મહેબૂબ દેસાઈ
રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(૧૯૧૪–૧૯૩૯)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ ૧૯૩૧માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન કરાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.
૧૯૩૧માં કરાંચીમાં કૉંગ્રેસ અધિવેશનમાં ધ્રોળના આગેવાનોએ ભાગ લઈ, રાજ્યના અન્યાય સામે લડવાની પ્રેરણા મેળવી. કૉંગ્રેસનો સંદેશો લોકોને પહોંચાડવા સ્થાનિક નેતાઓએ ધ્રોળમાં જાહેર સભા યોજી. રાજ્યની પોલીસે નિયત સ્થળે એકઠા થયેલા લોકોને વિખેરી નાખી પુરુષોત્તમભાઈ પાસેથી રાષ્ટ્રધ્વજ ખૂંચવી લીધો. તેથી તેમણે ધ્વજ મેળવવા ઉપવાસ કરી સત્યાગ્રહ આરંભ્યો. સૌરાષ્ટ્રના આગેવાન મણિલાલ કોઠારી ધ્રોળના દીવાનને મળ્યા ત્યારે દીવાને રાષ્ટ્રધ્વજ પાછો આપવાની ખાતરી આપવાથી પુરુષોત્તમભાઈએ પારણાં કર્યાં.
પરંતુ ઘણા દિવસ સુધી ધ્વજ પરત ન મળવાથી ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત ૫૪ સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ ૨૬ મે, ૧૯૩૧ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી. બીજે દિવસે સભા-સરઘસની મનાઈ ફરમાવી, સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરી પુરુષોત્તમ ઉદેશીની ડેલીમાં જ બધાને ૨૪ કલાક સુધી પૂરી દેવામાં આવ્યા. ૩૦ મે, ૧૯૩૧ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા. ધ્રોળના લોકોએ સાંજે તેમને પારણાં કરાવ્યાં.
૩૧ મે, ૧૯૩૧ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો.
આ સત્યાગ્રહથી ધ્રોળની કચડાયેલી પ્રજામાં અપૂર્વ જાગૃતિનો સંચાર થયો.
સંપાદકીય નોંધ:
૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ઇતિહાસ – ગુજરાત’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૨.. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

૩૦ મે, ૧૯૫૧ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા. ધ્રોળના લોકોએ સાંજે તેમને પારણાં કરાવ્યાં.
અહીં 1951નું વર્ષ લખેલું છે તેને બદલે કદાચ 1931 હોવું જોઈએ
LikeLike
હા વર્ષ લખવાની બાબતે ભૂલ છે. હવે સુધારી લીધી છે
LikeLike