-
પહાડનું બાળક
અશોક ઝવેરચંદ મેઘાણી
[ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં તા. ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬ના રોજ થયો હતો. તેમણે પોતાની કોઈ આત્મકથા લખી નથી. એ વિષય પર તેમણે લખ્યું છે કે “મારી જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે વીસરવા યોગ્ય હોય છે. નબળાં જીવનતત્ત્વોને હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ દરજ્જજે માગી લ્યે છે. એમાં ૯૯.૯ [ટકા] પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા લખવાની મારી હામ નથી.” આમ છતાં તેમણે અલગ અલગ જગ્યાએ પોતાના જીવન વિશે થોડું ઘણું કહ્યું છે. તેમના પુત્ર શ્રી અશોક મેઘાણીએ આ વિવિધ સંસ્મરણોનું એક સંકલન કરી તેમાંથી ’આત્મનિરીક્ષણ’ નામનું સરસ ઈ-પુસ્તક બનાવી પોતાની વેબસાઈટ meghani.com પર મૂક્યું છે. અત્રે એ ઈ-પુસ્તકમાંથી થોડોક અંશ રજૂ કરવામાં આવ્યો છે.]
મારા વડવાઓનું વતન બગસરા. એક દિવસ ગરકાંઠાનું ગામડું લેખાતું. આજે તો ગીર જંગલ કપાતું કપાતું ત્યાંથી ઘણું દૂર ગયું છે.હું પહાડનું બાળક છું. મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોર-વાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. [મારા પિતા] બચપણમાં મને તેડીને એ ડુંગરની આસપાસ ફેરવતા. મારી માતા ઘણા જ મધુર કંઠથી રાસડા ગાઈ સંભળાવતાં. દળતાં દળતાં એ ગાતાં તેના પડઘા મને સ્પષ્ટ સ્મરણ ન હોવા છતાં સંભળાય છે.
પાંચાળનું ધાવણ તો હું સવા મહિનો જ પી શક્યો; પિતાની બદલી થઈ ગઈ. તો યે પહાડોના સંસ્કાર થોડા થોડા સતત પોષાતા રહ્યા કારણ કે મારા પિતા પોલીસના એક નાના અમલદાર, એટલે થાણે થાણે બદલીઓ થતી, ને લગભગ એ તમામ થાણાં — ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર — કાં ગીરમાં, કાં પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી વંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. હથિયારો, ઘોડેસવારી, ગામડાંના પ્રવાસો, કુદરતની ભયાનકતા અને રમ્યતા, એકાંત, ગ્રામજનતા વગેરે સાથે હું એ રીતે પરિચયમાં આવેલો.
બેથી આઠ વર્ષનો હું રાજકોટમાં થયેલો. રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. શ્રીફળ લઈને સદરની તાલુકા સ્કૂલે હું ભણવા બેઠેલો. રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી કેમ કે રાજકોટની પૂર્વેનું એક પણ સ્મરણ છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું.
સદરની પોલીસલાઇનમાં એક છેડે બે ઓરડાનાં ઘરમાં પંદર રૂપિયા [ના પગાર] પર દસ માણસોનું કુટુંબ રહેતું હતું. ઘણું ઘણું યાદ આવે છેઃ મરી ગયેલાં ભાઈ-બહેનો, કૌટુંબિક દુઃખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર-દૂરને નાકે રાત્રે રૉનો ફરતા, આગો ઓલાવવા બળતી ઇમારતો ઉપર ચડતા, સિપાહીગીરી કરતા મારા પિતા, તેમના સાથીઓ, તેમના દ્વેષીઓ અને સંકડામણોમાંથી તેમને ઉગારી લેતા ગોરા સૂટર-સાહેબ યાદ આવે છે.
સૂટર-સાહેબ! મારી બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ… મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. એજન્સી પોલીસનો કડપ, દમામ, એની શિસ્ત, અને ખૂની કાઠિયાવાડી ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની ખુમારી પાનાર સૂટર સાહેબ!
સૂટરની વિદાય : પોલીસની ટી-પાર્ટી : એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી : કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો!’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ.
[૧૯૩૬માં] એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, સૂટર-સાહેબની સ્મૃતિઓમાંથી એક પ્રિય પાત્ર ખડું કરી રહ્મો હતો, ત્યારે મને ખબર નહોતી કે સૂટર જીવતા છે. સ્વપ્ન પણ નહોતું કે બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા સૂટર કાઠિયાવાડમાં આવી ચડશે.
કૉનોટ-હૉલ! [બ્રિટિશ] સલ્તનતની સત્તાનું આ સૌરાષ્ટ્રી પ્રતિષ્ઠા-મંદિર જ્યાં સાવજ સરીખા કંઈક મહારાજા-મહારાણાઓના ટાંટિયા ધ્રૂજ્યા હશે, બોલવા જતાં ગેંગેંફેંફેં થયું હશે. આંહીં દબદબાભર્યા રાજવી દરબારો ભરાતા. મુંબઈનો ગવર્નર આંહીં આવતો. [એની] સવારીઓ બતાવવા શિક્ષકો અમને નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પાડી હશે, ગવર્નરોનાં શોભા-શણગારો પણ બન્યા હશું, પણ મને મીઠામાં મીઠું સ્મરણ છે મીઠાઈના પડાનું.
આ કૉનોટ-હૉલમાં મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો જે દરબારમાં બકરી જેવા ગરીબ બની તાબેદારીની વિધિ ભજવતા હશે, તે દરબાર કેવો જોવા જેવો હશે! એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન બહુ હરખાતું કે અમુક ઠાકોર-સાહેબ એક મિનિટ મોડા પડતાં તેમની ચાર કે છ ઘોડાળી ગાડીને એક અદના એજન્સી-પોલીસે જ્યુબિલી બાગના દરવાજા બહાર રોકી પાડેલી. ફલાણાએ ફલાણાની પટકી પાડી, એ વાત જ બાલમાનસ માટે પૂરતી આકર્ષક બની જતી હશે. માતાપિતા કે મોટેરા ભાઈઓ-બહેનો રોજ ઊઠીને નાના બાળકની પટકી પાડતાં હોય છે તેનાં જખમના વૈરની લાગણીને બાળક આ રીતે, પારકાના તેજોવધના બનાવોથી, તૃપ્ત કરતું હશે.
મને યાદ આવે છે ગીરનાકા પરનું એ લાખાપાદર આઉટપોસ્ટ. આ સંસ્કારહીન અને કોઈએ નહિ ઘડેલા શૈશવનું એ પ્રકૃતિ-પારણું હતું. રેલવે તો તે કાળે ત્રીસ માઇલ વેગળી, શાકપાંદડું જ્યાં સોગંદ ખાવાય ન જડે, પાણી જ્યાં ગીર-ઝાડવાંનાં ઝેરી મૂળિયાંનાં ગળેલાં પીવા મળે, વસ્તી જ્યાં કાઠિયાઈ છોતાં બની ગયેલી; દોષિત નોકરને સજારૂપે મોકલવા વપરાતા એવા લાખાપાદર થાણાનું આકર્ષણ મારાં બાળચક્ષુઓમાં ઊલટા જ પ્રકારનું હતું.
અગિયાર વર્ષના બાળકને જેણે માવતરથી ઉતરડીને વીસ માઇલ વેગળો અભ્યાસ માટે ફગાવી દીધો હતો, પારકા ઘરનો ટુકડો રોટલા અને છાલિયું પણ નહિ એટલી છાશનો ઓશિયાળો કરી મૂક્યો હતો… તે જ આ લાખાપાદર થાણું એ પરઘરાવલંબી બાળકને માંદગીના કે લાંબી-ટૂંકી રજાના દહાડા આવતાં ગાય વાછરુને ખેંચે તેમ ખેંચતું.
પાણીના પ્રવાહની વચ્ચે આવતાં કદી બેસી જનારા ટટ્ટુ પર – અગર ઊઠતાં તેમ જ બેસતાં અસવારના શિશુ-શરીરને શીર્ષાસનની તાલીમ આપતા ઉસ્તાદ સરીખા અઢાર-વંકા ઊંટની પીઠ પર – બેસીને આ પરજીવી બાળક એક પછી એક ગામડાં પાર કરીને આવતો… ત્યાં તો આઘેરી ધરતી પર ઘટાદાર વૃક્ષોની હરિયાળીના એક વિસ્તીર્ણ કૂંડાળાની વચ્ચે સૂકા જમીન-ટુકડા પર ઊભેલાં થોડાંક ચૂનાબંધ ખોરડાં દેખાય, શેલ નદીના જળઘુઘવાટ સંભળાય, ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે ઊતરે એવા એ નદી પાર કરવાના ઊંટવઢ આરામાં પગ મહામહેનતે પેંગડામાં રહે અને કંઈક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય ભાસે.
એ પહાડ-ભેદંતી નદીઓનાં ઊંડા ધરા ને એ ડુંગરની એકાંત ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીની ભેખડ પરના અમારા નિવાસોની નાની નાની બારીઓમાં થઈને હૂહૂ! હૂહૂ! ભૂતનાદ કરતા પવન-સૂસવાટાએ મારી નિંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પુનમના હુતાશણીના ભડકા ફરતા ગોવાળીડા જુવાનો — અરે, ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ — સામસામા દુહાસંગ્રામ માંડતા તેનો હું બાલભોક્તા હતો. પહાડનો હું બાળજીવડો, પહાડના ટેટાટીંબરું અને ગુંદાં-મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહાસોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. તે પછી તો [એ રસ સક્રિય રીતે સજીવન થતાં] ઘણાં વર્ષનો ગાળો પડયો… અને ભીતરની ભોંયમાં જૂનાં રસનાં ઝરણાં વહ્યાં કરતા હશે તેની જાણ પણ ક્યાં હતી?
વેકેશન ખૂટી જતાં ફરી પાછા ઘોડી કે ઊંટ પર લપસણી બિહામણી તો યે શિશુહૃદય-સોહામણી શેલને સામે પાર [પહોંચીને], સપાટ ખૂમચા જેવી ભોમકા પર વહેતું વાહન, પાછળ ફરી-ફરીને કેટલીયે વાર નિહાળેલાં એ ચૂનાબંધ ખોરડાં, ફરી પાછાં માર્ગે આવતાં રંક અને રોટીવિહોણાં એ ગામડાં, ત્યાં ભેટતી અને છાનો દિલાસો દેતી પહોળા પટવાળી, સુજલા-સુફલા સોરઠી શેત્રુંજી. ઊતરીને ખોબે ખોબે પાણી પીતો, પગ ઝબોળીને ટાઢો થતો ને સાંજે તો શરૂ થઈ જતી પારકા ટૂંબા ખાઈને રોટલો પામતી ઓશિયાળી વિદ્યાર્થી-અવસ્થા.
રે ! પાયામાં જોઉં તો કશો જ નક્કર કુલસંસ્કાર, નગરસંસ્કાર, રક્તસંસ્કાર, ધર્મસંસ્કાર નથી જડતો. જડે છે આ શેત્રુંજી, સાતલ્લી અને શેલ સમી નદીઓનાં નીર-સમીરણ મારફતનાં થોડાં નિસર્ગ-લાલન; પણ આ માનવજીવન એટલેથી થોડું ઘાટમાં આવે છે? બહુ બહુ અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો.
આજ સાંભરે છે એ શૈશવના નિસર્ગાાશ્રયો એ કારણે કે શિશુકાળની નધણિયાતી, લાલનવિહોણી અને ગૃહકલહથી મૂંગી મૂરઝાતી લાગણીઓને કોમલ શીતળ સ્પર્શ કેવળ આ ગીરપ્રકૃતિ પાસેથી જ મળતો.
બી.એ.માં ભણતો હતો ત્યાર વેળાનું આ લાખાપાદર રાત્રિ ને દિવસ બહારવટિયા રામ વાળાને ભણકારે ધ્રૂજતું હતું. હું મારાં થોથાં વાંચવામાં પડયો હતો ત્યારે બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ બદનના પિતા બહારવટિયા સામેના બંદોબસ્ત નિમિત્તે ઘોડાની પીઠ પર ભટકતા હતા. બાપુ ઘેરે આવે ત્યારે જ એમને જીવતા જાણી એમની ઊંચે શ્વાસે સાંભળેલી ‘આજ તો રામ વાળો [બહારવટિયો] મળ્યો હતો’વાળી વાતો… અને ૧૯૧૪-૧૯૧૫નાં વર્ષો યાદ આવે છે.
-
હું ગુજરાતી ભાષા
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
હું ગુજરાતી ભાષા
કવિ તમારી પાસે રાખું છું બહુ મોટી આશા
હું ગુજરાતી ભાષા.મુક્ત કરાવો ત્યાંથી જ્યાં બસ ચાટૂક્તિના ચટકાં
ફરી મને ત્યાં પહોંચાડો, જ્યાં બ્રહ્મ કરે છે લટકાં
બહુ બાઝી ગઈ લીલ, હવે તો વહેવાના પણ સાંસા
હું ગુજરાતી ભાષા.સાચું કહું આ લબુક્ ઝબુકિયા મને નહીં અજવાળે
ફરી કલમ એ લાવો કે, જે પોતાને પ્રજ્વાળે
કવિ તમે શું જોયા કરશો બેસી આમ તમાશા ?
હું ગુજરાતી ભાષા.કવિ તમે તો અંધકારમાં છો ટમટમતી જ્યોત
રચો કવન કંઈ એવા, જેમાં પ્રગટે મારું પોત
શબદ શબદમાં ઊગે સૂરજ, ભાગે દૂર નિરાશા
હું ગુજરાતી ભાષા… -
ફિલ્મી ગઝલો – ૮૩. સફદર આહ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સફદર આહ સીતાપુરીએ મહદંશે ૧૯૪૦ અને કંઈક અંશે ૧૯૫૦ ના દાયકામાં સોથી વધુ ગીતો લખ્યાં. એ પહેલાં પણ ઉર્દુ શેરો શાયરીની દુનિયામાં એમનું ખાસ્સું નામ હતું. એ ક્યારેક સફદર આહ તો ક્યારેક ‘ આહ ‘ સીતાપુરી તરીકે ઓળખાતા. એમની ઓળખાણ માટે કોઈ એક જ ગીત રચનાનો ઉલ્લેખ કરવો હોય તો ‘ પહલી નઝર ‘ ( ૧૯૪૫ ) ફિલ્મની મુકેશે ગાયેલ યાદગાર ગઝલ ‘ દિલ જલતા હૈ તો જલને દે, આંસૂ ન બહા ફરિયાદ ન કર ‘ કાફી છે.આ ફિલ્મ ઉપરાંત એમણે અલીબાબા, ઔરત, રોટી, બહન, પ્રાર્થના, પૈગામ, માન, નાઝ, લાડલી, ભક્ત રૈદાસ, ભૂખ, આસરા, ઉમર ખૈયામ, બોલતી બુલબુલ, ફરમાન, વિજય, શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધ અને બડી બહુ જેવી ફિલ્મોમાં ગીતો લખ્યાં.
તેઓ ૧૯૮૦ માં મુંબઈ અવસાન પામ્યા.
એમની લખેલી બે ગઝલો :
કભી જલવે દિખાએ જાતે હૈં
કભી પરદે ગિરાએ જાતે હૈંમુંહ પે મુંહ હૈ ગલે મેં બાહેં હૈં
આજ રૂઠે મનાએ જાતે હૈંઅઝ્મ સહરા – નવર્દિયોં કા હાએ
આગ ઘર મેં લગાએ જાતે હૈં..( સહરા નવર્દિયાં = રણમાં ભટકવાની મોજ )
– ફિલ્મ : ગરીબ ૧૯૪૨
– સુરેન્દ્ર
– અનિલ બિશ્વાસભૂલ જા જો દેખતા હૈ, જો હૈ દેખા ભૂલ જા
યાદ રખ કર ક્યા કરેગા, યે તમાશા ભૂલ જાખ્વાબ કી રૂદાદ પર કૈસી ખુશી કૈસા મલાલ
અપની હાલત પર યે હંસના ઔર રોના ભૂલ જાક્યા ભરોસા ઝિંદગી કે ઝિલમિલાતે દીપ કા
અપને અરમાનોં કી યે દુનિયા બચાના ભૂલ જાખુદ કદમ ઉઠેંગે તેરે અપની મંઝિલ કી તરફ
બસ ચલા ચલ, કિસ તરફ હૈ તુજકો જાના ભૂલ જા..– ફિલ્મ : વિશ્વાસ ૧૯૪૩
– સુરેન્દ્ર
– ફિરોઝ નિઝામી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ (૧૮) – ફૂંકવાદ્યો – ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યો (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આજની કડીમાં ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યોના ધ્વનિ અને સ્વરોનો વધારે પરિચય કેળવવા માટે તેમનો પ્રભાવક ઉપયોગ થયો હોય તેવાં ચુનંદાં ગીતો સાંભળીએ.
શરૂઆત કરીએ વરીષ્ઠ ગાયક પંકજ મલ્લિકે ગાયેલા એક બિનફિલ્મી ગીત ‘તેરે મંદીર કા હૂં દીપક જલ રહા’થી. આ ગીતમાં ગાયકીની સમાંતર વહેતા રહેતા વાંસળીના અંશો તેમ જ વચ્ચે વચ્ચે સંભળાતા વાંસળીના ટહુકા ગીતના માધુર્યને વધારી દે છે.
૧૯૪૯ની ફિલ્મ દિલ્લગીનું ગીત ‘તૂ મેરા ચાંદ મૈ તેરી ચાંદની’ માણીએ. આ ફિલ્મનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત મહદઅંશે વાંસળીના સ્વરોથી સજાવાયું છે.
૧૯૫૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ અનારકલીમાં સી.રામચંદ્રે તૈયાર કરેલાં તમામ ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. સાત દાયકા પછી પણ અલગઅલગ વયજૂથના ચાહકો આ ગીતો ગણગણતા હોય છે. તે પૈકીના ‘મહોબત ઐસી ધડકન હૈ’ના વાદ્યવૃંદમાં વાંસળીના કર્ણપ્રિય અંશો છે.
ફીલ્મ મેરી સૂરત તેરી આંખેં(૧૯૬૩)ના ગીત ‘યે કીસ ને ગીત છેડા’ના શાંત અને સરળ વાદ્યવૃંદમાં વાંસળીના સ્વરો બહુ પ્રભાવક લાગે છે. સંગીત સચીનદેવ બર્મનનું હતું.
૧૯૬૪ની ફિલ્મ ચિત્રલેખાના રોશનના સ્વરબદ્ધ કરેલા ગીત ‘મન રે તૂ કાહે ન ધીર ધરે’માં વાંસળીના શાંત ગતિએ વહેતા સ્વરો ગીતના માધુર્યમાં ઉમેરો કરે છે.
૧૯૬૫ની ફિલ્મ ખાનદાનમાં રવિનું સંગીત હતું. આ ફિલ્મનું વાંસળીના સ્વરોથી સજેલું ગીત ‘નીલ ગગન પર ઉડતે બાદલ આ આ આ’ માણીએ.
<https://www.youtube.com/watch?v=_HVXJ8BAJM8
ફિલ્મ તીસરી કસમ (૧૯૬૬)ની લોકપ્રિયતામાં શંકર-જયકીશનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું નોંધનીય પ્રદાન છે. સાંભળીએ, ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં’. આ ગીતમાં વાંસળીના કર્ણપ્રિય અંશો છે.
આરાધના (૧૯૬૯)નાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોએ એવી ધૂમ મચાવી હતી કે તેના થકી ગાયક તરીકે કિશોરકુમાર અને અભિનેતા તરીકે રાજેશ ખન્નાની કારકીર્દિને નોંધનીય ફાયદો થયો હતો.
તે ફિલ્મનું ખુદ સચીનદેવ બર્મનનું ગાયેલું ગીત ‘સફલ હોગી તેરી આરાધના’ વાંસળીના સ્વરોથી સજેલું છે.
https://www.youtube.com/watch?v=1y23s6lQ5iM
૧૯૭૦ની ફિલ્મ ગીત માટે સંગીત રવિએ તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું લોકપ્રિય ગીત ‘આ જા તૂઝ કો પૂકારે મેરે ગીત’ તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ વાંસળીના સ્વરો માટે જાણીતું છે.
ફિલ્મ પ્રેમ પર્બત (૧૯૭૩)નું સંગીત જયદેવે તૈયાર કર્યું હતું. તેનું એક બેહદ લોકપ્રિય થયેલું ગીત ‘યે દિલ ઔર ઉન કી નીગાહોં કે સાયે’ વાંસળીના અંશોની સંગત વડે માધુર્યસભર બન્યું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતિ મુજબ આ ફિલ્મ સાથે એક કમનસિબ દુર્ઘટના એવી બની કે તેની એક પણ પ્રીન્ટ બચી નથી. સદનસીબે ગીતો રેકોર્ડ્સ પર સલામત રહ્યાં છે. ખેર, ગીત માણીએ.
https://www.youtube.com/watch?v=PwsTEwn5hKw
૧૯૭૩માં જ રજૂ થયેલી ફિલ્મ અભિમાનનાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોની લોકપ્રિયતા આજે પાંચ દાયકા પછી પણ બરકરાર છે. તે પૈકીનું વાંસળીપ્રધાન ગીત ‘પિયા બિના પિયા’ માણીએ.
આ કડીના સમાપનમાં ફિલ્મ ગીત ગાતા ચલનું ટાઈટલગીત માણીએ. આ પણ એક વાંસળીપ્રધાન ગીત છે.
આ સાથે અહીં અટકીએ. આવતી કડીમાં ફૂંકવાદ્યો વિશે વધારે માહીતિ અને ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
સવાલ-જવાબ આવરતા ગીતો
નિરંજન મહેતા
ફિલ્મીગીતોમાં કેટલાક એવા ગીતો છે જે સવાલથી શરૂ થાય અને આગળ તેનો જવાબ મળે. જો કે કેટલાક ગીતોમાં ફક્ત સવાલ જ દર્શાવાયા છે. આવા બંને પ્રકારના ગીતો આ લેખમાં સમાવાયા છે. પણ જે ગીતમાં શરૂઆતમાં સવાલ નથી પણ આગળના અંતરામાં આવે છે તેવા ગીતો આ લેખમાં નથી સામેલ કર્યા.
સૌ પ્રથમ આવે છે ૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નું ગીત
चली कौनसे देश गुजरिया तू सज धज के
जाऊँ पिया के देश ओ रसिया मैं सज धज केઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને લગતી આ ફિલ્મ છે જેમાં બેબી નાઝ મુખ્ય કલાકાર છે. આ ગીતમાં તે અને અન્ય
કલાકાર દેખાય છે. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકરો છે આશા ભોસલે અને તલત મહેમુદ.
૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’ એક રીબેલિયન સ્ત્રી પર આધારિત છે જેણે જીવનમાં દુઃખ જ જોયું છે. અનાથાશ્રમમાંથી તે ભાગી જાય છે ત્યારે તેના સંચાલક બલરાજ સહાની દ્વારા ગવાતું આ ગીત છે.
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
अँधेरा है मन का, दिया तो जला ले
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
कहाँ जा रहा हैમહિલા કલાકાર છે નુતન. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૫૬ની ફિલ્મ ‘સી.આઈ.ડી.’નું આ ગીત સાંકેતિક ગીત છે.
जाता कहाँ है दीवाने सब कुछ यहाँ है सनम
बाक़ी के सारे फ़साने झूठे हैं तेरी क़सम
कुछ तेरे दिल में कुछ मेरे दिल में
ज़माना है बुराવહીદા રહેમાન દેવઆનંદને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાયિકા ગીતા દત્ત.
૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘ચોરી ચોરી’નાં ગીતમાં શરૂઆતમાં કઠપૂતળીનો ખેલ દેખાય છે પણ પછી તે કઠપુતળીઓની જગ્યાએ રાજકપૂર અને નરગીસ પોતાની જાતને જુએ છે અને ગીતને આગળ વધારે છે.
जहाँ मैं जाती हूँ वहीं चले आते हो
चोरी-चोरी मेरे दिल में समाते हो
ये तो बताओ के तुम मेरे कौन होગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાયકો છે મન્નાડે અને લતાજી.
૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીર રોયા’ના આ ગીતમાં કોઈની રાહ જોતા અનુપકુમાર વિચારે છે કે
कौन आया मेरे मन के द्वारे
पायल की झनकार लिये
कौन आया …રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સંગીત આપ્યું છે મદનમોહને અને સ્વર છે મન્નાડેનો.
૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’ એક કલાકારની મનોદશા વર્ણવે છે.
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तेरे बिन फीका फीका है दिल का जहां
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तू गयी उड़ गया रंग जाने कहाँમહિપાલ માનસ પ્રેમિકા સંધ્યાને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે સી. રામચંદ્રનું. આશા ભોસલે અને મન્નાડે ગાયક કલાકારો.
૧૯૬૧ની ફિલ્મ ‘સસુરાલ’નાં આ ગીતમાં ખૂબી એ છે કે દરેક સવાલના જવાબ પણ સવાલથી આપવાના.
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
हर सवाल का सवाल ही जवाब होરાજેન્દ્ર કુમાર અને બી. સરોજાદેવી વચ્ચેની આ જુગલબંધીનાં રચનાકાર છે શૈલેન્દ્ર જેનું સંગીત છે શંકર જયકિસનનું. લતાજી અને રફીસાહેબ ગાયકો છે.
૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નું આ ગીત એક વિરહીની મનોવ્યથા ઉજાગર કરે છે.
तू कहाँ ये बता इस नशीली रात में
माने ना मेरा दिल दीवाना
हाय रे माने ना मेरा दिल दीवानाદેવઆનંદ નૂતનને અનુલક્ષીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયક છે રફીસાહેબ.
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત છે અને તે ટાઈટલમાં મુકાયું છે.
वहाँ कौन है तेरा, मुसाफ़िर, जायेगा कहाँ
दम लेले घड़ी भर, ये छैयां, पायेगा कहाँ
वहां हौन है तेरा …જેલમાંથી છુટેલા દેવઆનંદને ક્યા જવું તેની ખબર નથી એટલે તે અજાણ્યા શહેરમાં જવા નીકળે છે ત્યારે આ ગીત મુકાયું છે જેના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સચિન દેવ બર્મન, તેમણે જ આ ગીતને સ્વર આપ્યો છે.
૧૯૬૮ની ફિલ્મ ‘ઝૂક ગયા આસમાં’નું આ ગીત એક પ્રેમી પ્રેમિકાને મળવા આતુર છે ત્યારે કારમાં સફર કરતાં આ ગીત ગાય છે.
कौन है जो सपनों में आया
कौन है जो दिल में समाया
लो झुक गया आसमां भी
इश्क़ मेरा रंग लाया
ओ प्रिया, ओ प्रिया…કલાકાર છે રાજેન્દ્ર કુમાર. શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘બહારો કી મંઝીલ’નું ગીત એક પાર્શ્વગીત છે. તંદ્રામાંથી જાગેલ મીનાકુમારીને ઘરમાં બધું બદલાયેલું દેખાય છે ત્યારે આ ગીત સંભળાય છે.
निगाहे क्यों भटकती है
कदम क्यों डगमगाते है
हुमी तक है हर एक मंजिल
चले आओ चले आओ
चले आओ चले आओ
निगाहे क्यों भटकती हैગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી.
૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે સવાલ જવાબ દ્વારા થતી નોકઝોક છે.
अच्छा तो हम चलते हैं
अच्छा तो हम चलते हैं
फिर कब मिलोगे
जब तुम कहोगे
जुम्मे रात को
हाँ हाँ आधी रात कोઆ નોકઝોક રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે થાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. લતાજી અને કિશોરકુમારના સ્વર.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નું આ ગીત અત્યંત દર્દભર્યું અને સચોટ છે.
जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में
नज़रों को हम बिछाएंगे
चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर
तुमको ना भूल पाएंगेયાદોમાં ખોવાયેલ રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. સંગીત છે શંકર જયકિસનનું અને ગાયક છે મુકેશ.
૧૯૭૨ની ફિલ્મ ‘અનુરાગ’ના આ ગીતમાં સવાલ જવાબની હારમાળા દેખાશે.
तेरे नैनों के मैं दीप जलाऊँगा
अपनी आँखों से दुनिया दिखलाऊँगा
अच्छा
वो क्या है? इक मंदिर है
उस मंदिर में? इक मूरत है
ये मूरत कैसी होती है?
तेरी सूरत जैसी होती है
वो क्या है? इक मंदिर हैવિનોદ મેહરા અને પ્રજ્ઞાચક્ષુ મૌસમી ચેટરજી વચ્ચે આ સવાલ જવાબનો સિલસિલો રચાયો છે. આનંદ બક્ષીના શબ્દોને સચિન દેવ બર્મનનું સંગીત મળ્યું છે જ્યારે ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું ગીત એક ઉત્સુક યુવાનના મનની લાગણીઓ દર્શાવે છે. પોતાની થનાર પત્નીનો ફોટો જોઈ તે કહે છે
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
वो कैसी होगी जिसकी तसवीर ऐसी हैઅનીલ ધવન જયા ભાદુરીનાં ફોટાને જોઈ આ ગીત ગાય છે. બીજી બાજુ જયા ભાદુરી પણ કાંઇક અંશે આવું જ અનુભવે છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયકો લતાજી અને રફીસાહેબ.
૧૯૭૪ની ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’
ओ हँसनी मेरी हँसनी, कहाँ उड़ चली
मेरे अरमानो के पँख लगाके, कहाँ उड़ चलीમૌસમી ચેટરજીને દોડી જતી જોતા રિશીકપૂર પોતાના મનોભાવ આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે આર.ડી. બર્મન. સ્વર છે કિશોરકુમારનો.
આ ગીત ૨૦૦૨ની ફિલ્મ ‘દિલ વિલ પ્યાર વ્યાર’માં પણ મુકાયું છે.
આ ગીતના કલાકરો છે નમ્રતા શિરોડકર અને આર. માધવન. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો છે સુનિધિ ચૌહાણ અને અભિજિત
૧૯૭૬ની ફિલ્મ ‘છોટી સી બાત’નું આ ગીત એક પાર્શ્વગીત છે જે પ્રેમીની યાદમાં વિદ્યા સિંહ ઉપર રચાયું છે.
ना जाने क्यूँ होता है ये ज़िंदगी के साथ
अचानक ये मन किसी के जाने के बाद
करे फिर उस की याद छोटी-छोटी सी बातગીતકાર યોગેશ અને સંગીતકાર સલીલ ચૌધરી. સ્વર છે લતાજીનો.
૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત પણ એક નોકઝોક સ્વરૂપે છે.
तुम कितने दिन बाद मिले
तुम इतने दिन कहाँ रहे
जानके क्यों अनजान बने
कोई उससे क्या कहे
तुमने है जाना नहीं
हमें पहचाना नहींઆ નોકઝોક નીતુ સિંહ અને અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કિશોરકુમાર અને આશા ભોસલે ગાયકો.
આ યાદી સંપૂર્ણ નથી પણ આશા છે જેટલા ગીતો મુકાયા છે તેનો મિત્રો આનંદ લેશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પરિવર્તન – ૧૪ – ખોખાનું સ્વપ્ન
અવલોકન
– સુરેશ જાની

This box dreams of becoming another box .
– Domino Pizzaલે! કર વાત. એને પણ વળી સ્વપ્ન છે! આમ તો આ જાહેરાતના અવનવા નુસખાનો જ એક પ્રકાર છે. પણ એનો હેતુ ઉમદા છે, સાર્વજનિક હિત અંગેનો છે – ખોખાને રિસાયકલ કરવાનો જ તો.
થોડાંક વર્ષ પહેલાં ‘3 Re’ એવા અંગ્રેજી શિર્ષકવાળો લેખ વિશ્વમાં સૌથી વધુ વંચાતા માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’ માં વાંચ્યો હતો. એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશો અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડની વાત કરવામાં આવી હતી. એના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા પર આધારિત, કરૂણ શક્યતા તરફ અંગુલીનિર્દેશ પણ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રી’ ની ભલામણ કરવામાં આવી હતી.
Reduce : Reuse : Recycle
વપરાશ ઓછો કરો.
વસ્તુઓ ફરીથી વાપરો.
વસ્તુઓનું/ કચરાનું રૂપાંતર કરો.અને છતાં હકીકત એ છે કે, આપણે અને બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પધ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છીએ.
ખેર, એ લગભગ અશક્ય વાતને બાજુએ મૂકી દઈએ તો, બીજી વાત પુનર્જન્મની છે. એક ચીજ મરણ પામે છે, અને એના અવશેષમાથી બીજી જન્મ લે છે. કોઈ પણ જીવનો ફરી જન્મ થાય છે – એવી ભારતમાં પ્રચલિત ધર્મોની માન્યતા છે. એ માન્યતા સાચી છે કે, નહીં – એ વિવાદનો પ્રશ્ન છે. આપણે એમાં નથી ઊતરવું. પણ એક ખોખું તો બીજું ખોખું બની શકે છે!
વિજ્ઞાનના ‘દ્રવ્ય સાતત્ય’ના નિયમ પ્રમાણે પણ, એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતરણ થતું જ રહે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે તો તેનાથી પણ આગળ વધીને શક્તિ અને દ્રવ્ય પણ એકબીજામાં પરિવર્તન પામી શકે છે. એ માટે આભાર મહાન વિજ્ઞાની અને ગણિત શાસ્ત્રી આલબર્ટ આઈનસ્ટાઈનનો. વળી હવે તો એવી વાત ચાલે છે કે, કશું ન હોય ( anti matter ) તેમાંથી પણ પદાર્થનો જન્મ થાય છે!
આ બધા વિવાદોને બાજુએ મૂકીએ તો ત્રીજી વાત ‘સ્વપ્ન’ની પણ આમાંથી તરી આવે છે. કોણ જાણે કેમ? પણ કિશોરાવસ્થામાં વાંચેલી આદરણીય હંસાબહેન મહેતાની બાળકથા ‘અરૂણનું અદભૂત સ્વપ્ન’ યાદ આવી ગઈ. ખોખાને સ્વપ્ન આવે, એ એના બનાવનારની સર્જકતા ભલે હોય; આપણને સપનાં બહુ પ્રિય હોય છે – નિંદરમાં આવતાં અને ‘ઉઘાડી આંખના’ સપનાં. કદાચ આપણી બધી પ્રવૃત્તિઓના પાયામાં કોઈ ને કોઈ સપનું હોય છે. આશાઓ, કલ્પનાના તરંગો. માણસ સિવાયના પ્રાણીઓને સપનાં આવતાં હશે?!
જવા દો – આ બધા તરંગોને. ખોખું ખોલીને પિઝા ખાઈ લો!
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૪૩ : વાત અમારા રિકાર્ડોની
શૈલા મુન્શા
જાન્યુઆરી ૨૦૧૨ની વાત છે. નવું વર્ષ શરૂં થયું. અમેરિકામાં નાતાલની સ્કૂલમાં બે અઠવાડિયાની રજા પડે. બાળકો સહિત અમે પણ ખૂબ ખુશ થઈ જઈએ. સ્કૂલની નોકરીમાં આ એક અગત્યનો લાભ. દર બે ત્રણ મહિને નાનુ મોટું વેકેશન આવ્યા કરે, અને એમાં પણ જ્યારે તમે દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં હો ત્યારે આવા વેકેશન અતિ આવશ્યક હોય છે. ક્લાસમાં બાળકો ની સંખ્યા ભલે ઓછી હોય પણ દિવસ પુરો થતાં તમે તન અને મન બન્ને રીતે થાકી ગયા હો.
વેકેશન પછી સ્કૂલનો પ્રથમ દિવસ હતો. અમારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. તમે જરૂર કલ્પના કરી શકો કે આટલા નાના બાળકો પંદર દિવસ ઘરે રહીને પાછા સ્કૂલમાં આવે ત્યારે અમારે ફરી એકડે એકથી શરૂઆત કરવી પડે. રજા તો ખરી પણ નાતાલની! જે અમેરિકનો માટે મોટો તહેવાર. પાર્ટીને જલસા! બાળકોને તો કેક, કુકી અને આઈસક્રીમ ખાવાની મઝા પડી જાય.
જાન્યુઆરી મહિનો અને ઠંડીનો સમય, પંદર દિવસ મઝા કર્યાં પછી પાછું સવારે વહેલા ઊઠી ને આવવાનુ. બે ચાર દિવસ તો બધા બાળકોના ચહેરા ઉંઘરેટા લાગતાં, માતા પિતાને પણ બાળકોને વહેલાં જગાડવામાં નાકે દમ આવતો.
રિકાર્ડો જેવો ક્લાસમાં આવ્યો કે તરત દેખાઈ આવ્યું કે ભાઈએ બરાબરની મજા કરી છે. વેકેશન ની અસર એના શરીર પર દેખાતી હતી. આમ પણ મેક્સિકન છોકરાં થોડા ગોળમટોળ તો હોય જ પણ રજા ની મજા બરાબર દેખાતી હતી. વાચા વધુ ઊઘડી હતી. વધુ બોલતો થઈ ગયો હતો પણ બધું સ્પેનિશમાં. આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રજા પડતાં પહેલા ઘણુ અંગ્રેજી બોલતા શીખ્યો હતો પણ ઘરે રહી બધું ભુલી ગયો.
બધા બાળકોમાં રિકાર્ડો જ સહુથી વધુ ખૂશ દેખાતો હતો જાણે સ્કૂલમાં આવવા માટે તત્પર હોય. એક કારણ એ પણ હોઈ શકે કે એ બે વર્ષથી અમારી સાથે હતો. ક્લાસમાં આવતાની સાથે જ મને વળગી ” Good Morning Ms. Munshaw, Good Morning Ms. Burk” બોલતાની સાથે જ કાંઈ કેટલુંય બોલી દીધું. એની કાલી કાલી ભાષા સાંભળવી એટલી મીઠી લાગતી હતી કે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય, પણ બધું કડકડાટ સ્પેનિશમાં! એકબાજુ અમને હસવું આવતું હતું અને બીજી બાજુ રિકાર્ડોના મોં પરની ચમક અને કૌતુકભરી આંખો જોઈ લાગતું હતું કે પંદર દિવસમાં જાણે રિકાર્ડો મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો.
અમને સાન્તા ક્લોઝે આપેલું નવુ જેકેટ હોંશભેર બતાવી કાંઈને કાંઈ બોલી નાખ્યું.
એની વાતો સાંભળી (સમજ્યા વગર) પણ અમારી તો સવાર સુધરી ગઈ. હસી હસીને નવા વર્ષના શુભ દિવસની શરૂઆત થઈ.
રિકાર્ડો અને એના જેવા અસંખ્ય બાળકો મારા ત્રેવીસ વર્ષના અમેરિકા વસવાટના એ યાદગાર મણકા છે જેને મને જીવવાનું બળ અને કોઈ પણ પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરતાં શિખવાડ્યું
ઈશ્વરને એ જ પ્રાર્થના કે આ દિવ્યાંગ બાળકોની નિર્દોષતા અને ચહેરાની મુસ્કાન કદિ વિલાય નહી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
વાડ ચીભડાં ગળે અને પોતે ચીભડાંનું રક્ષણ કરવાનો દાવો કરે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્લાસ્ટિકની શોધ વિવિધ ચીજોના વિકલ્પ તરીકે થઈ હશે, અને એ હેતુ અમુક હદે સર્યો હશે ખરો, પણ તેને કારણે ઊભો થયેલો પ્રદૂષણનો ગંભીર ખતરો કદાચ શરૂઆતમાં ધ્યાને ન આવ્યો હોય એમ બને. એ હકીકત છે કે પ્લાસ્ટિક અનેક ચીજોના સબળ વિકલ્પ તરીકે ઊપસી આવ્યું છે, પણ તેના ઊપયોગ પર વિવેકની લગામ અઘરી છે. પ્લાસ્ટિક અને તેના થકી જીવસૃષ્ટિ તેમજ જૈવપ્રણાલિ પર તોળાતા ખતરાને કાબૂમાં લેવાની જવાબદારી સૌ કોઈની છે, પણ વિકસીત એટલે કે પ્રથમ વિશ્વના દેશોની વિશેષ કહી શકાય, કેમ કે, તેમની પાસે પૂરતાં નાણાં છે, જેના જોરે તેમણે પ્લાસ્ટિકના ઉપયોગને વકરાવ્યો છે. પ્લાસ્ટિકના ઉપયોગને પગલે તેની આડપેદાશ જેવી પ્લાસ્ટિકના કચરાની સમસ્યા જગતભરના દેશો માટે માથાનો દુ:ખાવો બની રહી છે.
અમેરિકાના મહત્ત્વના કહી શકાય એવા પ્લાસ્ટિકના વ્યાપારી સંગઠન ‘અમેરિકન કેમિસ્ટ્રી કાઉન્સિલ’ (એ.સી.સી.) દ્વારા પ્લાસ્ટિકના કચરાનો અંત લાવવાની ઝુંબેશનો આરંભ ૨૦૧૯માં કરવામાં આવ્યો હતો. ‘પ્લાસ્ટિકના ઉપયોગ પર મૂકાતા ટૂંકા ગાળાના પ્રતિબંધ’ને બદલે આ સંગઠને પ્લાસ્ટિકના કચરાને જ ખતમ કરવાની ઝુંબેશની ઘોષણા કરી. આ સંગઠનમાં ડાઉ કેમિકલ્સ, મિત્સુબીશી કેમિકલ હોલ્ડિંગ્સ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, શેલ, એક્ઝોનમોબીલ, શેવરોન ફીલીપ્સ કેમિકલ્સ જેવી વિરાટ કદની કંપનીઓ સભ્ય છે. એ સૌએ સંયુક્ત રીતે પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવા અને રિસાયકલ કરવાના પ્રયત્નો પાછળ ૧..૫બીલીયન ડોલર (સો કરોડ રૂપિયા) જેવી માતબર રકમ ફાળવવાની પ્રતિજ્ઞા કરી છે. જો કે, આજ સુધી એટલે કે પાંચ વર્ષમાં તેમણે એના ચોથા ભાગની રકમ પણ ફાળવી નથી એમ એક અહેવાલમાં જણાવાયું છે. અલબત્ત, આ સંગઠનની વેબસાઈટ પર દર્શાવાયા મુજબ પાંચ વર્ષમાં તેમણે ૧,૧૮, ૫૮૦ ટન જેટલા પ્લાસ્ટિકના અનિયંત્રીત કચરાને બચાવ્યો છે. ‘ગ્રીનપીસ’ નામના વિશ્વવ્યાપી સંગઠનના અહેવાલમાં જણાવાયા અનુસાર આ સંગઠનની કાર્યકારી સમિતિની સભ્ય એવી ફક્ત પાંચ કંપનીઓ દ્વારા જ ૧૩.૨ કરોડ ટન પ્લાસ્ટિક આટલા સમયગાળામાં પેદા કરવામાં આવ્યું છે. આ પાંચ કંપનીઓમાં રસાયણની બે કંપનીઓ ડાઉ કેમિકલ્સ, શેવરોન ફીલીપ્સ અને તેલની ત્રણ કંપનીઓ એક્ઝોનમોબીલ, શેલ તેમજ ટોટલ એનર્જિઝનો સમાવેશ થાય છે.
ગ્રીનપીસના અહેવાલમાં જણાવાયા અનુસાર પ્લાસ્ટિકના પ્રદૂષણને ખતમ કરવા માટે રચાયેલા સંગઠનના સભ્યોએ સંગઠનની સ્થાપનાથી આજ દિન સુધીમાં પ્લાસ્ટિકના કચરાની નાબૂદીને બદલે એક હજાર ગણા કરતાંય વધુ પ્લાસ્ટિક પેદા કર્યું છે.
સ્વાભાવિકપણે જ આ મામલે વાડ ચીભડાં ગળે એવી સ્થિતિ થઈ છે. આ સંગઠનના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા હોવાનું પુરવાર થયું છે. સંગઠનના આ કાર્ય માટે ‘ગ્રીનવૉશિંગ’ શબ્દ વપરાય છે, જેનો સાદો અર્થ થાય છે પર્યાવરણના મામલે લોકોને ગેરમાર્ગે દોરીને છેતરપીંડી કરવી. એટલે કે પર્યાવરણ પર પડતી નુકસાનકારક અસરોને છુપાવીને એવું દેખાડવું કે પોતાની કંપનીનાં ઉત્પાદન, લક્ષ્ય કે નીતિઓ પર્યાવરણ સાથે સુસંગત છે.
આમ તો દાયકાઓથી પ્લાસ્ટિકના ઉત્પાદકો આ કામ કરી રહ્યા છે. પ્લાસ્ટિકના પ્રદૂષણની પર્યાવરણ પર થતી ગંભીર અસરોને છુપાવીને તેઓ ગ્રાહકોને એમ ઠસાવીને છેતરી રહ્યા છે કે પ્લાસ્ટિકના પ્રદૂષણનો વાસ્તવિક અને વ્યાવહારિક ઊકેલ રિસાયકલિંગ જ છે. અને પોતે એને અનુસરી રહ્યા છે. એમાંય પેટ્રોકેમિકલ કંપનીઓ સ્વતંત્રપણે, સંગઠનો તેમજ વિવિધ જૂથો દ્વારા ગ્રાહકોને, નીતિ ઘડનારાઓને તેમજ નિયંત્રકોને બરાબર છેતરીને એમ માનવા પ્રેરી રહ્યા છે કે અનેક ખોટા ઊકેલો સૂચવીને તેઓ પ્લાસ્ટિકના કચરાની કટોકટીને કાબૂમાં લઈ શકશે. હકીકત એ છે કે વિશ્વભરમાં વરસેદહાડે પેદા થતા ચાલીસ કરોડ ટન પ્લાસ્ટિકમાંથી ફક્ત નવ ટકા પ્લાસ્ટિક જ સફળતાપૂર્વક રિસાયકલ કરવામાં આવે છે.
પ્લાસ્ટિકનો મૂળભૂત સ્રોત અશ્મિજન્ય ઈંધણ છે, જેને વિઘટન થતાં સદીઓ લાગી જાય છે. તે ઘસાતું જાય છે, અને નાના ટુકડામાં વિભાજીત થઈ જાય છે, જેને ‘માઈક્રોપ્લાસ્ટિક’ કહેવાય છે. માઈક્રોપ્લાસ્ટિક હવે સર્વવ્યાપી બનતું જાય છે. દરિયાઈ જીવો, સસ્તન પ્રાણીઓના મળમાં, ખોરાકમાં, શીશીમાં મળતા પાણીમાં, અને માનવરક્તમાં સુદ્ધાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવે છે. હજી સંશોધનનું આ ક્ષેત્ર નવુંસવું હોવાથી આ કણોની માનવ અને પ્રાણીઓ પર લાંબે ગાળે થતી અસર વિશે સચોટ અંદાજ બાંધી શકાયો નથી.
અહીં મુદ્દો પ્લાસ્ટિક, તેના થકી ફેલાતા પ્રદૂષણ અને તેની ગંભીર અસરો કરતાં વધુ તો ‘ગ્રીનવૉશિંગ’નો એટલે કે પર્યાવરણના મામલે કરાતી છેતરપીંડીનો છે. જે હેતુ માટે સંગઠન રચવામાં આવે એ હેતુને કોરાણે મૂકીને તેની સભ્ય કંપનીઓ ધરાર મનમાન્યું કરે એ કેવી વિચિત્ર વાત છે! આ કંપનીઓ શું એમ માનતી હશે કે પોતાની પાસે નાણાં છે એટલે એના જોરે તેઓ જે કરે એ ચાલી જશે? આ હદની નફાખોરી પૃથ્વી પરના અન્ય લોકોને નુકસાન કરશે તો શું તેઓ પોતે આમાંથી બાકાત રહેશે? આ મામલે નાણાંની લાલચ કરતાંય વધુ તો લોકોને છેતરવાની વૃત્તિ વધુ આઘાતજનક છે. આ અહેવાલ પ્રકાશિત થયા પછી પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા અનેક કર્મશીલોને આંચકો લાગ્યો છે. હવે આ કંપનીઓ પર શા પગલાં લેવાય છે એ જોવું રહ્યું. જો કે, એ કંપનીઓએ પોતે આ અહેવાલને નકાર્યો છે કે સ્વીકાર્યો છે એ જાણવા મળ્યું નથી.
અમેરિકા જેવા વિકસીત ગણાતા દેશમાં મહાકાય કંપનીઓ કાનૂન, સત્તા અને નૈતિકતાને કોરાણે મૂકીને પર્યાવરણને ગંભીર નુકસાન કરતી હોય ત્યાં અન્ય દેશોની કંપનીઓ પાસે કે સત્તાધીશો પાસે શી અપેક્ષા રખાય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સંસ્પર્શ : ૬
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
અકૂપારમાં ડોકિયું કરીને આપણે ગીરનાં લોકોનાં હૃદયની સરળતા, સહજતા અને પારદર્શીતાને માણી. તેમની બોલીની મીઠાશને અને ગીરની મહેમાનગતિ માણી. એવું લાગે કે જાણે આખું ગીર એક જ કુંટુંબનું ન બનેલું હોય !
માણસોનું એકબીજા સાથેનું તાદાત્મ્ય તો ખરું જ, પણ ગીરની પ્રકૃતિ, સાવજ, રોઝડા, ગિરવણ ગાયો, ભેંસોં સાથેનું અનોખું જોડાણ પણ જાણે જીવન જીવવાની નવી રીત શીખવી ગયું. આપણે પણ ધ્રુવદાદાની જેમ આ જગતને “વસુધૈવ કુટુંમ્બકમ્” ની ભાવનાથી જોતાં શીખી જઈએ તો આ યુદ્ધો, વેરઝેર સૌ શમી જાય અને સર્વત્ર શાંતિ ફેલાઈ જાય.
ચાલો, હવે આપણી યાત્રા આગળ વધારીએ દરિયા તરફ ને વાત કરીએ સમુદ્રાન્તિકેની એટલે કે સમુદ્રકિનારે વસતા લોકોની.

વાત કરીએ ધ્રુવદાદાનાં પ્રિય એવા અગાધ, અફાટ, નિત્ય નવીન દેખાતા, મોજ કરતા અને મોજ કરાવતા દરિયા વિશેની.
ધ્રુવદાદાનું બાળપણ જાફરાબાદનાં દરિયા કિનારે થોડો સમય વિતેલું એટલે દાદાને દરિયો ખૂબ ગમે. એકવાર તે તેમના પિતા સાથે દરિયા કિનારે ચાલી રહ્યા હતા. બાળક ધ્રુવે વિસ્મય સાથે તેમના પિતાને પૂછ્યું કે, આમ આગળ ને આગળ ચાલ્યાં જ જઈએ તો ક્યાં પહોંચાય ? તેમના પિતાએ કહ્યું કે, એ તો જઈએ તો ખબર પડે ! અને આ જઈએ તો ખબર પડે તેમાંથી જ ક્યાંક શરૂ થઈ દરિયા કિનારાની ધ્રુવદાદાની સફર.
તેઓ દરિયા કિનારેથી, દરિયાને માણતા માણતા, દરિયા પાસેથી, દરિયા કિનારાનાં લોકો પાસેથી જે કંઈ શીખ્યા તે અનુભવની વાત એટલે સમુદ્રાન્તિકે.
મિત્રો સાથે તેમણે પ્રથમ જાફરાબાદથી પૂર્વ તરફ ગોપનાથ અને તેની વિરુદ્ધ દિશામાં પશ્ચિમ તરફ દીવ, સોમનાથ, ચોરવાડ,પોરબંદર, હર્ષદ, દ્વારકા સુધી પ્રવાસ કર્યો. તેમની પ્રવાસની શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય, જ્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે ચાલવું. રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું. સમુદ્રાન્તિકેમાં દરિયો કથાનું પાત્ર કહો તો પાત્ર અને પૃષ્ઠભૂમિ કે પૃષ્ઠભૂ કહો તો તે છે.
દરિયાની સાથે ચાલતા ધ્રુવદાદાએ દરિયા સાથે રહીને શું અનુભવાય છે તેનું સુંદર ગીત પણ લખ્યું છે, તો ચાલો પહેલાં વાંચીએ દરિયાનું ગીત.
દરિયાની કોઈ વાત વાયકાઓ હોય નહીં , દરિયે દરેક વાત સાચી.
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોયે દરિયાની જાત એક પાકી.
કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ.
દરિયો દિલદાર તમે માનો તે સાચ કહી આવતો રહેશે રોજ રોજ.
પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.દરેક માનવ પોતાના મનનાં પ્રતિબિંબની જેમ જ પ્રકૃતિને નિહાળે. દરિયાનાં મોજાંને ઉછળતું ,કૂદતું કિનારા પર આવી ફીણ ફીણ થઈ વેરાઈ જતું જોઈને કોઈક દુ:ખીયારાને દરિયો પોતાની વેદના ઉલેચતો હોય તેમ લાગે તો મનમોજી માનવીને દરિયામાં ધ્રુવદાદાનાં પેલા ઓચિંતા મળેલા માણસને જીવનમાં લાગે છે તેવી મોજ ઉભરાતી દેખાય.
ધ્રુવદાદાને દરિયાની એટલે કે દરિયા કિનારે વસતા લોકોની કોઈ વાત સામાન્ય વાયકા નહીં પણ દરેક વાત સાચી લાગે છે.
સમુદ્રાન્તિકેની વાત ટાંકીને કહું તો, તેનો નાયક એક સરકારી ઓફિસરના પરિવેશમાં, કેમિકલની ફેક્ટરી કરવા દરિયા કિનારે જમીન જોવા આવ્યો છે.
એનામાં મહાનગરની સભ્યતા છે. તેને પેલી નાનકડી જાનકીની વાડીના કૂવામાંથી પાણી લેવું છે એટલે જાનકીને પૂછે છે, ‘બહેન, પાણી ભરવા તારી ડોલ લઉં?
ત્યારે એ નાનકડી જાનકી સાવ સહજ અને સરળ રીતે જવાબ આપે છે, “તે લૈ લે ને ,આંય તને કોઈ ના નો પાડે.”
એ બાળકીનાં તુંકારામાં નાયક તેની પદવી, તેની શહેરી સભ્યતા, કેળવણી બધું ભૂલી, જાણે ઘોડિયે સૂતેલાં બાળક જેવો બની જાય છે. નાયક રૂપે રહેલા ધ્રુવદાદા સમગ્ર ચેતનામાંથી મુક્ત, નિર્બંધ બની વાડીનાં લીલાંછમ પર્ણોની લીલાશમાં ભળી લીલોછમ્મ આનંદ મનભરી માણે છે. કૂવામાંનાં પાણીના સ્પર્શમાં પણ તેમને કોઈ અલૌકિક સુખ અનુભવાય છે.
જ્યારે જાનકીની મા મહેમાન નાયકના દુ:ખણાં લે છે ત્યારે આ અત્યંત ગરીબ પણ દિલનાં અમીર લોકોની શહેરનાં લોકો સાથે સરખામણી કરતાં ધ્રુવદાદા તેમનાં હૃદયની પ્રેમ નીતરતી સચ્ચાઈ પર વારી જાય છે. જેની સાથે કોઈ લેવાદેવા નથી એવી વ્યક્તિનાં દુ:ખ પણ દુ:ખણા લઈ પોતાને શીરે લઈ લેતાં આ માનવીઓની માનવતાથી દાદા પ્રભાવિત થઈ તેમનાં હૃદયની ભાવના પર ઓવારી જાય છે અને તેમના મુખમાંથી ગીત સરી પડે છે,
“દરિયાની વાત કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.”
આગળ ધ્રુવદાદા ગાય છે,
“પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.”
પથ્થરમાં પીર કે ભગવાન જોનાર માણસ પણ ભગવાનને પોતાની ભીતર જોતાં શીખી લે છે ત્યારે તે જીવનની સચ્ચાઈ જાણી લે છે. આમ દરિયા સાથે, તેના મોજ ભરેલા મોજાં સાથે એક બની દાદા તેમનાં જીવનચિંતન, મનનનાં હિલોળાં લે છે તેમાં અદીઠ, અગમ્ય અંતર્ધ્વનિનો અનુભવ કરી આપણને પણ તે અનુભવ કરવા પ્રેરે છે.
આપણે જે આજકાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં,
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજૂનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.દરિયા કિનારે રહેતાં ખારવાઓ દરિયાને દેવ ગણે છે. તેમને તેમના દેવ પર અતૂટ વિશ્વાસ છે. દાદા તે વિશ્વાસને અકબંધ રાખતા દરિયાને જૂનો જોગી કહી ખૂબ સરસ વાત કરે છે. કહે છે. જન્માંતરથી અવિચળ, અનંત વહેતો હાજરાહજૂર દરિયો અવિનાશી છે તો આ જોગંદરની બધી વાતો સાચી જ હોય ને? ધ્રુવદાદાની સાથે આ સમુદ્રની સફર કરતાં તેમના ગીતોને સાંભળતાં આપણે પણ ચિંતનનાં દરિયે પહોંચી મૌનની ભાષાને ઉકેલવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. સાગરની સાથે ભીતરમાં રહેલી કોઈ અનોખી સંવેદનાઓની મોજને અનુભવી ,અવિનાશી અહાલેક સાંભળી તરબતર થઈ જઈએ છીએ. દરિયો આપણને પણ સાદ કરી બોલાવતો સંભળાય છે. આપને પણ આવો અનુભવ કરવો હોય તો વાંચો તેમના પુસ્તક અને ગાઓ તેમના ગીત.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
“ધ મેસેજ” : પોતાનાં સન્માન, ઓળખ અને સ્વાતંત્ર્ય માટેની માનવ જાતની લડત વૈશ્વિક છે
દિવ્યેશ મહેતા
ડો. દિવ્યેશ મહેતા નિવૃત્ત હેમેટોલોજિસ્ટ ઓન્કોલોજિસ્ટ છે. તેઓ શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં હેમેટોલોજી અને ઓન્કોલોજીના ડિવિઝન ચીફ હતા અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અને એરિઝોનામાં મેડિસિનના પ્રોફેસર હતા. તેમનાં સંશોધનના મુખ્ય રસ કેન્સરમાં નવી દવાઓ અંગે છે. તેમને અને તેમની ટીમને P-28(Azurin)ની શોધ અને તેના પ્રથમ માનવ અજમાયશ માટે શ્રેય આપવામાં આવે છે.
“ધ મેસેજ” માં લેખક તા-નેહિસી કોટ્સ દમન પ્રણાલી, સાંસ્કૃતિક ઓળખ અને સ્વતંત્રતા માટેના સંઘર્ષના દૃષ્ટિકોણ દ્વારા આફ્રિકન અમેરિકન લોકોના અનુભવને તાદૃશ કરે છે. આ કાર્ય, કોટ્સનું મોટા ભાગનું લેખન વ્યક્તિગત, ગહન ચિંતન અને ઐતિહાસિક તેમજ સમકાલીન અન્યાયના વ્યાપક વિષય વસ્તુ પર કેન્દ્રીત હોય છે. ‘ધ મેસેજ’ પણ તેમાં અપવાદ નથી, ‘ધ મેસેજ’ની વાત અમેરિકાની સરહદોથી આગળ વધીને માત્ર આફ્રિકન અમેરિકન સંઘર્ષમાં પુરતી મર્યાદિત ન રહીને પેલેસ્ટાઈનની પરિસ્થિતિ સહિત ન્યાય માટેના વૈશ્વિક સંઘર્ષોને આવરી લે છે.કોટ્સની પેલેસ્ટાઇનની મુલાકાત દરમ્યાન કોટ્સે વિસ્થાપન, પોતાના સમાજથી વિખૂટા પડવાનાં અને શાસનની અનુમતિથી કરાતી હિસા વચ્ચે પીસાઈ રહેલાં પેલેસ્ટિનિયનોનાં જે જીવનને જોયું તેની સાથે આફ્રિકન અમેરિકનો અનુભવોની જીવંત સમાનતા “ધ મેસેજ” નું વિશેષ નોંધપાત્ર આકર્ષણ છે.. ઇઝરાયેલના કબ્જા હેઠળ પેલેસ્ટિનિયનોની પ્રતિબંધિત હિલચાલથી માંડીને લશ્કરી શક્તિની નરી આંખે દેખાતી હાજરી પેલેસ્ટિનિયન જીવનને જે રીતે અસર કરે છે વિશેનું કોટ્સનું સવેદનાત્મક અવલોકન, યુનાઇટેડ સ્ટેટ્સમાં અશ્વેત સમુદાયોપરના તેમણે વર્ણવેલ નિયંત્રણ અને જાપ્તાનો પડઘો પાડે છે.
અહીં રજૂ કરાયેલ ચિંતન આખીને આખી જાતિ દ્વારા સામૂહિક રીતે અનુભવાતા અપમાનની ભાવનાનું ચિત્રણ છે. કોટ્સ ભારપૂર્વક જણાવે છે કે ગૌરવનો વ્યવસ્થિત ઇનકાર, પછી ભલેને અથવા આફ્રિકન અમેરિકનો અને પેલેસ્ટિનિયનો એમ બંને લોકોએ સહન કરેલી ફરજિયાત ઓળખ તપાસ, પ્રતિબંધિત હિલચાલ કે પછી સતત રખાતો જાપ્તો માનવ ગૌરવના વ્યવસ્થિત ઇનકાર દ્વારા એ લોકોની માનવતા છીનવી રહી છે. હીનતા અને પરાધીનતાની ભાવનાને મજબૂત કરવા માટે આ અપમાન માત્ર શારીરિક નથી રહેતું, પરંતુ મનોવૈજ્ઞાનિક પણ બની રહે છે.
કોટ્સ આ પુસ્તકમાં આફ્રિકન અમેરિકન અને પેલેસ્ટિનિયનોની સ્થિતિની જે સરખામણી કરે છે તેનો અર્થ એમના સંઘર્ષનાં મહત્વને ઓછું કરવાનો નથી પરંતુ જુલમની પ્રણાલીઓ વિવિધ સંદર્ભોમાં પણ કેવી સમાન રીતે કેવી રીતે કામ કરે છે તે બતાવવાનો છે. ન્યાય માટેની તેમની લડતમાં આફ્રિકન અમેરિકનો અને પેલેસ્ટિનિયનોને જોડતી માનવતાની કડી અંગેનાં તેમનાં અવલોકનો માત્ર વર્ણનાત્મક નથી પણ ગહન સંવેદનાની સમાનુભૂતિપૂર્ણ પણ છે,
“ધ મેસેજ” આખરે મુક્તિ માટેના આ વૈશ્વિક સંઘર્ષોને ઓળખવા માટેના કોલ તરીકે સેવા આપે છે, વાચકોને યાદ કરાવે છે કે ચોક્કસ સંદર્ભો ભલે અલગ-અલગ હોઈ શકે, પણ નિયંત્રણ, અપમાન અને અમાનવીયીકરણ માટે અપનાવાતી પદ્ધતિઓ દરેક સત્તાધારી શાસન માટે આશ્ચર્યજનક રીતે સમાન રહે છે. કોટ્સ તેના વાચકોને રાષ્ટ્રીય સરહદોની બહાર જોવા અને ન્યાય માટેની લડત વૈશ્વિક છે તે સમજવા માટે સંદેશ આપે છે.
+ + +
તા-નેહિસી કોટ્સ એક બહુખ્યાત લેખક, પત્રકાર અને બૌદ્ધિક છે, તેઓ અમેરિકામાં જાતિ અને ઓળખના ગહન સંશોધન માટે જાણીતા છે. બિટવીન ધ વર્લ્ડ એન્ડ મી (૨૦૧૫) અને ધ વોટર ડાન્સર (૨૦૧૯) જેવાં જાણીતા પુસ્તકોએ આફ્રિકન અમેરિકન અનુભવ પરનાં તેમનાં પ્રભાવશાળી વિવરણો માટે વિવેચકોની પ્રશંસા પામેલ છે.
+ + +
૧૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેમણે ‘ધ મેસેજ’નાં વિષયવસ્તુ પર આપેલ વ્યક્તવ્યની વિડીયો ક્લિપ અહીં રજૂ કરેલ છે.
ડો. દિવ્યેશ મહેતાનો સંપર્ક divyeshm@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
