-
મહેન્દ્ર શાહનાં જાન્યુઆરી ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creatins for January 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
આઝાદીની લડતમાં તલવાર કે જામગરી બંદૂકો કામ નથી કરી શકી એ કેટલીકવાર ગીત-સંગીતે કર્યું છે
લલિત ખંભાયતા
ગીત એ કંઈ હથિયાર નથી કે જેનાથી કોઈને કાપી શકાય કે ભડાકે દઈ શકાય… છતાંય સંગીતથી લડી શકાય એ વાતનો ઈતિહાસ સાક્ષી છે. આઝાદીની લડતમાં તલવાર કે જામગરી બંદૂકો કામ નથી કરી શકી એ કેટલીકવાર ગીત-સંગીતે કર્યું છે.
* * *
અવંતિકાબાઈ વાયોલીન વગાડે. તુલસીદાસના ભજન પણ ગાય. શરૂઆતમાં તો સ્ત્રીઓ એ સંગીત કાર્યક્રમથી છેટી જ રહેતી. પણ ધીમે ધીમે અવંતિકાબાઈએ એમને આવતી કરી. સંગીતમાં રસ લેવો એ તો નિમિત હતું, પણ મૂળ વાત એ મહિલાઓમાં જાગૃતિ લાવવાની હતી. ત્યાં લાજ કાઢવાની પ્રથા એટલી બધી આકરી હતી કે વહુ સાસુને પણ મોઢું દેખાડતી ન હતી. એ સંજોગો વચ્ચે મહિલાઓ બહાર નીકળીને અવંતિકાબાઈને સાંભળે, એ પણ સાંજના સમયે એ સામાજિક પરિવર્તનની શરૂઆત જ હતી. અવંતિકાબાઈ જ્યાં ગીત-સંગીત રજૂ કરતી એ સ્થળ એટલે ચંપારણ, વર્ષ ૧૯૧૭નું. આફ્રિકાથી આવેલા ગાંધીજી ચંપારણમાં સત્યાગ્રહનો ઝંડો ખોડવા ગયા ત્યારે લોકો તેમને જોઈને પણ ઓળખતા ન હતા. મહિલાઓમાં ન્હાવાનું પ્રમાણ અત્યંત ઓછું હતું. દારુણ ગરીબી પણ હતી. એ બધા વચ્ચે એ હકીકત હતી કે જો એમને એક કરવામાં ન આવે તો ચંપારણમાં અંગ્રેજો દ્વારા થતા અન્યાય સામે લડી ન શકાય. અવંતિકાબાઈના સૂર અને સંગીતે મહિલાઓને જાગૃત કરી અને છેવટે ચંપારણ સત્યાગ્રહ સફળ થયો.
* * *
અંગ્રેજોની ગુલામી લગભગ બસ્સો વર્ષ ચાલી. વત્તા ઓછા અંશે એમની સામે લડત ચાલતી રહી પણ વીસમી સદીની શરૂઆતથી લડત વધારે આક્રમક બની. એ લડત દરમિયાન ગીત-સંગીતે… લોકોને કોઈ એક સ્થળે એકઠા કરવાનું લોકો પહેલેથી એકઠા થતા હોય તો તેમને જાગૃત કરવાનું જાગૃત હોય તો તેમની વચ્ચે એકમતી લાવવાનનું કોઈ રીતે વિરોધ ન કરી શકાય એમ હોય ત્યારે વિરોધ કરવાનું પોતાની જાતને સાંત્વના આપવાનું ફાંસીએ લટકવાનું હોય તો એ પહેલાં ગીત ગાઈને મનને પ્રફુલ્લિત રાખવાનું જે વાત વિરોધ ભાષણ કરીને, કૂચ કરીને, લખીને… કહી ન શકાતો હોય એ કહેવાનું એ બધાં જ કામો ગીત સંગીતે કર્યા છે પણ સંગીતના સૂરની માફક અદૃશ્ય રહીને. ગુજરાત અત્યારે પરદેસી સંગીત બેન્ડ કોલ્ડપ્લેના તાલે ઝૂમી રહ્યુ છે. એ જ સંગીતની અસર બતાવે છે.
* * *
આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતી દાંડીકૂચનું એક ચાલકબળ તેનું સંગીત હતું. દાંડીકૂચનો કર્નલ બળવંત ભટ્ટે પાડેલો ફોટો બહુ જાણીતો છે. એમાં ગાંધીજીની બાજુમાં જ તંબુરો લઈને ચાલતા સાથીદાર જોવા મળે છે.

ગાંધીજીને પહેલેથી જ કોઈ કારણસર સંગીતમાં રસ હતો. એટલે અમદાવાદમાં આશ્રમજીવન શરૂ કર્યુ ત્યારે પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર પાસે કુશળ સંગીતકારની ડિમાન્ડ કરી. એમણે નારાયણ મોરેશ્વર ખરેને મોકલી આપ્યા. એમનું પુસ્તક ‘આશ્રમ-ભજનાવલી’ પણ ગાંધીજનોમાં અજાણ્યું નથી. પ્રભાતફેરી તો આઝાદીની લડતના ઈતિહાસનો મોટો હિસ્સો છે. સવારના પહોરમાં લોકોને ઊંઘમાંથી જગાડવાનું અને ગુલામીના ઘેનમાંથી જગાડવાનું એમ બંને કામ એ ફેરીએ કર્યા હતા. એટલે આજેય ક્યાંય ક્યાંક પ્રભાતફેરીનું ચલણ જોવા મળે છે.
* * *
લાહોરનું પૂંછ હાઉસ. તારીખ હતી ૧૯૩૦ની પાંચમી જુલાઈ. એસેમ્બલી બોમ્બ કાંડના આરોપી તરીકે કામચલાઉ અદાલતમાં ભગતસિંહ, બટુકેશ્વર દત્ત અને તેમના સાથીદારો દાખલ થયા. અંગ્રેજો માત્ર પોતાની વાત સાંભળે એ હેતુથી ભગતસિંહ અને ટીમે એસેમ્બલીમાં ખાલી ફૂટે પણ નુકસાન ન કરે એવો બોમ્બ ફેંક્યો હતો. અંગ્રેજો કોઈ પણ ભોગે ભગતસિંહને ફાંસીએ લટકાવવા માંગતા હતા. એમાં આ કારણ મળી ગયું. અદાલતમાં દાખલ થતી વખતે તો ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા લાગતા હતા, પણ એ પછી ભગતસિંહના કંઠમાંથી ગીત સરી પડ્યું
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ.
વક્ત આને દે બતા દેંગે તુજે આસમાં,
હમ અભી સે ક્યા બતાયે ક્યા હમારે દિલ મેં હૈ..આ ગીત એટલા જોશપૂર્વક ગવાયું કે જજ કોલ્ડસ્ટ્રીમ પોતે પ્રભાવિત થયા. એમણે વકીલ ગોપાલપ્રસાદને કહ્યું કે ગીતને અંગ્રેજી કરીને મને સમજાવો. એમાં એવુ શું છે કે ભગતસિંહના ચહેરા પર લાલાશ તરી આવી છે અને બંને અંગ્રેજી જજો પણ શબ્દો સમજ્યા વગર તેના ભાવપ્રવાહમાં તણાઈ રહ્યા છે. એ હતી ગીત-સંગીતની અસર.
* * *
ડંકો વાગ્યો રે… પરેશ રાવલ જેમાં સરદાર પટેલ બન્યા છે એ ફિલ્મમાં ગીત આવે છે.
ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે શૂરા જાગજો રે
કાયર ભાગજો રે ડંકો વાગ્યો ભારતની બ્હેનો જાગજો
રે બ્હેનો જાગજો રે વિદેશી ત્યાગજો રેઆ રચના જરાય અજાણી નથી. ફિલ્મમાં છે, કેમ કે આઝાદીની લડતમાં તેનો ભરપૂર ઉપયોગ થયો હતો. સૂરા હોય એ જાગો અને કાયર હોય એ ભાગો એ સંદેશો એમાં અપાયો છે. આઝાદી વખતે ફેરીમાં નીકળતા લડવૈયાઓ આ ગીત ગાય ત્યારે લોકો ઘરમાંથી બહાર નીકળતા અને અંગ્રેજો સામે લડતા હતા. ગાંધી આશ્રમમાં રહેતા વઢવાણના ફૂલચંદ બાપુજી શાહે રચેલું એ કાવ્ય આઝાદીની લડતનું જાણે અમર ગીત બની ગયુ હતું. આજે પણ ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે એ વાગે છે, ગવાય છે, રજૂ થાય છે અને ભજવાય છે. સરદાર પટેલને રાષ્ટ્રીય ઓળખ મળી ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહથી. સત્યાગ્રહના એક વિરાંગના હતા જ્યોત્સનાબહેન શુક્લ. એમણે ગીતો-કવિતા લખ્યાં જે એ સમયે તો બહુ ગવાતાં હતાં.
* * *
આપી નહીં ચેતવણી લગાર,
આજ્ઞા દીધી ના વિખરાઈ જાવા,
ન શિષ્ટ આચાર જરા ય પાળ્યો,
નિ:શસ્ત્ર ટોળાં પર અગ્નિ છાંટ્યો.જોયા ન બાલ વળી વૃદ્ધ અશકત કાય, જો
યાં નહિ કુતૂહલે કંઈ આવનારા,
જોયું નહિ દોષિત કોણ રહિત દોષ,
માર્યા પ્રજાજન અશસ્ત્ર જ એકધારે.આ કાવ્ય પંક્તિ જલિયાંવાલા હત્યાકાંડ પછી તેની વ્યથા રજૂ કરવા માટે લખાઈ છે. પંક્તિ બહુ જાણીતી નથી થઈ પણ તેના સર્જક ગુજરાતી નવલકથા જગતમાં અમર નામ ધરાવે છે. નામ એમનું રમણલાલ વસંતલાલ દેસાઈ. તો ખૂબ લડી મર્દાની વો તો જાંસી વાલી રાની થી.. કવિતાથી પ્રસિદ્ધ સુભદ્રાકુમારી ચૌહાણે પણ જલિયાંવાલા વિશે કવિતા લખી હતી.
યહાં કોકિલ નહીં, કાગ હૈ,
શૌર મચાતે, કાલે કાલે કીટ,
ભ્રમર કા ભ્રમ ઉપજાતે.
તડપ તડપ કર વૃદ્ધ મરે હૈ ગોલી ખા કર,
શુષ્ક પુષ્પ કુછ વહાં ગીરા દેના તુમ જા કર.* * *
૧૯૩૦ની દાંડીયાત્રા વખતે ઝવેરચંદ મેઘાણીનો દેશભક્તિગીત સંગ્રહ ‘સિંધુડો’ પ્રસિદ્ધ થયો. ‘સ્વતંત્રતાની મીઠાશ’, ‘છેલ્લી પ્રાર્થના’, ‘શિવાજીનું હાલરડું’, ‘બીક કોની મા તને’, ‘તરુણોનું મનોરાજ્ય’, ‘કવિ તને કેમ ગમે’, ‘મોતનાં કંકુઘોળણ’, ‘ગાઓ બળવાનાં ગાન’, ‘કાલ જાગે, ઊઠો, નવ કહેજો’, ‘ઝંખના, ભીરુ’, ‘યજ્ઞ-ધૂપ’, ‘વીર જતીન્દ્રનાં સંભારણાં’ જેવાં ગીતો તેમાં હતાં. અંગ્રેજો એ ગીતોથી જ ડરી ગયા. એ સંગ્રહ જપ્ત કરી લીધો, પ્રતિબંધિત પણ કરી દીધો. મેઘાણીભાઈને કોર્ટમાં ઊભા કરી દીધા. ત્યાં એમણે પોતાના બચાવવમાં લાંબી દલીલ કરવાને બદલે પોતાનું એક ગીત લલકાર્યુ=
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓઃ
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!કોર્ટમાં હાજર સૌ કોઈની આંખમાં આંસુડાં છલકણાં. એ પછી તો એ ગીત આઝાદીની લડતનું ચાલકબળ બની ગયું. વિરોધ કરવો હોય ત્યાં કશું કહેવાને બદલે પંક્તિ રજૂ કરવાની… એ ગીત-સંગીતની અસર.
* * *
૧૯૩૧ના ધ્રોળ ઝંડા સત્યાગ્રહ વખતનો પ્રસંગ છે. ૩૦મી મેના દિવસે ભાવનગર, વઢવાણ, ધોલેરા વગેરે સ્થળોથી લડવૈયાઓ ધ્રોળના માંડવી ચોકમાં પહોંચ્યા. સત્યાગ્રહીઓ તડકામાં બેઠા હતા એટલામાં વાદળી વરસી. મકાનના છાપરામાં ભરાયેલો કચરો પાણી સાથે વહેવા લાગ્યો. સત્યાગ્રહીઓ પર પણ વરસાદ પડતો હતો, પણ ઊભા થવાનું મન થતું ન હતું. સામે સંબોધન યુદ્ધકવિનું બિરુદ પામેલા મોહનલાલ મહેતા ‘સોપાન’ કરતા હતા. એમણે વરસાદ સાથે જુગલબંધી કરતા હોય એમ સ્વરચિત ગીત ઉપાડ્યું
ખબરદાર ઓ સૈનિક વીર, અબ આસનસે મત ઊઠના,
ચાહે મેઘ આવે યા અગ્નિ બરસે, આસનસે મત હિલના…સૈનિકો બેઠા હતા તેમની નીચેથી પાણીની નીકો વહેવાં લાગી, પણ કોઈ પોતાના સ્થળેથી હલ્યા નહીં. એ ગીત-સંગીતની અસર
* * *
અંગ્રેજ સરકારના કલેક્ટર બંકિમચંદ્રએ ૧૮૭૫માં ગીત લખ્યું. 1૮૯૩માં એમણે સંન્યાસીઓની અંગ્રેજો સામેની લડત આધારિત નવલકથા લખી. એ કથાનું નામ ‘આનંદમઠ’ અને તેમાં અગાઉ લખાયેલું ગીત સમાવ્યું એનું નામ ‘વંદે માતરમ્’. ૧૯૦૫ની બંગભંગ લડત વખતે એ ગીત ખૂબ પ્રસિદ્ધ થયું. અંગ્રેજો સામેની લડતનું હથિયાર બની ગયું. એટલું જ નહીં ગીત ન આવડે એ તેના પહેલા બે શબ્દોથી જ કામ લેતા હતા. એટલે ‘વંદે માતરમ્’ ભારતની આઝાદીના સંઘર્ષનો નારો પણ બની ગયો. 1૯૦૭માં બારીસાલ (હવે બાંગ્લાદેશમાં) ખાતે કોંગ્રેસનું અધિવેશન ચાલતું હતું. આ ગીત ગવાયું. ગાનારાઓ પર અંગ્રેજોએ લાઠી ચલાવી. ૧૯૦૭માં મેડમ કામાએ પ્રથમવાર ત્રિરંગો તૈયાર કર્યો ત્યારે તેમાં આજે છે એવું ચક્ર ન હતું, ‘વંદે માતરમ્’ શબ્દો લખેલા હતા.

India’s flag designed by Bhikaji Cama, VD Savarkar and Shyamji Verma (Image: X) એ ગીત-સંગીતની અસર.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘સમયાંતર’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
-
એસ ધમ્મો સનંતનો – પુરાણ
પ્રવાસી યુ. ધોળકિયા
અગાઉના લેખોમાં આપણે સનાતન ધર્મ, તેનું આધ્યાત્મ અને તેની સંસ્કૃતિ પર વેદ, શ્રમણ અને ભક્તિ પરંપરાનું સંક્ષિપ્ત દર્શન કર્યું. હવે, પ્રસ્તુત લેખમાં આપણે સવા અબજની વિશ્વવ્યાપી વસ્તી ધરાવતી હિંદુ પ્રજાની જીવંત ધાર્મિક પરંપરાનું વિશ્લેષણ કરીશું.
આ પરંપરાના ત્રણ સ્તંભો છે:
૧) પુરાણ (વાચ્યાર્થ : પુરાતન સમયની કથાઓ)
૨) આગમ, અને
૩) તંત્ર
આપણે અહીં માત્ર પુરાણની જ ચર્ચા કરીશું.
પૌરાણિક હિંદુ પરંપરા કેટલી પ્રાચીન છે તે બહુ વિવાદાસ્પદ વિષય રહ્યો છે. વિદેશી ઈતિહાસકારો, વિદ્વાનો અને તેમણે અનુસરનારા ભારતીય લેખકો પણ આ પરંપરા ૨,૦૦૦ વર્ષ જૂની છે તેવું તો ભારપૂર્વક જણાવે છે. પરંતુ, આ તારણ સત્યથી સાવ વેગળું છે. પુરાણો અને મહાકાવ્યોનો સમગ્રપણે અભ્યાસ કરવામાં આવે તો આ પૌરાણિક પરંપરાનો ઉદભવ આજથી લગભગ સીત્તેર હજાર વર્ષ પૂર્વે, છઠ્ઠા ચાક્ષૂસ મન્વંતરના અંત સમયે અને વર્તમાનમાં ચાલી રહેલા સાતમા વૈવસ્ત મન્વંતરના પ્રારભકાળે, થયો હતો. આ પરંપરાના સર્જકો વેદકાળના ઋષિઓ અને તે પછી તેમનું સ્થાન લેનારા ત્રીસ વ્યાસ છે.
આ ચર્ચાનો અંત નથી, તેથી આપણે આપણા વિષય પર આગળ વધીએ.
સામાન્ય મત એવો છે કે મહાપુરાણોની સંખ્યા ૧૮ છે. એટલી જ સંખ્યા ઉપપુરાણ અને ઔપપુરાણની પણ છે. આમ, પુરાણોની કૂલ સંખ્યા ૫૪ની ગણાય છે. આધુનિક વિદ્વાનોએ એ ૫૪ પુરાણો ઉપરાંત આ પુરાણો પછી સંસ્કૃત અને પ્રાકૃતમાં રચાયાં છે એવાં અન્ય ૨૮ પુરાણો શોધી કાઢ્યાં છે. આમ એકંદરે ૮૨ પુરાણો અને તેમાંના ૧૦ લાખ શ્લોકો પર એક જન્મમાં નિષ્ણાત બનવું કોઈ પણ એકને માટે શક્ય નથી એવું આ લેખકનું દૃઢપણે માનવું છે.
પુરાણોનાં વિષયવસ્તુનાં પાંચ લક્ષણો – સર્ગ (સૃષ્ટિ સર્જન), પ્રતિસર્ગ (પ્રલય પછીની નવરચના), ૧૪ મન્વંતરો, સૂર્ય-ચંદ્ર વંશનો ઇતિહાસ તથા વંશાવલીઓ – ગણાય છે, અહીં પણ આધુનિક વિદ્વાનોએ શોધી કાઢ્યું છે કે આ પાંચ લક્ષણો પર જે લખાયું છે તે તો પુરાણોનો માત્ર ૩ ટકા હિસ્સો છે. વિદ્વાનોનું માનવું છે કે પુરાણ ગ્રંથોનો મૂળ આશય તો વેદોમાં રહેલ જ્ઞાનવિજ્ઞાનથી જનસમાજને પરિચિત કરાવવાનો હતો. આ ચર્ચાનું પુરાણોમાં લગભગ ૫૦ પ્રતિશત સ્થાન હતું. આજથી લગભગ ૨૩૦૦ વર્ષ પૂર્વે, શ્રમણ પરંપરાને ટક્કર આપવા માટે, ત્યારે ઉપરોક્ત પુરાણોનું નવસંસ્કરણ કરવામાં આવ્યું જેમાં આપણી પૌરાણિક પરંપરાના ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પુરાણોમાં ૯૭ પ્રતિશત હિસ્સામાં સ્થાન અપાયું. જોકે આ પ્રક્રિયામાં પુરાણોનું જે સાંપ્રદાયીકરણ કરી નાખવામાં આવ્યું તેમાં વૈદિક જ્ઞાન વિજ્ઞાન લુપ્ત થઈ ગયું.
સર્વમાન્ય ૧૮ મહાપુરાણનાં નામ અને તેમાંના શ્લોકોની સંખ્યા નીચે પ્રમાણે દર્શાવાય છે:
પુરાણનું નામ શ્લોકની સંખ્યા ૧ બ્રહ્મ ૧૦,૦૦૦ ૨ પદ્મ ૫૫,૦૦૦ ૩ વિષ્ણુ ૨૦,૦૦૦ ૪ ભાગવત (શ્રી કૃષ્ણ મહિમા)
૧૮,૦૦૦ ૫ નારદીય ૨૫,૦૦૦ ૬ માર્કન્ડેય (દેવી મહાત્મ્ય)
૯,૦૦૦ ૭ અગ્નિ ૧૫,૦૦૦ ૮ ભવિષ્ય ૧૪,૦૦૦ ૯ બ્રહ્મ વૈવર્તક ૧૮,૫૦૦ ૧૦ લિંગ ૧૧,૦૦૦ ૧૧ વાયુ ૧૨,૦૦૦ ૧૨ વામન ૧૦,૦૦૦ ૧૩ કૂર્મ ૧૬,૦૦૦ ૧૪ મત્સ્ય ૧૪,૦૦૦ ૧૫ ગરુડ ૧૯,૦૦૦ ૧૬ શિવ ૨૪,૦૦૦ ૧૭ વરાહ ૨૪,૦૦૦ ૧૮ સ્કંદ ૮૧,૧૦૦ કેટલાક વિદ્વાનો ઉપરોક્ત યાદીમાંથી એક નામ કાઢીને તેની જગ્યાએ દેવી ભાગવત મુકે છે. પુરાણોનાં નવસંસ્કરણ પછી તેમાં રહેલ કથાવસ્તુ પર કંઈ પણ લખવું બહુ કઠણ કાર્ય છે. આપણાં સદભાગ્યે આ કાર્ય સુશ્રી પૂર્વી મોદી મલકાણે બહુ સરળતાથી, પણ વિદ્વતાપૂર્વક કરેલ છે જે વેબગુર્જરી પર ઉપલબ્ધ છે. [1]
હવે આપણે ભારતના અન્ય નિષ્ણાતોએ પુરાણનાં કથાવસ્તુ પર જે મનન – ચિંતન કર્યું છે તે ટુંકમાં વર્ણવશું.
શ્રી આર સી હઝારાએ તેમના પુસ્તક ‘સ્ટડીઝ ઇન ધ પુરાણિક હિંદુ રાઈટ્સ એન્ડ રિચ્યુયલ્સ’માં નીચે મુજબ પોતાના નિષ્કર્ષો રજૂ કર્યા છે:
૧) ત્રિદેવો – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ – સમાન ગુણધર્મા છે, પરંતુ તેમની મહાનતાનાં ગુણગાન ગાતી વખતે ઘોર સ્પર્ધા અને એકબીજાથી પોતે ચડિયાતા છે તેનું સમર્થન
૨) ત્રિદેવ ઉપરાંત દેવી અને આની દેવોને પણ પુરાણોમાં સ્થાન
૩) તે સમયમાં સમાજમાં પોતાની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ જ્ઞાતિઓનાં ગુણગાન
૪) સમાજનો દરેક વર્ગ સારી રીતે જીવન વ્યતિત કરી શકે તે માટે સલાહસૂચન
૫) દરેક સમાજ પોતાની પવિત્રતા જાળવી રાખે તે માટેની ફરજોનું જ્ઞાન. સ્ત્રીઓનું સ્થાન અને તે વર્ગની ફરજો
૬) કુટુંબના વડીલો તેમ જ આની વ્યક્તિઓના સ્વર્ગવાસ પછીની તાત્કાલિક તેર દિવસ પછી કરાતા શ્રાદ્ધ – તર્પણ અને અંતિમ શ્રાદ્ધ વિષે વિગતવાર ચર્ચા. આ દરમ્યાન કંઈ ભૂલચૂક થાય તો જીવન પૂર્વવત અને પવિત્ર બનાવવાની વિધિઓ
૭) મંદિરોમાં મૂર્તિની સ્થાપના. આ દેવી દેવતાઓના અંગોનાં માપ, ઊંચાઈ ઈત્યાદી, મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરોનાં સ્થાપત્યનું વિજ્ઞાન. મૂર્તિનાં પૂજન – અર્ચન અને તેની સાથે સંકળાયેલા ઉત્સવો
૮) ઉત્સવના મેળાઓમાં દરેક વર્ણોએ આનંદપૂર્વક ભાગ લેવો
૯) કુટુંબના ઉત્કર્ષ માટે કર્મકાંડોનાં વિધિવિધાન; પુરોહિતોને નિશ્ચિત દાનદક્ષિણા
અન્ય એક ભારતીય વિદ્વાન શ્રી નારાયણરાવ તેમના લેખમાં લખે છે કે દરેક હિંદુનાં મનોવિશ્વ પર પુરાણોની ઊંડી અસર છે. હિંદી બીજું કદાચ ભલે ન જાણતો હોય પણ સૃષ્ટિ સર્જનની લયપ્રલયની પ્રક્રિયા સારી રીતે સમજે છે. શેષનાગની શય્યા પર ભગવાન વિષ્ણુ સ્થિત છે. તેમની સેવામાં દેવી લક્ષ્મી છે. ઇચ્છાશક્તિનો પ્રાદુર્ભાવ થવાથી વિષ્ણુની નાભીમાંથી એકાએક દેવી સરસ્વતી સાથે બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજીના ચાર હાથમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદ સર્જાંય છે. આ સમયે સૃષ્ટિના પ્રલયકર્તા, ભગવાન શિવજી ક્યાં તો કૈલાસ પર્વત પર અને નહીં તો અર્ધનગ્ન અવસ્થામાં સ્મશાનમાં ધ્યાનસ્થ છે, સંસારથી તેઓ સાવ અજાણ અને વિરક્ત છે. સૃષ્ટિસર્જનની પ્રક્રિયા આદ્યશક્તિએ કરી છે તેવું આની પુરાણોમાં દર્શાવાયું છે. તે ઉપરાંત સર્જનપ્રક્રિયામાં સત્વ, રજસ, તમસ, પ્રકૃતિ અને પુરુષ એવાં અન્ય પરિબળો છે તેવું પણ દર્શાવાયું છે. શ્રી રાવ એમ પણ જણાવે છે કે પુરાણોમાં ગંભીર ચર્ચાઓને પણ સ્થાન છે. પુરાણો કહે છે કે દરેક વ્યક્તિ તેના ગુણધર્મ પ્રમાણે મોક્ષનો અધિકારી છે. પુરાણોમાંનાં અનેક મતમતાંતરોને ગંભીરતાથી ન લેતાં હિંદુ જીવનમાં આગળ વધે છે.
હિંદી લેખક કુંવરલાલ (વ્યાસ શિષ્ય) જૈન તેમના મહાન ગ્રંથ ‘पुराणों में वंशानुक्रमिक कालक्रम’ માં આપણાં દેશના ૩૦,૦૦૦ વર્ષના ઇતિહાસનો પરિચય આપે છે. તેમાં તેમણે પ્રથમ સ્વયંભૂ મન્વંતરથી મહાભારતના યુદ્ધ સુધીનો ક્રમ મુજબનો ઇતિહાસ રજૂ કર્યો છે. પુરાણોમાં દેવાસૂરોના બાર સંગ્રામો વિષે વિશદ્ વર્ણન છે. શ્રી જૈન આ યુદ્ધોને કાળક્રમ અનુસાર ગોઠવી અને તેના અધિષ્ઠાતા નાયકો વિષે લખે છે તે વાચકોની જાણ સારૂ અત્રે આપ્યું છે.
સંગ્રામનું નામ અધિષ્ઠાતા નાયક ૧ વારાહ વારાહ દ્વારા અસુર હિરણ્યાક્ષનોવધ ૨ નરસિંહ નરસિંહ દ્વારા અસુર હિરણ્યકશ્યપનો વધ ૩ વામન વિષ્ણુની મદદથી દાનવ બલિનો ઇન્દ્ર દ્વારા વધ ૪ સમુદ્રમંથન અનેક દેવો, અસૂરો અને દાનવો, વિષ્ણુ, શિવ વગેરે આ મંથનમાં ભાગ લીધો. મંથન દરમ્યાન જે વિષ નીકળ્યું તેનું શિવ દ્વારા અપાન તથા વિષ્ણુનું મોહિની રૂપ, અમૃતકુંભની રક્ષા ૫ તારકામય બૃહસ્પતિની પત્ની તારા માટે ચંદ્ર સાથે યુદ્ધ ૬ ત્રૈપૂર શિવ દ્વારા અસુર ત્રિપુરના ત્રણ પુત્રો અને તેનાં નગરોનો નાશ ૭ અંધક શિવ દ્વારા અસુર અંધકનો નાશ ૮ ધન્વ ઇન્દ્ર તથા ધન્વંતરી અને અસુર સાથે યુદ્ધ ૯ વાર્તઘ્ન ઇન્દ્ર ૧૦ હલાહલ ઇન્દ્ર ૧૧ કોલાહલ ઇન્દ્ર ૧૨ આડીઆઇવક ઈક્ષ્વાકુ વંશના કાહૂસ્થે બચી ગયેલા અસુરોનો કરેલો વધ આ યુદ્ધો પછી પણ દેવાસુર સંગ્રામો ચાલુ રહ્યા કેમકે હવે ઇન્દ્ર એ એક પદ બન્યું હતું. તેનું રાજ્ય દેવલોક (સ્વર્ગ) તિબેટમાં હતું. રામાયણની કથા પ્રમાણે ઇન્દ્રને બચાવવા તેના આમંત્રણથી રામના પિતા દશરથ યુદ્ધ લડવા તિબેટ ગયા હતા. તેઓ ત્યાં દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા ત્યારે યુદ્ધમાં હમેશ તેમની સાથે રહેતાં કૈકેયીએ તેમણે બચાવ્યા. ગદગદ થઈને દશરથે કૈકેયીને કોઈ પણ બે વરદાન માગી લેવા કહ્યું. મંથરાની ચડામણીથી એ બે વરદાનોનો દુરુપયોગ કરીને કૈકેયીએ રામનો રાજ્યાભિષેક અટકાવીને તેમણે વનવાસ અપાવ્યો.
વિધર્મીઓ અને વિદેશીઓ એવી ગંભીર ટીકા કરે છે કે હિંદુઓ પોતે અન્યો કરતાં વધારે અહિંસાવાદી છે તેવો દાવો કરે છે. આમ છતાં તેઓના દેવોના હાથમાં ચક્ર, ત્રિશુળ, ખડગ, બાણ, તલવાર અને ગદા જેવાં અસ્ત્રશસ્ત્ર કેમ દર્શાવાય છે? વળી દેવાસુર સંગ્રામમાં ઉઘાડે છોગ છળકપટનો આશ્રય લઈને દેવો અસુરોનો પરાજય કે સંહાર કરતા આવતા જોવા મળે છે. મધુકૈટભ અને શુંભ – અશુભ જેવા અનેક દૈત્યોનો હિંદુઓનાં જગતજનની દેવીઓ રક્તરંજિત અંત આણે છે. બ્રહ્માજી અને શિવ જેવા ભગવાનો સમજ્યા વિચાર્યા વિના અયોગ્ય વ્યક્તિઓને અમર અને અજય બનવાનાં વચનો આપી દેતા હોય એવું જોવા મળે છે. પછી તેમાંથી મુક્તિ મેળવવા માટે ફરી છળકપટ, હિંસા અને અમાનવીય કૃત્યોનો સાથ લેવાતો હોય છે.
આથી પણ ગંભીર આક્ષેપ એ છે કે આપણા દેવી દેવતાઓ વ્યભિચારી, કામી અને ચારિત્ર્યશિથિલ છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી પહેલાં તો પોતાના દેહમાંથી પુત્રીની રચના કરી. પછી તેની પાછળ જ કામાતુર થઈને દોડ્યા. તેમના આ કૃત્યથી ક્રોધિત થયેલા શિવે તેમનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. શિવ પણ અનેક પ્રસંગોએ વિર્ય સ્ખલન અનુભવતા જોવા મળે છે. વેશ બદલી બદલીને સતીઓના શિયળ ભંગ કરવામાં ઇંદ્ર અચકાતા નથી. અપ્સરાઓ વડે બહુ સરળતાથી હજારો વર્ષોથી તપ કરતા ઋષિઓને દેહસંબંધ બાંધવા લલચાવીને તેમના તપનો ભંગ કરાવી દેવાતો હોય છે.
આવાં મહેણાંટોણાં સાંભળીને હિંદુઓ ભારે ક્ષોભ અનુભવતા હોય છે. પરંતુ, અહીં આપેલાં ઐતિહાસિક પરિબળોને ખુલ્લાં મન અને શુદ્ધ હેતુથી સમજવામાં આવે તો ગળે ન ઊતરે તેવી આ ઘટનાઓ અને વિગતોનું હિંદુ પુરાણો અને ધર્મગ્રંથોમાં યથાર્થ સમાધાન પણ મળી રહે છે.
ભગવાન બુદ્ધ અને મહાવીરના નિર્વાણ બાદ રાજ્યાશ્રય મળતાં શ્રમણ ધર્મનો સમગ્ર અખંડ ભારતમાં જનતાએ સ્વીકાર કરી લીધો. તે સમયે ભારતમાં પ્રચલિત વૈદિક અને પૌરાણિક ધર્મોનાં વળતાં પાણી થયાં. પરંતુ શ્રમણ પરંપરાના સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં વિસ્તારને કારણે ભારે અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ ગયાં. ક્ષત્રિયો પોતાના શસ્ત્રોનો ત્યાગ કરીને સંસાર છોડીને સંન્યાસી બનવા લાગ્યા. ભારતનાં ક્ષાત્રત્વનું હીર લોપાઈ ગયું. વળી આ પરંપરાને લઈને સામાન્ય લોકોમાં પણ કામવિકાર અને સ્ત્રીગમનથી વિમુક્ત થવાની વૃત્તિ વધી. પરિણામે, માનવ વસ્તી ઘટવા લાગી. આ પરિસ્થિતિઓનો લાભ લઈને વિદેશીઓ ભારત પર ચડી આવ્યા અને સેંકડો વર્ષો સુધી દેશ ગુલામીમાં સરી પડ્યો.
આવી દયાજનક અને અસહનીય પરિસ્થિતિનો પડકાર વ્યાસ કુટુંબના બચી ગયેલા સભ્યો અને જ્ઞાનીઓએ ઝીલી લીધો. તેઓએ પુરાણગ્રંથો અને રામાયણ – મહાભારતનું નવસંસ્કરણ કર્યું. તેઓએ લોકોમાં પુનઃ ક્ષાત્રત્વ જાગૃત થાય અને સામાન્ય લોકોમાં સંસાર પ્રત્યેનો રોગ વધે તે માટે ઉપરોક્ત ઘટનાઓનો તેમાં સમાવેશ કર્યો. દેવી દેવતાઓમાં હિંસા અને કામાચારોના પ્રસંગ બતાવ્યા છે તે આધારવિહિન છે અને તેનું કોઈ વજૂદ નથી.
હિંદુ ધર્મના શ્વાસ અને પ્રાણનો આધાર આ પુરાણો છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરપરાનું સિંચન અને સંવર્ધન વ્યાસ પરિવારની ત્રીસ પેઢીઓએ કર્યું છે.

ભારતનાં કરોડો હિંદુઓ પ્રયાગરાજના મહાકુંભના અવસર પર પવિત્ર ગંગામાં સ્નાન કરતાં આપણે આજે ટીવી પર જોઈએ છીએ. દર બાર વર્ષે, પૃથ્વી સાથેના અમુક ચોક્કસ સંદર્ભે ગુરુ ગ્રહ જ્યારે પોતાનું ખગોળીય ભ્રમણ પૂરું કરે છે ત્યારે આ કુંભ મેળાનું આયોજન થાય છે. આ ઘટનાનું વિષદ વર્ણન ફક્ત પુરાણોએ જ જાળવ્યું છે. એ તો સર્વ વિદિત છે કે દેવો અને દાનવોના સંયુક્ત પ્રયત્નોથી સમુદ્ર મંથન થયું હતું તેની સ્મૃતિમાં આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.
આમ, પુરાણો સનાતન અને શાશ્વત છે.
સ્માર્ત પરંપરા
સ્માર્ત પરંપરાના ઉલ્લેખ વિના પૌરાણિક ધર્મની ચર્ચા અપૂર્ણ છે. વૈષ્ણવપંથીઓને વિષ્ણુમાં, શૈવપંથીઓને શિવમાં શ્રદ્ધા છે તે રીતે સ્માર્તપંથીઓને ઉપરોક્ત દેવો ઉપરાંત આદ્યાશક્તિ, સૂર્ય અને ગણપતિમાં પણ અનન્ય વિશ્વાસ છે. આધુનિક ગણતરી પ્રમાણે હિંદુઓમાં વૈષ્ણવપંથીઓ ૬૮ પ્રતિશત, શૈવપંથીઓ ૨૫ પ્રતિશતતથા શાક્ય અને અન્ય પંથીઓનું પ્રમાણ ૭ પ્રતિશત છે. પરંતુ, સાચા અર્થમાં આજના આધુંક યુગનો દરેક હિંદુ આ પંચદેવોમાં માને છે. તેથી સ્માર્ત પરંપરા તો ૧૦૦ પ્રતિશત છે. તે ઉપરાંત સ્માર્ત પંથ માટે વેદ અપૌરુષેય છે. તેથી એમ કહી શકાય કે સ્માર્ત પરંપરા હિંદુઓનું સાચું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.
હવે પછીના મણકામાં આપણે ‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે
-
સામાજિક નેટવર્કિંગ માધ્યમો અને આપણે: કોણ કોને ચલાવે છે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઘણાને યાદ હશે કે ટેલિવિઝનનો યુગ હતો ત્યારે તે ‘ઈડિયટ બૉક્સ’ તરીકે ઓળખાતું હતું. તેના આગમન પછી લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હતું. ‘ઈડિયટ બૉક્સ’ તરીકે તેના ઓળખાવાનાં બે મુખ્ય કારણ હતાં. એક તો તે એકપક્ષી પ્રત્યાયન કરતું હતું. હજી ‘ચલ’ચિત્ર માટેનું લોકોનું વિસ્મય ઓસર્યું નહોતું આથી ટી.વી.માં જે કંઈ દેખાડવામાં આવે તે લોકો જોતા રહેતા. ખાસ કરીને બાળકોની કલ્પનાશક્તિ અને વિચારશક્તિ પર તેની વિપરીત અસર થતી હોવાનું મનાતું. બીજું કારણ કદાચ એ હશે કે તેને લઈને બેઠાડુ જીવનશૈલીનું ચલણ વધતું ચાલ્યું. અલબત્ત, દરેક ટેક્નોલોજીની સારીનરસી બન્ને બાજુ હોય છે, અને કહેવાતું આવ્યું છે એમ એ તેનો ઊપયોગ કરનારના વિવેક પર આધાર રાખે છે.
ટી.વી.નો વ્યાપ સતત વધતો ચાલ્યો એ પછી થોડાં વરસોમાં મોબાઈલ ફોનનું આગમન થયું. આરંભે સાવ પ્રાથમિક કક્ષાના ફોન પછી તે ‘સ્માર્ટ’ થતા ચાલ્યા. હવે તેમાં આખી દુનિયા સમાય છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આગમનને કારણે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો વ્યાપ વધ્યો, અને સ્માર્ટ ફોન આવતાં તે વૈભવ મટીને જરૂરિયાત બની ગયો છે. આ માધ્યમનાં અનેક દૂષણો છે, તેમ સારાં પાસાં પણ છે. કેમ કે, છેવટે તે વપરાશકર્તા પર આધાર રાખે છે. પણ વપરાશકર્તાઓના વલણને કારણે ટેક્નોલોજી વગોવાતી રહે છે.
પહેલાં ઘરદીઠ એક ફોન રહેતો. એ પછી મોબાઈલ ફોન આવતાં એકથી વધુ ફોન ઘરમાં થયા. હવે કાન દીઠ એક ફોન હોય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ટી.વી.ના આગમનને પગલે જે ધાસ્તી સેવાતી હતી એ જ મોબાઈલ ફોન અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી વધતી રહી છે.
ઑનલાઈન રહેવું હવે જાણે કે સર્વસામાન્ય વળગણ બની રહ્યું છે. તરુણાવસ્થામાં આ વળગણ કેટલું નુકસાનકારક અને જોખમી બની રહે છે એ બાબતે અઢળક સંશોધનો થઈ ચૂક્યાં છે. આ માધ્યમો એક તરફ સર્જનશીલતા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, એમ અનેકવિધ યા સમરસિયા લોકોના સંપર્ક માટેનું માધ્યમ પણ બની રહે છે. છતાં આ માધ્યમ પ્રમાણમાં હજી નવુંસવું હોવાથી એ અંગેનો શિષ્ટાચાર ઝાઝો કેળવાયો નથી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ દ્વારા કરાયેલા એક અભ્યાસના અહેવાલમાં આ બાબત વધુ ને વધુ ઊજાગર થઈ છે. એ મુજબ અડધાઅડધ તરુણોએ જણાવ્યું કે પોતે સતત ઑનલાઈન રહે છે. તેમના માટે સૌથી પ્રિય માધ્યમ યુ ટ્યૂબનું છે, અને ૯૦ ટકા તરુણોએ જણાવ્યું કે તેઓ એની પર વિડીયો જોતા રહે છે.
અગાઉ ૨૦૨૦માં પ્રકાશિત થયેલા ‘જામા સાઈકીએટ્રી’ના અભ્યાસમાં જણાયું હતું કે દિવસના ત્રણ કલાકથી વધુ સમય સામાજિક માધ્યમો પર પસાર કરતાં બાળકોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે. ઉદાસી અને નિરાશા ઊપરાંત તેઓ આત્મઘાતી વલણ પણ દાખવી શકે છે. ખાસ કરીને છોકરીઓને આની અસર વધુ થવાની સંભાવના છે, કેમ કે, પોતાના દેખાવ બાબતે સભાન હોવાનું તેમની પર સતત દબાણ રહેતું હોય છે.
આ માધ્યમોને કારણે ઊભી થયેલી ‘સરખામણીની સંસ્કૃતિ’ને કારણે માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફો થાય છે. આ બાબતે થયેલા વિવિધ અભ્યાસ સૂચવે છે કે સતત સરખામણી કરાતી રહેવાને કારણે આત્મવિશ્વાસનું સ્તર નીચું રહે છે, શરીર પ્રત્યે અસંતોષ વધે છે. યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાના અન્ય એક અભ્યાસમાં જણાયું કે તરુણોને સામાજિક માધ્યમોનો ઊપયોગ દિવસની ફક્ત ત્રીસ મિનિટ પૂરતો કરવાનું જણાવ્યું અને તેનો અમલ કરાતાં તેમનામાં હતાશા અને અધીરાઈનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું.
હકીકત એવી છે કે નાનામોટા સૌ હજી આ માધ્યમથી ટેવાયા નથી અને મોટા ભાગનાઓને મન તે એક કૌતુક વધુ છે. મોટાઓમાં કદાચ આ માધ્યમના ઊપયોગની આડઅસરરૂપે હતાશા કે નિરાશાનું પ્રમાણ ઓછું હોઈ શકે, પણ તેના વપરાશ અંગેના વિવેકનો સદંતર અભાવ છે. આ માધ્યમ સાથે સૌથી વધુ કામ પાર પાડી રહ્યા હોય તો એ છે સાયબર ઠગો. ‘ગામ વસ્યું નથી કે લૂંટારા આવી ગયા’ના ન્યાયે કોઈ ટેક્નોલોજી કે સામાજિક માધ્યમ ચલણમાં આવે, લોકો એનાથી ટેવાય-કેળવાય એ પહેલાં તેની ખૂબીઓ સાયબર ઠગો સારી પેઠે જાણીસમજી લે છે અને ભલભલા લોકોને એક યા બીજી રીતે ઠગવામાં સફળ થાય છે. આવા સાયબર ઠગોને નાથવામાં સરકાર પણ કદમ મિલાવી શકતી નથી એનું સૌથી પ્રગટ ઉદાહરણ એટલે અખબારોમાં આવતી સરકારની ચેતવણીની જાહેરખબર અને આપણા સૌના ફોનની કૉલર ટ્યૂન તરીકે સંભળાતો સરકારી સંદેશ. એ સંદેશમાં જણાવ્યા મુજબ, પોલિસ, સી.બી.આઈ. કે ન્યાયાધીશ સુદ્ધાં નકલી હોઈ શકે છે. આ દર્શાવે છે કે ચોરની આંખ ચાર હોય છે.
વર્તમાન યુગમાં ટેક્નોલોજીની ઝડપ એટલી બધી છે કે હજી એક ટેક્નોલોજીથી માંડ ટેવાઈએ ત્યાં એ બદલાઈ જાય છે. પ્રમાણમાં ઓછા લોકો આ ઝડપે બદલાતી ટેક્નોલોજી સાથે તાલ મિલાવી શકે છે.
આનો ઊપાય શો? અલબત્ત, સર્વસામાન્ય ઊકેલ મુશ્કેલ છે, છતાં ખાસ કરીને તરુણ વયના વપરાશકર્તાઓ માટે જરૂરી સહાય કેન્દ્રો હોય એ આદર્શ સ્થિતિ કહી શકાય. કેમ કે, તેમની પાસે લાંબું જીવન છે, અને જીવનના આરંભિક તબક્કે તેઓ આવી આભાસી બાબતને લઈને માનસિક સ્વાસ્થ્ય બગાડી બેસે એ યોગ્ય નથી. ટેક્નોલોજી સાથે પનારો પાડનારા તેમજ હજી જે વૈચારિક રીતે ઠરેલ રહી શક્યા હોય એવા નાગરિકો આ મુદ્દા સાથે સંકળાઈ શકે.
આ મામલો હકીકતમાં ગંભીર વિચાર માગી લેતો છે, કેમ કે, આવનારા દિવસોમાં આ માધ્યમો પર અવલંબન વધતું રહેવાનું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ગાંધીજીનું સમુદ્રી વર્તુળ
પ્રોફેસર દિલીપ સિમ્યન
(ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાનના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે).
અનુવાદક: દીપક ધોળકિયા
લેખકનો પરિચયઃ
શ્રમિક સંબંધી બાબતોના ઇતિહાસકાર, દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ અનશન કર્યું અને પગાર અપાવ્યો પણ તે પછી ગુંડા તત્ત્વોએ એમના પર જીવલેણ હુમલો કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં નક્સલવાદી આંદોલનના રંગે રંગાયા પણ ૧૯૭૧માં બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો વિરુદ્ધ પણ એમના નેતાઓએ મૌન ધારણ કરી લીધું તેના વિરોધમાં એમણે નક્સલ આંદોલનને તિલાંજલિ આપી અને સ્વતંત્ર રસ્તો લીધો અને નક્સલ હિંસા, બાંગ્લાદેશની હિંસા, દુનિયામાં ઠેરઠેર ચાલતા સંઘર્ષો વિશે ચિંતન કરતાં ગાંધી સુધી પહોંચ્યા અને એના થઈને રહ્યા. હવે તેઓ અશોકા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અધ્યાપન કાર્ય કરે છે અને એમણે લંડન ઉપરાંત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં અને ગુજરાતમાં સૂરત યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે.દિલીપ સિમ્યન એમના બ્લૉગ After the Truth-Shower પર વિવિધ વિષયો પર લેખો પ્રકાશિત કરે છે.૦૦૦
“પોતાના પ્રદેશની વિશિષ્ટતાનો આગ્રહ આપણા જીવનમાં એક અભિશાપ છે. આપણે ઇચ્છીએ કે આપણો પ્રદેશ ભારતની સરહદો સુધીવિસ્તરે અને આખરે આ પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરે. અને જો આમ નહીં થાય, તો તે નાશ પામશે.” – મહાત્મા ગાંધી, સપ્ટેમ્બર ૧૯૪૭.
“સત્ય ક્યારેય મરતું નથી, પણ તેને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરવામાં આવે છે.” – એક યહૂદી કહેવત.
પ્રસ્તાવના
મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન ઈશ્વર, સત્ય અને અહિંસાને સમર્પિત હતું. તેઓ તેમને અલગ-અલગ ભાગોમાં વિભાજિત નહોતા જોતા, પરંતુ તેમને માનવ જીવનના માળખા તરીકે જોતા. સત્યની શોધ માટે સમર્પિત જીવનને ફક્ત એક દાર્શનિકનું જીવન જ ગણી શકાય. સામાજિક અને રાજકીય સુધારા માટે તેમણે કરેલા પ્રયાસોને તેમના ઊંડા ચિંતનશીલ સ્વભાવથી અલગ કરી ન શકાય. ગાંધીજીએ સામાન્ય લોકોના ગુણોમાંથી શક્તિ મેળવી. તેમણે સામાન્ય લોકો સાથે તેમનાં આદર્શ પ્રતીકો, કથાઓ, તેમના કવિઓની ભાષામાં વાત કરી; અને રાજકીય નેતાઓએ નહીં પણ સામાન્ય લોકોએ તેમને મહાત્મા માન્યા હતા. આ સાથે, માનવીના ગૌરવ પ્રત્યે તેમની ઊંડી સમજ તેમને સ્થિતપ્રજ્ઞ બનાવતી હતી, તે તેમના આત્માના ધૈર્યનો આધાર હતો.
ગાંધીજી એક જ્ઞાની વ્યક્તિ હતા. આ લેખમાં હું તેમની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરીશ. મારો આ પ્રયાસ મોટા ભાગે બીજાઓની વિદ્વતા પર આધારિત છે, પરંતુ તેમાં ભૂલો હોય તો તે ફક્ત મારી જ છે.
ગાંધીજીમાં અન્યાય અને સામાજિક દુષણો સામે લડવાનો ખૂબ જ જુસ્સો હતો. તેમણે એ પણ જોયું કે દરેક વ્યક્તિના અંતરાત્મામાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ચાલે છે, જે દેશો અને સમુદાયો વચ્ચેના સંઘર્ષથી અલગ છે. આપણો વર્તમાન યુગ ‘રાજકીય દ્વેષના બૌદ્ધિક સંવર્ધનનો યુગ’ છે, પરંતુ ગાંધી આ પ્રકારના ‘બૌદ્ધિક સંવર્ધન’ના સંપૂર્ણપણે વિરોધી હતા. રાજકારણની વ્યાખ્યા ‘મિત્ર-શત્રુ સંબંધ’ તરીકે થતી હોય તો ગાંધીજીએ તેની વ્યાખ્યા મિત્રતા અને સંવાદ પર આધારિત સંબંધ તરીકે આપી. રાજકારણની વ્યાખ્યા છેતરપિંડી તરીકે કરવામાં આવે, તો ગાંધીજીએ જીવનના અન્ય ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ સત્યના આચરણ પર ઓછો ભાર નહોતો મૂક્યો. મૅકિયાવેલી, હૉબ્સ, ફ્રેન્ચ જેકોબિનિઝમ, કાર્લ શ્મિટ અને લેનિન સહિત પશ્ચિમી રાજકીય વિચારકોની સમગ્ર પરંપરા માને છે કે રાજ્યતંત્ર મૂળભૂત રીતે હિંસા પર આધારિત છે; પરંતુ ગાંધીજી માનતા હતા કે આવા વિચારો અને આવાં રાજ્યો આખરે નાશ પામશે.
ગાંધીજીના વિચારોમાં નૈતિકતા, ધર્મશાસ્ત્ર અને રાજકારણનાં તત્ત્વો મિશ્રિત હતાં. તેઓ જીવનને આત્માના ભૌતિક દેશનિકાલ તરીકે જોતા નહોતા; તેના બદલે, તેમણે તેને લોકોની સેવા કરવાની તક તરીકે જોયું. તેમના વિશે એવું કહી શકાય કે તેમને ઇતિહાસના દુર્ભાગ્યનો સામનો કરવો પડેલા લોકોમાં તેમનો આત્મા મળ્યો. એટલે જ, ૧૯૧૭ માં એમણે ઘણા પ્રયત્નો પછી ચંપારણની પહેલી વાર મુલાકાત લીધી અને નિર્દોષ ખેડૂતોએ એમનું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું. તે વિશે એ કહી શક્યા: “એમાં કોઈ અતિશયોક્તિ નથી પણ સત્ય છે કે ખેડૂતો સાથેની તે મુલાકાતમાં હું “ઈશ્વર, અહિંસા અને સત્યને રૂબરૂ” મળ્યો: (‘સત્યના પ્રયોગો’, ભાગ ૫, પ્રકરણ ૧૪ માંથી).
અહીં ચાર બાબતોની મારે વાત કરવી છે: સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમાજમાં વસાહતવાદ વિરોધી વ્યૂહરચનાની સમસ્યા; ધર્મ કે રાષ્ટ્રની સંકુચિત માનસિકતાથી મુક્ત સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા; બુરાઈની સંદિગ્ધ પ્રકૃતિ અને પરોપકારી ઈશ્વરની વિભાવના સાથે તેની અસંગતતા; અને માણસની પોતાના અંતરાત્મા વિરુદ્ધ જવાની ક્ષમતા.
સારપનું સાર્વભૌમત્વ
સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તામાં સાંપ્રદાયિક સૌહાર્દ માટેના તેમના પ્રખ્યાત ઉપવાસ દરમિયાન ગાંધીજીએ આ અવલોકન કર્યું: “સારપનું પોતાનું અસ્તિત્વ છે; બુરાઈનું નથી. તે એક પરોપજીવી જેવું છે, જે ફક્ત સારપમાં અને તેની આસપાસ જ ટકી શકે છે. જ્યારે સારપ એને સાથ આપવાનું બંધ કરી દે, ત્યારે તે પોતાની મેળે જ મરી જાય છે.
નૈતિકતાના દર્શનમાં આ એક ગંભીર અવધારણા છે. આપણે આ વાત ‘હિંદ સ્વરાજ’ માં તેમની ટિપ્પણી સાથે જોડી શકીએ છીએ: “પ્રેમની શક્તિ સત્ય અથવા આત્માની શક્તિ જેવી છે.” એવા પુરાવા છે કે તે ડગલે ને પગલે કામ કરે છે. આ શક્તિ વિના બ્રહ્માંડ પોતે જ અદૃશ્ય થઈ જશે”. તેમને ઇતિહાસ પ્રત્યે બહુ આદર નહોતો કારણ કે ઇતિહાસ ઝઘડા અને વિખવાદની વાર્તા છે; તેના બદલે તેઓ સમયને સાચી મિત્રતાની માન્યતા આપવા માંગતા હતા, જેના વિના સમાજ ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોત.
પ્લેટોના દર્શનમાં, સારપનું સૌથી યોગ્ય પ્રતીક સૂર્ય છે. આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ સૂર્યને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, અને તે આપણને તફાવત પારખવાની શક્તિ પણ આપે છે. સૂર્યપ્રકાશ વિના આપણે વિશ્વની વિવિધતાની કલ્પના પણ કરી શકતા નથી. ચિંતન પહેલાં સારપની શાંત ઝલક જોવા મળે છે. બાઇબલના પ્ર્કરણ ‘પ્રસ્તાવના’માં ઈશ્વર જ કહે છે – ‘પ્રકાશ થવા દો!’, અને તે આને શુભ માને છે. અને ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ માટે એ લાગુ પડે છે. સારનું દર્શન એ ઈશ્વરનું દર્શન છે, અને તે વિશ્વનું સર્જન કર્યા પછી આવે છે.
તેથી, યહૂદી-ખ્રિસ્તી પરંપરામાં લેખનની પ્રક્રિયામાં સારપ નોંધાયેલી છે; અને એ બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વરની ઇચ્છા સાથે સંબંધિત છે. પ્લેટોનિક પરંપરામાં, બ્રહ્માંડને શાશ્વત અને સારપનું પ્રતીક માનવામાં આવે છે. સારપને સમજવા માટે જોવા અને સાંભળવાની ક્ષમતા પૂરતી છે.
ગાંધીજીની સ્વયંસ્ફુરિત સારપ પ્રત્યેની આંતરદૃષ્ટિ એ જ દૃઢતા સાથે વ્યક્ત થાય છે જે દૃઢતા સાથે તેઓ બુરાઈને એક પરોપજીવી તરીકે વર્ણવે છે જે સારપનો ખોરાક લઈને જીવે છે. મને ખબર નથી કે તેમની આવી શ્રદ્ધા કેવી રીતે બંધાઈ? પરંતુ બીજા લોકોના પણ આવા જ વિચારો હતા. પયગંબરી પરંપરામાં પણ, બુરાઈને એક વંચિતતા, સારપનો અભાવ અથવા ખોટ તરીકે જોવામાં આવે છે, એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે નહીં. ૧૯૬૩માં હાન્ના આરેન્તે પણ આવી જ ટિપ્પણી કરી હતી: “બુરાઈમાં ઉંડાણ નથી હોતું; એ તો ફક્ત અતિશય પ્રમાણમાં હોય છે.. ફક્ત સારપમાં જ ઊંડાણ હોય છે, પરંતુ માનવીય બુરાઈ “સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે છે કારણ કે તે સપાટી પર ફૂગની જેમ ફેલાય છે” (ધ યહૂદી રાઇટિંગ્સ, 471). પરંતુ એ સાચું છે કે શરૂઆતની અબ્રાહમિક પરંપરામાં કેટલાક ખ્રિસ્તી સમુદાયો માનતા હતા કે બુરાઈનો પોતાનો સ્વાયત્ત દરજ્જો છે, અને તે ઈશ્વર સાથે કાયમી સંઘર્ષની સ્થિતિમાં છે.
શું સારા અને ખરાબ વિશેના આ વિરોધી વિચારો વચ્ચે કોઈ અવરોધ હોવો જોઈએ? ના, કારણ કે પયગંબરી પરંપરાઓ પણ કહે છે કે આ દુનિયા સારી છે. બધી આધ્યાત્મિક પરંપરાઓ, ધાર્મિક હોય કે ન હોય, પ્રકાશનો આદર કરે છે: જેમણે સારપના પ્રકાશની ઝલક જોઈ હોય તે પયગંબર. વધુમાં, સદીઓથી ઘમંડ, જુલમ અને સત્તાની ઇચ્છાને બુરાઈના મૂળ તરીકે જોવામાં આવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું આંધળું પાલન કરવાની માંગ હોય છે. આમ, ૧૯૩૬ માં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું: “કોઈ પણ દૈવી પ્રેરણા સ્વીકારવા માટે હું મારા અંતરાત્માનો ત્યાગ કરી શકતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘શબ્દો મારી નાખે છે, ભાવનાઓ જીવન આપે છે’. પણ મને ખોટી રીતે ના સમજો. હું શ્રદ્ધામાં પણ માનું છું, એવી બાબતોમાં જેમાં તર્ક માટે કોઈ સ્થાન નથી, જેમ કે ઈશ્વરના અસ્તિત્વમાં.” (મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો {CWMG} ભાગ 64, પાનું 71)
‘આત્મા જીવન આપે છે’, આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે, કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે. બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે; તેથી, આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે. ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો. એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું.
અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી, નૈતિક પતનનો ભય રહે છે. જ્યારે ‘રાષ્ટ્ર’ ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે, ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે. ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ જાય, ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે; પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ. તમે પૂછશો કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે? ત્રણ બાબતો છે:
એક: શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે?
બે: શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે? કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે?
ત્રણ: શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે?
નાગરિક ધર્મ અને ધાર્મિક-રાજકીય સમસ્યા
ધાર્મિક/રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે? આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે: આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર સીધુ માર્ગદર્શન નથી આપતો>. ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે; પહેલી ગળણી એક પયગંબર છે, અને બીજી ગળણી તેના શિષ્ય છે. તેથી, દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે.
જો આપણે ફક્ત માનવ અંતરાત્મા પર આધાર રાખીએ તો આપણે સારપ વિશે સંવાદ કરવાની જરૂર છે. આપણે એકેવી રીતે કરીશું? મોન્ટેસ્ક્યુએ આ મુદ્દાને ટાળીને કહ્યું કે ધર્મ વિરુદ્ધ નાસ્તિકતાનો મુદ્દો ધર્મની ઉપયોગિતાના મુદ્દા કરતાં ઓછો મહત્વનો છે. જાહેર લાગણીઓને નિયંત્રિત કરવા માટે ધર્મ જરૂરી છે. રૂસોએ તેના પુસ્તક ‘ધ સોશિયલ કોન્ટ્રેક્ટ’ માં આ વિચારની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં નાગરિક ધર્મ વિષય પર એક પ્રકરણ પણ છે, જેમાં તે કહે છે કે કાયદા ઘડનારાઓએ તેમની ભલામણો ઈશ્વરના મુખથી કહેવડાવવી જોઈએ કારણ કે, તો જ લોકો ઘણીવાર તે કાયદાઓમાં વિશ્વાસ કરે છે. આ રાજકારણ દ્વારા ધર્મના ઉપયોગ તરફનું એક પગલું છે.
હાલમાં જ મને સમકાલીન ફિલોસોફર વિલિયમ ડેસમંડના લખાણો વાંચવા મળ્યાં. એ ફિલસૂફી અને ધર્મ, અનુભવ જ્ઞાન અને દિવ્ય જ્ઞાન, અંતર્જ્ઞાન અને વિશ્લેષણ, અને સંવાદ અને વ્યક્તિગત ચિંતન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરતાં ‘વચ્ચેનું બિંદુ’ જેવી સ્થિતિનો ઉપયોગ કરે છે. પ્લેટો માણસને દેવ કે પ્રાણી માનતો ન હતો, પરંતુ બંનેની વચ્ચેનો જીવ માનતો હતો; ફિલસૂફી વિશે પણ કંઈક આવું જ કહી શકાય. મારા મતે, ગાંધીજીને સમજવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે: એમણે સ્વીકાર્યું હતું કે માન્યતાઓ અલગ અલગ હોય. એ એવા માર્ગ દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં સંઘર્ષની શક્યતા ઓછી હોય. ધર્મ અને રાજકારણને સાંકળતો દોર જાહેર પ્રવૃત્તિઓના નીતિશાસ્ત્રનો સંદર્ભ બનતો હતો. ધર્મ નૈતિકતા અને અંતરાત્માનો સ્રોત હતો; અને રાજકારણ એ સામાજિક અને રાજકીય જવાબદારીનું ક્ષેત્ર હતું. તેમને એ પણ સ્પષ્ટ હતું કે ‘રામરાજ્ય’ શું છે:
“હું હજાર વાર કહીશ કે રામનામ ઈશ્વરનાં અનેક નામોમાંથી એક છે. એ જ પ્રાર્થના સભામાં કુરાન અને ઝેંદ અવેસ્તાના શ્લોકો પણ ગવાય છે. સાચા મુસ્લિમોએ ક્યારેય રામના નામનો જાપ ખરાબ માન્યો નથી. રામનામ કોઈ અર્થહીન જાપ નથી. મારા અને લાખો હિન્દુઓ માટે, આ સર્વવ્યાપી ઈશ્વરને રામના પરિચિત નામથી બોલાવવાની એક રીત છે. રામની સાથે સંકળાયેલો શબ્દ ‘નામ’ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એનો અર્થ એ થાય કે આ ‘રામ’ ઇતિહાસનો રામ નથી… જ્યાં સુધી ‘રામરાજ્ય’ શબ્દના ઉપયોગની વાત છે, મેં તેનો અર્થ ઘણી વાર સમજાવ્યો છે. તો પછી કોઈને તેનો ઉપયોગ કરવામાં ખરાબ કેમ લાગવું જોઈએ? આ એક અનુકૂળ અને અર્થપૂર્ણ શબ્દ છે, એનો સંપૂર્ણ અર્થ બીજો કોઈ શબ્દ લાખો લોકો સુધી પહોંચાડી શકતો નથી. હું… મુખ્યત્વે મુસ્લિમ ભાઈઓના મેળાવડામાં તેને ‘ખુદાઈ રાજ’ કહું છું, જ્યારે ખ્રિસ્તીઓના મેળાવડામાં હું તેના માટે ‘ઈશ્વરનું રાજ્ય’ શબ્દનો ઉપયોગ કરું છું. બીજો કોઈ પણ રસ્તો મારી જાતને દબાવવાનો અને મારી જાતને દંભી બનાવવાનો હશે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 130).
ગાંધીજી માટે, સમાન નાગરિક ધર્મ લાદવો એ દંભ અને અશક્ય બંને હતું. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી દેશોમાં જાહેર માન્યતામાં પરિવર્તનો લાવવામાં આવ્યાં તેનાથી ધર્મ પ્રત્યે ઉપયોગિતાવાદી વલણ અપનાવવાના જોખમો પર પ્રકાશમાં આવ્યાં છે.. આજે વિચારધારા ધર્મથી આગળ નીકળી ગઈ છે, અને આપણામાંથી કેટલાક માટે ધર્મ રાજકીય લડાઈઓ લડવાનું એક હથિયાર બની ગયો છે. ધર્મના સૌથી મોટા દુશ્મનો તેના અનુયાયીઓમાં જ જોવા મળે છે.
ફેબ્રુઆરી ૧૯૪૦માં, બંગાળમાં એક સભામાં, ગાંધીજી વિરુદ્ધ ‘ગાંધીવાદ મુર્દાબાદ’ જેવાં સૂત્રો જોરશોરથી પોકારાયાં. આના પર ગાંધીજીએ કહ્યું: “મને આ સૂત્ર સાંભળીને ખૂબ સારું લાગે છે. ‘વાદ‘ ગમે તે હોય, તેનો અંત આવવો જ જોઈએ. એ બિનજરૂરી છે. ખરી વસ્તુ તો અહિંસા છે. તે અમર છે. એને ટકવા દો, મારા માટે આટલું પૂરતું છે. ગાંધીવાદનો કેટલો જલદી નાશ થાય છે તે જોવાની હું રાહ જોઈશ… મેં ક્યારેય કોઈ સંપ્રદાય સ્થાપવાનું સપનું પણ જોયું નથી. મારા મૃત્યુ પછી જો મારા નામે કોઈ સંપ્રદાય સ્થપાશે, તો મારો આત્મા દુઃખી થશે”. ગાંધીજીએ ક્યારેય કોઈ મનોહર કાલ્પનિક ભવિષ્યનો સિદ્ધાંત રજૂ ન કર્યો, જેના માટે વર્તમાનમાં ખરાબ કામો કરવાં પડે. વર્તમાન અને ભવિષ્ય પરસ્પર સંકળાયેલાં છે, અને વર્તમાનમાં સારાં કામો કરવથી જ દુનિયા બહેતર બની શકે છે. સમયની આ અવધારણામાં બધું જોર નશ્વરતા પર નહીં પરંતુ જે કંઈ હયાત છે તેના પર છે.
ગાંધીજીની ધાર્મિક સર્જનાત્મકતા અને બુરાઈની સમસ્યા
આપણે કેવી રીતે જીવવું જોઈએ? શુભ શું છે? પાપ શું છે? આવા પ્રશ્નો બધા સમુદાયોમાં ઉદ્ભવે છે, જો કે તેમના જવાબો અલગ અલગ હોય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો જેટલા જ બુરાઈ વિશેના સિદ્ધાંતો પણ ભાતભાતના છે. ઈશ્વરની સારપમાં વિશ્વાસ કરવા સાથે બુરાઈનું અસ્તિત્વ કેમ છે તેનો ખુલાસો કરતું શાસ્ત્ર ‘થિયોડિસી’ કહેવાય છે. (‘થિયોડિસી’નો અર્થ છે: બુરાઈના અસ્તિત્વ છતાં ઈશ્વરની સારપ અને સર્વશક્તિમત્તાની તરફેણમાં દલીલ). કેટલાક વિદ્વાનો બધા ધર્મોને નિષ્ફળ ‘ થિયોડિસી’ કહે છે. હેગલે દાવો કર્યો હતો કે તેમની ફિલસૂફી પણ ‘થિયોડિસી’ છે જેને માનવ ઇતિહાસમાં ‘ઈશ્વરની રીતોની યોગ્યતા’ તરીકે વર્ણવી શકાય છે. પરંતુ છેલ્લી સદીનો ઇતિહાસ અને આજ સુધી ચાલી રહેલા નરસંહારને કારણે હેગેલની થિયોડિસીને સ્વીકારવી મુશ્કેલ છે. મેક્સ વેબર ‘કર્મ’ ના સિદ્ધાંતને સૌથી તાર્કિક સિદ્ધાંત માનતા હતા. આ સિદ્ધાંત સમજાવે છે કે આપણું દુર્ભાગ્ય આપણે પાછલા જન્મોમાં કરેલાં કાર્યોનું ફળ છે. આ બધું અનાદિ કાળથી ચાલતું રહ્યું છે. બદલો લેનારા ન્યાયને પણ બ્રહ્માંડમાં સ્થાન આપવામાં આવ્યું.
મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. માણસ જીવન અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ બુરાઈ સમજાય તેમ નથી. તે વ્યાખ્યાઓને માથે ચડી બેસે છે. કોઈ પણ ‘થિયોડિસી’ માનવની ક્રૂરતા અને બિનજરૂરી દુઃખને સમજાવવાની આપણી ઇચ્છાને સંતોષી શકતી નથી. ઈશ્વરની શક્તિ પણ એટલી જ અગમ્ય છે: અનંત અવકાશ અને શાશ્વત સમય આપણી સમજની બહાર છે. ઈશ્વર એ આપણી ઉત્પત્તિનું નામ છે અને આપણા સ્વભાવનું કાયમી રહસ્ય છે. કોઈ પણ ટેલિસ્કોપ આ રહસ્ય ખોલી શકતું નથી.
આ વિષય પર લેશેક કોવાકોફ્સ્કી (Leszek Kolakowski)(૧૯૨૭-૨૦૦૯)એ લખ્યું: “જે પવિત્ર છે તેનો અસ્વીકાર કરવો એ આપણી પોતાની મર્યાદાઓનો અસ્વીકાર કરવા જેવું છે. તે બુરાઈના વિચારનો અસ્વીકાર પણ છે, કારણ કે જે પવિત્ર છે તે પાપ, અપૂર્ણતા અને બુરાઈમાંથી પોતાને પ્રગટ કરે છે; અને બુરાઈ, બદલામાં, ફક્ત પવિત્રમાંથી જ ઓળખી શકાય છે. એવું કહેવું કે બુરાઈ સંપૂર્ણપણે સંજોગોને કારણે છે, તે એમ કહેવા બરાબર છે કે બુરાઈ અસ્તિત્વમાં જ નથી અને તેથી આપણને નૈતિક શક્તિ, કે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે, અને જે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા પર લાદવામાં આવી છે, તેની કોઈ જરૂર નથી. જો આપણે માનતા હોઈએ કે સમાજમાં સુધારો થઈ શકે છે, તો એમાંથી જ નીકળે છે કે એવા લોકો હંમેશાં હશે જ કે જે પ્રગતિના દરેક પગલાની કિંમત વિશે વિચારતા હશે. કોવાકોફ્સ્કીનિષ્કર્ષ કાઢે છે: ‘પવિત્રતાની વ્યવસ્થા બુરાઈ પ્રત્યે સંવેદનશીલતા છે’. ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં, આ વચન અને કર્મમાં વ્યક્તિની આત્મસંયમની મર્યાદા નક્કી કરવાનો મુદ્દો વધારે છે. (મૉડર્નિટી ઑન એંડલેસ ટ્રાયલ પ્રકરણ ૬).
નૈતિકતા વિના તો કોઈ કાયદો પણ ન ચાલે. કારણ કે પછી બધું જ ચાલશે. જ્યારે બધું જ માન્ય હોય, ત્યારે આપણે શું કહીએ છીએ કે કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. બોલવા અને ચૂપ રહેવામાં કોઈ ફરક રહેશે નહીં. ગુલામીને સ્વતંત્રતા ગણવામાં આવશે, અજ્ઞાનને જ્ઞાન ગણવામાં આવશે, ભ્રમને શાણપણ ગણવામાં આવશે.
આપણને સારપ અને હિંમતના બનેલા આશ્રયની જરૂર છે. ગાંધીજીની બાબતમાં, હું કહીશ કે તેમની સ્થિતપ્રજ્ઞતા તેમનું વ્યક્તિગત આશ્રયસ્થાન હતું; અને સામાજિક વ્યવહારમાં, સ્વરાજ તેમનું આશ્રયસ્થાન હતું, જેને પ્રાપ્ત કરવા માટે ઇચ્છાશક્તિ અને ભાવનાઓ પર નિયંત્રણની જરૂર હતી. આ દૃષ્ટિકોણ એવી માન્યતા પર આધારિત છે કે ઈશ્વર, સત્ય અને સારપ એક જ વસ્તુ છે; એટલે અસત્ય એ સત્યનું ઉલ્લંઘન છે, અને બુરાઈ એ સારપનું ઉલ્લંઘન છે. તેથી, સારપનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બુરાઈનું નથી. જેમ બ્રહ્મ સમયમાં સ્થિત નથી, પણ સમય તેમાં સ્થિત છે, તેવી જ રીતે પ્રકાશ પોતાની અંદર અંધકારને સમાવી રાખે છે. આનો અનુભવ કરવા માટે આપણે આપણી દૃષ્ટિ અને સૂઝનો ઉપયોગ કરવો પડશે.
આપણે જેને પવિત્ર કહીએ છીએ તે આપણી મર્યાદાઓની અનુભૂતિ અને સ્વીકૃતિ છે; અને ગાંધીજીએ જીવનભર સારા અને ખરાબની આ ધારણા સાથે સંઘર્ષ કર્યો.
ગાંધીજીએ રોજિંદા રચનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને અને સંસ્થાનવાદ અને હિંસાથી થતા અન્યાયનો સામનો કરીને આ મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તે જાણતા હતા કે હિંસાનું પોતાનું એક જોશ હોય છે જે આપણા આત્મ-નિયંત્રણને દબાવી શકે છે. તેમણે સત્યાગ્રહીઓમાં સ્વ-શિસ્ત અને ભાઈચારાની વૈકલ્પિક ભાવના વિકસાવવાનો પ્રયાસ કર્યો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને હિંસાના ઝેરથી મુક્ત રાખવા માટે કટિબદ્ધ હતા અને તેમણે તે વિશ્વના ઇતિહાસના સૌથી હિંસક દાયકાઓમાંના એક દરમિયાન કર્યું.
સત્ય, ન્યાય અને અહિંસા
વૈજ્ઞાનિકો, ધર્મશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ માટે સત્યના અર્થ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કોઈ તેને નકારી શકે નહીં – જેઓ તેને ભ્રમ તરીકે નકારી કાઢે છે તેઓ પણ નહીં. ભારતીય જ્ઞાન પરંપરામાં, ધર્મમાં સત્ય, કર્તવ્ય અને સદ્ગુણનો સમાવેશ થાય છે. તેથી, ગાંધીજી માટે, સત્યનો નૈતિક હેતુ વ્યાવહારિક સમજદારી સાથે જોડાયેલો હતો. રંગભેદ, અન્યાયી કાયદાઓ અને વસાહતી વર્ચસ્વ એ સામાજિક વર્તનમાં આવેલી ખામીઓ હતી. આ વિચારનું સૌથી સરળ ઉદાહરણ એ છે કે તેમણે ગોરાઓ માટે અનામત રાખેલા રેલવેના ડબ્બામાં ‘કાળા માણસ’ તરીકે લેબલ લગાવવાનો વિરોધ કર્યો. જેમ આપણામાંથી જ અમુક લોકો બીજા કરતાં શ્રેષ્ઠ છે એવો દાવો એક જુઠાણું છે તેમ આપણી સહિયારી માનવતાનો ઇનકાર પણ એ દાવા જેટલો જ જૂઠો છે. અસ્પૃશ્યતા સામેનો સંઘર્ષ માનવ એકતાનો સંઘર્ષ હતો, સત્યાગ્રહ હતો.
અહિંસા પર મુખ્ય ભાર અને હિંસાનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂરિયાત એ ફક્ત રાજકીય ચાલ નહોતી તેમાં નૈતિકતાના સ્પષ્ટ દર્શનનાં બીજ રહેલાં છે. અને એ મધ્યવર્તી ક્ષેત્રમાં સંવાદનો આધાર છે; નાગરિક સમાજનો પાયો છે, જે બ્રહ્માંડની સહજ સારપ અને દૈવી શક્તિની સારપ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે. આપણાં લક્ષ્યો કરતાં આપણી તાત્કાલિક ક્રિયાઓ પર આપણું વધુ નિયંત્રણ છે. અશુદ્ધ માધ્યમો, જેનું સૌથી ખરાબ સ્વરૂપ બીજાઓ સામે હિંસા છે, તે આપણાં લક્ષ્યોને ભ્રષ્ટ કરી શકે છે. ગાંધીજીએ બધા ધાર્મિક સમુદાયોમાં વિચારોની સમાનતા જોઈ હોય તેવું લાગે છે (ખિલાફત ચળવળને તેમણે આપેલા સમર્થનમાંથી એ સ્પષ્ટ થાય છે); પરંતુ તેઓ અંતરાત્માની સ્વાયત્તતામાં દ્રઢપણે માનતા હતા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ કરનારા હન્ટર કમિશન સમક્ષ તેમણે આપેલી જુબાનીમાંથી સ્પષ્ટ થાય છે કે મતભેદોને કારણે લોકપ્રિય પ્રતિકારને તૂટતો અટકાવવા માટે અહિંસા કેટલી મહત્વનો છે. તેમની જુબાની એ પણ દર્શાવે છે કે તેઓ ન્યાયતંત્રના નિયંત્રણથી મુક્ત કારોબારીનો સંપૂર્ણ વિરોધ કરતા હતા. હું આપણા દેશના વકીલો અને ન્યાયાધીશોને તેમની જુબાની ધ્યાનથી વાંચવાની સલાહ આપીશ. (CWMG ભાગ ૧૬, પાનું ૪૦૮, જાન્યુઆરી ૧૯૨૦).
અહિંસા કોઈ સિદ્ધાંત નહોતો પણ આપણી મર્યાદાઓની યાદ અપાવતો હતો. ઈશ્વર અથવા તેમનો કાયદો આ મર્યાદાઓનો સ્રોત કહી શકાય, પરંતુ તે એક રહસ્ય રહે છે. મહત્વની વાત એ છે કે આ વાત અમુક પસંદ કરેલા લોકોને નહીં પણ આપણે સૌને લાગુ પડે છે: આ બોધપાઠ સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તાના તોફાનીઓએ આપ્યો હતો, જેઓ ઉપવાસે બેઠેલા મહાત્મા પાસે આવ્યા અને તેમનાં ચરણોમાં પોતાનાં શસ્ત્રો મૂક્યાંમૅ દરેક આત્મામાં ચાલતા સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનો આનાથી સારો પુરાવો બીજો કોઈ ન હોઈ શકે.
મૂળભૂત કાયદેસરતા તરીકે હિંસા એક સમસ્યા
મૅકિયાવેલીનું પુસ્તક ’ડિસકોર્સિઝ’ ભલામણ કરે છે: “જો કોઈ ઇચ્છે કે કોઈ સંપ્રદાય કે પ્રજાસત્તાક ટકી રહે, તો તેણે વારંવાર તેની શરૂઆત તરફ પાછા ફરવું જોઈએ.” તેના મતે, બધાં રાજ્યો આતંક પર આધારિત છે. પ્રાચીન સદ્ગુણો પાછા લાવવા માટે, શરૂઆતમાં લોકોને સારા બનાવનાર ભયને પુનઃસ્થાપિત કરવો પડશે. જો આ સાચું હોત, તો તેનું કારણ લોકોની નિર્દોષતા નહોતી પણ તેઓ ડરતા હતા. પાઠ સ્પષ્ટ અને ક્રૂર છે: શરૂઆતમાં, પ્રેમ નહીં, પણ આતંકનું શાસન હતું. મૅકિયાવેલીનો નવો પાઠ આ કથિત આંતરદૃષ્ટિ પર આધારિત હતો, જે હૉબ્સના આદિમ માણસની પ્રકૃતિની સ્થિતિ (સ્ટેટ ઑફ નેચર)ના સિદ્ધાંતની આગમવાણી જેવો હતો.
રાજ્ય સત્તાના વિકાસને કાયદેસર બનાવતા અવ્યક્ત તત્વના મૂળમાં હિંસા રહેલી છે? મોટા ભાગનાં રાષ્ટ્ર-રાજ્યો ગૃહયદ્ધોનાં પરિણામે બન્યાં; બંધારણના નિર્માણમાં ઘણીવાર ભારે હિંસા એક પરિબળ રહી છે. બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી વારસામાં સત્તા મેળવનારાં રાજ્યોમાં રાજકીય હત્યાઓનો દોર દર્શાવે છે કે સમાવેશ અને બહિષ્કાર કરવાની વિચારધારાઓ કેટલી શક્તિશાળી રહી છે. સામૂહિક હિંસાના ઇતિહાસ સાથે સંબંધિત એક સંશોધનમાં ભારતના ભાગલા પર પણ એક એન્ટ્રી છે. આ વિશ્લેષણમાં નીચેના મૂલ્યાંકન કરવામાં આવ્યા છે:
“હિંસા આકસ્મિક રીતે બની નહોતી… પરંતુ તે ઘટનાના મૂળમાં હતી.” કે હિંસા ભાગલાને કારણે નહોતી થઈ, પરંતુ તે ભાગલા માટે પરિસ્થિતિઓ બનાવવાનું એક મોટું કાવતરું હતું. હિંસા એ નૈતિક ઉદ્યમ હતો જેના દ્વારા વિભાજન પહેલાની સ્થાનિક ઓળખના પાત્ર અને વસાહત પછીના સમયગાળામાં તેની ભૌગોલિક અને રાષ્ટ્રીય વ્યાખ્યા વચ્ચેના તણાવનું નિરાકરણ લાવવામાં આવ્યું. હિંસાએ સમુદાય અને તેની નવી રાષ્ટ્રીય ભૂમિ વચ્ચે જોડતી કડી તરીકે સેવા આપી. આનાથી તેને એક સંગઠિત અને નરસંહારાત્મક પરિમાણ મળ્યું કારણ કે તેનો ઉદ્દેશ્ય સામાજિક ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો હતો જેથી આ વિસ્તારોને અન્ય ધાર્મિક સમુદાયોની હાજરીથી મુક્ત કરી શકાય. (લાયોનેલ બૅક્સસ).
આપણા ઉપખંડનો ઇતિહાસ આપણને કહે છે કે મૂળ હિંસાએ પોતાનાં મૂળ જમાવી લીધાં છે; આપણે સતત યુદ્ધમાં છીએ. આ આખી દુનિયા માટે પણ સાચું છે. કોઈ રાજસત્તાનું બંધારણ ઔપચારિક રીતે તેની કાયદેસરતા સ્થાપે છે, પરંતુ અનૌપચારિક રીતે, કાયદાના નામે નહીં પરંતુ મૂળભૂત હિંસા દ્વારા તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આ જ કારણ છે કે આપણી સરકારો ઇચ્છે છે કે આપણે મૂળ ભયાનકતાઓને યાદ રાખીએ. એટલા માટે કલા દ્વારા અથવા શેરીઓમાં ભયાનકતાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે આપણે ‘હિંદ સ્વરાજ’ માં ગાંધીજીએ જે કહ્યું હતું તેની પાછળનું સત્ય સમજી શકીએ છીએ કે “ડર બતાવીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે, જ્યાં સુધી ભય ટકે ત્યાં સુધી જ આપણી પાસે ટકે છે.”.
સ્થિતપ્રજ્ઞ
ગાંધીજીએ સંઘર્ષોમાં ગુંચવાયેલી પોતાની દુનિયાને કર્મયોગી અને સત્યાગ્રહી તરીકે જોઈ. તેમણે વસાહતી સત્તા અને તેની વસાહતો, બંનેના મનને ‘અંદરથી’ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. આ દૃષ્ટિકોણમાં ‘હૃદયની એકતા’નો તેમનો વિચાર સમાયેલો હતો, જે વ્યાપક અને રાજકીય કે ધાર્મિક વિચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો. પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે, આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ; ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે.
ગાંધીજી માટે, સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે, પરંતુ તે સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય. તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો. આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે – એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે. આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી, તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે.
આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી, તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા ‘બિગ બેંગ’ નામ આપીએ છીએ. આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઈશ્વર શું છે? શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત? તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે: દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી, પરંતુ –
‘મારા માટે, તેને રામ કે રહેમાન કે ઓરમુઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો, તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હજી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે. માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે… કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. . બંને પોતપોતાની રીતે સાચા છે. ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં. જો આદર્શ, આદર્શ હોય, તો તે હંમેશા પહોંચની બહાર રહેવો જોઈએ. ઈશ્વર પ્રાણશક્તિ છે, અંતર્યામી અને અજ્ઞેય છે, પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 136).
‘અંતર્યામી’ શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો. એ જ પત્રમાં, તેમણે તેના વિશે લખ્યું: “જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે, ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે. જે આ જાણે છે, તેની પ્રાર્થનાઓ સાચી છે. જે આ જાણતો નથી તેણે પ્રાર્થના કરવાની જરૂર નથી.” દૈવી પ્રેરણા દરેક આત્માની અંદર હોય છે, તેની બહાર નહીં. ગાંધીજી માનતા હતા કે સારપની પ્રેરણા દરેક માનવીમાં રહેલી છે; આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભારતીય લોકો એક સુંદર નાગરિક સમાજનું નિર્માણ કરી શકે છે. સારું, ખરાબ, સત્ય અને અસત્યના પ્રશ્નો માનવ જીવનના કેન્દ્રીય પ્રશ્નો છે. બધી ધાર્મિક પરંપરાઓએ આ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે, અને બધી સંસ્કૃતિઓના સંતોએ આપણને જવાબો આપી દીધા છે. જો આપણે તેમને સમજી શકીએ, તો સમય અને સ્થળમાં આટલા મોટા તફાવત હોવા છતાં, તે સૂચવે છે કે પરસ્પર આદર પર આધારિત નૈતિક સમુદાયનું નિર્માણ શક્ય છે. આ માટે તમારે ફક્ત પ્રયત્નો કરવાની જરૂર છે. નવેમ્બર ૧૯૪૭ માં, એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું: “જ્યારે પણ કોઈ ક્યાંક ગુનો કરે છે, ત્યારે મને એવું લાગે છે કે હું ગુનેગાર છું. તમારે પણ એવું જ અનુભવવું જોઈએ. જો હું ગુનો કરરૂં તો તમારે પણ વિચારવું જોઈએ કે તમે પણ તેના માટે દોષિત છો. આપણે બધા સમુદ્રના ટીપાંની જેમ એકબીજા સાથે ભળીએ. સમુદ્રના ટીપાં અલગ રહેશે તો તે સુકાઈ જશે. જ્યારે તેઓ સમુદ્રને મળશે, ત્યારે મોટાં જહાજો તેમના વિશાળ વિસ્તાર પર સફર કરી શકશે. સમુદ્રનું જે થાય, તે જ આપણી સાથે પણ થાય. છેવટે, આપણે પણ માણસોનો દરિયો છીએ!” (CWMG, ભાગ 90, પૃષ્ઠ 133).
આ સાથે આપણે સિદ્ધાંતવાદની સીમાઓથી આગળ વધીને આત્માના આકાશમાં પ્રવેશ કરીએ છીએ. આ આકાશ ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર, સિદ્ધાંત અને જીવન, સામાન્ય અને અસાધારણ વસ્તુઓ વચ્ચે છે. કટ્ટર પરંપરાઓમાં પણ, દરવાજામાં રહેલી જે તિરાડમાંથી તે નાસ્તિકોને મત પરિવર્તન માટે આમંત્રણ આપવામાં આવે છે તે એમની વચ્ચેના સૂત્રની વાસ્તવિકતા છતી કરે છે. શા માટે? કારણ કે કોઈ આસ્તિક નાસ્તિકનો મત બદલાવની શક્યતામાં માનતો ન હોય ત્યાં સુધી આમંત્રણ આપી શકતો નથી . આમંત્રણ અને તેના પર ચિંતન વચ્ચેના સમયમાં શું થાય છે? આપણે કોઈને કોઈ ચોક્કસ વિચારધારા કે માન્યતામાં કેમ ઢાળવા માંગીએ છીએ? શ્રદ્ધાની એકરૂપતા અથવા સમાનતા સ્થાપિત કરીને શું પ્રાપ્ત થાય છે? બીજાઓની ટીકા કરતાં પહેલાં આપણે પોતાને કેમ સુધારતા નથી? આખરે આપણે શું ઈચ્છીએ છીએ? આપણું વર્ચસ્વ કે મિત્રતા?
ગાંધીજી જેને ‘હૃદયનું મિલન’ કહેતા હતા તે કોઈ સિદ્ધાંત નથી પણ મૈત્રીપૂર્ણ વાતચીતની વાસ્તવિકતા છે. જો તે વાસ્તવિકતા સ્થિર થાય, તો તેનાથી સમુદ્રી વર્તુળ જેવું બનશે જે, તેમના શબ્દોમાં, પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરશે. તેના વિના દુનિયાનો નાશ થશે.
આ જ હતી ગાંધીજીની સ્થિતપ્રજ્ઞતા એમની શાંતચિત્તતા.
ગાંધીનો સમાજ
૧૯૩૧માં, હવાલદાર ચંદર સિંહ ગઢવાલીએ પેશાવરમાં ખુદાઈ ખિદમતગારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો, અને તેમના બ્રિટિશ અધિકારીઓને કહી દીધું કે ભારતીયો પર ગોળીબાર કરવો એ ભારતીય સેનાનું કામ નથી. . આ અવજ્ઞા બદલ, ગઢવાલીને ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું.
૧૯૩૭માં, જર્મન ઉદ્યોગપતિ જોન રૅબેએ નાનકિંગમાં હજારો ચીની લોકોને જાપાની સેનાએ આચરેલા નરસંહારથી બચાવ્યા.
૧૯૪૦માં,ગુલામ ફ્રાન્સમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ રાજદ્વારી એરિસ્ટાઇડ્સ ડી સોસા મેન્ડેસે સરકારી આદેશોનું ઉલ્લંઘન કર્યું અને નાઝીઓથી ભાગી રહેલા હજારો યહૂદીઓને વિઝા આપ્યા. સાલાઝાર સરકારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પેન્શન પણ ન આપ્યું .
૧૯૪૩માં, નાઝી યુદ્ધ ગુનાઓનો વિરોધ કરનાર ૨૧ વર્ષીય વિદ્યાર્થીની સોફી શોલ, તેના ભાઈ અને વ્હાઇટ રોઝ જૂથના બીજા સભ્યોને ગેસ્ટાપોએ મોતને ઘાટે ઉતારી દીધા.
૧૯૪૨માં, નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજીએ વિશ્વયુદ્ધ દરમિયાન એક હજાર અનાથ પોલિશ બાળકોને દત્તક લીધાં અને તેમને પિતાની જેમ ઉછેર્યાં.
૧૯૪૭માં, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કામરેડ ગેહલ સિંહે હજારો પંજાબી મુસ્લિમોને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટે મદદ કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
માનવતાના શબ્દો, હિંમતના શબ્દો
આવા લોકોને અજાણ્યાઓ તરફ મદદનો હાથ લંબાવવા માટે શું પ્રેરણા આપે છે? આ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નથી. આપણે ફક્ત તેમના શબ્દોનું પુનરાવર્તન કરીને જ તેમને યાદ કરી શકીએ છીએ.
૧૯૩૭ માં, જર્મન પાદરી પાદરી નીમોલર તેમના ચર્ચમાં ઉભા થયા અને જાહેર કર્યું: “જ્યારે ઈશ્વર આપણને બોલવાનું કહે છે ત્યારે આપણે હવે કોઈ પણ માણસના આદેશ પર ચૂપ રહેવા તૈયાર નથી.” આ શબ્દોને કારણે તેમને નજરકેદ શિબિરમાં મોકલવામાં આવ્યા.
જ્યારે પોલિશ સામાજિક કાર્યકર ઇરેન સેન્ડલરને પૂછવામાં આવ્યું કે ગેસ્ટાપોના ત્રાસ છતાં તેમણે ૧૯૪૩માં વોર્સોમાં યહૂદી લત્તામાંથી સેંકડો બાળકોને કેમ બચાવ્યાં, ત્યારે તેમણે ફક્ત જવાબ આપ્યો: “હું બીજું કંઈ કરી શકતી નહોતી.” .
સર્બિયન પ્રોટેસ્ટંટ પાદરી ટિબોર વર્ગાએ 2015 માં ઘણા સીરિયન શરણાર્થીઓની સંભાળ રાખી હતી. જ્યારે તેમને તેમના ચર્ચની સામે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શરણાર્થી આશ્રય તરફ ઈશારો કરીને કહ્યું, “આ મારું ચર્ચ છે.”
તે જ સમયે, એક શ્રદ્ધાળુ ગ્રીક પાદરી, ફાધર સ્ટ્રેટિસ ડિમોઉએ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી. તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે “પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી”.
પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી (૧૯૨૮-૨૦૧૬) એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી. તેમના છેલ્લા શબ્દો હતા – “મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો”.
૨૦૧૯ માં, સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું.. તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે, કારણ કે “કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી”.
૧૯૬૮માં, ડેનિયલ અને ફિલિપ બેરીગન (બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો) વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા. બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા. તેમણે આ નિવેદન બહાર પાડ્યું: “અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ. મારા પ્રિય મિત્રો! વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા, બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો. ઈશ્વર અમારી મદદ કરે, અમે બીજું કંઈ કરી શકતા નહોતા. અમે દિલથી બીમાર છીએ, તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે”.
આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે. અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી. તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી, કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી. અને આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી.
ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા. તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી, કારણ કે “તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો..” તેમણે ‘ઇતિહાસના નિયમો’ અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ૧૯૨૬ માં, એક પત્રકારના પ્રશ્નના જવાબમાં, તેમણે લખ્યું: “જો આપણે પ્રગતિ કરવી હોય, તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ. આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ, તો આપણે અધ્યાત્મનાક્ષેત્રમાં શા માટે નાદારી બતાવવી?” (CWMG; ભાગ ૩૦, પૃષ્ઠ ૪૧૫).
ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો. તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો. જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે? શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે?
સમુદ્રી વર્તુળ
વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે. વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે, જેની કોઈ શરૂઆત કે અંત નથી. બહારની તરફ વિસ્તરતાં, તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે. તે સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે. ગાંધીજીએ તેને આ રીતે જોયું-
“અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય. જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે, પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે. અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે, આખરે એ વિસ્તરીને, ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર, સમુદ્રી વર્તુળ, જેનો તેઓ અભિન્ન ભાગ છે, તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે.. તેથી, સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે. આ તો તુક્કા છે, એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી. ‘યુક્લિડનું બિંદુ‘ બનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં, તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે. ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે, ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે. (CWMG; ભાગ 85, પૃષ્ઠ 33, 28 જુલાઈ 1946).
ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી, વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે. તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા. આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ કે “મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ, જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે. નહીંતર તે નાશ પામશે.” તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો; તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે. ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી.
ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં, રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી. ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી. જ્યારે હજી પણ આશા હતી, ત્યારે પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા. ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી; સૌથી ખરાબ સમયમાં, તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી. તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી, પરંતુ તેની યાદ અપાવી. જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો. આ સંદેશ અસાધારણ સારપ, શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો.
લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં, વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું: “તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય, તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી. તે ખૂબ જ અગાધ છે”.ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે. પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે, જેમાં વાર્તાનું પાત્ર (જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી) જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે. તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે. ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે. ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે. બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો-ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી. જ્યારે હિંસા ઓછી થવા લાગી, ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે. જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી, ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું. જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું: “મારું જીવન એ જ મારો સંદેશ છે”.
ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો’. બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં, તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧,૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા.
ઓક્ટોબર ૧૯૪૭માં, ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી. તેમને રેડિયોને બદલે ‘રેંટિયો પસંદ હતો. તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો. આ અવાજમાં તેમણે “માનવતાનું ઉદાસ સંગીત” સાંભળ્યું. ચરખો એક નાનું લાકડાનું પૈડું છે, પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ, જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો.
સ્વાભાવિક છે કે, ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું.
૦૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સાચા પડી શકે એવા કેટલાક અપ્રકાશિત ફેક ન્યૂઝ
ચેતન પગી
આજકાલ પોલીસથી લઈને મંત્રી અને મંત્રીના પી. એ. સુધી બધા નકલી મળી આવે છે. ભવિષ્યમાં જો અસલી ઈતિહાસકાર બચશે તો હાલના સમય પર નકલી યુગ નામે અલગ ચેપ્ટર લખી નાખશે એ નક્કી છે. નકલી અધિકારી, નકલી ડોક્ટર વિશેના અસલી સમાચારોની ભરમાર વચ્ચે વાંચો કેટલાક એવા નકલી સમાચાર જે ક્યારેક સાચા પડી જાય તો પણ કંઇ કહેવાય નહીં.

- સાઇડ લાઇટ બતાવનાર રિક્ષાચાલકનું ટ્રાફિક પોલીસ દ્વારા સન્માનઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ‘રિક્ષા અમારી, સલામત સવારી’ નામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે સાઇડ લાઇટ બતાવીને રાષ્ટ્રનિર્માણમાં ઉત્તમ યોગદાન આપનાર રિક્ષાચાલકનું સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત રાજમાર્ગો પર સાઇડ લાઇટ બતાવનાર રિક્ષ ચાલકને શોધવા પ્રયાસો હાથ ધરાયા નહોતા. પ્રયાસોમાં સફળતા નહીં મળતા સાઇડ લાઇટ ચાલુ કરવાની ફરજ પાડ્યા બાદ એક રિક્ષાચાલકનું સન્માન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રિક્ષાચાલક યુનિયને સન્માનિત રિક્ષાચાલકનો સામાજિક બહિષ્કાર કર્યો છે.
- સૂત્રોના મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ, ચાર પત્રકારો રંગે હાથે ઝડપાયાઃ દિલ્હી પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડમાં સામેલ વિવિધ ન્યૂઝ ચેનલના ચાર પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓ ‘સૂત્રો કે હવાલે સે પ્રાપ્ત જાનકારી અનુસાર..’’ એવું કહીને સમાચાર આપતા હતા. તપાસ દરમિયાન આ ‘સૂત્ર’ એક કાલ્પનિક પાત્ર હોવાનો ઘટસ્ફોટ થતાં ‘હવાલા કૌભાંડ’ સામે આવ્યું હતું. કાર્યવાહીના પગલે અન્ય પત્રકારોએ રાતોરાત પોતાના ‘સૂત્ર’નું વિસર્જન કરી નાખ્યું છે.
- પોલીસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ ભાવવિભોર બનેલા નાગિરકને પોલીસ સ્ટેશન પહોંચ્યાં બાદ હૃદયરોગનો હુમલોઃ શહેરના એક સંવેદનશીલ નાગરિક હાલ આઇ. સી. યુ.માં સારવાર હેઠળ છે. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે તેમણે સોશિયલ મીડિયા પર ગરીબને ભોજન આપતા કે સિનિયર સિટિઝન સાથે ગરબા રમતા પોલીસ જવાનોના વિડીયો નિહાળ્યા હતા. આ વિડીયોમાં પ્રેમાળ તથા મદદ માટે સદૈવ તત્પર પોલીસ જવાનોને જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા. બાદમાં તેઓ તત્કાળ મારતા સ્કૂટરે પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર પોલીસ જવાનોનું તદ્દન અલગ સ્વરૂપને નિહાળીને તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હાલ સંવેદનશીલ નાગરિકની તબિયત સુધારા પર છે. ભાનમાં આવ્યા બાદ તેમણે સૌથી પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી સાઇન-આઉટ કર્યું હતું.
- અચાનક જાહેરમાં દેખાયેલા જનપ્રતિનિધિને ચોર સમજી લોકોએ માર માર્યોઃ પંચાયતના સભ્ય, કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય-સંસદસભ્ય જેવા જનપ્રતિનિધિઓએ ચૂંટણી આવવાની હોય ત્યારે જ દર્શન આપવા એવી પરંપરા રહી છે. જોકે, હાલમાં જ એક કોર્પોરેટરે આ પરંપરાનો ભંગ કરીને ચૂંટણી નહીં હોવા છતાં જાહેરમાં દેખા દેતા લોકોએ આઘાત સાથે મૂંઝવણ અનુભવી હતી. નગરમાં ચોર ફરી રહ્યા હોવાની અફવાઓના પગલે લોકોએ ઓચિંતા પ્રગટેલા કોર્પોરેટરને ચોર સમજીને તેમની સાથે મારપીટ કરી હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ ‘આ તો આપણા કોર્પોરેટર છે’ એવો ફોડ પાડતાં મારામારી અટકી હતી. બાદમાં કોર્પોરેટરનું ગલગોટાનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોર્પોરેટરે વધુ એક બાંકડો મુકાવવાનું વચન આપી વિદાય લીધી હતી.
- નિવૃત્ત અંકલે ૮૫ વર્ષની વયે ‘વોટ્સએપ યુનિવર્સિટી’માંથી પીએચ. ડી. કરી યુવાનો સમક્ષ દાખલો બેસાડ્યોઃ હાલના સમયમાં જ્યારે આપણું યુવાધન રીલો જોવામાં સમય વેડફી રહ્યું છે ત્યારે એક સિનિયર સિટિઝને ૮૫ વર્ષની વયે ‘વોટ્સએપ યુનિવર્સિટી’માંથી પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે. નિવૃત્ત એવા આ સિનિયર સિટિઝને સોસાયટીથી લઈને બગીચા સુધીના દરેક બાંકડે બેસીને ‘વોટ્સએપ યુનિવર્સિટી’માં નિરંતર અભ્યાસ કરીને ‘સામાજિક મૂલ્યોમાં ધોવાણ વચ્ચે રાષ્ટ્રનિર્માણનું મહાઅભિયાન’ વિષય પર સંશોધન કર્યું હતું. ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ‘વોટ્સએપ’ પર ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ, સામાજિક પરિવર્તનો વિશે પોસ્ટ પ્રસારિત કરતા વિવિધ આઇ. ટી. સેલના સભ્યોનો આભાર માન્યો હતો. સમાચાર સમાપ્ત થયા.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
ચહેરા વિનાનો
અવલોકન
– સુરેશ જાની

કાલે એક ફેશનેબલ સ્ટોરમાં આ બે જણ મળ્યા! આવા તો એ સ્ટોરમાં આવા ઘણા ઠેકઠેકાણે ઊભેલા હતા. કપડાંને નિખાર આપવાનું એમને સોંપાયેલું કામ એ બધા દિવસ રાત બહુ નિષ્ઠાથી નિભાવે છે! –
‘mannequin’
લેક્સિકોન પર એનો અનુવાદ – ‘કપડાં પહેરીને તેનું પ્રદર્શન કરવા રાખેલો માણસ, દુકાનમાં રખાતું કપડાં પહેરાવેલું બાવલું.’
આ બે બાવલાં ઘરમાં વપરાતા હેન્ગરના મોંઘાદાટ અવતાર. એમનું કામ માત્ર કપડાં લટકાવવાનું નહીં, પણ કપડાંના છેવટના વપરાશકારને પ્રદર્શિત કરવાનું- એક વ્યાપારી આયોજન આમ તો છે. પણ અજાણતાં જ છેવટના એ વપરાશકારની એક આબેહૂબ પ્રતિકૃતિ કેમ લાગી?
એમની પાછળની દિવાલ પર જેમના માટે એ આ કામ કરે છે – એમની એક તસવીર પણ લટકી રહી છે. પણ એ તો બે જ પરિમાણ વાળી – ખાલી તસ્વીર જ. એને કોઈ ત્રિમરિમાણીય અસ્તિત્વ જ નથી! ચહેરા વિનાના એ બે જણને જોઈ, એ ખોફનાક ખવીસ યાદ આવી ગયો. એ જણની એક જૂની કલ્પના મોજૂદ છે –
અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા
તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે. પણ સઘળું નકર્યા અંધકારમાં. માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.
એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.
પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!
કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર? આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકીયું પણ કરી શકતા નથી. આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના? લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં. એ છે – આપણું શરીર!
પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે! ) અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.
અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા. જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.
અને આ અવલોકનકારનું માનસ ખળભળી ઊઠ્યું. આ જ આપણી જાત. મૂળ જાત – માણસ – તો મરી ગયો. ખાલી બાવલાં જ રહી ગયાં.
The Sapien is DEAD!
હજારો વર્ષની યાત્રા અને ‘કહેવાતા વિકાસ’ પછી એ મરી ગયો છે – એ આ બાવલાંની જેમ નિર્જીવ નથી; પણ ખાસ ફરક પણ નથી જ! એ યંત્રવત હાલે છે, ચાલે છે, કહેવાતું જીવન જીવે છે. પણ એનો મ્હાંયલો મરી પરવાર્યો છે. ઓલ્યા બાવલાંના પહેરણ પહેરી એ પોતાની જાતનું પ્રદશન કરતો રહે છે – નગ્નતાને ઢાંકવાનો અસફળ પ્રયત્ન સતત કરતો રહે છે. પણ માનવતાના પાયાનાં પૂર્જાઓને ઊકાળી, પીગાળી, બીબામાં ઢાળી નાંખેલું એક બાવલું જ એ બની ગયો છે. સાવ લાગણીશૂન્ય, કેવળ સ્વલક્ષી અને માત્ર પોતાની જ દુનિયામાં જીવતો આજનો માણસ.
હર ક્ષણે સતત મરતો રહેતો ‘Sapien’
એને હજુ ઘણી વધારે પ્રગતિ, વિકાસ કરવો છે. મહામાનવ બનવાના એના ઓરતા છે – કદાચ વિજ્ઞાનના સહારે અમર બનવાની અભિલાષા એને છે. પણ એની ભવિષ્યનું રૂપ/ દેખાવ કદાચ આવાં હશે –

એ અમર હશે. એ માંદો પડે તો એને હોસ્પિટલમાં દાખલ નહીં કરવો પડે- મરી જશે તો એની સ્મશાનયાત્રા નહીં નીકળે. એને ફેક્ટરીમાં લઈ જશે. મોટર, બેટરી, કોમ્પ્યુટર જેવાં રમકડાં વાપરી એ ફરીથી જીવતો બની જશે. કદાચ નવો સોફ્ટવેર આપી એનો એકદમ આધુનિક નવો અવતાર હાલતો ચાલતો થઈ જશે!
આપણે સૌ ચહેરા વિનાના?
કેમ રડવું આવી ગયું ?
કારણકે,
હજુ એ સેપિયનના થોડાક કોશ જીવે છે?!
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રજનન દરમાં ઘટાડો સામાજિક પરિવર્તનનો સંકેત છે
નિસબત
ચંદુ મહેરિયા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્દ્રાબાબુ નાયડુએ તેમની સરકાર બે થી વધુ બાળકો હોય તેને ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બે થી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘ અમે બે અમારા બે ’ ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દરની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃધ્ધિની અપીલો થઈ રહી છે.
આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલા જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર ૨.૧ થી નીચે જાય છે ત્યારે તે આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે. એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્રપ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દરના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃધ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દરના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ ( TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫ થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫ થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા, પ્રજનન દર કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨ એ પહોંચ્યો છે.
માનવ ઈતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દરમાં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે ચૌદ વરસમાં આ સિધ્ધિ મેળવી છે. તેના કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે.
શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃધ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દરનો ઘટાડો છે. જોકે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે શિક્ષણના ઉંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ અને શહેરીકરણ જેવા કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે.
ટોટલ ફર્ટિલિટી રેટના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃધ્ધિનો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃધ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃધ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃધ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃધ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટીએફઆરમાં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃધ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે.
એક એવો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમકે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃધ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨ છે પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડા લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દરનો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે.બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઉંચાઈ ધરાવતા બાળકોની સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.
રાજકારણીઓને પ્રજનન દરના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ.
જો અન્ય પર નિર્ભર વૃધ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃધ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃધ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃધ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પ્રથમ મહિલા શાસક સન્માન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.જયા મહેતા
કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણની કવિતા ‘ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી’ કાવ્યથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય ! આજે પણ કોઈ સ્ત્રી સંઘર્ષનો બહાદુરીપૂર્વક સામનો કરી મર્દાની સાબિત થાય તો આપણે તેને ‘ઝાંસીની રાણી’નું બિરુદ આપી નવાજીએ છીએ. તાજેતરમાં બનેલી કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી’ની વાર્તા ભારતમાં ૧૮૫૭માં થયેલા બળવા પર આધારિત છે જેમાં ઝાંસીને બચાવવા અંગ્રેજોની વિશાળ સેના સામે પોતાના મુઠ્ઠીભર સૈનિકો સાથે રાણી લક્ષ્મીબાઈ લડતી રહી અને વીરગતિને પામી. શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ એક કુશળ પ્રધાનમંત્રી અને રાજનીતિજ્ઞ હતા એમાં કોઈ શંકા ન હોય શકે. લોખંડી મનોબળ ધરાવનાર એક હિંમતવાન મહિલા વડાંપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હંમેશાં લોકોને યાદ રહેશે. ઇતિહાસમાં મહદ્ અંશે સ્ત્રી-પુરુષના કાર્યો વચ્ચેનો તફાવત સદીઓથી યથાવત્ રહ્યો છે. પુરુષપ્રધાન સમાજની માન્યતાઓને લીધે ઈતિહાસમાં પણ નારીચેતાનાને બહુ મહત્વ અપાતું ન હતું. ઇતિહાસનું ખરું પાત્ર જાણે પુરુષ જ હોય તેવું લાગ્યા કરે. નારી માત્ર ઘરકામ પૂરતી જ સીમિત મનાય છે. નારીની આવી અવહેલનાને નારીવાદીઓએ પડકારી છે. ઈતિહાસલેખનમાં કોઈ નારીપ્રતિભાને સ્થાન મળે એ ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય. ઇતિહાસના પાને સબળ સ્ત્રીઓની ભૂમિકાની નોંધના કેટલાક ઉદાહરણોમાં રઝિયા સુલતાનનું નામ નક્કર હાજરી નોંધાવે છે.

પિતા ઇલ્તુત્મિશ ગ્વાલિયરના હુમલામાં સામેલ હતા. આથી તેણે દીકરી રઝિયાને દિલ્હીનું ટેમ્પરરી શાસન સોપ્યું. પરંતુ પાછા ફરતા રઝિયાની રાજ્યકર્તા તરીકેની કુશળતા જોઈ આશ્ચર્યચકિત થઇ ગયા અને રઝિયાને પોતાની ઉત્તરાધિકારી નિયુક્ત કરી. તેના પિતા કહેતા કે ‘મારી આ નાની પુત્રી કેટલાયે પુત્રો કરતા શ્રેષ્ઠ છે.’ ૧૨૦૫માં જન્મેલી રઝિયાએ ૧૨૩૬ થી ૧૨૪૦ સુધી દિલ્હીની ગાદી પર રાજ્ય કર્યું. એ એક સાહસિક મુસ્લિમ સુલતાન હતી. પિતા જે નિયમોને પોતાના પ્રશાસનમાં લાગુ કરતા એ તેને અત્યંત આકર્ષિત કરતા. રઝિયા ઘોડેસ્વારી અને ધનુર્વિદ્યામાં પારંગત હતી. તો માર્શલ આર્ટ પણ સુપેરે જાણતી હતી. યુદ્ધને લગતા કોઈ પણ ઉપક્રમમાં પિતા ઇલ્તુત્મિશ સાથે રઝિયા જતી. તેમની સાવકી માતા અને ભાઈ તો તેને રાજગાદી સોંપવા માગતા જ નહોતા પરંતુ પિતાના લેખિત પત્રમાં કરાયેલા ઉલ્લેખને લીધે તેઓ ન ઈચ્છતા હોવા છતાં ૧૦ નવેમ્બર ૧૨૩૬ ના રોજ ‘જલાલાત-ઉદ-દીન રઝિયા’ના નામની સત્તાવાર ઘોષણા સાથે રઝિયાએ રાજગાદી સંભાળી.
તે બુદ્ધિમાન અને બહાદુર યોદ્ધા હતી. ઈમાનદાર અને ન્યાયપ્રિય શાશક હતી. માત્ર સાડા ત્રણ વર્ષના શાસનમાં તેના ઉત્તમ કાર્યો દ્વારા ઇતિહાસના પાનાઓ પર એક નક્કર જગ્યા બનાવી. દિલ્હીમાં રઝિયા સુલતાનનો મકબરો એ બહાદુર સ્ત્રીની યાદ આપે છે. એક સુલતાનને શોભે તેવું અંગરખું અને રાજમુકૂટ પહેરી એ હાથી પર સવાર થઈ યુદ્ધમાં ભાગ લેતી. મુસ્લિમ રીવાજોની વિરુદ્ધ એ પોતાનો ચહેરો ખુલ્લો રાખતી. મુસ્લિમ સ્ત્રીના પરદામાં રહેવાની વાતનો તેણે સખ્ત વિરોધ કર્યો અને પોતે સ્ત્રી હોવા છતાં પુરુષનો પોશાક અપનાવ્યો. પુરુષોની જેમ સજ્જ થઇ તે રાજદરબારમાં બિરાજતી. એક ઉત્તમ શાસકને શોભે તેવા સઘળા ગુણો તેણીમાં હતા. પોતાના પ્રદેશમાં તેણે સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરી. તેની પ્રજા રઝિયા દ્વારા લાગુ કરાયેલા બધા નિયમોનું પાલન કરતી. રાષ્ટ્રનો વિકાસ સાધવા તેણે આદાન-પ્રદાન (વિનિમય)ને ઉત્તેજન આપ્યું. ગલી, રસ્તા અને કૂવાઓના બાંધકામને મહત્વ આપ્યું. શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ પુસ્તકાલયોને અગ્રીમતા આપી. વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન કે નવી શોધો માટે પણ રઝિયાએ પ્રોત્સાહન આપ્યું. કલા અને સંસ્કૃતિના વિકાસ માટે વિદ્વાનોનું સમર્થન કરી જરૂરી યોગદાન આપ્યું. પોતે મુસ્લિમ શાસક હોવા છતાં હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા રઝિયાએ સતત પ્રયત્ન કર્યા. તેણીએ ક્યારેય હિન્દુ પ્રજાનું દિલ દુખાવ્યું નહોતું.
પ્રથમ મહિલા શાસક તરીકે સન્માન પ્રાપ્ત કરનાર રઝિયા સુલતાન ઉપર ૧૯૮૩માં કમાલ અમરોહીએ ધર્મેન્દ્ર અને હેમાને લઈને ‘રઝિયા સુલતાન’ ફિલ્મ બનાવી. જેનું જાં-નિસાર અખ્તરનું લખેલું ગીત ‘એ દિલે નાદાન’ ઘણું લોકપ્રિય થયું હતું. ૨૦૧૫માં એંડ ટી.વી. પર રઝિયા સુલતાન સિરિયલ આવેલી. એ રીતે દેશના દરેક ઘરમાં રઝિયા સુલતાને પ્રવેશ કર્યો. રફીક ઝાકરિયા દ્વારા ‘રઝિયા, ધ ક્વીન ઓફ ઇન્ડીયા’ પુસ્તક પણ લખાયું છે.
રઝિયાએ પોતાને ‘સુલતાના’ તરીકેની ઓળખાવાની વાતનો વિરોધ કરી ‘સુલતાન’નું બિરુદ અપનાવેલુ. કારણ કે ‘સુલતાના’નો અર્થ ‘બીજું’ અથવા ‘તેના પછી’નું થાય. તે પ્રથમ હતી. બીજી નહીં. સ્ત્રી હોવા છતા પુરુષ સમોવડી હતી. એ કહેતી કે ‘પુરુષને સુલતાનનું બિરુદ મળે તો સ્ત્રીને કેમ નહી ?’ રઝિયા સત્તા પર આવતા ‘એક સ્ત્રી શાસન કરે’ તે વાતથી લોકોમાં ઇર્ષ્યા જાગી. પુરુષોનો તેજોદ્વેષ થયો. વળી પાડોશી દેશના આફ્રિકન સીદી ગુલામ જમાલુદ્દીન યાકુત માટેના એકતરફી પ્રેમે રઝિયાને ઘણું નુકશાન પહોંચાડ્યું. રઝિયાના આ પ્રેમ બાબતે ઘણા શાસકો અને હોદ્દેદારો નારાજ હતા. રઝિયાના બાળપણના મિત્ર હોવા છતાં ભટીંડાના રાજ્યપાલ મલિક ઇક્તીર-ઉદ-દીન અલ્તુનિયાએ રઝિયા વિરુદ્ધ કાવતરું ઘડ્યું. અલ્તુનિયાએ રઝિયાને કેદ કરી ત્યારે તેના ભાઈ મુઝુદ્દીન બહરામ શાહે પોતાને દિલ્હીનો સુલતાન જાહેર કરી દીધો. તેણે પોતાની બહેનની વિરુદ્ધ અનેક અફવાઓ ફેલાવીને રઝિયાને બદનામ કરી હતી. સમય જતા અલ્તુનિયા રઝિયાના પ્રેમમાં પડ્યો. આ પહેલા રઝિયા અને ગુલામ યાકુતના સંબંધો વિશેની અફવાઓ ફેલાઈ હતી એ વાતથી અલ્તુનિયાને ખૂબ ઈર્ષા થઈ. યાકુતની હત્યા કરાવ્યા બાદ છેવટે બન્ને વચ્ચે સમાધાન થયું. પોતાની કીર્તિને બચાવવા માટે પછીથી રઝિયાએ સમજદારીપૂર્વક અલ્તુનિયા સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું.
રઝિયા અને પતિ અલ્તુનિયાએ રઝિયાના ભાઈએ પચાવી પાડેલા રાજ્ય પર કબ્જો કરવાનો નિર્ણય લીધો. પરંતુ રઝિયાના ભાઈ બહરામ શાહે અનેક લોકોના જુથ સાથે મળીને પતિ-પત્નીને હરાવીને કેટલાક ડાકુઓ મારફત તેમની હત્યા કરાવી નાખી. આમ દિલ્હીની પ્રથમ અને અંતિમ મહિલા સુલતાન ૩૫ વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી ગયા. એક સ્ત્રી હોવા છતાં શાસનની સમગ્ર દોર પોતાના હાથમાં લેવાની વાતે તેનું પતન થયું એવું મૂલત: મનાય છે. જો કે મહિલા સ્વતંત્રતાનો મુદ્દો આજે પણ બધે ચર્ચામાં છવાયેલો રહે છે. ‘સાહબ, બીવી ઓર ગુલામ’, ‘હંટરવાલી’ કે ‘રંગૂન’ જેવી અનેક ફિલ્મોમાં થતું નાયિકાનું ચરિત્ર-ચિત્રણ પરંપરાગત સ્ત્રીની છબિને તોડી સમાજને બદલાવ માટે અપીલ કરે છે. પણ આપણો દંભી સમાજ આજે એકવીસમી સદીમાં પણ નારી શક્તિને સ્વીકારવા દિલથી રાજી નથી. સૈફ પાલનપુરીની શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી અને એક શહેજાદી જોઇ હતી. પણ રઝિયા નોંખી માટીની હતી. નારી સત્તાના નવલારૂપ માટે સર જમી હિન્દુસ્તાન યાદ રાખશે.
ઇતિ
સારું વક્તવ્ય એને કહેવાય જેનો પ્રારંભ અને અંત બંને રસપ્રદ હોય અને એ બંને વચ્ચેનો ગાળો ટૂંકો હોય.
-દ લા રોશફૂકો
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઊજળો આવકાર
યંગ ક્લબ
“ઉજળો આવકાર” ગુરુવર્ય શ્રી તાકતસિંહ પરમારે યંગ ક્લબ નાં નાટકો નું પહેલું પુસ્તક બહાર પડ્યું તેમાં લખેલી પ્રસ્તવના છે.
નીતિન વ્યાસ
ઘણાં વર્ષોથી નાટયક્ષેત્રે પ્રવૃત્ત નહિ હોવા છતાં ૧૯૩૫ થી લગભગ ૧૯૬૦ સુધી, નાટયલેખન અને મંચનના ક્ષેત્રે નવો ચીલો પાડનાર યંગ કલબે ભજવેલાં ચાલીસેક લધુનાટકો–એકાંકીઓ પૈકી સાત નાટકો અહીં રજુ થાય છે ત્યારે ” સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે ” જ્યારે કોઈ પણ પુસ્તક છપાય ત્યારે તેની ‘પ્રસ્તાવના’ કોઈ સિદ્ધહસ્ત, વિદ્વાન લેખક કે વિવેચક આલેખે … અમે આ પુસ્તક છપાવીએ છીએ ત્યારે એ ચાલને ચાતરીને ચાલવું છે” ને તે છતાં ભાઈ પીયૂષ પારાશર્ય અને અન્ય મિત્રોનાં સૂચન થી મારે થોડુંક કહેવું છે; વિવેચક તરીકે કે વિદ્વાન તરીકે નહિ, પણ આ નાટકો જેણે જોયેલાં અને માણેલાં છે.
જે.બી.પ્રિસ્ટલીના Dangerous Corner કે Inspector Calls ના રૂપાંતરોના પૂર્વપ્રયોગ–રીહર્સલ–પછી બાબુભાઈ વ્યાસ અને ડૉ. અરવિંદ મહેતાએ કરેલી નુકતેચીનીમાં સામેલ થવાની તક પણ જેને પ્રાપ્ત થઈ છે, અને એ બન્ને વ્યકિતઓની સાથે શિશુવિહાર બુધસભાના સ્થાપક સભ્ય બનવાનો લહાવો જેને મળ્યો છે એવી વ્યકિત તરીકે મારે થોડુંક કહેવું છે. આ સાત નાટકોને થોડા શબ્દોમાં આવકાર આપવો છે.
૧૯૩૩ ના જૂનમાં ભાવનગર આવવાનું થયું. આ નાટકોમાં ને પંચવટીમાં સક્રિય રહેલા હરિભાઈ ચૌહાણ મારા પાડોશી, સહાધ્યાયી. (આ મૈત્રી ૧-૮–૧૯૯૫ સુધી તેમના દેહાવસાન સુધી ચાલુ રહી). બનતાં સુધી તેમનાં જ સૂચનથી આલ્ફેડ હાઈસ્કુલના ક્રિકેટ મેદાનમાં ખુલ્લા મંચ પર ભજવાતા નાટયપ્રયોગો જોવાનું મળ્યું. ’૩૪ ના ફેબ્રુઆરીમાં, હું ભૂલતો ન હોઉં તો ઈન્દુલાલ ગાંધીના બીજા એકાંકી સંગ્રહ ‘પલટાતાં તેજ’ માનું ‘પલટાતાં તેજ’ (હેતુલક્ષી રચના) અને ધનસુખલાલ મહેતાનું ‘તરસ’ જોવા મળ્યું. તેમનું જ જાણીતું પ્રહસન ‘પગરખાંનો પાળિયો’ યંગ કલબે તે પછી ભજવ્યું. ( આ જ મેદાન પર ક્રિકેટની રમતમાં બાબુભાઈએ છક્કો મારેલો ને એક બહેનની દોણી ફૂટી ગએલી એવું પણ ઝાંખું ઝાંખું યાદ છે.) ખુલ્લા મંચ પરથી એ.વી. સ્કૂલ, – આજની ધનેશ મહેતા માધ્યમિક શાળા–ના નાનકડા રંગમંચ ને સાંકડે માંકડે ચારસો પ્રેક્ષકો બેસી શકે તેવા મધ્યખંડમાં નાટકો ભજવવા લાગ્યા. અન્યત્ર લખાયું છે તેમ નાટયપ્રયોગોને અંતે ખર્ચની રકમ જાહેર કરવામાં આવે ને અનુકૂળતા હોય તો પ્રેક્ષક છ આના ( આજના સાડાત્રીસ પૈસા ) એ જ ખંડમાં, બીજે દિવસે નિયત સમયે પહોંચાડે.
દર વર્ષે ઓકટોબરની રજાઓમાં દિવાળી આસપાસ, નાટકો ભજવાય, તૈયારીઓ થાય. આ નાટકોનું, એનાં મંચનનું, ગુજરાતી નાટય સાહિત્યના અને તેના મંચનના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. આજના જેવાં ધ્વનિપ્રસારણ કે ધ્વનિપટ્ટિકાઓ, પ્રકાશ-આયોજનની સગવડતા નહિ. તદ્દન ઓછા ખર્ચે, સન્નિવેશની ખાસ લપછપ વિના આ નાટકો ભજવાય. પ્રેક્ષકોને સામાન્યતઃ ઊંચી ડોક રાખીને જ, નાટકની પરિભાષામાં કહીએ તો Sit back નહિ પણ Sit up ની ૧ સ્થિતિમાં બેસવું પડે. દાદા આ મંચ પર ક્યારે પ્રવેશ્યા તેતો બાબુભાઈ કહે ત્યારે, ઘણા ખરા દાદાઓએ, દાદા થયા પછી, જીવનમાંથી વિદાય લીધી છે.—પણ આ એક વિલક્ષણ પ્રયોગ હતો. પ્રેક્ષકોની વચ્ચેથી દાદાઓ પ્રવેશે, તત્કાલીન ઘટનાઓ વિષે વક્રોકિતપૂર્ણ વાકયોમાં, કયારેક ધારદાર તો ક્યારેક સૂક્ષ્મ નર્મ-મર્મ યુકત પ્રહારો થતા રહે; જેના પર પ્રહાર થતો હોય તે પણ માણે એવી ખેલદિલી તેમાં હોય – હાસ્ય હોય પણ ડંખ ન હોય. અમે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિધાલયમાં બાપુનો ડાયરો’ નો આ પ્રકારનો જ પ્રયોગ ૧૯૪૩ થી શરુ કરેલો (હમણાં બાપુ આરામ પર છે) ને નાટયવિદ્દ, કુશળ નટ, દિગ્દર્શક શ્રી કિરીટસિંહજી ગોહિલે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યાવિદ્યાલયમાં ‘બઈજી’ નો પ્રયોગ શરુ કર્યો. યંગ કલબનાં નાટકોનાં લેખનમાં સહ ભાગી રવિભાઈ મહેતા, બાબુભાઈ વ્યાસ, મુનિકુમાર ભટ્ટ, જગદીપભાઈ વીરાણી તેના સાથીનેં સહભાગી. આવાં નાટકોને પાછળથી Improvisation જેવું મોટું નામ મળ્યું. દાદાઓ ને ફરી પાછા બોલાવવા જેવા. માત્ર ભાવનગરમાં નહિ, ભાવનગરની બહાર પણ યંગકલબનાં નાટકોની નોંધ ગૌરવ પૂર્વક લેવાતી હતી.
આપણે નાટયક્ષેત્રે આજે (૧૯૯૯માં) ઠીક ઠીક ગતિ કરી હોવા છતાં, આપણું નાટક-સાહિત્ય સમૃધ્ધ નથી. વાંચવાનું નાટક અને
ભજવવાનું નાટક–સાહિસસત્યિક નાટક અને રંગભૂમિક્ષમ નાટક ની જુદી નાત હતી ને – -7 સાહિત્યિક નાટક – વાંચવાનું નાટક વિશેષ ગૌરવ પામતું હતું. એમાં, ફેરફાર થયો છે, ન ભજવાય તે નાટક નહિ એવું સ્વીકારાવાથી લાગ્યું છે– પણ આ સૈકાના ચોથા પાંચમાં દાયકામાં – ને છઠ્ઠા દાયકામાં પણ યંગ ક્લબનું નાટક એ વિરલ ઘટના હતી. ભજવનાર પાત્રોની ક્ષમતાને લક્ષમાં રાખીને મિત્રો આ નાટકો લખતા ને પૂર્વપ્રયોગ દરમિયાન ફેરફાર પણ થતાં રહેતા. એટલે જ સમગ્ર ગુજરાત એની નોંધ લેતું. આ અંગે એક જાત અનુભવ નોધું. વર્ષનો ખ્યાલ થોડો ચૂકાઈ ગયો છે, પણ સંભવતઃ ૧૯૫૫ ના ઓકટોબરમાં સૌરાષ્ટ્ર લેખક મિલનનું બીજું અધિવેશન ભાવનગરમાં મળ્યું. ત્યારે શિશુવિહારના રંગમંચ પર ‘અણધાર્યા ઊતરાણ’ અને સંભવતઃ ‘આત્માના આંસુ’ વગેરે ભજવાયાં. સૌરાષ્ટ્રભરના સો ઉપરાંત સાહિત્ય પ્રેમીઓનો આનંદ ઉભરાયા · વાહ, વાહ ‘ ના ઉદ્દગારો સતત સંભળાયા કરે ને ‘આવું તો કયાંય નથી’ એવું વારંવાર બોલાયા કરે, શ્રી વજુભાઈ શુકલ સાથે બોલનારમાં મુખ્ય, શ્રી જયમલ્લભાઈ પરમાર સાથે આવેલ રાજકોટની મિત્રમંડળી. આપણાં તો કોટના બટ્ટન તૂટયાં વિના ન રહેને.
એવા ચાલીસેક નાટકો પૈકી સાત નાટકો અહીં ગ્રંથ સ્વરૂપે, એ ભજવાયાં પછી લગભગ પચાસેક વર્ષે આપણી સમક્ષ આવે છે. વીતેલાં વર્ષો દરમિયાન નાટકની ટેકનિક તેમ નાટક વિશેના ખ્યાલ અંગે ઘણા ફેરફારો થયા છે. તે સમયે જેનું મંચન મુશ્કેલ બનતું તેનું મંચન આજે ધ્વનિ–પ્રકાશ ને પરિવર્તિત–ફરતા–રંગમંચને કારણે શકય બને છે. રેડીઓ-નાટક જુદી જ રીતે ઉપસ્યું છે. તે છતાં આ નાટકો વાંચતી વખતે, એનું મંચન થતું હોય તેવું કલ્પનાની આંખે જોઈ શકાય છે (મેં તો એ નાટકો જોયાં હોવાથી ફરીથી માણ્યાં), ને નાટકની શોધમાં સતત ફાંફા મારતી નાટયમંડળીઓને આમાંથી પસંદગી કરી, નાટકો ભજવવાનું ગમશે એવી મારી શ્રદ્ધા છે.
મારો ખ્યાલ છે ત્યાં સુધી આ નાટકોનાં લેખનમાં, ઉપર નોંધ્યા છે, ને અન્ય પણ નોંધાયા છે, તે નામોમાં ઈન્દુકુમાર છ. દવે ( વકીલનો અસીલ અને બીજા નાટકો’ ના કર્તા) નો પણ સમાવેશ કરવો ઘટે. વિશેષ બાબુભાઈ જાણે ! નાટયક્ષમ ક્ષણ પારખતાં લેખકોને બરાબર આવડી છે; એટલે જ નાટયને આવશ્યક ચમત્કૃતિ અહીં આપી શકાય છે.
નાટક “આત્માનાં આંસુ”: મૃત પુત્રના આત્મા સાથે વૈજ્ઞાનિક શોધને પરિણામે પાછો બોલાવી શકતા ને એ કારણે કીર્તિ રળતા વૈજ્ઞાનિક અંધ પ્રોફેસર, અને ભાઈને ખુબ ચાહતી બહેનની સ્થિતિ એ સૈનિકપુત્ર કદરૂપ ચહેરે પાછો આવે ત્યારે શું દશા થાય; જેના મૃત્યુને કારણે પ્રોફેસર શોધ કરી શકયા તે તો જીવંત છે એવો ખ્યાલ આવે તો એમના યશનો મહેલ તૂટી જ પડે ને ? પેલા યુવકે બહેનની વાત જાણી બહેન બહુ જ યુકિતપૂર્વક શું કરવું? ભાવપૂર્વક, ભાઈ પ્રત્યેનો પ્રેમ અડીખમ રીતે સાચવી રાખીને, તેને વાત કરે છે ને પુત્ર પિતા સમક્ષ–દુનિયા સમક્ષ હવે જીવંત રૂપે દેખાવા માંગતો નથી એ પુત્રના મિત્ર હોવાનો પાઠ ભજવે છે, પણ એના ગયા પછી એ જ સ્પર્શથી ને એક જૂના અનુભવના સ્મરણથી પિતા એ પુત્ર જ હતો તેમ પારખી શકે છે એ ‘આત્માનાં આંસુ’ નાટકની ઘટના છે. આરંભ માં હળવાશ, ચબરાકી ને પાછળથી ઘન કરુણા.
આ નાટક ભજવાયું ૧૦ ઓકટોબર ૧૯૪૮ ની સાંજે. તે જ સાંજે તેની સાથે મજવાયું ‘હાલરડું’. ૧૯૨૦ થી લગભગ ૧૯૪૦-૪૧ સુધીના ભારતના રાજકીય ઈતિહાસની ઝાંખી કરાવતું આ નાટક લેખકની દેશપ્રીતિનું સૂચક છે ‘આત્માનાં આંસુ’ વાંચતા—જોતાં W.W.Jacobs નું Monkey’s Paw કે ધૂમકેતુની એક વાર્તા ને ભુલાઈ ગયેલા વાર્તાકાર બચુભાઈ ઉમરવાડિયાની એક વાર્તા ‘આકાશવાણી’ યાદ આવે તેને આ નાટક વાંચતા W. B. Yeats નું ‘કેથલીન ઓફ હોહોલીના’ યાદ આવે ત્યાં કેથેલીન આયર્લેન્ડનું પ્રતિક અહીં ભારતમાતનું પ્રતિક છે નજીકની ઘટનાઓનો સમયગાળો લાંબો છે, એટલે પોત પાંખુ પડી ગયું છે, રેડીયો નાટક તરીકે તે બરાબર રજૂ થાય. અહીં રજૂ થયેલ કલ્પનાઓની વાસ્તવિકતા અંગે બયાન ન હોઈ શકે (તે છતાં ઘણું બધુ તો એમ જ બન્યુ કે તે સ્વીકારવું રહ્યું) તે કહેવાની જરૂર ન હોય.
આવી જ રીતે બધા નાટકો વિશે લખવા બેસું તો લખાણ બહુ લાબું થઈ જાય. યશવંત પંડયાના ‘સાહિત્ય સેવકોની મેચ’ કે ચં. ચી. મહેતાનાં ‘વજો તાંતરિયો’નું સ્મરણ કરાવતું મુનશી શરદબાબુ, ચં. ચી. મહેતા, ગોકુળદાસ રાયચુરાના સાહિત્યની લાક્ષણિકતા કાક, દેવદાસ, બાદશાહ બિરબલ, નાયક જેવા પાત્રો દ્વારા નર્મ – દ્વારા કરાવી આપતું પ્રહસન કોટિનું, ૬ નવેમ્બર૧૯૪૮ માં ભજવાયેલું, મીનળ સ્ત્રી નહિ પણ પુરુષ મીનળ છે તેવું પ્રતિપાદન કરતું ‘વિવેચક અથવા મુનળ’ ગિજુભાઈની વાર્તા ટીડા જોષીનાં બુદ્ધિચાતુર્યને આલેખતું, તેમની મશ્કરી કરવા આવનારને, ચાટ પાડતું નર્મ મર્મ સભર પ્રહસન ટીડા જોષી ભજવાયું ૧૯૫૦માં); વૃદ્ધ સ્નેહને- પુનઃ સ્મરણ દ્વારા, પરિવર્તિત ઘટનાઓ દ્વારા આલેખતું, કિશોર–યુવાન–વૃદ્ધ અવસ્થાના પ્રશ્નોને વાચા આપતું, અનેક વખત ભજવાયેલું, ઘટના કરતાં સંવાદ દ્વારા વિકાસ સાધતું, ‘જગતને બાંકડે’ (પ્રથમ વખત ભજવાયું ૧૯૫૧ માં); પૈસા દ્વારા ઉભાં થતાં અનિષ્ટોને રજૂ કરતું, સુખ સંપત્તિ, શાહુકારી કે વૈભવમાં નથી તેનું પ્રતિપાદન કરતું, તેમ કરવામાં ‘દિવા-સ્વપ્ન’ નો આશ્રય લેતું, ૧૯૫૧ માં જ પ્રથમ વખત ભજવાયેલું ‘દિવા સ્વપ્ન’ યંગકલબની મુદ્રાથી અંકિત છે જ. પણ ‘દિવાસ્વપ્ન’ પછી છ વર્ષે ભજવાયેલું સંગ્રહ નું છેલ્લું ‘ખેલદિલી’ આપણાં એકાંકી સાહિત્યમાં ‘આત્માનાં આંસુ ની માફક, વિશિષ્ટ સ્થાનનું અધિકારી છે. યુદ્ધ મોરચે આંખ ગુમાવી બેઠેલ સુરેશ તેની એક વખતની પ્રેયસી રેખા કિરીટ સાથે જોડાતા રોકે, તે માટે દેખતા હોવાનું નાટક ભજવે છે; પણ સફળ થતો નથી. કિરીટ પ્રત્યે એણે તે પહેલાં બે વખત ખેલદિલી દાખવેલી છે; એનાં નાટકની સફળતાનો ખ્યાલ રેખા કિરીટને આવી ગયો છે એટલે ખેલદિલી દાખવવાનો અધિકાર સુરેશને જ ન હોઈ શકે, પોતાને પણ હોઈ શકે તેવું વર્તન એ કરે છે ને માત્ર આ જ નાટકમાં નટ–નટીના સ્નેહની ઝાંખી કરાવતું આછેરું આલિંગન અંતે દર્શાવેલ છે.
વસ્તુચયન, તેનું નિર્વહણ, સંવાદોની સહજતા સરળતા ને “આત્માનાં આંસુ” કે ‘ ખેલદિલી ’ માં ઉપજતા પાત્ર વ્યકિતત્વ ને કારણે આ નાટકો આવકાર પાત્ર છે – ઉજળા આવકાર પાત્ર છે.
‘અણધાર્યા ઊતરાણ’ શીર્ષકથી બાકીનાં નાટકો હવે ગુજરાતને પ્રાપ્ત થાય. દીર્ઘ નાટકો પણ મળે તેવી ટહેલ ગુજરાત વતી નાખું છું. યંગકલબને હાર્દિક અભીનંદન !
તખ્તસિંહ પરમાર
વિદ્યાનગર,
ભાવનગર-ર.
૧૭ એપ્રિલ, ૧૯૯૯
સંપર્કઃ
નીતિન વ્યાસ: ndvyas2@gmail.com
