-
માહિતી સામગ્રી આધારિત નિર્ણયો આપણને એક ડગલું આગળ રાખી શકે છે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ

સફળ અગ્રણીઓ અને બ્રાન્ડ્સને સમજાઈ ચૂક્યું છે કે માહિતી-સામગ્રી આધારિત નિર્ણય પ્રક્રિયા વડે એક ડગલું આગળ રહી શકાય છે.
એવું શી રીતે તેઓ કરી શકે છે ?
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે એ લોકો પોતાના વ્યવસાયને લગતી ચોક્કસ માહિતી સામગ્રી એકઠી કરવા બાબતે બહુ સક્રિય રહેતાં હોય છે.
માહિતી-સામગ્રી આધારિત નિર્ણય પ્રક્રિયા આટલી બધી ચર્ચામાં શા માટે હશે?
માહિતી સામગ્રીને કારણે ચોકસાઇ અને સ્પષ્ટતા શકી બને છે, જેને લેવાતા નિર્ણયો અસરકારક બની રહે છે માહિતી સામગ્રીની સમજનું મહત્ત્વ વાર્તાઓ કે વ્યક્તિગત પ્રોજેક્ટ્સ કરતાં ગણવામાં આવે છે.
અને તેના પર પાછું છોગું એ ચડે કે માહિતી સામગ્રીનો આધાર મળે એટલે આપણી કોઠાસૂઝ અને વ્યક્તિગત અનુભવો સંસ્થા તેમજ વ્યક્તિઓ માટે અદભુત પરિણામો લાવી શકવા સક્ષ્મ બની જાય છે.
જોકે અસરકારક માહિતી સામગ્રી પર આધારિત સંસ્થા બનવા માટે સંસ્થા પાસે માહિતી સામગ્રી એકઠી કરવા વિશેની સ્પષ્ટ સમજ અને ઉપયોગ કરવા માટે ઉચિત સજ્જતા હોવાં ખૂબ જરૂરી છે.
તમે અને તમારી સંસ્થા માહિતી સામગ્રીનો નિર્ણય પ્રક્રિયા માટે બરાબર ઉપાયોગ કરી શકો છો? જો તેમ ન થતું હોય તો માહિતી સામગ્રી નિર્ભર થવાના કેટલાક ફાયદાઓનાં મહત્વને યાદ કરી લઈએ:
૧. વધારે વિશ્વસ્ત થવાશે
સંસ્થાની વર્તમાન પરિસ્થિતિ પર આપણા નિર્ણયની ભવિષ્યમાં કેવી અસર પડી શકે છે તે સમજવામાં માહિતી સામગ્રી મદદરૂપ થાય છે.
૨. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની સમયસૂચકતા જળવાશે
યોગ્ય નિર્ણયો અને કાર્યપ્રણાલીઓ અપનાવવાથી નિર્ણયો યોગ્ય સમયે લેવાતા થાય છે. પરિણામે હરીફો કરતાં પહેલાં તક ઝડપી લઈ શકાય છે અને જોખમોની સંભાવના ગંભીર બને તે પહેલાં તેને ટાળી શકવું કે અસર ઓછી કરવાનું શક્ય બની શકે છે.
૩. બિનજરૂરી ખર્ચા ટાળી શકાય છે.
કોઈ પણ પ્રક્રિયા જોડે સંકળાયેલ લોકો એક સાંકળમાં જોડાયેલી કડીઓ તરીકે કામ કરી શકે છે જેને કારણે સમય, શક્તિ અને સંસાધનોનો નિરર્થક વ્યય ટાળી શકાય છે.
આજની વાત તમને ઉપયોગી થશે?
તમારી સંસ્થા અને કામના સંદર્ભમાં માહિતી સામગ્રી આધારિત થવાના કયા કયા ફાયદાઓ તમને અહી બધાં સાથે વહેંચવાનું ગમશે?
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
અસરકારક સંચાલન : પાંચ મહત્વનાં કૌશલ્ય
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
અસરકારક રીતે સંચાલન કરવું એ કોઈ એક માત્ર કૌશલ્ય નહીં, પરંતુ વિવિધ કૌશલ્યોનું સંમિશ્રણ છે. મનુષ્ય તરીકે આપણી પાસે રહેલી વિવિધ પ્રકારની બુદ્ધિનું એવું સંયોજન છે જે તેને એક કળા અને હુન્નર બનાવે છે.
શું તમે એવા મેનેજરને જોયા છે જે ટેકનિકલ ક્ષેત્રોમાં અત્યંત કુશળ હોય પરંતુ અન્યો પ્રત્યે સમાનુભૂતિનો અભાવ હોય? અથવા તે જે ખૂબ જ લોકાભીમુખી હોય પરંતુ લક્ષ્યો પર ધ્યાન આપવાની બાબતે ઉણા પડતાં હોય?
જો તમે સંસ્થામાં કોઈપણ સ્તરે મેનેજર છો (કે મહત્વાકાંક્ષી છો), તો અહીં એવાં કેટલાંક સૌથી મહત્વપૂર્ણ કૌશલ્યો રજૂ કર્યાં છે જેના પર કામ કરતા રહેવાનું ધ્યાન બહાર ના જવું જોઈએ:
તકનીકી નિપુણતા:
વિષયની વ્યાપક સમજ (મેટા-કોગ્નિશન – વિશેષ સમજશક્તિ), કાર્ય પૂર્ણ કરવા માટે આવશ્યક વિવિધ ઘટકો, તે ઘટકો વચ્ચેની કડીઓ, તકનીકી જાગૃતિ અને સમસ્યા હલ કરવાની કુશળતા.
વિશ્લેષણાત્મક બુદ્ધિ:
તથ્યો એકત્રિત કરવાની ક્ષમતા, સંખ્યાઓમાંથી લક્ષ્યોને સમજવાં, માહિતીસામગ્રીમાંથી માહિતી તારવવાની કળા, માપવાની, વલણો જોવાની, પરિણામોની આગાહી કરવાની, મૂળ કારણ પર જવાની અને તથ્યોના આધારે નિર્ણય લેવાની ક્ષમતા.
લોકોની પરખ:
લોકોને સમજવાં (અને તેઓ શું માને છે), સમાનુભૂતિપૂર્વકનું વર્તન, તેમને પ્રોત્સાહિત કરો, તેમને લક્ષ્યો સાથે સાંકળો, વિશિષ્ટ તાલીમ અને માર્ગદર્શન આપો, સકારાત્મક પ્રભાવ બનાવો, આંતર-વ્યક્તિગત ગતિપ્રવાહો સમજો, સંવાદ કરતાં રહો (અને એકમેકના સુર મેળવો ) અને મૌખિક/બિન- મૌખિક સંચારવ્યવસ્થા ગોઠવો.
કામ સાથે જોડાયેલ બાબતોની સમજ :
એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની સાંકળ તરીકે કાર્યને સ્પષ્ટ કરવાની ક્ષમતા, વિગતવાર આયોજન, પ્રક્રિયાનો સતત તાલમેલ, સુધારવું, વ્યય ખોલી શકવો (અને તેને દૂર કરવો), ટીમોને પ્રક્રિયા માટેના મંચનું પ્રદાન કરવું, નિયમતપણે થવી જ જોઈએ એવી વિધિઓ સ્પષ્ટ કરવી, દરેક વસ્તુની સમીક્ષા કરવી, સ્પષ્ટતા કરવી અને અપેક્ષાઓનું સંચાલન કરવું.
વિશાળ ફલક પરના ચિત્રને જોઈ શકવાની વૈચારિક ક્ષમતા (‘બિગ પિક્ચર’ થિંકિંગ):
સમગ્ર ચિત્રને જોવાની અને તેના ભાગોને કલ્પનામાં મૂર્ત કરવાની ક્ષમતા, પરિવર્તનની અસરોની કલ્પના કરવી, નવી શક્યતાઓને ઓળખવી, વિચારોને સંસ્થાના દૂરગામી ધ્યેય સાથે સાંકળવા, જરૂરી ફેરફારો/પ્રવાહોને ઓળખવા/પહેલેથી જોઈ શકવા, ભવિષ્યને સ્પષ્ટ કરવું, દૂરગામી ચિત્રને સ્પષ્ટતાથી સમજાવી શકવાની કળા, પ્રયોગશીલ બનવું અને અસ્પષ્ટતા સાથે અનુકૂલન સાધવું.
——– ——– ——–
સ્વપરિક્ષણ :
તમે કયાં કૌશલ્ય ક્ષેત્રો ઉમેરવા માંગશો?
શું તમે ઇન્ટરવ્યુ કરતી વખતે આ કૌશલ્ય ક્ષેત્રો વિશે સભાનપણે તપાસ કરો છો??
આ કૌશલ્યોને વધુ સારી રીતે સમજવા માટે તમે મેનેજર તરીકે આજે શું કરી રહ્યા છો?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
જીવન-પ્રવાહ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
જગત સમ્રાટ સિકંદર, વિશ્વ વિજેતા સિકંદર, અઢળક સંપત્તિનો દાવેદાર સિકંદર જીવ્યો ત્યાં સુધી જીતવાની ખેવનામાં જ રહ્યો પણ માત્ર મેળવવાની જ જીદથી પણ એ શું પામ્યો? અને જ્યારે એના જીવનની અંતિમ પળો આવી ત્યારે એણે પોતાના જનાજાની બહાર ખુલ્લી હથેળી રાખીને એને દફન કરવાનું કહીને વિશ્વને એક અર્થપૂર્ણ સંદેશ આપતો ગયો.
“ખુલ્લી હથેળી રાખીને જીવો જીગતમાં આવતા,
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા
યૌવન ફના, જીવન ફના, જર અને જગત પણ છે ફના”એ વાત સાથે એક બીજી વાત અહીં યાદ આવી.
જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો સમુદ્ર મૃત સમુદ્ર તરીકે ઓળખાય છે. ખરેખર તો આ એક વિશાળ તળાવ છે જેમાં ૩૫ ટકા જેટલો ક્ષાર છે એટલે એમાં નથી કોઈ દરિયાઈ વનસ્પતિ ફાલી શકતી કે નથી કોઈ જીવ રહી શકતા. હા! એટલું ખરું કે એમાં રહેલી ખારાશના વધુ પડતા પ્રમાણને લીધે એમાં માનવશરીર કોઈ આયાસ વગર તરી શકે છે.
જ્યારે આ મૃત સરોવરની ઉત્તરે ગેલિલોનો સમુદ્ર છે. આ બંને સમુદ્રમાં જોર્ડન નદીનું જ પાણી ભળે છે પરંતુ બે અંતિમ છેડાનો ફરક છે. મૃત સમુદ્રમાં જીવન શક્ય જ નથી જ્યારે ગેલેલિના સમુદ્રમાં અઢળક દરિયાઈ જીવ વસે છે.
એક જ વિસ્તાર, બંનેમાં મળતા-ભળતા પાણીનું વહેણ પણ એક સમાન તેમ છતાં આટલો વિરોધાભાસ શાને? એક જીવનથી છલોછલ અને બીજો નિર્જીવ.
કારણ માત્ર એ છે કે જોર્ડન નદીનું પાણી ગેલિલોના સમુદ્રમાં એક તરફથી પ્રવેશીને બીજી તરફ બહાર વહી જાય છે જેના લીધે આ સમુદ્રમાં જીવન શક્ય છે. જ્યારે બીજી બાજુ દરિયાઈ સપાટીથી નીચે આવેલા આ મૃત સમુદ્રમાં પાણીનું વહેણ તો છે જ પરંતુ એને બહાર નિકળવાનો કોઈ અવકાશ નથી. આ સમુદ્રના પાણીનું બાષ્પીભવન તો થયે જ રાખે છે એટલે બાષ્પીભવન થયેલું પાણી પાછળ માત્ર ક્ષાર છોડતું જાય છે અને સતત ખારાશમાં ઉમેરો થયે રાખતા એમાં જીવન શક્ય નથી.
સિકંદરની જેમ માત્ર પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ આવા જ મૃત સમુદ્ર જેવી સંગ્રહી નથી બની જતી? મૃત સમુદ્રમાં રહેલી ખારાશના લીધે જેમ માનવશરીર આયાસ વગર તરી શકે એમ વ્યક્તિનો અહમ એને તરતો પણ રાખશે જ પણ એના બળે જીવેલું જીવન સિકંદરના શબ્દોમાં ફના ન કહેવાય?
જીવનનું નામ છે આપવું એટલે પામવું..એ આપવા- પામવાની વાત માત્ર ધન સંપત્તિ સાથે જ નથી. જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આ તમામ પેલા મૃત સમુદ્રના પાણીની જેમ પોતા પુરતા રાખવાથી સ્થગિત થઈ જશે. જ્યારે ધન-સંપત્તિ, જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આપવા-વહેંચવાથી અન્યની સાથે આપણું જીવન પણ જીવંત બની જશે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
શયતાનનો આશ્રય ધર્મસ્થાનમાં હોઈ શકે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
બનવું શરમજનક છે, લગભગ સર્વત્ર બને છે એ આશ્ચર્યજનક છે, અને એ શાથી અટકતું નથી એ વિચારપ્રેરક છે. આજકાલ ઈન્ગ્લેન્ડસ્થિત ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’ એક ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ ધર્મસંસ્થાન ઈંગ્લેન્ડ અને ક્રાઉન ડિપેન્ડન્સીઝ તરીકે ઓળખાતા ત્રણ પ્રદેશોમાં સ્થપાયેલું ‘ક્રિશ્ચીયન ચર્ચ’ છે. ‘ક્રિશ્ચીયન ચર્ચ’ એ ખ્રિસ્તી ધર્મની અલાયદી ધર્મસંસ્થા છે. ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’ એ એન્ગ્લિકન પરંપરાનું મૂળ પણ ખરું. આ પરંપરામાં સુધારાવાદી અને કેથલિક એમ બન્ને વિચારધારાઓનું સંયોજન છે. આ સંસ્થાનના વડા ‘આર્ચબિશપ ઑફ કેન્ટરબરી’ તરીકે ઓળખાય છે. તેઓ ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’ તેમજ સમસ્ત એન્ગ્લિકન સમુદાયના વડા ગણાય છે. સમગ્ર ઈન્ગ્લેન્ડમાં આ સમુદાયનાં ૨૩૧ વિસ્તારોનાં કુલ ૩૨૭ ચર્ચ ઊપરાંત ૧૦૩ ચર્ચશાળાઓ અને એક યુનિવર્સિટીનો તેમના અધિકારક્ષેત્રમાં સમાવેશ થાય છે. વર્તમાન ‘આર્ચબિશપ ઑફ કેન્ટરબરી’ તરીકે હોદ્દો શોભાવતા જસ્ટિન વેલ્બીને રાજીનામું આપવાની ફરજ પડી છે, અને તેથી તેઓ સમાચારોમાં છે. આર્ચબિશપ ઊપરાંત અન્ય વરિષ્ઠ હોદ્દેદારો પણ પોતાનો હોદ્દો ત્યાગે એવી જોરશોરથી માંગ થઈ રહી છે. આનું કારણ શું?
આ વિવાદના મૂળમાં ૨૦૨૪માં પ્રકાશિત થયેલો, ૨૫૩ પાનાંનો એક અહેવાલ છે, જે જહોન સ્મિથ નામના એક વરિષ્ઠ બેરિસ્ટર વિશેનો છે. કર્મકાંડોને બદલે પ્રભુ ઈસુ અને બાઈબલમાં આસ્થા ધરાવનાર ઈવેન્જેલિકલ ખ્રિસ્તી એવા સ્મિથનું અવસાન ૨૦૧૮માં થઈ ચૂક્યું છે. તેમણે અનેક બાળકો અને યુવાનોનું જાતીય શોષણ કર્યું હતું. આ દુષ્કૃત્યો માટે તેમણે ધર્મસંસ્થાઓનું ઓઠું લીધું હતું. ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકાઓ દરમિયાન ઈન્ગ્લેન્ડના ડોર્સેટ શહેરમાં અને એ પછીના સમયગાળામાં ઝિમ્બાબ્વે તેમજ દક્ષિણ આફ્રિકામાં યોજાતા ક્રિશ્ચિયન સમર કેમ્પમાં તેઓ પોતાના ‘શિકાર’ને પસંદ કરતા અને પછી તેની પર તૂટી પડતા. એ લોકોને સ્મિથ એટલી બેરહેમીથી અને વારંવાર ફટકારતા કે એને લઈને પડેલા ઘાને રુઝાતાં દિવસો લાગી જતા.
૨૦૧૮માં સ્મિથનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમની પર કશી કાનૂની કાર્યવાહી થઈ નહોતી. ઝિમ્બાબ્વેમાં ગાઈડ ન્યાચુરુ નામના સોળ વર્ષના એક યુવાનના આકસ્મિક અવસાન બાબતે તેમની સામે કેસ નોંધાયેલો, જેનું ફીંડલું વળી ગયેલું.
વર્તમાન આર્ચબિશપ વેલ્બીએ બારેક વર્ષ અગાઉ હોદ્દો સંભાળ્યો એ પછી છેલ્લા પચાસ કરતાંય વધુ વરસોથી ચાલી આવતી જાતીય, માનસિક અને આધ્યાત્મિક સતામણી અંગે તૈયાર કરાયેલા કેટલાય વિગતવાર અહેવાલો તેમની નજર હેઠળ આવ્યા છે. આર્ચબિશપે ચર્ચની નિષ્ફળતા બાબતે વારંવાર માફી માગી છે, અને તેમના કાર્યકાળ દરમિયાન કરોડો પાઉન્ડ ‘સલામતી’ના નામે ઠલવાતા રહ્યા છે.
દિવંગત જહોન સ્મિથની ભયાનક ક્રૂરતા પ્રકાશમાં આવ્યા પછી પણ ચર્ચ તરફથી કાં તેની અવગણના કરાતી રહી છે, કાં માફી માગીને મામલો થાળે પાડવાનો અભિગમ અપનાવાયો છે. લંડનની કિંગ્સ કૉલેજનાં મોરલ એન્ડ સોશ્યલ થીઓલૉજી (નૈતિક અને સામાજિક ધર્મશાસ્ત્ર)નાં પ્રાધ્યાપિકા લીન્ડા વુડહેડના જણાવ્યા મુજબ ચર્ચના ઢાંકપિછોડા અને સ્મિથની વૃત્તિનો શિકાર બનેલાઓ જે જીવનભરની માનસિક યાતનાઓમાંથી પસાર થઈ રહ્યા છે એ જોતાં ‘ચર્ચ ઑફ ઈન્ગ્લેન્ડ’ માટે અસ્તિત્વની કટોકટી આવી ગઈ છે, હજી આગામી સમયમાં અનેક સંકટનો સામનો તેણે કરવાનો આવશે, પણ આ ક્ષણ ખરેખરી કટોકટીની છે.
સાપ્તાહિક સમાચારપત્ર ‘ધ ક્રિટીકલ ફ્રેન્ડ’ના ટીમ વાયટના જણાવ્યા અનુસાર, ‘પોતાનાં જ કરતૂતો માટે આર્ચબિશપે રાજીનામું ધરવું પડે એ અભૂતપૂર્વ ઘટના છે. એનાથી ધર્મસંસ્થાને જોરદાર આંચકા આવશે. હવે અનેક વરિષ્ઠ હોદ્દેદારો અને બિશપના માથે તલવાર તોળાઈ રહી છે. આર્ચબિશપનું રાજીનામું કદાચ ગઢમાંથી ખરેલો પહેલો કાંકરો હશે.’ વાયટ કહે છે કે, ‘બિશપ, અન્ય હોદ્દેદારો અને વરિષ્ઠ સ્વયંસેવકો શોષક તરીકે ઊભર્યા છે, અને ચર્ચવાળા કેટલાક કિસ્સાઓ અંગે જાણતા હતા. તેઓ એને રોકવામાં કે પોલિસને ફરિયાદ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોઈ પણને જવાબદાર ન ઠેરવાવાના ચર્ચના વલણને લઈને ચર્ચમાં જનારાઓ અને સતામણીનો ભોગ બનેલાઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. વરસોથી દબાઈ રહેલો આક્રોશ હવે જ્વાળામુખીની જેમ ફાટ્યો છે.’
આ મામલે આગળ શું થાય છે એ તો સમય કહેશે, કેમ કે, નવા નીમાતા આર્ચબિશપને પણ આ સમસ્યા વારસામાં મળશે. વિચારવાનો મૂળ મુદ્દો અલગ છે. ધર્મે જ્યારથી સંસ્થાગત રૂપ ધારણ કર્યું ત્યારથી શોષણ તેનું અભિન્ન અંગ બની રહ્યું હશે એમ લાગે છે. વ્યક્તિગત આસ્થા સામૂહિક બને અને એ સમૂહ સંગઠનનું, સંસ્થાનું રૂપ ધારણ કરે એ સાથે જ તે સત્તાનું કેન્દ્ર પણ બને છે. સત્તાનું કેન્દ્ર બનતાંની સાથે તેમાં એવાં તમામ દૂષણોનો પ્રવેશ થવા લાગે છે, જે સત્તાના કોઈ પણ કેન્દ્રની સાથે જોડાયેલાં હોય. આ કોઈ એક ચોક્કસ ધર્મ પૂરતી વાત નથી, બલકે સહુને લાગુ પડે છે. આમ છતાં, ધર્મસંસ્થાનું જોર કદી ઓસરતું જણાયું નથી. તે એક પ્રકારની આભાસી સલામતીનો અહેસાસ કરાવતી હોય એમ બને. ધર્મસંસ્થાના અનુયાયીઓમાં પ્રથમ નજરે ધાર્મિક કે આધ્યાત્મિક અભિગમ જોવા મળી શકે, પણ જ્યાં સત્તા, શોષણ કે નાણાંની વાત આવે કે આ અભિગમ ત્વચા જેટલો જ ઊંડો હોવાનો ખ્યાલ આવી જાય છે. એવી દલીલ પણ થતી રહે છે કે કોઈ એકલદોકલ વ્યક્તિને કારણે સમગ્ર સંસ્થાને બદનામ ન કરી શકાય. એ ભૂલી જવાય છે કે એ એકલદોકલ વ્યક્તિએ પોતાનાં કરતૂતો સંસ્થાના ઓઠા હેઠળ જ કર્યાં છે. સૌથી કરુણ બાબત તો આખા ઘટનાક્રમ પર ઢાંકપિછોડો કરવાના વલણની છે. એ જ સૂચવે છે કે સંખ્યાની રીતે બહુમત ધરાવતી આ સંસ્થાના પાયા કેટલા નબળા છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૭
વિશ્વના અનુપમ ઔષધીય બગીચાની વાન રીડ દ્વારા પ્રસ્તુતિ
લેખન-સંકલન : યાત્રી બક્ષી
વૈદિક અને વેદાંતના સમયમાં ભારતીય દ્વીપકલ્પમાં પ્રકૃતિનાં તમામ પાસાઓને સમજવા ઉકેલવાના પ્રયત્નો અને તેના દસ્તાવેજીકરણના પ્રારંભ અને વિકાસને અનુસરીને પશ્ચિમી ભૂમિ ભાગોમાં ગ્રીસ, રોમ અને તેના પછીના સમયગાળામાં યુરોપીય સભ્યતામાં પણ પ્રકૃતિને પામવા-પૃથ્વીને ખેડવા અનેક જિજ્ઞાસુઓએ સાહસ અને ગહન અભ્યાસો કર્યા. યુરોપીય દરિયાખેડુઓ અને પ્રકૃતિના અભ્યાસુઓ વાસ્તવમાં એક સામ્રાજ્યના વિસ્તાર અને સંસાધનોના દોહનના હેતુસર આ કેડીઓ ખેડવાની શરૂ કરતા અને પ્રકૃતિ તેનાં અગાધ રહસ્યો અને અનુપમ રચનાઓના આકર્ષણમાં જકડી લેતી. તેઓ સૌ માનવસમાજને બહુમૂલ્ય વૈજ્ઞાનિક માહિતીઓ આપી ગયા. એ જ સમયગાળા દરમ્યાન ભારતીય દ્વીપકલ્પમાં શું આ પ્રવૃત્તિ સદંતર સ્થગિત હશે ? આપણી મહામૂલ્યવાન સંપદા અને જાહોજલાલી શું આ પશ્ર્ચિમી સામ્રાજ્યોની નજરે નહોતી ચડી ?જ્યારે વિશ્વના નકશા પર યુરોપીય ખંડ વિશે માહિતીઓ એકત્ર થઈ રહી હતી ત્યારે ભારતમાં દક્ષિણી તટ પર અરબી સમુદ્ર તરફ ડચ અને પોર્ટુગલ વેપારીઓ અને સેનાઓ તથા બંગાળના અખાત તરફ ઇસ્ટ ઇન્ડિયા કંપની વેપારના નામે પ્રવેશી રહી હતી. વાસ્તવમાં આ તમામ વેપારી એજન્સીઓ સર્વેક્ષણ કરી આપણી પ્રાકૃતિક સંપદાના વેપારની સંભાવનાઓ ચકાસતી હતી.
આજે આપણે ફરી પાછા આપણા ભારતવર્ષમાં પશ્ર્ચિમી દુનિયાના બે એવા પ્રકૃતિના અભ્યાસુઓનો પરિચય મેળવીશું જેઓએ આદરેલા અભ્યાસો વિશે જાણવું જરૂરી છે. આજે બે અલગ અલગ સામ્રાજ્યોમાંથી ભારતની બે અલગ અલગ દિશાઓથી પગપેસારો કરી રહેલા બે એવા કર્નલોની વાત શરૂ થશે, જેમણે શોધખોળ કરી લાંબા ગાળે ભારતનાં દક્ષિણ અને ઉત્તરીય રાજ્યોની વનસ્પતિ પર વિશાળ ડેટા ઊભો કર્યો.
હેન્ડ્રિક એડ્રિયાન વાન રીડ ટોટ ડ્રેક્ધસ્ટાઈન એમ્સ્ટરડેમ ખાતે એપ્રિલ ૧૬૩૬માં ઉમરાવોના પરિવારમાં જન્મેલા પરંતુ બાળપણ ભાવનાત્મક પડકારો ભર્યું હતું. સાત બાળકોમાં સૌથી નાના હેન્ડ્રીકના પિતા તેઓ માત્ર ચાર વર્ષના હતા ત્યારે મૃત્યુ પામેલા અને ૧૪ વર્ષની વયે તેઓએ પરિવાર છોડી દેવો પડેલો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે તેમણે ડચ કંપનીની સેનામાં જોડાઈને ભારતના મલબાર દરિયા કાંઠે (આજના કેરળના દરિયા તટે) પોર્ટુગલની સામે સંઘર્ષમાં ફરજ બજાવી. આ સંઘર્ષે તેમના જીવન માટે એક ઉમદા હેતુ નિશ્ર્ચિત કર્યો. વેન રીડની ૧૬૫૬માં સેનામાં ભરતી થઈ, ૧૬૬૩માં કોચીનની ઘેરાબંધી દરમિયાન, હત્યારા સંબંધીઓથી કોચીનની જૂની રાણી ગંગાધરા લક્ષ્મીને સુરક્ષિત રાખવા આદેશ મળે છે. રાણીના બચાવને કારણે પ્રિય થયેલા વેન રીડ, કોચીનના અનુગામી રાજા સાથે પણ સૌહાર્દ- પૂર્ણ સંબંધો જાળવી રાખે છે અને ડચ કેપ્ટન તરીકે કોચીન રાજ્ય સાથે મધ્યસ્થી કરે છે. કોચીનના અનુગામી રાજા, વીર કેરળ વર્માને ડચ કંપની દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો અને વેન રીડને ‘રેગેડોર મેયોર’ અથવા કોચીન રાજ્યના પ્રથમ કાઉન્સિલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમ બહુ ઝડપથી તેઓ પ્રભાવશાળી વર્તુળમાં આગવું સ્થાન બનાવે છે. ૧૬૭૦માં તેમની મલબારના ડચ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી. ૧૬૬૯ અને ૧૬૭૬ સુધી તેઓએ કોચી ખાતે ડચ મલબારના ગવર્નર તરીકે સેવા આપી હતી. આ નિમણૂકથી વિશ્ર્વનો સર્વપ્રથમ ઇથનો બોટાનિકલ સ્થાનિક ચિકિત્સા પદ્ધતિ માટેના ઉપયોગો સાથેના વનસ્પતિ વિષયક સંશોધનાત્મક ગ્રંથની શરૂઆત થાય છે.
વિશ્વના અનુપમ ઔષધીય બગીચાની શોધ :
વેન રીડ પોતે એક પ્રકૃતિવાદી હતા, અને તેઓ વૈજ્ઞાનિક અને સૌંદર્યલક્ષી બંને રીતે કુદરતી વિશ્વ માટે ઊંડો આદર ધરાવતા હતા. તેમણે લીલાંછમ મલબાર જંગલોની તેમની વનસ્પતિ જીવનની વિવિધતા સાથે પ્રશંસા કરી અને ઝડપથી સમજાયું કે આ પ્રદેશની જમીન લગભગ ક્યારેય પડતર નથી પડતી. તેઓનાં સંશોધન કાર્યોને ૧૬૬૦થી ડચ કંપની પ્રોત્સાહન આપતી રહેતી. મલબાર પ્રદેશમાં પણ રીડે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. હોર્ટસ માલબેરિક્સ નામના આ પ્રોજેક્ટ માટે તેમનો મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત દસ્તાવેજીકરણની ગુણવત્તા હતી – યુરોપના તે સમયના અનુભવી અભ્યાસમાંથી પ્રેરણા લઈ, તેમણે પ્રત્યક્ષ પુરાવાઓ ધરાવતા સ્થાનિક લોકોની માહિતીને આધિકારિક સ્રોત તરીકે મહત્ત્વ આપી, સચોટ અને વિગતવાર માહિતીનો રેકોર્ડ કરવાનો હેતુ રાખ્યો હતો.
એક ડચ ગવર્નર, એક ભારતીય ચિકિત્સક, અને વિવિધ સુઝબુઝ ધરાવતું જૂથ : હોર્ટસ માલાબેરિક્સની રચના હોટર્સ માલાબારિક્સ પ્રોજેક્ટ પર કામે લાગવા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી હતી જેમાં તેણે અધિકારીઓ, ચિકિત્સકો અને વનસ્પતિશાસ્ત્રીઓના જૂથને ભેગાં કરીને શરૂઆત કરી. વીરા કેરળ વર્મા, કોચીનના સ્થાપિત શાસક, વાન રીડેને પ્રોજેક્ટ માટે નમૂનાઓ એકત્રિત કરવા માટે મદદગારો પૂરા પાડ્યા. પ્રોજેક્ટ- નિર્ણાયક વ્યક્તિ ઇટ્ટી અચુડેન હતા, જે સીમાંત એઝવા જાતિના વૈદ્ય, આયુર્વેદિક ચિકિત્સક હતા, જેમણે પ્રોજેક્ટ માટે છોડ પસંદ કર્યા હોવાનું માનવામાં આવે છે. કોચીન નજીકના ચેરથલાના વૈદ્યોના કોલાટ પરિવારમાંથી આવતા, અચ્યુડેન માત્ર વનસ્પતિશાસ્ત્ર વિશે ઊંડા જાણકાર ન હતા પરંતુ તેમને તેમના પૂર્વજો પાસેથી મેડીકો-બોટનિકલ દસ્તાવેજો અને કાર્યો પણ વારસામાં મળ્યાં હતાં. તેમને એઝાવા સહાયકો દ્વારા મદદ કરવામાં આવી હતી, જે પ્રદેશની જૈવવિવિધતાથી પરિચિત હતા, વૃક્ષો પર ચઢી શકતા હતા અને સ્થાનિક છોડના વિવિધ ભાગોને ખૂબ સારી રીતે ઓળખતા હતા.
ઓ છોડના નમૂનાઓને વેન રીડ અને કલાકારો પાસે લાવવામાં આવતા. પ્રત્યક્ષ નિરીક્ષણથી ચોક્સાઈ પ્રાપ્ત કરી, નમૂનાઓની ચર્ચા અને અભ્યાસ કર્યા પછી, છોડ વિશેની માહિતીનું સંકલન કરતા જેમાં તેમનાં નામ, રહેઠાણ, ગંધ, રંગ, સ્વાદ, તેમના ભાગોનાં વર્ણન અને તેમનાં ફળ અને ફૂલોની ઋતુઓ, વિવિધ ઉદ્યોગોમાં તેમના મહત્ત્વ અને તેમના ઉપયોગ સુધી તમામ સ્થાનિક ઔષધીય પદ્ધતિઓમાં ઉપયોગો વિશે સમાવેશ હતો. મૂળ ગોવાના અને પાછળથી કોચીનમાં સ્થાયી થયેલા પૂજારીઓના પ્રભાવશાળી જાતિના સમુદાયના ત્રણ બ્રાહ્મણ ચિકિત્સકો, રંગા ભટ્ટ, વિનાયક પંડિત અને અપ્પુ ભટ્ટે પણ ચૌદમી સદીના મંગનિગટ્ટનમ અથવા મહા નિઘંટુ નામના સંસ્કૃત ગ્રંથનો ઉપયોગ કરીને આ છોડના પરંપરાગત ઔષધીય ઉપયોગોની ચકાસણી કરી.
આ પ્રોજેક્ટનું એક ખાસ મહત્ત્વનું પાસું એ હતું કે વેન રીડનો એઝાવા ચિકિત્સક સાથેનો સહયોગ અને વર્ગીકરણની ખાસ કરીને સ્વદેશી પદ્ધતિનો ઉપયોગ કરવાનો તેમનો નિર્ણય. યુરોપીયન વૈજ્ઞાનિક પ્રણાલીઓમાં દૃઢ થઈ ગયેલી જડ પદ્ધતિઓ સ્થાનિક સૂઝ અને સમય સમયની વિરલ વિવિધતાઓ તેમાં નાશ પામતી જતી હતી. પર્યાવરણીય ઇતિહાસકાર રિચાર્ડ ગ્રોવ નોંધે છે કે અહીં એઝવાની સ્વદેશી પ્રણાલીઓને માન્યતા અને આદર પણ મળ્યો, અને એક અનોખી પ્રણાલી આગામી પેઢીઓ માટે સચવાઈ ગઈ. આ પદ્ધતિ પુરોહિત પંડિતોની કોઈ અચોક્કસ માહિતીનો દોષ નિવારવા પણ સક્ષમ હતી. સ્થાનિક નામકરણનો સમાવેશ એ પ્રદેશોના સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં અદ્ભુત પ્રવેશ કરાવે છે, જ્યાં છોડ નોંધવામાં આવ્યા હતા. હોર્ટસ માલાબેરિક્સે ૭૫૦ પ્રજાતિઓ વર્ણવી હતી અને ૭૯૪ ચિત્રો સંગ્રહિત કર્યાં હતાં. વિશ્ર્વનું આ એકમાત્ર જ્ઞાનકોશીય સંકલન છે જે એઝાવા ઈથનો-બોટનિકલ જ્ઞાનને રેકોર્ડ કરે છે. અચુડેનના પોતાના દસ્તાવેજો – અમુક સમયે ખોવાઈ ગયા હતા – ક્યારેય પુન:પ્રાપ્ત થયા ન હતા.
માલાબાર પ્રદેશના છોડ પર હેન્ડ્રિક વાન રીડનું કામ ૧૬૭૪માં શરૂ થયું હતું. અને ૧૬૭૫ની આસપાસ હોર્ટસ માલાબારિક્સના પ્રથમ વૉલ્યુમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. હોર્ટસ માલાબારિક્સનો પ્રથમ ખંડ ૧૬૭૮માં પ્રકાશિત થયો હતો, જે દક્ષિણ ભારતીય મલબાર પ્રદેશમાં આર્થિક અને તબીબી મૂલ્યના છોડનું સંકલન છે, જે લેટિનમાં બાર ભાગમાં પ્રકાશિત થયું હતું. જેમાં ચાર ભાષાઓમાં છોડનાં નામ લખવામાં આવ્યાં હતાં : લેટિન, સંસ્કૃત, અરબી અને મલયાલમ. આ ગ્રંથોમાં મલબાર પ્રદેશના ૭૪૨ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તેમના સમયમાં ગોવાથી ક્ધયાકુમારી સુધીના પશ્ર્ચિમ ઘાટ સાથેના વિસ્તારનો ઉલ્લેખ કરે છે. કૃતિમાં પ્રસ્તુત વંશીય-તબીબી માહિતી ઇટ્ટી અચુડેન નામના હર્બલ દવાના પ્રખ્યાત વ્યવસાયી દ્વારા પામ લીફ હસ્તપ્રતોમાંથી કાઢવામાં આવી હતી.
અચુડેન સ્થાનિક એઝાવા પરંપરાના વૈયદાન – “હીલર” હતા જેને હાલના સમયમાં પ્રખ્યાત કેરળ આયુર્વેદ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને ત્રણ કોંકણી ચિકિત્સકોની ટીમ દ્વારા ટેકો મળ્યો : અપ્પુ ભટ્ટ, રંગા ભટ્ટ અને વિનાયક પંડિત. આ સંકલનનું સંપાદન લગભગ સો લોકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ચિકિત્સકો, દવા અને વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસરો, કલાપ્રેમી વનસ્પતિશાસ્ત્રીઓ-જેમ કે પ્રોફેસર આર્નોલ્ડ સેન, થિયોડોર, આલ્મેલોવીનના જેન્સન, પોલ હર્મન, જોહાન્સ મુનિક્સ, જાન કોમેલિન, અબ્રાહમ પૂટ, ડચ સંસ્કરણના અનુવાદક, ભારતીય વિદ્વાનો અને મલબાર અને નજીકના પ્રદેશોના વૈદ્ય અને તકનિકી સહાયકો, ચિત્રકારો અને કોતરણીકારો, કંપનીના અધિકારીઓ, પાદરીઓ (જોહાન્સ કેસેરિયસ અને સેન્ટ જોસેફના ફાધર મેથ્યુ) અને ખાસ તો કોચીનના રાજા અને કાલિકટના શાસક ઝામોરિન દ્વારા પણ મદદ કરવામાં આવી હતી.
જેના પ્રત્યે આટલી કાળજી રાખવામાં આવી હતી, તે આ વિશાળ ગ્રંથના પ્રકાશનમાં સૌથી નોંધપાત્ર અને પ્રશંસનીય પહેલ છે તમામ સ્થાનિક પ્રતિભાઓને આપવામાં આવેલું સન્માન. અહીં વનસ્પતિ અને તેની બાર્ક માહિતીનું સંકલન કરનારાઓ અને તે સ્થળ જ્યાં તેનું સંકલન કરવામાં આવ્યું હતું તે બંનેને સન્માન આપવામાં આવ્યું છે. હોર્ટસ માલાબેરિક્સના ગ્રંથ ૧માં અચુદાન દ્વારા ૨૦ એપ્રિલ ૧૯૭૫ની સાક્ષી આપવામાં આવી છે, જેનો આ રીતે અનુવાદ કરી શકાય છે : “કરપ્પુરમના કોડાકરપલ્લી ગામના કોલાટ્ટના ઘરમાં જન્મેલા અને તેમાં રહેતા વારસાગત મલયાલમ ચિકિત્સકના ઉદ્દેશ્ય મુજબ. કોચિન આવવા માટે કોમોડોર વેન રીડેના આદેશ પર અને આ પુસ્તકમાં વર્ણવેલ વૃક્ષો અને બીજની જાતોની તપાસ કર્યા પછી, અમારાં પુસ્તકોમાંથી જાણીતાં અને ચિત્રો અને નોંધોમાં વર્ગીકૃત કરાયેલ અને એમેન્યુઅલ કાર્નેરીયોને વિગતવાર સમજાવ્યા, તેમાંથી દરેકનું વર્ણન અને સારવાર. માનનીય કંપનીના દુભાષિયા, શંકાઓ દૂર કરીને આ રીતે માલાબારના આ સજ્જનો દ્વારા કોઈપણ શંકા વિના સ્વીકારવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં આવી.”
હોર્ટસ માલોબેરિક્સ એ કાર્લ લિનિયસ માટે એશિયન વનસ્પતિ પરની માહિતીના મુખ્ય સ્રોતોમાંનું એક હતું. અને અચ્યુડેનના પૂર્વજોના જ્ઞાન પર આધારિત તેના વર્ગીકરણે લિનીયસની પ્રજાતિઓ પ્લાન્ટારમ (૧૭૫૩)ને પ્રભાવિત કરી, જેણે છોડની ૬,૦૦૦થી વધુ પ્રજાતિઓને સૂચિબદ્ધ અને વર્ગીકૃત કરી. તેણે વિલિયમ રોક્સબર્ગ અને જોસેફ ડાલ્ટન હૂકર જેવા જાણીતા બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રોનાં કાર્યોને પણ પ્રભાવિત કર્યાં. કાર્લ લિનિયસે રીડની રચનાનો ઉપયોગ કર્યો, તેના ‘જનરેશન પ્લાન્ટારામ’ (૧૭૩૭)ની પ્રસ્તાવનમાાં નોંધ્યું છે કે તે હોર્ટસ એલ્થામેન્સિસમાં ડિલેન, હોર્ટસ માલાબેરિક્સમાં રીડ અને અમેરિકન છોડ પર ચાર્લ્સ પ્લુમિયર સિવાય અન્ય કોઈ લેખકો પર વિશ્ર્વાસ કરતા નથી અને આગળ નોંધ્યું કે રીડે આપેલી સૂચના સૌથી સચોટ હતી. લિનીયસના શોધ ગ્રંથોમાં વનસ્પતિના ઘણાં વિશિષ્ટ ઉપનામો મલયાલમ નામોમાંથી ઉદ્ભવ્યાં છે. એ નોંધવું પણ અગત્યનું છે કે યુનિવર્સિટી ઓફ લીડેન ખાતે, આર્નોલ્ડ સાયન અને જાન કોમેલિને ઇટ્ટી અચ્યુથન અને તેમના સાથી એઝાવા ચિકિત્સકો દ્વારા સૂચવ્યા મુજબ છોડના ક્રમ અને વર્ગીકરણને અનુસરવાનો પ્રયાસ કર્યો, જોકે યુરોપમાં છોડના વર્ગીકરણની પોતાની પ્રમાણભૂત પદ્ધતિ હતી. ૧૬૮૫માં ફરી વેન રીડ એશિયાની મુલાકાતે આવે છે. કોલંબોથી બે મહિના પછી બંગાળ જઈ તેમણે હુગલીની આસપાસ ઘણી ટ્રેડિંગ પોસ્ટની મુલાકાત લીધી. આગલું ગંતવ્ય કોરોમંડલ હતું અને તેઓ નાગાપટ્ટિનમમાં એક વર્ષ રોકાયા હતા. ૧૬૯૦માં તેમણે જાફનામાં એક સેમિનરીની સ્થાપના કરી તેઓ તુતીકોરિન અને મલબાર આવ્યા. નવેમ્બર ૧૬૯૧ના અંતમાં તે ડચ તાબા હેઠળના સુરત-ગુજરાત આવ્યા. પરંતુ ૧૫ ડિસેમ્બર, ૧૬૯૧ના રોજ બોમ્બેના દરિયાકિનારે સમુદ્રમાં તેનું મૃત્યુ થયું. વેન રીડને ૩ જાન્યઆરી ૧૬૯૨ના રોજ સુરત ખાતે તેમની પુત્રી ફ્રાન્સિન અને ઘણા જાણીતા લોકોની હાજરીમાં દફનાવવામાં આવ્યા.
વેન રીડની વૈશ્ર્વિક ભેટ-હોર્ટસ માલોબેરિક્સ તેના વારસામાં બહુવિધ તાર વણાટ કરે છે – સ્વદેશી જ્ઞાન અને તેના યોગદાનથી શરૂ કરી વનસ્પતિઓ, ચિકિત્સા પદ્ધતિઓના વિજ્ઞાન અને વાણિજ્યના નેટવર્કમાં વેપાર, રાજકીય સત્તા અને સંસ્થાનવાદ, ટેકનોલોજી, તેમજ પ્રકૃતિના પ્રતિનિધિત્વની આસપાસના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન વગેરે તરફના તેમના દૃષ્ટિકોણ અને કલાથી આગળ જઈ સૌથી ઉપર, તે આજના વૈશ્ર્વિક જૈવ- વિવિઘતાના વારસા તરીકે સંરક્ષિત ‘વેસ્ટર્ન ઘાટસ’ની અનુપમ કુદરતની વાર્તા છે, જેમાં કુદરતી ભેટોને જાણવાની અને ઓળખવાની ઉત્સુકતા છે. વેન રીડે કંડારેલી કેડી દક્ષિણ ભારતની અત્યંત મહત્ત્વની કુદરતી સંપદાને જાળવવા તરફનો પ્રથમ દિશાનિર્દેશ પણ છે.
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો.
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪
-
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ :: ૧ : આરંભ મણિપુરથી
પ્રીતિ શાહ-સેનગુપ્તા
મારે માટે પ્રયાણ એ પ્રણય છે. છતાં, પ્રવાસની પણ રીતિ હોય છે તે હું જાણું છું. એક તો એ, કે પહેલાં નજીકનું જોઈ પછી દૂર જવાનું હોય છે. બીજું, પહેલાં પોતાનું શું છે તે સમજીને પછી અપરિચિતને અપનાવવા ઉત્સુક થવાનું હોય છે, ને છેલ્લે, અંદરની સાથે ઓળખાણ કેળવ્યા પછી બહિર્મુખ થવાનું હોય છે.
આપણા દેશનો દૂરમાં દૂરનો ભાગ, ગુજરાતને માટે, ઈશાન ભારત છે. એટલે કે ઉત્તર-પૂર્વ ભારત. એક સમયે એ સમગ્ર ભૂભાગ એક જ રાજ્ય – આસામ -નો બનેલો હતો. અંદર અંદરના અસંતોષ અને વિખવાદને કારણે એના સાત રાજ્યો બન્યાં. પછી પણ અશાંતિની પરિસ્થિતિ નાબૂદ તો ના જ થઈ. ત્યાં મને એકલાં જતાં કુટુંબ રોકતું રહ્યું હતું. મને દુઃખ થતું રહ્યું હતું કે મારા પોતાના દેશમાં હું સુરક્ષિત રીતે ફરી શકું તેમ નથી.
મને થાય, કે આ દેશ મારું ઘર છે. પોતાનું ઘર તો હૂંફ આપે, પણ એને બદલે જો એ જ ભયજનક બને તો એ સાચે જ શોક કરવા જેવી બાબત છે. ઉત્તર-પૂર્વમાં જવાનો વિચાર છોડ્યો તો નહતો જ, અને કુટુંબના વિરોધનો જ વિરોધ કરીને, મક્કમ નિર્ધાર સાથે, આપણા દેશના સુદૂર-પૂર્વના કહી શકાય તેવા પ્રદેશો તરફ મેં પ્રયાણ કર્યું જ કર્યું.
પાંત્રીસ-છત્રીસ દિવસ સળંગ ફરી. કંપની મારી પોતાની. જાતે ઉચકાય તેટલો જ સામાન. ભાથું બાંધીને નીકળવાની ટેવ જ નહીં. અગત્યની એક ચીજ સાથે રાખેલી, ને તે હતો દેશનો નકશો. દિવસે કેટલીયે વાર એને ખોલીને જોયા કરતી. મને થતું, બસ, આ યાત્રા કર્યા પછી હું “સંપૂર્ણ ભારતીય” બનીશ; આ વિચરણ પછી દેશના કોઈ ભાગથી અપરિચિત નહીં રહું. ભારત સાથેના આ તાદાત્મ્યનું સંવેદન બહુ અગત્યનું હતું. એને લીધે ચિંતા, ભય ને અજંપાને બદલે મારા મનમાં વિશ્વાસ અને આતુરતા હતાં.
હું ભારતમાં ભારતીય તરીકે જ ફરવા માગતી હતી. પરદેશમાં રહું છું તે વાત હું ક્યારેય જાહેર કરવાની નહતી. એમાં આદર્શવાદ હતો, ને સાથે, મારી વ્યક્તિગત પરિસ્થિતિ પણ ખરી. એકલી હોઉં, સ્ત્રી હોઉં, ને વળી પરદેશમાં રહેતી હોઉં તો ચિત્રમાં કાંઈ જુદા જ રંગ ઉમેરાતા હોય છે. લોકોના વિચારમાં કશાક ફેરફાર થતા હોય છે.
સ્થાનિક મિનિ-બસોમાં ફરવાની હતી. જાતે જ ક્યાંથી ક્યાં જવું તે નક્કી કરવાની હતી. ટૂરિસ્ટ ઑફીસોમાં જાણે કોઈને કશી ખબર જ ના હોય. બલ્કે ચિડાઈ જાય. સૌથી પહેલાં હું મણિપુર જવાની હતી. પછી આગળ નાગાલૅન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ભુતાન, સિક્કિમ, અને અંતે ઉત્તર બંગાળના બાગદોગરાથી દિલ્હી પહોંચીશ, એમ ખ્યાલ હતો. જેમ ત્યાં ક્યારેક પુછાતું, ‘ગુજરાત ક્યાં છે?’, તેમ આપણી બાજુ પણ ઘણાં આ બધાં નામો જાણતાં નથી હોતાં. વળી, આપણે પાકિસ્તાનની સરહદને જાણીએ, પણ સરહદી ભીંસનો બહુ અનુભવ આપણને નથી. ઉત્તર-પૂર્વનાં પ્રાંતોની કિનારીઓ ઉપર બીજા દેશો ઝળુંબે છે – બાંગ્લાદેશ, મ્યાનમાર (બર્મા), ચીન વગેરે.
કલકત્તાથી ઇમ્ફાલ (મણિપુર) જે દિવસે જવું હતું તેને માટે વિમાનની ટિકિટ મળી ગઈ, તેને મેં શુભ શુકન માન્યા. વિમાન ઊપડ્યું એટલું જ નહીં, પણ સમયસર ઊપડ્યું. આ બીજા શુકન. ઉત્તર-પૂર્વ જતાં વિમાન કલાકોના કલાકો મોડાં થતાં હોય છે, તેની જાણ હતી. થતું હતું કે જાણે હું કોઈ બીજા દેશમાં જતી હતી. આ પ્રદેશ છે જ ઘણો જુદો.
વિમાન ઊતરતું ગયું તેમ વાદળૌ ખસતાં ગયાં, ને મણિપુરની ધરતી દેખાઈ. મેદાનો તાજા પડેલા વરસાદથી ભીનાં હતાં. એક મોટા વિસ્તારમાં ફેલાયેલા પાણીમાં જમીનની કેટલીક પટ્ટી હતી – જાણે નાના ટાપુ. દરેક પર એકાદ-બે ઝૂંપડી હતી. કેવું સંપૂર્ણ અળગાપણું. કોઈ પાડોશી નહીં, કોઈ ભેરુ નહીં; નહીં વીજળીનો પ્રકાશ, નહીં સગવડનો કોઈ ઓછાયો. આવા અસ્તિત્વમાં માછીમારોને, કિસાનોને કારુણ્ય દેખાતું હશે? સીમિત સમય માટે હું પણ સાવ વિયુક્ત હતી. એમાં કારુણ્ય હતું?
આ જળ-સમુહની એક તરફ પર્વતો હતા. વિમાન એમને ફરતું ગયું, ને પળોમાં પર્વતો ચોતરફ થઈ ગયા. એ બધા ક્શિતિજના વર્તુળે ઊભેલા હતા, ને ધુમ્મસથી છવાયેલા હતા. આવા દૃશ્યની વચ્ચે વિમાનનું ઉતરાણ ભાગ્યે જ જોવા મળે. ને આ ઉતરાણ ઘણું જોખમી અને ખતરનાક ગણાય છે. વિમાનો તૂટી પણ પડે છે, કોઈ બચતું નથી. એમ તો મોટા ભાગનો ઉત્તર-પૂર્વીય વિસ્તાર પહાડી જ છે.
મણિપુર બહુ જ ગમી ગયું – જતાંની સાથે. ઇમ્ફાલ શહેર ઘણું અસ્તવ્યસ્ત અને અસુંદર છે, પણ એના વાતાવરણમાં એવું કંઇક છે જેણે મને વશ કરી લીધી. ઇમ્ફાલને “ઊંચે ઊગેલું ફૂલ” કહે છે, એને “ભારતનું સૌંદર્ય-રત્ન” કહે છે. એની સ્ત્રીઓમાં અપૂર્વ લાલિત્ય છે, એની પ્રજાના સ્વભાવમાં સૌમ્યતા છે. જોકે અત્યારના સમયમાં આ બધું સાચું નથી લાગતું. જ્યાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મુખ્ય મથક હતું, ને જ્યાંથી દ્વિતીય વિશ્વયુદ્ધમાં દેશના સ્વાતંત્ર્યની લડત લડાઇ હતી તે મણિપુરમાં દેશ-પ્રીતિ રહી લાગતી નથી. ગરીબી અને બેકારીમાં ફસાયેલા, અસંતુષ્ટ પ્રજાજનો સામાજિક અનિષ્ટ, તેમજ કેન્દ્ર-સરકારનો વિરોધ કર્યા જ કરે છે. વૈષ્ણવ ધર્મ બહારથી આવ્યો છે, ને આપણી ભાષા દેશના બંધારણ કરતાં વધારે કીમતી છે, જેવાં સૂત્રો મણિપુરમાં જોવા મળ્યાં.
કૃષ્ણ-ભક્તિ તો ખૂબ શાંત ને મિષ્ટ રીતે ત્યાંના લોકજીવનમાં વણાઈ ગઈ છે. રોજ સવારે અસંખ્ય મણિપુરી સ્ત્રી-પુરુષો ચંદનનું તિલક કરીને ઘેરથી નીકળે છે. કપાળ પર નાની લીટી, ને પછી નાક પર એક ટપકું થઈને આ તિલકાકાર કૃષ્નનું પ્રતીક બને છે. મને આ મોઢાં જોવાં બહુ ગમતાં. વળી, કાન પર ફૂલ ખોસીને પણ ભક્તિ અને શ્રદ્ધા દર્શાવાય છે. એક તરફ ત્રણ પાંદડીઓ હોય એવું આ ફૂલ જુદું જ છે, ને બહુ સુગંધી પણ છે. મેં એને હોટેલના રૂમમાં એક પ્યાલામાં પાણી ભરીને રાખેલું. પછી જાણવા મળેલું, કે એ એક પ્રકારનું ઑર્કિડ હતું. એનું નામ હતું “તાખિલ્લે”!
એક દિવસ ઈમ્ફાલમાં હું ગોવિંદજીના મંદિરે ગઈ. યુવાન રિક્શાવાળાઓ મોઢા પર રૂમાલ બંાધતા હતા. બેકારીના પ્રતીક તરીકે. જવાની ના જ કહી દે, કારણકે બધા રસ્તા જાણતા ના હોય. મને એક જણે લઈ જવાની હા પાડી. સતત વરસાદ હતો. સીટ તો ભીની જ હોય. ઉપર છત હોય, પણ બેસો એટલે સામો વરસાદ. હાથ-પગ ક્યાં રાખવા તે સમજાય નહીં. ચાલક તો પૂરેપૂરો ભીનો થઈ જાય. મને ચિંતા થાય કે એને શરદી ના થઈ જાય.
સુંદર, શાંત પરિસરમાં, ગોવિંદજીના દર્શન કરતાં મને બહુ સારું લાગ્યું. ત્યાં એક ભક્ત ધીમે સાદે ભજન ગાતા હતા. એક કિશોર ધીમે ધીમે મૃદંગ પર થાપ આપતો હતો. કેટલું મૃદુ અને સુભગ વાતાવરણ હતું. મને તો અણધાર્યો લાભ મળ્યો હતો. વહેલી થયેલી એ આરતીને “ગ્વાલ-આરતી” કહેતાં હતાં. સાડા પાંચ થતાંમાં અંધારું થઈ ગયું લાગ્યું. છ વાગતાંમાં તો જાણે રાત. પેલો હસમુખો ચાલક ઊભો રહ્યો હતો – મેં પહેલેથી પૈસા આપી દીધા હતા તોયે. તેથી હોટેલ પર હું સુખરૂપ પહોંચી ગઈ.
ઉત્તર-પૂર્વના પહેલા જ દિવસથી મને પ્રશ્નો પુછાવા માંડ્યા હતા – ક્યાંથી આવો છો? એકલાં કેમ છો? અહીં શું કરો છો? અહીં કોઈ સ્ત્રીને એકલી ફરવાનો રિવાજ નથી. જ્યાંથી અવ્યાં ત્યાં પાછાં જતાં રહો. જેટલા દિવસ હતી તે દરેક દિવસે છ-છ સાત-સાત વાર આ વાતો, સલાહ, ચેતવણી સાંભળવી પડતી. હવે ત્યાં બધે યુવતીઓ-સ્ત્રીઓની જે હાલત છે તે પરથી લાગે છે કે હું સુરક્શિત રહી, બચતી રહી, તે ગોવિંદજીની કૃપા ગણાય.
વરસાદ નહતો એવા બીજા એક દિવસે ફરી મંદિરે ગઈ હતી. ચાલીને જ ગઈ. શોધી લીધું હતું મંદિર. કોરું હતું તેથી નિરાંતે ફૂલ-છોડવાળા કમ્પાઉન્ડમાં ફરાયું, બેન્ચ પર બેસાયું. નૃત્ય તો ચાલુ જ હતાં. સફેદ કપડાં પહેરેલાં છોકરા-છોકરીઓને મણિપુરનું લાક્શણિક કૃષ્ણ-નૃત્ય શીખવાડાતું હતું. સાથે ગાયન અને મૃદંગ-વાદન હતું. ખૂબ આનંદ આવ્યો.
બપોરની એ આરતીને “ભોગ-આરતી” કહે છે. ખૂબ ભાવથી મેં એને માણી. પ્રસાદમાં ફળના બે-ત્રણ ટુકડા અને પેલાં ફૂલ. બેએક પુજારી વાત કરવા આવ્યા હતા. ખૂબ વિનયથી. ત્યાં બહેન, કે કાકી, કે માશી કહેવાનો રિવાજ નથી. બલ્કે ‘ભાભી’ કહીને ઉદ્દેશાય છે. બહુ આત્મીય લાગે. જાણે કુટુંબનાં જ ના હોઈએ. કેટલાંક નૃત્યકારો પણ વાત કરવા આવ્યાં. કહે, કે કૃષ્ણ-નૃત્યના ઉત્સવો ઈમ્ફાલમાં થતા રહે છે.
એ તો ફરી ક્યારેક મણિપુર જવાય ત્યારે. એ દિવસે મોડેથી બીજી આરતી ને પૂજા હતાં, પણ હું તો ચાલીને ગયેલી. છેક મોટા રસ્તા પર જાઉં પછી રિક્શા મળે. કે ના પણ મળે. ને અંધારામાં ઈમ્ફાલના રસ્તાઓ પર જવાનું જોખમ મારે લેવું નહતું. કહે છે ને, કે ભાગ્યને ચૅલૅન્જ ના કરાય.
આ ભૂભાગમાં અસંખ્ય તળ-જાતિઓ છે. ઈમ્ફાલમાંની નહેરુ ડાન્સ અકાદમીમાં એક દિવસ મણિપુરની તેવીસ તળ-જાતિઓનાં જૂથોનાં નૃત્યોનો કાર્યક્રમ જોવા મળ્યો. માઓ અને મારિન્ગ મુખ્ય છે. તે સિવાય આઈમોલ, કાબુઈ, ચિરુ, કોઈરૅન્ગ વગેરે જૂથોએ નૃત્ય કર્યાં. દરેક જાતિનાં મોઢાં જુદાં પડે. પહેરવેશ, સંગીત, હાવભાવમાં પણ ફેર લાગે. આ પણ કેવો અણધારી તક.
બેએક મોટા રસ્તા સારા ચણેલા છે, પણ બાકીના તો ધૂળિયા ને કાંકરાથી બનાવેલા. વરસાદમાં ધોવાઈ જાય, ચીકણા બની જાય, જ્યાં ને ત્યાં પાણી ભરાઈ જાય. ઘૂંટણ સુધીના પાણીવાળા રસ્તે જવાનું તો મેં ટાળ્યું, પણ પીંડી સુધીના પાણીમાં, ચંપલ હાથમાં લઈને ગઈ ખરી. એ જ રસ્તે ઈમા માર્કેટ આવે, ને ત્યાં મારે જવું જ હતું. પાણીમાં કેટલાંયે ડાંખળાં, નારિયેળના છોડાં વગેરે પગમાં અટવાતું રહે. મને ચીતરી ચઢે, પણ પહોંચી તો ગઈ.
ઈમા એટલે મા કે અમ્મા. એક જમાનામાં આ માર્કેટમાં પુરુષોને પગ મૂકવાની પણ મનાઈ હતી. સ્ત્રીઓ જ વેચે, ને ખરીદે. ત્યાં પણ પાણી ભરાયેલાં. ઊંચા ઓટલા પર બેઠેલી માતાઓ અને દાદીઓ જાણે તરતી લાગતી. ઊંમરવાળી સ્ત્રીઓ, પણ બધી વૈષ્ણવી, અને એવી સરસ દેખાય. લાંબાં, હસતાં મોઢાં, ભાલે ને નાક પર તિલક, ઊંચા અંબોડામાં બાંધેલા વાળ. કાપડ એટલું સરસ. હાથ-વણાટનું સુતરાઉ. મારો આ પહેલો જ પડાવ હતો, ને એક નાની હૅન્ડબૅગ જ રાખેલી, તેથી ખરીદવામાં અત્યંત સંયમ રાખવો પડ્યો. મણિપુરી પહેરવેશના ભાગરૂપ, ‘ઈન્નફી’ કહેવાતી, બે મુલાયમ ઓઢણીઓ ખરીદી – તે જ.
આ પછી શહેરની બીજી કોઈ માર્કેટમાં જવાનું મન ના રહ્યું. ગલીઓમાં ચાલતી રહી ખરી, પણ એક્કેય દુકાનમાં ના ગઈ. સાંજ પડતાં જ હોટેલ પર પહોંચી જઈને વરસાદનો અવાજ સાંભળતી રહેતી. ઠેર ઠેર રાઈફલધારી જવાનો ઊભેલા દેખાતા. એક જગ્યાએ તો મારી સારી એવી જાંચ-તપાસ કરી, લાંબી પૂછ-પરછ કરી, ખભા-થેલો ખાલી કરાવ્યો, કરડાકીથી જોતા રહ્યા. એમ કહો કે હાથકડી ના પહેરાવી. કદાચ એ જ બાકી રહ્યું હતું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આ વર્ષ કેવું ગયું ?
હરેશ ધોળકિયા
૨૦૨૪નુ વર્ષ પૂરું થયું.
કેવું ગયું આ વર્ષ ? ઉત્તમ, મધ્યમ કે તદ્દન સામાન્ય ?
જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી ત્રણે પ્રકારનું ગયું. આ વર્ષે ઉત્તમ શોધો થઇ અને અનેક નવા નવા પરિવર્તનો જગતમાં આવ્યા છે. જગતના લોકોની સ્થિતિમાં અનેક સુંદર પરિવર્તનો આવ્યા છે. સુખ સગવડો પણ વધી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના કારણે જગતના દેશો વધારે નજીક આવ્યા છે. ભૌગોલિક અંતર તો ઘટ્યું જ છે, પણ સાથે વૈચારિક સામીપ્ય પણ આવ્યું છે. દેશોના અને જગતના પ્રશ્નો જાણે એકસરખા જ હોય તેવા લાગે છે. જેવા વિચારો અમેરિકાના લોકો કરે છે, તેવા જ વિચાર પછાત કહેવાય તેવા આફ્રિકાના લોકો પણ કરે છે એ દેખાય છે. ભારતના યોગ અને ધ્યાન હવે સમગ્ર જગતને પસંદ પડે છે. ક્રિકેટ અને ફિલ્મો કે ઓ.ટી.ટી. બધાને લગભગ સરખા જ વિચાર કરાવે છે. જાહેરાતોએ માણસને યંત્ર કરી દીધો છે. પશ્ચિમની છોકરી અને બિહારની આદિવાસી છોકરી શું પહેરવું કે કેમ શણગારવું તે સમાન રીતે જ વિચારે છે. ટૂંકમાં, જગત એક રોલર કોસ્ટર જેમ ચાલે છે. વિવિધતા દેખાય છે, પણ હકીકતે બધા બજાર કહે છે તેમ જ વિચારે અને વર્તે છે.
જગતના રાજકારણ તરફ નજર કરાય તો નિરાશા થાય છે. સૌથી મોટો ફટકો અત્યારે લોકશાહીને પડે છે. જે દેશોને લોકશાહીના પાયાના દેશો કહેવાય છે, ત્યાં પણ લોકશાહી ખૂબ જ નબળી પડતી જાય છે. લોકશાહી પર રાષ્ટ્રવાદ, કોમવાદ, ધર્મ, સંરક્ષણવાદ વગેરે જબરી અસર કરે છે અને આ દેશો , જેઓ અત્યાર સુધી વિશાળતા દર્શાવતા હતા, તેઓ અચાનક સંકુચિતતા દર્શાવતા જોવા મળે છે. સંકુચિત મુદાઓને લઈને આ દેશોમાં ઝનૂન વ્યક્ત થતું દેખાય છે. બહુમતી, લઘુમતીની સમસ્યા વધતી દેખાય છે. દરેક દેશોમાં લઘુમતીઓ પર દબાણ અને ત્રાસ વધતા દેખાય છે. ધર્મ ઝનૂન પણ યુરોપના અનેક દેશોને પીડી રહ્યું છે. જે સત્તાધારીઓ છે તેઓ લોકશાહીના અંચળા હેઠળ સૂક્ષ્મ સરમુખત્યારશાહીના પ્રયોગ કરતા જોવા મળે છે. મુક્ત અભિવ્યક્તિ ઘટતી જાય છે. સ્વતંત્રતાને કોઈના કોઈ બહાના હેઠળ દબાવવામાં આવે છે. બધા જ દેશો બજારના અર્થકારણને વશ થઇ ગયા છે અને મૂડીવાદના ગુલામ બનતા જાય છે. એટલે સામાન્ય માણસ, ગરીબો કે વંચિતો તરફ ઉદાસીનતા વધતી જાય છે. ભલે બધાને મદદરૂપ થવાની અનેક યોજનાઓ જાહેર થતી દેખાય છે, પણ તેનું અમલીકરણ નબળું પડી ગયું છે. એટલે જ અનેક દેશોમાં ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓની ચળવળ જોવા મળે છે. સતાધારીઓ સામે અનેક દેશોમાં વિરોધ પ્રગટ થતો જોવા મળે છે. મોટા ભાગના દેશોમાં દેખાતા સુખો વચ્ચે લોકોમાં નિરાશા જોવા મળે છે.
તો વ્યક્તિગત જીવનમાં ?
એક સંદર્ભમાં તપાસ કરીએ તો વ્યક્તિગત જીવનમાં સુખો વધતા જાય છે. સામાન્ય કહી શકાય એવા લોકોના ઘરોમાં પણ આધુનિક સગવડો આવી ગઈ છે. વાહન વ્યવહાર વગેરેની સગવડો પણ વધી છે. કહેવાતો માધ્યમ વર્ગ પણ હવે હવાઈ મુસાફરી કરતો થઇ ગયો છે. વ્યક્તિ દીઠ કારનું પ્રમાણ વધતું દેખાય છે. ચારે બાજુ સુખ જ સુખ જોવા મળે છે.
પણ લોકો સુખી છે ?
ભૌતિક સંદર્ભમાં છે ! પણ માનસિક સંદર્ભમાં છે કે નહિ તે વિવાદનો મુદો છે. વિવિધ સર્વે કહે છે કે જગતના લગભગ એસી ટકા લોકો તાણમાં જીવે છે. કારણ એ છે કે આ લોકોની માસિક આવક આશરે વીસ હજાર છે. પણ તેઓ તુલનાત્મક જીવન જીવતા હોવાથી, એટલે કે પૈસાદારો સાથે હરીફાઈ કરતા હોવાથી, તેમના જેવા થવા માગતા હોવાથી, તેમની ક્ષમતા કરતા વધારે ખર્ચ કરે છે. પરિણામે તેમને સતત ઉધારીમાં જીવવું પડે છે. સતત લોન વગેરે લેવા પડે છે. તેના હપ્તા ચુકવવા માટે પુરતી આવક નથી. એટલે તેઓ તાણમાં રહે છે.
બીજું વ્યવસાયી જગતમાં પણ તીવ્ર હરીફાઈ વધતી જાય છે. ત્યાં કામ કરવા માટે પુરતી જગ્યાઓ છે, પણ તે જગ્યાઓ પર સારી રીતે કામ કરવા માટે જે કાર્યક્ષમતા જોઈએ તે બહુ ઓછા ઉમેદવારોમાં છે. એટલે કે યુવાનો વ્યવસાયિક રીતે સજ્જ નથી. એટલે અત્યારે મુદો બેરોજગારી નથી, પણ રોજગારક્ષમતાનો છે. એનું કારણ એ છે કે શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે. તે યુવાનોને રોજગાર માટે સજ્જ કરતુ નથી. માટે બેકારી વધે છે. પણ આ બેકારી યુવાનોમાં હતાશા વધારે છે અને તેઓ નકારાત્મકતા બાજુ વળે છે. રાજકારણીઓ અને ધર્મ નેતાઓ તેનો દુરુપુયોગ કરે છે.
સમાંતરે કુટુંબ વ્યવસ્થા પણ તૂટતી જાય છે. વડીલોનો અને સમાજના અગ્રણીઓનો પ્રભાવ ઘટતો જાય છે. તેઓ સંતાનોને જરૂરી કેળવણી આપી શકતા નથી. પરિણામે બાળકો અને તરુણો મોબાઈલમાં જે “ કેળવણી” મળે છે, તેને સાચી માની લે છે. તેમાં તો ફેક ન્યુઝ, નગ્નતા વગેરે જ રાજ કરે છે. તેના પરિણામે વ્યભિચાર, ગુંડાગીરી, બેદરકારી, અશિસ્ત વગેરે વધતા જાય છે. કાયદો અને વ્યવસ્થા પણ તદન નબળા છે, એટલે તેમને નિયંત્રિત કરી શકતા નથી. સમાજોમાં એક જાતની સૂક્ષ્મ અવ્યવસ્થા વધતી જાય છે જેનો ઉપાય કોઈ પાસે નથી. સરકાર, વડીલો, અગ્રણીઓ લાચારીથી જોયા કરે છે. દેશ કે જગત પાસે ગાંધીજી જેવા કોઈ સશક્ત નેતા નથી જેનો પ્રભાવ હોય. સમાજો સતત ખળભળે છે. લગભગ બધા દેશો અસ્વસ્થ છે. માટે સર્વત્ર યુદ્ધો કે વિરોધો કે અવ્યવસ્થાઓ જોવા મળે છે.
તો શું આખું વર્ષ ખરાબ જ ગયું ?
ના, એમ પણ ન કહી શકાય. આ વર્ષ દરમ્યાન જેઓ આ બધી પરિસ્થિતિ વચ્ચે માનસિક રીતે સ્વસ્થ રહ્યા છે, તેઓ અવ્યવસ્થા વચ્ચે પણ મસ્ત જીવ્યા છે. જેઓ આ બધા વચ્ચે સર્જનાત્મક રહ્યા છે, તેઓ પણ કશુક નવું સર્જન કરતા રહ્યા છે. જેઓ વિવેકયુક્ત વિચારતા રહ્યા છે, તેઓ પણ સ્વસ્થ રહ્યા છે. જેઓ સતત જ્ઞાન પ્રેમી અને જિજ્ઞાસુ રહ્યા છે, તેઓ તાજા રહ્યા છે. જેમણે ધિક્કાર વચ્ચે પણ સતત બધાને પ્રેમ કર્યો છે, તેઓ સંવેદનશીલ રહ્યા છે અને જગતનું સૌન્દર્ય માણ્યું છે.
એટલે બહારથી જગત ઉત્તમથી સામાન્ય વચ્ચે ઝોલા ખાતું રહ્યું છે, પણ તે વચ્ચે પણ દુનિયાના હજારો લોકો આંતરિક સ્વસ્થતાના પ્રભાવે સ્વસ્થ અને શાંત રહ્યા છે. તેમણે જગતના આનંદનો લાભ લીધો છે. લેતા રહે છે. તેમને બરાબર ખબર છે કે જગત તો આવું જ રહેવાનું છે, સામાન્ય, પણ, તેઓ ધરશે તો, તે વચ્ચે આનંદમાં રહી શકશે.
એટલે વર્ષ કેવું ગયું છે, તેનો જવાબ બધા માટે અલગ અલગ હોવાનો.
એટલે તમારું વર્ષ કેવું ગયું, હેં ?
( કચ્છમિત્ર : તા: ૨૯-૧૨-૨૦૨૪ : રવિવાર )
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
સમયનું વિસ્મય
દેવિકા રાહુલ ધ્રુવ
કાનામાત્ર વગરનો આ શબ્દ ‘સમય’. એમાં કેટલું બધું વિસ્મય ભર્યું પડ્યું છે?
સદીઓથી અવિરતપણે એકધારો ચાલે જ જાય છે. ન તો એને કશી તમા છે કે ન પરવા. લયબદ્ધ રીતે એ સતત ચાલે છે. જે કંઈ બદલાય છે તે કુદરદત્ત અથવા તો માનવસર્જિત સંજોગ બદલાય છે અને છતાં નવાઈની વાત તો એ છે કે આપણે કહીએ છીએ કે, સમય બદલાયો છે. સવાલ તો એ છે કે શું, સમય બદલાય છે? આ વિશે થોડું વધુ વિચારીએ.
આમ જોઈએ તો, પહેલો મુદ્દો તો એ આવે છે કે, આકાર વગરનો અને અદૄશ્યરૂપે રહેલો આ સમય છે શું? આપણે એને જોઈ શકીએ છીએ? એના સ્વરૂપ કે આકાર વિશે વર્ણવી શકીએ છીએ? આ સમય શું છે? કશુંક નિયમિતપણે ગતિમાં રહે છે. આપણે એને ક્ષણ નામ આપ્યું. પછી એના માપ નક્કી કર્યા. મિનિટોનાં, કલાકોનાં, દિવસ અને મહિનાઓનાં, વર્ષો અને યુગોનાં એમ કાટલાં ખડકી દીધાં. માણસના સમયને નંબરો આપીને ઉંમર નામ આપી દીધું! અવસ્થાઓમાં આવરી લીધું, વિભાગોમાં વહેંચી નાંખ્યું. ને પછી આપણે એને એક મોટું શીર્ષક આપી દીધું ‘સમય’. સાચે જ, આ સિવાય બીજું શું કહી શકાય? કોઈની સાથે વાત થાય તો આપણે બોલી ઊઠી છીએ કે આપણે કેટલાં વર્ષે મળ્યાં? વાર્તા માંડીએ તો પણ ૪૦ વર્ષ પહેલાંની આ વાત..કહી શરૂ કરીએ. અથવા તો “ઓહોહો.. તમને ૬૫ વર્ષ થયાં? લાગતા નથી હોં!”
આમ, જેના વિશે કશી ખબર નથી એને આપણે ‘સમય’ કહી આગળ વધ્યાં. આ સમયનું સામર્થ્ય પણ કેટલું મોટું છે? કેટલું બળવાન છે? ચૂપચાપ ચાલતો, એકધારો ચાલતો અને એકસરખી રીતે ચાલતો આ સમય કેટલું શીખવાડી જાય છે એ એક મોટામાં મોટું આશ્ચર્ય નથી શું? પોતે કશુંયે ન કહેતો કે કોઈને માટે કશું પણ ન કરતો આ સમય વળી કોઈને માટે ખરાબ બની જાય છે તો કોઈને માટે એકદમ સરસ બની જાય છે. બોલો, એ કેવું? એ સ્થિતિ પણ નક્કી તો પાછો માણસ જ કરે છે! આ તે વિડંબના છે કે વિચિત્રતા?
ખરેખર આ વિષય પર જેટલા ઊંડા ઉતરીને વિચારીશું એટલાં આશ્ચર્યો ઉઘડતાં જશે અને ઉઘડેલાં હશે તો વિસ્તરતાં જશે. મને યાદ છેઃ નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે “આપણે તો ખૂબ જાહોજલાલી હતી. તારા દાદા તો શરાફી પેઢી ચલાવતા ને ઘેર તો ઘોડાગાડીઓ દોડતી. કેટલાં બધાં તો મકાનોયે હતાં. પછી તારા દાદા ગયા ને કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું.” જ્યારે જ્યારે આ સાંભળતી ત્યારે પણ સવાલ તો થતો જ કે, આ બધું કાળે કર્યું? એટલે શું? સમયે કર્યું? પણ પછી વિચારો ત્યાં જ અટકી જતા. પછી તો જેમજેમ મોટાં થતાં ગયાં તેમતેમ એ સવાલો જુદાંજુદાં રૂપે જાગતા ગયા. છેવટે જવાબ તો એ જ મળતો કે, સમય કશું નથી કરતો, એ તો માત્ર ચાલે જ છે. માણસના સંજોગો બદલાય છે અને તે પણ અલગ અલગ રીતે. કોઈના વ્યક્તિગત કારણે, કોઈના સામાજિક તો કોઈના નૈસર્ગિક કારણે અને એના ઉપરથી જ આપણે સમયને સારો કે ખરાબ કહેતાં હોઈએ છીએ.
કોલેજના વખતમાં શબ્દાર્થ-મીમાંસા ભણતી વખતે પણ આ સમય, મારી નજર સામે હંમેશાં આવીને ઊભો જ રહેતો. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓએ કરેલાં અને હેમચંદ્રાચાર્યથી માંડીને અનુઆધુનિક પ્રવાહના સમર્થ સમીક્ષકોએ તારવેલાં જાતજાતનાં અર્થઘટનોની વાત અત્રે કરવી નથી; પણ એક સાદીસીધી સમજણથી વિચારીએ તો પણ લાગ્યા વગર રહેતું નથી કે સમય અદૄશ્ય અને આકારવિહીન હોવા છતાં એના કેટકેટલા સ્પર્શ છે! અનુભૂતિઓ છે! જો ગણવા બેસીએ તો જીવનથી મરણ પર્યંતમાં એની વૈવિધ્યતા છે, સર્વોપરિતા છે. અરે, હજી વધુ વિચારીએ તો પાછલા અને પુનર્જન્મમાં પણ એ લપાઈને, છુપાઈને બેઠેલો જ છે. આમ, જીવન અને જગતના પ્રત્યેક સજીવ અને નિર્જિવ તત્ત્વમાં સમયનું સત્ત્વ છે અને સત્ય છે. શક્તિ છે અને એની ભક્તિ પણ છે. છતાં એ પોતે તો સર્વથા વિરક્ત છે. આ એક આશ્ચર્ય નથી શું?
એનાં ક્રિયાપદો પણ ઘણાં. દા.ત. સમય ચાલે છે, સમય દોડે છે, સમય ઊડે છે. એ વહે છે, સરે છે, ફરે છે. સમય મળે છે, ફળે છે અને એ જાય છે, આવે છે, નડે છે, ઘડે છે, વગેરે વગેરે.. શું શું નથી કરતો એ સવાલ છે. વળી મોટામાં મોટો, નહિ ઉકેલાયો પ્રશ્ન તો એ છે કે, સમયને ઉલટાવી શકાય છે? પાછો વાળી શકાય છે? આ સવાલ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને અન્ય વિજ્ઞાનીઓને પણ થાય છે જ.
આમ, સમયને વ્યાખ્યામાં બાંધવું અને સમજવું મુશ્કેલ છે. ઈટાલીયન લેખક કાર્લો રોવેલ્લીનું એક પુસ્તક છે. The Order of Time (2018) ત્રણ ભાગોમાં વહેંચાયું છે. તેમના કહેવા મુજબ સમય એક ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે. તેમને આ વિચારનાં મૂળ એક ફ્રેંચ ગણિતશાસ્ત્રી ઍલન કોન્સના Thermal Time Hypothesisમાંથી મળેલા છે તેમ જણાવે છે. ક્યાંક વાંચવામાં તો એમ પણ આવ્યું હતું કે, વાસ્તવિકતા અને ઘટનાઓનું એક જટિલ નેટવર્ક છે, જેના પર આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સિક્વન્સ પ્રોજેક્ટ કરીએ છીએ. આખું બ્રહ્માંડ એક નિશ્ચિત્ત નિયમોનું પાલન કરે છે, જેમાંથી સમય બહાર આવે છે. હવે આ કેટલી મોટી અજાયબી થઈ?
આ સંદર્ભે વીસમી સદીનાં ખૂબ જ મોટા કવિ ટી.એસ. ઍલિયેટની કવિતા “ If Time and Space, as sages say, Are things which cannot be પણ યાદ આવી જ જાય છે. તેના અનુવાદક શ્રી વિવેક ટેલરે સમજૂતી આપતાં સરસ વાત સમજાવી છે કે, “અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયનાં પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે.”
કદાચ એટલે જ સમય પર દરેક ભાષાઓમાં ઘણું બધું સુવિચારો રૂપે પણ લખાયું છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.- Time is the engine of our Universe; nothing is without it.
Time is always right to do what is right—Martin Luther King - Time has the power to heal all the situations. Just give some time to time to change its time!
- Time is a final currency- Not money. Not Power. It is Time—David Crosby.
- મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
હવે સમય મારો છે ને મને સમય નથી.
- દોસ્ત, કેટલો ચાલાક હતો તું! ગિફ્ટમાં ‘ઘડિયાળ’ તો આપી ગયો પણ ત્યારપછી ‘સમય’ આપવાનુમ ભુલી ગયો!!
- समय पर समय देने वाला व्यक्ति समय पर मिल जाए तो समय को अच्छा होने में समय नही लगता….
- वक़्त दिखाई नहीं देता, पर बहुत कुछ दिखा देता है॥
આ સંદર્ભમાં એક હળવો શેર યાદ આવ્યો..
‘समय’ न लगाओ तय करने में, आप को करना क्या है…?
वरना ‘समय’ तय कर लेगा कि, आप का करना क्या है !!સમાપનમાં છેલ્લે તો એ જ કહેવું છે કે સમય સુપ્રીમ છે. સમયના સામર્થ્યની વાત સહજ નથી. સમય માત્ર ઘડિયાળના ફરતા કાંટા નથી. એ વીતીને કદી પાછો વળતો નથી કે ભાવિની વીતક કદી કહેતો નથી. સમય તિથિ-વારમાં વહેંચાતો હશે પણ કોઈની મૂઠ્ઠીમાં કદી બંધાતો નથી. એ આંસુથીયે રોકાતો નથી ને સ્મિતથી કદી છેતરાતો નથી. નથી…નથી…નથી.નો આ સમય..અનન્તની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જિરવવો, એ જબરદસ્ત જિગરનું કામ છે. એ તો ક્ષણક્ષણની સમજ છે, ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.
સમય ‘સૂપ્રીમ’ છે. સર્વોપરિ અને સર્વોત્તમ છે.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com - Time is the engine of our Universe; nothing is without it.
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : શ્રી ગણપતિ કથા
પ્રવાસી યુ. ધોળકિયા
આજે કરોડો ભારતીયોના માનીતા અને સર્વમાન્ય કોઈ દેવતા હોય તો તે ગણપતિ – ગણેશ છે. દરેક મહિનાની સુદ ચોથ, અને ખાસ કરીને ભાદરવા મહિનાની ગણેશ ચોથ, ગણપતિની પૂજા માટે અનામત છે. ભારત હંમેશ ગણેશમય હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. કોઈ પણ કાર્યના આરંભ અને સિદ્ધિના દેવતા ગણેશ છે. આ વરદાન તેમણે તેમના પિતા, શિવજી, પાસેથી મળ્યું છે. સ્વયં ભગવાન વિષ્ણુએ પણ ગણપતિની પૂજા કરીને આશીર્વચન આપતાં કહ્યું છે કે મેં સર્વ પ્રથમ તમારી પૂજા કરી છે, તેથી દરેક કાર્યના આરંભમાં તમે પૂજાશો. નવાં ઘરની વાસ્તુવિધિ, વિવાહ કે લગ્નપ્રસંગ, નવા વ્યાપાર ધંધાની શરૂઆત કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં સફળતા માટે આપોઆપ જ ‘શ્રી ગણેશાય નમ:’ બોલી પડાય છે. તેથી જ નારદ પુરાણમાં નારદજીએ કહે છે કે જે કોઈને પણ ધન, વિદ્યા, જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, તો તે ગણપતિ જ આપી શકે તેમ છે.ગણેશની મહત્તા ભગવાનોએ પણ સ્વીકારવી પડી છે. બ્રહ્માએ પોતાની સૃષ્ટિના સફળ સર્જન માટે, વિષ્ણુએ બલિરાજાનાં ત્રણ ભુવન માપતી વખતે, શિવજીએ ત્રિપુરાના સંહાર માટે, આદ્યાશક્તિએ મહિષાસૂરના વધ સમયે, રામે રાવણ સામે અને ઈન્દ્રે વૃત્ર સાથે યુદ્ધ કરતાં પહેલાં ગણપતિની પૂજા કરીને પોતપોતાનાં અભિયાનનો આરંભ કર્યો હતો.
પુરાણોમાં અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ગણેશજીના જન્મ અને ઉદ્ભવ વિશે અનેક કથાઓ મળે છે. સ્કંદપુરાણની સર્વમાન્ય કથા એવી છે કે માતા પાર્વતીએ સ્નાન કરતી વખતે પોતાની રક્ષા કરવા માટે પોતાની રજથી ગણપતિની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. અહીં પ્રકૃતિએ પોતાની શક્તિનો પરચો બતાવ્યો એ ગૂઢાર્થ છે. આ સમયે શિવજી હાજર નહોતા. પાર્વતી સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે શિવજીનું આગમન થયું. પિતા – પુત્રના યુદ્ધમાં ગણેશજીએ પોતાનું મસ્તક ગુમાવ્યું. પાર્વતીના આગ્રહથી ગણેશને સજીવન કરવા તેમના પર હાથીનું મસ્તક બેસાડવામાં આવ્યું. શિવે ઉદ્ગોષણા કરતાં કહ્યું કે તેમનું સંતાન વિનાયક દેવો અને માનવો વચ્ચે વિઘ્નો સર્જશે. ચલ અને અચલ જ્યારે તેમની પૂજા કરશે ત્યારે જ તેમનાં વિઘ્નો દૂર થશે,
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગણપતિ કૃષ્ણ સ્વરૂપે પાર્વતીનું સંતાન બન્યા એવું નિરૂપણ છે. કાંચી પુરાણની કથા પ્રમાણે એક વાર શિવ અને પાર્વતી ૐકારને એકીટશે જોઈ રહ્યાં હતાં. શિવનું अકાર તરફ અને પાર્વતીનું उકાર તરફ ધ્યાન હતું. ચમત્કાર થયો હોય એમ આ બે પ્રણવ અક્ષરોમાંથી હાથી અને હાથણીનો ઉદ્ભવ થયો. તેમનું બાળક તે ગજાનન. આ રીતે માનવજાતિને તેમના માનીતા
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદામળ્યા.
ગણપતિનાં અનેક નામો છે. ગણેશ પુરાણ ૧૨, મુદગલ પુરાણ ૩૨, શારદા તિલકતંત્ર ૫૨ અને અન્ય ગ્રંથોમાં આવાં ૧૦૮ નામોથી ગણપતિની સ્તુતિ ગવાઈ છે.
ગણપતિના અવતારો આ પ્રમાણે છે. સત્યયુગમાં સિંહ પર આરૂઢ શ્રી વિનાયક, દ્વાપરમાં મૂષક પર બેઠેલા ગજાનન અને આપણા કળિયુગમાં અશ્વ પર સવાર શ્રી ધુમ્રકેતુ. મુદગલ પુરાણ વક્રતુંડ, એકદંત, મહોદર,ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ અને ધુમ્રરાજ એવા આઠ અવતારોને સ્થૂળ અર્થમાં અસૂરોને હણતા વર્ણવે છે. સૂક્ષ્મ અર્થમાં માનવમાત્રમાં રહેલા મદ, મત્સર, મોહ જેવા દોષોને નાથનાર દેવતા તરીકે ગણપતિને પ્રસ્થાપિત કરે છે.
ગણપતિ ઈશ્વર હોવા છતાં માનવ માટે આદર્શ મૂર્તિ છે. માતા પાર્વતીના સન્માન અર્થે તેઓએ પિતાના હાથે પોતાનો પ્રાણ ગુમાવી ‘માતૃદેવો ભવ’ના મહામૂલ્ય સિદ્ધાંતને જાળવ્યો. ભગવાન પરશુરામ દ્વારા કૈલાસ આવીને શિવજીના આરામમાં ખલેલ પાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવા ગણપતિએ યુદ્ધ પસંદ કર્યું. આ યુદ્ધમાં તેઓએ પોતાનો એક દાંત ગુમાવ્યો. આ રીતે ‘પિતૃદેવો દેવો ભવ’ના સિદ્ધાંતને સાર્થક કર્યો. આ તૂટેલા દાંતનો કલમ તરીકે ઉપયોગ કરીને ગણપતિએ વેદ વ્યાસને મહાભારત લખી આપ્યું. માતા પાર્વતીએ જ્યારે સ્કંદ અને ગણપતિને તત્કાળ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવવા કહ્યું, ત્યારે સ્કંદ પોતાના વાહન મયૂર પર આરૂઢ થઈને દોડ્યા., પરંતુ ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરીને પોતાનું ધ્યેય પાર પાડ્યું. આ રીતે તોયે માતાપિતાની સર્વોપરિતા સ્થાપી.
નેતા બનવું હોય તો કેવા ગુણો કેળવવા જોઈએ તે ગણપતિએ તેમના સ્વરૂપ પ્રમાણે નીચે પ્રમાણે દર્શાવ્યું છે:
૧) બાલચંદ્રને મસ્તક પર ધારણ કરીને નાનાને પણ સન્માન આપવાની શીખ આપે છે.
૨) સારૂં જોવા માટે જ્ઞાનચક્ષુ – ત્રિનેત્રનો ઉપયોગ કરવો.
૩) હમેશાં પ્રસન્ન વદન અને સ્મિતવાળું મોં રાખો.
૪) એકદંત: દરેક સાથે ઐક્ય કેળવો.
૫) ગજાનન: દિગ્ગજ જેવા સંતુષ્ટ અને વિશાળ હૃદયી બનો.
૬) લાંબી સુંઢ: કચડાયેલા માનવોનાં અંત:કરણમાં પ્રવેશી સહૃદયી બનો.
૭) લંબકર્ણ: દરેકનું સાંભળો.
૮) રક્તવર્ણ : બધા તરફ શુભ ભાવના રાખો.
૯) અંકુશ: મર્યાદા તોડનારને અંકુશમાં રાખો.
૧૦) પાશ: પ્રેમ પાશથી બધાંને બાંધો.
૧૧) મોદક: મીઠાશથી બધાંને સુખ આપો.
આવા ગણપતિનાં મંદિરોથી ભારત જ નહીં પણ કમ્બોડિયા, બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા જાપાન,ચીન વગરે પણ પવિત્ર બન્યા છે. ત્રિચિનાપલ્લીના ગણેશ અને મહારાષ્ટ્રનાં અષ્ટ વિનાયકનાં મંદિરો ગણપતિને અંજલી રૂપે છે.
ગણપતિ રહસ્ય
ગણપતિ પ્રાચીન સમયથી પૂજાતા દેવ છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે તમે
गणानां त्वा गणपतिं हवामहे ।
(હે ગણપતિ! ગણો (પ્રાર્થનાઓના સમૂહ)માં તમે ગણપતિ (પૂજાઓના ભગવાન છો .)
વિશ્વમાં જે કોઈ ચીજવસ્તુની ગણતરી થઈ શકે છે તેના સ્વામી ઋગ્વેદ કહે છે કે હે ગણપતિ! તમારા વિના કોઈ કાર્ય આરંભી શકાતું નથી.
શ્રી આદી શંકરાચાર્યએ જ્યારે સનાતન ધર્મ સુયોજિત કર્યો ત્યારે પંચાયતનની સ્થાપના કરી. આ પાંચ દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્યાશક્તિ, અને સૂર્ય. પછીથી બ્રહ્માનું સ્થાન ગણપતિને અપાયું. ભૌતિક સૃષ્ટિ પૃથ્વી, આકાશ, તેજ (અગ્નિ), જળ અને વાયુ એમ પાંચ તત્વોની બનેલી છે. આકાશ તત્વના અધિપતિ વિષ્ણુ, પૃથ્વીના શિવ, તેજનાં આદ્યાશક્તિ, જળના ગણપતિ અને વાયુના અધિપતિ સૂર્ય છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૌ પ્રથમ જળનો ઉદ્ભવ થયો. તેથી જ દરેક પ્રસંગે ગણપતિની પૂજા સૌ પ્રથમ થાય છે. અગ્રદેવતા અને જ્યેષ્ઠ રાજનું તેઓનું બિરુદ આ રીતે સાર્થક છે.
ગણપતિનું મહાત્મ્ય અને આધ્યાત્મ ખૂબ ગૂઢ છે. ગણપતિ રહસ્યનું હાર્દ સમજાવતાં અથર્વશીર્ષ ઉપનિષદ કહે છે કે હે ગણપતિ ! તમને નમસ્કાર હો! તમે જ તત્વમસી છો. તમે જ સર્વના કર્તા, ધારણ કરનારા અને રક્ષક છો. તમે જ બ્રહ્મ અને આત્મ તત્ત્વ છો. મૂળ સંસ્કૃત ભાષાના શ્લોક બહુ જ મનનીય છે.
ॐ नमस्ते गणपतये।
त्वमेव प्रत्यक्षं तत्वमसि।।त्वमेव केवलं कर्त्ताऽसि।
त्वमेव केवलं धर्तासि।।त्वमेव केवलं हर्ताऽसि।
त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि।।त्वं साक्षादत्मासि नित्यम्।
અથર્વશીર્ષ ઉપનિષદ જ ગણપતિનો બીજમંત્ર આપતાં ઘોષિત કરે છે કે गं गणपतये नमः| તેમાં गं બીજ છે અને ॐ શક્તિ છે જે બધાં કાર્યોને સફળ બનાવે છે.
માગલિક કાર્યો સમયે થાળીમાં સ્વસ્તિક રૂપે ગણપતિ અને તેની બાજુમાં બે બે સીધી લીટીઓ રૂપે તેમનાં કૂટુંબના સભ્યો, તેમની પત્નીઓ, રિદ્ધિ અને સિદ્ધિ, અને પુત્રો લાભ અને ક્ષેમ, દોરવામાં આવે છે. ગણેશનું લિંગ (ચિહ્ન) ચતુષ્કોણ શ્વેતપર્ણ પ્રસ્તર વિશેષ છે.
ગણેશના પૂજકો માટે ગાયત્રી મંત્રમાં કહેવામા આવ્યું છે કે
वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि, तन्नो दन्ति प्रचोदयात्
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॥હે ગણેશ ! એકદંત પદ્મપુરુષને અમે ભગવાન માનીએ છીએ. વક્રતુંડ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. તેઓ અમારા વિચારોને સત્કાર્યો માટે પ્રેરિત કરે.
તંત્ર સાધનામાં પણ ગણેશને અગ્રસ્થાન મળ્યું છે. તાંત્રિકો બાવન માતૃકાઓ અને લઘુષોઢાન્યાસ અંતર્ગત શક્તિ સહિત ગણેશજીને તાંત્રિક રીતે સાધે છે. તાંત્રિક પૂજામાં ગણપતિના ચાર સ્વરૂપ ગણેશ, મહાગણેશ, હેરમ્બ, હરિદ્રાગણ છે. તાંત્રિક યોગમાં કુંડલિનીનું સ્થાન મૂળાધારમાં છે. આ સ્થાનના અધિપતિ ગણપતિ છે. ગણપતિનું નામ સ્મરણ કરવાથી પણ કુંડલિની જાગૃત થઈ શકે છે. તેઓ સર્પરૂપી જનોઈ ધારણ કરે છે. આ સર્પ કુંડલિનીનું પ્રતિક છે. તંત્રમાં ગણપતિ મૂર્તિની જે પૂજા છે તેમાં પીત્તવર્ણના ગણેશ વ્યક્તિનાં સ્તંભન માટે, અરુણ વર્ણ વશીકરણ માટે, કાળો વર્ણ મારણ માટે, લાલ રંગ આકર્ષણ અને લીલો રંગ ધનપ્રાપ્તિ માટે છે. તંત્રમાં જમણી સૂંઢવાળા ગણપતિ પૂજાય છે.
ગણપતિનું મૂર્તિ સ્વરૂપ એવું છે કે તેમાં ॐ અને સ્વસ્તિક સમાયેલા છે. કાલિદાસે તેમનાં ચિદગન ચંદ્રિકામાં જણાવ્યું છે કે પહેલાં ઉદર, મધ્ય ભાગ શૃંગાકાર દંડ, ઉપર અર્ધચંદ્ર દંત અને અનુસ્વાર મોદક આ રીતે ॐ બને છે. ગણપતિના ચાર હાથથી સ્વસ્તિક કલ્પવો સહેલો છે. આ રીતે ગણપતિ ॐકાર એટલે કે જ્ઞાન અને નિર્માણના સ્વામી બ્રહ્મ-પરમાત્મા છે. સ્વસ્તિકરૂપે તેઓ માનવકલ્યાણ ના રક્ષક છે.
ગણપતિ વક્રતુંડ એટલે કે આત્મ સ્વરૂપે છે અને માયામાંથી મુક્તિ આપે છે. તેમનું બાકીનું શરીર ભૌતિક સૃષ્ટિ છે. મૂષક તેમનું વાહન છે કેમકે બ્રહ્માંડ પર ગણપતિ સ્વામી તરીકે સમગ્ર સૃષ્ટિના કર્તા, હર્તા અને રક્ષક છે. તેમના શૂપકર્ણ દ્વારા તેઓ આપણી અજ્ઞાનતારૂપી રજ દૂર કરે છે, પાપ પુણ્યનાં બંધનમાંથી મુક્ત કરીને આત્માની પ્રાપ્તિ કરાવે છે. તેમનો એકદંત અદ્વૈતની ભાવના વ્યક્ત કરે છે. એકદંતનો બીજો અર્થ માયા અને માયિક એક જ સૃષ્ટાનું સર્જન છે એમ નિરૂપણ કરે છે, વિઘ્નનાયક તરીકે તેઓ આપણાં દૂ:ખો દૂર કરે છે. હેરમ્બરૂપે તેઓ આપણા પાલનકર્તા છે. પંચદેવોમાં ગણપતિનું સ્થાન ચોથું છે. તેમની ઉત્પતિ ભાદરવા સુદ ચોથના થઈ છે. આ ચારની સંખ્યા સમાધિની ચોથી સ્થિતિ ‘તુર્યા’ છે. ચતુર્ભુજ ગણપતિ ચાર વેદના સંરક્ષક છે.
ગણપતિ – ગજપતિ શબ્દની વ્યુત્પત્તિ પણ ખૂબ સૂચક છે. જેમાં गનો અર્થ ગતિ અને ઉત્પતિ છે. બીજો અર્થ નિર્ગુણ અને સગુણ સૃષ્ટિ થાય છે. ज એટલે મૂળ સ્થાન. આ રીતે ગણપતિ જીવમાત્રનું મૂળ અને અંતિમ સ્થાન છે. ગણપતિનાં લબોદરમાં સમગ્ર સૃષ્ટિ સમાઈ જાય છે,
તેમના પુસ્તક સોન્ગ ઓફ સેલ્ફમાં જ્હોન ગ્રાઈમ્સ ગણપતિને અંજલિ આપતાં કહે છે કે તેઓને જોઈ શકાય છે છતાં પણ તે દૃષ્ટા છે. તેઓને જાણી શકાય છે છતાં પણ તેઓ જ્ઞાતા છે. સવાલ એ છે કે ગણપતિ કોણ છે અને શું નથી. ગણપતિ સર્વસ્વ છે. તેઓ બધાને પ્રેમ આપે છે. તેઓ સર્વપ્રકાશિત મણિ છે અને આત્મસાક્ષાત્કારની આડે આવતા અવરોધોને તોડી નાખે છે. ગમે ત્યારે અને ગમે ત્યાં ગણપતિને પૂજી શકાય છે. તે આપણા ભાગ્યવિધાતા છે. આપણા હૃદયમાં તેઓ સંતાઈને રહે છે એ અર્થમાં તેઓ ચોર છે.
ગણપતિની બેઠી, ઊભી અને નર્તન કરતી મૂર્તિઓમાં માનવ પોતાનું પ્રતિબિંબ નિહાળે છે. આથી જ અન્ય ધર્મીઓને પણ તેઓ પ્રિય બન્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ગણપતિને ગણપતિ અને વિનાયક તરીકે સંબોધવામાં આવ્યા છે. જૈન ધર્મમાં ગણધરોનું ખાસ સન્માનીય સ્થાન છે. આમ, ગણપતિ સનાતન ધર્મના સર્વસ્વીકાર્ય દેવતા છે.
આપણે તેમણે નમન કરીએ –
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ।।વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નં કુરૂમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।
હવે પછીના મણકામાં આપણે ‘પુરાણ’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કવિહૃદયના આસામી અને ધીર રાજકારણી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ભારતરત્ન પં. અટલબિહારી નેહરુની ૧૦૦મી જન્મજયંતી છે. એવું નથી કે કશીક ટાંકચૂકથી અહીં વાજપેયીને બદલે નેહરુનું નામ લીધું છે. માત્ર, સન બયાલીસના ‘હિંદ છોડો’ વારાથી એ (ભલે ત્યારે ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી વગર પણ) જાહેર જીવન ભણી ખેંચાયા ત્યારે હિંદુત્વ સ્કૂલના કંઈક સંપર્કપૂર્વકનાં અને એસએફઆઈ-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા- સાથે પણ સંપર્કપૂર્વકનાં એમ મીલીજૂલી તાસીરનાં એ પ્રારંભિક વર્ષો હતાં. જોકે, એ અઢળક ઢળિયા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભણી. પણ જેમ આ છેડાનો તેમ પેલી મેરનોયે રાષ્ટ્રીય સંસ્કાર એમને આજીવન પ્રસંગોપાત ખેંચતો પજવતો મૂંઝવતો ને સંસ્કારતો રહ્યો. એટલે સ્તો પેલાં રામજન્મભૂમિ આંદોલનનાં એક વીરનાયિકા શાં સાધ્વી ઋતંભરાને વાજપેયી માટે હોઠે ચડેલી ઓળખ જરી તુચ્છકારની રાહે ‘આધા કોંગ્રેસી’ એવી રહી હતી.
આ લખું છું ત્યારે મને કુલદીપ નાયર સાથેની વાજપેયીની એક મર્મોક્તિ સાંભરે છે. ૧૯૯૦-૯૨ના ગાળામાં સંઘ પરિવારી એક બડું રાવણું અયોધ્યામાં મળ્યું ત્યારે વાજપેયી બીજે ક્યાંક હતા. કુલદીપ નાયરે એમને પૂછ્યું: ‘રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં!’ લાલકૃષ્ણ અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ એ આત્મકથામાં સંભાર્યું છે કે અયોધ્યા આંદોલન વખતે મારી ને વાજપેયી વચ્ચે મતભેદ હતો, પણ એ ઉદારમતિ ઉર્ફે લિબરલ અને હું ઉગ્રમતિ ઉર્ફે હાર્ડલાઈનર એવા કોઈ જાથુકી મતભેદ ઘણીખરી બાબતોમાં નહોતા. અલબત્ત, અમારે અંગેની આ જાહેર છાપના બેઉ છેડા ઝોકફેરે મળીને ભાજપની અપીલને સર્વવર્ગી બનાવવા સારુ ઉપયોગિતાની રીતે ઠીકઠાક છે.
વિનય સીતાપતિએ ભારતીય રાજકારણની આ દમદાર જોડી વિશે ‘જુગલબંદી’ પુસ્તકમાં અચ્છી નુક્તેચીની કીધી છે. અહીં વાજપેયીની કહેવાતી (કેમ કે એના સ્ત્રોત અંગે હું ચોક્કસ નથી) એક મજબૂત ઉક્તિ સહજભાવે સંભારી લઉં કે કારસેવકો યાદ રાખે કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે, નહીં કે લંકા! આ આંદોલન સંદર્ભે સર્વોદયી સાથીઓએ શાંતિમય ધરણાનું આયોજન કર્યું ત્યારે એમના પર હુમલો કરી એમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીનાં પુત્રવધૂ નિર્મળા ગાંધીએ ત્યારે વાજપેયી વગેરેને પત્ર લખીને કહ્યું હતું કે ભિન્નમતને ધોરણે આવી હિંસક પ્રતિક્રિયા બરાબર નથી. નારાયણ દેસાઈ પાસે આ લખનારે સાંભળ્યું છે કે વાજપેયીએ નિર્મળાબહેનને લખ્યું હતું કે એમ કરનારા અમારા જ મિત્રો હશે એમાં શંકા નથી, લેકિન સબ મેં આપકે સ્વર્ગીય શ્વસુર કી તરહ ઈતના નૈતિક સાહસ કહાં કિ આંદોલન કો વિડ્રો કર સકે: (દેખીતી રીતે જ તેઓ ચૌરીચોરાની ઘટના વખતે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચેલું એ બીનાનો કદરભેર ઉલ્લેખ કરવા માગતા હતા.)
ગમે તેમ પણ, કોઈ મોટા કવિ નહીં તો પણ સહૃદય હોઈ શકતા કહો કે કવિહૃદયના આસામી વાજપેયી ખસૂસ હતા. એમના નેતૃત્વમાં, પ્રસંગે ઋજુતા જરૂર પ્રગટ થતી રહી. પાકિસ્તાન ગયા ત્યારે ઘરઆંગણાની પ્રતિક્રિયા તેમ યજમાન મુલકના પ્રોટોકોલની પરવા વિના એ ક્રાંતિકારી કવિ ફૈઝને મળવા દોડી ગયા હતા. ૧૯૯૯ માં એમણે યોજેલી દિલ્હી-લાહોર બસયાત્રા એક રીતે આઉટ ઓફ બોક્સ ડિપ્લોમસીનો શાયરાના અંદાજ હતો. લાહોરનું એમનું ઉર્દૂ-હિંદુસ્તાની ઝાંયનું ભાષણ, ભાગલા પછી નેહરુની પહેલી લાહોર મુલાકાતના બરનું હતું. વડાપ્રધાન નવાઝ શરીફ અનુકૂળ હોઈ શકતા હતા, પણ લશ્કરી વડા મુશર્રફે ખેલ બગાડ્યો એ ઈતિહાસવસ્તુ છે. એમનું નિર્ણાયક કદમ તો ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાતનું હતું. જે સ્થળે ૧૯૪૦માં પાકિસ્તાનની માગણીનો અધિકૃત ઉદઘોષ થયો હતો ત્યાં જવું સારા પાડોશી તરીકે માનવતાની સહૃદય અપીલ અને કવિહૃદયનો ધક્કો એમને એ માટે ખેંચી ગયો હશે જે અંગે દિલ્હીનાં રાજદ્વારી વર્તુળો દ્વિધાવિભક્ત હશે, અને નાગપુરના આકાઓ આકરા ટીકાકાર.
મુદ્દે, ૧૯૯૯ માં ૧૯૭૭-૭૮ની મોરારજી સરકારના વિદેશમંત્રી તરીકે એમની ભૂમિકાનું આ અનુસંધાન હતું. ‘અખંડ ભારત’વાદી જનસંઘ ગોત્રના તમને અહીં આવવું કેવું લાગે છે એવા પ્રશ્નના ઉત્તરમાં પાકિસ્તાની પત્રકારોને એમણે કહ્યું હતું કે હું એ ઈતિહાસબોજ ભૂલી જવાની કોશિશમાં છું. તમે પણ એવી કોશિશ કરો. બોજ અને બોધ વચ્ચેની આ કશ્મકશ એક કવિહૃદય ને ધીર રાજકારણી વચ્ચેની હતી. બાકી, એ જ અરસામાં નવી દિલ્હીના ગાંધી પીસ ફાઉન્ડેશનના સમારોહમાં એકરારના અંદાજમાં એ કહી ચૂક્યા હતા કે જુવાનીના તોરમાં ને ગુસ્સામાં વિભાજન ને ગાંધીહત્યાના કાળખંડમાં અમે જે બોલતા ને લખતા તે હવે પ્યારેલાલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ના વાચન પછી હું કહેવા ન ઈચ્છું.
ગુજરાત ૨૦૦૨ વખતે રાજધર્મના પાલનની સાફ વાત કર્યા પછી એ રાજીનામું લઈ શક્યા નહીં. બોજ અને બોધ વચ્ચેની કશ્મકશને શાસનના અંતિમ ચરણમાં ઈતિહાસની મૂઠ વાગી ગઈ તે વાગી ગઈ.
એમના અનુગામી ગણ ને ચાહકોની ખિદમતમાં- આત્મનિરીક્ષણ સાથે આગળ જવા વાસ્તે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
