પ્રવાસી યુ. ધોળકિયા
આજે કરોડો ભારતીયોના માનીતા અને સર્વમાન્ય કોઈ દેવતા હોય તો તે ગણપતિ – ગણેશ છે. દરેક મહિનાની સુદ ચોથ, અને ખાસ કરીને ભાદરવા મહિનાની ગણેશ ચોથ, ગણપતિની પૂજા માટે અનામત છે. ભારત હંમેશ ગણેશમય હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. કોઈ પણ કાર્યના આરંભ અને સિદ્ધિના દેવતા ગણેશ છે. આ વરદાન તેમણે તેમના પિતા, શિવજી, પાસેથી મળ્યું છે. સ્વયં ભગવાન વિષ્ણુએ પણ ગણપતિની પૂજા કરીને આશીર્વચન આપતાં કહ્યું છે કે મેં સર્વ પ્રથમ તમારી પૂજા કરી છે, તેથી દરેક કાર્યના આરંભમાં તમે પૂજાશો. નવાં ઘરની વાસ્તુવિધિ, વિવાહ કે લગ્નપ્રસંગ, નવા વ્યાપાર ધંધાની શરૂઆત કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં સફળતા માટે આપોઆપ જ ‘શ્રી ગણેશાય નમ:’ બોલી પડાય છે. તેથી જ નારદ પુરાણમાં નારદજીએ કહે છે કે જે કોઈને પણ ધન, વિદ્યા, જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, તો તે ગણપતિ જ આપી શકે તેમ છે.
ગણેશની મહત્તા ભગવાનોએ પણ સ્વીકારવી પડી છે. બ્રહ્માએ પોતાની સૃષ્ટિના સફળ સર્જન માટે, વિષ્ણુએ બલિરાજાનાં ત્રણ ભુવન માપતી વખતે, શિવજીએ ત્રિપુરાના સંહાર માટે, આદ્યાશક્તિએ મહિષાસૂરના વધ સમયે, રામે રાવણ સામે અને ઈન્દ્રે વૃત્ર સાથે યુદ્ધ કરતાં પહેલાં ગણપતિની પૂજા કરીને પોતપોતાનાં અભિયાનનો આરંભ કર્યો હતો.
પુરાણોમાં અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ગણેશજીના જન્મ અને ઉદ્ભવ વિશે અનેક કથાઓ મળે છે. સ્કંદપુરાણની સર્વમાન્ય કથા એવી છે કે માતા પાર્વતીએ સ્નાન કરતી વખતે પોતાની રક્ષા કરવા માટે પોતાની રજથી ગણપતિની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. અહીં પ્રકૃતિએ પોતાની શક્તિનો પરચો બતાવ્યો એ ગૂઢાર્થ છે. આ સમયે શિવજી હાજર નહોતા. પાર્વતી સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે શિવજીનું આગમન થયું. પિતા – પુત્રના યુદ્ધમાં ગણેશજીએ પોતાનું મસ્તક ગુમાવ્યું. પાર્વતીના આગ્રહથી ગણેશને સજીવન કરવા તેમના પર હાથીનું મસ્તક બેસાડવામાં આવ્યું. શિવે ઉદ્ગોષણા કરતાં કહ્યું કે તેમનું સંતાન વિનાયક દેવો અને માનવો વચ્ચે વિઘ્નો સર્જશે. ચલ અને અચલ જ્યારે તેમની પૂજા કરશે ત્યારે જ તેમનાં વિઘ્નો દૂર થશે,
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગણપતિ કૃષ્ણ સ્વરૂપે પાર્વતીનું સંતાન બન્યા એવું નિરૂપણ છે. કાંચી પુરાણની કથા પ્રમાણે એક વાર શિવ અને પાર્વતી ૐકારને એકીટશે જોઈ રહ્યાં હતાં. શિવનું अકાર તરફ અને પાર્વતીનું उકાર તરફ ધ્યાન હતું. ચમત્કાર થયો હોય એમ આ બે પ્રણવ અક્ષરોમાંથી હાથી અને હાથણીનો ઉદ્ભવ થયો. તેમનું બાળક તે ગજાનન. આ રીતે માનવજાતિને તેમના માનીતા
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
મળ્યા.
ગણપતિનાં અનેક નામો છે. ગણેશ પુરાણ ૧૨, મુદગલ પુરાણ ૩૨, શારદા તિલકતંત્ર ૫૨ અને અન્ય ગ્રંથોમાં આવાં ૧૦૮ નામોથી ગણપતિની સ્તુતિ ગવાઈ છે.
ગણપતિના અવતારો આ પ્રમાણે છે. સત્યયુગમાં સિંહ પર આરૂઢ શ્રી વિનાયક, દ્વાપરમાં મૂષક પર બેઠેલા ગજાનન અને આપણા કળિયુગમાં અશ્વ પર સવાર શ્રી ધુમ્રકેતુ. મુદગલ પુરાણ વક્રતુંડ, એકદંત, મહોદર,ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ અને ધુમ્રરાજ એવા આઠ અવતારોને સ્થૂળ અર્થમાં અસૂરોને હણતા વર્ણવે છે. સૂક્ષ્મ અર્થમાં માનવમાત્રમાં રહેલા મદ, મત્સર, મોહ જેવા દોષોને નાથનાર દેવતા તરીકે ગણપતિને પ્રસ્થાપિત કરે છે.
ગણપતિ ઈશ્વર હોવા છતાં માનવ માટે આદર્શ મૂર્તિ છે. માતા પાર્વતીના સન્માન અર્થે તેઓએ પિતાના હાથે પોતાનો પ્રાણ ગુમાવી ‘માતૃદેવો ભવ’ના મહામૂલ્ય સિદ્ધાંતને જાળવ્યો. ભગવાન પરશુરામ દ્વારા કૈલાસ આવીને શિવજીના આરામમાં ખલેલ પાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવા ગણપતિએ યુદ્ધ પસંદ કર્યું. આ યુદ્ધમાં તેઓએ પોતાનો એક દાંત ગુમાવ્યો. આ રીતે ‘પિતૃદેવો દેવો ભવ’ના સિદ્ધાંતને સાર્થક કર્યો. આ તૂટેલા દાંતનો કલમ તરીકે ઉપયોગ કરીને ગણપતિએ વેદ વ્યાસને મહાભારત લખી આપ્યું. માતા પાર્વતીએ જ્યારે સ્કંદ અને ગણપતિને તત્કાળ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવવા કહ્યું, ત્યારે સ્કંદ પોતાના વાહન મયૂર પર આરૂઢ થઈને દોડ્યા., પરંતુ ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરીને પોતાનું ધ્યેય પાર પાડ્યું. આ રીતે તોયે માતાપિતાની સર્વોપરિતા સ્થાપી.
નેતા બનવું હોય તો કેવા ગુણો કેળવવા જોઈએ તે ગણપતિએ તેમના સ્વરૂપ પ્રમાણે નીચે પ્રમાણે દર્શાવ્યું છે:
૧) બાલચંદ્રને મસ્તક પર ધારણ કરીને નાનાને પણ સન્માન આપવાની શીખ આપે છે.
૨) સારૂં જોવા માટે જ્ઞાનચક્ષુ – ત્રિનેત્રનો ઉપયોગ કરવો.
૩) હમેશાં પ્રસન્ન વદન અને સ્મિતવાળું મોં રાખો.
૪) એકદંત: દરેક સાથે ઐક્ય કેળવો.
૫) ગજાનન: દિગ્ગજ જેવા સંતુષ્ટ અને વિશાળ હૃદયી બનો.
૬) લાંબી સુંઢ: કચડાયેલા માનવોનાં અંત:કરણમાં પ્રવેશી સહૃદયી બનો.
૭) લંબકર્ણ: દરેકનું સાંભળો.
૮) રક્તવર્ણ : બધા તરફ શુભ ભાવના રાખો.
૯) અંકુશ: મર્યાદા તોડનારને અંકુશમાં રાખો.
૧૦) પાશ: પ્રેમ પાશથી બધાંને બાંધો.
૧૧) મોદક: મીઠાશથી બધાંને સુખ આપો.
આવા ગણપતિનાં મંદિરોથી ભારત જ નહીં પણ કમ્બોડિયા, બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા જાપાન,ચીન વગરે પણ પવિત્ર બન્યા છે. ત્રિચિનાપલ્લીના ગણેશ અને મહારાષ્ટ્રનાં અષ્ટ વિનાયકનાં મંદિરો ગણપતિને અંજલી રૂપે છે.
ગણપતિ રહસ્ય
ગણપતિ પ્રાચીન સમયથી પૂજાતા દેવ છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે તમે
गणानां त्वा गणपतिं हवामहे ।
(હે ગણપતિ! ગણો (પ્રાર્થનાઓના સમૂહ)માં તમે ગણપતિ (પૂજાઓના ભગવાન છો .)
વિશ્વમાં જે કોઈ ચીજવસ્તુની ગણતરી થઈ શકે છે તેના સ્વામી ઋગ્વેદ કહે છે કે હે ગણપતિ! તમારા વિના કોઈ કાર્ય આરંભી શકાતું નથી.
શ્રી આદી શંકરાચાર્યએ જ્યારે સનાતન ધર્મ સુયોજિત કર્યો ત્યારે પંચાયતનની સ્થાપના કરી. આ પાંચ દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્યાશક્તિ, અને સૂર્ય. પછીથી બ્રહ્માનું સ્થાન ગણપતિને અપાયું. ભૌતિક સૃષ્ટિ પૃથ્વી, આકાશ, તેજ (અગ્નિ), જળ અને વાયુ એમ પાંચ તત્વોની બનેલી છે. આકાશ તત્વના અધિપતિ વિષ્ણુ, પૃથ્વીના શિવ, તેજનાં આદ્યાશક્તિ, જળના ગણપતિ અને વાયુના અધિપતિ સૂર્ય છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૌ પ્રથમ જળનો ઉદ્ભવ થયો. તેથી જ દરેક પ્રસંગે ગણપતિની પૂજા સૌ પ્રથમ થાય છે. અગ્રદેવતા અને જ્યેષ્ઠ રાજનું તેઓનું બિરુદ આ રીતે સાર્થક છે.
ગણપતિનું મહાત્મ્ય અને આધ્યાત્મ ખૂબ ગૂઢ છે. ગણપતિ રહસ્યનું હાર્દ સમજાવતાં અથર્વશીર્ષ ઉપનિષદ કહે છે કે હે ગણપતિ ! તમને નમસ્કાર હો! તમે જ તત્વમસી છો. તમે જ સર્વના કર્તા, ધારણ કરનારા અને રક્ષક છો. તમે જ બ્રહ્મ અને આત્મ તત્ત્વ છો. મૂળ સંસ્કૃત ભાષાના શ્લોક બહુ જ મનનીય છે.
ॐ नमस्ते गणपतये।
त्वमेव प्रत्यक्षं तत्वमसि।।
त्वमेव केवलं कर्त्ताऽसि।
त्वमेव केवलं धर्तासि।।
त्वमेव केवलं हर्ताऽसि।
त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि।।
त्वं साक्षादत्मासि नित्यम्।
અથર્વશીર્ષ ઉપનિષદ જ ગણપતિનો બીજમંત્ર આપતાં ઘોષિત કરે છે કે गं गणपतये नमः| તેમાં गं બીજ છે અને ॐ શક્તિ છે જે બધાં કાર્યોને સફળ બનાવે છે.
માગલિક કાર્યો સમયે થાળીમાં સ્વસ્તિક રૂપે ગણપતિ અને તેની બાજુમાં બે બે સીધી લીટીઓ રૂપે તેમનાં કૂટુંબના સભ્યો, તેમની પત્નીઓ, રિદ્ધિ અને સિદ્ધિ, અને પુત્રો લાભ અને ક્ષેમ, દોરવામાં આવે છે. ગણેશનું લિંગ (ચિહ્ન) ચતુષ્કોણ શ્વેતપર્ણ પ્રસ્તર વિશેષ છે.
ગણેશના પૂજકો માટે ગાયત્રી મંત્રમાં કહેવામા આવ્યું છે કે
वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि, तन्नो दन्ति प्रचोदयात्
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॥
હે ગણેશ ! એકદંત પદ્મપુરુષને અમે ભગવાન માનીએ છીએ. વક્રતુંડ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. તેઓ અમારા વિચારોને સત્કાર્યો માટે પ્રેરિત કરે.
તંત્ર સાધનામાં પણ ગણેશને અગ્રસ્થાન મળ્યું છે. તાંત્રિકો બાવન માતૃકાઓ અને લઘુષોઢાન્યાસ અંતર્ગત શક્તિ સહિત ગણેશજીને તાંત્રિક રીતે સાધે છે. તાંત્રિક પૂજામાં ગણપતિના ચાર સ્વરૂપ ગણેશ, મહાગણેશ, હેરમ્બ, હરિદ્રાગણ છે. તાંત્રિક યોગમાં કુંડલિનીનું સ્થાન મૂળાધારમાં છે. આ સ્થાનના અધિપતિ ગણપતિ છે. ગણપતિનું નામ સ્મરણ કરવાથી પણ કુંડલિની જાગૃત થઈ શકે છે. તેઓ સર્પરૂપી જનોઈ ધારણ કરે છે. આ સર્પ કુંડલિનીનું પ્રતિક છે. તંત્રમાં ગણપતિ મૂર્તિની જે પૂજા છે તેમાં પીત્તવર્ણના ગણેશ વ્યક્તિનાં સ્તંભન માટે, અરુણ વર્ણ વશીકરણ માટે, કાળો વર્ણ મારણ માટે, લાલ રંગ આકર્ષણ અને લીલો રંગ ધનપ્રાપ્તિ માટે છે. તંત્રમાં જમણી સૂંઢવાળા ગણપતિ પૂજાય છે.
ગણપતિનું મૂર્તિ સ્વરૂપ એવું છે કે તેમાં ॐ અને સ્વસ્તિક સમાયેલા છે. કાલિદાસે તેમનાં ચિદગન ચંદ્રિકામાં જણાવ્યું છે કે પહેલાં ઉદર, મધ્ય ભાગ શૃંગાકાર દંડ, ઉપર અર્ધચંદ્ર દંત અને અનુસ્વાર મોદક આ રીતે ॐ બને છે. ગણપતિના ચાર હાથથી સ્વસ્તિક કલ્પવો સહેલો છે. આ રીતે ગણપતિ ॐકાર એટલે કે જ્ઞાન અને નિર્માણના સ્વામી બ્રહ્મ-પરમાત્મા છે. સ્વસ્તિકરૂપે તેઓ માનવકલ્યાણ ના રક્ષક છે.
ગણપતિ વક્રતુંડ એટલે કે આત્મ સ્વરૂપે છે અને માયામાંથી મુક્તિ આપે છે. તેમનું બાકીનું શરીર ભૌતિક સૃષ્ટિ છે. મૂષક તેમનું વાહન છે કેમકે બ્રહ્માંડ પર ગણપતિ સ્વામી તરીકે સમગ્ર સૃષ્ટિના કર્તા, હર્તા અને રક્ષક છે. તેમના શૂપકર્ણ દ્વારા તેઓ આપણી અજ્ઞાનતારૂપી રજ દૂર કરે છે, પાપ પુણ્યનાં બંધનમાંથી મુક્ત કરીને આત્માની પ્રાપ્તિ કરાવે છે. તેમનો એકદંત અદ્વૈતની ભાવના વ્યક્ત કરે છે. એકદંતનો બીજો અર્થ માયા અને માયિક એક જ સૃષ્ટાનું સર્જન છે એમ નિરૂપણ કરે છે, વિઘ્નનાયક તરીકે તેઓ આપણાં દૂ:ખો દૂર કરે છે. હેરમ્બરૂપે તેઓ આપણા પાલનકર્તા છે. પંચદેવોમાં ગણપતિનું સ્થાન ચોથું છે. તેમની ઉત્પતિ ભાદરવા સુદ ચોથના થઈ છે. આ ચારની સંખ્યા સમાધિની ચોથી સ્થિતિ ‘તુર્યા’ છે. ચતુર્ભુજ ગણપતિ ચાર વેદના સંરક્ષક છે.
ગણપતિ – ગજપતિ શબ્દની વ્યુત્પત્તિ પણ ખૂબ સૂચક છે. જેમાં गનો અર્થ ગતિ અને ઉત્પતિ છે. બીજો અર્થ નિર્ગુણ અને સગુણ સૃષ્ટિ થાય છે. ज એટલે મૂળ સ્થાન. આ રીતે ગણપતિ જીવમાત્રનું મૂળ અને અંતિમ સ્થાન છે. ગણપતિનાં લબોદરમાં સમગ્ર સૃષ્ટિ સમાઈ જાય છે,
તેમના પુસ્તક સોન્ગ ઓફ સેલ્ફમાં જ્હોન ગ્રાઈમ્સ ગણપતિને અંજલિ આપતાં કહે છે કે તેઓને જોઈ શકાય છે છતાં પણ તે દૃષ્ટા છે. તેઓને જાણી શકાય છે છતાં પણ તેઓ જ્ઞાતા છે. સવાલ એ છે કે ગણપતિ કોણ છે અને શું નથી. ગણપતિ સર્વસ્વ છે. તેઓ બધાને પ્રેમ આપે છે. તેઓ સર્વપ્રકાશિત મણિ છે અને આત્મસાક્ષાત્કારની આડે આવતા અવરોધોને તોડી નાખે છે. ગમે ત્યારે અને ગમે ત્યાં ગણપતિને પૂજી શકાય છે. તે આપણા ભાગ્યવિધાતા છે. આપણા હૃદયમાં તેઓ સંતાઈને રહે છે એ અર્થમાં તેઓ ચોર છે.
ગણપતિની બેઠી, ઊભી અને નર્તન કરતી મૂર્તિઓમાં માનવ પોતાનું પ્રતિબિંબ નિહાળે છે. આથી જ અન્ય ધર્મીઓને પણ તેઓ પ્રિય બન્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ગણપતિને ગણપતિ અને વિનાયક તરીકે સંબોધવામાં આવ્યા છે. જૈન ધર્મમાં ગણધરોનું ખાસ સન્માનીય સ્થાન છે. આમ, ગણપતિ સનાતન ધર્મના સર્વસ્વીકાર્ય દેવતા છે.
આપણે તેમણે નમન કરીએ –
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ।।
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નં કુરૂમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।
હવે પછીના મણકામાં આપણે ‘પુરાણ’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

મુર્તિ સ્વરૂપનો સુંદર અભ્યાસ સરસ સંદેશ આપે છે.
જ્યારે તેની પુજામાં થતો વ્યય અસહ્ય છે.
સરયૂ પરીખ.
LikeLike
મહારાષ્ટ્રમાં અથર્વશિર્ષ સમૂહમાં બોલવાની પ્રથા છે, જેમ આપણે ત્યાં શક્રાદી સ્તુતિ કે શીવ મહિમ્ન બોલીએ છીએ તેમ.
LikeLike