પૂર્વી મોદી મલકાણ

કેટલીક રચનાઓ આપણે લખતા નથી, તે  પોતે જ ઉદ્ભવી  જાય છે. “મારી આંતરયાત્રા” એવી જ એક રચના છે, જેનો ઉદ્ભવ કોઈ પૂર્વયોજના વિના, જીવનના સતત પરિવર્તનો વચ્ચે સહજ રીતે થયો.

છેલ્લાં પાંચ વર્ષમાં મારા જીવનમાં અસંખ્ય બદલાવો એકસાથે આવ્યા. કદાચ આવું દરેકના જીવનમાં બનતું હશે, પરંતુ જ્યારે પાછળ વળી જોઉં છું ત્યારે સમજાય છે કે આ પરિવર્તનો કેટલા ઊંડા અને નોંધપાત્ર હતાં. ૨૦૨૧થી ૨૦૨૬ સુધીનો સમયગાળો અમારા માટે જાણે વણઝારાની કતાર જેવો રહ્યો—આજે અહીં તો કાલે ક્યાં! નવી જગ્યાઓ, નવા શહેરો, નવી માટી અને નવા લોકો વચ્ચે અમે સતત ફરતાં, અટવાતાં અને કંઈક શોધતાં રહ્યાં.

આ જ સમયગાળામાં મેં મારા જીવનનો એક મોટા આધારસ્તંભ સમાન  નિજજનો ગુમાવ્યાં . પૂર્વી મોદી મલકાણ માંથી  કેવળ પૂર્વી મલકાણ  પાછળ રહી ગઈ અને સમગ્ર મોદી પરિવારને એક પછી એક ક્ષિતિજની પેલે પાર જતાં જોયો. જે પરિવાર સાથે મારી સવાર ઉગતી હતી અને સાંજ આથમતી હતી, જેની સાથે મારું બાળપણ હસ્યું-રમ્યું હતું, જેની ગોદમાં બેસીને હું મોટી થઈ હતી—એ મારી જીવનયાત્રાની અગત્યની વ્યક્તિઓ મને મૂકીને ચાલી ગઈ. એક સમયે હું ઘરે પહોચી ત્યાં સુધીમાં મને સંભાળનાર અને મને સાંભળનાર કોઈ જ બચ્યું ન હતું.  અલબત્ત, મલકાણ પરિવારનો પ્રેમ અને સાથ આજે પણ મારી સાથે છે, પરંતુ નાનપણની સ્મૃતિઓ સાથે જોડાયેલા ચહેરાઓની ખોટ એક અલગ જ પ્રકારની ખાલી જગ્યા સર્જે છે. એ એકલતાને શબ્દોમાં વ્યક્ત કરવી સરળ નથી.

કદાચ એ જ કારણ હતું કે હું એક પછી એક સર્જનાત્મક પ્રોજેક્ટમાં વ્યસ્ત થતી ગઈ. લેખન મારા માટે માત્ર વ્યવસાય કે શોખ ન રહ્યું; તે મારા મન સાથેની વાતચીતનું માધ્યમ બની ગયું. પહેલાં એક લેખક તરીકે જેટલી વ્યસ્ત હતી, તેનાથી પણ વધુ વ્યસ્ત બનતી ગઈ. ક્રીયા અને પ્રવાસ વચ્ચે હું એવી સંતાઈ ગઈ કે  મનને સ્મૃતિઓના દરિયામાં ડૂબી જવાની ફુરસદ જ  ન મળે. આજે વિચારું છું તો લાગે છે કે કદાચ આ મારા પોતાના લોકો પાસેથી ભાગવાની પ્રક્રિયા હતી—અથવા કદાચ તેમની યાદોને સહન કરવાની રીત.

આ જ આંતરિક પ્રક્રિયાએ આ લેખમાળાને જન્મ આપ્યો.

આ યાત્રા દરમિયાન મને અનેક યાત્રીઓ મળ્યા. કેટલાક થોડા સમય માટે આવ્યા, કેટલાક લાંબો સાથ આપી ગયા, પરંતુ દરેકે મારા જીવનના કોઈ ને કોઈ પાને પોતાનો રંગ જરૂર ભરી દીધો.

પછી આવ્યો ૨૦૨૫ના નવેમ્બર મહિનાનો સમય. એક નવા પ્રોજેક્ટ માટે ભારત યાત્રાનો કાર્યક્રમ બન્યો. ચાર મહિનાની આ યાત્રા માત્ર ભૂગોળની સફર નહોતી; તે મારા અંતર સુધી પહોંચતી બીજી એક યાત્રા પણ હતી. મને સૂચન મળ્યું કે આ સમગ્ર પ્રવાસને હિન્દી ભાષામાં કોલમ સ્વરૂપે લખવો. પરંતુ રોજના ચારથી પાંચ કલાક ફાળવીને વિગતવાર કોલમ લખવી શક્ય ન હતી. તેથી નક્કી થયું કે દિવસ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ક્ષણોને હું દર સાંજે કાવ્યરૂપે શબ્દ આપી સંપાદકની કચેરીએ મોકલીશ.

આ રીતે ભારત યાત્રા શરૂ થયા પછી દરેક દિવસની નોંધ હિન્દી કવિતામાં ઉતરવા લાગી.

હું પોતાને કવિ નથી માનતી, પરંતુ આ યાત્રામાં કવિતા મારું માધ્યમ ચોક્કસ બની. જ્યાં ગદ્ય થાકી જતું હતું, ત્યાં કાવ્ય મારા માટે બોલતું હતું. જ્યાં શબ્દો ઓછા પડતા હતા, ત્યાં લાગણીઓ પંક્તિઓ બનીને વહેતી હતી.

આજે એ જ હિન્દી કવિતાઓનો ગુજરાતી અનુવાદ કરીને હું એ તમામ ક્ષણોને વાંચકો સાથે વહેંચી રહી છું.  જોકે આ તમામ ક્ષણમાં આપ સૌને કેવળ લેખિકા પૂર્વી નહીં પણ એક ગૃહિણી, એક પ્રવાસીની  પૂર્વી પણ જોવા મળશે. જે કયારેક હારે છે કયારેય જીતે છે ને કયારેક ખોવાઈ જાય છે.  આશા છે કે મારા અગાઉના લેખોની જેમ આ નવી યાત્રા પણ આપના હૃદય સુધી પહોંચશે અને આપનો પ્રેમ પ્રાપ્ત કરશે.


હવે પછીઃ


© પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ  purvimalkan@yahoo.com