સંવાદિતા
આ કિનારે આપણું હોવું જ એ વાતની સાબિતી છે કે સામા કાંઠે આપણા જેવું કોઈક છે.
ભગવાન થાવરાણી
ઘણા લેખકો – કવિઓ એવા હોય છે જેમણે બહુ ઓછું સર્જન કર્યું હોય છે. ઘણી વાર તો નહીંવત, પણ જે રચ્યું હોય એ લોકહૈયે એવું વસી જાય કે એવી એકાદ કૃતિને લીધે એમનું નામ એમના ગયા પછી પણ ચર્ચાતું રહે. કોઈકનો તો એક શેર કે મુક્તક એમને અમર બનાવી દે !
ગુજરાતી કવયિત્રી કુમુદ પટવાએ મારી જાણકારી મૂજબ કેવળ આ એક શેર લખેલો પણ એ એવો સરળ અને ધારદાર કે આજે પણ એ અને એના રચયિતાનું નામ લોકજીભે રમ્યા કરે છે. કવિતાનો શોખ ધરાવનાર દરેકને આ શેર યાદ હશે :
આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ?
કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે ?
એવું પણ બને કે કોઈ રચનાકારે એક ચિરસ્મરણીય કૃતિ રચ્યા ઉપરાંત બીજું ઘણું સર્જ્યું હોય પણ એ એવું સામાન્ય કક્ષાનું હોય કે માની જ શકાય નહીં કે પેલી અસામાન્ય કૃતિ એમની જ છે ! દુલાલ સેન નામના સંગીતકારે ૧૯૫૯ ની એક ફિલ્મ ‘ બ્લેક પ્રિંસ ‘ માં સંગીત આપેલું. એ ફિલ્મમાં એક અદ્ભુત ગીત ‘ નિગાહેં ન ફેરો ચલે જાએંગે હમ ‘ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપૂરે અલગ – અલગ ગાયેલું. એ દૈવી ધુન સાંભળી ઉત્સુકતાવશ એમના બીજા ગીતોની શોધખોળ કરીએ તો મળે ખરા પણ એટલા સામાન્ય કે આપણને પછડાટ ખાધા જેવું લાગે !
૨૦૧૫ માં ૭૫ વર્ષની વયે અવસાન પામેલા હિંદી કવિ યજ્ઞ શર્માનું કંઈક આવું જ હતું. આમ તો એ ખ્યાતિપ્રાપ્ત વ્યંગકાર હતા. ૬૦ અને ૭૦ ના દાયકાની પ્રખ્યાત હિંદી પત્રિકા ‘ ધર્મયુગ ‘ માં એમણે નિયમિત વ્યંગ લેખોની કટાર લખી જે ધર્મયુગ બંધ થયું ત્યાં લગી ચાલી. ૧૯૯૫ થી મુંબઈથી નીકળતા એ જ પ્રકાશન સમૂહના હિંદી દૈનિક અખબાર ‘ નવભારત ટાઈમ્સ ‘ માં ‘ ખાલી પીલી ‘ શીર્ષકથી બંબૈયા હિંદી ભાષામાં વ્યંગ લેખોની કોલમ શરૂ કરી જે એમના મૃત્યુ પર્યંત જારી રહી. એમના વ્યંગ લેખોનો સંગ્રહ ‘ સરકારી ઘડા ‘ નામથી પ્રકાશિત થયેલ છે. હિંદી વ્યંગકારોમાં એમની તુલના હરિશંકર પરસાઈ અને શરદ જોશી જેવા દિગ્ગજો જોડે થાય છે.
યજ્ઞ શર્મા કવિ પણ હતા એ બહુ ઓછા લોકો જાણે છે. આજે વાત કરવી છે એમની એક કવિતા ‘ અર્ઘ્ય ‘ ની, જે એમણે લખેલી જૂજ કવિતાઓમાંની એક છે. કવિતા વિષે વાત કરતાં પહેલાં કવિ રમણીક અગ્રાવતે કરેલો એ કવિતાનો અનુવાદ જોઈએ –

અર્ઘ્ય ∆ યજ્ઞ શર્મા
આ એક ખોબો જળ
એ માણસને નામે
જેને હું જાણતો નથી
પણ એ ક્યાંક છે
આ એક ખોબો જળ
એ માણસને નામે
જે મારા જેવો છે
મારી જેમ વિચારે છે
પણ અમે કદી મળી નથી શકતા
ન એ શોધખોળની જાહેરાત આપશે
ન હું
આ એક ખોબો જળ
એ માણસને નામે
ખારી નદીને કાંઠે જે ખોવાયો હશે
રહી રહી જે હોઠ ભીનાં કરતો હશે
વાદળોને જોતો હશે
મારી જેમ
આ એક ખોબો જળ
એ માણસને નામે
તરસથી ખુદ જે તડપતો હશે
પોતાની અંદર પેદા કરતો હશે પાણી
મારા નામે જે અંજલિ ધરતો હશે
આ એક ખોબો જળ
એ માણસને નામે
જેને હું ઓળખતો નથી
જે મને કદી મળશે નહીં
પરંતુ જાણું છું
કે એ ક્યાંક છે જરૂર
કેમ કે અહીં હું પણ છું…
∆
કહે છે, વિદૂષકો, હાસ્ય કલાકારો અને હાસ્ય લેખકો એમણે ઓઢેલા રમૂજના મુખૌટા પાછળ અત્યંત ગંભીર હોય છે. કદાચ એ લોકો જીવનનો મર્મ પામી ચૂક્યા હોય છે એટલે જ હસી – હસાવી શકે છે. આખા જગતને આખું જીવન ખડખડાટ હસાવવાર રોબિન વિલિયમ્સ માત્ર ૬૩ વર્ષની વયે આત્મહત્યા કરે એ કેવી વિડંબના ! મહાન ચાર્લી ચેપ્લીનની રમૂજી ફિલ્મ ‘ ધ ગ્રેટ ડિક્ટેટર ‘ ના અંતે આ વિદૂષક માત્ર ચારેક મિનિટનું, એમણે પોતે જ લખેલું એક ગંભીર અને વિચારતા કરી મૂકે એવું યુદ્ધવિરોધી, સરમુખત્યારશાહી વિરોધી, માનવતાથી નીતરતું વક્તવ્ય આપે છે એ સાંભળી હસવું નહીં, રડવું આવે !
અર્ઘ્ય એટલે જળ, ફળફૂલ ઈત્યાદિ સામગ્રી દ્વારા દેવતાઓને કરાતો અભિષેક. એક પ્રકારની સ્મૃતિ – વંદના. અહીં કવિ કોઈક જીવિત વ્યક્તિને સ્મરીને અર્ઘ્ય ચડાવે છે. એમને તલાશ છે કોઈક એવી વ્યક્તિની જે અદ્દલોઅદલ એમના જેવો છે. એમની કલ્પના પ્રમાણે એ એમનો SOUL MATE, આત્મ – મિત્ર, હમદમ છે. દરેક સંવેદનશીલ માણસને ‘ પોતાના જેવા કોઈક ‘ ની અભિપ્સા હોય તેમ !
એ જેને શોધે છે એને એ મુદ્દલ જાણતો નથી છતાં એમને ખાતરી છે કે એ ક્યાંક છે જરૂર. એમની દલીલ છે કે એમનું પોતાનું હોવું એ જ એમના જેવા અન્યના ક્યાંક હોવાની સાબિતી છે ! એ માને છે કે એ ‘ અન્ય ‘ ને એ ક્યારેય મળી શકવાના નથી પણ માત્ર એટલા ખાતર આ ‘ અન્ય ‘ ની તલાશ થોડી છોડી દેવાય ! એમને એ પણ ભરોસો છે કે એમની જેમ જ આ ‘ સામા કાંઠાનો જણ ‘ પણ એમને શોધતો હશે કારણ કે આપણા જેવા કોઈકની તરસ હમેશાં પારસ્પરિક હોય ! કોઈક વિચારકે કહ્યું છે તેમ ‘ આપણે સૌ મનુષ્યો એક – પાંખાળા દેવદૂત છીએ અને નિરંતર અન્ય એક – પાંખાળાને શોધીએ છીએ જેથી જોડીમાં સહિયારું ઉડ્ડયન થઈ શકે ! ‘ કવિતાની સૌથી ચોટદાર પંક્તિઓમાં કવિ કહે છે કે એમનો આ અદ્રષ્ય જોડીદાર પોતે પણ તરસ્યો છે અને પોતાની તરસને અતિક્રમી, જીવ પર આવી પોતાની ભીતર પાણી પેદા કરે છે જે અંજલિરૂપે એમના નામે છોડે છે !
અંતરંગ સાથીની આવી ખોજ આજીવન ચાલે છે. ક્યારેક જન્માંતરો લગી પણ. કોઈકે લખ્યું છે :
તમામ ઉમ્ર ઢૂંઢતા રહા મૈં જિસકા પતા
પતા મિલા તો લગા – યે પતા તો મેરા હૈ ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

મુ.થાવારાણીનો સરસ લેખ.
“ચેતનનો ચંદરવો સોનેરી જરજરી,
અંશુમાન અર્પું હું અંજલિ અભર ભરી.” સરયૂ પરીખ
———
LikeLike
આભાર સરયુ બહેન !
LikeLike