પીળક
-રક્ષા શુક્લ
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
‘આવું ?’ કહેતા ગરમાળો સાથે પીળકને લાવ્યો.
તોરણ લીલાં મૂકી મેડિયે ગરમાળો તો પીઠી ચોળે,
પૈણું પૈણું પીળક કરે ‘ને કંકુમાં આંગળિયું બોળે.
લૂમઝૂમ ને લાલચટક લ્યો, ગુલમહોર પણ નીકળે ટોળે,
લળી લળી વાસંતી વાયુ ફરી ફરીને ચમ્મર ઢોળે.
ગમતીલી ધમ્માચકડી ને ગમતો અવસર ફાવ્યો.
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
તડકાની તીખી બારાખડી, ગરમાળો પીળચટ્ટો ક્યાંથી ?
ગોળગોળ ઘુમરાતા વાયુ વચ્ચે પીળો પટ્ટો ક્યાંથી ?
પીળકનો પડછાયો આછો, આજે હટ્ટોકટ્ટો ક્યાંથી ?
રંગ ઉછાળી ગરમાળો-ગુલમ્હોર રમે આ સટ્ટો ક્યાંથી ?
ચૈતર ચીંધી કેડી પકડી સૂરજ છો ને આવ્યો !
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
“વેબગુર્જરી” પરિવારનુ પ્રથમ નવલું નજરાણું એટલે ‘ગ્રીષ્મવંદના’નામે
ઈપુસ્તક. તેમાં સમાવેશ પામેલ એક રચનાઃ
‘ઉનાળો’
—દેવિકા ધ્રુવ
છંદવિધાન– હજઝ- ૨૮ ( લગાગાગા*૪)
ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.
સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
ઝરે જલ–ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે.
નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
એ વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.
શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિની–ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે.
ભલે બાળે ,દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર–વૈશાખે,
મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.
હકીકત તો અનોખી સ્હેલ છે સંસાર ઉનાળાની,
સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.

‘પીળક.’ રક્ષા શુકલ. ઉત્તમ રચના, મજા આવી ગઈ…લૂમઝૂમ ને લાલચટક લ્યો, ગુલમહોર પણ નીકળે ટોળે, લળી લળી વાસંતી વાયુ ફરી ફરીને ચમ્મર ઢોળે.
દેવિકા ધ્રુવ… “શિશુવયના લડીઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિની–ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે.” બચપણની યાદ… ગરમી જ્યારે અકળાવતી નહીં. સરસ.
સરયુ પરીખ.
LikeLike