ગુજરાત વિશ્વકોશમાં ‘કરણઘેલો’ની પરિચય નોંધ

લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે.

પાટણનો રાજા કરણ વાઘેલો એના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીને જોઈ એની પર મુગ્ધ થાય છે અને માધવને કોઈ બહાને પરગામ મોકલી એના ઘર પર હલ્લો કરીને રૂપસુંદરીનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ લડતાં માર્યો જાય છે અને કેશવની પત્ની ગુણસુંદરી સતી થાય છે. સતી થતી વખતે તે કરણને શાપ આપે છે કે એનો સર્વનાશ થશે. માધવ એનું વેર લેવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ પર ચઢાઈ કરવા પ્રેરે છે. કરણ પાટણ છોડીને ભાગે છે. અલાઉદ્દીન એની પત્નીને લઈ જાય છે. પાછળથી એની પત્ની એની છોકરીને પણ તેડાવે છે. કરણનું અપમૃત્યુ થાય છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે. આ નવલકથા લખવાનો હેતુ ‘વ્યભિચારની હાર અને મગરૂબીનો માર, પાપનો ક્ષય અને ધર્મનો જય’ આલેખવાનો છે. એમાં એમને થોડેવત્તે અંશે સફળતા મળી છે એમ કહી શકાય. ગુજરાતી ગદ્ય કથન અને વર્ણનમાં અહીં ઘડાતું જાય છે. નવલકથાલેખનના પ્રથમ પ્રયાસ તરીકે એનું સાહિત્ય ઇતિહાસમાં સ્થાન છે.

મણિલાલ હ. પટેલ

સંપાદકીય નોંધ:  

૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘’ વિષયમાંથી પસંદ કરેલ છે.

૨. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.


ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.

એક વાર્તા.


કર્ત્તા : નંદશંકર તુળજાશંકર

આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્ત્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પુરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્ત્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આસરે ત્રણ વર્ષ ઉપર રચ્યું, પણ કેટલાંએક કારણેને લીધે તેને જલદીથી છપાવવાનું બન્યું નહી.

જેઓએ અણહિલપુર પાટણનો ઇતિહાસ વાંચ્યો હશે તેઓ આ પુસ્તકમાં લખેલી કેટલીએક બીનાથી જાણીતા હશે. કરણ ઘેલા વિષે જેટલી હકીકત ઇતિહાસ ઉપરથી જણાય છે તેમાં બીજી નવી કલ્પિત વાતો ઉમેરીને આ વાર્ત્તાનો વિસ્તાર કીધો છે, જે વખતે આ સઘળી બીનાઓ બની તે વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા તથા દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રજપૂતોના પુરૂષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલ અભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિંદુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેશ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે, એ હેતુ કેટલે દરજ્જે પાર પડ્યો છે તેનો નિર્ણય કરવાનું વાંચનારાઓને સોંપીએ છીએ.

આ પુસ્તકમાં ભૂત, પ્રેત, વગેરે વહેમોની વાત આવે છે, તથા કેટલાએક વિષય ઉપર જુદા જુદા માણસોએ પોતાના અભિપ્રાય જણાવ્યા છે – તેઓ સઘળા માનવા લાયક તથા તે વાતો સાચી છે એવો મારો વિચાર નથી. જે વખતે એવી વાત બની એમ લખ્યું છે તે વખતે તેઓ ઉપર લોકોને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ જ હેતુથી આ પુસ્તકમાં તે દાખલ કીધી છે, અને જે માણસોએ જેવા અભિપ્રાય આપ્યા છે તેવા જ તેઓના ખરેખરા હતા તે બતાવી આપવાને આ ઠેકાણે તે પ્રસિદ્ધ કીધા છે.

આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે માટે તેમાં ખામીઓ તો હશે જ, તેને માટે સુજ્ઞ વાંચનારાઓ તરફથી માફી મળવાની આશા રાખું છું. જો આ પુસ્તકથી વાંચનારાઓને આનંદ માત્ર થશે તો એ લખવાની મતલબ ઘણે દરજ્જે પાર પડી એમ હું સમજીશ.

નં. તુ.


હવે પછીઃ પ્રકરણ ૧ લું


સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત