પ્રીતિ શાહ-સેનગુપ્તા

મને તો પહેલેથી આ નામ જ બોલવું ગમી ગયેલું -ઉલાનબાતૉર. પરદેશીઓ શહેરનું નામ આ રીતે બોલતાં હોય છે, પણ સ્થાનિક લોકો જરા જુદું બોલતા હતા -ઉલાનબાત્ર જેવું. એટલેકે ઉલાનબાતર ઉચ્ચાર જ દેશમાં વધારે પ્રચલિત છે, એમ એક મૉન્ગોલિયન યુવકે મને સમજાવ્યું.

સૉયૉલબોલ્ડ નામનો આ યુવક અંગ્રેજી બરાબર જાણતો હતો, અને દુભાષિયા તરીકે કામ કરતો હતો. એણે મને કેટલીક બહુ સરસ માહિતી આપી. એક તો એ, કે મૉન્ગોલિયામાં પ્રાચીન-કાળથી ઇન્ડિયા, કૈંક ધ્યાન-ગ્નાનના સંદર્ભમાં, “ચક્રોની ભૂમિ” તરીકે ઓળખાતું આવ્યું છે. ત્યાંની પ્રાચીન પોથીઓમાં એનો ઉલ્લેખ “જાગારિન ઑરૉન” તરીકે થયેલો છે. કાળક્રમે, અપભ્રંશ થઈને ‘ચક્ર’ શબ્દ ‘જાગારિન’ બન્યો છે. સામાન્ય મૉન્ગોલિયનો માટે ઇન્ડિયા માટેનો શબ્દ “ઍનૅથૅગ” છે. એ પણ જાણે અપભ્રંશ થયેલો લાગે છે. ઉપરાંત, એ લોકોનો પ્રાચીનતા માટેનો સંદર્ભ છે -“આલિ દિવાન્ગારિન”, એટલેકે “દેવનાગરી જેટલું પ્રાચીન”. મેં ચકિત થઈને સૉયૉલબોલ્ડને પૂછ્યું, શું વાત છે! ખરેખર?

મૉન્ગોલિયામાં ભાષા માટે રશિયાની સિરિલિક કહેવાતી લિપિ વપરાતી આવી છે. ૧૯૨૦ના દાયકામાં રશિયાની હકુમત દરમ્યાન એ મૉન્ગોલિયામાં દાખલ થયેલી, અને ત્યારથી સમગ્ર દેશમાં એ પ્રચલિત થયેલી છે. લિપિ એકસરખી, પણ બંને ભાષાઓ જુદી છે. એમાંના અંગ્રેજી લિપિ જેવા છે તેવા માંડ બે-ચાર અક્ષર આપણે ઓળખી શકીએ. કાનને તો એટલું પણ ના ઓળખાય.

પ્રજાના શિક્ષિત લોકોનો તેમજ વિદ્વાનોનો આગ્રહ છે, કે મૉન્ગોલિયાની પોતાની, ૧૩મી સદીમાં ચંઘીસખાન દ્વારા દાખલ કરાવાયેલી, જે લિપિ છે તેને જ મુખ્ય ગણવી જોઇએ, અને પ્રજાના જીવનમાં પ્રાધાન્ય પામવી જોઇએ. એ લિપિ ઉપરથી નીચે, અને પછી જમણેથી ડાબે જતી લીટીઓમાં લખાય છે. આ પરંપરાગત મૉન્ગોલિયન ભાષા છે, અને ખૂબ સુંદર દેખાય છે. મને તો જાણે એનામાં કોઈક રીતે આપણી પાલી-પ્રાકૃત ભાષાની છાંટ દેખાતી રહે છે. આ લિપિ અત્યારે મૉન્ગોલિયાની શિક્ષણ-સંસ્થાઓમાં શીખવાડાઈ રહી છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

૧૭મી-૧૮મી સદી દરમ્યાન મૉન્ગોલિયન ભાષામાં બીજી ઘણી ભાષાઓના શબ્દો ઉમેરાતા ગયા. સંસ્કૃત, પર્શિયન, ચીની, ને પછી આધુનિક કાળમાં રશિયન, ઇંગ્લિશ વગેરે. સંસ્કૃતમાંથી બૌદ્ધ ધર્મને લગતા સંસાર, આનંદ, વજ્ર જેવા શબ્દો સીધેસીધા આવ્યા, અને બીજા અનેક અપભ્રંશ પણ થયા, જેમકે, અવ્યાસ(અભ્યાસ), બુયાન(પુણ્ય), અગ્શિન(ક્શણ), ગારિગ(ગ્રહ), ત્સાદિગ(જાતક), શુલેગ(શ્લોક), બદક(પદક), શાસ્તિર(શાસ્ત્ર), બાર્હાસ્વડિ (બૃહસ્પતિ), સન્ચિર(શનિચર) વગેરે. બહુ રસપ્રદ લાગે છે ભાષાનો આ ઇતિહાસ.

એ સ્પષ્ટ જોઈ શકાય છે કે મૉન્ગોલિયામાં શિક્ષણને ઘણું મહત્ત્વ અપાય છે. સરકાર ત્રીસેક ટકા જેટલું બજેટ ફાળવે છે, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત તેમજ ફ્રી હોય છે, અસંખ્ય કૉલૅજો-યુનિવર્સિટીઓમાં વિભિન્ન વિષયો ભણાવાય છે, અને કમ્પ્યુટર જેવાં આધુનિક સાધનોનો વપરાશ છૂટથી થતો રહે છે. યુનાઇટેડ નેશન્સના કહેવા પ્રમાણે મૉન્ગોલિયામાં ૯૮ ટકા અક્ષરજ્ઞાન પ્રવર્તે છે. આ દેશ અત્યંત ગરીબ ગણાય છે, અને ચાલીસ ટકા પ્રજા ખેતી તથા પશુપાલનમાં પ્રવૃત્ત છે, તે છતાં; તે છતાં.

ઍન્જિનિયરિન્ગ, સાયન્સ, મૅડિકલ અને લૉ જેવા વિષયોમાં ડિગ્રી કૉર્સ છે, અને મૉન્ગોલિયન યુવાપ્રજા ભણી-ગણીને દેશમાં રહીને જ એ ક્શેત્રોમાં કામ કરતી જણાય છે. સંગીત, ચિત્ર, શિલ્પ વગેરે કળાઓમાં પારંગત સ્ત્રી-પુરુષોનો પરિચય રોજ થતો રહ્યો. ચાર યુવાનોનું બનેલું એક મ્યુઝીક-બૅન્ડ સાંભળવાની તક મળેલી. એમણે, અમેરિકામાં શરૂ થયેલું અને વિકસેલું, જાઝ મ્યુઝીક તો ખૂબ સરસ વગાડ્યું, ને પછી એમણે અમેરિકન સ્ટાન્ડર્ડ કહેવાતાં, પચાસ-સાઠના દાયકાના લોકપ્રિય ગીતો ગાયાં. ઘણાં હું જાણું. એમાંયે ફ્રૅન્ક સિનાટ્રાનો અવાજ તો બહુ જ પસંદ.

એ યુવકે એટલું સરસ ગાયું કે પછી મેં એને પૂછ્યું, કે એ ક્યાં શીખ્યો. તો એ કહે, એ મ્યુઝીક-કૉલૅજમાં ભણે તો છે જ, પણ અમેરિકન પૉપ્યુલર ગીતો એ સાંભળી-સાંભળીને શીખ્યો. મને બહુ ખુશી થઈ, કારણકે ગાતી વખતે એના ઉચ્ચાર પણ બરાબર અમેરિકી હતા. હા, મારી સાથે વાત કરતાં એના અંગ્રેજી ઉચ્ચારમાં મૉન્ગોલિયન છાંટ હતી. પછી તો ઉલાનબાતરના રસ્તા પર ચાલતાં આ મ્યુઝીક-કૉલૅજ જોઈ પણ ખરી.

મેં એ પણ જોયું, કે સાહિત્યનો શોખ ધરાવનારાં, કાવ્યો તથા સર્જનાત્મક લેખન કરનારાં, તથા સાપ્તાહિક છાપાં કે પત્રિકાઓ બહાર પાડનારાં મૉન્ગોલિયન મોટી સંખ્યામાં છે. ખૂબ સુંદર રીતે છપાયેલા, ક્યારેક સુંદર આલેખન સાથેના કાવ્ય-સંગ્રહો જોઈને બહુ આનંદ થયો. બધાં પોતાની માતૃભાષામાં લખે છે. વળી, અનેક જણ એ ભાષાને ‘કૅલિગ્રાફી’ કહેવાતી ચિત્રાત્મક શૈલીમાં પણ મૂકી જાણે.

એક મૉન્ગોલિયન બહેન મને ઇન્ડિયન જોઈને ખાસ મારી પાસે આવ્યાં. એમના હાથમાં એમની લખેલી એક ચોપડી હતી. કોઈની મદદ લઈને મને કહે, કે એમણે ઇન્ડિયા પર આ નવલકથા લખી છે. આવરણ પર તાજમહેલનો ફોટો હતો. એ નકલ મને ભેટ આપવા માગતાં હતાં. આવી રીતે બીજાં પણ પોતાનું પુસ્તક ભેટ આપવા ઉત્સુક હતાં- એ ભાષા આપણાંથી બીલકુલ વાંચી શકાય તેમ નથી, તે છતાં. દેખાવે પુસ્તકો હોય ખૂબ સરસ, પણ ક્યારેક હું સ્વીકારું, ક્યારેક ના પાડું. પુસ્તકોનું વજન ઉચકીને ફરવું બહુ અઘરું પડે છે.

ઇન્ડિયાની બહારના બીજા કેટલાક દેશોમાં કળા અને સાહિત્યની દેવી સરસ્વતીની ઉપાસના થતી આવી છે -તિબેટ, નેપાલ, બાલી, જાપાન, ચીન વગેરે. અલબત્ત, નામ એમની ભાષાનાં થઈ જાય, સ્વરૂપ પણ બદલાઈ જાય, અને ક્યારેક દેવી થોડું જુદું સ્થાન ધારણ કરે. એક જમાનામાં મૉન્ગોલિયામાં સરસ્વતીની પ્રતિમાઓ બનતી. એમાં કોઈના હાથમાં વીણા હોય, પણ આસપાસ મોર ક્યારેય ના હોય. હવે બૌદ્ધ ધર્મમાંની શ્વેત તારાના સ્વરૂપને સરસ્વતીની સાથે જોડી લેવામાં આવતું લાગે છે.

એક વાર તાઇવાનના એક બૌદ્ધ મઠના પ્રદર્શન-ખંડમાં મેં સરસ્વતીની ધાતુમાંથી બનાવેલી ખૂબ સુંદર મૂર્તિઓ જોયેલી. એ બધી મૉન્ગોલિયામાં સદીઓ પહેલાં બનાવાયેલી હતી, એમ વિગત મૂકેલી હતી. પણ અહીં મૉન્ગૉલિયામાં આવ્યા પછી એવી મૂર્તિઓ જોવા મળી નથી. પૂછતાછ કરતાં એમ જાણવા મળ્યું, કે આપણને પરિચિત એવાં શિલ્પ અને ચિત્ર, વિખ્યાત સ્થાનિક કવિ ઝાનાબાઝારના નામે જાણીતા એવા, રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સચવાયેલાં રહ્યાં છે, ને ક્યારેક પ્રદર્શિત થતાં હોય છે.

કોઈ રીતે કળા અને સાહિત્યનું વરદાન મૉન્ગોલ પ્રજા પર અવશ્ય છે, એમ સ્પષ્ટ થતું રહે છે. ઉલાનબાતર શહેરમાં ચાલતાં ચાલતાં કેટકેટલાં શિલ્પ જોવા મળે છે. ચંઘીસખાનનાં તો ખાસ જગ્યાઓએ ખરાં જ, ને માર્કો પોલોનું એક આગવું શિલ્પ પણ ફૉરેન મિનિસ્ટ્રીની વિશાળ ઇમારતની સામે મૂકેલું છે, પણ આ સિવાય, પોતાની ભાષામાંના કેટલા બધા વિખ્યાત કવિઓ અને સર્જકોને જાહેરમાં ઉપસ્થિત કરેલા છે.

એ દરેક શિલ્પ સર્જકને મોભાદાર રીતે દર્શાવે છે. જેમકે, યાવુઉહુલાન્સ કવિના નામ પર બનાવેલો એક નાનો ગાર્ડન. આખો દિવસ ત્યાં લોકોની અવરજવર રહે છે. બધે ઝાડપાન, ફૂલો, એક ગોળ ફુવારો છે, અને કાસ્ટ આયર્નમાંથી બનાવેલું, સૂટ ને બૂટમાં સજ્જ, એક બેન્ચ પર આરામથી બેઠેલા કવિનું આબેહૂબ શિલ્પ છે. જાણે કવિ હાજરાહજૂર લોકચર્યા માણી રહ્યા છે.

આ શિલ્પમાં કવિ જે બેન્ચ પર બેઠા છે ત્યાં બાકીની જગ્યા ખાલી છે. ત્યાં ફરવા આવતા સ્થાનિક લોકોમાં ત્યાં બેસીને કવિની સાથે ફોટો પડાવવાનો બહુ શોખ દેખાય છે. જ્યારે જોયું ત્યારે બે-ત્રણ જણ લાઇનસર બેન્ચ પર બેઠેલાં જ હોય, ને ચોથું કોઈ એમનો ફોટો પાડતું હોય. છેવટે એક વાર બેન્ચ ખાલી પડેલી જોઈ. જલદીથી મેં ફોટો લઈ લીધો, જેમાં કવિ યાવુઉહુલાન્સ એકલા જ બેઠેલા દેખાય છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.