જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

૪.૨  ખર્ચ

અંશ ૧ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

વધતી રહેતી જરૂરિયાતો પુરી કરવા વધતા જતા ખર્ચાઓ

આપણા બધામાં એક માનવ સહજ નબળાઇ, ભલે ઓછા વત્તા પ્રમાણમાં, પણ હોય અચુક છે:  આપણી પ્રાથમિક જરૂરિયાતો પુરી થાય, એટલે પછી ખરીદ શક્તિ ગમે એટલી હોય, પણ આપણી જરૂરિયાતો અને આવશ્યકતાઓનાં અરમાનો વધ્યે જ જાય છે.

જોકે, આમ તો ક્યારે, કેટલું અને કેમ ખર્ચ કરવું એ વિશેનો નિર્ણય તો દરેક વ્યક્તિ જાતે લઈ લેતી હોય છે. આવક અને ખર્ચના છેડા ભેગા કરવા માટે આપણે દરેક તબક્કે આપણે જરૂરિયાતો અને આવશ્યકતાઓની પ્રાથમિકતા નક્કી કરીને ખર્ચ કરી લઈએ છીએ, આવકની એક સીમા પછી ખર્ચ પર થોડી લગામ પણ લગાવી લઈએ છીએ અને આપણી જરૂરિયાતોના સંદર્ભમાં અમુક કક્ષાની  આવક પર્યાપ્ત છે તેમ સ્વીકારી પણ લેતાં હોઈએ છીએ.

જોકે આપણે કેટલું કમાઈ છીએ, કે કમાઈ શકીએ છીએ, કે પછી કેટલું ખર્ચ કરવું જોઈએ અને ખર્ચ કરતાં આવકમાં જે તૂટ પડી તે કેમ પુરી કરવી અને કેટલી આવક પર્યાપ્ત ગણવી એ વ્યક્તિગત આર્થિક વ્યવસ્થાનો સદાબહાર કૂટપ્રશ્ન રહ્યો છે. આ તબક્કે જ માનવસહજ લોભનાં અંકુર પણ વિકસવા લાગે છે. આવક વધે એ પહેલાં જ જરૂરિયાતો તેના કરતાં વધી જ ગઈ હોય. આમ આપણી સદા વધતી જરૂરિયાતોને સંપૂર્ણપણે પુરી કરી શકાય એટલી આવક તો ક્યારે જ થતી જ નથી હોતી. ખર્ચની આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ અને ખરીદ શક્તિને ક્યારેક બે આંગળી તો ક્યારેક હાથવેંત છેટું જ પડતું રહે છે.

એટલે, આપણી કમાણી આપણી ખર્ચની જરૂરિયાતોને પુરી ન પડી શકવાનું એક મુખ્ય કારણ એ છે કે, આપણને એવું લાગે છે, કે ઘણી વાર તો એમ માનીએ પણ છીએ, કે આપણી કમાણી પર્યાપ્ત નથી.

આવક અને ખર્ચના છેડા ભેગા કરવા – જરૂરિયાતો ઘટે તો ખર્ચ ઘટે 

આપણાં પુરાણો, ઋષિમુનિઓ, અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ, વીસમી સદીમાં મહાત્મા ગાંધીજીથી માંડીને વૈશ્વિક ઉષ્મનના દૈત્યને નાથવા માટે મથી રહેલા આજના પર્યાવરણવિદો સહિત દરેકનું કહેવું રહ્યું છે કે આપણાં દુઃખોનું મૂળ જ આપણી બેલગામ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે.  સીધો હિસાબ છે કે જરૂરિયાતો ઓછી હશે તો આવક પણ ઓછી જોઈશે. પરંતુ માનવ ઇતિહાસમાં ક્યારે પણ, કોઇ પણ સમાજને, આ આદર્શ ગળે ઉતર્યો હોય એવું બન્યું નથી. માનવ સભ્યતાએ દરેક સદીમાં વિકાસનાં નવાં સોપાન સિદ્ધ કર્યાં, પણ સાથે નવી નવી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પણ વધતી જ ગઈ છે. વિકાસની સાથે આપણી આવકો પણ વધી, પણ જરૂરિયાતો તેનાથી પણ ઘણી વધારે વધી. પરિણામે, આવક અને ખર્ચનો ખાડો પણ વધતો જ રહ્યો છે.

ખ્રિસ્તી, હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે અન્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સન્યાસીઓએ કે ઉપદેશકો એ જરૂરિયાતો ઓછી કરવાનું સતત સમજાવતા રહ્યા છે. તેમણે પોતાના જીવનમાં એ કરી પણ બતાવેલ છે. પણ તેમના અનુયાયીઓ  તેમનો આ ઉપદેશ પાળી નથી શકતા. એમ કરવામાં તેમને તેમનો ‘ગૃહસ્થ ધર્મ’ આડો આવે છે ! અનુયાયીઓ એમ માને છે કે સંન્યાસીઓ તો સંસારનો ત્યાગ કરી ચુક્યા છે. એટલે કુટુમ્બ અને ઘરની વર્તમાન અને ભવિષ્યની જવાબદારીઓ, આસપાસના સમાજના પ્રવાહોના સંદર્ભમાં કુટુમ્બના સભ્યોની અંગત અપેક્ષાઓ વગેરેને પુરી કરવી એ ગૃહસ્થ તરીકે તેમનાં કર્તવ્યની જવાબદારી હવે એ સન્યાસીઓ  પર રહી નથી. એટલે એ લોકો જે કહે છે તેને વ્યવહારમાં અમલ ન કરી શકાય. પરિણામે સમાજની વિશાળ બહુમતીની અપેક્ષાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓ વધતી જ રહે છે. તેમાં વળી, વર્તમાન સમયના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે અર્થતંત્રની લાંબા ગાળાની તંદુરસ્તી માટે ગ્રાહકો દ્વારા થતાં ખર્ચ અમુક ચોક્કસ દરે વધતાં જ રહેવાં જોઈએ. તેમની આ માન્યતાને બીજાં વિશ્વયુદ્ધ પછીની મહા મંદીએ ‘ગ્રાહકવાદ’ના સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું. તેનાં પરિણામે આજે હવે સામુહિક અર્થવ્યવસ્થાએ રચેલાં માળખાંનાં આસપાસનાં  બાહ્ય પરિબળો પણ વ્યક્તિગત ખર્ચ વધતાં રહે તેવું વાતાવરણ સર્જે છે.

આવક અને ખર્ચના છેડા મેળવવાશોષણની સમસ્યા 

નાણકીય અર્થવ્યવસ્થામાં આપણી આવક ક્યાં તો આપણને કામે રાખનારને, કે ગ્રાહકને, આપણાં યોગદાનની જે ‘વ્યાજબી’ કિંમત લાગે તેના પર આધારિત છે. જો સમાજ ‘આદર્શ’ હોત તો તો કામે રાખનાર કે ગ્રાહક ‘ઉચિત’ મુલ્યની ગણતરીમાં આપણી આવડત અને અનુભવને આપણાં યોગદાન સરખુ જ વજન આપત. પણ વાસ્તવિક ‘બજાર’માં આવું થતું નથી. અહીં તો આપણને આપણાં યોગદાનનું મૂલ્ય નક્કી કરવાં આપણે આપણાં યોગદાનની કેટલી મહત્તમ કિંમત ઉભી કરી શકીએ છીએ કે પછી કામે રાખનાર કે ગ્રાહક કેટલી ઓછામાં ઓછી કિંમત ચુકવવામાં સફળ રહે છે તે નક્કી કરવામાં  મહત્વનો ફાળો બન્ને પક્ષોની વાટાઘાટો કરી શકવાની કુનેહનો પણ છે. જેની કુનેહ વધારે, એ ફાયદામાં રહે. આપણે ફાયદામાં રહીએ તો ક્ષમતા કરતાં વધારે આવક પેદા કરી શકીએ, અને જો કામે રાખનાર કે ગ્રાહક ફાયદામાં રહે તો તે આપણને ક્ષમતા કરતાં ઓછી કિંમત – એટલે કે. આપણા હાથમાં ઓછી આવક – ચુકવે. આપણી આવક અને ખર્ચના છેડા ક્યારેય મળતા નથી તેનું આ બીજું કારણ છે.

અહીં પણ સામાજિક અને આર્થિક સુધારકોએ આ પ્રકારનાં આર્થિક શોષણને દૂર કરવાના, કે કમસે કમ શક્ય તેટલું ઓછું કરવાના, પ્રયાસો જરૂર કર્યા છે. જોકે તેમને ભલે દરેક વખતે સફળતા ન મળી હોય તો પણ જેટલે અંશે પણ સફળતા મળી છે તેનાથી આ દિશામાં નોંધપાત્ર કામ થયું છે. આજના સમયની સરકારો કામે રાખનારાઓ પર સમયે સમયે આવશ્યક નિયમનો લાગુ કરીને આ ઉદ્દેશ્ય સિધ્ધ કરવા પ્રયત્નશીલ રહે છે. સામાજિક સુધારકોએ ઉત્પાદનો અને સેવાઓના ગ્રાહકોને સંગઠિત કરવા ગ્રાહક સંગઠનો ઊભાં કર્યાં છે. જોકે ઉદ્યોગ અને વ્યાપાર સંસ્થાઓએ પણ પોતાનાં હિતોની રક્ષા કરવા માટે પોતપોતાના સંગઠનો ઊભાં કર્યાં છે. અંતે તો હવે એટલું જ સ્પષ્ટપણે કહી શકાય, કે સામાજિક અને આર્થિક જગતની સત્તાની આ સાઠમારીનાં વાતાવરણમાં, દરેક વ્યક્તિએ જ પોતાની જાતનું શોષણ ન થવા દેવાના રસ્તા ખોળવા પડશે.

આપણું શોષણ થવા માટે મહદ અંશે આપણી જાગરૂકતાનો અભાવ, કે પછી આપણે જેટલું મેળવવા માટે હકદાર છીએ તે માગવાની આપણી અક્ષમતા, કે કદાચ અણગમો, કારણભૂત ગણી શકાય. જોકે, પોતાની જરૂરિયાતોના સંદર્ભમાં જેમ બધાં એક સરખાં નથી હોતાં તેમ, પોતાનાં ઉત્પાદન, સેવા કે યોગદાનોનું વધારે વળતર માગવામાં પણ બધાં સરખાં નથી હોતાં. આપણામાંના ઘણા બીજાંને મળે તેના કરતાં પોતાનાં ઉત્પાદન, સેવા કે યોગદાનોનું વધારે વળતર મેળવી શકવાની ક્ષમતા ધરાવતાં હોય છે.  મોટી માછલી  નાની માછલીને ગળે એવા મત્સ્ય ન્યાય અનુસાર આ સાઠમારીમાં જે કાચો પડે તેનું શોષણ થાય છે.  આપણી આવક અને આપણી ક્ષમતા કે જરૂરિયાતોનાં પલડાં ક્યારે પણ સમતોલ નથી થઈ શકતાં તેની ત્રીજું કારણ આ છે.

આર્થિક જેલની, તેમજ આપણી આસપાસના સમાજની, મર્યાદાઓ જાણવી જરૂરી છે

પર્યાપ્ત આવક મેળવવાના આપણા બધા માર્ગોમાં નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની જેલનો વિકલ્પ સૌથી સારો ગણી શકાય. અહીં બધા વ્યવહારો બધાંને સમજાય એવાં માધ્યમ, નાણા,ના સ્વરૂપે થતા હોવાથી આપણા યોગદાનનું વળતર પુરતું છે કે કેમ તે સ્વતંત્ર રીતે, તેમ જ અન્યોની સરખામણીમાં, મુલવવાનું સરળ બની શકે છે.  જોકે, અહીં પણ આવક અને ખર્ચાના  છેડા મેળવવામાં નડતર રૂપ જે ત્રણ કારણોનો આગળ ઉપર ઉલ્લેખ કર્યો તે તો લાગુ પડે જ છે.
એટલે હવે સવાલ તો એ જ રહ્યો કે, ખર્ચાઓની આપણી જરૂરિયાતો અને આવકના છેડા મેળવવા શી રીતે?

અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં ખર્ચ અને આવકના અંકોડા કેમ મેળવવા, લોભથી સંતોષ – જીવનની નવી અર્થવ્યવસ્થા, ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી  અને વહેંચીને ખાવું’ પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.