ફિર દેખો યારોં

બીરેન કોઠારી

એક જમાનામાં શાળાના પરિણામનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉત્સુકતાનો રહેતો. કોણ પ્રથમ આવ્યું, કોણ પાછળ રહ્યું—તેની ચર્ચા થતી. પણ થોડા સમયમાં સમજાતું કે આવો ક્રમ એ આખા વિદ્યાર્થીનું સંપૂર્ણ મૂલ્યાંકન નથી. એટલે કે ગમે એવી જટિલ વાસ્તવિકતાને આંકડામાં સમેટી કે દર્શાવી શકાય ખરી, જે આપણા સૌની પ્રિય પ્રવૃત્તિ છે. પણ એ આંકડો આખી વાત ભાગ્યે જ કહી શકે.

રાજ્યોના વિકાસનું મૂલ્યાંકન કરતી વખતે પણ આ બાબત ધ્યાને લેવી પડે. કોઈ રાજ્યની અર્થવ્યવસ્થા મોટી હોય, ઉદ્યોગો વધુ હોય કે આવકનું પ્રમાણ ઊંચું હોય, તો આપણે તેને વિકસિત માનવા લાગીએ છીએ. પણ વિકાસ એટલે માત્ર આર્થિક વૃદ્ધિ? જાહેર આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, ખેતી, જાહેર સુવિધાઓ વગેરે જેવી અનેક બાબતો વિકાસ સાથે સંકળાયેલી હોય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ એન્વાયર્ન્મેન્ટ ૨૦૨૬ અહેવાલ આ રીતે મહત્ત્વનો બની રહ્યો છે. તેમાં પર્યાવરણ, ખેતી અને જમીન, જાહેર આરોગ્ય તથા માનવવિકાસ અને જાહેર માળખાગત સુવિધાઓ જેવાં ચાર મુખ્ય ક્ષેત્રોના આધારે આપણા દેશનાં રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આ અહેવાલ અનુસાર દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં પાંચ રાજ્યો—ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ—ઘણા માપદંડોમાં પાછળ રહ્યાં છે. તો ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં, પ્રમાણમાં નાના રાજ્યો અનેક ક્ષેત્રોમાં આગળ છે. એટલે કે એ હકીકત નીચે લીટી ઘેરી બને છે કે મોટું રાજ્ય એટલે વધુ વિકસિત, વધુ વસ્તી એટલે વધુ પ્રગતિ કે મોટી અર્થવ્યવસ્થા એટલે સર્વાંગી વિકાસ એવું હંમેશાં હોતું નથી. બીજી રીતે કહીએ તો વિકાસનો સંબંધ માત્ર કદ સાથે નહીં, આયોજન, શાસનની ગુણવત્તા અને જાહેર સેવાઓની અસરકારકતા સાથે પણ છે. આ અહેવાલ માટેના જરૂરી આંકડા સરકારી સ્રોતમાંથી લેવામાં આવ્યા છે.

આ અહેવાલની સૌથી રસપ્રદ બાબત કદાચ એ છે કે પ્રથમ ક્રમે આવવું એટલે સંપૂર્ણ બનવું નહીં. ગોવા ઘણા માપદંડોમાં આગળ છે ખરું, છતાં ત્યાં પાણીના શુદ્ધીકરણ, પ્રદૂષિત નદી વિસ્તારો અને જાહેર આરોગ્યની માળખાકીય મર્યાદાઓ જેવા પ્રશ્નો છે. પંજાબ ખેતીની દૃષ્ટિએ મજબૂત રાજ્ય છે, પણ રાસાયણિક ખાતરો પરની વધુ પડતી  નિર્ભરતા અને સજીવ ખેતીના અભાવ જેવા પ્રશ્નોથી તે અસરગ્રસ્ત છે. એટલે અમુકતમુક માપદંડ અનુસાર કોઈ રાજ્ય અગ્રક્રમે હોય એ કોઈ મોટી સિદ્ધિ નથી, એમ કોઈ રાજ્ય પાછળ હોય તો એ એવી શરમની વાત પણ નથી. કેમ કે, મૂળ વાત તો પોતે પોતાના ક્રમ બાબતે, મર્યાદાઓ બાબતે સભાન છે કે કેમ એ જ મહત્ત્વનું છે.

આ જ બાબતને જરા વ્યાપક રીતે જોઈએ તો, માત્ર રાજ્યો માટે નહીં, વ્યક્તિ અને સમાજ માટે પણ આ હકીકત લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી હોતી. આગળ વધવાનો અર્થ એ નથી કે તેનામાં કશી ખોટ નથી. આગળ વધવાનો સાચો અર્થ એ છે કે પોતાની ખામીઓને ઓળખીને તેને દૂર કરવાની તેની તૈયારી છે. ચાહે એ વ્યક્તિ હોય, સંસ્થા હોય કે રાજ્ય હોય!

આંકડાઓનું મહત્ત્વ અવશ્ય છે. તે આપણને વાસ્તવિકતા નિહાળવાનો એક દૃષ્ટિકોણ આપે છે. તે બતાવે છે કે ક્યાં પ્રગતિ થઈ છે અને ક્યાં હજી લાંબી મજલ કાપવાની છે. એ જ  રીતે  આંકડાઓની પોતાની એક મર્યાદા પણ છે. તેમાં એ બાબત દર્શાવી શકાય છે કે કેટલા રસ્તા બન્યા, કેટલા લોકોને આરોગ્યસુવિધા મળી કે કેટલો જંગલ વિસ્તાર બચ્યો. પણ કોઈ સમાજમાં જવાબદારીની ભાવના કેટલી છે, જાહેર જીવનમાં સંવેદનશીલતા કેટલી છે કે લોકો પોતાના ભવિષ્ય વિશે કેટલા સજાગ છે—એ બધું માત્ર આંકડાઓથી માપી ન શકાય.

અત્યારે આખો ખેલ ક્રમાંકનો ચાલી રહ્યો છે. ચાહે એ પરીક્ષા હોય કે સમાજજીવન યા રાજકારણ. ક્રમાંક આગળ આવડત ગૌણ બની રહે એવું વાતાવરણ આપણે નિર્માણ કરી દીધું છે. નેતાઓ પોતાની છબિને અનુકૂળ બની રહે એવા અહેવાલ કે સર્વેક્ષણ કરાવે છે, એમ જે સર્વેક્ષણ કે અહેવાલમાં પોતાની છબિ ખરડાતી લાગે એને તેઓ વિશ્વસનીય ગણતા નથી. આખો ખેલ વાસ્તવિકતાનો નહીં, પણ છબિનો, એટલે કે શું છે એનો નહીં, પણ કેવું દેખાવું જોઈએ એનો છે. આ આખા ખેલમાં એવી એવી નકામી વસ્તુઓ મૂલ્ય તરીકે સ્થાપિત થતી જાય છે કે મૂળભૂત બાબત સાવ ગૌણ બની રહે છે.

આ અહેવાલના સહકર્તા અને ‘ડાઉન ટુ અર્થ’ના મેનેજિંગ તંત્રી રિચર્ડ મહાપાત્રે જણાવ્યા અનુસાર ૩૬ રાજ્યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો પૈકીનાં બત્રીસ જાહેર માળખાકીય સુવિધાઓ (સડક, વિજળી અને આવાસ) બાબતે અડધે પણ પહોંચી શક્યા નથી. મતલબ કે સમગ્રપણે રાષ્ટ્રીય વિકાસ ઘણો ઘણો મંથર ગતિએ થઈ રહ્યો છે. આપણા માટે આ અહેવાલ કેવળ ક્રમાંક મેળવવાનું માધ્યમ બની રહે એમ હોય તો એનો કશો અર્થ સરતો નથી.

એવો સવાલ પણ થઈ શકે કે આ અહેવાલ ગમે એટલો પ્રમાણભૂત હોય, પછી એનું શું? એમાં ઊજાગર કરાયેલી બાબતો પર વિચારવિમર્શ કરવા કોઈ તૈયાર થશે ખરું? એમાં દર્શાવાયેલી પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા અંગે કશાં પગલાં લેવાશે? કે પછી નાણાં ખર્ચાયા પછી તૈયાર થયેલો વધુ એક અહેવાલ આખરે અભરાઈને શોભાવશે?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૩-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી