ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોમાં રેલગીતોનો એક આગવો પ્રકાર છેક શરૂઆતથી રહ્યો છે. ખાસ કરીને સ્ટીમ એન્જિનવાળી ગાડી અમુક ગતિ પકડે એ પછી તે એક ચોક્કસ લય પકડતી. આ લયમાં પણ પ્રાદેશિક શબ્દો લોકો ગોઠવતા. જેમ કે, મારાં મમ્મીએ કહેલું કે એ લોકો એ લયમાં બોલતા, ‘છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું.’ આ રીતે અન્ય પ્રદેશમાં પણ વિવિધ શબ્દો ગોઠવાયા હશે. હિન્દી ફિલ્મસંગીતમાં આ પ્રકારનો લય પંકજ મલિક અને કમલ દાસગુપ્તા જેવા બંગાળી સંગીતકારો દ્વારા લોકપ્રિય બન્યો એમ કહી શકાય. ૧૯૪૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘ડૉક્ટર’માં પંકજ મલિક દ્વારા ગવાયેલું ગીત ‘આઈ બહાર આજ આઈ બહાર’ ટ્રેનના લયની સાથે જ આગળ વધે છે. એ પછીના વરસે આવેલી ‘જવાબ’ ફિલ્મમાં કાનન દેવીના સ્વરે ગવાયેલું ગીત ‘તૂફાન મેલ’ કદાચ તમામ રેલગીતોમાં મને અને મારા જેવા અનેકને સર્વશ્રેષ્ઠ જણાયું છે. સંગીતકાર કમલ દાસગુપ્તાએ તેમાં જે કમાલ દેખાડી છે એનો જોટો આજે પણ નથી. પછીના અરસામાં ઘણાં આવાં ગીતો આવ્યાં, પણ એમાં ટ્રેનના લયનો ઉપયોગ માત્ર એકાદ પીસ પૂરતો થયેલો સાંભળવા મળ્યો. ૧૯૬૯માં રજૂ થયેલી‘આરાધના’ના ગીત ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ’ના આરંભે તેમજ અંતરામાં ટ્રેનના લયનું સંગીત છે. ૧૯૭૪ની ‘અજનબી’માં રાહુલ દેવ બર્મને ‘હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે’માં શરૂઆતમાં અને વચ્ચે તેનો ઉપયોગ કરેલો, તો ૧૯૭૮ની ‘તુમ્હારી કસમ’માં રાજેશ રોશને ‘હમ દોનોં મિલ કે, કાગઝ પે દિલ કે’ના છેલ્લા અંતરામાં ટ્રેનનો લય મૂક્યો હતો. ૧૯૮૨માં રજૂઆત પામેલી ‘હથકડી’ના ગીત ‘ડિસ્કો સ્ટેશન, ડિસ્કો’માં બપ્પી લાહિરીએ પણ આરંભે અને વચ્ચે ટ્રેનનો લય મૂક્યો હતો. આવાં બીજાં ઘણાં ગીતો હશે.

જીવનને ટ્રેનની સફર સાથે સરખાવતાં ગીતો પણ ઘણાં છે.

૧૯૪૨માં રજૂઆત પામેલી ‘સ્ટેશન માસ્ટર’ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ વિશે અહીં વાત કરીએ.

સંગીતકાર નૌશાદની આગવી શૈલી ઊભી થઈ એ અગાઉ તેમની શરૂઆતની દસેક ફિલ્મોમાં હજી શૈલી ઉભરી રહી હતી. એ ગાળાની પ્રેમનગર, કંચન, દર્શન, માલા, નઈ દુનિયા, શારદા, સ્ટેશન માસ્ટર, કાનૂન જેવી ૧૯૪૦થી ૧૯૪૫ના ગાળાની ફિલ્મોમાં એક જુદા જ નૌશાદ સાંભળવા મળે છે.

નેશનલ રેકોર્ડ્સ કંપનીની ‘સ્ટેશન માસ્ટર’ અને અને બીજી બે ફિલ્મોની રેકોર્ડ્સની જાહેરાત

પ્રકાશ પિક્ચર્સ નિર્મિત, સી.એમ.લુહાર દિગ્દર્શીત ‘સ્ટેશન માસ્ટર’ એ સમયની અનેક ફિલ્મોની જેમ સંગીતપ્રધાન ફિલ્મ હતી. તેમાં બધું મળીને બાર ગીતો હતાં, જે પં. ઈન્દ્ર, પી.એલ.સંતોષી, ચતુર્વેદી અને બી.આર.શર્મા વચ્ચે વહેંચાયેલાં હતાં.

આ ફિલ્મમાં સુરૈયાએ બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો તેમજ ગીત પણ ગાયાં હતાં.

સાજન ઘર આયે‘ (રાજકુમારી, સુરૈયા, સાથીઓ), ‘ચલો ચલો રી સખી મધુબન મેં‘ (રાજકુમારી, સુરૈયા, સાથીઓ), ‘યે રેલ હમારે ઘર કી‘ (રાજકુમારી, પ્રેમ અદીબ, સાથીઓ), ‘અરે રાજા બડે જતન સે સીંચૂં‘, ‘બરસ ગઈ રામ બદરિયા કારી‘ જેવાં ગીતો સંતોષીએ લખેલાં હતાં. ‘મોરે પરદેસી સજન‘ ચતુર્વેદી દ્વારા લખાયું હતું. ‘કિસ આસ સે દિન કાટે‘ અને ‘ઈસ પ્યાર ને રાહત સે બેગાના બના ડાલા‘ શર્માએ લખેલાં હતાં. આ સિવાયનાં ચાર ગીતો પં. ઈન્દ્ર દ્વારા લખાયાં હતાં. એ ગીતો હતાં ‘બાબા ચૌકલેટ લાયે‘, ‘કભી હિમ્મત ન હાર બંદે‘, ‘બન્ની તેરા ઝૂલા હૈ અનમોલ‘ અને ‘કાયા કી રેલ નિરાલી’.

આ પૈકી ‘કાયા કી રેલ નિરાલી’ કોરસ ગીત હતું. આ ગીત લગભગ ટ્રેનના લયમાં સંગીતબદ્ધ કરેલું છે. તેના શબ્દો આ મુજબ હતા.

काया की रेल निराली,
काया की रेल निराली,
कर जायेगी स्टेशन खाली
रेल निराली, रेल निराली
कर जायेगी स्टेशन खाली,खाली,खाली

रेल निराली, रेल निराली
काया की रेल निराली,
जा झटपट टिकट कटा ले,
जा झटपट टिकट कटा ले,
ये रेल नहीं रुकने की,
ये रेल नहीं रुकने की,
बिस्तर सामान उठा ले,

ये रेल नहीं रुकने की,
ईन्‍जन ने सीटी दे डाली
रेल निराली, रेल निराली
काया की रेल निराली,
टिकटबाबु ने टिकट दे दिये,
पलने के सब टके ले लिये,
टिकटबाबु ने टिकट दे दिये,
पलने के सब टके ले लिये,

संभल संभल कर चल रे मुसाफिर,
संभल संभल कर चल रे मुसाफिर,
दूर है तेरा गांव, हांआ..
दूर है तेरा गांव, हांआ…
उंचानीचा पलेटफारम, कहीं न फिसले पांव
उंचानीचा पलेटफारम, कहीं न फिसले पांव
तेरे संग है गौनेवाली
रेल निराली, रेल निराली,
काया की रेल निराली…
काया की रेल निराली…

આ ગીતનો બીજો હિસ્સો ફિલ્મના અંત ભાગમાં છે, જેના શબ્દો આ મુજબ છે. ફિલ્મના અંત ભાગે 2.34.51થી છેક અંત સુધી તે સાંભળી શકાશે.

चली रेल, सब चले मुसाफिर
चली रेल, सब चले मुसाफिर
रह गये स्टेशनबाबू,
रह गये स्टेशनबाबू,
रह गया स्टेशन खाली,
रह गया स्टेशन खाली,
चली रेल, सब चले मुसाफिर
चली रेल, सब चले मुसाफिर

रह गये स्टेशनबाबू,
रह गये स्टेशनबाबू,
रह गया स्टेशन खाली,
रह गया स्टेशन खाली,
लो चली रेल मतवाली,
रेल निराली, रेल निराली,
काया की रेल निराली…
काया की रेल निराली…

रेल निराली….

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.30થી 3.04 સુધી આ ગીત સાંભળી શકાશે.


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)