-
નો ડિટેન્શન પોલિસી અંગે રાજ્યો એકમત નથી !
નિસબત
ચંદુ મહેરિયા
સોળમી ડિસેમ્બર ૨૦૨૪ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, ૨૦૨૪ શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત ધોરણ ૫ અને ૮ ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે. પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.
છ્યાંસીમા બંધારણ સુધારા(વર્ષ ૨૦૦૨) થી છ થી ચૌદ વર્ષના બાળકોને અનુચ્છેદ ૨૧-એ થી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની ધારા -૧૬માં દેશના તમામ બાળકો ધોરણ આઠ સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની બાધા ,અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ના આવે તે માટેની આ જોગવાઈ હતી. પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ના કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.
તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઉભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાના મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતા બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતા બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્ન ભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળા વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.
બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પધ્ધતિ અને પરીક્ષા પધ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો. પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળુ બનાવ્યું છે. એટલે અમલના થોડાક જ વરસો પછી ઘણા રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલા માત્ર રાજ્યોનો વિષય હતો. પરંતુ આંતરિક કટોકટીના વરસોમાં ૧૯૭૬ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા.
૨૦૧૦-૧૧થી અમલી બનેલી નો.ડિટેન્શન પોલિસી સામે ૨૦૧૫ની કેન્દ્રિય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમેય ભારતના બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાચન, ગણનમાં નબળા છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઓર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ , અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. ૨૦૨૨માં ધોરણ ૫ના ૨૫.૬ ટકા વિદ્યાર્થી ધોરણ- ૨ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો ૪૨.૮ ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિધાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. ૨૦૨૩માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે ૬૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યા હતા. ભણાવો તો ય શું અને ન ભણાવો તોય શું, ભણો તો ય ઠીક અને ના ભણો તો ય ઠીક, બાળક્ને નિશાળે મોકલીએ કે ના મોકલી બધું સરખું જ છે,તેવું વલણ સમાજમાં પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં ૨૦૧૯માં ૨૦૦૯ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી.
જોકે તે અંગેના નિયમો છેક ૨૦૨૪માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિધ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ ૫ અને ૮માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જોકે સરકારે અનુતીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન:પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોક્લવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.
પ્રાથમિક શાળાના બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે એટલે બીજેપીશાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલી આપી હોય તેમ છે તો ભાજપાશાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બીજેપીની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભાજપના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે. ભાજપના શાસન હેઠળના રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છતીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું પણ આવા મહત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.
ગુજરાતમાં ૨૦૨૩થી ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી.જોકે ધોરણ ૧ થી ૪ અને ૬-૭ માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવતા કથળવાની હોય તો તે પાંચમા –આઠમાં નાપાસ થવાથી જ કથળે કે કોઈપણ ધોરણમાં ? હાલની પરીક્ષા પધ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું ? તે સવાલ પણ ઉભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પધ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો.એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુભાષચંદ્ર બોઝ : અસ્થિરૂપે ક્યારે આવશે દેશમાં?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
પ્રજાસત્તાકના અમૃતપ્રવેશના દિવસો પછી લખી રહ્યો છું ત્યારે હજુ થોડા દિવસ પર જ ગયેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતી આસપાસ હાલના સત્તાવિમર્શ વિશે થોડા સ્ફૂટ વિચારો ચાલતા અનુભવું છું.
સાંભળું છું કે તામિલનાડુના રાજ્યપાલ રવિ આઝાદ હિંદ ફોજના હયાત સૈનિકોને સન્માને છે. એમાં રાજીપાનો ભાવ, જેઓ વતનની આઝાદી વાસ્તે લડ્યા એમને અંગે કૃતજ્ઞતાપૂર્વક ઉમેરાતો પણ અનુભવું છું. પણ ત્યાં સહસા એક થડકો વાગે છે. રવિજી કહે છે કે આઝાદી મળી એ કંઈ સન બયાલીસની ઑગસ્ટ ક્રાંતિથી નહોતી મળી. એ તો આઝાદ હિંદ ફોજ અને નૌસેનાના બળવાને આભારી છે. રવિજીનું કહેવું કોઈ એકલસૂર નથી. નવી દિલ્હીના હાલના હુકમરાનોના વૃંદવાદનનો એ કંઈક પ્રત્યક્ષ, કંઈક પરોક્ષ હિસ્સો છે. વરસેક પહેલાં દિલ્હીના ઈતિહાસપ્રતિષ્ઠ લાલ કિલ્લામાં ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમનું સત્તાવાર નવઆયોજન થયું એમાં આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાનીઓ પર દેશના બ્રિટિશ શાસને માંડેલા ખટલા સામે બચાવ પક્ષે વરિષ્ઠ કોંગ્રેસમેન ભુલાભાઈ દેસાઈની આગેવાનીમાં જવાહરલાલ નેહરુ સહિતના ધારાશાસ્ત્રીઓ સામેલ હતા. પણ નવા ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમમાં નેહરુનું નામ કમી થયું છે. ભાઈ, નેતાજીએ જુદો રાહ લીધો તે પછી એમણે પરદેશથી કરેલાં રેડિયો વક્તવ્યોમાં ૬ જુલાઈ, ૧૯૪૪ના રોજ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. ‘મહાત્મા’ સિવાયની એ પહેલી જાહેર ઓળખ હતી. ફોજની જે ટુકડીઓ હતી એમાં ગાંધી બ્રિગેડ ને નેહરુ બ્રિગેડ પણ હતી. ઑગસ્ટ ક્રાંતિને નિષ્ફળ લેખતી હાલની મંડળીને ઈતિહાસવસ્તુ તરીકે ખબર હોવી જોઈએ કે નેતાજીએ એને ‘મહાકાવ્યોનો સંગ્રામ’ (‘એપિક સ્ટ્રગલ’) તરીકે ઓળખાવેલ છે.
એક વાત અલબત્ત સાચી કે ૧૯૪૭ સુધી પહોંચતા આપણી સેનાના જવાનોનો મિજાજ સ્વાભાવિક જ બ્રિટિશ શાસનથી ફંટાવા લાગ્યો હતો. જાપાને યુદ્ધકેદી બનાવેલ બ્રિટિશ ભારતીય સૈનિકો, નેતાજી સાથે (જાપાનના સત્તાધીશોની અનુકૂળતાથી) આઝાદ હિંદ ફોજ રૂપે જરૂર ગઠિત થયા હતા અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે એમણે ઐતિહાસિક કૂચ કરી હતી. આંદામાન-નિકોબારનાં નવાં નામ ‘શહીદ’ને ‘સ્વરાજ’ એ પાડી શક્યા હતા. પણ ફતેહ તો ઢુંકડી નહોતી. જે મહિમા છે તે એમની કુરબાનીનો છે, અને હંમેશ રહેવાનો છે.
નેતાજીના યોગદાનની કદર તેને ઠેકાણે વાજબી જ છે, પણ એથી ગાંધી ને કોંગ્રેસની સ્વરાજલડતને તથ્યનિરપેક્ષ રીતે ભોંઠી પાડવાની શી જરૂર છે, સમજાતું નથી. હાલના સત્તામંડળના ને હિંદુત્વ રાજનીતિમાં આ મુદ્દે જે દ્વૈધી ભાવ રહ્યો છે તે જરૂર તપાસલાયક છે. સાવરકર એમના સારુ સવિશેષ સન્માન્ય છે, અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ચોક્કસ જ એમનું મહદ્ અર્પણ છે. પણ ૧૯૪૨ના ‘હિંદ છોડો’થી માંડી તે પછીનાં વર્ષોમાં નેતાજીના ‘દિલ્હી ચલો’ની રણભેરીના ગાળામાં સાવરકર અને હિંદુ મહાસભાની સતત હાકલ હિંદુ યુવકોને બ્રિટિશ હિંદની સેનામાં ભરતી થવાની હતી. ૧૯૪૧માં હિંદુ મહાસભાના ભાગલપુર અધિવેશનથી શરૂ થયેલી આ ઝુંબેશ પછીનાં વર્ષોમાં મદુરા અધિવેશન સુધી પહોંચતા એક લાખ જેટલી ભરતીએ પહોંચ્યાનો એમનો જાહેર દાવો ઈતિહાસદર્જ છે.
જાપાન આપણી સીમાએ ત્રાટકે ત્યારે સાબદા રહી કચ્ચરઘાણ વાળવાનો છે- અને, જુઓ કે, જાપાન-દીધા સહયોગથી આઝાદ હિંદ ફોજ આવી રહી હતી! સાવરકર મહિમા મંડન અને હિંદુત્વ રાજનીતિનો આ આંતરવિરોધ સમજાય છે? સ્વરાજલડત અંગ્રેજોથી ભારતની મુક્તિ સારુ છે કે હિંદુઓથી મુસ્લિમોની અને મુસ્લિમોથી હિંદુઓની મુક્તિ સારુ? દઈ જાણે. ઈતિહાસમાં નોંધાયું છે તે તો એ જ છે કે ભારતની અંગ્રેજી હકૂમતમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સરકારી રક્ષા સમિતિ પર હિંદુ મહાસભા ને મુસ્લિમ લીગના સમર્થનપ્રાપ્ત સભ્યો હોંશે હોંશે સહભાગી હતા. નેતાજીનાં પુત્રી અનીતાએ આ દિવસોમાં ભારત સરકાર જોગ જાહેર ગુહાર પેઠે ધા નાખી છે કે હવે આટલે વરસે તો ભારતમાતાના પનોતા પુત્રને અસ્થિરૂપે વતન આવવા દો. ઉપરાઉપરી રચાયેલ એકાધિક તપાસ પંચોએ નેતાજીની મૃત્યુ-વિગતને સાચી ઠરાવી હતી. નરસિંહ રાવની સરકારે તે લક્ષમાં લઈ નેતાજીનો અસ્થિકુંભ ભારત આણવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ તે પૂરી થાય એ પૂર્વે એમની મુદત પૂરી થઈ ગઈ. આગલા બધા તપાસ અહેવાલો વેગળા મૂકી ૧૯૯૯માં વાજપેયી સરકારે મુખર્જી પંચ નીમ્યું. મુદતો પાડતા રહી પંચે અનુત્તર તરેહનો હેવાલ ૨૦૦૫માં આપ્યો. નેતાજીના પરિવાર સાથેની ચર્ચામાં એમણે સ્વીકાર્યું પણ છે કે અમે અમુક ખુલાસા ટાળ્યા છે, પણ તે કેમ એનો ખુલાસો એમણે આપ્યો નથી. ૨૦૧૪માં કંગના રાણાવતના મૌલિક સંશોધન મુજબ આપણે ‘આઝાદ’ થયા તે પછી મોદી સરકારે અને પશ્ચિમ બંગાળની મમતા સરકારે આ પ્રશ્ને બધી જ ક્લાસિફાઈડ ફાઈલો ખુલ્લી કરી છે. વડાપ્રધાન મોદીના નિમંત્રણથી નેતાજી પરિવારે સત્તાવાર સત્કાર પણ ઝીલ્યો… પણ મુઈ ફાઈલોમાંથી કશું નેહરુ સરકાર સામું નીકળ્યું નહીં તે ન જ નીકળ્યું.
એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેની કથિત કોન્સ્પિરસીનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી. શોભીતું એ છે કે અનીતાજીએ સૂચવ્યું છે તેમ નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી ઈતિહાસન્યાયનું નિર્ણાયક કદમ ભરાય. ક્યાં સુધી એ ઈમ્ફાલે ઊભા આપણા દિલને દરવાજે દસ્તક દેતા રહેશે… છતે વતન, જલાવતન!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૫-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં વૃદ્ધાવસ્થાનાં રેખાચિત્રો – ભાગ ૧
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Old Age
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
એક અછાંદસ – રમેશ પારેખ | એક સોનેટ – મણિલાલ દેસાઈ
એક અછાંદસ
– રમેશ પારેખ
શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
એ દૃશ્ય
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું…એક સોનેટ
– મણિલાલ દેસાઈ
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ? -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – બાની ચિરવિદાય
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘પુનઃશ્ચ વર સંશોધન‘ થી આગળ
બા પાછી આવી અને અમે વિજાપુર કાયમ માટે છોડયું. બાબાની સાથે અમે જાળિયા-દેવાણી (જ્યાં તેમની નિમણૂક હતી) પહોંચ્યાં અને બા ગંભીર રીતે માંદગીમાં પટકાઈ પડી. હું તો ઘણું રડી. એવું લાગ્યું જાણે ભગવાન હવે મારા મસ્તક પરથી મારી માની છત્રછાયા પણ ખૂંચવી લેવાના છે. બાબાએ બા માટે દવાદારૂમાં કરી ઊણપ આવવા દીધી નહિ. ઘણી કાળજી લીધી છતાં જરા જેટલો ફેર પડયો નહિ. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હવે તો તે પથારીમાંથી ઊઠી શકતી ન હતી. હું જ તેની સેવાચાકરી કરતી હતી. બાબા પણ બા માટે જે વસ્તુ જોઈએ. તે હાજર કરતા હતા અને કોઈ વરતુની ખોટ પડવા દીધી નહિ. દિવાળીમાં બાની હાલત એટલી બગડી ગઈ કે તે હવે જાય છે એવું અમને લાગ્યું. બાબાએ તાર કરીને નાનીને બોલાવી લીધાં. મારાં ઘરડાં નાની દીકરીને મળવા વડોદરાથી એકલાં ઠેઠ જાળિયા દેવાણી આવ્યાં. માતૃમિલનથી બાને ઘણું સારું લાગ્યું. એક મહિનો રહ્યા
બાદ નાની પાછાં વડોદરા ગયાં અને મારા માટે મુરતિયા શોધવાનો કાર્યક્રમ ફરીથી શરૂ થયો.
બાની હાલત પાછી બગડી. તેનું એક અંગ ખોટું પડી ગયું. હું હવે ચોવીસે કલાક બાની સેવાશુશ્રૂષા કરતી રહી. કાકીની નાની દીકરીઓ મને ઘરનું કશું કામ કરવા દેતી ન હતી. “લીલુતાઈ, તમે બા પાસે જ રહો. અમે બધું કામ સંભાળીલઈશું,’ એમ કહેતી.
એક દિવસ બાએ બાબાને બોલાવીને કહ્યું, “દિયરજી, મારી લીલાને કોળી કે વાઘરી – જે મળે તેને ત્યાં પધરાવો, પણ મારી આંખ સામે તેનાં લગ્ન થઈજાય તેવું કરી આપો.’ બાના મન પર મારી ઘોર ચિંતા કેટલાય વખતથી તોળાઈ હતી તેનો આનાથી ખ્યાલ આવે. મને થતું કે, આ દુર્દેવી લીલાના પાપને કારણે મારી બા પથારીવશ થઈ હતી.’ શું કરીએ.? મારાં નસીબ!
એક સવારે પરોઢિયે પાંચના સુમારે બાની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ. તે વખતે મેં બાને કહ્યું, “બા, સાંભળ, મારાં લગ્ન નક્કી થઈ ગયાં. તું સાજી થઈ જા એટલે બાબા મારાં લગ્ન ધામધૂમથી કરાવશે.’
બાની આંખમાં સંતોષની ઝલક આવી. તેના મનને સમાધાન થયું હોય તેવું લાગ્યું. અર્ધા કલાક બાદ, સવારે સાડા પાંચના સુમારે મારી બા અમને બે બહેનોને કાયમ માટે છોડી પરમાત્માના ઘેર પહોંચી ગઈ.
મારા માટે તો આ પ્રલય હતો. એવું લાગ્યું જાણે આકાશ અને પાતાળ એક થઈ ગર્યા. પૃથ્વી રસાતળ ગઈ. બાપુજી ગયા ત્યારે હું એટલી નાની હતી કે તેમનું અવસાન થયું એટલે શું, તેનો અર્થ પણ સમજાયો ન હતો. પણ બાના વિયોગથી મન ચૂર ચૂર થઈ ગયું. ઈશ્વરે અમારા મસ્તક પરથી માની છત્રછાયા ઝૂંટવી લીધી. અત્યંત દુઃખ થયું. બાએ અનેક કષ્ટ સહન કરીને અમને મોટા કર્યા હતાં. આવી મહાન જનની અમને રડતાં મૂકીને જતી રહી. અમારા સૌના મનમાં દિલાસા જેવી કોઈ વાત હોય તો તે અમારા બાબા હતા. જ્યારથી અમે તેમની પાસે રહેવા ગયાં, ત્યારથી તેમણે બાને કશાની અછત ભાસવા દીધી નહિ કે કોઈ પણ વાતનું ઓછું આવે તેવું બાને તેમણે કદી કહ્યું નહિ. તેમણે અને કાકીએ હંમેશાં બાનો આદર કર્યો.
બાના અવસાનના છએક મહિના બાદ ભાવનગરથી એક મુરબ્બી પોતાના ભાઈ માટે કન્યા જોવા – એટલે મારી વધૂ-પરીક્ષા માટે જાળિયા આવ્યા. તેમણે મારી ‘પરીક્ષા’ લીધી, પણ ત્યાં અમારી આસપાસ ફરતી દમુને તેમણે જોઈ લીધી. જમ્યા પછી મહેમાને પૂછ્યું, ઊઆ છોકરી કોણ છે? અમને તો આ કન્યા પસંદ છે. તેની સાથે અમારા ભાઈનાં લગ્ન કરવા અમે તેયાર છીએ.’
બાબાએ. કહ્યું, “આ નાની દીકરી છે. અમારી મોટી દીકરી લીલાનાં લગ્ન થયા વિના અમે દમુનાં લગ્ન કરવાનાં નથી.’
“એવું હોય તો અમે બે વર્ષ રોકાવા તૈયાર છીએ. અમને તો નાની જ પસંદ પડી છે.’
મને તો આ સમગ્ર વાતની જાણ, પણ ન થઈ. અંદરોઅંદર વાત થઈ કે મહેમાનને કન્યા પસંદ પડી ગઈ છે તો દમુનાં સગપણ કરી નાખવા જોઈએ. બીજે દિવસે સગાઈની રસમની તૈયારી થવા લાગી ત્યાં સુધી મને એમ જ લાગ્યું કે આ બધું મારા માટે થઈ રહ્યું છે. જ્યારે મેં સાંભળ્યું કે દમુની સગાઈ થાય છે, ત્યારે મેં કાકીને પૂછ્યું, “કાકી, દમુની સગાઈ કોની સાથે થવાની છે?’ કાકીએ કહ્યું કે મહેમાને મને નાપસંદ કરી હતી, અને મારી જગ્યાએ. દમુનું સગપણ થતું હતું. આ મારાં નસીબ, નહિ તો બીજું શું? નવાઈની વાત તો એ હતી કે કન્યાને “જોવા” માટે મુરતિયો આવ્યો જ ન હતો. કન્યાએ અને છોકરાએ એકબીજાને જોયાં પણ ન હતાં અને ઉતાવળે સગાઈની રસમ પૂરી થઈ રહી હતી!
કાકીને ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો. અમને ભાઈ મળ્યો તેના આનંદમાં અમે બાનું દુઃખ અંશતઃ વીસરી શક્યાં. કાકીની સુવાવડ અમે બે બહેનો – મેં અને દમુએ. કરી.
દિવસ વીતવા લાગ્યા. અમારો ભાઈ મોટો થવા લાગ્યો.
જાળિયા રજવાડી ગામ હતું. જુનવાણી રીતરિવાજ હોવાથી સ્ત્રીઓ માટે ઘરની બહાર નીકળવાની પ્રથા ન હતી. કોઈ વાર રાણીસાહેબની ગાડી મને લેવા આવે તો અમે દરબારગઢ જતાં. બાકી આંગણાના દરવાજામાં તો શું, બારી પાસે ઊભા રહેવાની સુધ્ધાં અમને આજ્ઞા ન હતી.
એક દિવસ અમારી નાનકડી કમુ (ભારી સૌથી નાની પિત્રાઈબહેન)ને હું આંગણામાં રમાડતી હતી. કોઈકે બહારની ડેલીનું બારણું ક્યારે ખોલ્યું અને બંધ કર્યા વગર ગયું તેની મને ખબર ન રહી. એટલામાં બાબા બહાર જવા નીકળ્યા અને દરવાજો ખુલ્લો જોઈને ઘણા ગુરસે થયા. મને કહ્યું, “લીલા, તેં જાણી જોઈને દરવાજો ખુલ્લો રાખ્યો છે, ખરું? પેલા બહાર ઊભા કાળમુખા છોકરાઓનાં મોઢાં જોવા માટે જ આ દરવાજો ખુલ્લો રાખ્યો છે.’
મને તો આની લેશમાત્ર ખબર ન હતી. બસ ત્યારથી બાબાનું મન મારા પરથી ઊતરી ગયું અને હું તેમની અણગમતી દીકરી થઈ ગઈ. વિચાર કરું છું, આવું કેવું મારું નસીબ! એક તો મારાં લગ્નનું કોઈ ઠેકાણું પડતું ન હતું અને આવી વિપરીત ઘટના થઈ ગઈ. તે વખતે મને એટલું લાગી આવ્યું કે વિષ ખાઈને મરી જવાનું મન થયું. સાચે જ ભગવાન કોઈ જીવને સ્ત્રીજન્મ ન આપતા. આવી અમારી સ્થિતિ હતી. આજની આધુનિક યુવતીઓ આવા બંધનમાં રહી શાકે ખરી?
અમારો ભાઈ સવા વર્ષનો થયો. દમુની સગાઈ થયે એક વર્ષ થઈ ગયું, પણ મારાં લગ્નનું કોઈ ચિહ્ન, દેખાતું ન હતું. દમુનાં સાસરિયાં લગ્ન માટે ઉતાવળ કરવાં લાગ્યાં. ઘરમાં લોકો કહેવા લાગ્યા, પતાવી નાખોને દમુનાં લગ્ન !’ તે વખતે મોટી દીકરીનાં લગ્ન પહેલાં નાનીનાં થાય તો સમાજમાં વાત થતી કે મોટીમાં જરૂર કોઈ ખોટ હોવી જોઈએ. મારામાં કોઈ ખોટ નહોતી, છતાં આ હાલત હતી. આ મારા દુર્દેવી નસીબના ખેલ હતા.
અંતે દમુનાં સાસરિયાંના દબાણ હેઠળ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. તૈયારીઓ થવા લાગી. બાઈજીમાસીએ મારાં લગ્ન માટેના પૈસા મારા પિતરાઈ મામા પાસે રાખ્યા હતા તેની મોઘમ જાણ બાએ એકાદબે વાર બાબા પાસે કરી હતી, તેથી બાબા આ પૈસા લેવા વડોદરા ગયા. મામા સરળ સ્વભાવના હતા. તેમણે તરત જ પૈસા બાબાને આપ્યા, પણ હિસાબમાં બાકી લેણાં નીકળતા પૈસા બાઈજીમાસીએ. આપ્યા જ નહિ. આ વાત ઉપર જ બન્ને બહેનો – મારી બા અને બાઈજીમાસી – વચ્ચે બોલાચાલી થઈ હતી. બાએ લોકોનાં કામ કરીને, તનતોડ મહેનત કરીને અમને મોટાં કર્યા હતાં, છતાં બાઈજીમાસી અમને અને બાને હંમેશાં સંભળાવતી કે તેણે જ અમને તિભાવ્યાં હતાં. હું ભગવાનને એટલું જ કહું છું કે આવા દિવસ, પ્રભુ, વેરીને પણ ના દેખાડશો.
વડોદરાથી પૈસા લાવ્યા બાદ બાબાએ. લગ્નની તૈયારી એટલી સરસ કરી! અમારા ઘરનું આ પ્રથમ શુભ કાર્ય હોવાથી બાબા ઘણા ખુશ હતા. મારાં નાની ઠેઠ વડોદરાથી એકલાં લગ્નમાં હાજર રહેવા આવ્યાં. નવાઈની વાત એ હતી કે ૭૫ વર્ષનાં મારાં નાની પૌત્રીનાં લગ્નમાં હાજરી આપવા આવ્યાં, પણ બાઈજીમાસી આવ્યાં નહિ. મારી ફોઈના દીકરાઓ, તેમની પત્નીઓ અને બાળકો અને બીજાં સગાંવહાલાં પણ આવ્યાં. વરને પહેરામણીના ત્રણસો રૂપિયા રોકડા, અને ઉપરથી વાસણ, કપડાં, દમુને ઘરેણાં જુદાં અપાયાં. વરપક્ષના માણસો ઘણા પછાત હતા. તેમને સરખી રીતે મરાઠી ભાષા પણ બોલતાં આવડતી ન હતી, અને સ્ત્રીઓને તદ્દન ઓઝલ પડદામાં રાખતા હતા. મારા બનેવી તો ફક્ત ગુજરાતીમાં જ વાત કરતા હતા.
લગ્નનો દિવસ આવી પહોંચ્યો. જાન અને જાનૈયાઓના સ્વાગતની બાબાએ.ઉત્તમ રીતે તૈયારી કરી હતી. જાળિવામાં મહારાષ્ટ્રીયન પદ્ધતિનાં લગ્ન કોઈએ જોયાં ન હતાં તેથી સમગ્ર વિધિ જોવા લોકોની ભીડ સમાતી ન હતી. મારા બાબા ૪૦ ગામના ફોજદાર હોવાથી ગામેગામના લોકો લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. એટલું જ નહિ, ખુદ રાણીસાહેબ પણ પધાર્યા હતાં. ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. મેં મારા મનનો ઉદ્ન્ેગ દબાવી, મારી નાની બહેનનાં લગ્નનો આનંદ મનાવી લીધો હતો.
ખરેખર તો આ મારાં લગ્ન હતાં. ફક્ત મંડપમાં વધૂના બાજોઠ પર મારા સ્થાને દમુ બેઠી હતી.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલ્મી ગઝલો – ૮૯. પંડિત મુખરામ શર્મા
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુખરામ શર્મા એટલે હિન્દી ફિલ્મોમાં પટકથા અને સંવાદ લેખનના બેતાજ બાદશાહ ! ૧૯૪૦ થી ૧૯૭૦ ના દશકોમાં એ નિરંતર સક્રિય રહ્યા. બી આર ચોપરા, જેમિની, એ વી એમ, પ્રસાદ પ્રોડક્શન જેવી માતબર નિર્માણ સંસ્થાઓના એ સ્થાયી લેખક હતા. એમણે લખેલી સેંકડોમાંની થોડીક ફિલ્મોના નામ જ એમનું કદ દર્શાવવા પર્યાપ્ત થશે. એક હી રસ્તા, સાધના, ધૂલ કા ફૂલ, ગૃહસ્થી, દૂર કી આવાઝ, દાદી મા, રાજા ઔર રંક, જીને કી રાહ, મૈં સુંદર હું, હમજોલી.
૧૯૬૭ ની રાજ કપૂરની ફિલ્મ ‘ દીવાના ‘ નું નિર્માણ પણ એમણે કરેલું..
૭૦ વર્ષની ઉંમરે જ્યારે એ પોતાની સફળતાના ચરમોત્કર્ષ પર હતા, ફિલ્મોમાં સ્વેચ્છાએ નિવૃત્ત થઈને પોતાના વતન મેરઠ જઈ વસ્યા અને ત્યાં જ અવસાન પામ્યા .
કારકિર્દીની શરૂઆતના વર્ષોમાં શ્રી વિષ્ણુ ભગવાન, શાદી સે પહલે, ચુનરિયા, રાજરાણી દમયંતી, શ્રીકૃષ્ણ સત્યભામા, માયા બાઝાર, બચ્ચોં કા ખેલ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં પચાસેક ગીત પણ લખ્યાં. એમાં એક આ ગઝલ :
સબ કુછ લૂટાયા હમને આ કર તેરી ગલી મેં
ઘર છોડ કર બનાયા હૈ ઘર તેરી ગલી મેંખંજર તને હુએ હૈં ઔર સર ઝુકે હુએ હૈં
મકતલ સા દિખ રહા હૈ મંઝર તેરી ગલી મેંમાથે પે ઉસકો રખ લું, સિજદે મેં સર ઝુકા દું
મિલ જાએ જો ભી હમકો પથ્થર તેરી ગલી મેંતેરે લિયે જીયે હૈં, તેરે લિયે મરેંગે
હમકો દિખાના હૈ યે મર કર તેરી ગલી મેં..– ફિલ્મ : ચુનરિયા ૧૯૪૯
– મુહમ્મદ રફી
– હંસરાજ બહલ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
આમંત્રણને લગતાં ગીતો – आजा के इन्तज़ार में जाने को है बहार भी
નિરંજન મહેતા
ફિલ્મોમાં આમંત્રણ આપતા અવનવા ગીતો જોવા મળે છે કારણ આ આમંત્રણ જુદા જુદા પ્રકારના હોય છે. ક્યાંક પ્રેમી આપે છે તો ક્યાંક પ્રેમિકા. તો વળી મિત્ર કે વડીલ આમ કરે છે. તેવા ગીતોમાંથી થોડાક આ ભાગમાં સમાવાયા છે.
૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’નું આ ગીત એક પ્રેમી પ્રેમિકાને આવવાનું આમંત્રણ આપતું ગીત છે..
ये रात ये चाँदनी फिर कहाँ
सुन जा दिल की दास्ताँ
पेड़ों की शाखों पे सोई सोई चाँदनी
तेरे खयालों में खोई खोई चाँदनी
और थोड़ी देर में थक के लौट जाएगी
रात ये बहार की फिर कभी न आएगी
दो एक पल और है ये समाઆ આમંત્રણ દેવઆનંદ ગીતા બાલીને આપે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયકો છે હેમંતકુમાર અને લતાજી. ૭૦થી વધુ વર્ષો પછી પણ આ ગીત લોકો ભૂલ્યા નથી.
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નું ગીત એક વિરહી અબળાના ભાવોને વ્યક્ત કરે છે
आ जा अब तो आ जा मेरी क़िस्मत के ख़रीदार
नीलाम हो रही है मेरी चाहत सर-ए-बाज़ारકલાકાર છે બીના રોય. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીતકાર છે સી. રામચંદ્ર. સ્વર છે લતાજીનો.
૧૯૫૩ની ફિલ્મ ‘ફૂટપાથ’નું ગીત એક વિરહણી પ્રેમીને યાદ કરીને તેને આવવા કહે છે.
पिया आजा रे दिल मेरा पुकारे
समा है प्यारा प्याराમીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેણે સંગીત આપ્યું છે ખય્યામેં ગાયિકા છે આશા ભોસલે.
૧૯૫૩ની ફિલ્મ ‘આબશાર’નું આ ગીત પણ ઉપર મુજબ પ્રેમીને આવવા કહેતું ગીત છે.
चले आओ तुम्हे आंसू
हमारे याद करते है
चले आओ तुम्हे आंसू
हमारे याद करते है
तड़पते है तड़प कर
गम के मारे याद करते है
चले आओ तुम्हे आंसूગીત રાજકુમાર માટે છે જે કુલદીપ કૌર પર રચાયું છે. શબ્દો છે સરશાર સૈલાનીના અને સંગીત આપ્યું છે ભોલા શ્રેષ્ઠાએ. સ્વર છે લતાજીનો.
૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નાં બધા ગીતો પ્રખ્યાત છે જેમાં આ ગીત પ્રેમીને બોલાવવા ગવાયું છે
मेरा दिल ये पुकारे आ जा
मेरे ग़म के सहारे आ जा
भीगा भीगा है समा
ऐसे में है तू कहाँ
मेरा दिल ये पुकारे आजाકલાકાર છે વૈજયંતિમાલા. રાજીન્દર કૃષ્ણનાં ગીતો અને હેમંતકુમારનું સંગીત. ગાયિકા લતાજી.
૧૯૫૪ની ફિલ્મ ‘જાગૃતિ’નું આ ગીત એક શિક્ષક પોતાના વિધાર્થીઓને ભારત ભ્રમણ કરાવતી વખતે ગાય છે જેમાં ભારતના વિવિધ શહેરો દર્શાવાય છે.
आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की
इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की
वंदे मातरम वंदे मातरमશિક્ષક છે અભી ભટ્ટાચાર્ય જેના શબ્દો અને ગાનાર કલાકાર છે કવિ પ્રદીપ. હેમંતકુમારનું સંગીત
૧૯૫૬ની ફિલ્મ ‘હલાકુ’નું આ ગીત એક વિરહીની વેદનાને ઉજાગર કરે છે.
आजा के इन्तज़ार में जाने को है बहार भी
तेरे बगैर ज़िन्दगी दर्द बन के रह गईઅજીત અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.
૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’નું આ ગીત એક જુદા જ પ્રકારનું આમંત્રણ ગીત છે. મંદિરમાં લોકોને આવવા માટે અનામ કલાકાર કહે છે કે આવો, હજી સમય છે મંદિરમાં આવવાનો.
आना है तो आ, राह में कुछ फेर नहीं है
भगवान के घर देर है, अन्धेर नहीं हैકલાકાર અજાણ પણ મુખ્ય કલાકાર દીલીપકુમાર, અજીત અને વૈજયંતિમાલા. સાહિર લુધિયાનવીના શબ્દો અને ઓ.પી. નય્યરના સંગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.
૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નું આ ગીત પણ એક રાહ જોતી મહિલાના ભાવોને વ્યક્ત કરે છે.
आ जा रे ऽऽऽ परदेसी
मैं तो कब से खड़ी इस पार
ये अँखियाँ, थक गई पंथ निहार
आ जा रे, परदेसीકલાકાર છે વૈજયંતિમાલા. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સલિલ ચૌધરીએ. લતાજીનો સ્વર.
૧૯૫૮ની ફિલ્મ ‘હાવરા બ્રીજ’નું આ ગીત એક હોટેલમાં ગવાતું ગીત છે જેમાં આવનારને આવકાર અપાય છે.
आइए मेहरबाँ, बैठिए जान-ए-जाँ
शौक़ से लीजिए जी इश्क़ के इम्तिहाँઆવકાર આપે છે મધુબાલા અને જેણે માટે ગવાયું છે તે છે અશોકકુમાર. કમર જલાલાબાદીના શબ્દો અને ઓ.પી. નય્યરનું અપ્રતિમ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરજ’નું આ ગીત પણ અન્ય આમંત્રણ ગીતોથી થોડું જુદું લાગે છે.
करीब आओ ना तडपाओ
हमें कहना है कुछ तुम सेદેવઆનંદને સંબોધતું આ ગીત કાંચનમાલા(?) પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. ગાયિકા છે ગીતા દત્ત.
૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’નું આ ગીત અન્ય આમંત્રણ ગીતથી થોડું હટકે ગણી શકાય.
ओ बसंती पवन पागल ना जा रे ना जा रोको कोई
बन के पत्थर हम पड़े थे सूनी सूनी राह में
जी उठे हम जब से तेरी बांह आई बांह में
बह उठे नैनों के काजल ना जा रे ना जा रोको कोईજનાર રાજકપૂરને બોલાવતી પદ્મિની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. દર્દભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૨ની ફિલ્મ ‘સાહિબ બીબી ઔર ગુલામ’નું ગીત પતિને કોઠે ન જવા વિનવતું ગીત છે.
न जाओ सैंया छुड़ा के बैंया
क़सम तुम्हारी मैं रो पडूँगी रो पडूँगी
मचल रहा है सुहाग मेरा
जो तुम न हो तो मैं क्या करूँगी क्या करूँगीરેહમાનને જતાં અટકાવવા મીનાકુમારી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે હેમંતકુમારે. ગીતા દત્ત ગીતના ગાયિકા
આ જ ફિલ્મનું એક અન્ય ગીત જોઈએ
जिया बुझा बुझा, नैना थके थके
पिया धीरे धीरे चले आओ
कोई दूर से आवाज़ दे चले आओ
चले आओ, चले आओ, चले आओઆ એક પાર્શ્વગીત છે જે ગુરુદત્ત પર રચાયું છે. બાકીની વિગતો ઉપર મુજબ.
૧૯૬૨ની રહસ્મય ફિલ્મ ‘બીસ સાલ બાદ’ના ગીતો પણ લોકપ્રિય થયા છે જેમાનું ગીત છે
कहीं दीप जले कहीं दिल
ज़रा देख ले आ कर परवाने
तेरी कौन सी है मंज़िल
कहीं दीप जले कहीं दिलઆ ગીત વહીદા રેહમાન પર રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે લતાજીનો.
૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું ગીત એક પૂર્વ પ્રેમી પોતાની પ્રેમિકાને ફરી એકવાર આ ગીત દ્વારા મળવા કહે છે.
इन हवाओं में, इन फ़िज़ाओं में तुझको मेरा प्यार पुकारे
आजा आजा रे, तुझको मेरा प्यार पुकारेકલાકારો છે સુનીલ દત્ત અને માલા સિંહા. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનું સંગીત. ગાયકો છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે’
૧૯૬૩ની ફિલ્મ ‘હમરાહી’નું આ ગીત એક પ્રેમિકાનું વિરહ ગીત છે જે પોતાની ભાવના વ્યક્ત કરે છે.
मुझ को अपने गले लगा लो, ऐ मेरे हमराही
तुमको क्या बतलाऊं मैं
के तुमसे कितना प्यार हैરાજેન્દ્રકુમાર અને જમુના પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે મુબારક બેગમ અને રફીસાહેબના.
૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’ જે એક રહસ્યમય ફિલ્મ તરીકે પ્રખ્યાત છે તેમાં આ પ્રકારના બે ગીતો જોવા મળે છે.
लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न होनैना बरसे रिमझिम-रिमझिम
नैना बरसे रिमझिम-रिमझिम
पिया, तोहरे आवन की आस
नैना बरसे रिमझिम-रिमझिम
नैना बरसे, बरसे, बरसेબંનેના કલાકાર સાધના. ગીતકાર રાજા મેહંદી અલી ખાન અને સંગીતકાર મદન મોહન. ગાયિકા લતાજી.
૧૯૬૪ણી ફિલ્મ ‘તીસરી કસમ’માં આ ગીત એક નૃત્યગીત છે જે ચાહકોને આમંત્રિત કરે છે
रहेगा इश्क़ तेरा ख़ाक में मिलाके मुझे
हुए हैं इब्तिदा में रंज इन्तिहा के मुझे
आ आ भी जा
रात ढलने लगी चाँद छुपने चला
आ आ भी जा
तेरी याद में बेख़बर शमा की तरह रातभर
जली आरज़ू दिल जलाકલાકાર છે વહીદા રેહમાન. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. લતાજીનો સ્વર.
આ પછીના વર્ષોના આવા ગીતો હવે પછીના ભાગમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પતંગિયાંની પાંખના ફફડાટની અસરઃ વ્યાવસાયિક સંદર્ભોમાં
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
આ ત્રણ પરિસ્થિતિઓની કલ્પના કરો 🙄 –
- ટીમના એક શ્રેષ્ઠ સભ્યનાં હતાશ પત્ની
- દૂરની નવી ઓફિસ સુધી આવવા જવા માટે લાગતો બહુ વધારે સમય
- નબળી ગુણવત્તાના કામનાં ચુકવણાં માટે વારંવાર કરાતી ઉઘરાણી
જો બરાબર ધ્યાન આપવામાં ન આવે તો
- હતાશ પત્નીની તબિયતનાં કારણો માટે પુરતું ધ્યાન ન આપી શકનાર એ શ્રેષ્ઠ સભ્ય પોતાનાં કામને (અજાણ્યે પણ) અન્યાય કરવા લાગી જઈ શકે છે
- કર્મચારી નોકરી માટે અન્ય વિકલ્પ શોધવા લાગી શકે છે.
- તત્પુરતું તો ચુકવણું મળી જાય, પણ ગ્રાહક સાથેના લાંબા ગાળાના સંબંધમાં કાયમી તિરાડ પડી જઈ શકે
નાની નાની બાબતો જોતજોતામાં બહુ વિકટ સમસ્યા પેદા કરી શકે છે એવું અલંકારિક રીતે સમજાવતી અરાજકતા સિદ્ધાંત સાથે સંકળાયેલ પતંગિયાની પાંખના ફડફડાટની અસર જેવી આ દરેક પરિસ્થિતિઓ છે. [1]
પતંગિયાની પતંગિયાની પાંખના ફડફડાટની અસર, તત્ત્વતઃ એમ જણાવે છે કે એક જગ્યાએ થતો પતંગિયાની પાંખોનો ફફડાટ ક્શેક દૂરની જગ્યાએ વાવાઝોડું સર્જી શકે છે.એ જ રીતે કોઈ વિષય પર સંસ્થામાં (કે આપણા દ્વારા) લેવાયેલ (કે ન લેવાયેલ) નિર્ણયની લહેરો કલ્પના પણ ન કરી હોય એવાં સુનામી જેવાં મોજાં જેવી સમસ્યા કે ઘટનાનું રૂપ લઈ શકે છે. [2]
મહત્ત્વનું એ છે કે કોઈ પણ સાવ સામાન્ય લાગતી ઘટના કે નિર્ણય ક્યારે પણ મસમોટું સ્વરૂપ લઈ શકે છે એવી સજાગતા કેળવવી બહુ આવશ્યક છે.
સંભવિત પરિણામોને પહોંચી વળવાની જો આપણી તૈયારી હોય તો એવી ઘટના વાસ્તવમાં બને તેવી દરેક ગતિવિધિ પર ધ્યાનથી નજર રાખો. પરંતુ જો એ પરિણામો જે કંઈ અંશે સ્વીકાર્ય ન હોય તે મુજબનાં પગલાં વિચારી રાખો અને જેમ જેમ આવશ્યકતા પડે તેમ તેમનો અમલ કરો.
→ આપણે જે ભવિષ્ય ઈચ્છીએ છીએ તે શક્ય બને તે માટે પતંગિયાની પાંખના ફફડાટની અસરનાં માનસિક મોડેલ આપણી વાસ્તવિક પરિસ્થિતિઓ અનુસાર ઢાળી શકવાની ક્ષમતા વિકસાવો. ✌🏻
પાદ નોંધઃ પતંગિયાની પાંખના ફફડાટની અસરને સમજી વિચારીને આપણા વ્યવહારોમાં વણી લેવી ફાયદાકારક બની શકે છે પણ કૌશલ્યના અભાવને કારણે અરાજકતાને નિભાવી લેવી બહુ નુકસાનકારક નીવડી શકે છે.
[1] Double pendulum simultaneous realisations
Butterfly effect in popular culture
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સંદેશ આદાનપ્રદાનમાં મહત્ત્વ આદાનપ્રદાનનાં સત્વનું છે
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સેવાઓની દુનિયા સંદેશાવ્યવહારની આસપાસ ફરે છે. પ્રોજેક્ટ્સ/પહેલમાં, જ્ઞાન ટ્રાન્સફર કરવું પડે છે, મુદ્દાઓ પર ચર્ચા કરવી પડે છે અને અપેક્ષાઓનું સંચાલન કરવું પડે છે.
ઘણા યુવા વ્યાવસાયિકો તેમનાં સંદેશ આદાનપ્રદાનનાં કૌશલ્યમાં સુધારો કરવા માંગે છે. તેમાંથી કેટલાક એવું પણ માને છે કે સારા સંદેશાવ્યવહારમાં ઉત્તમ શૈલી, સારી ભાષા, પ્રભાવશાળી શબ્દભંડોળ વગેરેનો સમાવેશ થાય છે.
અસરકારક સંદેશ આદાનપ્રદાનમાં, આદાનપ્રદાનનું સત્ત્વ પ્રથમ આવે છે. સાર વિનાની શૈલી ફક્ત અર્થવિહિન છે, કારણ કે તે લોકોને પ્રભાવિત કરી શકે છે પરંતુ તેમને ક્યારેય તમારા દૃષ્ટિકોણની તરફેણમાં બદલી શકતી નથી.
આ મુદ્દાનું મહત્ત્વ આ કેટલીક બાબતોથી સમજી શકાશે:
(લેખિત કે પછી મૌખિક) સંદેશ આદાનપ્રદાન એ ઊર્જાનું હસ્તાંતરણ છે. જો તમારૂ સંદેશ આદાનપ્રદાન કોઈ સકારાત્મક ઊર્જાનું હસ્તાંતરણ નથી કરતું (કે પછી, બીજા પક્ષ પાસેથી ઊર્જા ચૂસે છે), તો તે કામ કરશે નહીં.
સત્ત્વ પ્રથમ આવે છે. અસરકારક સંદેશ આદાનપ્રદાનમાં અન્ય લોકોને બદલવાની શક્તિ હોય છે – પરંતુ તે ફક્ત એ બદલાવ ત્યારે જ શક્ય બને છે જ્યારે તે સામી વ્યક્તિ સાથે સંબંધ બાંધી શકે છે અને એ સંબંધનો અર્થ શોધી શકે છે.
તમે જે છો તે જ બનો. અસરકારક સંદેશ આદાનપ્રદાન માટે તમારે પહેલા તમે જો છો જેવા છો તેવાં બનવાની જરૂર છે. તમારા વિચારો અને વિચારોને સૌથી વધુ અર્થપૂર્ણ રીતે વ્યક્ત કરવાની ક્ષમતા એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. તમારી અભિવ્યક્તિ સંદેશનાં તમારાં આદાનપ્રદાન દ્વારા જ બહાર આવે છે. .
શૈલી એક આડપેદાશ છે. જ્યારે તમે સંદેશનાં આદાનપ્રદાન દ્વારા દ્વારા સાર્થકતા પ્રસ્થાપિત કરો છો, સકારાત્મક પ્રભાવ પાડો છો અને તમે જો છો તેવા જ રજૂ થાઓ છો ત્યારે તમારી આગવી શૈલી વિકસિત થાય છે. શૈલી ધ્યેય નથી, પરંતુ આડપેદાશ છે.
હેતુ વાતચીતને મજબૂત બનાવે છે. લોકો એવી ઘણી બધી બાબતો પર પોતાને વ્યક્ત કરે છે જે મહત્વપૂર્ણ નથી. જ્યારે તમારી પાસે સશક્ત હેતુ હોય છે, ત્યારે સંદેશનું તમારૂં આદાનપ્રદાન ન આકર્ષિત કરે છે અને વધુ અસરકારક બને છે. સંદેશનાં આદાનપ્રદાનનું લક્ષ્ય હેતુ સિદ્ધ કરવાનો અને વધુ સશકત પ્રભાવ પાડવાનો છે.
જે લોકો સાથે તમારે કામ પડે છે તેમની પાસેથી શીખવાલાયક આ બધા મહત્વપૂર્ણ પાઠ છે. આ તે જ પાઠ છે જે તમારે બીજાં લોકો સાથ એવહેંચવા જોઈએ .
વેચાણ, ટેકનોલોજી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, શિક્ષણ, તાલીમ અથવા માર્ગદર્શન જેવા કોઈ પણ કાર્યક્ષેત્રમાં હો – યાદ રાખો, અસરકારક સંદેશ આદાનપ્રદાનમાં સાર્થકતા પ્રથમ આવે છે!
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આદાનપ્રદાન
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
મોટાભાગે એવું બનતું હોય છે કે આપણને આપણી વાત કરવામાં જેટલો રસ હોય છે એટલી સામેની વ્યક્તિની વાત સાંભળવામાં નથી હોતો. કોઈક કંઇક વાત કરવાની શરૂ કરે ત્યાં વચ્ચે જ આપણી વાત શરૂ કરી દેતા હોઈએ છીએ. એનાથી જરા અલગ અભિગમવાળી એક રસપ્રદ બીના જાણવા મળી.
એકવાર કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દા માટે અતિ સક્ષમ વ્યક્તિની નિમણૂંક કરવાની હતી. એને અનુલક્ષીને અખબારમાં જાહેરખબર આપવામાં આવી..અને હંમેશા બને છે એમ આ હોદ્દાને અનુરૂપ એક નહી અનેક લોકોએ પોતાની લાયકાત અને અનુભવને વર્ણવતી અરજી કરી.
અનેક લોકોના ઈન્ટરવ્યુ બાદ કંપનીના માલિકે એક યુવકની પસંદગી કરી. કારણ?
આપણે એ યુવકના શબ્દોમાં જ એ ઇન્ટર્વ્યુના અંશ સાંભળીએ. એણે ઇન્ટર્વ્યુ દરમ્યાન પોતાની લાયકાત અંગે થોડાક શબ્દોમાં કહ્યા પછી એણે કંપનીના માલિકને એટલું કહ્યું કે, “આપની કંપની માટે જો મારી પસંદગી થશે તો હું મારી જાતને સદ્ભાગી માનીશ. હું જાણું છું કે આજથી ત્રીસ વર્ષ પહેલા આપે એક નાનકડી ઓફિસમાં સાદા ટેબલ-ખુરશી અને એક મદદનીશ સાથે શરૂઆત કરી હતી અને આજે શહેરમાં આપની એક સન્માનીય અને અગ્રગણ્ય વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી થઈ છે..”
હવે બન્યું એવું કે એ યુવકે આ કંપની માટે અરજી કરતાં પહેલા કંપનીની વિગતો ઉપરાંત એના માલિક વિશે પણ શક્ય એટલી માહિતી મેળવી લીધી હતી. દરેક સફળ વ્યક્તિના મનમાં એમના સંઘર્ષના દિવસોની ક્યારેય ન ભૂલાય એવી યાદ અંકિત થયેલી હોય છે જ અને સંઘર્ષના પથ પર ચાલીને જે રીતે સફળતાના પગથીયા સર કર્યા છે એ વાત યાદ કરવી ગમતી પણ હોય છે. હવે જ્યારે આ યુવકે એમની કારકિર્દીના આરંભની વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે સાવ ઓછી મૂડી લઈને શરૂ કરેલી એ યાત્રાથી માંડીને , દિવસોના દિવસોની અથાક અને અથાગ મહેનતના દિવસો, કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધ્યા અને અંતે ધારેલી અને મેળવેલી સફળતા સુધીની વાતો યાદ આવી ગઈ.
જો કે એ યુવક માત્ર પોતાની જ વાત કહીને નિકળી શક્યો હોત પરંતુ તેણે પોતાની જ વાત કહેવા પુરતો રસ ન દાખવતા માલિકની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. કહેવાની જરૂર છે કે એ યુવકને કંપનીના એ હોદ્દા માટેની જગ્યા મળી ગઈ?
સીધી વાત- જેમ આપણને અન્ય સાથે આપણી વાત કરવી ગમે છે. આપણા જીવનના ચઢાવ-ઉતાર, સંઘર્ષ કે સફળતા વિશે કહેવું ગમે છે, આપણે શું પામ્યા અને એની પાછળ જીવનની કેટલી અમૂલ્ય ક્ષણો અર્પી છે એ કહેવું ગમે છે, આપણે જીવી ગયેલી પળોની વાત કરવી ગમે છે. આપણા જીવનના સારા-માઠા અનુભવોની યાદ તાજી કરવી ગમે છે એવી રીતે અન્યને પણ પોતાની સફળતા વિશે વાત કરવી ગમે જ છે તો આપણે માત્ર આપણી વાત જ ન કરતાં પહેલાં એની વાત પણ સાંભળી લઈએ તો કેવું? અને બીજી વાત આપણે કોઈને પ્રથમ વાર મળતા હોઈએ ત્યારે એના વિશેની જાણકારી અગાઉથી મેળવી લઈને એ વ્યક્તિ સાથે સાથે સરળતાથી જોડાવાનો સેતુ બાંધી લઈએ તો એની સાથે વાત કરવામાં પણ સરળતા રહે.
આદાનપ્રદાન જેવો એક શબ્દ છે એ માત્ર ભૌતિક કે આર્થિક સ્તરે જ ન વિચારતા જરા આગળ વધીને વ્યક્તિગત સંબંધ સાથે પણ જોડી દઈએ તો કેવું?
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
