-
હિંદુ ધર્મનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડાપ્રધાન વાજપેયીએ ૨૦૦૨માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી. વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કોંગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?
આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં ૧૯૫૪માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક. મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે: ‘… ૧૯૫૪માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’
આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે: ‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાંય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે… આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઈતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો- આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’
આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે: ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’ ૧૯૬૭ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં ૧૯૬૭ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું. કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે: ‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’ મુનશી એ સજ્જનને લખે છે: ‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’
આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’- આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.
વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? ૧૯૪૮ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. ૧૭મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને ૩૦મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે: એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે. એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો: ‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું… આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું… આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લમ છો, ને હું હિંદુ- પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’
સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૫-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પુનઃશ્ચ વર સંશોધન
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘આષાઢમાં આકાશ તૂટ્યું‘થી આગળ
છ-સાત મહિના ગયા. લોકો બાબા પાસે મારા માટે પ્રસ્તાવ લાવવા લાગ્યા. કોઈકે છ સંતાનવાળો વિધુર બતાવ્યો! આ જાણે ઓછું હોય તેમ તેમની ઘરની પરિસ્થિતિ ઘણી પાતળી હતી. મેં ભગવાન પાસે પ્રાર્થના કરી અને માનતા રાખી, “હે ઈશ્વર, જિંદગીભર મારાં લગ્ન ન થાય તો ચાલશો, પણ આ જગ્યાએ તો મારાં લગ્ન કદી થવા ન દેશો.’ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. મારાં નસીબ એવાં કે મારા માટે આવા ને આવા જ પ્રસ્તાવ આવવા લાગ્યા. હું ઘણી કંટાળી ગઈ. સોના જેવા મારાં ચાર ભાંડુડાં ગયાં તેને બદલે ભગવાને મને બોલાવી લીધી હોત તો કેટલું સારું થાત!
હવે તો અમારો ઓર્ડરલી પણ મારી ટીખળ કરવા લાગ્યો. ‘મોટી બહેનનાં લગ્નમાં ડબ્બા ખખડાવીશું, અને દમુબહેનનાં લગ્નમાં મોટો બૅન્ડ લાવીશું.’ મને ઘણો ગુસ્સો આવતો, અને કહેતી, “અરે, એવું હોય તો ઘાસલેટના ડબ્બા ખખડાવવા જેવો યોગ કરી લાવ ને! હું તો એમાં પણ રાજી થઈશ.’
આવો યોગ આવ્યો નહિ.
બાબાની નિવૃત્તિની તારીખ નજીક આવવા લાગી. તેમને મારાં લગ્ન ઘણા હોંશથી કરવાં હતાં. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, છતાં ક્યાંય સફળતા ન મળી. હું પણ એવી અભાગણી કે ક્યાંક વાત ચાલે કે કોઈક અડચણ વચ્ચે આવતી. મારાં લગ્ન તો ન થયાં, પણ બાબાની રિટાયરમેન્ટની તારીખ આવી ગઈ. અમે બધાં વિજાપુર ગયાં.
મારા પિતરાઈ કાકા જે અમારી કોંકણની જમીનનો વહીવટ જોતા હતા તેમનું વડોદરા ખાતે અવસાન થયું. તેમને બે દીકરા અને એક દીકરી હતાં. અમારા પિતરાઈ કાકાની પશ્ચાત તેઓ જ અમારી જમીનનો વહીવટ જોતા હતા. બાબાએ વિચાર કર્યો કે ગામ જઈને જમીનની હાલત જોઈ આવીએ. અમને બધાંને બાઈજીમાસીને ઘેર મૂકી બાબા, કાકી અને બા વતન ગયાં. ગામ જઈને તેમણે જમીનો જોઈ. અમારાં મકાન તો વેરો ન ભરાવાને કારણે સરકારમાં ખાલસા થયાં હતાં. જમીનની દુઇ જોઈ તેમને ઘણું દુઃખ થયું. વંશપરંપરાગતની જમીનો હોવાથી બધાં ખેતરો અને વાડીઓની હજી પણ અમારા પિત્રાઈઓ સાથે સંયુક્ત માલિકી હતી, તેથી તે લોકો કોંકણ આવીને જે મળે તે ઊપજ લઈને બેસી જતા હતા. અમારા તરફથી જોનારું તો કોઈ હતું નહિ, અને મારી બા અને બાબાએ તો તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો હતો.
બાબાએ ઝીણવટથી જમીનના કાગળપત્ર અને દસ્તાવેજ જોયા ત્યારે ખબર પડી કે અમારાં કેટલાંક ખેતર પિતરાઈએ. ગિરવી મૂક્યાં હતાં, જેની અમને કોઈને ખબર પડવા દીધી નહિ. એક મહિનો ત્યાં રહ્યા પછી બાબા, કાકી અને બા પાછાં વિજાપુર આવ્યાં, અને મને અને દમુને વડોદરાથી બોલાવી લીધાં.
અમને વિજાપુર જઈને માંડ થોડા દિવસ થવા હશે ત્યાં બાઈજીમાસીએ બાને સંદેશો મોકલ્યો કે લીલાને લઈને તાબડતોબ વડોદરા આવો. તેમણે મારા માટે એક મુરતિયો નક્કી કર્યો હતો, અને તે લોકો મને જોવા માગતા હતા. બાબા આ સાંભળીને ખુશ થયા અને બાની સાથે મને તરત વડોદરા જવાની વ્યવસ્થા કરી આપી.
અમે વડોદરા પહોંચ્યાં અને ઘેર જઈને જોયું તો બાઈજીમાસી અમે પહોંચીએ તે પહેલાં જ ત્યાંથી પલાયન કરીને મુંબઈ જતાં રહ્યાં હતાં! બાને એટલો સખત આઘાત લાગ્યો કૈ તે માંદી પડી ગઈ. સતત તાવ આવવો શરૂ થઈ ગયો.
બાઈજીમાસી પર બાબા ઘણા ગુસ્સે થતા. બાની પાછળ પડીને તેમણે અમારું વડોદરાનું ઘર વેચાવ્યું તેની બાબાને ખબર પડવા ન દીધી. એટલું જ નહિ, પણ ઘર વેચ્યા બાદ આવેલી રકમમાંથી બચેલા બધા પૈસા નાનાજીનું ગિરવી રાખેલું મકાન છોડાવવાના સબબથી બાઈજીમાસીએ લઈ લીધા હતા અને તેમાંની પાઈ પણ પાછી આપી ન હતી. વળી નાનાજીને ઘેર જેટલો વખત રહ્યા તે દરમિયાન બાને ગૌરવથી જીવવાની તક આપી ન હતી. અંતે અમને આશરો બાબાએ જ આપ્યો. કેવળ આશ્રય નહિ, બા મોટાં ભાભી હતાં તેનું માન રાખી માતા જેવું સ્થાન આપ્યું હતું. અમારા માટે બાબા અને કાકીએ જેટલું કર્યું એટલું કોઈએ ન કર્યું. જ્યારે બાઈજીમાસી – મારાં સગાં માસીએ પોતાનો સ્વાર્થ સાધવા સારાસાર વિવેક બુદ્ધિને તિલાંજલિ આપી હતી.
બીમાર બાની સાથે અમે વડોદરા બાઈજીમાસીની પાછા આવવાની રાહ જોઈને બેસી રહ્યાં. તેઓ તો પાછા આવવાનું નામ જ લેતાં નહોતાં, તેથી બા અને હું બાના પિતરાઈ ભાઈને ઘેર રહેવા ગયાં. બાનો તાવ ઊતરતો નહોતો તેથી તે મામીને ઘરકામમાં જોઈએ એટલી મદદ કરી શકતી ન હતી. પરિણામે તેને મામીનાં મહેણાંટોણાં અને આડકતરી રીતે બોલાતા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા. આની પરાકાષ્ઠા થવા લાગી અને મને તેનું અત્યંત દુઃખ થતું. જ્યાં સુધી બા તનતોડ મહેનત કરી લોકોને મદદ કરી, તેમનાં બધાં ઘરકામ સંભાળી લેતી હતી ત્યાં સુધી તે તેમને વહાલી લાગતી હતી. આમાં મીઠી વીરડી સમાન અપવાદ ફક્ત મારાં બાબા અને કાકી હતાં. તેમણે તો બાને માતા ગણીને સ્નેહ આપ્યો હતો અને મને અને દમુને દીકરીઓનું સ્થાન.
બાની સ્થિતિ જોઈ મને અપાર દુઃખ થયું. મારે લીધે જ તેને આ વિટંબણા સહન કરવી પડી હતી. અને માંદી પડી ગઈ હતી. પિતા પાસેથી અમને રતીભાર સુખ નહોતું મળ્યું. બા બધાંનાં મન અને માન સાચવીને અમને સંભાળતી હતી. એના દુઃખનો આજે વિચાર કરું છું તો મન અને હૃદય કંપી ઊઠે છે, વિદીર્ણ થઈ જાય છે. લગ્નની ઉમરે પહોંચેલી બે સમજુ અને શાણી દીકરીઓનાં અવસાન તેણે જોયાં હતાં. દિયરનાં નાનાં નાનાં બાળકોનાં નિધન તેણે જોયાં હતાં. આ જાણે ઓછું હોય તેમ તેના નસીબમાં હું હતી. મારાં લગ્ન થતાં નહોતાં તેની તેને ઊંડી વ્યથા હતી. મારા માટે બાની છાયા એક વિશાળ વટવૃક્ષ જેવી હતી. થતું, ભલે મારાં લગ્ન ન થાય, ભલે મારી પાસે બીજું કશું ન હોય, પણ મારી પાસે મારી મા છે ને! પણ હું ક્યાં એટલી ભાગ્યવાન હતી!
મારા કમભાગ્યે બાની માંદગી વધવા લાગી. બાઈજીમાસીના કોઈ સમાચાર નહોતા. અમે હજી મારા પિતરાઈ મામાને ઘેર હતાં. પરાયા ઘરમાં માંદા પડેલા મહેમાનને પથ્ય-પાણી ક્યાંથી મળે? મામા પર મારો વધારાનો બોજો હતો એવું
લાગતાં બાને તેમની પાસે મૂકી હું એકલી વિજાપુર ગઈ.
બાબા બાહોશ પોલીસ અધિકારી હતા, તેથી સૌરાષ્ટ્રના એક નાનકડા દેશી રજવાડાએ તેમને ફોજદાર તરીકે તેમના રાજ્યમાં કામ કરવા નિમંત્રણ આપ્યું. હું તો એકદમ ગભરાઈ ગઈ બાને એકલીને વડોદરા મૂડીને સૌરાષ્ટ્ર જવાનું થાય તો તેનું કોણ ધ્યાન રાખે? અમારા ‘મહાન’ બાઈજીમાસી થોડાં જ તેને પોષવાનાં હતાં? અને થયું પણ એવું જ. બાબાને સૌરાષ્ટ્રમાં નોકરી મળી છે એવું સાંભળતાં જ બાઈજીમાસી તાબડતોબ મુંબઈથી વડોદરા પાછા આવી ગયાં અને બાની હાલત ગંભીર હતી તો પણ તેને લઈ વિજાપુર મૂકી ગયાં. અમારા બાબા પોતાનાં માતૃતુલ્ય ભાભીને કોઈની પાસે છોડીને જાય તેવા હતા જ નહિ, તે બાઈજીમાસી જેવાં માણસ કેમ સમજે? એક તો બાની બધી મિલકત માસીએ. પચાવી પાડી હતી, અને બાની આવી બીમાર હાલતમાં જબરજસ્તીથી વિજાપુર મૂકીને જવા લાગ્યાં ત્યારે બાથી રહેવાયું નહિ. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. નાનાજીનું ઘર છોડાવવા માટે બાઈજીમાસીએ પૈસા લીધા હતા તેમાંની એક પણ. પાઈ તો તેમણે બાને આપી નહિ તે નહિ જ, પણ બાના પૈસાથી છોડાવેલા નાનાજીના મકાનની પછીતમાં મોટી ખુલ્લી જમીન હતી તે પણ. તેમણે ચૂપચાપ વેચી નાખીને ઘણા પૈસા ઊભા કર્યા હતા જેનો તેમણે કોઈને – અરે, પોતાની સગી માને – મારાં નાનીને – પણ હિસાબ આપ્યો નહોતો.
બાએ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારા પૈસા મને મળવા જ જોઈએ. બાઈજીમાસીએ, ઘણી આનાકાની કરી. અંતે તેમણે ચારસો રૂપિયા કાઢચા, પણ બાને આપવાને બદલે તેમના પિતરાઈ ભાઈને આપ્યા અને તેમને કહ્યું, “આ પૈસા લીલાનાં લગ્ન માટે રાખજો.’ બાકી હિસાબ આપવાની વાત માસીએ. ઉડાવી નાખી,
બાને રડતી મૂકી વડોદરા ઊપડી ગયાં, આવાં હતાં અમારાં સગાં માસી!
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
એ લોકો / સીતાજીની તોલે ન આવો
પ્રિયકાન્ત મણિયાર
એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે.એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.(૨)
અવિનાશ વ્યાસ
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોકાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધીપતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોતમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશમંથાવાળો ત્યાં ના ફાવ્યોમરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૧ – ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
નિરંજન મહેતા
૧૯૭૫ની ફિલ્મ ‘ઝમીર;નું આ ગીત બહુ પ્રચલિત છે.
ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
इसे खोना नही, खो के रोना नहीज़िन्दगी हसने गाने के लिए है पल
दो पल तेरे गिरने मे भी, तेरी हार नही
कि तू आदमी है अवतार नही
जो हो देश वो भेष बना प्यारे
चले जैसे काम चला प्यारे
प्यारे तू गम ना करज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
जहा सच ना चले, वहा झूठ सही
जहाँ हक़ न मिले वह लूट सही
यहा चोर है कई, कोई साधु नही
सुख धुंध ले, सुख अपराध नही,
प्यारे तू गम ना कर..સૌ સમજે છે કે જિંદગી ચાર દિવસની ચાંદની જેવું છે જેમાં ચઢાવ ઉતાર આવતા રહે છે. એટલે જેટલી સમય મળ્યો છે તે આનંદથી વિતાવવો એવો આ ગીતનો ભાવાર્થ છે.
કહે છે આવી પળોને માણો, તેને ગુમાવો નહી. કદાચ કોઈ કારણસર આ પળ ખોવાઈ જાય તો પછી તેનો અફસોસ પણ ન કરવો.
આવતા ઉતાર ચઢાવમાં પતન થાય તો પણ માનજે કે તેમાં તારી હાર નથી કારણ તું એક માનવી છે ઈશ્વર નહી એટલે આમ થાય તો તેનો અફસોસ ન કરવો. કહે છે જેવો દેશ તેવો વેશ. જીવનના રોજબરોજના કાર્યોમાં આ સિદ્ધાંત જો સમજાઈ જાય તો કામ સરળ થઇ જશે. જેમ જેમ દિવસો આવશે ત્યારે સુખ દુઃખ પણ આવશે. પણ તે બધાનો સ્વીકાર કર અને કોઈ રોદણા ન રડ.
આગળ ઉપર જરા જુદી ફિલસુફી કહી છે. કહે છે ક્યારેક સત્ય ન ચાલે ત્યારે જરૂર હોય ત્યાં જુઠનો આશરો લેવામાં કોઈ હરકત નથી. જ્યાં તમારા હક્કનું ન મળે ત્યાં તેને લૂંટી લેવામાં પણ અચકાવું નહી. કારણ બધા અહી સાધુ નથી અને ચોરોની કમી નથી. આ જો સુખ શોધવા માટે કરવું પડે તો તે કોઈ ગુનો નથી. એટલે તું શોક ન કરતો.
અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુંધિયાનવી અને સંગીત આપ્યું છે સપન ચક્રવર્તીએ. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વાદ્યવિશેષ (૨૭) – ફૂંકવાદ્યો (૪) – સુષીર ફૂંકવાદ્યો – સેક્સોફોન (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં વાત કરીએ સુષીર ફૂંકવાદ્યો વિશે. આ વાદ્યોમાં માઉથપીસ(જ્યાંથી વાદ્યમાં ફૂંક મારી, હવા દાખલ કરવામાં આવે છે)થી સહેજ આગળ રીડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે. રીડ એટલે સાદી ભાષામાં સાવ પાતળી, ફૂંક મારવાથી જેમાં કંપન પેદા થઈ શકે તેવી પટ્ટી. જેને તળપદી ભાષામાં પતરી કહેવાય છે. આવાં વાદ્યોને પણ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે – સીંગલ રીડ અને ડબલ રીડ. જો કે એ વિગતમાં આપણે નહીં ઉતરીએ.
રીડ અને માઉથપીસની વચ્ચે હવા દાખલ કરવાથી રીડમાં કંપન ઉત્પન્ન થાય છે, જેને લીધે ધ્વની પેદા થાય છે. સેક્સોફોન, ટ્રમ્પેટ અને ક્લેરીનેટ રીડવાદ્યોનાં મુખ્ય ઉદાહરણો છે. અત્રે ધ્યાન ખેંચવું જરૂરી છે કે હાર્મોનીકા/માઉથ ઓર્ગન જેવું પહેલી નજરે રમકડા જેવું લાગતું વાજીંત્ર પણ એક પ્રકારનું રીડવાદ્ય છે. સેક્સોફોન પીત્તળનું બનેલું હોવા છતાં તેની રચનામાં રીડ્સ આવેલી હોઈ, તેને બ્રાસ નહીં પણ વૂડવીન્ડ વાદ્ય ગણવામાં આવે છે. નીચે સેક્સોફોનની તસવીર જોઈ શકાય છે. આ વાજિંત્ર તેની રચના અને આકાર તેમ જ કદના આધારે ત્રણ અલગઅલગ પ્રકારમાં જોવા મળે છે. અલબત્ત, એ ત્રણેય પ્રકારનાં વાદ્યોના સ્વરમાં બહુ જ ઓછો તફાવત હોય છે અને બહુ અનુભવી કાન જ તેમને અલગ તારવી શકે છે. આપણે તેના સૌથી વધુ પ્રચલિત પ્રકારને જાણશું.

સેક્સોફોન વગાડવાની રીત અને તેના સ્વરથી પરિચિત થવા માટે સ્થાનિક કલાકાર પરેશ ભાટીયાએ એક જાહેર કાર્યક્રમમાં સેક્સોફોન પર વગાડેલું ફિલ્મ ઈન્તેકામનું ગીત ‘આ જાન એ જા’ સાંભળીએ.
હવે આ વાદ્યનો નોંધપાત્ર ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ગીતો માણીએ.
સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ સટ્ટા બાઝાર (૧૯૫૯)નું સદાબહાર ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મીલે થે’, જેમાં સેક્સોફોનના અંશો આસાનીથી પારખી શકાય છે. સંગીત નિર્દેશન કલ્યાણજી-આણંદજીનું છે.
૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ માયા માટે સલીલ ચૌધરીએ સંગીત તૈયાર કર્યું હતું. તેનાં ગીતો આજે પણ ભારે લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ગીત ‘જા રે જા રે ઉડ જા રે પંછી’ના વાદ્યવૃંદમાં સેક્સોફોન એક અવિભાજ્ય અંગ તરીકે કાને પડતું રહે છે.
ફિલ્મ પ્રોફેસર (૧૯૬૨)ની સફળતામાં તેનાં શંકર-જયકિશનના સંગીતમઢ્યાં ગીતોનો મોટો ફાળો હતો. આ ફિલ્મનું સેક્સોફોનના કર્ણપ્રિય ટૂકડા ધરાવતું ગીત ‘આવાઝ દે કે હમેં તુમ બુલાઓ’ સાંભળીએ.
સેક્સોફોનના અંશો થકી જ જાણીતાં હોય તેવાં કેટલાંક ગીતો પૈકીનું એક ફિલ્મ કાશ્મીર કી કલી (૧૯૬૪)નું ‘હૈ દુનિયા ઉસી કી જમાના ઉસી કા’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતોની તર્જ શંકર-જયકિશને બનાવી હતી.
https://www.youtube.com/watch?v=WO_aMRsEIIY
૧૯૬૪ના વર્ષની જ ફિલ્મ વોહ કૌન થીના મદનમોહનના સંગીતમઢ્યા ગીત ‘શૌક નજર કી બીજલીયાં’માં સેક્સોફોનના ભરપૂર અંશો સાંભળવા મળે છે.
શંકર-જયકિશનનું સંગીત ધરાવતી એક ફિલ્મ આરઝૂ (૧૯૬૫)નું ગીત ‘બેદર્દી બાલમા તૂઝ કો મેરા મન યાદ કરતા હૈ’ માણીએ, જેના વાદ્યવૃંદમાં સેક્સોફોનના સ્વરોનું સારું એવું પ્રાધાન્ય છે.
૧૯૬૫ની સાલમાં જ પરદા પર રજૂ થયેલી ફિલ્મ ગાઈડના ગીત ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’માં પણ સેક્સોફોનના કર્ણપ્રિય ટૂકડાઓ સાંભળવા મળે છે. સંગીત સચીનદેવ બર્મને તૈયાર કર્યું હતું.
સંગીતકાર રોશનના નિર્દેશનમાં બનેલા ફિલ્મ બહુ બેગમ(૧૯૬૭)ના ગીત ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દેંગે’માં સેક્સોફોન વાદન જાણે કે પ્રાણ ફૂંકી દે છે.
ફિલ્મ વાસના (૧૯૬૮)નું સંગીત ચિત્રગુપ્તે તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘યે પરબતોં કે દાયરે’ સાંભળતાં તેના વાદ્યવૃંદમાં સેક્સોફોનના અંશો આસાનીથી ઓળખી શકાય છે.
૧૯૭૨ની ફિલ્મ જવાની દિવાની માટે રાહુલદેવ બર્મને બનાવેલાં ગીતો ત્યારે તો ખુબ લોકપ્રિય બન્યાં જ હતાં, નોંધનીય બાબત એ છે કે આજની યુવાપેઢી પણ તે ગીતોને ગણગણતી હોય છે. અહીં એક પ્રયોગશીલ ધૂનમાં બંધાયેલું અને સેક્સોફોનના અંશો વડે મઢાયેલું ગીત ‘નહીં નહીં અભી નહીં’ માણીએ.
આજની કડીમાં અહીં અટકીએ. હવે પછીના હપ્તામાં સેક્સોફોનના અંશો ધરાવતાં વધુ ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૮૭. પરવેઝ શમસી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
હવે આ લેખમાળાના એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં કેટલાંક ગીતકારો નો ખાસ પરિચય ઉપલબ્ધ નથી અને જે જાણીતી હસ્તીઓ છે , એમની પણ માત્ર એક જ ગઝલ ઉપલબ્ધ છે !
પુનરાવર્તનના ભોગે એ સ્પષ્ટીકરણ પણ કરી દઉં કે અહીં ( ૮૦ ના દાયકા પહેલાંના ) માત્ર એ જ ગીતકારોને સમાવિષ્ટ કર્યાં છે જેમણે ફિલ્મોમાં એક કે વધુ ગઝલો લખી. નીરજ અને કવિ પ્રદીપ જેવા મોટા ગજાના કવિઓને આ જ કારણસર લઈ નથી શકાયા.
આ તબક્કાની શરૂઆત કરીએ પરવેઝ શમ્સીથી. એમણે માત્ર એક જ ફિલ્મ ” નૌશેરવાં એ આદિલ ” ( ૧૯૫૭ ) માં કુલ નવ ગીત લખ્યા. એમાં જેને જમાનાઓથી સાંભળતા આવ્યાં છીએ એવાં બે યુગલ ગીત ‘ તારોં કી ઝુબાં પર હૈ મહોબત કી કહાની ‘ અને ‘ ભૂલ જાએં સારે ગમ ડૂબ જાએ પ્યાર મેં ‘ ( લતા – રફી ) પણ છે ! ફિલ્મમાં સંગીત હતું સી રામચંદ્રનું .
આ ફિલ્મમાં મોહંમદ રફી સાહેબે ગાયેલી આ ગઝલ એ એમની એકમાત્ર ગઝલ –
યે હસરત થી કે ઇસ દુનિયા મેં બસ દો કામ કર જાતે
તુમ્હારી યાદ મેં જીતે તુમ્હારે ગમ મેં મર જાતેયે દુનિયા ડૂબતી તુફાન આતા ઇસ કયામત કા
અગર દમ ભર કો આંખોં મેં મેરી આંસૂ ઠહર જાતેતુમ્હારી યાદ આ આ કર મેરે નશતર ચુભોતી હૈ
વગરના દિલ કે સારે ઝખ્મ ઇતને દિન મેં ભર જાતેકહાં તક દુઃખ ઉઠાએં તેરી ફુરકત ઔર જુદાઈ કે
અગર મરના હી થા એક દિન ન કયું ફિર આજ મર જાતે..– ફિલ્મ : નૌશેરવાં એ આદિલ ૧૯૫૭
– મોહમ્મદ રફી
– સી રામચંદ્ર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુંભમેળો
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
પ્રયાગરાજમાં યોજાતા આધુનિક કુંભ મેળાનું મૂળ માઘ મેળામાં છે જે આદિ શંકરાચાર્યે આયોજિત કરેલો. એનું મૂળ ‘જય’ (મહાભારત) ગ્રંથના આદિપર્વમાં વર્ણીત માઘ ઉત્સવમાંછે. એ પછી પરંપરા બની. કુંભ મેળા કે માઘ મેળા અંગે અનેકગણી માહિતી ઇન્ટરનેટ પર મળી આવે છે. માઘ મેળો લગભગ જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય ચોક્કસ સ્થાનમાં હોય ત્યારે યોજાય છે. ગુરુ ગ્રહ પૃથ્વી સંદર્ભે પ્રતિ બાર વર્ષે એક ખગોળીય ભ્રમણ પૂરું કરે છે. એટલે, ગુરુ ચોક્કસ સ્થાનમાં હોય એ માઘ મેળો કુંભ, અર્ધ કુંભ કે મહા કુંભ બને છે.

(આકૃતિ ૧
સાભાર: https://webbtelescope.org/contents/articles/what-is-the-center-of-our-galaxy-like)
(આકૃતિ ૨
સાભાર: https://galacticcenter.astro.ucla.edu/learn-about-our-galaxy.html)પૃથ્વીને છોડી થોડી વાર માટે આકાશમાં દૃષ્ટિ માંડીએ. પૃથ્વીના સંદર્ભે આપણી દૂધ ગંગા આકાશગંગાનું કેન્દ્ર લગભગ ૨૬,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર સ્થિત સેગીટેરિયસ એ* નામના કૃષ્ણ વિવર (બ્લેક હૉલ)માં છે. એ કૃષ્ણ વિવર પાશ્ચાત્ય રાશિચક્ર પ્રમાણે ધનુ રાશિ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સ્થિત છે જે આકૃતિ ૧માં રક્તિમ વર્તુળમાં જોઈ શકશો. એમાં ૨૪ અંશ ઘટાડતા ભારતીય જ્યોતિષ પ્રમાણે તુલા અને વૃશ્ચિક રાશિ વચ્ચેનું સ્થાન આવે છે. કેન્દ્રનો વિસ્તાર લાખો તારાઓનો બનેલો છે જેના કેન્દ્રમાં કૃષ્ણ વિવર છે. આ વિસ્તારની ઘનતા સમજવા પૃથ્વીનું દૃષ્ટાંત લઈએ. પૃથ્વી માટે સૂર્ય પછી સહુથી સમીપ તારો જય (આલ્ફા સેન્ટોરી) ૪.૩ પ્રકાશ વર્ષ જેટલા અંતરે છે. આકાશ ગંગાના કેન્દ્રે આટલા અંતરમાં લગભગ દશ લાખ તારા છે! અને, કેન્દ્રમાં સ્થિત કૃષ્ણ વિવરનું દળ ચાલીસ લાખ સૂર્ય જેટલું છે. આવા કદાવર વિવરના અવિરત ચાલતા યજ્ઞમાં જે પદાર્થ હોમાય છે એનાથી અનેકગણો પ્રકાશ ઉત્પન્ન થાય છે. સાથે અનેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો અને ગુરુત્વાકર્ષણના તરંગો ઉત્પન્ન થાય છે.
આપણે ગ્રહોની સ્થિતિ ખગોળની દૃષ્ટિએ પ્રયાગરાજમાં યોજાતા ૨૦૨૫ના પૂર્ણ કુંભ મેળા સંદર્ભે જાણીએ. પ્રત્યેક વર્ષે સૂર્ય નવેમ્બર / ડિસેમ્બર મહિનાઓમાં આકાશ ગંગાના કેન્દ્રની રાશિઓમાં હોય છે, અને ડિસેમ્બર ૨૨ કે ૨૩ પછી ધનુ રાશિના પૂર્વ અષાઢા નક્ષત્રમાં પ્રવેશે છે, જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ફેબ્રુઆરી ૨૫ પછી કુંભ રાશિમાં પ્રવેશે છે. પ્રયાગ રાજમાં જ્યારે કુંભ મેળો હોય એ વર્ષે આ સમગ્ર સમયગાળામાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) ગુરુ વૃષભ રાશિમાં હોય છે. અર્થાત્ વૃશ્ચિક રાશિ અને ગુરુ વચ્ચે પૃથ્વી હોય છે. એટલે કે, આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીને જોડતી રેખાની લગભગ વિરુદ્ધ દિશામાં ગુરુ હોય છે. સૂર્યની કુંભ સંક્રાંતિ સમયે આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીથી પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા કાટખૂણો બનાવે છે. સાથેની આકૃતિ ૩ અને ૪ જુઓ એટલે સ્પષ્ટ સમજાશે.

(આકૃતિ ૩
સાભાર: https://www.theplanetstoday.com/hindu_astrology.html)
આલ્બર્ટ આઈન્સ્ટાઈને સમજાવ્યા પ્રમાણે પ્રકાશના કિરણો પર ગુરુત્વાકર્ષણની અસર થતી હોય છે. અવકાશી પદાર્થ જેટલો મોટો એટલો એ કાલ-આકાશ (સ્પેસ ટાઈમ)માં ઊંડો ખાડો પાડે. ખાડો ઊંડો હોય એ પ્રમાણે પ્રકાશના કિરણો કે ગુરત્વકર્ષણના તરંગો એટલા પ્રમાણમાં વળીને બીજી બાજુ જાય! પૃથ્વી પર અનુભવાતા અવકાશી ગુરુત્વાકર્ષણમાં ચંદ્ર, સૂર્ય અને ગુરુનો સિંહફાળો હોય છે. ૧૨ વર્ષે યોજાતા કુંભ મેળામાં ગ્રહોની સ્થિતિ એવી બને છે કે જેથી પૃથ્વી પરથી દેખાતા આકાશગંગાના કેન્દ્રને અન્ય કોઈ અવકાશી પદાર્થના ગુરુત્વાકર્ષણની અસર ના થતી હોય. એટલે કે, ત્યાંથી આવતાં પ્રકાશના કિરણો કે અન્ય તરંગો લગભગ સીધા જ આવતાં હોય છે, કૃષ્ણ વિવરની દૃશ્ય સીમા સુધીના સ્થાનેથી આવતાં પ્રકાશ કિરણો કે કૃષ્ણ વિવરના ગુરુત્વાકર્ષણ કે અન્ય પ્રકારના કિરણોની આપણે અહિ ચર્ચા કરીએ છીએ. છેવટે, પૃથ્વીની નિકટ રહેલાં પદાર્થોની અસરથી તો એ મુક્ત જ રહે છે. આપણે એવો તર્ક પણ કરી શકીએ કે, જૂન-જુલાઈમાં ગુરુ અને સૂર્ય વૃષભ રાશિમાં હોય એવું બાર વર્ષે બની શકે છે જ્યારે કેન્દ્રના કિરણો પર સૂર્યની નહિવત અસર થાય. તો એ જ મહિનાઓમાં કુંભ મેળો (કે વૃષભ મેળો) કેમ નહીં? ભારતમાં એ મહિનાઓ વર્ષા ઋતુના છે એટલે સહુથી આદર્શ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરીમા બને એ સ્વાભાવિક છે. તદુપરાંત, તુલા, ધનુ અને વૃશ્ચિક દક્ષિણ ગોળાર્ધની રાશિઓ છે. જાન્યુઆરી/ફેબ્રુઆરીમા પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ સૂર્ય બાજુ ઝૂકેલો હોય છે.પરંપરાગત, હરિદ્વારમાં કુંભ મેળો જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે (ફેબ્રુઆરી-એપ્રિલ) યોજાય છે. પ્રયાગરાજમાં ગુરુ મેષ અને ચંદ્ર-સૂર્ય મકર રાશિમાં હોય અથવા ગુરુ વૃષભ અને સૂર્ય મકર રાશિમાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) હોય ત્યારે યોજાય છે. નાસિકમાં ગુરુ સિંહ રાશિમાં હોય અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ કર્ક રાશિમાં થાય ૯ ઓગસ્ટ-સપ્ટેમ્બર) ત્યારે કુંભ મેળો હોય છે. અવંતિકા(ઉજ્જૈન)માં ગુરુ સિંહ અને સૂર્ય મેષ અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ તુલા રાશિમાં (એપ્રિલ-મે) હોય ત્યારે થાય છે. આ સર્વે ખગોળીય ઘટનાઓમાં આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણનો લઘુત્તમ હસ્તક્ષેપ હોય છે.
કુંભ મેળાના ઉત્સવ નિમિત્તે આપણે ચોક્કસ સ્થળે કેમ જવું? ખગોળીય ઘટનાની માનવ શરીર અને મન પર થતી સૂક્ષ્મ અસરો સમજી શકીએ એટલા પ્રબુદ્ધ આપણે નથી થયાં. તો પણ ઘર બેઠા આપણને ખગોળીય અસરો અનુભવાશે જ ને. પરંતુ, આપણે ઘરે હોઈએ તો દૈનિક ઘટમાળથી છૂટા થઈ અવકાશી અસરો મેળવવા પ્રયત્ન નથી કરવાના. કુંભ મેળાને નિમિત્ત બનાવી કોઈ પ્રાકૃતિક સ્થળે, કોઈ નદી કે ઝરણામાં કે સમુદ્રમાં સ્નાન ઇત્યાદિનો આનંદ લઈ પૂજા-પાઠ કે ધ્યાનથી મનને સ્થિર કરીએ તો અવકાશી ઘટનાનો મોટો લાભ લઈ શકીએ. છેવટે તો પ્રયાગરાજ જઈને ત્રિવેણીસ્નાન કરીવાનું એ જ તો મહત્વ છે. તો શાસ્ત્ર સહમત પ્રાચીન પરંપરાનું પાલન કરવાથી એક મહત્વની ખગોળીય ઘટનાના આપણે સાક્ષી બની શકીએ છીએ અને એની જે અસરો આપણે સમજી નથી શકતાં એનો પ્રભાવ લઈએ છીએ એ કેટલો મોટો લાભ! આમ પણ સર્વે પરંપરાગત ઉત્સવો પ્રકૃતિ સાથે તાલમેળ જાળવવા માટે છે!
|| ૐ તત્ સત્||
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
બાળ ગગન વિહાર – મણકો – ૪૪: વાત અમારા બ્રેનડનની
શૈલા મુન્શા
ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમાં નવો દાખલ થયો હતો. ગોરો ગોરો અને માથે બહુ ઓછા વાળ. મમ્મી અમેરિકન અને પપ્પા વિયેતનામી. એ બન્નેની છાપ એના ચહેરા પર દેખાતી. રંગ ગોરો પણ નાક ચીબું. જોતા જ વહાલ ઉભરાય એવો હતો અમારો બ્રેનડન.
મમ્મી પપ્પા બન્ને બહેરા અને મુંગા. બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે અને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઊઘડી નહોતી. મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો. સ્કુલમાં આવીને સ્પીચ થેરાપીસ્ટની મદદ અને અમારી મહેનતના પરિણામે ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો હતો. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ,ફીજીકલ થેરાપીસ્ટ, કાઉંસીલર વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.
એક વખત બ્રેનડન સ્કૂલમાં આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને ત્યારે “લુ” શરદી, તાવના વાયરા ખૂબ હતા. ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે, નાના બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો એના જલ્દી શિકાર બને.
મને યાદ છે ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ હતી. મને થયું કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મમ્મી-પપ્પાને જણાવવું પડે તો બહેરા મુંગા તેઓ વાત કેવી રીતે કરી શકે?
મારી આ ચિંતા મેં મીસ મેરીને જણાવી તો એણે તરત જ મને કહ્યું, “અરે! મીસ મુન્શા તું ચિંતા ના કર. એમના ફોનમાં એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય”
મને તો કાંઈ સમજ નહોતી પડતી એટલે ત્યારે મીસ મેરીએ મને વિગતવાર સમજાવ્યું હતું કે આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય છે. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય, અને આપણે જે આપણા ફોનમાં બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમાં આવે તેથી એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો એકદમ નવાઈ જ પામી ગઈ હતી. વૈજ્ઞાનિક રીતે અમેરિકા કેટલો વિકસિત દેશ છે એનો સાચો ખ્યાલ ત્યારે મને આવ્યો. મારા મનને ખુબ શાંતિ થઈ હતી અને ચિંતા પણ દુર થઈ ગઈ હતી કે બ્રેનડનના મમ્મી-પપ્પાને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.
બ્રેનડન આવ્યો ત્યારે જેટલો શાંત હતો, એને પણ સંગતની અસર થવા માંડી હતી. ડેનિયલ અને સેસાર જેવા મસ્તીખોર બાળકો સાથે રહી એ ભાઈ પણ પોતાનો રંગ બતાવવા માંડ્યા હતા. જે બ્રેનડન રમતના મેદાનમાંથી ક્લાસમાં જવા માટે અમારી એક બૂમે આવી જતો એ હવે લસરપટ્ટી પાછળ સંતાઈ જતો અને અમે એને શોધી કાઢીએ એટલે ખડખડાત હસી પડતો.
એક વાર તો ખૂબ મજા આવી. હું જમીને ક્લાસમાં આવી તો મીસ બર્ક મને ફરિયાદ કરવા માંડી કે બ્રેનડનના તોફાન વધતા જાય છે. મને નવાઈ લાગી કે બ્રેનડને એવું તે શું કર્યું? મીસ બર્કે કહ્યું કે “હું સ્માર્ટ બોર્ડ પર બાળકોને ગીત સંભળાવતી હતી અને અચાનક બ્રેનડનની ખુરશી ખાલી જોઈ મને ફાળ પડી કે દરવાજો તો બંધ છે તો એટલીવારમાં બ્રેનડન ક્યાં ગયો? ટેબલ પાસે જઈને જોયું તો ભાઈ ટેબલ નીચે ભરાઈને સંતાઈ જવાની મજા માણતા હતા!” મને હસવું આવી ગયું.
આજે નજર સામે આ બધા બાળકોના ચહેરા તરવરી ઊઠે છે. ત્રેવીસ વર્ષમાં આવા દિવ્યાંગ, નોખા અનોખા કેટકેટલા બાળકોનો પ્રેમ મને મળ્યો. કેવું નિર્દોષ હાસ્ય અને કેવું વહાલ!! આ બાળકો પાસેથી હું જે શીખી એ આજે મને મારા જીવનની કોઈપણ તકલીફને હસતા મોઢે સહન કરવાની, લડી લેવાની હિંમત આપે છે. જીવનમાં અનુભવો તો ઘણા થતાં હોય છે, પણ ખુમારીભર્યું જીવન જીવતાં શીખવું હોય તો દરેક વ્યક્તિએ થોડો સમય તો આ દિવ્યાંગ બાળકો સાથે ગાળવો જોઈએ.
આ દિવ્યાંગ બાળકો નભના ચમકતા તારલા છે જે હમેશ મંદ મંદ પણ હુંફાળો પ્રકાશ આપતા રહેતા હોય છે, ચંદ્રની જેમ કળા નથી કરતા. એમની નિર્દોષતા કાયમ રહે એ જ પ્રાર્થના સહિત વિરમું છું.
મારી આ સફરમાં સહુ વાચકોએ સસ્નેહ જે સાથ આપ્યો એ માટે હું સહુની આભારી છું.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
સંસ્પર્શ- ૭
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
મિત્રો,
તમે પંખીની ભાષા જાણો છો? આજે એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું “તમારે પંખીની ભાષા જાણવી હોય તો તેમને પાંજરાંમાં ના પૂરો પણ ઝાડ વાવો.” કેટલી સરસ વાત ! પાંજરાંમાં તમારે એક જ પક્ષી સાથે વાત થાય, તે પણ તેને ગુલામ બનાવીને એટલે તેના સ્વતંત્ર મિજાજની મજા તો તમે માણી જ ન શકો.
સમુદ્રાન્તિકેમાં ધુ્વદાદાનો નાયક ઘોડા પર સવારી કરી દરિયા કિનારે ફરવા નીકળે છે.
ત્યાં તેમને દરિયાનાં ખારાપાટ પર બાવળની વાડ કરી હતી એ નૂરભાઈ મળી જાય છે. પહેલાં પક્ષીઓને બેસવા ત્યાં એકે ઝાડવું નહોતું. હવે આ બાવળની વાડ પર બગલા બેસે છે. બાવળનાં ઝાડમાં બુલબુલ પણ માળા કરે છે. પોતે બાવળની વાડ કરી અને તેનાં પર પક્ષીઓ બેસે – એ નૂરભાઈને ખુદાને કહેવા જેવું કામ કર્યું હોય તેમ લાગે છે. પોતાના પિતાના સમયમાં અહીં લીલાછમ્મ જંગલ હતા જે અત્યારે લગભગ વેરાન જેવા થઈ ગયાં છે, કહીને તે ઉદાસ થઈ જાય છે.
આ સીધા સાદા માનવીઓમાં જંગલો, વૃક્ષો અને પ્રકૃતિનો પ્રેમ તો જુઓ ! પોતે આ કાંટાંની વાડ કરી તેને અલ્લાતાલ્લાની ખેરાત ગણાવે છે. જંગલ અને ઝાડવાં સાથે પ્રેમ છે માટે એમ વિચારી શકે છે કે, ‘ઝાડ હોય તો જ પક્ષીઓ આવે.’
નાનકડા ઘાટીલા, કાળા, લાંબી પૂંછડીવાળા કાળોકોશીની વાત નૂરભાઈ પાસેથી જાણીને તો આપણે પણ ખુશ થઈ જઈએ.
તેમની પાસે કાળોકોશીની વાત સાંભળીને મને થયું કે, દરેક સ્ત્રીએ કાળોકોશી બનીને જીવવું જોઈએ. નૂરભાઈ કહે છે, ”કાગડા,સમડાં, અરે! શિકારી બાજ-બિલાડો આવી જાય તો પણ આ પંખીડું બાખડે. કાં પોતે મરે કાં શીકારી બાજ-બિલાડાને ભગાડે” નૂરભાઈ કાળોકોશીનું બીજું નામ જમાદાર છે એનું કારણ આપતા સમજાવે છે કે, એ દાદાગીરી કરતું પંખી છે એટલે એને જમાદાર નથી કહેવાતું પણ એ જમાદારની જેમ પોતાનાં માળાની રખેવાળી કરવાની સાથે સાથે બીજા શિકારી પંખીથી ડરતાં હોય એવાં નાનાં પંખીઓની પણ રક્ષા કરે છે એટલે મોટાભાગે નાનાં પક્ષીઓ કાળોકોશીના માળાની નીચે પોતાનાં માળા કરે છે.
કાળોકોશીને ઉદ્દેશી નૂરભાઈ કહે છે” કાતિલથી બીવે નૈં ,ને કોઈ નાનાંને રંજાડે નૈ, એનું નામ જમાદાર” અને તે સાથે જ માણસની વાત કરતાં પૂછે છે “કોઈથી બીવે નૈં ,ને કોઈને બીવરાવે નૈં એવા આદમી આ મલક માથે કેટલા જડે?”
ગામડામાં રહેતા માણસોની વાતો કરતા નાયકના શબ્દો દ્વારા ધ્રુવદાદા જાણે પોતાના મનની વાત કરતા હોય એમ કહે છે, “પ્રકૃતિનાં આ નાનાં -નમણાં સર્જનો તરફ નૂરભાઈ જે રીતે સંબંધ અનુભવે છે તેવો હું અનુભવી શકતો નથી.”
બીજી સરસ વાત નૂરભાઈ કહે છે ,”વરસાદ આવે ત્યારે જો દૂધરાજ પક્ષી જોવા મળે તો તેમના માટે અલ્લાની રહેમ થઈ કહેવાય.”
નૂરભાઈ પક્ષીઓને કેટલું વહાલ કરે છે તે તેમનાં એકજ વાક્યમાં સમજાઈ જાય તેમ છે.એ બોલે છે, ”એક પરિંદુ ઊડેને આંખો મલક જીવતો થઈ જાય, ઈ કાંય ઓછો જાદુ છે.”
નૂરભાઈનો પક્ષીપ્રેમ જોઈ મને પેલું જાવેદ સાહેબે રેફયુજી પિક્ચરમાં લખેલું ગીત અને ગીત પહેલાનાં ડાયલોગ યાદ આવે છે, ”ભગવાનનાં બધાં સર્જનમાં આપણે માનવને ઉત્તમ ગણીએ છીએ, પણ તેના બીજા સર્જનો પણ અનોખા છે તેને સમજીએ ,જાણીએ તો ઘણું બધું સમજાય. જાવેદ સાહેબના જ શબ્દોમાં જોઈએ,
“ઉપરવાલેને અપની મહોબત કે સદકેમેં ,
હમ સબકે લિએ યે ધરતી બનાયી થી,
પર મહોંબતકે દુશ્મનોને ઉસ પર લકીરેં ખીંચકે સરહદેં બના દી
પંછી નદિયા પવનકે ઝોકેં ,કોઈ સરહદ ન ઈન્હેં રોકે
સરહદ ઈન્સાનોકે લિયે હૈં,
સોચો તુમને ઔર મૈનેં ક્યા પાયા ઈન્સા હો કે,”પક્ષીઓની ભાષા જાણીએ તો આપણને પણ સમજાઈ જાય કે ઉપરવાળાનાં દરેકે દરેક સર્જનમાં પ્રભુએ નોખી જ ભાત ભરી છે.
નાયકનાં શબ્દો દ્વારા ધ્રુવદાદા નૂરભાઈને પક્ષી વિશારદ કહે છે.અને નૂરભાઈનાં પક્ષીપ્રેમ પર વારી જાય છે.આ સમુદ્રને કિનારે વસતાં લોકોનો પ્રકૃતિપ્રેમ જોઈને ધ્રુવદાદા પણ ગાઈ ઊઠે છે,
‘ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિઓ તો અઘરું ને જાજું બોલે છે,
ચાલ સહેલું ને થોડું કંઈ માણીએટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું
એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું
કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએબગલાનું કહેવું કે આખા તળાવ કોઈ આણાંમાં માંગે એ કેવું?
ચકલી કે’ અમને તો આટલુંક આપેલું, ધૂળ મહીં નાહ્યાની જેવું
પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝઘડાઓ ઘરમાં ના ઘાલીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.’ધ્રુવદાદાએ આ એક નાના ગીતમાં તળાવ કિનારે બેસી ટિટોડી, કલકલિયો ,કાળોકોશી, બગલો, ચકલી, પોપટ, પારેવા બધાંની અંદર અંદરની વાત કહી પંખીનાં મેળાની મોજ આપણને કરાવી દીધી છે. દરેક પક્ષીની આગવી વિશેષતા જણાવી તેમની ભાષા સમજાવી દીધી છે.પંખીની ભાષા જાણવાની મોજ જુદી જ છે.
-
કરકસર કે ત્રેવડ હવે ભાઈ નથી રહ્યા
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
“તમે તમારું મકાન બદલીને કેમ આ વિસ્તારમાં આવ્યા?”
“એક જ કારણે હું અહીં આવ્યો. મને અહીંથી ‘ડી માર્ટ’ બહુ નજીક પડે છે. આથી ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મારે મગાવવી હોય તો સારું રહે છે.”
આ સંવાદ કાલ્પનિક નહીં, સાવ વાસ્તવિક છે. પહેલી વારમાં એ હાસ્યપ્રેરક જણાય, પણ પછી સમજાય કે હવે લોકોની પ્રાથમિકતા કઈ હદે બદલાઈ ગઈ છે. ખરીદી હવે જરૂરિયાત નહીં, પણ આદત બની ગઈ છે, અને ઘણા કિસ્સામાં એ આદત મટીને વળગણ બની રહી છે. આવું પ્રથમ નજરે સૌને લાગે, પણ ડિસેમ્બર, ૨૦૨૪ના આખરી સપ્તાહમાં સરકારે બહાર પાડેલા એક અહેવાલનાં પરિણામોમાં પણ આ હકીકત ઉજાગર થઈ છે. પહેલાં આ સર્વેક્ષણ વિશે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ભારત સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા ઑગસ્ટ, ૨૦૨૩થી જુલાઈ,૨૦૨૪ના સમયગાળા દરમિયાન કરાયેલા ઘરેલુ ખર્ચના આંકડાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેનાં પરિણામ ડિસેમ્બર, ૨૦૨૪ના અંતિમ સપ્તાહમાં પ્રકાશિત કરાયાં. બધું મળીને ૨.૬૧ લાખ ઘરોનો અભ્યાસ કરવામાં આવ્યો. એક વર્ષ અગાઉ પણ આવું સર્વેક્ષણ હાથ ધરાયું હતું. ભૂતકાળમાં આવાં સર્વેક્ષણ દર પાંચ વર્ષે એક વાર કરવામાં આવતાં હતાં, પણ સળંગ બે વખત એ હાથ ધરવાનું કારણ પદ્ધતિ અને પરિણામની યથાર્થતા ચકાસવાનું છે. કેવાં છે આ અભ્યાસનાં તારણ?
નવાઈ લાગે એવી બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખર્ચાળ શક્તિ શહેરી વિસ્તારો કરતાં ઝડપી દરે વધી રહી છે. અગાઉના ૨૦૨૨ -૨૩ ના સર્વેક્ષણમાં વ્યક્તિદીઠ સરેરાશ માસિક વપરાશ રૂ. ૩,૭૭૩નો હતો, જે હવે વધીને ૪,૧૨૨ રૂ. સુધી પહોંચ્યો છે. શહેરી વિસ્તારમાં અગાઉ આ આંકડો રૂ. ૬,૪૫૯નો હતો, જે વધીને રૂ. ૬,૯૯૬ થયો છે. અલબત્ત, આ આંકડો વધવાનું કારણ વધેલી મોંઘવારી પણ ખરી.
આંકડા ખરું જોતાં એક પ્રકારનો ઝોક દર્શાવે છે. કેવો છે આ ઝોક? નાણાં શેમાં શેમાં અને કેટલા ખર્ચાય છે? મુખ્ય બે ભાગ પાડીએ તો ખોરાકી ચીજો અને બિનખોરાકી ચીજો એમ પડી શકે. એ મુજબ જોતાં, ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ખર્ચના ૪૭.૦૪ ટકા અને શહેરી વિસ્તારોમાં ૩૯.૬૮ ટકા ખોરાકી ચીજો માટે ખર્ચાય છે. ખોરાકી ચીજો પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં ૯.૮૪ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૧.૦૯ ટકા રકમ ઠંડાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પાછળ ખર્ચાય છે. દૂધ અને દૂધની પેદાશો પાછળ ગ્રામ્ય વિસ્તારોમાં ૮.૪૪ ટકા રકમ અને શહેરી વિસ્તારોમાં૭.૧૯ ટકા રકમ ખર્ચાય છે. શાકભાજી માટે ગ્રામ્ય વિસ્તારમાં ૬.૦૩ અને શહેરી વિસ્તારમાં ૪.૧૨ ટકા રકમનો ખર્ચ કરવામાં આવે છે.
બાકીની રકમ, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં ૫૨.૯૬ ટકા અને શહેરી વિસ્તારોમાં ૬૦.૩૨ ટકા બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાય છે.
બિનખોરાકી ચીજો એટલે શું? સર્વેક્ષણ અનુસાર, ગ્રામ્યવિસ્તારના ૫૨.૯૬ ટકા પૈકીની ૬.૧૧ ટકા રકમ ઈંધણ અને પ્રકાશ પાછળ, ૩.૨૪ ટકા શિક્ષણ માટે, તબીબી માટે ૬.૮૩ ટકા, વાહનવ્યવહાર માટે ૭.૫૯ ટકા, વસ્ત્રો, પગરખાં અને સૂવાના સામાન માટે ૬.૦૩ટકા, ટકાઉ ચીજવસ્તુઓ માટે ૬.૪૮ ટકા, પ્રકીર્ણ વસ્તુઓ તેમજ મનોરંજન માટે ૬.૨૨ ટકા, વાહનવ્યવહાર સિવાયની ગ્રાહકસેવાઓ પાછળ ૫.૨૫ ટકા અને અન્ય બિનખોરાકી ચીજો પાછળ ૪.૬૧ ટકા ખર્ચ કરવામાં આવે છે.
શહેરી વિસ્તારોમાં બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાતી ૬૦.૩૨ ટકા રકમ પૈકી ઈંધણ અને પ્રકાશ પાછળ ૫.૫૯ ટકા, શિક્ષણ પાછળ ૫.૯૭ ટકા, તબીબી સેવાઓ પાછળ ૫.૮૫ ટકા, વાહનવ્યવહાર પાછળ ૮.૪૬ ટકા, પગરખાં અને સૂવાના સામાન માટે ૫.૬૬ ટકા, ટકાઉ ચીજવસ્તુઓ માટે ૬.૮૭ ટકા, પ્રકીર્ણ વસ્તુઓ તેમજ મનોરંજન માટે ૬.૯૨ ટકા, વાહનવ્યવહાર સિવાયની ગ્રાહકસેવાઓ પાછળ ૫.૭૨ ટકા અને અન્ય બિનખોરાકી ચીજો પાછળ ૯.૨૬ ટકા ખર્ચ કરવામાં આવે છે.
આ વિગતો દેખીતી રીતે આંકડા છે, પણ તે અનેક મહત્ત્વની બાબતોને ઉજાગર કરે છે. જેમ કે, ખોરાકી ચીજોને બદલે બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાતો વધુ રકમનો હિસ્સો સૂચવે છે કે લોકોની ખરીદશક્તિ વધી છે. ખોરાકી ચીજોમાં પણ જરૂરી અને પોષણક્ષમ ખોરાકની સરખામણીએ ઠંડાં પીણાં, નાસ્તો કે પ્રોસેસ્ડ ફૂડ પાછળ ખર્ચાતો હિસ્સો વધુ છે. લોકોની ખાનપાનની બદલાતી જતી આદતોનું એ સૂચક છે.
નાણાં ખર્ચવાનો દર શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં વધુ છે એ દર્શાવે છે કે શહેરી વિસ્તારમાં તેનો વપરાશ ઘટ્યો છે, એટલે કે ઘટાડવામાં આવ્યો છે. એનો સીધો સંબંધ આવક યા આવકની વૃદ્ધિના ધીમા દરની સાથે છે. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં માથાદીઠ ખર્ચાતી રકમ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે, જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ જેવાં પૂર્વ તેમજ મધ્ય ભારતનાં રાજ્યોમાં તે ઓછી છે.
આવા અભ્યાસ કે સર્વેક્ષણના આંકડા પરથી ગરીબીની સ્થિતિ પણ જાણી શકાય છે. સરકારને વિવિધ નીતિઓ ઘડવામાં આવા સર્વેક્ષણ મદદરૂપ બની રહે છે.
નાગરિકોને એનાથી કશો ફેર પડે ખરો? સીધો ફેર કશો ન પડે, પણ સરકાર આ સર્વેક્ષણોના આંકડા પ્રકાશિત કરે છે અને તેમાંથી કશું તારવવું હોય તો તારવી શકાય ખરું. જો કે, વ્યક્તિગત સ્તરે એ મુશ્કેલ છે. નાગરિકોની સમસ્યાને વાચા આપતાં જૂથો કે સમૂહો માટે આ ઊપયોગી થઈ શકે. સવાલ એ છે કે એવાં કોઈ જૂથો રહ્યાં છે ખરાં? અને છે તો એમનો એવો કોઈ પ્રભાવ કે છાપ છે ખરી?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
