શૈલા મુન્શા

આંધળાની સામે તમે મૂક્યો અરીસો,
ને પાંગળાની પાસે મૂક્યો પહાડ;
બહેરાની આસપાસ સૂનમૂન ઊભા છે અહીં
પંખીના ટહુકાના ઝાડ!

– સુરેશ દલાલ

દીમાન્તે જેવા અબૂધ બાળકની પણ એવી જ કોઈ વિડંબણા હતી. માબાપના છૂટાછેડાનુ પરિણામ એ ભોગવી રહ્યો હતો.

દીમાન્તે એક આફ્રિકન બાળક દશ વર્ષની ઉંમર પણ ઉંમરના પ્રમાણમાં થોડો મોટો લાગે. ઍટલાન્ટા દાદી સાથે રહેતો હતો કારણ, મમ્મી-પપ્પા અલગ થયા અને મમ્મીએ બીજા લગ્ન કર્યાં. પપ્પાનુ કામ એવું કે કામધંધા અર્થે બહારગામ વધુ જવું પડે. આ કારણસર દાદીએ દીમાન્તેને સંભાળવાની જવાબદારી લીધી. થોડા સમય પહેલાં દાદીનું અવસાન થયું, એટલે દીમાન્તે હ્યુસ્ટન આવ્યો હતો એના પપ્પા પાસે.

બાળપણથી જ કોઈ પણ જાતના પ્રેમ લાગણી વગર ઉછરેલા દીમાન્તેની જિંદગી ફુટબોલની જેમ જ આમતેમ ફંગોળાતી રહી હતી. દીમાન્તે દિવ્યાંગ બાળક હતો, પણ આવી પરિસ્થિતિને કારણ દિવસે દિવસે એનું વર્તન આક્રમક બનતું ગયું.
દીંમાન્તેની વય દશ વર્ષની હતી એટલે એને અમારા “Life skill” ના ક્લાસમાં દાખલ કરવામાં આવ્યો હતો.
“Life skill” ના વર્ગમાં એકથી પાંચમાં ધોરાણના બાળકો એક સાથે જ હોય, ફક્ત હર વર્ષ એમની ઉંમર પ્રમાણે એમની ફાઈલ બદલાતી જાય અને લેબલ પણ! પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં. દીમાન્તેને એની વય અનુસાર પાંચમાં ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જે વર્ષે દીમાન્તે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બાર બાળકો પહેલેથી જ ક્લાસમાં હતા અને જુદી જુદી વયના હતા. ઉંમરના હિસાબે દીમાન્તેને પાંચમા ધોરણ નુ લેબલ લાગ્યું હતું પણ એના વર્તનને અને પાંચમા ધોરણનો કોઈ તાલમેલ નહોતો. માનસિક રીતે એ ઘણો બાળક બુધ્ધિ હતો.

બેચાર દિવસ તો દીમાન્તેનું વર્તન બહુ ચિંતાજનક નહોતું. એ નવો હતો અને એને માટે આ જગ્યા, આ વાતાવરણ પણ નવું હતું, પણ બે ચાર દિવસમાં જ એના તોફાને માઝા મુકી. ક્લાસમાં કબાટ પર ચડી જતો, ખુરશી ઉપાડીને છૂટ્ટો ઘા કરતો,અચાનક ચીસાચીસ કરે અને સહુ ડરી જતા.. પહેલીવાર જ્યારે એ ટેબલ પર ઊભો થઈ કબાટ પર ચડ્યો કે બીજા બધા બાળકો ડરના માર્યા બાજુના નાના બાળકોના ક્લાસમાં દોડી ગયા. દિવ્યાંગ બાળકોના બંને ક્લાસ હમેશ એક કૉમન દરવાજાથી જોડાયેલા રહેતા. દિવ્યાંગ બાળકોને સદા વધુ મદદની જરૂર હોય અને અમે બધા શિક્ષકોને પરિસ્થિતિ કેમ સંભાળવી અને બાળકોને કેવી રીતે મદદરૂપ થવાનું શિક્ષણ હમેશા અપાતું.

દીમાન્તેના એ વર્તનથી અને દોડી આવેલા મોટા બાળકોને જોઈ બાજુના ક્લાસના નાના બાળકો ગભરાઈને રડવા માંડ્યા હતા. મને બરાબર યાદ છે કે અમારો નાનો મિકેલ તો ડરીને ટેબલ નીચે સંતાઈ ગયો હતો અને બીજા બાળકો પણ અમારી પાછળ કે અમારો હાથ પકડી, અમારી સોડમાં લપાઈ ગયા હતાં.

બે ત્રણ દિવસો તો બહુ કપરાં ગયા. ભૂકંપ કે સુનામી આવે ને જેવી દશા થાય એવી દશા અમારા બાળકોની હતી. આવા દિવ્યાંગ બાળકો માટે અમેરિકામાં ખૂબ જ તકેદારી અને સવલતો હોય છે. તરત જ સાયકોલોજીસ્ટ, Social worker, Special Ed Dept. Head બધાનો શંભુમેળો ભેગો અમારી સ્કૂલમાં ભેગો થયો. વારાફરતી બધા ક્લાસમાં આવતા દીમાન્તેને ચૂપચાપ જોયા કરતા પણ આ દિવ્યાંગ બાળકોની મનઃસ્થિતિ સમજવી ખૂબ જ અઘરી હોય. તકલીફ એ થઈ કે જ્યારે જ્યારે બધા આવ્યા હતા ત્યારે દીમાન્તે સામાન્ય બાળકની જેમ શાંતિથી પોતાનું કામ કરતો હતો.

અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિની ખૂબી સાથે ખામી પણ છે. બધું કામ પધ્ધતિસર થવું જોઈએ. કાગળ પર જે લખાયું તે વંચાયું. દીમાન્તે ઍટલાન્ટાથી આવ્યો હતો એટલે ત્યાંથી એના રિપોર્ટ તો આવ્યા હતા પણ પાછા હ્યુસ્ટનમાં નવા રિપોર્ટ કાઢ્યા. આમાં દીમાન્તેની મનઃસ્થિતી સમજવાનો પ્રયાસ જ કોઈએ કર્યો નહીં.

દીમાન્તે જેવા બાળક માટે એક વાત તો નક્કી હતી કે એના માટે દસ બાર બાળકો હોય એવો ક્લાસ યોગ્ય નહોતો. અણજાણતા એ કોઈને અથવા પોતાને પણ હાનિ પહોંચાડી બેસે પણ આ બધું સાબિત થવું જોઈએ, જ્યારે આ બધું સાબિત કરવા માટે કાગળીયાં કરવામા જ એટલો બધો સમય ગયો અને એ દરમિયાન અમે સતત ચિંતિત રહેતા કે કોઈને હાનિ ના પહોંચે કારણ બધા બાળકોની સલામતી એ અમારો પ્રથમ ધ્યેય હતો.

ઍટલાન્ટામાં એ ખાસ ક્લાસમાં હતો જ્યાં બે થી ત્રણ બાળકો ક્લાસમાં હતા અને બે શિક્ષક ધ્યાન રાખનારા હતા. દીમાન્તે અચાનક બેત્રણ ને બદલે દશ બાર છોકરાઓના ક્લાસમાં આવી ગયો હતો અને એ ક્લાસમાં પહેલેથી જ બે ત્રણ મોટા છોકરાં આક્રમક વલણવાળા હતા.

એવું કહેવાય છે કે સરકારી ઑફિસોમાં માણસો જેમ જૂના થાય તેમ ખાઈ બદે. સરકારના જમાઈ બની જાયને દાદાગીરી કરતાં થઈ જાય તેમ “Life skill” ના ક્લાસમાં જે બાળકો પાંચ વર્ષ એક જ ક્લાસમાં હોય એટલે એમનામાં પણ થોડો માલિકી ભાવ આવી જાય અને પોતાનુ ધાર્યું કરવાનો પ્રયત્ન કરે. સમજ તો બહુ હોય નહીં અને અનુકરણ જલ્દી શીખી જાય આ બધું દીમાન્તેને ઉશ્કેરવા માટે પૂરતું હતું.

ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને દીમાન્તેને થોડા વખતમાં જ જેને Special need Behaviour class કહેવાય ત્યાં મોકલવાની વ્યવસ્થ થઈ.

આવા દિવ્યાંગ બાળકોનું ભવિષ્ય સુધરે એનો અમે સતત પ્રયાસ કરતાં અને જ્યારે જ્યારે એમને યોગ્ય માર્ગદર્શન મળતું એમની પ્રગતિ થતી અને અમને માતાપિતા અહોભાવથી એ વાત કરતાં ત્યારે એમની આભારવશ આંખો અમારું મનોબળ વધુ મજબૂત કરતી.


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com