ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કેરળના મુન્નારનું નામ લઈએ એટલે આંખ સામે ચાના બગીચા, ધુમ્મસમાં ઢંકાયેલા પહાડો, લીલાં જંગલો અને રસ્તા પર ક્યારેક અચાનક દેખાઈ જતા હાથીનાં દૃશ્યો આવી જાય. એક પ્રવાસી માટે રસ્તાની કોરે ઊભેલો હાથી અદ્ભુત દૃશ્ય હોઈ શકે, પણ એ જ હાથી કોઈ સ્થાનિક વ્યક્તિ માટે જીવનું જોખમ બની શકે છે. મુન્નારમાં હાથી અને માણસ વચ્ચેનો વધતો સંઘર્ષ એ વાતનો સંકેત છે કે માણસ અને વન્યજીવન વચ્ચેનું સંતુલન કેટલું નાજુક છે.
ઑગસ્ટના અંતમાં મુન્નારના થાલક્કુલમ વિસ્તારનો એક બનાવ છે. અહીંના ખેડૂત એસ. ઓચપ્પન પોતાની પુત્રીના એલચીના ખેતરમાં પાક જોવા ગયા ત્યારે જંગલી હાથીએ તેમના પર હુમલો કર્યો. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું મૃત્યુ થયું. એના થોડા મહિના પહેલાં ચિન્નાકનાલમાં ૩૬ વર્ષની મારીનું હાથીના હુમલામાં મૃત્યુ થયું હતું અને તેમનો ૧૧ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. એ જ સમયગાળામાં એક હાથી મુન્નાર શહેરમાં ઘૂસી ગયો અને ચર્ચ સુધી પહોંચી ગયો હતો. આવી ઘટનાઓ હવે અપવાદ રહી નથી.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના તાજેતરના અભ્યાસે આ સમસ્યાને વિશાળ ફલકમાં દર્શાવી છે. કેરળમાં ૨૦૦૮થી ૨૦૨૫ દરમિયાન હાથી-માનવ સંઘર્ષની ૧,૭૮૧ ઘટનાઓ નોંધાઈ, જેમાં ૫૮૧ લોકોનાં મૃત્યુ અને ૧,૨૦૦ લોકો ઘાયલ થયા. મુન્નારનો વિસ્તાર ૧૦૩ માનવમૃત્યુ સાથે કેરળમાં સૌથી આગળ રહ્યો. બીજી તરફ, આ જ સમયગાળામાં કેરળમાં ૬૯૫ જંગલી હાથી મૃત્યુ પામ્યા હતા અને તેમાંના ૨૨૬નાં મૃત્યુનું કારણ માનવસર્જિત હતું. માત્ર વીજ કરંટથી ૧૫૪ હાથીનાં મૃત્યુ થયાં હતાં.
એટલે સવાલ કેવળ એ નથી કે હાથી માણસ પર કેમ હુમલો કરે છે. મૂળ પ્રશ્ન એ છે કે માણસ અને હાથી માટેની જગ્યા સતત ઘટી રહી છે, ત્યારે બંનેને વારંવાર એકબીજાની નજીક આવવાની ફરજ કેમ પડી રહી છે?
મુન્નારનો આજનો વિસ્તાર એક જ દિવસમાં ઊભો થયો નથી. અહીં આદિવાસી સમુદાયો વસતા હતા. પછી અંગ્રેજો આવ્યા, ચાના વાવેતરો ઊભાં થયાં, રસ્તા અને વસાહતો વિકસ્યાં. ત્યાર પછી પ્રવાસન વધ્યું. હોટેલ, રિસોર્ટ, હોમસ્ટે, દુકાનો, પાર્કિંગ અને રસ્તાઓ વધતા ગયા. એક જ વિસ્તારમાં ચા ઉગાડવી, લોકોને વસાવવા, પ્રવાસીઓને આવકારવા અને જંગલી પ્રાણીઓને જીવવા દેવા-આ બધી બાબતો એકબીજા સાથે ટકરાવા લાગી.
હાથી માટે જંગલ, ચાનો બગીચો, ખાનગી જમીન કે સરકારી જમીન એવી અલગ-અલગ સરહદો હોતી નથી. પાણી, ખોરાક અને ઋતુ પ્રમાણેના રહેઠાણ સુધી પહોંચવા માટે તેના માટે જે માર્ગ છે, તેના પર આપણે રસ્તો બનાવી દીધો હોય કે વસાહત ઊભી કરી હોય, હાથીને તેની ખબર નથી. આથી હાથીને ‘ઘૂસણખોર’ માનીએ તો તેના માર્ગમાં ઊભી કરાયેલી દરેક માનવીય વસાહતને ગેરકાયદેસર ગણવી પડે. મુન્નારના ઘણા લોકોની જમીન સાથે કાયદેસર માલિકી, ઐતિહાસિક હક અને રોજગાર જોડાયેલા છે. સંરક્ષણના નામે તેમને હાંકી કાઢવા એ તેનો ઉકેલ નથી. પરંતુ એ સાથે નવી વસાહતો, રસ્તાઓ અને બાંધકામો વન્ય પશુઓના માર્ગને વધુ ને વધુ સંકુચિત કરતા જાય, એ પણ સ્વીકારી શકાય નહીં.
મુન્નારની સમસ્યા પ્રવાસનની છે. પ્રવાસન પર હજારો લોકોની આજીવિકા છે. એટલે પ્રવાસન બંધ કરી દેવું એ પણ કોઈ ઉકેલ નથી. સવાલ એ છે કે પહાડોની કુદરતી ક્ષમતા કરતાં તેના પર વધુ બાંધકામ અને વાહનવ્યવહાર તો નથી થઈ રહ્યાં ને? હાથીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દેવાથી સંઘર્ષનું મૂળ કારણ દૂર થતું નથી. જો ખોરાક, પાણી અને હાથીના પરંપરાગત માર્ગોની સમસ્યા યથાવત્ હોય તો સ્થળાંતર માત્ર તાત્કાલિક ઉપાય બની રહે છે.
અલબત્ત, વહેલી ચેતવણી આપતી વ્યવસ્થા બહુ જરૂરી છે. હાથીની હાજરીની જાણ સ્થાનિક લોકોને સમયસર થાય, મોબાઇલ સંદેશ સાથે સાઇરન, પેટ્રોલિંગ, સ્થાનિક સ્વયંસેવકો અને ઝડપી પ્રતિસાદ ટીમો કામ કરે-તો અનેક જીવ બચાવી શકાય. પરંતુ એમ કરવા માટે વૉટ્સઍપ દ્વારા મળતો સંદેશ પૂરતો નથી. ખેતરમાં કામ કરતો માણસ કદાચ મોબાઇલ ફોન જોતો ન હોય, વૃદ્ધ ખેડૂત સ્માર્ટફોન વાપરતો ન હોય અને બહારથી આવેલો પ્રવાસી સ્થાનિક ચેતવણીથી અજાણ હોય એમ પણ બની શકે.

એટલે ઊપાય એ છે કે હાથીના પરંપરાગત માર્ગોને સુરક્ષિત રાખવા. રસ્તાઓની રચના એવી કરવી કે વન્યજીવો માટે માર્ગ રહે. વીજ વાડ માણસને સુરક્ષિત કરે પણ હાથી માટે મૃત્યુનું કારણ ન બને તેની ખાતરી કરવી પડશે. અતિ જોખમી વસાહતો માટે પુનર્વસન જરૂરી બને તો તે પૂરતા વળતર અને રોજગારની ખાતરી સાથે કરવું.
સૌથી મહત્ત્વની વાત એ છે કે હાથીને સમસ્યા માનવાનું બંધ કરીને સમગ્ર પરિસરના સંકટને સમજવાનો પ્રયત્ન કરવો. મુન્નારની સમસ્યા માત્ર હાથીની નથી; તે જંગલ, ખેતી, પ્રવાસન, રસ્તા, બાંધકામ અને માનવ વસાહતો વચ્ચેનું સંતુલન ખોરવાઈ જવાની સમસ્યા છે.
હાથીને પકડીને ખસેડી દેવાનો ઉપાય સહેલો લાગે. હુમલા પછી થોડા દિવસો માટે લોકોમાં રાહત પણ થાય. પરંતુ ફરી કોઈ હાથી એ જ વિસ્તારમાં આવી જાય તો સમસ્યા પાછી ઊભી થાય. એટલે માણસ અને હાથી બંને ક્યાં અને કેવી રીતે રહી શકે એ વિચારવાનો સમય આવી ગયો છે.
એટલું યાદ રાખવું જરૂરી છે કે જંગલને આપણે નકશામાં રેખાઓ દોરીને ટુકડાઓમાં વહેંચી શકીએ, પરંતુ હાથી એ રેખાઓને માનતો નથી. કુદરતને માનવીય સરહદો સમજાતી નથી. એટલે આપણે હાથી સાથે સહઅસ્તિત્વ ઇચ્છતા હોઈએ તો પહેલાં આપણે આપણા વિકાસની સરહદો નક્કી કરવી પડશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭- ૧૦– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
