જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪. ૪
રોકાણ
દિવ્યભાષ સી. અંજારીઆ
૪.૩ થી આગળ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, #૪.૨ માં ખર્ચ અને #૪.૩માં બચત એમ ત્રણ મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.
હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં ચોથાં મહત્ત્વનાં ઘટક ‘રોકાણ‘ વિશે વાત માંડીશું.
રોકાણ શા માટે?
નાણાની બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવાને બદલે ભવિષ્યમાં વધારે નાણા મળી શકે તે રીતે કામે લગાડવાને રોકાણ કહે છે.
કમાયેલાં નાણામાંથી પોતાનાં જીવનની પ્રાથામિકતાઓ અનુસારની જરૂરિયાતો પુરી કરવામાં કમાણીનો અમુક ભાગ વપરાઈ જાય છે. તે પછી જે બચે તેનો ઉપયોગ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાને સમયે કામ આવી શકે એ માટે તેનું રોકાણ કરવું જોઈએ.
પરંતુ બચતને રોકાણમાં ફેરવવી જરૂરી છે? આ સવાલનો જવાબ નાણાકેંદ્રી અર્થવ્યવસ્થાની આગવી ખાસિયતમાં છે. ૧૯મી સદીની ઔદ્યોગિક ક્રાન્તિ અને તે પછી હવે ડિજિટલ ટેક્નોલોજીની ક્રાન્તિને પરિણામે ઉત્પાદન ક્ષમતાઓ કુદકે ને ભુસકે વધતી ગઈ. વધતી જતી નિપજોમાંથી ઉત્પાદકો વધારે ને વધારે નફો રળી શકે એ માટે ગ્રાહકની ખરીદ શક્તિ વધતી રહે એ જરૂરી છે. માંગ અને પુરવઠાનું જે ચક્ર ગોઠવાય છે તેમાં છેવટે પરિસ્થિતિ એ બનતી આવી છે કે પેદાશો અને સેવાઓના ભાવો વધતા જ જાય છે. એટલે આજે થયેલ બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવા દેવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતાઓ વધારે રહે છે. આમ આજની બચતની ભવિષ્યની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે પણ તેનું ઉત્પાદક રીતે રોકાણ કરવું જ ઈષ્ટ છે.
આજે કરેલ ખર્ચ એ વર્તમાન જરૂરિયાતો પુરી કરવા માટે કરેલ ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી છે. તેમ કરતાં જે કમાણી બચે તે ભવિષ્યની અપેક્ષિતપણે વધતી જતી ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરશે એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે. એ માટે આજની બચતની, ભવિષ્યની ભાવ સપાટીએ, ખરીદ શક્તિ – મૂલ્ય – જળવાય, કે વધે, એ આવશ્યક છે. વળી, નાણાકેંદ્રી આધુનિક અર્થવ્યવસ્થાનું ઘડતર ચીજવસ્તુઓ અને સેવાઓના વધતા જતા ભાવો સાથે સંકળાયેલ છે. એટલે નાણાની બચત એમને એમ રાખી મૂકવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતા વધારે છે. યાદ રહે કે આજની નાણાકેંદ્રી અર્થવ્યવસ્થામાં સમયની સાથે નાણા અને બચતનું મૂલ્ય ઘટતું જ રહેવાનું છે.
આવા સજોગોમાં, આજે કરેલ ખર્ચમાંથી થયેલ બચતમાંથી થયેલ આજનાં રોકાણો ભવિષ્યની ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરી શકે એવી વધારે સારી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાને સમયે સક્ષમ રહે એ રીતે કરવામાં આવે એ પણ જરૂરી બની જાય છે.
બચત કરેલ નાણાની જરૂર ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત આપણાં ભવિષ્યની સલામતી માટે પણ છે. ભવિષ્યમાં માંદગી જેવા આકસ્મિક સંજોગોને, કે પછી સંતાનો (કે તેમનાં પણ સંતાનો)નાં ભણતર જેવી અપેક્ષિત જરૂરિયાતોને, પહોંચી વળવા માટે આજની બચત એક સલામત વ્યવસ્થા નીવડી શકે છે.
ગાદલાં ગોદડાં નીચે કે કબાટોમાં સંગ્રહી રાખેલ બચત ભવિષ્યની ખરીદ શક્તિને પહોંચી વળાય એટલું મૂલ્ય જાળવી રાખવામાં મદદરૂપ ન બની શકે. આજની બચતનાં ભવિષ્યનાં મૂલ્યને જાળવી રાખવા માટે, કે મૂલ્યમાં વૃદ્ધિ કરવા માટે, આયોજિત સ્વરૂપે રોકાણ કરવું આવશ્યક બની રહે છે.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં ઘટક ‘રોકાણ’નાં લગતાં મહત્ત્વનાં પાસાં – બચતમાંથી રોકાણમાં રૂપાંતર – શી રીતે અને ક્યાં ક્યાંની ચર્ચા હવે પછીના મણકામાં કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
