દીપક ધોળકિયા
ગદરના વીરો (૧) થી આગળ
૧૯૧૩ના ડિસેંબરમાં ગદર પાર્ટીનું સૅક્રોમેંટમાં એક સંમેલન મળ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. એમાં આખા અમેરિકામાં પાર્ટીનો ફેલાવો કરવાનો નિર્ણય લેવાયો.તે પછી ગદર પાર્ટીનું મુખ્ય કેન્દ્ર ઍસ્ટોરિયાથી સાન ફ્રાંસિસ્કો ખસેડવાનો નિર્ણય લેવાયો. અહીં એમણે બે આશ્રમ બનાવ્યા – યુગાંતર આશ્રમ અને ગદર આશ્રમ. હવે ગદર છાપું પણ અહીંથી પ્રકાશિત થવા લાગ્યું. લાલા હરદયાલ એમાં લેખો લખતા, રઘુવર દયાલ એને ઉર્દુમાં અને કરતાર સિંઘ સરાભા ગુરુમુખીમાં તૈયાર કરતા અને સાઇક્લોસ્ટાઇલ કરીને વેચતા. પણ જેટલી નકલો સાઇક્લોસ્ટાઇલ મશીન પર કાઢી શકાતી તે હંમેશાં ઓછી પડતી એટલે એમણે મોટી જગ્યા લીધી અને લીથો મશીન પર છાપું તૈયાર કરવાની શરૂઆત કરી.
ભારતમાં ‘ગદર’ પર પ્રતિબંધ
ભારતમાં ‘ગદર’ અખબાર પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાથી આવતી ટપાલ પર હોંગકોંગ, સિંગાપુર, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, રંગૂન વગેરે બંદરો પર ખાસ વેરો નાખવામાં આવ્યો. હવે ‘ગદર’ કૅનેડાના માર્ગે અને પછી જાપાનના બંદરેથી ભારત પહોંચવા લાગ્યું. ભારતની અંગ્રેજ સરકારને આની જાણ થતાં હવે કૅનેડા અને જાપાનથી આવતી ટપાલની પણ ચકાસણી શરૂ થઈ ગઈ. આમ આ રસ્તો બંધ થતાં હવે અમેરિકાના વિદ્રોહીઓએ જાપાનમાં ગદરના નેતા મૌલવી બરકતુલ્લાહની મદદથી ફ્રાંસમાં મૅડમ ભીકાઈજી કામા સુધી છાપાં પેટીઓમાં ભરીને મોકલવાનું શરૂ કર્યું. મૅડમ કામા આ પેટીઓ કોઈ મુસાફર સાથે અંગત સામાન તરીકે ભારત પહોંચાડી દેતાં.
પરંતુ અંગ્રેજોની જાસૂસી જાળ આ વ્યવસ્થાને ભેદવામાં સફળ રહી. મૌલવી બરકતુલ્લાહે એક જાપાનીને મુસલમાન બનાવી દીધો હતો. અંગ્રેજોએ એને ખરીદી લીધો. હવે એ બધી પેટીઓ અંગ્રેજી દૂતને પહોંચાડતો થઈ ગયો. મૌલવી બરકતુલ્લાહ એ વખતે જાપાનમાં ટોકિયો યુનિવર્સિટીમાં ફારસી અને હિન્દુસ્તાનીના પ્રોફેસર હતા પણ ‘ગદર’ અખબારને ચોરીથી જાપાનથી ફ્રાન્સ મોકલવામાં એમનો હાથ હોવાનું જાહેર થઈ જતાં એમને નોકરીએથી કાઢી મૂકવામાં આવ્યા. જો કે બરકતુલાહ તે પછી પણ ગદર પાર્ટી માટે કામ કરતા રહ્યા.
અખબાર હવે માત્ર ઉર્દુ અને પંજાબીમાં જ નહીં, ગુજરાતી, બંગાળી, નેપાલી અને પશ્તોમાં પણ છપાવા લાગ્યું હતું. એક અંદાજ પ્રમાણે ૧૯૧૬ સુધીમાં એની દસ લાખ નકલો છપાતી હતી. પરંતુ ભારત સુધી અખબાર પહોંચાડવાનું વધારે ને વધારે મુશ્કેલ બનતું જતું હતું. હવે પાર્ટીએ નક્કી કર્યું કે અખબાર ભારતમાં જ છાપવું. પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં એ શક્ય ન બન્યું.
ક્રાન્તિની પહેલી યોજનાઃ “કાશ્મીર પ્રજાસત્તાક, ૧૯૨૫”
હવે ક્રાન્તિકારીઓને લાગતું હતું કે ભારત જઈને એક પછી એક પ્રદેશો કબજે કરીને અંગ્રેજોને ભગાડવાનો સમય આવી ગયો છે. આથી એમણે પંજાબની નજીક કોઈ સ્થાન પર કબજો કરી લેવાની યોજના ઘડી. એમને એમાં કાશ્મીર સૌથી યોગ્ય લાગ્યું. કાશ્મીર ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું હોવાથી ઓચિંતો હુમલો થાય તો અંગ્રેજ ફોજ માટે ત્યાં પહોંચવાનું પણ અઘરું હતું. કાશ્મીર પર પહેલાં હુમલો કરવાથી લોકોનો પણ ટેકો મળે તેમ હતું. ભારતની આઝાદીનું પહેલું થાણું કાશ્મીર બનવાનું હતું. યુગાંતર આશ્રમમાં હિન્દુસ્તાનનો નક્શો હતો તેમાં કાશ્મીરના ભાગને લાલ રંગથી રંગી નાખીને લખી દેવાયું હતું કે “કાશ્મીર પ્રજાસત્તાક – ૧૯૨૫”! એમની ધારણા હતી કે બ્રિટન અને જર્મની વચ્ચે હજી દસેક વર્ષ પછી યુદ્ધ થશે, પરંતુ. યુદ્ધ તો ૧૯૧૪માં જ શરૂ થઈ ગયું. એટલે કાશ્મીરમાં અડ્ડો જમાવવાની એમની મુરાદ બર ન આવી.
હવે એમણે બોંબ બનાવવાની તાલીમ લેવાનું શરૂ કર્યું. એક ભાઈ હરનામ સિંઘના હાથમાં જ વિસ્ફોટક બોમ્બ ફાટી જતાં એમનો હાથ કાપવો પડ્યો. પાર્ટી હવાઈ દળ બનાવવા માગતી હતી એટલે કરતાર સિંઘ સરાભા ન્યૂ યૉર્કની એક વિમાની કંપનીમાં જોડાયા અને ત્યાં ઊડ્ડયન અને વિમાન-રિપેરનું કામ શીખી આવ્યા. જો કે હવાઈ દળ બનાવી ન શકાયું કારણ કે વિશ્વ યુદ્ધ એમની ધારણા કરતાં દસ વર્ષ વહેલું જ શરૂ થઈ ગયું હતું.
ભારતમાં ક્રાન્તિનો પ્રયાસ
૧૯૧૪ની ૨૫મી જુલાઈએ જર્મનીએ સર્બિયા પર હુમલો કર્યો તે સાથે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બીજા જ દિવસે ગદર પાર્ટીએ હિન્દુસ્તાનમાંથી બ્રિટનને હાંકી કાઢવા માટે વિદ્રોહ કરવાનું એલાન કર્યું, જો કે, બ્રિટન યુદ્ધમાં ચોથી ઑગસ્ટે જોડાયું. ગદરીઓએ નક્કી કર્યું કે “કરો યા મરો. મૂંગા બેસી રહેવા કરતાં કંઈક કરીને હારી જવાનું સારું છે. હાર પણ ઇતિહાસમાં કામ આવશે.” તે પછી પાંચમી ઑગસ્ટે પાર્ટીના મુખપત્રમાં આ ‘એલાન-એ-જંગ’ છાપી દેવાયું. એમાં બધા હિન્દુસ્તાનીઓને નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશ પાછા પહોંચી જવાનો પાર્ટીએ આદેશ આપ્યો. સૌને પોતાને ગામ પહોંચીને અંગ્રેજો વિરુદ્ધ બગાવત કરવા માટે લોકોને તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ. દુનિયાના ખૂણેખૂણેથી હિન્દુસ્તાનીઓ પાછા પહોંચી જાય તે પછી વિદ્રોહનો દિવસ નક્કી કરવાનો હતો.
કરતાર સિંઘ સરાભા માત્ર ૧૮ વર્ષના હતા અને એમનું જોશ એટલું બધું હતું કે કોઈ એમની બરાબરી કરી શકે તેમ નહોતું. એ તો આવી મીટિંગોની રાહ જોયા વગર જ રઘુવર દયાલ ગુપ્તા સાથે દેશ આવવા નીકળી પડ્યા હતા.
ગદર પાર્ટીના પ્રમુખ બાબા સોહન સિંઘ ભકનાને જાપાનમાં સંદેશ મોકલાયો કે એ બધા સાથીઓ સાથે હિન્દુસ્તાન પહોંચી જાય. પંડિત સોહનલાલ પાઠકે થાઈલૅન્ડ અને બર્મા જઈને લોકોને લઈ જવાના હતા. બાબા ભકના સાથે બસ્સો પિસ્તોલ અને બે હજાર ગોળીઓ પણ બે પેટીમાં ભરીને મોકલી. એ એક હોટેલમાં ઊતર્યા અને ત્યાંથી જાપાનની ગદર પાર્ટીના બે નેતાઓએ હથિયારો કામાગાટા મારૂ પર પહોંચાડવાનું બીડું ઝડપ્યું. (કામાગાટા મારૂ જહાજ વિશે આવતા અંકમાં વાત કરશું). એમણે એક નાની હોડી લીધી, એમાં પેટીઓ ચડાવી અને રાતના અંધારામાં સાવચેતીથી કામાગાટા મારૂ પાસે પહોંચી ગયા અને દોરડાં બાંધીને પેટીઓ જહાજમાં પહોંચાડી દીધી. બીજા દિવસે એ લોકો બાબા સોહનસિંઘને લઈને, જાણે કંઈ ન બન્યું હોય તેમ જહાજ પર ગયા. બાબાએ મુસાફરો સામે જોશીલું ભાષણ કર્યું અને લોકોને બળવા માટે આહ્વાન કર્યું.
ગદરીઓ ભારતમાં
ભારત આવવા નીકળેલા ગદરીઓ જુદાં જુદાં જહાજોમાં હોંગકોંગ પહોંચવાના હતા. અહીં એમણે જહાજ બદલવાનું હતું, પરંતુ એમની હિલચાલની જાણ બ્રિટિશ સરકારને થઈ ગઈ હતી એટલે એમના માટેનું જહાજ ગોઠવવામાં જાણીજોઈને વાર થતી હતી. ગદરીઓએ એનો લાભ લીધો અને હિન્દુસ્તાનીઓમાં જોશપૂર્વક પ્રચાર કરવામાં એમણે આ સમયનો ઉપયોગ કર્યો. સરકારી આંકડા પ્રમાણે આઠ હજાર ગદરી ભારત આવી ગયા હતા પણ ખરેખર તો આ આંકડો બહુ મોટો હતો.
‘નાનસંગ’ જહાજથી બાબા સોહન સિંઘ ભકના પોતે કલકત્તા ઊતર્યા કે તરત એમની ધરપકડ કરીને લુધિયાના લઈ ગયા. પહેલાં એ પોલીસની દેખરેખ હેઠળ હતા. એક વાર પોલીસ સાથે બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં કરતારસિંઘ સરાભા સાથે એમની મુલાકાત થઈ ગઈ. એ જ વખતે એમણે નક્કી કર્યું કે દેશના નેતાઓને મળીને બળવા માટે તૈયારી શરૂ કરવી. તે પછી ભકનાને લાંબા જેલવાસમાં રાખી દેવામાં આવ્યા. થોડા દિવસો પછી ‘તોશામારૂ’ જહાજમાંથી ૧૭૩ ગદરી ઊતર્યા. એમને પણ તરત રાવલપીંડી લઈ ગયા. આમ ગદરીઓ આવતા ગયા અને સરકાર એમને સીધા જેલભેગા કરતી રહી.
અહીં કામાગાટા મારૂની કથા જોડાય છે. આ કથા લાંબી છે અને એક લેખમાં સમાવી શકાય એમ નથી. એના વિના ગદરના વીરોની ગાથા અધૂરી રહેશે. આવતા અંકમાં ફરી મળીએ છીએ.
૦૦૦
સંદર્ભઃ
- गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩. ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક) સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
