ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીનો આરંભ કરનાર મહેમૂદે આગળ જતાં ચરિત્ર અભિનેતા અને પછી હાસ્ય અભિનેતા તરીકેની ઓળખ પ્રાપ્ત કરી, જે આજીવન બની રહી. આ ઉપરાંત તેઓ ગાયક, દિગ્દર્શક અને નિર્માતા પણ બની રહ્યા અને એ તમામ ક્ષેત્રે સફળ રહ્યા. અનેક પ્રતિભાશાળી કલાકારોને તેમણે ફિલ્મમાં તક આપી. રાહુલ દેવ બર્મનને સ્વતંત્ર સંગીતકાર તરીકે અજમાવ્યા એ પછી સંગીતકાર રાજેશ રોશનને પણ! આ બન્ને સંગીતકારો પ્રતાપી પિતાના પુત્રો હતા. આથી તેમના આગમન વખતે તેમની પાસે અનેક અપેક્ષાઓ હશે. રાહુલ દેવે આગળ જતાં પોતાનો આગવો માર્ગ કંડાર્યો અને પિતાની ઓળખથી સાવ ભિન્ન ઓળખ ઊભી કરી. તો રાજેશ રોશને પણ લગભગ એમ કર્યું. માધુર્ય રાજેશ રોશનના સંગીતની ઓળખ કહી શકાય, જે પ્રકારભેદે રોશનના સંગીતની પણ ઓળખ હતી. રાજેશ રોશને પોતાની આગવી શૈલી ઊભી તો કરી, પણ તેઓ એમાં કેદ થઈ ગયા એમ જણાય છે. આ ઉપરાંત વિદેશી ધૂનોનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. રાજેશ રોશનના સંગીતની વાત નીકળે ત્યારે સહજપણે જ ‘જુલી’, ‘દૂસરા આદમી’, ‘ખટ્ટામીઠા’, ‘દેસપરદેસ’, ‘મનપસંદ’, ‘સ્વર્ગનર્ક’, ‘આપ કે દીવાને’, ‘યારાના’, ‘કામચોર’, બાતોં બાતોં મેં’ જેવી ફિલ્મોના ગીતો યાદ આવી જાય.

રાજેશ રોશનનો સંગીતકાર તરીકે પ્રવેશ મહેમૂદ દિગ્દર્શીત ‘કુંવારા બાપ’ દ્વારા થયો, જેની રજૂઆત ૧૯૭૪માં થઈ હતી. આ ફિલ્મની કથા પર ચાર્લી ચેપ્લિનની ‘ધ કીડ’ની પ્રગાઢ અસર હતી, છતાં તેની પર સુવાંગ મહેમૂદની છાપ હતી. મહેમૂદે આ ફિલ્મ દ્વારા પોલિયોની રસી મૂકાવવાનો સંદેશ આપીને તેને એક સંદેશાત્મક ફિલ્મ બનાવી.

(રાજેશ રોશન)

મહેમૂદની ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન જેવા કલાકારો મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળે એ આશ્ચર્ય નથી. પણ આ ફિલ્મ થકી પ્રવેશેલા નવાસવા સંગીતકાર રાજેશ રોશને ફિલ્મના સંગીત થકી આશ્ચર્ય સર્જ્યું. ફિલ્મનાં કુલ ગીતો ફક્ત ચાર જ હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. પણ આ ચાર પૈકીનું એક ગીત સાવ નવિન પ્રકારનું હતું. તેના ગાયકો કદાચ સૌ પ્રથમ વાર ફિલ્મમાં ગાઈ રહ્યા હતા. એ ગીત એ વર્ષની ‘બિનાકા ગીતમાલા’માં ટોચના સ્થાને રહ્યું. મહમ્મદ રફી અને મહેમૂદની સાથે એ ગીતમાં પહેલવહેલી વખત વ્યંઢળોના સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો. એ ગીત હતું ‘સજ રહી ગલી મેરી માં’. મહેમૂદને મંદિરમાંથી એક બાળક મળી આવે છે અને એ તેને પોતાની સાથે લઈ આવે છે. બાળકના આગમનની જાણ થતાં વ્યંઢળો તેને રમાડવા આવે છે અને પૂછે છે કે આ બાળકની મા કોણ? એ તારી પાસે ક્યાંથી આવ્યું? આ સવાલના જવાબમાં ગીત છે, જેમાં મહેમૂદ આખો ઘટનાક્રમ જણાવે છે. ‘મૈં મંદિર પહુંચા…’ ‘હાજી’, ‘એક બચ્ચા દેખા…’ ‘હાજી’ જેવી પંક્તિઓમાં વ્યંઢળોનું સમૂહગાન ‘હાજી’ એ સમયે એટલું બધું લોકપ્રિય થઈ ગયેલું કે અમે મિત્રો વાતવાતમાં એનો પ્રયોગ કરતા. આ ગીત આજે પણ એટલું જ અસરકારક લાગે છે.

આ ગીત ઉપરાંત કિશોરકુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ‘આ રી આજા નિંદીયા, તૂ લે ચલ કહીં’ અત્યંત મધુર લોરી છે. લતા અને કિશોરના સ્વરમાં ગવાયેલું ગીત ‘જય ભોલેનાથ હો પ્રભુ’ સરેરાશ ગીત છે.

આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ‘મૈં હૂં ઘોડા, યે હૈ ગાડી’ ગીત છે. આ ગીતની મૂળ ધૂન ‘શતરંજ’ ફિલ્મમાં મહેમૂદ દ્વારા જ ગવાયેલી પંક્તિઓ ‘લાલ ઘોડા, લાલ જોડા’ની જ સંવર્ધિત આવૃત્તિ છે. આ ફિલ્મમાં મહેમૂદની ભૂમિકા પગરીક્ષાવાળાની છે. પોતાની પગરીક્ષા ચલાવતાં ચાલકની નજરે પડતી સૃષ્ટિનું એમાં વર્ણન છે.

ગીતના શબ્દો આ મુજબ છે. આરંભ મહેમૂદના સ્વર અને એ પછી કોરસથી થાય છે. ‘મૈં હૂં ઘોડા’ વખતે ઘોડાની ટાપનો અવાજ સરસ રીતે પ્રયોજ્યો છે.

 

मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो हो

घर तक पहुंचा देने वाली
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है,ना ये काली
हो हो हो हो हो हो

घर तक पहुंचा देने वाली….
ओय! अरे, सामने क्या देख रहे हैं, पीछे से पाकिट मार रहा है…
एक रुपैया भाड़ा, पैसेंजर इतना जाड़ा
माला नाको रे नाको रे नाको रे

माला नाको रे नाको रे नाको रे
हो दुबला पतला चलेगा, आड़ा तिरछा चलेगा
साला हो या हो वो साली, याने की आधी घरवाली
हो हो हो हो हो

घर तक पहुंचा देने वाली….
जे हवालदार! खाली मोटर दिख रही क्या? रिक्शावाले कु भी देखो, भई!
एक दिखाकर बीड़ी, ठुकवा दी चार गाडी.
अरे पैसे का खेला है खेला
हो जो मर्ज़ी है करा लो, पाकिट से नोट निकालो

फिर ले जाओ जेब खाली,
एएए बाजू हट बुर्केवाली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली….

हम आज़ाद हैं मिस्टर, क्या इन्सां और क्या जनवर,
मेरे देश में सारे बराबर
मेरे देश में सारे बराबर
हो कुत्ता गद्दे पे सोये
मानव चादर को रोये
ज़िन्दगी लगती है गाली
हो ज़िन्दगी लगाती है गाली
हो हो हो हो हो हो

घर तक पहुंचा देने वाली….
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली
हे….
घर तक पहुंचा देने वाली
हो….
घर तक पहुंचा देने वाली

‘કુંવારા બાપ’નું આ ટાઈટલ સોન્‍ગ નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)