વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ચાર દાયકાથી ચાલી આવતી ભૂતાવળનો અંત કેવો આવશે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કેટલાક મુદ્દા એવા હોય છે કે જંપવાનું નામ લેતા નથી. સમયાંતરે તે ચર્ચામાં ઉછળતા રહે છે. આવો જ એક મુદ્દો ભોપાલના ગેસકાંડનો છે. દેશના ઈતિહાસમાં બનેલી પહેલવહેલી આવી દુર્ઘટનાને ચચ્ચાર દાયકા વીત્યા છતાં એનું ભૂત થોડા થોડા સમયે ધૂણવા લાગે છે. હવે ફરી એક વાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

    ડિસેમ્બર, ૨૦૨૪માં મધ્ય પ્રદેશની વડી અદાલતે એક હુકમ જારી કર્યો. એ અનુસાર ગેસકાંડ માટે જવાબદાર અમેરિકન કમ્પની યુનિયન કાર્બાઈડની ફેક્ટરીના સંકુલમાં ચાલીસ વર્ષથી પડી રહેલા ઝેરી કચરાનો નિકાલ માત્ર એક સપ્તાહમાં કરી દેવાનો છે. આ કચરાને ભોપાલથી અઢીસો કિ.મી.ના અંતરે આવેલા પીથમપુરમાંના બાળવાનો છે, અને તેની રાખને લેન્‍ડફીલમાં દાટી દેવાની છે. રાજ્ય સરકારે આ કચરાનું સ્થળાંતર પીથમપુરમાં કરવાનું શરૂ કરી દીધું છે. પીથમપુરના તેમજ આસપાસના વિસ્તારોના રહીશો દ્વારા આ કાર્યવાહીનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે.

    આ આખો મુદ્દો વિચારવા જેવો છે. આપણા દેશમાં સરકાર શી રીતે કામ કરે છે અને લોકહિત તેના હૈયે કેટલું વસેલું છે એનો ખ્યાલ તેનાથી આવશે.

    પંદરથી વીસ હજાર લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટના વિશ્વની કરુણતમ દુર્ઘટનાઓ પૈકીની એક ગણાય છે. અલબત્ત, સરકારી ચોપડે ત્રણેક હજાર લોકોને વળતર અપાયાનું નોંધાયું છે. પણ એ દુર્ઘટનામાંથી કોઈએ કશો ધડો લીધો છે ખરો?

    ચાલીસ ચાલીસ વરસોથી આ ઝેરી કચરો યુનિયન કાર્બાઈડની ફેક્ટરીના સંકુલમાં પડી રહ્યો છે. તેનાં કેટલાંય તત્ત્વો ઝમીને જમીનમાં ઊતરતાં રહ્યાં હશે અને જમીનને તેમજ ભૂગર્ભ જળને પ્રદૂષિત કરતાં રહ્યાં હશે. આસપાસના વિસ્તારોના રહીશોએ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયાની ફરિયાદ પણ કરી છે.

    સર્વોચ્ચ અદાલતના હુકમથી થોડાં વરસો અગાઉ પીથમપુરમાં કચરાને બાળી જોવાનો પ્રાયોગિક અખતરો કરાયો હતો. વરસો પછી આ દિશામાં થયેલો એ પહેલવહેલો સળવળાટ હતો.

    અહેવાલ અનુસાર કુલ ૩૫૮ ટન કચરાને પોલિસ રક્ષણ સાથે પીથમપુર લઈ જવામાં આવ્યો છે. સાથોસાથ અગિયાર લાખ ટન જેટલો પ્રદૂષિત જમીનનો જથ્થો તેમજ ટનબંધ રસાયણોનું પણ સ્થળાંતર કરીને તેનો નિકાલ કરવાનો છે. સ્વાભાવિક છે કે આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ સમાચારને કારણે જાતભાતની અફવાઓ પ્રસરવા લાગી. એમાંની એક એવી હતી કે ભોપાલમાંથી લાવેલા કચરાને અહીં ઠાલવવામાં આવતો હતો એ દરમિયાન એક કામદારને ઈજા થઈ હતી. આ અફવાને પગલે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને કચરો બાળવાની ભઠ્ઠી આવેલી છે એ પ્લાન્‍ટ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારો થયો એટલે કાયદો અને વ્યવસ્થાની સલામતિ જોખમાઈ અને પોલિસે દખલઅંદાજી કરવી પડી. પોલિસ કંઈ શાંતિથી ટોળાને વિખેરાઈ જવા માટે સમજાવે નહીં! આખરે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી કે પોતે સ્થળ મુલાકાત લઈને ચકાસ્યું છે કે હજી એકે કન્ટેનર ખોલવામાં આવ્યું નથી. આથી એને ખાલી કરવા દરમિયાન કોઈ ઘાયલ થયાની વાત પણ અફવા છે. સમગ્રપણે પરિસ્થિતિ ‘નિયંત્રણ હેઠળ’ છે. જો કે, ફેક્ટરી સંકુલની ફરતે સો મીટરના વિસ્તારને પ્રતિબંધીત કરવામાં આવ્યો છે, જેનો ભંગ કરનાર પર આકરા પગલાં લેવામાં આવશે એમ જણાવાયું છે. દરમિયાન પોલિસે ત્રણ જણ સામે વિરોધ પ્રદર્શન સંબંધી કેસ તેમજ કેટલાક લોકો સામે હુલ્લડબાજીનો પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઝેરી કચરો બાળવાના વિરોધમાં બે વ્યક્તિઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, અને ‘અધિકૃત’ સમાચાર મુજબ તેમની સ્થિતિ સુધારા પર આવી રહી છે. બીજી તરફ રાજ્યતંત્રે લોકનિસ્બત માટેના પોતાના પ્રયત્નો સઘન કરવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં લોકો પોતાનાં ઘર છોડીને બહાર જઈ રહ્યા છે.  સરકારે ખાત્રી આપી છે કે તે લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત એ વિસ્તારની જમીન, હવા અને પાણી પર ચાંપતી નજર રાખશે. પણ લોકોને વિશ્વાસ બેસતો નથી. એનું મુખ્ય કારણ એ કે આ કચરાના નિકાલ બાબતે આટલા વરસોમાં એકે સરકારે નક્કર કામ કર્યું નથી અને આ સમસ્યા બાબતે ઊપેક્ષા જ સેવી છે, જેને કારણે અવિશ્વાસની ભાવના બળવત્તર બની છે.

    દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે લોકલાગણીને માન આપીને તમામ પરિસ્થિતિ અને વ્યાવહારિક મુશ્કેલીઓ તેઓ અદાલતના ધ્યાને લાવશે. ધાર જિલ્લાનો હવાલો સંભાળતા મંત્રી કૈલાસ વિજયવર્ગીયને આ સમસ્યાનો હલ લાવવાનું કામ સોંપાયું છે. બીજી તરફ વિરોધીઓ હવે આમરણ ઉપવાસ આદરવાનું શરૂ કરશે એમ જણાવી રહ્યા છે. અત્રે યાદ આવે એ સ્વાભાવિક છે કે કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય સહિત બીજા નવેક લોકો પર કેટલાક અધિકારીઓ પર બેટ વડે હુમલો કરવાનો આક્ષેપ હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, પણ આક્ષેપ પુરવાર ન થયો હોવાને કારણે સૌને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.

    વર્તમાન શાસક પક્ષનાં દિવંગત નેતા સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષમાં હતાં ત્યારે તત્કાલીન સરકાર સમક્ષ તેમણે આ ઝેરી કચરો અમેરિકા પાછો મોકલવા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

    આખો ઘટનાક્રમ અને તેની ગતિવિધિઓ એવી છે કે નાગરિકોને સરકાર પર ભરોસો ન બેસે. આમ થાય એમાં નાગરિકોનો કશો વાંક નથી. એમ તો સરકારનો પણ કશો વાંક નથી. કેમ કે, નાગરિકોનો ભરોસો જીતવા સિવાયનાં, સત્તા પર યેનકેન પ્રકારેણ ટકી રહેવા માટેનાં અનેક મહત્ત્વનાં કામ તેમની પ્રાથમિકતામાં હોય છે. જોવાનું એ રહે છે કે આ મામલાનો નિકાલ કેટલી સલામત રીતે આવે છે!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંભારણું – ૧ – યાદોનો પટારો

    સ્મરણપટ પર અચાનક ભૂતકાળનો કોઈ પ્રસંગ કે બનાવ અચાનક સંકળાઈ જાય તેનાં સમરણોની સુશ્રી શૈલાબહેન મુન્શાની  આ લેખમાળા દર મહિને પહેલા બુધવારે પ્રકાશિત થશે. 


    શૈલા મુન્શા

    આજે દુનિયા રોકેટની ઝડપે પ્રગતિ કરી રહી છે. વિજ્ઞાનના ક્ષેત્રે તો જાણે હરણફાળ ભરાઈ હોય એવું લાગે. સહુનું જીવન એટલું વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તે છતાં મનમાં કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, ઊંઘતા પીછો નહોતો છોડતો. એ વિચાર અને એ લાગણી મનને ખૂણે એવી તો સ્થાન જમાવીને બેસી ગઈ હતી કે એને એક સંભારણા રુપે કાગળ પર આલેખ્યા વગર ચેન પડે એમ નહોતું. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવું ક્યારેક બની જતું હોય છે, અને એ બનાવ સાથે આપણા સ્મરણપટ પર અચાનક ભૂતકાળનો કોઈ પ્રસંગ કે બનાવ અચાનક સંકળાઈ જાય છે અને મન એ સુખ, દુઃખ ખુશી નારાજગીને યાદ કરી લે છે.

    આ વિચાર પ્રક્રિયાએ આ સંભારણું લખવા મને પ્રેરિત કરી અને આપ સહુ સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ રુપે આ પહેલું સંભારણું.

    સવાર પડે છાપું ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ. આ બધું વાંચીને મનમાં દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછાં પોતાની ઘટમાળમાં ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમાં અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજની ઘટમાળમાં વ્યસ્ત થઈ જઈએ, પણ વાત જ્યારે પોતાના પર આવે ત્યારે માનવી કેવો હચમચી જતો હોય છે!

    ૨૦૦૧ ૨૬ જાન્યુઆરીની સવાર કચ્છ, ગુજરાત માટે ધરતીકંપનો વિનાશ લઈ આવી. આ વિનાશે મારાં સ્વજનોનો પણ ભોગ લીધો. અમે અમેરિકા હજી વરસ પહેલાં જ આવ્યાં હતાં. દિલમાં હજુ ભારત અને ત્યાં રહેલાં આપ્તજનોની યાદ તાજી હતી. ૨૫ જાન્યુઆરીએ જ મારા દિયર કુમાર સાથે વાત થઈ હતી. પંદર દિવસ પહેલાં એ અમદાવાદથી કેલિફોર્નિઆ આવી નવી ઓફિસને સેટ કરવામાં વ્યસ્ત હતો. ફોનમાં વાત થઈ ત્યારે બે મહિના પછી અમદાવાદ જઈ પત્ની બાળકોને લઈ આવવાની વાત કરતો હતો અને થોડા કલાકોમાં અમદાવાદનું એ મકાન ધારાશાયી થતાં કોઈ ના બચ્યું.

    મન પણ અજીબ છે, યાદોને સંઘરતો પટારો. ક્યાંનો સંબંધ ક્યાં જોડી દે છે.

    ૨૦૧૫ મધર્સ ડેનો દિવસ. સરસ મજાનું મુવી જોઈ સારી ભારતીય રેસ્ટોરન્ટમાં જમી ઘરે પાછાં ફરતાં ત્યાં પડેલું છાપું લઈ ઘરે આવ્યા. ટી.વી. જોતાં અમસ્તા જ છાપાનાં પાના ફેરવતાં નજર એક ફોટા પર પડી ને આઘાતથી ચમકી જવાયું. છાપાંમાં પુનિતનો ફોટો હતો, એની સાથે આમ તો કોઈ સગાઈ નહોતી, બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે એ નાના ભાઈ જેવો.

    રવિવારની રાત. પત્ની અને બાળકો માટે જમવાનું લઈ પાછાં આવતાં કોઈ અજાણ્યાની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી, એને મદદ કરવા પુનિત પોતાની ગાડીમાંથી ઊતર્યો, પાછળ થી ગાડીને ધક્કો મારવા જતાં બીજી એક પુરઝડપે આવતી ગાડીના નશામાં ચૂર ડ્રાઈવરે પોતાની ગાડીથી રસ્તા પર ખોટકાયેલી ગાડીને ટક્કર મારી અને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમાં જ વહેતી બ્રાઝો નદીમાં પડ્યો. ક્ષણભરમાં આ બની ગયું. અંધારામાં કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્ની ફોન કરતી રહી કે પુનિત ખાવાનું લઈ હજી આવ્યો કેમ નહિ? ફોન પુનિતની ગાડીમાં રણકતો રહ્યો. થોડીવાર પછી પોલિસનો ફોન આવ્યો કે ગાડીમાં કોઈ નથી. સાત દિવસે પુનિતનુ શરીર સો માઈલ દુર નદીમાંથી મળ્યું.

    એક મીઠી યાદ પણ સાથે જ ઝબકી ગઈ. દુઃખ કે આઘાતને ભુલવાનો એ જ તો સરળ ઉપાય છે. મન ક્ષુબ્ધ બને તો એને બીજી દિશામાં વાળવું જ પડે છે. ૧૯૮૩માં મેટ્રિકની પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ ૨૦૧૫માં ગુરુપુર્ણિમા ઊજવવાનુ નક્કી કર્યું. ભારતમાં જ્યાં જ્યાં શિક્ષકો રહેતાં એમનો સંપર્ક સાધી પ્રેમપૂર્વક નિમંત્રણ પાઠવ્યું, એટલુંજ નહિ એમને લઈ આવવાની વ્યવ્સ્થા પણ કરી, વિદેશમાં રહેતા શિક્ષકોનો સંપર્ક સાધ્યો, એમના આશીર્વાદ મેળવવા, વિડીયો ઉતારવા કોઈ ત્યાં રહેતા મિત્રોની સગવડ કરી. એક સવારે મને જ્યારે ફોન આવ્યો કે “હું તમારી વિદ્યાર્થીની બોલું છું, તમારા વિદ્યાદાન થકી અમે જીવનમાં પ્રગતિ પામ્યા છીએ, બેન તમારા આશીર્વાદની ઝંખના છે” બત્રીસ વર્ષ પછી એ બાળકો, જે પોતે અત્યારે યુવાન વયે પહોંચ્યા હતાં એ કોઈ શિક્ષકને યાદ કરે, આવો અહોભાવ દર્શાવે, જાહેરમાં પગ પૂજી સન્માન કરે; એનાથી મોટી જીવતરની શું કમાણી હોઈ શકે!! લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.

    સૂરજનું ઊગવું ને આથમવું જેટલું અફર છે, એટલું જ જીવનમાં સુખ દુઃખની ઘટમાળમાં પરોવવાનું નિશ્ચિત હોય છે. કંઈ કેટલીય વસ્તુ મનમાં ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાનાનો પ્રેમ, અને પોતાનાનો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમાં કાલ કદાચ આવે જ નહિ! શું આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમાં જ રહી જાય?

    વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમાં ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ બોલી ના શકાય પણ લખવાથી મન હલકું થઈ જાય.

    બસ આ જ વિચારે આ સંભારણા લખવાની શરુઆત કરી છે, આશા છે આ યાદો આપ સહુને પણ કોઈ તાંતણે અવશ્ય જોડશે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૨ — મણિપુર : નાગાલૅન્ડ

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    મેં વિચારેલું કે દિવસ જો સારો નીકળે તો ઇમ્ફાલની બહાર લોકતાક નામના સરોવરને જોવા જઈશ. ગોવિંદજીની કૃપાથી એવો દિવસ નીકળી આવ્યો, ને મેં તળાવ જોવા જવા બસ લીધી.

    ઇમ્ફાલ છોડતાં જ ગ્રામ્ય પરિસર શરૂ થઈ જાય છે. રસ્તો એવો તો ઉબડખાબડ કે હાથી પર બેઠાં હોઇએ તેવું લાગે. પણ દૃશ્ય સુંદર. ચોતરફ પહાડો હતા. નજીક હતા તેમની ટોચ પર સફેદ વાદળ હતાં, ને જે દૂર હતા તે લીલા લાગતા હતા. લણાઇ ગયેલાં ખેતરો તો જાણે જળ-તરલ મુકુર. બીજાં કેટલાંકમાં ડાંગરના ઊંચા રોપ લણાવા તૈયાર હતા, તો સૂકાવા મૂકેલા પાકને કારણે, ક્યાંક બીજે ઘેરી જમીન હળદર ને તપખીર રંગનાં ચોકઠાંવાળાં ચિત્ર જેવી દેખાતી હતી. ખાબોચિયાં ને નાની નીકોમાં માછલી પકડવા માટેની ઘણી જાળ ગોઠવેલી હતી. પાસે એકાદ સ્ત્રી કે છોકરી નાનકડી માછલી જાળમાં ભરાય એની રાહ જોતી ધીરજ રાખીને ઊભી, કે બેઠી હોય. કલાકો સુધી આમ એકલાં એકલાં શું વિચારતી રહેતી હશે એ બધી?

    એક ઝૂંપડીની બહાર ઊભેલા માણસે જનોઇ પહેરેલી. આ વસ્તી માછલી પકડે છે, પણ હિન્દુ છે. દરેક ગામમાં એક મંદિર હોય જ, પણ નાનું સરખું. પાસે ખુલ્લી બાજુઓવાળો મંડપ હોય. ગાર-ઘાસનું છાપરું લાકડાના ઘણા પાતળા થાંભલા પર ટકેલું હોય. આ મંડપ ધાર્મિક ઉત્સવો માટે તેમજ સામાજિક પ્રસંગો માટે વપરાય. હવા-ઉજાસવાળી જગ્યા ઘણી કામની હતી ગ્રામજનો માટે. ઝૂંપડીઓ વાંસના માળખા પર ગાર-માટી થાપીને બનાવેલી હોય છે. છાપરાં માટે ઘાસને બદલે ટીન વપરાતું થયું લાગે છે. દરેકના બારણાંની બહાર વરસાદનું પાણી એકઠું કરવા માટે એક ઘડો – હવે એલ્યુમિનમનો – મૂકેલો હોય, ને વાંસની લાંબી પત્તીઓથી વણેલી ખાસ્સી મોટી કથરોટ. ચિત્ર કમનીય એવું હૃદયસ્પર્શી પણ ખરું.

    મણિપુરની સ્ત્રીઓ એમનાં વસ્ત્ર-પરિધાન પરથી ઓળખાઇ જાય. યુવતીઓએ તો લુંગી તથા ઇન્નફીથી બનતો પ્રથા પ્રમાણેનો વેશ પહેરવો જ પડે. કૉલેજમાં પણ એમને પશ્ચિમી લાગે તેવા પોષાક પહેરવાની છૂટ નથી. જોકે મણિપુરી યુવતીઓ લાગે છે એકદમ લલિત. કદાચ આખા ભારતમાં સૌથી સુંદર. વૈષ્ણવી મહિલાઓ તો આગવી દેખાય જ છે, અને પહાડી પરિસરમાંથી આવતી સ્ત્રીઓ મોઢાં પરથી તેમજ જાતિ જાતિ પ્રમાણેના રંગ અને પટા-વણાટ દ્વારા જુદી પડે. અહીં બધે પણ ગામોમાં ઇમા માર્કેટ બનેલી હતી. મોઇરાંગ ગામની તો સારી એવી મોટી લાગી.

    ઇમ્ફાલથી ત્રીસ કિ.મિ. દૂર આવેલા આ મોઇરાંગની ઐતિહાસિક અગત્ય છે. દેશના સ્વાતંત્ર્ય માટેની છેલ્લી લડત અહીં લડાયેલી. દેશનો ત્રિરંગી ધ્વજ આખા દેશના ઇતિહાસમાં સૌથી પહેલી વાર ૧૯૪૪ના એપ્રિલની ચૌદમી તારીખે અહીં ફરકાવવામાં આવેલો. સુભાષચંદ્ર બોઝે ૧૯૪૩માં હકુમતે આઝાદ હિંદના નામે ભારત સરકારની સ્થાપના કરેલી, ને ત્યારે મોઇરાંગ કાન્ગ્લા-એટલેકે મુખ્ય કેન્દ્ર હતું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    અત્યારે મોઇરાંગમાં એક મોટા, પણ જૂના દેખાતા મકાનમાં યુદ્ધ-સંગ્રહાલય બનેલું છે. પચીસ પૈસાની ટિકિટ છે. નીચે બંદૂકો, યુનિફૉર્મ વગેરે મૂક્યાં છે. ઉપર એક ઓરડામાં ૧૯૪૩માં મણિપુરમાં ખેલાયલા યુદ્ધને લગતા ઘણા ફોટા રાખેલા છે. નેતાજીનો છેલ્લામાં છેલ્લો ફોટો, જે ૧૯૪૫ના ઑગસ્ટની સત્તરમી તારિખે વિએતનામના સાયગૉન શહેરમાં લેવાયેલો મનાય છે, તે પણ અહીં જોવા મળ્યો. વાતાવરણમાં દેશભક્તિ અને આદર્શવાદ હજી તરવરતો મને લાગ્યો.

    કમ્પાઉન્ડમાં પ્રવેશતાં ગુલાબી આરસનું એક સ્મારક છે. એના પર લખ્યું છે – ઇત્તફાક, ઍતમાદ, કુરબાની. સ્મારક પર નેતાજીની પ્રતિમા પણ છે. આ સંગ્રહાલય તથા સ્મારકનું ઉદ્ઘાટન ઈન્દીરા ગાંધીએ ૧૯૬૯માં કરેલું. દેશમાં છૂપું એવું રાષ્ટ્ર-ગૌરવનું આ સ્થાન છે. હું જોવા પામી, તે ભાગ્ય જ ને.

    મોઇરાંગ પહોંચ્યા પછી નજીકમાં અત્યંત વિશાળ એવું લોકતાક સરોવર આવેલું છે. એને વીંટળાઇ રહેલા પર્વતોમાં ઘણી વાર ઇમ્ફાલ ઊતરવા જતાં વિમાન તૂટી પડે છે, એમ મને કહેવામાં આવેલું. મારાવાળું ના તૂટ્યું એ પણ ભાગ્ય. આ સરોવરની અંદર જમીનના નાના તરતા અંશો પર બનેલી ઝૂંપડીઓ મેં વિમાનમાંથી જોયેલી. ઘર ગણો તો ઘર, હોડી ગણો તો હોડી. ક્યાંક નાના ટાપુ થયેલા છે. એમના પર વાવેતર થાય છે, માછલી પકડાય છે, અને ઘણા વાંસ ખોસી ખોસીને એમને સ્થગિત ને સ્થિર બનાવાયા છે. ત્યાં થોડી લાંબી, પાતળી હોડીઓ સરકતી હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કિનારે એક તરફ કાદવ જેવી જમીન પર સાત-આઠ ઝૂંપડીઓ હતી. એક ટેકરી પર ટૂરિસ્ટ લૉજ બનેલો હતો. લીલા ને ભૂરા રંગનું દૃશ્ય મનોરમ હતું. સરોવરના પાણીમાં ભૂરા આકાશ અને સફેદ વાદળનું પ્રતિબિંબ આકર્ષક હતું. મને જેવું ઇમ્ફાલ શહેર ગમી ગયેલું તેવો જ મણિપુરનો બહારનો પરિસર પણ ગમી ગયો. દેશ મારો જ હતો, પણ જુદું જ હતું અહીં એનું સ્વરૂપ.

    +                                           +                                         +

    ઇમ્ફાલથી નીકળીને આ પછી મારે નાગાલૅન્ડ જવું હતું. થોડો વખત દૃશ્ય લીલું, સરસ, શાંત, સંતુષ્ટ જેવું રહ્યું, પણ ઉત્તરે જતાં ભૂમિનો દેખાવ બદલાયો. પાણીથી છલછલતાંને બદલે ખેતર સૂકાં થયાં. ખાબોચિયાં અને માછલીની જાળ પણ જતી રહી. પછી તો આવ્યા કેવળ પહાડ, અને શું આશ્ચર્યકર બન્યો દૃશ્યપટ. જમીન લાલ, બધા ઢોળાવ લીલા, નીચાં સોપાન-ક્શેત્રોમાં ડાંગરની તાજી ધરુ, સપાટ પટવાળી નદીઓ અને છીછરાં ઝરણાં, પહોળી ખીણો, ને પછી આવી લાગેલા ઊંચા ને મોટા અનેક પર્વતો.

    દિવસ સ્વચ્છ અને સૂરજથી ચમકતો હતો, તેથી પ્રયાણ તેમજ પ્રકૃતિ માણી શકાયાં. હાઇવે નં. ૩૯ બહુ પહોળો નહોતો, પણ જતાં-આવતાં ખાસ કોઈ વાહનો જ નહોતાં. વળી, રસ્તો બહુ ઊંચે ચઢતો કે બહુ વળતો જતો નહોતો. ક્યાંક પેલી વાંસ-પત્તીની કથરોટમાં ડાંગર સૂકવવા મૂકેલી, ક્યાંક રસ્તાને કિનારે જ પાથરી દીધેલી. એક ઝરણા પાસે એક સ્ત્રી કપડાં ધોતી દેખાઈ, એક છોકરી કોઠી જેવા આકારના પાત્રમાં પાણી ભરતી દેખાઈ. અહીં, નાગાલૅન્ડમાંના દરેક ગામની અંદર ચર્ચ હતાં. સાદાં મકાન, પણ ક્રૂસ સ્પષ્ટ નજરે ચઢે. અહીં હિન્દુ નહીં પણ ખ્રિસ્તી ધર્મ કઈ રીતે ટકી ગયો હશે? વળી, બધે વીજળી આવી ગઈ હતી. ઊંચા ઊંચા પર્વતોમાં થઈને એ કામ કેટલી મુશ્કેલીથી પાર પડ્યું હશે.

    પણ મેં જોયું કે રસ્તાનું સમારકામ કરનાર, તેમજ દુકાનો ચલાવનાર બધા બિહારીઓ હતા. આ પર્વતીય લોકોમાં ધંધાની આવડત ઓછી હશે. ખળખળ વહેતા બીજા એક ઝરણા પાસે કપડાં ધોતી એક રૂપાળી સ્ત્રી મને પૂછે, આસામથી આવ્યાં કે બિહારથી? આ બેની વસ્તી અહીં ખરી, ને હું આસામી-બિહારી જેવી વધારે લાગું. નાગાલૅન્ડના લોકોની મુખાકૃતિ ઊંચા ગાલ અને ઝીણી આંખોને લીધે જુદી પડી જાય.

    સમારકામ ચાલુ જ રહેતું લાગ્યું કારણકે રસ્તાની નજીકના, કાંકરા અને કાચી માટીના બનેલા પહાડો ધોવાઈને  કેટલીયે જગ્યાએ ધરતી પરના ઉઝરડા જેવા લીસોટા બનતા રહે છે. પોચી જમીન ધસી આવીને રસ્તા દાટી-દબાવી દે છે. ઘણી વાર તો ફરી નવો, જુદો જ રસ્તો બનાવવો પડે છે. મણિપુર છોડતાં અને નાગાલૅન્ડમાં પહોંચતાં -એમ બે સરહદ-ચૅક પોઇન્ટ આવેલાં, પણ કોઈએ પરમિટ સરખી જોઈ પણ નહોતી.

    નાગાલૅન્ડમાં ક્ષિતિજ સુધી, ને તે પછી વાદળાંની પાછળ પણ પર્વત હતા. ઊંચાં શિખર પછી શિખર – સમર્થ ત્રિકોણાકારોનો બહુલ સંચય. લોકો ક્યાંના ક્યાં રહેતા હશે. હું જ ક્યાંની ક્યાં આવેલી હોઉં એમ લાગતું હતું. દેશના બીજા ઘણા પહાડો ક્યાં નથી જોયા? છતાં આ બહુગિરિ-પરિસર તદ્દન જુદો જ લાગતો હતો. તીક્શ્ણ શૃંગો ને પાષાણી મહત્પ્રમાણો. દેશની સરહદને અનુરૂપ જ લાગે તેવું આ સ્વરૂપ હતું અહીંની પૃથ્વીનું.

    છેવટે કોહિમા દેખાયું. વધતું વધતું એ કેટલાયે પહાડોના ઢોળાવો પર પથરાયું છે. કહોવાતા, કટાયેલા લાગતા ટીનનાં છાપરાંનું બનેલું લાગે. સુંદરતા વગરનું હિલ-સ્ટેશન. ગામડું યે નહીં, ને શહેર પણ નહીં. ખેર, આ તો હજી અછડતી નજર હતી. એમ તો એ પણ સાનંદાશ્ચર્ય નોંધેલું કે દરેક ઘરની કોટની દીવાલો પર ને વરંડામાં અનેક કૂંડાં મૂક્યાં હોય છે. પહાડોના ઢોળાવો પર બગીચાની તો જગ્યા જ ક્યાં? તેથી ફૂલ-છોડનાં આ કુંડાં. અંગ્રેજોનો આ વારસો હશે? સરસ લાગે. ઢોળાવ પર માટીનાં પગથિયાંની લાંબી હાર હોય. એમનાં પર થઈને ઘેર જવાનું.

    ઊંચે ઊંચે જતાં બસને ઘણી તકલીફ પડેલી. પછી કોહિમા શહેરના રસ્તાઓમાં ઘણા ખાડા. એમાં પાણી ભરાયેલાં. બધે કાદવિયું થયેલું. જીપ ગાડીઓ સતત જાય. ને સાંજનું ગાઢ અંધારું. માંડ માંડ હોટેલમાં જગ્યા મળી, ને સાથે બહુ જ સાચવવાની ચેતવણી તથા ઉત્તર-પૂર્વ છોડીને જલદીમાં જલદી જતાં રહેવાની સલાહ. આખા રાજ્યની વસ્તી દસેક લાખ જેટલી હશે. ભણતર પચાસેક ટકા. વધારે લોકો અંગ્રેજી જ બોલે. હિન્દી બોલનારાં બહારનાં ગણાય. કોહિમામાં ફરતાં મેં બિહાર ને આસામ ઉપરાંત કેરળ, બંગાળ, ઉત્તર પ્રદેશ ને પંજાબથી આવેલા લોકો જોયા. વળી, ખ્રિસ્તી દેવળો ઉપરાંત એક દિગંબર જૈન દેરાસર, એક મસ્જિદ અને એક ગુરુદ્વારા પણ અહીં દેખાયાં.

    જોવામાં એક સંગ્રહાલય હતું. એના ત્રણ માળમાં નાગાલૅન્ડની ચાન્ગ, લોથા, યિમચન્ગ્રુ, ઝેલિયાન્ગ જેવી જુદી જુદી જાતિઓને લગતી સામગ્રી ગોઠવેલી હતી. પોષાક, ઘરેણાં, આયુધ, થોડાં ચિત્ર, થોડાં કાષ્ઠશિલ્પ વગેરે રસપ્રદ હતાં. રસ્તામાં વેચાતી હાથ-વણાટની રંગરંગીન શાલો જોવી ગમતી હતી. નવાઈ લાગેલી એક સામટા પાનના વીસ-ત્રીસ ગલ્લા જોઈને. સોપારી ને પાનની બહુ કુટેવ છે અહીં. એ જ રીતે મોચીઓ પણ હારબદ્ધ સામટા બેઠેલા. એ બધા ઉત્તર પ્રદેશથી આવીને અહીં વસેલા.

    ખાસ તો,  જેમ ઇમ્ફાલમાં જોવા ગયેલી તેમ અહીં કોહિમાની એક ટેકરી પર આદરપૂર્વક બનાવાયેલું દફન-સ્થાન જોવા જરૂર ગઈ. ૧૯૩૯થી ૧૯૪૫ દરમ્યાન દેશની સરહદ પરનું આ રાજ્ય બીજા વિશ્વયુદ્ધમાં ઘણું સંડોવાયેલું. ઢોળાવોને સપાટ કરીને પહોળી પગથીઓ પર લાઇનસર બનાવેલી, યુવાન અંગ્રેજ તથા ઇન્ડિયન સૈનિકોની અગણ્ય ખાંભીઓની  આસપાસ વ્યવસ્થિત કાપેલું લીલું ઘાસ હતું. વચમાં એક ઊંચો ક્રૂસ બનાવેલો હતો. છેલ્લી લડાઇ અહીં થયેલી. જાપાની સૈન્ય અહીંથી આગળ વધી નહોતું શક્યું. એક ઝાડ પર આ માહિતીની તકતી લગાડેલી હતી. વિશ્વના ઇતિહાસમાં આ સ્થાન કેટલું મહત્વનું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કોહિમા દિવસે કકળાટિયું લાગતું હતું, પણ રાતે ત્યાંનું આકાશ એવું તો સ્વચ્છ અને શાંત બનતું. તેજસ્વી અસંખ્ય તારા દેખાતા, અને આકાશગંગા પણ એકદમ સ્પષ્ટ દેખાતી. આ એની સૌથી મોટી ભેટ હતી.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • વિચારું છું

    વિચારું છું, ન વિચારું છું. છતાં પણ હું વિચારું છું.
    વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું.

    નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
    ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

    જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
    ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

    કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
    નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

    હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
    નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

    નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
    જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

                                 — દેવિકા ધ્રુવ

     

    : આસ્વાદ :

    જયશ્રી વિનુ મરચન્ટ

    “વિચારો, વિચારો અને આ વિચારો
    થયાં કોઈનાં ક્યાં સગાં આ વિચારો?”

    આ વિચારોની સાથે પોતાપણું જોડવું કે ન જોડવું, એ નિર્ણય કદી આપણો નથી હોતો. શ્વાસોની જેમ જ, જીવતે જીવ વિચારો, – સારા કે ખરાબ, ખરા કે ખોટા, -આજીવન આવતા જ રહેવાના છે.  વિચારો સાથે એક જાતની સંવાદિતા મન અને આત્મા જો સાધી શકે તો એ વિચારો ફળદાયી નિવડે છે પણ માણસનું મન એટલું અવળચંડું છે કે વિસંવાદિતાના ઘેરાવામાં અજાણે જ ઘેરાઈને પોતા માટે જ દ્વિધા અને વ્યથા ઊભી કરવાનું એને ગમતું હોય છે!

    માણસના મનમાં ટેકનીકલર ફિલ્મ સમા ચાલતા આ વિચારોમાં મિથ્યાપણું કે તથ્ય છે, એ નક્કી કરવું સહેલું નથી. મિથ્યાપણામાં લિપ્ત થવું, એ ઢાળ ઊતરવા જેવું છે. એકવાર એ ઢાળની છંદે ચઢી ગયાં, તો પછી “શતમુખ વિનિપાત છે નિર્મેલો…!”. પણ, એના પહેલાં, જો પોતાને સંભાળીને, સ્વચ્છંદી વિચારો પર આધિપત્ય સ્થાપીને વિચારીએ, કે, “મારાથીયે કાબેલ અને ઊર્ધ્વગામી અભિગમ રાખનારાં અનેક છે” ત્યારે જ સમજાય છે કે આપણે ખુલ્લાં મનથી ખુદાની ખુદાઈને જોઈને જાણવી આવશ્યક છે ,એ સમજવા કે આપણે કંઈ જ નથી.

    અહીં ફરાગ રુહવીનો એક શેર યાદ આવે છે.

    “મુઝ કો થા યે ગુમાં કિ મુઝ હી મેં હૈ એક અદા
    દેખી તેરી અદા તો મુઝે સોચના પડા ..!”

    સત્ય અને તથ્યની એરણ પર જીવનની ઘટનાઓને, એના પર આવતા વિચારોને કસવાની વાત કવયિત્રી કરે છે. તો, એનું હાંસિલ શું, એનો જવાબ પણ ઈશાવાસ્યવૃત્તિથી, આપતા કહે છે કે જિંદગી વિચારોની માયાજાળ બિછાવે છે. પણ, સંભાળજો, એમાં ફસાયા તો ઘસાયા! આથી બહેતર તો એ છે કે, આ ભ્રમિત કરતાં વિચારોને વિસારી દેવા.

    આપણી જિંદગીની ગતિના અવરોધક પણ આપણે અને સારથી પણ આપણે જ છીએ. નકામા, અને વિરોધાભાસી – Conspiracy-ના વિચારવમળમાં, વહી પણ જવાય અને સમજણપૂર્વક રોકવા હોય તો રોકી પણ શકાય. અહીંયા, મનોભૂમિના કુરુક્ષેત્રમાં યોદ્ધા પણ આપણે જ અને સારથી પણ આપણો આત્મા જ છે. વિચારોમાં સમજણ અને સમભાવનું સાયુજ્ય કેળવાય, ત્યારે જ મન અને આત્મા દ્વૈત ન રહેતાં, અદ્વૈતની સફર પર નીકળી પડે છે. અને તે ઘડીએ નર અને નારાયણ એક બની જાય છે.

    ચતુઃશ્લોકી ભાગવતમાં શ્રીકૃષ્ણ કહે છે એમ, “સત્ અને અસત્ કે પછી અ-ક્ષર અને ક્ષર બંને મારી માયાના સ્વરૂપ જ છે.” આ જગતમાં જે પણ ચર-અચર છે એમાં નારાયણ જ વસે છે. સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે આ જગતમાં વસીએ છીએ, જેને શ્રી હરિએ જ બનાવ્યું છે. પણ આ જગતના કણકણમાં હરિનો જ નિવાસ છે. જો અણુએ અણુમાં એનો જ અંશ છે, અને, આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે, તો, એ હિસાબે શિવનો વાસ દરેક જીવમાં છે. આપણા શરીરના રોમરોમમાં જ સમષ્ટિ, – કે જે પરમાત્મા સ્વયં છે – એનો જ વાસ છે. અહીં ફરીથી એ જ, દ્વૈત અને અદ્વૈતના ફરકને Conceptualize – પરિકલ્પના કરીને કવિ કહે છે કે, આ બધું ખબર છે છતાં પણ, દ્વૈતભાવ હાવી થતાં જગત અને જાત એકમેકમાં ઓગળી નથી શકતી. અને બેઉ વચ્ચેનો ફરક તો આભ અને ધરતી જેમ ઉપસી આવે છે. અહીં યાદ આવે છે, “શૂન્ય” પાલનપુરી.
    “તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
    કરે છે તુ પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી”

    કવયિત્રીએ એક પ્રકારના Trans State of Mind માં આ ગઝલના આ બે શેર લખ્યા છે-

    “કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
    નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

    હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
    નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.”

    ઉપર ને ઉપર, આભને આંબી જવાની આપણે કેટલીયે મહત્વાકાંક્ષા રાખીએ તો પણ, ઊડાન પૂરી થતાં, આ ધરતી પર તો આવવું જ પડે છે, બિલકુલ આભમાં ઊડતાં પંખીને જેમ દિવસભર આભમાં ઊડી ઊડીને અંતે ધરતી પર ઊગેલાં વૃક્ષ પરનાં માળામાં આવવું જ પડે છે. આકાશને આંબતી ઊડાન ભરો તો ભલે, પણ નીચે, ધરતી પરના કોઈ એક વૃક્ષ પર વિસામા માટે એક માળો રાખજો. કારણ,  આકાશની ઊડાન પણ શાશ્વત નથી. હા, એ સમજાય તો છે, પણ, એક પ્રકારનો અંતરનો અજંપો મનને જંપવા પણ ક્યાં દે છે? ક્યારેક એવુંય થાય છે કે આ ભવની નદીમાં, સાગર સુધી પહોંચવામાં નાવના અવલંબનનીયે જરૂર શું કામ? આપણે પણ મસ્તીમાં કંઈ પણ ઉપકરણ વિના ઊડતાં પંખીની જેમ, જીવતરની નદીને, નૌકા કે હલેસાં વિનાં જ પાર કરી જઈએ! ત્યારે એ ભૂલી જવાય છે કે આ ભવની નદીનું વહેણ પણ નશ્વર છે. એક મુદ્દત સુધી તો નીર વહે છે, પછી સાગર તરફ ધસમસતી નદીનું આયુષ્ય પૂરૂં થતાં વહેણ સૂકાય છે અને ત્યારે સમજાય છે કે ઈશ્વર ખુદ સાગર બનીને આપણા અંતરમાં જ તો ઘૂઘવી રહ્યો છે…! અહીં ગઝલ પરમતત્ત્વની સમક્ષ પલાંઠી વાળીને, “ઓમ”ના ધ્યાનમાં બેસી જાય છે. આના પછી, ઊર્ધ્વગામી બની ગયેલી આ ગઝલના અર્થોને કોઈ શબ્દોમાં આગળ ઢાળી શકવા શક્ય નથી.

    ગઝલના મક્તા સુધી આવતાં, કવિ એક એકરાર કરી લે છે, સર્વથી શરૂ થયેલી ‘ક્ષર’ સફરમાં, અંતે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધીને, ‘અ-ક્ષર’માં પોતાને ઉતારવાની વાત કરે છે

     “નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
    જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.”

    આમ, ‘ક્ષર’ વજૂદને ‘અ-ક્ષર’માં ઉતારવાની આ યાત્રાના મૂળમાં રહેલા અદ્વૈતનો કવયિત્રી અંતે પોતાના અંતરમનમાં “અહમ્ બ્રહ્મોસ્મિઃ” સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. દેવિકાબેન ધ્રુવ એ ડાયસ્પોરા સાહિત્યમાં એવું નામ છે કે જેને ચાતરી ન જ શકાય. એમની ગઝલોમાં છંદની ચુસ્તતા અને શબ્દાર્થની જુગલબંધીની મજા અલગ જ હોય છે. આ આખી ગઝલમાં જે વિરક્તિ છે તે અનાયાસે આવી હોવાથી પોતાના અર્થો ભાવક પાસે પોતે જ કરાવી લે છે.  દેવિકાબેનની કલમની આ છૂપી તાકાત છે. એમની પાસેથી ગુજરાતી ભાષાને ખૂબ અપેક્ષા છે. બસ, મને એટલી તો ખાતરી છે જ કે આવા સુંદર કાવ્યો એમની પાસેથી સદાય મળતાં રહેશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દેવિકાબહેન.


  • દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા : જોગેન્દ્રનાથ મંડલ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    બાબાસાહેબ ડો. આંબેડકરના સાથી, પકિસ્તાનના પહેલા કાયદા મંત્રી અને દલિતોના અધિકારો માટે આજીવન સંઘર્ષરત જોગેન્દ્રનાથ મંડલ (જન્મ ૨૯મી જાન્યુઆરી ૧૯૦૪, અવસાન ૫મી  ઓકટોબર ૧૯૬૮ )   જીવનના અંતિમ વરસોમાં જ ભૂલાવા માંડેલા. ચોસઠ વરસની વયે તેમણે એક વિસ્મૃત નાયક તરીકે આ દુનિયાની વિદાય લીધી હતી. પૂર્વી બંગાળના દલિતોના હિત માટે મંડલે ભારતના વિભાજન પછી પાકિસ્તાનમાં રહેવાની પસંદગી કરી હતી તે નિર્ણય ખોટો પડ્યો . પાકિસ્તાનની બંધારણસભાના સભ્ય અને બંધારણસભાની પહેલી બેઠકના અધ્યક્ષ રહી ચૂકેલા મંડલ ભારતમાં મહાપ્રાણ(મહાન વ્યક્તિ) મટી ‘ ભારતીય પાકિસ્તાની’  નાગરિકની ઓળખ પામ્યા હતા.તો પાકિસ્તાને તેમને વિશ્વાસઘાતી, જૂઠ્ઠા અને કાયર કહ્યા હતા. પાકિસ્તાનથી મોહભંગ થતાં તેઓ પાકિસ્તાન છોડી ભારત પરત ફર્યા પણ અહીં લોકોનો વિશ્વાસ પુન: સંપાદિત  ન કરી શક્યા તેથી. રાજકીય અસ્પૃશ્ય અને ગુમનામ નાયક બની જીવ્યા.

    વર્તમાન બાંગ્લાદેશ અને તત્કાલીન બ્રિટિશ ભારતના પૂર્વી બંગાળના બારીસાલ જિલ્લાના એક નાના ગામમાં  તેમનો જન્મ થયો હતો. દલિતોમાં  દલિત એવી નામશૂદ્ર જ્ઞાતિના ખેતમજૂર પરિવારમાં જન્મેલા જોગેન્દ્રનાથ ૧૯૩૨માં જિલ્લા મથક બારીસાલની કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કલકત્તાની લો કોલેજમાંથી એલએલબી કર્યું હતું. પરંતુ કોલેજકાળથી જ તેમનો ઝોક જાહેર કાર્યો તરફ હતો. એટલે ના તો એમણે વકીલાત કરી કે ના તો સરકારી નોકરી. મહાદલિત એવા નામશૂદ્રો અને અન્ય શોષિતોના સવાલો ઉકેલવા મથવું એ જ એમનું જાહેર કાર્ય અને વ્યવસાય બન્યા હતા.

    જોગેન્દ્રનાથ મંડલની સંસદીય કારકીર્દિનો આરંભ બહુ જ શાનદાર હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે બંગાળ વિધાનસભાની સામાન્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા. ભાગલા પૂર્વેની બંગાળની સરકાર અને વચગાળાની કેન્દ્ર સરકારમાં ૧૯૩૭ થી ૪૬ અને પાકિસ્તાનની પહેલી સરકારમાં ૧૯૪૭ થી ૫૦ તેઓ મંત્રી હતા. મહંમદ અલી ઝીણાના પ્રીતિપાત્ર હોવાના કારણે ભારતની વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના ક્વોટામાંથી ઝીણાએ મંડલની કેબિનેટ મિનિસ્ટ્રર  તરીકે પસંદગી કરી હતી. કાયદો, ન્યાય, સહકાર, શ્રમ અને કશ્મીર જેવા મંત્રાલયોનું કામ તેમના શિરે ભારત અને પાકિસ્તાનની કેન્દ્ર સરકારોમાં અને બંગાળની રાજ્ય સરકારમાં નિભાવવાનું આવ્યું હતું.

    ડો.બાબાસાહેબ આંબેડકર, નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે મંડલના ઘનિષ્ઠ સંબંધો હતા. યુવા વયથી જ તેઓ નેતાજીથી બહુ પ્રભાવિત હતા. નેતાજીને કોંગ્રેસે પક્ષમાંથી  દૂર કર્યા પછી તેઓ મુસ્લિમ લીગ તરફ ખેંચાયા હતા. સુભાષબાબુએ મંડલને “ મધુર વ્યવહાર, અડગ દ્રઢ સંકલ્પ અને સેવા પ્રત્યેની અન્યય ભક્તિ ધરાવતી વ્યક્તિ”  ગણાવ્યા હતા.   ડો.આંબેડકર અને જોગેન્દ્રનાથની મિત્રતા દીર્ઘ અને અતૂટ હતી. ૧૯૪૨માં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ડો. આંબેડકર સ્થાપિત “ ઓલ ઈ ન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન” ની બંગાળ શાખાના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૬માં તેઓ ફેડરેશનના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ડો.આંબેડકરને માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું. પણ ચૂંટાવું મુશ્કેલ હતું.ત્યારે મંડલે  બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.મંડલ અને આંબેડકરના વિચારોમા ભિન્નતા આવી ત્યારે પણ બંનેએ દોસ્તી ટકાવીને એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

    વિભાજન પછી પાકિસ્તાન સાથે જોડાયેલા જોગેન્દ્રનાથ મંડલ માટે દલિતોનું હિત સર્વોપરી હતું.  એટલે જ તેમણે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો કે તે લેવા તેમને મજબૂર કરાયા હતા. બંગાળ વિધાનસભામાં  જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળી ત્યારે ગઠબંધન સરકાર રચવી પડી હતી. આમ તો મંડલ એકલા જ ચૂંટાયા હતા. પરંતુ તેમણે દલિત ધારાસભ્યોનું જૂથ બનાવ્યું હતું. તેના સમર્થન સિવાય સરકાર રચવી મુશ્કેલ હતી. મંડલે સમર્થન માટે ત્રણ દલિતા ધારાસભ્યોને પ્રધાનપદ, ત્રણને સંસદીય સચિવ પદ, દલિત વિધ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ તથા વસ્તી મુજબ અનામતની માંગણી કરી હતી. હિંદુનેતાઓને તે માંગ સ્વીકાર્ય નહોતી પરંતુ મુસ્લિમ નેતાઓને મંજૂર હતી. એટલે મંડલે મુસ્લિમ લીગને સાથ આપવાનું નક્કી કર્યું હતુ. શાયદ આ જ અનુભવે તેઓ પાકિસ્તાન તરફ પણ ખેંચાયા હતા.પાકિસ્તાનની પસંદગી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેમને ગાંધીનહેરુના ભારત  કરતાં ઝીણાના પાકિસ્તાનમાં દલિતોના હિતને વધુ મહત્વ મળશે તેમ લાગે છે. વળી મુસ્લિમોને એક લઘુમતી તરીકે તેમના અધિકારો માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડ્યો છે તે  તેઓ તેમના દેશની દલિત લઘુમતીને નહીં કરવા દે અને તેમનું વલણ વધુ ઉદાર અને ન્યાયી  હશે તેમ માનીને તેમણે દલિત મુસ્લિમ એકતામાં ભરોસો મૂક્યો હતો.

    ૧૯૪૮માં ઝીણાના અવસાન પછીના પાકિસ્તાનના શાસકોને મંડલની પાકિસ્તાન પ્રત્યેની દેશભક્તિ પર શંકા રહેતી હતી. પ્રધાનમંડળના ઘણા ગોપનીય નિર્ણયો મંડલથી છુપાવવામાં આવતા હતા. ઘણા નિર્ણયોની તેમને મોડેથી અને બહારથી જાણ  થતી હતી. આ બધી બાબતોથી તેમજ દલિતોની હાલતથી તેમને ચિંતા થઈ હતી. એટલે ૧૯૫૦માં તેઓ ભારત આવતા રહ્યા અને અહીંથી જ તેમણે પ્રધાનપદનું રાજીનામુ પાકિસ્તાનના વડાપ્રધાનને મોકલી આપ્યું હતુ. રાજીનામાના પત્રમા મંડલે પાકિસ્તાન સરકારની સાંપ્રદાયિક અને દલિત વિરોધી નીતિઓને કારણે તેમણે આ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતુ. પાકિસ્તાનની સરકાર અને પોલીસના સાથથી લઘુમતી દલિતોને રંજાડવામાં આવતા હોવાનું અને હિંસા થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

    વિભાજન પૂર્વેના બંગાળની  કુલ આશરે ૫ કરોડની વસ્તીમાં ૨ કરોડ ૮૦ લાખ મુસ્લિમો અને ૨ કરોડ ૨૦ લાખ હિંદુઓ હતા. હિંદુઓમાં ૮૦ લાખ દલિતો હતા અને ૮૦ લાખ દલિતોમાં ૩૫ લાખ મંડલના જાતભાઈઓ એવા નામશૂદ્રો હતા. મુસ્લિમ બહુલ પૂર્વી બંગાળમાં વસતા નામશૂદ્રોના હિતમાં તેમણે પાકિસ્તાનનો વિકલ્પ પસંદ કર્યો હતો.પરંતુ ઝીણાના અવસાન પછીના શાસકોએ તેમને ખોટા ઠેરવ્યા હતા.  આ સંદર્ભમાં  ગજલ આસિફના પીએચ ડી થીસિસ “ મંડલ એન્ડ પોલિટિકસ ઓફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન” નું એક મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે કે જોગેન્દ્રનાથ મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિતોની આઝાદીનું સ્વપ્ન સાકાર થતું જોયું હતું. પરંતુ તેઓ પાકિસ્તાનની લઘુમતી એવા હિંદુઓને એક સમાન માની બેઠા હતા. તેમની  વચ્ચેનો ભેદ તેઓ સમજ્યા નહોતા. લઘુમતી હિંદુઓમાં કથિત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ અને દલિતો વચ્ચેના અંતરને સમજવામાં મંડલે થાપ ખાધી હતી. તેથી તેમનું દલિત મુસ્લિમ ભાઈચારાનું સપનું રોળાઈ ગયું હતું.

    દલિતો માટે ગુણવતાયુક્ત શિક્ષણ અને  ન્યાયતંત્ર, અર્થતંત્ર , રાજકારણ, શિક્ષણથી માંડીને સહકારી ક્ષેત્ર એમ તમામમાં દલિતોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ એ મંડલના દલિત અધિકારો માટેના સંઘર્ષના મુખ્ય મુદ્દા હતા. તે માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. ભારત પરત આવીને તેઓ શરણાર્થીઓના અધિકારો માટે કાર્યરત રહ્યા. ૧૯૫૦ પછી તેઓ ચાર ચૂંટણીઓ લડ્યા પણ એકેય જીતી શક્યા નહીં કેમકે તેમનો જનાધાર રહ્યો નહોતો.સત્તા સિવાય તેઓ દલિતોના સવાલો સતત ઉઠાવતા રહ્યા. તેઓ માત્ર પૂર્વી બંગાળના જ દલિત નેતા નહોતા.આખા દેશની દલિત ચળવળ સાથે જોડાયેલા રહેતા હતા. ૧૯૬૪માં અમદાવાદમાં ભરાયેલા આંબેડકરવાદીઓના અધિવેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

    જોગેન્દ્રનાથ મંડલના જન્મના લગભગ ૧૨૦ વરસો અને નિર્વાણના ૫૫ વરસો  પછી આજે તેમના જીવનકાર્યોનું  મૂલ્યાંકન કરીએ ત્યારે તત્કાલીન સમય સંદર્ભે  તેમના નિર્ણયોને તપાસવા જોઈએ નહીં કે આજના સમય સંદર્ભે. તો જ તેમને ઉચિત ન્યાય કરી શકાશે અને આધુનિક દલિત ઈતિહાસના નિર્માતા તરીકેના તેમના પ્રદાનને સમજી શકાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    બસ હવે બે વરસ માંડ, અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી પચાસ વરસ પૂરાં કરશે. પચાસી લગોલગ પહોંચતા બ્રિટનની ગુજરાતી અકાદમીએ કાપેલું અંતર, એની વયસ્કતા/પ્રૌઢિ લગીની મજલ એક વિશ્વગુજરાતી તરીકે બેશક વિચારણીય વિષય બની રહે છે. બ્રિટનની અકાદમીએ હજુ ગયે અઠવાડિયે અમદાવાદમાં અદમ ટંકારવીની વિશેષ ઉપસ્થિતિમાં મુસાજી ઈસપજી હાફેસજી કહેતા દીપક બારડોલીકર (૧૯૨૫-૨૦૧૯)નાં પાંચ પુસ્તકોનું મરણોત્તર પ્રકાશન, બરાબર શતાબ્દીટાણું ઝડપીને કર્યું. આ અવસર, પ્રકાશન્તરે, વિદેશવાસી ને કાળક્રમે ડાયસ્પોરી ગુજરાતી સર્જકતા ને વ્યક્તિતા વિશે પણ સહવિચાર નુક્તેચીનીનો બની રહે છે.

    મુસાજી મૂળે બારડોલીના. ભાગલા પછી પાકિસ્તાન ગયા, પણ બારડોલી એમ કેડો મેલે શાનું. ગઝલની વાહે એ દીપક બારડોલીકર બની રહ્યા તે બની જ રહ્યા. ૧૯૯૫ના માર્ચમાં ખાસા અંતરાલ પછી એ બારડોલી ગયા ત્યારે જાતરાની રીતે વાત માંડતાં મુખડો બાંધે છે કે ‘બારડોલી એટલે સરફરોશોની ભૂમિ.’ વળી કહે છે કે અહીં ‘સરદાર પટેલનું નામ એટલી હદે ગુંથાઈ ગયું કે પછી લોકો એય ભૂલી ગયા કે સરદાર મૂળ ખેડા જિલ્લાના કરમસદ ગામના હતા.’ અને હવે રંગભરી આપવીતી શી એક ફરિયાદ: ‘મારા બારડોલીના સરનામે આવતા કેટલાય કાગળો ખેડા ચાલ્યા જતા.’

    પાકિસ્તાનવાસી જિકર લગીર રહીને કરું, પણ નિવૃત્તિ પછી એક તબક્કે પુત્રને ત્યાં માન્ચેસ્ટર રહેવા ચાલી જવાનું અનિવાર્ય બન્યું ત્યારે પોતાના ઈંગ્લેન્ડના વસવાટનો હૃદ્ય ઉઘાડ ૧૯૯૫માં એ બાટલી મુકામે યોજાયેલા ઐતિહાસિકવત્ મુશાઈરા (મુશાયરા)ને સંભારીને કરે છે. અમેરિકાથી આદિલ મનસૂરી ખાસ આવ્યા હતા. એ પણ એક ડાયસ્પોરી શખ્સિયત, અમદાવાદ હતા ત્યારે કરાંચીની ‘રણછોડ લેઈન’ સંભારીને ગણગણતા- અને વખતે અમદાવાદ છોડવાનું બને એવી પરિસ્થિતિ સરજાઈ ત્યારે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ એ તરજ પર એમનું દર્દ પ્રગટ થયું છે. કાળક્રમે અમેરિકા જઈ વસ્યા અને બાટલીના મુશાઈરામાં જે ત્રૂઠ્યા છે! પણ હિંદ-પાક પછી હવે માન્ચેસ્ટરી દીપકને ત્યારે યાદ રહી ગયેલી આદિલ-પંક્તિઓ છે: ‘કેવી શું-શાં સાંકળે છે આજે પાંચે ખંડને/એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે.’ સ્વદેશવત્સલ સીમિત ઓળખે નહીં અટકતાં જે એક વ્યાપક સંધાન ગુજરાતી સર્જકતા અનુભવી શકે તેનું ઉત્તમ નિદર્શન આદિલના ગઝલોદગારમાં તેમ એને અંગેની દીપકની સોલ્લાસ સહૃદય અનુમોદના થકી મળે છે એમ જ કહેવું જોઈશે.

    દીપકનો પાકિસ્તાનવાસ ઠીક ઠીક સંઘર્ષનો કાળ છે. એ શિક્ષક તરીકે કામ કર્યા પછી અખબારી કામગીરીમાં જોતરાયા છે અને યુનિયનમાં પણ સક્રિય છે. પ્રેસ ફ્રીડમના મુદ્દા પર એ તવાઈનો ભોગ બન્યા છે. ‘સાંકળોનો સિતમ’ એ આત્મકથામાં ત્યારનું ચિત્ર ઝીલાયું પણ છે. ‘ઉછાળા ખાય છે પાણી’ એ એમના બારડોલીકાળનાં સ્મરણો છે, અને ‘સાંકળોનો સિતમ’ પાકિસ્તાનવાસની દાસ્તાં છે. એક તળ ગુજરાતી- કહો કે ગુર્જરભારતી તરીકે પાકિસ્તાનને જોવાના આપણા પરિપ્રેક્ષ્યને દીપક પાક છેડેથી જરી ઝંઝેડે પણ છે. ગાંધીજી માટેનો આદર એકંદરે અકબંધ રાખી એ ઝીણાની નિજહૃદયસ્થિત છબી ખાસ તો પાક બંધારણસભા સમક્ષના એમના ઐતિહાસિક સંબોધનને ટાંકીને સુરેખ મૂકી આપે છે. ૧૯૪૭ની અગિયારમી ઑગસ્ટે ઝીણાએ કહ્યું હતું: ‘તમો મુક્ત છો. તમો તમારાં મંદિરોમાં જવાને મુક્ત છો, તમો તમારી મસ્જિદોમાં, પાકિસ્તાન રાજ્યમાંની અન્ય કોઈ પણ ઈબાદતગાહમાં જવાને મુક્ત છો. તમો કોઈ પણ ધર્મ યા નાતજાત યા સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હો તેને રાજ્યના વહીવટી કાર્યક્ષેત્ર સાથે કોઈ લેવાદેવા નથી. હવે હું ઈચ્છું છું કે આપણે એ હકીકતને આપણા આદર્શ તરીકે આપણી સમક્ષ રાખવી જોઈએ અને પછી મતે જોશો કે સમય જતાં હિંદુ, હિંદુ રહેશે નહીં અને મુસ્લિમ મુસ્લિમ રહેશે નહીં, પણ ધાર્મિક અર્થમાં નહીં, કેમ કે તે પ્રત્યેક વ્યક્તિની અંગત માન્યતા છે- બલકે (એ એકતા) રાજ્યના શહેરીઓ તરીકે રાજકીય એકતા રહેશે.’

    પાક તંત્રવાહકોએ ઝીણાના આ બોલને પ્રકાશનમાં અને વ્યવહારમાં દાબ્યા એની વાત કરતા આપણા આ કવિ-પત્રકારનો મિજાજ ઝાલ્યો રહેતો નથી અને એમને નિ:સંકોચ ‘ગધેડા’ તરીકે ઓળખાવે છે. જોકે, ભાગલા વખતે પાકિસ્તાન જવાની તક ઝડપતાં એમણે કરેલી એક ટિપ્પણી સમજી શકાય તેવી છતાં સંપૂર્ણ ગ્રાહ્ય નથી તે પણ અહીં કહેવું જોઈએ. એમની દલીલ એ છે કે ઝીણા મુસ્લિમ અધિકાર અને સુવિધાપૂર્વકનું હિંદ ઝંખતા હતા. પણ હિંદુઓની વાત કરતી હિંદુ મહાસભા અને ‘હિંદીઓ’ની વાત કરતી કોંગ્રેસના માહોલમાં એ શક્ય ન બન્યું. બાકી, એમના શબ્દોમાં ‘કાયદે આઝમ માટે છે એટલું જ માન અમને ગાંધીજી માટે છે.’ બલકે, ‘ગાંધીજી સમગ્ર ઉપખંડના નેતા હતા.’ કેમ કે એ એક ગરવો વડલો હતો જે ‘વેરી હોય કે વાલમો, આપે સૌને છાંય.’

    તો, આ એક અજંપ ઉપખંડવાસી, રૂંવે રૂંવે ઈસ્લામને વરેલ- પણ મજહબી હવાલે આતંકવાદનું સમર્થન મુદ્દલ નહીં. લંડનના બોમ્બ વિસ્ફોટ વખતે માન્ચેસ્ટરબેઠા લખે છે: ‘માનવ તો નહીં જ/નહીં નહીં માનવ તો નહીં જ/શેતાનના સહોદર હોઈ શકે છે/અને ભૂલશો નહીં. શેતાન તો ઉઘાડો શત્રુ છે આદમનો/આદમની ઔલાદોનો.’ બ્રિટનની ગુજરાતી અકાદમી વિશે ને મિશે વિશેષ ચર્ચાને અવશ્ય અવકાશ છે, પણ હમણાં તો એણે રાષ્ટ્રીયતા નિરપેક્ષ ધોરણે ગુજરાતીભાષી માત્રને પોતીકા ગણવાની જે ગરવી પ્રણાલિ વિકસાવી છે, તેને સલામ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૬૫)_ સુભાષબાબુનું પરાક્રમ (૨)

    દીપક ધોળકિયા

    સુભાષબાબુ સાથે સંપર્ક

    ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

    જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

    પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી.

    લીગ સામેની મુશ્કેલીઓ

    બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

    મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

    એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

    કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

    હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

    આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

    ૦૦૦

    સંદર્ભઃ

    Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • આંખથી મોટું આંસુ

    ગિરિમા ઘારેખાન

    એ દિવસે હું બહુ ખુશ હતી. કેટલાય વખતથી હું એના મનના ગર્ભમાં સળવળ સળવળ થયા કરતી હતી. અમુક સમય પછી તો મારો સળવળાટ એટલો બધો વધી ગયો કે એ રાત્રે ઊંઘી પણ શકતી ન હતી. છેવટે એ રાત્રે એણે પથારી છોડી દીધી, બહારની રૂમમાં આવી, કાગળ પેન લીધાં અને શરુ કર્યું મારા શબ્દદેહને જન્મ આપવાનું. મારું અવતરણ શરુ થઇ ગયું હતું. હું બહુ આનંદિત હતી. વાર્તાના પ્રસવની આ પળો જરુર આનંદદાયક હોતી હશે કારણકે એ મારા શબ્દ દેહને કંડારવામાં મગ્ન થઇ ગઈ હતી જાણે સમાધિ ન લાગી ગઈ હોય! એની મમ્મી ક્યારે એની પાછળ આવીને ઊભી રહી ગઈ એની ખબર પણ એને ન પડી. મમ્મીએ એને કશુંક લખતી જોઈ. એમણે લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ ચશ્માં વિનાની પાંગળી આંખોને કંઈ ઉકલ્યું નહીં હોય એટલે પૂછી જ નાખ્યું, ‘મીતુ, ક્યારેય નહીં અને આજે આમ અડધી રાત્રે ઊઠીને શું લખવા બેઠી છે?’

    એણે ચમકીને ઊંચું જોયું અને એની અર્ધસમાધિસ્થ અવસ્થામાં સ્મિત કરતાં કરતાં કહ્યું, ‘ મમ્મી, વાર્તા લખું છું.’

    ‘શું?’

    ‘વાર્તા.’

    ‘તું અત્યારે વાર્તા લખવા ઊઠી છે? વાર્તા? વોટ નોનસેન્સ!’

    મમ્મી મારા અવતારવાળા કાગળ તરફ વધારે ઝૂકી અને આંખો ખેંચીને વાંચવાનો પ્રયત્ન કર્યો.

    ‘રાધિકાએ સ્ટેજ ઉપર ઊભેલા અનુજને જોયો અને એનું હૃદય છાતીના પિંજરમાં પાંખો ફફડાવવા માંડ્યું. અનુજનું ઊંચું સ્નાયુબદ્ધ શરીર,ગોરો વાન અને જેલથી ઊંચા કરેલા કાળા ભમ્મર વાળ ઉપર રાધિકા મોહી પડી. પછી તો એને અનુજનું ગીત સંભળાતું પણ બંધ થઇ ગયું. એની બીજી બધી જ ઇન્દ્રિઓ કામ કરતી બંધ થઇ ગઈ અને આંખો પહોળી થઈથઈને અનુજને પોતાનામાં સમાવી લેવાનો પ્રયત્ન કરવા માંડી.’

    ‘મમ્મી,મસ્ત વાર્તા સુઝી છે. કોઈ સરસ સામયિકમાં મોકલીશ. ચોક્કસ છપાશે, જોજે ને !’ મીતુના અવાજમાં આવનારા સમયનું ગૌરવ હતું.

    ‘મૂક મૂક તારી આ ટાયલી વાર્તા બાર્તા. હું તો ખુશ થઇ કે તું ભણવા ઊઠી છે. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા માથે ભમે છે અને તને આ વાર્તાની ધૂન ક્યાંથી ચડી?’

    ‘પણ મમ્મી —-!’ મારી જનેતાનો અવાજ રડમસ હતો.

    ‘વાર્તાઓ લખે કોઈના ઉધ્ધાર થયા છે કે તારો થશે? આ બધું મૂકીને ભણ, પરીક્ષાની તૈયારી કર. તારું બી.એ પતે એટલે પરણાવી દઉં, મારી જવાબદારી પૂરી’, મમ્મીએ ટેબલ ઉપરથી કાગળ ઊંચકતા કહ્યું.

    ‘મમ્મી,મમ્મી, પ્લીઝ મમ્મી. આટલી વાર્તા પતાવી લેવા દે. છપાવવાનું હમણાં નહીં કરું, બસ! આટલી લખીને મૂકી દઈશ.’

    ‘ના, નો મીન્સ નો.’

    એ સાથે મારા સદ્યજન્મ્યા ટુકડા દેહનો કાગળ મારી જનેતાની મમ્મીની આંગળીઓ વચ્ચે સળસળ થઈને ચૂંથાઈ ગયો અને પધારાવાઈ ગયો કચરાપેટીમાં.

    હું મારી જનેતાના હાવભાવ જોઈ ન શકી, પણ આખરે હતી તો હું વાર્તા દીકરી ને! મેં એની દશા કલ્પી લીધી, વ્યથા અનુભવી લીધી અને મારા સુક્ષ્મ દેહથી પાછી જઈને બેસી ગઈ એના મગજના ગર્ભાશયમાં. વેતાળનું ભૂત એમ કંઈ રાજા વિક્રમનો પીછો છોડતું હશે?

    .              *********************************

    એ પણ એવી જ ભારે ભારે રાત હતી. છેલ્લા એક વર્ષમાં મારા દેહનો ખાસ્સો વિકાસ થઇ ગયો હતો. એમાં ઘણી નવી લાગણીઓ, સંવેદનાઓ, ઉમેરાઈ ગઈ હતી. મીતુને પણ મારા આ હૃષ્ટપુષ્ટ દેહનો ભાર તો લાગતો જ હશે. એટલે જ એ એની ઘણી ઉજાગરાભરી રાતોમાં ઉજાગરા ઉમેરતી જતી હતી. છેવટે એ રાત્રે એણે પોતાના હાથ ઉપર ટેકવાયેલા પતિના માથાને હળવેથી દૂર ખસેડ્યું અને ધીમેથી ઊભી થઈને બહાર આવી ગઈ. કાગળ શોધવા એણે ખાંખાખોળા કર્યાં પણ કાગળ મળતો ન હતો. હું તો એની કલમના દરવાજા મારફતે બહાર નીકળવા આકુળવ્યાકુળ થઇ ગઈ હતી. એ પણ એટલી જ ઉતાવળી  હશે એટલે કાગળની વધારે શોધ કર્યા વિના એણે ટેબલના ખાનામાંથી હિસાબની ડાયરી અને પેન કાઢ્યાં અને એમાં જ પાછળની તરફ, ફરીથી એક વાર મારા શબ્દદેહને અંકારવાનું ચાલુ કરી દીધું.

    ‘રાધિકાને અવારનવાર લાગતું હતું કે જે અનુજને એ પરણી હતી એ પહેલા  વાળો અનુજ ન હતો. પુરુષ પતિ બને એટલે પ્રેમી મટી જાય? એની પ્રેમ કરવાની જગ્યા અને સમય સીમિત થઇ જાય? એને લાગતું હતું કે લગ્ન પછી એની તો અનુજ માટેની લાગણી અને દરકાર વધતાં જતાં હતા. તો પછી અનુજને —-?’

    મારો દેહ સુંદર ઘડાતો જતો હતો. મીતુને પ્રસવનો આનંદ તો હતો જ પણ સાથોસાથ, કદાચ મારા પહેલીવારના પ્રસવની જેમ આ પ્રસવ પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવશે તો-એવી આશંકાની પીડા અપાર હતી. એટલે જ એની ઝડપ અદભૂત હતી. જો કે કુંભારને પણ એના ઘડાને ઘાટ આપવામાં સમય જતો હોય છે –ધીરજથી ન ઘડે તો એનો આકાર બગડી  જાય. ત્યારે અહીં તો એક કલાત્મક દેહ કંડારવાની વાત હતી. હિમશીલામાંથી નીકળીને પર્વત ઉપરથી નીચે ઊતરતા નાના ઝરણની જેમ હું ઉછળતી, કૂદતી, ચમકતી-દમકતી, હસતી-રમતી, સુંદર દેખાતી બહાર સરકતી આવતી હતી. ત્યાં જ મીતુના બેડરૂમમાંથી એક ભારેખમ અવાજ સંભળાયો, ‘ક્યાં છે મીતુ? આવ ને!’

    મીતુની સમાધિ તૂટી. એની પેન સહેજ અટકી. મારા શરીરમાં ધ્રુજારી થઇ-ફરીથી વિઘ્ન? પણ મીતુએ તો જવાબ આપ્યા વિના લખવાનું ચાલુ રાખ્યું.

    ‘મીતુ—!’ પેલો અવાજ મોટો થયો હતો.

    ‘આવું છું!’ મીતુંના અવાજમાં સહેજ સાજ કંપન હતું.

    હું પણ અમળાવાનું, મરોડાવાનું, સુંદર દેખાવાનું ભૂલીને સડસડાટ નીચે ઉતરવા માંડી, જાણે

    ઝરણામાંથી થઇ ગઈ ધોધ. ત્યાં તો પેલા ભારેખમ અવાજનો માલિક અંદરથી આવ્યો અને કંઈ બોલ્યા વિના મીતુને ખેંચીને અંદર  લઇ ગયો. એ વાંકડી મૂછોએ તો મારા અસ્તિત્વની નોંધ લેવાની પરવા પણ ન કરી. ડાયરીના ઊડતાં પાનાઓ વચ્ચે હું થોડી વાર ફફડતી રહી. વળતી સવારે મારો અડધો-પડધો દેહ કેદ થઈને પૂરાઈ ગયો  ટેબલના ખાનાના અંધારામાં.

    નાં—-, ના —-, ના—-, આ ‘નહીં અંદર નહીં બહાર’ની ત્રિશંકુ અવસ્થા કરતાં તો મીતુના મગજનો અંધકાર મારે માટે વધારે સલામત જગ્યા છે.  ફૂલ નહીં તો બીજ થઈને-સચવાઈ તો રહીશ!

    ***********************************

    મીતુના મગજમાં હવે મારે માટે તો સળવળવાની જગ્યા પણ ન હતી. એના મગજના નાના-મોટાં અનેક ખાનાઓમાં મારા સિવાય બીજું બધું જ એકબીજા સાથે અથડાયા કરતું – એનું ઘર ને એનો વર, સવાર-સાંજની રસોઈ અને સાસુની સંભાળ, બાળકોને ભણાવવાનું તેમ જ નિશાળ –કલાસીસમાં લેવા મૂકવા જવાનું. આ ઉપરાંત આવું તો બીજું ઘણું ય. એ બધું સમય પ્રમાણે બહાર નીકળતું, અંદર આવતું, થોડુંક ગોઠવાતું અને ક્યારેક એકબીજા સાથે સંઘર્ષ પણ કરતું. મને મીતુ પર એક બાજુ ગુસ્સો ચડે અને બીજી બાજુ દયા પણ આવે.

    એક પ્રસંગ તો મને બરાબર યાદ છે. એ દિવસે ગમે તેમ કરીને, પોતાની રોજીંદી દોડધામમાંથી થોડો સમય ચોરીને, મીતુએ મને જન્મ આપી દીધો હતો. હું કાગળ ઉપર પથરાઈને મલકાઈ રહી હતી, ત્યારે જ મીતુને એના સાસુએ બોલાવી. મને ત્યાં જ મૂકીને મીતુ દોડતી એમની પાસે ગઈ. એ જ વખતે બહાર રમવા ગયેલાં એના ચિન્ટુ અને રમ્યા ત્યાં આવી ગયા. મને જોઇને પાંચ વર્ષના ચિન્ટુને કોણ જાણે શું થયું કે એ એની રંગ કરવાની પેન્સીલ લઇ આવ્યો અને મારા આખા શરીર ઉપર લાલ રંગના લીટા કરી દીધા-આડા, ઊભા ને ત્રાંસા, ગોળ ગોળ અને અર્ધ ચંદ્રાકાર-એનાથી થઇ શક્ય એટલા બધા આકારના. હું સતત ચિત્કારતી હતી- ‘ના કર, ના કર.’ પણ એ ક્યાં કંઈ સાંભળતો જ હતો!

    પાંચ જ મિનિટમાં હું આખેઆખી વીંધાઈ ગઈ. મારા શરીરમાંથી લોહીના રેલા નીકળવા માંડ્યા. અધૂરામાં પૂરું પછી તો ચિન્ટુની નાની બહેન રમ્યાએ એની પાસે પેન્સીલ માગી. ચિન્ટુએ ના આપી  એટલે રમ્યાએ એના હાથમાંથી કાગળ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. પણ ચિન્ટુ કંઈ એમ કાગળ થોડો આપી દે? બસ, પછી તો થયા મારા બે ટુકડા-એક ચિન્ટુના હાથમાં અને એક રમ્યાના હાથમાં. રમ્યાને ગુસ્સો આવ્યો  હતો અને એણે એના હાથમાંના મારા ટુકડાને ફાડવાનું શરુ કર્યું. એને આમ કરતી જોઇને ચિન્ટુ પણ પોતાના હાથમાંના મારા દેહને ચીરવા માંડ્યો. મારો દેહ અસંખ્ય ટુકડાઓમાં વિભાજીત થઇ ગયો હતો. હવે તો મેં ચીસો પાડવાનું પણ બંધ કરી દીધું હતું.

    ત્યાં તો મીતુ આવી અને મારી આ હાલત જોઈ. મને, એની સદ્યજન્મ્યા માનસ પુત્રીને, આમ રઝળતી મૂકીને જવા માટે મને મીતુ ઉપર ગુસ્સો તો ઘણો આવ્યો હતો, પણ એના આંસુઓએ મને ભીંજવી નાખી. મને ખ્યાલ આવી ગયો કે જે ટપકતાં હતાં એ આંસુ ન હતા પણ એની લાચારી હતી. મારો તો દેહ ઘવાયો હતો પણ એનો તો આત્મા જ વીંધાઈ ગયો હોય એવું એ રડતી હતી. મારે મીતુને કહેવું હતું, ‘રડ નહીં, રડ નહીં, મારી મા. તેં મને જન્મ આપી દીધો હતો પણ નાળછેદ ક્યાં થયો હતો? હું હજુ તો તારા અસ્તિત્વનો જ એક ભાગ છું, તારો અંશ, હું હજુ તારામાં જ છું અને સુક્ષ્મ સ્વરૂપે, એક વિચાર રૂપે સદા યે રહીશ.’

    હું પાછી હતી ત્યાં ને ત્યાં-એવી ને એવી-અજન્મા.

    ગર્ભધારણ થયા પછી એક સ્ત્રી બાળકને જન્મ જ ન આપી શકે એ વેદના મા અને બાળક- બન્નેને કેટલી તીવ્ર હોય! અમુક સમય પછી તો બાળક અંદર ને અંદર સૂકાઈ જાય. પણ મારા કિસ્સામાં એવું નહોતું બન્યું. મારી જિજીવિષા ઘણી વધારે હતી. મારે દેહ ધારણ કરવો જ હતો, જન્મ લેવો જ હતો. કોઈ સારા સામયિકના પાનાઓ ઉપર મારે પણ પ્રકાશિત થવું હતું અને વાચકો પાસેથી પ્રશંસા મેળવવી હતી. એટલે જ હું મીતુના મગજના અસ્પર્શ્ય ખૂણામાં કોકડું વળીને પડી રહી હતી. મારે સૂકાઈ જવું ન હતું. મારે મારા અસ્તિત્વને જીવતું રાખવું હતું. મને ખબર હતી કે મીતુ મને ખૂબ પ્રેમ કરતી હતી. હું ઈચ્છતી હતી કે દુનિયા મારી મા ને મારી જનેતા તરીકે ઓળખે, પ્રશંસે, પુરસ્કારે. એટલે જ મેં જન્મ્યા પછી અજન્મા રહ્યાની વેદના સહી, ધીરજ રાખી, વર્ષો સુધી.

    ક્યારેક ક્યારેક હું મીતુના કપાળના પ્રસ્વેદબિંદુ કે આંખના તગતગતા આંસુમાં ડોકાઈને દુનિયા જોઈ લેતી, મારી જાતને મારા જીવતા હોવાના પુરાવા આપતી. મારી જાતને પ્રવૃત્તિશીલ, ધબકતી રાખવા મેં મારા એક અંશને મીતુના હૃદયમાં પણ રોપી દીધો. પછી તો મારા છૂટાછવાયા કણો લોહીની સાથે મીતુની રગરગમાં ફરવા માંડ્યા. હવે મીતુ બીજું ગમે તે કરે, હું એના અસ્તિત્વમાં, અંશેઅંશમાં ફેલાઈ ગઈ હતી. મીતુ મને ખાતી હતી, મને પીતી હતી, અરે, મને શ્વસતી હતી!

    ***********************************

    મને ખબર પડી ગઈ છે કે હવે મીતુએ એની સાસુની દવાઓની, બાળકોના ભણતરની, કલાસીસમાં લેવા-મૂકવા જવાની ચિંતા નથી કરવી પડતી. પેલો ભારેખમ અવાજ પણ હવે ઢીલો થઇ ગયો છે. હવે હું મીતુના મગજના અગ્રભાગમાં સંપૂર્ણ વિકાસ પામી ગઈ છું.

    આ વખતે તો મીતુ દિવસના અજવાળામાં મારા શબ્દશરીરને વિચારોના, કલ્પનાઓના કોશેટામાંથી ધીરે ધીરે સુંદર રીતે બહાર કાઢીને આકારી રહી હતી.

    ‘રાધિકાએ અરીસામાં જોયું. વાળની સફેદી અને ચહેરા પરની કરચલી- બંને જાણે અચાનક વધી ગયાં હોય એવું લાગતું હતું. એણે હજુ તો કેટલું બધું કરવાનું હતું? ના,ના હવે નહીં. એ પોતે નહીં છોડે ત્યાં સુધી જવાબદારીઓ તો એને છોડવાની જ ન હતી. તો પછી એની ઈચ્છાઓ, એના સપનાંનું શું? બીજાઓ માટે બહુ જીવી લીધું, હવે એ પોતાને માટે જીવશે. પણ આટલા વર્ષોથી અસ્તિત્વની આસપાસ વીંટળાઈ ગયેલી સુંવાળી સાંકળો હવે એકદમ એનાથી તોડી શકાશે?’

    એ જ વખતે પાછળથી પેલો અવાજ સંભળાયો-‘મીતુ!’

    મીતુના જોરથી ધબકવા માંડેલા હૃદયની ધ્રુજારી એના હાથ સુધી આવેલી મેં પણ અનુભવી. ડરી ગયેલી પેન હાથમાંથી છટકીને નીચે પડીને ટેબલ નીચે સંતાઈ ગઈ.

    પેલી વાંકડી મૂછો ત્યાં આવીને ઊભી હતી. હું અધ્ધર શ્વાસે, હૈયું હાથમાં લઈને જોતી રહી, મનમાં ને મનમાં આજીજી કરતી રહી, ‘હવે તો ખાલી મારા પગ જ બાકી છે. પ્લીઝ, પ્લીઝ, મને આવી જવા દો. મારે અજન્મા નથી રહેવું. મારે જન્મવું છે, આજે, આ જ પળે, નહીં તો પછી ક્યારેય નહીં.’

    મીતુના હૃદયનો ધબકાર મને છેક મગજ સુધી સંભળાતો હતો. એની નજર ઘડીક પેલી સંતાઈ ગયેલી  પેન તરફ અને ઘડીક પેલા અવાજની વચ્ચે ભટકી રહી હતી. પછી તો મીતુના ધ્રુજવા માંડેલા શરીરનું કંપન એના અંગેઅંગમાં ફેલાતું ફેલાતું મારા સુધી પણ પહોંચ્યું અને મારો રહ્યો સહ્યો ભાગ ફેંકાઈને આવી ગયો એની આંખમાં. એની આંખથી ય મોટું આંસુ બનીને હું પેલા અવાજ સામે તાકી રહી.

    મેં જોયું કે એ વાંકડી મૂછો નીચે ઝુકી, એણે પેન ઉપાડી અને સહેજ મલકાટ સાથે મીતુની સામે ટેબલ ઉપર મૂકી. પછી  એ અવાજ મૂંગો મૂંગો અંદરની રૂમ તરફ જતો રહ્યો.


     

  • અંતિમ વિદાય

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કામનાનું મન આશંકાથી ઘેરાઈ ગયું. જેવો એણે ગલીમાં પગ મૂક્યો કે સામે કાકીના ઘર પાસે ભીડ દેખાઈ.

    “સોનૂ? ના..ના.. એમ તો કેમ બને?”

    કાલે રાત્રે અકસ્માતના સમાચાર મળ્યા કે તરત રાતની ટ્રેનમાં એ અહીં આવી ગઈ. કાકાએ તો ફોન પર એમ જ કીધું હતું કે, મામૂલી ઈજા છે. સોનૂના જીવન પર કોઈ જોખમ નથી. પપ્પા સાથે વાત થઈ તો એમણે એમ જ કીધું હતું કે, ચિંતાનું કોઈ કારણ નથી પણ તું આવી જાય તો સારું છતાં એક અંદાજ તો એણે કાઢ્યો કે, સોનૂને ગ્વાલિયર લઈ જવાનો મતલબ ઈજા વધારે જ હશે. ગલીથી ઘર સુધી પહોંચતામાં કામનાને કેટલાય વિચારો આવી ગયા.

    સોનૂ એટલે કામનાના કાકાનો સૌથી નાનો દીકરો. ઘરમાં પ્રવેશતાં જ પૉલિથીન બેગમાં લપેટાયેલો લોહીથી લથપથ સોનૂનો દેહ નજરે પડ્યો. અત્યંત રોક્કળ વચ્ચે કાકીનું આક્રંદ સમજાય એવું હતું, સોનૂ કાકીનો સૌથી લાડકો દીકરો. લાડકા દીકરાની પત્ની રશ્મિ પણ કાકીને એટલી જ વહાલી હતી પણ, તેથી શું? દીકરા અને વહુમાં અંતર તો ખરું જ તો !

    અચાનક કામનાનું ધ્યાન સ્ત્રીઓનાં ટોળા વચ્ચે પૂતળાની જેમ સ્થિર બેઠેલી રશ્મિ તરફ ગયું. એના ચહેરા પર ન કોઈ ભાવ, ન કોઈ પ્રતિક્રિયા, શરીર તો જાણે જડ. આવો નિર્વિકાર ચહેરો?

    આ ક્ષણે રશ્મિનાં માસૂમ ચહેરા પર બિંદી, સેંથીમાં સિંદૂર હતું. એ એવી તો રૂપાળી લાગતી હતી કે, જાણે કોઈ ઢીંગલી જોઈ લો પણ જ્યારે આ બધી જ સૌભાગ્યની નિશાનીઓ ઉતરી જશે ત્યારે કેવી લાગશે?

    કાકી તો એકદમ રૂઢિચુસ્ત, વિધવાધર્મના આગ્રહી. એ ક્યાં રશ્મિના સાજ શણગાર રહેવા દેશે? કોણ જાણે હવે રશ્મિના શું હાલ થશે? દીકરાના અપમૃત્યુનું આળ રશ્મિ પર આવશે. દીકરાને ભરખી ગઈ જેવા ટોણાં વરસાવશે. પોતાના લાડકા દીકરાને ગુમાવવાના આઘાતમાં કાકી શું નહીં કરે?

    માંડ પંદર દિવસ પહેલાં પરણીને આવી ત્યારે એની મ્હોં જોવાની રસમ માટે પિયરથી મોકલેલી ચૂડીઓ ન જોતાં કાકીએ કેવો ઉપાડો લીધો હતો? માંડ સમજાવીને ઘરમાંથી સોનાની ચૂડીઓથી લાવીને રસમ પૂરી કરાવી હતી. એ કાકી રશ્મિનાં ચૂડી કે ચાંદલો ક્યાં રહેવા દેશે?

    કામનાનાં મનમાં કેટલાય વિચારો આવી ગયા. એને રશ્મિની દયા આવી. દુનિયાદારીથી પરે, સાવ અલ્લડ હતી!

    પણ, આ શું? ત્રીજા દિવસે જ્યારે સ્ત્રીઓ રશ્મિના સાજ ઉતારવા આવી ત્યારે કાકી પહાડની જેમ વચ્ચે ઊભાં રહી ગયાં.

    “સોનૂ નથી તો શું? રશ્મિએ સુખ જોયું જ ક્યાં છે? સોનૂંનું જીવન આટલું ઓછું છે એવી ખબર હોત તો હું એને પરણાવત જ નહીં. કોઈ સાજ શણગારથી એ વંચિત નહીં રહે. એ અત્યારે છે એમ જ રહેશે.. આજથી રશ્મિ મારો સોનૂ બનીને રહેશે.”

    ******

    સમય પસાર થતો રહ્યો. છ મહિના પછી કામના કાકીને મળવા આવી તો ખબર પડી કે રશ્મિનાં કરિયાવરનો સામાન કાકીએ સાચવીને રાખ્યો છે.

    “કમ્મો, રશ્મિએ ક્યાં કોઈ સુખ જોયું છે? કોઈ સરસ છોકરો હોય તો રશ્મિનાં લગ્ન કરાવીને સુખી કરવી છે. એનું મન હળવું થાય એટલે એને પિયર પણ મોકલું છું પણ, એ કાયમી ઉપાય નથી. કાલ ઊઠીને અમે નહીં હોઈએ ત્યારે રશ્મિનું કોણ? સાધારણ સ્થિતિનાં એનાં માબાપે આ લગ્ન માંડ ઉકેલ્યા હતાં. એનો કરિયાવરનો સામાન સાચવીને રાખ્યો છે, પણ બાકીના રૂપિયા કે વ્યવહારની ચિંતા પણ અમારાં માથે. એનું કન્યાદાન અમે જ કરીશું.”

    એકાંત મળતાં જ કાકીએ કામનાને કહ્યું. કામના માટે આ સાવ અણધારી વાત હતી.

    આ એ જ કાકી હતાં જે વિધવાઓએ વિધવાઓની જેમ રહેવું જોઈએ એ આગ્રહપૂર્વક માનતાં. પડોશીની નાની દીકરી પાછી આવી ત્યારે એ ચૂડી-પાયલ પહેરતી અને બિંદી કરતી ત્યારે, કાકીએ કેટલો વિરોધ કર્યો હતો, બાપરે…!

    સમય પસાર થતો રહ્યો. કાકીએ હકપૂર્વક હઠ કરીને રશ્મિનું ભણવાનું શરૂ કરાવ્યું. રાત્રે ઊઠીને કાકી એના માટે ચા બનાવતાં. આમ એનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું. કામનાને કાકી પર માન થઈ આવ્યું. સોનૂનાં અવસાનનાં એક વર્ષ બાદ કાકીએ રશ્મિનાં વિવાહ નક્કી કર્યા. છોકરો બેંકમાં કામ કરતો હતો. એની પત્નીનું અકસ્માતમાં અવસાન થયું હતું.

    પૂરેપૂરા ઉત્સાહથી કાકીએ લગ્ન લીધાં.

    લગ્નનો દિવસ આવ્યો ત્યારે બખેડો ઊભો થયો. પંડિતનું કહેવું હતું અને છોકરાવાળાનું પણ માનવું હતું કે, એકવાર જેણે સપ્તપદીના ફેરા લીધા હોય એ કન્યા ફરી ફેરા ન લઈ શકે.

    “સપ્તપદીના ફેરા વગર તો લગ્ન અધૂરાં. જો છોકરો ફેરા લઈ શકે તો છોકરી કેમ ફેરા ન લઈ શકે? હું ઝાઝું ભણી નથી પણ મને એટલી ખબર છે કે શાસ્ત્રો લખનાર આપણે જ ને, તો પછી એને કેમ બદલી ના શકાય?”

    ઘણી ચર્ચા પછી હંમેશાં વડીલોની સામે મર્યાદામાં રહેલાં કાકીએ નમ્ર છતાં દૃઢ અવાજે પોતાનો મત દર્શાવ્યો. કાકીના તર્ક સામે કોઈની પાસે જવાબ નહોતો.

    રશ્મિને આનંદપૂર્વક કાકીએ વિદાય આપી.

    કાકી બહારનો એક ગઢ જીત્યાં હવે ઘરની અંદરનો મોરચો સંભાળવાનો હતો.

    લગ્નનો માંડવો ઉતરતાની સાથે કાકીએ આ લગ્નનો ખર્ચો ક્યાંથી કાઢ્યો એ અંગે સોનૂના બે મોટા ભાઈઓ વચ્ચે ચાલતી ચણભણ કાકી સુધી પહોંચી.

    “વારસામાં સૌને એક સરખો ભાગ મળવો જોઈએ, એ તો તમને ખબર છે ને? આ હવેલી વેચી એમાંથી ઉપજેલા આઠ લાખના ચાર ભાગ પાડી દીધા છે. એ હિસાબે તમને બે બે લાખ મળી જશે. હવે તમે બંને તમારા રહેવાની વ્યવસ્થા શોધી લેજો. અમારા ભાગે આવતાં બે લાખમાં અમે ડોસા-ડોસી આરામથી જીવી લઈશું.”

    “અને બાકીના બે લાખ?”

    મોટાએ સવાલ કર્યો. એને લાગ્યું મમ્મી પાગલ થઈ ગઈ છે કે શું?

    “એ બે લાખ લગ્ન માટે વાપર્યા. રશ્મિને કરિયાવર તો મળેલું જ હતું. એ એને આપી દીધું, પણ લગ્નનો ખર્ચો તો કાઢવો પડેને? સોનૂ હોત તો એના ભાગે બે લાખ આવત. સોનૂ કે રશ્મિ, મારા માટે તો બંને એક જ છે.”

    કાકીનાં ચહેરા પર નિશ્ચિંતતાના જે ભાવ હતા એ જોઈને સમજાયું કે, આજે રશ્મિની સાથે સાચા અર્થમાં સોનૂને પણ વિદાય આપી દીધી.


    ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૮૮. સત્યેન્દ્ર અથૈયા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર સત્યેન્દ્ર અથૈયાની એક ઓળખ એ કે  એ ભારતીય ફિલ્મોદ્યોગના સુવિખ્યાત અને ઓસ્કર વિજેતા ડ્રેસ / કોસચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાના પતિ હતા ( એમને ૧૯૮૨ માં ફિલ્મ ‘ ગાંધી ‘ માટે ઓસ્કર મળેલો. )

    સત્યેન્દ્ર અથૈયાએ બહુ ઓછાં પણ અર્થપૂર્ણં ગીતો લખ્યાં. થોડાક નમૂના જોઈએ. ફિલ્મ ‘ નૌબહાર ‘ ( ૧૯૫૨ ) નું ‘ કિસી સુરત લગી દિલ કી બહલ જાએ તો અચ્છા હો ‘ , ‘ અનહોની ‘ ના ‘ મૈં દિલ હું એક અરમાન ભરા, તુ આ કે મુજે પહચાન ઝરા ‘ અને ‘ સમા કે દિલ મેં હમારે ઝરા ખયાલ રહે ‘. ફિલ્મ ‘ નૌબહાર ‘ ના મીરાંબાઈના ભજન ‘ એ રી મૈં તો પ્રેમ દિવાની ‘ માં પણ એમણે પોતાના તરફથી વધારાની પંક્તિઓ ઉમેરેલ.

    ઉપરોક્ત ફિલ્મો ઉપરાંત એમણે રાધાકૃષ્ણ ( ૧૯૫૪ ), તન્હાઈ ( ૧૯૬૧ ) અને બડી માં ( ૧૯૭૪ ) જેવી કુલ સાત ફિલ્મોમાં માત્ર પચીસેક ગીતો લખ્યાં. એમાંની એક આ ગઝલ :

    કિસી સૂરત લગી દિલ કી બહલ જાએ તો અચ્છા હો
    તમન્ના એક નએ સાંચે મેં ઢલ જાએ તો અચ્છા હો

    મેરે દિલ કો નઝર કો ઠોકરેં ખાના નહીં આતા
    અંધેરે બઢ રહે હૈં શમા જલ જાએ તો અચ્છા હો

    કહાં તક હૈં કિનારે હોશ કે હમ ભી ઝરા દેખેં
    સમંદર આરઝુઓ કા મચલ જાએ તો અચ્છા હો

    તૂ ઇસ મિટ્ટી કે બુત કો ધડકનેં દે દે મુહબ્બત કી
    મેરી દુનિયા નઈ કરવટ બદલ જાએ તો અચ્છા હો..

    – ફિલ્મ : નૌબહાર ૧૯૫૨
    – તલત મહેમૂદ
    – રોશન


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.