રક્ષા શુક્લ

જળને બેઠું ચોમાસું

જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !

 

છલછલ થાતું પગલું ને પગલામાં તળાવ આખું,
કંકુવરણી પાની કહેતી હું મહુડાને ચાખું.
સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,
ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.

 

વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ,
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.

 

ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,
ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.
નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,
ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.

 

દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.


વર્ષા મારા નામે

ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.
સૂપડાધારે સરતી રહેતી વર્ષા મારા નામે.

 

જળ-ઝૂરાપો લઈને ઊડતી અટકળ ઊભી ચકલી ચાંચે,
જળનો ઘૂટું ‘જ’ ત્યાં જૂઈબા ઊંચી ડોકે અક્ષર વાંચે,
જળમાં ડૂબી જાત પછી તો ભાન થયું ભોં ભેગું, સાચે,
જળને કીધું, ‘જા, જઈને જો, હાંફ લઈ કોઈ ઊભું ખાંચે ?’

 

ભાઈ ગયો ભણવા, જો બાપુ જાય ખેતરે, જામે.
ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.

 

જળ તો ધીંગુ, ધસમસ નળિયામાંથી છૂટે, બૂમો પાડે,
જળ દોડે આગળ, ને પાછળ હું દોડું, તું પાનાં ફાડે.
જળના નાખી પાસા તું કાં સ્વપ્ન જગાડે ધોળે દા’ડે,
જળની હેબત ક્યાંથી ઝીલું, મૂઈ, હું તો છું પોચી હાડે.

 

શ્વાસોની સંતાડી ડમરી પ્હોંચી હું સરનામે.
ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.