વ્યંગ્ય કવન

કૃષ્ણ દવે

ગુપત જ્ઞાન સંભળાવું, સાંભળ ધ્યાન દઈ હે સખે !
ધૂણો ક્યારે ધખે ?
સ્વયમ્ ચડે તું ગોટે એવાં જટિલ કાવ્ય જો લખે
ધૂણો ત્યારે ધખે
એરંડિયું પીધાંની પળનો પડી શકે છે ફોટો
મુખમુદ્રા ગંભીર રાખ તો બને કવિ તું મોટો
વહે હોઠથી વાણી ને આ કાન ચડે જો ડખે
ધૂણો ત્યારે ધખે
બાવન બારૂં, ગહન, ગોખ ને આતમ, અલખ જગાવે
અનહદ, સાહિબ, ચાદર એવા શબદ પરાણે લાવે
તો તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખે
ધૂણો ત્યારે ધખે
ઘામ થાય પણ ઉતારવી નહીં વિદ્વત્તાની કોટી
આભા ઠાંસી ભરે, ફરે ઝટ પદવી પામે મોટી
અન્ય કવિના કવન સાંભળી મુખ મરકે ના રખે !
ધૂણો ત્યારે ધખે