-
આંબેડકરે માર્ક્સ વિચારમાંથી કંઈક આત્મસાત કર્યું જણાય છે
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
એ પ્રિલનું પહેલું પખવાડિયું રામનવમી (છઠ્ઠી એપ્રિલ) અને આંબેડકર જયંતી (૧૪મી એપ્રિલ) બેઉના જોગાનુજોગવશ ચિત્તમાં અવનવાં સ્પંદનો જગવી ગયું: એક તો આંબેડકર કૃત ‘રિડલ્સ ઑફ રામ’ (‘કોયડો એક રામ નામે’)ની યાદ કંઈક દૂઝતા કંઈક રૂઝતા જખમ પેઠે સામે આવી અને વળી ઈકબાલે જેમને ક્યારેક ઈનામે હિંદ કહી માનભેર પુકાર્યા હતા તે રામ ઈશ્વર તરીકે નહીં એટલા એક રાજકીય પ્રતીક અને પ્રતિમાન રૂપે પ્રક્ષેપિત થયા, એનોયે આ સમયગાળો છે.
વાત પણ વિલક્ષણ જ છે: એક પા ભાજપી સિદ્ધાંતકોવિદો અને વ્યૂહકારો આંબેડકરને ઓળવવામાં પડ્યા છે તો બીજી પા એ જ આંબેડકરનો એકંદર અભિગમ અને એમાંય રામ ને કૃષ્ણ પ્રકારના જનસામાન્યપ્રિય. એટલા જ વિશિષ્ટ અર્થમાં રાજ્યપ્રિય પાત્રોની એમની નિર્મમ નિર્ભીક સમીક્ષા…! ‘રિડલ્સ ઑફ રામ’ આ દિવસોમાં સાંભરી આવ્યું એના તત્કાળ નિમિત્તની વાત કરું જરી? ગયે મહિને પંક્તિ દેસાઈના પહેલકારી પ્રયાસથી પ્રદર્શન રૂપે ગુજરાતની દલિત ચળવળનો કંઈક ખયાલ લોકમાં રમતો થયો ત્યારે હાલ હયાત દલિત કર્મશીલોમાં કદાચ સૌથી વધુ ઉંમરલાયક, નવાબ્દીએ પહોંચું પહોંચું વાલજીભાઈ પટેલની હાજરી સહજ ધ્યાનાર્હ બની રહી હતી. આ વાલજીભાઈએ આજથી પાંત્રીસ-સાડત્રીસ વરસ પર ‘રિડલ્સ ઑફ રામ’ની પુસ્તિકા અનુવાદ રૂપે રમતી મૂકી હતી. એની એકથી વધુ આવૃત્તિઓ એ વર્ષોમાં થઈ હતી. એમાં, લગભગ છેલ્લી આવૃત્તિ અંગે ૧૯૯૪માં અનુવાદક, મુદ્રક, પ્રકાશક ત્રણે પર કેસ થયો હતો. મુદ્રક ને પ્રકાશક તો આટલે વરસે જીવનમુક્ત થઈ ગયા હતા, પણ વાલજીભાઈ તો આપણી વચ્ચે હતા અને હવે ‘નિર્દોષ’ છૂટ્યા છે. જોગાનુજોગ તો અલબત્ત એ પણ છે કે આ જ પુસ્તિકા હવે હેમન્તકુમાર શાહ મારફતે અનુવાદિત થઈને આપણી પાસે પહોંચી રહી છે.
વાલ્મીકિનો હવાલો આપીને આંબેડકરે તેમાં ખુલીને ચર્ચા કરી હતી. શિવસેનાએ એની સામે એક અર્થમાં મહારાષ્ટ્ર સળગાવ્યા જેવો ઘાટ હતો. રામની આંબેડકરની ચર્ચા વસ્તુત: ‘હિંદુ નામે કૂટ પ્રશ્ન’ એવા સમગ્ર ગ્રંથ આયોજનના પરિશિષ્ટ રૂપ હતી. વેદપ્રામાણ્ય આદિને પડકારની ભૂમિકાએથી થયેલા આ લેખન-સંશોધનમાં નાતજાતથી હિંદુ ઓળખાય કે કેમ એવોયે સવાલ આંબેડકરે ઉઠાવ્યો હતો અને આબાદ જવાબ આપ્યો હતો કે નાતજાતગત ઊંચનીચ તો આપણે ત્યાંના મુસ્લિમો ને ખ્રિસ્તીઓમાંયે ક્યાં નથી! તો, પછી ‘હિંદુ’ ઓળખવો કેવી રીતે?
દેખીતી રીતે જ આજની હિંદુત્વ રાજનીતિના મિથક પર કુઠરાઘાત સરખી આ બધી ચર્ચા હતી અને છે. આ બધું વાંચીએ, વાગોળીએ ત્યારે આનંદ તેલતુંબડેએ આંબેડકરની વૈચારિક જીવનીને આપેલું શીર્ષક ઈકોનોક્લાસ્ટ (મૂર્તિભંજક) સાચે જ સાર્થ અનુભવાય છે. એને શું કહીશું આપણે, ઈતિહાસની લીલા કે બીજું કૈં, કે આજે મૂર્તિભંજકની જ ‘મૂર્તિ’નું રાજકારણ ચાલી રહ્યું છે! ‘સનાતન’ના વિવાદને આંબેડકર કેવી રીતે જોશે? એ એને ‘શાશ્વત’ કહી શણગારવાને બદલે ‘સ્ટેટિક’ કહેતાં સ્થિર બલકે સ્થગિતવત્ કહે તો નવાઈ નહીં!
હિંદુત્વ રાજનીતિ, આંબેડકરથી વિપરીતપણે વેદપ્રામાણ્યને વરેલા દયાનંદને કેવી રીતે જોશેમૂલવશે? આની તો, ‘સત્યાર્થ પ્રકાશ’માં એમણે સંખ્યાબંધ ધર્મસંપ્રદાયોને પોતાની સમજ પ્રમાણે ખરેખરી સુણાવી છે એ સોરવી શકે એવો સ્વસ્થ સમાજ શોધનો વિષય છે. એક વાત સાચી કે પ્રકારાન્તરે આ બધો વ્યાયામ આપણી સ્વરાજખોજ અને સ્વરાજ સાધનાની જ સહવિચારસામગ્રી રૂપ છે. ગાંધીજીએ સમતા ને સ્વતંત્રતાનાં સહીપણાં પોતાની રીતે આંદોલનગત કર્યા, પણ નેતૃત્વનો એક વર્ગ પરચક્ર (અંગ્રેજ શાસન) સામે લડતો હતો તો બીજો વર્ગ વળી સાંસ્થાનિક રાજ સામે લડવાનું છે કે કથિત મુસ્લિમ આક્રમણ સામે તે બાબતે હાલંડોલ હતો. ભર ‘ક્વિટ ઈન્ડિયા’ એ આંબેડકરનું વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હોવું (જેમ ગોળવલકરની ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ના પ્રસ્તાવનાકાર એમ. એસ. અણેનું પણ હોવું) આપણને પ્રશ્નો જગવે છે. જેલબેઠા ગાંધીજી અસ્પૃશ્યતાનો મુદ્દો ઊંચકે છે ત્યારે જવાહરને થાય છે કે ભરલડતે બાપુને આ ડાયવર્ઝન ક્યાં સૂઝ્યું!
ગુલામી પરની જેમની અદભુત પુસ્તિકા હમણાં ગુજરાતીમાં આવી રહી છે તે ફૂલેને ‘શિવાજી, અમારા શુદ્રોના રાજા’ એવો જે મહિમા હતો અને અંગ્રેજી રાજની કંઈક લિબરેટિંગ હાજરીનો જે મહિમા હતો, એને કેવી રીતે ઘટાવશું? ગમે તેમ પણ, બંધારણની મર્યાદામાં (અને આંબેડકરના આ ‘પવિત્ર’ બંધારણમાં પણ ધોરણસરની સુધારજોગવાઈ તો છે સ્તો!) રહીને અપાર મતવૈવિધ્ય અને મતમતાંતરક્ષમા વચ્ચે સહજીવનનો નાગરિક પડકાર આપણે ઝીલવાનો છે.
આંબેડકર જ જુઓ તમે, પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે ત્યારે કહે છે કે મેં ગાંધીજીને વચન આપ્યું હતું કે સ્થાપિત હિંદુ ધર્મને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો ધર્મ હું અંગીકારીશ. બુદ્ધ કે માર્ક્સ એવો પ્રશ્ન ઉપસ્થિત કરતે કરતે આંબેડકરે માર્ક્સ વિચારમાંથી પણ કંઈક આત્મસાત કર્યું જણાય છે. આ બધા દેખીતા પરસ્પર વિરોધી હોઈ શકતા વિચારોથી કમ સે કમ એટલું તો સમજાવું જોઈએ કે પ્રજાસત્તાક સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિ કોઈ એકદંડી પ્રક્રિયા નથી. ભાતીગળ મેળની કળા ને વિજ્ઞાન એ તો છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭-૪– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વિશ્વ પુસ્તક દિવસની એક ઉજવણી
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
“આ વખતે ત્રેવીસમી તારીખનો તમે શું વિચાર કર્યો છે? “ એક મિત્રે પૂછ્યું?
“ત્રેવીસમી તારીખે વળી શું છે?”
“અરે આટલી પણ ખબર તમને નથી ? આ દેશનું શું થાવા બેઠું છે?”
દેશનાં નસીબમાં જે હશે તે થશે, પણ ત્રેવીસમી તારીખે છે શું?
“રહેવા દો તમને કહેવાનો કોઇ અર્થ નથી.”
છતાં મેં આગ્રહ રાખ્યો તો મિત્રે કહ્યું “મોબાઇલ આવતા બાળકો તો ઠીક મોટેરાઓ પણ પુસ્તક વાંચતા બંધ થઈ ગયા છે. પુસ્તકો વાંચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારે પણ આ દિવસ ઉજવવો જોઈએ.”

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મેં મિત્રની સલાહ માન્ય રાખીને ખાતરી આપી કે હું પણ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી મારા ઘેર બેઠા પુસ્તક વાંચીને કરીશ.
“ એમ એકલા એકલા ઘેર બેસીને તો કાંઇ ઉજવણા થાતા હશે?” મિત્રે નારાજગી સાથેના ગુસ્સાથી ઉચાર્યું?
“તો શું કરવું જોઇએ? “ એમ પૂછતા મિત્રે જવાબ આપ્યો કે કોઇ હોલ ભાડે રાખીને લોકોને આમંત્રણ આપવું અને કોઇ વક્તાને પુસ્તકનું મહત્વ સમજાવવા માટે બોલાવવા. કાર્યક્રમના અંતે અલ્પાહાર કે ચા કોફીની વ્યવસ્થા કરવી.”
“ આમ ક્રરવામાં તો ઘણો ખર્ચ થાય”
“ તો એક કામ કરો, શહેરમાં આ નિમિત્તે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો યોજાતા હશે. તેમાંના કોઇ એકમાં તમે જોડાઇ જાઓ”
મને મિત્રનું આ સૂચન ગમ્યું. થોડા વર્ષોથી સાહિત્યને લગતા અનેક કાર્યકર્મો યોજાવા લાગ્યા છે. એથી પુસ્તક દિવસ નિમિત્તે તો કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક હોવો જ જોઈએ એવી ખાતરી હતી. વળી આ કાર્યક્રમો એ સી ની સુવિધા ધરાવતા હોલમાં હોય છે. ઉનાળામાં એ. સી.નો લાભ લેવા માટે કશું ન ખરીદ્યાના અપરાધભાવ સાથે કોઇ મોલમાં જઈને બેસી રહેવું એના કરતા સાહિત્યના કોઇ કાર્યક્રમમાં ગોઠવાઈ જવું યોગ્ય લાગ્યું. બેચાર કલાક ઠંડકમાં બેઠા પછી અલ્પાહાર અને ચાનો લાભ મળે અને બોનસમાં સાહિત્યના અને પુસ્તકના પ્રેમીઓમાં આપણું નામ લખાઈ જાય. મારામાં રહેલા અમદાવાદીની ચિત્તવૃતિને આ માફક આવે તેવું લાગ્યું. તપાસ કરતા ઘરની નજીકમાં જ એક હોલમાં પુસ્તક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયાનું જાણ્યું. કાર્યક્રમ ‘જય જોગણી મા’ નામની સંસ્થાના ઉપક્રમે એક મંદિરના સભાગૃહમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી હતા અને સંચાલક તરીકે એક મંદિરના પૂજારી હતા. મુખ્ય મહેમાન અને વક્તા તરીકે માતાજીની ચૂંદડીના એક જથ્થાબંધ વેપારી હતા.
સૌ પ્રથમ માતાજીના એક ભુવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યાર પછી એક બહેને માતાજીની સ્તુતિ ગાઈ. સંચાલકે માઇક હાથમાં લઈને મુખ્ય વક્તા સહિત ચારેક મંચસ્થ મહાનુભવોનો ટૂંકો પરિચય લંબાણથી આપ્યો અને દરેકને બે શબ્દ બોલવા કહ્યું.
પ્રથમ વક્તાએ કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન આપ્યા અને પોતાના બાળકોની પરીક્ષા પૂરી થઇ ગઈ હોવાથી તેમના જૂનાં પાઠ્યપુસ્તકો હવે પસ્તીમાં નહિ આપતા દાનમાં આપવાની જાહેરાત કરી. શ્રોતાઓએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી. ત્યાર પછીના બીજા બે વક્તાઓ પણ પ્રથમ વક્તાને અનુસરવા ઉપરાંત તેઓ પાઠ્યપુસ્તકો ઉપરાંત ગાઈડો પણ દાનમાં આપવા માગે છે તેવી જાહેરાત કરી. કહેવાની જરૂર નથી કે શ્રોતાઓએ આ જાહેરાતોને પણ તાળીઓથી વધાવી લીધી.
હવે મુખ્ય વકતાને બોલવાનો વારો આવ્યો. તેમણે પોતાનું વક્ત્વ્ય આ પ્રમાણે આપ્યું,
“માતાજીની કૃપાથી મને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા બદલ હું સંસ્થાનો આભાર માનું છું. પુસ્તકો સાથેનો મારો નાતો ઘણો પુરાણો છે. મારા હાથમાંથી અનેક પુસ્તકો પસાર થઈ ગાયા છે કેમ કે મેં મારી કાર્કીર્દિની શરૂઆત પુસ્તકો બાઈન્ડ કરવાની દુકાનમાં નોકરી કરવાથી કરી છે. આજે હું જે કાંઇ છું તે પુસ્તકોને કારણે છું. આપ સૌના મનમાં સવાલ થતો હશે કે પુસ્તકો વાંચવાનો શોખ મને ક્યાંથી થયો હશે? તો જણાવું કે મારું બાળપણ તો ખૂબ ગરીબીમાં વીત્યું છે. જ્યાં ખાવાના જ સાંસા હોય ત્યાં પુસ્તકો ખરીદવાના પૈસા તો ક્યાંથી હોય? પણ સદભાગ્યે મારા ઘર પાસે એક પીપળો હતો. સામાન્ય રીતે લોકો વાંચી લીધા પછી પુસ્તકો પસ્તીમાં આપી દેતા હોય છે. પરંતુ કેટલાક લોકો ધાર્મિક પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે મારા ઘર નજીક આવેલા પીપળા નીચે મૂકી જતા. એ પુસ્તકોમાં ખાસ કરીને વ્રતકથાઓ જેવી કે સોળ સોમવારની વાર્તાઓ, સંતોષીમાની વાર્તા, બોળ ચોથની અને શીતળા માતાની વાર્તાનાં પુસ્તકો હતા. હું એ પુસ્તકો ત્યાંથી લઇને ક્યારેક વાંચતો. આ પુસ્તકો વાંચવાથી મારામાં ધાર્મિક સંસ્કારો તો રેડાયા ઉપરાંત મને પુસ્તકો વાંચવાનો શોખ પણ જાગ્યો. પુસ્તકો વાંચ્યા પછી હું મૂળ કિંમત કરતા અર્ધી કિંમતે પુસ્તકની દુકાને જ વેચી દેતો. આ રીતે પુસ્તકોએ મને આર્થિક લાભ પણ કરી આપ્યો. અત્યારે મોબાઇલના યુગમાં નવી પેઢી વાંચતી નથી તેનું મને ખૂબ જ દુખ છે. પરંતુ પોતાના પુસ્તક પરના પ્રેમને લીધે તથા સમાજનું હિત પોતાના દિલમાં વસેલું હોવાથી ‘જય જોગણી મા’ સંસ્થાના પ્રમુખ શ્રી શકરાજીએ આ કાર્યક્રમ યોજ્યો તેથી મને આશા જાગી છે કે સમાજમાં પુસ્તકોનું વાચન વધશે. શકરાજીની જેમ બીજા લોકોને પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.”
અહીં શ્રોતાઓએ પ્રવચન પૂરું થયું માની તાળીઓ વગાડી. પરંતુ તેમની આ ધારણા ઠગારી નિવડી. મુખ્ય વક્તાએ બીજો એટલો જ સમય શકરાજીના ગુણગાન ગાવામાં લઈને વકત્વ્ય પૂરું કર્યું. ત્યાર પછી સંચાલકે કાર્યક્રમના અધ્યક્ષ શકરાજીને પ્રમુખીય પ્રવચન કરવા વિનંતિ કરી.
શકરાજીએ પ્રવચન શરૂં કર્યું, “મુખ્ય મહેમાને પુસ્તક વિશે આટલી બધી વાત કર્યા પછી મારે ખાસ કહેવાની જરૂર નથી. પરંતુ આ કાર્યક્રમ યોજવાનું મેં કેમ નક્કી કર્યું તે કહેવું પડે એમ છે. એક દિવસ મેં મોબાઇલમાં વાંચ્યું કે ત્રેવીસમી તારીખે આ કયો દિવસ કહેવાય છે? “
સંચાલકે તેમના કાનમાં કશુંક કહ્યું.
“હા, આખી દુનિયાનો પુસ્તક દાડો છે, એવું વાંચ્યું, આપણને કાંઇ એમા ગતાગમ પડે નહિ. પણ જેમ આડા દાડે ભગવાનનું નામ ના લેનારા ગોકુળ આઠમે ભગવાનની ધૂન બોલે અને બોલાવે છે તેમ આ દિવસે પબ્લિકે ચોપડી વાંચવી એવું કશુંક હશે. તપાસ કરી તો જાણ્યું કે કેટલાક વધારે ભણેલાઓને એમ લાગે છે કે અત્યારે ચોપડીઓ વંચાતી નથી એ બહું દુ:ખદ બાબત છે. ચોપડી નહિ વાંચવામાં કયા દુ:ખના ડુંગર તૂટી પડતા હશે? એ આપણા રામને સમજાયું નહિ. પણ પછી તો જાણ્યું કે કેટલાક લોકો ચોપડીઓ શા માટે વાંચવી જોઈએ તે સમજાવવા લોકોને ભેગા કરીને પોગરામો કરે છે. આપણે તો રહ્યા વખત પરમાણે હેંડનારા. એટલે થયું કે આપણે પણ કોઇ પોગરામ કરીએ એટલે તમને બધાને ભેળા કર્યા,. પાંચ માણહનાં મોઢાં જોવા મળે અને સારી સારી વાત્યુ પણ થાય. તમે બધા આ રીતે ભેળા થયા એ બદલ સંધાયનો આભાર માનું છું. જય જોગણી મા”
આ રીતે અધ્યક્ષનું પ્રવચન પૂરું થયું. આભાર વિધિ સંચાલકે જ કરી અને સૌને વિનંતી કરી કે હોલની બહાર પ્રસાદ રૂપે જે ચા નાસ્તો રાખવામાં આવ્યો છે તેનો લાભ લીધા વિના કોઇ ઘરે ન જાય. ઉપરાંત ત્યાં રાખેલી દાનપેટીમાં પોતાની ઇચ્છા પ્રમાણે પૈ- પૈસો નાખે.
આ રીતે કાર્યક્રમ પૂરો થયો. બહાર નીકળીને મેં પ્રસાદ લીધો, પરંતુ મને હંમેશા ક્યાંય દેખાતી નથી તેમ અહીં પણ દાનપેટી જોવા ન મળી. કાયમ પુસ્તક વાંચનારા એક દિવસે પુસ્તકથી વિમુખ રહીને કાર્યક્રમમાં હાજરી પુરાવે એ ઉપક્રમ મને ગમ્યો અને દર વર્ષે આવા કાર્યક્રમમાં હાજર રહેવાના સંકલ્પ સાથે ઘેર જવા નીકળ્યો.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઘુટન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂર્યનો હળવો ઉજાસ રેલાયો, ચા અને અખબારથી અમારી દૈનિક પ્રવૃત્તિની શરૂઆત થઈ.
“સાંજે સંગીતના કાર્યક્રમમાં જવાનું છે.” હાથમાં પકડેલા અખબારમાંથી નજર ખસેડીને એ બોલ્યા.
‘હેં, જરૂર આજે સૂર્યદેવનું આગમન પૂર્વમાંથી થયું હોવું જોઈએ.’
સંગીતના કાર્યક્રમમાં જવાનું નિમંત્રણ પતિદેવ આપી રહ્યા હતા. ભારે નવાઈની વાત.
“આપણાં શહેરની ગાયિકા છે. એમને સહયોગ આપવાની આપણી નૈતિક ફરજ છે.”
હું આશ્ચર્યથી એમની સામે જોઈ રહી.
“વૈભવી પ્રસાદ નામ હતું. હવે કદાચ એ વૈભવી પંડિત છે. બહુ વર્ષો પહેલાં અહીં નવોદિત કલાકારોને નિમંત્રણ આપવામાં આવતું. એમાંની એક આ વૈભવી પંડિત. ત્યારે એણે સૌને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આગળ જઈને એ ખ્યાતનામ થશે એવું લાગતું જે આજે હકિકત છે. બેચાર વાર એને ટી.વી પર સાંભળી છે, પણ રૂબરૂ સાંભળવાની તો વાત જ જુદી.” વૈભવીનો પરિચય આપતા એમણે કહ્યું.
વૈભવી પંડિત રતલામની છે એની તો મને ખબર જ નહોતી.
આ એક એવો કાર્યક્રમ હતો જે નહોતો શાસ્ત્રીય કે નહોતો પારિવારિક. વિશુદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમને તો આવા કાર્યક્રમોમાં જરાય રસ નહોતો. લગ્ન પછી બેચાર વાર મારી સાથે આવ્યા, પણ સાવ નિરસતાથી બેઠા રહ્યા. ત્યારથી એમને ક્યારેય મારી સાથે આવવા કહ્યું જ નહીં.
સમાન રસ ધરાવતી બહેનપણીનાં ગ્રુપ સાથે હું જવા માંડી. દિવસે તો મુશ્કેલી નહોતી, પણ રાતના કાર્યક્રમમાં અગવડ પડતી. બહેનપણીઓની સાથે એમનાં પતિદેવ હોય. એ લોકો તો ઇચ્છતા કે હું એમની સાથે જઉં, પણ એ સૌની સાથે મને એકલીને જતાં સંકોચ થતો. અંતે છોકરાંઓ મોટાં થયાં પછી એમનેય સાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ ઊભો થાય એમ વિચારીને મારી સાથે લઈ જવાં માંડ્યાં.
નકુલ એના પિતાની જેમ જ નીરસ નીકળ્યો, પણ નિધિને રસ પડ્યો. પછી તો નિધિ રવીન્દ્રભવનમાં કયું પ્રદર્શન છે કે કયું નવું નાટક આવવાનું છે એની માહિતી લઈ આવતી. ક્યારેક તો ટિકિટો પણ લઈ આવતી. નિધિ યુ.એસ. ચાલી ગઈ પછી હું એકલી પડી. નિધિ વગર બહુ એકલતા લાગે છે.
આજે આમ અચાનક એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એની નવાઈ લાગી.
ધાર્યું હતું એમ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. કાર્યક્રમ પૂરો થયો અને વૈભવી પંડિતને અભિનંદન આપવા ધસારો થયો.
મને પણ મન થયું.
‘ના’, એમનો કઠોર એકાક્ષરી જવાબ સાંભળીને વિચાર માંડી વાળ્યો. લોકોની વચ્ચે ચર્ચા કરવાનો અર્થ નહોતો. ઘેર આવીને બંને જમવા બેઠાં.
હંમેશની જેમ કાર્યક્રમ અંગે “વૈભવીને સાચે જ દાદ આપવી જોઈએ. સૌને એણે મંત્રમુગ્ધ કરી દીધાં.’ જેવી મારી વિશેષ ટિપ્પણી ચાલુ થઈ. એ મૌનીબાબા બનીને જમતા રહ્યા.
કોઈ સરસ કાર્યક્રમની મારા મન પર લાંબો સમય અસર રહેતી હોય એવી જ રીતે હું આ કાર્યક્રમના કેફમાં હતી. પહેલાં શ્યામકલ્યાણ પછી મધુકૌંસ અને અંતે ભજન. વાહ, શું માહોલ સર્જ્યો હતો!
ભજન નવું હતું, એનાં શબ્દો યાદ આવતા નહોતા એટલે પતિદેવને પૂછ્યું.
“તને તો ખબર છે કે મને આવા ગીતોમાં ક્યાં રસ છે કે મને યાદ હોય?”
“મને તો એમ કે તમારા શહેરની ગાયિકાને સાંભળવાં ગયાં છીએ તો ધ્યાનથી સાંભળી જ હશે ને?”
“ના.”
“તો પછી આ કાર્યક્રમમાં જવાનું પ્રયોજન શું? મને રસ છે એટલે તો નહીં જ લઈ ગયા હો.”
“બસ, મારે એ વૈભવીને જોવી હતી.”
પતિદેવ આજે આંચકા લાગે એવી વાત કરતા હતા. પછી એમણે જે વાત કરી એ સાવ અકલ્પ્ય હતી.
વાત જાણે એમ હતી કે, લગ્નની ઉંમરે પહોંચ્યા પછી યુવતીઓ જોવાનું શરૂ કર્યું એમાંની એક આ વૈભવી પ્રસાદ. મમ્મી, પાપા કે દીદીથી માંડીને ઘરમાં કોઈનેય એ સંબંધ મંજૂર નહોતો. સામાજિક અસામનતાને લીધે પપ્પાને એ સંબંધ પહેલેથી પસંદ નહોતો. સામાન્ય ઘરની છોકરી જરા દાબમાં રહે એટલાં પૂરતી મમ્મીની ઈચ્છા હતી. જો છોકરીમાં કંઈક વિશેષ હોય તો જ મંજૂરી આપવાની શરતે પાપાએ એને જોવાની રજા આપી.
વૈભવી સાવ સાદી અને સામાન્ય છોકરી લાગી એટલે પહેલી નજરે પસંદ ના પડી. સામાન્ય ઘરની છોકરીઓ પાસે એમનું સૌંદર્ય નિખારે એવાં પ્રસાધનો કે દેખાવને ઓપ આપે એવાં કપડાં ક્યાં હોય?
જોકે આજે તો એ ઠીકઠાક લાગતી હતી. અઠવાડિયે ત્રણ વાર બ્યુટી પાર્લરમાં જવાની એની હેસિયત થઈ ગઈ હતી. સફળતા અને આત્મવિશ્વાસથી એનો ચહેરો ચમકતો હતો.
“આટલી મોટી ગાયિકાનું માંગુ આવ્યું એનો ગર્વ થયો હશે નહીં?”
“ના, એ સમયે ગાયિકા તરીકે એટલી પ્રખ્યાત નહોતી.”
“આજે એને જોઈને એ સંબંધ ન સ્વીકારવાનો પસ્તાવો કે અફસોસ થતો હશે.” મેં સવાલ કર્યો.
“ના, એવાં તો કેટલાય માગાંનો અસ્વીકાર કરતાં જરાય અફસોસ નહોતો થયો, પણ આજની એમ.એલ.એ. દિવ્યાકુમારીનું માગું ન સ્વીકારવાનો જરૂર થાય છે. જોકે, ત્યારે એ એમ.એલ.એ. નહોતી. એના પપ્પા હતા. અમારાં બંનેના પપ્પા દોસ્ત હતા અને દોસ્તીને સંબંધથી મજબૂત કરવા ઉત્સુક હતા કારણ કે એ સંબંધ બહુ કામનો હતો. મમ્મી સિવાય સૌ તૈયાર હતાં. મમ્મીનું માનવું હતું કે, નેતાની દીકરી છે. અહીં આવીને આપણી પર નેતાગીરી કરશે. આપણે તો સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી જ સારી. કહ્યું સાંભળે અને કરે.”
એમની વાત સાંભળીને સમજાયું કે આવા રુઆબદાર પરિવારમાં મારી પસંદગી એટલે જ થઈ કે હું સામાન્ય ઘરની ઠીકઠાક દેખાતી છોકરી હતી.
છોકરીઓ જોઈ જોઈને એ થાક્યા હતા. મને જોવા તો એ જાણે માથે કફન બાંધીને જ નીકળ્યા હતા કે છોકરી જેવી હશે એ હા પાડીને જ આવશે. એ વખતે મને લિટરેચરમાં મળેલા ગોલ્ડ મેડલની વાતથી અંજાયેલા પપ્પાએ મમ્મીનું સાંભળવાના બદલે વિટો એમના હાથમાં લઈ લીધો હતો. એ સાંભળીને હું આઘાતમાં આવી ગઈ. લગ્ન પછી એ ગોલ્ડ મેડલ સૌને ઘણી વાર બતાવવામાં આવતો અને અંતે ક્યાંક કબાટમાં મુકાઈ ગયો.
એ ગોલ્ડ મેડલનો કોઈ અર્થ ખરો?
ના, કારણ કે ભણતર માત્ર નોકરી કરવા માટે જ હોત તો એમની મમ્મી પણ બી.એ. પાસ કરીને નોકરી કરવાનાં બદલે ઘર અને પરિવાર જ સંભાળીને બેસી રહ્યાં ના હોત. વાત ક્યાંયથી શરૂ થાય અંતે મમ્મીનાં આચારવિચાર અને વ્યવહારકુશળતા સાથે સરખામણી પર આવીને અટકતી. ઘર હોય કે નોકર, કેવી રીતે સંભાળી લેવાય દાખલો આપાતો.
સારું હતું કે એમની નોકરીને લીધે ઘરથી દૂર જ રહેવાનું થયું, નહીંતર હું મારો આત્મવિશ્વાસ ગુમાવી બેઠી હોત.
ઘેર બેઠાં પી.એચ.ડી કરવાનું વિચાર્યું. વિષય અને ગાઇડ પણ નક્કી કરી લીધાં, પણ ચાર વર્ષમાં બે બાળકોને લીધે એ શક્ય ન બન્યું. મારાં શેક્સપિયર, હાર્ડી, ડિકેન્સ, સ્કૉટ,વર્ડ્ઝવર્થ, શેલી બંધ કબાટની જણસ બની ગયાં. મારો બીજો એક સામાન પણ જૂના ઘરનાં સ્ટોરરૂમમાં બંધ પડ્યો છે.
લગ્ન પહેલાં મને પેન્ટિંગનો શોખ હતો. ફાઇન આર્ટ્સનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. એમાનાં ઘણાં ચિત્રો વખણાયાં હતાં. લગ્નના સામાનની સાથે એક સંદૂકમાં એ પેન્ટિંગ પણ આવ્યાં, પણ સીધા જ સ્ટોરરૂમમાં મૂકાઈ ગયાં. કોઈએ ખોલીને જોયાં પણ નહીં.
એમાંનું અતિ પ્રસંશા પામેલું એક ચિત્ર ‘સવાર નિશ્ચિત છે.’ અમારાં રૂમમાં મેં મૂક્યું.
દરેક અંધારી રાત પછી આશાનું એક કિરણ હોય છે જ એવા વિચારને કેન્દ્રમાં રાખીને ચિત્ર દોર્યું હતું. એ ચિત્રમાં એક લાંબી ક્રમશઃ સાંકડી થતી જતી સુરંગ હતી. એનાં અંતિમ બિંદુએ સૂર્યનું કિરણ દેખાતું હતું.
બે દિવસ તો એમની ધીરજ રહી પછી અકળાઈને એ ચિત્ર હટાવી લેવા કહ્યું.
એમને એમાં ફક્ત અંધકાર અને નિરાશા જ દેખાતી. મને એમાં દરેક અંધારી રાત પછીનો અજવાસ દેખાતો. ઉદાસીની પાછળ ઉજાસ દેખાતો. ઘોર નિરાશા પછીની આશા દેખાતી.
પહેલાં પ્રસંગોપાત મારાં ચિત્રોમાંથી કોઈને ભેટ આપતી. પછી તો એ પણ બંધ કરી દીધું. માત્ર છોકરાંઓને ચિત્રકામ શીખવાડવા મારી કળાનો ઉપયોગ થતો. છોકરાંઓ મોટાં થતાં એમની પ્રવૃત્તિઓ જાતે કરતાં થયાં. હું ફરી એકાકી બની ગઈ. કોને કહું કે કોણ સમજવાનું હતું આ વ્યથા? મારી મા પણ એ વ્યથા સમજી શકતી નહોતી.
કહેતી કે, “વર અને ઘર બંને સરસ છે. મઝાનાં છોકરાંઓ છે. બીજું શું જોઈએ? જે છે એ સુખમાંથી આનંદ માણતા શીખ.”
નિષ્ક્રિયતામાં વળી સુખ કેવું?
વૈભવીને સાંભળીને આવ્યાં પછી આજે મનોમન એને કહેવાઈ ગયું, “વૈભવી સારું થયું તું આ અસુરોના મતલબ આ બેસુરોના ઘરમાં ન આવી નહીંતર ગાવાનો તો દૂર ગણગણવાનોય અવકાશ ન મળત. તારી ટ્રોફીઓનું પ્રદર્શન થાત અને પછી કબાટમાં ગોઠવાઈ જાત. તારાં સર્ટિફિકેટો ફ્રેમમાં જડી દેવાત. જેમ મારા રંગો બેરંગ બની ગયા, શબ્દો નિઃશબ્દ બની ગયા એમ તારો સૂર તારા ગળામાં જ અટવાઈને રહી જાત.
માલતી જોશી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સરસ પૂતળી
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
“હજી ચિંતા કરવાની જરૂર નથી”, એમ કહી કહીને સલોમી સવારથી પોતાના મનને સમજાવતી રહી હતી; પણ કલાકો પસાર થતા ગયા તેમ એનું મન આશંકાથી ભરાવા લાગ્યું હતું. ફરી ગુરુવાર થયો હતો. આખું અઠવાડિયું નીકળી ગયું હતું – શ્રેણિકને મળ્યા વગર – “લગભગ મળ્યા વગર”, એમ વિચારતાં સલોમીએ માથું હલાવ્યું. માંડ માંડ વીત્યા હતા એ દિવસો, ને પરાણે ધીરજ રાખી હતી એણે, પણ આજે હવે એ જીવના ફફડાટને કેમેય શાંત કરી શકતી નહોતી.
ફરી એક વાર એ છેલ્લા સાત દિવસોની વિગતો યાદ કરવા માંડી. ગયા ગુરુવારે શ્રેણિક નિરાંતે મળ્યો હતો. હંમેશ મુજબ કામ પરથી સીધો જ એ આવી ગયો હતો અને રાત રહ્યો હતો. સલોમીએ તંદૂરી ચિકન બનાવી હતી. લાયબ્રેરીમાંથી ઇન્ડિયન ‘કૂક-બૂક’ લાવીને જાતે જ એ શીખી ગઈ હતી. શ્રેણિકને મસાલેદાર ખાવાનું જ ભાવતું ને શરૂઆતમાં એ ખાસ ખાતો જ નહીં. “ભૂખ નથી” કહી દેતો, અથવા સાથે પિત્ઝા લેતો આવતો. સલોમીએ તંદૂરી ચિકન બનાવવા માંડી ત્યારથી ગુરુવારે ઘેર જમવાનો રિવાજ શરૂ થઈ ગયો. કેટલી બધી વાર શ્રેણિકે એને કહ્યું હશે, “ સોમવારથી જ રાહ જોતો હોઉં છું કે ગુરુવાર ક્યારે આવે. બહાર જઈને તો બધું ખાતાં હોઈએ, પણ બેબી, તારા હાથની ચિકનની વાત ઑર છે.” શ્રેણિક એનાં ફોઈને ત્યાં રહેતો હતો ને આન્ટીના ઘરમાં ‘નૉનવૅજ’નું નામ પણ લઈ ના શકાતું.
શુક્રવારે સાંજે બંને જણ બહાર જમવા જતાં – મોટે ભાગે નાની, સાધારણ મેક્સિકન રૅસ્ટૉરાઁમાં. સલોમીને કોઈ ફેન્સી જગ્યાએ જવાનું મન થતું, પણ પૈસા ફેંકી દેવામાં શ્રેણિક માનતો નહીં. ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં ય એકાદ વાર જ ગયેલાં. “પાછું કોઈ ઓળખીતું મળી જાય”, શ્રેણિક કહેતો. એમાં શું વાંધો હોય, તે સલોમીને સમજાતું નહીં. શ્રેણિક કોઈ સમજૂતી આપતો નહીં ને પછી તો સલોમીએ પૂછવાનું ય બંધ કરેલું.
ગયા શુક્રવારે બહાર જવાનું બન્યું નહોતું. મળવાનું ય ક્યાં બન્યું હતું? ઑફીસે ગયા પછી શ્રેણિકે ફોન કરીને કહ્યું હતું, કે એને ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવું પડે તેમ હતું. “સૉરી, બેબી, આન્ટીનાં ખાસ બહેનપણીની સુપુત્રી મુંબઇથી આવી રહી છે. શેને માટે, ખબર છે? મુરતિયો શોધવા. કૅન યુ બિલીવ ઇટ? સાવ દેશી પૂતળીને અમેરિકામાં કોણ પસંદ કરવાનું?”, કહી એ હસેલો.
સલોમી નિરાશ થયેલી કે શ્રેણિક નહીં મળે. પણ કાંઈ નહીં, એક જ સાંજની જ વાત છે ને. એણે મન મનાવેલું. પછી શ્રેણિકના શબ્દો પર એ પણ હસેલી. ‘દેશી પૂતળી’ કહીને એ હંમેશાં ઇન્ડિયન છોકરીઓની મજાક કર્યા કરતો. ફોન મૂક્યા પછી શ્રેણિકને પહેલી વાર મળ્યાનો પ્રસંગ સલોમીને યાદ આવી ગયો. એના ‘ટાઉન’ના જાહેર ચોગાનમાં ઇન્ડિયન અસોસિયેશન તરફથી એક કાર્યક્રમ યોજાયેલો. ને એ ત્યાં જઈ ચડેલી. આમ તો રવિવારે બપોરે એ ખાસ બહાર નીકળતી નહીં. એક હૉસ્પિટલમાં એ નર્સ હતી ને શનિવારે એની રાતની ડ્યૂટી રહેતી. રવિવારે વહેલી સવારે એ ઘેર પહોંચતી, એટલે બપોર સુધી તો એ ઊંઘ પૂરી કરતી હોય. એ કાર્યક્રમ ઘરની નજીકમાં હતો, તેથી કુતૂહલ ખાતર એ ગયેલી.
ચોગાનમાં ભેગી થયેલી ભીડ જોઈને એને બહુ જ નવાઈ લાગેલી. એટલાં બધાં ઇન્ડિયન એક સાથે એણે ક્યારેય જોયાં નહોતાં. ત્યાં વહેંચવામાં આવી રહેલાં પ્રોગ્રામ-બ્રોશ્યોરનાં પાનાં ફેરવતાં એણે વાંચ્યું હતું કે એ દિવાળીનો વાર્ષિક કાર્યક્રમ હતો. કશોક ખાસ દિવસ હોવો જોઈએ, એટલો ખ્યાલ એને આવ્યો. ભેગી થયેલી ઇન્ડિયન સ્ત્રીઓ રંગરંગીન, ઝાકઝમાળ લાગતાં કપડાંમાં હતી. સલોમી થોડો સંકોચ પામી ગયેલી. એણે પોતે તો રોજનાં સાદાં કપડાં પહેરેલાં – બ્લૂ જીન્સ અને કાળું, સુતરાઉ, ઊંચા ગળાનું ટી-શર્ટ.
પાછળ થોડી ખાલી ખુરશીઓ જોઈ એ એકલી ત્યાં બેસી ગયેલી. પહેલાં થોડાં નૃત્યો થયાં. એ તો ઠીક હતાં, પણ પછી ગીતો શરૂ થયાં ત્યારે સંગીત બહુ જ મોટેથી વાગતું લાગ્યું. ભાષા ના સમજાય એટલે રસ પણ શું પડે? એ ઊઠી જવા કરતી હતી, ત્યાં જ શ્રેણિક એની પાસે આવી ચડેલો. બાજુમાં કોઈ છે?, પૂછી એ સાથે બેસી ગયેલો અને વાતો કરવા માંડેલો. પ્રોગ્રામ-બ્રોશ્યોર જોઈ એણે કહેલું, “આ બધાં જાહેરખબરોથી જ ભરેલાં હોય છે.” પછી દિવાળી એટલે શું તે થોડું સલોમીને સમજાવેલું, ને એનાં વખાણ કર્યા પછી એ બોલેલો, “ને જુઓ આ ઇન્ડિયન લેડિઝને. કોઈ કહે કે અમેરિકામાં રહે છે? તમે કેવાં જુદાં તરી આવો છો.”
સલોમીને હસવું આવી ગયેલું. “પણ હું અહીં જુદી પડું જ ને.”
શ્રેણિક બે ઘડી ચૂપ થઈ ગયો ખરો, પણ તરત જરા ઊંચા-નીચા થઈને વાત સુધારતાં કહ્યું, “હા, તમે ઇન્ડિયન નથી, એ બરાબર. પણ મારું કહેવાનું એમ હતું કે અમેરિકનોમાં -એટલેકે ધોળાઓમાં- એટલેકે તમારા લોકોની વચ્ચે પણ તમે દેખાઈ આવો એવાં છો. મારું કહેવાનું એમ છે કે તમે નોટિસેબલ છો.”
“થેન્ક યુ”, કહી સલોમી ઊભી થયેલી. સાથે ચાલતાં ચાલતાં શ્રેણિકે એને જમવાનું આમંત્રણ આપેલું. સલોમીએ આનાકાની કરેલી, પણ શ્રેણિકના આગ્રહ પાસે છેવટે નમતું મૂકેલું.
ત્યારથી જાણે આપોઆપ, એમનાં મળવાનાં દિવસો અને રાતો ગોઠવાઈ ગયેલાં. એમાં શનિવાર ખાલી રહેતો. સલોમીને રાતની પાળી હોય, અને શ્રેણિકને કોઈ ને કોઈ પાર્ટીમાં જવાનું હોય. સલોમી ક્યારેક શનિવારની રજા લઈ શકે તેમ હતી. સાથે પાર્ટીમાં જવાનું એને બહુ મન થતું, પણ શ્રેણિક એને ટાળતો. “હમણાં નહીં, બેબી. વખત આવવા દે. તારા જેવી સેક્સી પૂતળીને મારી સાથે જોઈને બધાંના છક્કા છૂટી જવાના.” શ્રેણિક એને પટાવી લેતો.
પહેલી વાર સલોમીએ પૂછેલું, ‘પૂતળી એટલે શું?’ અને ‘બધાં એટલે કોણ?’
“અરે, બધાં એટલે – એટલેકે મારાં બધાં ઓળખીતાં”, શ્રેણિકે પતાવેલું. “અને પૂતળી એટલે ડૉલ. ખૂબસૂરત -ખૂબ સુંદર ઢીંગલી.” એના મિત્રોમાં એ શબ્દો કોઈ પ્રકારની કુત્સિત મજાકના અર્થમાં વપરાતો – એ એણે નહોતું ઉમેર્યું.
શનિવારે સાંજે બંને મળતાં નહીં, પણ સલોમી કામ પર જવા નીકળે ત્યાં સુધીમાં શ્રેણિક એને ફોન જરૂર કરતો. ત્યારે વાત પણ નિરાંતે કરતો. એ જ પ્રમાણે સલોમીએ ફરી યાદ કર્યું કે ગયા શનિવારે શ્રેણિકે ફોન કરેલો ખરો, પણ વાત કરવાનો સમય એની પાસે નહોતો. એ બહુ ઉતાવળમાં હતો. સલોમીએ પૂછેલું, “ઍરપોર્ટ જતાં ટ્રાફિક તો બહુ નહોતો નડ્યો ને?”
“આવજે ત્યારે”, કહી ફોન મૂકી દે તે પહેલાં વળી સલોમીએ વાત લંબાવેલી, ને મુંબઈથી ઊતરી આવેલી દેશી પૂતળી વિષે પૂછેલું. જવાબમાં શ્રેણિક બોલેલો, “સ્માર્ટ છે, ને ઘણી મૉડર્ન. મને ખબર નહીં કે અહીં અમેરિકામાં ભણેલી છે.”
“પણ અહીં આવવાનો વિસા મળી ગયો એને? કહો છો ને કે કુંવારાંને વિસા નથી આપતા?”
“અરે, એની પાસે તો ગ્રીન કાર્ડ છે. એનું કુટુંબ વર્ષો સુધી અહીં જ રહેતું હતું. બેએક વર્ષથી જ બધાં મુંબઈ પાછાં ગયાં. હવે પરણવા માટે આ રીના અહીં આવી છે. એને તો તરત મુરતિયો મળી જવાનો. ચાલ, બેબી. પછી વાત કરીશું.” સલોમી વધારે કશું બોલે એ પહેલાં શ્રેણિકે ફોન મૂકી દીધેલો. પહેલી વાર એ પસ્તાયેલી કે જીદ કરીને ક્યારેય એણે શ્રેણિકના ફોન નંબર મેળવી લીધા નહોતા.
જીવ બાળીને અને ઉદાસ થઈને ઘેર બેસી રહેવા જેવો સમય સલોમી પાસે નહોતો. નોકરીમાંથી એમ રજા લેવાય તેમ નહોતી, પણ અંદર-અંદર એને ખાત્રી હતી કે રવિવાર શ્રેણિક નહીં ચૂકે. ને ખરેખર, બપોર પછી એ આવ્યો પણ ખરો. એને જોતાંની સાથે સલોમી એને ભેટી પડેલી, ને હોઠ પર ચૂમી કરવા માંડેલી. શ્રેણિકનો વર્તાવ અચાનક અતડો બનેલો હતો, એ પણ જાણે એના ધ્યાનમાં ના આવ્યું. “પહેલાં ચ્હા તો પીવડાવ”, કહીને શ્રેણિક દૂર થયેલો.
“હા, હા, જરૂર”, કહેતાં સલોમી શ્રેણિકને ભાવે તે પ્રમાણેની, ખૂબ દૂધવાળી ચ્હા બનાવવા માંડેલી. એની પોતાની કૉફી પીવાની ટેવ તો લગભગ છૂટી ગયેલી. સાથે બેસીને આ જાતની ચ્હા વાતો કરતાં કરતાં નિરાંતે પીવાનું એને ગમી ગયેલું. પણ આ રવિવારે શ્રેણિકનું ચિત્ત વાતો કરવામાં નહોતું. એ ફરી ઉતાવળમાં જ હતો. જલદીથી ચ્હા પતાવીને, “પેલું બ્લેઝર ક્યાં છે?” કહેતો એ કબાટ પાસે ગયેલો. સલોમીને એ બ્લેઝર બહુ જ ગમતું. એમાં એને શ્રેણિક બહુ દેખાવડો લાગતો. “ઓહ, માય નિક ઇઝ સચ અ હૅન્ડસમ ડૅવિલ”, કહી એ શ્રેણિકને વહાલ કરતી. છેલ્લા સાડા ચારેક મહિનાથી સલોમીના જ કબાટમાં એ લટકતું રહેલું. શુક્રવારે સાથે બહાર જમવા જતાં એ પહેરવાનો આગ્રહ સલોમી અચૂક શ્રેણિકને કરતી.
એ રવિવારે શ્રેણિકને એ બ્લેઝર પહેરી લેતો જોઈને એનો જીવ કપાયેલો. “એવું ક્યાં જવાનું છે? બીજું કંઇક પહેરીને જજે ને. નહીં તો, ચાલ, હું પણ સાથે આવું છું.” ને ઢીલી થઈને એણે કાકલૂદી કરેલી, “તારી સાથે લઈ જાને આજે મને. પ્લીઝ, નિક.”
“કમ ઑન, બેબી, તને ખબર છે ને કે એવું ખાસ કશું છે જ નહીં?” શ્રેણિકે ભળતો જ જવાબ આપેલો. “એવું છે કે ભઈ, મારે રીનાને એક પાર્ટીમાં લઈ જવાની છે. શું કરું, બોલ. આન્ટીનો હુકમ છે એટલે પાળવો જ પડે. પાછી અમારી કાસ્ટની જ છે એટલે.”
એ સમજૂતી સલોમીને ગળે ઊતરી નહોતી. “કાસ્ટની હોય એટલે શું થઈ ગયું?” ધીમા અવાજે એણે પૂછેલું.
જવાબમાં એના ગાલ પર સહેજ હોઠ અડાડી, ફક્ત “બાય, બેબી” કહી, ઘેરા ભૂરા રંગના બ્લેઝરમાં દેખાવડો લાગતો શ્રેણિક બારણાની બહાર નીકળી ગયો હતો.
સોમવારે સલોમી બૅન્કમાં અને લાયબ્રેરીમાં થઈને ઘેર આવી ત્યારે આન્સરિંગ મશિન પર શ્રેણિકનો ટૂંકો સંદેશ હતો. “કેમ છે, સલોમી? મઝામાં? બસ, કાંઈ કામ નથી. હલો કહેવા જ ફોન કર્યો હતો. ગૂડ બાય.”
હૃદય પર હાથ રાખીને સલોમી ઊભી રહી ગયેલી. “અરેરે, ઘરમાં નહોતી ત્યારે જ ફોન કર્યો?” એને ગળે ડૂમો ભરાઈ આવ્યો. ચાર-પાંચ વાર ટેપને આગળ-પાછળ કરીને શ્રેણિકનો અવાજ, એના શબ્દો એણે સાંભળ્યા કરેલા. આટલા મહિના પછી શ્રેણિકે એને ‘બેબી’ નહીં કહેતાં નામ દઈને સંબોધી હતી. સલોમીને એનું પોતાનું જ નામ વિચિત્ર લાગ્યું હતું. જાણે કોઈ બીજા જ માણસ માટેનો એ સંદેશો હતો. એ બોલનાર પણ શ્રેણિક નહીં, કોઈ બીજું જ હતું. એ અવાજ દૂર દૂર ક્યાંકથી આવેલો હતો.
ને ‘ગૂડ બાય’? પણ ગૂડ બાય એટલે શું? એણે ગૂડ બાય શા માટે કહ્યું હશે? ફક્ત બાય નહીં, પણ ગૂડ બાય. પણ ગૂડ બાય કેમ? આ પ્રશ્નનો હથોડો ઘડીએ ઘડીએ સલોમીના મગજ પર અથડાતો રહેલો.
સાથે જ રાહ જોવાતી રહેલી.
મંગળવાર આવ્યો ને ગયો. શ્રેણિકનો ફોન નહીં, મશિન પર કોઈ સંદેશો પણ નહીં. સલોમી કામમાં પૂરતું ધ્યાન આપી શકી નહોતી, ને નહોતી આખો દિવસ કશું ખાઈ શકી. બુધવારે બપોરે ફોન રણક્યો. બધું દુઃખ ભુલાઈ ગયું ને એના હોઠ પર સાચા પડ્યાનું સ્મિત ખેંચાઈ આવ્યું. દોડી આવીને ફોન ઉપાડતાંની સાથે એ બોલી, “ઓહ, નિક.”
“અરે, આ નિક નથી. ચૅટ છે, ચૅટ. તું કેમ છે, ફૂટલી?” એ મશ્કરીમાં હસેલો.
સલોમીની જીભે પૂતળીનો ઉચ્ચાર કેવો થતો તે શ્રેણિકે એને કહેલું.
“કોણ છો? કોણ બોલો છો?” સલોમી થથરી ગયેલી.
“અરે, હું ચૅટ. શ્રેણિકનો ફ્રેન્ડ ચેતન. ભૂલી ગઈ?”
ત્યારે સલોમીને એની ઓળખાણ પડતાં વાર ના લાગી. શ્રેણિકના એ એક જ ઓળખીતાને એ મળેલી – ને તે પણ અકસ્માત્ અને બે મિનિટ માટે. એ અને શ્રેણિક કોઈ ઇન્ડિયન દુકાનમાં તંદૂરી મસાલા લેવા ગયેલાં. ત્યાંથી નીકળતાં કોઈએ શ્રેણિકને બૂમ પાડેલી. એ જ ચેતન. બે ઇન્ડિયન છોકરીઓની સાથે હતો. એ બંને દૂર ઊભી ઊભી હસતી રહેલી, ને એમણે શ્રેણિકને “હલો, હૅન્ડસમ” કહેલું.
ચેતન સાવ પાસે આવીને ઊભેલો ને કહેલું, “યાર, ઓળખાણ તો કરાવ. સરસ પૂતળીને લઈને ફરતો લાગે છે તું તો.” શ્રેણિકે પરાણે ઓળખાણ કરાવી ત્યારે એ બોલેલો, “ હા, મારું નામ ચેતન ખરું, પણ તારે માટે ચૅટ. એ જ યાદ રાખજે. તને એ સહેલું પડશે” ને શેકહૅન્ડ કરવા પકડેલો સલોમીનો હાથ એણે દબાવેલો.
એના હાવભાવ ને વર્તાવ સલોમીને ત્યારે જ નહોતા ગમ્યા. “આવા સાથે તારે ક્યાંથી ભાઈબંધી થઈ?” એમ એણે શ્રેણિકને પૂછેલું. “ને પેલી છોકરીઓ કોણ હતી? એ પણ મને બહુ સારી નહોતી લાગી.”
“ એટલે જ તને હું એવાં બધાંથી દૂર રાખું છું. હવે સમજીને તું?” શ્રેણિકે જવાબ ઉડાવેલો.
ચેતનના ફોનથી સલોમીને એ પ્રસંગ સાંભરી આવ્યો. આજે પણ ચેતનની બોલવાની રીત એને ના ગમી. ચેતન બોલ્યે જતો હતો, “કેમ હું યાદ નથી આવતો? આવી હોંશિયાર ફૂટલી છું, ને ભૂલી ગઈ ચાર્મિન્ગ ચૅટને?”
શ્રેણિકની ચિંતામાં સલોમીએ અપમાનનો ભાવ કાબૂમાં રાખ્યો ને પૂછ્યું, “નિક તો સારો છે ને?”
“ અરે, એ સારો નહીં, બહુ સારો છે. કેમ, એણે તને કશું કહ્યું નથી? જો, એની ગરજ તો પતી ગઈ. એને તો ગ્રીન કાર્ડવાળી મળી જ ગઈ સમજ.”
સલોમી કશું સમજી નહોતી. “વ્હૉટ?”, એણે પૂછ્યું.
“અરે, ફૂટલી, તને કહું છું કે નિક તો હવે ગયો. નિકબિકને ભૂલી જા. પણ હું હાજર છું, ને તને કંપની આપવા તૈયાર છું. બોલ, ક્યારે આવું?”
વધારે સાંભળ્યા વગર સલોમીએ ફોન મૂકી દીધેલો. ચેતનની વાતોના સૂરથી એના મનને જાણે અપમાનના તમાચા વાગી ગયા. શ્રેણિક હવે નહીં આવે, એ વાત એને સાચી લાગી નહીં, ને એને માટેનું કારણ એ સમજી નહીં. એણે વિચાર્યું કે આ ફોન વિષે તો શ્રેણિકને કહેવું જ પડશે, ને આવા માણસ સાથે ભાઈબંધી ના રાખે એમ પણ સમજાવવું જ પડશે. આટલા મહિનાના એમના સંબંધમાં સલોમી જ હંમેશાં નમતું મૂકતી ને શ્રેણિકની ઈચ્છા પ્રમાણે કરતી આવેલી, પણ આ બાબતમાં તો શ્રેણિકે એનું માનવું જ પડશે. એ માનશે જ – સલોમીને ખાત્રી હતી.
આમ કરતાં અઠવાડિયું પસાર થયેલું, ને ફરી ગુરુવાર થયો હતો. આજે જમવાના સમય સુધીમાં તો શ્રેણિક આવી જ જવાનો, એ પોતાને કહેતી રહેલી. એમ કરતાં સાંજ પડવા આવી હતી. સલોમી રસોઈની તૈયારી કરવા લાગી. સિઝર સલાડ, ગાર્લિક બ્રૅડ અને તંદૂરી ચિકન – ગુરુવાર રાતનું શ્રેણિકનું એ ભાવતું ભોજન હતું. ફ્રિજ ખોલીને એણે સલાડની સામગ્રી બહાર કાઢી. ચિકનનું પેકેટ સ્ટોરમાંથી લાવીને અંદરના ખાનામાં મૂકી દીધેલું.
એ ખાનું ખેંચીને ચિકનવાળું પેકેટ હાથમાં લીધું ત્યારે પેકેટના પ્લાસ્ટિક પર એક ચાવી ટેપથી ચોંટાડેલી જોઈ. પહેલાં એને ધ્રાસકો પડ્યો- કોની ચાવી છે આ? આ પેકેટ પર ક્યાંથી આવી હશે?
સ્ટોરમાંથી કોઈની હશે?
પણ ટેપથી ઉખાડીને હાથમાં લેતાં એણે ચાવી ઓળખી. એ ચાવી હતી તો સલોમીના અપાર્ટમેન્ટની, પણ એ સલોમીની પોતાની નહોતી. એ શ્રેણિકની હતી. ચારેક મહિના પહેલાં શ્રેણિક ‘એક નાની ભેટ’ કહીને સરસ એક કી-ચેઇન લઈ આવેલો. સોનેરી ચેઇનને છેડે હૃદયના આકારનો સોનેરી અક્શર – અંગ્રેજીનો ‘બી’ અક્શર લટકાવેલો હતો. “બી ફૉર બેબી, તું મારી બેબી છે કે નહીં?”, શ્રેણિકે વહાલ કરતાં કહેલું. એ જ વખતે સલોમીએ પોતાની ચાવીઓ એમાં પરોવી દીધેલી, અને પોતાનાવાળી સાદી કી-ચેઇનમાં અપાર્ટમેન્ટની બીજી ચાવી પરોવીને શ્રેણિકને આપી દીધેલી. “આ ઘર હવે તારું પણ ખરું. તને જ્યારે મન થાય ત્યારે આવવાની છૂટ”, સલોમી બોલેલી.
આ એ જ ચાવી. પેલી સાદી કી-ચેઇન વગરની. શ્રેણિકે એને પાછી આપી દીધી- સાવ છાનીમાની. એક ગુનેગારની જેમ. એક કાયરની જેમ.
સલોમીની આંખો એ માની નહોતી શકતી. એનું મન એ માનવા તૈયાર નહોતું થતું, ને છતાં, ચાવી હતી તો ખરી જને. ક્યારે મૂકી હશે એણે? રવિવારે બ્લેઝર લેવા આવ્યો ત્યારે? પછીના ત્રણ દિવસમાં એ કામે ગઈ હશે ત્યારે? સાવ આમ ચોરની જેમ આવીને?
અચાનક શ્રેણિકને એ ચાવીની, એ ઘરની, એ સંબંધની જરૂર નહોતી. જતાં જતાં કશું કહેવાની જરૂર પણ એને ના જણાઈ? કોઈ કારણ નહીં, કશી સમજૂતી નહીં.
તો આટલો વખત એણે શું સલોમીનો ફાયદો જ ઉઠાવ્યો? પ્રેમનો કોઈ ભાવ નહોતો એના મનમાં? ચેતનની વાતથી લાગ્યું હતું એનાથી ઘણું વધારે અપમાન સલોમી અનુભવી રહી. શ્રેણિક સાથે ઓળખાણ થયા પછીના એ બધા મહિના એની આસપાસ ઢગલો થઈને પડ્યા. ફ્રિજને ટેકે નીચે જ એ નિર્જીવની જેમ ક્યાંય સુધી બેસી રહી.
પછી એકદમ એ ઝબકી ઊઠી – જાણે કશુંક એને ઢંઢોળી ગયું હતું. શું થયું હતું એનું ભાન આવતાં બેએક ઘડી થઈ. ટૂંટિયું વાળેલા પગ અકડાઈ ગયા હતા, ઢળી પડેલી ડોક દુઃખવા આવી હતી, પણ ચાવી હજી હાથમાં પકડાયેલી હતી. ભાન પાછું આવતાંની સાથે સળગતા કોલસાની જેમ એ ચંપાતી હોય એમ લાગ્યું, ને “ના, ના, ના”ની ચીસ પાડીને એણે ચાવી છોડી દીધી.
ચાવી જ્યાં પડી ત્યાં સળગવા માંડવાનું હોય એમ સલોમી એને તાકી રહી. પછી થોડા પ્રયત્નપૂર્વક એ ઊભી થઈ. અભાનની અવસ્થામાં જ જાણે એક નિર્ણય સ્પષ્ટ થઈ આવેલો. એનો અમલ એ ચૂપચાપ કરવા માંડી. પહેલાં તો એણે ફેંકવાનો કચરો ભરવા માટેની પ્લાસ્ટિકની મોટી એક થેલી બહાર કાઢી, પહોળી કરીને મૂકી, અને લાવી લાવીને ચીજો એમાં નાખવા માંડી – બેડરૂમમાંથી શ્રેણિકનાં ટી-શર્ટ, મોજાં, રૂમાલ; બાથરૂમમાંથી એનો અસ્ત્રો, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ. રસોડાના ટેબલ પર પડેલું ચિકનનું પેકેટ એમાં ફેંક્યું, ને નીચે પડેલી ચાવી ઉપાડીને ઉપર નાખી.
છેલ્લે, શ્રેણિકે વહાલ કરીને આપેલી સોનેરી કી-ચેઇન ફેંકી દેવા ધ્રૂજતા હાથે એ એમાંની ચાવીઓ કાઢવા માંડી. ઘરની, ટપાલપેટીની, ગાડીની, ડીકીની, હૉસ્પિટલના લૉકરની, દવાના કબાટની. એની અંગળીઓ બધી પકડી ના શકી અને એ ખણ ખણ કરતી નીચે ચારે તરફ પડવા માંડી. હૃદયના આકારના ‘બી’ અક્ષરવાળી સોનેરી કી-ચેઇન જ હાથમાં રહી ગઈ હતી. એને જોરથી પ્લાસ્ટિક બૅગમાં ફેંકતાં ફેંકતાં સલોમી હસવા માંડી – જોર જોરથી, ખડખડાટ, પેટ દબાવીને, હાથથી ટેબલનો ટેકો લઈને, મોઢું ઢાંકીને, ઊંડા શ્વાસ લઈને.
ઘણી વારે ધીરે ધીરે એનું હસવું અટક્યું. એ પછી ક્યાંય સુધી સલોમીની આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વાદ્યવિશેષ – ૩૦ : ફૂંકવાદ્યો (૬) :શરણાઈ (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ગઈ કડીમાં આપણે શરણાઈનો પ્રાથમિક પરિચય કેળવ્યો તેમ જ અમુક ચુનંદાં શરણાઈપ્રધાન ગીતો સાંભળ્યાં. આ કડીની શરૂઆતમાં હિન્દી ફિલ્મી સંગીતના આધુનિક યુગમાં થયેલો એક વિશિષ્ટ પ્રયોગ માણીએ. સને ૨૦૧૧ની ફિલ્મ રોકસ્ટારમાં સંગીતકાર એ.આર.રહેમાને સર્જેલી અને Dichotomy of Fame તરીકે ઓળખાયેલી એક ધૂન વ્યક્તિના માનસમાં રહેલા વિરોધાભાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. મહદઅંશે શરણાઈ અને ગિટારના સમન્વયથી સર્જાયેલી આ ધૂન ખાસ્સી લોકપ્રિય છે.
હવે કેટલાંક વધુ ગીતો દ્વારા સમગ્ર આલેખનનું મૂલ્યવર્ધન કરીએ.
ફિલ્મ ચંગીઝખાન(૧૯૫૭)ના ગીત ‘જબ રાત નહીં કટતી’ના કારુણ્યભાવને શરણાઈવાદન વડે સંગીતકાર હંસરાજ બહલે બરાબર ઉપસાવ્યો છે..
૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ રાની રૂપમતીના ગીત ‘આ લૌટ કે આજા મેરે મીત’ની લોકચાહના આજે ૬૫ વર્ષે પણ બરકરાર છે. એક રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મના સંગીત નિર્દેશક શ્રીનાથ(એસ.એન.) ત્રીપાઠી જ ફિલ્મના નિર્દેશક પણ હતા!
૧૯૫૯ના જ વર્ષની ફિલ્મ ધૂલ કા ફૂલ માટે સંગીતનિર્દેશન એન. દત્તાનું હતું. આ ફિલ્મનું એક શરણાઈપ્રધાન ગીત ‘તૂ મેરે પ્યાર કા ફૂલ’ સાંભળીએ.
ફિલ્મ ચૌદહવી કા ચાંદ(૧૯૬૦)નાં સંગીતકાર રવિની તરજો પર બનેલાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તે પૈકીનું એક લગ્નગીત ‘બાલમ સે મીલન હોગા’ શરણાઈના કર્ણપ્રિય અંશો ધરાવે છે.
https://www.youtube.com/watch?v=r30i4uexEP0
ફિલ્મ પ્યાર કી પ્યાસ(૧૯૬૧) વ્યવસાયિક રીતે બહુ સફળ ન થઈ, પણ સંગીતકાર વસંત દેસાઈની તરજો પર બનેલાં તેનાં ગીતો ખાસ્સાં જાણીતાં થયાં હતાં. અહીં આપણે આ ફિલ્મનું ગીત ‘મોરે અંગને મેં ઊજીયારા’ માણીએ, જેના વાદ્યવૃંદમાં શરણાઈના કર્ણપ્રિય ટૂકડાઓ સમાવિષ્ટ છે.
૧૯૬૮ની ફિલ્મ નીલકમલની અસાધારણ સફળતામાં રવિએ બનાવેલાં તેનાં ગીતોનું સારું એવું પ્રદાન રહ્યું હતું. એ ફિલ્મના કન્યાવિદાયગીત ‘બાબુલ કી દુઆયેં લેતી જા’ના વાદ્યવૃંદમાં શરણાઈ સતત હાજરી પૂરાવતી રહે છે.
સંગીતકાર ખય્યામની કારકીર્દિમાં ફિલ્મ ઉમરાવ જાનને એક મહત્વનો પડાવ ગણાવી શકાય. આ ફિલ્મનું એક શરણાઈનું પ્રાધાન્ય ધરાવતું ગીત ‘કાહે કો બ્યાહી બીદેસ’ સાંભળીએ.
આજની કડીનું સમાપન કરીએ ફિલ્મ ધડકન(૨૦૦૦)ના એક લાક્ષણિક લગ્નગીત ‘દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ’થી. આ ફિલ્મ માટે સંગીત શ્રવણ-નદીમની જોડીએ તૈયાર કર્યું હતું, આ ગીત સુખ્યાત કવ્વાલ નસરત ફત્તેહ અલી ખાને ગાયું છે.
ભાવકમિત્રોને આ બે કડીઓમાં સમાવાયેલાં ગીતોમાં થયેલા શરણાઈનો ઉપયોગ સાંભળ્યા પછી તેના સ્વરનો બરાબર અંદાજ આવ્યો હશે. આવતી કડીમાં નવા વાદ્ય સાથે ફરી મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
આમંત્રણને લગતાં ગીતો – आओ झूमें गाए
નિરંજન મહેતા
અગાઉ ૧૯૭૦ સુધીના ગીતોની મજા માણ્યા બાદ આવકાર માટે ગવાતા ગીતોનો આ ત્રીજો અને છેલ્લો લેખ પ્રસ્તુત છે.
૧૯૭૧ની ફિલ્મ ‘પરાયા ધન’નું આ ગીત ખેતરમાં કામ કરતાં લોકો વચ્ચે ગવાય છે.
आओ झूमें गाए
मिलके धूम मचाये
आओ झूमें गाए
मिलके धूम मचाये
चुनले गम के कांटे
खुशियों के फूल खिलाएમુખ્ય ભૂમિકામાં છે બલરાજ સહાની અને હેમા માલિની, આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી..બર્મને અને ગાયક છે કિશોરકુમાર તથા આશા ભોસલે.
૧૯૭૪ની ફિલ્મ ‘આરોપ’નું ગીત એક મુજરા ગીત છે જે રેહમાન સમક્ષ ગવાયું છે.
चंपा के दस पहले
चमेली की एक काली
अरे हाय मुख की साडी रेन
चतुर की एक घडी
चले आओ न सताओનૃત્ય કલાકારનું નામ જણાવાયું નથી પણ ગીતના શબ્દો છે માયા ગોવિંદનાં અને સંગીત છે ભૂપેન હઝારિકાનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નું ગીત એક માર્મિક ગીત છે
आओ तुम्हे चाँद पे ले जाएं
प्यार भरे सपने सजाएं
छोटासा बंगला बनाएं
एक नयी दुनिया बसाएंકારમાં સફર કરતાં આશા પારેખ સુનીલ દત્ત અને બેબી પીન્કી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગૌહર કાનપુરી જેનું સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયિકાઓ છે સુષ્મા અને લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘મંથન’નું આ ગીત દૂધની સહકારી સંસ્થામાં દૂધ આપવા આવતી મહિલાઓ દ્વારા ગવાયું છે જે લોકોને પોતાના ગામ આવવા આમંત્રે છે
मेरो गाम काठा पारे
जहाँ दूध की नदियाँ बाहे
जहाँ कोयल कू कू गाये
म्हारे घर अंगना न भूलो नाમુખ્ય કલાકાર છે સ્મિતા પાટીલ. ગીતના શબ્દો છે નીતિ સાગરના અને સંગીત આપ્યું છે વનરાજ ભાટિયાએ. સ્વર છે પ્રીતિ સાગરનો.
૧૯૭૭ની ફિલ્મ ‘અમાનત’નું આ ગીત બે પ્રેમી વચ્ચેની છેડછાડનું ગીત છે
दूर रह कर न करो बात क़रीब आ जाओ
याद रह जाएगी ये रात क़रीब आ जाओ
एक मुद्दत से तमन्ना थी तुम्हें छूने की
आज बस में नहीं जज़्बात क़रीब आ जाओસાધનાને ઉદ્દેશતા મનોજકુમાર પર આ ગીત રચાયું છે. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે રવિ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૮ની ફિલ્મ ‘હીરાલાલ પન્નાલાલ’નું આ ગીત એક કેબ્રે ગીત છે
आजा मेरे प्यार आजा
देख ऐसे ना सता
अब तो रहा नहीं जाए
आजा आजा आ
मेरे गले से लग जाગીતના કલાકરો છે અજીત, પ્રેમનાથ ને ઝીનત અમાન. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. આર.ડી.બર્મન અને આશા ભોસલે ગીતના ગાયકો.
આ ગીત બીજીવાર આવે છે જેમાં પ્રેમનાથ પોતાની પુત્રીને મનાવતા દેખાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે હેમંતકુમારનો.
૧૯૭૯ની ફિલ્મ મિ. નટવરલાલ’નું આમંત્રણ આપતું ગીત છે
आओ बच्चो आज तुम्हे एक कहानी सुनता हू
मैं शेर की कहानी सुनोगे
मेरे पास आओ मेरे दोस्तो एक किस्सा सुनोબાળકોનું દિલ બહેલાવવા અમિતાભ બચ્ચન તેમને વાર્તા સાંભળવા બોલાવે છે. આનંદ બક્ષીનાં શબ્દો અને રાજેશ રોશનનું સંગીત. સ્વર છે અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિના.
૧૯૭૯ની ફિલ્મ ‘જુર્માના’નું ગીત
सावन के झूले पड़े, तुम चले आओ
आँचल ना छोड़े मेरा, पागल हुई है पवन
अब क्या करूं मैं जतन, धड़के जिया जैसे, पंछी उड़ेકલાકરો છે રાખી, અમિતાભ બચ્ચન અને વિનોદ મેહરા. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. ગાયિકા લતાજી.
આ જ ગીત બીજીવાર મુકાયું છે જે દર્દભર્યું છે જેમાં ગાયકો છે આશા ભોસલે અને આર.ડી .બર્મન
૧૯૭૯ણની ફિલ્મ ‘નૂરીનું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે.
आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
दिल की प्यास बुझा जा रे
उजला उजला नर्म सवेरा रूह में मेरी झाँके
प्यार से पूछे कौन बसा है तेरे दिल में आ के
आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
तू ही आ के बता जा रेફારુક શેખ અને પૂનમ ધિલ્લોન ગીતના કલાકારો છે જેના શબ્દો છે જાનીસાર અખ્તરના અને સંગીતકાર છે ખય્યામ. ગાયકો છે લતાજી અને નીતિન મુકેશ.
૧૯૮૩ની ફિલ્મ ‘લવર્સ’નું આ ગીત નામ પ્રમાણે બે પ્રેમીઓ પર રચાયું છે.
आजा ला ला ला
आजा ला ला ला
आ मुलाकातों का मौसम आ गया
आ मुलाकातों का मौसम आ गया
प्यार की बातों का मौसम आ गयाપ્રેમીઓ છે કુમાર ગૌરવ અને પદ્મિની કોલ્હાપુરે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. સ્વર છે લતાજી અને અમિતકુમારનાં.
૧૯૮૨ની ફિલ્મ ‘બાઝાર’નું આ ગીત લગ્ન પ્રસંગે ગવાતું એક પારંપરિક ગીત છે
चले आओ सैयाँ रंगीले मैं वारी रे
साजन मोहे तुम बिन भाए ना
गजरा जी भाए ना गजरा
हो भाए ना गजरा ना मोतिया चमेली ना जूही ना मोगराગીતમાં એક કરતાં વધુ કલાકારો છે જેનું સંગીત ખય્યામનું છે. ગાયિકાઓ છે જગજીત કૌર અને પામેલા ચોપરા.
૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું આ ગીત બે યુવાન પ્રેમીઓ વચ્ચે એક નોકઝોક પ્રકારનું ગીત છે
आजा शाम होने आई
मौसम ने ली अंगड़ाई
तो किस बात की है लड़ाई
तू चल मैं आईઆ નોકઝોક સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે થાય છે જેના શબ્દો છે અસદ ભોપાલીનાં અને સંગીતકાર છે રામ લક્ષ્મણ. સ્વર છે એસ.પી.બાલાસુબ્રમનીયમ અને લતાજીના.
૧૯૮૯ની ફિલ્મ ‘તાકતવર’નું ગીત એક પાર્ટી ગીત છે
आइए आपका इन्तजार था
आइए कब से दिल बेकरार थाસંજય દત્તને આવકાર આપતા આ ગીતના કલાકાર છે અનીતા રાજ. સમીર-ઇન્દીવરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે અનુ મલિક અને અલીશા ચિનાઈ.
૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નું ગીત છે
आइये आपका इंतजार था
देर लगी आने में तुमको
शुक्र हैं फिर भी आये तो
आस ने दिल का साथ ना छोड़ा
वैसे हम घबराये तो
आइये आपका इंतजार थाરાહ જોતી તબુ માટે અજય દેવગણ આ ગીત ગાય છે. ફૈઝ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે જેને સ્વર મળ્યો છે કુમાર સાનુનો.
૧૯૯૭ની ફિલ્મ ‘ઇન્સાફ;નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે જેમાં પ્રેમિકા શિલ્પા શેટ્ટી અક્ષયકુમારને આમંત્રે છે.
मेरी जाने जाना आजा
तुझे प्यार दूँ
दिल में बसाओ
सिर्फ तुझे चहु
जान लुटाऊ मैं तुझ पे
दिल में बसाओગીતના શબ્દો છે સમીરના અને સંગીત છે આનંદ મિલિન્દનું. ગાયિકા છે પરવેઝ ગાયત્રી.
બને તેટલા ગીતોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કદાચ કોઈ ગીત બાકાત હોય તો ક્ષમા કરશો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૯૯. ભગવતી પ્રસાદ બાજપાઈ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ભગવતી પ્રસાદ બાજપાઈનું પણ એવું જ. નગણ્ય માહિતી. કુલ ત્રણ ફિલ્મો ( હુઆ સવેરા, ભક્ત પ્રહ્લાદ અને સૂરત ) માં વીસ ગીતો. આમાંના કેટલાક અન્ય ગીતકારો સાથે સહિયારાં. અહીં જે ફિલ્મની ગઝલ પ્રસ્તૂત કરી છે એ ‘ હુઆ સવેરા ‘ ની કથા – પટકથા અને સંવાદ પણ એમના જ હતા.એ એકમાત્ર ગઝલ –
બદલી હવા ખુશી કા ઝમાના બદલ ગયા
જીને કા અબ તો હાએ બહાના બદલ ગયામાલૂમ ન થા પલ મેં બદલતા હૈ યે જહાં
પલ ભર મેં ઝિંદગી કા ફસાના બદલ ગયાઆતે થે નગમેં લબ પે જિસકે સુબહો શામ
વો સાઝે ઝિંદગી કા તરાના બદલ ગયાસૈયાદ કી ઉસ્તાદ નિગાહેં ભી ક્યા કરેં
મુશ્કિલ સે તીર તાના – નિશાના બદલ ગયા..– ફિલ્મ : હુઆ સવેરા – ૧૯૪૮
– ગીતા દત્ત
– જ્ઞાન દત્ત
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ત્યારે અને અત્યારે : આરોગ્યમાં હરણફાળઃ ૨૭ થી ૭૦ વર્ષ
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
આ લેખમાળામાં અત્યાર સુધી આપણે વાંચી ગયા કે જીવનમાં સૌથી મોટો ફેરફાર સંદેશવ્યવહાર ક્ષેત્રે થયો. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટરે ઘણો ભાગ ભજવ્યો. આવું જ ક્રાન્તિકારી પરિવર્તન એક બીજા ક્ષેત્રે પણ થયું છે – તે છે સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્ર. આજની આરોગ્યસેવાઓ વિશે અસંતોષ વ્યક્ત કરનારાંઓએ ક્ષણિક ૧૯૫૦ના ભારતનું ચિત્ર નજર સામે લાવવા જેવું છે. :
દેશમાં બાળમરણનું પ્રમાણ અને લોકોનું સરેરાશ આયુષ્ય, એ બે આરોગ્યની સ્થિતિના અગત્યના સૂચકાંક (Index) છે. ભારતના સંદર્ભે તેનાં છેલ્લાં ૭૦ વર્ષના આંકડા આ મુજબ છે (બાળમરણ માટે અહી શિશુમરણના આંકડા લીધા છે, જેની વ્યાખ્યા છે “દર એક હજાર જીવતાં જન્મેલાં બાળકોમાંથી કેટલાં એક વર્ષ સુધીમાં ગુજરી જાય છે”).
વર્ષ
સરેરાશ આયુષ્ય (વર્ષ)
શિશુમરણ (એક હજારે)
૧૯૪૩ ૨૭ – ૧૯૫૦ ૨૫.૨ ૧૮૯ ૧૯૯૧ ૬૦.૮ ૮૬ ૨૦૨૩ ૭૦ ૨૬ આને માત્ર આંકડા તરીકે નથી જોવાના.તેની પાછળનું સામાજિક ચિત્ર સાથે મૂકતાં જ “ત્યાર’ની લાચારી સમજાઈ શકે,
શાળાજીવનના દિવસો યાદ કરતાં બે-ત્રણ ચિત્રો નજર સામે આવે છે. એક કે, અમારા સહપાઠીઓમાં ઘણા એવા હતા જેના પિતા ન હોય. આજના બાળકને આવું મિત્રવર્તુળ અપવાદરૂપ જ છે. બીજું કે, અમારા વિસ્તૃત કુટુંબમાં ઘણાં માતાતુલ્ય વડીલ હતાં જે વિધવા હતાં. મોટા ભાગનાં બાળવિધવા. એક બે જણાં તો સાસરાં સૂધી પહોંચ્યાં જ ન હતાં. એ જમાનામાં તરુણ વયે લગ્ન થઈ જતાં અને વર-કન્યા વચ્ચે ઉમરનો તફાવત પણ ઘણો રહેતો. વધારામાં સ્ત્રીનું સરેરાશ આયુષ્ય પુરુષ કરતાં વધારે હોય (જે આજે પણ સાચું છે). આ બધા સંયોગોની સાથે હકીકત મેળવો કે સરાસરી આયુષ્ય ૩૦-૩૨ વરસનું જ હોય તો સમાજમાં વૈધવ્યનું પ્રમાણ વધારે દેખાય તે સ્વાભાવિક છે.
સમાજની આ વાસ્તવિકતા જૂની હિંદી ફિલ્મોમાં વ્યક્ત થતી. સુલોચના અને નિરુપા રોયને વિધવા માતાની જ ભૂમિકાઓ મળતી. એકાદ વાર નણંદ વિધવા હોય તો પાત્ર લલિતા પવારને મળે. ફિલ્મોમાં અને વાસ્તવિક સમાજમાં એકલા, પત્ની વિનાના, પુરૂષો ઓછા જોવા મળતા. મિત્રમંડળીમાં પણ માતા વિનાના મિત્રો ઓછા. આનું એક કારણ તો સ્ત્રીઓનુ લાંબું આયુષ્ય હોઈ શકે. વળી પુરુષો પત્નીના જવા પછી બીજાં લગ્ન કરી લેતા. એટલે ‘ઓરમાન’ ભાઈઓ કે બહેનો હોય તેવા પરિવારો ઘણા જોયા. એ વાત ફિલ્મોએ પણ કરી જ. આજે એ પ્રકારના પરિવાર નહિવત જોવા મળે. અલબત્ત, વાસ્તવિક અપરમાતાઓ આજના ફિલ્મનાં પાત્રો જેટલી કઠોર પણ નથી જ જણાતી.
શિશુમરણ :
શરૂઆતમાં આપેલા કોઠામાં આઝાદી સમયના શિશુમરણના આંક ઉપર ફરી નજર નાંખો. જીવતાં જન્મેલાં એક હજાર બાળકોમાંથી ૧૮૯ પોતાની ઉમરનો પહેલો જન્મદિવસ પણ નહોતાં જોઈ શકતાં! બીજા શબ્દોમાં દર પાંચ બાળકે એક પ્રભુને ઘેર પાછું જતું. એક વર્ષ જીવી જાય, તેને પાંચ વર્ષ પાર કરવા મુશ્કેલ હતાં. ૧૯૪૬ના આંકડા મુજબ દર એક હજાર જન્મમાંથી લગભગ અરધા બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતાં (આને બાળમરણનો આંક Child Mortality Rate કહે છે.) આ કઠોર વાસ્તવિકતાની ઊંડી છાપ સામૂહિક માનસિકતા ઉપર પડી. સગર્ભા સ્રીનો ખોળો ભરવાની વિધિ માટે લોકો એવી બહેનોને શોધતા જેનું એક પણ બાળક મૃત્યુ પામ્યું ન હોય (માટે ‘અખોવન’ શબ્દ વપરાતો, જે હવે લુપ્ત થઈ ગયો છે). આને વહેમ કહો કે અંધશ્રદ્ધા, પરંતુ ત્યારની પરિસ્થિતિમાં એ ડરનું નિવારણ હતું. મારી મા અખોવન હોવાથી એક ફરજ તરીકે આ વિધિ માટે સતર્કતાથી જતી, એ બતાવે છે કે એવી બેનો શોધવી કેટલું મુશ્કેલ હરો.
એ જમાનામાં દંપતિને ૪ – ૫ બાળકો હોવાં સામાન્ય હતું. એથી જો પાંચ જન્મે એક મૃત્યુ થતું હોય તો સંભાવના (Probabilty) એવી કે લગભગ દરેક સ્રીનું એક બાળક ગયું હોય. સંતતિ નિયમનના નિષ્ણાતોનો અભિપ્રાય રહ્યો છે કે બાળમરણ ઘટે તો જન્મદર (વસતિવધારાનો દર) પણ ઘટે. આ વાત ભારત માટે સાચી સાબિત થઈ છે. આજ આપણો શિશુમરણનો આંક (IMR) ૧૮૯માંથી ૨૬ પ૨ આવી ગયો છે અને દંપતીને બાળકોની સંખ્યા ૨-૧ થઈ ગઈ છે, જે ૧૯૫૦માં ૬.૨ હતી! એક સ્રીને બે બાળક હોય તો વસતિવધારાનો દર સ્થિર થઈ ગયો મનાય છે (એ જુદી વાત છે કે શિશુમરણના આંક બાબત બાંગ્લાદેશ અને ભુતાન અનુક્રમે હજારે ૨૧ અને ૧૯ મૃત્યુથી આપણા કરતાં સારી સ્થિતિ એ છે). આપણું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધી એને દર હજાર જન્મે ૧૨ મૃત્યુ જેટલો નીચો લાવવાનું છે.
સુધારા પાછળ કારણો :
આયુષ્ય અને બાળમરણ તો પ્રચલિત સૂચકાંક છે. તે વિના પણ આપણી અંગત જિંદગી પરથી જાણીએ છીએ કે આપણા વડીલો કરતાં આપણે સ્વાસ્થ્ય બાબત સારી સ્થિતિમાં છીએ. એ ખરું કે હજુ પણ અંતરિયાળ ગામડાંઓમાં આરોગ્યનું માળખું બરાબર નથી, પરંતુ એવા મુશ્કેલ વિસ્તારો છેલ્લાં ૫૦ વર્ષમાં સંકોચાતા ગયા છે. આ વિષય પર ખૂબ લખાયું હશે અને જાડા અહેવાલો બન્યા હશે. પરંતુ, આ લેખના મર્યાદિત હેતુ માટે ચાર-પાંચ મુખ્ય કારણો આપી શકીએ. (સમાન મહત્ત્વને એક જ ક્રમ આપ્યો છે).
૧. રોગનિદાનની રીતોમાં જબરદસ્ત પ્રગતિ.
ર અ. દવાઓનાં નવાં દ્રવ્યો.
૨ બ. રસીકરણનો બહોળો ફેલાવો.
૩. આરોગ્ય બાબત (લોકો અને સરકારમાં) જાગૃતિ.
૪. તબીબી જ્ઞાનમાં થતો સતત વધારો.નવી પેઢીને માનવામાં ન આવે કે જે સમયની વાત ચાલે છે ત્યારે દાક્તર પાસે નિદાન કરવા માટે બે-ત્રણ સાધન જ હતાં. ટોર્ચ, સ્ટેથોસ્કોપ અને બ્લડપ્રેશર માપવાનું મશીન. એક્સ-રે (ક્ષ કિરણો) ભલે છેક ઈ.સ. ૧૮૯૫માં શોધાયાં હોય, તેનાં મશીન નાનાં શહેરોમાં ખાનગી ડૉક્ટર પાસે ન હતાં. માત્ર સરકારી દવાખાનામાં એ હોય, પરંતુ વીજળીના એક લાખ વોલ્ટ પર ચાલતાં એ મશીન જો બગડી જાય તો ત્યાં પણ મહિનાઓ સુધી રિપેર ન થતાં, આજે દરદીના બિછાના પાસે એક્સ-રે મશીન લઈ જવાય છે. ત્યારે એક માણસથી એ ઊપડે નહીં તેવડાં ભારે હતાં.
સોનોગ્રાફી ઇત્યાદી :
ક્ષકિરણોના બે જ ઉપયોગ હતાઃ – છાતીનો ફોટો લેવામાં અને હાડકાં તૂટે ત્યારે. ‘૭૦ના દાયકાના અંતમાં એન્જિઑગ્રાફી ભારતમાં આવી ત્યારે તેના ઉપયોગનો વ્યાપ વધ્યો. કમ્પ્યૂટરની મદદથી જ CT સ્કેન પણ આવ્યું, તેનાથી મગજની ત્રિ-પરિમાણી (3D) તસવીરો મળી. જરૂર પડે તો પેટમાંનાં બાળકનો એક્સ-રે, તેનું સ્થાન જાણવા માટે લેવાતો. પરંતુ ગર્ભને માટે વિકીરણ નુકસાનકારક હોવાથી તેના વિકલ્પે સોનોગ્રાફી શોધાઈ.

૧૯ અઠવાડિયાના ગર્ભનું સોનોગ્રાફી દૃશ્ય અવાજનાં પરાશ્રાવ્ય (Ultra-sonic) મોજાંઓનો ઉપયોગ ઇજનેરી ઉથોગમાં તો થતો હતો. તે પછી માનવનાં અંગોને ટટોળવા માટે પણ થયો. મૃદુ સ્નાયુનાં અંગો માટે એક્સ-રે બહુ પ્રભાવી નહોતાં પણ સોનોગ્રાફીએ એનું કામ ઉપાડી લઈ નિદાનક્ષેત્રે નવી. કાન્તિ કરી. પેટ ઉપર એક ‘પ્રૉબ’ મૂકીને દાક્તર યકૃત, પિત્તાશય, મૂત્રાશય, કીડની, બરોળ, પ્રોસ્ટેટ – એ બધાંની તબિયત પાંચ મિનિટમાં જાણી
લે છે!શરીરની વિવિધ પેશીઓના ચુંબકીય ગુણધર્મોનો ઉપયોગ કરી ચિત્ર આપનારી ‘મૅગ્નેટિક રેસોનન્સ ઇમેજિંગ’ (MRI) અને વિકિરણનો ઉપયોગ કરી અંગોનાં ચિત્ર આપનારી રીત PET-સ્કેન, એ બંને માત્ર ભૌતિક આકાર-પ્રકાર સુધી મર્યાદિત નથી. એ અંગોમાં થતા રાસાયણિક ફેરફાર અને ચયાપચયની પણ માહિતી આપે છે. તેને કારણે કેન્સરનાં નિદાનમાં મોટી મદદ મળે છે. આ બધી જ આધુનિક ટેક્નિકો ઇલેક્ટ્રોનિક્સનાં સૂક્ષ્મીકરણ વિના સંભવ ન બની હોત. કલ્પના કરો કે એક હાથે ઉપાડાય તેવાં કાર્ડિઓગ્રામ મશીન જ્યારે શોધાયાં ત્યારે તેનું વજન એક ટન કરતાં વધારે હતું! આ ઉપરાંત, મગજનો EEG, પેટની એન્ડોસ્કોપી (કે કોલોનોસ્કોપી), સ્નાયુઓના માયલોગ્રામ, આર્થ્રોસ્કોપ – એ બધા મળીને શરીરના કોઈ પણ ભાગની માહિતી આપી શાકે છે. આ બધાં વિના પણ ક્યારેક નિદાન થતું એ જ આશ્ચર્યની વાત છે. એ માટે ‘ત્યાર’ના દાક્તરોને પણ સલામ (આ પરીક્ષણનો અતિરેક પણ થાય છે તેય ખરું. તે વિશે પણ ક્યારેક વિચારીશું).
લોહીની તપાસમાં પણ હવે સંકુલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે. તેનાથી એકસાથે ઘણાં સેમ્પલો અને વધુ ઝડપથી ટેસ્ટિંગ કરવામાં મદદ મળે છે. વિરોધાભાસ કેટલો છે કે એ જમાનામાં એ જમનામાં ડાયબીટીસની બીમારીનું નિદાન લોહીની તપાસથી નહીં પણ પેશાબની તપાસથી થતું. આજે એની તપાસ દરદી ઘેર બેઠે જાતે કરે છે! પેશાબમાં સાકર ત્યારે જ દેખાય જ્યારે પ્રમાણ વધારે હોય. આથી, નિદાન મોડું થાય અને નુકસાન શરૂ થઈ ગયું હોય. જિનેટિક્સ અને બાયોટેકનોલોજી દાખલ થવાથી હવે લોહી દ્રારા કેટલાંય વિરલ દરદોની તપાસ શક્ય બની છે. સરેરાશ આયુષ્ય ૨૭ વર્ષથી ૭૦ વર્ષ થવા પાછળ આખી નિદાન પ્રણાલી પણ યશની હકદાર છે.

રોગ નિવારણ :
આજે મોટા ભાગના લોકો જીવનશૈલીના રોગો સામે લડે છે. મધુપ્રમેહ, હૃદયની વિવિધ બીમારી અને કૅન્સર એનાં મુખ્ય ઉદાહરણ. ત્યારે મોટી લડત જીવાણુ અને વિષાણુથી થતા રોગો સામે હતી. એલોપથીમાં તેને સંસર્ગજન્ય (communicable) રોગો કહે છે, જેવા કે, ક્ષય, ટાઇફોઇડ, કૉલેરા, મેલેરિયા, શીતળા (સાથે ઓરી-અછબડા). નિદાનનાં પરીક્ષણો ન હોવા છતાં પણ દાક્તરો તેને લક્ષણોથી પારખી લેતા, લાચારી ઉપચારક્ષેત્રે હતી. વિદેશી શાસકો આઝાદી સુધીમાં પ્લેગને લગભગ કાઢીને ગયેલા. પરંતુ બાકીના આપણી આબોહવાના રોગો હતા, તેમાં સફળતા નહોતી મળી.
પ્રજાના મોટા ભાગનો ઝોક આયુર્વેદ તરફ હતો, પરંતુ આ ચેપી રોગો સામે આયુર્વેદ પાસે કોઈ સચોટ ઉપચાર ન હતો. ક્ષયની નવી આવેલી દવા સ્ટ્રેપ્ટોમાઇસિન હજુ પ્રચલિત નહોતી થઈ. રોગ લાગુ પડે તો દર્દાને સમાજથી અળગો કરવા ‘સૅનેટોરિઅમ’માં મોકલવો એ એક જ ઉપાય હતો. પેનિસિલિન અને સલ્ફાનાં પ્રતિજીવાણુ દ્રવ્યો ૧૯૩૦ના ગાળામાં જ શોધાયાં હતાં, તેથી ૧૯૫૦ સુધી તેનો ઉપયોગ તો થતો પરંતુ બહુ સ્પષ્ટ હોય તેવા કિસ્સામાં જ. વાઇરસ માટે રસી એક જ ઇલાજ છે તે વાત સમજાઈ હતી, પરંતુ તેની વહીવટી વ્યવસ્થા વ્યાપક નહોતી. શીતળા પણ વાઇરસનો રોગ છે. તેનો ખોફ ખતરનાક હતો. મુખ્યત્વે બાળકોને પકડતા આ રોગ સામે માબાપ અસહાયતા અનુભવતાં. મૃત્યુ પણ થતાં. જે બચી જાય તેના શરીરે રહી જતા ડાઘ એ વ્યક્તિની જીવનભરની ઓળખાણ બની રહેતા. ‘ચંપા કોણ? પેલી શીળીના ડાઘવાળી?’ આવા સંવાદ અમે છેક યુવાન વય સુધી સાંભળ્યા છે. ડરના કારણે ઊભાં કરેલાં શીતળા “માતા’ અને ‘બળિયાદેવ’નાં મંદિરો આજેય એ ભયનાં સ્મારકરૂપે ઊભાં છે.
આઝાદ ભારતે રસીકરણનો કાર્યક્રમ પૂરા ખંતથી ઉપાડયો. પંચાવનથી વધારે વયનાં સ્ત્રી-પુરુષોનાં બાવડાં ઉપર બે કે ત્રણ ગોળ ચકતાં દેખાય છે તે આ રસીની સાબિતી છે. બાયોટેકનોલોજીતો હતી નહીં, જીવંત રસી આપવામાં આવતી. આ સઘન કાર્યથી, શીતળાનો રોગ દેશમાંથી તદ્દન નાબૂદ થઈ શક્યો અને ‘૭૦ના દાયકાથી રસી આપવાનું પણ બંધ થયું. ક્ષય રોગ માટે BCG રસી આપવા માટે પણ આરોગ્ય કર્મચારીઓ ફળિયે ફળિયે ફરતા અને શાળાઓમાં પણ જતા. ક્ષય જીવાણુજન્ય રોગ છે અને તેથી રસી એટલી કારગર ન થઈ શકી. એવો જ ઉત્સાહ મેલેરિયા નાબૂદી માટે પણ જોવા મળતો. બબ્બેની જોડીમાં કર્મચારીઓ ઘરે આવી પહોંચતા અને દીવાલોની ઉપર ડી.ડી.ટી.નો છંટકાવ કરી જતા. આશા અને ભયના માર્યા લોકો બારી-બારણાં ઉપર લાગેલી એ સફેદ છારીને ક્યારેય સાફ ન કરતા! બહુ મોડેથી ખબર પડી કે ડી.ડી.ટી.ની આડઅસર પણ હોય છે અને તેથી એ છંટકાવ બંધ થયો.
કુષ્ણ-સુદામાના સંવાદ “તને સાંભરે રે? “…મને કેમ વીસરે રે’ જેવાં આ સંસ્મરણો અમારી પેઢી માટે બહુમૂલ્ય છે, જન્મ લીધો ત્યારે જેની માત્ર ત્રીસ વર્ષ સુધી જીવવાની સંભાવના (Probability) હતી, તે જો ૭૫ વર્ષે આ વાતો કહી શકે છે, તો તેનું શ્રેય ત્યારના સ્વાસ્થ્ય કર્મચારીઓ, વહીવટકર્તાઓ અને દૂરંદેશી નેતાઓને જાય છે. દેશે દાખવેલ ધીરજ, નિષ્ઠા અને જ્ઞાનના સતત ઉપયોગની એ કહાણી છે.
સૌજન્યઃ નવનીત સમર્પણ * જાન્યુઆરી ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખોરાક અને ખેતી – બન્નેમાં ફાવે તેવો પાક ‘સોયાબીન’
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
માથું દુ:ખવું, તાવ તરિયો આવી જવો કે પેટની નાની મોટી ગરબડ ઊભી થઈ જવી-એવું તો હાલ્યા કરે ભાઇ ! એને આપણે બીમારી નહીં પણ “કટેવ થઈ ગઈ” કહી મનમાંથી કાઢી નાખતા હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી કંટાળી જઈ માણસ મરવાનું પસંદ કરી બેસે, એટલી હદે કોઇ જાતની સારવારને ન ગાંઠે તેવા જળોની જેમ ચોટી જાય તેવા દર્દોની સંખ્યા પણ ઓછી નથી.
પંચોતેર વટાવી ગયેલા માનવીને, પછી તે ભાઇ હોય કે બહેન, કાં તો એને મધુપ્રમેહે ફસાવી પાડ્યા હોય, કે લોહીના ઉંચા-નીચા દબાણવાળી હ્યદયને લગતી કોઇ બીમારીનો ભોગ થઈ જવાયું હોય ! જે કોઇ આ બીમારીમાંથી બચી જવા પામ્યા હોય તેવા ભાગ્યશાળીને પગની એડી, ઘૂંટણ, ખભા કે કેડ ફરતો હાડકાંનો દુ:ખાવો ઠોંહા માર્યા કરતો હોય છે.
પહેલાના વખતમાં મધુપ્રમેહનો વાહો [રહેઠાણ] રહેતો વેપારી, સુખી, બેઠાડુ જીવનવાળાને ત્યાં. ખેડુતો, મજૂરો, કે કારીગરો, જેનાં પંડ્ય પરસેવે નીતરતાં હોય, એવી મલ્લમહેનત ભાળીને જ મધુપ્રમેહ આઘો ભાગતો અને હ્યદયરોગ ? એ તો કહે નાની ઉંમરવાળા અને પાતળિયા દેહવાળામાં શું જીવ નાખવો ? એયને જાડા, ખાધેપીધે સુખી અને બેઠાડુ માણહ સાથે જ એને મેળ જામતો !
સમય બદલાયો છે. ;
પણ હવે સમય બદલાયો છે. આપણી રહન-સહનની રીતો પણ બદલાઇ છે. શરીરને પરસેવો વાળવાની વાત ક્યાં કરવી ? થોડું આઘેરૂક જવું આવવું કે શરીરને થોડોકેય આલ પડે તેવી કોઇ પ્રવૃત્તિને આપણે ઢુંકડી જ આવવા દેતા નથી. શરીરશ્રમ ઓછો થઈ ગયો છે તે પણ એક કારણ ખરું આવા રોગોને બોલાવવાનું. અને વધુ વજનદાર કારણ બીજું એ પણ છે કે આપણા ખોરાકની રૂચિ અને રસો પણ બદલાયાં છે. સાજા રહેવું એ તો શરીરનો સ્વભાવ છે. પણ ખોરાકની આપણી પસંદગી અને ખાણીપીણીની ટેવો એવી બગાડી નાખી છે કે જેને બસ માંદા પડવાનો જ પ્રયત્ન કર્યો ગણી શકાય !
કોણ નાનું છે કે કોણ મોટું ? કોણ પાતળું છે કે કોણ છે લોંઠકું ? કોણ સ્ત્રી છે કે કોણ છે પુરુષ ? અરે, હવે તો કોણ બાળક કે કોણ છે વૃધ્ધ ? કશુંયે જોયા વિના દર્દો એને મનફાવે એ રીતે બેરોકટોક એવી જાળ બિછાવી રહ્યા છે કે ભલભલા એની લપેટમાં આવી જાય છે.
વધુ મહત્વ ખોરાકનું ;
દર્દ મટાડવામાં દવા ઉપયોગી છે, એના કરતાં પણ ખોરાક અતિ ઉપયોગી છે. આપણો ખોરાક જ જો સર્વાંગીણ બળવત્તર અને સુપાચ્ય હોય તો શરીરને તંદુરસ્ત રહેવાનું ખૂબ ફાવે છે. ખોરાક બાબતે યોગ્ય તકેદારી લેવાય તો દર્દનું આગમન થઈ ગયું હોય તો પણ તેની વિદાયગીરીની વેળા વહેલી લાવી શકાય છે. એવા બળવત્તર ખોરાક માધ્યમોને શોધીએ તો નજર “સોયાબીન” પર જઈને ઠરે છે.
ફળોમાં જેમ આમળાં – કઠોળમાં શ્રેષ્ઠ સોયાબીન;
સોયાબીન કઠોળ વર્ગનો પાક છે. તેમાં બીજાં બધાં કઠોળ કરતાં પ્રોટીનનું પ્રમાણ ઉંચેરું છે. અરે, માંસ અને માછલી [18૧૮ % પ્રોટીન] થી પણ સવાબે ગણું વધારે, એટલે કે 40 % અને એ પણ ગુણવત્તમાં શ્રેષ્ઠ, મનુષ્યને માટે ઉપયોગી એવા બધા જ પ્રકારના એમિનો એસિડથી છલોછલ ! અને છતાં સસ્તુ-કિંમતમાં નાનામાં નાના માણસને પણ પોસાય-પરવડે એવું !
સોયાબીનમાં ૨૦ % જેટલી ચરબી એવા વિશિષ્ટ પ્રકારની છે, કે તેના તેલમાંથી બનાવેલું ખાણું કોલેસ્ટીરોલ ન વધારતું હોવાથી હ્યદયરોગી માટે ખૂબ જ ઉપયોગી છે. કેલ્શિયમ અને લોહ પણ પુષ્કળ પ્રમાણમાં છે. લોહીમાં હીમોગ્લોબીનની ઊણપ કે શરીરમાં હાડકાંની નબળાઇ જણાતી હોય એવા માણસો માટે આનો ખોરાક આશીર્વાદરૂપ છે. જેમને પેટમાં ગેસની તકલીફ હોય તેમણે દૂધ અને દૂધની બનાવટોથી દૂર રહેવું પડતું હોય છે. સોયાબીનમાંથી બનેલી બનાવટોમાં લેક્ટોઝ સુગર નહીં હોવાથી, એવાઓ માટે સોયાબીન અતિ ઉપયોગી છે.
કાર્બોહાઇડ્રેટ્સ ૨૦ % હોવા છતાં સ્ટાર્ચની માત્રા નહિવત હોય છે. સોયાબીનમાંનો 20 % હિસ્સો તો દાણા પરની ફોતરીનો હોય છે. જે ફોતરીના રેસા એવા વિશિષ્ટ ગુણવાળા હોય છે કે જેના લીધે કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝનું રૂપાન્તર જ ખૂબ ઓછા પ્રમાણમાં થવા દે છે. એટલે સોયાબીનમાંથી બનેલું ખાણું ડાયાબીટીસવાળા માટે ઉપયોગી પુરવાર થયું છે.
અરે ! છેલ્લું સંશોધન તો એમ કહે છે કે સોયાબીનમાં આઇસો ફ્લેવાન નામનું ફાયટો રસાયણ હોય છે, જેથી કેટલાંક વધુકાં વિશિષ્ટ કાર્યો કરવા તે શક્તિમાન છે. દા. ત. તેમાંનું એક ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરને આગળ વધવા દેતું નથી.
વપરાશ કેમ કરવો – પસંદગી પોતપોતાની ;
તેને આપણે રોજબરોજના ઉપયોગમાં લેવા બાબતે ઘણી બધી રીતો છે. સોયાબીન લોટ તરીકે, દૂધ તરીકે, દૂધમાંથી દહીં, છાશ અને પનીર બનાવીને, તેને બાફી, તેમાંથી કેન્ડી કે ટોફી બનાવીને, અરે ! શેકી-ભૂંજી-બાફી, તેમાં મસાલા ભેળવી જેમ મગ, મઠ, ચોળા કે ચણા ખાતા હોઇએ એમ પણ ખાઇ શકાય છે. મારા એક સ્નેહી તો ૧૦ કીલો ઘઉંમાં એક કીલો સોયાબીન ઉમેરી, દળી, તેની રોટલી બનાવી ખાય છે. જેથી રોટલીમાં તેલનું મોણ દેવાનો સવાલ હલ થાય છે અને છતાં રોટલી મસ્ત કૂણી કૂણી બની રહે છે-એમ એમનું કહેવાનું છે. સોયાબીન કેમ ખાવું-કેવીરીતે ખાવું તેની પસંદગીના વિકલ્પો ઓછા નથી. આ રીતે વ્યક્તિએ રોજના ૪૦-૫૦ ગ્રામ સોયાબીન લેવાનું રાખ્યું હોય તો ડૉક્ટરથી બચી રહેવાય છે.
ખેડૂતને મન મૂઠી ઉંચેરા મોલની ખેતીની રીત :
“અમૂક પ્રકારની જ જમીન જોઇશે”, “ખાસ જાતનાં જ ખાતરો ફાવશે” એવા ચાળા ને ચાગલાઇ કરનારો શ્રીમંત પાક આ નથી. સોયાબીન તો “કઠોળ” જેવા સરળ અને સોજા માવતરનું છોરું છે. સાવ જ ટુંકી મૂદતમાં તૈયાર થાય, વધારાની કશી જ માવજત માગે નહીં, કે રોગ-જીવાત લાગવાની ફરિયાદ પણ કરે નહીં, અરે ! પાલો અને પાંદડાં પશુઓને ભાવે એવા, અને ઉત્પાદન બાબતેય અન્ય પાકોથી લગરીકેય ઉતરતી નહીં !
પાક રહ્યો કઠોળ વર્ગનો. મૂળમાં હોય રાઇઝોબિયમ બેક્ટેરિયાનો વસવાટ. તેથી સોયાબીનનો છોડવો ખાય થોડું અને આપે વધારે ! હવામાંથી નાઇટ્રોજન પકડી મૂળ વિસ્તારમાં ભેગો કરે. પોતે તો ખવાય એટલો ખાય અને બાજુમાં ઊભેલાને પણ ખવરાવે બોલો !
બીજા ચોમાસુ પાકોની જેમ જ જમીન તૈયાર કરવી અને પોતાની પહોંચ પ્રમાણે ખાતરો આપવાં. ચોમાસામાં વરસાદ થયે વાવણી કરવી. “સૌનું થાય તે આપણું થાય” એવું સદાય મોટું મન સોયાબીનનું ! સેવામાં ખેડૂત તરફથી થતી વધ-ઘટ કે વાવણીમાં થોડું વહેલું-મોડું, એનોયે બહુ હરખ-શોક એને નહીં ! પૂર્તિ ખાતરની તો સામેથી જ ના પાડે એ, અને વરસાદની જેવીતેવી ખેંચ તો એના મનમાંયે નહીં ! વરસાદ વધુ ખેંચાવે અને સગવડ હોય તો અપાયેલ પિયતનું વ્યાજ સહિત ઉત્પાદનના રૂપમાં સાટું વાળી આપે એવો પાક ! જેવીતેવી જીવાતોને ગાંઠે એ બીજા, સોયાબીન નહીં ! રોગો કોઇ ઘાંયતાંય [બનતા સુધી ] ઢુંકડા જ આવે નહીં. ત્રણ-સાડા ત્રણ મહિને તો પાંદ પીળાં થઈ માંડે ખરવા અને જમીન લગોલગથી થડ પર શીંગોની એવી ઠાંહણી કે એની લણણી કરવા દાતરડું ક્યાં દાખલ કરવું એનો વિચાર કરતા કરી દે ! ધ્યાન બસ એટલું રાખવાનું કે શીંગો સાવ પાકીને પીળી દેખાય પછી જ લણણી કરવી, નહીં તો દાણાનો રંગ સફેદને બદલે લીલવર્ણો થાય. થ્રેસર હોય તો ઠીક, નહીં તો ખળામાં નાખી, સૂર્યતાપમાં સારી પેઠે સુકાવા દઈ, ઉપર બળદગાડું કે ટ્રેક્ટર હાંકી ઉપણી લેવાની જૂની રીત એને વધુ ફાવે.
વ્યાપ અને જાતો :
સૌરાષ્ટ્રમાં તો હજુ એની શરૂઆત થતી આવે છે, એટલે વાવેતરનો વિસ્તાર ઓછો છે. આખા દેશમાં આશરે ૭૫ લાખ હેક્ટરમાં થતા વાવેતરનું ઉત્પન્ન ૭૦ લાખ ટનનું છે. કુલ ખાદ્ય તેલોમાં તેનું ૧૦ % યોગદાન રહેલું છે. આપણે ત્યાં મધ્ય પ્રદેશમાં ખુબ સારા પ્રમાણમાં વાવેતર થાય છે. જથ્થામાં વધુ અને ઓછા સમયમાં તેની પાસેથી કેમ વધુ ઉત્પન્ન લઈ શકાય, તે માટેના સંશોધનો પણ ત્યાં ખૂબ પ્રમાણમાં થઇ રહ્યા છે. અહલ્યા-૧ અને અહલ્યા-૨ તથા ટુંકી મુદતમાં પાકતી અને પાક્યા પછી શીંગો ફાટતી ન હોય તેવી અહલ્યા-૩ અને અહલ્યા-૪ તેની જાણીતી જાતો છે. આપણે ત્યાં ગુજરાતમાં જી.એસ.૩૩૫, જે સફેદ દાણાવાળી છે, એ જાત સારી રીતે વિસ્તરતી જાય છે. ગુજરાત સોયાબીન -૧ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે અને ગુજરાત સોયાબીન -2 વધુ વરસાદવાળા વિસ્તાર માટે પસંદ કરાય છે. ગુજરાત -૩, ક્લાર્ક-જે-૨૭૨ અને ૨૩૧ જેવી જાતો પણ સોયાબીનમાં પ્રચલિત છે.
ઓળખ :
દોઢથી બે ફૂટ સુધીની ઉંચાઈ અને બાળપણથી જ ઘેરા લીલા મગથી મોટાં એનાં પાન ! જેમ ઉંમર પાક્યે માણસોના વાળ રૂપેરી દેખાય, તેમ પાકટ સોયાબીનના પાન સોનેરી થાય ! એ દ્રશ્ય જોતાં લાગે જાણે ધરતીને પીળી સાડી ઓઢાડી શણગારી હોય ! શીંગો જોઇ હોય તો મધ્યમ પહોળા પટ્ટાની, આમ તો પાપડી વાલોળ જેવી જ. શીંગમાં દાણાની સંખ્યા ૪ થી ૬. દાણા લગભગ તુવેરના દાણાના કદના, પણ સફેદ, લીસ્સા અને ચમકીલા ! જોયા ભેળા આંખમાં વસી જાય તેવા !
ઉત્પાદન :
જૂન-જુલાઇમાં વાવણી કરાઇ હોય, બે હાર વચ્ચે ટૂંકું અંતર એક જ ફૂટનું રાખી, ૩-૪ ઇંચના ગાળે છોડવાની પારવણી કરી હોય, મુખ્ય પાક તરીકે લાગઠ જ લેવાયો હોય અને મન મૂકીને માવજત અપાઇ હોય તો નાના વીઘે ૨૦ મણ [૪૦૦ કીલો ] ઉત્પાદન અવળી આંટીએ [સહેજે-સરળતાથી] લઈ શકાય છે.
ખરા મૂંઝારામાં ભેરૂ – આંતરાપાકની અવેજી :
આપણે ત્યાંની ગુજરાતની ખેતીમાં હવે કપાસ એ મુખ્ય પાક બની ચૂક્યો છે. એમાંયે બી.ટી. બિયારણ આવતાં તે બીજા પાકોની સરખામણીએ ખેડૂતને કંઇક ઠીક સુઝાડતા પાક તરીકે ઊભરી રહ્યો છે ત્યારે, તેને લાંબો સમય ટકાવવો હશે તો, એની એ જમીનમાં લગાતાર દર વરસે કપાસ જ વાવ્યા કરવાને બદલે સાથમાં કોઇ બીજા પાકની ભેર લીધા વિના હાલવાનું નથી. પાકની ફેરબદલીનો લાભ મળતો થાય, રોગ-જીવાતમાં રાહત થાય અને સવા-કવા કે વરસાદની અનિયમીતતામાં વરસ સાવ નલ્લે [નિષ્ફળ ] ન જાય તે ગણતરીએ દ્રષ્ટિવાન ખેડૂતોએ મિશ્રપાક તરીકે કપાસની વચ્ચે ‘આંતરપાક’ તરીકે કંઇકને કંઇક, જેવા કે તલ, મગફળી, મગ-અડદ, મકાઇ કે નીચા રહેતા બાજરા જેવા પાકો દાખલ કર્યા છે. પણ જમીનો બધી વધારે પડતા રાસાયણિક ખાતરોના વપરાશ અને નબળા-દુબળા પાણીના વારંવારના પિયતથી થઈ ગઈ છે ખૂબ પિતવાડ અને ચોતરા જેવી કઠ્ઠણ ! કપાસની વચ્ચે મગફળી વાવીને ઉછેરવી બહુ ફાવે છે, પણ તેને ખેંચતી વખતે તે સારી પેઠે તૂટીને જમીનમાં જ રહી જાય છે. જ્યારે તલ ? તલનો પાક હવે થઈ ગયો છે સાવ ફોસરિયો ! [બીકણ-નબળો ] જરીક અમથો વધ-ઘટનો વરસાદ વરસે કે રોગ-જીવાતનો જરી અમથો સાંભળી જાય ફુંફાડો, ત્યાં ફસકીને બેસી જાય છે સાવ પાણીમાં ! બાજરાભાઇની તો વાત જ નહીં કરવાની ! ચિંધ્યું હોય કપાસની સોડ્યમાં રહી વધવાને વિકસવાનું, પણ એનો સ્વભાવ જ એવો, એટલે નીકળી જાય કપાસ કરતાં ક્યાંય ઊંચેરો ! છાંયો ને ઓથ એવા પાડી દે કે કપાસે ‘આંતરપાક’ બની જવું પડે ! બાકી રહ્યા મગ-અડદ જેવા કઠોળ. તો એ બધામાં મળતા ઉત્પાદનના વજનમાં ખાસ ભલીવાર ભળાતી નથી. ક્યો પાક કપાસના બે ચાસની વચ્ચે વાવવો તેની મથામણમાં સૌ ખેડૂતો છીએ.
એવા ટાણે સોયાબીનના છોડવાની નરવાઇ અને એની ઉત્પાદન આપવાની ગરવાઇનો જેમને પરિચય થયો છે, એની વાત કહું તો આપણા ચીલાચાલુ બીજા બધા પાકોમાં કપાસના આંતરપાક તરીકે સરસાઇ ભોગવી શકે એવો આના જેવો પાક બીજે ગોતવા ગયે જડશે નહીં, પણ આ તો સામેથી આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોને શોધતો આવ્યો છે. તક છે ઝડપી લેવા જેવી – મારું તો એમ ભાર દઈને કહેવાનું છે ભાઇઓ !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
સુડોકુ
અવલોકન
સુરેશ જાની
સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી.

નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ મૂડી છે. એ તમારા જીવનની : અરે! ભુલ્યો , રમતની સ્ક્રિપ્ટ છે – જાણે કે જન્મકુંડળીના નવ ગ્રહોથી રચાતું એક નાટક. તમારે બાકીના ખાનાં શોધી કાઢવાનાં છે. શરત એ કે દરેક હાર, સ્થંભ કે ખોખામાં નવે નવ આંકડા આવી જવા જોઈએ. કોઈ આંકડો બેવડાવો ન જોઈએ. જેમ જીવનનો દરેક અનુભવ એક અનન્ય અનુભવ હોય છે, તેમ આ નવે નવ આંકડા જુદા જ હોવા જોઈએ. બહુ જ તર્ક અને ધીરજ માંગી લેતી આ રમત છે. ક્યાંક એક ભુલ કરી દીધી અને તમે એવા ગૂંચવાડામાં પડી જવાના છો કે, રમત અધૂરી જ સંકેલી લેવી પડે. આ દારૂણ જંગ તો ખરાખરીનો ખેલ છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ક્યાંય શરતચૂક ન ચાલે.
શરુઆતમાં તમે શોધી કાઢેલી જીવનપધ્ધતિ, અરે! તર્કપધ્ધતિ પ્રમાણે ચાર પાંચ જગ્યાઓએ તો એક જ શક્યતા તરત જણાઈ આવે છે. તમે હરખાઈ જાઓ છો. એના આધારે એક માત્ર શક્યતાવાળાં બીજાં બે ત્રણ ખાનાં પણ, થોડા પ્રયત્નો પછી તમને દેખાય છે. તમે અડધો જંગ જીતી ગયાના ગર્વમાં મુસ્તાક છો. જેમ બાળપણ મધુર હોય છે, તેમ સુડોકુનો શરુઆતનો આ ભાગ પણ સરળ અને ગૂંચવાડા વિનાનો લાગે છે. પણ હવે આ અડધે રસ્તે જ ખરી કઠણાઈ શરુ થાય છે. જ્યાં જુઓ ત્યાં બે, ત્રણ કે ચાર શક્યતાઓ જણાવા લાગે છે. બધે ત્રિભેટા જ ત્રિભેટા! ક્યાંય આગળ વધાય જ નહીં. તમે અકળાઈ ઊઠો છો. ક્યાંય તમે આગળ વધી શકતા નથી. આ માયાજાળમાં આગળ ધપવાની ચાવી ક્યાંક ખોવાઈને સંતાયેલી છે. પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તમને પસીનો પસીનો થઈ જાય છે. જીવનની બપોરનો આ તાપ છે!
અને ત્યાં જ એકાએક પરમ તત્વની અસીમ કૃપાથી તે ચાવી આગળ તમે પહોંચી જાઓ છો. કોઈ પરીએ કરેલ પુષ્પવર્ષાની જેમ; ફરી એક વાર એક જ શક્યતાવાળાં ખાનાંઓની હારમાળા એક પછી એક તમારી ઉપર વરસવા માંડે છે. તમારા જીવનના મધ્યકાળના સુવર્ણયુગની જેમ તમારી સમ્પત્તિ અને સમૃદ્ધિ વધતાં જાય છે.
હવે પોણો જંગ જીતાઈ ચૂક્યો છે. વિજયશ્રી તમારા હાથવેંતમાં છે. પણ હવે બે બે શક્યતાવાળાં જોડકાં – એ જ વિતાડતા ત્રિભેટા – ફરી ખડા થઈ જાય છે. તમારી અકળામણનો આ છેલ્લો તબક્કો છે. આમ તો હવે ઘણાં ઓછાં ખાનાં તપાસવાનાં બાકી છે. પણ ફરી ચાવી ખોવાઈ ગયેલી છે. તમે ચોપડીની પાછળ આપેલો ઉકેલ જોવા તત્પર બનો છો. પણ તમારી મર્દાનગીને, રમત રમવાની તમારી ચાલાકીને આ છેલ્લો પડકાર છે. તમે વળી એ પ્રલોભન બાજુએ મુકી, ફરી એ તર્કયુધ્ધમાં ખુંપી જાઓ છો. ખણી ખણીને સાવ નિર્વાળ (!) એવા તમારા ચકચકિત માથાનાં વધારે વાળ ઓછા થવા માંડે છે. વીતેલા સમયને કારણે તમારી શક્તિઓની પણ સીમા આવી ગયેલી છે. તમે અકળાયેલા, થાકેલા, અશક્ત છો. એ બાળપણની મધુરતા અને યુવાનીનો તરવરાટ આ વાર્ધક્યમાં હવે ક્યાં છે?
અને ત્યાંજ એ છુપાયેલી ચાવી તમને દેખાઈ આવે છે. બસ એક નાનીશી અને છેવટની સમજણની (જીવનની જાગૃતિ ) જ જરુર હતી, જે તમને મળી ગઈ છે. અને મંજિલ પણ હવે ક્યાં દૂર છે? બાકીના ઉકેલોનું અવતરણ પત્તાનાં મહેલની જેમ ફરફરાટ થવા માંડે છે. ૮૧ ખાનાંઓનો એ મહેલ હવે પૂરો ભરાઈ ગયો છે. તમારો ખેલ હવે પૂરો થયો છે.
તમે આ સમસ્યાના ઉકેલનું, જીવનયુધ્ધની પેલી પાર આવેલું એ પાનું ઉત્કંઠાથી ઉથામો છો. એક એક કરીને બધી હારોમાં તમારો શોધી કાઢેલો ઉકેલ સાચો છે; તેમ જાહેરાત થતી જાય છે. અને જીવનની ફળશ્રુતિ, આ જંગ તમે સફળતાથી પાર કર્યો છે તેની ખાતરી થતાં તમે નિર્વાણ અવસ્થાની લગભગ સમાંતર કહી શકાય એવી સુખસમાધિમાં લીન બની જાઓ છો. રમતના અને જીવનના ત્રણ ત્રણ તબક્કે ખેલાયેલા જંગોનો ભવ્ય ભુતકાળ પણ તમે ભુલી જાઓ છો. હવે કેવળ વર્તમાનના પરિતોષનો ભાવ ચિત્તમાં ધારી તમારી આ રમત તમે સંકેલી લો છો.
જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. સુડોકુનો, જીવનનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરિમા છે. કરી કો’ક દી કો’ક નવી જ સુડોકુ સમસ્યા ખેલવાનો સંકલ્પ કરી તમે નિવૃત્ત બનો છો. જીવનના અંતે પણ સુડોકુની આ રમત જેવો, આવો હાશકારો અનુભવી શકાય, એવું જીવન તમે જીવ્યા છો ખરા?
આવી જ એક કવિતા…
જીવન કસરત
કોઇ સરકે છે. કોઇ ટહેલે છે. કોઇ ધસમસ શ્વાસે દોડે છે.
કોઇ હાંફે છે. કોઇ નીતરે છે. કોઇ લયમાં શિરને ડોલે છે.કોઇ મરકે છે. કોઇ બબડે છે. કોઇ રડમસ ચહેરે લટકે છે.
કોઇ ભારે ભારને ઊંચકે છે. કોઇ હળવા દડાથી ખેલે છે.ધરતી સરકે છે પગ નીચે, પણ ચિંતા વિણ હું ઊભો છું.
બળે કેલરી ક્ષણે ક્ષણે, પણ હું તો સાવ જ શીતળ છું.કેટકેટલાં અંતર કાપું, છતાં નથી હું સહેજ ખસ્યો.
આ વાત જીવનની છે કે પછી, ટ્રેડમીલથી એક દર્શન છે?.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
