા અને રાજકીય પક્ષોની વિકટરી ફેકટરની સમજે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો છે. મહિલાઓના અલ્પ રાજકીય પ્રતિનિધિત્વ માટે લૈંગિક અસમાનતા પણ કારણભૂત છે. રાજકારણ ગંદુ, ભ્રષ્ટ અને બેહદ કઠોર ક્ષેત્ર છે એટલે  નરમ, કોમળ, સંવેદનશીલ, મમતામયી અને ચારિત્ર્યશીલ મનાતી મહિલાઓનું તેમાં કામ નહીં તેવી  પણ છાપ ઉભી કરવામાં આવી છે. આ કારણોથી મહિલાઓનો રાજનીતિમાં પ્રવેશ ઓછો છે અને પુરુષો તેમાં બાધક  છે.એટલે મહિલા અનામત દ્વારા મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃધ્ધિના પ્રયાસો કરવામાં આવ્યા છે.

    પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત ઘણાં વરસો પૂર્વે દાખલ કરી શકાઈ હતી પરંતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતનો પ્રયત્ન લાંબા સમયથી સફળ થઈ રહ્યો નહોતો. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ પ્રમાણે દર બે પૈકીનો એક ભારતીય માને છે કે મહિલા અને પુરુષ સમાન રીતે સારા રાજનેતા બની શકે છે. દર દસે એક ભારતીય માને છે કે સામાન્ય રીતે મહિલા પુરુષની તુલનામાં  સારા રાજનેતા બની શકે છે. એકંદર ભારતીય લોકમાનસ મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની તરફેણમાં હોવા છતાં સત્તાવીસ વરસોના દીર્ઘ વિલંબે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થઈ શક્યું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સંસદના બંને ગૃહોએ લગભગ સર્વાનુમતે પસાર કરેલા નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩માં લોકસભા અને  તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી હવે તે કાયદાનું સ્વરૂપ લેવાની પ્રતીક્ષામાં છે. હાલનું મહિલા અનામત બિલ ૧૨૮મો બંધારણ સુધારો છે. બંધારણના અનુચ્છેદ ૩૩૦ (લોકસભામાં મહિલા અનામત),  ૩૩૨ (વિધાનસભાઓમાં મહિલા અનામત)  અને ૨૩૯ એ એ ( દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત) માં સુધારા કરવામાં આવ્યા છે. મહિલા અનામત માટે ૧૫ વરસોની સમય મર્યાદા ઠરાવવામાં આવી છે. નવી વસ્તી ગણતરી અને પરિસીમન પછી મહિલા અનામતનો અમલ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની હાલની જે અનામત બેઠકો છે તેમાં ૧/૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. એટલે અનામતમાં પેટાઅનામત કે કોટા વિધિન કોટાની જોગવાઈ છે.

    સત્તાવીસ વરસોથી આઠ વખતના પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પસાર થઈ શકતું નહોતું તેનું એક કારણ ઓબીસી મહિલાઓ માટે અનામતની જોગવાઈની માંગણી હતી. લોકસભામાં જે બે મુસ્લિમ સાંસદોએ આ બિલના વિરોધમાં  મતદાન કર્યું તેમની માંગણી મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગણી હતી. આ બંને માંગણીઓને આંકડાકીય હકીકતો સાથે ચકાસતાં તેમાં તથ્ય જણાય છે અને વિરોધ વાજબી લાગે છે.

    ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૮૪ મહિલા સાંસદો ચૂંટાયા હતા. તેમાં સામાન્ય વર્ગના ૫૫, દલિત અને આદિવાસી ૧૨-૧૨, મુસ્લિમ ૪ જ્યારે ઓબીસી ૧ હતા. ૮૨ મહિલા સાંસદોમાં એક જ અન્ય પછાતવર્ગના હોઈ તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૧.૨૧ ટકા જ છે. જોકે ઓબીસીના પુરુષ સાંસદો ૧૧૯ છે. મંડલ રાજનીતિના ઉભાર પછી કથિત ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ ખતમ કરીને પછાત વર્ગો લોકસભામાં પ્રવેશ્યા છે. હવે જો તેમની બેઠકો સામાન્યવર્ગની મહિલા અનામતમાં ફેરવાય તો પછાત વર્ગોનું વર્ચસ ઘટી જાય. લોકસભામાં દલિતો માટેની ૮૪ અનામત બેઠકોમાં ૨૮ મહિલાઓ માટે, આદિવાસીઓની ૪૭ માંથી ૧૬ મહિલાઓ માટે અનામત રાખવાની છે પરંતુ ઓબીસી મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવાથી સામાન્ય વર્ગની મહિલાઓને જે ૧૩૭ અનામત બેઠકો ફાળવીછે તે ઓબીસી પુરુષોની બેઠકોને અસર કરી શકે છે. સરકાર પક્ષે એવી દલીલ છે કે અન્ય પછાત વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે પરંતુ તેમને પોલિટિકલ રિઝર્વેશન  આપવામાં આવ્યું નથી .તેથી ઓબીસી મહિલાઓ માટે અનામતનો સવાલ જ નથી. આ દલીલ પણ બંધારણીય રીતે સાચી છે.

    મુસ્લિમ મહિલાઓ દેશની કુલ વસ્તીમાં ૬.૯ ટકા છે પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ૦.૭ ટકા જ છે. કેમકે ૨૦૧૯માં ૫૪૩ સભ્યોની લોકસભામાં ૪ જ મુસ્લિમ મહિલા ચૂંટાયા હતાં. સત્તરમાંથી પાંચ લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ મહિલા ચૂંટાયા નહોતાં.અને તમામ લોકસભામાં તેમની મહત્તમ સંખ્યા ચાર જ હતી. લોકસભામાં દેશના ૨૪ રાજ્યોનું  મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ શૂન્ય છે. એટલે ઓબીસી અને મુસ્લિમ મહિલાઓનું રાજકીય  પ્રતિનિધિત્વ નહિવત હોવાથી મહિલા અનામતમાં તેઓ અલગ ભાગ માંગે છે.

    મહિલા અનામતનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિમાં મહિલા ભાગીદારી વધારવાનો છે. ભારતમાં વર્ણ, વર્ગ અને ધર્મની રીતે તમામ મહિલાઓ સમાન નથી. તેથી તમામ મહિલાઓના પ્રતિનિધિત્વ વિનાની મહિલા અનામત અંગે ફેર વિચારની આવશ્યકતા છે. સમાજના તમામ વર્ગોની મહિલાઓનો મહિલા સંબંધી કાયદા અને નીતિઓ ઘડતી વખતે અવાજ હોય તે માટે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવાની જરૂર જણાય છે.જો તમામ મહિલાઓને પ્રતિનિધિત્વ ના મળે તો કદાચ જે તે સમુદાયની વાત રજૂ ના થઈ શકે. એટલે કાયદામાં અને યોજનામાં ઉણપ રહી શકે છે. જો કાયદાનો આશય મહિલા પ્રતિનિધિત્વમાં વૃધ્ધિ નો હોય તો કથિત ઉચ્ચ વર્ણનાં મહિલાઓની સાથે તમામ જ્ઞાતિ- ધર્મના મહિલાઓને સ્થાન મળવું જોઈએ.

    મહિલા અનામતથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઘટશે તો તે આ કાયદાની સૌથી મોટી ખામી હશે.અનુસૂચિત જાતિ, જનજાતિને પણ તેમની હાલની બેઠકોમાં જ મહિલા અનામત ફાળવી છે એટલે તે વર્ગોના પુરુષોની રાજકીય કારકિર્દીનો સવાલ પણ  ઉભો થશે. કદાચ ૨૦૨૯ કે તે પછી મહિલા અનામતનો અમલ શરૂ થશે. અત્યારે તો વિપક્ષોએ મહિલાવિરોધી ના ગણાઈ જવાય તેની બીક્માં સરકારનું સમર્થન કર્યું છે.  પરંતુ કોંગ્રેસસહિતના તમામ વિરોધપક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ઓબીસી નેતાઓએ ઓબીસી મહિલાઓ માટે અનામતની માંગ કરી છે. આ માંગ બુલંદ બને તે પૂર્વે તમામ રાજકીય પક્ષોએ એક મતે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવા વિચારવું જોઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મારી કળાકાર બનવાની સફર અને સ્થાપત્ય શૈલીઓનાં કેટલાક રેખાંકનો [૨]

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot. India sketches Part 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ભારતીય પ્લેટ તેરે ટુકડે હોંગે!?

    • ધરતીની બે પ્લેટ્સ ભેગી થઈ ત્યાં હિમાલય બન્યો અને એ દર વર્ષે ઊંચકાય એ જાણીતી વાત છે, પણ હવે જે સંશોધન સામે આવ્યું એ ડરામણું છે, કેમ કે તેમાં પેટાળમાં મોટી તોડફોડ થવાની શંકા વ્યક્ત થઈ છે

    ભારતીય પ્લેટના બે ભાગ થશે? યુરેશિયન પ્લેટના ભાર નીચે દબાઈ રહેલી ઈન્ડિયન પ્લેટ ઓલરેડી નીચેની તરફ વળી ચૂકી છે. હવે એ વળેલા ભાગમાં તિરાડો પડી રહી છે. એટલે ખાજલીમાં જેમ વિવિધ પડ હોય અને એક પછી એક નોખાં પડવા લાગે એવી સ્થિતિ સર્જાઈ રહી છે. અલબત્ત ખાજલી જેટલી તિરાડો કે પડ નથી. અત્યારે તો એક જ તિરાડ જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં અમેરિકામાં યોજાયેલી અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની કોન્ફરન્સમાં આ અંગેનું સંશોધનપત્ર રજૂ થયું. એ જોયા-જાણ્યા પછી વિજ્ઞાનીઓની ચિંતા વધી છે. એક તો હિમાલય વિસ્તાર પહેલેથી ભૂકંપગ્રસ્ત છે. ત્યાં વારંવાર મોટા ભૂકંપ આવે છે અને ભવિષ્યમાં આવે એવી આગાહીઓ થઈ છે.

    એ ભય વચ્ચે આ નવો ભય ઉમેરાયો છે. પેપરમાં રજૂ થયેલી વિગત મુજબ નીચે વળેલી ભારતીય પ્લેટમાં ફાંટ પડી છે, જે ડિલેમિનેશન કહેવાય. ડિલેમિનેશન કંઈ રાતોરાત થવાનું નથી, પણ પાંચ વર્ષ લાગે અને પાંચસો વર્ષેય લાગે. તેનો આધાર તો ધરતીના પેટાળમાં કેવીક રમઝટ બોલે છે તેના પર છે. ડિલેમિનેશન દરમિયાન જે તિરાડ પડી તેમાં પેટાળમાં રહેલો અને મેન્ટલ કહેવાતો ઘટ્ટ પ્રવાહી ભાગ ઘૂસી રહ્યો છે. એટલે તિરાડ પહોળી થતી રહે એમાં કોઈ શંકા નથી. માહિતી અને માર્ગદર્શન અત્યારે િવજ્ઞાનીઓને આ ભાંગતૂટ વિશે પ્રાથમિક માહિતી મળી છે.

    સદ્્ભાગ્યે ટેક્નોલોજી ઘણી વિકસી છે. ધરતીના પેટાળમાં ઊંડે સુધી શું ચાલી રહ્યું છે એ જાણવા માટે હવે આપણી પાસે ઘણી સુવિધાઓ છે. એટલે આગામી સમયમાં વધુ સંશોધકો ઈન્ડિયન પ્લેટની તિરાડની ઉલટતપાસ કરશે એ નક્કી છે. એ પછી જ તારણ પર આવી શકાશે કે ઈન્ડિયન પ્લેટ ખરેખર તૂટવાની છે કે નહીં? અત્યારે ભય વ્યક્ત થયો છે એ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે થયો છે, એટલે સાવ ખોટો નથી. પરંતુ વિજ્ઞાનમાં સતત તપાસ કરતી રહેવી પડે. એ તપાસ હવે થશે. એટલું નક્કી છે કે ધરતીના પેટાળમાં હલચલ વધી છે. પરંતુ વધુ માહિતી મળશે એ પછી જ વિજ્ઞાનીઓ ખરેખર શું થવાનું છે એ અંગે કોઈ માર્ગદર્શન પર આવી શકશે.

    આ રીતે ફંટાઈ રહી છે ભારતીય પ્લેટ

    • ભારતીય અને યુરેશિયન પ્લેટના ટકરાવને કારણે હિમાલચ ઊંચો થાય છે, એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે સરેરાશ 2 સેન્ટિમિટર વધે છે.
    • હવે નવી વાત એ છે કે ભારતીય પ્લેટ પોતે જ બે ભાગમાં ફંટાઈ રહી છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં આ ફંટાવાની પ્રક્રિયાને ડિલેમિનેશન કહેવાય છે.
    • ૭ કે તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે તો પછી દાયકા સુધી ત્યાં એવો મોટો ભૂકંપ આવવાની શક્યતા રહેતી નથી.
    • બન્ને ટકરાઈ રહી છે એટલે હિમાલય ઊંચકાઈ રહ્યો છે
    • યુરેશિયન પ્લેટ, જે ઉપરની તરફ છે

    ધરતી પર સતત હલચલ કરતી પ્લેટ્સ

    • ઉત્તર અમેરિકન પ્લેટ • યુરેશિયન • આફ્રિકન • પેસેફિક • નાઝકા • દક્ષિણ અમેરિકન • કેરેબિયન • સ્કોશિયા • એન્ટાર્કટિક • સોમાલી • અરેબિયન • ઈન્ડિયન • ફિલિપાઈન્સ • ઓસ્ટ્રેલિયન

  • પ્રેમ એટલે કે ……

    પ્રેમસ્નેહવાત્સલ્યહેતનો વિષય સદીઓથી જુદા જુદા રૂપે ચર્ચાતો આવ્યો છે અને યુગયુગોથી ગવાતો આવ્યો છેપણ  તો કોઈ એને પામી શક્યું છે કે  પૂરી રીતે વર્ણવી શક્યું છેકારણ કે  શબ્દાતીત છે. છતાં એને પામવાના પ્રયત્નો માનવીના સતત ચાલુ જ રહ્યા છે. આમ જોઈએ તો પ્રેમ એટલે ક્ષણેક્ષણનો ઓચ્છવ; પણ ફેબ્રુઆરી મહિનો આવે એટલે તો પ્રેમી-હૈયાં, બસ, વરસી જ પડે. એમ લાગે કે, જાણે ફેબ્રુઆરી એટલે પ્રેમનાં ગીતો ગાતો મહિનો.
     
    — દેવિકા ધ્રુવ
    *************************************************************************
     
    કવિ શ્રી મુકુલ ચોક્સીનું એક મઝાનું ગીતઃ
    પ્રેમ એટલે કે,
    સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,

    સ્વપ્નમાં પળાય એવો કાયદો;

    પ્રેમ એટલે કે,
    તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
    ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
    ક્યારેય નહીં માણી હોય,
    એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે-
    એ પ્રેમ છે,
    દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે
    – એ પ્રેમ છે.
     
    પ્રેમ એટલે કે,
    સાવ ઘરનો જ એક ઓરડો,
    હા, ઘરનો જ એક ઓરડો ને તોયે આખા ઘરથી અલાયદો.
    કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
    એક છોકરી ને તેય શ્યામવરણી,
    વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
    મને મૂકી આકાશને તું પરણી;
    પ્રેમમાં તો,
    ઝાકળ આંજીને તને જોવાની હોય
    અને 
    ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

     

    – મુકુલ ચોકસી

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૪

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ત્રીજો: પ્રવેશ ૩ થી આગળ

    અંક ત્રીજો

    પ્રવેશ ૪ થો

    સ્થ : દુર્ગેશનું ઘર.

    [દુર્ગેશ, કમલા અને રાઈ બેઠેલા પ્રવેશ કરે છે.]

    કમલા : (હસતી હસતી) તમારી વિચક્ષણતા એટલી જ કે ? મારા ઘાંટા પરથી પણ તમે મને ઓળખી શક્યા નહિ?

    રાઈ : સ્ત્રીઓ કરતાં પુરુષોની વિચક્ષણતા ઓછી હોય છે તે હું કબૂલ કરું છું, પરંતુ વિચક્ષણતા દર્શાવવા સારુ સ્ત્રીને પુરુષનો વેશ લેવો પડે ત્યાં પુરુષોની નહિ તો પુરુષોના વેશની તો ખૂબી ખરી જ. એ વેશે ઘાંટામાંથી પણ સ્ત્રીત્વને પ્રગટ થવા દીધું નહિ, તે પણ પુરુષોની વેશ યોજનાનું સામર્થ્ય દર્શાવે છે.

    કમલા : સ્ત્રીઓના સ્ત્રીત્વને ઢાંકી રાખવાનું સામર્થ્ય અનેક યોજનાઓમાં સમાયેલું છે, તે નિઃસંશય છે.

    રાઈ : એ સર્વ ગોપનસામગ્રી છતાં કટારી ઝાલવાની ઢબથી હથિયારનો પરિચય ગુપ્ત રહેતો નહોતો.

    કમલા : ક્ષત્રિયાણી હથિયારની છેક અપરિચિત તો ન હોય.

    રાઈ : વીરાંગનાના તેજનો ઝબકારો જોવાનો અમને પ્રસંગ મળ્યો એ અમારું ધનભાગ્ય, પરંતુ છોકરાને વેશે અમારી સાથે નગરચર્ચા જોવા આવવાનું પ્રયોજન સમજાયું નહિ. દુર્ગેશને રાત્રે એકલા જવા ન દેવા એવો અણભરોંસો તો કમલાદેવીને હોય જ નહિ.

    કમલા : અનુભવ થવાનો પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે પ્રેમીજનોને પરસ્પર અવિશ્વાસ હોતો જ નથી.

    દુર્ગેશ : અને પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.

    રાઈ : ત્યારે ટૂંકા વિયોગની અધીરાઈ એ પણ સાથે આવવાનું કારણ ન હોય.

    કમલા : વિયોગની અધીરાઈનાં જે કૃત્રિમ વર્ણનો કવિતાને નામે જોડી કાઢવામાં આવે છે તેથી જ એ અધીરાઈ હસ્યાસ્પદ થવા પામે છે.

    (અનુષ્ટુપ)

    જલપાનતણું મૂલ્ય અધૂરું રહે તૃષા વિના,
    જે તાપથી તૃષા થાય આવજ્ઞા તેનિ ના ઘટે. ૩૯

    પરંતુ કલ્પનાઓ કરવાનો વિશેષ શ્રમ તમને નહિ આપું. પર્વતરાય મહારાજના વર્તન સંબંધે થયેલા લોકમત વિષે ઉપમંત્રીને વાકેફ કરવાની તમે યોજના કરી, તેથી મહારાજના એ વર્તનથી સ્ત્રી વર્ગની થતી અવમાનના તરફ ઉપમંત્રીનું લક્ષ ખેંચવા હું સાથે આવી હતી, અને પુરુષવેશ વિના મારાથી આવા પ્રસંગોમાં સાથે ફરાય એ તો એ અવમાનના દૂર થાય ત્યારે જ શક્ય થાય.

    દુર્ગેશ : એ અવમાનના આ રાત્રે દીઠેલા એક ચિત્રથી હ્રદય પર જેમ મુદ્રાંકિત થઈ છે તે સો વર્ણનોથી પણ અંકિત થઈ શકત નહિ.

    રાઈ : ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય.

    દુર્ગેશ : રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે?

    કમલા : એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો.

    રાઈ : મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો.

    કમલા : ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,

    (વસંતતિલકા)

    સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
    એવો હુતાશન મહા પ્રકટાવીશું કે
    તેની પ્રચંડ ઉંચિ જ્વાળાની માંહિં થાશે.
    અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. ૪૦

    [રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.]

    દુર્ગેશ : પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે.

    રાઈ : નવું રાજ્ય શાથી ?

    દુર્ગેશ : નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય?

    રાઈ : જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે – એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.

    [સહુ જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત