દિ નેશ લ. માંકડ
ભારતીય સંસ્કૃતિની મહાનતાને સહુ સ્વીકારે જ છે. એમાંય જ્યારથી ૨૧ મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘ તરીકે પ્રસ્થાપિત થયો છે ત્યારથી તો યોગ વિષે વૈશ્વિક જાગૃતિ તો ઉડીને આંખે વળગે છે. યોગ શબ્દથી હવે લગભગ કોઈ અપરિચિત નથી યોગ શબ્દ સંસ્કૃત ભાષાના युज् ( ધાતુ } શબ્દ થી આવેલો છે. युज् એટલે જોડાવું.
યોગ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક જગ્યાએ થયેલો છે.શ્રીમદ ભગવદગીતામાં યોગ શબ્દ દરેક અધ્યાય સાથે અને અનેક શ્લોકમાં પ્રયોજાયેલો છે.ઉપનિષદોમાં પણ અનેક મંત્રોમાં યોગ શબ્દ તેના યથાર્થ ભાવ .સાથે છે માનવ ને માનવ તરીકે જીવન જીવતાં શીખવનાર અનેક પુણ્યશ્લોક ઋષિઓ એ આપણા અમૂલ્ય વા રસાનો ભાગ છે. મહાશ્રી પતંજલિ પણ એમાંના એક છે.
પ્રાચીનકાળ થી યોગ એ ઋષિઓ અને માનવજીવનનો સહજ ભાગ જ હતો. મહર્ષિ પતંજલિએ આશરે બે હજાર વર્ષ પહેલાં માનવની ઉત્તમ જીવન શૈલીને ઘડતાં 196 જેટલાં યોગસૂત્રો તૈયાર કર્યાં. એ એટલે ‘ પતંજલિ યોગસૂત્ર ‘
ઇતિહાસકારોના મતે મહર્ષિ પતંજલિ ઈસ્વીસન પૂર્વે આશરે 200 વર્ષ પહેલાં થઇ ગયા.ઉત્તરપ્રદેશના ગોંડા શહેરમાં જન્મેલા પતંજલિ ,પ્રખર વ્યાકરણ શાસ્ત્રી પાણિની શિષ્ય મનાય છે.એક મત અનુસાર મહર્ષિ પાણિનીના વ્યાકરણ પર નું મહાભાષ્ય પણ પતંજલિ એ લખ્યું છે.તેમનું નામ આયુર્વેદ સંશોધન સાથે પણ જોડાયેલું છે.રાજા ભોજે તો મહર્ષિ પતંજલિને તન અને મનના ચિકિત્સક તરીકે ઓળખાવ્યા છે.
‘ પતંજલિ યોગસૂત્ર ‘ ના માત્ર ૧૯૬ સૂત્રોમાં ગારગરમાં સાગર જેટલો અમૂલ્ય ભંડાર છે’ જે યોગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ સમજાવે છે સ્વામી વિવેકાનંદ ,શ્રી યોગેશ્વરજી ,તેમજ અનેક ચિંતકોએ તેમના પર ભાષ્ય લખયાં છે. . .અત્યારે યોગ શબ્દને લઈને જે શારીરિક અને માનસિક ક્રિયાઓ થાય છે તે યોગનો અલ્પત્તમ ભાગ છે. અલબત્ત તન અને મનના સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ. અને હવે તો લગભગ મોટાભાગના ઘેર કોઈને કોઈ નાના મોટા જોડાયેલ છે.. તેવે વખતે યોગના મૂળમાં શું છે ? પાયામાં શું છે ? તે વિષે વિશેષ જાણવાની જિજ્ઞાષા હોય તે સ્વાભાવિક છે.
કેટલાક વિવેચકો માત્ર અષ્ટાંગ યોગને જ પતંજલિ યોગ ગણે છે પરંતુ મહર્ષિ પતંજલિએ તો માણસની જીવનની શ્રષ્ઠત્તમ અવસ્થા વિષે સૂત્રો આપેલાં છે. પતંજલિ યોગસૂત્રમાં ચાર પ્રકરણ છે. : સમાધિ પાદ, સાધનપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્ય પાદ
સમાધિ પાદ { ૫૧ સૂત્રો }
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્ર નો પ્રથમ અને મુખ્ય ભાગ છે, જેમાં યોગનો ઉદ્દેશ્ય, ચિત્તની વૃત્તિઓ અને તેને કાબૂમાં કરવાની રીતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે
સાધન પાદ { ૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ રચિત ‘યોગસૂત્ર’નો બીજો અને અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે। તેમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેના વ્યવહારિક ઉપાયો (ક્રિયા યોગ અને અષ્ટાંગ યોગ) નું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
વિભૂતિપાદ (૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગસૂત્ર નો ત્રીજો અધ્યાય છે, જે અષ્ટાંગ યોગના અંતિમ ત્રણ અંગો—ધારણા, ધ્યાન અને સમાધિ—તેમજ તેનાથી પ્રાપ્ત થતી અલૌકિક સિદ્ધિઓ (વિભૂતિઓ) નું વિસ્તૃત વર્ણન કરે છે.
કૈવલ્ય પાદ (૩૪ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત પતંજલિ યોગ સૂત્ર નો ચોથો અને અંતિમ ભાગ છે. આ અધ્યાય આઝાદી, આત્મ-સાક્ષાત્કાર, અને મુક્તિ (કૈવલ્ય) ની અંતિમ અવસ્થાનું વર્ણન કરે છે.
કેવળ ઉપદેશ નહિ પણ માનવમાત્રને ઉત્તમ માનવ બનવાની દિશામાં વ્યવહારલક્ષી સૂત્રો આપનાર મહર્ષિ પતંજલિને સમગ્ર માનવ આ રીતે વંદન કરે છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन |
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि ॥
“ યોગ દ્વારા જેણે ચિત્ત (મન) ની અશુદ્ધિઓને દૂર કરી છે, વ્યાકરણ (પદ) દ્વારા જેણે વાણી ને શુદ્ધ કરી છે, અને વૈદકશાસ્ત્ર દ્વારા જેણે શરીર ના રોગો (અશુદ્ધિઓ) નું નિવારણ કર્યું છે, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને હું હાથ જોડીને નમસ્કાર કરું છું.”
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
