કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

ખેતીના વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીને ખેતી કરનારા મારા ખેડૂત ભાઇઓને એક વાત એ પૂછવી છે કે આપણે આપણા પાલતુ ખેતીપાકો પાસેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ લેવું  એ જ આપણું લક્ષ હોય છે બરાબરને ? પણ એ લક્ષ સિદ્ધ કરવામાં આપણા ખેતીપાકો કેમ ઊણા પડે છે તે બાબતે આપણે ક્યારેય વિચાર કર્યો છે ? મારી દ્રષ્ટિએ એ લક્ષ તો જ સિદ્ધ થાય જો આપણા ખેતીપાકોના મૂળિયાં જમીનમાં રહેલ પોષક ઘટકોને પૂરી તાકાતથી ચૂસી શકવા શક્તિમાન હોય ! આ બાબતે આપણે ખેડૂતોએ આપણા ખેતીપાકોના મૂળિયાંઓને પૂછવું જોઇએ કે “ અમને ઉત્પાદન ઓછું મળે છે એમાં ક્યાંક તમે બધાં તો કારણભૂત નથીને ? જમીનમાંથી રસકસ ચૂસવામાં તમને કોઇ તકલીફ તો નથી પડતીને ? અને જો તકલીફ પડતી હોય, તો શું તમારા એ કાર્યમાં મદદગારી કરવા તમારી ભેરે ચડી શકે  એવા તમારા કોઇ મિત્રો તમારી જાણમાં છે ? અને જો હોય તો જણાવો, અમે એને પણ કોઇ જાતની સવલતની જરૂર હશે તો પૂરી પાડશું, પણ અમારે ઉત્પાદન તો પૂરેપૂરું જોઇશે, એમાં ઢીલપ ચાલે એવું નથી ભાઇ !” આવું  આપણે તો આપણા ખેતીપાકોને ક્યારેય પૂછ્યું જ નથી.

પણ…. આ સવાલ ખેતીપાકોને કર્યો છે એક મહારાષ્ટ્ર-પૂણેના કૃષિ વિજ્ઞાની ડૉ. આનંદ કર્વે એ. એમણે વનસ્પતિનો મૂળથી તે માથા સુધીનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી જણાવ્યું છે કે વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીજન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે.એટલે જુઓને આપણે કોઇ ખેડૂતો આ ઘટકો ખાતરના રૂપમાં આપવાનું વિચારતા નથી.

પણ આ સિવાય પણ જે કેટલાક જરૂરી ખનીજ ઘટકો તેણે જમીનમાંથી લેવા પડતાં હોય છે, પણ એ મેળવવામાં મૂળિયાંને બહુ  ભારે અતિશય તકલીફ પડતી હોય છે. જોકે અતિશય મુશ્કેલી અનુભવવાનું કારણ એ નથી, કે જરૂરી ખનીજો બધા જમીનમાં ખૂટી ગયેલા છે. ડૉ.કર્વેનું કહેવા નું તો એવું છે કે એ બધા ખનીજોના જથ્થાના તો ભંડાર ભરેલા પડ્યા જ છે: સાધારણ એક મીટરની જાડાઇના માટીના થરમાં લગભગ પચીસ ત્રીસ હજાર વરસો બહારથી કશુ ઉમેરણ કર્યા વિના જ સતત ખેતી કરી શકાય એટલા ખનીજો ઉપલબ્ધ છે. અને આપણને ભલે પહેલી નજરે એમ લાગતું હોય કે “ પથ્થર-કાંકરા-રેતીમાં સંગ્રહાઇ પડેલા ખનીજ ઘટકો કંઇ પાણીમાં થોડા ઓગળી શકે ?” છતાં પણ બધા ખનીજો ઓછા વત્તા પ્રમાણમાં પાણીમાં ઓગળે છે, એ એક શાસ્ત્રીય સત્ય છે.

આ બધાં ખનીજ ઘટકો તો જમીન માહ્યલાં પાણીમાં જ્યાં ને ત્યાં દરેક જગ્યાએ નહીં, પણ માટીના કણ કણ વચ્ચે જે કેશાકર્ષણનું પાણી ભરાઇ રહેલું હોય છે એ પાણીમાં એની હાજરી જોવા મળતી હોય છે. અને નવાઇની વાત તો એ છે કે એ પાણીમાંથી મૂળિયાં ભલેને શોષ્યા જ કરે, તો પણ ત્યાં ચલ-સમતોલના સિદ્ધાંત પ્રમાણે ઘટતા ખનીજો ઓગળીને હાજર થઈ જતા હોય છે.એટલે ખનીજના જથ્થાની ખેંચ ધરતીમાં તો પડવાની વાત જ કરવાની રહેતી નથી.

તો પછી કારણ શું છે કે ધરતીમાં ખનીજ ઘટકોની તાણ્ય ન હોવા છતાં ઉત્પાદન કેમ વધતું નથી ? બસ, કારણ એ જ છે કે આપણા ખેતીપાકોના મૂળિયાં એ ખનીજ ઘટકો બરાબર ચૂસી શકવામાં ઊણાં ઉતરી રહ્યાં છે. અને એ કારણની વાત કરતા ડૉ. કર્વે કહે છે, કે તમે વિચારો ! વનસ્પતિ બે સ્થળે પાંગરે છે.

[૧].. સમૂદ્રમાં એટલે કે પાણીમાં થાય અને

[૨]….ધરતી પર પણ થાય.

પાણીમાં થતી વનસ્પતિ મુખ્યત્વે શેવાળ જૂથની હોયે છે, એટલે પોતાના શરીરની સપાટી દ્વારા પાણીમાં ઓગળેલા ખનીજ દ્રવ્યો શોષી લેવા સમર્થ છે.

જ્યારે આપણા ખેતીપાકો તો ધરતી પર થનારા પાકો છે, અને એ છોડવા કે ઝાડવાના શરીરનોનો મોટો ભાગ પ્રકાશ સંષ્લેશણ માટે જમીનથી અદ્ધર ઉચકાયેલો હોય છે, જમીનનાં સંપર્કમાં હોય છે માત્ર એનાં મૂળિયાં ! અને ખોરાક ખેંચવાનું કામ કાંઇ મૂળિયાની આખે આખે સપાટી તો કરતી હોતી નથી. એ કામ તો કરે છે એ મૂળિયાંને છેડે આવેલ કોષપેશિકાઓ જ ! એટલે ખોરાક ભલેને જમીનમાં પડ્યો હોવા છતાં – એના ચૂસાણ માટેનો એરિયા નાનો હોવાના કારણે છોડ કે ઝાડ એનો જોઇએ એટલો ઉપયોગ કરી શકતા નથી.અને પરિણામે જોઇએ એટલું ઉત્પાદન મેળવી શકાતું નથી.

તો પછી આનો કોઇ ઉપાય ખરો ?  હા, ઉપાય છે. આપણા ખેતીપાકોના મૂળિયાંને જમીનમાં વાસતાં સુક્ષ્મજીવાણુંઓની ભેર લેવરાવવાનો. આંખે ભલે નથી દેખાતાં પણ એક ગ્રામ માટીમાં એક અબજ જેવી મોટી સંખ્યામાં વસનારાં એ બધાંની ખનીજ્દ્રવ્યો ખેંચવાની તાકાત મૂળિયાં કરતાં અનેકગણી વધારે છે. એટલે એની સંખ્યા વધે એવું કર્યું હોય તો આ કામ સુપેરે પાર પડે એવું છે.

આપણે એ જીવાણુંઓને પૂછીએ કે “આ કામમાં અમારી ભેર કરશો ?”  તો કહે છે કે “હા ! પણ અમારી એક અરજ છે કે આ કામ અમે તો જ સારી રીતે કરી શકીએ જો અમોને ખાવામાં તૂટો રહે છે તેવા “સેંદ્રીય કાર્બન યુક્ત પદાર્થ”ની પૂર્તિ તમે કરતા રહો !” મેં તો એની સામે દલીલ પણ કરી જોઇ કે “અલ્યા કેમ ? આ વનસ્પતિ તો એને જરૂરી કાર્બન એની મેળે પ્રાપ્ત કરી લે છે, તમે કેમ નથી કરી લેતા ?” તો એ સામો જવાબ વાળે છે કે “ વનસ્પતિને તો પ્રકૃત્તિએ હરિતરંગ આપેલો છે, એટલે એના વડે સૂર્યપ્રકાશની હાજરીમાં હવા માહ્યલા કાર્બંડાયોકસાઈડમાંથી પ્રકાશસંષ્લેષણ દ્વારા મેળવી લે છે. પણ અમને લીલો રંગ પ્રકૃતિએ આપ્યો જ નથી. એટલે હવામાંના કાર્બનડાયોકસાઈડમાંથી અમે કાર્બન મેળવી શકતા જ નથી. અમારે તો વનસ્પતિના માત્ર સૂકાં પાન, ફૂલ,છાલ અને ડાંખળાં જે ધરતી પર પડે છે એમાંથી જ કાર્બનયુક્ત પદાર્થ મેળવવાનો રહે છે. પણ એમાંથી તો વનસ્પતિએ ચૂસાય એટલા ખનીજ દ્રવ્યો ચૂસી લીધા પછી જ નીચે પાડ્યા હોય છે, એટલે આમ ગણીએ તો એ બધાં કસ વિનાનાં ફોફાં જ ગણાય ! એટલે એમાંથી ખનીજદ્રવ્યનું પ્રમાણ કંઇ પૂરતું મળી રહેતું હોય એવું બનવા પામતું નથી, એટલે અમને પૂરતો ખોરાક મળતો નથી અને અમારી [સુક્ષ્મજીવાણુની] સંખ્યા વધી શકતી નથી.”

તો પછી ખેડૂતો આવું ઉમેરણ કરી શકીએ ?   હા, ડો. કર્વે એ આવું ઉમેરણ કરવાનો પ્રયોગ કર્યો છે. એક કિલો માટીમાં પાણી સાથે માત્ર અરધો ગ્રામ શુદ્ધ સાકર નાખી. અને ઉપરથી કોઇપણ દ્રવ્ય અંદર ઉમેર્યા વગર જ ચોવીસ કલાકમાં માટી માહ્યલાં બેક્ટેરિયાની સંખ્યા ૫૦૦ ગણી વધી ગયેલી જોઇ ! એનો અર્થ એ થયો કે બહારથી સેંદ્રીય કાર્બન ઉમેરવામાં આવે તો પોતાને જરૂરી એવા બધા ખનીજદ્રવ્યો માટીના કણો વચ્ચેના કેશાકર્ષણના પાણીમાં જે ઓગળેલા છે એમાંથી ખેંચી લેવા શક્તિમાન છે. અને સુક્ષ્મજીવો એ પાણીમાંથી ગમે તેટલા ખનીજદ્રવ્યો ખેંચ્યા કરે તો પણ તે પાણીમાં એનો તૂટો કદિ પડવાનો નથી. આમ આપણા પાલતુ પાકો અને જમીન માહ્યલાં જીવાણુઓના એકબીજાના અવલંબન તત્વનો લાભ લેનારા મહારાષ્ટ્રના ખેડૂતો કોઇપણ જાતના ખાતરો નાખ્યા વિના ખેતી કરે છે.

જમીનના સુક્ષ્મજીવાણુંઓની સંખ્યા વધે, એવું આયોજન એજ ઉત્તમ  ઉપાય  = જો જમીનમાં વસતાં સુક્ષ્મજીવાણુંઓની સંખ્યા વધારવાનું વિજ્ઞાન ખેડુત પાસે આવી જાય, તો તેણે હવે મબલખ ઉત્પાદન લેવા ગાડા મોઢે કંપોસ્ટ ખાતરો અને થેલા મોઢેરા  ખાતરો જમીનમાં નાખ્યા કરવાની જરીકે ય જરૂર રહેતી નથી ભાઇઓ ! જરૂર છે જમીન માહ્યલા જીવાણુંઓની સંખ્યામાં થઇ શકે તેટલો  વધારો કરવાની ! કારણકે આ બધા સુક્ષ્મ જીવો પોતાનું ટુંકું આયુષ્ય ભોગવી જ્યારે મરી જવાનાં છે, ત્યારે તેનું આખે આખું શરીર વનસ્પતિને સુપાચ્ય એવા ખનીજ ઘટકો અને સેંદ્રીય કાર્બનથી તડાતૂમ હશે ! અને ત્યારે એના પર તૂટી પડી વનસ્પતિના મૂળિયાના અગ્રભાગો એને જોઇએ એટલા તત્વો બહુ જ આસાનીથી શોષી શકશે અને મન-ઇચ્છિત પરિણામ – ઉત્પાદનના રૂપમાં બક્ષી શકશે.

સુક્ષ્મ જીવાણુંની સંખ્યા વધારવા માટે શું કરવાનું ?  એક ટાંકીમાં અઢી કીલો ગૉળ, પચીસ કીલો ગોબર, પચીસ કીલો ગોમૂત્ર અને આશરે ૫૦૦ લીટર પાણીનું મિશ્રણ કરી, બેત્રણ દિવસે આથો આવ્યે-ગાળીને એક હેક્ટર ખેતરમાં છાંટવું, કે પિયતમાં પીવરાવવું. આવા દ્રાવણને એ લોકો “ અમૃતપાણી ” કહે છે. આનો ઉપયોગ જમીન માંહ્યલાં  સુક્ષ્મજીવોના ‘અન્ન’  તરીકે થાય છે. દર ત્રણ મહિને આ પ્રયોગ કરતા રહી, જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનો વધારો કરતા રહી, તેના દ્વારા જમીનમાંના ખનીજ દ્રવ્યો વધુમાં વધુ ખેંચાવી તેની કોષ પેશિકાઓમાં જમા કરાવતા રહી, જીવાણુંઓના મરી ગયા પછી તેના શરીરમાં જમા થયેલ ખનીજોનો ઉપયોગ હાજર ખેતીપાકને કરાવતા રહી, અન્ય કોઇ રાસાયણિક કે દેશી –કોઇ પણ ખાતર નાખ્યા વિના મબલખ ઉત્પાદન લઇ શકાય છે  એવો મહારાષ્ટ્ર-પૂણેના કૃષિ વિજ્ઞાની ડૉ. આનંદ કર્વેનો દાવો છે ભાઇ !

સારનો સાર = સારનો સાર એ થયો કે વનસ્પતિના મૂળિયાં જમીનમાંથી રસ કસ ચૂસવામાં નબળાં પડે છે, એટલે સુક્ષ્મ જીવાણુંઓની ભેર લેવાનું ગોઠવવું જોઈએ. અને એને વધુમાં વધુ સેન્દ્રીય કાર્બન મળી રહે તેવું ગોઠવવાનું.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com