-
મહાદાન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“બાબુજી, કોઈ તો આ અંધ પર દયા કરો.”
મંદિરની બહાર એક અંધ ભિખારણ રોજ આવીને બેસતી. કેટલાક દયાળુ એને પાઈપૈસો આપતા તો કોઈ સ્ત્રી થોડું અનાજ ઠાલવતી. આખો દિવસ એ આમ બેસતી. સાંજ પડે જે કંઈ મળ્યું એ પાલવમાં સમેટીને લાકડીના સહારે ગામથી થોડે દૂર એનાં ઘર ભેગી થતી. એને ઘર તો કેમ કહેવાય ? નાનકડી એ ઝૂંપડી હતી. રસ્તામાં પણ જે કંઈ બેચાર પૈસા વધુ મળે એની યાચના કરતી રહેતી.
આમ એ અંધ ભિખારણનો જીવનનિર્વાહ ચાલતો. એક સાંજે સૌએ જોયું તો એ સ્ત્રીના ખોળામાં એક છોકરો સતત રડતો હતો અને એ સ્ત્રી એને શાંત રાખવા મથતી હતી. છોકરો કોણ છે, ક્યાંથી આવ્યો છે એની આસપાસના કોઈને ખબર નહોતી.. બસ, એ દિવસથી આ છોકરો એની પાસે હતો અને ખુશ હતો એટલું સૌ જોતા અને જાણતાં. સાંજ પડે જેવી એ એની ઝૂંપડી પર પહોંચે કે એ દસ વર્ષનો છોકરો દોડતો આવીને એને વળગી પડતો. અંધ સ્ત્રી હેતથી એનું માથું ચૂમી લેતી.
એ અંધ સ્ત્રીએ ઝૂંપડીની જમીનમાં એક હાંડી મૂકી રાખી હતી. દિવસ દરમ્યાન જે કંઈ પૈસા મળે એ એમાં એકઠા કરતી. કોઈની નજર ન પડે એમ એની પર કશું ઢાંકી રાખતી. દિવસ દરમ્યાન એને ખાવાનું પૂરતું મળી રહેતું, એમાંથી પહેલાં એ છોકરાને ખવડાવતી અને બાકીનું પોતે ખાઈ લેતી. રાત્રે એને પોતાની સાથે સૂવડાવતી. સવાર પડતાં એને ખવડાવીને ફરી મંદિરે જઈને ઊભી રહેતી. બસ, આ હતી એની દિનચર્યા.
*****
કાશીમાં શેઠ બનારસીદાસની ધર્માત્મા અને દેશભક્ત તરીકે ખૂબ ખ્યાતિ હતી. શેઠની હવેલી પર કરજ માટે નાણાં લેવાથી માંડીને પોતાની બચત થાપણ તરીકે મૂકવા આવનારની હંમેશાં ભીડ રહેતી. સેંકડો ભિખારીઓ પણ પોતાની બચત શેઠ પાસે જમા કરાવતા. અંધ સ્ત્રીને એની જાણ હતી છતાં, કોણ જાણે એની ભેગી થેયેલી મૂડી મૂકવા એનું મન માનતું નહોતું. અંતે હાંડી છલોછલ ભરાઈ જતાં અને કોઈ ચોરી ન લે એ ડરથી શેઠ પાસે થાપણ મૂકવાની હિંમત કરીને એ નીકળી.
શેઠજીએ એનું નામ-ઠામ લખીને પૈસા મુનિમ પાસે જમા લઈ લીધા.
*****
બીજાં બે વર્ષ ખૂબ સરસ રીતે પસાર થયાં. એક દિવસ પેલો છોકરો મોટી બીમારીમાં સપડાયો. ઘરગથ્થુ દવાદારુ, મંત્રતંત્ર, ઝાડફૂંક, બધું જ કર્યું પણ વ્યર્થ. કોઈ ઉપચાર કામે ન લાગતાં અંતે ડૉક્ટરના શરણે જવા વિચારીને પોતાની જમા પૂંજીના પૈસા શેઠ પાસે લેવા નીકળી.
ધાર્મિક અને દાનવીર એવા શેઠે તો વળી કોણ તું અને કેવા તારાં પૈસા કહીને એને જરાય ધરણું ન ધર્યું.
પોતાના પૈસા નહીં સહી, ધર્મ અને દાનનાં નામે શેઠ પાસેથી થોડા રૂપિયા મળી જાય એવી આશાથી એ કેટલુંય કરગરી. શેઠ સાવ નામક્કર રહ્યાં.
“ભલે, ભગવાન તમને ઘણું દે” કહીને સ્ત્રી પોતાની લાકડીના ટેકે પાછી ચાલી નીકળી. દુઆ માટે બોલાયેલા શબ્દોમાં દુઃખ હતું.
દિવસ પસાર થતા પણ કોઈ રીતે છોકરાને ઠીક નહોતું થતું. તાવથી એ ધખી રહ્યો હતો. હારી થાકીને એ સ્ત્રી છોકરાને ઊઠાવીને ફરી શેઠ પાસે દયાયાચના માટે નીકળી.
પહેલાં તો એને બહારથી જ ભગાડી દેવા શેઠે નોકરને મોકલ્યો. સ્ત્રી ટસની મસ ન થઈ છેવટે શેઠ બહાર આવ્યા. છોકરાને જોઈને શેઠ ચમક્યા. છોકરાનો ચહેરો અદ્દલ એમના ખોવાયેલા દીકરા મોહનને મળતો આવતો હતો. કેટલુંય શોધ્યા પછી એ મળ્યો નહોતો જે આજે નજર સામે હતો. છોકરાના સાથળ પર મોહનને હતું એવું લાલ રંગનું નિશાન હતું જે એની ઉંમર વધવાની સાથે થોડું મોટું અને સ્પષ્ટ થયું હતું.
શેઠે ત્વરાથી એને સ્ત્રી પાસેથી ખેંચીને છાતી સરસો ચાંપી દીધો. તાવથી ધખતા દીકરા માટે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરી.
મૂડી તો ગઈ સાથે છોકરો પણ હાથમાંથી જતો રહ્યાની હાય સાથે રોતી કકળતી એ અંધ સ્ત્રીને ત્યાંથી ચાલ્યા જવા સિવાય કોઈ આરો નહોતો.
ઈશ્વરકૃપા અને ડૉક્ટરની દવાથી છોકરાનો તાવ ઉતર્યો. આંખ ખોલતાની સાથે આજુબાજુ અપરિચિત ચહેરા જોઈને ફરી આંખ બંધ કરી દીધી. બંધ આંખે ‘મા-મા’ રટણ શરૂ થઈ ગયું. ફરી તાવનું જોર વધવા માંડ્યું. ડૉક્ટરોને જવાબ દઈ દીધો.
માંડ મળેલો દીકરો ફરી ગુમાવી બેસવાના ભયે શેઠે એ ભિખારણની તપાસ કરાવી. શેઠ પહોંચ્યા ત્યારે ઝૂંપડીમાં પડેલી એ સ્ત્રીનું શરીર પણ તાવથી ધખતું હતું.
“માજી, તારો દીકરો મરવા પડ્યો છે. માત્ર તારું જ રટણ કરે છે. તું જ એને બચાવી શકે એમ છે, બચાવી લે તારા દીકરાને.”
“મરતો હોય તો છો મરે. હું પણ મરી રહી છું. મરીને બંને મા-દીકરાની જેમ શાંતિથી સ્વર્ગલોકમાં રહીશું. આ લોકમાં તો સુખ ન મળ્યું, ત્યાં સુખીથી સાથે રહીશું. જાવ અહીંથી.”
આજ સુધી કોઈનીય સામે ન નમેલા શેઠ એ સ્ત્રીનાં પગે પડી ગયા. મમતા અને માતૃત્વની દુહાઈ આપી ત્યારે માંડ એ સ્ત્રી જવા તૈયાર થઈ. સ્ત્રીને લઈને ઘોડાગાડી હવેલી પર પહોંચી. શેઠ અને ભિખારણ, બંને પોતાના દીકરાને જોવા ઉતાવળા હતાં. જેવો એ સ્ત્રીએ મોહનના માથે હાથ ફેરવ્યો કે મોહન બોલ્યો, “મા તું આવી ગઈ?”
“હા દીકરા, તને છોડીને ક્યાં જવાની હતી?” મોહન અપાર શાંતિથી એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો.
એનો તાવ ઉતરવા માંડ્યો. જે કામ દવાદારુ, ડૉક્ટર કે હકીમ ન કરી શકયા એ માની મમતાએ કર્યું. મોહન સાજો થતાં શેઠના અતિ આગ્રહ છતાં એ સ્ત્રીએ પાછાં જવા રજા માંગી. એ જતી હતી ત્યારે શેઠે એના હાથમાં રૂપિયાની થેલી મૂકી.
“માજી, આમાં તમારી અમાનત, તમારી મૂડી અને મારો અપરાધ છે.”
એમની વાત કાપતાં સ્ત્રી બોલી, “એ પૈસા તો તમારા મોહન માટે ભેગા કર્યા હતા, એને જ આપી દેજો. સ્ત્રી થેલી ત્યાં જ મૂકીને લાકડીના ટેકે બહાર નીકળી ગઈ. એની આંખોમાં આંસુની ધાર ચાલી જતી હતી.
અત્યારે ભિખારણ હોવા છતાં એ શેઠ કરતાં મહાન હતી. શેઠ યાચક હતા અને એ દાતા.
રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તા’ भिखारिन’ ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૫૩. ખાવર ઝમાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
‘૬૦ ના દાયકામાં ગૈર ફિલ્મી ગીતો- ગઝલોના રેડિયો કાર્યક્રમમાં બે રચનાઓ અવારનવાર સંભળાતી. તલત મહેમૂદની ગાયેલી નઝમ ‘ પ્યાર કી મેહફીલ તેરી સહી પર વીરાને સબ મેરે હૈં ‘ અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલી ‘ મેરી મહોબ્બત કુબુલ કર લો ગરીબ શાયર કે આંસુઓ કા હકીર તોહફા કબૂલ કર લો‘ આ બંને રચનાઓ હતી ખાવર ઝમાનની.
ઝમાન સાહેબે સોના ચાંદી, ટેન ઓ’ક્લોક, ખેલ, ગુરુ ઘંટાલ, ખૂની ખજાના, ફ્લાઈંગ મેન, ઝીમ્બો કી બેટી, સાયા, પેડ્રો, નેક ખાતુન, તિકડમબાઝ અને હોટેલ જેવી ત્રીજા અને ચોથા દરજ્જાની ફિલ્મોમાં એકંદરે સારા કહી શકાય એવા ૫૦ ઉપરાંત ગીતો લખ્યા. ન ફિલ્મો ચાલી, ન ગીતો !
અહીં આપેલી એમની બે ફિલ્મી ગઝલોમાંની બીજી ગઝલ વાળી ફિલ્મ ‘પ્યાર કી બાતે’ ના તો નાયિકા પણ નરગીસ જેવા ખ્યાતનામ અભિનેત્રી હતા પણ ખાવર ઝમાનને પ્રકાશમાં લાવવા એમની બુલંદી કોઈ કામમાં ન આવી –
યે રંજ જુદાઈ કે ઉઠાયે નહી જાતે
મજબુર હૈ લબ પર ભી તો લાયે નહીં જાતેવાદે જો મોહબ્બત કે નિગાહો ને કિયે થે
વો ભૂલ ગયે હમ સે ભુલાયે નહી જાતેવો ઉનકી જફાએં હોં યા ખુદ કી વફાએં
યે રાઝ હૈં – ગૈરોં કો સુનાયે નહીં જાતેકબ તક મૈં દિલ કો માર કે દું જુઠી તસલ્લી
અબ જાન કે ધોકે ભી તો ખાયે નહીં જાતે…– ફિલ્મ: ગઝલ ૧૯૪૫
– નસીમ અખ્તર
– જ્ઞાન દત્ત
અબ કહાં જાએ કે અપના મહેરબા કોઈ નહીં
તેરી દુનિયા મેં હમારા પાસબાં કોઈ નહીંલુટ રહા હે આશિયા મેરી નજર કે સામને
ઔર મૈં ખામોશ હું જૈસે જુબાં કોઈ નહીંહસરતો કે બાગ મેં યુઁ છા ગઇ બરબાદીયાં
ફુલ હૈં, કલિયાં હૈં લેકિન આશીયાં કોઈ નહીં..– ફિલ્મ : પ્યાર કી બાતે ૧૯૫૧
– લતા
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૪નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations of May 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
એસ ધમ્મો સનંતનો – ભક્તિ – સંત – ગુરુ પરંપરા
પ્રવાસી યુ. ધોળકિયા
આ લેખમાળામાં આ અગાઉ આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ પર અતિ સંક્ષિપ્ત વિવેચન કર્યું. હવે ક્રમ પ્રમાણે પૌરાણિક હિંદુ પરંપરા પર વિવેચન કરવું જોઇએ.
વિશ્વમાં એક અબજની વસ્તી ધરાવતા હિંદુ ધર્માવલંબીઓ પોતાને સનાતન પરંપરાના પ્રથમ વારસો માને છે. જો ઊંડાણથી આ પરંપરાનો અભ્યાસ કરવામાં આવે તો એક બાબત સ્પષ્ટ થાય છે કે વૈદિક અને શ્રમણ પરંપરાઓ સાથે સનાતન પરંપરા ઓછેવત્તે અંશે, ચોક્કસપણે જોડાયેલી છે. સાથે સાથે, હિંદુ પરંપરા પછી આવેલ આગમિક – તાંત્રિક પરંપરા અને ભક્તિ – સંત પરંપરા સાથે પણ તે એટલી જ જોડાયેલી છે. એટલે, સાચા અર્થમાં, પૌરાણિક હિંદુ ધર્મ પરંપરા એક બૃહદ છત્ર જેવી છે અને બીજી સનાતન પરંપરાઓ સાથે તે સંકળાએલી છે.
વર્તમાન સમયમાં, લોકોમાં, અને ખાસ કરીને શિક્ષિત વર્ગમાં, આપણી, મહાન પરંપરાઓ પ્રત્યે ઉદાનસીતા વધતી જતી જણાય છે. પરંતુ, ભક્તિ માર્ગમાં લોકોને હજુ પણ ઘણી શ્રધ્ધા છે એવું સ્પષ્ટપણે કળાય છે, એથી, સરળતા ખાતર, છેલ્લા ક્રમે આવેલી ભક્તિ – સંત – ગુરુ પરંપરાનો અભ્યાસ પહેલાં કરીશું.
ભક્તિ – સંત – ગુરુ પરંપરા
ભક્તિ માર્ગની વાત કરીએ તો આપણા મનોચક્ષુ સમક્ષ
૧) ભગવદ ગીતામાં પ્રબોધેલો ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્યોગ
૨) મહર્ષિ વેદવ્યાસ પ્રણિત પુરાણોનો ભક્તવાદ
૩) માર્કંડેયપુરાણમાં દેવી મહાત્મ્યમાં માતાજીની અદ્વિતિય સ્તુતિઓ છે
૪) ઋષિ નારદ, અને
૫) ઋષિ શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો
૬) દક્ષિણ ભારતના ભક્તો અને આચાર્યોએ દર્શાવેલો ભક્તિ માર્ગ
૭) ઉત્તર ભારતના સંતોનું સાહિત્ય
૮) બ્રિટિશકાળમાં જેમનું પ્રાગટ્ય થયું એવા શ્રીરામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, અરવિંદ ઘોષના બોધ અને સાહિત્ય, તેમજ
૯) વીસમી સદીના શ્રી રજનીશ તથા સદગુરુ વાસુદેવ જેવા આચાર્યોનાં પ્રવચનો અને ચિંતન સાહિત્ય
તરી રહે છે.
શ્રી કૃષ્ણનો ભક્તિયોગ
ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ગીતામાં ભક્તિયોગને પ્રતિપાદિત કરતાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનાં સમગ્ર અસ્તિત્વનો અણમોલ પ્રેમ ભગવાનનાં શ્રીચરણોમાં અર્પણ કરી દેવો જોઈએ. આવી ભક્તિમાં અંગત સ્વાર્થને કોઈ સ્થાન નથી. સાથે સાથે વ્યક્તિએ સંયમ, સ્થિતપ્રજ્ઞતા, અહિંસા, પ્રમાણિકતા, ચિત્તની નિર્મળતા તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાના ગુણો પણ વિકસાવી ઈશ્વરમાં અનન્ય શ્રધ્ધા રાખવી આવશ્યક છે.
મહર્ષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસનો બોધ ઉપરોક્ત ભક્તિ યોગની પોતાની અનન્ય ભક્તિને કૃષ્ણમય બનાવી પોતાનાં જીવનને ભક્તિની મહેકથી મઘમઘતી બનાવી દેવાનું સૂચવે છે.
ઋષિ નારદ અને ઋષિ શાંડિલ્ય
કાળખંડની દૃષ્ટિએ આ બન્ને ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણ અને વેદવ્યાસ પહેલાં આવે. પરંતુ ભાષાની દૃષ્ટિએ બન્નેએ રચેલાં સૂત્રોનું નવસંસ્કરણ પછીથી થયું.
નારદે પોતાનાં ૮૪ ભક્તિસૂત્રોમાં વિષ્ણુના નામસ્મરણને જ ભક્તિનું મૂળ તત્ત્વ ગણાવ્યું છે. તેઓ ભક્તને ભગવાન વિષ્ણુમાં સમર્પિત થઈ જવાનું આહવાન કરે છે. આ સૂત્રોમાં જ્ઞાનમાર્ગ અને યોગને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે.
શાંડિલ્યનાં આજે ૧૦૦ સૂત્રો જ મળે છે. તેમાં તેઓએ બાહ્ય ભક્તિ કરતાં આંતરિક ભક્તિને વધારે પ્રાધાન્ય આપ્યું છે.
વિવેચકો માને છે કે આમ તો ભક્તિમાર્ગનું પ્રચલન ભારતમાં અતિ પ્રાચીન છે. પરંતુ આજથી ૩,૮૦૦ વર્ષ પહેલાં શ્રમણ પરંપરાના મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ એવા બે મહાન વ્યાખ્યાતાઓએ પોતાના સરળ ઉપદેશ વડે ભારતીય લોકમાનસને એટલું પ્રભાવિત કર્યું કે વૈદિક પરંપરાના પાયા ડગમગી ગયા. ભક્તિ પરંપરા પણ લગભગ વિસરાઈ ગઈ. આ પરિસ્થિતિની સામે હિંદુ પરંપરાઓનાં સંરક્ષણ કરવા માટે કરીને, પુરાણોનું નવસંસ્કરણ થયું. ૧૮ મહાપુરાણો રચાયાં, જેમાં ભગવાન વિષ્ણુ, શિવ, દેવી (માતાજી), સૂર્ય તથા ગણપતિની પુજા-અર્ચના સરળ કરવામાં આવી. જેને પરિણામે, જનમાનસમાં ભક્તિ માર્ગ પુનઃ ફેલાવા લાગ્યો.
દક્ષિણ ભારતના સંતો અને આચાર્યો
શ્રમણ પરંપરાને સમગ્ર ભારત વર્ષમાં ફેલાતી જોઈને દક્ષિણ ભારતના સંતો અને આચાર્યોને લાગ્યું કે શ્રમણ પરંપરા ભારતીય સંસ્કૃતિનાં હાર્દને હાનિ પહોંચાડી રહી છે. ક્ષત્રિયો અને શ્રેષ્ઠીઓ પોતાનાં મૂળ કાર્યક્ષેત્રો છોડીને માત્ર શ્રાવક બની ગયા છે. પરિણામે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશાઓમાંથી આવી રહેલી અનેક લડાયક જાતિઓ સામે ભારત અને ભારતની સંસ્કૃતિનું રક્ષણ નથી થઈ રહ્યું. ભૌતિક અને માનસિક રીતે દેશ ગુલામ બનતો જાય છે.
તેથી, દક્ષિણના આલવાર સંતોએ ભગવાન વિષ્ણુનાં, અને ૬૩ નયનાર સંતોએ ભગવાન શિવનાં, ભક્તિકાવ્યો દ્વારા ભગવાન ઈશુનાં પ્રાગટ્યનાં ૬૦૦ વર્ષોમાં જ ભક્તિવાદમાં નવા પ્રાણ ફુંક્યા. આ સંતોમાં અનેક સ્ત્રીઓ તેમજ દલિત વર્ગના સંતો પણ હતાં. આ સમયમાં જ દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરો રચાવાની શરૂઆત પણ થઈ.
તે પછી દક્ષિણ ભારતમાં આચાર્યોનો યુગ શરૂ થયો. તેઓએ બીજાં ૭૦૦ વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રકારનાં ભક્તિ સાહિત્યની સાથે સાથે વિશ્વપ્રસિધ્ધ વેદાંત આધારિત તત્ત્વજ્ઞાનના ગ્રંથોની પણ રચના કરી. આ રીતે દક્ષિણના મહાન આચાર્યોએ સામાન્ય પ્રજાને ભક્તિમાર્ગે વાળી, તેમજ પ્રકાંડ તત્ત્વજ્ઞાન દ્વારા મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધે આપેલાં તત્વજ્ઞાનને નામશેષ કરી નાખ્યું.
ભારતીય ભક્તિવાદ વિચારશ્રેણી અને તેનાં તત્ત્વજ્ઞાનની લાંબી શૃંખલામાં આ આચાર્યોનાં યોગદાન વિશે હવે આપણે ટુંકમાં જોઈશું.
શ્રી શંકરાચાર્ય
આ મહાજ્ઞાનીએ અદ્વૈતવાદ દ્વારા એવું પ્રતિપાદિત કર્યું કે બ્રહ્મ જ સત્ય છે, આ માયાવી જગત મિથ્યા છે. આ વિચાર પર તેમણે ત્રણ પ્રસિધ્ધ ગ્રંથો લખ્યા જેને પ્રસ્થાનત્રયી કહેવાય છે, જેમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય, ઉપનિષદો અને ભગવદ્ગીતાની ટીકાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે ઉપદેશ સહસ્ત્રી તત્ત્વબોધ, વિવેક્ચુડામણિ અને વિવરણ લખ્યાં છે. આપસ્તંભ ધર્મસૂત્ર પર તેઓએ ટીકા લખી. ભક્તિવાદ ક્ષેત્રે તેઓએ દક્ષિણામૂર્તિ સ્તોત્ર, ભજગોવિંદમ, શિવાનંદ લહેરી, ચર્પટ પંજરિકા, આનંદ લહેરી અને વિષ્ણુસહસ્રનામ તથા લલિતા ત્રિશથિ સ્તોત્રમ્ નામના ગ્રંથો પણ રચીને ભારતવર્ષને ભક્તિ રંગમાં રંગી દીધું. તે ઉપરાંત શકરાચાર્યે ચાર મઠો સ્થાપીને હિંદુ ધર્મને વ્યવસ્થિત કર્યો.
માધવાચાર્ય
માધવાચાર્યએ કહ્યું કે શંકરનો અદ્વૈતવાદ અપૂર્ણ છે. સાચા અર્થમાં વિશ્વમાં પરબ્રહ્મ ઉપરાંત પ્રકૃતિની સત્તા પણ ચાલે છે. તેઓએ આ રીતે વેદાંત પર લખ્યું તેની રચનાઓમાં ૧) દ્વૈતવાદ પર ભાષ્ય, ૨) ભગવદ્ગીતા પર ભાષ્ય, ૩) અનુભાષ્ય, ૪) ન્યાય વિવેક અને ૫) ઋગભાવ મુખ્ય છે. તેમના અન્ય ગ્રંથોમાં ભગવાન વિષ્ણુની ભક્તિના સમર્થનમાં મહાભારતના રહસ્યો પરની ટીકા મુખ્ય છે.
આચાર્ય રામાનુજમ
આચાર્ય રામાનુજમે વિશિષ્ટાદ્વૈત દ્વારા વેદોમાં વર્ણિત દેવો વિશે આધ્યાત્મિક ચર્ચા કરી તેને લોકભોગ્ય બનાવ્યું. તેઓના ગ્રંથોમાં વેદાર્થસાર, શ્રી ભાષ્ય, વેદાંત દીપ અને ભગવદ્ગીતા ભાષ્ય મુખ્ય છે. શ્રી રામાનુજમે પણ ભગવાન વિષ્ણુના સગુણ અને નિર્ગુણ રૂપની ભક્તિનું પ્રતિપાદન કર્યું. તેમાં તેઓએ શરણાગતિ સૂત્ર, વૈકુંઠગદ્ય અને નિત્યપુજા ગ્રંથો લખ્યા. તેમની પ્રેરણાથી વસુધૈવ કુટુંબકમ્ નો મંત્ર ખુબ જ લોકપ્રિય થયો.
નિમ્બકાચાર્ય
તેઓશ્રીએ વેદાંતમાં દ્વૈતાદ્વૈતનું તત્ત્વજ્ઞાન વિશ્વને આપ્યું. એ તત્ત્વજ્ઞાનને સમજાવતા ગંથોમાં વેદાંત પારિજાત, બ્રહ્મસૂત્ર ભાષ્ય, પ્રપંચસૂત્ર ભાષ્ય અને તત્ત્વ વિવેકનો સમાવેશ થાય છે. તેઓની ભક્તિવાદની કૃતિઓમાં રાધાકૃષ્ણની પુજા અને શિવ – વિષ્ણુના ઐક્ય વિશે અનેક કૃતિઓ જોવા મળે છે.
દક્ષિણ ભારતનો ભવ્ય ભક્તિવાદ પછીથી ઉત્તર ભારતમાં ફેલાયો. રામાનંદની પ્રેરણાથી ઉત્તર ભારતમાં કબીર અને રહીમે નિર્ગુણવાદને સ્વીકાર કર્યો. કબીરપંથ આજે પણ હજારો ભક્તો માટે પ્રેરણાસ્રોત છે. રહીમના દોહાઓમાં સુરદાસનાં ભજનોમાં ભક્તિવાદ સાથે જીવનનું ઊંડું તત્ત્વજ્ઞાન સમાયેલું છે.
આ સમયે ભારતમાં રાજકીય રીતે ઇસ્લામિક સંસ્કૃતિ સ્થાપિત થઈ હતી. તેના સુફીવાદ પર પણ હિંદુ ભક્તિવાદનો પ્રભાવ પડ્યો. આની સંયુક્ત પ્રેરણા અને નિર્ગુણવાદનો આધાર લઈ પંજાબમાં ગુરુ નાનકે ૧૫મી સદીમાં નાનક પંથની સ્થાપના કરી. આ પંથ પર તે સમયના મુસ્લિમ શાસકોએ અતિશય જુલ્મ ગુજાર્યો. તેને પરિણામે, ગુરુ ગોવિંદસિંહે શીખ પંથને ખાલસા પંથમાં પરિવર્તિત કરી એક નવી લડાયક ધાર્મિક પરંપરા ઊભી કરી. આગળ જતાં નાનક પંથ વિશ્વનો સૌથી છેલ્લો, એટલે કે ૧૧મો, વિશ્વધર્મ બન્યો.
આ ભક્તિ સંતોની પ્રેરણાથી જ સમગ્ર ભારતમાં હિંદુઓનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન અટક્યું.
વલ્લભાચાર્ય
૧૭મી સદીમા તેલંગણાના એક બ્રાહ્મણે વલ્લભાચાર્ય નામ ધારણ કરીને વૈષ્ણવ પરંપરાનો શાખારૂપ પુષ્ટિમાર્ગ સ્થાપ્યો. તેના ૮૪ સ્થાનકો થકી વૈષ્ણવ ભક્તિને નવું બળ મળ્યું. આજે ગુજરાત મોટા ભાગે શાકાહારી છે તેના મુળમાં પુષ્ટિમાર્ગ અને જૈન ધર્મ છે.
સંત તુલસીદાસે રામચરિત માનસ લખીને રામભક્તિથી ઉત્તર ભારતને નવપલ્લવિત કર્યું. સંત રવીદાસ અને દાદુ દયાળે ભક્તિમાર્ગના ફેલાવામાં સિંહ ફાળો આપ્યો. ભારતની, કહેવાતી, કચડાયેલી પ્રજામાં માતંગદેવ મામૈદેવે મહેશ્વરી પંથ, બાબા રામદેવજી અને દેવાયત પંડિતે નિજારપંથ સ્થાપી લાખો વંચિત હિંદુઓને મુસ્લિમ થતા અટકાવ્યા.
ઇસુની ૧૩થી ૧૭મી સદી સુધીમાં કેટકેટલા સંતો થઈ ગયા. એ બધા પર લખવા બેસીએ તો એક ગ્રંથ પણ પુરો ન પડે. તેથી તેમનામાંથી કેટલાંક નામ ગણાવીને સંતોષ માની લઈએ.
પશ્ચિમ ભારતમાં મીરાબાઈ અને નરસિંહ મહેતાએ અને મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ અને તુકારામે વૈષ્ણવ ભક્તિની પરંપરા ચાલુ રાખી.
પૂર્વ ભારતમાં આ પરંપરાને ચૈતન્ય મહાપ્રભુ, ચંડીદાસ, જયદેવ, શંકરદેવ અને ઓરિસ્સામાં અચ્યુતાનંદદાસ (પંચ સખા) વગેરે ચાલુ રાખી.
વાચકોને જાણવમાં રસ પડશે કે ગુગલ સર્ચ કરવામાં આવે તો ભારતની ભક્તિ પરંપરા પર સૌથી શ્રેષ્ઠ વિવેચન ગુજરાતી વિશ્વકોશમાં જોવા મળે છે.
ભક્તિમાર્ગમાં નવધા ભક્તિ[1]નો ઘણો મહિમા છે. નવધા ભક્તિનો ઉલ્લેખ બે યુગોમાં કરવામાં આવ્યો છે, સત્યયુગ અને ત્રેતાયુગ. સત્યયુગમાં, ભક્ત પ્રહલાદે તેમના પિતા હિરણ્યકશિપુને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો અને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. પ્રહલાદજી દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ ભાગવત પુરાણના સાતમા ગ્રંથના પાંચમા અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે નવ પ્રકારે ભગવાનની ઉપાસના કરવાથી મોક્ષ કેવી રીતે મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈપણ એકને પોતાના જીવનમાં કાયમ માટે અપનાવી લે, તો પણ તે ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે.
નવધા ભક્તિના પ્રકાર૧) શ્રમણ (પરીક્ષિત)
૨) કીર્તન (શુકદેવ)
૩) સ્મરણ (પ્રહલાદ)
૪) પાદ સેવન (લક્ષ્મીજી)
૫) અર્ચન (પૃથુરાય)
૬) વંદન (અક્રુર)
૭) દાસ્ય (હનુમાનજી)
૮) આત્મ વિલોપન (બ્રહ્માજી)
આ માર્ગમાં ભક્તોએ પોતાનાં ઈષ્ટદેવી-દેવતાઓને જમાડવાનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. પછી તેને પ્રસાદરૂપે ગ્રહણ કરવાનું હોય છે. તે ઉપરાંત મંદિરોમાં દેવીદેવતાઓની પ્રતિદિન સોળ પ્રકારની અર્ચન વિધિ સંપન્ન કરવાની હોય છે. શક્ય હોય તો આમાની કેટલીક વિધિઓ ભક્તોએ ઘરમાં કરવી તેવો આગ્રહ પણ શાસ્ત્રો રાખે છે.
આધુનિક યુગ – ગુરુવાદ
૧૮મી સદીથી આપણા દેશમાં મુસલમાની રાજ્યસત્તાનો અંત આવ્યો. તેનું સ્થાન પશ્ચિમી સંસ્કૃતિના વાહક બ્રિટિશરોએ પચાવી પાડ્યું. તેઓ ભારતમાં વિજ્ઞાન અને ખ્રિસ્તી ધર્મ લાવ્યા. તેની અસર ભારતના સુધારાવાદી માનસ પર નિશ્ચિત સ્વરૂપે પડી.
પરિણામે ભારતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક નવજાગૃતિનો યુગ શરૂ થયો. સૌ પ્રથમ, બંગાળમાં રાજા રામમોહનરાય અને કેશવચંદ્ર સેનના પ્રયાસોથી બ્રહ્મો સમાજ અને પાર્થના સમાજ સ્થપાયા. સ્ત્રીઓની સમાજમાં દયનીય સ્થિતિનાં સ્વરૂપ સમી સતીપ્રથા જેવી અનેક પ્રથાઓ સામે અવાજ ઊઠ્યો., જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ પણ આદરપૂર્વક મુકી શકાય.
આ સમયે બંગાળમાં શ્રી રામકૃષ્ણ પરમહંસે વિશ્વના બધા ધર્મોની પરમ ચેતનાનો સાક્ષાત્કાર કર્યો અને લગભગ ભગવાનનો દરજ્જો પામ્યા. તેઓએ કાલીપૂજા અને હિંદુ ધર્મની પરંપરાની સ્થાપના કરી. તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે આખા દેશમાં અને અમેરિકા, બ્રિટન, શ્રી લંકા જેવા અનેક દેશોમાં પરિભ્રમણ કરીને આપણી મહાન ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓથી વિશ્વને પરિચિત કરાવ્યું. તેઓએ અનેક સ્થળોએ રામકૃષ્ણ મિશનોની પણ સ્થાપના કરી.
બિહારના શ્રી સહજાનંદ સ્વામીએ વૈષ્ણવ ધર્મની પરંપરામાં સ્વામીનારાયણ સંપ્રદાય સ્થાપીને ગુજરાતમાં ગુરુ પરંપરાને ભારે બળ પુરું પાડ્યું. આજે સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિશ્વભરમાં અક્ષરધામ મંદિરોએ ધર્મ વિશેની સમજની નવી પરિપાટી શરૂ કરી છે.
દયાનંદ સરસ્વતી ગુજરાતી હોવા છતાં આર્યસમાજ સંપ્રદાયની સ્થાપના પંજાબમાં કરી.
‘શ્રી લાહિરી મહાશય’ અને ‘ઓટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પુસ્તકોના કર્તા શ્રી યોગાનંદે મહાવતાર બાબા અને તેઓ દ્વારા પ્રબોધાયેલા ક્રિયાયોગનો વિશ્વભરમાં પ્રચાર કર્યો.
બંગાળમાં જ શ્રી અરવિંદોએ યોગના જુદા જુદા માર્ગોનો સમન્વય કરીને Integral Yoga પુસ્તકમાં તેની વિશદ સમજણ આપી.
નીમ કરોલી બાબા (મૂળ નામઃ લક્ષ્મીનારાયણ શર્મા)ને ન માત્ર ભારત પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રુપમાં ઓળખવામાં આવે છે. તેઓ ૨૦મી સદીના મહાન સંતોમાંના એક માનવામાં આવે છે. ભક્તો અને તેમના અનુયાયીઓ બાબા નીમ કરોલીને હનુમાનજીનો અવતાર માનતા હતા. પરંતુ નીમ કરોલી બાબા પોતે પણ હનુમાનજીની પૂજા કરતા હતા. નીમ કરોલી બાબા આજે હયાત નથી. પરંતુ તેમના ભક્તો તેમને ભક્તિભાવથી માને છે.
વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક એવાં મા આનંદમયીના (જ. ૩૦ એપ્રિલ ૧૮૯૬, ખેવડા, ત્રિપુરા; અ. ૨૭ ઑગસ્ટ ૧૯૮૨) બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં હતાં. માનો કોઈ સંપ્રદાય નથી. તેમનો બોધ સ્પષ્ટ છે : एकम् सत् विप्रा बहुधा वदन्ति । આપણે ફાળે જે કામ આવે તે ઈશ્વરનું ગણવું. આશ્રમધર્મ ઈશ્વરપ્રણીત છે. પતિ, પિતા, માતા અને ગુરુની આજ્ઞા માનો. સ્વધર્મને જ અનુસરો. સત્સંગકીર્તન કરો. જે મળે તેને ઈશ્વરની ભેટ માનો. ઈશ્વરને માનો.
વીસમી સદીમાં, અને અત્યારે પણ, ભારતમાં થયેલા ગુરુઓ વિશે લખવા બેસીએ તો એક આખો વિશ્વકોશ તૈયાર થાય. તેથી થોડા રહસ્યવાદી ગુરુઓ વિશે ટુંકમાં લખીને આજના મણકાનું સમાપન કરીશું.
જે. કૃષ્ણમૂર્તિએ પસંદગી વિનાની જાગૃતિ કેળવવાનો નવો માર્ગ સૂચવ્યો. પરંતુ ઓશો રજનીશે તો ભારતના ધર્મ, રહસ્યવાદ અને આધ્યાત્મિક પરંપરાઓ પર વીસમી સદીના સાતમા, આઠમા અને નવમા દાયકાઓમાં પોતાનાં પ્રવચનો દ્વારા અતિઆધુનિક અને નવી જ વ્યાખ્યાઓ આપીને ગુરુવાદને ટોચ પર પહોંચાડ્યો. તેઓએ આ માટે ભારતના અતિપ્રાચીન રહસ્યવાદ અને તંત્રવાદનો સહારો લીધો. અગાહી કરતાં એટલું જરૂર કહી શકાય કે ઓશો રજનીશમાં આપણને શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, પતંજલિ અને ગોરખનાથનું સંમિશ્રણ મળે છે અને તેથી આવનારી અનેક સદીઓ સુધી તેમનો પ્રભાવ વધતો જ જશે.
શ્રી શ્રી રવિશંકરે પણ ક્રિયા યોગને માધ્યમ બનાવી વિશ્વભરમાં આધુનિક ગુરુવાદનો પ્રચાર કર્યો.
આ રહસ્યવાદી ગુરુઓની છેલ્લી કડીમાં સદ્ગુરુ વાસુદેવ આવે છે. તેઓએ વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ પદ્ધતિઓનો આધાર લઈને આદીયોગી શિવને કેન્દ્રમાં મુક્યા છે. આજે તેમના ઈશા ફાઉન્ડેશને યોગમાર્ગને વિશ્વસ્તરનો બનાવી દીધો છે.
પ્રજ્ઞાચક્ષુ અને બહુશ્રુત વિદ્વાન એવા શ્રી રામભદ્રાચાર્ય આપણા પૂજનીય ગુરુ બન્યા છે.
આ બધામાં આપણે એક મહાન સંત અને ગુરૂ શ્રી સાંઈબાબાને ભૂલી જઈએ તે કેમ ચાલે? તેઓ તો પાંચ દેવને પૂજતા હિંદુઓના છઠ્ઠા દેવ બની તેમના ગૃહમંદિર અને મનમંદિરમાં સ્થાન પામે છે.
હવે પછીના મણકામાં આપણે હિંદુ પરંપરાના ત્ર્ણ મુખ્ય સ્તંભો, પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્ર વિષે ચર્ચા કરીશું.
[1] નવધા ભક્તિ – પ્રકાશકઃ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પહોંચ્યા? સેલ્ફી લીધી? એને પોસ્ટ કરી? બસ, પ્રવાસ પૂરો!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલામાં આવેલા બાલાજી મંદિરમાં દર્શન માટે ભક્તો કલાકો, અને ક્યારેક તો દિવસો સુધી લાઈન લગાડે છે. લાઈનમાં કલાકો સુધી ઊભા રહીને આકરા પ્રયત્નો પછી તેઓ માંડ અમુક સેકન્ડો સુધી મૂર્તિની સન્મુખ રહીને તેના દર્શન કરી શકતા હશે, કેમ કે, પાછળથી સતત ધક્કા વાગતા રહે છે. પરાંત ગર્ભગૃહમાં પૂરતો ઊજાસ પણ નથી હોતો. આમ છતાં, ભાગ્યે જ કોઈ કહેતું હશે, ‘મૂર્તિના દર્શન બરાબર ન થયા!’
આનાથી સહેજ જુદી, પણ અમુક અંશે કંઈક આવી જ પરિસ્થિતિ ફ્રાન્સના વિશ્વવિખ્યાત લુવ્ર મ્યુઝિઅમમાં થાય છે. લીઆનાર્દ દ વીન્ચી દ્વારા સોળમી સદીના પૂર્વાર્ધના સમયગાળામાં ચીતરાયેલી
જગવિખ્યાત કૃતિ મોનાલીસાના દર્શનાર્થે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ઠલવાય છે. ૨૦૨૩ના વર્ષ દરમિયાન ૦.૮૯ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. પ્રવાસની મોસમમાં ઘણી વાર આ આંકડો રોજના વીસેક હજાર મુલાકાતીઓ સુધી પહોંચે છે. મ્યુઝિઅમના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આવનારા મોટા ભાગના લોકોનો મુખ્ય હેતુ મોનાલીસાના દર્શનનો હોય છે. મોનાલીસાના ચિત્રને બુલેટપ્રૂફ કાચની આડશ આપવામાં આવી છે, જેથી કોઈ તેને નુકસાન પહોંચાડી ન શકે, કેમ કે, આ ચિત્રની વર્તમાન કિંમત ૮૩ કરોડ ડોલર અંકાય છે. મુલાકાતીઓ કલાકો સુધી તેના દર્શન માટે ઊભા રહે અને તેમનો વારો આવે ત્યારે તેમણે એની ઝલક લઈને ઝડપભેર આગળ વધી જવું પડે એમ મોટા ભાગે બનતું હોય છે. બહુ બહુ તો ‘સેલ્ફી’ લઈ શકાય એટલી ક્ષણો તેમને મળે. ચિત્રનું દર્શન જ માંડ કરવા મળતું હોય ત્યાં એનું રસદર્શન દૂરની વાત છે. તાજેતરના કેટલાક ઑનલાઈન અભિપ્રાયમાં જાણવા મળ્યું કે આ અસંતોષને કારણે પ્રવાસીઓ મોનાલીસાના ચિત્રને ‘વિશ્વના સૌથી વધુ નિરાશ કરતા માસ્ટરપીસ’ તરીકે ઓળખવા લાગ્યા છે. એટલે કે આ ચિત્ર વિશે સાંભળ્યું છે એટલું બધું મહાન એ નથી, એમ તેમને લાગે છે.

A visitor takes a selfie in front of Leonardo da Vinci’s masterpiece “Mona Lisa” (Photo by FRANCOIS GUILLOT/AFP via Getty Images)
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીઉલ્લેખનીય છે કે આ જ ખંડમાં યુરોપના મહાન ગણાતા અન્ય કલાકારોની કૃતિઓ પણ પ્રદર્શિત કરાયેલી છે. જેમ કે, ઈટાલીઅન ચિત્રકાર પાઓલો વેરોનીઝનું ચિત્ર ‘ધ વેડિંગ એટ કેના’, જે લુવ્ર મ્યુઝીઅમનું સૌથી મોટું, છ મીટર ઊંચું અને દસ મીટર પહોળું ચિત્ર છે. આ જ ચિત્રકારનું ‘પોર્ટ્રેટ ઑફ અ વેનેશિયન વુમન’, તેમજ ટીશ્યનનાં ‘પાસ્ટરલ કોન્સર્ટ’ અને ‘મેન વીથ અ ગ્લવ’, તથા ટીન્ટોરેટ્ટોનું ‘ધ કોરોનેશન ઑફ વર્જિન’ (અથવા ‘ધ પેરેડાઈઝ’). મોનાલીસાની ઝલક નિહાળવાની લ્હાયમાં એ જ ખંડમાં પ્રદર્શિત આ પાંચે જાણીતાં ચિત્રો તરફ કોઈનું ભાગ્યે જ ધ્યાન જાય છે. લોકોનું ધ્યાન દોરાય એ માટે એ ખંડમાં આ મતલબનું લખાણ મૂકવામાં આવ્યું છે: ‘મોનાલીસાની ફરતે અન્ય મહાન કૃતિઓ પણ છે- ખંડમાં જરા નજર કરજો.’ પણ વ્યર્થ!
મોનાલીસા અંગે ઊભી થઈ રહેલી આવી નકારાત્મક છબિને કારણે લુવ્રનાં નિદેશક લુહાન્સ દ કારે તેને એ જ મ્યુઝીઅમમાં અન્યત્ર ખસેડવાનું વિચાર્યું છે, અને એ બાબતે ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રાલય સાથે વાટાઘાટો ચલાવી છે. આ ચિત્રને અન્ય ચિત્રોથી અલાયદું પ્રદર્શિત કરવાથી લોકો તેને શાંતિથી નિહાળી શકે તેમજ એ સિવાયની અન્ય કૃતિઓ પણ માણી શકે એવી આ પગલા પાછળ ગણતરી છે.
મોનાલીસાના ચિત્રને ખસેડવાની આ ઘટના બાબતે વિચાર કરવા જેવો છે. આધુનિક યુગની દેન એવી ‘સેલ્ફી’ તેમજ ‘બકેટ લીસ્ટ’ સંસ્કૃતિએ પ્રવાસના આનંદનો દાટ વાળી દીધો છે. ‘બકેટ લીસ્ટ’ એટલે જીવતેજીવ પૂરાં કરવાનાં કામની યાદી. આ સંસ્કૃતિને લઈને મોટા ભાગના લોકોને હવે જે તે સ્થળે જઈને બસ, ‘સેલ્ફી’ ખેંચવી છે અને ‘બકેટ લીસ્ટ’માં એક કામ પત્યાની નિશાની કરવી છે. ‘સેલ્ફી’માં ‘સેલ્ફ’ એટલે કે પોતાની જાત કેન્દ્રસ્થાને હોય છે. જે તે સ્થળ વિશે જાણકારી મેળવવાની, ત્યાં હોવાના રોમાંચની અનુભૂતિ કરવાની વૃત્તિને બદલે પોતે અમુકતમુક સ્થળે ‘પહોંચ્યા’ છે એ દેખાડવાની વૃત્તિ વધુ વકરી રહી છે. મોનાલીસાના ચિત્ર બાબતે પેદા થયેલી લાગણી બીજી અનેક જાણીતી કૃતિઓ કે સ્થળો માટે થઈ શકે છે, કેમ કે, કાં દેખાદેખી કે પછી દેખાડો હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં સામાન્ય લક્ષણ બની રહ્યાં છે. તેને કારણે પ્રવાસ માટે આવશ્યક એવી ધીરજ અને જિજ્ઞાસુવૃત્તિ સતત ઘટતાં રહ્યાં છે. કોઈ પણ જાણીતા સ્થળે પહોંચીને ત્યાં ‘સેલ્ફી’ લઈને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર મૂકતાંવેંત પ્રવાસનો હેતુ સિદ્ધ થઈ ગયેલો ગણાય છે. એના વિશેની વધુ જાણકારી ‘પછી’ અથવા ‘ગૂગલ’ પરથી મેળવી લેવાશે લેવાશે એમ વિચારીને ‘હવે પછી’ના લક્ષ્ય તરફ પ્રયાણ કરવામાં આવે છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ ‘પછી’ મોટા ભાગના કિસ્સામાં આવતું નથી.
આમ સામાન્ય અને વ્યક્તિગત લાગતા આ લક્ષણનું દબાણ એટલું બધું હોય છે કે ભાગ્યે જ તેમાંથી કોઈ બાકાત રહી શકે. આ વલણને કારણે આવાં સ્થળે ધસારો વધે છે, તેને પગલે અન્ય દૂષણો પ્રવેશે છે, નાણાં ખર્ચાય છે અને છતાં પ્રવાસીઓને ‘ધારેલી’ મજા ન આવવાનો વસવસો રહી જાય છે. આ વલણને બદલવું લગભગ અશક્ય કહી શકાય એવું છે. આથી તેનાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે, જે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. મોનાલીસાના ચિત્રને અલાયદા ખંડમાં ખસેડવાથી મુલાકાતીઓ ખરેખર તેને માણી શકશે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય એમ નથી, કેમ કે, એ કેવળ લક્ષણનો ઈલાજ છે, રોગનો નહીં.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈ ન સંઘરે એવી નકામી વસ્તુઓ સાચવતું સંગ્રહાલય
માયા ભદૌરિયા

સાદી ભાષામાં કહીએ તો મ્યુઝિયમ એટલે અસામાન્ય ગણાતી ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન, પણ કોઈ મ્યુઝિયમ નકામી વસ્તુઓ માટે લોકપ્રિય બને ત્યારે શું કહેશો? આવું કોઈ ન સંઘરે એવી વસ્તુઓનો સંગ્રહ કરતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ અમેરિકામાં છે, જેે ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’થી લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તમે જે પેઈન્ટિંગને દુનિયાની સૌથી ખરાબ ગણો છો તેને પણ અહીં સ્થાન-માન-મોભો મળે છે. હા, અહીં આવનારાંએ એટલું જાણી લેવાનું કે અહીં જે કલા પ્રદર્શનમાં મૂકાઈ છે તેમાં કૌશલ્યનો અને આવડતનો અભાવ છે. બસ, ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે સૌથી ખરાબ કલા પણ લોકો સુધી પહોંચે.
કચરાના ઢગલામાંથી થયો ‘બેડ આર્ટ’નો જન્મ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ ટૂંકમાં ‘MOBA’થી પણ પ્રચલિત છે. એ શરૂ થવા પાછળનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૯૪ની વાત છે. પ્રાચીન વસ્તુઓના વેપારી સ્કોટ વિલ્સનની નજર કચરાના ઢગલામાં રહેલા એક પેઈન્ટિંગ ઉપર પડી. તેણે તે પેઈન્ટિંગ તેના મિત્ર જોન રિલેને દેખાડ્યું. પેઈન્ટિંગ ખેતરમાં કામ કરતી એક વૃદ્ધ સ્ત્રીનું હતું. રિલેએ તેને ‘ફૂલો સાથે મેદાનમાં લૂસી’ એવું નામ આપ્યું. એ સાથે જ તેના મગજમાં એક વિચાર ઝબક્યો, જેને સાકાર કરવામાં વિલ્સને તેને મદદ કરી. ફૂટપાથ કે બજારમાં કોઈપણ ખરાબ વસ્તુ કે પેઈન્ટિંગ દેખાય તો તે રિલેને પહોંચાડતો. બસ, પછી તો બંને નકામી વસ્તુઓ શોધવા માંડ્યા. ધીરે-ધીરે તેમની પાસે આવી ખરાબ વસ્તુઓનો ઢગલો થઈ ગયો. આ ઉપરથી જ બંને મિત્રોએ નામ પણ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ રાખ્યું.
મ્યુઝિયમનું સરનામું ‘MOBA’નું પહેલું કાયમી સરનામું એટલે મેસેચ્યુસેટ્સના ડેડહામમાં કોમ્યુનિટી થિયેટરનું ભોંયરું. રિલેએ આ ભોંયરામાં જ તમામ પ્રકારની ૬૦૦ કરતાં વધુ ખરાબ વસ્તુઓને ઠાલવી. એમાંથી ૪૦થી વધુ પેઈન્ટિંગ્સને તો ત્યારે જ પ્રદર્શિત કરાય એમ હતી. બસ, પછી તો શરૂ થઈ ગયું ‘બેડ આર્ટ’નું પ્રદર્શન. અહીં દરેક ખરાબ કલાને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે.
કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી સામાન્ય રીતે સંગ્રહાલયમાં સચવાયેલી અણમોલ કલાકૃતિઓ દરેક કલાપારખુઓને આકર્ષે છે, પણ આ MOBAની વાત કરીએ તો અહીં કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી. અહીં આવીને તમે એવું ન કહી શકો કે વાહ, કેટલું સુંદર પેઈન્ટિંગ છે, કારણ કે એ તો ખરાબ જ છે તો એને સુંદર કેવી રીતે કહી શકો! હા, દરેક વસ્તુ કે પેઈન્ટિંગ જોઈને તમે એની મજાક જરૂર ઉડાવી શકો છો.
બેડ આર્ટનાં પુસ્તક આજે તો આ ખરાબ કલાનો સંગ્રહ વેબસાઈટ અને ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે. મોટાભાગે આપણે કલાની કદર કરીને કલાના અને કલાકારના વખાણ કરીએ છીએ. અહીં રજૂ કરેલી કલા ભલે વિચિત્ર હોય, તેના રંગ ખરાબ હોય છતાં પણ દિલચસ્પ અને મનોરંજનથી ભરપૂર છે. ન્યૂયોર્ક ટાઈમ્સથી માંડીને હાર્વર્ડના વિદ્વાનોએ પણ તેની નોંધ લીધી છે. MOBAએ આ બેડ આર્ટનાં બે પુસ્તકો પણ રિલીઝ કર્યાં છે- મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: આર્ટ ટૂ બેડ ટૂ બી ઈગ્નોર’ અને ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: માસ્ટરવર્ક્સ.’
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખિકાની કોલમ ‘આઠમી અજાયબી’ માં પ્રકાશિત લેખ
-
ઋત્વિક ઘટક : મહાન પરંતુ પૂર્ણત: ઉવેખાયેલા ભારતીય ફિલ્મસર્જક અને એમની વિભાજન- ત્રયી
સંવાદિતા
સત્યજીત રાય અને મૃણાલ સેન કરતાં ઘણી ઓછી ફિલ્મો આપ્યા છતાં ઋત્વિક ઘટકનું નામ એમની હરોળમાં મૂકવામાં આવે છે.
ભગવાન થાવરાણી
ત્રણ મહાન બંગાળી ફિલ્મ સર્જકો સત્યજીત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકમાં રાયની ૨૯ અને સેનની ૨૬ ફિલ્મો સામે ઋત્વિક ઘટકે માત્ર આઠ જ ફિલ્મો આપ્યા છતાં ફિલ્મોની ગુણવત્તા, ક્લેવર અને અસરકારકતાના દૃષ્ટિબિંદુથી તેમને સંપૂર્ણ માનભેર એમની જ હરોળમાં મુકવા પડે. માત્ર ૫૧વર્ષની વયે અવસાન પામનાર ઋત્વિક ઘટકની સરખામણી મહાન રશિયન ફિલ્મકાર આંદ્રે તારકોવસ્કી સાથે એટલા પૂરતી કરી શકાય કે એ સર્વકાલીન મહાન ફિલ્મકારે પણ ૫૪ વર્ષની વયમાં માત્ર સાત જ ફિલ્મો આપી. ઋત્વિક ઘટકને એ વાતની પણ દાદ આપવી પડે કે સત્યજીત રાયે ૧૯૫૫ માં ‘પથેર પાંચાલી’ બનાવીને ભારતની પ્રથમ નૂતન પ્રવાહની ફિલ્મ બનાવવાનો યશ મેળવ્યો એ પહેલાં એમણે એ પ્રકારની સાવ નોખો વિષય ધરાવતી અને નવ-પ્રવાહની પ્રતિનિધિ કહેવાય એવી ફિલ્મ ‘નાગરિક’ છેક ૧૯૫૨ માં બનાવેલી જે અઢી દાયકા લગી ડબ્બામાં પડી રહી અને ૧૯૭૭ માં રિલીઝ થઈ.આજે સંક્ષેપમાં વાત કરીએ એકસરખા વિષય પર ઋત્વિક ઘટકે બનાવેલી ત્રણ ફિલ્મો ‘ મેઘે ઢાકા તારા ‘ ( ૧૯૬૦ ), ‘કોમલ ગાંધાર’ (૧૯૬૧) અને ‘સુવર્ણ રેખા’ (૧૯૬૨ ) વિષે. આ ફિલ્મોને વિભાજન – ત્રયી કહે છે કારણ કે ત્રણેયમાં ભારત- પાક વિભાજન વખતે પૂર્વ બંગાળ ( પછીથી પૂર્વ પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ ) થી બેહાલ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ હિજરત કરી આવેલા પરિવારોની આર્થિક અને માનસિક દુર્દશાની કથા છે. અલબત્ત ત્રણેની કથા અને પાત્રો અલગ પરિવેશના છે.
મેઘે ઢાકા તારા ‘ ( ૧૯૬૦ ), ‘કોમલ ગાંધાર’ (૧૯૬૧) અને ‘સુવર્ણ રેખા’ (૧૯૬૨ ) ત્રણેયમાંની શ્રેષ્ઠ એવી ‘ મેઘે ઢાકા તારા ‘ ( વાદળે ઢંકાયેલો તારો ) ની વાત. ફિલ્મના કેન્દ્રમાં છે નીતા.( અભિનેત્રી સુપ્રિયા ચૌધરી- આપણે એમને હિન્દી ફિલ્મો બેગાના, દૂર ગગન કી છાવ મેં અને આપકી પરછાઈયાં માં જોયા છે.) પૂર્વ બંગાળથી હિજરત કરી આવેલ નીતાનો માતા-પિતા, બે ભાઈ અને એક નાની બહેનનો બહોળો પરિવાર માત્ર એની કમાણી ઉપર નભે છે. પિતા અપંગ છે. મોટો ભાઈ બેફિકર અને પોતાની ‘ સંગીત-સાધના ‘માં મસ્ત છે તો નાની બહેન પોતાની ટાપટીપમાંથી ઊંચી નથી આવતી. નાનો ભાઈ માંડ કોઈ ફેક્ટરીમાં નોકરીએ લાગે છે ત્યાં તો કોઈ અકસ્માતમાં સપડાય છે અને નીતા ઉપર એની સારવારનો બોજો પણ આવી પડે છે. અધૂરામાં પૂરું, એક જમાનામાં નીતાને ‘વાદળે ઢાંક્યો ઝગમગ સિતારો ‘ કહી પ્રશંસનાર અને એની આર્થિક મદદ લીધા કરતો એનો પ્રેમી પણ એને છેહ દઈ એની જ નાની બહેનને પરણી જાય છે .કરુણતા એ કે નીતાના માતા પિતા સહિત કોઈ નથી ઈચ્છતા કે નીતા એના પ્રેમી સાથે ઠરીઠામ થઈને પોતાનો સંસાર વસાવે કારણ કે એવું થાય તો એ બધાનું પેટ કોણ ભરે ? દરેક પોતપોતાના સ્વાર્થ ખાતર નીતાનો ઉપયોગ કરે છે અને નીતા એને પોતાની ફરજ સમજી સંતોષ માને છે.અંતે સંજોગો હેઠળ ભાંગી પડી નીતા ક્ષય રોગનો ભોગ બને છે. જાણે કોઈ વસ્તુ હોય તેમ એના માટે દૂર પહાડોમાં સેનેટોરિયમમાં રહેવાની વ્યવસ્થા કરી એકલી છોડી આવવામાં આવે છે. ફિલ્મના અંતિમ હૃદયવિદારક દ્રશ્યમાં મોટો ભાઈ ત્યાં એની ખબર કાઢવા જાય છે અને બહેનને ખબર આપે છે કે નાની બહેનને રૂપકડો બાબો જન્મ્યો છે, બધા મજામાં છે અને એમણે બે માળનું સુંદર મકાન બનાવ્યું છે ત્યારે એકલી અટૂલી બેઠેલી નીતા પોતાના ભૂતપૂર્વ પ્રેમી અને હવે નાની બહેનના પતિનો પ્રેમપત્ર ઉદાસીનતાથી ફાડી રહી હોય છે. મોટાભાઈ ને જોઈ એ ચિત્કારે છે ‘ ભાઈ, મારે જીવવું છે. મને જીવવામાં રસ છે.’ અને એટલું બોલીને એ ત્યાં જ ઢળી પડે છે.ઋત્વિક ઘટકની આ એકમાત્ર વ્યાપારિક સફળ ફિલ્મ હતી.ફિલ્મની નાયિકા નીતાની સરખામણી ફ્રાંઝ કાફકાની ૧૯૧૫ ની ચર્ચિત લઘુનવલ ‘ મેટામોરફોસીસ ‘ ના નાયક ગ્રેગોર સાથે કરવાનું મન થઈ આવે. નીતાની જેમ એ કથાનો નાયક પણ ચાર સભ્યોના કુટુંબનો બોજો ફરજ સમજી વહન કરતો હતો. એક દિવસ એ અચાનક માણસ મટી વંદામાં પરિવર્તિત થઈ જાય છે અને એની ઉપયોગિતા બંધ થતાં એના પર આજીવન નભેલું એનું જ કુટુંબ એને અવગણી પોતપોતાના રસ્તે વળી જાય છે અને ગ્રેગોર ભૂખે મરી મૃત્યુ પામે છે.કથા- ત્રયીની બીજી ફિલ્મ ‘ કોમલ ગાંધાર’ પણ વતન છોડી કલકત્તામાં સંઘર્ષ કરતા લોકોની કથા છે .આ લોકો અવેતન રંગભૂમિમાં કામ કરી પોતાનો શોખ પૂરો કરી માંડ પેટિયું રળે છે . અહીં પણ બે જૂથ છે જેમની વચ્ચે ખટરાગ છે . એની સાથે અનસુયા ( ફરી સુપ્રિયા ચૌધરી ) અને ભૃગુની પ્રેમકથા વણી લેવાઇ છે .બંને પાત્રો પદ્મા નદીના આ કાંઠે ઊભા રહી સામે પૂર્વ પાકિસ્તાનમાં આવેલા પોતપોતાના વતનમાં શું શું છોડી આવ્યા એની સ્મૃતિઓ વાગોળતા રહે છે. ત્રણમાની આ એકમાત્ર સુખાંત કહી શકાય એવી ફિલ્મ.ત્રયીની છેલ્લી ફિલ્મ ‘ સુવર્ણ રેખા ‘ એના નાયક ઈશ્વર ( અભિ ભટ્ટાચાર્ય) ની કથા કહે છે. સમયગાળો છે ૧૯૪૮ નો .પોતાની નાની બહેન સીતા ( માધવી મુખર્જી )ને લઈ એ કલકત્તાની નિરાશ્રિત છાવણીમાં આવી વસ્યો છે. યોગાનુયોગ સવર્ણોના જુલમનો ભોગ બનેલી એક નિરાશ્રિત મહિલાના સીતા જેવડા જ બાળક અભિરામને પણ એ પોતાની પાસે આશ્રય આપે છે. એનો એક પાક્કો વેપારી મિત્ર એને રોજગારનું પ્રલોભન આપી દૂર સુવર્ણરેખા નદીના કિનારે આવેલી પોતાની ફેક્ટરીમાં મામુલી પગારે રાખી લે છે .સીતા અને અભિરામ સાથે મોટા થાય છે. બંને વચ્ચે પ્રણય પાંગરે છે. મોટી થયેલી સીતા ભાઈને કાળજીથી સાચવે છે. ફિલ્મના એક હૃદયસ્પર્શી દ્રશ્યમાં ઈશ્વર બહેનને કહે છે તું આપણી મા જેવી લાગે છે. જવાબમાં નાની બહેન ભાઈના કાનમાં હળવી મીઠાશથી કહે છે ‘ હું તમારી મા જ છું ! ‘ઈશ્વર પણ નોકરીમાં આગળ વધી ફેક્ટરીનું મેનેજર પદ હાંસલ કરે છે પણ એને ભાઈ બહેન તરીકે ઉછરેલા બાળકોનો પ્રેમ મંજૂર નથી. વળી અભિરામ નિમ્ન જાતિનો છે એ હકીકત પણ નજર અંદાજ ન કરી શકાય. એ બહેનના ખાનદાન કુળમાં લગ્નની તજવીજ કરે છે પણ સીતા અને અભિરામ ઘર છોડી, લગ્ન કરી સ્વમાનભેર કલકત્તાની પછાત વસ્તીમાં જઈ વસે છે. બંનેને પુત્ર પ્રાપ્તિ થાય છે . અભિરામ એક દુર્ઘટનામાં માર્યો જાય છે. મજબૂર સીતા વેશ્યાવૃતિના માર્ગે વળે છે. કલકત્તા મોજશોખ માટે મિત્ર સાથે આવેલો ઈશ્વર યોગાનુયોગ બે ઘડીની મોજ માટે કોઠે જઈ ચડે છે. એ જેના ગ્રાહક તરીકે ગયો છે એ એની પોતાની જ બહેન સીતા નીકળે છે. સીતા ભાઈને જોઈ હતપ્રભ થઈ જાય છે અને આઘાત ન જીરવાતાં ત્યાં જ આત્મહત્યા કરી લે છે.હતાશ ઈશ્વર નોકરી અને ઈજ્જત બંને ગુમાવે છે. છેવટે એ દીકરીના પુત્રને લઈને નવા જીવનની આશામાં નીકળી પડે છે.ત્રણેય ફિલ્મોમાં ધ્યાનાકર્ષક વાત છે ફિલ્મોની સુગ્રથિતતા અને સંવેદનશીલ માવજત ! ઘટકની વિશિષ્ટતા અનુસાર ત્રણેય ફિલ્મમાં નેપથ્યે નિરંતર કશુક ગવાતું કે બજતું રહે છે. ચાહે એ સમૂહ ગીત હોય, દર્દીલા સાંગીતિક આલાપ હોય, નદીગીત કે લગ્નગીત હોય અથવા હોય કોઈ લોકગીત.ઋત્વિક ઘટકને નદી અતિપ્રિય છે. ત્રણમાની અંતિમ બે ફિલ્મોમાં નિરંતર સમયાંતરે પદ્મા અને સુવર્ણ રેખા નદી ઝલકતી રહે છે . ( એમની એક ફિલ્મનું નામ જ છે ‘ તીતાશ નામની નદી ‘ )જીવનને એની પૂરેપૂરી તીવ્રતાથી પામવા ઋત્વિક ઘટકની ફિલ્મો જોવી જ ઘટે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૨ ] : ૧૯૫૭થી ૧૯૬૭
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
શિવનંદમ પાલમડાઈ

Mohd Rafi ‘s birth anniversary was celebrated in his ancestral village Kotla Sultan Singh by members of the local community in Amritsar on Monday. Photo. The Tribune ૧૯૪૬થી ૧૯૫૬નાં વર્ષો દરમ્યાન લગભગ દરેક સંગીતકારોએ મોહમ્મદ રફીની ગાયકીને પોતપોતાની સંગીત શૈલીમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હોય એવું પહેલી નજરે જણાય. જોકે, નિષ્પક્ષ દૃષ્ટિએ જોઈએ તો મોહમ્મદ રફીએ લગભગ શરૂઆતનાં વર્ષોથી જ પોતાની આગવી શૈલી વિકસાવવા માટે સભાનપણે પ્રયત્ન કરવાનું ચાલુ કરી દીધું હતું, કેમકે તેઓ એટલું તો સમજી ચુક્યા હતા કે કે એલ સાયગલની અસરમાં બહાર આવી રહેલાં પુરુષ પાર્શ્વગાયનનાં ક્ષેત્રમાં મુકેશ, તલત મહમુદ કે મન્ના ડે જેવા પોતપોતાની શૈલી ધરાવતા ગાયકો સામે સ્પર્ધામાં ટકવું હશે તો પોતાની આગવી શૈલી વિકસાવવી એ જ એકમાત્ર વ્યુહરચના હોવી જોઈશે.
૧૯૫૭નાં વર્ષથી આ વ્યુહરચનામાં તેમણે કરેલું રોકાણ હવે વળતર આપતું જણાતું લાગવા માંડ્યું હતું. બલ્કે, તેમનાં ગીતોનાં વધતા જતા પ્રકારોની સાથે હવે જે જે સંગીતકારો સાથે તેમણે કામ કરવાની તક મળતી હતી એ સંગીતકારો પણ સફળતાની કેડીએ ચડી જતા જોવા મળતા હતા.
૧૯૫૭ – યે મહલોં યે તખ્તોં યે તાજોં યે સમાજોંકી દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ – પ્યાસા – એસ ડી બર્મન – સાહિર લુધિયાનવી – ગુરુદત્ત
આ પહેલાં ગુરુદત્ત પણ હલકી ફુલકી ફિલ્મો બનાવતા જેમાં તેમના સ્વર માટે ઓ પી નય્યર એવી જ મસ્તીભરી અદાઓમાં મોહમ્મ્દ રફી પાસે ગીતો ગવડાવતા. પ્યાસાથી ગુરુદત્તે પણ હવે નવી કેડી કડારવાનું શરૂ કર્યું હતું. એસ ડી બર્મન પણ દેવ આનંદની હળવી ફિલ્મોમાંથી બહાર આવીને બહુ અર્થપૂર્ણ ગીતો બનાવી રહ્યા હતા. આવા સંજોગોમાં મોહમ્મદ રફીએ પોતાનાં સુર વૈવિધ્યની સચોટ સાબિતી સિદ્ધ કરી આપી.
https://youtu.be/t8f7bukIUWU?si=3mSq8FW10ktDiCgf
૧૯૫૮ – હૈ કલી કલી કે લબ પર તેરે હુસ્નકા ફસાના – લાલા રૂખ – ખય્યામ – કૈફી આઝમી – અન્ય કલાકાર
ખય્યામનાં સંગીતમાં માધુર્ય હતું તે તો તેમની શરૂ શરૂની ફિલ્મથી જ ફલિત થઈ ગયું હતું. અહી તેઓ મધ્ય – પૂર્વની ધુનને એક બહુ જ રોમેંટીક અંદાજમાં રજુ કરે છે, જે રફી તો એક સિદ્ધહસ્ત ગાયકની અદાથી શ્રોતાઓનાં દિલોમાં રમતું કરી મુકે છે.
૧૯૫૯ – દીવાના આદમીકો બનાતી હૈ રોટીયાં – કાલી ટોપી લાલ રૂમાલ – ચિત્રગુપ્ત – મજરૂહ સુલ્તાનપુરી – આગા
ભાભી (૧૯૫૭)ની સફળતા પછી ચિત્રગુપ્ત મોહમ્મદ રફી પાસે વિવિધ વિષયો પરનાં ગીતોના સફળ પ્રયોગ કરતા થઈ ગયા. પ્રસ્તુત ગીતમાં આમ આદમીની ભૂખ સામેની લાચારીના કણસાટને મોહમ્મદ રફી બહુ અસરકારક રીતે રજૂ કરે છે.
૧૯૬૦ – ઝિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત એક અન્જાન મુસાફિર સે મુલાકાત કી રાત – બરસાત કી રાત – રોશન – સાહિર લુધિયાનવી – ભારત ભુષણ
રફીના પૂર્ણ મધ્યાહ્ને તપતા સૂર્યના પ્રકાશે રોશન, અને એસ ડી બર્મન સાથે નંદવાયેલા સંબંધો પછી સાહિર લુધિયાનવી – રોશનના સંબંધને પણ ગ્રહણની બહાર લાવી દીધા. ‘બરસાત કી રાત’નું દરેક ગીત રોશન, સાહિર અને રફીની કારક્રિર્દીનું અનમોલ નજ઼રાણું બની રહ્યું છે.
રફીએ ‘બરસાઆઅત’ શબ્દને દરેક વખતે જે અલગ અલગ અંદાજમાં રજૂ કર્યો છે તે તેમની આગવી શૈલીની ઓળખ છે.
૧૯૬૧ – કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નીકલી તો હરેક બાત પે રોના આયા – હમ દોનો – જયદેવ – સાહિર લુધિયાનવી – દેવ આનંદ
‘હમ દોનો’ ની સફળતામાં જયદેવ, સાહિરનો પોતપોપોતાનો તેમ જ સહિયારો જે ફાળો છે તેને કારણે પછીથી તેમના સંબંધ વિચ્છેદને કારણે બન્નેની કારકિર્દીને કેટલું નુકસાન થયું એ વિશે કોઈ અનુમાન કરવાની કોઈ પણ હિંમત પણ નથી કરતું.
‘હમ દોનો’નાં બીજાં બે ગીતો – અભી ન જાઓ છોડકર કે મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા માંથી કોઈ એક પસંદ કર્યું હોત તો પણ રફીની ભાવ અદાયગી, પુનરવાર્તન પામતા સ્થાયી શબ્દને રમાડવાની અને અદાકારને અનુરૂપ ગીત રજુ કરવા વિશે તો એક સરખું જ કહી શકાય તેમ છે. પ્રસ્તુત ગીત આ બન્ને ગીતો કરતાં રચનાની, શબ્દપ્રયોગની તેમ જ ભાવ અદાયગીની સંકુલતાની દૃષ્ટિએ ખાસ્સું મુશ્કેલ છે. અને તેમ છતાં, બીજાં ગીતો જ જેટલું જ લોકચાહના મેળવી શક્યું છે તેમાં રફીનો ફાળો વિશેષ જરૂર કહી શકાય.
૧૯૬૨ – અબ ક્યા મિસાલ દું તુમ્હારે શબાબ કી – આરતી – રોશન – મજરૂહ સુલ્તાનપુરી – પ્રદીપ કુમાર
પ્રિયતમાના રૂપનાં વખાણ કરવામાં પ્રેમીને ભાવ અભિવ્યક્તિની કચાશ નડતી હોય તો પ્રસ્તુત ગીત જેવાં મોહમ્મદ રફીનાં અનેક ગીતો તેની મદદે મળી રહે તેમ છે.
મજાની વાત તો એ પણ છે કે આ પ્રકારનાં ગીતોના ગીતકારો જે વૈવિધ્યસભર કલ્પનાઓને વહેતી મુકી છે એટલી જ એ ગીતોની રચના સંગીતકારોએ પોતાની બધી જ કળા નીચોવીને કરી છે. રફીની રજુઆત તો સદા તાજા હોય જ !
૧૯૬૩ – યાદ ન જાએ બીતે દિનોંકી જા કે ન આયે જો દિન દિલ ક્યું બુલાએ ઉન્હેં – દિલ એક મંદિર – શંકર જયકિશન – શૈલેન્દ્ર – રાજેન્દ્ર કુમાર
કારૂણ્ય છલકતા સ્વરમાં છેક નીચેથી ઉપર સુધીના આરોહ અવરોહની કળાનું આ ગીત એક આદર્શ ઉદાહરણ ગણાય છે. રફીના સ્વરમાં ગીત સાંભળીએ ત્યારે ગીત ગાવું જેટલું સહજ જણાય પણ ખરેખર કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ તો જાહેર કાર્યક્રમોમાં સારા સારા ગાયકોને આ ગીત ગાતાં જે ફાંફાં પડતાં હોય છે તેનાથી જ આવી જાય છે.
https://www.youtube.com/watch?v=CYodWERGaro
૧૯૬૪ – હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા મોહબ્બતમેં જો હો ગયા હો કિસી કા – કશ્મીરકી કલી – ઓ પી નય્યર – એસ એચ બિહારી – શમ્મી કપૂર
ગીતની બાંધણી, સેક્ષોફોનનો આગવો સાથ કે શમ્મી કપૂરની દિલોજાનથી અદાયગીને પણ ભુલાવી દે એવી આ ગીતમાં પ્રેમભગ્નતાના વિશાદની, શરાબના નશા સાથે ઘુંટાતી રહેતી, મોહમ્મદ રફીની અભિવ્યક્તિ રહી છે. આ ગીત આંખો બંધ કરીને સાંભળ્યું હોય તો ગીતની અસર કલાકો સુધી મન પર છવાયેલી જરૂર જ રહે !
https://www.youtube.com/watch?v=WO_aMRsEIIY
૧૯૬૫ – દિન ઢલ જાયે હાયે રાત ન જાય તુ તો ન આયે તેરી યાદ સતાયે – ગાઈડ – એસ ડી બર્મન – શૈલેન્દ્ર – દેવ આનંદ
આ ગીત વિશે બે વાત નોંધપાત્ર ગણી શકાય.
મોટા ભાગના બંગાળી સંગીતકારોની મોહમ્મદ રફીની ગાયકી સાથે એક ફરિયાદની વાત હંમેશાં કરાતી જોવા મળે છે – તેમના અવાજમાં સહજ મૃદુતા નથી. એસ ડી બર્મન એટલે, જો શક્ય હોય તો કિશોર કુમારનો સ્વર વાપરવાનું પસંદ કરતા. જોકે ગીર મોહમ્મદ રફી પાસે જ ગવડાવું પડે તો ગીતને નરમાશથી ગવડાવવાના આગ્રહ સાથે સાથે રફીની દોઢબે સુર સુધીની આરોહ અવરોહ, ગીતના ભાવના મુખ શબ્દને અલગ અલગ અદાથી રજૂ કરવો કે પરદા પરના અભિનેતાની ગીતમાં જીવંત કરવો જેવી ખુબીઓનો પણ ઉપયોગ કરી લેવાનું ચુકતા નહીં. આ ગીત આ બાબતનો એક આદર્શ પુરાવો બની રહે છે.
તે ઉપરાંત રફી પાછા ગીતના ભાવ મુજબ પણ તે ગીતના હાર્દ સમા શબ્દને ગીતના મુડ મુજબ પળોતી શકતા. જેમકે અહીં તેઓ તુમ મુઝસે મૈં દિલ સે પરેશાંમાં મુઝસે જુદા ઔર જગસે પરાયે હમ દોનો થે સાથની વિટંબણા વીંટળાતી રહે છે. તો મેરે મહેબુબ તુઝે મેરી મહોબ્બત કી ક઼્સમ માં તેરી ફુરકતને પરેશાં કિયા મુઝકો માં પ્રેમી સાથે મિલાપ ન થવાથી જે પરેશાની અનુભવાય છે તેની મીઠી ફરિયાદ છે.
૧૯૬૬ – ઝુલ્ફોંકો હટા લે ચેહેરે સે થોડા સા ઉજાલા હોને દે – સાવનકી ઘટા – ઓ પી નય્યર – એસ એચ બિહારી – મનોજ કુમાર
મુખડાના ઉપાડમાં રેલાતો સુંવાળો આલાપ મનોજ કુમારની અભિનય શૈલીને અનુરૂપ કહી શકાય તેમ છે. પરંતુ થોડા આગળ વધતાં ખુલ્લામાં ગીત ગવાતું હોય તો થોડા ઊંચા સ્વરે કોઈ પણ વ્યક્તિને ગાવાનું મન થઈ જાય એ પણ સ્વભાવિક છે. ગીતમાં રફીએ ‘થોડા સા ઉજાલા હોને દે‘ને જુદી જુદી રીતે લડાવેલ છે.
https://youtu.be/-pC6MDWQZH8?si=94brYSARSHTHRFg7
૧૯૬૭ – અકેલે હૈ ચલે આઓ જહાં હો તુમ, કહાં આવાજ઼ દે તુમ કો કહાં હો – રાઝ – કલ્યાણજી આણંદજી – શમીમ જયપુરી – રાજેશ ખન્ના
આ ગીત આમ તો વિરહનાં ગીત તરીકે ગવાયું છે. રફીના દરેક સ્વરમાં વિરહની વેદના ટપકે છે. તેમાં પણ મુખડા કે અંતરામાં જે પંક્તિ ઊચા સુરમાં જાય છે તેમાં એ વેદના જાણે વધારે પીડા કરતી હોય તેવો ભાવ આપણા મનમાં પણ છવાઈ જાય છે.
વિરહનો આ જ ભાવ રહસ્યમય રીતે લતા મંગેશકરના સ્ત્રી સ્વરનાં ગીતમાં રજુ થયો છે.
બન્ને ગાયકોએ એક જ ભાવને સાવ અલગ સંદર્ભ કેટલી ખુબીથી રજુ કરેલ છે!
કલ્યાણજી આણંદજીમાં કલ્યાણજી (વીરજી શાહ)નો સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ ૧૯૫૯માં થયો. તે પછી ત્રણ ફિલ્મો બાદ ‘મદારી’માં તેમની સાથે આણંદજી પણ જોડાયા. આમ, ‘૫૦ના દાયકાથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ સંગીતક્ષેત્રે દાખલ થયેલ છેલ્લા સંગીતકારો ગણાય.
૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો શ્રેણીનું એ સંદર્ભમાં ૧૯૬૭નું વર્ષ એક મહત્ત્વનો પડાવ કહી શકાય. તેથી આપણે અહીં ટુંકો વિરામ લઈશું. હવે પછીના મણકામાં આ શ્રેણી પુરી કરીશું.
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ
અનુવાદ: અશોક વૈષ્ણવ
-
ભારત રત્નની પસંદગીમાં સર્વસમાવેશન અને વિવિધતા કેટલી?
નિસબત
ચંદુ મહેરિયા
વર્તમાન કેન્દ્ર સરકારે તેના કાર્યકાળના દસ વરસોમાં ભારત રત્ન માટે દસ મહાનુભાવોની પસંદગી કરી છે. તેમાં પણ ૨૦૧૯ અને ૨૦૨૪ના ચૂંટણી વરસોમાં અનુક્રમે ૩ અને ૫ ભારતરત્ન આપ્યા છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચૂંટણીની હારજીતનું કારણ પણ બની શકે તે હદે ભારત રત્ન અને પદ્મ એવોર્ડનું રાજનીતિકરણ થયું લાગે છે. ૧૯૫૪માં આરંભાયેલ ભારત રત્ન સન્માનને સિત્તેર વરસો થયાં. આ સિત્તેર વરસોમાં ૫૩ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. દર વરસે ૩ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય તેવો નિયમ છે. એ હિસાબે ૭૦ વરસોમાં તો ૨૧૦ ભારત રત્ન અપાવા જોઈતા હતા. પરંતુ તેના ચોથા ભાગના(૫૩) જ અપાયા છે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે ભારત રત્નની બાબતમાં દરિદ્ર છીએ? કે કોઈ બીજા કારણો છે? તેની સાથે જ ભારતની વિવિધતા અને સર્વસમાવેશન ભારત રત્નની પસંદગીમાં દેખાય છે કે કેમ? તે પણ વિચારણીય મુદ્દો છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૧૯૫૪થી ૨૦૨૪ સુધીના ૭૦ પૈકી ૨૭ વરસ જ ભારત રત્ન અપાયા છે અને ૪૩ વરસ તે અપાયા નથી. નિયમાનુસાર વરસે ત્રણ ને બદલે ઓછા ભારત રત્ન માટે પસંદગી થઈ છે એ તો ખરું પણ નિયમને તાક પર મૂકીને ૧૯૯૯માં ચાર અને ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓને સાગમટા આપવામાં આવ્યા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશથી દેશને સૌથી વધુ ભારત રત્ન મળ્યા છે, તો તમિલનાડુ અને મહારાષ્ટ્ર્ બીજા ક્રમે છે. માનવ પ્રયત્નના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કે સર્વોચ્ચ સ્તરની કામગીરી કે સેવા માટે ભારત રત્નનું સન્માન આપવામાં આવે છે. તેની પસંદગી માટે કોઈ ઔપચારિક સમિતિ હોતી નથી પરંતુ વડાપ્રધાન જ નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ૫૩ માંથી ૨૩ ભારત રત્ન તો રાજનેતાઓ લાભ્યા છે એટલે ભૂવો ધૂણે તો… નો ઘાટ છે.
બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે.સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વીઆઈપી દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી.જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે!
આરંભે ભારત રત્ન હયાત વ્યક્તિઓને આપવામાં આવતો હતો. પછી તેમાં સુધારો કરીને તે મરણોત્તર પણ આપવાનો શરૂ કર્યો છે. પહેલાં તેમાં મર્યાદિત ક્ષેત્રો નિર્ધારિત હતા.તેમાં પણ સુધારો કરીને કોઈ પણ ક્ષેત્રની ઉચ્ચતમ કક્ષા માટે આપવાનું નક્કી કર્યું છે. દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિવાદોથી જરા ય પર નથી. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારે ભારત રત્ન સહિતના પદ્મ સન્માનોને બિનજરૂરી ગણાવી જુલાઈ ૧૯૭૭ થી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તે આપવાના બંધ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં ભારત રત્નની બંધારણીયતા અને જરૂરિયાતને જાહેર હિતની અરજીઓથી પડકારવામાં આવતા બે ત્રણ વરસો તે સ્થગિત કરવામાં આવ્યા હતા.
પદ્મ સન્માનોને ફાલતુ ગણાવી પોતાના વડાપ્રધાનના કાળમાં તે બંધ કરી દેનાર મોરારજી દેસાઈએ ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકાર્યો હતો. ભારત રત્નની અનૌપચારિક પસંદગી સમિતિના સભ્ય હોઈ અબુલ કલામ આઝાદે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ ખુદની ભલામણથી આપવામાં આવતું ભારત રત્ન સન્માન નહેરુ પિતા-પુત્રીએ તેમના પ્રધાનમંત્રીત્વના કાળમા જ મેળવી લીધું હતું. ક્રિકેટર સચિન તેંદુલકરને માત્ર ૪૦ વરસે અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને શતાયુ ટાણે આ સન્માન મળ્યું હતું. સામાન્ય રીતે ભારત રત્ન અલંકરણ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. તેમાં એક માત્ર અપવાદ ઘોંડો કેશવ કર્વે છે. ૧૯૫૮માં દિલ્હીની બહાર મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત રત્નથી સન્માનિતોની સૂચિ પર નજર કરતાં જણાય છે કે દેશમાં મહિલાઓની વસ્તી અડધોઅડધ છે .પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ મહિલાઓને જ તે વર્યો છે. ભારતની હિંદુ સમાજ્વ્યવસ્થાની ટોચે રહેલા બ્રાહ્મણોને ફાળે ૬૫ ટકા ભારત રત્ન બોલે છે. એક દલિતને તો તે મળ્યો છે પરંતુ દેશના આદિનિવાસી ગણાતા અને દેશની કુલ વસ્તીમાં ૧૨ થી ૧૫ કરોડ એવા આદિવાસીમાંથી હજુ કોઈ ભારત રત્નને પાત્ર ઠર્યો નથી . હિંદુ સિવાયના ભારત રત્નમાં ૫ મુસ્લિમ અને એક-એક જ પારસી-ખ્રિસ્તી-સિંધી છે. એટલે ભારત રત્નની પસંદગીમાં સર્વ સમાવેશન અને દેશની વિવિધતા ઓછી જણાય છે.
રાજનીતિ અને વિચારધારાના આધારે પણ ભારત રત્નની પસંદગી થાય છે. કેટલાક રાજકીય વિષ્લેષકો કોંગ્રેસે ભારત રત્ન માટે પસંદ કરેલા બ્રાહ્મણોને ધર્મ નિરપેક્ષ અને જમણેરી સરકારોએ પસંદ કરેલાને હિંદુત્વવાદી બ્રાહ્મણો ગણાવે છે. ૨૦૦૧માં વાજપાઈ સરકારે વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા ભલામણ કરી હતી.પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે તે સ્વીકારી નહોતી. કાશી અને બનારસ વિધ્યાપીઠોના સહસ્થાપક કેળવણીકાર ભગવાન દાસને તો ૧૯૫૫માં ભારત રત્ન મળી ગયો હતો.પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાને આ સન્માન છેક ૨૦૧૫માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મળ્યું છે. સરદાર પટેલને તેમના અવસાનના ૪૧ વરસો બાદ અને ડો.આંબેડકરને ૩૪ વરસો બાદ, તેમની રાજકીય વિચારધારાના વળની સરકારોએ ભારત રત્નથી નવાજ્યા હતા. મધર ટેરેસા અને અમર્ત્ય સેનને નોબેલ પછી અને સત્યજિત રે ને ઓસ્કાર પછી ભારત રત્નનું સન્માન મળ્યું છે. હજુ એકેય સામ્યવાદીને આ સન્માન મળ્યું નથી. કર્પૂરી ઠાકુર પૂર્વે સામાજિક ન્યાય અને પછાત વર્ગો માટે અનામતનો અમલ કરી ચૂકેલા કરુણાનિધિ આ સન્માનથી વંચિત છે. એવું જ બંગાળના દીર્ઘ કાળ સુધી મુખ્ય મંત્રી રહેલા જ્યોતિ બસુ અંગે કહી શકાય. .
ચૂંટણીકારણ ભારત રત્નની પસંદગી બનતાં તેનું મૂલ્ય ઘટ્યું છે. બીજા અનેકની જેમ આ ક્ષેત્ર પણ રાજનીતિથી દૂષિત બન્યું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૨
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
પ્રકરણ ૫ : અંશ # ૧ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થાનું ઘડતર – કેટલાક મહત્ત્વના પ્રશ્નો
આપણો હેતું શું છે? આપણી પોતાની સુખની વ્યાખ્યા મુજબની જીવનશૈલી માટે મદદરૂપ નીવડે એવી આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવી . એ હેતુ પાર પાડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તે વિશે આપણી વિચારપ્રક્રિયા સ્પષ્ટ બની રહેવી જરૂરી છે .
એ માટે અહીં કેટલાક સર્વસામાન્ય પ્રશ્નો રજુ કર્યા છે. આ અંગે ઊંડાણપૂર્વક, પૂરતો, વિચાર કરીને આ પ્રશ્નોના જે પ્રમાણિક જવાબો આપણને મળશે તે આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તેમાં મદદરૂપ નીવડી શકે છે.
પ્રશ્ન #૧
તમારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના કેદી રહેવું છે અને તેનો ઉપયોગ કરીને તમારી આગવી નાણાકેન્દ્રી શરતો મુજબની તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?
પ્રશ્ન #૨
કે પછી, તમારે વ્યક્તિગત અર્થવ્યવસ્થાની મદદ લઈને, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની બહાર, તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?
પ્રશ્ન #૩
નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાથી તમે પૂરેપુરો છુટકારો મેળવી શકો તેમ છો?
પ્રશ્ન #૪
તમારી પાસે મર્યાદિત માત્રામાં રહેલ સંસાધનોના ઉપયોગ વડે, તમને મહત્તમ ફાયદા મળતા રહી શકે એ રીતે વૈજ્ઞાનિક અર્થતંત્રનાં મોડેલનો તમે કેમ કરીને ઉપયોગ કરી શકો તેમ છો?
પ્રશ્ન #૫
કે પછી, આવક, ખર્ચ, બચત, રોકાણ, ઉપાડ અને વહેંચણીનાં છ સરળ પગલાંની પ્રક્રિયાની મદદથી તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડી કાઢવા માગો છો?
પ્રશ્ન #૬
કે હજુ પછી, તમે નાણાકેન્દ્રી વૈજ્ઞાનિક અર્થવ્યવસ્થા અને તમારી પોતાની આગવી અર્થવ્યવસ્થાનાં તમારી પોતાની ગણતરી અને પસંદનાં આગવાં સંમિશ્રણ મુજબની તમારી અંગત અર્થવ્યવસ્થા ઘડીને અમલ કરવાનું પસંદ કરશો?
અને હવે છ સરળ પગલાંની પ્રક્રિયા વિશે કેટલાક વિશિષ્ટ સવાલો બાબતે વિચારણા કરીએ.
આવક
પ્રશ્ન # ૧
નાણા/ નાણા સમક્ક્ષ સાધનો કે બીનનાણાકીય પુરસ્કારો એ બેમાંથી શું રળવું છે ? નાણા ઉપરાંત, કે નાણા કરતાં, તમને શું રળવું વધારે પસંદ પડશે – માનસન્માન, આંતરીક કે બાહ્ય સ્વીકૃતી કે તમારી પોતાની પસંદ મુજબના કોઈ વિશિષ્ટ પુરસ્કારો?
પ્રશ્ન # ૨
તમારે શું, ક્યારથી, કમાવું છે ? કમાવાનું ક્યારથી બંધ કરવું છે? નાણાને બીનનાણાકીય પુરસ્કારોના સ્વરૂપમાં ક્યારથી અને કેટલા પ્રમાણમાં બદલવા માગો છો?
પ્રશ્ન #૩
કેટલું કમાવું છે ? ‘બસ, હવે પુરતું કમાયા’ એમ ક્યારે નક્કી કરવા માગો છો?
પ્રશ્ન # ૪
નાણા. કે બીનનાણાકીય પુરસ્કારો, કમાવા માટેનો તમારો ઉદ્દેશ્ય શું છે ?
પ્રશ્ન # ૫
નાણા કમાવા માટે તમે કયો માર્ગ અપનાવવો પસંદ કરશો? બીજા માટે કામ કરવું કે પોતા માટે કામ કરવું? નાણા માટે કામ કરશો કે નાણા વિના? આખો સમય એ કામ કરશો કે અમુક સમય કામ અને અમુક સમય પોતાની પસંદગી મુજબની પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન # ૬
તમારા માટે શું પૂરતું છે – તમારી વ્યાખ્યા મુજબની વર્તમાનમાં સુખસગવડ મળી રહે એટલી કમાણી, કે વધારામાં તમારી પોતાની ભવિષ્યની જરૂરિયાતો પણ પુરી થઈ શકે એ માટે જરૂરી રોકાણો પણ થઈ શકે એટલી કમાણી? કે પછી ભવિષ્યની તમારી જરૂરિયાતો પુરી થઈ શકે તે ઉપરાંત તમારાં સ્વજનો અને સંતાનોની હાલની કે/અને ભવિષ્યની જરૂરિયાતો પુરી થાય એટલી કમાણી ? કે એ બધાંથી પણ ઉપરાંત, બીજાંઓને પણ વર્તમાનમાં, કે/અને ભવિષ્યમાં પણ મદદરૂપ પણ થઈ શકાય એટલી કમાણી?
ખર્ચા
પ્રશ્ન # ૧
તમે શું ખર્ચ કરવાનું પસંદ કરશો – તમારા નાણા કે તમારી સેવાઓ અને ક્ષમતાઓ? કે પછી બન્ને ખર્ચ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન # ૨
તમે કેટલાં નાણા ખર્ચવાનું પસંદ કરશો? તમારા ખર્ચાની મર્યાદા શી રીતે નક્કી કરશો?
પ્રશ્ન # ૩
તમારી નાણાકીય ખર્ચની જરૂરિયાતો ઘટાડી શકાય તેમ છે? તમારો વપરાશ ઘટાડી શકાય તેમ છે?
પ્રશ્ન # ૪
તમારાં અંગત સંસાધનોમાંથી તમે કેટલું કેટલું ખર્ચ કરવા માગો છો તે શી રીતે નક્કી કરશો? તમારાં અંગત સંસાધનો કયાં કયાં છે?
બચત
પ્રશ્ન # ૧
તમારી આવકમાંથી નાણાકીય બચત કરવાની જગ્યા રહે છે ?
પ્રશ્ન # ૨
જો બચત શક્ય ન હોય, તો તમે શું કરવાનું પસંદ કરશો? તમારૂં કામ બદલશો ? કે પછી બીજી કોઈ સહાય લેશો?
પ્રશ્ન # ૩
જો તમારી આવકમાંથી બચત કરવી શક્ય હોય તો, કેટલી બચત પુરતી થઈ રહેશે? તમારા માટે કેટલી બચત પુરતી છે એ તમે શી રીતે નક્કી કરશો?
પ્રશ્ન # ૪
તમારાં અંગત સંસાધનો અને ક્ષમતાઓની તમે બચત કરી શકો એમ છો?
રોકાણ
પ્રશ્ન # ૧
તમારી બચતનું તમે રોકાણ કર્યું છે ?
પ્રશ્ન # ૨
તમે રોકાણ માટે કોઈ વ્યાવસાયિક મદદ લીધી છે?
પ્રશ્ન # ૩
જ્યારે તમારે બચતનો ઉપાડ કરવો પડે તેમ હોય ત્યારે તમે કરેલી બચત તમને કામ આવી શકશે એવો તમને વિશ્વાસ છે ? ઉપાડ કરવાનો સમય આવે ત્યાં સુધી તમારી બચત પર્યાપ્ત વળતર આપતી રહે છે ખરી?
પ્રશ્ન # ૪
તમને કોઠે ધરપત રહે એ માટે કેટલું રોકાણ પૂરતું ગણશો?
પ્રશ્ન # ૫
તમારી પાસે ફાજલ રોકાણ હોય, તો, તેનો ઉપાડ કરીને તમારા માટે ખર્ચ કરવાનું પસંદ કરશો કે બીજાંઓ માટે ખર્ચ કરવાનું પસંદ કરશો?
પ્રશ્ન# ૬
તમારાં અંગત સંસાધનોનું તમે શી રીતે રોકાણ કરો છો? તમારા પોતાના સમય, પ્રયત્નો અને મહેનત કે તમારી સેવાઓનું જે રોકાણ કરો તેના પર તમે વળતરની અપેક્ષા રાખો છો? કે પછી તમારી ફાજલ સંપત્તિ તમે એમ ને એમ આપી દેવાનું પસંદ કરશો?
રોકાણોનો ઉપાડ
પ્રશ્ન # ૧
તમે કરેલું રોકાણ ઉપાડી લેવાની જરૂર છે? ઉપાડ કરવો અત્યાવશક છે?
પ્રશ્ન # ૨
કયા હેતુઓ માટે નાણાનો ઉપાડ કરવાની ફરજ પડે છે?
તમારી પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે ખર્ચ કરવાનું છે? કે તમારાં સ્વજનો, કે સંતાનો કે બન્નેને, મદદ કરવા માટે ઉપાડ કરવો પડે છે?
કે પછી, એ બન્ને કારણોસર નહીં, પણ બીજાંઓની મદદ કરવા ઉપાડ કરવો પડે છે?
પ્રશ્ન # ૩
કોઈ પણ જાતનાં વળતરની અપેક્ષા રાખ્યા વિના બીજાં લોકોને મદદ કરવા ઉપાડ કરી રહ્યાં છો?
પ્રશ્ન # ૪
તમે ક્યારે ક્યારે ઉપાડ કરો છો? નિયમિતપણે, કે પછી જ્યારે તાકીદની જરૂરિયાત ઊભી થાય ત્યારે, કે તમે જીવનના એ તબક્કે પહૉચ્યાં છો જ્યારે તમારે બીજાંઓ સાથે વહેંચણી કરવાની જરૂર / પૂર્વઆયોજિત સમય આવી પહોંચ્યો છે ત્યારે?
પ્રશ્ન # ૫
નાણા ઉપાડતી વખતે તમને ડર લાગે છે? તમારી ભવિષ્યની જરૂરિયાતો બાબતે અચોક્કસતા છે ?
કે પછી રોકાણનો હાલ ઉપાડ કરવાને બદલે, તમારાં નાણા અને સંપત્તિનો ઉપયોગ કરીને તમારાં રોકાણને જાળવી રાખવા માગો છો?
હવે પછીના મણકામાં આપણે આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
