વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સલાહ કોની લઈશું ? જે તે વિષયના જાણકારની ? કે વસ્તુ વેચનાર વ્યાપારીની ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

           ન કરે નારાયણ ને આપણે બીમાર પડી જઈએ, તો પ્રથમ અનુભવે સમજાયેલા ઘરગથ્થુ ઉપચારોથી સ્વસ્થ થઈ જવાના પ્રયત્નો કરતા હોઇએ છીએ. અને એ જો કારગત ન નીવડે તો આયુર્વેદ કે એલોપોથીના ટીકડા, કેપ્સ્યુલ, ફાકી, ઇંજેક્શન કે સિરપ લેવાની જરૂર પડી જાય છે. અને એ બધું મળે છે તો મેડિકલ સ્ટોરમાં જ ને ? પણ તે લેવા આપણે સીધા દવાઓની દુકાને ન જતાં ડૉક્ટરો પાસે કેમ જઈએ છીએ ? કારણ કે રોગનું નિદાન કરાવ્યા વિના દવાઓ ભલે તે બહુ કિંમતી ગણાતી હોય, પણ લઈએ તો નુકસાન કરે છે. મુખ્ય તો રોગનું નિદાન થવું જરૂરી છે. મેડિકલ સ્ટોરો  દવાઓ વેચે છે. નિદાન કરવું તેની શક્તિ બહારનું કામ છે. છતાંએ કોઇ મેડિકલ સ્ટોરનો સેલ્સમેન ડૉક્ટરોના પ્રીસ્કીપ્શન વગર દવાઓ આપવા માંડે તો એ લેવાની આપણે મુર્ખાઇ કરીશું ખરાં ?  એને તો પોતાનો માલ વેચવો છે. આપણા રોગની દવા એની પાસે ન હોય તોયે એ ‘ના’ નહીં પાડવાનો ! અને ક્યારેક એ લેવાની ગાંડાઇ કરી વાળી હોય તો એવુંયે બનવાનો પૂરો સંભવ ખરો કે ઉધરસની પીડા મટાડવા જતાં હાથ ધોરણું [ઝાડા] થઈ જાય ! એટલે આવી ગાંડાઇ તો આપણે નહીં જ કરવાના ખરું ને ! પણ મિત્રો ! આપણે ખેડૂત ભાઇઓ આવી ગાંડાઇ કરીએ છીએ. કેવીરીતે સમજાવું.

    મનુષ્ય જેવું જ વનસ્પતિનું :  આપણે ખેડૂત ભાઇઓ વાડીમાં ઊભેલ મોલાત, પછી તે કપાસ હોય કે કારેલા, મગ હોય કે મગફળી, ફૂલછોડ હોય કે ભલેને હોય ફળઝાડ ! આખરે તો બધાં છોડવા કે ઝાડવાં છે તો જીવતાં જ ને ! માણસોમાં જેમ નાના-મોટા દર્દો ક્યારેક વાતાવરણના બદલાવથી, તો ક્યારેક ખોરાકી ચીજોના વધુ-ઓછા વપરાશથી ઊભા થતા હોય છે. તેવું જ આપણા પાલતુ પાકોમાં તેને અપાતાં પોષણ-પાણીની છત-અછત કે વાતાવરણીય ફેરફારો અને પાકની અંદર ફરતી-ભમતી ઝીણી-મોટી જીવાતો કે ફુગ-વાયરસ જેવાના અતિક્રમણથી તેનાં મૂળ, ડાળી, છાલ કે ફૂલ-થડ સુધ્ધાંને નાના મોટી ઇજાઓ થઈ,તેના વ્યવસ્થિતરીતે ચાલી રહેલા જીવનચક્રને ખોરંભે પાડે તેવાસંકટોનું આવી જવું સાવ સહજ છે ભલા !

    આપણો ભય : આવા વખતે આપણને એવો ભય લાગી જવો સ્વાભાવિક છે કે આપણા મોલને જો આ મુસીબતમાંથી નહીં ઉગારીએ તો એના થકી મળનારાં ઉત્પાદનમાં ફટકો પડ્યા વિના નહીં રહે ! આપણે એને તકલીફથી મુક્ત તો કરવો જ પડે.

    આપણે શું કરતા હોઇએ છીએ ?  આવું બને કે તરત આપણે ઝટ ઝટ એગ્રો [દવા-બિયારણની દુકાન] વાળાની પાસે પહોંચી જવાના ! અને ચીજ વસ્તુનું વેચાણ કરવા બેઠેલ વ્યક્તિ જે દવાઓ આપે તે લઈને છાંટવા વળગી પડવાના.

    એક અનુભવ : અમારી વાડી પંચવટી બાગે જતાં રસ્તાની બાજુએ ગુંદાળા ગામની સીમ આવે છે. 2013 ના ચોમાસે એક દી’ વાડીએ જતાં એ સીમવાળાએ મને વચ્ચે રોક્યો, અને તેઓ તેમનો કપાસ જોવા લઈ ગયા તો મોટાભાગનો કપાસ લંઘાતો-મૂરજાતો  ભળાયો. મેં પૂછ્યું- “આમ થવાનું તમને ક્યુ કારણ જણાયું છે ? અને તમે આ શું છાંટો છો ?” તો કહે, “ એગ્રોવાળાએ ફુગ લાગી હોવાનું કહીને આ ‘બાવીસ્ટીન’ દવા છાંટવા આપી છે, તે છાંટીએ છીએ.” “ તમે કોઇ નવીન સારવાર આપી હતી ? ક્યારથી આમ લંઘાવા માંડ્યો છે કપાસ?” એમ પૂછ્યાથી કહે, “ બસ ! આજ ત્રીજો દિવસ છે. ઓણ સાલ કપાસ બેક નાનો રહી ગયો છે એટલે યુરિયા થોડું વધારે આપ્યું છે. પણ ખાતર દીધા ભેળી આ મોંકાણ શરૂ થઈ છે.” મેં ઘડીભર થોડો વિચાર કરી, બે-ત્રણ છોડ ખેંચી તેનાં થડ તપાસ્યાં, અને થડ પર પડી ગયેલા ડાઘા જોઇ પૂછ્યું “ યુરિયા છોડવાના થડિયાને અડકે એમ તો નહોતું આપ્યુંને ?” તો તેઓ કહે-“ હા, હા, એમ જ ! અમે તો છોડવો ખાતર જલ્દી ઉપાડે એટલે જુઓને આઠ દી’ પહેલા વરસાદના વળતા દિવસે પવન ખૂબ ફુંકાયેલો તે છોડવાને ફેરવી ફેરવી,થડિયાં ફરતે ગોળ ગોળ જે કુંડાળા-ખાડા થઈ ગયા હતા એમાં જ યુરિયા ભરી દીધું હતું.” …… વાત સમજી શકાય એવી છે ને કે થડની ફરતે, થડને અડીને આપેલ યુરિયાની થડ પર દાહક અસર થઈ. દુ:ખતું હતું પેટ, ને કુટાવ્યું માથું ! વાંધો યુરિયાની દાહક અસરનો અને છંટાવ્યું બાવીસ્ટીન ! કપાસનું અને ખેડૂતનું જે થવું હોય તે થાય-પોતાની દુકાનેથી માલ વેચાયો એટલે રાજા ! એની પાસે જે માસ્ટરી છે તેમાં તે થઈ જાય પાસ !

    આ તે ક્યાંનો ન્યાય ? મેં સર્વે કર્યો છે. તમે પણ કરી જોજો ! એગ્રો ચલાવનારાઓમાંના બે-પાંચ ટકાને બાદ કરતાં બાકીના બધાં એગ્રોનોમી, ઇંસેક્ટીસાઇડ્ઝ કે પેસ્ટીસાઇડ્ઝના જાણકાર નથી હોતા. હા, તેઓની પાસે એની નીપુણતા જરૂર હોય છે કે દુકાનમાં વેચાતી વસ્તુઓ ક્યાંથી અને કોની પાસેથી ખરીદી હોય તો સસ્તી મળે અને કોને, કઈ રીતે અને કેવા પ્રલોભનો આપી વેચી હોય તો વધુમાં વધુ નફો મળે ? એની સમજાવટની કળા તો જૂઓ ! “ આ બેય બાટલામાંથી બે બે ઢાંકણાં દવા અને એક બાકસનું ખોખું આ ધોળો પાવડર પંપમાં નાખી છોડવાને ધમારી નાખો ! જીવડાં ન મરે તો હું બેઠો છું તમ તમારે !”

    આવાના આધારે ચાલીએ અને જીવાત ન હટે તો દોષ કોનો ? આપણા નફામાં તો દવા છાંટવા ખભા તોડ્યા અને નાણાંનો વેડફાટ કર્યો એ જ રહ્યું ને ! નિદાન વિના દવા કરાવનારા મૂરખાઓમાં આપણે ખેડૂત ભાઇઓ ખરા કે નહીં ?

    હવે સમજાયું હશે કે પાક “કંઇક માંદો થયો છે” એવું ઊભડું નિદાન કરી, એગ્રોવાળા વગર જોયે જે ચીંધે તે દવા છાંટવી કે પાકને રોગ લાગ્યો છે કે જીવાત, કે તેને ખોરાક-પાણી બાબતે અડચણ પડી છે ? તે વિશે પાક્કું નિદાન કરવું ?

    પોતે જાણકાર બનવું : મોલાતની અંદર આંટો મારતા કે માવજતના કાર્યો કરતાં પહેલી નજરે એવું જોવા મળે કે “માળું ! મોલાતમાં જે રંગ, રૂપ, કોળ અને પોરહ ભળાવા જોઇએ એ કેમ ભળાતાં નથી ? એનાં ડોકાં કેમ હરખાતાં નથી ? અરે, એનાં પાંદડાં કેમ ઢીલાં પડી ગયાં છે ? અરે…અરે  ! આ પાંદડાં અને ડાળીઓ  પર જીવાતોની હરફર દેખાય છે કે શું” ? આવો કોઇક ને કોઇક અણઘટતો ફેરફાર થયેલો ભળાય એટલે તરત એની નજદીક જઈ, ઝીણવટથી તેનાં અંગ-ઉપાંગો તપાસી તેને શું તકલીફ પડી રહી છે તે તપાસવું પડે. ખરું કહીએ તો પોતાના મોલના પોતે જ ડૉક્ટર બનવું પડે ! ખબર છે ને મિત્રો ! લડાઈ લશ્કર નહીં, સેનાપતિ જ લડતો હોય છે. રેસમાં ઘોડો નહીં, એનો અસવાર જ દોડતો હોય છે. અસવાર બદલાઇ જાય તો સારામાં સારો ઘોડો પણ હારી જાય. ખેતી કેવી થશે એનો આધાર ખેતી કરનાર ખેડૂત કે વ્યવસ્થાપક ખેતીની આનુસંગિક બાબતોમાં કેટલી તજ્જ્ઞતા-સક્ષમતા ધરાવે છે તેના પર નિર્ભર હોય છે મિત્રો !

    વનસ્પતિમાં બીમારી આવવાનાં કારણો :  સામાન્યરીતે આવાં ચાર કારણો એની બીમારી પાછળ રહેતાં હોય છે.

    [1] ……હવા-પાણી અને પ્રકાશમાં વધુ પડતી ઘટ કે વધ ઊભી થવી.

    [2]…….જીવન જરૂરી મુખ્ય,ગૌણ અને સુક્ષ્મ ખોરાકી તત્વોની લભ્ય માત્રામાં કમી ઊભી થવી. [3]…….પાક પર નભનારાં કેટલાંક જીવડાં\કીટકો દ્વારા તેને થતું નુકસાન.

    [4]…….ફુગ, વાયરસ કે બેક્ટેરિયા જેવાના નુકસાનકારક રોગી હુમલા.

             એટલે જાગૃત ખેડૂતે ઉપરોક્ત કારણોમાંથી ક્યા કારણસર આપણો મોલ મુશ્કેલીમાં મુકાયો છે તેનું પાક્કું નિદાન કરવું પડે અને નિદાન થયા પછી તેનો શો ઉપાય હોઇ શકે તેની માહિતી આપણી પાસે હોવી ઘટે. હા, આવું બનવાની પૂરી શક્યતા છે કે આપણામાં આવા રોગો અને મુંઝવણોને ઊંડાણથી પારખવાની ક્ષમતા શરૂ શરૂમાં ન પણ હોય ! તો આવા વખતે શું ? મુંઝાઇને બેસી રહેવું ?

    તેના નિષ્ણાંતોનો અભિપ્રાય લઈએ : જો આપણી જાણમાં કોઇ, સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના જરૂરી માર્ગદર્શન આપવા ખડેપગે તૈયાર હોય છે. આપણે તેનો લાભ લેવાનું ગોઠવવું પડે.

    આજે એવા કેટલાય કૃષિ વિષયક સલાહકેંદ્રોના ટેલીફોનના ફ્રી નંબરો ઉપલબ્ધ છે. આપણી પાસે લેંડલાઇન ફોન, અરે ! હવે તો દરેક પાસે ફોટા પાડી શકાય તેવા મોબાઇલ ફોનની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે આંટો મારતાં નજરે ચડેલ તકલીફવાળા છોડ-ઝાડની બીમારીનું વર્ણન કરવું, અને જરૂર જણાય તો બીમાર મોલાતના ફોટા પાડીને પણ તેને મોકલી શકાય. અરે ! ક્યારેક વધુ મુંઝવતા અણીના સમયે છોડ-ઝાડના દર્દવાળા ભાગોના જીવંત નમૂના લઈને રૂબરૂ જવું પડે તો જઈને પણ તેની સલાહથી મળનારા લાભની સરખામણીએ ખર્ચેલું ટીકીટભાડું અને વિતાવેલ સમયની કિંમત નહીંવત ગણાય.

    એકવાર જો નિદાન પાક્કું થઈ જાય કે મોલાત અમુક ચોક્કસ જીવાત કે કોઇ ચોક્કસરોગનો ભોગ બની છે, એટલે તેને કાબૂમાં લેનારું બાણ નિશાન ચોક્કસ વીંધે છે.તેથી આપણે ખ્યાલફેર કદી ન થવા દઈએ કે એગ્રોની દુકાન એ એકમાત્ર ખેડૂતો માટેનું સલાહકેંદ્ર નથી. એ ખેતીને લગતી ચીજ-વસ્તુઓ વેચતી દુકાન છે. જરૂર પડે રોગ-જીવાત અંગેનું નિદાન તો નિષ્ણાત પાસે જ કરાવાય, અને એણે ચીંધેલા પોષકતત્વો, હોર્મોંસ કે રોગ-કીટકની દવા એગ્રોમાંથી લાવી, તજજ્ઞશ્રીએ સૂચવેલા પ્રમાણ અને કહેલ રીત પ્રમાણે ઉપયોગમાં લેવાય.તો ઓછા ખર્ચે અને ઓછી મહેનતે પાકને નરવ્યો કરી શકાય.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • કિશોરીઓ અને મહિલાઓની સુરક્ષા

    પ્રો. અશ્વિનકુમાર ન. કારીઆ

    ૨૦૧૨માં નિર્ભયા કાંડને પગલે બળાત્કારને લગતા કાયદાઓની જોગવાઈઓ કડક થયા બાદ, પ્રજાને હાશકારો થયો હતો કે હવે આવા જઘન્ય બનાવો અટકશે. પરંતુ આ આશા ઠગારી નીવડી છે. સરકારી સૂત્રો પ્રમાણે દેશમાં રોજેરોજ ૮૬ જેટલા બનાવો બળાત્કારના બને છે. જાતીય સતામણી, દહેજ મૃત્યુ, છેડતી, ઘરેલુ હિંસાના બનાવોની આમાં ગણતરી નથી.

    આ માહોલ વચ્ચે ઉત્તરાખંડના નૈનિતાલ વહીવટી તંત્રે શાળાએ જતી કિશોરીઓ કે નોકરીએ કે ખરીદી માટે જતી સ્ત્રીઓ સાથે થતી છેડછાડ અટકાવવા હાથ ધરેલ નવતર અને પ્રશસ્ય અભિગમની નોંધ લેવી જોઈએ. બન્યું એવું કે હલ્દવાનીમાં જાહેરમાં સ્ત્રીઓની થતી છેડછાડ અંગેનો એક વિડીઓ વાયરલ થયો. જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંગે તેની તત્કાળ નોંધ લઈ, પાંચ મહિલા અધિકારીઓની ટીમની રચના કરી અને તેને શહેરની તમામ શાળાઓમાં લૈંગિક સંવેદનશીલતા (gender sensitisation) કાર્યક્રમો યોજવા જણાવ્યું. આ ટીમે હલ્દવાનીની ૪૧ શાળાઓમાં કુલ મળી ૫૦૦૦ કિશોરીઓ સાથે ચર્ચા યોજી. આ ૫૦૦૦ કિશોરીઓ સાથે થયેલ ચર્ચાના આધારે તેમના માટે ૪૮૦ સ્થળો અસલામત સ્થળો તરીકે તારવવામાં આવ્યાં. તે પૈકી ૮૯ સ્થળો અસલામત સ્થળો તરીકે ઓળખવામાં આવ્યાં. આ સ્થળોમાં રીક્ષા સ્ટેન્ડ, દૂરનાં એકાંત સ્થળો, મોલ, બગીચા, શાળા-કૉલેજ તરફ આસપાસના રસ્તાઓનો સમાવેશ થતો હતો.

    જિલ્લા વહીવટી તંત્રે પોલીસનો સાથ લઈ આ તમામ સ્થળોએ દરોડા પાડ્યા અને ૧૦૨ આવારા તત્ત્વોની અટકાયત કરવામાં આવી. કિશોરીઓ અને મહિલાઓને સુરક્ષાનો અહેસાસ થયો. વંદના સિંગે જણાવ્યું કે પોતે સ્ત્રી તરીકે કિશોરીઓનાં મા-બાપની વેદના સમજી શકે છે. આ ઝુંબેશ માત્ર કામચલાઉ નથી, પરંતુ કાયમ માટે ચાલુ રહેવાની છે. આ ઝુંબેશમાં હેલ્પલાઈન નંબરો તમામ કિશોરીઓને આપી દેવાયા છે. ઉપરાંત, રીક્ષાઓ, બગીચાઓ, શાળા-કૉલેજો, મોલ પર આ નંબરો ફરજિયાત દર્શાવાયા છે. રીક્ષા ડ્રાઈવરની ઓળખ માટે તેમના માટે ૧ ડિસે.થી ડ્રેસ કોડ અપનાવવા આદેશ પ્રગટ કરાયો છે.

    દેશના એક જિલ્લા વહીવટી તંત્રની ઝુંબેશથી જો કિશોરીઓ તેમજ મહિલાઓ સુરક્ષા અનુભવતી હોય, તો મહિલા સુરક્ષાનો પ્રશ્ર્ન દરેક નાના-મોટા નગરમાં હોય છે, ત્યાં પણ આ અભિગમ-ઝુંબેશ અપનાવવા યોગ્ય છે. કારણ કે અસલામત વાતાવરણની કિશોરીઓના અભ્યાસ પર અવળી અસર થતી હોય છે. ગ્રામ વિસ્તારોમાં દૂરનાં સ્થળે ચાલીને શાળા-કૉલેજ જવાનું હોય ત્યારે અનેક મા-બાપો પોતાની દીકરીઓનો અભ્યાસ ટૂંકાવી દે છે અને તેમને કાં તો ઘરકામ કે ખેતરમાં જોતરી દે છે અથવા તેમનાં લગ્ન કરી નાખવામાં આવે છે. આમ કિશોરીઓની કારકિર્દી રોળાય છે. રાજ્ય આટલાં પગલાં લઈ શકે તો રાષ્ટ્રને અનેક બાહોશ કિશોરીઓની સેવા પ્રાપ્ત થઈ શકે.


  • ઝેર નકલી હોવાથી મરવું મુશ્કેલ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રદૂષણની સમસ્યા દિન બ દિન એટલી ગંભીર અને વ્યાપક બની રહી છે કે ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર હશે જે પ્રદૂષિત થયા વિનાનું રહ્યું હશે. પ્રદૂષણ મૂળ તો માનવની જરૂરિયાત અને એ જરૂરિયાતના લોભમાં થતા રૂપાંતરની આડપેદાશ કહી શકાય. અલબત્ત, હવે જરૂરિયાતના ઓઠા હેઠળ વૈભવને આવરી લેવામાં આવ્યો છે. તેને કારણે પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી, એટલું જ નહીં, એ ઘટે એમ લાગતું પણ નથી. કેમ કે, એકની પાસે જે છે એ પોતાની પાસે હોય એવી લાલસા માનવસહજ છે. કેવી કેવી ચીજો કે સ્થાનો પ્રદૂષણના ભરડામાં આવી ગયાં છે!

    કહેવાય છે કે માના દૂધ જેવું કોઈ દૂધ નહીં. અલબત્ત, પ્રદૂષણના આ યુગમાં આ ઊક્તિ ખોટી પડી રહી છે. બિહારમાં પટણાના મહાવીર કેન્‍સર સંસ્થાન અને રિસર્ચ સેન્‍ટર દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં માના દૂધમાં વિવિધ ઝેરી તત્ત્વો જણાયાં છે.

    બિહારના છ જિલ્લામાં માના દૂધમાં સીસાનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે. આ જ ટીમ દ્વારા કરાયેલા એક અન્ય સંશોધનમાં માના દૂધમાં આર્સેનિકનું પ્રમાણ જોવા મળ્યું છે. માના દૂધમાં સીસું મળી આવે તો એ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે તેમજ સ્વાસ્થ્યલક્ષી અન્ય સમસ્યાઓ પણ સર્જાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ અભ્યાસની વિગતો કંઈક આવી છે. પટણાના મહાવીર કેન્‍સર સંસ્થાન અને રિસર્ચ સેન્‍ટરના બાર વિજ્ઞાનીઓનું સંશોધનપત્ર ‘કેમોસ્ફિયર’ નામના પત્રમાં પ્રકાશિત થયું છે. આ ટીમે માનું દૂધ, પેશાબ, બાળકનો પેશાબ તેમજ રક્ત જેવા જૈવિક નમૂના એકત્ર કર્યા. સત્તરથી ચાલીસ વર્ષની કુલ ૩૨૭ મહિલાઓ થકી આ નમૂના મેળવવામાં આવ્યા. તેના અંતર્ગત માતાના દૂધના 92 ટકા નમૂનાઓમાં સીસાનું પ્રમાણ વધુ જોવા મળ્યું, જેમાં સૌથી વધુ હતું પ્રતિ લીટર ૧,૩૦૯માઈક્રોગ્રામ.

    આ ઉપરાંત રક્તના ૮૭ ટકા નમૂનાઓમાં પણ સીસું જોવા મળ્યું હતું, જેમાં સૌથી વધુ માત્રા ૬૭૭.૨  માઈક્રોગ્રામ પ્રતિ લીટરની હતી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ (ડબલ્યુ.એચ.ઓ.) અનુસાર રક્તમાં જરાસરખું સીસું પણ અસલામત ગણાય. 3.5 માઈક્રોગ્રામ પ્રતિ ડેસિલીટર જેટલી ઓછી માત્રા પણ શિશુની બુદ્ધિમતા, વર્તણૂંક અને શીખવાની ક્ષમતાને અસરગ્રસ્ત કરી શકે છે. નબળી સ્મૃતિ, ઓછો બુદ્ધિઆંક અને માનસિક વિકાસમાં અવરોધમાં તે પરિણમે છે. નવજાત શિશુમાં સીસાની માત્રા તેમના અપરિપકવ જન્મ, જન્મસમયે ઓછું વજન, ધીમો વિકાસ, એનીમીયામાં પરિણમી શકે છે.

    સવાલ એ છે કે માના દૂધ જેવા અતિ શુદ્ધ પદાર્થમાં આવાં તત્ત્વો પ્રવેશ્યાં શી રીતે? જવાબ સહેલો છે અને ધારણા બાંધી શકાય એવો છે. જમીનમાં ભળેલું સીસું આપણા શરીરમાં ખોરાક દ્વારા પ્રવેશે છે. મુખ્યત્વે શાકભાજી અને ધાન તેના પ્રાથમિક વાહકો છે, ખાસ કરીને ઘઉં, ચોખા અને બટાકા જેવા આહારસ્રોત દ્વારા માના દૂધમાં તે પ્રવેશે છે, જે સરવાળે માના દૂધમાં દેખા દે છે.

    અલબત્ત, રક્તમાં સીસાનું પ્રમાણ કેવળ આ વિસ્તારમાં જ નહીં, આપણા સમગ્ર દેશમાં ચિંતાનો વિષય છે. ‘ડબલ્યુ.એચ.ઓ.’ દ્વારા નિર્ધારીત કરાયેલી 5 માઈક્રોગ્રામ પ્રતિ ડેસીલીટરની માત્રા કરતાં વધુ માત્રામાં સીસું દેશભરનાં ૨૭.૫કરોડ શિશુઓમાં મળી આવ્યું હોવાનો એક અહેવાલ છે.

    આ અભ્યાસના અન્ય કેટલાક આંકડા પણ જોવા જેવા છે. માતાઓના પેશાબના નમૂનામાં મળી આવેલા સીસાની સૌથી વધુ માત્રા ૪,૧૬૮ માઈક્રોગ્રામ પ્રતિ લિટરની છે, જે ૬૨ ટકા નમૂનાઓમાં જોવા મળી. એ જ રીતે શિશુઓના પેશાબના નમૂનાઓમાં જોવા મળેલી સીસાની સૌથી વધુ માત્રા ૮૭૫.૪ માઈક્રોગ્રામ પ્રતિ લિટરની છે, જે પણ ૬૨ ટકા નમૂનાઓમાં મોજૂદ હતી.

    આ અભ્યાસમાં આહારના નમૂના પણ ચકાસવામાં આવ્યા. તેમાં મોટી માત્રામાં અશુદ્ધિ જોવા મળી. ઘઉંના નમૂનામાં 45 ટકા સીસું મળી આવ્યું, જેમાં સૌથી વધુ માત્રા ૭,૯૧૦ માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામની હતી. ચોખાના ચાલીસ ટકા નમૂનાઓમાં અને બટાકાના 90 ટકા નમૂનાઓ સીસું ધરાવતા હતા. ચોખામાં તેની સૌથી વધુ માત્રા ૬,૯૭૨ માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ અને બટાકામાં તે 13,786 માઈક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામની હતી.

    આહાર ઉપરાંત ઘરેલુ પાણીના નમૂના પણ ચકાસાયા હતા. સાથોસાથ હળદર જેવી ઘરવપરાશની ચીજોમાં પણ પીળા રંગની ભેળસેળ જણાઈ હતી.

    આ અભ્યાસ અને તેના આંકડા વાંચીને આપણને આશ્વાસન લેવાનું મન થઈ આવે કે આ બધું તો બિહાર રાજ્યમાં છે. આપણે ત્યાં નથી. આવું આશ્વાસન લેતાં પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ત્યાં આવો કોઈ અભ્યાસ હાથ ધરાયો નથી.

    એકાદ વરસ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ નજીક નકલી હળદર બનાવતી ફેક્ટરીની વિગત જાણવા મળી હતી. નકલી ઘી, નકલી મરચું, અરે, નકલી ઈનો પણ ઝડપાયો હતો. નકલી હળદરની તો નિકાસ પણ થતી હતી. આવા સમાચાર છાશવારે પ્રકાશિત થતા રહે છે, પણ પછી તેનું શું થયું એ જાણવા મળતું નથી. એક તરફ એવી માન્યતા ધરાવતો વર્ગ વધી રહ્યો છે કે મોંઘું હોય એ હંમેશાં ઉત્તમ ગુણવત્તાયુક્ત જ હોય. આવા વર્ગને ધ્યાનમાં રાખીને નકલી ઉત્પાદકો નકલી ચીજોની કિંમત પણ ઊંચી રાખતા જોવા મળે છે.

    જો કે, દેશ આખામાં નકલી પોલિસ, નકલી ન્યાયાધીશ, નકલી સી.બી.આઈ., નકલી કસ્ટમ વિભાગ, નકલી ટોલ નાકાં, નકલી ઈજનેરી કચેરીની બોલબાલા હોય ત્યાં નકલી ખાદ્યચીજોને શું રડવાનું! હવે તો સરકારે પણ આ સ્વીકારી લીધું છે, અને કોઈ નક્કર પગલાં ભરવાને બદલે ટેલિફોનની કૉલર ટ્યૂનમાં આ બધું નકલી હોઈ શકે છે એમ જણાવતી ચેતવણી વગાડીને પોતાની ફરજ બજાવવાનું કામ કર્યું છે. હશે, સરકારની પ્રાથમિકતાઓ ઘણી હોય છે, અને તેમાં આનો સમાવેશ નહીં થતો હોય. નાગરિકોની પ્રાથમિકતાઓ પણ બીજી હોય છે. સરવાળે બેય પક્ષે આનંદ અને સંતોષ છે. બીજું શું જોઈએ?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સુખદ અકસ્માત

    હરેશ ધોળકિયા

    ભારતના એક ઉત્તમ વ્યક્તિ એવા ડો. મનમોહનસિંહે વિદાય લીધી.

    સ્વતંત્રતા પછી રૂઢીચુસ્ત ભારતને આધુનિક ચહેરો આપવાનું કામ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યું. તેમની આજે સમજ્યા વિના ખૂબ ટીકા થાય છે કે તેમણે સમાજવાદની વિચારસરણી અપનાવી દેશને નુકશાન કર્યું. દેશને પછાત રાખ્યો. પણ આજે જે ક્ષેત્રોમાં દેશ ગૌરવ લે છે, અવકાશ, અણુ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઈન્સ્ટટયુટ ઓફ મેનેજમેન્ટ વગેરે, તે બધા નેહરુએ શરુ કર્યા. ઉત્તમ ડેમો બાંધ્યા. બીજી પણ અનેક ઉત્તમ સંસ્થાઓ સ્થાપી અને ઉત્તમ લોકોને તે સોંપી ઉત્તમ કામો કર્યા. અને ટીકા કરનારાઓ ભૂલી જાય છે કે તેમણે જયારે દેશનું સુકાન હાથમાં લીધું, ત્યારે દેશ અનેક કટોકટીથી પીડાતો હતો. પાંચ હજાર વર્ષની પરંપરાઓનો બોજો હતો. મોટા ભાગની પ્રજા તદ્દન રૂઢીચુસ્ત અને નિરક્ષર હતી. મોટા ભાગના નેતાઓને, જેમાંના કેટલાક તો તેમના જ પ્રધાન મંડળમાં મંત્રી હતા,  તો જુનવાણી ધર્મગ્રસ્ત રાજ્ય વ્યવસ્થા જ  જોતી હતી. આ બધાનો તેમને સતત સામનો કરવાનો હતો. નાણાકીય સ્થિતિ પણ ખરાબ હતી. વિભાજનના કારણે ભયંકર પ્રશ્નો હતા. લોકશાહી દેશ માટે અજાણ્યી બાબત હતી. આવા વાતાવરણમાં નેહરુએ ધીમે ધીમે લોકોને તૈયાર કર્યા. શાંત ચૂંટણીઓ કરાવી. ક્રમશ: વિકાસ થતો ગયો. તેમના બદલે બીજો કોઈ સામાન્ય નેતા હોત તો ભારતની લોકશાહી ટકી શકી હોત કે કેમ તે પણ શંકા છે. નેહરુ અને સરદારે ભારતને અને લોકશાહીને બરાબર મજબૂત કર્યા. તેમના વિઝનના કારણે આજે આપણે પ્રગતિ કરી શકયા  છીએ.

    અને તેમના પછી બીજા આવ્યા નરસિંહરાવ. તેમણે  મનમોહનસિંહની બુદ્ધિની મદદથી ભારતની સમગ્ર આર્થિક સ્થિતિને નવો જ વળાંક આપ્યો. દેશને સમાજવાદથી ખસેડી ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ દોર્યો. તેના કારણે આજે આપણે વિશ્વ કક્ષાએ સ્વસ્થ રીતે પ્રગતિ કરી શકીએ છીએ. પછીની સરકારોને આ બધાનો લાભ મળ્યો અને પ્રગતિ ઝડપી બની છે. આપણે પ્રગતિમાં ત્રીજા ક્રમે આવી ગયા છીએ. અવકાશ વગેરેમાં તો કલ્પનાતીત કામ કરીએ છીએ. પણ આ બધાનો યશ મનમોહનસિંહને અને તેમના કલ્પનાશીલ વિઝનને જાય છે.

    અને છતાં બિચારા મનમોહનસિંહ સતત ગાળો ખાતા રહ્યા. સતત તેમની ટીકા જ નહિ, નિંદા પણ થતી રહી. તેમનું જેટલું ચારિત્ર્યહનન થાય તેટલું કરાયું. પણ તે શાંત અને ચૂપ રહ્યા. તે  કોઈ રાજકારણી તો હતા નહિ કે સામે ગાળાગાળી કરે. તે તો પૂર્ણ સજ્જન વ્યક્તિ હતા. તેમને ખબર હતી કે પોતે શું કામ કર્યું છે અને તેના શું લાભ દેશે ભોગવ્યા છે.

    પણ  જેવી તેમણે  વિદાય લીધી કે ગાળો આપનારાઓને ભાન થયું કે પોતે ખોટી નિંદા કરી હતી. એટલે એ બધાનો અચાનક હૃદય પલટો થયો અને તેમની પ્રશંસા કરવા  લાગી ગયા. જેણે તેમના પર હાસ્યાસ્પદ ફિલ્મ[1] બનાવી હતી તેણે  પણ માફી માગી.

    પ્રતિભાશાળી લોકોની આ જ નિયતિ છે. તેમના સમયમાં તેમની પ્રતિભાને મોટા ભાગના સામાન્ય લોકો ઓળખી શકતા નથી. તેમની પ્રતિભા સામે પોતાની સામાન્યતા ખુલ્લી પડી જાય છે એટલે આવા તદ્દન સામાન્ય લોકો રઘવાયા થઇ જાય છે અને પરિણામે તેમનું સતત ચારિત્ર્યહનન કર્યા કરે છે. અને આ નેહરુ કે ગાંધીજી કે મનમોહનસિંહ પુરતું જ નથી. વિશ્વના બધા જ પ્રતિભાશાળી લોકો માટે છે. રામ, કૃષ્ણ કે યુધિસ્થિરથી માંડીને આજના ગાંધીજી કે વિનોબા કે રઘુ રાજન સુધી આ બાબત ચાલુ રહી છે.

    કારણ એક જ. સમાજમાં એસી ટકાથી વધુ લોકો સામાન્ય બુદ્ધિથી જીવે છે. વિચાર કરવાની કે વિઝન જોવાની કે વિશાળ થવાની તેમને તાલીમ જ નથી મળતી. કુટુંબ, જ્ઞાતિ કે ધર્મના સાંકડા વર્તુળમાં  તેઓ જીવ્યા કરે છે. તેને જ તેઓ પૂર્ણ માને છે. કૂવાના દેડકા જેમ કૂવાને જ મહા સાગર માને છે. અને જયારે મહા સાગરના દેડકા સાથે ભેટો થઇ જાય છે અને મહા સાગરની વિશાળતાની વાતો સાંભળે છે, ત્યારે તેમને મહા સાગર જોવાની ઈચ્છા તો નથી થતી, પણ મહા સાગરના દેડકાને હેરાન કરવાની અને, બને તો, મારી નાખવાની ઈચ્છા થાય છે જેથી પોતાનું  સંકડાપણું જળવાઈ રહે. પણ હમેશ તો બધાને મારી ન શકાય, એટલે તેમનાં ચારિત્ર્યનું સતત હનન કરે છે.

    પણ આ સામાન્ય લોકોને એ ખબર નથી કે તેમની આ દુષ્ટ પ્રવૃતિથી પ્રતિભાશાળી લોકોને એક ક્ષણ ગેરફાયદો નથી થતો. તેઓ તો પ્રતિભાશાળી જ રહે છે, પણ તેમની આ હરકતોથી  સમાજ પછાત રહે છે. સમાજ અને દેશની પ્રગતિને હાની પહોંચે છે. અને, હાસ્યાસ્પદ બાબત તો એ છે કે, ગમે તેવી નિંદા પછી પણ સામાંન્યોને પ્રતિભાશાળી કે તેમના વિચાર વિના એક પળ પણ ચાલતું નથી. મનમોહનસિંહની બધી જ યોજનાઓને ઉતારી પડ્યા પછી પણ છેવટે તો એ બધી જ, નીચા  મોએ,  ચાલુ રાખવી પડી છે.  નેહરુના બધા જ કાર્યો આજે પણ ચાલુ છે અને તેના કારણે જ દેશનું ગૌરવ વધે છે. ગાંધીજીના વિચારોને ફરજિયાત અપનાવવા પડે છે.

    કારણ ? કારણ કે આ બધું પ્રતિભાશાલીઓના ભેજામાંથી નીકળ્યું હતું. એ શાશ્વત હતું. આજે પણ શાશ્વત છે. તેમને અપનાવ્યા વિના છૂટકો નથી. તાલીબાનો સામે પણ બંદૂક તકાય છે ત્યારે તેમને પણ ગાંધીજી જ યાદ આવે છે.

    બસ, આ જ પ્રતિભાશાલીઓની મજા છે. સામાંન્યો માટે તેઓ અનિષ્ઠ હોવા છતાં અનિવાર્ય છે. એટલે જ જયારે તેમની નિંદા થતી  હોય છે, ત્યારે કુદરત હસતી હોય છે.

    મનમોહનસિંહ પોતાની પ્રતિભાની મદદથી ભારતની સિકલ ફેરવી ગયા છે. તેમણે  જે એક પછી એક યોજનાઓ આપી, જેવી કે મનારેગા, આધાર કાર્ડ, માહિતીનો  અધિકાર, વગેરે, તે બધી જ આજે પણ એટલી જ ઉપયોગી છે. તેની મદદથી જ આજે દેશની અનેક યોજનાઓને આગળ વધારવામાં આવે છે.  મનમોહનસિંહ ભારતને વૈશ્વિક ચહેરો આપી ગયા છે. અત્યારે જે પ્રગતિ થાય છે, તે તેમના ખભા પર થાય છે.

    આજે પણ અદ્ભુત પ્રગતિ થાય છે, પણ, લોકોના મનમાં ઠસાવવામાં આવે છે તેમ,  એ કોઈ મૌલિક કે પહેલી વાર થતી પ્રગતિ નથી. આગળના વડાઓના કાર્યોને નવા સંદર્ભમાં આગળ વધારવામાં આવે છે. લાખો વર્ષ પહેલા કોઈ ગુફાવાસીએ અગ્નિ સળગાવ્યો  કે પથ્થર ગબડાવ્યો, તેના પરિણામે આજે અણુની શોધ થઇ છે કે બીજા ગ્રહોમાં જવાના પ્રયત્નો થઇ શકે છે. દરેક પછીની પેઢી   આગળની પ્રતિભાશાળી પેઢીના વિચારોને તત્કાલીન સંદર્ભમાં આગળ લઇ જાય છે.

    એટલે કોઈ પ્રતીભાશાલીની નિંદા એ હકીકતે તો નિંદા કરનારની ક્ષુદ્ર બુદ્ધિનો જ પરિચય આપે છે. અને એટલે જ એ પોતાની  ક્ષુદ્રતાને સમજી શકતો નથી.

    આવા સામાંન્યો  માટે જ ઈશુ ખ્રિસ્તે કહ્યું છે ને કે, “ પ્રભુ તેમને માફ કરો, કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા  છે. “   એવાઓની દયા ખાવી !


                                                            ( કચ્છમિત્ર : તા : ૧૯-૧-૨૦૨૫ : રવિવાર)

    ૦૦૦

    [1]


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • કાર્ટૂનકથા (૨૩)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના   તેવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કાળો કોશી: પક્ષીઓનો પોલીસ પટેલ!

    પ્રકૃતિની પાંખો

    ભાઈશ્રી હિત દુષ્યંત વોરા  હાલ જૂનાગઢ વેટરિનરી કોલેજમાં વેટરિનરી સાયન્સ અને એનિમલ હઝબન્ડ્રી (પશુચિકિત્સા અને પશુપાલન)નો અભ્યાસ કરે છે.

    બાળપણથી જ તેમને કુદરત પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટ જેવી ચેનલ્સ જોઇને જંગલ અને વન્યજીવન માટેના પ્રેમનો બીજ અંકુરિત થયો. તે પ્રેમ વધારે ગાઢ થયો જ્યારે તેઓ જુનાગઢ અને કચ્છ જેવા પ્રેરણાદાયક સ્થળોથી પ્રભાવિત થયા.

    ગિરનાર પર્વત અને ગીરના જંગલોમાં વિતાવેલી ક્ષણોએ તેમને પ્રકૃતિના રહસ્યો સમજાવ્યા. તે સાથે, કચ્છના વિસ્તૃત ભૂમીપ્રદેશ, તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને જૈવવૈવિધ્યએ તેમને વધુ ગાઢ રીતે પ્રકૃતિ સાથે જોડવામાં મદદ કરી. કચ્છનું વિહંગમ સૌંદર્ય અને પર્યાવરણના દરેક તંતુએ તેમનામાં  પ્રકૃતિનું મહત્વ વધાર્યું.

    તેમના  પ્રાથમિક પ્રેરણાસ્રોત તેમનાં માતા-પિતા છે, જેમણે તેમને સ્વતંત્રતાથી કુદરતને અનુભવતા શીખવ્યું. તેમના  મિત્ર પરમકુમાર માથુરે તેમને પક્ષી નિરીક્ષણ અને ઇકોલોજીકલ અધ્યયનના રસ્તા પર મૂક્યાં અને તેમનો પરિચય  “વસુંધરા નેચર ક્લબ” નામ ની સંસ્થા સાથે કરાવ્યો, આ સંસ્થા પ્રકૃતિની સંરક્ષણ, પુનઃસ્થાપન અને શિક્ષણ માટે સમર્પિત છે. આ સંગઠન દ્વારા નિઃસ્વાર્થ રીતે કરવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ સાથે જોડાવાથી તેમના આ શોખને નવો અર્થ મળ્યો.

    તેઓ માને છે કે પ્રકૃતિનું શિક્ષણ વ્યક્તિને પર્યાવરણ સાથે ઊંડા સ્તરે જોડે છે. આ લેખમાળાની યાત્રા દ્વારા તેઓ વાચકોને પણ પ્રકૃતિ સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે.

    આ લેખમાળામાં તેઓએ ભારતના સ્થાનિક પંખીઓના અનોખા જીવન અને તેમના વૈવિધ્યસભર વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ લેખમાળામાં પંખીઓના દેખાવ, ઓળખાણ તથા તેમના રહસ્યમય વર્તન અને પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી મળશે.

    આ લેખમાળાનો હેતુ માત્ર વાચકોને પંખીઓના નામો યાદ કરાવવા અથવા માત્ર તે સુંદર લાગે છે તે બતાવવાનો નથી. તેઓ ઇચ્છે છે  કે લોકો તેમના ઘરની બારીમાંથી બહાર જુએ, પ્રકૃતિને જુએ અને વિચાર કરે. પંખીઓ માત્ર આપણા વિશ્વને સુંદર બનાવવા માટે નથી, પરંતુ તેમની હાજરી અને વર્તન પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે.

    શ્રી હિત વોરાની નવી લેખમાળા ‘પ્રકૃતિની પાંખો’ શીર્ષક હેઠળ દર મહિનાના ત્રીજા અબુધવારે પ્રકાશિત થશે.

    વેબ ગુર્જરી પર શ્રી હિત વોરાનું સ્વાગત છે,

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    કાળો કોશી: પક્ષીઓનો પોલીસ પટેલ!

    હીત વોરા

    કાજળ જેવો કાળો રંગ ધરાવતું આ પંખી, જેને ગુજરાતી માં ‘કાળો કોશી’ અને અંગ્રેજીમાં ‘બ્લેક ડ્રોંગો’ કહેવાય છે, એ સમગ્ર ભારતખંડમાં સામાન્ય રીતે જોવા મળે છે.

    ‘કાળો કોશી ની ઓળખાણ ચમકતો કાળો રંગ અને ઊંધા “V” આકાર જેવી ફાંટો પડતી પૂંછથી સહેલાઇ થી થાય છે! આ પક્ષી ખાસ કરીને વગડાઓ, ખેતરો તથા શહેરોના આસપાસના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળે છે. તેની ચમકદાર કાળી આકૃતિ અને શાણપણથી ભરપૂર વર્તન તેને અન્ય પંખીઓથી અલગ બનાવે છે.

    આ પક્ષી ખૂબ જ નિડર હોય છે, તે મોટાં શિકારી પંખીઓ જેમ કે બાજ, શકરો અને ગરૂડથી ડર રાખ્યા વિના તેની પાછળ ઉડીને ‘ તેને નખ અને ચાંચ મારી, માળા થી દૂર ભગાડી દેવા માટે જાણીતું છે! આ વર્તન ને અંગ્રેજીમાં “mobbing” કહે છે!

    (આ વર્તનના દ્રશ્યો માટે “WildEarth” દ્વારા YouTube વિડિયો જુઓ. વિડિયો:

    આવા અનોખા વર્તનને  કારણે, પીળક, બુલબુલ, હોલા, લલેડા જેવાં પક્ષીઓ શિકારી પક્ષીઓથી સુરક્ષિત રહેવા માટે  કાળા કોશીના માળાની નજીકમાં પોતાનો માળો બાંધવાનું પસંદ કરે છે! આ કારણથી ‘કાળો કોશી ને હિંદીમાં કોતવાલ કહેવામાં આવે છે.

    તેે કર્તવ્યનિષ્ઠ પોલીસ ઑફિસર હોય તેમ બીજા પક્ષીઓથી વહેલું ઊઠી જાય છે અને સૂવા પણ મોડું જાય છે. તેના આ વર્તનનું કારણ તેની આહારવૃત્તિમાં રહેલું છે! ડ્રોંગો મુખ્યપણે ઊડતા નાના કીટકોને ખાવાનું પસંદ કરે છે અને વહેલી સવારે અને મોડી સાંજે કીટકો વધારે પ્રમાણમાં ઊડતા હોય છે. ડ્રોંગો ઘણી વખત કાબર અને બગલા સાથે ખેડાણ ચાલુ હોય એવા ખેતરમાં કીટકોનું ભક્ષણ કરતા જોવા મળે છે.

    ‘કાળો કોશી ખૂબ જ ચાલાક હોય છે અને ભિન્ન ભિન્ન પ્રકારના અવાજ પણ કુશળતા ઈથી કાઢી શકે છે! તે ઘણી વખત, ખુદ જ શકરા બાજના (Shikra) અવાજ જેવોજ અવાજ કાઢે જેના કારણે બીજા પંખીઓ ડરીને ભાગી જાય ત્યારે તે ખૂબ ચપળતાથી તેનો ખોરાક ચોરી કરી જાય છે!

    ભલે ‘કાળો કોશી ક્યારેક ખોરાક ચોરી જતું હોય, પણ શિકારી પક્ષીઓને ભગાડી, નાના પક્ષીઓને મદદરૂપ થાય છે, એમ જ તે ખેડૂતોને પણ પાકને નુકસાન કરે એવા જંતુઓ ખાઈને મદદ કરે છે! જેમ જેમ નવી ટેકનોલોજીનો ઉદ્ભવ થતો જાય છે તેમ તેમ ખેતી કરવાની સાંસ્કૃતિક રીતો ભૂલાતી જાય છે, કૃત્રિમ જંતુનાશક દવાઓના કારણે જંતુઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે જેને કારણે કીટકો પર નભતાં ઘણાં સ્થાનિક તથા પ્રવાસી પંખીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે!

    ભલે કાળા કોશીને હાલમાં કોઈ તાત્કાલિક ખતરો તો નથી, પણ આપણી કુદરત પ્રત્યેની અવગણના, ભવિષ્યમાં આના જેવી અનેક પ્રજાતિઓ માટે ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે, અને તેના કારણે પર્યાવરણમાં સર્જાતું અસંતુલન આપણા ઉપર સીધી અસર કરે છે! આપણે આવનારી પેઢીને કુદરતનાં આ કાર્યોને જોવાનું, સમજવાનું અને તેની કદર કરવાનું શીખવીએ જેથી આપણા માટે અને આપણા પછી આવનારી પેઢીઓ માટે પણ જીવન ટકાવું શક્ય બને.


    અહીં  મૂકેલ તસવીર નેટ પરથી તેમ જ વિડીયો ની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાદર્ભિક સમજણ સારૂ સાભાર લીધી છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મેવાડની મહેક…ગિરિધરની ગહેક

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    – કે કાગળ હરિ લખે તો બને
    અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

    મોરપીંછનો  જેના ઉપર  પડછાયો ના પડિયો,
    શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
    એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

    મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી,
    નિશદિન આવે જાય  લઇને થેલો ખાલી ખાલી.
    ચિઠ્ઠી  લખતાંવેંત પહોંચશે  સીધી મીરાં કને…

                             -રમેશ પારેખ

     ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામક કાવ્યસંગ્રહ આપી ગુજરાતી ભાષાને રળિયાત કરી. મીરાંની સંવેદના આત્મસાત કરી એને અદભુત કાવ્યદેહ આપ્યો છે. મીરાં જેવું સમર્થ પાત્ર હોય અને રમેશ પારેખની કલમ હોય પછી તો ‘શું કહેવું અને શું ન કહેવું’ની ક્ષિતિજે પહોંચી જઈએ. પછી તો શબ્દના જ ઘુઘવાટ.

    મીરાંબાઈએ ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી એમ બિલીપત્ર જેમ ત્રણ ભાષામાં કાવ્યસર્જન કર્યું હતું. મીરાંએ કૃષ્ણપ્રીતિ નિમિત્તે કાવ્યસર્જન કર્યું છે. નારીચેતનાનો આ પ્રથમ પડાવ. રાજપાટને ઠોકર મારી કૃષ્ણપાટને પૂજી હતી. ઈબ્સનના ‘ડોલ્સહાઉસ’ની નોરા પણ અંતે બારણું પછાડીને બધુ છોડીને નીકળી ગઈ હતી. એ પછડાટનાં પડઘા સમગ્ર રશિયામાં સંભળાયા હતા. મધ્યકાળમાં મીરાંની આ ઠોકરની કળ રાણા જેવા કૈંક મહારાજાઓને વરસો સુધી વળી નહોતી, પણ મીરાંને તો રાજકારણ કરતા કૃષ્ણકારણમાં રસ હતો. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ન કોઈ’ ગાતી મીરાંને કોઈ પણ દુન્યવી ચીજમાં રસ નહોતો. કૃષ્ણ પ્રથમ અને અંતિમ પ્રેમ હતો. પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોચ્ચ શિખર એટલે મીરાં. પ્રેમનો પહાડ ચીરીને સંવેદનાનો ધોધ શ્યામ સાગરમાં ભળે છે.

    જોધપુરના રાવ દુદાજીના પુત્ર રતનસિંહની દીકરી એટલે મીરાંબાઈ. નાનપણમાં આંગણે આવેલા સાધુ મહારાજના હાથમાં કૃષ્ણની સુંદર મૂર્તિ જોઈને મીરાંએ પૂછ્યું કે ‘આ કોણ છે ?’ સાધુએ કહ્યું કે ‘એ તો મારા ઇષ્ટદેવ કૃષ્ણની મૂર્તિ છે, હું રોજ એની પૂજા કરું છું.’ મીરાંએ કહ્યું ‘મને એ આપો. હું પણ રોજ પૂજા કરીશ.’ સાધુએ એ મીરાંને આપતા જ મીરાં એને છાતી સરસી દાબી અને હરખથી નાચવા લાગી. એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી નિર્દોષતાથી પૂછ્યું, ‘હે મા, મારો વર ક્યાં છે ?’ ત્યારે માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, ‘શ્રીકૃષ્ણ તારા પતિ છે ને’ એ દિવસથી જીવનની અંતિમ ક્ષણ સુધી કૃષ્ણને જ પોતાનો પતિ માન્યો હતો. સ્થૂળ રીતે ભલે ભોજરાજ સાથે વિવાહ કર્યા પણ મનથી તો મોહનને વરી ચૂકી હતી. સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહના પાટવી પુત્ર ભોજરાજ સાથે યુવાન વયે લગ્ન થયા. પોતાને ગમતી ગોપાલની પ્રિય મૂર્તિ એ સાથે લઈ ગયા. પિયરમાં વૈષ્ણવ ધર્મ પાળતા હતા અને સાસરું શૈવધર્મી હતું. આના કારણે સાસરિયામાં ખૂબ સહન કરવાનું આવ્યું. સાધુસંતોની સંગત વધી જવાથી દિયર વિક્રમસિંહે છાબમાં ઝેરી નાગ મોકલ્યો. બીજી વાર વિષનો પ્યાલો મોકલ્યો અને ત્રીજી વાર ખુલ્લી તલવાર સાથે વિક્રમસિંહ શિરચ્છેદ કરવા આવ્યો. પણ ત્રણેય વખત મીરાંનો આબાદ બચાવ થયો હતો. છેવટ કંટાળી પિયર ગયા તો ત્યાં પણ લોકરીતિ અને લોકનીતિ માફક ન આવતા વૃંદાવનની વાત પકડી. ત્યાં કૃષ્ણ વિષે વધુ જાણવા જીવા ગોસાંઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ‘હું સ્ત્રીઓને મળતો નથી.’ એમ ગોસાંઈજીએ કહ્યું ત્યારે મીરાંબાઈએ જવાબ આપ્યો કે…

    ‘આજ લગી તો  હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક,
    વ્રજમાં  વસી હજુ  પુરુષ રહ્યા  છો  તેમાં ધન્ય તમારો વિવેક.’

    આ સાંભળીને ગોસાંઈજી દોડીને સામેથી મળવા આવ્યા. મીરાંબાઈની દીર્ઘ કથાનાત્મક રચનાઓ ભલે એટલી ખ્યાત ન હોય પણ એમની પદકવિતા ભારતીય સંસ્કૃતિનું મોરપિચ્છ છે. મીરાંનું કવન અને જીવનને એકબીજાથી જુદા ન પાડી શકાય. એના પદો એની વહેતી સંવેદનાની નીપજ છે, હૃદયનાં ઊંડાણમાંથી નીકળી અનેક હૃદય સુધી પહોંચી ગઈ. ‘ઝેર તો પીધા છે જાણી જાણી’, ‘યે રી મેં તો પ્રેમદીવાની’, ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે’ વગેરે અનેક રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. વર્ડ્ઝવર્થે કહ્યું છે કે ‘Poetry is a spontaneous overflow of powerful feelings recollected in tranquility.’  આ વાક્ય જાણે મીરાં માટે જ લખાયું લાગે ! મીરાંની રચનાઓને આટલા વર્ષો પછી પણ સમયનો કાટ લાગ્યો નથી. થોડા સમય પહેલા સલમાન પર પિક્ચરાઇઝ થયેલું ગીત ‘પ્રેમ રતન ધન પાયો’ મૂળ મીરાંબાઈના પદથી જ પ્રેરિત હતું.

    ઘણા લોકો એમ કહે છે કે મીરાંબાઇના કોઇ ગુરુ ન હતા પણ એ ખોટું છે. સંતો-ભક્તોએ પોતાની અનેક વાણીઓમાં ઢોલ વગાડીને કહ્યું છે કે ‘ગુરુ બિન જ્ઞાન ન ઉપજે.’ મીરાંબાઇ બાલ્યાવસ્થાથી ભક્તિવાન હતા એ ખરું પણ સાચા આધ્યાત્મિક જ્ઞાન માટે ગુરુની જરૂર તો રહે જ છે. મીરાંબાઇ પણ આ સત્યથી વાકેફ હતા આથી તેમણે પુરા ગુરુની શોધ આદરી ને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઇએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે. ‘ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી’.

    દુન્યવી વ્યવહારો પતાવીને મીરાં રોજ કૃષ્ણમંદિર જતા. કૃષ્ણ સામે નાચગાન કરતા હતા. મીરાબાઈનું કૃષ્ણભક્તિમાં નાચવું અને ગાવું રાજ પરિવારને સારું ન લાગ્યું. એમણે મા દુર્ગાની પૂજા કરવા આગ્રહ કર્યો. મીરાં માન્યા નહીં અને કૃષ્ણભક્તિ શરુ રાખી. નણંદે મીરાંને બદનામ કરવા ભાઈને કહ્યું કે ‘મીરાં કોઈ સાથે ગુપ્ત રીતે પ્રેમ કરે છે. મેં મારી સગી આંખે કૃષ્ણમંદિરમાં કોઈની સાથે વાત કરતા સાંભળ્યા છે’. આ  સાંભળી રાણાજી મીરાંબાઈને મારવા દોડે છે. પરંતુ સંયોગવશ સત્ય સામે આવે છે. હજારો સંઘર્ષોમાં પણ કૃષ્ણસ્મરણ ભૂલ્યા નથી. એમના જન્મસ્થળ મેડતામાં એમનું મંદિર છે. મંદિરમાં પ્રવેશતા જ લાગે કે જાણે હમણા મીરાંબાઈ કૃષ્ણપદો ગાવા લાગશે. કૃષ્ણના મંદિર જ્યાં જ્યાં છે ત્યાં અપ્રત્યક્ષ મીરાંબાઈનો વાસ છે.

    જીવનના પાછલા વર્ષોમાં મીરાંબાઈ દ્વારકા આવીને વસ્યા હતા. વિક્રમસિંહ બાદ ચિતોડની ગાડીએ ઉદયસિંહ બિરાજમાન થયા. એમને થયું કે મીરાં સાથે ખૂબ અન્યાય અને અપમાન થયા છે. એથી હાથીઘોડા અને પાલખી લઈને મીરાંબાઈને પાછા ચિત્તોડ આવવા વિનંતી કરી. ત્યારે મીરાંએ કહ્યું કે ‘હવે તો મારું રાજ અને રજવાડું એ માત્ર કૃષ્ણ છે.’ ઈ.સ. ૧૪૯૮માં મીરાંબાઈ નામે એક તેજપૂંજનું અવતરણ થયું હતું અને ઈ.સ. ૧૫૬૫માં આ જ તેજપૂંજ દ્વારિકાના શ્રીકૃષ્ણના મંદિરમાંની મૂર્તિમાં સમાઈ ગયું હતું. આજે પણ દ્વારકાધીશના દર્શન અંતરની આંખે કરીએ તો કૃષ્ણના હૃદયમાં મીરાંબાઈ મૂરત દેખાશે.


    ઇતિ

    તમારી સંકલ્પશક્તિના માલિક બનો પણ તમારા અંતરાત્માના દાસ.

    (જર્મન સુભાષિત)


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં

    નિસબત

    ચંદુ મહેરિયા

    ત્રીસેક વરસ પહેલાં ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બિયંતસિંઘની  સચિવાલય પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દોષિતોને જુલાઈ ૨૦૦૭માં સજા થઈ હતી. મુખ્ય આરોપી બલવંત સિંઘ રાજોઆનાને મૃત્યુદંડની સજા થઈ હતી. પરંતુ તે સજા ૨૦૧૨માં અટકાવવામાં આવી હતી. લગભગ  ત્રીસ વરસથી  જેલમાં બંધ રાજોઆનાએ તેની ફાંસીની સજા રદ કરવા કે તેને આજીવન કારાવાસમાં ફેરવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. તેમની દયા અરજી સોળ મહિનાથી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એટલે તેમણે દયા અરજીના નિર્ણયમાં થઈ રહેલા વિલંબને અનુલક્ષીને સર્વોચ્ચ અદાલત સમક્ષ મુક્તિની કે સજા ઘટાડવાની માંગ કરી છે. હમણાં જસ્ટિસ બી.આર.ગવઈની પીઠે રાષ્ટ્રપતિના સચિવને રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના આદેશ  સાથે રાષ્ટ્રપતિને બે અઠવાડિયામાં આ દયા અરજી અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. જો સમય મર્યાદામાં દયા અરજીનો નિવેડો નહીં આવે તો અદાલત અરજદારની પિટિશન પર વિચાર કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવેંદર પાલ સિંઘ ભુલ્લરની મર્સી પિટિશન પર નિર્ણય લેવામાં આઠ વરસ અને બળાત્કારના આરોપી મહેન્દ્ર નાથ દાસની દયા અરજીના નિકાલમાં બાર વરસનો વિલંબ થયો હોઈ સુપ્રીમકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી હતી.

    ભારતમાં દયા અરજીની જોગવાઈ અને હાલની સ્થિતિ સંદર્ભે અમેરિકાની આ જ પ્રકારની ક્ષમાદાનની જોગવાઈ અને સ્થિતિ અંગેનો તાજેતરનો ઘટના ક્રમ સરખાવવા જેવો છે. અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં તેમના પુત્ર સહિત પંદરસો લોકોની સજા માફ કરી છે. પ્રેસિડન્ટ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીનો અને બંદૂક ખરીદી વખતે  તેઓ નશીલા પીણાનાં આદિ હોવાનું છુપાવીને જૂઠ બોલવાનો આરોપ હતો. આ બંને ગુના સબબ રાષ્ટ્રપતિના સુપુત્ર દોષિત ઠર્યા હતા. પરંતુ બાઈડેને તેમને રાષ્ટ્રપતિને મળેલી વિશેષ સત્તા હેઠળ  ક્ષમાદાન આપ્યું છે. પુત્રને માફ કરવાના મુદ્દે થયેલા વિવાદ અંગે બાઈડેનનું કહેવું હતું કે તેમના પુત્ર પરના આરોપો રાજનીતિથી  પ્રેરિત હતા. વળી પુત્ર સામેના આરોપ અંગે તેમનું માનવું છે કે જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી લોકોને કેવળ એટલા આધારે જ ગુંડાગર્દીના આરોપીના બનાવી દેવાય કે તેમણે બંદૂક ખરીદીનું ફોર્મ કેવી રીતે ભર્યું છે. કરચોરી સંદર્ભે પણ તેમણે કહ્યું કે જો કોઈ કરદાતા ગંભીર વ્યસનોને લીધે વેરાની વિલંબે ચુકવણી કરે અને પછી વ્યાજ અને દંડ સાથે તે ભરી દે તો તેને ગુનેગાર માનવાને બદલે સમાધાન તરફ આગળ વધવું જોઈએ.

    અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પુત્રને માફ કરવાના પગલાનો વિરોધ કર્યો છે. પરંતુ ટ્રમ્પ સહિતના અમેરિકાના લગભગ સઘળા રાષ્ટ્રપતિઓ ક્ષમાદાનનો અંગત સગાં કે વફાદારો માટે ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે અમેરિકા માટે આવું કૃત્ય જરાય અસામાન્ય નથી. છેક ૧૭૯૫માં જ્યોર્જ વોશિંગ્ટને વ્હિસ્કી વિદ્રોહ તરીકે જાણીતા સંઘના વેરા વિરુધ્ધના હિંસક વિદ્રોહ કરનારાઓને માફ કર્યા હતા. અબ્રાહમ લિંકને વિભાજિત અમેરિકાને એક કરવાના પ્રયાસો તરીકે ગૃહયુધ્ધના દોષિતોને માફ કર્યા હતા. જિરાલ્ડ ફોર્ડે વોટરગેટ કૌભાંડના દોષી રિચર્ડ નિકસનને માફ કર્યા તે નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો હતો.પરંતુ તે પછી આવા નિર્ણયો અટકવાને બદલે વધ્યા છે. ૧૯૯૨માં જ્યોર્જ ડબલ્યુ બુશે પૂર્વ સંરક્ષણ સચિવ અને બીજા પાંચને ક્ષમાદાન આપી બચાવ્યા હતા. ૨૦૦૧માં બિલ ક્લિન્ટને સાવકા ભાઈને અને આર્થિક અપરાધના ભાગેડૂને માફ કર્યા હતા. સુપુત્રને ગુનાની સજામાંથી મુક્ત કરનાર બાઈડેનની ટીકા કરનારા ટ્રમ્પ પણ કંઈ દૂધે ધોયેલા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે પોતાના વેવાઈ (પુત્રીના સસરા) , રાજકીય સહયોગીઓ અને દાનકર્તાઓને માફી બક્ષી હતી.એટલે અમેરિકામાં રાષ્ટ્રપતિઓના આ પગલાંને સાવ સામાન્ય ગણવામાં આવે છે.

    ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અને ૧૬૧ હેઠળ રાજ્યપાલને દયા અરજીને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાની, માફ કરવાની કે રાહત આપવાની સત્તા છે. મહાભિયોગ સિવાયના સંઘ અને રાજ્ય સરકારના કાયદા હેઠળના દોષિતો કે સૈન્ય અદાલતના દોષિતોને રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ ૨ કલમ ૨(૧) હેઠળ માત્ર સંઘ સરકારના ગુનેગારોને ક્ષમા આપી શકે છે. મહાભિયોગ કે રાજ્યના દોષિતોને તે માફ કરી શકતા નથી. અમેરિકાની અદાલતો રાષ્ટ્રપતિના ક્ષમાદાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના દયા અરજી પરના નિર્ણયની નહીં પણ અતાર્કિક, પૂર્વગ્રહપ્રેરિત કે ભેદભાવ ભરેલી જણાતી નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે દયા અરજી પર નિર્ણય કરે છે. જ્યારે અમેરિકી પ્રમુખ પોતાના વિવેકાધીન નિર્ણય કરે છે. ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા એક રીતે સીમિત છે. જ્યારે અમેરિકી પ્રમુખની સત્તા અસીમિત અને અમાપ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના  આંકડા પ્રમાણે ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૨માં ૨૮૮૧ દોષિતોને ફાંસીની સજા થઈ છે. પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ સમક્ષ ૪૪૦ જ દયા અરજીઓ આવી છે.  વળી તેનો રાજકીય દુરુપયોગ ભાગ્યે જ થયો છે.

    અમેરિકી બંધારણ નિર્માતાઓએ એક જ વ્યક્તિ એટલે પ્રેસિડન્ટને આ પ્રકારનો વિશેષાધિકાર એટલે આપ્યો છે કે આવશ્યકતા ઉભી થયેથી તંત્રની લાલફીતાશાહીમાં આ બાબત ઉલઝાઈ ન જાય અને ત્વરિત તથા નિર્ણાયક કાર્યવાહી થઈ શકે. ભારતમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહને અનુસરીને જ નિર્ણય લેતા હોઈ ઘણો વિલંબ થાય છે. જોકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં અરજદારને સાઠ દિવસની મર્યાદામાં અને એક જ કેસના દોષિતોને એક સાથે  દયા અરજી કરવાની અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અહેવાલ પછી સાઠ દિવસમાં જ  દયા અરજી રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવાની જોગવાઈથી કદાચ વિલંબ ઘટશે. હા, રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવી શકાતી નથી.

    સામ્યવાદી ચીન સહિતના વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો  રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં  નિરંકુશ રાજાશાહી બૂ આવે છે. ન્યાયના ક્ષેત્રે તે દખલ પણ કહી શકાય.તો તે કાનૂનની કે ન્યાયની કઠોરતાને ઓછી કરવાનું ઉપકરણ પણ થઈ શકે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ન્યાયિક ત્રુટિઓ સુધારવા માટેનો  પારદર્શી અને વિવેકપૂર્ણ અધિકાર બની શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મુનશી અને આદિત્યનાથ બે જુદી સ્કૂલોની માનવ પ્રજાતિ!

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    કુલપતિ ક. મા. મુનશીનો ૧૩૮મો જન્મદિવસ ગયો ત્યારે સ્વાભાવિક જ થોડા દિવસ પરની એક અખબારી નુક્તેચીની સાંભરી આવી. વીતેલા વરસમાં લોકસભાની ચૂંટણીના વારાથી યોગી આદિત્યનાથનું ખાસું ગાજેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ રહ્યું છે. એક મિત્રે તે સંદર્ભે મુનશીને યાદ કરવાપણું જોયું. મુનશીની કીર્તિદા નવલત્રયી માંહેલો મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો સંવાદ આ નિમિત્તે તરત સંભારવો એ કદાચ સહજ પણ છે.

    યવન આક્રમણકાર સામે સૌ એક થઈએ એવી આર્ષ આરત કીર્તિદેવની છે, તો પાટણના મહાઅમાત્ય મુંજાલનું વાસ્તવદર્શન પોતાની મઢુલી સાચવવા પર કેન્દ્રિત છે. કીર્તિદેવનું અને મુંજાલનું પોતપોતીકું લોજિક છે. પણ આદિત્યનાથ પ્રકરણને અને આ ચર્ચાને પરસ્પર પૂરક ને સમર્થક ધોરણે સાથે મૂકવાની રીતે, કહો કે એમની સહોપસ્થિતિના ધોરણે મૂકીએ એમાં હું કંઈક ખચકાટ અનુભવું છું. એનાં બે કારણ છે. એક તો, આદિત્યનાથનું રાજકારણ વિભાજનપૂર્વ મુસ્લિમ લીગના હિંદુ અડધિયાનું છે. બીજી બાજુ, મુનશી લખે છે એ કથાનક સોલંકી યુગનું છે, પણ લેખક પંડે તો સંકેલાતી ઓગણીસમી સદીનું ને વિકસતી-વિલસતી વીસમી સદીનું સંતાન છે. કાનૂનવિદ છે. જિંદગીની સફરમાં એક મુકામ પર એ સ્વતંત્ર ભારતના બંધારણની મુસદ્દા સમિતિ પર હોવાના છે. સાત-આઠ સૈકા પરનું વસ્તુ હાથમાં લીધું છે, પણ ‘મોડર્ન સ્ટેટ’ એ શું તે જાણે છે. બંધારણનાં મૂલ્યોનો સહજ સ્પંદ પણ છે અને તમે એમનો વિવેક પણ જુઓ. સરદારે ભળાવ્યા એમણે નિઝામના હૈદરાબાદમાં ભારત સરકારના એજન્ટનું દાયિત્વ સાહ્યું છે, તો નેહરુ પ્રધાનમંડળના સભ્ય પણ રહ્યા છે. પણ કોંગ્રેસથી છૂટા પડ્યા છતાં, જનસંઘનો વિકલ્પ સુલભ છતાં, એ સ્વતંત્ર પક્ષમાં પસંદગીપૂર્વક જોડાયા છે. આ વૈકલ્પિક પસંદગી એમની પ્રાચીન ભારત માટેની ભક્તિ, આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક સભ્યો પૈકી એક હોવા છતાં, રાષ્ટ્રવાદ અને રાજકારણની સાંકડી ને કોમી વ્યાખ્યા પરત્વે કંઈક અંતર સૂચવે છે.

    તો, એકવીસમી સદીના પહેલા ચરણમાં યોગી આદિત્યનાથની બડકમદારી નહીં તો પણ સાહેદીમાં એમને ખડા કરવા બાબતે મને ચોક્કસ જ એક ખચકાટ છે. બટેંગે-કટેંગે એ લોકલુભાવન સૂત્ર વાસ્તે મુનશીની સર્વપ્રિય ત્રયીમાંથી મને અનુમોદના જરૂર મળે છે, પણ એનો સ્ત્રોત જરી જુદો છે. બે પાત્રો હું સંભારું, એમનાં આનંદસૂરિ અને ખતીબ; ને મારી વાત સ્પષ્ટ કરું. મોડેથી દાખલ થતા ખતીબની જિકર કરી વહેલા કરવા ઈચ્છું છું. ખંભાતમાં, ઉદયન મંત્રીના ઈલાકામાં, વિધિવત પ્રવેશ પૂર્વે કાક વૃક્ષ નીચે આરામ ફરમાવી સ્વયંપાક સારુ ઈંધણાંની વેતરણમાં હશે એવામાં ઉપરથી કંઈક ખખડાટ અનુભવાય છે. બીતી, નહીં ઓળખાતી આકૃતિ નીચે ઉતરે છે. આ તે જન કે જનાવર, કેમ જાણે કાક વિમાસે છે. ઓળખાય નહીં એથી ને અન્યથા એ ઈતર છે- ધ અદર. વાત એમ છે કે મ્લેચ્છો વિશે સાંભળ્યું હશે, પણ આ પ્રથમ દર્શન છે. ઉદયન મંત્રીએ ખંભાતની મ્લેચ્છ વસ્તી પર ત્રાસ વરતાવ્યો તેમાંથી બચીને બીધેલો ભાગેલો આ જણ છે પાટણની રાજનીતિના પેચમાં ભૃગુકચ્છ પંથકના કાકના ને બીજાઓના પવિત્રામાં નહીં જતાં અહીં એટલું જ નોંધ‌વું બસ થશે કે પાટણ દરબારમાં, ઉદયન મંત્રીના કેર સામે ખતીબને ન્યાય અપાવવાનો કાકનો અભિગમ જયદેવને ‘ગુજરાતનો નાથ’ સ્થાપવામાં- કહો કે જયસિંહદેવના ગ્રેજ્યુએશનમાં ઉપયોગી થઈ પડે છે. મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની જે રગ મુનશી પેઢીમાં કેળ‌વાઈ એમાં ખતીબને (એક લઘુમતી નાગરિકને) ન્યાય મળે એ જરૂરી છે. જેમ ઉદયન કાક, ખતીબ તેમ ખુદ જયસિંહદેવ પણ મોડર્ન કોન્સ્ટિટ્યૂશનલ સ્ટેટની રૂએ નાગરિક છે, સાથી-નાગરિક છે, એમના લટિયા, જટિયા ગુંથાયેલ છે. સમજ્યા, ભાઈ? બટેંગે તો કટેંગે.

    હવે આનંદસૂરિ વિશે ને મિશે. મીનળદેવીના પિયર પક્ષના (ચંદ્રાવતીના) આ સૂરિ, મુંજાલને ઠસાવવા મથે છે કે તમે જૈન, અમે જૈન, એવું ધર્મઝનૂન જગવીએ આપણે કે એની સામે યવનો ભાંગીને ભુક્કો થઈ જાય. પ્રતિકાર માટે એની લાગણી, માગણી ને વ્યૂહરચના બલકે એકંદરે માનસિકતા સહજ સ્વદેશવત્સલ નહીં પણ નિતાન્ત નિ:શેષ ઘોર ઝનૂની છે. મુંજાલ પટણી હોવાથી (નાગરિક હોવાથી) રાજી છે. એને ધર્મઝનૂની પેચપવિત્રા સ્વીકાર્ય નથી… અને આનંદસૂરિ? એમની જે ગતિ એટલે કે અવગતિ મુનશીએ કરી છે!

    ગુજરાતની અસ્મિતાની જે એક ખાસ સ્કૂલ છેલ્લા દાયકાઓમાં આપણી સામે આવી છે એને આ મુનશીવિવેકની સૂધબૂધ નથી. મુનશીએ તો સોજ્જું વળતું પ્રતિમાન પણ મૂક્યું છે આપણી સામે- હેમચંદ્ર રૂપે. અલબત્ત, મુનશીએ પોતે હૈમસારસ્વત સત્ર જેવા આયોજન થકી કે ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રમાં વિગતે કરેલી માંડણીને અહીં નવલ અવકાશ નથી મળ્યો. પણ આનંદસૂરિ-હેમચંદ્ર વચ્ચે વિવેક કરવો અઘરો નથી.

    થાય છે, ભેગંભેગું, લગરીક ‘જય સોમનાથ’ વિશે કહી દઉં. સરદારની પહેલ મુનશીએ પાર પાડી. એમની નવલકથાના અડવાણી સહિતના આશકોનો સુમાર નથી. અડવાણીને અયોધ્યા યાત્રા માટે જડી રહેલ પ્રસ્થાન તીર્થ સોમનાથ હતું. માત્ર, સરદારે અયોધ્યામાં તાળાં મરાવવાનો અને સોમનાથમાં નિર્માણનો જે નિર્ણય લીધો એ બે વચ્ચેનો એમનો વિવેક (અલબત્ત, મુત્સદ્દીગીરી સમેતનો) વિભાજનપૂર્વ હિંદુ અડધિયાની રાજનીતિને નયે પકડાય.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૮-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં કિશોરો અને બાળકોનાં રેખાચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot Teenagers and Children sketches

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com