વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • નાતાલનો નજારો

    દેવિકા ધ્રુવ

    નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
    આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !

    અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
    રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.

    જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
    કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.

    ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ હો,
    શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.

    વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
    ‘સર્વે ભવો નિરામયા’, દિલના પુકારો છે અહીં.

  • ભીતરના ભગવાન અને અંતરના અલ્લાહ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
    પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

    જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
    અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

                                                     – રાજેન્દ્ર શુક્લ

    જ્યારે નારીવાદના નારા સાંભળવામાં નહોતા આવતા એ સમયે એઇલીન કેડીનો સ્વર સર્વત્ર વિસ્તરેલો હતો. શૂન્યથી શિખર સુધીની સફરમાં એઈલીને હજારો હોનારતો અને સેંકડો સંઘર્ષોનો સામનો કર્યો કર્યો હતો. બાળપણમાં એઇલીનને અંતરનો અવાજ આવ્યો કે બાઈબલનું અધ્યયન કર. એઇલીનને વાંચવાનો કંટાળો આવતો હતો. વળી સ્કૂલના દિવસોમાં ધાર્મિક વાચન ? પણ એ અંતરના અવાજને અનુસરે છે. ૨૬ ઓગસ્ટ, ૧૯૧૭માં ઈજીપ્તમાં જન્મેલા આ ડેશિંગ લેડી ડિસેમ્બર ૨૦૦૬માં અવસાન પામે છે. ૮૯ વર્ષે અવસાન પામ્યાની છેલ્લી ક્ષણ સુધી એ સજ્જ અને સજ્જન હતા. એમણે અંતરમાંથી આવેલો અવાજ જ્યારે જ્યારે અનુસર્યો ત્યારે ત્યારે એ સાચા ઠર્યા અને લાભદાયી પણ નીવડ્યા. ત્યાર પછી લોકોને અંતરનો અવાજ અનુસરવા કહેતા. આમ કરવાથી હજારો લોકોના જીવનમાં ચમત્કારો થયા છે. એથી જ એને લોકો ‘ભીતરના ભગવાન’ અને ‘અંતરના અલ્લાહ’ કહેતા હતા. મનોજ ખંડેરિયા કહે છે કે…

    ચલો મારી અંદર ભર્યા લાખ વિશ્વો,
    તમે જોયું છે આ જગત માત્ર એક જ.

     ડાયેના કુપર કહે છે કે ‘પાવરહાઉસ જેવી વિદ્યુત વેગીલી વાગ્મિતા સામે કોઈ પણ ટકી ન શકે. ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ એમના લેકચર દરમ્યાન રહેતી’. એઇલિનનો એક શબ્દ પણ શ્રોતા જતો કરવા તૈયાર ન હતા. ઓશો જેમ એમની કેટલીક વાતો સમય પહેલાની હતી. કેટલાક કમઅક્કલ લોકોને એમની વાત સમજાતી નહોતી અને કેટલાક વિઘ્નસંતોષીએ એમના નામે વિવાદ ઊભા કર્યા હતા. કેટલાક એમને રહસ્યવાદી ગુરુ ગણતા હતા. ખરેખર તો એમનું જીવન અને કવન સાવ સરળ હતું. ગહન ઉપદેશ પણ સરળ રીતે કહેતા હતા. પ્રસિદ્ધિના પહાડ પર બિરાજમાન હોવા છતાં વિનમ્રતા કદી છોડી ન હતી. કહેવાય છે કે આભને અડવું સફળતા નથી પણ જમીન સાથે જોડાયેલા રહેવું સફળતા છે. ભલભલી ભયંકર સ્થિતિમાં પણ ‘મિસ ફૂલ’ બની રહ્યા હતા.

    ૧૬ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ અને બે’એક વર્ષ બાદ માતાનું પણ મૃત્યુ થયું. એમના ઘરની નજીક રહેતા એન્ડ્રુકાંબેએ ‘વિલ યુ મેરી મી’ કહ્યું. અંતરમાંથી ‘ના’ નો જવાબ આવ્યો છતાં એઇલીને ‘હા’ ભણી. પરિણામ એ આવ્યું કે જતા દિવસે બંને અલગ થયા. કામ્બેએ એના રસ-રુચિને સમજવાનો ક્યારેય પ્રયત્ન કર્યો જ ન હતો. ત્યારથી એઇલીને નક્કી કર્યું કે અંતરના અવાજને કદી અવગણવો કે ઉવેખવો નહીં. ઓરેલિયસે કહ્યું છે કે ‘વસ્તુઓને છુટ્ટી પાડી જોશો તો જ્ઞાન મળશે અને વસ્તુઓને એકઠી કરી જોવાથી ડહાપણ આવે છે.’ એઇલીનનું ડહાપણ એનાં સંઘર્ષમાંથી ઊતરી આવ્યું છે.

    પીટરને જોતા જ અંદરથી અવાજ આવ્યો કે ‘આ તારું પાત્ર છે’ અને એ અવાજને અનુસરી બીજા લગ્ન પીટર સાથે કર્યા. પછી તો દામ્પત્યના દરબારમાં હર્ષ હાજર… એકવાર કલની હિલ હોટેલના મેઈન કૂક ચાર્લ્સે ખૂબ ડ્રીંક કર્યું હતું. હોટેલમાં પ્રતિષ્ઠિત ગેસ્ટ આવવાના હતા એટલે પીટર મૂંઝાઈ ગયો તો એઇલીનના અંતરમાંથી અવાજ આવ્યો કે ‘હજુ વધુ એક પેગ પીવડાવો’ અને એમ કરવાથી આશ્ચર્ય વચ્ચે ચાર્લ્સ ઊભો થઈ કામ કરવા લાગ્યો. પીટરની નોકરી છૂટી તો અવાવરું જગ્યાએ રહેવા લાગ્યા. પહાડ જેટલી મુશ્કેલી હતી પણ એઇલિનનો હોંસલો આકાશ જેવો બુલંદ હતો. રેતાળ જમીનમાં શાકભાજીનો બગીચો ઊભો કર્યો અને ખૂબ સફળ રહ્યા. જેની મુલાકાતે ખેતીના નિષ્ણાંતો આવ્યા અને પૂછ્યું કે ‘આ ચમત્કાર કઈ રીતે કર્યો ?’ ત્યારે હસીને એઇલીને કહ્યું કે ‘અંતરનો અવાજ’. ૧૯૬૯માં ટી.વી. કેમેરાએ દેખા દીધા. બીબીસીના કાર્યક્રમમાં એઇલીન આવ્યા. એ પછી તો એમના ‘ઇનર વોઈસ’નો કોન્સેપ્ટ અનેક લોકો સુધી પહોંચ્યો. ઈશ્વરના અનંત આયોજનના અંશ જેવા આપણે પહેલું પગલું સાચું ભરવું. આવતીકાલ નામના બીજા પગલાંની ચિંતા કરવી નહીં.

    એમના શબ્દો અનેક જિંદગીનો સધિયારો બન્યા છે. ‘જેટલા તમે ખાલી થશો એટલું સારું છે. તમારામાં નવું પ્રવેશવાની જગ્યા થશે. જ્યારે તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે બધું જ હશે. જે પ્રતીક્ષા કરી શકશે એ જ પામી શકશે.’ માઈકલ સ્કોટે કહ્યું કે ‘એઇલીને સમગ્ર વિશ્વમાં પ્રવચનો કરી આધ્યાત્મની અંદરની ઊંડાઈને માપી છે.’ અંતિમ દિવસોમાં જ્યારે પ્રથમ પતિના પાંચ બાળકોએ મળવાની ઇચ્છા વ્યક્ત કરી તો એઇલીને કહ્યું કે ‘સમગ્ર સૃષ્ટિ મારો પરિવાર છે. મને કોઈ માટે રાગદ્વેષ નથી.’ એમના શબ્દોમાં નારી ચેતનાનો ધબકાર સંભળાય છે. આત્મકથા ‘ફ્લાઈટ ઇન ટુ ફ્રીડમ’, ‘ધી ફિન્ડહોર્ન ગાર્ડન’, ‘ધ મેજિક ઓફ ફિન્ડહોર્ન’ વગેરે પુસ્તકો બેસ્ટસેલર થયા. એમનું ‘ઓપનીંગ ડોર્સ વિધિન’ પુસ્તક વિશ્વની મોટા ભાગની ભાષામાં અનુવાદિત થઇ ચુક્યું છે. એઇલીન એટલે  સ્ત્રી સંવેદનનું સરનામું  છે.


    ઇતિ

    સૌની પાસે એક ઝગમગતો દીવો હોય છે, જે સૌને રસ્તો બતાવે છે અને એ દીવો છે, આપણો અનુભવ…

    –પેટ્રીટ હેની


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વસ્તીગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સંયુક્ત રાષ્ટ્રસંઘની  વિશ્વના તમામ દેશોને  દર દસ વરસે વસ્તીગણતરી કરી તેનો અહેવાલ પ્રગટ કરવાની  ભલામણ છે. તે પ્રમાણે વર્તમાન દાયકે ૧૪૩ દેશોએ વસ્તીગણતરીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. જે ૪૪ દેશોએ હજુ આ કામ હાથ ધર્યું નથી તેમાં ભારતનો સમાવેશ થાય છે.  યુક્રેન, સીરિયા, મ્યાંમાર, યમન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા યુધ્ધગ્રસ્ત, રાજકીય ઉથલપાથલ, આંતરિક સંઘર્ષ અને આર્થિક સંકટ સહેતા દેશોમાં  વસ્તીગણતરી આરંભાઈ નથી. તેમાં ભારતનું પણ નામ છે! આપણે ૨૦૨૧માં વસ્તીગણતરી કરવાની હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે હજુ તેની શરૂઆત થઈ શકી નથી. અગાઉ બ્રિટિશ ભારતમાં બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન કે આઝાદ ભારતમાં ચીન-પાકિસ્તાન સાથેના યુધ્ધો વખતે પણ જે પ્રક્રિયા અટકી નહોતી તેને મહામારીએ અટકાવી છે. હવે ૨૦૨૫માં તે શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં પૂર્ણ  થશે તેવી આશા બંધાઈ છે.

    એવું નથી કે આપણે વસ્તીગણતરી માટે પૂર્વ તૈયારીઓ કરી નહોતી. ૨૦૧૯માં રૂ. ૯૦૦૦ કરોડનો ખર્ચ અને ૩.૫ મિલિયન અધિકારી/કર્મચારીઓનો ઉપયોગ થવાના અંદાજ સાથે કાર્ય શરૂ થવાની ગણતરી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત રાખવું પડ્યું છે. વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાય તે પહેલાં ગામ, નગર, તાલુકા, પ્રાંત, જિલ્લાના વહીવટી સીમાડા નક્કી થઈ જવા જોઈએ. જેથી ચોક્કસ માહિતી મળી શકે. આ બધામાં ફેરફારની સમયસીમા નક્કી કરવી તે વસ્તીગણતરીની પ્રક્રિયાની શરૂઆત પહેલાનું મહત્વનું વહીવટી પગલું છે. અત્યાર સુધીમાં આ સમય સીમા અગિયાર વખત લંબાવવામાં આવી છે. હવેની સમય મર્યાદા ડિસેમ્બર-૨૦૨૪ છે. એટલે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.

    ભારતમાં વસ્તીગણતરીનો દીર્ઘ અને સમ્રુધ્ધ ઈતિહાસ છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ પૂર્વે કોઈક પ્રકારની વસ્તીગણતરી કરવામાં આવતી હોવાનો ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. અર્થશાસ્ત્રના રચયિયા ચાણક્ય(કે કૌટિલ્ય) એ ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીમાં કર ઉઘરાવવા માટે  વસ્તી ગણતરી કેટલી અગત્યની છે તે સમજાવ્યું હતું. મોગલ બાદશાહ અકબરના શાસનના વહીવટી અહેવાલ આઈ-ને- અકબરીમાં રાજ્યની વસ્તીની મહત્વની માહિતી સામેલ હતી.

    માહિતી કે આંકડાપ્રેમી બ્રિટિશરોએ ઈ.સ.૧૮૦૦માં બ્રિટનમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. પણ આશ્રિત દેશોમાં એ વખતે વસ્તી ગણતરી કરી નહોતી. અંગ્રેજ શાસન કાળના ભારતમાં પહેલાં અલ્હાબાદ, બનારસ અને ઢાકાની વસ્તીગણતરી થઈ હતી. સમગ્ર ભારતની પૂર્ણ વસ્તીગણતરી લોર્ડ રિપનના વાઈસરોય કાળમાં ૧૮૮૧માં થઈ હતી. ત્યારથી ભારતમાં દર દાયકે વસ્તીગણતરી થતી રહી છે. બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં સાત-સાત વખત એમ કુલ ચૌદ વસ્તીગણતરી થઈ છે. ૨૦૨૧માં સળંગ પંદરમી અને સ્વતંત્ર ભારતની આઠમી વસ્તીગણતરી હવે થવાની છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કોઈ દેશ કે તેના ચોક્કસ ભાગની વ્યક્તિઓની વસ્તી સંબંધી, સામાજિક-આર્થિક માહિતી અને વિગતો એકઠી કરવી, તેનું સંકલન કરવું, મૂલ્યાંકન અને વિષ્લેષણ કરવું અને તે પ્રકાશિત કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે વસ્તીગણતરી. વસ્તીગણતરીમાં માહિતીનો ખજાનો હોય છે. દેશના લોકોની માહિતીનો તે સૌથી મોટો ભંડાર છે. ગામ, કસબા, વોર્ડ, વસ્તીથી લઈને સમગ્ર દેશની જાતભાતની માહિતી તેમાંથી મળી રહે છે. તેના આધારે નીતિઓ ઘડાય છે, કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડાય છે અને સંશોધનો થાય છે.

    બંધારણ અન્વયે વસ્તીગણતરી સંઘ યાદીનો વિષય છે. એટલે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ વસ્તી ગણતરીનું કામ હાથ ધરાય છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન અને સહયોગની આવશ્યકતા છે. વસ્તીગણતરીનું ગંજાવર કામ રાજ્યોની મદદ વિના પાર પાડવું શક્ય નથી. રાજ્યોમાં વસ્તી ગણતરીના નિયામકોના ક્ષેત્રિય કાર્યાલયો હોય છે. જે તે જિલ્લાના કલેકટર જિલ્લા વસ્તીગણતરી અધિકારી હોય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આશરે અઢાર મહિના વસ્તીગણતરીનું કાર્ય ચાલે છે.

    ૨૦૨૫ની વસ્તી ગણતરી અનેક રીતે વિશિષ્ટ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી થવાની છે. એટલે આ વખતે કોઈ કર્મચારી કશા કાગળિયા કે ચોપડા લઈને નહીં ટેબલેટ કે સ્માર્ટ ફોન લઈને વસ્તી ગણતરી કરવા આવશે. ઘરેઘરે ફરીને તે પોર્ટલમાં  માહિતી એકત્ર કરશે. કોઈ પણ દેશવાસી જાતે પોતાની માહિતી એપમાં આપી શકશે.

    હાલની વસ્તી ગણતરીની મથામણ માયાજાળ પણ છે અને તેના અંગે ઘણાં મતભેદો પણ છે. વસ્તીગણતરીમાં થયેલા વિલંબ માટે મહામારી એક માત્ર કારણ નથી. ઘણા પડકારોનો સામનો આ વખતની વસ્તી ગણતરી સામે છે.

    માહિતી મુજબ સ્ત્રી-પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરની માહિતી પ્રથમ વખત લેવામાં આવશે.સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદે વિધાનગૃહોમાં મહિલા અનામતનું બિલ પસાર કર્યું છે. પરંતુ તેનો અમલ વસ્તીગણતરી પછી જ થઈ શકે તેમ છે. એટલે મહિલાઓ તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે જલદીથી વસ્તી ગણતરી થાય તેમ ઈચ્છે છે. લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની હાલની બેઠકોમાં પણ આ વસ્તીગણતરી પછી સુધારો થવાનો છે. વસ્તીગણતરી પછી જ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે. એટલે બેઠકોમાં વધારો અને મહિલા અનામત માટે વસ્તીગણતરી વિના વિલંબે થવી જોઈએ.

    કોંગ્રેસ અને બીજા વિપક્ષો લાંબા સમયથી જ્ઞાતિવાર વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે. સત્તાપક્ષ તેનો સીધો વિરોધ કરી શકતો નથી. બિહારે જાતિ જનગણના કરીને તેનો અહેવાલ પણ જાહેર કર્યો હતો. બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓએ જાતિ જનગણનાની તરફેણમાં પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ સરકાર માટે નિર્ણય લેવો કઠિન છે.

    હાલની વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ, જનજાતિની ગણના થાય છે. તેના આધારે તેમની અનામતની ટકાવારી નક્કી થાય છે. પરંતુ અન્ય પછાતવર્ગોની ગણતરી થતી નથી. આ માટે ૧૯૪૮ના વસ્તીગણતરી અધિનિયમનમાં સુધારો કરવો પડે તેમ છે. એક તરફ વિપક્ષોનું દબાણ અને બીજી તરફ સરકારની અસમંજસ સ્થિતિમાં વસ્તી ગણતરીનું કામ થવાનું છે.

    સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ , જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ દાખલ કર્યું છે. જો તેનો અમલ કરવો હોય તો તે જ્ઞાતિઓમાં રહેલી પેટા જ્ઞાતિઓની ગણતરી કરવી પડે અને જાતિ જનગણના માટે તમામ ભારતીય નાગરિકોની જ્ઞાતિ જાણવી પડે. યાદ રહે ભારતમાં અગાઉ જાતિ જનગણના થતી હતી. છેલ્લે ૧૯૩૧ની વસ્તીગણતરીમાં જાતિ જનગણના થઈ હતી. તે પછી ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જ્ઞાતિ ગણના થઈ હતી. પરંતુ તેનો અહેવાલ જાહેર થયો નથી.એટલે હાલમાં તો ૧૯૩૧ના આંકડાઓને આધાર માનવામાં આવે છે.

    કેન્દ્ર સરકારે સીએએ અને એનઆરસીને લગતા કાયદા ઘડ્યા છે. એટલે આ વખતની વસ્તીગણતરીમાં NRIC  અને NPR  લાગુ પાડવાનો પણ સવાલછે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવું અને ભારતના નાગરિકો ન હોય તેમને જુદા તારવવાનું  કામ આ વસ્તી ગણતરીમાં થવાની શક્યતા છે.

    જો વસ્તીગણતરીનો અહેવાલ ૨૦૨૭ સુધીમાં પ્રગટ થવાનો હોય તો તે પછીની વસ્તીગણતરી માત્ર ત્રણ જ વરસ પછી ૨૦૩૧માં કદાચ હાથ ધરવાને બદલે વસ્તીગણતરીનું ચક્ર બદલાય અને તે ૨૦૩૫માં હાથ ધરવામાં આવે અને તે પછી તે પ્રમાણે જ વસ્તી ગણતરી થાય તેમ બનવા જોગ છે.

    ભારતની વસ્તીગણતરીનો દોઢસો વરસોનો ગૌરવશાળી ઈતિહાસ છે. તેમાં પહેલીવાર વિક્ષેપ ઉભો થયો છે. આ વિલંબે ઘણી પ્રતિકૂળ અસરો જન્માવી છે. એટલે હવે વધુ સમય ન લેતાં ૨૦૨૫માં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.

    સામાન્ય રીતે વસ્તીગણતરીના આંકડા જાહેર થાય તે પછી તેના પર રાજકારણ ખેલાય છે. આ વેળાની વસ્તીગણતરી તેમાં પણ અપવાદ છે.  વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કરસનદાસ મૂળજીનો ઈંગ્લે‌ન્ડ પ્રવાસ – પ્રકરણ ૨

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

                                (કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨)

    (પેહેલ કાહાડનાર ઉપર જુલમ પડ્યાથી કંઇ સુધારો અટકશે નહિ, વિલાયત જનાર પેહેલા થોડાએક ગૃહસ્થો ઉપર દુ:ખ પડ્યાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહિપતરામ ઉપર આ બાબદમાં દુ:ખ પડ્યું તે જોઈને જેમ હું અટક્યો નહી એમ મને જોઈને બીજા અટકશે નહી એમ હું માનું છું. ઇંગ્રેજી કેળવણીથી ઇંગ્રેજી છૂટાપણાનો ખરો વિચાર જ્યારે આપણા દેશીઓમાં આવશે ત્યારે દરએક ગૃહસ્થને એમ જ લાગશે કે -મેં મારુ છુટાપણું મારી નાત્યને વેચ્યું નથી ને હું કંઇ તેમનો ગુલામ થયો નથી. જે કામ મને રૂડુ અને જરૂરનું લાગ્યું તે કરવાથી મને કોઇ અટકાવે અથવા મારા હાથપગ બાંધી રાખે – તો તેવી સ્થિતિમાં મારે રેહેવું તેના કરતાં મરવું ભલું” છૂટાપણાનો આવો જુસ્સો જ્યારે આપણા દેશીઓમાં આવશે ત્યારે જ નાતનો જુલમ અને દસ્ત ટૂટી જશે અને ત્યારે જ સુધારાના દરવાજા ઉઘાડા થશે. હું છેલ્લીવાર ફરીથી કહું છઉં કે મારા પ્રવાસ વિષે લોક ગમે તેમ બોલો પણ તેનું ફળ રૂડું જ નિપજશે એવી હું આશા રાખું છઉં. હો ઈશ્વર! તું આ આશા વહેલી પુરી પાડ અને મારા દેશીભાઇઓને જ્ઞાતિના બંધનમાંથી છોડાવ તથાસ્તુ.

                                            કરસનદાસ મૂળજી તેમનાં પુસ્તક ‘ઇંગ્લે‌ન્ડમાં પ્રવાસ’ માં)


    કરસનદાસ જેને આપણે ગુજરાતી ગદ્યનો પિતા કહીએ છીએ તે કવિ નર્મદના સમકાલીન હતા. ગુજરાતીમાં સર્જનાત્મક ગદ્યની હજુ શરૂઆત જ હતી. ભાષા પોતે શબ્દોની શોધમાં હતી. તેવે સમયે કરસનદાસે આપણને પકડી રાખે તેવું આ પ્રવાસવર્ણન લખ્યું હતું. તેથી તેનું સાહિત્યિક મૂલ્ય પણ છે. તેમણે ઇંગ્લેન્ડમાં જે કાંઈ જોયુ તે દરેકનું વર્ણન આ લેખમાં કરવું શક્ય નથી, પરંતુ તેમણે જે દૃષ્ટિએ બધું જોયું તે જાણવાથી તેમનાં વ્યાપક રસરુચિ તથા પોતાના દેશની પ્રજાની ઉન્નતિ કરવાની ખેવના ઠેરઠેર દેખાય છે. હવે આપણે તેમણે જોયેલા સ્થળો અને તે અંગે તેમના પ્રતિભાવો જોઈએ.

    લંડનના આવેલા ક્રિસ્ટલ પેલેસને તેઓ બિલોરી મહેલ તરીકે ઓળખાવે છે. ૨,૮૦૦ ફૂટ લાંબા, ૪૦૦ ફૂટ પહોળા અને ૧૭૫ ફૂટ ઉંચા આ મહેલે ૨૦૦ એકર જમીન રોકી છે. આ મહેલ જોઇને અત્યંત ખુશ થતા તેઓ લખે છે, ‘માત્ર આ મહેલ જ જોવાને કોઇ દેશી વિલાયત જશે તો તેનાં જવા આવવાના ખરચનો બદલો વળી જશે. આ મહેલ દરબાર માટે નહિ પણ રૈયત માટે બાંધેલો છે. અહીં બજારો છે, છાપખાનું અને પુસ્તકાલય છે. એક મોટા દિવાનખાનામાં વાજિંત્રો તો છે સાથે સાથે ત્રણ થી ચાર હજાર ગવૈયાઓ એકી સાથે એક રાગમાં ગાય છે. આ બધું જોઇને હું બોલી ઉઠ્યો, “અરે હું વાણિયો કેવો ભાયગવાન કે આવી જગ્યા ઉપર આવી બેઠો છ‌ઉં?””

    દિવસે લંડનની અને રાત્રે પેરિસની અનુભૂતિ થાય એવું કોલેજિયમ લેખકે લંડનમાં જોયું. લંડનની ત્રણ મોટી નાટકશાળાઓ ‘હર મેજેસ્ટી થિયેટર’,’ રોયલ ઈટાલિયન ઓપેરા’ તથા “પ્રિ‌ન્સેસ થિયેટર’ પણ જોઈ. દરેક નાટકશળાઓનું બારીકાઇથી વર્ણન કર્યું છે એટલું જ નહિ પોતાનાં આઠ મહિનાનાં રોકાણ દરમિયાન બધાં મળીને કુલ 6 નાટકો પણ જોય!. એ નાટકો, તેનું સંગીત, એક સાથે સવા સો વાદકો દ્વારા વગાડાતા વાજિંત્રો, સ્ટેજ પર ઉભા કરાતા સેટની ખૂબીઓ, નાટકને અંતે છોકરીઓ દ્વારા થતાં નૃત્યોનું પણ તેમણે વર્ણન કર્યું છે,

    આ ઉપરાંત તેમણે જ્યાં સુંદર રોશની થતી હોય, વાજિંત્રો વાગતા હોય તથા ઘોડા પર સવાર થ‌ઇને કસરતો થતી હોય તેવા લંડનના ક્રિમોન નામના બગીચાની મુલાકતત લઈને તેના વિશે વિગતે લખ્યું છે. મીણના પુતળાઓનું સંગ્રહસ્થાન, ચિત્રોનું સંગ્રહાલય એવી નેશનલ ગેલેરી અને તેમાનાં જુદા જુદા ચિત્રોની કિંમત પણ તેમણે જાણી છે. ભારત સહિત દુનિયાભરમાં થતા ફૂલોના એક મ્યુઝિયમને જોઈને તેઓ ખૂબ જ રાજી તો થયા, પરંતુ તે સ્થ્ળે તેમને એક અંગ્રેજે એક માર્મિક ટકોર કરી તે તેમનાં શબ્દોમાં “તમે ફુલોનો આથી વધારે સારો દેખાવ તમારા દેશમાં જોતા હશો, મેં કહ્યું કે અમારા લોકોમાં તમારા જેવી મહેનત અને ઉલટ નથી; નહિ તો તમારો દેશ આ બાબદમાં અમારા દેશ કરતા ચહડે નહી જ.”

    લંડનમાં દર વર્ષે કૂતરાઓનો ‘ડોગ શો’ થાય છે. લેખક હજારો કૂતરાઓનો મેળો જોઈને આશ્ચર્ય પામે છે તો બીજી જગ્યાએ એક સાથે દસ હજાર જેટલા છોકરાઓને સાથે મળીને એક જ રાગમાં ગાતા જોઈને પોતાને થતા રાજીપા અંગે લખે છે, “ કોઈ કવિરાજનું કાવ્ય પણ આ ખુશી અને આ ગંભીરાઈનું વર્ણન કરી શકે નહિ ત્યારે હું શું વર્ણન કરૂં? એ વર્ણન કરવાને મારી કલમમાં શક્તિ નથી”.

    પોતે પ્રિ‌ન્સ આલ્બર્ટના પૂતળાનાં અનાવરણ પ્રસંગે હાજર રહ્યા. તે સમયે વીસ હજાર જેટલા ઇંગ્લે‌ન્ડના પ્રજાજનોના અનંદમાં સહભાગી થતી વખતે પોતાના મનોભાવ વ્યકત કરતા લખે છે, ‘જેવું માન આ રાજકુંવરને હાલ મલે છે તેવુ હમેશ મળો: જેવો પ્યાર ર‌ઇતનો હાલ તેના ઉપર છે તેવો હંમેશ સુધી કાયમ રહો; અને એની કારકીર્દીમાં આખાં બ્રિટનની અને હિંદુસ્તાનની આબાદી વધો, અસ્તુ!’

    આપણે ત્યાંની મુંબઈમાં થતી ઘોડાદોડ એ સમયે લંડનમાં પણ થતી. આથી લેખકે કરેલું તેનું વર્ણન લખવાની જરૂર નથી. પરંતુ તેમનો પ્રતિભાવ આ પ્રમાણે છે, ”ઇંગ્રેજ લોકોની મોટામાં મોટી આ ગમત અને રમત પસંદ કરવા જોગ નથી; કેમ કે એમાં મોટો જુગાર રમાય છે અને ઘોડા જેવા ભલા અને ઉપયોગી પ્રાણી ઉપર મોટું ઘાતકીપણું ગુજરે છે” આથી આપણને ખ્યાલ આવે છે કે લેખક અંગ્રેજોના આંધળા પ્રશંસક ન હતા.

    તેમણે ઇંગ્લે‌ન્ડની પ્રજાની જીવનશૈલી અને સમાજજીવન વિશે ‘લોકોની સંસારી હાલત’ નામનાં પ્રકરણમાં જુદા જુદા આર્થિક વર્ગના લોકોના જીવનધોરણ બાબતે લખ્યું છે. તે ઉપરાંત ત્યાના લોકોના સ્ત્રીઓ સાથેના વ્યહવહારથી તેઓ ખાસ પ્રભાવિત થતા જણાવે છે,

    “વિલાયતના લોકો સ્ત્રી જાતને ઘણું માન આપે છે, સ્ત્રી જાત ઘણી નબળી છે અને તેનું તન અને મન કોમળ છે. તેનાં કોમળ તનને ઇજા ન પોહોચે અને તેના કોમળ મનને દુ:ખ ન થાય એવી તજવીજ વિલાયતના લોકો રાખે છે. સ્ત્રીની મરજી બને ત્યાં સુધી તેઓ સાચવે છે. સ્ત્રી બેઠી ન હોય ત્યાં સુધી પુરુષથી બેસાય નહીં. તમે કોઈ સ્ત્રીને ઓળખતા નહી હો તે છતાં તે તમારી પાસે ઉભી હોય અને તમે બેઠા તો તેને જગ્યા આપવી જોઈએ. હરેક મંડળીમાં સ્ત્રીને પહેલું માન મળે છે. સ્ત્રી બોલતી હોય તો તેની વાત પેહેલી સાંભળવી. મંડળીમાં ખાવાપીવાની જણસ આણી હોય તો તે સ્ત્રીને પેહેલી આપવી. સ્ત્રીને કંઇ જોઈતું કરતું હોય તો પેહેલું આપવું. ટુંકામાં હરએક રીતે અને હરેક વાતે જેમ બને તેમ સ્ત્રીનું માન રાખવું”

    લોકોની દિનચર્યાનું વર્ણન કરતાની સાથે તેમની રીતભાતની વાત પણ લેખકે કરી છે. ઇંગ્લે‌ન્ડની શિક્ષણ વ્યવસ્થાનું વર્ણન કરતા તેઓ લખે છે કે મુસાફરી એ તેમના શિક્ષણનો એક ભાગ છે. ત્યાંના શ્રીમંતો સાથે દેશના શ્રીમંતને સરખાવતા લખે છે કે ઇંગ્લે‌ન્ડના શ્રીમંતોમાં આપણા દેશના શ્રીમંતો કરતા વિદ્યાપ્રીતિ ખૂબ જ વધારે છે એટલું જ નહિ ત્યાંના શ્રીમંતો પોતાના પૈસા વડે નહિ પરંતુ પોતાના વિદ્યા અને હુન્નરનાં બળે પ્રખ્યાત થવા ઇચ્છે છે.

    ઇંગ્લે‌ન્ડના અને ખાસ કરીને ત્યાંના શ્રીમંત લોકોનો પ્રવાસ કરવાની રીતને અપણા લોકોની રીત સાથે સરખાવતા તેઓ લખે છે, “વિલાયતના શ્રીમંતો જ્યારે મુસાફરી કરવા નીકળે છે ત્યારે પોતાની સાથે માણસોનો ખટલો રાખતા નથી. આપણા દેશના શ્રીમંતો એમ સમજે છે કે જેમ વધારે માણસો લઈને બાહાર નિસરે તેમ વધારે શ્રીમંતાઈ માલમ પડે, આવી ખોટી પતરાજી દેખાડવાને વીલાયતના શ્રીમંતો મુદલ ઈચ્છતા નથી. વિલાયતના રાજાઓ પણ જ્યારે મુસાફરી કરવા નીકળે છે ત્યારે જરૂર કરતા વધારે માણસો સાથે લેતા નથી.” પછી તરત જ જાણે નિસાસો નાખતા હોય તેમ લખે છે, “અરે આપણા દેશીઓમાં મુસાફરી કરવાની પ્રીતિ કેટલી થોડી છે? આપણા દેશીઓ જ્યાં સુધી સુધરેલા દેશોમાં પ્રવાસ કરવા નીકળસે નહીં ત્યાં સુધી આ દેશનો દાહાડો ઉઘડશે નહીં. અરે આવી મુસાફરીનો શોખ આપણા શ્રીમંતોમાં ક્યારે ઉત્પન્ન થશે? તેમાં અગત્ય કરીને હિંદુ શ્રીમંતો ક્યાં સુધી ન્યાતની બિહિક રાખીને ઘરના ખૂણામાં ભરાઈ રહેશે? આ વિશે જરા વિચાર કરવો જોઈએ.”

    ત્યાંના લોકોના કેળવણી વિષયક વિચારો અંગે જણાવે છે કે પોતાના બાળકોની કેળવણી પાછળ લોકો પૂરતો ખર્ચ કરે છે. પ્રવાસને પણ ત્યાં શિક્ષણનો ભાગ ગણવામાં આવે છે. ગાંધીજીએ આત્મકથામાં પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ વિશે લખ્યું તે પરથી આપણને લાગે છે કે આપણે ત્યાં પ્રાથમિક શળામાં બાળકો બીજું કાંઇ ભલે ના શીખે પણ ગાળ બોલતા તો શીખે જ છે. પરંતુ લેખકના કહેવા પ્રમાણે ઇંગ્લેંડના બાળકો અપશબ્દો બોલતા નથી. તેઓ ખરાબ કામ કરતા નથી કે તેઓ સારી રીતભાત અને બોલવચાલવામાં વિવેકી હોય છે. આ બાબતને જ કેળવણીની શોભા ગણવામાં આવે છે.

    નીતિ અને અનીતિ તો દરેક સમાજમાં હોય છે, પરંતુ નીતિની પ્રતિષ્ઠ માત્ર કહેવા ખાતર જ નહિ પણ વ્યહવારમાં પણ હોવી જોઇએ જેના દર્શન કરસનદાસને ઇંગ્લે‌ન્ડના સમાજમાં થયા.તેમણે જોયું કે ઇંગ્લે‌ન્ડમાં કોઈ પુરૂષ વ્યભિચારી હોય કે કોઇ સ્ત્રી બદચલન હોય તો ગૃહસ્થો તેમને પોતાની મંડળીમાં બેસવા દેતા નથી. કોઇપણ આબરૂવાળો માણસ તેની સાથે બોલતો નથી કે રસ્તામાં મળે તો સલામ પણ કરતો નથી”. તેની સાથે આપણા દેશના લોકોની સરખામણી કરતા તેઓ લખે છે. “આપણા દેશમાં આવું કાંઇ છે જ નહી.. કેટલાએક પુરુષો તો તરકટથી અને લુચ્ચાઈથી દ્રવ્ય એક્ઠું કરવામાં અથવા કોઇ કુળવાન અને ખુબસુરત સ્ત્રી સાથે વ્યભિચાર કરવમાં મોટી બહાદુરી સમજે છે અને એ બહાદુરી વિશે પોતના મિત્ર આગળ પત્રાજી મારે છે! કેટલાક શેઠીઆઓ ઉઘાડે દહાડે અને ઉઘાડે ચોકે વેશ્યાના ઘેર રખડે છે: કેટલાએક શેઠીઆઓ મોટા તરકટ કરી તથા વિધવાને રડાવીને દ્રવ્યવાન થયા છે: તે છતાં તેઓને તેમના દ્રવ્ય માટે સઉ આદરમાન આપે છે અને અપલક્ષણો સામે ન જોતાં તેના પૈસાના જોરમાં સઉ દબાઈ જાય છે. એટલા માટે હું કહું છું કે વિલાયતના ચહડતા વર્ગની નીતિ આપણા દેશના ચહડતા વર્ગની નીતિ કરતાં ચહડતી છે.”

    ઇંગ્લે‌ન્ડના ધર્મ (ખ્રીસ્તિધર્મ)ની હાલત આપણે ત્યાંના ધર્મની હાલત કરતા વધારે સારી છે તેમ સ્વીકારવાં છતાં બધા જ ધર્મો અને ધર્મશાસ્ત્રો બાબતે તેમના સ્પષ્ટ વિચારો જણાવતા તેઓ લખે છે, ”ધર્મસબંધી ભોળાપણું સુધરેલા લોકોમાં નથી એમ તમે ના સમજશો. વિદ્યાના પ્રકાશથી અને સાધારણ બુદ્ધિથી જે વાત બની ન શકે તે છતાં તે વાત ખરી માનવી અને તે ઉપર વિશ્વાસ મૂકવો એ ભોળપણું કેહેવાય. નિરાકાર ઈશ્વર આ પૃથ્વિ પર અવતાર લેવા આવે: અથવા પોતાના દીકરાને મોકલે, અને તે વેળા ગગનના તારલા બંધ પડે, સૂર્ય ઊભો રહે, ઇત્યાદિ ચમત્કારની વાતો માનવી એ જ ભોળપણું.” અહીં આપણને કરસનદાસના રેશનલ વિચારો પણ જોવા મળે છે.

    દરેક ધર્મમાં ફાંટાઓ કે અલગ અલગ સંપ્રદાયો બાબા આદમથી પડતા આવ્યા છે. આપણે ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક અને પ્રોટેસ્ટ‌ન્ટ એમ બે પંથોથી તો વાકેફ છીએ જ. પરંતુ લેખકે ઇંગ્લે‌ન્ડમાં ખ્રિસ્તી ધર્મના પચાસ કરતા વધારે પંથોના નામો તેમના આ પુસ્તકમાં લખ્યા છે. એ બધા નામો નહિ જણાવતા ત્યાંના ‘સોસાયટી ઓફ ફ્રે‌ન્ડ્ઝ’ નામના પંથના મત વિશે લેખકે કરેલી વાત કરીને આ પ્રકરણ પુરું કરું છું

    • કદી સમ ખાવા નહિ,કોર્ટમાં કે કોઇ ઠેકાણે ‘બાઇબલ’ ના નામે સમ આપે તો લેવા નહિ
    • લગ્ન ક્રિયા તથા ધર્મ સબંધી ક્રિયા(અથવા કર્મકાંડ) કરવાની જરૂર નથી.
    • કોઈ માણસ ગમે તેવો મોટો હોય પણ તેને “તમે” કહીને નહિ પણ તું કહીને બોલાવવો.
    • “યોર હોલિનેસ” અથવા “યોર મેજેસ્ટી” અથવા ‘યોર એક્સલંસી’ ઇત્યાદી માનનાં વચનથી કોઇપણ મોટા ધર્મગુરૂને કે કોઈપણ મોટા રાજાને કે મોટા ગવર્નરને અથવા કોઈપણ મોટા માણસને બોલાવવો નહીં
    • મંડળીમાં ટોપી ઉતારવી નહીં.
    • જેમ બને તેમ સાદો પોશાક પહેરવો.
    • મુવેલાનો શોક પળવો નહિ.
    • દેવળમાં ભક્તિને માટે લોકોને બોલાવવા ઘંટ કદી વગાડવો નહિ.
    • બચ્ચાઓ (બાળકો)ના નામ પાડવાને દેવળમાં લઇ જવા નહિ.
    • કોઇની સાથે વેર લેવું નહિ અને કોઇ સાથે લડાઇ કરવી નહિ

     (નોંધ: જ્યાં જ્યાં પુસ્તકમાના અવતરણો ટાંક્યા છે ત્યાં ભાષા અને જોડણી જેમની તેમ રાખી છે. વાચક મિત્રો અનેકવાર વપરાયેલા ‘પતરાજી’ કે ‘પત્રાજી’ શબ્દનો અર્થ તેની આગળપાછળના સંદર્ભથી સમજી શકશે. ભગવદગોમંડલમાં તેનો અર્થ ‘શેખી; ડંફાસ; ખાલી બડાઈ; મિથ્યાભિમાન; હૂંપદ; ડોળડમાક અને ગર્વ.’ એવો આપેલો છે.)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મહાનવલ સરસ્વતીચંદ્રને સવાસોમું તિલક

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ત્રેવીસમી ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય અને સમાજની એ ગૌરવઘટના સવાસો વરસને બારણે ટકોરા દેશે. ૧૯૦૦ ઈસવીમાં એ દિવસે સ્તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગની હસ્તપ્રતનું છેલ્લું પાનું લખ્યું હતું. નાનાલાલના શબ્દોમાં, આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગત સાહિત્યમાં પગ મૂક્યો.

    ૧૮૮૭માં પહેલો ભાગ આવ્યો. પહેલા જ પ્રકરણમાં આપણો નાયક સરસ્વતીચંદ્ર બંદરે વહાણમાંથી ઉતરે છે. ગતિ અને સંક્રાન્તિનું આ ચિત્ર ગોમાત્રિના શબ્દોમાં, ‘લોકથી જુદો તથા એકલો પડી એક મોટા પુલ પર એક એન્જિન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ જવા લાગ્યો.’ નોંધ્યું તમે? જુદો છે. એકલો છે. વહાણમાંથી ઊતર્યો છે અને એન્જિનની પેઠે ચાલે છે. નવો માર્ગ પકડવામાં છે માટે હવે એ પોતાનું નામ નવીનચંદ્ર કહે છે. વળી કહે છે, ‘હું વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.’

    જોગાનુજોગ, ૧૮૮૮ એ સાલ છે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ઓગણીસમે વરસે વિલાયતનો રસ્તો પકડે છે. ૧૮૮૭-૧૮૮૮, અણચિંતવ્યો પણ આ જોગાનુજોગ એક યુગમિજાજ લઈને આવે છે- વિદ્યાર્થીએ અનુભવાર્થી થવાનું છે. અને એ સ્તો ‘નવું’ છે. માટે ‘નવીનચંદ્ર’, ઉર્ફે પરંપરાગત શબ્દ પ્રમાણ્યે ન ગંઠાતા અનુભવ પ્રામાણ્યનો મહિમા.

    છે તો દેખીતી એક પ્રીતિકથા- સરસ્વતીચંદ્ર અને કુમુદની. દેખીતી શા માટે, ખરે જ પ્રેમકથા છે. પણ સાથે એ સંસ્કૃતિની પણ કથા છે. ૧૮૫૭નો એક દૃષ્ટિએ વિફળ સંગ્રામ અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના સાથે નવપ્રસ્થાન ને નવજીવનની કાચીપાકી મથામણ. સંસ્કૃતિનો અને ધર્મનો વારસો એક પા, બીજી પા એ જ ૧૮૫૭ના વરસમાં યુનિવર્સિટી શિક્ષણનાં પગરણ સાથે નવી વાતોનો પ્રવેશ ને પરિચય. સંકેલાતો સામંતી કાળ અને જામતો આવતો સાંસ્થાનિક કાળ. સરસ્વતીની શાશ્વતી આંખમાથા પર, પણ જે ‘નવીન’ તેના ઘટતા આકલનસર ચૈતન્યનો સંસ્પર્શ સુધ્ધાં. વાર્તાના વળાંકો અને વિચારમુકામો પ્રેમકથા ને સંસ્કૃતિકથા બેઉને સાથેલગાં હીંડવે છે.

    ગોવર્ધનરામ એક સર્જક નિ:શંક છે, પણ નકરા સર્જક તો એ મુદ્દલ નથી. એમના નાયકે નવીનચંદ્ર એ નામ તો ધારણ કીધું, પણ રાજકારણની રીતે લેખક ને નાયક, ૧૯૨૦થી બેસેલા અસહકાર યુગ સામે કંઈક મવાળ પણ લાગે. જોકે, ગોખલે તો જાણે કે સમજ્યા, પણ સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકાર કહેતા તિલક પણ હોમરુલ લીગમાં જ હતા ને? એમાં પૂર્ણ સ્વરાજની વાત નહોતી. ગોમાત્રિએ સ્વદેશી સ્ટોર્સનું ઉદઘાટન પણ કરેલું અને અમદાવાદમાં ૧૯૦૨માં કોંગ્રેસ મળી ત્યારે સામેલ પણ થયેલા. બલકે, ત્યારે માંડ દસેક વરસના ઈન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાંયે એ સચવાયેલું છે કે અમદાવાદની કોંગ્રેસમાં પ્રતિનિધિ તરીકે સામેલ થવાનો અનુરોધ એ ‘પાકી ચરોતરિયા બોલી’માં કરતા. એ સમયનું કોંગ્રેસમાનસ સટીકપણે અંગ્રેજ શાસન પરત્વે આશા-અપેક્ષાએ ભરેલું હતું અને ટીકા કરતે છતે એના સંસર્ગથી સરવાળે લાભ થશે એવી સમજ પણ ખરી.

    ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગમાં ગોમાત્રિની એવી સમજ વ્યક્ત થાય છે કે ભારતની પ્રજા પ્રાચીન સંસ્કૃતિનું સ્મરણ કરી ધર્મનું વર્ચસ પુન: પ્રતિષ્ઠ કરે તો બ્રિટિશ પ્રજામાં રહેલા ‘દુર્યોધન’ને વશ કરી એમાં રહેલ સુગ્રીવ ને હનુમાનનો પ્રભાવ વધારી શકે. ૧૯૨૦ પહેલાં ગાંધીજી પણ, એમ તો, પૂર્ણ સ્વરાજની ભૂમિકાએ ક્યાં હતા? એમણે ૧૯૧૭માં ગોધરામાં જે પહેલી ગુજરાત રાજકીય પરિષદ મળી એમાં આશા વ્યક્ત કરી હતી કે ભારતની પ્રજા બ્રિટિશને ધર્મવૃત્તિથી જીતી શકશે. (અલબત્ત, ગોમાત્રિ કે ગાંધી જે ‘ધર્મ’ની વાત કરે છે તે આજની રાજકીય વિચારધારાના અર્થમાં નથી.)

    આ જ પરિષદમાં ગાંધીજીએ ગુજરાતના જીવનમાં વસંતનો સંચાર થઈ રહ્યાનું કહ્યું હતું તે ગોવર્ધનરામનીયે શ્રદ્ધાના મેળમાં જરૂર છે. અલબત્ત એ એક સ્વતંત્ર અભ્યાસવિષય છે, તેમ છતાં ગોવર્ધરામની મનનપોથી ઉર્ફે ‘સ્ક્રેપબુક’નો ઉલ્લેખ કંઈક તો કરવો રહ્યો. એમાં એમણે પોતાનો આદર્શ ‘વહેવાર સંન્યાસ’માં જોયો છે. સ્વાર્થ કમાણીથી મુક્ત થઈ સર્વહિતકારક પ્રવૃત્તિનાં જીવનનો ઉપયોગ એટલે સંન્યાસ. તો, મોક્ષ એટલે જનમમરણના ફેરામાંથી મુક્તિ નહીં પણ આસક્તિથી મુક્ત રહી સેવા-સમર્પણનું જીવન તે મોક્ષ. કેવળ ચાળીસ વરસની આસપાસની વયે એમણે વકીલાતમાંથી આ ‘વહેવારુ સંન્યાસ’ વશ મુક્તિ લીધી અને તે પછી રાજા-રજવાડાંની મોટી ઓફરો પણ સ્વીકારી નહીં. કોઈ જાહેર બાબત અંગે ઊહાપોહ જગવતા ‘પબ્લિક મેન/સિટીઝન’ થવા કરતાં તે પોતાને ઈષ્ટ આદર્શ મુજબનું ‘લોક’ ઘડવા ઈચ્છતા.

    ૨૦૨૪-૨૫નું આ ‘એકસો પચીસ’મું વર્ષ ગુજરાતની ચેતનાને ઝકઝોરશે? ઝંઝેડશે? વાવડ છે કે નડિયાદ આવતે મહિને એને વધાવશે ને ઊજવશે. આ ઉજવણું ધોરણસરનું સંકીર્તન તો કરશે, જરૂર કરશે. પણ ‘સરસ્વતીચંદ્ર’થી જેમ એક વિશ્વદર્શન શક્ય બન્યું તેમ તે પછીની નવલકથાઓમાંથી સામે આવતાં (અથવા નહીં આવતાં) વિશ્વદર્શનની કોઈ ચર્ચા થશે? ‘ગુજરાતનો નાથ’, ‘માનવીની ભવાઈ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’થી તાજેતરની ‘ભૂમિસુક્ત’ સહિતની નવલપરંપરાને ‘સરસ્વતીચંદ્ર’ સંદર્ભે કોઈ તપાસશે? ‘કલ્યાણ ગ્રામ’ના ગોવર્ધનરામદીધા સ્વપ્નથી માંડી સેવાગ્રામ સુધીની યાત્રા ચર્ચાશે? આટલું, જગત સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રવેશની એકસો પચીસમીએ. બાકી તો, ક્લાસિક વિશે કહેવાય છે ને કે એનું નામ લે સૌ કોઈ – અને વાંચે કોઈ નહીં!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વાષાઢા

    સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

    ‘ પૂર્વકથા ‘થી આગળ

    લક્ષ્મણદાદાના, અવસાન બાદ કોંકણની જમીનોનું ત્યાં રહીને અંગત રીતે ધ્યાન રાખનારું કોઈ ન રહ્યું. જમીનની આવક ઘટવા લાગી. અમારા દાદાકાકાએ વર્ષમાં એક વાર ત્યાં જઈ હિસાબ-કિતાબ જોવાની અને મળતા પૈસા લાવવાની તૈયારી બતાવી. દાદાજી ઘરના મોટા પુત્ર હોવા છતાં તેમણે નાનાભાઈને આ જવાબદારી સોંપી. દાદાકાકા વતન જઈને જે મળે તે લાવવા લાગ્યા. મરજી થાય તો તેમાંથી થોડી રકમ અમને આપે પણ દાદાજીએ કદી પણ તેમની પાસે હિસાબ માગ્યો નહિ. પરિવારમાં આવી અંધાધૂંધી ચાલવા લાગી.

    આ જાણે અપૂરતું હોય, મારા જન્મ બાદ બાપુજીને દારૂનું વ્યસન લાગ્યું. ઘરખર્ચમાં વધારો થતો ગયો અને અહીં ખેતીની આવક ઘટવા લાગી. બાપુજીનો પગાર સીધો બહાર જવા લાગ્યો. દાદાકાકાએ તો જમીનની આવક વાપરવા સિવાય બીજું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહિ, કારણ કે જમીનનું મહેસૂલ ન ભરાવાને કારણે અમારી કેટલીક જમીનો. સરકારમાં જપ્ત થઈ ગઈ હતી. લક્ષ્મણદાદાએ જે માણસો પર વિશ્વાસ મૂક્યો હતો. અને જમીનની દેખરેખ માટે વફાદારીની આણ લીધી હતી તેમણે દગો આપવાની શરૂઆત કરી. ઘરખર્ચ ચલાવવાનું કામ મુશ્કેલ થઈ જતાં મારા દાદાને વડોદરાની એક હવેલી વેચવી પડી. હજી પણ આ હવેલી ફડકેવાડાના નામે ઓળખાય છે. દાદાજીએ પારિવારિક મિલકત અને જમીનની ઊપજમાંથી પ્રામાણિકતાથી કરેલ વહીવટના ફળસ્વરૂપ ઊભી થયેલ વાસ્તુ અને વસ્તુઓ ધીરે ધીરે વેચાવા લાગી.

    મારા નાના કાકા – યશવંતકાકા – જેમને અમે બધાં બાળકો પ્રેમ અને આદરથી “યેસુબાબા’ કહીને બોલાવતા – તેમને પણ બાપુજીની ઘણી ચિંતા થતી. એક દિવસે તેમણે પણ બાપુજીને કહ્યું, “મોટાભાઈ, આપને જેટલી પીવી હોય એટલી પીઓ, પણ મહેરબાની કરી ઘેર બેસીને. બહાર ના લેતા.’ પણ ઘેર દાદાજી હતા, તેમની હાજરીમાં મદ્યપાન કરવામાં સંકોચ થયો હશે કે કેમ, પણ તેમણે યેસુબાબાની વાત માની નહિ. રાજમહેલનું કામ પતે કે તરત પીઠામાં જાય અને રાત્રિએ – અધરાત્રિએ પાછા આવે. મારાં પગલાં પડતાં આ અવદશા આવી. પહેલાં તો લક્ષ્મણદાદા ગયા. ત્યાર બાદ બાપુજીને આ વ્યસન લાગ્યું. પાંચમી કન્યા તરીકે હું જન્મી હતી. હું કેમ કરીને કોઈને ગમવાની હતી?

    કોંકણમાં અમારી મિલકતની હાલત બગડતી ગઈ. ત્યાં રહીને જમીનનું ધ્યાન ચખનારું કોઈ હોત તો અમારા પરિવારના વાર્ષિક ઉત્પન્નમાં કાંઈક ફેર પડયો હોત. હવે તો આવક સાવ ઘટીને નહિવત્‌ થઈ ગઈ હતી. તેમાંથી બે-બે ઘરનો – એટલે અમારો અને કાકાદાદાના ઘરનો ખર્ચ ચલાવવાનું કામ એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે અમને અમારી મોટી હવેલી પણ વેચવી પડી.

    એક તરફ પારિવારિક મિલકતો હાથમાંથી જવા લાગી, અને બીજી તરફ બાપુજીનું વ્યસન વધવા લાગ્યું. આમ છતાં એટલું તો સાચું કે બાપુજી કામે કદી પણ પીને જતા નહિ. એટલું જ નહિ, પોતાના વ્યસનની મહારાજસાહેબને જરા પણ ખબર પડવા ન દીધી. પોતાના કામમાં જરા જેટલી પણ કસૂર થવા દીધી નહિ.

    બાપુજીની ચિંતામાં નારાયણદાદાની જિજીવિષા સમાપ્ત થઈ અને એક ટૂંકી માંદગીમાં જ તેમણે શરીર છોડી દીધું. આમ અમારા પર એક પછી એક આપત્તિઓ આવવા લાગી. નારાયણદાદા ગયા પછી બે આંખની શરમ ન રહેતાં ગોવિંદદાદા દર વર્ષે કોંકણ જતા, અને જમીનની આવકમાંથી અમને મન થાય તો આપતા.

    જોકે આવા ‘આપવા’ના પ્રસંગો ભાગ્યે જ આવતા.

    બાપુજીને મહેલમાંથી ઘણી વસ્તુઓ મળતી, પણ તેમાંથી તેમણે કદી. પણ કશું સ્વીકાર્યું નહિ. બધું તેમના હાથ નીચેના માણસો લઈ લેતા. કામમાં નિયમિતતા અને પારદર્શક વહીવટને કારણે તેમના પર મહારાજા સયાજીરાવની કૃપા અને વિશ્વાસ વધતો ગયાં. મોટા મોટા લોકોનો પરિચય થતો ગયો, અને ઘણા લોકપ્રિય થયા. પણ તેમના સહકારીઓ અને અન્ય કારભારીઓ તેમનો ઉત્કર્ષ સાંખી શકતા નહોતા. તેમની ઈર્ષ્યા અને બાપુજી વિરુદ્ધના કાવાદાવા વધતાં ગયાં.

    હું ચાર વર્ષની થઈ અને મને છઠ્ઠી બહેન આવી. ઘર નિરાશાની વાદળીમાં ઘેરાઈ ગયું. ફરીથી મારા નામ પર ફિટકાર વરસ્યો. આ વખતે ભાઈ આવ્યો હોત તો મને સુખના બે રાબ્દો સાંભળવા મળ્યા હોત. લોકો કહેત, “ચાલો આ વખતે લીલા પોતાની પાછળ ભાઈ લઈ આવી.’ પણ હું ક્યાં એટલી ભાગ્યવાન કે મારી પાછળ એક ભાઈ આવે?! મારી નવજાત બહેન જન્મતાં જ દમની બીમારી લઈ આવી હતી. બધાંએ. તેનું નામ દમુ રાખ્યું.

    બીજી તરફ મારા પિતરાઈ કાકાને ત્યાં પ્રથમ પુત્ર બાદ એક દીકરી આવી, અને ત્યાર પછી બીજા બે દીકરા. આમ તેમને ત્યાં તો દૂધ અને દહીં બન્નેની નદીઓ વહેવા લાગી.

    ઘરની હાલત તો સાવ બગડી ગઈ હતી. દાદીમા માંદાં પડી ગયાં અને લાંબી માંદગી બાદ તેઓ પણ પ્રભુદ્ધારે ગયાં. અમારા માટે હવે ઘણા કઠિનાઈભર્યા દિવસ આવ્યા હતા. એટલી હદ સુધી કે મારી બન્ને મોટી બહેનોને પહેરવા માટે પૂરતાં કપડાં પણ નહોતાં. પણ બન્ને બહેનો એટલી શાણી હતી કે તેમણે કદી કશાની અછત એક અક્ષરથી પણ પ્રદર્શીત કરી નહિ. સૌથી મોટાં બહેનને બધા લોકો માનથી મનાબાઈ અને વત્સલાબાઈને બાઈજી કહીને બોલાવતા.

    બાપુજી ઘણી વાર રાતે દારૂ પીને ઘેર આવતા. એક વાર મોડી સાંજે ઘેર દારૂ પીવા બે-ત્રણ મિત્રોને લઈ આવ્યા. ઘરમાં યુવાન દીકરીઓ હતી અને બા બિચારી એટલી ગભરાઈ ગઈ કે તેણે મનાબાઈ અને વત્સલાબાઈને વેસુબાબાને ત્યાં પાટણ મોકલાવવાનો વિચાર કર્યો.

    દિવસ વીતતા ગયા. દાદાકાકા અને તેમનાં પત્ની પુત્ર-પૌત્રોનું સુખ જોઈ સ્વર્ગે સિધાવ્યાં. તેમના અવસાન બાદ કોંકણની જમીનનો વહીવટ અમારા મોટા પિતરાઈ ગણેશકાકાના હાથમાં ગયો. હવે તેઓ જ દર વર્ષે કોંકણ જઈને પૈસા લાવવા લાગ્યા. ત્યાંથી પૈસા આવે કે તેમના ઘરમાં દરરોજ મિજબાની ચાલે, અને પૈસા ખલાસ થાય કે પછી કાલે શું ખાવું તેની ફિકરમાં બેસે. કામમાં તો તેઓ કાંઈ હોશિયાર નહોતા. આટ-આટલાં વર્ષોની નોકરી બાદ પણ તેઓ માંડ માંડ હવાલદારના પદ સુધી પહોંચ્યા હતા. તેમને એક દીકરો હતો, જે ઘણો હોશિયાર અને ખરેખર પ્રેમાળ સ્વભાવનો હતો. પણ તે હજી નાનો હતો અને ભણતો હતો, તેથી તેમના એકલાના પગાર પર જ ઘર ચાલતું હતું.

    મારાં વડદાદી. હજી પણ સ્વસ્થ હતાં. શરીર નીરોગી અને સ્વાસ્થ્ય સારું હોવાથી તેઓ એકલાં જ બાની કાળજી લેતાં હતાં. બા ક્યાંય પણ જાય તે બાપુજીને ગમતું ન હોવાથી તે અને મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ તો કદી નાનાજીને ઘેર પણ જઈ શકતાં નહોતાં. ગાયકવાડીમાં શિક્ષણ ફરજિયાત હોવાથી અને નિશાળ ઘરની નજીક હોવાથી બન્ને મોટી બહેનો ભણવા જઈ શકતી હતી. સરકારે તો રાજ્યમાં ગરીબ પ્રજા માટે ઘણા સુધારા કર્યા હતા. દવાખાનાં ખોલ્યાં હતાં અને પ્રજાને મફત દવા મળે તેની પણ જોગવાઈ કરી હતી. સયાજીરાવ મહારાજ ઘણા દયાળુ રાજા હતા.

    તે સમયે મહારાજને ફરીથી ઇંગ્લેન્ડ જવાનું થયું. તેમણે બાપુજીને પહેલેથી જ હુકમ આપ્યો હતો કે આપણે વિલાયત જવાનું છે, તો તમે તૈયાર રહેજો. આ વખતે બાપુજીના વિરોધીઓના કાવાદાવા એટલી હદ સુધી વધી ગયા કે તેમણે મળીને નક્કી કર્યું કે આ વખતે રાજેને મહારાજસાહેબ સાથે જવા દેવાનો નથી.

    આ વાત મહારાજને કાને જતાં તેમણે બધાને બોલાવીને તતડાવ્યા અને કહ્યું, “રાજે મારી સાથે જાય કે નહિ તેનો નિર્ણય મારે કરવાનો છે. બીજા કોઈએ આમાં બોલવાનું નથી.’ આ સાંભળી તે વખતે બધા ચૂપ થયા, પણ તેમના દ્વેષની કોઈ સીમા રહી નહિ.

    બાપુજીની નિમણૂક એવા સ્થાન પર હતી કે તેમના હાથમાં લાખો રૂપિયાનો વહીવટ હતો. તેઓ પાઈએ. પાઈનો હિસાબ રાખતા. તેમાંથી કોઈ પણ રકમ કે વસ્તુનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો નહિ. તેમની પ્રામાણિકતા પારદર્શક હતી જેનો મહારાજને પૂરો ખ્યાલ હતો. બાપુજીના હાથ નીચે અમારી જ્ઞાતિનો જ એક માણસ હતો. તેને હંમેશાં થતું કે મહારાજનો માનીતો આ ‘રાજે’ પોતે તો કશું ખાતો નથી, અને અમને પણ ખાવા દેતો નથી. તેણે બાપુજીનું કાસળ કાઢવા કાવાદાવા શરૂ કર્યા.

    અમારા ઘરની પરિસ્થિતિ હવે ઘણી કથળી ગઈ હતી. બાપુજીના પગાર પર અમારું ઘર ચાલતું હતું, તેમાંથી અર્ધો પગાર તેમના વ્યસન પાછળ ઊડી જતો હતો. મારાં મોટાં બહેન હવે સોળ વર્ષનાં થયાં હતાં. ઘરની આવી હાલતમાં તેમનાં લગ્નનું કોણ જુએ? અમારી ઊતરતી કળા શરૂ થઈ ગઈ હતી. ઘરમાંફક્ત વાસણકૂસણ અને હાંડલાં બચ્યા હતાં. સોનાચાંદીની વસ્તુઓ તો ક્યારનીયે રસ્તે પડી ગઈ હતી. બાપુજીનો હોદ્દો આટલો ઊંચો હતો પણ તેમણે કદી પોતાના ઘરનો, પત્નીનો અને બાળકોનો, જરા જેટલો વિચાર કર્યો નહિ. પોતે માત્ર સૂટ-બૂટ પહેરી અપઢુડેટ રહેતા, અને રાતે નશામાં ચકચૂર થઈને આવતા. બા બિચારી શું કરે? વડદાદી પણ પૌત્રના વ્યસનથી કંટાળીને વ્યગ્ર થઈ ગયાં હતાં. બાપુજી નશામાં હોય ત્યારે હાથમાં જે હોય તે લઈ બાને મારવા લાગતા, તે વડદાદીથી જોવાતું નહોતું. ઘરના આ હાલ જોઈ તેમનું હૃદય વિદીર્ણ થઈ જતું. આ બધાની તેમના મન અને શરીર પર વિપરીત અસર થઈ અને નિરાશામાં ઘેરાયેલાં વડદાદી પણ એક દિવસ અમને સૌને મૂકીને પ્રભુના દ્વારે પહોંચી ગયાં.

    બાના મસ્તક પર તો આકાશ તૂટી પડ્યું. વડદાદી બાનું સર્વસ્વ હતાં. ભાવનાત્મક આધાર ઉપરાંત એક છત્ર સમાન હતાં. અમારી આર્થિક હાલત એવી થઈ ગઈ હતી કે અમારી પાસે સમારકામને અભાવે જર્જરિત થઈ ગયેલાં બે મકાન અને કોંકણની જમીન બચી હતી. ગણેશકાકા હજી પણ દર વર્ષે કોંકણ જઈ જમીનની ઊપજ લઈ આવતા પણ આ આવક વિશે તેમને પૂછનારું કોઈ રહ્યું નહતું. વેસુબાબાએ આ બાબતમાં કદી પણ ધ્યાન આપ્યું નહિ. એક તો એમની નોકરી આટલે દૂર હતી અને કૌટુંબિક મિલકતમાંથી એક પાઈની પણ તેમને આશા નહોતી.

    બાને ઘણી તકલીફ થવા લાગી. ઘરમાં યુવાન દીકરીઓ હતી. તેમનાં ભવિષ્યનો બાપુજી કોઈ જ વિચાર કરતા ન હતા, તેથી બાએ મારી બન્ને મોટી બહેનો – મનાબાઈ અને વત્સલાબાઈને વેસુબાબાને ત્યાં મોકલી આપ્યાં. વેસુબાબાએ બન્ને બહેનોને ખૂબ સારી રીતે સંભાળ્યાં. મારાં મનાબાઈ ઘણાં જ પ્રેમાળ સ્વભાવનાં અને એવાં તો કામઢા હતાં કે તેમણે વેસુબાબા અને કાકીના સ્નેહનું સંપાદન કરી લીધું. અહીં હું પાંચ વર્ષની થઈ પણ મારી તરફ કોઈનું ધ્યાન નહોતું. મને નિશાળમાં પણ દાખલ કરી ન હતી તેથી આખો દિવસ રખડપટ્ટીમાં જતો.

    અમારી બાજુમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું. તેમની પરિસ્થિતિ પણ ગરીબ હતી. તેમને બે દીકરીઓ હતી. એક મારા જેવડી અને એક આઠ વર્ષની. એમની હાલત તો એટલી ખરાબ હતી કે તેમની મા તેમને છાણ ભેગું કરવા મોકલતી. એમની જોડે હું પણ જવા લાગી. બાપુજી તો આખો દિવસ રાજમહેલમાં હોય અને બા ઘરકામમાં ગૂંથાયેલી હોય ત્યારે હું આ છોકરીઓ સાથે ઊપડી જતી અને આખો દિવસ તેમની સાથે છાણ ભેગું કરવામાં મદદ કરતી અને તેમના ઘેર છાણના ટોપલા લાવ્યા બાદ છાણાં થાપવા લાગી જતી. આ બધું લખવામાં પણ, મને લજ્જા આવે છે, પણ જે સત્ય હકીકત છે તેને કેમ કરીને છુપાવું? એક દિવસ મારું પરાક્રમ પકડાઈ ગયું અને બાએ. મને સારો એવો મેથીપાક આપ્યો! તેણે મને નિશાળમાં દાખલ કરાવી અને મારી રખડપટ્ટી બંધ થઈ ગઈ.

    ઘરના હાલહવાલ તો બગડી ચૂક્યા હતા. રાજ્યમાં આટલી સસ્તાઈ હતી તો પણ અમને કદી સારી વસ્તુ ખાવા મળતી નહોતી તેનું કારણ હતું બાપુજીનું વ્યસન. ઘરમાં પૂરતા પૈસા આવે તો ચીજવસ્તુ આવે ને? ઘરમાં દૂધ હોય તો બા બિચારી અમને દૂધ-રોટલો પીરસે. કદીક રાજમહેલમાંથી થાળ પીરસાઈને આવે ત્યારે માત્ર અમને સારું ખાવા મળે.

    બાપુજીનું કાસળ કાઢવા તક સાધીને બેઠેલા લોકોએ એક દિવસ તેમને ઘેરી લીધા, પણ તેઓ તે વખતે કાંઈ કરી શક્યા નહિ. દારૂ પીને બાપુજી પણ બાને એટલો ત્રાસ આપવા લાગ્યા કે ન પૂછો, વાત. બા તેમને ટેકો આપી ઉપલા માળે સુવાડ્યા પછી બહારથી બારણું બંધ કરીને અમને બધાંને ગણેશકાકાને ત્યાં સૂવા લઈ જતી. મળસકે અમે પાછા ઘેર આવીએ અને બા તાળું ખોલી કામ કરવા લાગી જતી. સવારે તો બાપુજીનું વર્તન એટલું ઉત્કૃષ્ટ હોય જાણે રાતે કશું થયું જ નહોતું! બા સાથે સરખી રીતે વાત કરે, અને કામની જગ્યાની ચર્ચા પણ કરે. તેઓ કહેતા, “મને આ ઊંચું પદ મળ્યું છે તે કેટલાક લોકોથી જોવાતું નથી. તેઓ મારું ગમે ત્યારે ગમે તે કરી શકે છે.’ બા ઘણી ચિંતામાં પડી ગઈ અને બાપુજી ઘેર આવે ત્યાં સુધી શાંકા-કુશાંકામાં ઘેરાઈ જાય.

    એક દિવસ થયું પણ એવું જ.

    સાંજે કામ પતાવીને ઘેર આવતાં પહેલાં બાપુજી હંમેશની જેમ પીઠામાં ગયા. તેમનો જીવલેણ હરીફ પણ તેમની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયો, અને કહે, “રાજે, આજ તો હું પણ તમારી સાથે છાંટો પાણી કરીશ.’ તે વખતે તો બાપુજીને શક ન થયો. થોડી વારે તેમને નશો થયો ત્યારે તક સાધીને પેલા માણસે તેમના ગ્લાસમાં વિષ નાખ્યું અને હલાવ્યું. બાપુજીએ. પૂછ્યું, આ શું કરે છે?’ તેણે કહ્યું, “રાજે, તમારા ગ્લાસમાં કશુંક પડયું છે તે કાઢું છું.’ થોડી વારમાં બાપુજીને બેહદ અસુખ થવા લાગ્યું અને જીવમાં એવું કાંઈ થવા લાગ્યું કે તેમને તરત ખબર પડી ગઈ કે આ માણસે તેમના ગ્લાસમાંથી “કંઈક કાઢવા’ને બદલે ઝેર ભેળવ્યું હતું. બાપુજીએ ઊંચા સાદે તેને કહ્યું, “અલ્યા, આ તેં શું કરી નાખ્યું? આવું તો મને કદી પણ થયું નથી. ગમે એટલી પીધી હોય તોપણ મને આવું થયું નથી.

    “મેં શું કર્યું છે? તમે પોતે જ આટલી ઢીંચી છે તેથી આવું થઈ રહ્યું છે.’

    બાપુજી ત્યાં જ ઢળી પડયા, પણ હજી થોડું ભાન હતું. ખૂનીએ સજ્જનતાનો ડોળ કરી ઘોડાગાડી બોલાવી અને તેમને લઈ ઘેર આવ્યો. ઉપરથી બાને કહ્યું, “ભાભી, રાજે સાથે આજ હું ન હોત તો તેઓ નક્કી રસ્તામાં ધૂળ ખાતા પડ્યા હોત,’ કહી તેણે ત્યાંથી પોબારો કર્યો.

    અહીં બાપુજીને ભયકર ગભરામણ થવા લાગી અને થોડી વારે લોહીની ઊલટીઓ શરૂ થઈ. આગળ શું થશે તેની વ્યથાથી તેમનો ચહેરો ઘેરાઈ ગયો. બાએ તરત ગણેશકાકાને બોલાવ્યા. આડોશીપાડોશી પણ ભેગા થઈ ગયા. ગણેશકાકાએ ડૉક્ટરને બોલાવ્યા. તેમણે ઉપચાર શરૂ કર્યો અને લોહીની ઊલટીઓ બંધ થઈ. ડૉકટરે સ્પષ્ટ કહ્યું કે, “બાપુજીને કોઈએ વિષ આપ્યું છે અને તે પેટમાં ઊતરી ગયું છે.’ આ ઘડીએ તો મૃત્યુ ટળી ગયું. બીજે દિવસે થોડું ઠીક લાગતાં તેમણે બાને કહ્યું, ‘જે માણસને મારી જગ્યા લેવી છે, એણે જ મને ઝેર આપ્યું.’ તેઓ તેના પર કેસ કરત, પણ તે માટે સાક્ષી-પુરાવા જોઈએ ને?

    તે દિવસથી બાપુજીએ. બિછાનું પકડ્યું. બા બિચારી શું કરે? બાપુજીના પેટમાંથી રોજ લોહી પડવા લાગ્યું. અધૂરામાં પૂરું બા ફરીથી ગર્ભવતી હતાં. બીજી તરફ બાપુજીના દુશ્મન મહારાજ સુધી બાપુજીની ખબર પહોંચવા દેતા નહોતા. મહારાજ દરરોજ પૂછતા,’અરે, રાજા દેવળેકર કેમ આવતા નથી?’ તો જવાબમાં આ માણસ કહેતો, હજૂર, એ તો દારૂ ઢીંચીને રસ્તામાં ક્યાંક પડયો હશે.’

    ત્યાર બાદ અમારા એટલા ખરાબ દિવસ આવ્યા કે ન પૂછો વાત. બા બિચારી દરરોજ ગાય દોહીને દૂધ વેચતી, અને આવેલા પૈસામાંથી ગાયવાછરડાને ખવડાવી જે કાંઈ બચે તેમાંથી અમને થોડુંઘણું ખવડાવતી. બાપુજીએ રાજ્યમાં આટલી નામના મેળવી હતી, છતાં અમને રાજ્ય તરફથી કશી જ મદદ મળી નહિ. પેલો દુષ્કર્મ કરનાર માણસ મહારાજ સુધી અમારી વાત પહોંચવા જ દેતો નહોતો.

    થોડા દિવસ બાદ તેને બાપુજીનું સ્થાન મળી ગયું તો પણ એને તૃપ્તિ ન થઈ. અમને તો તેણે મધદરિયે છોડી દીધા હતા. અમારા વેસુબાબા એટલા દૂર હતા કે તેઓ આ દુષ્ટાત્મા પર કોઈ કારવાઈ કરી શક્યા નહિ. અમારા હાલ તો ફક્ત પરમાત્મા જ જાણતા હતા.

    બાપુજીની માંદગી દિવસે દિવસે વધવા લાગી. તેમણે છ મહિનાની રજા લીધી. વીસ-પચીસ વર્ષની નોકરીમાં તેમણે કદી એક દિવસની પણ રજા નહોતી લીધી. આવા કપરા સમયમાં રાજ્ય તરફથી થોડી ઘણી મદદ મળવી જોઈએ એવું માની તેમણે ઘણી મહેનત કરી કે મહારાજસાહેબ સુધી તેમની અરજ પહોંચે. પણ, આવું થાય તો કારસ્તાનીઓની બધી વાત છતી થઈ જાય, તેથી તેઓ બાપુજીની અરજી અધવચ્ચે જ ગુમ કરી દેતા. બાપુજીની એકે વાત આગળ જવા જ ન દીધી. આમાં અમારાં પણ નસીબ આડે આવ્યાં.

    બાને સાતમો મહિનો પૂરો થયો. બાપુજીની તબિયત સાવ કથળી ગઈ. એક કાલરાત્રિએ બાને અને અમને બધાંને દુ:ખનાં ડુંગરાઓની નીચે ધકેલી બાપુજીએ ચિરનિદ્રા લીધી.

    હું તે વખતે પાંચ વર્ષની હતી. બાપુજી છેલ્લા શ્વાસ લેતા હતા ત્યારે અમને બાળકોને અમારા પિતરાઈ કાકાને ત્યાં મોકલી દેવાયાં. મને તો કશી જ ખબર ન હતી. બીજે દિવસે હું અને મારી નાની બહેન દમુ ઘેર ગયાં ત્યારે બાની અવસ્થા જોઈ હું ગભરાઈ ગઈ. બાપુજીની પથારી ખાલી પડી હતી. મેં બેબાકળા થઈને બાને પૂછ્યું, “બાપુજી ક્યાં ગયા?’

    “તમારા બાબા ભગવાનને ઘેર ગયા.’ બા ચોધાર આંસુએ રડતી હતી. તેને જોઈ હું પણ રડવા લાગી. પાંચ વર્ષની છોકરીને “ભગવાનને ઘેર ગયા’નો અર્થ કેવી રીતે સમજાય?

    ગણેશાકાકાએ. તાર કરીને વેસુબાબાને બોલાવ્યા. બીજે દિવસે તેઓ આવી પહોંચ્યા. તેમણે બાપુજીની અંતિમ વિધિ કરી, બાને થોડીઘણી મદદ કરી અને પાછા પાટણ ગયા. મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ ઘણું રડ્યાં. તેઓ તો બાપુજીને છેલ્લી વારનું મળી પણ નહોતાં શક્યાં. શું કરીએ? અમારી જિંદગી હવે યાતનામય થઈ ગઈ. બાને પૂરા દિવસ જતા હતા અને ઘરની હાલત વિકટ હતી. બાપુજીનો છ મહિનાનો પગાર સરકારમાં પડી રહ્યો હતો. બાએ ઘણા ધક્કા ખાધા, પણ કોઈ દાદ નહોતું આપતું. જ્યાં હક્કનો પગાર જ નહોતો મળતો, ત્યાં બીજી મદદની શી આશા રાખી શકાય? બાપુજીનું ખૂન કરી તેમના સ્થાને જે માણસ આવી ગયો હતો તેના હાથમાં સત્તાનો દોર હતો. તે શા સારુ બાની અરજી આગળ જવા દે?

    બા તદ્દન નિરાશ થઈ ગઈ. પગાર નહિ, પેન્શન નહિ અને હવે તો કોંકણમાંથી આવતી નાનકડી રકમ પણ બંધ થઈ ગઈ હતી. દેવના આધાર પર જીવનનૌકા છોડવા સિવાય બા પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો. તેના પિયરની સ્થિતિ પણ કાંઈ સારી નહોતી. નાનાજીને દર મહિને ફક્ત વીસ રૂપિયા પેન્શન મળતું, અને તેમના ઘરમાં ખાનારા માણસો આઠ. મારાં મોટાં માસી – બાઈજીમાસી પણ તેમનાં દીકરા-દીકરી સાથે નાનાજી પાસે આવીને રહ્યાં હતાં, કારણ કે તેમના પતિ ઘર છોડીને ક્યાંક નાસી ગયા હતા. તેમનો કદી પત્તો ખાધો નહિ. મારી બીજી બે માસીઓ ઉમરલાયક થઈ હતી અને તેમનાં હજી લગ્ન લેવાનાં હતાં. આવામાં એવા અણસાર આવી રહ્યા હતા કે અમારે પણ નાનાજી પર ભાર થઈને જવું પડશે. પણ બા હિંમત હારે તેવી નહોતી. તેણે નક્કી કર્યું કે બને ત્યાં સુધી પરિસ્થિતિ સામે એકલા સંઘર્ષ કરવો.

    અમારી પાસે જે ગાય હતી, તેનું દૂધ વેચીને બા જેમતેમ કરીને અમારો ગુજારો કરતી હતી. ગાંઠની બધી વસ્તુઓ તો ક્યારની વેચાઈ ગઈ હતી. એવી સ્થિતિ આવી ગઈ કે ગાય માટે ઘાસચારો લેવા માટે પણ પૈસા બચતા નહોતા. આ ગરીબ મૂંગું પ્રાણી. ખાવા ન મળે તો તે પણ શું કરે? તે દિવસે ને રાતે ખાવાનું શોધવા બહાર ભટકવા લાગી. એક દિવસ, સરકારે તેને ડબામાં પૂરી દીધી. બાને ચાર દિવસે ખબર પડી, પણ તેને છોડાવી લાવવા માટે પણ પૈસા હોવા જોઈએ ને? ગાય હરાઈ થઈ ગઈ અને અમારા માટે મારા નાનાજીને ત્યાં જવા સિવાય હવે બીજો કોઈ આરોવારો ન રહ્યો. બાને સાતમું સંતાન જન્મવાનું હતું. તેને હવે એક જ આશા હતી કે આ વખતે પુત્ર જન્મે. તેણે ભગવાન પર ભરોસો રાખ્યો હતો. બાઈજી માસીએ. બાને કહ્યું કે તારું ઘર વેચીને અમારે ત્યાં રહેવા આવ. આને તેમની સલાહ કહો કે કારસ્તાન કહો, તેમના સતત કહેવાથી બાએ અમારું પૈતૃક ઘર વેચ્યું. માથા પર જેટલું કરજ ચઢ્યું હતું તે પૂરું ચૂકવી, ઘરમાં બચેલો સામાન લઈ અમે નાનાજીના ઘરમાં પ્રવેશ કર્યો. પંદર દિવસ બાદ બાની પ્રસૂતિ થઈ.

    મને સાતમી બહેન આવી.

    બાની શી દશા થઈ હશે તેની તો કલ્પના પણ ન કરવી સારી. પિતરાઈ કાકાનાં કુવચન – ‘પાર્વતીભાભીને સાત સાત દીકરીઓ આવે’ સાચાં પડ્યાં. જોકે પ્રથમ આવેલી જોડકી પુત્રીઓ જન્મતાં જ મૃત્યુ પામી હતી તે એક રીતે સારું થયું હતું.

    નાનાજીના માથા પર બા કરતાં નાની એવી બે દીકરીઓનાં લગ્નની જવાબદારી હતી. તેમનાં લગ્ન માટે નાનાજીએ. પોતાનું રહેઠાણ ગિરવી રાખ્યું અને લગ્ન પતાવ્યા. અહીં બાઈજીમાસીની સલાહથી બાએ બાપુજીનું મકાન વેચ્યું અને લેણદારોના પૈસા ચૂકવ્યા. બા પાસે થોડાઘણા પૈસા બચ્યા હતા તે તેણે મારા અને મારી નાની બહેન દમુનાં લગ્ન માટે રાખી મૂક્યા હતા. એક દિવસ બાઈજીમાસીએ બધાંની વચ્ચે બાને કહ્યું, ‘પાર્વતી, તું તારાં છોકરાંઓને લઈને અમારે ત્યાં હવે કાયમની આવી છો. તારા ઘરના વેચાણમાંથી બચેલા રોકડા રૂપિયા આપે તો બાપુજીનું ગિરવી રાખેલું મકાન છોડાવી લઈએ. અમે થોડા થોડા કરીને તારા પૈસા પાછા આપી દઈશું.’ પતિની છત્રછાયા ગુમાવી બેઠેલી બા પાસે નાનાજીનું કરજ ચુકાવવા માટે માગેલા પૈસા માટે તે કેવી રીતે ના પાડી શકે? કેમ કરીને એ કહે કે મારી દીકરીઓનાં લગ્ન માટે આ રકમ રાખવી છે? આમેય તે અમારે કાયમ માટે નાનાજીની સાથે જ રહેવાનું હતું તેથી બાએ જેટલા હતા એટલા બધા પૈસા બાઈજીમાસીને આપી દીધા. તેણે તો એ પણ ન પૂછ્યું કે નાનાજીનું કરજ કેટલું હતું, અને તે ચૂકવ્યા બાદ કેટલા પૈસા બચ્યા હતા. આમ બા પાસે બચેલી એકેએક પાઈ લઈને માસીએ નાનાજીનું મકાન છોડાવ્યું.

    બાઈજીમાસી થોડું ભણ્યાં હતાં. તેમણે વર્નાક્યુલર ફાઇનલનો અભ્યાસ પૂરો કર્યો, અને નિશાળમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી. તેમના પગારમાંથી નાનાજીને ઘરખર્ચમાં મદદ મળવા લાગી.

    એક દિવસ નાનાજી માંદા પડયા. મારાં ચાર નંબરનાં માસીના વર કંપાઉંડર હતા. તેમણે નાનાજીને કહ્યું, “ડૉકટર પાસે જઈને નકામો ખર્ચ ન કરતા. હું તમારા માટે દવા લઈ આવીશા.’ તેઓ દવા તો લઈ આવ્યા, પણ એક ને બદલે બીજી કોઈ ભળતી જ પડીકી લઈ આવ્યા. નાનાજીએ. પડીકીમાંનું ચૂર્ણ ફાંક્યું અને પાણી પીધું. દવા પેટમાં જતાં જ નાનાજીની જીભ લાંબી થઈને મોઢાની બહાર નીકળી આવી અને તેઓ બેભાન થઈ ગયા. તાત્કાલિક ઉપચાર કર્યા બાદ તેમનો જીવ બચી ગયો, પણ શરીર પર ઘણી માઠી અસર થઈ. વૃદ્ધાવસ્થા, દીકરીઓની અને નાનીની ચિંતામાં તેમની તબિયત લથડી ગઈ. થોડા દિવસની માંદગી બાદ તેઓ પણ પ્રભુ પાસે પહોંચી ગયા.

    બા કશું ભણી ન હતી. તેણે કમર કસીને કામ કરવાની શરૂઆત કરી. દુકાનદારો પાસેથી સીવણકામ ઘેર લઈ આવતી અને. નજીવા દામ પર તેમને ટોપી થેલીઓ વગેરે સીવી આપવા લાગી. અમારા નજીકનાં કે દૂરનાં સગાંવહાલાંઓને ત્યાં માંદગી, પ્રસૂતિ, લગ્નકાર્ય કે મોટી સંખ્યામાં મહેમાનો આવી પડ્યા હોય તો તેમને મદદ કરવા જવા લાગી. ગુજારા માટે કાંઈક તો કરવું જોઈએ ને? બાની એક માસીના દીકરા એંજિનિયર હતા. તેમને બહેન નહોતી, તેથી બાને સગી બહેનની જેવો સ્નેહ આપ્યો. બા એટલી કામઢી અને પ્રેમાળ સ્વભાવની હતી કે ભાઈને ઘેરથી તેડું આવે તો ખુશીથી ત્યાં દોડી જતી. ભાભીનું બધું કામ આનંદથી કરી આપતી. રોજેરોજનું તેમને ત્યાં જવું અને સાંજે પાછા નાની અને ઘરનાં કર્તા-હર્તા બની બેઠેલાં બાઈજીમાસીને ત્યાં આવવું તેના કરતાં બહેન આપણે ત્યાં જ રહે તે સારું એવું મામા અને મામીને લાગતાં તેમણે બાને અને અમને બહેનોને તેમના ઘેર રહેવા બોલાવી લીધાં. મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ હજી વેસુબાબાને ત્યાં જ રહેતાં હતાં.

    સમય જતાં મામાને ખાનદેશમાં આવેલી કોયલાની ખાણમાં ઊંચા પગારની નોકરી મળી. અજાણ્યા મુલકમાં જવાનું હોવાથી તેમણે બાને કહ્યું, “તાઈ, તમે પણ અમારી સાથે આવો ને! તમારાં ભાભીને સથવારો રહેશે અને અજાણ્યા લોકોની વચ્ચે આપણે સાવ એકલવાયા નહિ પડીએ.’

    અમારે તો કોઈ ને કોઈની સાથે રહેવાનો વારો આવ્યો હતો. બાઈજીમાસીને ત્યાં રહીને પણ બા તો લોકોનાં કામ કરતી હતી. મામાને ત્યાં અમને સ્નેહનો સથવારો હતો તેથી બા એક પગે તેયાર થઈ ગઈ. મામાનાં બાળકો સાવ નાનાં હતાં. તેમને અમારો સાથ મળવાનો હતો તેથી અમે બધાં ખાનદેશ ગયાં. ખાણ એક નાનકડા ગામની પાસે હતી, અને કંપનીએ એજિનિયરસાહેબ માટે બંગલો બંધાવ્યો હતો. રસોડું, બેઠકરૂમ, બેડરૂમ એવો મોટો બંગલો હતો. સસ્તાઈ પણ એટલી કે ન પૂછો, વાત. એક રૂપિયામાં ચાર શેર મીઠાઈ મળતી. દર અઠવાડિયે ગામમાં બજાર ભરાય. શાકભાજી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ જોઈએ એટલાં મળી જતાં. ઘરમાં કશાની કમી નહોતી. મામીનો સ્વભાવ એટલો સારો કે અમને જરા પણ જુદાપણું ભાસવા દેતાં નહિ. બાએ અત્યંત પ્રેમથી બધું કામ સંભાળી લીધું હતું અને નણંદ-ભોજાઈ વચ્ચે ઘણો સ્નેહ થઈ ગયો. અમે બાળકો પણ ઘણી મોજ કરતાં હતાં. મામાએ બે ભેંસો બંધાવી હતી તેથી દૂધ, દહીં અને ઘી ભરપૂર પ્રમાણમાં મળતાં. બાપુજીના અવસાન પછી કેટલાય દિવસો કારમા દુ:ખમાં કાઢયા બાદ અમને મામાને ત્યાં હવે રાહતના દિવસો મળ્યા.

    સુખ અને દુઃખ તો એકબીજાના પડછાયા જેવા હોય છે. બાપુજીના દેહાંત વખતે બા ગર્ભવતી હતી અને ત્યાર બાદ મને જે સાતમી બહેન આવી હતી, તે હવે બે વર્ષની થઈ હતી. અચાનક તેને કમળો થયો અને તેમાં જ તે ગુજરી ગઈ. આની કળ વળે ન વળે ત્યાં દેશથી બીજા શોકના સમાચાર આવ્યા. વેસુબાબાની બદલી પાટણ થઈ હતી. તેમની દીકરી છ મહિનાની થઈ ત્યાં કાકીનું અવસાન થયું. દસ દિવસની તેમની માંદગી ઘાતક નીવડી. અગાઉ કાકીનાં બાળકો બચતાં નહોતાં, અને આ દીકરી બચી તો કાકી પોતે જ અવસાન પામ્યાં.

    મારાં સૌથી મોટાં બહેન – મનાબાઈ ઘણાં સમજુ હતાં. તેમણે છ મહિનાની પિત્રાઈ બેનડીને સંભાળવા ઉપરાંત પિતાતુલ્ય વેસુબાબાને ઘણું સાંત્વન આપ્યું. બહેન હજી ધાવણી હતી તેથી તેના માટે દાઈમા રાખ્યાં. અમે હવે વેસુબાબાને પિતા માનવા લાગ્યાં હતાં અને તેમને “બાબા’ કહીને જ બોલાવવાં લાગ્યાં. મનાબાઈએ ઘરમાં બધાને સંભાળી લીધાં. દાઈ સમેત બધાંને સારો ખોરાક મળે તેની બધી જવાબદારી તેમણે સંભાળી લીધી.

    બાબાની ઉમર ચાળીસ પણ નહોતી થઈ. હવે તો તેમનો હોદ્દો પણ ઊંચો થયો હતો તેથી તેઓ બીજવર હોવા છતાં તેમના માટે માગાં આવવા લાગ્યાં. આમાંથી એક વિજાપુરના જ એક વકીલ તરફથી તેમની ભત્રીજી માટે કહેણ આવ્યું. વકીલસાહેબની ભત્રીજીની માતાનું અવસાન તેઓ સાવ નાનાં હતાં ત્યારે થયું હતું, અને તેમના પિતાએ બીજાં લગ્ન કરેલાં. તેમનાં અપરમાતાએ તેમને સારી રીતે સંભાળ્યાં હતાં, પણ પિતાના અવસાન બાદ વકીલસાહેબે તેમને પોતાને ઘેર આણી મોટાં કરેલ. દેખાવમાં સુંદર અને સ્વભાવ એટલો સારો કે બાબાએ લગ્ન માટે હા કહી. મનાબાઈ નવાં કાકી કરતાં થોડાં જ નાનાં હતાં તેથી કાકી-ભત્રીજી વચ્ચે બહેનપણીઓ જેવાં હેત બંધાયાં.

    કાળના ચક્રની ગતિ અને તેના કરમ વિશે કોણ કદી. જાણી શક્યું છે! એક દિવસ મનાબાઈને તાવ આવ્યો. રોગનું નિદાન ન થયું અને તેમણે ખાવાપીવામાં પરહેજી ન રાખી. તબિયત વધુ બગડતાં જણાયું કે તેમને કમળો, થયો હતો. બાબાએ ઘણા ઉપચાર કરાવ્યા, પણ જરા પણ ફેર ન પડ્યો. બાબાએ પત્ર લખી બાઈજીમાસીને વિજાપુર બોલાવ્યાં, અને મનાબાઈને તેમની સંગાથે ખાનદેશ મામાને ત્યાં મોકલાવ્યાં. મામાએ પણ ઘણા ઉપચાર કરાવ્યા, પણ કશો ફાયદો ન થયો.

    કોયલાની ખાણમાં કામ કરતા હોવાથી મામાને ઉધરસનો વ્યાધિ વળગ્યો. કેમે કરીને ખાંસી ઓછી થાય નહિ. ડૉકટરે કહ્યું કે જો તેઓ ખાણમાં કામ કરતા રહેશે તો તેમની પ્રકૃતિ ઘણી બગડી જશે. આથી તેમણે ખાણની નોકરી છોડી દીધી અને અમે બધાં પાછાં વડોદરા આવ્યાં. બાની અને અમે બહેનોની રવાનગી પાછી બાના પિયરમાં થઈ. આ અમારું નસીબ નહિ તો બીજું શું! મામાને ત્યાં અમે બે કોળિયા સુખેથી ખાતા હતા તે પણ ઈશ્વરને ન ગમ્યું.

    વડોદરા આવ્યા પછી મામાની તબિયત સુધરવા લાગી, પણ મનાબાઈની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થતી ગઈ. વડોદરા આવ્યા બાદ અમારે તો બાને પિયર આવવું પડયું. નાનાજી તો એક વર્ષ પહેલાં નિધન પામ્યા હતા. બા માટે તો જીવવું અસહ્ય થઈ ગયું હતું. તેની વીસ-એકવીસ વર્ષની બે યુવાન દીકરીઓ વિના લગ્ને ઘરમાં હતી. ન તો તેમનાં લગ્ન થયાં હતા કે ન તેમની કોઈ આશા આકાંક્ષા પૂર્ણ થઈ હતી. બાનો જીવ ઉદ્વેગથી ભડકે બળતો હતો, પણ તે કરે પણ શું?

    એક દિવસ મનાબાઈએ બાઈજીમાસીને નજીક બોલાવ્યાં અને કહ્યું, “માસી કંઈ પણ થાય, તોય મારી માને સંભાળજો. તેને હું તમને સોંપીને જાઉં છું.’ બીજે દિવસે વહેલી સવારે અમારી પ્રેમાળ બહેન અમને રડતાં મૂકીને ભગવાનને ઘેર ચાલી નીકળી. બા તો શોકસાગરમાં ડૂબી ગઈ.

    બાના નસીબમાં ફરીથી પહેલાં જેવી સ્થિતિ આવી. ફરીથી અમારાં બધાંનાં પેટનો ખાડો પૂરવા માટે સગાં-વહા્લાઓની મદદ કરવા જવાની તેણે શરૂઆત કરી. આમાંનો ઘણોખરો સમય અમારા એંજિનિયર મામાને ત્યાં તેમના અલકાપુરીના બંગલામાં જતો. એટલું સાચું કે મારાં મામીએ બાનું નણંદ તરીકેનું માન હંમેશાં સાચવ્યું અને પોતાનાં બાળકો અને અમારી વચ્ચે કદી પણ ભેદભાવ રાખ્યો નહિ.

    પિયરમાં તો બાને એવી તકલીફ ભોગવવી પડી કે તેનું વર્ણન પણ કરી શકાય નહિ. ઘરમાં નાનીમા તો હતાં, પણ ઘરના કર્તાહર્તા બાઈજી માસી જ હતાં. તેમના હુકમ પ્રમાણે ઘરનું પાંદડું હલતું, અને તેઓ કહે તે પ્રમાણે બધાંએ વર્તવું પડતું. જોકે ઘરની આવક તેમના પગાર પર નિર્ભર હતી. હવે તો તેમને ટ્યૂશન મળવા લાગ્યાં હતાં તેથી ઘરની સ્થિતિ થોડી સુધરવા લાગી. બાને જરૂર પૂરતું શિક્ષણ જ મળ્યું નહોતું તેથી તે કોઈ બીજું કામ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી.

    સમય તો ચાલ્યા જ કરે છે. આગળ જતાં મારાં સૌથી નાનાં માસી અને બાઈજી માસીની દીકરીનાં લગ્ન થઈ ગયાં. તે વર્ષે બાઈજીમાસીએ. બાને કહ્યું, “હવે થોડી નિરાંત છે તો ચાલ આપણે કોંકણ જઈએ. તારા સાસરિયાની જમીનોનું કંઈ થઈ શકતું હોય તો જોઈએ.’

    બાઈજીમાસીના એક ઓળખીતા એક ગૃહસ્થ હતા. તેમને જમીનની બાબતનો અનુભવ હતો તેથી તેમને લઈ અમે બધાએ. કોંકણ જવાનું નક્કી કર્યું. આની જાણ મારા પિતરાઈ કાકાને થઈ ગઈ, અને અમારા વડોદરાથી નીકળવાના બે દિવસ પહેલાં જ તેઓ છાનામાના દેવળે જવા રવાના થઈ ગયા. અમારો જવાનો દિવસ આવ્યો. વડોદરાથી મુંબઈ પહોંચ્યા, અને હવે અમારે વહાણમાં બેસીને આગળનો પ્રવાસ કરવાનો હતો. અમે ધરમતર બંદરે પહોંચ્યા અને કોણ જાણે શું થયું, વહાણના માલમે આગળ જવાની ના પાડી. બધા મુસાફરોને કિનારાથી એકાદ માઈલ દૂર ઉતાર્યા. અહીં છાતી-કેડ સમાણાં પાણી હતાં. મારું અને દમુનું કદ એટલું નાનું હતું કે અમે તો ડૂબી જ જઈએ. બાએ કિનારે પહોંચવા માટે બધા માટે એક હોડી કરાવી. સૌથી છેવાડે અમે બેઠાં. પહેલાં માસીના સલાહકાર, પછી બાઈજી માસી, તેમની પડખે બા, બાની પાસે હું અને દમુ, એમ આખી હોડી ખીચોખીચ ભરાઈ ગઈ.

    કિનારો થોડો દૂર હતો ત્યારે એક મજાની વાત થઈ. દરિયામાંથી એક માછલી કૂદીને હોડીમાં દમુની પાસે આવી પડી. દમુ ગભરાઈ ગઈ અને ચીસ પાડી એકદમ ઊભી થવા લાગી. હોડી હાલકડોલક થવા લાગી ત્યાં હલેસાં મારનાર એક ખલાસીએ. બૂમ પાડીને કહ્યું, “એ છોડી, બેસી જા જોઉં! ઊભી થઈશ તો હોડી ઊંધી થઈ જશે અને તમે બધાં ડૂબી જશો! દમુ ઝટ દઈને બેસી ગઈ. પેલા ખલાસીએ માછલીને પકડી દરિયામાં પાછી ફેંકી. જો અમે વધુ હલનચલન કર્યું હોત તો અમને બધાને જળસમાધિ લેવી પડી હોત.

    ખેર, અમે કિનારે પહોંચ્યાં. ત્યાંથી ગાડું કરાવી આખરે અમે અમારે ગામ દેવળે પહોંચ્યાં. ત્યાં વીસ-પચીસ દિવસ રહીને બાએ બધી માહિતી કઢાવી. લક્ષ્મણદાદાએ બંધાવેલાં બે મકાનો ખંડેર થઈને ઈંટોના ઢગલા બની ગયાં હતાં. વધુ તપાસ કરતાં જણાયું કે કાકા નારાયણદાદા અને કાકાએ મોટા ભાગની જમીનો ગિરવી મૂકી હતી અને બાકીની જમીનોમાંથી જે ઊપજ આવતી હતી તે બધી તેમણે વાપરી નાખી હતી. આ જાતે જોવેલું-સાંભળેલું બધું મને હજી યાદ છે.

    અમારા જૂના ખેડૂતોમાંના કેટલાક સારા લોકો હતા તેમણે અમને અમારી જમીનમાં પેદા થયેલ ડાંગરના પૌંઆ અને કેરીના અને ફણસના રસના રોટલા ગરમ કરીને ખવડાવ્યા. અમારી જમીનો એટલી ફળદ્રુપ હતી! બાએ અમને જમીનો બતાવી. તેમાં આમળી, આંબા, કોકમ, અને અરીઠાનાં અનેક વૃક્ષો હતાં. ચોમેર હરિયાળી ફેલાયેલી હતી. આમાંની અમારા ભાગની જમીનો ક્યાં અને કેટલી છે તેની માહિતી બાએ મેળવી. ઓછામાં ઓછો અંદાજ કરીએ તો પણ પિત્રાઈઓ પાસેથી મોટી રકમ લેણી નીકળતી હતી. બાએ આ વખતે દેઢતાથી પોતાના ભાગના પૈસાની માગણી કરી. અમારા પિતરાઈ કાકા લબાડ હતા. તેમણે કહ્યું, ભાભી, થોડું ખમી જાવ. મુંબઈ પહોંચતાંવેત તમારા પૈસા આપી દઈશ.’ મુંબઈ પહોંચ્યા બાદ કહે, વડોદરા જઈને આપીશ.

    દુનિયા દગો કરે, પણ આપણા પોતાનાં સગાં આપણી ખરાબ હાલતમાં પાછી પાની ન કરે એવું માનનારી બાએ. જ્યારે વડોદરા પહોંચીને પૈસાની માગણી કરી ત્યારે મારા પિતરાઈ કાકાએ. ખંધું હસીને કહ્યું, “અરે ભાભી, તમારા પૈસા તો મેં તમારા દિયર યશવંતરાવ પાસે મોકલાવી આપ્યા.’ બાનું હૃદય વિદીર્ણ થઈ ગયું અને ગુસ્સો પણ આવ્યો, પણ કરે શું? થોડા દિવસ પહેલાં જ અમારા આ પિતરાઈ કાકાનો યુવાનીને આરે આવેલો દીકરો ગુજરી ગયો હતો. આવી હાલતમાં બા આગળ કશું બોલી શકી નહિ. તેણે ફરીથી પિતરાઈ દિયરના શબ્દો પર વિશ્વાસ રાખ્યો. કદાચ તેઓ સાચું બોલતા હોય!

    બા અમને લઈ યેસુબાબાને પાસે પાટણ ગઈ. તેણે વેસુબાબાને આખી કથની સંભળાવી. બાબા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, ભાભી, આપણી જમીનની આવકમાંથી અણ્ણાએ આજ દિવસ સુધી મને એક પાઈ પણ આપી નથી. આજે તેઓ કયા પૈસાની વાત કરે છે?” આ સાંભળી બાને નિરાશાનો એવો આઘાત લાગ્યો કે સ્તબ્ધ થઈ ગઈ. યંત્રવત્‌ થઈને એણે કહ્યું, “ચાલો, જેવું જેનું નસીબ. અમે કાલે વડોદરા જવા નીકળીશું.’

    યેસુબાબાને પણ અત્યંત દુઃખ થયું. બાની આવી મનોસ્થિતિમાં તેઓ તેને તરત પાછી વડોદરા જવા દેવા તૈયાર નહોતા. તેમણે કહ્યું, ‘ભાભી, ઘણા વખતે તમે અહીં આવ્યાં છો, તો રોકાઈ જાવ. તમારી દેરાણીને દિવસ જાય છે. અહીં રહેશો તો તેને તમારો આધાર અને સથવારો રહેશે.’ અમારાં કાકી ઘણાં પ્રેમાળ હતાં. તેઓ થોડાં જ બાને જવા દે? તેમણે આગ્રહ કરીને બાને રોકી લીધાં. બાએ વિચાર કર્યો કે આશ્રય વગર આમતેમ રહેવાને બદલે પ્રેમાળ આપ્તજન સાથે રહેવું વધારે સારું. આમેય તે કાકીનો દીકરો રમાકાંત ઘણો જ નાનો હતો, તેથી યેસુબાબાને ઘેર રહેવાથી કાકીને થોડીઘણી મદદ થશે તેવું બાને લાગ્યું. બા કાકીને ત્યાં રોકાઈ ગયાં, અને મને બાઈજીમાસીને ત્યાં પાછી મોકલી.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • તરુણોનું મનોરાજ્ય

    ઝવેરચંદ મેઘાણી

    [ઢાળ : ચારણી કુંડળિયાનો]

    ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ;
    અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

    ⁠આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
    ⁠વિશ્વભરના યુવાનોની આંખો અડે
    ⁠પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
    ⁠ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે

    કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે;
    રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ?

    ⁠કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ !
    ⁠યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ !
    ⁠કેસરી વીરના કોડ હરશો નહિ !
    ⁠મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

    રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
    લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય:

    ⁠લાત ખાવા તણાં દિન હવે ચાલિયા,
    ⁠દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં;
    ⁠માગવી આજ મેલી અવરની દયા,
    ⁠વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

    અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
    સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

    ⁠લોપવી સીમ, અણદીઠને દેખવું,
    ⁠તાગવો અતલ દરિયાવ-તળિયે જવું;
    ⁠ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
    ⁠આજ યૌવન ચહે એહ વિધ જીવવું

    [૧૯૨૯]

     

    સ્રોત :

    સિંધુડો : ઝવેરચંદ મેઘાણીનાં શૌર્યગીતો – વિકિસ્રોત

  • ફિલ્મી ગઝલો – ૮૨. દીવાન શરર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આત્મારામ શરર જેવું મૂળ નામ ધરાવતા શરર સાહેબનું તખલ્લુસ દીવાન હતું. એ ગીતકાર કરતાં વધુ જાણીતા હતા એક નિર્માતા, અભિનેતા, પટકથાકાર અને પત્રકાર તરીકે. વ્હી શાંતારામની ફિલ્મો ઝનક ઝનક પાયલ બાજે, પરબત પે અપના ડેરા, તીન બત્તી ચાર રાસ્તા અને શકુંતલા ઉપરાંત અપના દેશ, ભૂલ, દિલે નાદાં, દોરાહા, કાનૂન જેવી ફિલ્મોમાં એમણે બતૌર અભિનેતા કામ કરેલું.

    અંધોં કી દુનિયા, અપના દેશ, ડો કોટનીસ કી અમર કહાની, હિંદુસ્તાન હમારા, જીવનયાત્રા, ઝનક ઝનક પાયલ બાજે, માલી, પન્નાદાઈ, પરબત પે અપના ડેરા, શહનશાહ અકબર, શકુંતલા અને સુબહ કા તારા જેવી ફિલ્મોમાં એમણે પચાસથી વધુ ગીતો લખેલા.

    તેઓ ૧૯૬૯ માં અવસાન પામ્યા.

    એમની બે ગઝલો જોઈએ :

    પરેશાં હું કે ક્યું મેરી પરેશાની નહીં જાતી
    લડકપન તો ગયા પર મેરી નાદાની નહીં જાતી

    મૈં હૈરાં હું કે ક્યું આંખોં કી હૈરાની નહીં જાતી

    હલાવત હૈ મુહબ્બત કી યા લજ્જત હૈ યે હસરત કી
    કસક એક સી હૈ દોનોં મેં કે પહચાની નહીં જાતી

    યહી મેરી તમન્ના હૈ મુજે બરબાદ રહને દો
    મગર દિલ કી ભી હર એક બાત તો માની નહીં જાતી..

     

    – ફિલ્મ : પરબત પે અપના ડેરા ૧૯૪૪
    – અમીરબાઈ કર્ણાટકી
    – વસંત દેસાઈ

    ( અહીં પહેલા શેર પછી એક એકાકી સાની મિસરો આવે છે . ગવાયેલી રચનામાં છે એમ જ યથાતથ મૂક્યો છે.

    હલાવત એટલે માધુર્ય )

    હમ કૈસે હૈં કિસ હાલ મેં હૈં બેદર્દ ઝમાના ક્યા જાને
    જિસ ગુલ મેં નહીં ખુશ્બૂ કી મહક બુલબુલ કા તરાના ક્યા જાને

    જિસ દિલ મેં નહીં બિજલી કી તડપ, નૈનોં કા નિશાના ક્યા જાને

    જિસ આંખ ને શમા દેખી ન હો, દર્દે પરવાના ક્યા જાને
    જિસે લૈલા ઔર મજનુ કા ઈલ્મ નહીં ઉલ્ફત કા ફસાના ક્યા જાને..

    – ફિલ્મ : અપના દેશ ૧૯૪૯
    – પુષ્પા હંસ
    – પુરુષોત્તમ

    ( આ મતલા ગઝલમાં પણ પહેલી રચનાની જેમ એક વધારાનો ઈકલૌતો મિસરો છે. )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • કુદરત (૧૯૮૧)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘યહાં મૈં પહલે ભી આ ચૂકી/ચૂકા હૂં’ પ્રકારનો આ સંવાદ પુનર્જન્મનું કથાવસ્તુ ધરાવતી મોટા ભાગની ફિલ્મોમાં લગભગ હોય જ. કોણ જાણે કેમ, ગમે એવા ઉત્કૃષ્ટ કલાકારો હોય અને ઉત્તમ સંગીત હોય, પણ આવા કથાનકવાળી ફિલ્મ જોવામાં મને જરાય રસ પડતો નથી. મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહિલ સાથે ‘મિલન’ જોવા ગયા ત્યારે એના કથાવસ્તુની જાણ નહોતી, માત્ર ગીતો વિશે જ ખબર હતી. પણ એ ફિલ્મમાં પાંચ-સાત જન્મોની સફર જોઈને અમને ચક્કર આવી ગયેલા. ‘મધુમતિ’નાં ગીતો અત્યંત પ્રિય, એમ ‘મહેબુબા’ના પણ, છતાં એ ફિલ્મ જોવાની હિંમત થતી નથી.

    ચેતન આનંદ જેવા બૌદ્ધિક સર્જક કે જેમણે ‘નીચા નગર’ જેવી ફિલ્મથી કારકિર્દીનો આરંભ કર્યો અને આગળ જતાં ‘હકીકત’, ‘હીરરાંઝા’ જેવી વિશિષ્ટ ફિલ્મો આપી, તેમણે પણ કારકિર્દીના ઉત્તરાર્ધમાં ‘કુદરત’ જેવી પુનર્જન્મના કથાવસ્તુવાળી ફિલ્મ બનાવી એ મારે મન આશ્ચર્ય છે.

    ૧૯૮૧માં રજૂઆત પામેલી આ ફિલ્મનાં ગીતો લગભગ રોજ ઑલ ઈન્‍ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસમાં સંભળાતાં અને એ સમયગાળો એવો હતો કે ઉર્દૂ સર્વિસની તમામ સભાઓ અમે રેડિયો પર નિયમિત સાંભળતા.

    તેનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય થયેલાં અને ‘હમેં તુમ સે પ્યાર કિતના’ તેમજ ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા’ તો આજે પણ એટલું જ લોકપ્રિય કહી શકાય. પણ મને આ ઉપરાંત બીજાં બે ગીતો વધુ ગમતાં. એમાંનું એક કિશોરકુમાર અને એનીટ પીન્ટોએ ગાયેલું ‘છોડો સનમ, કાહે કા ડર’ તેમજ સુરેશ વાડકર, આશા તેમજ સાથીઓએ ગાયેલું ‘સાવન નહીં, ભાદો નહીં’. સુરેશ વાડકરનાં સાવ ઓછાં ગમતાં ગીતોમાંનું આ એક.

    (ડાબેથી) લતા મંગેશકર, કિશોરકુમાર, કતિલ શિફાઈ, રાહુલદેવ બર્મન અને નાવીદ કતિલ)

    ત્રિશક્તિ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, ચેતન આનંદ દ્વારા દિગ્દર્શીત ‘કુદરત’ (૧૯૮૧)માં રાજકુમાર, રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, પ્રિયા રાજવંશ, અરૂણા ઈરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જેમાંના છ મજરૂહ સુલતાનપુરીએ લખેલાં અને એક ગીત કતિલ શિફાઈએ લખેલું. સંગીતકાર હતા રાહુલદેવ બર્મન.

    મજરૂહસાહેબે લખેલાં છ ગીતોમાં ‘હમેં તુમસે પ્યાર કિતના’ કિશોરકુમાર અને બેગમ પરવીન સુલતાનાના સ્વરમાં અલગ અલગ ગવાયેલું હતું. એ ઉપરાંત ‘છોડો સનમ, કાહે કા ગમ‘ (કિશોરકુમાર, એનેટ પિન્‍ટો), ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા‘ (લતા), ‘સાવન નહીં, ભાદો નહીં‘ (આશા, સુરેશ વાડકર અને સાથીઓ), ‘સજતી હૈ યૂં હી મહેફિલ‘ (આશા, ખુશીભર્યું અને ઉદાસ- એમ બે આવૃત્તિ) હતાં. સાતમું ગીત ‘દુખસુખ કી હરેક માલા’ કતિલ શિફાઈએ લખેલું, જેનો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો હતો.

    અલબત્ત, આ ગીત પાછળની કથા રસપ્રદ છે.

    આ ગીત આર.ડી.બર્મન ચંદ્રશેખર ગાડગીલ નામના ત્યારના એક નવા મરાઠી ગાયક પાસે ગવડાવવા ઈચ્છતા હતા, પણ નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદ મહમ્મદ રફી પાસે એ રેકોર્ડ કરાવવા ઈચ્છતા હતા. સામસામા આગ્રહ-દુરાગ્રહ થયા હશે, પણ આખરે ચેતન આનંદે ચંદ્રશેખર ગાડગીલનો સ્વર સાંભળ્યો અને તેમના અવાજમાં ગીત રેકોર્ડ કરવા માટે આર.ડી.ને લીલી ઝંડી આપી. ચાર અંતરા ધરાવતું આ ગીત રેકોર્ડ થઈ પણ ગયું. થોડા દિવસ પછી ચેતન આનંદને લાગ્યું કે ના, રફીસાહેબ જ આના માટે વધુ યોગ્ય છે. આથી તેમણે આર.ડી.ને એ ગીત રફીસાહેબ પાસે ફરી રેકોર્ડ કરવા જણાવ્યું. આર.ડી.એ ફિલ્મનાં અન્ય ગીતોમાં કિશોરકુમારનો સ્વર લીધેલો, અને માત્ર એક જ ગીત માટે રફીસાહેબનો સંપર્ક કરવો તેમને યોગ્ય ન લાગ્યો. ઉપરાંત સંગીતકાર તરીકે તેમને લાગતું હતું કે ગાડગીલનો સ્વર આ ગીત માટે વધુ યોગ્ય છે. જો કે, આખરે નિર્માતાની જીદ આગળ તેમણે ઝૂકવું પડ્યું અને રફીસાહેબનો સંપર્ક કરીને તેમને આ ગીતના રેકોર્ડિંગ માટે બોલાવ્યા.

    રફીસાહેબને ખ્યાલ નહોતો કે આ ગીત અગાઉ રેકોર્ડ થઈ ગયું છે. ચાના વિરામ દરમિયાન તેમના કાને આ વાત પડી. આર.ડી.પર ગુસ્સે થઈને તેમણે કહ્યું, ‘ક્યું મેરે હાથોં કિસી નયે કલાકાર કી જિંદગી બરબાદ કર રહે હો?’ ચોથો અંતરો ગાયા વિના તેઓ સ્ટુડિયો છોડીને ચાલ્યા ગયા.

    આર.ડી.ની ઈચ્છા ગાડગીલવાળું ગીત ફિલ્મમાં વાપરવાની હતી, જ્યારે ચેતન આનંદ રફીસાહેબવાળું ગીત લેવાનો આગ્રહ કરતા હતા. આર.ડી.એ એચ.એમ.વી.માં ગાડગીલવાળું ગીત જ મોકલ્યું અને ‘કુદરત’ના ઑડિયો આલ્બમમાં એ જ ગીત રજૂઆત પામ્યું. રફીસાહેબવાળું ગીત એમાં નહોતું. બીજી તરફ ફિલ્મ રજૂઆત પામી અને એમાં રફીસાહેબવાળું ગીત હતું. કહેવાય છે કે એમાં ગાડગીલવાળું ગીત તો ઠીક, એમનો નામોલ્લેખ પણ નહોતો. (જો કે, હાલ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ ફિલ્મના ટાઈટલ્સમાં એ જોઈ શકાય છે.)

    આને કારણે બન્યું એવું કે રફીસાહેબે ગાયેલું ગીત ફિલ્મમાં ખરું, પણ ઑડિયો આલ્બમમાં ન હોવાથી એ દુર્લભ બની ગયું.

    (ખુદ ચંદ્રશેખર ગાડગીલના મુખે આ કિસ્સો અહીં સાંભળી શકાશે.

    હવે યુ ટ્યૂબના પ્રતાપે આ બન્ને ગાયકોએ ગાયેલા ગીતની આવૃત્તિ સુલભ બની છે.

    ફિલ્મમાં ટાઈટલ્સ દરમિયાન ગીતનો આટલો હિસ્સો સાંભળી શકાય છે.

    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    हाथों की लकीरों में, ये जागती सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    यादों की शमा ये बने, भूले नजारों में कभी
    आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    અહીં ટાઈટલ્સ પૂરાં થાય છે. એ પછી ફિલ્મમાં વચ્ચે આ વધુ એક અંતરો આવે છે.

    आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
    उड गई आस दिल से, चली वो हवाएँ गम की
    तूफान के सीने में, ये चैन से सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    એ પછી વધુ એક વાર આ અંતરાનું ફિલ્મમાં પુનરાવર્તન થાય છે.

    यादों की शमा ये बने, भूले नजारों में कभी
    आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    ફિલ્મના અંત ભાગમાં આ એક અંતરો સાંભળવા મળે છે.

    खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
    सजा देती है ऐसी, तनमन छलनी करे,
    फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
    हाथों की लकीरों में, ये जागती सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    આમ, જોઈ શકાય છે કે રફીસાહેબના સ્વરે ગવાયેલા અંતરા ફિલ્મમાં ચાર વખત છે ખરા, પણ એમાંથી એકનું પુનરાવર્તન થાય છે. એટલે કે તેમણે ગાયેલા કુલ અંતરા ત્રણ જ છે.

    ચંદ્રશેખર ગાડગીલે ગાયેલા ચાર અંતરા આ મુજબ છે. એમાં પછીની પંક્તિઓમાં સહેજસાજ ફેરફાર કરવામાં આવ્યો છે.

    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
    हाथों की लकीरों में, ये जागती-सोती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    यादों का सफ़र ये करे, गुज़री बहारों में कभी
    आने वाले कल पे हँसे, उड़ते नज़ारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    सामना करे जो इसका, किसी में ये दम है कहाँ
    इसका खिलोना बन के, हम सब जीते है यहाँ
    जिस राह से हम गुज़रें, ये सामने होती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
    नींदे बन गयी तिनका, चली वो हवाएँ गम की
    इंसान के अंदर भी, आँधी कोई होती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
    जहाँ भी हो मिटते निशां, वहीं जा के पाँव ये धरे
    फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    આ બન્ને ગાયકોએ અલગ અલગ ગાયેલું ગીત અહીં સાંભળી શકાશે.

    આ લીન્ક પર મહમ્મદ રફીએ ગાયેલું ગીત ફિલ્મમાં મૂળ સ્થાનોએ વાગે છે એ સાંભળી શકાશે.

    નીચેની લીન્‍ક પર ચંદ્રશેખર ગાડગીલે ગાયેલું ગીત સાંભળી શકાશે.

    એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ ૧૯૯૮ માં પણ રજૂઆત પામી હતી.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • “સૂર્યપ્રકાશ” નો વધુ લાભ કઈ રીતે લઇશું ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    આપણને દેખીતી રીતે ગરમ લાગતો ‘તડકો’  એ તડકો નથી પણ ‘શક્તિ’ છે. એ બાબત પૃથ્વી પર વસનારા જીવોએ, અને ખાસ કરીને જેનું મગજ વિકસ્યું છે અને બુધ્ધિ ચલાવી શકે છે તેવી મનુષ્ય જાતિમાંથી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય તેવી સંખ્યા કેટલી ? સૂર્યમાંથી નીકળતા એ અવિરત શક્તિધોધને કેમ માણી લેવો, તેને આપણા રોજીંદા ઉપયોગમાં કેમ વણી લેવો , તેનો વધુમાં વધુ કસ જીવન જરૂરિયાતના ઉત્પાદનમાં કેમ ગંઠી લેવો તે વિષે ગંભીરતાથી વિચાર્યું છે ક્યારેય ?

    સૂર્યશક્તિને રોજીંદા વપરાશના કામમાં મદદરૂપ થવા રૂપાંતરિત કરવાના કેટલાક સોલાર ઉપકરણો બનાવવા બદલ વાંહો થાબડવા જેવું વિજ્ઞાનીઓનું કામ રહ્યું છે. પણ ખેતીવાડીના ક્ષેત્રમાંયે એ વિષયના રસજ્ઞોએ આ બાબત ઊંડાણથી વિચારવું પડશે તેવું નથી લાગતું ?

    ખરું કહીએ તો સૂર્યપ્રકાશનો ખરો ઉપયોગ તો કરી જાણે છે વનસ્પતિ ! એની આવડત તો જૂઓ ! પોતાના પાંદડાંના લીલા રંગની ઝાળમાં સૂર્યપ્રકાશને એવો તો ફસાવી દે છે કે મૂળિયાંએ ચૂસેલો કાચો ખોરાક અને હવામાંથી ભેગા કરેલા અંગારવાયુની સાથે રાંધણું કરી, ખોરાકને પોતાને ખાવાયોગ્ય ન બનાવી દે ત્યાં સુધી છુટો નહીં કરવાનો બોલો ! સૂર્યપ્રકાશ એટલે વનસ્પતિનો “રસોયો” જ સમજોને !

    પણ એતો થઇ વનસ્પતિ જગતની તાકાતની વાત ! એમાં આપણું શું ? આપણે પણ કંઇક આપણાપણું ન દેખાડવું પડે ? વનસ્પતિની ભેરે ચડી, તે સૂર્યપ્રકાશનો વધુમાં વધુ કેમ ઉપયોગ કરી શકે તેવા કોઇ ઇલમો યોજી શકીએ તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય ! વનસ્પતિની પોતાની સૂર્યશક્તિ વાપરવાની ત્રેવડ અને એમાં ભળે આપણો ખેડૂતોનો ઇલમ ! પરિણામ ? પરિણામમાં–ઉત્પાદન મળે અઢળક ! સૂર્યપ્રકાશને ખેત ઉત્પાદનમાં વણી લેવાની વાત લાગે છે જટ ગળે ન ઉતરે એવી.ખરુંને મિત્રો ! પણ આ નવી લાગતી વાતને બરાબર ઊંડાણથી સમજીએ તો જરાય અચરજ પમાડે એવી નહીં લાગે.

    સૂર્ય સમગ્ર જીવસૃષ્ટિનો પિતા ગણાયો છે. આપણા પ્રત્યેની કૃપારૂપી સૂર્યપ્રકાશના ઉમદા કિરણોનું પ્રદાન આપણા ખેતી વ્યવસાય પર અમાપ છે. પણ તે પ્રકાશનો થઇ શકે તેટલો વધુ ઉપયોગ કરવાનું ગોઠવી શકીએ તો હજુએ મબલખ ઉત્પાદન મેળવી શકવાના પૂરા ચાંસ રહેલા છે.

    સૂર્ય પ્રકાશ બાબતે આપણે સારાવાળા છીએ =

    આપણો ભારત દેશ વિષુવૃતની વચ્ચે આવેલો હોઇ સૂર્યભગવાનના કિરણોનો લાભ ભરપૂર મળે છે. તેમાંયે ગુજરાત-મહારાષ્ટ્રની લાઇનના અને દક્ષિણના રાજ્યોને કાશ્મિર અને પંજાબની અપેક્ષાએ ખૂબ વધારે- રોજના ઓછામાં ઓછા દસ કલાક સૂર્યપ્રકાશ મળવો તે સામાન્ય બાબત છે. ખેતી અંગેની એકદમ આધુનિક અને આગોતરી સૂઝ ધરાવતા મહારાષ્ટ્રના કૃષિ વિજ્ઞાની સ્વ. દાભોલકરજી કહી ગયા છે કે આટલી સૂર્યશક્તિ કેવળ એક ચોરસફૂટ પર એટલી ઉર્જા પાથરે છે કે એના દ્વારા એક જણનું એક ટંકનું ભોજન તેમાંથી બની શકે, બોલો !

    એને જરા ગણિતમાં જોઇએ તો =

    સામાન્ય કામ કરનારો માણસ રોજની ૨,૫૦૦ કિલો કેલરી શક્તિ વાપરે છે.  પૃથ્વી પર પડતા એ આખા દિવસના સૂર્યપ્રકાશને પૂરેપૂરો ઝીલવામાં આવે તો એક ચોરસફૂટની જગ્યા ઉપર રહેલું બે લીટર પાણી એ પોતાની  ગરમી દ્વારા વરાળ થઇ હવામાં ઊડાડી મેલે છે. એને  વિજ્ઞાનની ભાષામાં  ૧,૨૦૦ કીલો કેલરી ગણવામાં આવે છે. બેશક, એ ત્યારે બને  જ્યારે બે ચોરસફૂટ જગ્યા ઉપર લીલા રંગના પાન એ સૂર્યકિરણોને ઝીલવા હાજર હોય ! સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાંદનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહયલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં ફસાવી [સમાવી] લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા  શર્કરા-ગ્લુકોઝ તૈયાર કરે છે.

    જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો સો એ સો ટકા ઉપયોગ કરી શકીએ તો રોજની ૧,૨૫૦ કીલો કેલરી શક્તિ દર ચોરસફૂટે તૈયાર થાય. [એ ગણતરીએ એક ટંકનું એટલેકે અર્ધા દિવસનું ભોજન]  પણ તે અઘરું છે. આટલા મોટા આવતા શક્તિ ધોધનો માત્ર એક જ ટકો  જો લીલા પાંદડાં દ્વારા ઉપયોગમાં લઇ શકીએ તો પણ રોજની સાડાબાર કીલો કેલરી  એકઠી કરી શકીએ અને તેટલામાંથી મોટાભાગના ઝાડ-પાન ત્રણ ગ્રામ સુકું વજન મેળવે છે.

    પાકનું બાળપણ અને વૃધ્ધાવસ્થા બાદ કરી પુખ્તતાના માત્ર એકસો દિવસ ગણીએ તો પણ રોજના ત્રણ ગ્રામના હિસાબે 300 ગ્રામ સુકું વજન વનસ્પતિ બનાવી શકે છે. તેના ૧/૩ ભાગ એટલે કે ૧૦૦ ગ્રામ વજન પોતાના શ્વસન આદી કાર્યશક્તિમાં ખર્ચે છે. બીજો  1/3 ભાગ – મૂળ, લાકડું, જેવા પોતાના શરીરના બંધારણમાં વાપરી છેલ્લો બાકી રહેતો 1/3 ભાગ-યાને કે 100 ગ્રામ વજન ઉત્પાદનના રૂપમાં આપે છે. પછી તે અનાજ હોય, ફળ હોય કે લીલા શાકભાજી હોય. ક્યો પાક કેટલા લાંબા આયુષ્ય વાળો છે તે પ્રમાણે તેની જીંદગાના યુવાનીના દિવસો દરમ્યાન વધુમાં વધુ સૂર્યપ્રકાશ વાપરી જાણે તેટલું તે વિક્રમી ઉત્પાદન મેળવવામાં સક્ષમ બને છે.

    કોણ કેટલું વજન આપે ? = જો અનાજ હોય તો તેમાં ૯૦  ટકા ધાન્ય અને ૧૦ ટકા પાણી હોય, એટલે કે ચોખા, જુવાર, ઘઉં, બાજરી, મકાઇ વગેરે ધાન્યપાકોમાં ૧૦૦ દિવસ બાદ દર ચો.ફૂટે ૧૦૦ ગ્રામ વજન મુજબ ૧૦ ચો. ફૂટમાંથી ૧ કીલો વજન આપવાની ત્રેવડ સૂર્યશક્તિ ધરાવે છે.

    મગફળી જેવા તેલીબિયાના પાકમાં ૫૦ ગ્રામ તેલમાં ૧૦૦ ગ્રામ અનાજ જેટલી કાર્યશક્તિ મળે છે. તેથી તેવા બીજા પાકના મળતાં વજનની સરખામણીએ તૈલીપાકમાં અર્ધું જ વજન મળે.એટલે ૧૦ ચો ફૂટના બદલે ૨૦ ચો.ફૂટમાં ૧ કીલો શીંગદાણા મળે. અને દ્રાક્ષ જેવામાં ૧૦૦ ગ્રામ સુકા વજનમાં ત્રણગણું પાણી ઉમેરીએ તેવો લચીલો પદાર્થ હોય છે. એટલે ૧ ચો ફૂટમાં ૪૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ તૈયાર થઇ શકે. ટામેટા, કાકડી, તરબૂચ વગેરેમાં ૯૦ ટકા પાણી હોય છે. વળી તે બધાના છોડવા-વેલા પોતાના શરીર માટે બહુ ઓછું વજન વાપરવાવાળા હોવાથી બાકીનું વધારાનું વજન ઉત્પાદનના ફાળે જ ખર્ચતા હોવાથી એ બધા પાકો વર્ષભરમાં ૫-૬ કીલો વજન આપી જાણે છે. તે જ રીતે શેરડી જેવા પાકો 1 ચો ફૂટે અઢી કીલો મુજબ વર્ષેદહાડે એકરે 100 ટન શેરડી ઉત્પન્ન કરી શકે.

    આપણે કૃષિક્રાંતિ લાવનારાઓએ, કંઇક આગવું વિચારનારા પ્રયોગશીલ ખેડૂતોએ આપણા વિસ્તારને અનુકુળ લેવાતા પાકોમાં વધુને વધુ સૂર્ય પ્રકાશ પાકના પાંદડાંઓ કેમ શોષી શકે એવા નુસ્ખા અને  પધ્ધતિઓ શોધી કાઢીને વ્યાપકપણે વપરાતા થાય તેમ ન કરવું જોઇએ ? ચાલો વિચારીએ ! વિચારશું તો ઉપાયો જરૂર મળી રહેવાના મિત્રો !

    સૂર્યપ્રકાશનું માપ કેમ કાઢવું  ? = પ્રકાશની તીવ્રતા માપવા માટેનું પરિમાણ છે –“ફૂટ કેંડલ’’. એક હજાર સળગતી મીણબત્તીઓ એક ફૂટની ફેરીપર જેટલો પ્રકાશ આપે તેને એક હજાર ફૂટકેંડલ પ્રકાશ કહેવાય. કેલીફોર્નિયામાં દ્રાક્ષપર થયેલ સંશોધનની વિગતમાં એવું જણાવાયું છે કે દ્રાક્ષના પાન ૭,૦૦૦  ફૂટકેંડલથી વધારે પ્રકાશ વાપરી શકતા નથી.આપણે ત્યાં મહારાષ્ટ્ર-ગુજરાત જેવા પ્રદેશોમાં પડતો સૂર્યપ્રકાશ આશરે ૧૧,૦૦૦  ફૂટકેંડલ જેટલો છે. એટલે મહારાષ્ટ્રના ખેડૂતોએ, ખાસ કરીને ત્યાંના પ્રયોગ પરિવારે દ્રાક્ષ પાસે વધુ પ્રકાશ વપરાવવાના કાર્યક્રમો આરંભ્યા અને અગાઉ જ્યાં દ્રાક્ષની વેલીના પાન મંડપ ઉપર માત્ર આડા, ઊભા અને ત્રાંસા- એમ ત્રણ થરે ગોઠવી દીધા પછી, હજુ પણ કેટલોક સૂર્યપ્રકાશ જમીનપર પરાવર્તિત થઇ પાનની નીચેની સપાટીને મળે તેવી વ્યવસ્થા ગોઠવી, અને એક એકરે જ્યાં 16 ટન દ્રાક્ષ મળતી હતી તેની જગ્યાએ 30 ટન લેવાના પ્રયોગો સફળ બનાવ્યા.

    શું આપણે આવું ન કરી શકીએ ?  કેમ નહીં ? આપણે આવું જરૂર કરી શકીએ. કેવી રીતે તે જોઇએ…………………………….

    [1] ચાલુ ખેતીપાકોના વાવેતર વખતે ચાસની યોગ્ય દિશા પસંદ કરીને  = .

    મોસમી પાકોમાં કેટલાક થોડા ઉંચા-ઊભા વધતા અને બે ચાસ વચ્ચે વધુ અંતર રાખી વવાતા પાકો જેવા કે –તલ, કપાસ, એરંડા જેવા પાકોમાં વાવેતર વખતે આપણે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે કે ચાસની દિશા ઉત્તર-દક્ષિણ રાખી હોય તો ? કઇ રીતે રાખવાથી વધુમાં વધુ વખત સૂર્યપ્રકાશ ચાસના છોડના દરેક ભાગો પર પડશે તેનું નીરીક્ષણ કરી વાવેતેર કરવું જોઇએ. નહીં કે ખેતરનો પનો જે દિશાએ લાંબો હોય તે દિશાને ઉત્તમ ગણીને ! કેટલાક ચોમાસે વવાતા, શિયાળે વવાતા, અને ઉનાળે વવાતા ટુંકાગાળાના છતાં ચાસથી વાવેતર થતું હોય તેવા પાકોમાં આ મુદ્દાનું ધ્યાન રખાયું હોય તો દસ-બાર ટકા ઉત્પાદન આપમેળે માત્ર યુક્તિથી જ વધુ મળવાની શક્યતા છે.

    [2] નાના પાકોને મોટા પાકોની બગલમાં ઉછેરીને =

    વનસ્પતિ જગતમાં જોવા મળતી અનેક વિવિધતાઓ માંહ્યલી એક એ પણ છે કે કોઇ ઝાડ-છોડને વધુ સૂર્યપ્રકાશ ફાવે છે તો કોઇને ઓછો ! કેળ અને અનાનસ થોડા આછા પ્રકાશમાં પણ સારું ઉત્પાદન આપી શકે છે. લીંડીપીપરને પણ ઓછો પ્રકાશ ફાવે છે. આવા નાના પાકોને બીજા વૃક્ષપાકોની બગલમાં નીચે વાવીને-ઊંચા વધતાં અને નીચા રહેતાનું મિશ્ર વાવેતર કરીને સૂર્યપ્રકાશનો વધુ લાભ લેવાનું ન ગોઠવી શકીએ ?

    આદુ, હળદર. અને આંબા હળદર પણ તલક છાંયડો વધુ પસંદ કરે છે. બગીચાના ઝાડના ખામણાંમાં આવા છોડના વાવેતરથી આપણે બમણો પાક ન લઇ શકીએ ? જમીન ઉપર ઉગતા ઘાસને પણ પ્રમાણમાં ઓછા સોર્યપ્રકાશની જરૂર પડતી હોય છે. બે વૃક્ષોની લાઇનો વચ્ચે, જ્યાં જમીન નબળી હોય અને બીજો આંતરપાક લેવો ન પોસાય તેમ હોય ત્યાં ઘાસને છૂટથી થવા દેવું જોઇએ. તેનો ઉપયોગ જરૂર હોય તો ચારા તરીકે, અને નહીંતો વાઢીને ત્યાંને ત્યાં પાથરીદેવાય તો પણ જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. આવી જગ્યાઓમાંથી નિંદામણ માની ઘાસને મૂળસમેત ઉખાડી નલેવું

    3] વાવેતરના ઊંચા-નીચા માળ ગોઠવીને =

    પ્રાયોગિક ધોરણે કેટલાક નવા પ્લાંટેશન એવા ના કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં [વચ્ચેની જગ્યામાં] નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીએ ! આવી ઊંચી, મધ્યમ અને નીચી વિવિધ ત્રણથરી ઉંચાઇએ રહેતા પાકોની મિશ્રખેતી કરી હોય તો આવું જ કંઇક થાય ને ? ઉપરથી આવતો સીધો પ્રકાશ ઉપલા માળવાળા સાગ જેવા ઝાડ વાપરે, તેથી નીચે આવેલો પ્રકાશ શૃપટાઇપના ફળવાળા દાડમ જેવા પાક વાપરે, અને બધામાં થી ગળાઇ ગળાઇને આવેલો સૂર્યપ્રકાશ નીચલા માળના શાકભાજી, કઠોળ કે ઘાસચારાના પાકો વાપરે. સૂર્યપ્રકાશની ખેતી માટે આ ત્રણ માળનો પ્રયોગ કરવા જેવો છે. પ્રયોગ રૂપે કંઇક જરૂર કરી જોઇએ અને અનુભવની આપ-લે  કરીએ..

    [4] વૃક્ષ-વેલાના પાંદડાંને વધુ સપાટી મળે એવું કરીએ =

    વૃક્ષોનું વાવેતર ક્યારેય એટલું બધું ઘાટું –નજીક નજીક અંતરથી ન કરીએ કે જેથી તે ગીચ બની જાય. થોડું વધુ અંતર રાખી રોપાણ કર્યું હોય તો દરેક વૃક્ષની ઘટા ગોળ-પૃથ્વીના અર્ધગોળાકાર જેવી થઇ શકે. જમીનની સાવ સીધી સપાટ સપાટી કરતાં ઝાડની ગોળાઇ વાળી સપાટી બનવાથી તેનું ક્ષેત્રફળ વધારે ચોરસફૂટ થાય. એટલે એકંદર રીતે ઉત્પાદનમાં એટલો વધારે સૂર્યપ્રકાશનો લાભ મળી શકે.

    વેલાવાળા પાકો-તુરિયાં, કારેલાં, ટીંડોરાં, કંકોડાં, ગલકાં, દૂધી વગેરેના વેલાને સીધા જમીનની સપાટી ઉપર પથરાવા દેવા ઉપરાંત વચ્ચે વચ્ચે સૂકા ઠરડાંના ટેકા ખોડી, વેલાને તેના પર ચડાવીએ તો સૂર્યપ્રકાશ મેળવતાં પાંદડાંનું ક્ષેત્રફળ વધી જાય, એટલે ઉત્પાદન આપણને સવાયું-દોઢું સહેજે મળે ! તમે નિરખજો ! કૂવાના ગાળના ઢગલા ઉપર પથરાઇ ગયેલા કે શેઢાની વાડ્યના ઝાળાં માથે ચડી ગયેલા શાકભાજીના વેલાને વધુ ફળો લાગવા એ આ રીતે વધુ ઝીલી લેવાતા સૂર્યપ્રકાશનું જ કારણ હોય એવું તમે પણ ચોક્કસ અનુભવી શકશો . ટામેટા અને મરચી જેવા ઢુંગલું થઇ નમી પડતાં છોડને આડો પડી જતાં અટકાવી, ઊભો ને ઊભો રહે તે માટે ચાસ પર લોખંડનો તાર બાંધી કપડાના લીરા કે સુતળીથી બાંધી લટકાવી દેવાથી સૂર્યપ્રકાશ મેળવતી સપાટી વધારી શાય છે અને એનો બહુમોટો લાભ ઉત્પાદનમાં મેળવી શકાય છે.

    [5] પાંદડાંનો રંગ વધુ વખત લીલો રહે તેવી અનુકુળતા કરીને =

    છોડ કે ઝાડને ખાતર, પાણી અને સંરક્ષણ એવી રીતેપૂરા પાડવા કે છોડ કાયમ માટે પૂરેપૂરો નિરોગી અને ખડતલ રહે. સંપૂર્ણ સ્વસ્થ છોડના પાનનો રંગ હંમેશા વધુમાં વધુ વખત લીલો રહી શકતો હોય છે. અને લીલો રંગ સૂર્યપ્રકાશને ફસાવવાનું અને ખોરાક બનાવવામાં વાપરી જાણવાનું બહુમૂલું કામ કરી જાણે છે. એટલે આપણા ખેતીપાકો વધુ વખત હરિયાળા-લીલા રહે એવું કરવાની મહેનત લઇએ.

    અને છેલ્લે =

    પૃથ્વી પર આવનારી સૂર્યશક્તિને દિવસ દરમ્યાન વાપરી લેવામાં [એકઠી કરી લેવામાં] ન આવે તો  રાત્રી પડતાં તે અનંત વિશ્વમાં ઉત્સર્જિત થઇ વિલીન થઇ જાય છે. એથી જ્યાં જેટલો સૂર્યપ્રકાશ પડે છે ત્યાં તેટલાને કેમ વધારે ને વધારે વાપરી જાણવો  તે વિખરાઇ જતા ધનને સાચવી લેવા જેવી તાકીદની બાબત છે. તેની તાકાત તો રોજના ૩ ગ્રામ સુકા વજનની ગણતરીએ વરસભરમાં ૧,૯૮૦ ગ્રામ સુકું વજન આપી શકવાની છે. આપણે ક્યા ક્યા પાકો દ્વારા અને કઇ કઇ પધ્ધતિઓથી સૂર્યપ્રકાશને પકડી રાખવો તે આપણે વિચારી નક્કી કરવાનું રહ્યું.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com