-
શું કચરો એક સમસ્યા છે ?
શુચિતા તરફ
નલિની નાવરેકર
આપણે હંમેશ એવું જ વિચારીએ છીએ કે કચરો એટલે ફેંકવાની વસ્તુ ! પરંતુ ફેંકીએ પણ ક્યાં ? ઘરનો કચરો ઘરની બહાર, શહેરનો કચરો શહેરની બહાર, રાજ્ય અને દેશનો; રાજ્ય અને દેશની બહાર ! આ વિનોદ કે અતિશયોક્તિ નથી, હકીકત છે. આવું કરવામાં આવે છે. આવું કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
આજે દુનિયા એકસરખી થઈ ગઈ છે. આખા વિશ્ર્વની જીવન-પદ્ધતિ એકસરખી થઈ જવાથી આ જીવનશૈલીને પરિણામે કચરાનો પ્રશ્ર્ન દુનિયાભરમાં ઊભો થઈ જવા પામ્યો છે. કચરો નદી કે દરિયામાં નાંખવામાં આવે તો જળપ્રદૂષણ, જમીન પર કે ખાડામાં નાંખવામાં આવે તો જમીનનું પ્રદૂષણ અને ગંદકી પણ ફેલાય છે. બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય છે – કચરો ફેંકીએ પણ ક્યાં ?
કચરાથી હિંસા : મોટાં શહેરોમાં દરરોજ ત્રણ હજાર ટનથી ઉપર કચરો પેદા થાય છે. આટલા બધા કચરાને ઉપાડવો અને તેનો નિકાલ કરવો એ એક બહુ મોટું કામ છે. ઘણાં રાજ્યોમાં કચરો ઉપાડવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થાના અભાવે તથા પૈસા બચાવવા ખાલી જગ્યા જોઈને પૂછ્યા વિના જ જ્યાં ત્યાં કચરો નાંખી દે છે. તેના પરથી કેટલેક ઠેકાણે ઝઘડા, મારામારી પણ થઈ જાય છે. ઘણી જગ્યાએ કચરાના પ્રશ્ર્ન માટે આંદોલન પણ થયાં છે.
કેટલાંક શહેરોમાં નિશ્ર્ચિત જગ્યાઓએ કચરાના ડેપો (સંગ્રહસ્થાન) હોય છે. તેમાંના કેટલાક આદર્શ સ્થિતિમાં છે. પરંતુ સામાન્ય રીતે આ કચરાડેપોમાં બધા પ્રકારનો કચરો નાંખી દેવાય છે. આવા પચાસ-સો એકરમાં ફેલાયેલા કચરા ડેપોમાંથી કેટલીક ઉપયોગી વસ્તુઓ વીણવા ઘણી બહેનો અને બાળકો આખો દિવસ એ કચરામાં કામ કરતાં જોવા મળે છે. કચરામાંથી નીકળતી ગરમ વરાળ, ગંદી વાસ વગેરેને કારણે ‘આ પ્રકારનું કામ’ કરવું એ જ માંદગીઓને આમંત્રણ આપવા સમાન છે. આવી પરિસ્થિતિઓમાં અકસ્માત તેમજ દુર્ઘટના પણ થતાં હોય છે. કચરો લઈ જવા માટે આવતા વાહનમાં કામ કરનારા કારીગરોની પણ આ જ હાલત હોય છે.
વડોદરા શહેરમાં કોઈક માંદગીના સંદર્ભમાં ધાત્રી માતાઓનાં દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો તેમાંથી પોલીક્લોરીનેટેડ ડાયબેંઝો-પી-ડાયોક્સીન ડાયબેંઝોફ્યુરાન અને બાયોફીનોલ્સ – આ જોખમી સંયોજનોના પ્રમાણ ખૂબ વધારે માત્રામાં મળી આવ્યાં. ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ વધુ ઊંડાણથી અભ્યાસ કર્યો કે બાળકોના પેટમાં ઝેરનો કેટલો અંશ પહોંચતો હશે ? એક કિલો અનાજમાં ચાર પાયકોગ્રામ ઝેરી પદાર્થનો અંશ એ માન્ય માત્રા મનાય છે. ભારતમાં માતાઓના દૂધમાં આ પ્રમાણ સો પાયકોગ્રામ જેટલું મળી આવ્યું છે. આ જ્યારે બાળકોના પેટમાં જાય છે ત્યારે તેમના મજ્જાતંત્ર પર માઠી અસર પડે છે. આ અભ્યાસ કચરાના ઢગલા (ડેપો)ની પાસે રહેનારી બહેનોમાં કરવામાં આવ્યો હતો.
આ કિસ્સો ભલે વડોદરાનો હોય, અન્ય શહેરો અને ગામોમાં પરિસ્થિતિ કંઈ જુદી નથી.
આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે શેને કારણે થાય છે ? આપણે જ તો એના માટે જવાબદાર છીએ. આવી દુર્ઘટના અથવા સીધી કે આડકતરી જે હિંસા છે તેનું કારણ આપણે સમજ્યા-વિચાર્યા વિના મોટા પ્રમાણમાં જે કચરો ઘરની બહાર નાંખી દઈએ છીએ તે છે.
અસંગ્રહ એ જ ઉપાય :
કચરાની સમસ્યા હલ કરવા માટે અથવા તો દૂર કરવા માટે ત્રણ કે ચાર ‘આર’ની વિચારધારા સામે આવી છે: રીફ્યુઝ, રીડ્યુસ, રિયુઝ અને રિસાઈકલ.
- રીફ્યુઝ : જેના વિના ચાલી શકે તેમ છે, જેની જરૂર નથી, જે કચરામાં વધારો કરે છે તેવી વસ્તુઓનો નકાર કરો. કચરો આપોઆપ ઓછો થશે.
- રીડ્યુસ : ઓછી વસ્તુઓનો ઉપયોગ, ઓછી વસ્તુઓની ખરીદી કરો જેથી કચરો પણ ઓછો થશે.
- રીયુઝ : જૂની વસ્તુઓનો પુનરુપયોગ કરો. કચરો હજુ ઓછો થશે.
- રીસાઈકલ : પુન:ચક્રીકરણ કરીએ – જૂની વસ્તુઓનું રૂપાંતર કરીને જ શક્ય તેટલી વાપરીએ. તો કચરો નામની વસ્તુ બચશે જ નહીં.
મીનીમલીઝમ એક વિશેષ વિચારધારા છે. જેની શરૂઆત યુરોપમાં થઈ. આ વિચારધારા પ્રમાણે લોકો સાદાઈપૂર્ણ જીવનશૈલી અપનાવે છે. પોતાની જરૂરિયાતો ઓછી કરવા તરફ આગળ વધે છે.
આપણે ત્યાં તો અપરિગ્રહવ્રત પહેલેથી જ છે. પ્રાચીનકાળથી આપણા સાધુસંત, સાધક અહિંસા, સત્ય, અસંગ્રહ વગેરે વ્રતોનું પાલન કરતા આવ્યા છે. ગાંધી-વિનોબાની વિશેષતા એ છે કે તેમણે કહ્યું કે આ બધાં વ્રતો સમાજસેવકો માટે પણ એટલાં જ જરૂરી છે. આમ જોવા જઈએ તો મનુષ્યમાત્રએ આ વ્રતોનું પાલન થોડે સુધી તો કરવું જ રહ્યું.
અપરિગ્રહનો અર્થ છે, ઓછામાં ઓછી જરૂરિયાતોમાં જીવન ચલાવવું. આ વ્રત આધ્યાત્મિક સાધનાનું અંગ તો છે જ સાથેસાથે સામજિક જીવનમાં પણ સુખશાંતિ આપનારું છે. અને કચરાની સમસ્યા ઉકેલવા કે ઓછી કરવામાં પણ ઉપયોગી છે.
કચરામાંથી કંચન :
સફાઈ કરી રહેલ એક સાધકને વિનોબાજીએ એક વાર કહેલું, ‘આ કચરાનો ઢગલો નથી, આમાં તો ખાતર થવાની શક્તિ સમાયેલી છે. કેટલી સાચી વાત છે. કચરો ગંદો નથી હોતો, આપણે તેને ખોટી જગ્યાએ નાંખીને ગંદકી ફેલાવીએ છીએ. કચરો તો ઉપયોગી વસ્તુ છે. તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.
કચરાનું વ્યવસ્થાપન :
કચરાના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક વિઘટનશીલ કચરો અને બીજો અવિઘટનશીલ કચરો અને ત્રીજો જોખમી કચરો. આ કચરાઓના અન્ય ઉપપ્રકારો પણ છે. કચરાનું વ્યવસ્થાપન કરવું હોય તો પ્રથમ તો પ્રકાર પ્રમાણે કચરો છૂટો પાડવો પડશે. ઓછામાં ઓછો ત્રણ પ્રકારનો કચરો ત્રણ ડબ્બાઓમાં નાંખવો પડશે. આમ કરવાથી આ કચરાનો ઉપયોગ સહેલો બનશે.
- વિઘટનશીલ કચરો એટલે કે જે ઓગળી શકે છે જેમ કે ઘાસ, નીંદામણ, ઝાડનાં પાન, ધૂળ, રાખ વગેરે. આ બધા વિઘટનકારી કચરાનું સારું ખાતર બને છે. એને માટેની સૌથી સારી રીત છે, છોડની નીચે, ઝાડની નીચે, ખેતરમાં આ કચરો નાંખવો. જમીનને ઢાંકતા રહેવું, આચ્છાદન કરવું. ગરમી, ઠંડી, વરસાદની ઋતુમાં તે જમીનનું રક્ષણ કરે છે. પછી ધીરે ધીરે કચરો સડી જઈને તેનું ખાતર બની જાય છે. જ્યાં આ શક્ય ન હોય ત્યાં જુદી પદ્ધતિથી પણ ખાતર બનાવી શકાય છે. કંપોસ્ટ, નેડેપ કંપોસ્ટ, વર્મીકંપોસ્ટ વગેરે. આમાં પણ ઘણા પ્રકાર હોય છે.
- અવિઘટનશીલ કચરામાં કાગળ, કપડાં, ધાતુ, કાચ તેમજ પ્લાસ્ટિક, થર્મોકોલ વગેરેનો સમાવેશ થાય છે. આવા કચરાનો સારો પુનરુપયોગ થઈ શકે છે. કેટલાકનો કારખાનામાં તો કેટલાક નો ઘર-ઘરાઉ સ્તર પર પણ. જૂનાં કપડાં-કાગળ વગેરેનો ઘર કે ગામના સ્તરે ઉપયોગ થઈ શકે તેમ હોય છે. પ્લાસ્ટિક અને થર્મોકોલના પુનરુપયોગમાં ઘણી મર્યાદાઓ તેમજ મુશ્કેલીઓ રહેલી છે.
કાપડ તેમજ કાગળનો પુનરુપયોગ :
જૂનાં કપડાંના ઉપયોગ વિશે આમ તો સહુ જાણે જ છે. ગોદડીથી માંડીને પગલૂછણિયાં તેમજ થેલીથી લઈને રમકડાં સુધી ઘણી ચીજ વસ્તુઓ તેમાંથી બની શકે છે. જૂના કાગળના વળી વિશેષ ઉપયોગો છે. કાગળની લુગદી બનાવીને તેમાંથી ટોપલીઓ તેમજ પારંપરિક નૃત્ય માટેનાં કેટલાંક સાધનો, ઘર વપરાશનાં સાધનો બનાવી શકાય છે. અગાઉ ગામોમાં આ પ્રકારે થતું હતું. આજે તો વળી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવાના પ્રયોગો થઈ ચૂક્યા છે. ટોપલીઓ, ટ્રે, ડબ્બા, ટીપૉય, બેસવા માટેનાં સ્ટૂલ, રમકડાં, સુશોભનની વસ્તુઓ વગેરે કાગળના માવામાંથી બનાવાય છે.
- જોખમી કચરો : આ છે ઈ-વેસ્ટ, રાસાયણિક કચરો, ટ્યૂબલાઈટ, બેટરીઓ, દવાખાનાનો કચરો (મેડિકલ વેસ્ટ) વગેરે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે ‘શહેરના કચરામાંથી કુલ એક સો પ્રકારનાં ઝેરી સંયોજનો નીકળે છે, જે મનુષ્ય શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરીને સંગ્રહાયેલાં રહે છે.
આપણે શું કરીશું ?
કચરાનું વ્યવસ્થાપન વિકેન્દ્રિત જ હોવું જોઈએ. જ્યાં કચરો પેદા થાય છે ત્યાં જ તેનો ઉપયોગ થવો જરૂરી છે. સરકારનું પણ કહેવું છે કે પોતાના કચરાની જવાબદારી જનતા પોતે જ ઉઠાવે. કરવાનું આપણે છે. તો આપણે શું વિચારીએ છીએ ?
આપણા ઘરના કચરાનું વ્યવસ્થાપન આપણે પોતે જ કરવું જોઈએ. કચરાના પુનરુપયોગ અને પુનર્ચક્રીકરણની તાલીમ યુવાનો, મહિલા વગેરે લેશે તો તેમને માટે તે આવકનું એક સાધન પણ બની શકશે. આપણું કામ આપણા ઘરમાંથી નીકળેલા કચરાને તેમના સુધી પહોંચાડવાનું રહેશે.
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑગસ્ટ, ૨૦૨૪
-
આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
લતા હિરાણી
આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.રસદર્શન
દેવિકા ધ્રુવ
જેના રોમેરોમમાં ભક્તિ હતી તેવા આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાને બિરદાવતું એક સુંદર સ્તુતિગાન કવયિત્રી લતા હિરાણીની કલમે અવતર્યું છે અને તે પણ એ જ કવિના અતિ પ્રિય ઝુલણા છંદમાં પ્રગ્ટ્યું છે.
પ્રથમ પંક્તિ વાંચતાની સાથે તરત જ નરસિંહ મહેતાનું લાક્ષણિક ચિત્ર ઊભું થાય છે. ‘‘આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ…’’.બહુ સહજ સ્પષ્ટતા જણાય છે કે આ કવિતા, ‘તું શ્રી કવિ’ એટલે કે, નરસિંહ મહેતાને ઉદ્દેશીને, વિશ્વના પરમ તત્ત્વના આદિ, મધ્ય અને અંતને પૂર્ણતયા પામેલ નરસિંહ મહેતાને ઉદ્દેશીને અને તેમના કવનના ગુણગાન માટે જ લખાઈ છે. મહાન આદ્યકવિની રચનાઓ આજની તારીખમાં પણ અમરતા પામી રહી છે. ગોપી, કાના અને વાંસળીના સૂરમાં જેનો શ્વાસ વસતો તેમના પ્રભાતિયાંથી હજી પણ ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. એ હકીકતને પ્રશંસતી લતાબહેનની એક અલગ અંદાઝની કલ્પના આ કવિતામાં શરૂઆતથી જ કેવી ઊંચી કોટિએ જઈ પહોંચે છે! એ જ છંદોલય, એ જ પ્રેમમલક્ષણા ભક્તિભાવ, એ જ મધુરતા પણ એક નવા રૂપમાં.
આગળની પંક્તિઓમાં, હાથમાં કરતાલ લઈ, ભક્તિમાં તલ્લીન થઈ, કૃષ્ણના પ્રેમરસનું પાન કરતા અને નાચતા નરસિંહ મહેતાનું સુંદર નર્તનરૂપ ચિત્ર ખડું થાય છે. ‘હાથ કરતાલ ને એ ચરણ નાચતાં’ ગીતના શબ્દો એકદમ યથાર્થ રીતે પ્રયોજ્યા છે કે, ઘડીભર આપણને પણ નાચવાનું મન થઈ જાય! વળી આગળ એ જ વાતનો ઘેરો રંગ ઉપસાવતા શબ્દો તો જુઓ? આભમાં, બાથમાં, રોમેરોમમાં, નૈણમાં, પંડમાં…. આહાહાહા…. કંઈ કેટલાંયે નરસિંહ મહેતાના પદો નજર સામે ધરી દે છે. ‘નીરખને ગગનમાં…કે અખિલ બ્રહ્માંડમાં…કે પછી જાગને જાદવા… પ્રેમરસ પાને તું મોરના પિંચ્છધર..બધાં જ પદો એકસામટા ઉડીને જાણે નજર સામે તરવરીને નાચવા લાગે છે.
સ્તુતિગાનનું એક લક્ષણ એ છે કે, મન મૂકીને વધુ ને વધુ લીન થવું, ડૂબી જવું. એ રીતે હજી નરસિંહ મહેતા વિશે વધુ વાત કરતા કવયિત્રી કહે છે કે, જૂનાગઢ શહેરમાં, દામોદર કુંડમાં, શ્રી હરિનું સ્મરણ કરતા નાગર જ્ઞાતિના આ વંશજ, કૃષ્ણના ગીતોમાં તલ્લીન રહેતા અને જાણે કે આજે પણ એ વહાલી વાંસળીના સૂર ગિરનારની તળેટીમાં વાગે છે. અતિ ઋજુ હૃદયની નમ્રતા છલકતી વાણી કવિતાને અંતે સરે છે, નરસિંહના નાથને હાથ જોડી, ઝુલણા છંદથી આજ સુધી ગાજતા આભની જાણ કરે છે. એ કહે છે કે; “
એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.નરસિંહ મહેતાના કૃષ્ણ પ્રત્યેના ભાવમાં, સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી. તેમણે જે કણકણમાં અને ક્ષણક્ષણમાં પરમનો સાક્ષાત્કાર કર્યો છે એ ઘટનાને, એ શ્રદ્ધાને, એ રચનાઓમાં થયેલા તેમના સ્વયંભૂ પ્રગટીકરણને, લતાબહેને ખૂબસૂરત સ્તુતિગાનમાં ઢાળ્યું છે. તેમની આ કવિતામાં સચ્ચાઈ સ્પર્શે છે, નર્યો આદર અને અહોભાવ નીતરે છે. શબ્દોમાં લય, તાલ અને સંગીત છલકે છે. એટલે જ તો આ કાવ્ય એક મહામૂલા મોતી જેવું પાણીદાર બન્યું છે. વાંચીને હૃદયમાં પ્રસન્નતા છવાઈ જાય છે.
આમ તો માત્ર ૧૦ જ પંક્તિની નાનકડી કવિતા છે. પણ એના લાઘવમાં ભાવની ભરીભરી એકાત્મકતા છે, સઘનતા છે અને લયના મોહક આવર્તનો છે.. ઘણા શબ્દો બેશક, નરસિંહ મહેતાના છે પણ ઊર્મિભરી સ્તુતિ તો કવયિત્રીના ભીતરમાં ઓળઘોળ થઈને પથરાયેલી છે. શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી સભર ભક્તિ જેવાં જ જ લય, તાલ અને નાદથી ભરેલું નરસિંહ મહેતા માટેનું આ સ્તુતિગાન કાનમાં જાણે ગૂંજ્યા કરે છે, કલમને સાર્થક બનાવે છે. કવિ શ્રી વિવેક ટેલરે સાચું જ લખ્યું છે કે, ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની આ ગીતરચના છે.
મારા તરફથી કવયિત્રી લતાબહેન હિરાણીની આ કવિતા માટે તેમના જ અંદાઝમાં તેમને સલામ.
ભક્તિના તેજ ને તત્ત્વબીથી ભર્યાં, કાવ્યને માણતા, સો સલામો.
ને હિરાની ચમકથી લચકતી લતા, ભાવથી ઝુમતાં, સો સલામો.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
-
બ્રિસ્ટોલ : રામમોહન રાયના અંતિમ દિવસોનું સંભારણું
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
સુદૂર બ્રિસ્ટોલમાં અધ્યાપક મિત્ર રોહિત બારોટના નિધનના સમાચાર બે’ક અઠવાડિયાં પર જાણ્યા ત્યારે દિલમાં એક અપરિભાષિત ખટાકો બોલી ગયો. અમારે સારુ લંડનની ગુજરાતી લિટરરી એકેડેમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણી થકી એ ડાયસ્પોરા છેડે એક સાંસ્કૃતિક એલચી સરખા હતા; કેમ કે બ્રિસ્ટોલના રાજા રામમોહન રાયના સ્થાનકની અમારી યાત્રા અને કંઈક સમજ એમના સથવારાને આભારી હતી.
હમણાં મેં સુદૂર બ્રિસ્ટોલ એમ કહ્યું, પણ નૈઋત્ય ઈંગ્લેન્ડનું આ નગરવિશેષ મને કંઈ નહીં તો પણ ત્રણેક દાયકાથી ઢૂંકડું જ વરતાતું રહ્યું છે. ૧૯૮૩માં આપણા એકના એક કમળાશંકર પંડ્યાની સરક્યુલરી સ્ફૂર્તિથી ગુજરાતમાં રાજા રામમોહન રાયના મૃત્યુની સાર્ધ શતાબ્દી સાથે જોડાવાનું બન્યું તે વારાથી જ્યાં રાજા રામમોહન રાયની આખર પથારી થઈ હતી તે બ્રિસ્ટોલ હૃદયસરસું બની ગયું. યજમાનપુત્રી મેરી કાર્પેન્ટરને મળેલી સેવાદીક્ષા વિશે જાણ્યું એથી તો બધું નજીક નજીક આવી લાગ્યું, કેમ કે ગુજરાતની ઓગણીસમી સદીની વિકાસવાર્તામાં ઓક્ટોબર ૧૮૬૬ના અરસામાં સુરત-અમદાવાદની, આ કાર્પેન્ટરબાઈની કેમિયો તો કેમિયો મુલાકાતનોયે કંઈક હિસ્સો છે જે એમણે પોતે, ‘સિક્સ મન્થ્સ ઈન ઈન્ડિયા’ (૧૮૬૮)માં આલેખેલ છે.
બ્રિસ્ટોલના મુલાકાતીઓએ (અને અલબત્ત આ લખનાર જેવા યાત્રીઓએ) નોંધ્યું જ હોય કે સિટી કાઉન્સિલ અને કોલેજ ગ્રીન પરિસરમાં રાણી વિક્ટોરિયા અને રાજા રામમોહન રાયની પ્રતિમાઓ કંઈક સામસામે ખડી છે. ઘરઆંગણે અંગ્રેજ નવશિક્ષણથી માંડી સતીપ્રથાના વિરોધ સમેતની કારકિર્દીના પૂર્વરંગ સાથે ૧૮૩૧માં રાજા રામમોહન રાય ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. એમની ‘રાજા’ એ માનવાચક સંજ્ઞા તત્કાલીન દિલ્હીના નામક વાસ્તે બાદશાહ અબુ-નાસર મુઈનુદ્દીન અકબરને આભારી હતી. બાદશાહના દૂત તરીકે એ ઈંગ્લેન્ડના રાજદરબાર સમક્ષ વર્ષાસન વૃદ્ધિની માંગણી સારુ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સતીપ્રથાની નાબૂદી માટેની એમની હિલચાલ સામે પ્રિવી કાઉન્સિલમાં રજૂઆત થવાની હતી એના પ્રતિવાદનો પણ ખયાલ હતો. વળી, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચાર્ટરનીયે ચર્ચાનો અવસર હતો. ત્રણે મુદ્દે-મોરચે રાજા રાય યશસ્વી રહ્યા અને ૧૮૩૩માં બ્રિસ્ટોલ પહોંચ્યા તે યુનિટેરિયન ચર્ચના મિત્રને મળવા જ્યાં તેમની પુત્રી મેરીને રાયના જીવનકાર્યમાં રસ જાગ્યો અને એક અંતરાલ પછી તે સંદર્ભે એ હિંદ પણ આવી.
આપણે બ્રિસ્ટોલ ઓથે વ્યાપક અર્થમાં ઈંગ્લેન્ડની અને હિંદની છેલ્લાં બસો વરસની સંબંધગાથાનાંયે પડ ઉકેલીએ છીએ. રાજાના મૃત્યુ પછી ખાસાં સાડત્રીસ વરસે કેશવચંદ્ર સેન બ્રિસ્ટોલ પહોંચ્યા હતા અને એમના સહયોગમાં એક ઈન્ડિયન એસોસિયેશનનીયે સ્થાપના મેરી કાર્પેન્ટરે કરી હતી. સેનથી ઘણા પહેલાં બ્રિસ્ટોલ જતીઆવતી પ્રતિભાઓ પૈકી ખાસ તો દ્વારકાનાથ ટાગોર હતા, રવીન્દ્રનાથના દાદા. એમણે સ્તો બ્રિસ્ટોલમાં રાજા રામમોહન રાયની સુંદર છત્રી (ભુજ જાવ તો જેને છતરડી કહે છે, તેવું કાંક) નિર્માણ કરી હતી. એક તબક્કે ખાસો મજૂરકાફલો ઈંગ્લેન્ડ હિંદથી પહોંચ્યો હશે તે પછીનો દોર બંગાળના અભિજાત ભદ્રલોકનો હતો. કલકત્તા (કોલકાતા) ત્યારે અંગ્રેજ રાજધાની હતું અને બંગાળ-ઈંગ્લેન્ડનો દેશના બીજા ભાગો કરતાં કંઈક વિશેષ સંપર્ક હોય એ સહજ હતું.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યાપનની લાંબી કામગીરી અને વિધિવત નિવૃત્તિ પછી પણ વિઝિટિંગ ફેલો રહેલા રોહિતભાઈએ અઠ્ઠાવીસેક પાનાંની પુસ્તિકામાં હિંદ-બ્રિસ્ટોલ સંબંધગાંઠની ઠીક વિગતો આપી છે. કેશવચંદ્ર સેનના સહયોગથી અસ્તિત્વમાં આવેલ ઈન્ડિયન એસોસિયેશન પછી લાંબે ગાળે બીજું એક ઈન્ડિયન એસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો આગલી સમાજસુધારાની ને મવાળ રાજકારણની ધારા કરતાં સ્વાતંત્ર્યચળવળ જોડે વધુ સક્રિય સંબંધ રહ્યો. એનું નેતૃત્વ કરનાર બ્રિસ્ટોલવાસી ડો. સુખસાગર દત્તા હતા. સુખસાગર દત્તા લંડન પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણવર્મા અને ‘ઈન્ડિયા હાઉસ’ના સંપર્કમાં મૂકાવું સહજ હતું. એક તબક્કે એ અને સાવરકર એક જ ખોલીમાં સહભાડુઆત પણ હશે. ધીમે ધીમે એમનું દિલ ખુલ્લા રાજકારણ ભણી વળ્યું ને લેબર પાર્ટીમાં ગોઠવાયું. આ પાર્ટી હિંદની આઝાદી પરત્વે અભિમુખ હતી અને એમાં જહાલ કાર્યક્રમ સાથે લોકશાહીની અજબ મિલાવટ હતી- છેવટે તો, એના આરંભકારોની એક પ્રેરણા તો રસ્કિન અને ‘અન ટુ ધી લાસ્ટ’ હતી, જે ગાંધીની પણ હતી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૧-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો (૬3): ભારત છોડો (૧)
દીપક ધોળકિયા

કોંગ્રેસે હવે મરણિયો જંગ ખેલી લેવાનો નિર્ણય કરી લીધો. સાતમી અને આઠમી ઑગસ્ટે એક મીટિંગમાં સરકારને આખરીનામું આપવાનું નક્કી કરી લીધું અને નવમીથી ‘ભારત છોડો’ આંદોલન શરૂ કરવાની તૈયારી કરી લીધી.
નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થાય તે પહેલાં સરકારે ‘ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી “તરીકે ઓળખાતાં સંગઠનો”ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં. તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી. એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું. ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ, વિઠ્ઠલ સદન, સરોજિની કુટિર, દાદાભાઈ મંઝિલ, જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો.
ગાંધીજી સહિત બધા નેતાઓની આગલી મધરાતે જ ધરપકડ કરી લેવાઈ અને ટ્રેનમાં બેસાડી દેવાયા. ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા. પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ. એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના DIGએ એમને અટકાવ્યા. નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ. સરવાળે, ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ.
આ બાજુ, સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા (પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું). પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી. ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં; એમણે ત્રિરંગો લહેરાવ્યો. ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો. દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા. મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા, તાર-ટેલીફોન લાઇનો કાપી નાખી, બે ટ્રેનોને સળગાવી નાખી. લખનઉ, કાનપુર, મુંબઈ, નાગપુર, અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી. બિહારમાં શાંતિ નહોતી, પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ. અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો. ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો. સરકારનો આરોપ હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે. તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી.
૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી. ચંદ્રકાન્ત ઝવેરી,અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું. શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી. ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં. કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા. પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું. અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું. ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ.
વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા. પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી, ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા.અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો. આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા.
સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી. જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં. ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા.
ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા. ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦,૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા. સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા. પરંતુ હિન્દુ-મુસ્લિમ રમખાણ ન થયાં. મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી. કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી.
એક ગુપ્ત AICCની ઑફિસ પણ શરૂ થઈ, એણે ‘કરો યા મરો’ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો. કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, એમ બધા વર્ગો માટે ભૂગર્ભ AICCએ જુદી જુદી અપીલો બહાર પાડી.
જયપ્રકાશ નારાયણ
૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર (હવે ઝારખંડ)ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા. ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા. જે. પી. સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા. જે. પી. માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે. એમણે “દેશમાં કોઈક સ્થળેથી” કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ‘ભારત છોડો’ આંદોલનને ફેલાવ્યું. સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે. પી. વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી.
તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ‘ફ્રીડમ બ્રિગેડ’ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા. સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે. પી. અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા.
જનતા સરકારો
યુક્ત પ્રાંતમાં બલિયા, ગઢવાલ, બિહારમાં મૂંગેર, મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી. એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી. લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું. જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી, ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી. લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ. ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ. પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા. તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા.
બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને ‘વિદ્યુત વાહિની’ બનાવી હતી; હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા. એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી, કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં, તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા.
૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી. એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા.
૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી. સતીશચંદ્ર સામંત એના પહેલા ‘સરમુખત્યાર’ બન્યા. તે પછીની ૨૬મી જાન્યુઆરીએ – કોંગ્રેસના સંકલ્પ દિને – સૂતાહાટા, નંદીગ્રામ, તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની. તામ્રલિપ્ત સરકારે ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી રોગો, મુલ્કી અને ફોજદારી કેસો, નિશાળો, સૈનિકો, પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં. આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી. ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું.
પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો. આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા. તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી.
‘ભારત છોડો’ આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી. નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું.
Xxx
સંદર્ભઃ
- Centenary History of Indian National Congress Vol.III
- ttps://www.mkgandhi.org/ushamehta.htm
- https://en.wikipedia.org/wiki/Usha_Mehta
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
શાંતિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂર્યદેવે વાદળોથી ઘેરાયેલા આકાશમાં હળવેકથી તેજ રેલાવાનો આરંભ કર્યો હતો. આસમાનમાં વાદળોનું સામ્રાજ્ય અને નીચે જંગલમાં ગીચ વૃક્ષોનું સામ્રાજ્ય, વચ્ચે વહેતી નદી અને એ સર્વથી અલિપ્ત નદીમાં ઊભેલા સૂર્યપૂજામાં લીન એક સંન્યાસી.
બે હાથ જોડીને જાણે ઈશ્વર સાથે વાત કરી રહ્યા હોય એમ મનોમન કહેતા હતા, “હે ઈશ્વર, તમે પ્રકાશમાન છો. તમે આ ધરતી પર ફેલાયેલા અંધકારના સંહારક છો. ધરતી પરનો અંધકાર તમે દૂર કરો છો, પણ ધરતી પર રહેતા માનવીઓનાં મનનો અંધકાર ક્યારે દૂર કરશો? ઘટ-ઘટમાં વસતા રામ એમનાં મનમાં ક્યારે દર્શન દેશે? વિશ્વાસ છે મને, આ વિશ્વમાં ફેલાયેલા અશાંતિના દાવાનળને તમે જ શાંત કરી શકશો. વિશ્વશાંતિ માટે હું મારું તપ, સુખ, સ્વર્ગ તમામ ન્યોછાવર કરવા તૈયાર છું પ્રભો, બસ આ વિશ્વમાં સુખ, શાંતિનું સામ્રાજ્ય ફેલાવી દો. હું એવી દુનિયા જોવા આતુર છું જ્યાં એક સસલું સિંહની પીઠ પર રમતું હોય, ગીધની ગોદમાં સાપ બેઠો હોય અને સૌ એક સમાન હોય.”
એ સમયે એક સમડી માળામાંથી ડોકું કાઢીને સૂર્ય તરફ જોઈ રહી હતી. સૂર્યદર્શનથી અતિ પ્રસન્ન સમડીનાં મનમાં મરઘીનાં નાનાં બચ્ચાંઓ રમી રહ્યાં હતાં. પાછળથી એની સોડમાં ભરાયેલા બચ્ચાં સામે વહાલથી નજર કરીને સમજ આપી.
“જાણું છું શિકારનો સમય થયો છે. થોડી વારમાં પાછી આવીશ. કાલે તું માળામાંથી નીકળવાં મથતું હતું, આજે ન કરીશ. તને ખબર નથી, તારી પાંખો હજુ કમજોર છે. દૂર આકાશમાંથી તારાં જેવાં નાનાં બચ્ચાંઓને હડપીને કૂંણું માંસ ખાવા કોઈકનું કોઈક તૈયાર જ છે. મારાં સમ છે તને, જો તું બહાર નીકળે તો. આજે તારાં માટે સરસ મઝાનું સાપોલિયું લેતી આવીશ.”
“સાપોલિયું એટલે?” બચ્ચાંએ પૂછ્યું.
“સાપોલિયું નાનું હોય એટલે સહેલાઈથી પકડી શકાય. મોટું થઈશ તો તું જાતે પકડી શકીશ.”
“સાપોલિયાને મા ન હોય, તું એને પકડીશ તો એની મા રોશે નહીં?”
સમડી મૌન થઈ ગઈ, પણ પછી બોલી.
“અરે, તું સાવ નાદાન છું. આપણી અને સાપની જાતિ અલગ છે. આપણું લોહી અલગ છે. એમની સાથે તો આપણી દુશ્મની છે.”
“દુશ્મની મતલબ?”
“સાપ સમડીનો વેરી હોય અને વેરીને તો મારી શકાય.”
“કેમ?”
“પેટ ભરવા.”
“આપણે બીજું કંઈક ખાઈ લઈએ તો?”
“સાવ ઘેલો… તારે તો પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો, ભૂલથી મારી કોખમાં આવી ગયો.” કહીને વહાલથી બચ્ચાને ચૂમીને એણે ગગન ભણી જવા વાયુયાનની જેમ પાંખ પસારી.
એ જ સમયે એક ભીલ પોતાની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈને બહાર નીકળ્યો. જતાં જતાં પોતાના દીકરાને પ્રેમથી પાસે લીધો,
“કાલે તું રંગબેરંગી ફૂલો લેવા દૂર દૂર સુધી ગયો હતો ને? આજે એવું કશું ના કરતો. જંગલમાં ઝેરી સાપ હોય. એનાથી બચીને રહેજે.
“અરે, પણ બાબા…..”
“પણ-બણ કંઈ નહીં, કાલે તારે મરઘીનું બચ્ચું જોઈતું’તું ને? આજે પકડીને લઈ આવીશ. નિરાંતે એની સાથે રમજે. મંજૂર?”
“કેમ, એને મા નહીં હોય?”
“પાગલ, મા વગર બચ્ચું ક્યાંથી હોય?”
“બસ તો બાબા, મારાં માટે બચ્ચું ના લાવતા. એને પકડશો તો એની મા રોશે. યાદ છે. કાલે જંગલમાં ભૂલો પડી ગયો’તો મા કેટલું રડી હતી? રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી.”
“તારે જંગલના પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો. ભૂલથી અહીં મારા ઘરમાં જનમ લીધો. અરે પાગલ, આપણી અને પંખીઓની જાત એક નથી. જા ભાગ અહીંથી અને જઈને તીર-કામઠાથી રમ.
દીકરાને સમજાવીને ભીલ તીર-કામઠું લઈને માતૃભૂમિની રક્ષા કરવા નીકળેલા સૈનિકની અદાથી આગળ વધ્યો. એ સમયે સાપનું બચ્ચું સાપણને કહેતું હતું, “ મા તડકો આકરો થઈ ગયો છે, ચાલને ઘેર પાછાં જતાં રહીએ.
“ના, થોડી વાર ઊભો રહે. પેલા ભીલનો આવવાનો સમય થયો છે. એને ડંખ્યા વગર મને ચેન નહીં પડે.”
“અરે, કાલે તને ભૂલથી ચગદી હશે. એટલી વાતનો આટલો ગુસ્સો કરવો સારો નહીં. હું તો કેટલીય વાર તારા શરીર પર કૂદકા મારું છું.”
“સાવ પાગલ છું દીકરા તું. તારે તો જંગલના પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો. ભૂલથી મારી પાસે આવ્યો.”
“તું એને ડંખીશ તો એનો દીકરો નહીં રડે?”
“ભલે રડતો. એથી મને શું ફરક પડશે? એમની અને આપણી જાત એક થોડી છે?”
ત્યાં તો સામેની ઝાડીમાંથી પાંદડાની સરસરાટ સંભળાઈ.
“હમણાં પળવારમાં આવી હું, તારું ધ્યાન રાખજે અને ઝાડી-ઝાંખરાંમાંથી બહાર ના આવતો. સમજ્યો?” કહીને પેટ પર સરકતી સાપણ આગળ વધી, જાણે વાંકાં-ચૂંકા રસ્તે સાગર તરફ નદી.
ભીલ સમડીનો માળો શોધવામાં મગ્ન હતો. આસ્તે આસ્તે સાપણ ભીલનો પીછો કરતી રહી. સહેજ ગગન તરફ નજર ગઈ તો એક સમડીને તીર ઝડપે જમીન તરફ ધસતી જોઈ. સાપણનાં રોમેરોમ કાંપી ઉઠ્યા. પાસેની ઝાડીમાં એ સંતાઈ. થોડી વારે જોયું તો સમડીએ પાછું ગગન ભણી પ્રયાણ કર્યું હતું. આજુબાજુ નજર કરી તો ભીલ પણ ન દેખાયો. એનું બચ્ચું એની પાછળ દોડી રહ્યું છે એની જાણ વગર હવે એણે ગુસ્સાભેર ભીલને શોધવા આમતેમ ભટકવા માંડ્યું. ભીલનો દીકરો પણ બાપનું અનુસરણ કરીને પાછળ ફરી રહ્યો હતો. સમડીનું બચ્ચું આકાશને આંબવાના આકર્ષણને લઈને માળામાંથી કૂદી પડ્યું હતું.
મા-બાપની શીખ છતાં સ્વચ્છંદતા જીવનક્રમની અભિન્ન પરંપરા બની જ રહી છે ને!
અચાનક એક સાથે ત્રણ ઘટના બની. સમડીનું બચ્ચું ભીલની નજરે પડ્યું. ધનુષમાંથી તીર છૂટ્યું. એ જ વખતે સાપણ ભીલને ડંખી. સમડીએ સાપનાં બચ્ચાંને ઝડપી લીધું
શાંતિના પરમ ઉપાસક સંન્યાસી સૂર્યપૂજાથી પરવારીને પર્ણકુટી તરફ પ્રયાણ આદર્યું ને દૂરથી સમડી, સાપ અને આદમીને એકબીજાની પડખે સૂતેલા જોઈને સજીવો વચ્ચે બંધુત્વની એમની ઇચ્છા પરિપૂર્ણ થઈ હોય એમ પોતાની સાધના-સિદ્ધિ માટે આનંદ થયો. જાણે એમની પ્રાર્થનાનો સ્વીકાર થયો.. ન તો સાપને સમડીનો ડર, ન માનવને સાપનો ડર. કેટલું સુંદર, મંગળ એ દૃશ્ય હતું!
બે હાથે ઈશ્વરને એ વંદી રહ્યા, “ધન્ય પ્રભો, નિશ્ચિત આ મારી તપસ્યાનો જય છે. તમારી લીલા અગાધ છે, અપાર છે.”
એમણે આગળ કદમ ઉઠાવ્યા અને ચમક્યા. એક આદમીની જોડે સમડી અને સાપનાં બચ્ચાંનાં શબ જોઈને એમનાં રોમેરોમ કાંપી ગયા. હાથમાંથી કમંડળ વછૂટી ગયું. હવે ગગન તરફ જોવાનું સાહસ ન રહ્યું. એમની આંખો જાણે ધરતીમાં સમાઈ જવું હોય એમ નમી પડી અને ધીમે-ધીમે વહેવા માંડી.
વિષ્ણુ સખારામ ખાંડેકર લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કુવેમ્પુ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત હિમાંશી શેલતને વેબ ગુર્જરી વતી હાર્દિક અભિનંદ
ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષ ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત હિમાંશીબહેન શેલતના નામથી ગુજરાતી વાચક અજાણ ન જ હોય.
હિમાંશીબહેનનો જન્મ સુરતમાં થયો. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને તેમણે ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. ૧૯૬૮ થી તેમણે સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય સંભાળ્યું.૧૯૯૫માં ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન થયા.
દક્ષિણ ગુજરાતનાં ‘આધુનિકોત્તર સ્ત્રી વાર્તાકાર’ તરીકે ખ્યાતિ પામેલાં હિમાંશીબહેન નવલકથાકાર, ચરિત્રકાર, વિવેચક તો છે જ સાથે તેમણે નાટક, અનુવાદ, કવિતા સહિત સાહિત્યના મુખ્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.
હિમાંશીબહેન શેલતની એક વધુ નોંધપાત્ર સિદ્ધિ વિશે વાત કરીએ તે પહેલાં એમનાં સાહિત્ય સર્જન પર એક નજર…
* આઠ ટૂંકી વાર્તાસંગ્રહ.
* ‘આઠમો રંગ’-નવલકથા.
* ‘મુક્તિ-વૃતાંત’ આત્મકથા.
* ‘અંતર છબી’ અને ‘પહેલો અક્ષર’ જેવાં સંપાદન.
* ‘વિક્ટર’ તથા ‘સ્વામી અને સાંઈ’ જેવા નિબંધો જેમણે ગુજરાતી સાહિત્યને આપ્યાં છે એ હિમાંશીબહેન શેલત ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહી ચૂક્યાં છે. સાહિત્ય સર્જનની સાથે સાથે સમાજસેવા ક્ષેત્રે પણ એમનું યોગદાન નોંધપાત્ર છે.
હિમાંશીબહેનની વાર્તાઓમાં નારીગૌરવ અને સામાજિક દાયિત્યની ભાવના સવિષેશ જોવા મળે છે. કદાચ એનાથી જ એમનાં વ્યક્તિત્વ અને સર્જનની નોખી ભાત ઉપસે છે. ગુજરાતી લેખિકા દ્વારા ભાગ્યે જ આત્મકથાઓ મળી છે ત્યારે હિમાંશીબહેનની આત્મકથા ‘મુક્તિવૃત્તાંત’ સવિશેષ કહી શકાય.
ધૂમકેતુ, સરોજ પાઠક, કર્ણાટકનો નંજનગુડુ થીરૂમલમ્બા શાશ્વતી એવોર્ડ, જયંત ખત્રી-બકુલેશ પુરસ્કાર( વીનેશ અંતાણી સાથે સરખે ભાગે), ઉમાશંકર જોશી જેવા પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિમાંશીબહેને ૨૦૦૧ પછી કોઈ પણ પારિતોષિક નહીં સ્વીકારવાનો નિર્ણય લઈને નવા સર્જકો માટે આગળ વધવાની તક ઊભી કરી.
હિમાંશીબહેને ભલે પારિતોષિક ન સ્વીકારવાનો નિર્ણય કર્યો, પરંતુ પારિતોષિક પ્રાપ્ત થાય એવું સર્જન કરવામાં વિરામ નથી લીધો.
માટે જ અત્રે પ્રત્યેક ગુજરાતી વાચક, ભાવકને આનંદ અને ગૌરવ થાય એવી સોનામાં સુગંધ જેવી એક વાતનો ઉલ્લેખ..
સુખ્યાત કન્નડ સાહિત્યકાર કુવેમ્પુની સ્મૃતિમાં રચાયેલ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૩ થી દર વર્ષે ભારતીય ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જકને ‘કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં રજતચંદ્રક, પ્રશસ્તિપત્ર અને પાંચ લાખ રોકડનો સમાવેશ કરવામાં આવે છે.
વર્ષ/ ૨૦૨૪ ના આ કુવેમ્પુ રાષ્ટ્રીય એવોર્ડથી હિમાંશીબહેનને સન્માનિત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પુરસ્કારથી ગુજરાતી ભાષાનું પણ સન્માન થશે એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
ગુજરાતી ભાષાનાં આવાં નોખા-અનોખા સર્જક હિમાંશી શેલતને વેબ ગુર્જરી તરફથી ખોબલે ખોબલે અભિનંદન.
રાજુલ કૌશિક
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં ડિસેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for December 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૮૪. સાવન કુમાર ટાક
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નિર્માતા, નિર્દેશક અને ગીતકાર સાવન કુમાર ટાક ( ૧૯૩૬ – ૨૦૨૨ ) એમના ગીતો અને ફિલ્મો કરતાંય વિશેષ એમના પ્રેમ પ્રકરણોને કારણે વધુ ચર્ચામાં રહ્યા.
એમની સર્જેલી સફળ ફિલ્મો એટલે સાજન બિના સુહાગન, સૌતન, સૌતન કી બેટી, સનમ બેવફા, બેવફા સે વફા વગેરે.
નિર્માતા તરીકે એમણે ૧૯૬૭ ની ફિલ્મ ‘ નૌનિહાલ ‘ થી અભિનેતા સંજીવ કુમારને બ્રેક આપ્યો. એમનું આ ફિલ્મી નામ પણ સાવન કુમારની જ શોધ. નિર્દેશક તરીકે એમની પહેલી ફિલ્મ હતી ૧૯૭૨ ની ‘ ગોમતી કે કિનારે ‘ જે અભિનેત્રી મીના કુમારીની આખરી ફિલ્મ બની રહી.
પછીના ગાળામાં એમણે સર્જેલી મોટા ભાગની ફિલ્મોના ગીતો પણ એમણે જ લખ્યા. એમના ગીતલેખનમાં લોકપ્રિયતા માટેના બધા જ અંશ હતા. એમના કેટલાંક જાણીતા ગીતોના મુખડાં જ એમની લોકપ્રિયતાની ગવાહી આપશે. ‘ તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ ‘ ( હવસ ), ‘શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ ‘ ( સૌતન ), ચૂડી મઝા ન દેગી ( સનમ બેવફા ), અલ્લાહ કરમ કરના ( સનમ બેવફા ), ‘ ઝિંદગી પ્યાર કા ગીત હૈ ‘ ( સૌતન ) અને ‘ બરખા રાની ઝરા જમ કે બરસો ‘ ( સબક ). રાકેશ રોશનની સુપર હીટ ફિલ્મ ‘ કહો ના પ્યાર હૈ ‘ ના કેટલાંક ગીતો એમણે લખેલાં. ( પ્યાર કી કશ્તી મેં લહરોં કી મસ્તી મેં )
સંગીતકાર ઉષા ખન્ના સાથે એમણે લગ્ન કરેલા.
એમણે કુલ પચાસ ઉપરાંત ગીતો લખ્યાં. એમાંની બે ગઝલો પેશ છે :
વો જિધર દેખ રહે હૈં સબ ઉધર દેખ રહે હૈં
હમ તો બસ દેખને વાલોં કી નઝર દેખ રહે હૈંકિસી કે આને સે રૌનક હૈ આજ મેહફિલ મેં
હમ તો બસ શામ સે ખુશિયોં કી સહર દેખ રહે હૈંબહોત ખરાબ હૈ ગૈરોં સે બાત કરતે હૈં
એ જી સુનિયે હમ ઈધર હૈં, ક્યા ઉધર દેખ રહે હૈં..– ફિલ્મ : સબક ૧૯૭૩
– સુમન કલ્યાણપૂર
– ઉષા ખન્નાકહાં થે આપ ઝમાને કે બાદ આએ હૈં
મેરે શબાબ કે જાને કે બાદ આએ હૈંમેરે હુઝૂર બતાઓ મેરી ખતા ક્યા હૈ
ભરી બહાર કે જાને કે બાદ આએ હૈંગિરાના થા તો ફલક સે હમેં ગિરા દેતે
નઝર સે હમકો ગિરાને કે બાદ આએ હૈંવો જિનકે પ્યાર મેં સદિયાં ગુઝાર દીં હમને
હરેક ખ્વાબ જલાને કે બાદ આએ હૈં..– ફિલ્મ : સૌતન કી બેટી ૧૯૯૦
– લતા
– વેદપાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
માહિતી સામગ્રી આધારિત નિર્ણયો આપણને એક ડગલું આગળ રાખી શકે છે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ

સફળ અગ્રણીઓ અને બ્રાન્ડ્સને સમજાઈ ચૂક્યું છે કે માહિતી-સામગ્રી આધારિત નિર્ણય પ્રક્રિયા વડે એક ડગલું આગળ રહી શકાય છે.
એવું શી રીતે તેઓ કરી શકે છે ?
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે એ લોકો પોતાના વ્યવસાયને લગતી ચોક્કસ માહિતી સામગ્રી એકઠી કરવા બાબતે બહુ સક્રિય રહેતાં હોય છે.
માહિતી-સામગ્રી આધારિત નિર્ણય પ્રક્રિયા આટલી બધી ચર્ચામાં શા માટે હશે?
માહિતી સામગ્રીને કારણે ચોકસાઇ અને સ્પષ્ટતા શકી બને છે, જેને લેવાતા નિર્ણયો અસરકારક બની રહે છે માહિતી સામગ્રીની સમજનું મહત્ત્વ વાર્તાઓ કે વ્યક્તિગત પ્રોજેક્ટ્સ કરતાં ગણવામાં આવે છે.
અને તેના પર પાછું છોગું એ ચડે કે માહિતી સામગ્રીનો આધાર મળે એટલે આપણી કોઠાસૂઝ અને વ્યક્તિગત અનુભવો સંસ્થા તેમજ વ્યક્તિઓ માટે અદભુત પરિણામો લાવી શકવા સક્ષ્મ બની જાય છે.
જોકે અસરકારક માહિતી સામગ્રી પર આધારિત સંસ્થા બનવા માટે સંસ્થા પાસે માહિતી સામગ્રી એકઠી કરવા વિશેની સ્પષ્ટ સમજ અને ઉપયોગ કરવા માટે ઉચિત સજ્જતા હોવાં ખૂબ જરૂરી છે.
તમે અને તમારી સંસ્થા માહિતી સામગ્રીનો નિર્ણય પ્રક્રિયા માટે બરાબર ઉપાયોગ કરી શકો છો? જો તેમ ન થતું હોય તો માહિતી સામગ્રી નિર્ભર થવાના કેટલાક ફાયદાઓનાં મહત્વને યાદ કરી લઈએ:
૧. વધારે વિશ્વસ્ત થવાશે
સંસ્થાની વર્તમાન પરિસ્થિતિ પર આપણા નિર્ણયની ભવિષ્યમાં કેવી અસર પડી શકે છે તે સમજવામાં માહિતી સામગ્રી મદદરૂપ થાય છે.
૨. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની સમયસૂચકતા જળવાશે
યોગ્ય નિર્ણયો અને કાર્યપ્રણાલીઓ અપનાવવાથી નિર્ણયો યોગ્ય સમયે લેવાતા થાય છે. પરિણામે હરીફો કરતાં પહેલાં તક ઝડપી લઈ શકાય છે અને જોખમોની સંભાવના ગંભીર બને તે પહેલાં તેને ટાળી શકવું કે અસર ઓછી કરવાનું શક્ય બની શકે છે.
૩. બિનજરૂરી ખર્ચા ટાળી શકાય છે.
કોઈ પણ પ્રક્રિયા જોડે સંકળાયેલ લોકો એક સાંકળમાં જોડાયેલી કડીઓ તરીકે કામ કરી શકે છે જેને કારણે સમય, શક્તિ અને સંસાધનોનો નિરર્થક વ્યય ટાળી શકાય છે.
આજની વાત તમને ઉપયોગી થશે?
તમારી સંસ્થા અને કામના સંદર્ભમાં માહિતી સામગ્રી આધારિત થવાના કયા કયા ફાયદાઓ તમને અહી બધાં સાથે વહેંચવાનું ગમશે?
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
