વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ૨૦૨૫નું વર્ષ કેવું જશે ?

    હરેશ ધોળકિયા

    જુઓ તો ખરા ! ૨૦૨૪નુ વર્ષ પણ પૂરું થઇ ગયું. હજી તો કાલે આનંદ થતો હતો કે આહા, ૨૦૨૪નુ વર્ષ શરુ થયું છે અને આ વર્ષ ખૂબ માણશું. અને હજી તો માણવાની શરૂઆત કરીએ ત્યાં તો તે પૂરું પણ થઇ ગયું. અને લ્યો, નવા વર્ષના પણ એકવીસ દિવસ ચાલ્યા ગયા.

    ખેર ! તો હવે કલ્પના કરીએ કે આ ૨૦૨૫નુ વર્ષ કેવું જશે !

    આજ સુધીના બધા વર્ષોનું પૃથકકરણ  કરીએ તો ખ્યાલ આવશે કે બધા વર્ષો લગભગ સમાન જ જાય છે. જતા હોય છે. એટલે, એ સંદર્ભમાં, નવું વર્ષ પણ લગભગ એવું જ જશે. એ જ ઘોંઘાટ, એ જ લડાઈઓ, એ જ સંકુચિતતાઓ, સંસદ અને વિધાનસભાઓમાં તીવ્ર રાગ દ્વેષો, ધર્મમાં ગાદી માટે કોર્ટ કચેરીઓ, રાજકારણમાં ચારિત્ર્ય હનન, વિવિધ પદો માટે હુંસાતુંસી, ઝડપી પૈસા મેળવવા માટે ટૂંકા રસ્તા શોધવા અને પછી પસ્તાવું, વગેરે.

    સમગ્ર જગતમાં આવું બધું જ રહેશે.  છાપા અને ટી.વી આ બધાથી જ ઉભરાશે અને વાચકો અને જોનારાઓને ત્રાસ આપશે.

    પણ હા, વિજ્ઞાન અને ટેકનોલોજી વાત કરીએ તો આ વર્ષ દરમ્યાન હજી પણ નવી નવી શોધો કરવાનું ચાલુ રાખશે. વિજ્ઞાન શોધોનું ભૂખ્યું છે. તેને પળે પળે નવા નવા અજાણ્યા      વિસ્તારોમાં જવાની અને સંશોધન કરવાની જબરી જિજ્ઞાસા છે. એટલે, આ વર્ષ દરમ્યાન માનવ જીવનમાં હજી પણ નવી સગવડો વધશે. આરોગ્ય ક્ષેત્રે પણ રોગોને દૂર કરવાની અને માનવને ઝડપથી સ્વસ્થ કરવાની શોધો થશે. આ વર્ષે કેન્સર મટાડવાની દવા આવે તેવી મોટી શક્યતા છે. સાથે માણસનું આયુષ્ય વધારવાના પણ તીવ્ર પ્રયાસો ચાલે છે. તેમાં પણ કૈંક ઉત્તમ પરિણામ મળશે એવી પણ આશા રાખી શકાય. એક જ વિજ્ઞાન એવું ક્ષેત્ર  છે જે માનવ કલ્યાણ માટે સતત વિચારે છે. અલબત, આ શોધો જાય છે અભણ અને સ્વાર્થી લોકોના હાથમાં, એટલે તેનો દુરુપયોગ થાય છે જે ફરી માણસને જ નુકશાન કરે છે. પણ તેમાં  વિજ્ઞાનનો વાંક નથી. માણસની બેવકૂફી જવાબદાર છે. એટલે આ વર્ષ દરમ્યાન માનવ જીવનમાં સુખ  સગવડો વધશે એ ખાતરી.

    પાયાનો મુદો છે વ્યક્તિગત જીવનમાં સુખ અને આનંદ વધશે ?

    ફરીથી, બહારના સંદર્ભમાં તેને જોશું તો તે વધશે પણ અને નહિ પણ વધે. જ્યાં સુધી વ્યક્તિ “બીજા” પર પોતાના સુખનો આધાર શોધશે, ત્યાં સુધી સુખ મળશે જ તેની ખાતરી ન આપી શકાય. વડીલોને તેના બાળકો વૃદ્ધાવસ્થામાં  સાચવશે કે ઘરડા ઘરમાં મૂકી આવશે તે નક્કી ન કહી શકાય. વૃદ્ધો જો સામેથી જ, સંતાનો પાસેથી કોઈ જ આશા રાખ્યા વગર, વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જશે, તો દુ:ખી નહિ થાય અને સંતાનો પ્રત્યે કડવાશ નહિ જન્મે. નવી પેઢીના સંતાનો, તરુણો, માતા પિતાને સતત તાણમાં રાખશે એ પણ નક્કી છે. તેમની અપેક્ષાઓ બહુ જ ઉંચી છે અને વડીલોની આવક તેને સંતોષી શકે તેવી નથી. સંતાનને ભણવું છે પરદેશમાં અને બાપની આવક તો સરકારી શાળા કે  કોલેજમા ભણાવી શકે તેટલી જ છે. આ મુદો સંઘર્ષ જન્માવશે. સંતાનને નેવું હજારનો મોબાઈલ જોઈએ છે, જે લઇ દેવાની વડીલ પાસે તાકાત જ નથી. એટલે વડીલ પણ સતત તાણમાં રહેશે કે કઈ પળે બાળક કઈ માગણી કરશે. અને માગણી પૂરી થયા પછી પણ બરાબર ભણશે કે કેમ તેની તો શંકા જ રહેશે. તો બાળક એટલે તાણમાં  રહેશે કારણ કે વડીલ પોતાની અધુરી ઈચ્છા બાળક પૂરી કરે તેવો હઠાગ્રહ રાખશે. આમ ત્રણે પેઢીમાં સતત તાણ જ રહેશે. કદાચ વધશે.

    સમાજનો એક વર્ગ જ્ઞાતિ કે જાતિ કે ધર્મના રિવાજો વગેરે જળવાય તે માટે જરૂર પડશે તો ઝનૂની બનવા તૈયાર રહેશે. અને દિન પ્રતિદિન કોમવાદ વધતો જ જાય છે, એટલે તે પણ સમગ્ર પ્રજાને તાણમાં રાખશે. સત્તાધારીઓ તેને સળગાવતા રહેશે. ધર્મ અને સંસ્કૃતિના નામે પણ સૂક્ષ્મ ત્રાસ ફેલાતો રહેશે. એના કારણે સૌથી વધારે હેરાન તટસ્થ અને બુદ્ધિશાળીઓ રહેશે. તેમના પર સતત ભય રહેશે. આ સાથે ક્યાંક વધતી વસ્તી અને ક્યાંક ઘટતી વસ્તી પણ સમસ્યાનો મુદો રહેશે. જ્ઞાતિઓને અને બજારને ચિંતા છે કે વસ્તી ઘટશે તો જ્ઞાતિઓ નાબૂદ થઇ  જશે અને અર્થકારણને નુકશાન  જશે. એટલે તેઓ વધારે બાળકોનો  આગ્રહ રાખે છે. તો નવી પેઢીને પોતાની કારકિર્દી બનાવવી છે અને તેમાં બાળકો આડા આવે છે. માટે બાળક હોવા જ ન જોઈએ તેમ માને છે. નવી પેઢીની છોકરીઓ તો કારકિર્દી ખાતર લગ્ન કરવાનું પણ ઠેલે છે. કદાચે કરે અને પતિ પોતાના વિચારને અનુકૂળ ન થાય તો છૂટાછેડા લેવા પણ તૈયાર થઇ જાય છે. આ બધાના કારણે કુટુંબ જીવન સતત ભૂકંપના આંચકા   અનુભવશે . નવી, બજારલક્ષી, કારકિર્દીલક્ષી વિચારસરણી નવી પેઢીને નવી જ રીતે જીવવા પ્રેરે છે અને જૂની પેઢીને આંચકા પર આંચકા આપે છે. સમાજની બધી જ બાબતોનું શીર્ષાસન થઇ ગયું છે. ત્રણમાંથી એકે પેઢી નથી સમજી શકતી કે સત્ય  શું છે.

    એ સંદર્ભમાં ૨૦૨૫નુ વર્ષ લગભગ માટે તાણયુક્ત જશે. બહારથી કદાચ હસતું મોઢું રાખશે, પણ અંદરથી સતત ખળભળતા  રહેશે. બહારથી આધુનિક દેખાતું દરેક ઘર અંદરથી તાણયુક્ત અને ચિંતાગ્રસ્ત હશે. વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક  અને આર્થિક બાબતો વચ્ચે કેમ સંતુલન રાખવું તે જ બધાનો આ વર્ષ દરમ્યાન મહત્વનો મુદ્દો હશે.

    પણ  હા, આ બધા વચ્ચે જે લોકો તટસ્થ રહેશે, સાદગીભર્યું જીવન પસંદ કરશે, તુલનાત્મક જીવન નહિ જીવે, વિચારશીલ રહેશે, વિશાળતાને પસંદ કરશે, ધર્મ , જ્ઞાતિ, જાતિ, પક્ષ વગેરેથી દૂર રહેશે, કોઈ પણ ભેદભાવ વિના બધાને નિસ્વાર્થ ચાહશે, તેઓ ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ મસ્તીથી જીવશે. પાસબુક બદલે જેઓ ગીતાને પસંદ કરશે, તેઓ તો ખૂબ આનંદથી જીવશે. સાક્ષીભાવથી જીવશે, તેઓ વર્ષ દરમ્યાન આવનારી તકલીફો વચ્ચે પણ શાંતિથી જીવશે. પૈસા અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની આવશે અને પ્રેમને પસંદ કરશે તો પણ આનંદથી જીવશે. રાજકારણ અને શેરબજારથી અંતર રાખશે તો કોઈ તાણ નહિ ભોગવવી પડે. હા, બંનેને દૂરથી માણી શકે છે.

    ૨૦૨૫નુ વર્ષ આગળ લાખો વર્ષ ગયા તેવું જ જશે. શુભ અશુભ મિશ્રિત ! શું  સ્વીકારવું તે બાબતે વ્યક્તિની  પસંદગી જ તેને સુખી કે દુઃખી  રાખશે.

    એટલે દરરોજ સવારે ભવિષ્ય ન વાંચવું, પણ  પોતાના મનનું અવલોકન કરવું. તો દિવસ કેવો જશે, અને વર્ષ પણ, તેનું પોતે જ ભવિષ્ય કથન  કરી શકશે,..

    પોતે જ પોતાના દીવા બનવું એમ ભગવાન બુદ્ધ કહે છે.


    ( કચ્છમિત્ર : તા: ૫-૧-૨૦૨૫ : રવિવાર )

    ૦૦૦

    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • શિયાળાની સવારે નહાવાનો નિયમ કેમ કાળો કાયદો છે?

    ચેતન પગી

    શિયાળાની ઋતુમાં જગત બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલાવાળા એવું માને છે કે વહેલા જાગીને નહાઇ નાખવું જોઈએ. જ્યારે બીજા ભાગવાળા જીવદયાપ્રેમી છે. તેઓ મક્કમપણે એવું માને છે કે વહેલી સવારે નાજુક, નમણાં શરીર પર પાણી રેડવું એ પણ એક પ્રકારની હિંસા છે.

    પહેલું સુખ તે નહાયા વિના પડી રહ્યાં એ તેમનું ધ્યેયસૂત્ર છે. પણ નહીં નહાવા માગતા લોકોની પીડાનો પાર નથી. જેમને પ્રેમ, આદર, આઇફોન બધું જ આપ્યું એવા સ્વજનો જ જ્યારે ‘નહાઈ નાખો હવે, નહાઇ લો, હજુ નહાવા ગયા નથી?’ પ્રકારના કડવા વેણ સંભળાવે ત્યારે એવું થાય કે ધરતી મારગ આપે અને સમાઈ જાઉં પણ બાથરૂમમાં તો નહીં જ પ્રવેશું. આ એવી પીડા છે જે માત્ર પોતીકાં જ આપે છે. ઘરની બહાર લારી લઈને નીકળતો શાકવાળો ‘સાહેબ, હવે તો નહાઇ લો’ એવું ક્યારેય નથી કહેતો. નહાવાની વાત આવે તો લાગી આવે કે ઘરવાળા કરતાં તો શાકવાળા વધુ પ્રેમાળ છે. સ્નાનવિરોધી સંગઠનના કંઈ કેટલાય સભ્યો તો મંદિરની બહાર ‘નહાઇને પ્રવેશવું’ એવું પાટિયું વાંચ્યા પછી નાસ્તિક થઈ ગયાના દાખલા છે.

    શિયાળાની સવારે એક તો રજાઈનો ત્યાગ કરીને પથારીમાંથી બહાર નીકળવું એ જ પ્રચંડ પુરુષાર્થ માગી લેતું કામ છે. આ પુરુષાર્થના પરિણામે પ્રાપ્ત થતી ચા પીતા-પીતા અખબારના માધ્યમથી ચૂંટણીની સભામાં કોણ શું બોલ્યું, ફ્લાવર શોમાં કેટલાં ફૂલ ઊગ્યાં, સ્માર્ટ ફોન કે સ્માર્ટ ટીવી પર ક્યાં કેટલું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે જેવી આસપાસની દુનિયાની મહત્ત્વની અપડેટ મેળવી રહ્યાં હોઈએ ત્યાં જ ‘હવે નહાઇ લો, છાપુ પછી વાંચજો’ નામની મિસાઇલ કાનમાં ત્રાટકે છે. હજુ અડધા કલાક પહેલા માંડ જાગેલો માણસ સાંપ્રત જગતની સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે છે એવા મહાન વિચારમાં પરોવાયેલો હોય ત્યાં નહાવા જેવી ક્ષુલ્લક બાબતનો આગ્રહ કોઈ ક્રાંતિકારીને શાક સમારવા બેસાડી દેવા જેવો બિનજામીનપાત્ર ગુનો નથી તો શું છે?

    કોઈ પણ જાગૃત નાગરિક સમજે છે કે બાથરૂમમાં પાણી ભરેલી ડોલને તાકી રહેવા કરતા અખબારમાં શેરબજારના સમાચાર વાંચવાના બહાને ત્રાંસી નજરે ફિલ્મી અભિનેત્રીની લેટેસ્ટ અપડેટ વાંચવી વધારે અગત્યનું કામ છે. શરીરનો મેલ દૂર કરતાં પહેલાં મનનો મેલ દૂર કરવો જરૂરી છે એ નહાવાનો આગ્રહ કરતા સ્વજનોને કોણ સમજાવશે? ‘નહાવાનો દુરાગ્રહ રાષ્ટ્રનિર્માણ આડેનો સૌથી મોટો અવરોધ છે’ એવું શાળાની દીવાલ પર કે વર્ગખંડના બ્લેકબોર્ડ પર વાંચવા ક્યારે મળશે? નહીં નહાવા માગતા લોકોએ જો ઈતિહાસ અને બંધારણનો પૂરતો અભ્યાસ કર્યો હોત તો આ પીડા ભોગવવાનો વારો આવ્યો નહોત.

    શિયાળામાં નહાવું કેમ જરૂરી નથી એ માટેનાં અઢળક કારણો ઈતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. સ્વયં સ્વામી વિવેકાનંદે પણ ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો એમ કહ્યું છે. એમણે એવું ક્યારેય નથી કહ્યું કે ઊઠો, જાગો, નહાઇ લો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઈતિહાસમાં નોંધાયેલા યુદ્ધો કે ક્રાંતિઓનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે ડાબેરી, જમણેરી કે સરકારી એવી એકપણ ફ્લેવરના કોઈ ઈતિહાસકારે ક્યારેય લખ્યું નથી કે રાષ્ટ્રના નવનિર્માણ કાજની ક્રાંતિ કરવા માટે નહાઇ લેવું એ પહેલી શરત છે. ફ્રાન્સની ઐતિહાસિક ક્રાંતિએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં ઉદાત્ત મૂલ્યો આપ્યાં હતાં. જેમાં નહીં નહાવાની સ્વતંત્રતાના વિચારનો પણ સમાવેશ થાય છે.

    જગતની મહાન હસ્તીઓનાં જીવનચરિત્રો વાંચતાં ખ્યાલ આવશે કે ભાગ્યે જ કોઈએ એવું લખ્યું છે કે શિયાળાની સવારે હું અચૂક નહાઇ લેતો હતો કે નહાઇ લેતી હતી. સૌથી જડબેસલાક કારણો આપણા બંધારણમાંથી પ્રાપ્ત થાય છે. નાગરિકોની મૂળભૂત ફરજોમાં શિયાળાની સવારે નહાઇ લેવાની ફરજનો સમાવેશ નથી કરાયો. નહાઇ લેવાનો આગ્રહ કર્યા કરતી પત્ની કે મમ્મીનું મોં બંધ કરવા માટે આમ તો આટલી દલીલ પૂરતી છે (જો દલીલ કરવાની હિંમત હોય તો). આપણે પણ નહાઇ લેવાનાં કારણો કરતાં જેના નામે નહાઇ નખાય એવાં કારણો વધારે જ છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • કોઈનો લાડકવાયો – (૬૪)_ સુભાષબાબુનું પરાક્રમ (૧)

    દીપક ધોળકિયા

    ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

    સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

    બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

    પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

    રાસબિહારી બોઝ

    અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું.

    ૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

    નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

    થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

    અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય

    આઝાદ હિંદ ફોજ

    સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

    ૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

    એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

    ૦૦૦

    સંદર્ભઃ

    Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ઇશ્વરના ઇ મેઇલ….૮

    ભીતરની દ્રષ્ટિ ખોલીશું ?

    નીલમ  હરીશ દોશી

    ગગનભણી શું ? બ્રમ્ભાંડોની પાર નીરખ ને
    નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને

    પ્રિય સખા,

    હું નિરાકાર છું કે સાકાર..એવી કોઇ ચર્ચા શા માટે ? તને જે સ્વરૂપે ગમે એ સ્વરૂપે તું મને નિહાળી શકે છે. મને નિરાકારને તેં અનેક આકાર આપ્યા છે. જે બધા મેં હોંશે હોંશે સ્વીકાર્યા છે. દોસ્ત, મારે માટે મહત્વ સ્વરૂપનું નથી. મહત્વ છે તારી ભાવનાનું. હું તો વિદૂરની ભાજી કે શબરીના એઠા બોર પણ ખુશીથી ખાનારો. મારે તારા છપ્પનભોગની લાલસા નથી. પણ જો તું  મારા એકાદ ભૂખ્યા બાળકને પણ  પેટ ભરીને ભોજન કરાવી શકે તો મને તારા  છપ્પનભોગ પહોંચી ગયા એ સમજ. મારે તારા અન્નકૂટનો કોઇ ખપ નથી એ વાત મેં તને અનેક રીતે સમજાવવાની કોશિશ કરી છે. છતાં હજુ એ બધા દેખાડા આજે પણ અનેક જગ્યાએ થયા કરે છે અને એ પણ મારે નામે. દોસ્ત, તું જ જવાબ આપ..તારું કોઇ શિશુ ભૂખ્યું હોય ત્યારે તને એને મૂકીને સાત પકવાન આરોગવા ગમે ખરા ? તો મારા અનેક સંતાનો ચપટી અનાજ માટે ટળવળતા હોય ત્યારે કયા સુખે હું તારા ભોગ આરોગી શકું ? આ સાદી સીધી વાત દોસ્ત, મારે તને કયાં સુધી સમજાવ્યા કરવાની છે ?

    દોસ્ત, તને જાણ છે કે  તારી  ઇન્દ્રિયો બહિર્મુખી અને અંતર્મુખી પણ છે. તને અહેસાસ છે કે તારી  ભીતર પણ કશુંક છે. જેમ જેમ એ અહેસાસ સઘન બનતો જશે તેમ તેમ તારી ભીતરની સૃષ્ટિ ખૂલતી જશે અને તને જાતે સમજાતું જશે કે તારું  અસલી રૂપ તો  કંઇક જુદુ જ છે. અને  જયારે  તને તારા  અસલીપણાની સહેજ પણ ગંધ આવતી થશે ત્યારથી તારે  માટે તારા પદ, નામ રૂપ પ્રતિષ્ઠા બધું ગૌણ બનતું જશે.

    હે મારા પરમ મિત્ર, તારા ભીતરના રૂપાંતરની આ પ્રક્રિયા  વિસ્ફોટક  ઘટના છે. તારા ચિત્તતંત્રમાં પહેલાં એક સ્ફોટ થાય છે અને એ આગમાં અહંની સાથે બીજુ ઘણુ હોમાઇ જાય છે. ઇંડાનું કોચલું તૂટે છે, અને અંદરનું પ્રવાહી પાંખો ફફડાવતુ પંખી બનીને બહાર નીકળે છે. આ બીજ સ્ફોટક છે. બીજ ફાટે છે અને ભીતરથી કૂંપળ ફૂટી નીકળે છે. બીજમાં જ વૃક્ષ અને વૃક્ષમાં બીજ.એમ ચિત્તમાં જ ચૈતન્ય અને માનવચેતનામાં જ પરમ ચેતના છૂપાયેલી છે એ ભેદ ખૂલે છે. મૂળ સ્વરૂપને પામવા નવી દ્રષ્ટિ ખીલવવી પડે છે.હે મારા પરમ સખા, બસ આટલી વાત તું સમજી લે તો તારી જીવન નૌકાને કોઇ તોફાન અટકાવી નહીં શકે. એ સડસડાટ કરતી યોગ્ય દિશામાં વહેતી રહેશે. જયાં હું તારી પ્રતીક્ષામાં યુગોથી ઉભો છું. મારા દોસ્ત,તું  સાચી દિશા પકડ એની જ મને પ્રતીક્ષા છે.

    લિ.ઇશ્વરના આશીર્વાદ

    પ્રાર્થના એટલે…. જેમાં કશી જ માગણી ન હોય, હોય ફકત પરમાત્મા સાથેનો સંવાદ.

    જીવનનો હકાર….

    બંધ દરવાજાની ચિંતા કર્યા સિવાય ચાલતા રહો…નવો  દરવાજો આપોઆપ ખૂલશે.

  • કરસનદાસ મૂળજીનો ઈંગ્લે‌ન્ડ પ્રવાસ – પ્રકરણ 3

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

                                (કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨)

    (મારા પ્રવાસ વિષે લોકો ગમે તેમ બોલો, પણ મને જે રૂડું અને ઠીક લાગ્યું તે મેં કરયું છે. આ બાબદમાં મારા ઉપર જે દુ;ખ પડે છે તે હું ધિરજથી સહન કરૂં છઉ, પણ મને મોટામાં મોટો સંતોષ તો એ જ છે કે હું એક મોટી અને રૂડી યાત્રા કરી આવ્યો છઉં. એ યાત્રાના સ્મરણથી મને મારા દુ;ખમાં જે સુખ ઉપજે છે તેમાં હું બહું આનંદ પામું છઉં. હું ધારું છ‌ઉં કે જેમ દેશના બચાવની લડાઇમાં ગમે તેટલું લશ્કર છતાં -લડાઇની પેહલી હારમાં ઉભેલા સીપાઇઓ કપાઈ જવા જ અથવા ઘાયલ થવા જોઈએ તેમ હરેક સુધારાના મોટા કામમાં પેહેલ કાહાડનારાઓ ઉપર દુ:ખ પડવું જ જોઈએ. એ દુ;ખમાં ભાગ લેવાને જ્યાં લગી સુધારાના સાથીઓ કે મિત્રો હિંમત પકડીને મેદાન પડશે નહી ત્યાં લગી આખી જાત કે આખી નાત પોતાની મેળે કોઇ પણ મોટા સુધારામાં દાખલ થઈ શકશે નહી. સુધારાનું કોઈપણ મોટું કામ આખી જાતનાં કે આખી નાતનાં એક મતથી અને એક વિચારથી કોઇ કાળે થઈ શક્યું નથી અને હું ધારું છઉં કે કોઇ કાળે થઈ શકશે પણ નહી)

            એ સમયમાં કરસનદાસ ઇંગ્લે‌ન્ડની ડેલીએ માત્ર હાથ અડકાડીને જ પાછા આવ્યા હોત તો પણ એક મોટું સાહસ ગણાત પરંતુ તેમાણે માત્ર સાહસ ખાતર સાહસ કર્યું ન હતું ઇંગ્લે‌ન્ડના લોકોની  રહેણીકરણી, સામાન્ય વિવેક  અને બીજા જે કોઈ ગુણોથી મહાન બની હતી તે પ્રત્યક્ષ જોઈને પોતાના દેશની પ્રજાને તેનાથી  અવગત કરવા ઉપરાંત તે ગુણો આપણી પ્રજામાં ઉતરે તેવી ભાવના તેમનામાં હતી. આથી જ પુસ્તકમાં તેઓ ઇંગ્લે‌ન્ડની પ્રજામાં જે કાંઇ સારું છે તે બાબતે તેની સરખામણી આપણી પ્રજાની સાથે કરી છે. ત્યાંના લોકોની ધંધારોજગારની પદ્ધતિ અને પસંદગી બાબતે તેઓ લખે છે, “’મારો બાપ સુતારનો ધંધો કરે છે તેટલા માટે મારે પણ સુતારનો જ ધંધો કરવો’ અથવા ‘મારો બાપ ગાંધીની દુકાન માંડી બેસે છે માટે હું બીજા ધંધામાં કેમ પડું?’ એવી ઉંધી સમજ વીલાયતના લોકોમાં નથી. જે ધંધા ઉપર બચપણથી જ વળગણ લાગે તે ધંધો કરવાથી જેવો લાભ થાય તેવો લાભ બાપદાદાના ધંધાને વળગી રહેવાથી થતો નથી”

    આપણા દેશમાં બાબદાદાનો જ ધંધો કરવા માટે સમાજનો દુરાગ્રહ કેવો હતો તેનું ઉદાહરણ આપતા લેખક કહે છે, “મેં એક ઘોડાવાળાને કહ્યું કે તને હું દસને બદલે બાર રૂપિયા મહિને આપું અને તું ઘોડાની ચાકરી કરવાને બદલે ઘરની ચાકરી કર, તે બોલ્યો કે મારા બાપદદાનો ધંધો મૂકું તો હું ન્યાત બહાર થાઉ!!

    લેખક નોંધે છે કે ત્યાં જાતિભેદ ન હોવાને લીધે એકબીજાના હાથનું ખાવાપીવામાં અભડાઇ જવાનો સવાલ ન હતો. વળી ત્યાં જ્ઞાતિપ્રથા નહિ હોવાથી તેમને મુઠ્ઠીભર મણસોની જ્ઞાતિનાં દબાણ અથવા ગુલામીમાં રહેવું પડતું નથી. તેમ છતાં ત્યાં ચડતાઉતરતા ધંધા કે હોદ્દાના આધારે ભેદભાવ તો રાખવામાં આવે જ છે. ઉતરતા હોદ્દાના માણસો સાથે બેસીને જમવું અથવા તેને પોતાની પાસે બેસાડવો એમાં પોતે નાનપ સમજે છે. તો પણ તેઓ જેને હલકા વર્ગના ગણે છે તેમાનાં કોઈએ કોઇ મોટી સિદ્ધિ મેળવી હોય તો તેની સાથે તેઓ ભેદભાવ રાખતા ન હતા.

    આપણા દેશમાં જ્ઞાતિનાં ભેદ અને બંધનને દૂર કરવાની તાતી જરૂરિયાત બાબતે કરસનદાસ લખે છે, ”આ દેશમાં જ્યાં સુધી જાતીભેદનું બંધન છુટશે નહી ત્યાં સુધી આપણા લોકોમાં સ્વતંત્રપણું આવશે નહી, અરે, આપણામાં એવો વિચાર ક્યારે આવશે કે જેણે સ્વતંત્રપણું ખોયું તેનું બધું જીવતર ફોગટ ગયું!”  આ રીતે  લેખકનો  સ્વતંત્રતા માટેનો આગ્રહ અને પોતે પ્રજાની ઉન્નતિ માટે સ્વતંત્રતાને  કેટલી  મહતવની માનતા  તે આપણે જાણી શકીએ છીએ..

    એ વખતે ઇંગ્લે‌ન્ડની સમૃદ્ધિ ગમે તેટલી હોય પરંતુ ગરીબો અને ભીખારીઓ તો ત્યાં પણ ઘણા હતા. આપણા દેશના ગરીબોની સાથે સરખામણી કરતા તેઓ જણાવે છે, “આપણા દેશનો ગરીબ કે ભિખારી માત્ર લંગોટી મારીને નાગો કમકાજ ઉપર જશે અને મમરા કે ચણા ફાકીને પોતાનો નિર્વાહ ચલાવી શકશે. વિલાયતમાં તમે તેમ જોશો નહી, ત્યાંના ગરીબ મજુર કે ભિખારીનાં શરીર ઉપર કપડાં જોશો અને તે એટલાં કપડાં કે આખું શરીર ઢંકાયેલું રહે, કપડાં કંઇ ઝીણી ખાદીનાં નહી પણ ગરમ જાડા” માત્ર ત્યાંની ઠંડીને કારણે જ  તેમને આવા કપડા પહેરવા પડતા હશે એવા આપણા તર્કને નિર્મૂળ કરતા તેઓ લખે છે, “વિક્રમ રાજાના વખતમાં વિલાયતના લોકો તમામ જંગલી હાલતમાં હતાં ત્યારે તેઓને લંગોટી મારવાને પણ કપડું મળતું નહી હતું, પણ તેઓ માત્ર રંગ લગાડીને શરીરનો નાગો ભાગ ઢાંકતાં હતાં, તે વખતે વિલાયતની હવા જુદી હતી એમ સમજવું નહી. આ ઉપરથી સાબિત થાય છે કે વિલાયતનાં ગરીબ લોકો પોતાનું આખું શરીર ઢાંકી શકે છે તે એ દેશની ચઢતી કળાની એક મુખ્ય અને અગત્યની નિશની છે.”

    માથે છાપરાં વિનાના ગરીબ અને ભીખારીઓને રાતવાસો કરવા માટે આપણા દેશમાં કેટલાક શહેરોમાં રેનબસેરા હોય છે. કરસનદાસે એ સમયમના ઇંગ્લે‌ન્ડના રેનબસેરાની વાત પણ કરી છે. પરંતુ ત્યાંના રેનબસેરાનું  ચિત્ર ખૂબ વરવું લાગતા તેઓ લખે છે, “આ મકાનોમાં જે અનીતિ ચાલે છે તેનો વિચાર કોણ કરી શકે? અરે એમાં કેવી નઠારી વાતો ચાલે છે ને કેવાં ભુંડા કમો થાય છે ! કેટલાક મકાનોમાં ભાયડાઓ અને બાયડીઓ, છોકરાઓ અને છોકરીઓ એકમેક સાથે થઈ જાય છે. જુવાન છોકરાઓ ઓરડામાં એક નાકેથી બીજા નાકે સંભળાય તેમ મોટેથી એક બીજા સાથે નઠારી વાતો કરે છે. છોકરીઓ એ વાતો સાંભળી ખુશ થાય ને કોઈવાર ફરીથી તેની તેજ વાત કરવાને ઉશ્કેરણી કરે. ત્રણ કે ચાર કે છ જુવાન છોકરાઓ તથા છોકરીઓ એક નાહાની પથારીમાં સુવે. કેટાલાએક એવાં કે જેઓને એક બીજા સાથે જનમમાં પણ ઓળખાંણ નહી, એ વેળાએ શરીર ઉપર કોઈ કપડું રાખે તો ઉલટી અડચણ પડે પછી જે અનીતિ ચાલે તે લખાય એવી નથી*[1].

    ઇંગ્લે‌ન્ડની જમીન આપણા દેશની જમીન જેટલી ફ્ળદ્રુપ ન હોવા છતાં તેની ખેતીમાં વધારે ઉપજનું શ્રેય લેખક ત્યાંની વૈજ્ઞાનિક ખેતીને આપતા જણાવે છે, “આપણા દેશની ખેતીવાડીમાં જે હથિયારો સો કે હજાર વરસની ઉપર વપરાતા હતા તેમાં અને આજે વપરાય છે તેમાં ઝાઝો અથવા મુદ્દલ ફેર તમે જોઈ શકશો નહિ. વિલાયતમાં ખેતીવાડીનાં જૂના હથિયારો બદલાઈ ગયાં છે એટલું જ નહી પણ નવી તરેહનાં અનેક હથિયારો બનાવીને ખેતીવાડીમાં તેઓ વાપરે છે, એવાં આસરે ‘ત્રણસો જાતના હથિયારો છે[2]” આ ઉપરાંત બીજું કારણ એ છે કે ત્યાંના શ્રીમંતોએ ખેતીમાં હાથ નાખ્યો છે. લેખકના જણાવ્યા પ્રમાણે મહારાણી વિક્ટોરિયાના પતિ પણ ખેતી કરતા હતા ઉપરાંત તેમણે પોતાના મહેલોની આસપાસની જમીનમાં ખેતી કરીને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાથી કેટલો લાભ થઈ શકે છે તે લોકોને બતાવી આપ્યું હતું. જો કે ત્યાં માત્ર શ્રીમંતો જ ખેતી કરતા એવું ન હતું. ઓછી જમીનવાળા મધ્યમ સ્થિતિના ખેડૂતો પણ હતાં અને તેમનું જીવંનધોરણ ઘણું સારું હતું ,તેઓ ભણેલા હતા અને વર્તમાનપત્ર કે સામાયિકો વાંચીને ખેતીમાં થતા સુધારા અને દેશવિદેશના સામાન્ય પ્રવાહોથી વાકેફ રહેતા.

    ઇંગ્લે‌‌ન્ડના લોકોની વ્યકતિગત અને પરસ્પરની રીતભાત(etiquette) તથા રિવાજને લેખક અનુક્રમે વિવેક તથા ચાલ તરીકે ઓળખાવે છે. આ વિવેક અને ચાલ અંતર્ગત ત્યાંના ગૃહસ્થનાં લક્ષણો, મહિલાઓનાં લક્ષણો , સ્ત્રીઓની સુંદર દેખાવા માટેની રીત તેમજ સૌંદર્યપ્રસાધનો, પોશાક વગેરે વિષે વિસ્તારથી લખ્યું છે. આ ઉપરાંત ત્યાંના લોકોની ભોજન કરવાની પદ્ધતિ, મહેમાનગીરી અને યજમાંનગીરી, પરસ્પર વાતચીત કરવામાં જરૂરી સભ્યતા વિશે પણ લ્ખ્યું છે. આ બધી રીતભાતો અને રિવાજોને લેખક અનુકરણીય લેખે છે. પરંતુ ત્યાંના બોલ ડાંન્સ જેમાં સ્ત્રીઓ પોતાના પતિ ઉપરાંત અન્ય પુરૂષો સાથે નાચે છે તે લેખકને પસંદ પડ્યું ન હતું. તેના કારણમાં તેઓ લખે છે કે આ નૃત્યુના બે પ્રકારો કુવાદ્રિલ અને વોલ્ઝમાં પુરૂષો સ્ત્રીઓને કમરમાંથી પકડી તથા સ્ત્રીપુરૂષ એકબીજાને વળગીને નાચે છે એ નાચમાં ગમે તેવી ખૂબી હોય પણ તેને લેખક નીતિભંગ થવાનો મોટો આરંભ અને પાયો ગણે છે કેમ કે સ્ત્ર્રીપુરૂષનું જ્યારે અંગેઅંગ એકઠું થાય છે ત્યારે માણસની સ્વભાવિક વૃતિને કાબૂમાં રાખવી અઘરી છે. આ તો તેમણે કરી તે સમયના યુરોપની વાત, પરંતુ શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ વર્ણવ્યા મુજબના કૃષ્ણ તથા ગોપીઓ તેમજ બળરામ અને ગોપીઓના રાસના જેવા એ વખતના નાચવાના રિવાજ પણ લેખકને પસંદ નથી!

    આપણે ત્યાં તે કાળે બાળલગ્નો એ અપવાદ વગરનો રિવાજ હતો. કરસનદાસ પછી પચીસ વર્ષે જન્મેલા તિલક મહારાજ જેવાએ પણ બાળલગ્નનો માત્ર બચાવ જ નહિ પરંતુ તેના પરના પ્રતિબંધનો ધાર્મિક આધારે ઉગ્ર વિરોધ કરેલો!  કરસનદાસે તો બાળલગ્નને એક મોટું અનિષ્ટ ગણેલું. ઇંગ્લે‌ન્ડમાં તેમણે જોયું કે  સામાન્ય રીતે છોકરાઓ બાવીસ વર્ષ અને છોકરીઓ વીસ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરતી નથી. વળી લગ્ન કરવા માટે છોકરાને પગભેર થવું અત્યંત જરૂરી મનાતું. કોઈ મેળાવડામાં કે અન્ય કોઇ સ્થળે છોકરાછોકરીની મુલાકતમાં તેઓ એકબીજાને ગમી ગયા હોય તો લગ્નસબંધ માટે તૈયાર થતા. માબાપની સંમતિ પછીથી માગવામાં આવતી. અલબત માબાપ છોકરા કે છોકરીનાં કુળ બાબતે આગ્રહ રાખતા જ. લગ્ન માટે સંમત થયા પછી લગ્ન કરવા માટે થોડો સમયગાળો રાખવામાં આવતો અને એ દરમિયાન જો છોકરા કે છોકરીમાં કોઈ ખામી જણાય તો તે દૂર કરવાની તક આપવામાં આવતી .પરંતુ કોઈ મોટી ખામી હોય તો સબંધ તોડી નાખવામાં આવતો.

    આ તો થઈ ઇંગ્લે‌ન્ડની પ્રજાની રીતભાત, જીવનશૈલી અને સમાજજીવનની વાત. પરંતુ કોઇ પણ પ્રજાની જીવનશૈલી અને સમાજજીવનનો આધાર તે પ્રજામાં સામાન્ય (common) હોય તેવા વ્યક્તિગત ગુણો પર હોય છે. લેખકે ઇંગ્લે‌ન્ડની પ્રજાના ઉદ્યમશીલત, કાર્ય કરવામાં કુશળતા, કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવા માટે હરિફાઈ, સાહસિકતા, હિંમત, ટેકીપણું તેમજ પરોપકાર વૃતિ, કામને વેઠ નહિ સમજતા ઉત્સાહ પૂર્વક કરવું તેમજ હાથમાં લીધેલું કાર્ય હતાશ થયા સિવાય છોડવું જ નહિ વગેરે ગુણોના ભરપેટ વખાણ કર્યા છે. પરંતુ સૌથી મોટા ગુણ તરીકે ત્યાંની પ્રજાના રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા માટેના પ્રેમ અને આગ્રહને ગણાવ્યો છે. આ અંગે તેઓ લખે છે, “ગુલામી અવસ્થાનો જેવો ધિક્કાર ઇંગ્રેજી પ્રજામાં છે તેવો ધિક્કાર બીજી થોડી પ્રજામાં હશે. સ્વતંત્રપણું રાખવાને માટે તેઓ પોતાનાં સગાં વહાલાઓને છોડીને તરવાર કે બંદૂક ઉચકશે ને મરવું કે ઝીતવું એવો ઠરાવ કરીને મેદાને પડશે. અરે મારા જીવનું કેમ થશે-અરે મારા બાયડીછોકરાંઓની શી અવસ્થા થશે એવી બીહીક ભરેલી ચિંતા જરૂરની વેળાએ તેઓ કરવી છોડી દેશે. જો તેઓનાં જાણવામાં આવ્યું કે અમારૂં સ્વતંત્રપણું કોઇ લેવા આવે છે તો તેઓ બીજો બધો વિચાર છોડી લડાઇનાં હથિયાર કમરે બાંધશે આ સ્વતંત્રતાનો જુસ્સો એટલો બધો છે કે કોઈ પણ મોટો રાજા કે રાજપુત્ર કે કોઈ પણ મોટો પ્રધાન કે ગવર્નર આડો ચાલશે તો તેને વર્તમાનપત્રમાં અને પ્રસિદ્ધ મંડળીમાં ઠપકો આપવાને મુદ્દલ આંચકો ખાતા નથી. ફલાણા શેઠને કે ફલાણા સાહેબને મારા વિચારથી માઠું લાગસે માટે ‘સબસે બડી ચૂપ’ રાખું એવો વિચાર વિલાયતના લોકો કરતા નથી.”

    માત્ર વૈચારિક સ્વતંત્રા જ નહિ પરંતુ પોતાને યોગ્ય લાગે તેવા કામ કરવા માટે સમાજ કે લોકોની બીક રાખતા નથી પોતાના મગજમાં એક વાત ઉતરી તો તો તેનો અમલ કરવા માટે તેમને કોઈ અટકાવી શકતું નથી આ માટે જરૂર પડ્યે તેઓ  એટિકેટ જેવા મોટા ગુણને પણ છોડી દેતા અચકાતા નથી.

    ઇતિહાસના સામાન્ય અભ્યાસને કારણે વાચક મિત્રો જેનાથી પરિચિત છે તે  ઇંગ્લે‌ન્ડની તે સમયની દુનિયાભરમાં સર્વોપરિતાનાં કારણો અને સંજોગો આપણે કરસનદાસની નજરે જોઇશું પરંતુ તે હવે પછીના પ્રકરણમાં


    નોંધ- કેટલીક બાબતો કરસનદાસે પોતે ઉપર જણાવ્યા પ્રમાણે વાંચેલા પુસ્તકોના આધારે લખી છે.


    [1] (*Landon Labour and the London poor volume volume I P 276

    [2] **Rural life of England: P 53


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ઉંમરનું રહસ્ય

    દેવિકા રાહુલ ધ્રુવ

    જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.

    પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ  અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે,  સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો/સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગો એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.

    હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ  હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.

    હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?

    જુઓઃ
    ઉંમરમાં આવવું.

    પરણવાની ઉંમરે પહોંચવું.

    ઉંમરે પહોંચવું.

    અંતિમ પડાવે આવવું.

    અવસ્થાએ પહોંચવું.

    વાળ ધોળા થયા. વગેરે વગેરે.

     આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.

    હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી,ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી  એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?

    રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
    સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતું.
    પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
    કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..

    કુદરતમાં પણ આ જ છે ને?

    હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ.  કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે- ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે.  એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.

    આવી રીતે કાનની તકલીફને કારણે ઉભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ

    “ મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ.
    મે ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’

    જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.

    એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!

    અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.

    આંખ તો મારી આથમી રહી ને  કાનના કૂવા ખાલી.
    એક પછી એક ઇન્દ્રિય કહે:   હમણાં હું તો ચાલી.

    આ છે ઉંમરની વાસ્તવિકતા.

    કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખુબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ… આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ ,  “આ ઉંમરે પણ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?

    સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”

    આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.

    દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ  વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.

    શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ  એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.

    My looks are nothing special,
    My face reveals my age,
    My body shows some wear and tear,
    And my energy’s not the same.

    Too often my memory fails me,
    And I lose things all the time.
    One minute I know what I plan to do,
    And the next it may just slip my mind.

     I’m still quite aware of the beauty inside,
    And my value should not be dismissed.

    I’m still here and want so much to live,
    And I know that there’s no one in this world quite like me,
    And no one who has more to give.

    ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત!

    I’m still quite aware of the beauty inside,
    And my value should not be dismissed.


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
  • અમર પ્રેમ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આથમતા સૂર્યના કિરણો નારિયેળીના વૃક્ષોની વચ્ચેથી ચળાઈને સાગરનાં પાણી પર રેલાઈ રહ્યા હતા. આકાશમાં ઘેરાયેલાં વાદળો જુદીજુદી આભા રચતાં હતાં. ક્યારેક  જ્વાળા  જેવા  ભડકીલા  તો ક્યારેક મોતની કાલિમા જેવા. ક્યાંક સોના જેવી ચમક તો ક્યાંક રક્તિમ લાલિમા.
    ત્રાવણકોરના સાગરનું અફાટ સૌંદર્ય સૌને આકર્ષતું. આ ક્ષણે એ સૌંદર્યની જાદુઈ અસર મારાં મનનેમુગ્ધ કરી રહી હતી. ક્યારેક પશ્ચિમની હવાથી સાગરનું સ્થિર પાણી બાળકનાં ચહેરા પરનાં સ્મિતની જેમ આંદોલિત થઈ ઊઠતું. ક્યાંકથી વહી આવતા માછીની બંસરીના ધીમા સૂર સંભળાતા હતા.
    મારી જેમ આ વાતાવરણથી સંમોહિત એવા મારા નાવિકે ખુલ્લા સાગર વચ્ચે આવીને હલેસાં પરથીહાથ હટાવી લીધા. નાવ એની મરજીથી હાલકડોલક થતી રહી.  હું, એ નાવિક અને સાગર ખામોશ હતા. આ ખામોશી તોડવી ન હોય એમ હવાએ પણ જાણે શ્વાસ રોકી લીધો.
    આથમતા સૂર્ય તરફ એકીટકે નાવિક જોઈ રહ્યો હતો. હવે તો ગામની વસ્તીથી, નારિયેળનાં ઝૂંડથી પણ દૂર, જાણે વર્તમાનથી પાછળ અજાણ્યા યુગ સુધી પહોંચી ગયા હતા. ઉપર વિશાળ ગગન, નીચે સાગરના ગહન પાણીની વચ્ચે એક નાની નાવ, આદમના જમાનાનો હોય એવો અર્ધ નગ્ન નાવિક અને હું.
    નાવિક બુઢ્ઢો નહોતો છતાં ચહેરા પરની કરચલિયો જોઈને લાગ્યું કે, કોણ જાણે  એણે કેવી લીલીસૂકીજોઈ હશે!
    ત્રાવણકોરમાં ભાંગીતૂટી અંગ્રેજી બધા બોલતા, પણ એ સરસ હિંદુસ્તાની બોલતો હતો. મારે શોરબકોરથી અલગ એકલા જ રહેવું હતું. મને આ નાવિક માફક આવી ગયો.
    નમી રહેલો સૂર્ય એની લાલિમા સમેટીને પળવારમાં પાણીમાં ગરક થઈ ગયો. જમીનથી આસમાન સુધી શ્વાસ રૂંધાય એવો મોતની કાલિમા જેવો અંધકાર ફેલાઈ ગયો. પળવાર પાછા ફરી જવાનું મન થયું, એટલામાં દૂરથી એક લાલટેન વહી આવતું દેખાયું.
    નાવિકે હળવેકથી નાવ એ તરફ લીધી. દૂરથીય કળાયું કે, એ નાવમાં કોઈ સ્રી હતી. જરા પાસે જતા નાવિકે એ સ્ત્રી દેખાય, પણ એ અમને જોઈ ન શકે એવી રીતે નાવ થંભાવી.
    પેલી સ્ત્રીએ નાવ થંભાવી હતી. લાલટેનના ઉજાસમાં મેલી સાડીમાં લપેટાયેલી દુબળી કાયાવાળી સ્ત્રીનો ચહેરો દેખાતો હતો. બીમાર હોય એવા પીળા ચહેરા પર, સૂકા હોઠો પર સ્મિત હતું. ચહેરો અંતરના ઉજાસથી ચમકતો હતો. ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ભગવાનના દર્શનની ઝંખનામાં પ્રતીક્ષા અને વિશ્વાસ હતો. એ કોઈ મલયાલી લોક ગીત ગાઈ રહી હતી.

    “કોણ છે એ અને શું ગાય છે?”

    “પ્રેમીની પ્રતીક્ષામાં આખી રાત દીપ પ્રગટાવીને ગવાતું અમારું લોકગીત છે.”

    “આજે એનો પ્રેમી કે પતિ આવવાનો હશે નહીં?”

    “એ આજે, કાલે કે ક્યારેય નહીં આવે. એને મરે વર્ષો થઈ ગયા. એ જાણે છે, પણ માનતી નથી. એણે હજુ આશા નથી છોડી. એનો પ્રેમી આવે તો રસ્તો ચૂકી ન જાય એ માટે કેટલાય વર્ષોથી એ લાલટેન લઈને આવે છે.”

    નાવિકના અવાજમાં વ્યથા હતી.

    “આ પ્રેમકથાની સાથે હિંદુસ્તાનની આઝાદીની દાસ્તાન જોડાયેલી છે. ૧૯૪૨માં જ્યારે દેશભરમાં ઇન્ક્લાબનો જુવાળ જાગ્યો ત્યારે ત્રાવણકોર એમાંથી બાકાત નહોતું. વિદ્યાર્થીઓથી માંડીને મજૂર, ખેડૂત, નાવિકો, માછીમારો રાજાશાહીની સામે થઈ ગયા. કોઈલોનના સાગરનું પાણી ભલેને અમારા લોહીથી રંગાઈ જતું, પણ અમે કામ નહીં કરીએ કહીને અહીંના હજારો નાવિકોએ હડતાલનું એલાન કર્યું.  હજારો અનપઢ નાવિકો વતી જેણે એલાન કર્યું એ કૃષ્ણા અમારો નેતા હતો. એ ભણેલો હતો છતાં અમારી જેમ નાવ ચલાવતો. ત્રિવેન્દ્રમાં રહીને લીડરોની વાતો સાંભળીને એય ભાષણો આપતો. ખડતલ અને દેખાવડો હતો. કોઈલોન ટાપુથી ત્રણ માઇલ તરીને રાધાને મળવા આવતો. એનું નામ રાધા નહોતું, પણ કૃષ્ણા એને રાધા જ કહેતો. ખરેખર રાધા–કૃષ્ણ જેવી જોડી હતી. બંનેના વિવાહ થયાં ત્યારે એકને છોડીને સૌ ખુશ હતા” કહીને, ચૂપ થઈને નાવ ચલાવતો રહ્યો.

    હવે મારી ધીરજ રહી નહીં.

    “વર્ષો પહેલાં રાધા અત્યંત સુંદર દેખાતી હશે નહીં?”

    “અત્યંત સુંદર હતી. લાંબો સુડોળ દેહ, ચમકદાર ચહેરો, આંખોમાં આ સાગર જેવી ગહેરાઈ, અહીં  તો શું આસપાસના ગામમાં એનાં જેવી કોઈ સુંદર યુવતી નહોતી.”

    “પછી થયું શું?” મને રાધાના સૌંદર્ય કરતા કૃષ્ણાના અંજામ વિશે જાણવામાં રસ હતો.

    “થવાનું શું હોય? કૃષ્ણાના જોશીલા ભાષણોને લીધે પોલીસ એની પાછળ પડી. એને પકડવા કેટલાય પ્રયાસો કર્યા, પણ એ હાથ ન લાગ્યો. સંતાતો રહીનેય એ કામ કરતો રહ્યો. અંધારામાં તરીને એ રાધાને મળવા આવે છે અને સવારે પાછો વળી જાય છે એની પોલીસને ખબર નહોતી. દિવસો સુધી એને શોધતી પોલીસ લોકોની મજાકને પાત્ર બની..

    “કૃષ્ણાને સૌનો સાથ હતો સિવાય એક. એ એક જેને રાધા પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે એ કૃષ્ણા માટે સતત ઈર્ષાથી સળગતો રહેતો.”

    “પછી?”

    “અમાસની રાતે એને રસ્તો દેખાય એટલે આજે આવી એવી રીતે રાધા લાલટેન લઈને આવી. એ રાતે કૃષ્ણા રાધાને મળવા એ આવ્યો તો ખરો, પણ રોશની નહોતી. રાધાનું લાલટેન ઓલવાયેલું હતું.”

    “કેમ, સાગરમાં તોફાન હતું?”

    “બસ, એવું જ કંઈક. પણ એ તોફાન સાગરમાં નહીં એક બેઈમાન આદમીના મનનું હતું. એણે દગાખોરીથી લાલટેનની રોશની ઓલવીને દોસ્તને મોતના હવાલે કર્યો.”

    “અરે, પણ આવી દગાખોરી કોઈ કેમ કરે?”

    “પ્રેમ માટે. એ પ્રેમ નહીં બીમારી હતી. પાગલપન હતું. એને ખબર હતી કે,  રાધા કૃષ્ણા સિવાય કોઈની સામે પણ નહીં જુવે. છતાં ઈર્ષાની આગમાં એણે દોસ્તની હત્યા કરી દીધી.”

    “ઓહ, તો કૃષ્ણા ડૂબ્યો નહોતો, એની હત્યા થઈ હતી?”

    “એ રાતે લાલટેન ઓલવવું એ હત્યા જેવું જ હિચકારું કામ હતું. એને ખબર હતી કે, કૃષ્ણાના મોતથી એનું ભલું નથી થવાનું અને હવે એ અધમના અપરાધનું ભૂત એના મન પર હાવી થઈને દિવસની શાંતિ અને રાતની ઊંઘ હરામ કરી રહ્યું છે.

    “કૃષ્ણાના મોત પછી પોલીસના ખોફથી સૌએ હડતાલનો અંત આણ્યો.”

    “રાધાને એના મોતની જાણ થઈ તો એણે શું કર્યું?”

    “આજ સુધી એણે કૃષ્ણાના મોતની વાત સ્વીકારી નથી. આજ સુધી કૃષ્ણાની લાશ પણ મળી નથી. એ રોજે નાવમાં લાલટેન લઈને આવે છે, પાછી જઈને આખી રાત ઝૂંપડીમાં કૃષ્ણાની રાહ જુવે છે.”

    “જેણે કૃષ્ણાને મોતને હવાલે કર્યો, આઝાદીની લડત સામે દગાખોરી કરી અધમનું શું થયું?”

    નાવિક સવાલનો જવાબ આપ્યા વગર નીચા મોઢે, ચૂપચાપ નાવ ચલાવતો રહ્યો, પણ એની ખામોશીમાં જાણે ગુનેગારની છાયા અને કૃષ્ણાના મોતનો ઓથાર હતો.

    કિનારે નાવ ઊભી રહી ત્યારે આસમાનમાં હજારો તારા ચમકતા હતા. સાગર તરફ જોયું તો અધવચ્ચે કૃષ્ણાની પ્રતીક્ષામાં રાધાનું લાલટેન એક તારાની જેમ ચમકતું હતું. રાધા આજે, કાલે, એ પછી પણ આમ જ પ્રતીક્ષા કરતી રહેશે અને એનો પ્રેમ તારાની જેમ ચમકતો રહેશે.

    હંમેશાં…..હંમેશાં….

    અંધકારમાં હું કૃષ્ણાને એના મજબૂત હાથોથી પાણી ચીરતો રાધાને મળવા જતો અનુભવી રહ્યો.


    ખ્વાજા અહમદ લિખીત વાર્તાનો ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પસંદગી

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    એ સાંજે ન્યૂયૉર્કના ઍરપૉર્ટ પર ખૂબ ભીડ હતી. જાણે હજારો લોકો ઊમટી પડ્યા હતા. ચારે બાજુ લોકો આમ જતા ને તેમ જતા દેખાય. માણેક ચૉકના શાક-માર્કેટથી પણ ખરાબ અવસ્થા છે અહીં તો, ભવાં ચઢાવીને મહેશ બબડ્યો. દુનિયાનાં બધાં અહીં આવી ચઢ્યાં છે, પણ જેમની જરૂર છે અત્યારે તે લોકો ક્યાં છે? એ વિચારે મહેશને જરા ગભરાટ થવા માંડ્યો. સિલુ ફોઇ ને ફુવા નહીં મળે તો આટલી ભીડમાં? અરે, આવશે જ નહીં લેવા તો શું થશે?

    ક્યાં જવું, શું કરવું-ની કશી ખબર મહેશને હતી નહીં. અરે, ભગવાન, આ ક્યાં આવી પડ્યો? એણે ઘડિયાળ સામે જોયું, તો ભારતનો ટાઇમ. પ્લેનમાં જરા લાગણીશીલ થઈને એણે સમય બદલ્યો નહતો. કોઈ સારા માણસ જેવું દેખાય તો મદદ માટે પૂછું, એ આસપાસ જોતો રહ્યો. બધાં પોતપોતાનાંને શોધવામાં કે મળવામાં વ્યસ્ત છે અહીં તો. મારી સામે વળી કોણ જોવાનું? બહુ શોખ થતો હતોને સ્ટેટ્સ ભણવા આવવાનો. કરજે હવે મઝા, જાત પર જ એનાથી દાંત કચકચાઇ ગયા.

    આખરે કંઇક સૂઝતાં ઍરલાઇનના કાઉન્ટર પર એ જવા ગયો. ત્યારે ખુલ્લાં બારણાંમાંથી ઉતાવળે અંદર આવવા જતાં, પણ ભીડમાં અટવાતાં, ધક્કા ખાતાં સિલુ ફોઇ ને ફુવા દેખાયાં. એનાથી બૂમ પડાઈ ગઈ, સિલુ ફોઇ, અહિંયાં, અહિંયાં. સામાન સાથેની ટ્રૉલી ભૂલીને લગભગ દોડીને એમની તરફ જવા ગયો, ને ત્યાં એમણે એને જોયો. જલદી પાસે આવીને એ લોકો સૉરી કહે, ને બહુ ટ્રાફિક નડ્યો, એવી સમજૂતી આપે તે પહેલાં મહેશ ચીડ સાથે બોલી ઊઠેલો, કેટલું મોડું. ક્યારનો ઊભો …સિલુ ફોઇ હસતે મોઢે ભેટેલાં. ફુઆએ તરત હાથ લંબાવેલો, વેલકમ, વેલકમ.

                   ં               ં               ં              ં

    પહેલાંઃ

    અમેરિકામાંના એ પહેલા કલાકની ચીડ ઘણા લાંબા સમય સુધી મહેશને ચઢેલી જ રહી. હાઇ-વેના નામે રસ્તામાં કેટલા પૈસા લઇ લે છે આ લોકો. ને પાછા પૈસા લેનારા બધા કાળેકાળા છે. ફોઇ-ફુવાએ સામસામે જોયું હતું એનો ખ્યાલ મહેશને નહતો આવ્યો. એ બોલ્યે જતો હતો, આ દેશ તે ધોળાઓનો છે કે કાળાઓનો? સિલુ ફોઇએ મન વાળ્યું, કમસે કમ, ખરાબ લાગે તેવા શબ્દો તો નથી જાણતોને અહીંની પ્રજા માટે.

    ઘરમાં પણ બેએક દિવસ પછી એ સલાહ આપવા માંડેલો. બહુ મોટું મોટું ફર્નિચર રાખ્યું છે. રૂમો નાના છેને. અને દીવાલો તદ્દન સફેદ રંગી છે તે કેટલી જલદી ગંદી થઈ જાય. એના કરતાં તો ઘેરા રંગ વધારે સારા લાગે. સિલુ ફોઇ સાંભળી લેતાં. દલીલ કરતાં જ નહીં. ફુવા પણ નહીં. બંને સમજે કે હજી બાલિશ છે, બિનઅનુભવી છે. એની મેળે સમજશે. મહેશ સમજ્યા વગર બોલ્યે જતો. ઘરમાં હોઈએ તો પણ બારણાં ચાવી મારેલાં જ રાખવાનાં? એટલો બધો ડર હોય છે બધાંને? ને બારીઓ અહીં ખૂલે જ નહીં? એ તે કેવું. ચોખ્ખી હવા કોઈને જરૂરી નથી લાગતી આ દેશમાં? ઇન્ડિયામાં તો કેવું સારું. બધું ખુલ્લું, ને સરસ પવન આવે. ફુવાએ હવે હસીને કહ્યું, હા, ને સાથે ના જોઇએ તેટલી ધૂળ પણ આવે – તેનું શું?

    શરુઆતના દિવસો જ નહીં, વર્ષો સુધી એને બધી બાબતે વાંકું જ દેખાતું રહ્યું. આ તે કેવો દેશ છે. અહીં તો બધું ક્યાં તો ઊંધું ક્યાં તો વિચિત્ર. લાઇટની સ્વિચો – તો ઊંધી, ગાડીઓ ચાલે – તો ઊંધી દિશામાં. પૅટ્રૉલને ગૅસ કહે. સાવ નવા જેવી, વીસ-પચીસ વરસ જૂની વસ્તુઓને ઍન્ટિક કહે. ઇન્ડિયાનું કંઇક જુએ તો ખબર પડે કે ઍન્ટિક કોને કહેવાય. ગાંડા જેવો દેશ છે. અરે, યુનિવર્સિટીને સ્કૂલ કહે છે. ક્યાં યે સાંભળ્યું છે એવું?

    ઍડમિશન લઇને ઍન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા આવેલો એટલે સ્કૂલ શરૂ થતાં મહેશ હૉસ્ટેલમાં જતો રહ્યો. ત્યાં પણ એના વાંધા ચાલુ જ રહ્યા. ગજબ છે આ દેશ. નથી કોઇ એ જાણતું કે વેજીટેરિયન ખાવાનું એટલે શું. પૂછશે, પણ ચિકન તો ખાઓને? ફિશ તો ખવાયને? મેંદાની  બ્રૅડના ડુચા ખાઈને તો પેટને નુકશાન થવાનું. સિલુ ફોઇને ત્યાં લંચમાં વાશી ખાવું પડતું હતું, પણ રાતે તો તાજું ખાવાનું મળતું હતું. આ વિચારે અચાનક એને ફોઇ અને ફુવા પ્રત્યે આભારની લાગણી થઈ આવી. એણે માફી માગવાનું ધારીને એમને ફોન જોડ્યો, પણ એ લોકો બહાર ગયાં લાગ્યાં. મશિન પર માફીનો સંદેશો એ છોડી ના શક્યો.

    કદાચ સૌથી મોટી તકલીફ એને પોતાના નામને કારણે પડવા માંડી. મહેશ નામ અંગ્રેજીમાં વાંચે એટલે ગોરાઓ – અને કાળાઓ પણ – ઉચ્ચાર એવો ખોટો કરે કે સહન ના થાય. હલો, મા હેશ, કે એથી યે ખરાબ હલો, મધર હેશ – એમ જ બોલે. પાછા ઉપરથી હસે. નામ પણ સરખું નહીં બોલાય આ દેશમાં, એવું કોણે ધાર્યું હતું? એ મશ્કરી એનાથી સહન ના થઈ, ને એ પોતાને ફક્ત હેશ તરીકે ઓળખાવા માંડયો. દેશીઓ સાથે હોય ત્યારે મહેશ, ને ફિરંગો સાથે હોય ત્યારે નછૂટકે સાવ અર્થ વગરનો હેશ. આનો ગુસ્સો પણ એના મનમાં રહ્યો જ, પણ અપમાન થયા કરે એના કરતાં તો સારુંને.

    એ અરસામાં એ બીજા બે સ્ટુડન્ટની સાથે ભાડાના ફ્લૅટમાં રહેવા માંડેલો. એમાં એક તો એની જેમ ઇન્ડિયન હતો -રાકેશ, ને બીજો આયરલૅન્ડનો પૅટ્રિક હતો. મહેશને એ માટે વાંધો તો હતો, પણ એ રાકેશને ચોખ્ખું કહી ના શક્યો કે સાલા પરદેશીઓ તો ગંદા હોય. બે દિવસમાં જ એને થયું કે એવું કાંઈ એ ના બોલ્યો તે સારું જ થયું, કારણકે પૅટ્રિક બધી રીતે ઉત્તમ સાથીદાર હતો. હંમેશાં મોઢા પર સ્મિત, ગાતો ક્યાંતો સિટી મારતો ફરે, સાફસૂફીનું કામ તો જાણે એનું જ, અને એ શાકાહારી હશે એ તો મહેશે કલ્પ્યું પણ નહતું. સ્વાભાવિક સરસ વર્તાવ જોતાં જોતાં, એમેરિકામાં આવ્યા પછી કદાચ પહેલી વાર, એના મનનો વળ જરા ઊતર્યો.

    આ પછી એક દુકાનમાં કશું લેવા જતાં કાળા માણસોને કામ કરતાં જોઈ એનું મોઢું જરા બગડ્યું. મનમાં કહે, આ લોકો મને લૂંટી ના લે અહીં. બીજાં ઘણાંયે ખરીદનારાં હતાં, એટલે ખરેખરો ભય નહતો. બે-ત્રણ ચીજો લઈ, પૈસા આપી એ જલદી બહાર નીકળ્યો. ત્યાં જ એક કાળા માણસને એની પાછળ આવતો જોયો. એણે ઝડપથી ચાલવા માંડ્યું, તો પેલો પણ ઝડપ કરવા લાગ્યો. હવે સાલું શું કરવું, એમ મહેશ વિચારતો હતો ત્યાં પેલો એનો રસ્તો રોકવા લાગ્યો. શું જોઇએ છે તારે?, મહેશે ઘાંટો પાડ્યો. પેલાએ હાથ લંબાવી કહ્યું, સર, તમારા પાકિટમાંથી આ પડી ગયું હતું. હાથમાં મહેશનું ક્રૅડિટ કાર્ડ હતું. આપીને એક સેકન્ડ પણ ઊભા રહ્યા વિના એ દુકાન તરફ પાછો ચાલી ગયો.

    મહેશની સભાનતામાં થૅન્ક્યુ, ભાઈ જેવા શબ્દો ઊભરાઈ આવ્યા, ને એના મનને રૂંધી રહ્યા. અરે, આવી ઇમાનદારી આવા સાધારણ લોકોમાં પણ હોઈ શકે છે? ને એ પોતે તો અન્યાય જ કરતો રહેલો આટલા લાંબા વખતથી – આ દેશને, એના લોકોને. અચાનક કશોક ફેરફાર થયો જીવનને જોવાની એની દ્રષ્ટિમાં. ને એ સમયસર જ થયો કારણકે હવે એની નોકરી શરૂ થવાની હતી. સારી કંપનીમાં. ત્યાં જો એ પહેલાંના જેવી, દરેક બાબતમાં બીજાને ઉતારી દેવાની વાતો કરતો રહેત. ને ડંફાસ મારતો રહેત, તો લાંબું ટકત નહીં. પહેલો પગાર આવતાં સિલુ ફોઇ અને ફુવાને એ ખાસ બહાર જમવા લઈ ગયો, ને ત્યારે એણે આખરે એમની માફી માગી. કેટલો બાલિશ વર્ત્યો હતો હું. કઈ રીતે સહન કર્યો હતો તમે મને? એકરાર કરીને એને સારું લાગ્યું.

    કામ કરતાં કરતાં એ ઘણાં એમેરિકનોના પરિચયમાં આવતો ગયો. અમેરિકાના ઇતિહાસ અને વર્તમાન જીવનને સમજતો થયો. દરેક દેશની કેવી આગવી પર્સનાલિટી હોય છે, એ હવે વિચારતો. એની ઑફિસમાં એની દોસ્તી વેરોનિકા સાથે થઈ એ પછી મહેશમાં બીજો ઘણો ફેર પડવા માંડ્યો. ધોળી છોકરીઓ એટલે પુરુષોની પાછળ પડવામાં જ રસ હોય એમને, એવો એનો ખ્યાલ પણ ખોટો ઠરવા લાગેલો. વેરોનિકાની હોશિયારી એને મોટી પદવી પર લઈ આવેલી. વિનય છોડ્યા વગર એ જરૂરી અંતર રાખીને વર્તતી. એ ઈન્ડિયા જઈ આવેલી અને મહેશ કરતાં ઘણું વધારે ત્યાં જોયેલું, એટલે મહેશ સાથે એને ઈન્ડિયાની વાતો કરવી ગમતી.

    એક વાર મહેશ એને રૉયલ ઈન્ડિયા પૅલૅસમાં જમવા લઈ ગયો. વેરોનિકાને ખૂબ ભાવ્યું, ને સામે એણે મહેશને પોતાના ફ્લૅટ પર કૉફી પીવા બોલાવ્યો. સાથે કામ કરતાં કરતાં, ધીરે ધીરે સાથે જમવાનું, બહાર જવાનું, ઘરમાં એકલાં બેસવાનું વધતું ગયું. મહેશ વેરોનિકાનો હાથ પકડી રાખતો, એના ગાલ પર હાથ ફેરવતો. એક વાર વેરોનિકાએ એને આલિંગન આપી એના હોઠ પર કિસ કરી. મહેશે એ ક્શણ પસાર થઈ જવા દીધી. પછી કહ્યું, મને પણ તું બહુ જ ગમે છે. મારે તારી નિકટ જ રહેવું છે, પણ હમણાં આપણે ગાઢ મિત્રો બનીને જ રહીએ તો? મને થયા કરે છે કે હું મારાં માતા-પિતાને મળી આવું. ને એમને આપણે વિષે જાણ કરું. એટલી પ્રથા જાળવું એમ મને થયા કરે છે. વેરોનિકા સ્પેઇનની હતી. એને માટે પણ કુટુંબનું માન રાખવું બહુ અગત્યનું હતું. મહેશ સાથે એ સંમત થઈ.

                   ં              ં                 ં                 ં

    પછી ઃ

    મહેશ જવા વિષે વિચારતો હતો, પણ કોઈ ચોક્કસ પ્લાન નહતો કરતો. જવાશે-થશે જેવો ભાવ એના મનમાં રહેતો હતો. એક બપોરે ઑફિસમાં સિલુ ફોઇનો ફોન આવ્યો. વાત હંમેશાં ઘેરથી જ થાય, તેથી મહેશને ચિંતા થઈ. પણ બનેલું એમ કે એની નાની બ્હેનનાં લગ્ન એક એન.આર.આઇ. સાથે નક્કી થયાં હતાં, અને તાત્કાલિક કરવાનાં હતાં કારણકે ગમી ગયેલા મૂરતિયા પાસે અઠવાડિયું જ હતું. ઘરનું પહેલું લગ્ન એટલે મમ્મી-પપ્પાની ખૂબ ઈચ્છા હતી કે મહેશ હાજર રહે જ. સિલુ ફોઇ તો પછીની સાંજે જ નીકળી જવાનાં હતાં. સદ્ભાગ્યે મહેશને ઑફિસમાંથી રજા મળી ગઈ. બે દિવસ પછી એ નીકળવાનો હતો. વેરોનિકા ઍરપૉર્ટ મૂકવા આવી. એને ભેટીને વિદાય આપતાં કહે, પાછો આવીને મારી સાથે મારા ફ્લૅટમાં રહેવા આવી જજે. એના મોઢાને પ્રેમથી બે હાથે પકડીને હવે મહેશે એને કિસ કરી. પર્ફેક્ટ આઇડિયા, એણે કહ્યું.

    ઘેર લગ્નની ધમાલ હતી. બધાં ખુશ ખુશ હતાં. બહારગામથી મહેમાનો આવી ગયાં હતાં. ચારેક વર્ષ પછી મહેશ બધાંને મળતો હતો. એક વાર મમ્મી એને બોલાવીને કહે, આ મારી ખાસ બ્હેનપણી છે. ચંદામાસી. મહેશ પહેલાં ક્યારેય એમને મળ્યો નહતો. એણે નમસ્તે કર્યાં, ને જવા માંડ્યો. અરે, એમ નમસ્તેથી નહીં ચાલે, ચંદામાસી બોલ્યાં. મને પગે લાગવું પડશે. તમારી સાસુ થવાની છું તે. એકદમ અટકીને મહેશથી ઘાંટો પડાઈ ગયો, શું બોલો છો આ? મમ્મી કહે, અરે, તું નલિનીને જોજે તો ખરો. ત્યારે મને કહીશ કે શું છોકરી શોધી છે તારે માટે.

    એ લોકોએ બધ્ધું નક્કી કરી રાખેલું. એને ગમી જ જવાની, એમાં કોઈને શંકા નહતી. ભેગાભેગી મહેશનું પણ થઈ જાય તો નિરાંતને. પરણીને પછી ભલેને પાછો જતો ફૉરેન. પપ્પા કહે, શું લકી છું તું. નલિની પાસે ત્યાંનો વિસા પણ છે. એ ત્યાં ફરી આવી છે. ને બધી ખબર છે ત્યાંની. તારી સાથે જ આવશે. પછી તને નિરાંત, ને અમે છૂટ્ટાં. કેમ, બરાબરને?

    પપ્પા, મને પૂછ્યા કે જણાવ્યા વગર આટલી અગત્યની બાબતનું ડિસિશન તમે લોકો લઈ જ કેવી રીતે શકો?

    અરે, પણ તું છોકરીને મળ તો ખરો. તને પસંદ પડે એવી જ છે.

    પપ્પા, મેં પસંદગી અમેરિકામાં કરી લીધી છે. પરણવાની ઉતાવળ અમારે કરવી નથી.

    પપ્પા અપમાનિત થઈને સમસમી ગયા, પણ ચૂપ રહ્યા. લોકોથી ભરેલા ઘરમાં એ ઘાંટાઘાટ કરવા નહતા માગતા. મમ્મીને પણ એમણે ધીમે રહીને કહ્યું. મમ્મી આઘાત પામીને જાણે અવાજ ખોઈ બેઠાં. એ રાતે એમને છાતીમાં દુખાવો થયો, દાક્તર બોલાવવા પડ્યા. સાચું કારણ કોઈને કહેવામાં આવ્યું નહતું. બસ, વધારે પડતી ઍક્સાઇટમેન્ટ. બીજું કાંઈ નહીં.. ચંદામાસી કહી ગયાં કે બધાં લગનનું સંભાળો. મારી નલિની રહેશે માસીની સાથે. પપ્પા એક શબ્દ મહેશ સાથે બોલ્યા નહીં.

    ફક્ત સિલુ ફોઇને લાગ્યું કે કંઇક થયું છે. એ ધીરેથી મહેશ પાસે જઈને બેઠાં, ને પૂછ્યું, મને કહીશ કે શું થઈ રહ્યું છે? મહેશે એમને નલિની સાથે લગ્ન નક્કી કર્યાનું જણાવ્યું. તો શું છે?, ફોઇ બોલ્યાં. મેં જોઈ છે એને. સરસ છે ને હોશિયાર છે. આખરે મહેશે એમને વેરોનિકાની વાત કરી. ફોઇ નવાઈ પામી ગયાં ખરાં, પણ  સંજોગ સમજી પણ શક્યાં. એમણે ડહાપણપૂર્વક મહેશને સમજાવ્યું, જો ભાઈ, જીવનમાં દરેક જણને પોતાની પસંદગીનું પાત્ર મળતું નથી હોતું. બધાંયે ટેવાઇ જતાં હોય છે, ચલાવી લેતાં હોય છે. તું આસપાસ જો. કોઈ પતિ-પત્ની દેખાય છે દુઃખી? ને તમે મિત્રતાથી આગળ વધ્યાં નથી. કોઈ વચનો એકબીજાને આપ્યાં નથી. તેથી આમાં છેતરપીંડી નથી થતી.

    મહેશને વિચારતો જોઈ સિલુ ફોઇ આગળ બોલ્યાં, નક્કી તારે કરવાનું છે. એકને ના કહીશ તો જીવ બળશે પણ થોડો વખત. પણ બીજાંને, એટલેકે મા-બાપને ના કહીશ તો જિંદગીભર મનમાં અશાંતિ રહેશે. તારા પપ્પા કદાચ ફરી તારું મોઢું પણ નહીં જુએ. બધી બાજુનો સરખો વિચાર કરી જો, ભાઈ.

    મમ્મીને કાંઈ થશે તો પપ્પાને કાંઈ થઈ જશે. બ્હેનના લગ્નનું ઠેકાણું નહીં રહે. પોતાના એકલાથી બધાંને નુકસાન થવાનું, એ નક્કી. એની જવાબદારી મા-બાપ પ્રત્યે વધારે જ હતી. આખી બપોર એ નજીકના બાગમાં ફરતો રહ્યો, વિચારતો ને વિમાસતો રહ્યો. સાંજે સિલુ ફોઇની મદદથી પપ્પા સાથે સમાધાન થયું. પછી  પપ્પાએ મમ્મીને એ વાત કરી લીધી હશે. કદાચ તેથી જ એ નલિનીને પકડીને બહાર આવીને બેઠી હતી.

    રાતે મહેશે ફોનબૂથ પર જઈ વેરોનિકાને ફોન જોડ્યો હતો. એ લાંબું સમજાવવા ગયો હતો. હા, હા, બરાબર છે. હા, વાંધો નહીં, જેવું કહી એણે ફોન મૂકી દીધો હતો. મહેશ હલો, હલો, સાંભળ- કહેતો રહી ગયો હતો.

    ઑફિસમાં ફોન કરીને વધારે રજા માગી હતી. વગર પગારે લેવી પડી. પપ્પા કહે, મળી ગઈ એટલે બસ. એકલા પૈસાને શું કરવાના? મહેશ જોઈ તો શક્યો કે નલિની અમેરિકા માટે લાયક પાત્ર હતી – દેખાવડી, ભણેલી,  સ્માર્ટ, મોટર ચલાવે, રસોઇ કરે, અંગ્રેજી બોલે. બધાં કહે, આનાથી વધારે શું જોઇએ?

    અમેરિકા પહોંચીને પહેલાં સિલુ ફોઇને ત્યાં રહેવાનું હતું. નલિની કહે, મને બધું ખબર છે. અહીં તો મીઠું યે મોળું હોય અને ખાંડ પણ મોળી હોય. બાકી બધું જમ્બો સાઇઝનું. પૂરું થાય નહીં, ને ફેંકી દેવું પડે. બલિહારી છે આ દેશમાં તો. ને કાળાના હાથનું તો કશું પકડવું પણ નથી ગમતું. મહેશ સંકોચાય, પણ મનમાં જાણે કે પોતાની જેમ એના સમયે એ પણ સમજશે, ને બદલાશે. ઑફિસમાં જતાં પણ એ સંકોચ પામતો હતો, કે વેરોનિકા મળશે ત્યારે શું કહેવું?, કેવું લાગશે? પણ એવો વારો જ ના આવ્યો. ને એ મળી પણ નહીં, કારણકે એ રજા પર ઊતરેલી હતી.

    હવે ભાડાના ફલૅટમાં જવાને બદલે મહેશે ઘર જ લઈ લીધું. નલિનીએ કામ મેળવી લીધું હતું. બે આવક ખર્ચા માટે પૂરતી થતી હતી. પણ મહેનતની સાથે નલિનીને એક રોગ લાગુ પડી ગયો – ખરીદવાનો રોગ. જે જુએ તે જાણે એને ખરીદવું જ હોય. જેનું કાંઈ કામ ના હોય તેવું પણ ખરીદે ને પછી પાછું આપવા જાય. એ માટેની  લાઇનમાં ઊભી રહીને કંટાળે, ને પછી ઘેર આવીને ફરિયાદ કરે. આ જાણે એનું રૂટિન થઈ ગયું. કેટકેટલી વસ્તુઓ – રસોડાની, બાથરૂમની, બીજા રૂમોની. મૂકવાની જગ્યા નહીં, વાપરવાનો અવકાશ નહીં.

    મહેશ ઑફિસમાં ઘણો વ્યસ્ત રહેતો. કામમાં એને મઝા પણ આવતી. વેરોનિકા પાછી એ ઑફિસમાં આવી જ નહીં. ક્યાં હશે એની મહેશને ખબર નહતી, પણ એક વાર રસ્તામાં અચાનક બંને ભેગાં થઈ ગયાં. મહેશ વાત કરતાં અચકાયો, પણ વેરોનિકાએ સીધેસીધું કહ્યું, મારો ફલૅટ અહીં જ છે. ચાલ ઉપર. કૉફી પીવડાવું.

                      ં                 ં               ં                ં

    અત્યારે ઃ

    મહેશ લલચાયો હતો, પણ એ જઈ ના શક્યો. આજે નહીં. ઉતાવળમાં છું, કહીને એ જતો રહ્યો હતો. એને જતાં રહેવું પડ્યું. એણે એક તક ગુમાવી હતી કદાચ. પણ એ સાંજે નલિનીને હૉસ્પિટલમાં લઈ જવાની હતી. આમ તો ચેક-અપ માટે, પણ ત્યાં ગયા પછી દાક્તરે એને દાખલ કરી દીધી. એને જોડિયાં બાળક આવવાનાં હતાં, ને ધાર્યા કરતાં વહેલાં અવતરે એમ લાગતું હતું. સારું થયું કે લાલચમાં ના ફસાયો, એણે નિઃશ્વાસ મૂક્યો. શું થયું હોત સમયસર ઘેર ના પહોંચ્યો હોત તો?

    આવ્યાં એક દીકરો અને એક દીકરી. બંને સરસ અને સાજાંસમાં. મહેશ એમનાં એવાં નામ પાડવા માગતો હતો જે ટૂંકાવાય નહીં, અને બગાડાય પણ નહીં. વળી, એને નહતો જોઇતો મહેશનો મા, કે નલિનીનો ના. એ પણ ક્યારની લિની જ બની ગયેલી હતી. એમણે નામ પાડ્યાં જીગર અને જિયા. આમાં બોલતાં ના આવડે એવું કશું છે જ નહીં, એમ બંને કહેતાં. અને નામને કારણે બાળકોને કોઈ તકલીફ પડી પણ નહીં.

    નલિની બાળકોનાં વખાણ કરતાં થાકે નહીં. ને હતાં પણ બંને હોશિયાર. રમત-ગમત હોય, પિઆનો હોય, ભણવાનું હોય કે ડિબેટની હરિફાઇ હોય – જીગર અને જિયા આગળ પડતાં જ હોય. કોઈ પણ પ્રવૃત્તિ માટે બંને તત્પર રહેતાં. માતા-પિતાની ના ચાલતી જ નહીં. એક વાર હાઇસ્કૂલમાં હૉકી રમતાં જિયાને સખત ઇજા પહોંચી. એના માથામાં બૉલ વાગ્યો, એ પડી, ને ત્યારે એના કાંડા એને કોણીનાં હાડકાંમાં તડો પડી. જીગરે મૉમ અને ડૅડને ખબર આપી ત્યારે જિયા હૉસ્પિટલમાં ખસેડાઈ ગયેલી.

    મહેશની ચિંતાનો પાર નહતો, પણ નલિની તો જાણે બેબાકળી બની ગઈ હતી. જિયાને હૉસ્પિટલમાં નિશ્ચેત પડેલી એનાથી જોવાતી નહતી. આ અકસ્માતે એને જાણે કલાકોમાં બદલી નાખી. એનાં આંસુ સરતાં રહેતાં હતાં, હોઠ ફફડતા રહેતા હતા. દુકાનોમાં ને ખરીદવામાં રત રહેનારી વ્યક્તિ એ દિવસથી આપોઆપ પ્રાર્થના કરવામાં પરોવાઈ ગઈ. દાદીને રટતાં સાંભળતી આવેલી તે શ્રીકૃષ્ણ શરણં મમ શબ્દો એને માટે મોટો આધાર બની ગયા. જિયાના હાથમાં ઑપરેશન કરવા પડ્યાં. સદ્ભાગ્યે મગજ પર એવો માર નહતો પડ્યો કે એના પર સર્જરી કરવી પડે.

    એ સાજી થઈ ગઈ તે એની પ્રાર્થનાને જ કારણે, એમ નલિની ખાત્રીપૂર્વક માનતી હતી. જિયા ઘેર આવી ગઈ પછી દીકરીની સાચવણી કરતાં કરતાં એણે રટણ ચાલુ જ રાખ્યું. એમાંથી એ પુરાણ-કથાઓ, અનાસક્તિ યોગ તેમજ ધમ્મપદ વગેરે વાંચતી થઈ. એને ખબર પણ ના પડે તેમ એના જીવનને નિશ્ચિત વળાંક મળી ગયો હતો. સમજણાં થવાનો એનો સમય આખરે આવી લાગ્યો હતો. દાંપત્ય જીવન પણ શાંત અને સુખી થયું હોય તેમ મહેશને હવે પંદર વર્ષે લાગવા માંડ્યું. તોયે એને એ ખબર નહતી કે બપોરે બપોરે  હવે નલિની નહીં વપરાતી અને નહીં વપરાયેલી વસ્તુઓ ગાડીમાં મૂકીને નીકળી જતી હતી, અને કોઈ ચર્ચમાં, કે હૉસ્પિટલમાં, કે સાલ્વેશન આર્મીની દુકાનમાં દાનની રીતે આપી આવતી હતી. ગળ્યાં ને ખારાં બિસ્કીટનાં નહીં ખોલેલાં પૅકૅટ અને ખાવાનાંનાં ટિન વગેરે એ સૂપ કિચનમાં દઈ આવતી. જેના વગર ના જ ચાલે તેવી બાબતો જીવનમાં કઈ હોય છે તે હવે એને સમજાઇ ગયું હતું.

    જીગર એને જિયા કૉલેજમાં જવા માંડ્યાં પછી જાણે નલિનીને જુદી ચિંતા થવા માંડી. ઘરમાં ભાઇબંધો અને બહેનપણીઓની અવરજવર પહેલેથી જ રહી હતી. ધોળાં અને કાળાં મિત્રો ઉપરાંત સ્પૅનિશ, ચીની વગેરે પણ એમનાં મિત્રો હતાં. નલિની આ બધાંને જોવાથી ટેવાઇ ગયેલી, છતાં કૉલેજમાં ગયા પછી સારાં ઈન્ડિયન છોકરા-છોકરી સાથે ઘનિષ્ટતા થાય તેમ એ ઈચ્છતી. જીગર જુદી જુદી બહેનપણીઓને બે-ત્રણ વાર ઘેર લઈ આવેલો, ને મૉમ સાથે ઓળખાણ કરાવતો રહેલો. પણ પછીથી એક છોકરીની સાથે સંપર્ક વધતો લાગ્યો ત્યારે નલિનીએ મહેશને જીગરની સાથે આ વિષે વાત કરવા સૂચવ્યું.

    ઓહો, પરણાવવાની બાબતે વાત કરવાનો સમય આવી ગયો? આટલાં મોટાં થઈ ગયાં છોકરાં? કેટલાં જલદી નીકળી ગયાં વર્ષો, એમ નથી લાગતું?, મહેશ પૂછતો રહ્યો.

    એક સાંજે જિયા નહતી ત્યારે મહેશે આ વાત કાઢી. જીગર કહે, ડઁડ, અમે અમેરિકામાં જન્મ્યાં ને ઊછર્યાં, ને અમેરિકન જ છીએ. એ જરૂરી નથી કે ઇન્ડિયનોની સાથે જ અમે ઇન્ટીમેટ થઈએ. અને મારી  મિત્ર સોફિયા અને હું એકબીજાંને પસંદ કરીએ છીએ તે હું તમને અને મૉમને કહેવાનો જ હતો. અમે સિરિયસ છીએ, ડૅડ.

    મહેશ કહે, ઉતાવળ ના કર, બેટા. આવી બાબતોમાં ઉતાવળ ના કરાય.

    એ સાંભળ્યું જ ના હોય તેમ જીગર જરા ઉત્સાહિત થઈને બોલ્યો, અરે ડૅડ, સોફિયાનાં આન્ટ તમને ઓળખે છે. એને ત્યાં ગયા શનિવારે ફૅમિલી ભેગું થયું હતું. બધાંને મારી ઓળખાણ કરાવી. તો મારી અટક સાંભળીને આ આન્ટ મને કહે, મુન્શી? ખરેખર? હું એક મુન્શીને ઓળખતી હતી. ઘણાં વર્ષો પહેલાં. મેં સહજ જ નામ પૂછ્યું તો કોણ નીકળ્યું ખબર છેને? તમે જ. મહેશ મુન્શી પોતે. ગજબ કોઇન્સિડન્સ કહેવાય, નહીં? તમને પણ ચોક્કસ એ યાદ હશે જ.

    મહેશને એક ધ્રાસકો પડી ગયો. જીગર બોલ્યે જતો હતો, મારી સોફિયા દેખાવડી છેને? પણ એનાં આ આન્ટ તો આ ઉંમરે પણ બહુ સરસ લાગે છે. આન્ટ વેરોનિકા. એ પેલી નૉન-કૉમર્શિયલ ન્યૂઝ ચૅનલમાં કામ કરે છે. એમાં તો એ સ્ટાર થઈ ગયાં છે. અને અંકલ જોસેફ પણ હૅન્ડસમ છે. મોટા વકીલ છે.

    એટલાંમાં નલિની રૂમમાં આવી. જીગર એને કહેવા માંડ્યો, બસ, મૉમ. હવે શાંતિ ને? તેં સાંભળી લીધુંને? ડૅડ ઓળખે છે સોફિયાનાં આન્ટને. એટલે ફૅમિલી તો સારું જ છે તે નક્કી થઈ ગયું. બસ તો? ચાલો, અત્યારે હું સોફિયાને લઇને બહાર જાઉં છું. જમવાનો નથી, હોં. રાહ ના જોતાં.

    મહેશને ભય હતો કે નલિની કાંઈ કહેશે કે પૂછશે. પણ એવું કાંઇ એણે કર્યું નહીં. આજકાલ એ ઝેન પ્રથા પર પુસ્તક વાંચતી હતી. તે લઇને બેસી ગઈ. થોડી વારે મહેશ બોલ્યો, તેં કાંઇ કહ્યું નહીં. શું લાગે છે જીગરનું?

    નલિની કશું બોલી નહીં. પુસ્તક બંધ કરી એણે એક સ્મિત આપ્યું. ને હું સૂવા જાઉં છું, હોં, કહી એ ઉપર ચાલી ગઈ.

    એમ ગૂઢ હસીને એ શું કહેવા માગતી હશે તે મહેશને સમજાયું નહીં. મૂંઝવણ અનુભવતો એ બેસી રહ્યો. ત્યાં વેરોનિકાવાળી ચૅનલ ચાલુ કરવાનો વિચાર આવ્યો. એણે ટૅલિવિઝનનું રીમોટ હાથમાં લીધું. કેટલીયે વાર  હાથમાં ફેરવતો રહ્યો. ચલાવવાનું મન થયું નહીં. છેવટે પાછું ટેબલ પર મૂકીને એ સૂવા ચાલી ગયો.

    જિયાનું જીવન જાણે સમાંતર જ જતું હતું. એને પણ એક યુવાન સાથે ઘનિષ્ટતા બંધાતી જતી હતી. એક રાતે નલિનીએ એને પૂછ્યું, બહુ મોડું કર્યું આજે. કોણ મૂકી ગયું?

    જૅફ, મૉમ.

    કોણ જૅફ?

    એરે, જૅફ બ્રિગમૅન. એનાં મૉમને તું જાણે છે, એમ કહેતો હતો.

    કોણ, પેલું બ્લૅક કુટુંબ?

    મૉમ, પ્રેસિડન્ટ ઓબામા તને ગમે છે કે નહીં? આ લોકો તો એમનાથી પણ ઓછા બ્લૅક છે. ને તું એ તો વિચાર કે આપણે વળી ક્યાં વ્હાઇટ છીએ તે?

    હા, પણ ઇન્ડિયનોમાં કલ્ચર કેટલું —

    ઇન્ડિયનોમાં અહીં મને એકલું બૉલિવૂડ કલ્ચર દેખાય છે, મૉમ. જૅફનાં મૉમ અને ડૅડ સાદાઇથી રહે છે, અને ચર્ચમાં કેટલું ચૅરિટીનું કામ કરે છે, તને ખબર છે? ને જૅફ? એ હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી ગ્રૅજ્યુએટ થવાનો છે. પૂરો આઇડિયાલિસ્ટ છે. એનાથી વધારે સારો જીવનસાથી મને ક્યાંયે મળવાનો નથી, એ હું જાણું છું.

    મહેશને ઉદ્દેશીને એણે કહ્યું, ડૅડ, તમને અને મૉમને મળવા અને પરણવા માટે તમારી રજા લેવા જૅફ ક્યારનો આવવા માગે છે. મેં જ એને રોક્યો છે. એમ કે મૉમની વર્ષગાંઠ પર આવે તો વધારે આનંદ થાય. ને બે કારણે એ દિવસ આપણને યાદ રહે. પણ જુઓ, મૉમને કારણે મારે જ કહી દેવું પડ્યું.

    જિયા જરા ગંભીર થઈ ગઈ. તરત ગૂડ નાઇટ કહીને ઉપર ચાલી ગઈ.

    જીગર કરતાં વધારે સિરિયસ છે, નહીં? તું ઓળખે છે આ કુટુંબને? શું કરવું છે આપણે?

    નલિનીએ માથું હલાવી હા કહી, અને બોલ્યા વગર ફરી એવું જ સ્મિત આપ્યું.

    મહેશને એ ફરી ગૂઢ લાગ્યું. આજે એણે ત્યાં વાત છોડી નહીં. જરા ભાર મૂકીને એણે કહ્યું, કશું બોલ તો ખરી. શું વિચારે છે તે તો કહે.

    છોકરાં કેવાં આનંદમાં રહે છે. મારે કોઇ રીતે એમને રોકવાં નથી. પરસ્પર સાચી લાગણી હોય, અને પોતાની પસંદગીના પાત્ર સાથે જીવન જીવવા મળે તેવું નસીબ બધાંનું હોતું નથી.

    મહેશ સ્તબ્ધ થઇ ગયો હતો. વર્ષો પહેલાં સિલુ ફોઇ લગભગ આવું જ બોલ્યાં હતાં. હજી એને એ વાક્યો ક્યારેક યાદ આવી જતાં. આજે નલિનીએ પણ એવી જ વાત કરી. શું એમને પણ પરાણે પરણવું પડ્યું હશે? મહેશનું મન લજ્જાથી છવાઇ ગયું. આખી જિંદગી મનની પછીતેથી એણે પોતાના નસીબને દોષ દીધા કરેલો. કેટલી યુવતીઓ પોતાના પ્રિય પાત્રોને નહીં પામી શકી હોય, તે ક્યારેય વિચાર્યું પણ નહતું. શું સિલુ ફોઇ અને નલિનીએ પણ ચલાવી લીધું હશે એમની જિંદગીમાં?

                      ં              ં               ં               ં                ં

    ચારેક મહિના પછી જીગર અને જિયાએ જણાવ્યું કે એમને એક પાર્ટી આપવી હતી- પોતાનાં એન્ગેજમેન્ટ જાહેર કરવા. મહેશ બધી વ્યવસ્થા કરી આપવા તૈયાર જ નહીં, આતુર હતો. પણ દીકરા-દીકરીએ કહી દીધું કે, અમે જ બધું કરવા માગીએ છીએ. પાર્ટી  અમારંા મિત્રો માટે જ છે. મોટું કોઈ અમારે નથી જોઇતું. તમે બંને પણ નહીં, એમણે મૉમ અને ડૅડને જણાવી દીધું.

    એ બંને નવાઇ પામ્યાં અને ઘણાં નિરાશ થયાં. આવું વિચાર્યું છોકરાંઓએ? પણ પછી મન વાળી લીધું, કે ભલે કરતાં સરખેસરખાં મઝા. આપણે ફોટા જોઇ લઇશું.

    પાર્ટીને દિવસે જીગર અને જિયા દોડાદોડમાં રહ્યાં. ખાસ મળ્યાં જ નહીં મૉમ અને ડૅડને. રાતે નવ વાગી ગયા હતા. ત્યારે બેલ વાગતાં મહેશ ચમક્યો. નલિનીને ચિંતા થઇ આવી. બારણું ખોલ્યું તો લાગ્યું કે જિયા અને જીગર ઊભાં હતાં. એવું જ લાગ્યું પહેલી નજરે. પણ ના, ના, આ તો સોફિયા અને જૅફ હતાં. સોફિયાએ લાલ, કાળું ને સોનેરી ચુડીદાર-કુરતું પહેર્યાં હતાં. જૅફ નેવી બ્લુ અને રૂપેરી ભરેલા કુરતામાં હતો. આહા, કેવાં દેખાવડાં લાગે છે બંને, નલિનીને થયું. કોઇ કહે કે નૉન-ઇન્ડિયન હશે?

    ક્યાંથી અહીં?, અત્યારે?, મહેશે પૂછ્યું.

    સોફિયાએ નલિનીને વ્હાલ કરતાં કહ્યું, મૉમ, ચિંતાનું કોઇ કારણ નથી. બસ, તમે જલદી તૈયાર થઈ જાઓ.

    જૅફ બોલ્યો, અમે તમને બંનેને લેવા આવ્યાં છીએ. તમારા વગર અમે કેક કાપીશું અને રીંગની આપ-લે કરીશું એમ માન્યું હતું તમે? ચાલો, હૉલમાં બધાંને સરપ્રાઇઝ આપવાની છે.

    પંદર મિનિટ પછી બધાં ગાડીમાં હતાં. સોફિયા કહે, જીગર અને જિયાએ પહેલેથી જ આ નક્કી કરેલું. તમને પણ સરપ્રાઇઝ આપવા વિચારેલું એમણે. ને જીગર જ લેવા આવવાનો હતો, પણ મેં ને જૅફે કહ્યું કે ના, અમે જ જઇશું, અને મૉમ ને ડૅડને ખેંચી લાવીશું. તમારા વગર અમને કાંઈ ચાલે?

    મહેશને ગળે ડુમો ભરાઇ આવ્યો. એણે જોયું તો નલિની પાલવથી આંસુ લુછી રહી હતી. એણે હાથ લંબાવીને નલિનીનો હાથ પકડ્યો. નલિનીએ ભીની આંખે એની સામે જોયું, ને ફરી પેલું સ્મિત આપ્યું.

    એ સ્મિત હવે ઓળખાયું હોય એમ મહેશને લાગ્યું

  • કિરાયેદાર (૧૯૮૬)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    સાંપ્રત સમસ્યાનું નિરૂપણ અને એમાં રમૂજનો આંતરપ્રવાહ- આ બન્ને લક્ષણો બાસુ ચેટરજીની ફિલ્મોનાં પ્રમુખ લક્ષણ ગણાવી શકાય. તેઓ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે જોડાયા, અને આગળ જયાં સ્વતંત્ર દિગ્દર્શક તરીકે આગવી મુદ્રા ઉપસાવી. ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, બાતોં બાતોં મેં’, ‘ચિત્તચોર’, ‘ખટ્ટામીઠા’ જેવી ફિલ્મો તેમણે દિગ્દર્શીત કરી, જેમાં તેમની છાપ બરાબર જોઈ શકાય છે, તો ‘એક રુકા હુઆ ફેસલા’ અને ‘કમલા કી મૌત’ જેવી ફિલ્મો સાવ નોખા પ્રકારની ગંભીર ફિલ્મો હતી, જેમાં પણ સામાજિક નિસ્બત કેન્દ્રમાં હતી.

    નિરૂપણની સચોટતા અને રમૂજ આમ તો કાર્ટૂનનાં મહત્ત્વનાં અંગ ગણાય. એ બાસુદાની ફિલ્મોમાં કદાચ એ કારણે પણ સહજપણે આવતાં, કેમ કે તેમણે પોતાની કારકિર્દીનો આરંભ કાર્ટૂનિસ્ટ- ઈલસ્ટ્રેટર તરીકે કર્યો હતો. રુસી કરંજિયાના પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘બ્લીટ્ઝ’માં તેમણે અઢાર વરસ જેટલા લાંબા ગાળા સુધી આ ફરજ બજાવી. જો કે, તેમનાં દોરેલાં કાર્ટૂનોનો સંગ્રહ ક્યાંય પ્રકાશિત થયો હોવાનું જાણમાં નથી. (નીચે મૂકેલાં બે નમૂના તેમણે દોરેલાં કાર્ટૂનના છે.)

    બી.આર.ફિલ્મ્સ નિર્મિત, બાસુ ચેટરજી દિગ્દર્શીત ‘કિરાયેદાર’ બાસુ ચેટરજીની મુદ્રા ધરાવતી હળવાશથી નિરૂપાયેલી ગંભીર સમસ્યાવાળી ફિલ્મ હતી. રાજ બબ્બર, પદમિની કોલ્હાપુરે, વિદ્યાસિંહા, ઉત્પલ દત્ત, પીંચૂ કપૂર જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જે હસન કમાલે લખેલાં. સંગીતકાર હતા બપ્પી લાહિડી.

    ‘અક્કડ અક્કડ બમ્બે બૂ’ (આશા), ‘ચારોં તરફ પ્યાર હૈ, ખ્વાબોં કા ગુલઝાર હૈ’, (આશા, રફી), ‘દિલ લીયા, દિલ દીયા, મેરે દિલ કા ક્યા હુઆ’ (આશા), ‘ગા રહા હૈ દિલ યહી ગીત બારબાર, તુમ હો મેરી જિંદગી, જિંદગી હૈ પ્યાર’ (આશા, મહેન્દ્ર કપૂર) અને પાંચમું ગીત હતું ‘કિરાયેદાર, કિરાયેદાર’ (મહેન્દ્ર કપૂર).

    નવાઈ લાગે એવી વાત એ હતી કે આ ફિલ્મ છેક ૧૯૮૬માં આવી ત્યાં સુધી બપ્પી લાહિડીએ સંગીતક્ષેત્રે હાહાકાર મચાવી દીધો હતો, છતાં આ ફિલ્મમાં તેમનું સંગીત એમની એ પ્રચલિત છાપથી અલગ હતું.

    (હસન કમાલ)

    પોતાની જે કંઈ મર્યાદિત મધુરતા હતી એનો આમાં ઉપયોગ તેમણે કરેલો સાંભળી શકાય છે.

    મહેન્દ્ર કપૂરના સ્વરે ગવાયેલું ગીત ‘કિરાયેદાર, કિરાયેદાર’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયેલું, અને ફિલ્મના અંત ભાગે પણ એનો એક હિસ્સો સાંભળી શકાય છે.

    ગીતના શબ્દો આ મુજબ છે.

    दिल में बसायेंगे, दिलबर बनायेंगे
    दिल में बसायेंगे, दिलबर बनायेंगे
    नहीं बनायेंगे पर तुमको कभी किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,

    मेहबूबा मिल जाये तो फिर ढूंढो रैनबसेरा,
    पास में बैठे शामें काटो, सागर तक का सवेरा
    मेहबूबा मिल जाये तो फिर ढूंढो रैनबसेरा,
    पार्क में बैठे शामें काटो, सागरतट पे सवेरा
    दिल धकधक करता है, आ न जाये थानेदार…
    उल्फत मिल जायेगी, चाहत मिल जायेगी,
    उल्फत मिल जायेगी, चाहत मिल जायेगी,
    नहीं मिलेगा घर एक ऐसा खुला हो जिसका द्वार
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,

    घरवाली मिल जाती है पर घर नहीं बसता फिर भी,
    जेब में भाडा लेकर घूमो,कोई नहीं सुनता फिर भी,
    घरवाली मिल जाती है पर घर नहीं बसता फिर भी,
    जेब में भाडा लेकर घूमो,कोई नहीं सुनता फिर भी,
    पगडी तो है लम्बीचौडी, बहुत छोटी पगार
    नौकरी मिल जायेगी, छोकरी मिल जायेगी.
    नौकरी मिल जायेगी, छोकरी मिल जायेगी.
    छत ना मिलेगी जिसके नीचे दीवारें हो चार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,

    ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, જે આખી ફિલ્મનો ધ્વનિ સ્પષ્ટ કરી આપે છે.

    ફિલ્મની મધ્યમાં આ અંતરો વાગે છે.

    कोई अगर गलती से, तुम्हें किरायेदार बना ले,
    दो दिन बाद वही सोचेगा, कैसे तुम्हें निकाले,
    बन जायेगा जानी दुश्मन, जो था जिगरी यार,
    अरे आंखें दिखलायेगा, नोटिस दिलवायेगा,
    कोर्टकचहरी के चक्कर में चौपट कारोबार
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,

    ફિલ્મના અંત ભાગમાં ગીતનો આ અંતરો વાગે છે, જે ફિલ્મનો સુખાંત સૂચવે છે.

    दो अनजाने प्यार में जब हो जाते है एक जान,
    ऐसा लगता है जैसे हो सदियों की पहचान,
    दो अनजाने प्यार में जब हो जाते है एक जान,
    ऐसा लगता है जैसे हो सदियों की पहचान,
    अजब करिश्मा हो जाता है, जब होने ना चार (છેલ્લો શબ્દ બરાબર પકડાતો નથી)
    दिल को जो भाता है, जिस पर दिल आता है
    दिल को जो भाता है, जिस पर दिल आता है
    वो ही है दिल के घर का मालिक, वो ही किरायेदार
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,
    किरायेदार,किरायेदार,किरायेदार,किरायेदार,

    આ ઉપરાંત ફિલ્મમાં અમુક દૃશ્યો વેળા આ ગીતની ધૂન અલગ અલગ મૂડમાં સંભળાયા કરે છે.

    આ ગીતના ઉપર લખેલા તમામ અંતરા નીચેની લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિલ્મી ગઝલો – ૮૬. આગા જાની કાશ્મીરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ફિલ્મી દુનિયાના ઘણા માતબર કથા – પટકથા – સંવાદ લેખકો એવા હતા જેમણે કારકિર્દીના કોઈક તબક્કે થોડુંક ગીત લેખન કર્યું પરંતુ એ ક્ષેત્રે થોડુંક કામ કર્યા પછી એમણે ટ્રેક બદલી નાખ્યો. અખ્તર ઉલ ઈમાન, વ્રજેન્દ્ર ગૌડ, અર્જુન દેવ રશ્ક, પંડિત મુખરામ શર્મા આ કક્ષાના સર્જકોમાં આવે. આજે જેમની ગઝલોની વાત કરવાના છીએ એ આગા જાની કાશ્મીરી પણ અસલમાં તો લેખક તરીકે કામયાબીને વરેલા.

    એમનું અસલ નામ સૈયદ વાઝિદ હુસૈન રિઝવી. શરૂઆતી સંઘર્ષના દિવસોમાં એમણે સર્કસ કંપનીમાં પણ કામ કર્યું. ફિલ્મોમાં શરૂઆત ૩૦ ના દાયકામાં અમીના, ઝમીનદાર, જવાની કા નશા જેવી ફિલ્મોમાં અભિનયથી કરી. અભિનેતા તરીકે અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તર જોડે પણ કામ કર્યું.

    એ વખતના પ્રતિષ્ઠિત ગીત – સંવાદ લેખક આરઝૂ લખનવીના શિષ્ય રહી ઘણું શીખ્યા.

    પટકથા લેખક તરીકે ‘ વચન ‘ ( ૧૯૩૮ ) થી શરૂઆત કરી. એ પછી મહેબૂબ ખાનની નજમા, તકદીર, હુમાયું, અનમોલ ઘડી અને અનોખી અદા જેવી ફિલ્મો લખી. એ પછી તો ઔરત, અમર, ચોરી ચોરી, લવ ઇન સિમલા, જંગલી, એપ્રિલ ફૂલ, ઝિદ્દી, લવ ઇન ટોક્યો, તુમસે અચ્છા કૌન હૈ, યે રાસ્તે હૈં પ્યાર કે, મુજે જીને દો, ખિલૌના, પરવાના, નયા ઝમાના જેવી એક એકથી સફળ ચાલીસેક ફિલ્મોનું લેખન કર્યું.

    એમની આત્મકથા ‘ સહર હોને તક ‘ નામથી ઉર્દૂમાં પ્રકાશિત થઈ.

    એમણે પોતે ‘ તોહફા ‘ નામની ફિલ્મનું નિર્દેશન ૧૯૪૭ માં કર્યું. એ ફિલ્મની આ બે ગઝલો એ ફિલ્મી ગીત લેખનમાં એમનું એકમાત્ર પ્રદાન. બંને ગઝલો જોઈએ :

    હમને તુમને કિયા થા જો આબાદ
    વો ચમન આજ હો ગયા બરબાદ

    જાના એક દિન હૈ હમકો ફેર કે મુંહ
    શાદ જાએં કે જાએં હમ નાશાદ

    માફ કરના ઝબાં પે આ હી ગઈ
    જિસકી દિલ ને ન કી કભી ફરિયાદ

    તુમ કિસી ઔર કે બને તો બનો
    હમ કો કાફી હૈ બસ તુમ્હારી યાદ..

    – ફિલ્મ : તોહફા ૧૯૪૭
    – પારુલ ઘોષ
    – એમ એ રઉફ ઓસ્માનીયા

    ( બરાબર વીસ વર્ષ પછી નૌશાદ મિયાંએ કદાચ આ અદભુત ગીતની તરજ ઉપરથી ‘ પ્રેરણા ‘ લઈ ‘ પાલકી ‘ ફિલ્મના લતા ગીત ‘ દિલ કી કશ્તી ભંવર મેં આઈ હૈ ‘ ની તરજ બનાવી ! )

    ગુંચે શરમિંદા ન હોં બુલબુલ કી રુસ્વાઈ ન હો
    વો હંસી હંસ દે જો ફૂલોં કો કભી આઈ ન હો

    ઊડે ઊડે બાદલોં સે કહ દો તુમ જાના નહીં
    ક્યા હૈ મિલને કા મઝા જબ તક ઘટા છાઈ ન હો

    દેખને વાલે ન હો જબ તક અદાએં કિસલિયે
    ક્યોં તમાશા મૈં બનું જબ તક તમાશાઈ ન હો

    કિસ તરહ સમજેં ભલા બેતાબ દિલ કી કૈફિયત
    વૈસે લે દે જિસને દિલ પર ચોટ સી ખાઈ ન હો..

    – ફિલ્મ : તોહફા ૧૯૪૭
    – પારુલ ઘોષ
    – એમ એ રઉફ ઓસ્માનીયા


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.