-
શું કચરો એક સમસ્યા છે ?
નલિની નાવરેકર
આપણે હંમેશ એવું જ વિચારીએ છીએ કે કચરો એટલે ફેંકવાની વસ્તુ ! પરંતુ ફેંકીએ પણ ક્યાં ? ઘરનો કચરો ઘરની બહાર, શહેરનો કચરો શહેરની બહાર, રાજ્ય અને દેશનો; રાજ્ય અને દેશની બહાર ! આ વિનોદ કે અતિશયોક્તિ નથી, હકીકત છે. આવું કરવામાં આવે છે. આવું કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
આજે દુનિયા એકસરખી થઈ ગઈ છે. આખા વિશ્ર્વની જીવન-પદ્ધતિ એકસરખી થઈ જવાથી આ જીવનશૈલીને પરિણામે કચરાનો પ્રશ્ર્ન દુનિયાભરમાં ઊભો થઈ જવા પામ્યો છે. કચરો નદી કે દરિયામાં નાંખવામાં આવે તો જળપ્રદૂષણ, જમીન પર કે ખાડામાં નાંખવામાં આવે તો જમીનનું પ્રદૂષણ અને ગંદકી પણ ફેલાય છે. બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય છે – કચરો ફેંકીએ પણ ક્યાં ?
કચરાથી હિંસા : મોટાં શહેરોમાં દરરોજ ત્રણ હજાર ટનથી ઉપર કચરો પેદા થાય છે. આટલા બધા કચરાને ઉપાડવો અને તેનો નિકાલ કરવો એ એક બહુ મોટું કામ છે. ઘણાં રાજ્યોમાં કચરો ઉપાડવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થાના અભાવે તથા પૈસા બચાવવા ખાલી જગ્યા જોઈને પૂછ્યા વિના જ જ્યાં ત્યાં કચરો નાંખી દે છે. તેના પરથી કેટલેક ઠેકાણે ઝઘડા, મારામારી પણ થઈ જાય છે. ઘણી જગ્યાએ કચરાના પ્રશ્ર્ન માટે આંદોલન પણ થયાં છે.
કેટલાંક શહેરોમાં નિશ્ર્ચિત જગ્યાઓએ કચરાના ડેપો (સંગ્રહસ્થાન) હોય છે. તેમાંના કેટલાક આદર્શ સ્થિતિમાં છે. પરંતુ સામાન્ય રીતે આ કચરાડેપોમાં બધા પ્રકારનો કચરો નાંખી દેવાય છે. આવા પચાસ-સો એકરમાં ફેલાયેલા કચરા ડેપોમાંથી કેટલીક ઉપયોગી વસ્તુઓ વીણવા ઘણી બહેનો અને બાળકો આખો દિવસ એ કચરામાં કામ કરતાં જોવા મળે છે. કચરામાંથી નીકળતી ગરમ વરાળ, ગંદી વાસ વગેરેને કારણે ‘આ પ્રકારનું કામ’ કરવું એ જ માંદગીઓને આમંત્રણ આપવા સમાન છે. આવી પરિસ્થિતિઓમાં અકસ્માત તેમજ દુર્ઘટના પણ થતાં હોય છે. કચરો લઈ જવા માટે આવતા વાહનમાં કામ કરનારા કારીગરોની પણ આ જ હાલત હોય છે.
એક શહેરમાં બનેલી આ ઘટના છે. એક નાની છોકરી પોતાની ફોઈ સાથે કશુંક વીણી રહી હતી. કચરાનો ખૂબ મોટો ઢગલો હતો – નાની ટેકરી જેવો. પરંતુ આગલી ક્ષણે એ ઢગલો ધસી ગયો અને એ બંને (ફોઈ અને દીકરી) અદૃશ્ય થઈ ગયાં. ઢગલાની નીચે દબાઈને તેમના રામ રમી ગયા.
વડોદરા શહેરમાં કોઈક માંદગીના સંદર્ભમાં ધાત્રી માતાઓનાં દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો તેમાંથી પોલીક્લોરીનેટેડ ડાયબેંઝો-પી-ડાયોક્સીન ડાયબેંઝોફ્યુરાન અને બાયોફીનોલ્સ – આ જોખમી સંયોજનોના પ્રમાણ ખૂબ વધારે માત્રામાં મળી આવ્યાં. ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ વધુ ઊંડાણથી અભ્યાસ કર્યો કે બાળકોના પેટમાં ઝેરનો કેટલો અંશ પહોંચતો હશે ? એક કિલો અનાજમાં ચાર પાયકોગ્રામ ઝેરી પદાર્થનો અંશ એ માન્ય માત્રા મનાય છે. ભારતમાં માતાઓના દૂધમાં આ પ્રમાણ સો પાયકોગ્રામ જેટલું મળી આવ્યું છે. આ જ્યારે બાળકોના પેટમાં જાય છે ત્યારે તેમના મજ્જાતંત્ર પર માઠી અસર પડે છે. આ અભ્યાસ કચરાના ઢગલા (ડેપો)ની પાસે રહેનારી બહેનોમાં કરવામાં આવ્યો હતો.
આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે શેને કારણે થાય છે ? આપણે જ તો એના માટે જવાબદાર છીએ. આવી દુર્ઘટના અથવા સીધી કે આડકતરી જે હિંસા છે તેનું કારણ આપણે સમજ્યા-વિચાર્યા વિના મોટા પ્રમાણમાં જે કચરો ઘરની બહાર નાંખી દઈએ છીએ તે છે.
અસંગ્રહ એ જ ઉપાય :
કચરાની સમસ્યા હલ કરવા માટે અથવા તો દૂર કરવા માટે ત્રણ કે ચાર ‘આર’ની વિચારધારા સામે આવી છે: રીફ્યુઝ, રીડ્યુસ, રિયુઝ અને રિસાઈકલ.
રીફ્યુઝ : જેના વિના ચાલી શકે તેમ છે, જેની જરૂર નથી, જે કચરામાં વધારો કરે છે તેવી વસ્તુઓનો નકાર કરો. કચરો આપોઆપ ઓછો થશે.રીડ્યુસ : ઓછી વસ્તુઓનો ઉપયોગ, ઓછી વસ્તુઓની ખરીદી કરો જેથી કચરો પણ ઓછો થશે.
રીયુઝ : જૂની વસ્તુઓનો પુનરુપયોગ કરો. કચરો હજુ ઓછો થશે.
રીસાઈકલ : પુન:ચક્રીકરણ કરીએ – જૂની વસ્તુઓનું રૂપાંતર કરીને જ શક્ય તેટલી વાપરીએ. તો કચરો નામની વસ્તુ બચશે જ નહીં.
મીનીમલીઝમ એક વિશેષ વિચારધારા છે. જેની શરૂઆત યુરોપમાં થઈ. આ વિચારધારા પ્રમાણે લોકો સાદાઈપૂર્ણ જીવનશૈલી અપનાવે છે. પોતાની જરૂરિયાતો ઓછી કરવા તરફ આગળ વધે છે.
આપણે ત્યાં તો અપરિગ્રહવ્રત પહેલેથી જ છે. પ્રાચીનકાળથી આપણા સાધુસંત, સાધક અહિંસા, સત્ય, અસંગ્રહ વગેરે વ્રતોનું પાલન કરતા આવ્યા છે. ગાંધી-વિનોબાની વિશેષતા એ છે કે તેમણે કહ્યું કે આ બધાં વ્રતો સમાજસેવકો માટે પણ એટલાં જ જરૂરી છે. આમ જોવા જઈએ તો મનુષ્યમાત્રએ આ વ્રતોનું પાલન થોડે સુધી તો કરવું જ રહ્યું.
અપરિગ્રહનો અર્થ છે, ઓછામાં ઓછી જરૂરિયાતોમાં જીવન ચલાવવું. આ વ્રત આધ્યાત્મિક સાધનાનું અંગ તો છે જ સાથેસાથે સામજિક જીવનમાં પણ સુખશાંતિ આપનારું છે. અને કચરાની સમસ્યા ઉકેલવા કે ઓછી કરવામાં પણ ઉપયોગી છે.
કચરામાંથી કંચન :
સફાઈ કરી રહેલ એક સાધકને વિનોબાજીએ એક વાર કહેલું, ‘આ કચરાનો ઢગલો નથી, આમાં તો ખાતર થવાની શક્તિ સમાયેલી છે. કેટલી સાચી વાત છે. કચરો ગંદો નથી હોતો, આપણે તેને ખોટી જગ્યાએ નાંખીને ગંદકી ફેલાવીએ છીએ. કચરો તો ઉપયોગી વસ્તુ છે. તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.
કચરાનું વ્યવસ્થાપન :
કચરાના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક વિઘટનશીલ કચરો અને બીજો અવિઘટનશીલ કચરો અને ત્રીજો જોખમી કચરો. આ કચરાઓના અન્ય ઉપપ્રકારો પણ છે. કચરાનું વ્યવસ્થાપન કરવું હોય તો પ્રથમ તો પ્રકાર પ્રમાણે કચરો છૂટો પાડવો પડશે. ઓછામાં ઓછો ત્રણ પ્રકારનો કચરો ત્રણ ડબ્બાઓમાં નાંખવો પડશે. આમ કરવાથી આ કચરાનો ઉપયોગ સહેલો બનશે.
- વિઘટનશીલ કચરો એટલે કે જે ઓગળી શકે છે જેમ કે ઘાસ, નીંદામણ, ઝાડનાં પાન, ધૂળ, રાખ વગેરે. આ બધા વિઘટનકારી કચરાનું સારું ખાતર બને છે. એને માટેની સૌથી સારી રીત છે, છોડની નીચે, ઝાડની નીચે, ખેતરમાં આ કચરો નાંખવો. જમીનને ઢાંકતા રહેવું, આચ્છાદન કરવું. ગરમી, ઠંડી, વરસાદની ઋતુમાં તે જમીનનું રક્ષણ કરે છે. પછી ધીરે ધીરે કચરો સડી જઈને તેનું ખાતર બની જાય છે. જ્યાં આ શક્ય ન હોય ત્યાં જુદી પદ્ધતિથી પણ ખાતર બનાવી શકાય છે. કંપોસ્ટ, નેડેપ કંપોસ્ટ, વર્મીકંપોસ્ટ વગેરે. આમાં પણ ઘણા પ્રકાર હોય છે.
- અવિઘટનશીલ કચરામાં કાગળ, કપડાં, ધાતુ, કાચ તેમજ પ્લાસ્ટિક, થર્મોકોલ વગેરેનો સમાવેશ થાય છે. આવા કચરાનો સારો પુનરુપયોગ થઈ શકે છે. કેટલાકનો કારખાનામાં તો કેટલાક નો ઘર-ઘરાઉ સ્તર પર પણ. જૂનાં કપડાં-કાગળ વગેરેનો ઘર કે ગામના સ્તરે ઉપયોગ થઈ શકે તેમ હોય છે. પ્લાસ્ટિક અને થર્મોકોલના પુનરુપયોગમાં ઘણી મર્યાદાઓ તેમજ મુશ્કેલીઓ રહેલી છે.
કાપડ તેમજ કાગળનો પુનરુપયોગ :
જૂનાં કપડાંના ઉપયોગ વિશે આમ તો સહુ જાણે જ છે. ગોદડીથી માંડીને પગલૂછણિયાં તેમજ થેલીથી લઈને રમકડાં સુધી ઘણી ચીજ વસ્તુઓ તેમાંથી બની શકે છે. જૂના કાગળના વળી વિશેષ ઉપયોગો છે. કાગળની લુગદી બનાવીને તેમાંથી ટોપલીઓ તેમજ પારંપરિક નૃત્ય માટેનાં કેટલાંક સાધનો, ઘર વપરાશનાં સાધનો બનાવી શકાય છે. અગાઉ ગામોમાં આ પ્રકારે થતું હતું. આજે તો વળી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવાના પ્રયોગો થઈ ચૂક્યા છે. ટોપલીઓ, ટ્રે, ડબ્બા, ટીપૉય, બેસવા માટેનાં સ્ટૂલ, રમકડાં, સુશોભનની વસ્તુઓ વગેરે કાગળના માવામાંથી બનાવાય છે.
કાગળના ઉપયોગથી ત્રણ લાભ થાય છે. એક તો પુનર્ચક્રીકરણથી કાગળના કચરાનો નિકાલ થાય છે. બીજું, એક મર્યાદા સુધી પ્લાસ્ટિકનો વિકલ્પ આપી શકાય છે. અને ત્રીજું લાકડાની વસ્તુઓનો પણ એક મર્યાદા સુધી વિકલ્પ તેમાંથી મળે છે.
- જોખમી કચરો : આ છે ઈ-વેસ્ટ, રાસાયણિક કચરો, ટ્યૂબલાઈટ, બેટરીઓ, દવાખાનાનો કચરો (મેડિકલ વેસ્ટ) વગેરે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે ‘શહેરના કચરામાંથી કુલ એક સો પ્રકારનાં ઝેરી સંયોજનો નીકળે છે, જે મનુષ્ય શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરીને સંગ્રહાયેલાં રહે છે.
આપણે શું કરીશું ?
કચરાનું વ્યવસ્થાપન વિકેન્દ્રિત જ હોવું જોઈએ. જ્યાં કચરો પેદા થાય છે ત્યાં જ તેનો ઉપયોગ થવો જરૂરી છે. સરકારનું પણ કહેવું છે કે પોતાના કચરાની જવાબદારી જનતા પોતે જ ઉઠાવે. કરવાનું આપણે છે. તો આપણે શું વિચારીએ છીએ ?
આપણા ઘરના કચરાનું વ્યવસ્થાપન આપણે પોતે જ કરવું જોઈએ. કચરાના પુનરુપયોગ અને પુનર્ચક્રીકરણની તાલીમ યુવાનો, મહિલા વગેરે લેશે તો તેમને માટે તે આવકનું એક સાધન પણ બની શકશે. આપણું કામ આપણા ઘરમાંથી નીકળેલા કચરાને તેમના સુધી પહોંચાડવાનું રહેશે.
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑગસ્ટ, ૨૦૨૪
-
માસ – ૨૦૨૧ – વ્યથાની વહેંચણીની વિલક્ષણ કથા
ભગવાન થાવરાણી
વર્ષ ૨૦૨૪ માં સો ઉપરાંત ફિલ્મો જોઈ. એમાં અંગ્રેજી અને હિંદી ઉપરાંત બંગાળી, ઉડિયા, મલયાલમ, સંથાલી, ગ્રીક, સ્પેનીશ, ફિનિશ, પોલિશ વગેરે ભાષાઓની કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. મુબી, નેટફ્લીક્સ, પ્રાઈમ, ઈંટરનેટ આર્કાઈવ જેવા પ્લેટફોર્મનો આભાર કે આવી મહાન ફિલ્મો હવે ઘેર બેઠાં હાથવગી છે. એ ફિલ્મોમાં શ્રેષ્ઠ તો અલબત્ત જર્મન સર્જક વિમ વેંડર્સની જાપાનીઝ ભાષાની ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ ( ૨૦૨૩ ) જ. એ વિષે અગાઉ લખી ચૂક્યો છું ‘ ફૂલછાબ ‘ ની કટાર ‘ સંવાદિતા ‘ માં.
આજે વાત કરવી છે એ જ કક્ષાની ૨૦૨૧ ની અમેરીકન ફિલ્મ ‘ MASS ‘ માસ ની. ફિલ્મના સર્જક છે ફ્રાન ક્રાંઝ.

લગભગ બે કલાકની ફિલ્મનાં કેંદ્રમાં ચાર ચરિત્ર કલાકારો છે. બે મૃત કિશોરોના મા બાપ. ચારેય પ્રૌઢ વયે પહોંચી ચૂક્યા છે. જે અને ગેઈલ પેરી ( જેસન આઈઝેક્સ અને માર્થા પ્લીમ્પટન ) હાઈસ્કૂલમાં ભણતા ઈવાનના માબાપ છે. ચાલુ સ્કૂલે થયેલા નૃશંસ સામૂહિક હત્યાકાંડમાં એ માર્યો ગયો છે, અન્ય નવ બાળકો સહિત. રિચાર્ડ અને લિંડા ( રીડ બર્ની અને એન ડાઉડ) અન્ય કિશોર હેડનના માબાપ છે. એણે ચોરેલી બંદૂક વડે ઈવાન સહિતના દસ કિશોર – કિશોરીઓની હત્યા કરી છે. પછી તુરત એ જ ગન વડે પોતાને ગોળી મારી આપઘાત કરેલ છે.
અદાલતી ખટલો ચાલી ચૂક્યો છે. મૃતક હેડન કસૂરવાર સાબિત થઈ ચૂક્યો છે. એના માબાપ રિચાર્ડ અને લિંડા એની પરવરીશમાં બેદરકાર પણ સાબિત થઈ ચૂક્યા છે. એમની સમાજ અને દુનિયામાં પુષ્કળ વગોવણી પણ થઈ ચૂકી છે. એમની પીડાની પરાકાષ્ઠા એ કે એમના દીકરા હેડનના અંતિમ સંસ્કાર માટે કોઈ કબ્રસ્તાન તૈયાર નહોતું અને એના આત્માની શાંતિ માટે ‘ માસ ‘ યોજવા કોઈ ચર્ચ પણ નહીં ! મૃતક બાળકોમાંના કોઈ માબાપે રિચાર્ડ – લિંડા સામે દાવો માંડવાનું પણ માંડી વાળ્યું છે. વહાલસોયું બાળક ગયું પછી ફરીથી એ જ યાતનામાંથી શાને પસાર થવું ! એ ઘટનાને છ વર્ષ વીતી ચૂક્યા છે.
આ બન્ને યુગલો એકમેકના સમજવા અને એ દ્વારા થોડીઘણી સાંત્વના મળતી હોય તો પામવા એક વાર મળી ચૂક્યા છે પણ એ મુલાકાત ભારોભાર કડવાશમાં પરિણમેલી. હથિયાર ધરાવવાના કાયદા વિષે બન્ને પુરુષોના વિચારો વિપરીત હતા એટલે.

બન્ને યુગલ એક ચર્ચની મધ્યસ્થીથી ફરી મળવાનું નક્કી કરે છે. કડવાશ, વૈમનસ્ય અને તિરસ્કારમાંથી બહાર નીકળી જો બાકીનું જીવન એમાંથી મુક્ત થઈ જીવી શકાતું હોય તો એક વધુ પ્રયાસ કરવા માટે. એક સામાન્ય માણસ તરીકે આવી મુલાકાત આપણને વિચિત્ર અને કદાચ અર્થહીન લાગે. હવે આનો શો અર્થ ! બન્ને દંપતિનું હજુ એક એક સંતાન છે જ. એ દરમિયાન રિચાર્ડ અને લિંડા તો અલગ પણ થઈ ચૂક્યાં છે.
બન્ને દંપતિ મળે છે. એમણે નક્કી કર્યું છે કે પોતપોતાના સંતાનોની સ્મૃતિના જે સ્થૂળ અવશેષો છે એ એકબીજાને દેખાડવા લઈ જવા અને કોઈએ કોઈની ઊલટતપાસ ન કરવી. ચર્ચના વ્યવસ્થાપકો બન્ને દંપતિને એક કમરામાં ટેબલની સામસામે બેસાડી જતા રહે છે અને શરૂ થાય છે ખરી ફિલ્મ !
વાત ક્યાંથી શરૂ કરવી એની સમજ એમને પડતી નથી. અલબત્ત ગઈ મિટીંગમાં જે થયું એનો પશ્ચાતાપ બન્ને દંપતિને છે. લિંડા એમનો દીકરો જે બરણીમાં ગોકળગાય એકઠી કરતો એ દેખાડવા લાવી છે અને વાત વણસવાની શરૂઆત થાય છે. ( ‘ અચ્છા, તો હિંસા એનામાં પહેલેથી હતી એમ ને ! ‘ ). વાત આગળ વધતાં ઈવાનની મા ગેઈલ કબૂલે છે કે હું દિલથી ઇચ્છતી હતી તમે બન્ને પણ એ પીડા ભોગવો જે ઈવાનના માબાપ તરીકે અમે ભોગવી. એ મનોમન સમસમે છે. એને એવું લાગી રહ્યું છે કે પોતે આ મુલાકાત માટે તૈયાર થઈ એ ભૂલ હતી. એનો પતિ, જે એની પરિસ્થિતિ સમજે છે, એને સ્વસ્થ થવા મદદ કરે છે. થોડીક સ્વસ્થ થઈ એ કહે છે કે હું તમારા દીકરાની પ્રકૃતિ વિષે શક્ય હોય તેટલું જાણવા માગું છું કારણ કે એણે મારા પુત્રને મારી નાંખ્યો છે !
હેડનના માતા પિતા એના ઉછેરમાં પોતાનાથી થઈ ગયેલી બેદરકારીનો લૂલો બચાવ કરે છે. ‘ અમારો દીકરો શરમાળ હતો, અતડો પણ. એ કોમ્પ્યુટર પર ગેમ્સ રમ્યે રાખતો, પણ એ રમતો હિંસક નહોતી. એ કંઈ હલકટ નહોતો. ‘ ‘ એનામાં બદલાવ આવે એટલા માટે અમે શહેર બદલાવ્યું, સ્કૂલ બદલાવી. ‘ વાતચીતમાં ખબર પડે છે કે હેડન એના માતાપિતાનું અવાંછિત સંતાન હતો. એનામાં હતાશા હતી. આપઘાતકારી વૃતિ પણ. એના માતાપિતા એના મોટાભાઈ તરફ વધુ લક્ષ્ય આપતા એ ફરિયાદ પણ. એને માનસશાસ્ત્રી પાસે પણ લઈ જવો પડેલો. હત્યાકાંડ પહેલાં પાઈપ બોંબ બનાવી જાહેરમાં વિસ્ફોટ કરવા બદલ એની ધરપકડ પણ થયેલી. ‘ આ કાંડ પછી જે સંતાપ, ધિક્કાર અને બહિષ્કારમાંથી અમે પસાર થયા અને થઈ રહ્યા છીએ એનાથી ક્યારેક અમને એવું લાગતું કે આનાથી તો મરી જવું બહેતર ! કબૂલ કે અમે એક ખૂનીને ઉછેર્યો હતો પણ અમે એવાં ખરાબ માબાપ નહોતા.
જે અને ગેઈલ હરીફરીને એ વાત પર આવે છે કે એના માનસિક સ્વાસ્થ્ય માટે તમે બન્નેએ માબાપ તરીકે જે કર્યું તે પર્યાપ્ત નહોતું અને સમયસર પણ નહીં.
હત્યાકાંડ બન્યા પછી માલૂમ પડે છે કે એ જે કંઈ કરવા જઈ રહ્યો હતો એ વિષેની સિલસિલાબંધ વિગતો હેડને એના બેડરૂમમાં એક નોટબુકમાં લખી રાખેલી. તહકીકાત દરમિયાન એ પણ બહાર આવે છે કે એ અમુક સાથી વિદ્યાર્થીઓને મારી નાંખવાની વાત અવારનવાર કરતો.
હૈયાવરાળ કાઢતી વખતે ઈવાનના પિતા, એમનો દીકરો કઈ રીતે મર્યો, કઈ રીતે પહેલીવારના ગોળીબારમાં અધમૂઆ થયેલા એમના દીકરાને થોડીક મિનિટો પછી પાછા ફરીને હેડને પૂરેપૂરો મારી નાંખ્યો એ સમગ્ર હૃદયવિદારક કહાણી સિલસિલાબંધ વર્ણવે છે. લિંડા જવાબમાં કહે છે કે અમારો દીકરો માનસિક રીતે રુગ્ણ હતો. એની નજરમાં કોઈ ખાસ વ્યક્તિ નહોતી. એણે તો દુનિયાને ઈજા પહોંચાડવી હતી અને એ એણે પહોંચાડી. એને કોઈ ભોગ બનનાર ગણતું નથી ! દુનિયાએ દસ લોકોનો શોક કર્યો, અમે અગિયારનો ! અને એ અમે સમજી શકીએ છીએ. અમે કદાચ પૃથ્વી પરના સૌથી એકલા મનુષ્યો છીએ. અમને હજી પણ ધિક્કારના પત્રો મળે છે. ‘ શક્ય છે, હેડન વિનાનું વિશ્વ બહેતર વિશ્વ હોત પરંતુ એની મા તરીકે હું એવું ન કહું. મારા દીકરાની જિંદગીની કોઈ કીમત એટલા માટે નથી કે એણે આવું દુષ્કૃત્ય કર્યું. મને એ સ્વીકાર્ય નથી. ‘
જે અને ગેઈલ એ બન્નેની વાત સ્વીકારે છે. બન્ને દંપતિ એક બિંદુએ પહોંચ્યા પછી લિંડા ભાવુક બની ઈવાનના બાળપણ વિષે પૂછે છે. ગેઈલ ખુલ્લા દિલે એ વાતો કરે છે. ‘ મને એના વગર બહુ એકલું લાગે છે. ‘
અને ઉમેરે છે ‘ અમે અહીં આવ્યાં ત્યારે એવું ઈચ્છતા હતા કે તમને સજા મળવી જોઇએ. હવે થાય છે કે એ બરાબર નથી. પહેલાં લાગતું કે તમને માફ કરી દઈએ તો અમારા દીકરાને ગુમાવી બેસીશું. મનના કોઈક ખૂણે તો એ માફી ક્યારની અપાઈ ચુકી હતી. હું તમને માફ કરું છું. હું હેડનને પણ માફ કરું છું કારણ કે મારું હૃદય હવે જાણે છે કે એ રસ્તો ભૂલ્યો હતો. અગત્યની વાત એ કે અમે આ રીતે ભાર વેંઢારતા જીવી ન શકીએ. જે નિર્મિત થઈ ચૂક્યું છે એ ભૂતકાળથી અલગ ભૂતકાળ શાને માગવો ! એ આપણા જીવનનું ચાલક બળ બની ન શકે . એવું કરીએ તો ઈવાનને ભવિષ્યમાં ક્યારેય કલ્પી ન શકીએ. હું જાણું છું, હું એને ફરી મળીશ, જો હું માફ કરી શકું તો, જો પ્રેમ કરી શકું તો ! અમારે શાંતિ પાછી જોઈએ છે. હું આપણા ચારેય માટે એવું ઈચ્છું છું. દિલથી. ‘ ગેઈલ રડી પડે છે. ચારેયનું મૌન પવિત્ર અને નિર્મળ છે. માથાં નમાવી બધા એકમેકની વિદાય માગે છે.
જતા રહેલાં લિંડા – રિચાર્ડ થોડીક વારે અચાનક પાછાં ફરે છે. લિંડાએ પોતાના દીકરા વિષે એક વાત કહેવાની રહી ગઈ હતી. ‘ એ સોળનો હતો. બહુ વ્યથિત રહેતો. એકવાર ઘરમાં અમે મા – દીકરા એકલાં હતાં. એ જમ્યો નહોતો. ચુપચાપ કોમ્પ્યુટર પર બેઠો હતો. મેં એને ઠપકો આપ્યો- તારે ખુશ રહેવું જોઈએ – એ કહે, મારે ખુશ રહેવું નથી. અમે એકબીજા સામે બરાડ્યા. એ હિંસક રીતે મને મારવા ધસ્યો. હું ભાગીને મારા રૂમમાં પૂરાઈ ગઈ. ‘
‘ હવે મને લાગે છે કે મેં એને મારવા દીધો હોત તો સારું થાત. મને ખબર તો પડત કે એ શું છે ! ‘ ગેઈલ લિંડાને ભેટી પડે છે.
મિટીંગ થઈ એ ચર્ચમાં ક્યાંક પ્રાર્થના – ગીત શરુ થાય છે. બન્ને માબાપને એવું લાગે છે કે એ પ્રાર્થના એમના દીકરા- ના, બન્નેના દીકરાઓ – નહીં, જગતભરના માબાપના મૃત સંતાનોના આત્માઓની શાંતિ માટેની પ્રાર્થના છે.
ફિલ્મના અમેરિકન સર્જક ફ્રાન ક્રાંઝ મૂલત: અભિનેતા છે. ૧૯૯૮ થી શરુ થયેલ એમની ફિલ્મ અને ટેલિવિઝન કારકિર્દી દરમિયાન એમણે અનેક યાદગાર ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી છે. તેઓ નાટકો, વેબ સિરીઝ અને અનેક મ્યુઝિક વિડીયોના કલાકાર પણ છે. ‘ માસ ‘ એમની પહેલી અને નિર્દેશક તરીકેની અત્યાર સુધીની એકમાત્ર ફિલ્મ છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કાનૂની પ્રતિબંધ અને ફારસમાં શો ફરક? ફારસ ગંભીર હોય છે.
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કાયદો કેટલો અસરકારક? કાયદા માટે એક જૂની ઊક્તિ છે કે તે ગધેડો છે. એનો એક અર્થ એ પણ ખરો કે કાયદા પર પુષ્કળ ભારણ હોય છે. આ ઊક્તિને યથાર્થ ઠેરવે એવા બનાવ વિશ્વભરમાં બનતા રહે છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ઉત્તરાખંડ રાજ્યમાં ચાલીસેક શ્રમિકો બોગદામાં ફસાયા અને દિવસો સુધી ફસાયેલા રહ્યા એ કરુણ બનાવ સૌને યાદ હશે. અલબત્ત, સુખાંત પુરવાર થયેલી આ ઘટનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ડઝનેક લોકોએ, જે ‘રેટ માઈનર’ તરીકે ઓળખાય છે. ઊંદર જેમ દર કોતરે એ રીતે પોતાના હાથ વડે કાટમાળને કોતરતા કોતરતા આ રેટ માઈનરની ટીમ આખરે ફસાયેલા શ્રમિકો સુધી પહોંચી અને તેમને ઊગારી લીધા. આમાં વક્રતા એ છે કે આપણા દેશમાં ‘રેટ માઈનિંગ’ને કાનૂની રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જ્યારે ફસાયેલા શ્રમિકોને ઊગારવા માટે ખુદ સરકારે જ આ પ્રતિબંધિત પદ્ધતિનો આશરો લેવો પડ્યો.
આનો અર્થ એમ પણ ખરો કે જે પદ્ધતિ પ્રતિબંધિત કરાયેલી છે તે હકીકતમાં ચલણમાં છે. જાન્યુઆરી, ૨૦૨૫માં આસામના દીમા હસાઓ જિલ્લામાં આવેલી એક કોલસાની ખાણમાં પાણી ભરાવાથી નવેક શ્રમિકો ફસાયા. એ પૈકી ચારનાં શબ કાઢવામાં આવ્યાં છે, જ્યારે બાકીના પાંચનો પત્તો નથી. પ્રતિબંધિત કરાયેલી પદ્ધતિ હજી ચલણમાં હોય તો એ માટે કોને દોષિત ગણવા? આ દુર્ઘટનાએ ઠીકઠીક વમળો સર્જ્યાં છે. આ મામલે ‘સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ’ દ્વારા અદાલતી તપાસ કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. રાબેતા મુજબ સરકાર મૃતકોના પરિવારને ચોક્કસ રકમનું વળતર આપશે. બીજી તરફ આવી ૨૨૦ ખાણોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘રેટ હોલ માઈન’ એટલે કે ખાણ સામાન્ય રીતે અતિ સાંકડી હોય છે, જેમાં એક જ વ્યક્તિ પ્રવેશીને કામ કરી શકે. ખાસ કશી સુરક્ષાના પગલાં કે ઉપકરણો વિના શ્રમિકો તેમાં કામ કરે છે. આ પ્રકારની ખાણમાં કામ કરનાર માટે જાનનું જોખમ સતત ઝળૂંબતું રહે છે. ખાણની દિવાલો ધસી પડવાના, તેમાં પાણી ધસી આવવાથી પૂર આવવાના કે ઝેરી વાયુ સૂંઘવાથી મૃત્યુની દુર્ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધું જોખમ કોલસો મેળવવા માટે ઉઠાવવામાં આવે છે.
૨૦૧૪થી ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા આ પ્રકારના ખનનકામને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, છતાં અનેક સ્થળે તે ચાલુ છે. ૨૦૧૮માં મેઘાલયની એક ખાણમાં પંદરેક શ્રમિકો આ રીતે ફસાઈને મરણ પામ્યા હતા. આવી જોખમી ખાણમાં જનારા શ્રમિકોને આકર્ષક વળતર આપવામાં આવતું હોય છે. ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી પણ ઈશાન ભારતનાં રાજ્યો આ પ્રતિબંધના અમલ માટે ખાસ ઉત્સુક નથી. મેઘાલયની સરકારે તો ૨૦૧૫માં ઠરાવ પસાર કરીને કેન્દ્રને વિનંતી કરી હતી કે બંધારણના છઠ્ઠા અધિચ્છેદ હેઠળ પોતાના રાજ્યને આ પ્રતિબંધથી મુક્ત રાખવામાં આવે. રેટ હોલ માઈનિંગ ચાલુ રહે છે, એમાં દુર્ઘટનાઓ થતી રહે છે અને પૂર્વનિર્ધારીત મેચની જેમ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહે છે. આસામ અને મેઘાલયમાં, ખાસ કરીને જયંતિયા પર્વતમાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ વ્યાપક છે. એનાથી કેવળ જાનહાનિ જ થાય છે એમ નથી, એ ઉપરાંત જૈવવિવિધતા, જળાશયો અને કૃષિની જમીનને પણ નુકસાન થાય છે.
સવાલ એ છે કે આ પ્રકારનું ખનનકાર્ય પ્રતિબંધિત છે તો એ ચાલુ કેમ રહ્યું છે? એ ચાલુ રહ્યું છે એની કોઈને જાણ નથી? કે જાણ છે, પણ પ્રતિબંધની પરવા નથી? આ કાર્યમાં ખાણમાલિકોની સાથોસાથ સંબંધિત અધિકારીઓ, રાજકારણીઓ સૌ સંકળાયેલા હોય તો જ એ શક્ય બને.
અદાલત પણ આમ જ માને છે. વખતોવખત, એટલે કે કોઈ દુર્ઘટના થાય ત્યારે તે સંબંધિત રાજ્યની સરકારને આ સવાલ પૂછે પણ છે, છતાં તેનો કોઈ સંતોષકારક જવાબ કે ઊકેલ મળતો નથી.
એ બાબત પણ જોવા જેવી છે કે શ્રમિકો પોતાના જાનને પણ જોખમમાં મૂકતાં અચકાતા નથી. ગમે એટલું વળતર કોઈના જીવનના મૂલ્યને આંકી ન શકે. આ હકીકત વળતર ચૂકવનાર પણ જાણે છે, અને વળતર ચૂકવાય છે એ પણ!
કાયદો ગમે એ બાબતે બનાવવામાં આવે, જ્યાં સુધી તેના અમલીકરણની ચુસ્તતા ન ઊભી થાય ત્યાં સુધી તે અસરવિહીન બની રહે છે, અને મોટા ભાગના કિસ્સાઓમાં તે ભ્રષ્ટાચારની નવી બારી ખોલી આપનાર બની રહે છે. અદાલતની ભૂમિકા દંડો પછાડીને વારેવારે પોતાની ધાક જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા વડીલ જેવી બની રહે છે, જેનું કામ પોતાના અસ્તિત્વનો પરચો આપવા પૂરતું જ મર્યાદિત બની રહે છે. અદાલતની ટીપ્પણીને રાજકારણીઓથી લઈને સંકળાયેલા સહુ કોઈ ઘોળીને પી જાય છે.
આ પરિસ્થિતિ શું સૂચવે છે એ એક નાગરિક તરીકે વિચાર માગી લેતી બાબત છે. કાયદો ઘડવાનો કશો અર્થ સરે છે ખરો, જો તેના અમલમાં શિથિલતા નક્કી અને ઈરાદાપૂર્વકની હોય? રાજકારણીઓ, અધિકારીઓ અને વગદાર ખાણમાલિકો કાયદાની સાડા બારી ન રાખતા હોય તો પછી એક સામાન્ય નાગરિકને કાયદાનો અમલ કરાવનારા ન્યાયતંત્ર પર કેટલો ભરોસો રહે અને શું કામ રહે?
આસામની દુર્ઘટના પહેલી નથી, એમ છેલ્લી પણ નહીં હોય. મૃતકોને વળતર ચૂકવાઈ જાય એ પછી પણ વિશેષ સમિતિ આ તપાસમાં શું શોધશે? કોને કસૂરવાર ઠેરવશે? અને સૌથી મહત્ત્વની બાબત એ કે વિશેષ સમિતિના અહેવાલનું પાલન કરવું જ પડે એવું ક્યાં લખ્યું છે? અભરાઈની શોધ આખરે શેના માટે થઈ છે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પાંખે પવન અને આંખે હિમાલય
પ્રકૃતિની પાંખો
હીત વોરા
આ શિયાળે, જ્યારે હું અમદાવાદ નજીક થોલ બર્ડ સૅન્ક્ચ્યુરીમાં યાયાવર પક્ષીઓના કલરવને માણી રહ્યો હતો, ત્યારે મેં એક બહેનને તેના સંબંધીને પૂછતાં સાંભળ્યું, “આ બતક અને હંસ બહુ ઊંચા ઉડી શકતા નહીં હોય, ખરું?”

કેવી અચરજની વાત છે કે વિશ્વના સૌથી ઊંચે ઉડતા અને સૌથી લાંબી યાત્રા કરતા કેટલાક પક્ષીઓ ઘણી વખત નિરલક્ષિત નજરોથી ચૂકી જાય છે. એમા “બાર હેડેડ ગૂઝ” એટલે કે રાજહંસ (Anser indicus) એક અદ્ભૂત ઉદાહરણ છે—જે સમુદ્રની સપાટીથી ૨૫,૦૦૦ ફૂટથી (૭,૦૦૦ મીટર) વધુ ઊંચા હિમાલયના પર્વતો પાર કરી, ઓક્સિજનની ઓછી માત્રા હોવા છતાં પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી શકે છે! સેંકડો કિલોમીટરની સફર કરીને, તેઓ ગુજરાતના નળ સરોવર, થોલ અને કચ્છના રણના વેટલેન્ડ્સમાં શિયાળું વસવાટ કરે છે, જ્યાં તેમની સંઘબદ્ધ ઉડાન અને કલરવ કુદરતી દ્રશ્યોને સમૃદ્ધ બનાવે છે
બાર હેડેડ ગૂઝની ઓળખ, તેના સફેદ માથા પરના બે કાળા પટ્ટાથી થાય છે. આ પક્ષીનું ઉનાળુ નિવાસસ્થાન તિબેટ, રશિયા અને મોંગોલીયાના ઊંચાઈવાળા તળાવો છે જ્યાં તેઓ ટૂંકા ઘાસ પર ચરે છે અને શિયાળાનો સમય ભારતખંડના વેટલેન્ડ્સમાં પસાર કરે છે. આવો શિયાળુ પ્રવાસ તો બીજા ઘણા પક્ષીઓ કરે છે પણ રાજહંસને અનન્ય બનાવે છે તે છે એનો જોખમી અને લગભગ અશક્ય લાગતો માર્ગ ! હિમાલયને બાયપાસ કરી આગળ વધવાનો મર્ગ જે લગભગ બધા યાયાવર પક્ષીઓ પસંદ કરે છે એને બદલે, રાજહંસ પૃથ્વીના સર્વોચ્ચ શિખરો ઓળંગીને ઉડવાનું પસંદ કરે છે! લોકવાયકા એવી પણ છે કે રાજહંસ સૌથી ઊંચું પાંચમું શિખર માઉન્ટ મકલૂ (8,481 મીટર) અને સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) ઉપરથી ઉડતા જોવા મળ્યાં છે! પણ આના કોઈ પુરાવા નથી!
હજી એ ચોક્કસ નથી કે રાજહંસ માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈએ પહોંચી શકે છે કે નહીં, પરંતુ સંશોધન મુજબ તે 6,450 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોચે છે અને પર્વતીય-ઘાટ માર્ગો દ્વારા આગળ વધે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતના નીચાણવાળા વિસ્તારોમાંથી તિબેટના પર્વતો સુધીનો પ્રવાસ તબક્કાવાર થાય છે, જેમાં મહાકાય હિમાલયને પાર કરવાનો પડકાર રાજહંસ માત્ર સાત કલાક જેટલી ટૂંકી અવધિમાં પૂર્ણ કરે છે!
હિમાલયની પાતળી હવામાં અને ઓક્સિજનની અછતમાં કીમતી ઉર્જા ખરચી ઉડવું એ અશક્ય લાગતી વસ્તુ છે, પરંતુ કુદરતની આ અજાયબીએ તેને સફળતાપૂર્વક શક્ય બનાવ્યુ છે! રાજહંસના આ વિસ્મયજનક વર્તનથી વૈજ્ઞાનિકો અને પ્રકૃતિવિદો ઘણા સમય સુધી મૂંઝવણમાં રહ્યા, પરંતુ વૈજ્ઞાનિક પ્રગતિ સાથે હવે આપણને સમજાવા લાગ્યું છે કે તેઓ આ ઉત્તમ ઊંચાઇઓ પર ઉડવા માટે કેવી રીતે અનુકૂળ થયેલા છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે ઓક્સિજનની ઓછી ઉપલબ્ધતા ધરાવતી પરિસ્થિતિઓમાં રાજહંસ વધુ ઊંડું અને અસરકારક શ્વસન કરે છે, જે ઓક્સિજનની શોષણ ક્ષમતા વધારવામાં સહાયક બને છે.તેમના રક્તમાં હેમોગ્લોબિનની ઓક્સિજન માટેની આકર્ષણશક્તિ અન્ય પ્રાણીઓ કરતાં વધુ હોય છે. ઉપરાંત, હૃદયના ડાબા ક્ષેપક (Left Ventricle)માં વધુ રક્ત કોશિકાઓ (કેપિલરીઝ) હોવાના કારણે, તે પર્યાપ્ત ઓક્સિજન પ્રાપ્ત કરે છે, જે તેને અત્યંત ઊંચાઈઓ પર પણ કાર્યક્ષમ રહેવામાં સહાય કરે છે. તેમની પાંખોની લંબાઈ પણ અન્ય હંસ કરતાં થોડી વધુ હોય છે, જે તેમને પાતળી હવામાં પૂરતી ઉંચાઈ મેળવવામાં મદદ કરે છે.
રાજહંસ પર્યાવરણ માટે પણ અગત્યની ભૂમિકા ભજવે છે, તેઓ વેટલેન્ડ્સના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વનસ્પતિ અને જળચર જીવજંતુઓના પ્રજનન અને પ્રસરણમાં સહાય કરે છે, તેમજ પોષક તત્વોના પરિભ્રમણમાં ભાગ લે છે. વેટલેન્ડ્સ—જેને પૃથ્વીના ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે—વરસાદના પાણીનું સંચય અને શુદ્ધિકરણ કરે છે, જમીનને રીચાર્જ કરે છે અને દરિયાની સપાટીને આગળ વધતા રોકે છે. તે માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પણ માનવજાત માટે પણ અત્યંત ઉપયોગી છે, કારણ કે વેટલેન્ડ્સ ખેડૂતોને પાણી પૂરું પાડે છે, માછીમારો માટે જીવિકોપાર્જનનો સ્ત્રોત છે અને હવામાન બદલાવને મંદ બનાવવામાં પણ મદદ કરે છે. જોકે, શહેરીકરણ અને પ્રદૂષણના કારણે ઘણા વેટલેન્ડ્સ દિન-પ્રતિદિન ઘટી રહ્યા છે. જો આપણે આ મહત્વપૂર્ણ ઈકોસિસ્ટમ અને તેના રહેવાસીઓને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ, તો જરૂરી છે કે આપણે તેના મહત્વને સમજીએ અને તેનું સંરક્ષણ સુનિશ્ચિત કરીએ.
રાજહંસ જેવા પક્ષીઓ પ્રકૃતિના સંકેતકો છે—તેમની હાજરી, સંખ્યા અને આચરણ પરથી આપણે આપણા પર્યાવરણના આરોગ્ય વિશે ઘણું જાણી શકીએ છીએ. આવા અજાયબી સર્જનારા કુદરતી પ્રદેશો અને પક્ષીઓની સંભાળ લેવા માટે, આપણને જાગૃતતા અને જવાબદારી સાથે આગળ વધવું જરૂરી છે.
થોલ પક્ષી અભ્યારણ : વેટલૅન્ડ સંરક્ષણની એક સફળ ગાથા:-
થોલ સરોવર પક્ષી અભ્યારણ એક માનવહસ્તકૃત સરોવર કેવી રીતે સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે તે માટે એક ઉત્તમ ઉદાહરણ છે. મૂળ 1912માં મહેસાણા તાલુકામાં ગાયકવાડ શાસન દરમિયાન ખેડૂતોની સિંચાઈ માટે બનાવાયેલું આ સરોવર, ધીમે ધીમે સ્થાયી અને યાયાવર પક્ષીઓ માટે મહત્વના પરીસરતંત્રમાં બદલાઈ ગયું. તેની પર્યાવરણીય મહત્વતાને માન્યતા આપીને, ૧૯૮૮માં તેને પક્ષી અભ્યારણ જાહેર કરવામાં આવ્યું અને 2021માં રામસર સાઇટ તરીકે માન્યતા મળી, જે તેની આંતરરાષ્ટ્રીય મહત્વતાને દર્શાવે છે.
આજે, થોલ ૧૫૦ થી વધુ પક્ષી પ્રજાતિઓને આધાર આપે છે, જેમાં ફલેમિંગો, પેલિકન અને સારસ ક્રેન જેવા વિશિષ્ટ પક્ષીઓનો સમાવેશ થાય છે. નળસરોવર અને કચ્છના નાના રણની નજીક સ્થિત થોલ, ભારતખંડમાં યાયાવર પક્ષીઓ માટે એક સતત માઈગ્રેશન કોરિડોર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભ્યારણની સફળતા દર્શાવે છે કે વેટલૅન્ડ્સ માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પરંતુ માનવજીવન માટે પણ અગત્યના છે—તેઓ જળચક્રને સંચાલિત કરે છે, પૂર અટકાવે છે અને જીવનસર્જક સાધન તરીકે સેવા આપે છે.
થોલનું સિંચાઈ માટે બનાવાયેલું સરોવર એક અભ્યારણ તરીકે વિકસ્યું તે સાબિત કરે છે કે જો માનવસર્જિત જળાશયોનું સાચી રીતે સંરક્ષણ થાય, તો તે અદ્ભૂત પર્યાવરણીય ખજાના બની શકે. વેટલૅન્ડ્સના મૂલ્યને સમજીને અને તેમના સંરક્ષણમાં સક્રિય હિસ્સો લઈને, આપણે એક એવું ભવિષ્ય નિર્માણ કરી શકીએ જ્યાં પ્રકૃતિ અને સમાજ બંને સાથે સુખી થાય.
આપણે ઘણી વખત વસ્તુઓને પોતીકી માની લઈએ છીએ, માત્ર આપણા ઉપયોગ માટે છે એમ માની લઈએ છીએ. ઘણાં લોકોને થોલ એક સામાન્ય તળાવ જ લાગે—વીકએન્ડ માટે એક લીલુંછમ પિકનિક સ્પોટ, અને તેમાંના પક્ષીઓ ફક્ત શોભા વધારવા માટે હોય એવું લાગે, જાણે હોટલનો ‘કમ્પ્લીમેન્ટરી’ નાસ્તો! પણ જ્યારે આપણે તેનો ઇતિહાસ અને મહત્વ સમજીએ, ત્યારે એ જગ્યાથી આપણું વધુ ઉંડું જોડાણ થઈ શકે.
અને હવે જો તમે કોઈ સફેદ હંસને તેના માથા પર બે કાળા પટ્ટા સાથે જુઓ, તો હવે તમે જાણતા હશો કે એ ફક્ત થોડું ઉડતા પક્ષી નહીં, પણ એક અદ્ભુત યાત્રિ છે! બસ એક ક્ષણ માટે કલ્પના કરો કે તેણે અહીં પહોંચવા માટે કેટલી સહાસિક સફર કરી હશે!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કૃત્રિમ બુદ્ધિ : વિકાસ અને નિસ્બત
કપિલ શાહ

શ્રમ અને સમય બચાવવા માણસજાત ઉત્ક્રાંતિ દરમ્યાન સાધનો (Tools) વાપરતી આવી છે. શરૂઆતનાં સાધનો હાથ-પગથી થતાં કામોમાં રાહત આપતાં થયાં. ચાલવાને બદલે સાયકલથી માંડી બીજાં વાહનો શોધાયાં. હાથે સીવવાને બદલે સીંગરના મશીનથી માંડી જંગી ટેક્સટાઈલ મશીનરી આવી. શરૂઆતમાં સાધનો યાંત્રિક હતાં.
ગણતરી સહેલી કરવા ૧૬૭૨માં પહેલું કેલ્ક્યુલેટર વિકસાવાયેલું. તેનાં ૧૪૮ વરસ પછી ૧૮૨૦માં એક યાંત્રિક કેલ્કયુલેટર બજારમાં મળતું થયું, જેનું નામ એરિથોમીટર હતું. ૧૯૫૪માં ટ્રાન્ઝીસ્ટર આધારિત કેલ્ક્યુલેટર શોધાયું. ૧૯૬૧માં સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક ડેસ્કટોપ કેલ્ક્યુલેટર શોધાયું. ભારતનાં સામાન્ય ઘરોમાં ૧૯૭૫ થી ’૮૦ની વચ્ચે કેલ્કયુલેટર વપરાતું થયું અને ફટાફટ ગણતરી કરતાં મુનિમજીઓ કેલ્ક્યુલેટરના સહારે બીલ બનાવતા થયા. ઘડિયા ગોખવાનો કાર્યક્રમ સમય જતાં હાસ્યાસ્પદ ઇતિહાસ બનવા માંડ્યો. મગજનું આ કામ યંત્રએ લીધું. કૃત્રિમ બુદ્ધિ (AI)ની આ શરૂઆત! આજે તો કલનશાસ્ત્ર, ત્રિકોણમીતિ અને તેથી આગળ રંગીન ગ્રાફીક્સ પેદા કરનારા કેલ્ક્યુલેટર્સ પણ મળે છે.
કેલ્ક્યુલેટરનું જ એડવાન્સ સ્વરૂપ કમ્પ્યુટર છે. કમ્પ્યુટર શબ્દની વ્યૂત્પત્તિ ’Computare’માંથી થઈ. જેનો અર્થ થાય છે, ગણતરી, સરવાળો કરવો, વિચારવું. કમ્પ્યુટર એટલે એવું મશીન જે માત્ર ગણતરી ન કરે પણ તેને આપેલ પ્રોગ્રામ પ્રમાણે તર્કસંગત કામો પણ કરે. જેમ કે આંકડામાંથી ગ્રાફ બનાવે. એટલે ગણતરીથી આગળનાં તાર્કિક કામો પણ મનુષ્યની બુદ્ધિથી બહાર થવા માંડ્યાં. રોબોટ આવતાં તેની સાથે હાથ-પગનું સ્વયંસંચાલન ધરાવતી કૃત્રિમ માનવાકૃતિઓ ફેક્ટરીઓમાંનાં જોખમી, એકાંગી-એકધારાં, ગંદકીમાં કરવાનાં કામો ય રોબોટ દ્વારા થવા માંડ્યાં છે. આપણાં સ્માર્ટ ફોન્સ પણ એક જાતનાં કમ્પ્યુટર્સ જ છે અને માનવમગજ સિવાયની કૃત્રિમ બુદ્ધિથી ચાલે છે.
મુસાફરી માટે રિઝર્વેશન કરવાં, નિયત સ્થાને રસ્તા શોધવા, ડ્રોન થકી ફોટોગ્રાફી કરવી કે ખેતીમાં જંતુનાશક છાંટવાં, ગમતાં રેસ્ટોરન્ટમાં મનભાવતી વાનગી મંગાવવી, નાની-મોટી ચીજો ખરીદવા માટે ઓન-લાઈન એપ વાપરવા રોજિંદું છે. ટેલી આપણા હિસાબો લખીને સરવૈયાં તૈયાર કરી આપે છે એટલે રોજમેળમાંથી ખતવણી કરવાની માથાકૂટ બંધ, ફોટોશોપ આપણાં ચિત્રો અને ફોટોગ્રાફને સુધારી-મઠારી આપે છે, સ્પેલચેક અને ગ્રામરલી જોડણી અને વ્યાકરણ સુધારી દે છે. બોલો એટલે ટાઈપ કરે અને લખેલું આપમેળે વાંચી સંભળાવે છે, ઘરમાં માલિકની ગેરહાજરીમાં દૂરસંચાર દ્વારા કચરો-પોતું કરી દે છે. રિમોટ કેમેરા દ્વારા ઘર-ઓફિસમાં ચાલી રહેલી ચહલ-પહલ પર દૂર બેઠાં બેઠાં સ્માર્ટ ફોન્સ દ્વારા નજર રાખી શકાય છે. વિવિધ સર્ચ એન્જિન દ્વારા વિવિધ વેબસાઈટ પરથી માહિતી મેળવવાનો લાભ પણ આપણે મેળવીએ છીએ.
આમ, રોજિંદી બનેલી વપરાશી બાબતોમાં અનેકવિધ રીતે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ થાય છે. જે નિયત પ્રોગ્રામ કે સોફ્ટવેરની મદદથી માહિતી (Data) એકત્રિત કરે છે, સંઘરે છે, પ્રોસેસ કરે છે અને પ્રદર્શિત કરે છે. આમાં સોફ્ટવેરને વિચાર કરવાનો હોતો નથી. કમાન્ડ આપનાર અપેક્ષિત પરિણામ મેળવી શકે અને વાપરનારા આવનારા પરિણામ પર મહદંશે કાબૂ પણ રાખી શકે.

કૃત્રિમ બુદ્ધિ (AI)
ટેક્નોલોજીનો વિકાસ હવે એ હદે પહોંચ્યો છે કે માનવ ડ્રાઈવર વિનાની ઓટોનોમસ કાર રોડ ઉપર સવારી આપતી થઈ ગઈ છે. અને તેની કંપનીઓ આગામી વર્ષોમાં 5000 કાર શરૂ કરવાની ખેવના ધરાવે છે! સર્જનના અવાજ અને શબ્દોના કમાન્ડને આધારે ઓપરેશન થિએટરની લાઈટ, ટેબલની પોઝિશન અને સર્જરી માટેનાં સાધનો ચલાવી શકાય છે. વિશ્ર્વના જુદા જ ખંડમાં રહ્યા રહ્યા અત્યંત ચોક્સાઈપૂર્વકની સર્જરી કરાય છે.
હવે આ કૃત્રિમ બુદ્ધિ (AI) મશીન પાસે એવાં કામો કરાવી શકે છે જેનું પરિણામ કમાન્ડ આપનાર વ્યક્તિને અણધાર્યું લાગી શકે. પ્રતિભાવો પરથી લાગે છે કે કૃત્રિમ બુદ્ધિ માત્ર માહિતી નથી આપતું તે વિચાર, કલ્પના, ભાવના અને પ્રાસ પણ સમજે અને વાપરે છે. અને કંઈક અંશે સાચા અર્થમાં માનવબુદ્ધિનો વિકલ્પ પૂરો પાડી શકે તેમ છે. ક્યારેક તો માનવબુદ્ધિ કરતાં ય કાર્યક્ષમ પરિણામો/પ્રતિભાવો આપે છે. જાહેરજનતા બિના રોકટોક આ ટેક્નોલોજી વાપરવા માંડી છે.
અલબત્ત, તે હજી બાલ્યાવસ્થામાં છે, તેમાં ભૂલો (ખામીઓ અને અપુખ્તતા) તરત નજરે પડે છે પણ ગૂગલ દ્વારા થતાં ભાષાંતરની ગુણવત્તામાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે રીતે સુધારો થઈ ગયો છે તે જોતાં આ ખામીઓ દૂર કરી તેને ઘણું વધુ પરફેક્ટ કરી દેવામાં આવશે.
સાદી ભાષામાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ (AI) એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર સાયન્સ અને થોકબંધ માહિતીનો ઉપયોગ કરીને અને તથા તેમાંથી જાતે શીખીને પરિણામ લાવે છે. તે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગને પોતાનામાં સમાવી લે છે.
કૃત્રિમ બુદ્ધિ (AI)ના સ્તર પ્રમાણે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. ડ્રાઈવર વિનાની સ્વયંસંચાલિત કાર, અવાજ-ચહેરાની ઓળખ સુધીની ટેક્નોલોજીને આર્ટીફિસિયલ નેરો ઈન્ટેલિજન્સ (ANI) કહેવામાં આવે છે. તેથી આગળ આર્ટીફિસિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) આપણાં બારણાં ખખડાવવાની તૈયારીમાં છે, તે માનવમગજ જેવી સક્ષમતાથી કામ કરશે અને ભાવના અને વિવેક પણ દર્શાવી શકશે. દુ:ખી વ્યક્તિને સાંત્વન આપી શકશે. તેથી આગળ આર્ટીફિસિયલ સુપર ઈન્ટેલિજન્સ (ASI) તૈયાર થશે, જેને 8-10 વર્ષ લાગશે. તે મનુષ્યની બુદ્ધિની મર્યાદા ઓળંગીને મનુષ્યને કાબૂમાં પણ રાખી શકે!
આ ટેક્નોલોજીએ વિશ્ર્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આર્થિક, સામાજિક, ટેક્નોલોજી, નીતિ-મૂલ્યોના સંરક્ષણ ક્ષેત્રે નવી શક્યતાઓ અને પડકારો ઊભાં કરી દીધાં છે. આ ટેક્નોલોજી વિજ્ઞાન, વિકાસ, શિક્ષણ, લશ્કર, વાણિજ્ય-વેપાર, આરોગ્ય સેવાઓ ઉપરાંત કળા અને સાહિત્ય અથવા કલ્પના કરો તે તમામ ક્ષેત્રમાં વ્યક્તિથી માંડી સરકાર સુધીની તમામ એજન્સીઓ દ્વારા વપરાશે.
વિજ્ઞાનીઓ કયા કયા રસાયણોના સંયોજનોથી કેવા પ્રકારનાં નવાં રસાયણો બનાવી શકાય કે ઘાતક રાસાયણિક હથિયારો, જંતુનાશકો કે ઔષધો બનાવી શકાય તેનું મોડલિંગ કરી શકે. થોડીક માહિતી આપીને સંશોધનપત્ર ય તૈયાર થઈ જાય, શિક્ષણ માટે તો હવે શાળા-કોલેજોમાં જવાની જરૂર રહેશે કે નહીં? તે લશ્કરની વ્યૂહરચના ઘડવામાં ય કામ લાગશે. પાઈલોટ વિનાનાં વિમાનો અને મિસાઈલ્સ એવી રીતે કામ કરશે કે જેમાં દારૂગોળાના જથ્થા કરતાં સોફ્ટવેરની ગુણવત્તા વધુ મહત્ત્વની બની જશે. માનવ ચહેરાને ઓળખવાના સોફ્ટવેર આજે સોશ્યિલ મીડિઆ પર વપરાય છે, તેની સાથે ડ્રોનની ટેક્નોલોજી જોડીને વિશેષ વિનાશ વિના ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરી શકશે. તે માટે મધમાખીઓના ઝૂંડની જેમ બધા ડ્રોન એકમેક સાથે ભારે સંયોજન કરી અને અથડાયા વિના એક-મેકના વિકલ્પે કામ કરશે.
સાહિત્ય ક્ષેત્રે માનવહસ્તક્ષેપ વિના નાટકો, કવિતાઓ અને નિબંધો લખાશે. કળા ક્ષેત્રે તો એવું બન્યું કે, એક વિશ્ર્વપ્રસિદ્ધ ફોટોગ્રાફી સ્પર્ધામાં જે ફોટાને પ્રથમ ઈનામ મળ્યું એ રજૂ કરનાર ફોટોગ્રાફરે એ ઈનામ લેવાની ના પાડી. તેણે ભંડો ફોડ્યો કે આ તો ફોટોગ્રાફી સ્પર્ધા છે અને મેં જે ચિત્ર રજૂ કરેલું તે ફોટો હતો જ નહીં, કૃત્રિમ બુદ્ધિ (AI)થી તૈયાર કરેલ ચિત્ર હતું! કરો વાત, ફોટોગ્રાફર્સના વ્યવસાયનું શું થશે? કૃત્રિમ બુદ્ધિ (AI)થી અવાજની આબેહૂબ નકલ કરીને, માનાં હાલરડાં બાળકને સંભળાવી શકાશે. આબેહૂબ અવાજ દ્વારા કોઈને છેતરી પણ શકાશે !
રોગ-જીવાતના ફોટા મોકલો અને ડ્રોન આપમેળે આવીને યોગ્ય માત્રામાં ખેતરોમાં જંતુનાશક છાંટી જાય છે અને લેસરની મદદથી નિંદામણ કરી આપે છે. ઝેરી જંતુનાશકો છાંટવાથી દર વરસે હજારો લોકોને ઝેર ચડે છે અને મરે છે. ઉભડક પગે નીંદામણ કરતી મહિલાઓને વૈતરામાંથી મુક્તિની જરૂર ખરી? શું કૃષિનો શ્રમ હંમેશાં વૈતરું હોય છે? – સવાલો વિચારતા કરી મૂકે છે.
રખે માનતા કે આ બધી કલ્પનાઓ છે, તે હવે વાસ્તવિકતા થવા માંડી છે. અને તે વર્ષમાં એક-બે વાર અપગ્રેડ થઈને ખૂબ જ ઝડપથી પરફેક્ષન તરફ જઈ રહી છે. તે સમસ્યાને સમજવાના નવા પરિપ્રેક્ષ ખોલી રહી છે, ન વિચાર્યા હોય તેવા ઉકેલો અને પડકારો ઊભા કરવા માંડી છે. અને તાજજુબની વાત એ છે કે તેના નિયમન માટે સરકારો પાસે કાયદા નથી, કાયદાની વાત તો જવા દો તેને સમજવા માટેની પૂરતી શક્તિ સુધ્ધાં છે ખરી?
કેટલીક મૂળભૂત નિસ્બત
રોજગાર : જ્યાં દાક્તરોની અછત છે ત્યાં આ રીતે થતાં નિદાન કામ લાગશે, જ્યાં શિક્ષકોની અછત છે ત્યાં આ રીતે થતું શિક્ષણ કામ લાગશે પણ તેનાથી શું માણસો કામ વિનાના થઈ જશે? દાક્તરી વ્યવસાયમાં રેડિઓલોજિસ્ટ અને પેથોલોજિસ્ટોએ હવે હાથ ઘસવાનો વારો આવે તો નવાઈ નહીં! યોજના પ્રમાણે સાનફ્રાંસિસ્કોમાં ઓટોનોમસ કાર ચાલશે તો 5000 ડ્રાઈવરોના રોજગાર જશે!
પૂર્વગ્રહ : આવા સોફ્ટવેરને તૈયાર કરવા જે માહિતી વપરાય તે પોતે પૂર્વગ્રહયુક્ત હોય. દા.ત. અમુક દેશના લોકોની જ વિગતો હોય, અમુક કોમના લોકોની જ વિગત હોય, અંગ્રેજી ભાષાની વિગતો વધુ વપરાય.
અધૂરપ અને ખામીઓ : ઈન્ટરનેટ પર હોય તે જ વિગતો વપરાય. ઘણા દેશોમાં મૂળભૂત આંકડાની જ ખામી છે. જેમ કે, ભારતમાં વપરાતાં જંતુનાશકોની આધારભૂત માહિતી મળતી જ નથી એટલે ખોટા અને અધૂરા આંકડાને આધારે તાલીમ પામેલ સોફ્ટવેર ભારે ગરબડ કરે. તેનું તાજું ઉદાહરણ સેટેલાઈટની મદદથી ગુજરાતમાં થયેલ જમીન માપણી છે, જેમાં ભાગ્યે જ કોઈ ખેતરની માપણી સાચી છે અને રાજ્યનો સમગ્ર રેવન્યુ રેકર્ડ ગરબડવાળો થઈ ગયો છે. એટલે તેને આધારે જંતુનાશક છાંટવા નીકળેલું ડ્રોન કોઈ ફળિયા ઉપર છાંટી આવે તેવું કેમ ન બને?
ઉકેલનું સાર્વત્રીકરણ અને એકધારાપણું : સોફ્ટવેર વિકસાવનારની સમજની મર્યાદાનું સાર્વત્રીકરણ થઈ જાય. માનવબુદ્ધિમાં સ્થળ, કાળ, સંજોગ પ્રમાણે વિકસેલ અને હજી વિકસનાર વૈવિધ્યનો ખાત્મો થઈ જાય. કોઈ સમસ્યાને ઉકેલવા માટેનો કોઈ એક માત્ર અને માત્ર યાંત્રિક રસ્તો નથી હોતો! માનવબુદ્ધિના ભાવનાત્મક પાસા થકી ઉકેલાતી સમસ્યાનો છેદ તો નહીં ઊડી જાય ને!
ઝડપ : કૃત્રિમ બુદ્ધિ (AI) મનુષ્યની બુદ્ધિ કરતાં અનેક ગણી ઝડપથી વિચારી શકે છે. આજે ચેસના સર્વોત્તમ પ્રોગ્રામથી રમતા કમ્પ્યુટરને માનવપ્લેયર હરાવી શકતો નથી.
કલ્પનાશક્તિને અસર : માનવજાતની કલ્પનાશક્તિને અસર નહીં પહોંચે? પોતાના મનોભાવોને પીંછી લઈને કેનવાસ પર કંડારતા ચિત્રકારોને કા એક ચિત્ર કરતાં 15 દિવસ લાગે પણ તેના કરતાં ઓછા દિવસમાં આકર્ષક અને ભાવવાહી ચિત્ર કમ્પ્યુટર બનાવી આપે તો એ સસ્તું નહીં પડે ? તો પછી માનવજાતની કલ્પનાશક્તિનું શું થાય? તેને મળતા સર્જનના આનંદનું શું થાય? અને શું માણસજાત વધુ ને વધુ ટેકનોલોજી આધારિત બનીને વધુ પાંગળી તો નહીં બને ને!
ગોપનીયતાને ખતરો : વ્યક્તિની અંગત માહિતીની ગોપનીયતા જોખમાય તે રીતે વપરાશે.
અમીરો અને સત્તાધારીઓનું પ્રભુત્વ : ઇતિહાસ બતાવે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ અને ઉપયોગમાં સમાજના અમીરવર્ગનું પ્રભુત્વ વધતું જાય છે. સ્માર્ટફોન વાપરનાર ઝડપથી રિઝર્વેશન કરાવી લે છે અને ટિકિટ બારીની હરોળમાં ઊભા રહેનાર આદિવાસીની તક આસાનીથી ઝડપી લે છે. કૃત્રિમ બુદ્ધિ (AI) શોષણ અને ભેદને ઊભા કરવાની નવી તક નહીં પૂરી પાડે? સત્તાધારીઓને તો આવી ટેક્નોલોજી ખૂબ માફક આવી જશે.
બૌદ્ધિક સંપદા અધિકાર પર અસર : જ્યારે વિશ્ર્વભરની માહિતીની સુલભતા અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા અમર્યાદ રીતે વધી જાય ત્યારે અગાઉ થયેલાં સર્જનો અને શોધો પરના બૌદ્ધિક સંપદા અધિકારનું ઉલ્લંઘન જાણે અજાણ્યે થયા જ કરે. આવા મુદ્દે કાનૂની લડાઈઓ શરૂ થઈ ચૂકી છે.
ઉત્ક્રાંતિ પર અસર : ઉત્ક્રાંતિમાં જે અંગો નથી વપરાયાં તેનો વિકાસ નથી થતો કે ખરી પડે છે તે વૈજ્ઞાનિક સત્યને સ્વીકારીએ તો શું ભવિષ્યની માનવજાતના મગજનું કદ નાનું થશે? અમુક જ લોકોનાં મગજ વધુ ચાલશે ને બાકીનાં બધાં બુદ્ધુ રહેશે?
વળી જ્યારે ઇચ્છિત વ્યકિતઓના ઇચ્છિત ગુણો ધરાવતાં જનીનો (Genes) ભેગાં કરીને ડિઝાઈનર બેબી વિકસાવવાનો વિચાર થવા માંડ્યો છે ત્યારે પ્રયોગશાળામાંથી અલગ અલગ કામ માટેના માણસોનો જુદો જુદો ફાલ – મજૂરો, વિજ્ઞાનીઓ, રમતવીરો, કલાકારો પેદા કરવામાં આવશે? કલ્પના આકરી લાગે છે પણ જે દિશા અને ગતિએ કામ થઈ રહ્યું છે તે જોતાં અનેક નૈતિક સવાલો ઊભા થાય છે! આજે કૃત્રિમ માંસ ઉદ્યોગ જમવાના ટેબલ પર સેલીબ્રીટીનું માંસ પીરસવાની પેરવીમાં છે. (AI) આવી અપ્રાકૃતિક ચેષ્ટાઓની ઝડપ અને તકો વધારશે.
Chat GPT થી માંડી GPT4 સુધીની ટેક્નોલોજી વિકસાવનાર કંપનીના વડા ગ્રેગ બ્રોકમેન કહે છે કે અમે ‘ટેક્નોલોજીના દુરુપયોગ માટે ચિંતિત હોવા છતાં તેનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી નથી.’
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
-
ઇશ્વરના ઇ મેઇલ….૯
નીલમ હરીશ દોશી
તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજી તો કેટલો ય દૂર છું.
હું તારામાં માનું છું એનું શું ?પ્રિય દોસ્ત,
તું મારામાં માને છે કે નહીં, મારા અસ્તિત્વને સ્વીકારે છે કે નહીં એની મને પરવા નથી. પણ દોસ્ત, હું ચોક્કસપણે તારામાં માનું છું. બાળક એના પિતાને નકારી શકે પણ એક પિતા એના શિશુને કેવી રીતે નકારી કાઢે ? મારે તો તારી પાસે, મારા શિશુ પાસે કેટકેટલી આશાઓ છે. તારા દ્વારા કેટકેટલા કામ મારે કરાવવાના છે. તું તો મારી પરમ આશા છે. હું તારો સહારો છું કે નહીં એ તને ખબર. પણ દોસ્ત, આજે મારે તો તારો જ સહારો છે. તારા સાથ, સહકાર, ઉમંગ વિના હું એકલે હાથે કયાં કયાં પહોંચી વળવાનો હતો ? દોસ્ત, મારા મંદિરે મારા શણગાર જોવાને બદલે, મારી આંખોમાં દ્રષ્ટિ કર. અને જોઇ શકે તો જો.. સમજી શકે તો સમજ કે આખરે મારી ઇચ્છા શું છે ? મને શું જોઇએ છે ? તારા ફેંકેલા પૈસા તરફ તો હું નજર સુધ્ધાં નથી નાખતો. તારા સોના, રૂપાના આભૂષણો મને નથી જોઇતા. મને તો જોઇએ તારો સાથ, તારો સ્નેહ, તારું સત્કર્મ.
દોસ્ત, એક વાતની તને અચૂક જાણ છે કે મોબાઇલમા નવા મેસેજ માટે જૂનાને ડીલીટ કરવા પડે. નવા માટે જગ્યા કરવી પડે, જૂનાએ જવું પડે. જેમ બહાર જવું હોય તો પહેલા ઘર છોડવું પડે. છોડયા સિવાય કદી નવું મેળવી શકાય નહી.સ્લેટમાં લખાયેલું પહેલા ભૂંસીએ તો જ નવું લખી શકાય ને ? બહું સાદી અને સીધી વાત છે ને ? દોસ્ત, નવા વિચાર માટે, નવા કાર્ય માટે જૂના પૂર્વગ્રહના જાળાઓને, જૂના રાગ દ્વેષ, વેર ઝેરને ડીલીટ કરવા પડે. દોસ્ત, નવેસરથી, નવી રીતે ,કશુંક નવું કરવાની એક અલગ મજા છે. તને જે સારો વિચાર આવે તે અમલમાં મૂકતા ગભરાઇશ નહીં.રસ્તા અનેક છે,બસ ચાલવાની ધગશ હોવી જોઇએ. શાંતિથી બેસીને વિચાર કરીશ તો સારું કામ કરવાના અનેક રસ્તા આપોઆપ સૂઝશે. અને જે રસ્તો સારો અને તને અનુકૂળ જણાય તે રસ્તે ચાલવાનું શરૂ કરવું એ જ જીવનની એક નવી શરૂઆત છે. કોઇ સાથે ન ચાલે તો પણ દોસ્ત, ડર્યા સિવાય ચાલતો રહેજે, તારું કર્તવ્ય કરતો રહેજે અને મારામાં વિશ્વાસ રાખજે..હું તને દેખાઉં નહીં તો પણ હું હમેશા તારી સાથે જ છું.અને રહીશ. તારી ધીરજની, તારી નિષ્ઠાની કસોટી અચૂક થશે.પણ દોસ્ત, જો મારામાં શ્રધ્ધા રાખીને ધીરજ નહીં ગુમાવે તો હું કદી તારો સાથ નહીં છોડું. બાકી દોસ્ત, ચીલે ચીલે તો સહુ ચાલે, પોતાની અલગ કેડી બનાવવી એ મોટી વાત છે. એ અલગ કેડી બની શકે મુશ્કેલ હોય, શરૂઆત અઘરી લાગે પણ દોસ્ત, અઘરાથી ડરવાને બદલે કોઇ સારા કામની નાનકડી પણ શરૂઆત કરીશ તો દોસ્ત, હું એક કે બીજા સ્વરૂપે તારી સાથે જ રહીશ એ વિશ્વાસ રાખજે. મને તારા ચાલવાની, એક ડગની પ્રતીક્ષા છે અને હું પણ તારી સાથે ચાલવા આતુર છું.
લિ. ઇશ્વરની યાદ
પ્રાર્થના એટલે… રોજ રોજ આપણા શ્રધ્ધાદીપને પેટાવવો.
જીવનનો હકાર..
થેન્કયુ અતીત,તેં શીખવેલા પાઠ માટે, ભવિષ્ય , હુ તારા માટે તૈયાર છું, ઇશ્વર,બીજી તક આપવા માટે આભાર.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?
નિસબત
ચંદુ મહેરિયા
રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીના દેશ અમેરિકામાં અઢાર થી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીમાં ૩૬ ટકા છે. પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.
અમેરિકાએ ૧૯૭૧ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જોકે ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. ૧૯૯૬માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેકશનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ ૨૦૦૮માં બરાક ઓબામાના ઈલેકશન વખતે બદલાયું હતું. હવે કુલ યુવા મતદારોમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.
દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે. પરંતુ આફ્રિકાના ભાગ્યે જ કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે.
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વરસના છે. તેઓ યુવાનો જેવી ઉર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ , ન રિટાયર્ડનું વલણ ધરાવતા હોવાનું કહેવાય છે. જોકે રાજનીતિમાંથી નિવૃતિની ખુદ તેમણે બાંધેલી ૭૫ વરસની વયે પહોંચવામાં છે.
ભારત પણ યુવા વસ્તીનો દેશ છે. ૨૦૧૧માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી ૫૦ ટકા હતી. પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. ૧૯૫૨ થી ૫૭ની પહેલી લોકસભાના સમય ગાળામાં ૨૫ થી ૪૦ની વય ધરાવતી વસ્તી દેશમાં ૨૨.૨૫ હતી. આ જ ઉમરના લોકસભા સભ્યો ૩૦.૩૦ ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે ૧૯૫૨ની ૨૨.૨૫ ટકાની યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨૫.૭૬ ટકા થઈ છે. પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ પહેલી લોકસભામાં જે ૩૦.૩૦ ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં ૧૦.૬૮ ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ત્રણ ગણું ઘટ્યું છે. વળી પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ વરસ હતી આજે અઢારમી લોકસભામાં ૫૫.૬ વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ ૧૯ ટકા લોકસભ્યો ૫૫ વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં ૫૧ ટકા લોકસભા સભ્યો ૫૫ વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃધ્ધો વધી રહ્યા છે.
૧૮૯૬માં જન્મેલા મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડાપ્રધાન બન્યા ત્યારે ૮૧ વરસના હતા. રાજીવ ગાંધી માત્ર ૪૦ વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ ૫૮ અને ઈન્દિરા ગાંધી ૪૯ વરસની ઉમરે વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર તેર દિવસના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની વય ૭૨ વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉમરે મુખ્યમંત્રી પદે પહોંચ્યા હતા. ૨૯ વરસની વયે ૧૯૬૭માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા ૩૪ વરસે અસમના અને શરદ પવાર ૩૮ વરસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ચૂકયા હતા.
ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ દેશના ૬૭ ટકા રાજ્યોના મુખ્યમંત્રીઓ સિત્તેર કે તેથી વધુ વરસની ઊમરના હતા. કર્ણાટક, કેરળ અને બિહારના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં મોટી ઉમરના રાજનેતાઓ મુખ્યમંત્રીની કમાન સંભાળે છે. અરૂણાચલના મુખ્યમંત્રી ૪૪, મેઘાલયના ૪૫, ઉત્તરાખંડ અને ઝારખંડના ૪૮-૪૮, તથા પંજાબના મુખ્યમંત્રી ૫૦ વરસના, પ્રમાણમાં નાની વયના, છે. મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે તેની નવી હરોળના, પ્રમાણમાં મધ્ય વયના, નેતાઓને મુખ્યપ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાન મંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે.
દેશમાં યુવા ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ મેઘાલયમાં છે. મેઘાલય વિધાનસભામાં ૨૮ ટકા ધારાસભ્યો ૨૫ થી ૪૦ વયજૂથના છે. ૨૬ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં ૪૧ વરસથી વધુ ઉમરના ધારાસભ્યો ૮૦ ટકા છે. ૪૦ વરસથી ઓછી વયના ધારાસભ્યો દેશમાં ૧૯ ટકા જ છે. દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં તો યુવા ધારાસભ્યોનું પ્રમાણ સાવ જ અલ્પ છે. નાગાલેન્ડમાં ૩ ટકા અને તમિલનાડુમાં ૬ ટકા જ ધારાસભ્યો યુવા એટલે કે ૪૦ થી ઓછી ઉમરના છે.
રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનના પદોમાં પણ જુવાનિયાઓને બદલે બુઝુર્ગોને આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જય પ્રકાશ નડ્ડા ૬૪ વરસના છે તો વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૮૨ના છે. વળી યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રી મંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ , તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ. પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.
જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું? એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડાપ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતના દીર્ઘદ્રષ્ટિના કામો કર્યા, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમના સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયો ભયો એવું ના હોય.
પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર તે જ સાચું નથી. ૧૮૬૯માં જન્મેલા મોહનદાસ ગાંધી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે ૪૬ વરસના હતા. ૪૬ વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ના માત્ર ઘરડાં ગાડા વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે પણ તે જ એક માત્ર માપદંડ ના હોઈ શકે.
યુવા અને વયસ્ક , નવ જુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધા ક્ષેત્રોમાં સારા પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવના ગાણા ગાવાના બંધ કરવા પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શિખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીજ હૈ ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકમાં શૌરિનો પડકાર
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ગાંધી શ્રાદ્ધ પર્વના આખરી દિવસ સારુ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અરુણ શૌરિએ ઝડપેલો સાવરકરનો એક્સ-રે ખાસી ચર્ચામાં છે. ‘ધ ન્યુ આઈકોન: સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’નું પ્રકાશન આમ તો ત્રીસમી જાન્યુઆરીએ થવાનું હતું, પણ જેમ તારીખ પસંદગીનું ચોક્કસ કારણ હતું એમ ચોક્કસ વર્તુળોમાંથી તે બાબતે વિરોધની પ્રતિક્રિયા પણ અપેક્ષિત હતી. અંતે આ પુસ્તક એકત્રીસમી જાન્યુઆરીએ વિધિવત રમતું મેલાયું છે.
ગાંધીહત્યા સાથે સાવરકરની કથિત સંડોવણી હંમેશ એક વિવાદમુદ્દો રહેલ છે. એ બાઈજ્જત બરી થયાનું કહેવામાં આવે છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે એમની મુક્તિ કોરોબરેટિવ પુરાવાના અભાવે થઈ હતી. ૧૯૬૭માં રચાયેલી કપૂર કમિટીએ વિગતવિશદ તપાસથી દર્શાવ્યું છે કે આવો પુરાવો મેળવવાનું ને આપવાનું ૧૯૪૮માં નિ:શંક શક્ય હતું, પણ તંત્ર એમાં ઊણું પડ્યું. શૌરિ આ પ્રકરણમાં નથી ગયા એમ નથી, પણ એમનો આશય આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં જે એક પ્રતિમાના નવસ્થાપનનો ઉજમ ફેક્ટરી એક્ટની તમા વિના અહોરાત્ર ચાલી રહ્યો છે એની સમગ્ર તપાસનો છે. ભાજપ દીનદયાલ ઉપાધ્યાયનો સતત મહિમા કરે છે અને પક્ષના બંધારણમાં એમના એકાત્મ માનવ દર્શનની સ્વીકૃતિપૂર્વકની વિધિવત કલમ પણ છે. તેમ છતાં, કેમ જાણે આ પક્ષને ખેંચતી પ્રતિભા ને પ્રતિમા સાવરકરની છે.
કેન્દ્રમાં મોદી દશકના ઉત્તરાર્ધમાં વિક્રમ સંપત અને ઉદય માહુરકરનાં પુસ્તકો આવ્યાં છે. વરિષ્ઠ પત્રકાર રહેલા ઉદય માહુરકર ચિરાયુ પંડિતના સહયોગમાં ૨૦૨૧માં ‘વીર સાવરકર: ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે તેઓ સેન્ટ્રલ માહિતી કમિશનર હતા તે લક્ષમાં લઈએ તો ઓપરેશન સાવરકર પૂંઠે રહેલી ભલે પરોક્ષ પણ સરકારી આયોજના સ્ફૂટ થયા વિના રહેતી નથી. માહુરકરની કિતાબનું છેલ્લું વાક્ય બિલકુલ ‘ડંકે કી ચોટ’ સ્કૂલનું છે કે દાયકાઓ લગી કોરાણે રહી ગયા પછી હવે સાવરકરનો જમાનો આવી પુગ્યો છે. ઉલટ પક્ષે, વાજપેયી પ્રધાનમંડળ પર રહી ચૂકેલા શૌરિના પુસ્તકનું શીર્ષક જ સૂચવે છે તેમ તે એક ‘આઈકોન’ કહેતાં દેવપ્રતિમા બાબતે ખરી તપાસ બલકે ખંડનના જોસ્સાથી ખાસી સંદર્ભ સામગ્રી સાથે બહાર પડ્યા છે.હાલની સાવરકર ચર્ચામારી અને તર્કાતર્કીમાં આગળ જતાં પૂર્વે હું જરી આત્મકથાત્મક ઢબે સ્વરાજની પંચોતેર વરસની યાત્રામાં પાછો જવા ચાહું છું. ૧૯૪૮માં ગાંધીહત્યા (ગોડસેની ભાષામાં ‘ગાંધીવધ’) વખતે હું આઠેક વરસનો હોઈશ ત્યારે શકમંદોમાં સાવરકરનુંયે નામ ઉછળ્યું હતું, પણ મોખરે રહેલું નામ સ્વાભાવિક જ ખુદ નથુરામ ગોડસેનું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે વડોદરામાં અમારી રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન હનુમાનની જોડે અભ્યંકરની દુકાન પર હલ્લો થયેલો, કેમ કે એ ગોડસેના મામાની દુકાન હોવાનું કહેવાતું હતું. મહારાષ્ટ્રની વાત જુદી હોઈ શકે પણ દેશના જાહેર મતમાં અને ઉછળતી લોકલાગણીમાં સાવરકર સહેજસાજ હોય તો પણ અદાલતે બરી કર્યા પછી એ ખાસ ચર્ચામાં નહોતા.
જે ઝાંખીપાંખી છાપ તે પછી તરતના સમયગાળાની મને છે તે ૧૮૫૭નાને પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે નિરૂપતી એમની કિતાબની એ ગુજરાતી અનુવાદમાં પણ સુલભ છે. એક લેખક તરીકે, પોતાની તરેહના ઈતિહાસકાર તરીકે, એમની જરૂર પ્રતિષ્ઠા હશે. એક અંતરાલ પછી, ૧૯૭૬માં કટોકટીકાળે વડોદરાના જેલવાસમાં સીપીએમના વસંત મહેન્દળે સાથે સાવરકરના વિજ્ઞાનનિષ્ઠ નિબંધો વાંચ્યા એ એક જુદો જ અનુભવ હતો. એમના મતે જે સ્વર્ણિમ ઈતિહાસપૃષ્ઠો હતાં તેનુંયે વાંચન કર્યું. વીસમી સદીના ભારતમાં વિવિધ રાજકીય પ્રવાહોમાંના એકથી વિશેષ કોઈ તત્કાળ ચર્ચામુદ્દો સાવરકર ત્યારે લગભગ નહોતા. ૧૯૯૮-૨૦૦૪ ના વાજપેયી કાળમાં એ જરૂર ચિત્રમાં આવ્યા, પણ આજની જેમ એક કેન્દ્રીય વિમર્શ તરીકે એ હજ ઉભર્યા નહોતા. પણ હવે એમનો જે દબદબો છે તે ત્યારે નહોતો તે નહોતો.
આ સંજોગોમાં શૌરિ મૂર્તિભંજનના જોસ્સા સાથે બહાર પડ્યા છે. સાડા પાંચસો જેટલા સંદર્ભસ્ત્રોતોથી એ સજ્જ છે. વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને (સીમિત અર્થમાં સેક્યુલર લેખનને) અને ઈતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે. ગાયને માતા કહી પૂજવાની વેવલાઈ સાવરકરને બહાલ નથી. જે અર્થમાં ગૌરક્ષા એ હિંદુત્વ રાજનીતિનો મુદ્દો છે તે સાવરકરને ગ્રાહ્ય નથી. પોતે લંડનમાં ગાંધી સાથે મિત્ર તરીકે વાસ કર્યાના સાવરકરના દાવાને કે સુભાષબાબુને આઝાદ હિંદની પરિકલ્પના ને વ્યૂહરચના પોતે સમજાવી હતી એવા દાવાને પણ શૌરિએ પ્રમાણપૂર્વક પડકાર્યો છે, અને જાપાન તરફથી સહકારપ્રાપ્ત આઝાદ હિંદ ફોજ એક પા તો બીજી પા બ્રિટિશ લશ્કરમાં હિંદુ ભરતીનો સાવરકરી ઝુંબેશ બેઉ વચ્ચેના આંતરવિરોધનો મુદ્દો પણ ઉપસાવ્યો છે. ક્યારેક કથિત જમણેરી છેડે તો અત્યારે કથિત લેફ્ટ-લિબરલ છેડે વરતાતા શૌરિ એક સ્વતંત્ર અભ્યાસ વિષય છે. પણ આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકી આવેશ પરત્વે એમની દરમ્યાનગીરી પૂરક, ઉપકારક ને સંસ્કારક ખસૂસ હોઈ શકે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૬૬) – સુભાષબાબુનું પરાક્રમ (૩)
દીપક ધોળકિયા
સુભાષબાબુ સુકાન સંભાળે છે
સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.
સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.
સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્ભાવનું વાતાવરણ રચાયું.
૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને ‘દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી.
સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.
સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.
પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.
આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર
તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.
સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

આરઝી હકુમત
૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.
આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા
ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.
પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે, પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.
બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી
૦૦૦
સંદર્ભઃ
Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
પૂળો મૂક્યો
આશા વીરેન્દ્ર
‘મિસિસ સુહાસિની પંડ્યા’. સ્ટેજ પર મૂકેલી એનાં નામની તકતીની પાછળની ખુરશી પર બેસીને એ પ્રેક્ષાગાર તરફ નજર નાખી રહી. આટલા લોકો હાજર હોવા છતાં એની નજર એ વ્યક્તિને શોધી રહી હતી જે આજે હયાત જ નથી. કદાચ હોત તો પણ સૌરભ આ સન્માન સમારંભમાં આવત? આમ તો એણે નક્કી કર્યું હતું કે, આ આનંદના અવસરે જીવને દુ:ખી કરે એવી વાતો યાદ કરીને મૂડ બગાડવો નથી પણ અવળચંડુ મન ક્યાં વશમાં રહે એમ હતું ?
જોકે, સગાઈ થયા પછી મંજુમાસીએ એને એકાંતમાં ચેતવી હતી,
“છોકરાવાળાંના પાડોશમાં રહેતી મારી બહેનપણી રુપાએ મને કહ્યું કે, ‘ છોકરાની મા બહુ માથાભારે છે. દીકરો એ પીવડાવે એટલું જ પાણી પીએ છે. એટલે જોઈ-વિચારીને આમાં પડજો. પછી પસ્તાવાનો વારો ન આવે !’ બેટા, હજી પણ સમય છે. તું કહે તો હું જીજાજીને વાત કરું.”
“અરે માસી, શા માટે આટલી ચિંતા કરો છો? બોલવાવાળાં તો બોલ્યાં કરે ! ને કદાચ આ વાત સાચી પણ હોય તોયે હું પરિસ્થિતિને પહોંચી વળીશ.”
પરણીને શ્વસુરગૃહે આવી ત્યારે આંખોમાં કેટકેટલાં સોણલાં આંજીને આવી હતી! પણ લગ્નની પહેલી જ રાતે એને અંદાજ આવ્યો કે પેલી વાત સાવ તથ્ય વિનાની નહોતી. મધુરજનીની કલ્પનાઓ તો ત્યારે જ કકડભૂસ થઈ ગઈ જ્યારે ઘરચોળું કાઢીને નાઈટી પહેરી પતિની નજીક આવવાનો પ્રયત્ન કરતી સુહાસિનીને સૌરભના કડક અવાજે અટકાવી દીધેલી,
“આપણો સંસાર શરૂ કરતા પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી છે.”
એ સ્તબ્ધ થઈ ગયેલી. લગ્નની પ્રથમ રાત્રિએ ચોખવટ ? પતિના બોલવાની રાહ જોઈને એ ચૂપચાપ બેસી રહી હતી.
“મારો જન્મ પણ નહોતો થયો ત્યારે મારા પપ્પાનું અકસ્માતમાં અવસાન થયેલું. મમ્મીને સાસરીમાં કે પિયરમાં કોઈ આધાર નહોતો. મારે ખાતર ઝઝૂમી ઝઝૂમીને એણે મને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. સાચું કહું તો મેં એને ખાતર જ લગ્ન કર્યા છે. એનાં મન પર નાનો એવો ઘસરકો પણ ન પડે એનું હંમેશા ધ્યાન રાખવું પડશે કેમકે, મારે માટે તો મારી મમ્મી જ મારી દુનિયા છે.”
એના હોઠ જરાક ફફડ્યા કે, તો પછી મારું સ્થાન ક્યાં છે? પણ તરત એણે હોઠ સીવી લીધા. તે દિવસથી એણે સમજી લીધું હતું કે, આ મા-દીકરાની દુનિયામાં હું એક આગંતુક છું. તેમ છતાં બંનેને પોતાના કરી લેવા એણે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આદર્યા હતા.
“ મમ્મી, તમે રહેવા દો, શાક હું બનાવી કાઢીશ.”
“ના રે, સૌરભ જોતાવેંત સમજી જશે કે, આવું તેલ- મરચાંથી ભરપૂર શાક એની માનું બનાવેલું ન હોય. ખસ, શાક હું વઘારું છું.”
“મારે ઑફિસ બેગ, શર્ટ-પેન્ટ વગેરે લેવાનું છે…” સુહાસિનીએ આશાભરી મીટ માંડી કે, હમણાં કહેશે કે, “ચાલ મારી સાથે.” પણ ત્યાં તો તૈયાર થઈને આવેલાં સાસુમાએ ઓર્ડર છોડ્યો,
“અમે ખરીદી કરવાં જઈએ ત્યારે તારું થોથું લઈને બેસી નહીં જતી. પરણ્યાને બે વરસ થયાં. હવે ઘરનાં કામકાજમાં જરા ધ્યાન આપો ! હું ક્યાં સુધી વૈતરાં કર્યા કરીશ?”
રિયાના જન્મ પછી પરિસ્થિતિ બદલાશે એવી સુહાસિનીની આશા ઠગારી નીવડી, તે છતાં જે છે તે આ જ છે એવું એણે સ્વીકારી લીધું હતું, પણ હા, પેલો સાહિત્ય રસિયો જીવ એનો પીછો નહોતો છોડતો. હાથમાં મનગમતા કવિનું પુસ્તક આવે તો ગમેતેમ કરીને એ પૂરું કર્યે છૂટકો કરતી. ધીમેધીમે કરતા એને લાગવા માંડ્યું હતું કે, હુંય લખી તો શકું. મારે કોશિશ કરવી જોઈએ. અને એમ ચોરીછૂપીથી લખતાં લખતાં એની કોરી ડાયરીનાં પાનાંઓ ગીત, ગઝલ અને કવિતાઓથી શણગારાવાં માંડ્યાં. એ જોઈ જોઈને હરખાતી, ‘ભલે ને ક્યાંય ન છપાય, પણ મને કંઈ સર્જન કર્યાનો આનંદ તો મળે છે !
પણ એ આનંદ લાંબું ન ટક્યો. વાંચવામાં મશગૂલ સુહાસિનીની ઘ્રાણેંદ્રિય સુધી જે શાક બળવાની વાસ નહોતી પહોંચી એ સાસુમાનાં સંવેદનશીલ નાક સુધી પહોંચી ગઈ, તે દિવસે એક અગત્યનો નિર્ણય લેવાઈ ગયો- હવે પછી આવા ઉધામા આ ઘરમાં ન જોઈએ. પતિએ તો ત્યાં સુધી કહી દીધું-“ ઘર સાચવવાની ત્રેવડ ન હોય તો પૂળો મૂક આ તારી ડાયરીઓમાં. લખ લખ કરવાથી કંઈ માન-ચાંદ નથી મળી જવાના !”
આવેશમાં આવીને એણે બધી ડાયરીઓ ભેગી કરીને એમાં પૂળો મૂકી દીધેલો. ભડ ભડ બળતી જ્વાળાઓ સામે જોઈ રહેલી સુહાસિનીમાં એ વખતે અચાનક જ એક ચિનગારી પ્રગટી. એણે નિર્ણય કરી લીધો- “કદાચ જે સત્વહીન હશે એ આ અગ્નિમાં ભલે સ્વાહા થઈ ગયું. હવે મારી અંદર રહેલી સર્જનાત્મકતાને હું બહાર લાવીશ.”
સાસુના ગયા પછી સૌરભ વધુ ને વધુ કોચલામાં પૂરાતો ગયો. સુહાસિની કે રિયા સાથે તો આમ પણ એનો જાણે ઉપરછલ્લો જ સંબંધ હતો. મનની લાગણીઓને દબાવી દબાવીને જીવી રહેલા સૌરભને પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારથી વાચા જતી રહેલી. રાત-દિવસ જોયા વિના એની સેવા પાછળ મચી પડેલી સુહાસિનીને એણે ઈશારાથી તકિયા નીચે રાખેલું કવર જોવા કહ્યું જેમાં એક બ્લેંક ચેકની સાથે મૂકેલા પત્રમાં આજ સુધી કરેલી ભૂલો માટે માફી યાચના કરીને આ ચેક એનાં પુસ્તકનાં પ્રકાશન માટે વાપરવાની વિનંતી કરી હતી.
આજે મળી રહેલા ‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કારનાં મૂળમાં પેલો ચેક અને પત્ર છે એ હકીકતથી એની આંખો ભીંજાઈ. પોતાનાં વક્તવ્યમાં એણે કહ્યું,
‘આજે તમે સૌએ મને આ સન્માનને લાયક ગણી છે એની પાછળ મારાં દિવંગત સાસુજી અને મારા પતિનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. આ તકે હું એમનો ઋણસ્વીકાર કરું છું.’
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
