પ્રીતિ શાહ-સેનગુપ્તા

મારે માટે પ્રયાણ એ પ્રણય છે. છતાં, પ્રવાસની પણ રીતિ હોય છે તે હું જાણું છું. એક તો એ, કે પહેલાં નજીકનું જોઈ પછી દૂર જવાનું હોય છે. બીજું, પહેલાં પોતાનું શું છે તે સમજીને પછી અપરિચિતને અપનાવવા  ઉત્સુક થવાનું હોય છે, ને છેલ્લે, અંદરની સાથે ઓળખાણ કેળવ્યા પછી બહિર્મુખ થવાનું હોય છે.

આપણા દેશનો દૂરમાં દૂરનો ભાગ, ગુજરાતને માટે,  ઈશાન ભારત છે. એટલે કે ઉત્તર-પૂર્વ ભારત. એક સમયે એ સમગ્ર ભૂભાગ એક જ રાજ્ય – આસામ -નો બનેલો હતો. અંદર અંદરના અસંતોષ અને વિખવાદને કારણે એના સાત રાજ્યો બન્યાં. પછી પણ અશાંતિની પરિસ્થિતિ નાબૂદ તો ના જ થઈ. ત્યાં મને એકલાં જતાં કુટુંબ રોકતું રહ્યું હતું. મને દુઃખ થતું રહ્યું હતું કે મારા પોતાના દેશમાં હું સુરક્ષિત રીતે ફરી શકું તેમ નથી.

મને થાય, કે આ દેશ મારું ઘર છે. પોતાનું ઘર તો હૂંફ આપે, પણ એને બદલે જો એ જ ભયજનક બને તો એ સાચે જ શોક કરવા જેવી બાબત છે. ઉત્તર-પૂર્વમાં જવાનો વિચાર છોડ્યો તો નહતો જ, અને કુટુંબના વિરોધનો જ વિરોધ કરીને, મક્કમ નિર્ધાર સાથે, આપણા દેશના સુદૂર-પૂર્વના કહી શકાય તેવા પ્રદેશો તરફ મેં પ્રયાણ કર્યું જ કર્યું.

પાંત્રીસ-છત્રીસ દિવસ સળંગ ફરી. કંપની મારી પોતાની. જાતે ઉચકાય તેટલો જ સામાન. ભાથું બાંધીને નીકળવાની ટેવ જ નહીં. અગત્યની એક ચીજ સાથે રાખેલી, ને તે હતો દેશનો નકશો. દિવસે કેટલીયે વાર એને ખોલીને જોયા કરતી. મને થતું, બસ, આ યાત્રા કર્યા પછી હું “સંપૂર્ણ ભારતીય” બનીશ; આ વિચરણ પછી દેશના કોઈ ભાગથી અપરિચિત નહીં રહું. ભારત સાથેના આ તાદાત્મ્યનું સંવેદન બહુ અગત્યનું હતું. એને લીધે ચિંતા, ભય ને અજંપાને બદલે મારા મનમાં વિશ્વાસ અને આતુરતા  હતાં.

હું ભારતમાં ભારતીય તરીકે જ ફરવા માગતી હતી. પરદેશમાં રહું છું તે વાત હું ક્યારેય જાહેર કરવાની નહતી. એમાં આદર્શવાદ હતો, ને સાથે, મારી વ્યક્તિગત પરિસ્થિતિ પણ ખરી. એકલી હોઉં, સ્ત્રી હોઉં, ને વળી પરદેશમાં રહેતી હોઉં તો ચિત્રમાં કાંઈ જુદા જ રંગ ઉમેરાતા હોય છે. લોકોના વિચારમાં કશાક ફેરફાર થતા હોય છે.

સ્થાનિક મિનિ-બસોમાં ફરવાની હતી. જાતે જ ક્યાંથી ક્યાં જવું તે નક્કી કરવાની હતી. ટૂરિસ્ટ ઑફીસોમાં જાણે કોઈને કશી ખબર જ ના હોય. બલ્કે ચિડાઈ જાય. સૌથી પહેલાં હું  મણિપુર જવાની હતી. પછી આગળ નાગાલૅન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ભુતાન, સિક્કિમ, અને અંતે ઉત્તર બંગાળના બાગદોગરાથી દિલ્હી પહોંચીશ, એમ ખ્યાલ હતો. જેમ ત્યાં ક્યારેક પુછાતું, ‘ગુજરાત ક્યાં છે?’, તેમ આપણી બાજુ પણ ઘણાં આ બધાં નામો જાણતાં નથી હોતાં. વળી, આપણે પાકિસ્તાનની સરહદને જાણીએ, પણ સરહદી ભીંસનો બહુ અનુભવ આપણને નથી. ઉત્તર-પૂર્વનાં પ્રાંતોની કિનારીઓ ઉપર બીજા દેશો ઝળુંબે છે – બાંગ્લાદેશ, મ્યાનમાર (બર્મા), ચીન વગેરે.

કલકત્તાથી ઇમ્ફાલ (મણિપુર) જે દિવસે જવું હતું તેને માટે વિમાનની ટિકિટ મળી ગઈ, તેને મેં શુભ શુકન માન્યા. વિમાન ઊપડ્યું એટલું જ નહીં, પણ સમયસર ઊપડ્યું. આ બીજા શુકન. ઉત્તર-પૂર્વ જતાં વિમાન કલાકોના કલાકો મોડાં થતાં હોય છે, તેની જાણ હતી. થતું હતું કે જાણે હું કોઈ બીજા દેશમાં જતી હતી. આ પ્રદેશ છે જ ઘણો જુદો.

વિમાન ઊતરતું ગયું તેમ વાદળૌ ખસતાં ગયાં, ને મણિપુરની ધરતી દેખાઈ. મેદાનો તાજા પડેલા વરસાદથી ભીનાં હતાં. એક મોટા વિસ્તારમાં ફેલાયેલા પાણીમાં જમીનની કેટલીક પટ્ટી હતી – જાણે નાના ટાપુ. દરેક પર એકાદ-બે ઝૂંપડી હતી. કેવું સંપૂર્ણ અળગાપણું. કોઈ પાડોશી નહીં, કોઈ ભેરુ નહીં; નહીં વીજળીનો પ્રકાશ, નહીં સગવડનો કોઈ ઓછાયો. આવા અસ્તિત્વમાં માછીમારોને, કિસાનોને કારુણ્ય દેખાતું હશે? સીમિત સમય માટે હું પણ સાવ વિયુક્ત હતી. એમાં કારુણ્ય હતું?

આ જળ-સમુહની એક તરફ પર્વતો હતા. વિમાન એમને ફરતું ગયું, ને પળોમાં પર્વતો ચોતરફ થઈ ગયા. એ બધા ક્શિતિજના વર્તુળે ઊભેલા હતા, ને ધુમ્મસથી છવાયેલા હતા. આવા દૃશ્યની વચ્ચે વિમાનનું ઉતરાણ ભાગ્યે જ જોવા મળે. ને આ ઉતરાણ ઘણું જોખમી અને ખતરનાક ગણાય છે. વિમાનો તૂટી પણ પડે છે, કોઈ બચતું નથી. એમ તો મોટા ભાગનો ઉત્તર-પૂર્વીય વિસ્તાર પહાડી જ છે.

મણિપુર બહુ જ ગમી ગયું – જતાંની સાથે. ઇમ્ફાલ શહેર ઘણું અસ્તવ્યસ્ત અને અસુંદર છે, પણ એના વાતાવરણમાં એવું કંઇક છે જેણે મને વશ કરી લીધી. ઇમ્ફાલને “ઊંચે ઊગેલું ફૂલ” કહે છે, એને “ભારતનું સૌંદર્ય-રત્ન” કહે છે. એની સ્ત્રીઓમાં અપૂર્વ લાલિત્ય છે, એની પ્રજાના સ્વભાવમાં સૌમ્યતા છે. જોકે અત્યારના સમયમાં આ બધું સાચું નથી લાગતું. જ્યાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મુખ્ય મથક હતું, ને જ્યાંથી દ્વિતીય વિશ્વયુદ્ધમાં દેશના સ્વાતંત્ર્યની લડત લડાઇ હતી તે મણિપુરમાં દેશ-પ્રીતિ રહી લાગતી નથી. ગરીબી અને બેકારીમાં ફસાયેલા, અસંતુષ્ટ પ્રજાજનો સામાજિક અનિષ્ટ, તેમજ કેન્દ્ર-સરકારનો વિરોધ કર્યા જ કરે છે. વૈષ્ણવ ધર્મ બહારથી આવ્યો છે, ને આપણી ભાષા દેશના બંધારણ કરતાં વધારે કીમતી છે, જેવાં સૂત્રો મણિપુરમાં જોવા મળ્યાં.

કૃષ્ણ-ભક્તિ તો ખૂબ શાંત ને મિષ્ટ  રીતે ત્યાંના લોકજીવનમાં વણાઈ ગઈ છે. રોજ સવારે અસંખ્ય મણિપુરી સ્ત્રી-પુરુષો ચંદનનું તિલક કરીને ઘેરથી નીકળે છે. કપાળ પર નાની લીટી, ને પછી નાક પર એક ટપકું થઈને આ તિલકાકાર કૃષ્નનું પ્રતીક બને છે. મને આ મોઢાં જોવાં બહુ ગમતાં. વળી, કાન પર ફૂલ ખોસીને પણ ભક્તિ અને શ્રદ્ધા દર્શાવાય છે. એક તરફ ત્રણ પાંદડીઓ હોય એવું આ ફૂલ જુદું જ છે, ને બહુ સુગંધી પણ છે. મેં એને હોટેલના રૂમમાં એક પ્યાલામાં પાણી ભરીને રાખેલું. પછી જાણવા મળેલું,  કે એ એક પ્રકારનું ઑર્કિડ હતું. એનું નામ હતું  “તાખિલ્લે”!

એક દિવસ ઈમ્ફાલમાં હું ગોવિંદજીના મંદિરે ગઈ. યુવાન રિક્શાવાળાઓ મોઢા પર રૂમાલ બંાધતા હતા. બેકારીના પ્રતીક તરીકે. જવાની ના જ કહી દે, કારણકે બધા રસ્તા જાણતા ના હોય. મને એક જણે લઈ જવાની હા પાડી. સતત વરસાદ હતો. સીટ તો ભીની જ હોય. ઉપર છત હોય, પણ  બેસો એટલે સામો વરસાદ. હાથ-પગ ક્યાં રાખવા તે સમજાય નહીં. ચાલક તો પૂરેપૂરો ભીનો થઈ જાય. મને ચિંતા થાય કે એને શરદી ના થઈ જાય.

સુંદર, શાંત પરિસરમાં, ગોવિંદજીના દર્શન કરતાં મને બહુ સારું લાગ્યું. ત્યાં એક ભક્ત ધીમે સાદે ભજન ગાતા હતા. એક કિશોર ધીમે ધીમે મૃદંગ પર થાપ આપતો હતો. કેટલું મૃદુ અને સુભગ વાતાવરણ હતું. મને તો અણધાર્યો લાભ મળ્યો હતો. વહેલી થયેલી એ આરતીને “ગ્વાલ-આરતી” કહેતાં હતાં. સાડા પાંચ થતાંમાં અંધારું થઈ ગયું લાગ્યું. છ વાગતાંમાં તો જાણે રાત. પેલો હસમુખો ચાલક ઊભો રહ્યો હતો – મેં પહેલેથી પૈસા આપી દીધા હતા તોયે. તેથી હોટેલ પર હું સુખરૂપ પહોંચી ગઈ.

ઉત્તર-પૂર્વના પહેલા જ દિવસથી મને પ્રશ્નો પુછાવા માંડ્યા હતા – ક્યાંથી આવો છો? એકલાં કેમ છો? અહીં શું કરો છો? અહીં કોઈ સ્ત્રીને એકલી ફરવાનો રિવાજ નથી. જ્યાંથી અવ્યાં ત્યાં પાછાં જતાં રહો. જેટલા દિવસ હતી તે દરેક દિવસે છ-છ સાત-સાત વાર આ વાતો, સલાહ, ચેતવણી સાંભળવી પડતી. હવે ત્યાં બધે યુવતીઓ-સ્ત્રીઓની જે હાલત છે તે પરથી લાગે છે કે હું સુરક્શિત રહી, બચતી રહી, તે ગોવિંદજીની કૃપા ગણાય.

વરસાદ નહતો એવા બીજા એક દિવસે ફરી મંદિરે ગઈ હતી. ચાલીને જ ગઈ. શોધી લીધું હતું મંદિર. કોરું હતું તેથી નિરાંતે ફૂલ-છોડવાળા કમ્પાઉન્ડમાં ફરાયું, બેન્ચ પર બેસાયું. નૃત્ય તો ચાલુ જ હતાં. સફેદ કપડાં પહેરેલાં છોકરા-છોકરીઓને મણિપુરનું લાક્શણિક કૃષ્ણ-નૃત્ય શીખવાડાતું હતું. સાથે ગાયન અને મૃદંગ-વાદન હતું. ખૂબ આનંદ આવ્યો.

બપોરની એ આરતીને “ભોગ-આરતી” કહે છે. ખૂબ ભાવથી મેં એને માણી. પ્રસાદમાં ફળના બે-ત્રણ ટુકડા અને પેલાં ફૂલ. બેએક પુજારી વાત કરવા આવ્યા હતા. ખૂબ વિનયથી. ત્યાં બહેન, કે કાકી, કે માશી કહેવાનો રિવાજ નથી. બલ્કે ‘ભાભી’ કહીને ઉદ્દેશાય છે. બહુ આત્મીય લાગે. જાણે કુટુંબનાં જ ના હોઈએ. કેટલાંક નૃત્યકારો પણ વાત કરવા આવ્યાં. કહે, કે કૃષ્ણ-નૃત્યના ઉત્સવો ઈમ્ફાલમાં થતા રહે છે.

એ તો ફરી ક્યારેક મણિપુર જવાય ત્યારે. એ દિવસે મોડેથી બીજી આરતી ને પૂજા હતાં, પણ હું તો ચાલીને ગયેલી. છેક મોટા રસ્તા પર જાઉં પછી રિક્શા મળે. કે ના પણ મળે. ને અંધારામાં ઈમ્ફાલના રસ્તાઓ પર જવાનું જોખમ મારે લેવું નહતું. કહે છે ને, કે ભાગ્યને ચૅલૅન્જ ના કરાય.

આ ભૂભાગમાં અસંખ્ય તળ-જાતિઓ છે. ઈમ્ફાલમાંની નહેરુ ડાન્સ અકાદમીમાં એક દિવસ મણિપુરની તેવીસ તળ-જાતિઓનાં જૂથોનાં નૃત્યોનો કાર્યક્રમ જોવા મળ્યો. માઓ અને મારિન્ગ મુખ્ય છે. તે સિવાય આઈમોલ, કાબુઈ, ચિરુ, કોઈરૅન્ગ વગેરે જૂથોએ નૃત્ય કર્યાં. દરેક જાતિનાં મોઢાં જુદાં પડે. પહેરવેશ, સંગીત, હાવભાવમાં પણ ફેર લાગે. આ પણ કેવો અણધારી તક.

બેએક મોટા રસ્તા સારા ચણેલા છે, પણ બાકીના તો ધૂળિયા ને કાંકરાથી બનાવેલા. વરસાદમાં ધોવાઈ જાય, ચીકણા બની જાય, જ્યાં ને ત્યાં પાણી ભરાઈ જાય. ઘૂંટણ સુધીના પાણીવાળા રસ્તે જવાનું તો મેં ટાળ્યું, પણ પીંડી સુધીના પાણીમાં, ચંપલ હાથમાં લઈને ગઈ ખરી. એ જ રસ્તે ઈમા માર્કેટ આવે, ને ત્યાં મારે જવું જ હતું. પાણીમાં કેટલાંયે ડાંખળાં,  નારિયેળના છોડાં વગેરે પગમાં અટવાતું રહે. મને ચીતરી ચઢે, પણ પહોંચી તો ગઈ.

ઈમા એટલે મા કે અમ્મા. એક જમાનામાં આ માર્કેટમાં પુરુષોને પગ મૂકવાની પણ મનાઈ હતી. સ્ત્રીઓ જ વેચે, ને ખરીદે. ત્યાં પણ પાણી ભરાયેલાં. ઊંચા ઓટલા પર બેઠેલી માતાઓ અને દાદીઓ જાણે તરતી લાગતી. ઊંમરવાળી સ્ત્રીઓ, પણ બધી વૈષ્ણવી, અને એવી સરસ દેખાય. લાંબાં, હસતાં મોઢાં, ભાલે ને નાક પર તિલક, ઊંચા અંબોડામાં બાંધેલા વાળ. કાપડ એટલું સરસ. હાથ-વણાટનું સુતરાઉ. મારો આ પહેલો જ પડાવ હતો, ને એક નાની હૅન્ડબૅગ જ રાખેલી, તેથી ખરીદવામાં અત્યંત સંયમ રાખવો પડ્યો. મણિપુરી પહેરવેશના ભાગરૂપ, ‘ઈન્નફી’ કહેવાતી, બે મુલાયમ ઓઢણીઓ ખરીદી – તે જ.

આ પછી શહેરની બીજી કોઈ માર્કેટમાં જવાનું મન ના રહ્યું. ગલીઓમાં ચાલતી રહી ખરી, પણ એક્કેય દુકાનમાં ના ગઈ. સાંજ પડતાં જ હોટેલ પર પહોંચી જઈને વરસાદનો અવાજ સાંભળતી રહેતી. ઠેર ઠેર રાઈફલધારી જવાનો ઊભેલા દેખાતા. એક જગ્યાએ તો મારી સારી એવી જાંચ-તપાસ કરી, લાંબી પૂછ-પરછ કરી, ખભા-થેલો ખાલી કરાવ્યો, કરડાકીથી જોતા રહ્યા. એમ કહો કે હાથકડી ના પહેરાવી. કદાચ એ જ બાકી રહ્યું હતું.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.