-
ફિલસુફીભર્યાં ગીતો – ૩૫ – कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
નિરંજન મહેતા
૧૯૮૧ની ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’નું આ એક પાર્શ્વગીત છે
कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीन कहीं आसमाँ नहीं मिलतातमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो
जहाँ उमीद हो इस की वहाँ नहीं मिलता
कहाँ चराग़ जलाएँ कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलताये क्या अज़ाब है सब अपने आप में गुम हैं
ज़बाँ मिली है मगर हम-ज़बाँ नहीं मिलता
चराग़ जलते ही बीनाई बुझने लगती है
ख़ुद अपने घर में ही घर का निशाँ नहीं मिलताફિલ્મમાં ભુપિન્દરના સ્વરમાં ગવાતું ગીત બેકગ્રાઉન્ડ ગીત તરીકે છે જ્યારે આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું ગીત પરદા પર નંદાએ અભિનિત કરેલ છે.
(मुकम्मल=પૂર્ણ, ख़ुलूस=સચ્ચાઈ, ઈમાનદારી, अज़ाब=પાપ, દુઃખ, बीनाई=દૃષ્ટિ)
સમાજના દુષણ તરફ આંગળી ચીંધતી આ ફિલ્મમાં બે પ્રેમીઓ ભેગા નથી થઇ શકતા કારણ પ્રેમિકા એક ગણિકાની પુત્રી છે જે સમાજને લગ્નબંધન માટે સ્વીકાર્ય નથી, ભલે તે અન્ય રીતે સ્વીકારાતી હોય. કહેવાય છે કે કોઈને ક્યારેય પૂર્ણ જગત નથી મળતું. દરેકનું જીવન ક્યાંકને ક્યાંક અધુરૂ રહેતું હોય છે. ક્યારેક એક વસ્તુ મળે તો બીજી વસ્તુ પ્રાપ્ત નથી થતી.
આ દુનિયામાં એવું નથી હોતું કે સચ્ચાઈ નથી હોતી, પણ તમે જ્યાં તે ઈચ્છો ત્યાં તે તમને મળતી નથી જેને લઈને તમે માની લો છો કે આ દુનિયામાં ક્યાંક સચ્ચાઈ રહી નથી. લોકો કબર પર દીવો કરે છે અને ફૂલ મૂકે છે પણ ક્યાં દીવો મુકવો અને ક્યાં ગુલાબ મૂકવું તેની સમજ ન હોય તો તેનો ઈરાદો નિષ્ફળ જાય છે.
તમે એક ઘર બનાવીને વસો છો પણ તે સાચા અર્થમાં ઘર છે કે નહીં તે પણ સમજવું જરૂરી છે. એક છત નીચે રહેનાર કુટુંબ ભલે માને કે તેઓ એક ઘરમાં રહે છે પણ જ્યાં સુધી બધા વચ્ચે સુમેળ ન હોય ત્યાં સુધી તે ઘર ઘર કહેવાને લાયક નથી બનતું. એવા તે કેવા પાપ કર્યા હોય છે કે દરેક પોતપોતાના વ્યસ્ત હોય છે અને અન્ય તરફ નજર પણ નથી કરતાં?
માનવીને વાચા મળી છે તે કુદરતની મહેર છે પણ આપણને આપણા વિચારો સમજે, આપણને સાથ આપે તેવા કેટલા?
જ્યારે દીવો પ્રગટે છે ત્યારે આપણે થોડીવાર માટે દ્રષ્ટિ ગુમાવીએ છીએ જેને કારણે આપણે આપણા જ ઘરમાં રહેલી ચીજોને જોઈ નથી શકતા. કહેવાનો ભાવાર્થ છે કે આપણે આપણી અંદર આપણા આત્માને નથી ખોજતા અને બહાર ફાંફા મારીએ છીએ.
આ ફિલ્મના પ્રેમી કલાકારો છે કુણાલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે. નીદા ફાઝલીના શબ્દો અને ખય્યામનું સંગીત. સ્વર છે ભુપીન્દર સિંહનો. ફિલ્મમાં અન્ય કલાકારોની લાંબી યાદી છે જેમાં નંદા, શશીકલા, રેહમાન જેવા ગજાના કલાકારોનો સમાંવેશ થયો છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ચુનમુનની પીડા
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક નાનકડો બગીચો હતો. બગીચામાં ઘણા બધા વૃક્ષો હતાં. એના ઉપર જાતજાતના પક્ષીઓ રહે-કાગડા અને ચકલીઓ, હોલા, કાબર અને પોપટ. ઝાડના થડની બખોલમાં ખિસકોલીઓ પણ રહે. એક ઝાડની બે ડાળીઓની વચ્ચે એક મધપુડો પણ હતો. વહેલી સવારે આખો બગીચો પક્ષીઓના કલરવથી ગાજી ઊઠે. સૂરજ ઊગતાની સાથે પક્ષીઓ ચણની શોધમાં ઊડી જાય. વચ્ચે વચ્ચે આવીને પોતાના બચ્ચાંને ચણ પણ ખવડાવી જાય. ખિસકોલીઓ બગીચામાં નીચે દોડાદોડી કરીને બાળકોએ વેરેલી શીંગ વગેરેની શોધમાં લાગી જાય. મધમાખીઓ બગીચામાં ખીલેલા ફૂલો પાસે જઈને મધ લઇ આવે.
એક દિવસની વાત છે. હોલાનું એક નાનકડું બચ્ચું ઝાડ ઉપર બેઠું હતું. નામ હતું એનું ચુનમુન.
ચુનમુનને તરસ લાગી હતી. એ પાણીની શોધમાં ઝાડ ઉપરથી નીચે આવ્યું. આજુબાજુ નજર નાખતાં એણે એક મોટા ઝાડ નીચે પાણીની એક કુંડી જોઈ. ચુનમુન ખુશ થયું અને ઝડપથી એ કુંડી તરફ ચાલવા માંડ્યું. એને તરસ એટલી બધી લાગી હતી કે એણે રસ્તામાં પડેલા એક નાના પથ્થરને જોયો જ નહીં. એટલે ચાલતા ચાલતા એના પગનો પંજો એ પથ્થર સાથે અથડાયો. ચુનમુન તો ઘણું નાજુક નાજુક હતું. એના કોમલ પગ સાથે પથ્થર અથડાયો એટલે એને તો બહુ દુ:ખવા માંડ્યું. પહેલીવાર એને આવી રીતે કંઇક વાગ્યું હતું.
પછી તો ચુનમુને જોરજોરથી રડવાનું ચાલુ કરી દીધું. એ તો એની તરસ-બરસ બધું ભૂલી ગયું અને ભેંકડો તાણીને રોવા જ માંડ્યું. બાજુમાં જ એક ફૂલનો છોડ હતો. એના ઉપર મુમુ મધમાખી બેઠી હતી. મધમાખીએ ચુનમુનને રડતું જોયું. એ તરત એની પાસે આવી અને ગણગણ કરતાં પૂછ્યું, ‘ચુનમુન, ચુનમુન, તને શું થયું? કેમ આટલું બધું રડે છે?”
ચુનમુને રડતાં રડતાં જ પોતાના પગનો પંજો બતાવ્યો. એણે પેલો પાસે પડેલો પથ્થર પણ બતાવ્યો. મધમાખી ચતુર હતી. એ સમજી ગઈ કે ચુનમુન ગભરાઈ ગયું છે. એણે કહ્યું, “હા, તને થોડું વાગ્યું તો છે. હું તને તારા પંજા ઉપર થોડું મધ લગાવી આપું. એનાથી તને મટી જશે.’ચુનમુને પંજો આગળ કર્યો. મધમાખીએ એના ઉપર થોડું મધ લગાવ્યું અને ઊડી ગઈ. ચુનમુન હવે ચૂપ થઈને ફરીથી પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું? એનો તો પગ જલદી ઉપડતો જ ન હતો. ચીકણો થઇ ગયો હતો. એ જ્યાં જ્યાં પંજો મુકે ત્યાં પંજો ચોંટી જ જાય.
ચુનમુનને તો ફરીથી દુ:ખવા માંડયું. એ તો હતું ત્યાં ઊભું રહી ગયું અને પાછો તાણ્યો મોટો ભેંકડો.
એ વખતે ખુશી ખિસકોલી ત્યાંથી પસાર થતી હતી. ચુનમુનને રડતું સાંભળીને એ એની નજીક આવી. એણે વહાલથી ચુનમુનને પૂછ્યું, “શું થયું બેટા? કેમ રડે છે? તારી મમ્મી હમણાં આવશે.’
મમ્મીનું નામ સાંભળતાં જ ચુનમુન તો વધારે જોરથી રડવા માંડ્યું. ખુશીએ એના માથા ઉપર પોતાનો પંજો ફેરવીને એને ચુપ રાખ્યું અને ફરીથી પૂછ્યું, “મને કહે તો ખરું તને શું થયું છે?’ ચુનમુને પોતાનો પંજો બતાવીને જે થયું હતું એ જણાવ્યું.
ખુશી ખિસકોલી આખી વાત સમજી ગઈ. એણે કહ્યું, “અરે અરે, તને તો બહુ વાગ્યું છે. લોહી પણ નીકળ્યું છે એટલે તારો પગ ચોંટી જાય છે. પણ કંઈ વાંધો નહીં. મારી પાસે એક પાતળું કપડું છે. તને એનો પાટો બાંધી આપું એટલે મટી જશે.’
એ પોતાની બખોલમાં જઈને પાતળા કપડાનો લીરો લઇ આવી અને ચુનમુનના પગ ઉપર બાંધીને પોતાના કામે નીકળી ગઈ.
પોતાના પંજા તરફ જોતું જોતું ચુનમુન પાછું પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું?
એનો તો પગ ભારે ભારે થઇ ગયો હતો. ભારને લીધે પગ તો ઉપડે જ નહીં! આટલો મોટો પાટો જોઇને એને તો વધારે દુ:ખવા માંડ્યું. પાછું એણે તો એનું રડવાનું ચાલુ કરી દીધું.
ઝાડ ઉપર બેઠેલો એક કાગડો આ બધું જોતો હતો. એ તો ઊડતો ઊડતો ગયો ચુનમુનની મમ્મીને શોધવા. એ ચુનમુન માટે દાણા વીણતી હતી. કાગડાએ એને બધી વાત કરી.
ચુનમુનની મમ્મી તરત જ બગીચામાં આવી ગઈ. આવીને એ સીધી ચુનમુન પાસે આવી અને પ્રેમથી ‘શું થયું બેટા?’ એમ પૂછ્યું. ચુનમુન તો મમ્મીને જોઇને પહેલેથી પણ વધારે જોરથી રડવા માંડ્યું અને એણે રડતે રડતે જ પોતાનો પંજો મમ્મીને બતાવ્યો. એની મમ્મીએ પહેલાં તો એનો પાટો છોડી નાખ્યો અને પંજા ઉપર જોરજોરથી ફૂંક મારવા માંડી. એ ચુનમુનને એમ પણ કહેતી હતી કે, “આ તો કશું નથી થયું. હમણાં મટી જશે.”
મમ્મીની ફૂંકથી તો ચુનમુનના પંજા ઉપર જાણે જાદુ થયું. દર્દ, પીડા, બધું ગાયબ! એ તો ખુશ થઈને પોતાની પાંખો ફફડાવવા માંડ્યું. મમ્મી એને પાણીની કુંડી પાસે લઇ ગઈ અને પાણી પીવડાવ્યું. એણે એના પગનો પંજો પણ સાફ કર્યો. ચુનમુન તો ખુશ થઈને પાછું મમ્મી સાથે પહોંચી ગયું એના ઝાડ ઉપર.
[ભાવિક પરિષદ]
ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
-
ઋતુના રંગ : ૨ :

બાલમંદિર : ભાવનગર
તા. ૨૬ -૧ – ૩૬
પ્રિય બાળકો !
ગયે વખતે મેં તમને વહાલાં લખ્યાં હતાં; આ વખતે પ્રિય લખું છું. વહાલાં અને પ્રિયમાં નથી ફેર લાગતો. કેટલાંકને ‘ વહાલાં ‘ ગમે ને કેટલાકને ‘ પ્રિય ‘ ગમે; તમને શું ગમે ?
શિયાળો હજી ચાલે છે, એમ લખું તો યે ઠીક અને ન કહું તો યે ઠીક. આટલી બધી ટાઢ પડે છે, મારા અને તમારા હાથપગ ફાટી જાય છે, ગોળાનું પાણી બરફ જેવું ઠંડું થઈ જાય છે, એટલે એની મેળાએ ખબર પડે કે આ શિયાળો છે. ઉનાળે એની મેળાએ ખબર પડે કે આ ઉનાળો. તડકા એવા તપે, એવા તપે કે વગર પૂછે ઉનાળો. અને આકાશેથી વરસાદ તૂટી પડે એટલે કબીર કહી ગયા છે કે ચોમાસું. એમાં તો પૂછવાનું જ નહિ.
જુઓ, શિયાળો બેઠો એની બીજી રીતે ય ખબર પડે. દિવાળી પછી શિયાળો આવે અને દિવાળી પછી દિવાળીઘોડો આવે. તમે એને ઘણી વાર ભાળ્યો છે પણ એનું નામ તમને નહિ આવડતું હોય. ધોળા અને કાળા રંગનું પેલું આંગણામાં દોડતું અને પાછળથી વારે વારે પૂંછડી ઊંચી કરતું જાય, એ પક્ષી તે દિવાળીઘોડો. તમને ખબર છે, એ પક્ષી ક્યાંથી આવે છે ? અરે, એ તો દક્ષિણ યુરોપથી – ઠેઠ ઈટાલીથી આવે છે. એટલે બધે દૂરથી ? અને એ અહીં શા માટે આવતું હશે ? શા માટે ? ત્યાં યુરોપમાં બહુ સખત ટાઢ પડે ને ઠરી જવાય એટલે કેટલાં ય પક્ષીઓ અહીં હિંદુસ્તાનમાં આવે છે. દિવાળીઘોડો પણ અહીં ગરમ હવા ખાવા આવે છે. ગરમ હવા ? હા; અત્યારે આપણે માટે અહીં શિયાળો છે પણ આ પક્ષીને તો એની ટાઢ જરા યે ન વરતાય. ઊલટું અહીંનો તડકો એને ગમે; અહીં એને મજાનું હૂંફાળું લાગે. પછી જ્યારે આપણે ત્યાં ઉનાળો આવશે ને યુરોપમાં વસંત ખીલશે ત્યારે દિવાળીઘોડો પાછો ચાલ્યો જશે. દિવાળી ઉપર એ આવે છે તેથી આપણે એને દિવાળીઘોડો કહીએ છીએ. એનું બીજું નામ ખંજન પણ છે. અંગ્રેજીમાં એને વૅગટેઈલ કહે છે; ટેઈલ એટલે પૂંછડી અને વૅગ એટલે હલાવવું; આખો દિવસ પૂંછડી હલાવ્યા કરે એટલે વૅગ ટેઈલ.
દિવાળીઘોડા વિષે લખવા બેસું તો ઘણું લખાય, પણ આજ તો રહેવા દઉં છું.
જુઓ ત્યારે, એક કામ કરો. આ દિવાળીઘોડાને જોયા જ કરો. ને એ કેમ ખાય છે, કેમ ઊડે છે, કેવું બોલે છે, એ તપાસ્યા કરો. તમે એક વાર જોઈ રાખો; હું પછી બધું કહીશ. હાલ તો બસ.
લે. તમારો
ગિજુભાઈ
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
કબૂતરો, આપણે અને જીવદયા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
બાળગીતની એક પંક્તિ છે.
“જુઓ જુઓ પંખીની આ ટોળી,
એમાં કબૂતરોની જાત ભોળી”આ ભોળાં મનાતા કબૂતર અને માણસ વચ્ચેનો નાતો હજારો વર્ષ પુરાણો છે. કહેવાય છે કે ૧૦,૦૦૦ વર્ષ પહેલા પ્રાચીન મેસોપેટેમીયાના લોકોએ કબૂતરો પાળવાનું શરૂ કર્યું હતું.
કબૂતરો ખૂબ ઝડપથી ઊડી શકે છે. વળી ગમે તેટલા દૂર જાય પણ માર્ગ ભૂલ્યા વિના પોતાના મૂળ સ્થાને પાછા આવી જતા હોય છે. કબૂતરની આ વિશિષ્ટતા જોઇને માણસે તેનો ઉપયોગ સંદેશા મોકલવા માટે શરૂ કર્યો. આજથી ત્રણ હજાર વર્ષ પહેલા સિરિયા અને પર્શિયાના લોકોએ સંદેશા મોકલવા માટે કબૂતરોનો ઉપયોગ શરૂ કર્યો હતો. આજે ટેલિવિઝનને કારણે આપણે ઓલોમ્પિક રમતમાં કોણે મેડલ જીત્યો એ તત્કાળ જાણી શકીએ છીએ. પરંતુ ઇ સ પૂર્વે ૭૭૬ માં ઓલમ્પિક રમતોના પરિણામોના સામાચાર પહોંચાડનારાં કબૂતરો હતા, એટલું જ નહિ વોટરલુમાં -નેપોલિયનના પરાજયના સમાચાર પણ કબૂતરોએ પહોંચાડેલા!
બે વિશ્વયુદ્ધોમાં સંદેશા મોકલવા માટે દસ લાખ જેટલા કબૂતરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીસમી સદીના ચોથા દાયકામાં અમેરિકાની સેનામાં સંદેશા પહોંચાડવા માટે કબૂતરોની એક આખી બ્રિગેડ હતી. તેમાં ૩,૧૫૦ સૈનિકો અને ૫૪,૦૦૦ કબૂતરો હતા. કબૂતરોની આ સેવાને કારણે વિશ્વયુદ્ધોમાં હજારો સૈનિકોના જાન બચી ગયા હતા. એક અહેવાલ મુજબ ૧૯૪૩માં બ્રિટનમાં ૩૨ જેટલા કબૂતરોને સેનાના ‘ડીક્કન’ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા!
આપણાં ઓરિસ્સામાં વારંવાર વાવાઝોડાં આવે છે અને તેને કારણે સંદેશા વ્યવહાર ખોરવાઇ જવાનું જોખમ ઊભું થતું હોય છે. આથી ત્યાંની પોલીસ સંદેશા વ્યવહાર માટે કબૂતરોની એક ટૂકડી તૈયાર રાખે છે!
બીજા દેશમાં લોકોને ગેરકાયદેસર ઘૂસાડવાના કામને કબુરતબાજી કહેવામાં આવે છે. પરંતુ ખરેખર એ તો દૂર સુધી કબૂતરોને ઊડાડવાની રમત છે. આજે જેમ હવાઇદળોનાં વિમાનોને ગુલાંટ ખવરાવીને કવાયત કરવામાં આવે છે તેમ કબુતરોને પણ તાલીમ આપીને ગોળાકાર ઉડાડીને ગુલાંટ ખાવાની રમતો રમાય છે. જો કે આજે એ રમતો ગેરકાયદેસર છે. પરંતુ સૈકાઓથી આ પ્રકારનાં મનોરંજન માટે કબૂતરોનો ઉપયોગ થતો આવ્યો છે. કહેવાય છે કે મોગલ બાદશાહ અકબર પાસે ૨૦,૦૦૦ કબૂતરોનો કાફલો હતો ,ઉપરાંત મુસાફરી દરમિયાન બાદશાહના રસાલામાં કબૂતરોને પણ સામેલ કરતા.
મનોરંજન માટે તો કબૂતરો ઉપયોગી છે, ઉપરાંત માંસાહારીઓ માટે પણ કબૂતરો ઉપયોગી છે કારણકે તેનાં માંસમાં ભરપૂર પ્રોટિન હોય છે. વળી તેની વિષ્ટા તેમાં રહેલાં પુષ્કળ પોષક તત્વો હોવાથી ખેડૂતો માટે ઉત્તમ ખાતર પણ છે.
જીવદયા પ્રેરિત કબૂતરોની સારસંભળને કારણે તેમની વસ્તીમાં એટલો મોટો વિસ્ફોટ થયો છે કે વસ્તીને નિયંત્રણમાં રાખવાની જરૂર ઊભી થઈ છે. કબૂતરો આપણને અનેક રીતે પરેશાન કરવા લાગ્યાં છે. તેમણે કરેલા ઉત્સર્ગને કારણે ઈમારતો ગંદી થઈ જાય છે. તેનું એક ઉદાહરણ જયપુરના ઐતિહાસિક મ્યુઝિયમની ઇમારત છે.

For years, Jaipur’s Albert Hall Museum struggled with its burgeoning pigeon population. Photo: Rohit Jain Paras
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીદૂરથી જોતા આ ઇમારતનું દૃશ્ય તેની પર ઊડતા કબૂતરોથી ખૂબ સુંદર લાગે પરંતુ મ્યુઝિયમના સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાકેશ ચોલકને માટે આ કબૂતરો માથાનો દુખાવો બની ગયા હતાં મ્યુઝિયમના સુંદર ગુંબજ પર બેસીને કબૂતરો ત્યાં સતત ઉત્સર્ગ ક્રિયા કરે છે. આથી તેની હગારને કારણે ગુંબજનો દેખાવ બગડી જવા લાગ્યો. ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે બિલાડી પાળવામાં આવે છે તેમ સંચાલકો કબૂતરોને નસાડવા માટે શકરા બાજને પકડી લાવ્યા. બાજ પોતાની કામગીરી શરૂ કરે તે પહેલા જ જીવદયાવાળા પહોંચી ગયા અને પ્રયોગ પડતો મૂકવો પડ્યો. છેવટના ઉપાય તરીકે આખા સંકુલને નાયલોનની દોરીથી ઢાંકી દીધું. તો પણ કોઇ રડ્યુખડ્યુ કબૂતર પોતાનો માર્ગ કરીને ઘૂસી જતું,
કબૂતરની વધતી જતી વસ્તીને કારણે જયપુરના મ્યુઝિયમને જ નહિ મંદિરોના શિખરો અને બહુમાળી બિલ્ડિંગોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરોમાં મહાપુરૂષોના પૂતળાઓનાં મસ્તક ઉપર પણ કબૂતરો પોતાની હગારનો અભિષેક કરીને પૂતળાંને ખરાબ કરી દેતા હોય છે.
કાગડા કે ચકલી જેવા પક્ષીઓ નીચા મકાનો કે ઝાડની ડાળીઓએ વસે છે. પરંતુ કબૂતરોનો નૈસર્ગિક વસવાટ ઉંચાઇએ આવેલી પહાડોની કરાડો છે. તેમના પૂર્વજો ત્યાં જ વસતા. પરંતુ હવે શહેરોમાં બહુમાળી મકાનો બનતા તેમને ઉંચાઇ સુલભ બની ગઈ. વળી જીવદયાપ્રેમીઓ શહેરોમાં ઠેર ઠેર પક્ષીઓ માટે અનાજના દાણાઓ સુલભ કરી દે છે. કબૂતરો આ દાણા પર પોતાનો સુવાંગ હક માનીને ચકલી કે કાબર જેવાં પક્ષીઓને નસાડી મૂકે છે અને પોતે જ બધા દાણા જમી જાય છે. સહેલાઈથી આહાર સુલભ થવાને કારણે તેમનું પ્રજજન કાર્ય વધી જાય છે. પરિણામે તેમની વસ્તીમાં ઝડપથી વધારો થતો રહે છે. એક કબૂતરી વર્ષમાં છ વખત ઇંડા મૂકે છે.
રસ્તા ઉપર નાખવામાં અવતી ચણને લીધે ટ્રાફિકમાં પણ અડચણ ઊભી થાય છે. આથી જુદા જુદા શહેરોની મ્યુનિસિપાલિટિઓ કબૂતરોને જાહેરમાં ચણ નાખવા પર પ્રતિબંધો મૂકવા વિચારી કે અમલ કરી રહી છે. થાણેની મ્યુનિસિપલિટિએ ઠેર ઠેર ચેતવણીના પોસ્ટરો મૂક્યા કે સરિયામ રસ્તા પર પક્ષીઓને ચણ નાખનારનો ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. ૨૦૨૨માં મુંબઈના ખાર ખાતેની વસાહતીઓના એસોસિએશને કબૂતરખાનાઓ સામે ઝૂંબેશ ઉપાડી હતી. એસોશિયનના ચેરમનની એવી ફરિયાદ છે કે ગીચ વસ્તી ધરાવતા રેલ્વેસ્ટેશનની આસપાસ પક્ષીઓ માટેના દાણા વેચનારાઓ ઊભા હોય છે. ખરીદનાર જીવદયાના પ્રેમીઓ નજીકમાં જ દાણા નાખી દેતા હોય છે. આથી ત્યાં પણ કબૂતરોના ટોળાં ઉમટતા હોય છે અને તેમની હગારથી આખો વિસ્તાર ગંદો થઇ જાય છે. ગયા ડીસેમ્બરની ૬ તારીખથી ૧૦ તારીખ સુધીમાં પૂણેની મ્યુનિસિપાલિટિએ તેના પંદર વોર્ડોમાં જાહેર સ્થ્ળોએ પક્ષીઓને ચણ નાખનારાઓ પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ જેટલો દંડ વસૂલ કર્યો હતો.
બીજા બધા પક્ષીઓ પાસે માળો બાંધવાની કુનેહ હોય છે. પરંતુ કબૂતર એ બાબતે અણઘડ પુરવાર થયા છે. પ્રાચીન કાળમાં ગુફાઓનાં પ્રવેશદ્વાર પર જ પોતાનો માળો બાંધી દેતા. હવે શહેરોનાં ઉંચાં મકાનોમાં કોઇ સમતલ જગ્યા શોધીને, ખાસ કરીને બહુમાળી બિલ્ડિંગની બાલ્કનીમાં સળીઓને આમતેમ પાથરી દેતાં હોય છે, જેને ભાગ્યેજ માળો કહી શકાય. આ જગ્યાએ તેઓ ઈંડા મૂકે છે અને સાથે સાથે ગંદકી પણ કરે છે.
લોકો પૂણ્ય મેળવવાના હેતુથી અનેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં મકાઈ અને જુવારના દાણા વેરતા હોય છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તેમને માટે પાકા ચબૂતરાઓ બનાવવામાં આવે છે જ્યાં તેમને આહાર અને માળો બાંધવાની સુવિધાઓ મળી રહે છે. કબૂતરો બીજા પક્ષીઓને અહીં આવવા દેતા નથી. આથી તેમની વસ્તી સતત વધતી ચાલી છે. કબૂતર હવે અગાઉની જેમ માણસ જાતનો મિત્ર રહ્યો નથી. ટોળાબંધ કબૂતરો કોઈ ઇમારતો પર બેસીને ત્યાં મોટા પ્રમાણમાં તેનું ચરક મૂકે છે, જે એસિડિક હોવાથી ઇમારતને નુક્શાન કરી શકે છે. મોટા પ્રમાણમાં એક્ઠી થયેલી આ વિષ્ટા સૂકાઇને સખત બની જાય છે અને ગટરોને પણ બ્લોક કરી દે છે.
ડોક્ટરોનું માનવું છે કે કબૂતરોની વધતી જતી વસ્તીને કારણે પ્રાણીઓ દ્વારા ફેલાવાતા અને ખાસ કરીને માણસનાં શ્વસનતંત્રને મોટું નુક્શાન કરે એવા ચેપી રોગોનું જોખમ પણ વધ્યું છે. નવી મુંબઇમાં આવેલી એપોલો હોસ્પિટલના પલ્મોલોજીના (ફેફસાના રોગોના) નિષ્ણાત ડો. જયાલક્ષ્મી કહે છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં કબૂતરોના ઉતસર્ગ અને પીંછાના ધૂળમાં સંપર્કમાં આવના કારણે કબૂતર સબંધી રોગોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કબૂતરનાં ઉત્સર્ગ સાથે વાતવારણની ધૂળ ભળે છે. આ મિશ્રિણ ફેફસામાં રહેલા રોગપ્રતિકારક શક્તિ માટેના કોષોને અલગ પાડી દે છે. આથી સંક્રમિત થયેલા ફેફસાને મોટું નુક્શાન થાય છે. બર્ડ ફેન્સિયર્સ લન્ગ (BFL)નામનો શ્વસનતંત્રનો સૌથી જોખમી રોગ છે આ રોગના કારણે દર્દીનાં ફેફસાનું અંદરનું પડ જામી જાય છે જેથી દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટી જાય છે. ઓક્સિજનનું લેવલ ઘટી જતા માણસની સ્થિતિ કેવી થતી એ કોરોનાના સમયમાં આપણે જોયેલુ. અન્ય આવા રોગોમાં હિસ્ટોપાલ્મોસિસ (એક પ્રકારનો ફૂગજન્ય રોગ જે ફેફસાને નુક્શાન કરે છે) , ક્રિસ્ટોકોકોસિસ (એક જાતનો ફૂગજન્ય ચેપ જે ફેફસા ઉપરાંત મગજને પણ હાનિ કરે છે) તથા સિટાકોસિસ નામના (બેક્ટેરિઆથી લાગતો ચેપ)નો સમાવેશ થાય છે. આમ કબૂતરોનો વસ્તી વધારો માણસની તંદુરસ્તી માટે જોખમી બન્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ રોગોનો ફેલાવાની ઝડપ બહુ ઓછી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે શરદીના ચિહ્નો હોય તેવી બીમારીને ગંભીરતાથી ન લેવાને કારણે ક્યારેક ભૂલથાપ પણ થઇ જાય.
ટૂંકમાં આપણે પક્ષીઓ પરની જીવદયા બબતે સંયમિત થવાની જરૂર છે. ગુજરાતમાં તો મૃત્યુ પછી રાખવામાં આવતા બેસણાંમાં પણ પક્ષીઓને માટે જુવારના દાણાના પેકેટો વહેંચવામાં આવે છે. આથી મરનારના આત્માની સદગતિ થાય છે કે નહિં તેની જાણ નથી, પરંતુ કોઈ યોગ્ય સ્થળને બદલે લોકો જ્યાં ત્યાં દાણાને વેરી દેતા હોય છે. કબૂતરને તેનો ખોરાક સહજ સુલભ કરાવવનો આપણો હેતું ગમે તેટલો સારો હોય પરંતુ કેટલાક પક્ષીવિદોનું કહેવું છે કે દરેક પ્રાણીની જેમ પક્ષીઓને પણ ખોરાકની શોધ માટે સંઘર્ષ કરવો જરૂરી છે, નહિ તો વિપરીત સંજોગોમાં તે ટકી નહીં શકે.
(‘’ Pigeons and Us’ તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫નાં ઇંડિયન એક્સ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલ લેખને આધારે)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે. -
આપણા આ પૂર્વજ પાસેથી કંઈક શીખીએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવની ઉત્ક્રાંતિ થતાં એટલે કે જમીન પર આવી ચડેલા એક જળચરમાંથી માનવનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેને કરોડો વર્ષ લાગ્યાં છે. પણ ઉત્ક્રાંતિ પછીના વિકાસની ઝડપ સરખામણીએ ઘણી વધુ રહી છે. પહેલાં સતત ભટકતું જીવન ગાળતો માનવ સ્થિર થયો એ સાથે સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. જો કે, સંસ્કૃતિના નામે તેણે વધુ તો યુદ્ધો જ કર્યાં છે. સમાંતરે બીજી અનેક કળાઓ, વિદ્યાઓ વિકસતી ગઈ. ભાષા મૂળ તો પ્રત્યાયન માટે શોધાઈ હશે, પણ ધીમે ધીમે તેમાંથી લિપિનો ઉદ્ભવ થતો ગયો, જે સરવાળે સાહિત્યના સર્જનમાં ઊપયોગી બની રહી.
માનવજાતની ઉત્ક્રાંતિના ઈતિહાસની સરખામણીએ સાહિત્ય પ્રમાણમાં નવું કહી શકાય, છતાં તે જીવનનું, સભ્યતાનું અને ભદ્રતાનું એક અનિવાર્ય અંગ ગણાય છે. કુદરતના અન્ય જીવો- પ્રજાતિઓમાં પોતાને સૌથી ઊપર ગણવાનાં માનવજાત પાસે સબળ અને પૂરતાં કારણો છે. ધીમે ધીમે તે અન્ય સજીવોનો અભ્યાસ કરી રહ્યો છે એમ તેને કુદરતનાં અનેકવિધ રહસ્યો ઊકલતાં જણાય છે. ત્યારે એ સ્વીકાર કરવો જરૂરી બની રહે છે કે પોતે ભલે બધી રીતે સર્વશ્રેષ્ઠ હોય, અન્યો જરાય ઊતરતા નથી.
ખાસ તો, પોતે જે પ્રજાતિમાંથી વિકસીને માનવમાં રૂપાંતરિત બન્યો એ વાનરમાં એવી અનેક બાબતો, પદ્ધતિઓ તેની પરના અભ્યાસ દરમિયાન જોવા મળતી આવી છે, જે સૂચવે છે કે તેઓ પણ ઘણા બુદ્ધિશાળી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી વાનરની એક જાતિ છે બોનોબો નામની. એમ મનાય છે કે વિખવાદોના ઊકેલ કે નિવારણમાં અસરકારક પ્રત્યાયન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ એક પાસું એવું છે કે માનવજાત એમ માને છે કે એ પોતાની અનન્યતા છે. અલબત્ત, વિખવાદોના ઊકેલને બદલે તેને વધારવામાં પણ આવું પ્રત્યાયન અસરકારક રહે છે એ વળી જુદી કળા થઈ. ‘સાયન્સ’ નામની એક અમેરિકન વિજ્ઞાનપત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે કે બોનોબો વાનરો પણ માનવની આ અનન્ય કહી શકાય એવી ક્ષમતા ધરાવે છે. એટલે કે તેઓ સંકુલ અર્થ ધરાવતાં સંકેતોનો પ્રત્યાયન માટે વિનિયોગ કરે છે. સંવનન તેમજ તંગ સામાજિક પરિસ્થિતિ દરમિયાન બોનોબો દ્વારા ઊપયોગમાં લેવાતા વિવિધ સંકેતો માનવ દ્વારા ઊપયોગમાં લેવાતા જટિલ વાક્યબંધારણ જેવાં હોય છે. પોતાની આ ક્ષમતાનો ઊપયોગ તેઓ ‘શાંતિની શોધ’ માટે કરતા જણાયા છે.
આ અભ્યાસને લઈને ઉત્ક્રાંતિને લગતી અત્યાર સુધીની પ્રચલિત માન્યતા હલબલી ગઈ છે. એ માન્યતા મુજબ, ઉત્ક્રાંતિ એટલે ક્રૂર અને હિંસક પ્રક્રિયા, એટલે કે ‘બળિયાના બે ભાગ’ તરીકે ઓળખાતો સિદ્ધાંત. જાણીતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની રેમન્ડ ડાર્ટના ‘કીલર એપ’ સિદ્ધાંત અનુસાર, માનવઉત્ક્રાંતિ હિંસા અને મારી નાખવાની ક્ષમતાને લઈને આગળ વધી છે. બુદ્ધિશાળી માનવ એવા હોમો સેપિયન્સ સાથે નિકટતા ધરાવનાર ચિમ્પાન્ઝીઓ અંદરોઅંદર તેમજ અન્યો સાથે હિંસા આચરતા હતા. તેમની સરખામણીએ બોનોબો સ્પર્ધા નહીં, પણ સહયોગને પસંદ કરે છે. અને બોનોબોનું ડી.એન.એ. માનવ સાથે નવ્વાણું ટકા સામ્ય ધરાવે છે. બોનોબોને ચિમ્પાન્ઝીઓનો જ એક પ્રકાર માનવામાં આવે છે.
’હીપ્પી એપ્સ’ તરીકે ઓળખાતા બોનોબો વાનરો એકમેકને વળગીને, વાટાઘાટો કરીને તેમજ હિંસા આચરવાને બદલે પ્રેમ અને ભૌતિક સુવિધાને પ્રાધાન્ય આપીને ટકી રહ્યા છે. ટકી રહેવા માટે સ્પર્ધા યા એકમેકને મારી નાખવાને બદલે તેમની પાસે બીજો વિકલ્પ છે, જે દયામાયા, સહયોગ અને પ્રત્યાયનના પાયા પર ઊભેલો છે.
એક લાંબા અરસા સુધી માનવો ચિમ્પાન્ઝીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતા રહ્યા હતા અને માનતા રહ્યા કે આગળ વધવા માટે હિંસાનો માર્ગ જ અસરકારક છે. માનવસંસ્કૃતિનો અત્યાર સુધીનો ઈતિહાસ લોહીયાળ રહ્યો છે. શાંતિના સમયગાળાની સરખામણીએ યુદ્ધનો સમયગાળો કદાચ ટૂંકો હોય તો પણ શાંતિના સમયગાળા પર તેની ઘેરી અસર રહી છે. અને શાંતિ પણ સાપેક્ષ રહી છે.
બોનોબો અને તેમની જીવનશૈલીમાં હિંસા યા ધિક્કાર કેન્દ્રસ્થાને નથી. તેઓ સંસાધનોને નષ્ટ કરતા નથી. અભ્યાસમાં જણાવાયા મુજબ તેઓ અન્યોને તેમના રાત્રિઆવાસ બનાવવા માટે પ્રેરે છે. બોનોબોના જીવન પર થયેલો આ અભ્યાસ પહેલાં તો એ માન્યતાને તોડે છે કે માનવ અનન્ય તેમજ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, બુદ્ધિશાળી હોવાનો માપદંડ ખરું જોતાં તો એ બુદ્ધિનો શો ઊપયોગ થાય છે એ મુજબ હોવો ઘટે. અને એ માપદંડમાં માનવ હંમેશાં ઊણો ઉતર્યો છે.
માનવ હંમેશાં વિભાજનમાં માને છે. શાસકોએ આ વૃત્તિને જ વકરાવી છે. આ વિભાજન ધર્મ, દેશ, જાતિ, વર્ણ, લિંગ કે બીજા કશાના આધારે કરાવી શકાય. ઈતિહાસ આનો સાક્ષી રહ્યો છે. લોભ અને સ્વાર્થ, ધિક્કાર અને તિરસ્કાર માનવની મૂળભૂત વૃત્તિઓ હોય એમ જણાય છે. આવી વૃત્તિ વ્યાપકપણે જોવા મળે છે એટલે જ ઈસુ, બુદ્ધ, ગાંધી જેવા અહિંસાના આરાધકોનું મૂલ્ય વધુ છે.
આદિ કાળથી ચાલી આવતી આ વૃત્તિ ટેક્નોલોજીની સાથે વધુ ને વધુ વકરતી ચાલી છે. ભૌગોલિક સીમાડા સંકોચાતા જાય છે એમ માનવમનના સીમાડા પણ સંકોચાતા જાય છે. જાતિગત, ધર્મગત, વર્ણગત ઓળખ ભૂંસાવાને બદલે વધુ ને વધુ દૃઢ બનતી રહી છે. માનવની મૂળભૂત વૃત્તિ કોકના પર ચડી બેસવાની, કોકને કચડવાની, કોકના પર રાજ કરવાની રહી છે. કોઈક ક્રૂર રાજ્યવ્યવસ્થા સામે લડવા સૌ એકમેક સાથે સહયોગ સાધે તો પણ નવું આવેલું શાસન એ જ મૂળભૂત વૃત્તિને અનુસરે છે.
પોતાના પૂર્વજ એવા બોનોબોની જીવનશૈલીને અનુસરવામાં માનવને કદાચ અહં ઘવાતો જણાય, પણ એ હકીકત છે કે માનવ પાસે સભ્યતાનો કેવળ અંચળો જ રહ્યો છે. એવે વખતે કોઈ વ્યક્તિને આદર્શ બનાવવાને બદલે બોનોબો વાનરને અનુસરવા જેવું ખરું.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જાણવા જેવા વ્યક્તિ, મુનિભાઈ મહેતા
પરિચયઃ
મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે.૧૯૬૦માં, ભાવનગરમાંથી મુનિભાઈ સર્વપ્રથમ વિદ્યાર્થી I.I.T. Bombayમાં પ્રવેશ મેળવીને, B.S in Chemical Engineering and Doctorate મેળવીને જ્વલ્લંત કામગીરી સાથે પદ્મશ્રી નેશનલ એવોર્ડથી સન્માનિત છે. એક વૈજ્ઞાનિક, મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત, સમાજસેવક, સંશોધક, એક સંવેદનશીલ કવિ, એ બધાનો સુંદર સમન્વય એટલે મુનિભાઈ મહેતા.વડોદરામાં ‘સાયન્સ સેન્ટર’ સ્થાપના અને ‘વહો વિશ્વામિત્રી’ અભિયાન પર, વિશિષ્ટ કામ કરી રહ્યા છે.
આજે પણ, સતત રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તર પર સેવા આપી રહ્યા છે, તેમજ કાષ્ટતરંગ વાદ્યસંગીતમાં પારંગત છે. અને મારે માટે… એક સ્નેહાળ મોટાભાઈ છે…
સરયૂ મહેતા-પરીખ.
શેત્રુંજીના પાણી
નીલ સ્વચ્છ નીર વહે અનઘ જ્યાં,
આ શેત્રુંજીનાં પાણી, આ શેત્રુંજીના પાણી.નથી શાંત આ ચંચલ છે એક અરબીની પટરાણી,
ભરાય ક્રોધે ત્યારે લડીને ગામો જાય છે તાણી. આ શેત્રુંજીના.ચોમાસે સરવરિયા જેવી, ઉનાળે કરમાણી,
કાઠિયાવાડની ધરતી પર એ, પટ મોટે પથરાણી. આ શેત્રુંજી.કાગળની હોડી
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો
ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક
બારી એમાંથી થાય સંવાદો ….સમય તો , બાંધ્યો બંધાય નહીં
ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં
ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં
મેદાને ઊભેલાં ઘાંસમાં….મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને
અંતર કોરૂં – નથી પાણી
હું યે ચાહું ફરી વહેતી થઈ જાય
મારે રૂદયેથી જૂની સરવાણી….ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું
ધરતી આકાશ – સૂરજ ચાંદો
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો…
વહો વિશ્વામિત્રી
પાવાગઢથી નીકળી વ્યાસેશ્વર આગળ વધતી.
જમણે રામેશ્વર ભીમેશ્વર જૂનું નામ કૌશીકી.
પુરાણકાળથી પાવન કરતી ગુજરાતની ધરતી,
વહો વિશ્વામિત્રી.ચોમાસામાં દરિયો બનતી બાકી રહેતી સૂકી.
વૃક્ષો-ખેતર-સ્વચ્છ કિનારા જોવા આંખો ભૂખી.
આવો કરીએ હળીમળીને ફરીથી એને વહેતી,
વહો વિશ્વામિત્રી.તપ કરતાતા ઋષિ મુનિઓ એને કાંઠે કાંઠે.
ગાયત્રીના મંત્ર રચાયા અહીં કુદરત સંગાથે.
વહો, પાવાગઢથી દરિયે ફરી નાચતી કૂદતી,
વહો વિશ્વામિત્રી
કૃષિગોષ્ઠી…એક લઘુ કથા.
લેખકઃ મુનિભાઈ મહેતા
કૃષિ વિદ્યાપીઠ (GAU) તરફથી સેટેલાઈટ કૃષિગોષ્ઠીનું એક નવું સેટેલાઈટ સ્ટેશન નાનકડા ભુઆ ગામ પાસે મુકાયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ભુઆ ગામ જ કેમ? સેટેલાઈટ કૃષિગોષ્ઠી એટલે વૈજ્ઞાનીકો અને તજજ્ઞો ગાંધીનગરના સ્ટૂડીઓથી ખેડૂતો – વિજ્ઞાનીઓ વચ્ચે સીધો સંવાદ થાય – ખેતીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં મોટું પગલું હતું. ગુજરાત રાજ્યની કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પોતે ઉદ્ઘાટન કરવા આવ્યા અને પછી ભુઆ ગામના વૃધ્ધ નાનજીઆતાનું ઘર શોધતા એમની ડેલીએ પંહોચી ગયા. સાથેના અધિકારીઓને કુલપતિએ કહ્યું, “મારી માતાનો જન્મ આ ગામમાં થયો હતો. નાનજીઆતાને કહો કે વૈદ ભાણજીબાપાનો પૌત્ર-ભુઆ ગામનો ભાણો, મળવા આવ્યો છે.”
હાથમાં લાકડી લઈ ડગુમગુ કરતા નાનજીઆતા ડેલીએ આવ્યા. સાહેબને જોઈ બે હાથ ફેલાવી દોડ્યા…”મારો ભાણો આવ્યો, મારો વાલો આવ્યો!” અને પગે લાગવા વાંકા વળેલા કુલપતિને ઉભા કરી – હરખે છાતીએ ચાંપી રડતા જાય અને બોલતા જાય. સૌની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ઊભરાયા.
પછી વાતચીતનો દોર ચાલુ થતાં આતાએ હળવેથી કહ્યું,”દીકરા, તેં આ કૃષિગોષ્ઠી અને અવકાશમાં થી ખેડૂતોની હારે વાત કરવાનું તો શરૂ કર્યું, ઈ તો બહુ સારૂ…પણ અમારા બેય પોતરા અહીં ચાલીશ વીઘા જમીન રેઢી મૂકીને સૂરત હીરા ઘસવા ભાગી ગ્યા છે. એક ઓરડીમાં રે’ છે. ઈ પાછા આવે એવું પેલા કરને!”
મૌજમેં રહેના, ખોજમેં રહેના, મસ્ત મગન ઉસે ઢૂંઢતે રહેના.
રંગભર ધરતી આકાશ રંગીન, રંગ દીય ઉસકે રંગમેં રહેના.હ્રદયકી બંસી મિલી પ્રેમસે જીસકે, ધૂન ઉસીકી બજાતે હી રહેના.
મીરાને ઢૂંઢા, કબીરને ઢૂંઢા, મસ્ત મગન ઉસે ઢૂંઢતે રહેના.
કોઈ ભલા મીલે કોઈ હો છલિયા, અપને આપકો તુમ મત છલના.
બાત કિસીકી માનો ન માનો, અંતરકી મુનિ સુનતે રહેના.
મૌજમેં રહેના…
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
-
હીરાખત
નલિની નાવરેકર
“જે દેશ પોતાના વસ્ત્રનું ઉત્પાદન નથી કરી શકતો, તે પહેર્યા છતાં નિર્વસ્ત્ર છે. અને જે દેશ પોતાની જરૂરિયાતનું અન્ન જાતે નથી પેદા કરી શકતો તે ભલે ખાય છે છતાં ભૂખ્યો જ છે.” – પશ્ર્ચિમના એક દાર્શનિકનું આ વાક્ય છે.
મનુષ્યે જીવતા રહેવું હોય તો તેણે ખેતી કરવી પડશે. અને દેશે જો આઝાદ રહેવું હશે તો જરૂરી છે ખેતીમાં સ્વાવલંબન ! તે માટે જમીનને હંમેશાં ફળદ્રુપ રાખવી જરૂરી છે. અને તેને માટે તમામ સજીવ કચરો ફરીથી જમીનમાં જવો જોઈએ. ઝાડનાં પાંદડાં હોય કે પ્રાણી-પક્ષીઓનાં મળમૂત્ર હોય – એ બધું જમીનને ફળદ્રુપ બનાવે છે – આ સૃષ્ટિનું કુદરતી ચક્ર છે તે આપણે સમજવું જોઈએ.
બધાં જ પ્રાણીઓનો પેશાબ ખાતરનો એક મહત્ત્વનો સ્રોત છે. તેમાં ગંદું કે સૂગ લાવવા જેવું કશું નથી. ઊલટું તેનો ઉપયોગ ન કરવો તે ખોટું પગલું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતરરૂપે તેનો ઉપયોગ થવો જોઈએ. પાલતુ પશુઓ (ગાય-બળદ વગેરે) તથા માનવ પેશાબનો ઉપયોગ પ્રમાણમાં સરળ છે. અગાઉ પણ આનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતો હતો. અને આજે પણ નવા નવા પ્રયોગો થયા કરે છે.
વિદેશોમાં થયેલ પ્રયોગો
નેધરલેન્ડની રાજધાની એમસ્ટેરડમમાં લોકો પોતાની અગાશી પર જે ખેતી કરે છે તેમાં ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરના મુખ્ય ચોકમાં અદ્યતન સુવિધાવાળી મૂતરડીએા બનાવી છે. લોકો તેનો ઉપયોગ કરે છે. અને તેમાંથી બનેલા ખાતર વડે આખા શહેર માટે શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. ‘સફાઈ અને પાણી’ અંગે કામ કરનારી એક પેઢીએ આ પ્રકલ્પ વિકસાવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલા પ્રયોગોથી તેમને જાણવા મળ્યું કે ખાતર તરીકે પેશાબનો ઉપયોગ કરવાથી ખેતીમાં ઘણો લાભ થાય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે.
પશ્ર્ચિમ આફ્રિકાના નાયજર દેશમાં પ્રયોગ થયા. એક-એક કુટુંબના સ્તર પર પણ આ વ્યવસાય બની શકે તેમ છે. માનવપેશાબનું ખાતર બનાવીને તેને વેચી શકાય છે.
સ્વીડન, દક્ષિણ યુરોપ, દક્ષિણ આફ્રિકા, મેક્સીકો વગેરે દેશોમાં માનવપેશાબના ખાતર વડે વિવિધ ઉત્પાદનો કરવામાં આવી રહ્યાં છે.
ભારતમાં થયેલા પ્રયોગો
આપણા દેશની કૃષિ પરંપરામાં માનવમળની જેમ જ મનુષ્યના પેશાબનો ઉપયોગ પણ ખાતર તરીકે વર્ષોથી કરાતો આવ્યો છે. ગોવા તેમજ બીજા પ્રદેશોમાં જ્યાં નારિયેળનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, ત્યાં મોટાં મોટાં માટલાઓમાં મનુષ્યનો પેશાબ એકત્ર કરવામાં આવતો હતો. જેનો યોગ્ય સમયે નારિયેળની ખેતી માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે તામિલનાડુમાં કેળાની ખેતીમાં માનવ પેશાબનો ઉપયોગ કરીને ઉત્પાદન સારું આવે તેના માટે પ્રયત્નો થતા હતા.
કેટલાંક વર્ષો પહેલાં કરવામાં આવેલા પ્રયોગોના થોડા દાખલા જોઈએ :
- મહારાષ્ટ્રમાં કાકા ચવ્હાણ નામના જંગલ અધિકારી હતા. વૃક્ષ ઉછેરના સારા પ્રયોગો તેમણે કર્યા હતા. તેઓ શિવામ્બુના ઉપાસક હતા. તેમના સંગઠનના સભ્યોને તેઓ અચૂક કહેતા કે આવતી વખતે પેશાબ ભેગો કરીને લાવજો. આ ભેગો થયેલો પેશાબ તેમણે ખેડૂતોને આપ્યો. મહારાષ્ટ્રના કોપરગાંવ તેમજ પૂનાની પાસે તેમણે કામ કર્યું હતું. આ રીતે સાત હજાર લીટરથી વધુ પેશાબ તેમણે વહેંચ્યો. ખેડૂતોને તેનો ફાયદો દેખાયો. ખેતરોમાં પાક સારો આવ્યો.
નાસિકના નિર્મલગ્રામ નિર્માણ કેન્દ્રમાં પણ કેટલાક પ્રયોગો અમે કર્યા, જે નીચે પ્રમાણે છે :
- માનવપેશાબ ખાતર તરીકે કેટલું અને કેવી રીતે ઉપયોગી છે તેનો અભ્યાસ.
- વાસી પેશાબની દુર્ગંધ કઈ રીતે રોકી શકાય તેના પ્રયોગ.
- પેશાબ ભેગો કરવો તેમજ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો. તેના પર કામ થયું.
આ પ્રકલ્પનો ઉપયોગ શાળાાઓ, મહાવિદ્યાલયો, બસ સ્ટેન્ડ, બજાર વગેરે સ્થળોએ કરી શકાય તેમ છે. તે એક વ્યવસાય તરીકે પણ વિકસી શકે.
- ઘેર-ઘેર એકદમ સરળ પદ્ધતિથી હીરાખત (પેશાબમાંથી બનાવવામાં આવતું ખાતર) કઈ રીતે તૈયાર કરી શકાય તેના પણ પ્રયોગો કરવામાં આવ્યા.
- તાજો પેશાબ બગીચામાં વારાફરતી ફૂલ છોડ તેમજ શાકભાજીને યોગ્ય પ્રમાણમાં આપવાનો સાદો પ્રયોગ કરવામાં આવ્યો અને સારાં પરિણામો જોવા મળ્યાં.
મંત્રીઓ પણ વિચાર કરે છે
આપણા એક કેન્દ્રીય મંત્રીએ પણ દિલ્હી સ્થિત પોતાના બંગલાના બગીચામાં આ પ્રયોગ કરીને પોતાના બગીચાને સમૃદ્ધ બનાવ્યો. પોતે પ્રયોગ કરીને તેમણે કહ્યું, “ખેડૂતોએ આ રીતે પેશાબનો ઉપયોગ ખેતીમાં કરવો જોઈએ. તેનાથી તેમના ઉત્પાદનમાં વધારો થશે.” બીજા એક કેન્દ્રીય મંત્રીએ મુંબઈ જેવાં શહેરોનો માનવપેશાબ ભેગો કરીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના સામે મૂકી.
આમ એક પ્રમાણમાં ઉપેક્ષિત પરંતુ મૂળભૂત મુદ્દા અંગે આપણા મંત્રીઓ વિચાર કરે તે બહુ મહત્ત્વનું છે. પરંતુ આ મુદ્દો સમજ્યા વગર તેની ટીકા થઈ. સોશિયલ મીડિયા પર તેની હાંસી ઉડાવવામાં આવી. પેશાબનો ઉપયોગ કરવો અથવા તેના પર ચર્ચા કરવી ઘૃણાસ્પદ, શરમ-જનક બાબત લાગે છે. ભૌતિકવાદને કારણે ઉપર-ઉપરનું વિચારવાની આપણને ટેવ પડી હોવાને લીધે તેમજ સભ્યતાની ખોટી કલ્પનાઓને લીધે આવી માનસિકતા થઈ જાય છે. પરંતુ આ યોગ્ય નથી. સ્વચ્છતા, આરોગ્ય તેમજ ખેતીની દૃષ્ટિએ હીરાખત ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. અને તેનો ઉપયોગ કરવાથી એકસાથે ઘણી સમસ્યાઓ હલ થઈ શકે તેમ છે.
શોષણ નહીં, પોષણ
હજારો વર્ષોથી ચાલી આવેલી આપણી ખેતીની પરંપરાને ભૂલીને આપણે રાસાયણિક ખેતીને અપનાવી. આજે આ રસાયણોને લીધે આપણી જમીનોને ખૂબ મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં, જે અનાજ, શાકભાજી, ફળનાં ઉત્પાદન થાય છે તેમાં પણ આ ઝેરી રસાયણોના અંશ આવી ગયા છે. અને તે આપણે આરોગીએ છીએ. પરિણામ ગંભીર છે. માનવ- આરોગ્ય અને પૃથ્વીના આરોગ્ય પર તેની માઠી અસરો આપણે જોઈ રહ્યા છીએ. સાર્વજનિક તેમજ અન્ય જગ્યાઓએ વ્યવસ્થા વિના પેશાબ કરવાથી અસહ્ય ગંદકી પેદા થાય છે. તે સાફ કરવા વળી વધારે પાણીનો ઉપયોગ કરવો પડે છે. તેને બદલે યોગ્ય પદ્ધતિથી ખેતીમાં તેનો ઉપયોગ થાય એ જ સાચો અને સરળ ઉપાય છે ને વળી ફાયદાકારક પણ.
નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ફોસ્ફેટ વગેરે પોષકતત્ત્વો ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આ બધાં તત્ત્વો માનવપેશાબમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આપણી વિડંબના તો જુઓ, આપણે પેશાબનો ઉપયોગ નથી કરતા, નાક ચઢાવીએ છીએ અને લાખો ડોલરનો ખર્ચ કરીને આ પોષક તત્ત્વોની આયાત કરીએ છીએ ! જેને માટે બીજા દેશો પર આધાર રાખીએ છીએ !
પેશાબના ખાતરને હીરાખત કહે છે. સોનખત કરતાં પણ વધુ પોષકતત્ત્વો હીરાખતમાં રહેલા છે. આટલું કિંમતી ખાતર આજે આપણે નકામું જવા દઈએ છીએ, જે ભારે અફસોસની વાત છે.
નલિની નાવરેકર | (નાસિક) મો.: ૭૫૮૮૩૧૬૧૩૭
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ નવેમ્બર, ૨૦૨૪
-
ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ !
નિસબત
ચંદુ મહેરિયા
બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો, મહત્વનો હિસ્સો છે. પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટાપાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનના પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.
વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં ૧૨૨ દેશોમાં ભારતનો ક્રમ ૧૨૦મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુધ્ધ પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક છે.પરંતુ આપણા દેશના પાણીના સિત્તેર ટકા સ્ત્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી વાયુ ગુણવત્તા અહેવાલ ૨૦૨૪માં આપણે ત્રીજા ક્રમે છીએ અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે. પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી. કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાના પ્રદૂષિત શહેરોમાં ભારતના તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધૂમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના ફટાકડાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વરસે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન , ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વ્રુક્ષો પર પાણીનો છંટકાવ જેવા પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે.
ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે. પરંતુ જન્મ , લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઉજવી શકતા નથી તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડીજેનું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા ગામે લગ્નના વરઘોડામાં ડબલ ડીજેનો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી!
પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હ્રદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હ્ર્દય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮ મિલિયન લોકોના અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. ૨૦૧૯માં ભારતની અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જીડીપીના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં ૧.૨ લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.
પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગ્રતિ અને ભાગીદારી મહત્વની છે જ પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. ૨૦૧૮માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્વનો હિસ્સો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ( N C A P) છે. યોજનાના ઉંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશના ૧૩૧ શહેરોમાં ૨૦૧૯-૨૦માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને ૨૦૨૬ સુધીમાં ૪૦ ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહી નો ભોગ બનતી હોય છે.
ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિનો સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વરસ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્ર સરકારે રૂ. ૮૫૮ કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ.૭.૨૨ કરોડ અર્થાત એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો. આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાના હતા. પરંતુ નાણાકીય વરસ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.
હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વરસના બજેટમાં રૂ.૫૦૬ કરોડની જોગવાઈ વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વરસની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ.૮૫૮ કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો ૨૭ ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણ વપરાયેલો રહ્યો જ છે પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ ૨૦૨૪-૨૫માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાનો ૫૭ ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન, તેમના માટે એકાધિક લેપટોપ અને આઈ ફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રક્રુતિએ કેટલું બધું આપ્યું છે. પરંતુ માનવીય ભૂલો અને જાગ્રતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સોંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેર ઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ.
૧૯૪૪ થી ૧૯૫૫ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને ૧૯૨૯માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણી કોશમાં પર્યાવરણ શબ્દ નથી. પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને સાર્થ ગુજરાતી જોડણી કોશમાં હાનિકારક કે ઝેરી તત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે જણાવેલ છે. એટલે પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે.
ખરાબ પર્યાવરણ અને અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે.તેમાં સરકારી નાણા વણવપરાયેલા રહેવા કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્ત્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ નિવારણની સૌથી કારગર રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે, પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ.તો જ આપણી આવતીકાલ પ્રદૂષણમુક્ત હશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ -૧૧
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
યોન્ત: પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ્
સજ્જીવયત્ અખિલશક્તિધર: સ્વધામ્ના |
અન્યશ્ચહસ્ત ચરણશ્રવણ ત્વ ગાદીન્
પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ્ ॥આવા ખૂબ સરસ અર્થવાળા શ્લોક થકી પરમને નમન કરી, ધ્રુવદાદા તેમની ‘અતરાપી’ નવલકથાની શરૂઆત કરે છે. સામાજિક બંધનો,રીતરિવાજો,માન્યતાઓ,ધારણાઓ આ બધું એકબાજુ રાખીને પણ કંઈ સત્ય છે ,અને તે સત્ય શું છે તે જાણવું હોય તો સૌએ ‘અતરાપી’ વાંચવી પડે.

ઉપરોક્ત શ્લોકનો અર્થ છે. સ્વધામ એટલે કે પોતાની જગ્યાએથી જે મારામાં પ્રવેશે છે. તે ભગવાન આપણે જેને માનીએ છીએ તે, પ્રસુપ્તામ એટલે સૂતેલા નહીં ,સુષુપ્ત નહીં,જાગવાની તૈયારી સાથે એટલે જમીનમાં પાણી નાંખો અને બીજ નાંખો એટલે તરત ફાટે એટલે કે જે જીવંત છે. સમય મળતાં,અનુકુળ વાતાવરણ મળતાં જે પ્રગટવાનું છે ,તે પ્રગટવા માટે તૈયાર મારી પ્રસુપ્ત વાણીને, મારી ત્વચાને,પ્રાણને, હાથ ,પગને આંખોને જે જાગૃત કરે છે ,તે પરમશક્તિને હું નમન કરું છું.આ શક્તિ આપણા સૌમાં એક જ છે. પૃથ્વી પરનાં બધાં જીવોમાં પણ તે પરમશક્તિ છે જ..એમ કહી નવલકથાની શરુઆતમાં જ ખાસ સંદેશ દાદા આપી દે છે કે દરેકે દરેક જીવમાં એક જ પરમનો વાસ છે તે તું સમજી લે.
ધ્રુવદાદાનાં દરેક નવલકથાનાં નામની જેમ અતરાપી પણ એક સાવ ન સાંભળેલું , જુદું જ નામ છે. આ તળપદો શબ્દ ગામડામાં રોજનો બોલાતો શબ્દ છે. પહેલાંનાં સમયમાં ગામમાં કે પોતાનાં ફળિયામાં કોઈનાં પણ ત્યાં મહેમાન આવે તો પડોશીઓ તે મહેમાનને પોતાના ઘેર જમવા કે ચા પીવા બોલાવવા પોતાના બાળકને મોકલે. જાણીતો, પોતાનો ઓળખીતો, ગોળનો, કુટુંબનો હોય તો બાળક તેને પોતાના પિતાનું નામ દઈ મહેમાનને કહે કે ‘મારા ઘેર જમવા કે ચા પીવા આવજો ‘તેમ મારાં પિતાએ કહ્યું છે પરતું કોઈ અજાણ્યો હોય તો બાળક કહે ,’અતરાપી છે. ‘ એટલે તે આપણા ગોળનો કે આપણો નથી તે અતરાપી.ઘ્રુવદાદાનું નવલકથાનું નામ પણ આપણે ન જાણતાં હોઈએ તેવું અતરાપી એટલે આપણાથી અજાણ્યું છે.
વાર્તાનો નાયક કોણ છે ? ખબર છે ? કૂતરો. એક કૂતરાનાં સંવાદ અને જીવન દ્વારા ધ્રુવદાદાએ બહુ બધું કહી દીધું છે. નવલકથામાં ગર્ભશ્રીમંતનાં ત્યાં રહેતી સદભાવિની કૂતરીને બે ગલૂડિયાં જન્મે છે. દયાળુ માલિકણ પૃથાના ભત્રીજાને આ તાજાં જન્મેલા બચ્ચાં બહુ ગમે છે, તે એમને પોતાની સાથે લઈ જવાનું કહે છે પણ બચ્ચાંએ હજુ આંખ પણ નથી ખોલી એટલે ફોઈ ના પાડે છે. ભત્રીજો તેના નામ પાડે છે. સારમેય ,નાનાં ગલૂંડિયાનું નામ અને મોટાનું નામ કૌલેયક. ફરી પાછી દેખાય ,ધ્રુવદાદાનાં નામની કમાલ. સારમેય કેટલું સરસ નામ છે નહીં? હા,પણ તમારા દીકરા કે દીકરીનું નામ ન પાડતાં કારણ એનો અર્થ છે ઈન્દ્રીયોનો કૂતરો એટલે કે ઈન્દ્રીયો રૂપી કૂતરો. કૌલેયક એટલે મોટો ઈન્દ્રીયોનો કૂતરો.
આમ એક કૂતરાને નાયક બનાવી દાદા વ્યંગાત્મક રીતે સૂચવે છે કે આપણે કેવી માન્યતાઓ,વાણી અને વર્તનનાં આપણાં સાવ અલગ અભિગમ,લોકોની એકબીજા પ્રત્યેની ચોક્કસ સંવાદો દ્વારા દર્શાવાતી લાગણીઓનું દર્શન,પશુ-પંખીની જેમ ઝાડ-પાનની પણ ભાષા હોય છે ,જે આપણે ક્યારેય સમજ્યાં જ નથી – જેવી અનેક વાતો ધ્રુવદાદા સારમેય જેવાં પરાણે વહાલાં લાગે તેવાં ગલૂડિયાનાં એક વાક્યનાં સંવાદમાં સમજાવી દે છે. નવલકથાનાં એક એક સંવાદમાં છૂપો ગૂઢાર્થ રહેલો છે. મીઠો સારમેય માલિકણ પૃથાને કહે છે,”માળીને ત્યાં ખાઉં છું તો તે મને પૂંછડી હલાવવાનું નથી કહેતો અને અહીં તો પૂંછડી હલાવો નહીં તો ખાવાનું ન મળે ,આવું કેમ?”આ સંવાદ મૂકી દુનિયાનાં દરેક શ્રીમંત કે વગદારને ખુશ રાખવા નાના માણસોને કરવી પડતી ખુશામતની વાત કરી છે.
તોફાની સારમેય દોડતાં દોડતાં એક નાના છોડનું કૂંડું તોડી નાંખે છે.અને માળી સારમેયને કહે છે કે,”યે પૌંધે ક્યા કહતે હૈ સુન” ત્યારે તે પૂછે છે ,ફૂલ-ઝાડ બોલે છે? “ એની મા અને ભાઈ ના પાડે છે, પણ માળી કહે છે કે તેઓ બોલે છે. સારમેય પૃથાને પૂછે છે અને પૃથા કહે છે “જેવો જેનો અનુભવ.”સારમેય પૂછે છે અનુભવ એટલે શું? પૃથા કહે છે “,પોતે જાણવું,પોતે સમજવું તેવું કંઈક.”અને સારમેય પોતાનો અનુભવ પોતે જાતે અનુભવીને લેવાનું નક્કી કરે છે. આમ જીવનનો ,પરમનો,પ્રકૃતિ સાથેનાં સંવાદનો અનુભવ બીજાનું કહેલું સાંભળીને કે ધર્મગુરુઓની કરેલ કોઈ પોકળ વાત પરથી કે માત્ર શ્લોકો રટીને નહીં ,પરતું તેનો જાત અનુભવ કરીને જાણવી તેમ ધ્રુવદાદા મને કહેતા સંભળાય છે.
સારમેય એક નાનું ગલૂડિયું ,પોતાના સ્વભાવ વિરુદ્ધ ધ્યાનસ્થ થઈ પરમને અનુભવવાનો પ્રયત્ન કરે છે અને ધ્યાન કરવાનાં સમય અને પરમનો અવાજ કેવીરીતે સાંભળવો તે દાદા સમજાવે છે આ વર્ણનમાં” પરોઢની નીરવ શાંતિમાં સારમેયે અચાનક ક્યાંકથી કોઈક અજાણ્યો ,સૂક્ષ્મ સ્પંદન સમો ,અશ્રાવ્ય સ્વર આવતો અનુભવ્યો. તે સ્વરને કોઈ ભાષા કે દિશા ન હતી. છતાં પણ સારમેયને લાગ્યું કે કોઈક તેની સાથે વાત કરવા માંગે છે. ક્યાંય સુધી તે પેલા સ્વરને સાંભળતો રહ્યો. પૂર્વમાં ઉજાસ પથરાયો.સારમેય પેલા કૂંડાંઓને સ્પષ્ટ જોઈ શક્યો. મૂરઝાએલાં હતા તે બધાં જ છોડવાઓ ફરી તાજા થઈ મહોરી ઊઠ્યાં હતા.”જાણે સૂરજના એ પહેલાં કિરણે છોડવાંઓને પ્રાણ પૂર્યા અને પરમનાં આ અનુભવને જોઈ સારમેય આનંદિત થઈ છોડવાઓને વહાલ કરવા ગળું લંબાવી તેમને વહાલ કરી પોતાની નાનકડી પૂંછડી હલાવવા લાગ્યો.
આવા સંવાદ વાંચી મારું રોમરોમ, કોઈ અનોખું સ્પંદન અનુભવી સારમેયની જેમ જ પરમનો અનુભવ લેવા ઉત્સુક બને છે. સારમેયને હવે આ ઘરની બહાર નીકળી બહારની દુનિયા જોઈ તેનો અનુભવ લેવા જવાનું મન થાય છે. મા સદભાવિની અને ભાઈ કૌલેયક તેને ના પાડે છે પણ સારમેય તો જુદીજ માટીનો બનેલો છે , તે તો ઘરની બહાર નીકળી જાય છે. તેને આ બંધિયાર ઘરમાં શ્વાન થઈને રહેવામાં રસ નથી. અને ધ્રુવદાદા ગાઈ ઊઠે છે.
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયારસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત
હર પળ દરેક હાલ અમે ચાલતા થયાઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે
એ પી લીધી શરાબ અમે ચાલતા થયાઅંદર થયું કે ચાલ હવે ચાલશું પછી
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાકોઈ મજાની રાત અજાણ્યા સ્થળે જડી
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાઆ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી
મંજિલની છોડ વાત અમે ચાલતા થયાધ્રુવદાદા જીવનસફરમાં ઘરની બહાર નીકળી ડુંગર પર, દરિયા કિનારે, ગિરનાં જંગલમાં જઈ પ્રકૃતિ સાથે રહી, તેની સાથે વાત કરી પરમને પામવાની કોશિશ કરે છે અને ક્યાંય બંધાએલ રહ્યા વગર ,મુક્તિનો અનુભવ લેવા બંધનમુક્ત થઈએ તો જ પરમને ઓળખવાની કોશિશ થાય તેમ કહી ગાય છે, “રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત,હર પળ દરેક પળ ચાલતા થયા”કોઈની સાથે ક્યાં જવું છે ?તેની ચર્ચા કર્યા વગર, મંજિલ અંગે વાત પણ કર્યા વગર ,બસ પોતાની મસ્તીમાં પરમની શોધમાં ,ચાલતા રહેવાનું કહે છે. તેમની દરેક નવલકથા બીજા લેખકોની નવલકથા કરતાં એકદમ નોખી હોય છે. પ્રેમની વાત ખરી , પણ લૌકિકપ્રેમ નહીં. તમે જેટલી વાર નવલકથા વાંચો ,તો દરેક વખતે કંઈ નવું પામો. તેમના ગીતો પણ સાવ અલગ, અલગારી તેમનાં જેવાં જ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧
રબીન્દ્રસંગીતમાં છલકતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
“ગીતબિતાન” – એક બંગાળી શબ્દ – જેનો અર્થ થાય છે “Garden of Songs” અર્થાત ગીતોનું ઉપવન. આ એક એવું ઉપવન છે જે શબ્દોની સમૃદ્ધિથી મલકાય છે ,જેમાં સપ્તકના સાત સ્વરોની સુરાવલીઓ રેલાય છે અને જે અઢળક માનવીય સંવેદનાઓથી છલકાય છે. “ગીતબિતાન” એટલે વિશ્વકવિ રબીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી ૨૨૦૦ થી વધુ રચનાઓનો અમૂલ્ય સંગ્રહ. જેમાંની ૭૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતે કરેલ છે. અને આ ગીતો થકી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જે આખી શૈલી અસ્તિત્વમાં આવી તે રબીન્દ્રસંગીત.
કહેવાય છે કે “Poetry contains the reflection of poet’s feelings and emotions” અર્થાત કવિ હૃદયમાં ઉઠેલી સાશ્વત સંવેદનાઓ અને લાગણીઓ શબ્દો દ્વારા વહી નીકળે છે ત્યારે કવિતા રચાઈ જાય છે. “ગીતબિતાન”ના કાવ્યો પણ ગુરુદેવના આંતરમનની સંવેદનાઓનું પ્રતિબીંબ છે. પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એક અદમ્ય અને અનેરો નાતો અનુભવતા ગુરુદેવે કિશોરાવસ્થાથીજ તેમની સંવેદનાઓને શબ્દ દ્વારા કવિતા રૂપે વહેતી કરી અને એ કાવ્યને સૂરના શણગારે સજાવી અને આમ ૧૮૭૫માં પ્રથમ રબીન્દ્રસંગીત શૈલીના ગીતની રચના થઇ. અને બસ પછીતો સતત પાંચ દાયકા ઉપરાંતના વર્ષો દરમિયાન આ ઉપવનમાં એક પછી એક પુષ્પો ખીલતા ગયા અને વિશ્વને રબીન્દ્રસંગીતના ગીતો થકી રત્નોની ભેટ મળતી રહી. “ગીતબિતાન” ગીતસંગ્રહમાં ધરબાયેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરના જીવન પરિચય પર એક ઝલક નાખીએ.
જો કે ગુરુદેવનો ઔપચારિક પરિચય આપવાની નથી મારી કોઈ લાયકાત કે નથી એવી કોઈ જરૂર… ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર – એક બહુમુખી પ્રતિભા. The personification of versatility. સર્જનાત્મકતા (creativity), બુદ્ધિમતા(intellect) અને સંવેદનશીલતા(empathy/compassion) નો અદભુત સમન્વય એટલે કવિવરનું વ્યક્તિત્વ. તેમના વ્યક્તિત્વે સમગ્ર માનવજાતિની ક્ષમતાના એક નવાજ આયામનો પરિચય કરાવ્યો. એક પ્રખર લેખક અને સાહિત્યકાર, એક સંવેદનશીલ કવિ, એક ઉચ્ચકોટિના સંગીતકાર અને ગાયક, એક નિષ્ઠાવાન દેશભક્ત, એક ગહન ફિલસૂફ, એક વિખ્યાત ચિત્રકાર, ૧૯૧૩માં સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનાર અને સુપ્રસિદ્ધ શાંતિનિકેતન તથા વિશ્વભારતી યુનિવર્સિટીના સંસ્થાપક રબીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૧૮૬૧માં થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમને બંગાળી સાહિત્ય સંગીત અને કળાને સ્વરચિત વાર્તાઓ, નાટકો, કવિતાઓ, અને ગીતો દ્વારા એક નવો જન્મ આપ્યો અને વિશ્વના ફલક પર જાણીતું કર્યું. તેમનું કાર્યક્ષેત્ર બંગાળીની સાથે સાથે અંગ્રેજી ભાષા સુધી વિસ્તરેલું હતું અને ગુરુદેવે પોતે પોતાની અમુક કવિતાઓનું English translation કર્યું.અનેક જીવનકાળમાં કરી શકાય તેવું કાર્ય એક જીવનકાળ દરમિયાન કરીને કવિવરે ૧૯૪૧માં આ જગતમાંથી સ્થૂળ દેહે વિદાય લીધી. ગુરુદેવે ભલે સ્થૂળ દેહે વિદાય લીધી, પણ તેમના ધબકારા તેમણે સર્જેલા સાહિત્ય અને સંગીતના વારસામાં હજે આજે પણ ધબકે છે અને આવતીકાલે પણ ધબકતા રહેશે…
કહેવાય છે કે કવિવર રબીન્દ્રનાથ ટાગોર નખશીખ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ માનવીય લાગણીઓને અને મનોભાવોને સમજી શકતા હતા અને અનુભવી શકતા હતા અને કદાચ એટલેજ રબીન્દ્રસંગીતના ગીતોમાં માનવ મનના બધાજ મનોભાવો અને લાગણીઓ શબ્દો દ્વારા પ્રતિબિબિત થયેલ છે. રબીન્દ્રસંગીતના ગીતોમાં પરમાત્મા પ્રત્યેનો આદર અને અહોભાવ ડોકાય છે તો પ્રિયજન માટેનો પ્રેમભાવ પણ પ્રદર્શિત થાય છે. તેમાં પ્રકૃતિ સાથે શબ્દો અને સંગીતથી તાદામ્ય સધાયેલ છે તો તેમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો પણ કંડારાયેલ છે. આમ રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવે માનવમનની સંવેદનાઓના મેઘધનુષને જગત સામે પીરસ્યું છે. જે સઘળું તેમના “ગીતબિતાન” અર્થાત “Garden of songs” પુસ્તકમાં ધરબાયેલ છે …
એ પુસ્તકને કેન્દ્રમાં રાખીને મારે તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોનો ભાવાનુવાદ કરી તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન આ લેખમાળા દ્વારા તમારી સાથે કરવું છે…. આશા રાખું છું કે તમે પણ મારા આ પ્રયત્નમાં મારી સાથે રહેશો અને મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો અને હા, તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો – કે જે આ કલમ વિકસાવવામાં પાયારૂપ છે તે પણ આપતા જ રહેશો.
