વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ક્રિસ્ટ્મસ ટ્રી

    મ. ઝ. શાહ

    ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે ૪૦થી ૫૦ મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી શકાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ખૂબ જ ઘાટીલું સીધું થડ અને તેમાંથી ચોક્કસ અંતરે જમીનને સમાંતર ચારે બાજુ નીકળતી ડાળીઓ, ઉપર જતાં શંકુ આકાર ધારણ કરતાં ડાળીઓ નાની નાની થતી જાય અને કાયમ બારેમાસ લીલુંછમ રહે તે એની વિશિષ્ટતા છે. જાડા લીલા તાંતણા જેવાં સાદાં પર્ણો ૪થી ૭ સેમી. લાંબાં હોય છે.

    ખ્રિસ્તી લોકો નાતાલના પર્વમાં તેના ઉપર નાના ઇલેક્ટ્રિક રંગીન બલ્બ મૂકી તેને શોભાયમાન કરે છે. તેથી તેને ‘ક્રિસ્ટ્મસ ટ્રી’ નામ મળ્યું છે.

    તેની એક જાત A. excelsa R. Br. બગીચામાં ઉછેરવામાં આવે છે. તેની અન્ય જાતોમાં A. cunninghamii A. Juss અને A. Cookii (L) Br મુખ્ય છે.


    સંપાદકીય નોંધ:  

    ૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.

    ૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

  • નવી પ્રવાસનીતિથી પર્યાવરણને નવેસરથી બગાડીએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રવાસ માનવજીવનનું મહત્ત્વનું અંગ છે, જે તેને રોજિંદી, એકધારી દિનચર્યાથી કામચલાઉ મુક્તિ આપે છે. આવું વરસોથી આપણે સાંભળતા, વાંચતા અને સમજતા આવ્યા છીએ. અલબત્ત, હવે પ્રવાસ એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે. એ કંઈ આજકાલનું નથી, પણ પહેલાં એ મર્યાદિત સ્થળ કે પ્રદેશ પૂરતું મર્યાદિત હતું. હવે બદલાતા સમયમાં પ્રવાસીઓ સતત નવાં નવાં સ્થળોની શોધમાં રહે છે, બીજી તરફ શાસકોને પણ પ્રવાસ ઉદ્યોગમાં મોટો લાડવો દેખાઈ રહ્યો છે. જરા વિચારી જુઓ કે કોઈ સ્થળે ઢગલામોઢે પ્રવાસીઓ જતાઆવતા રહેતા હોય એ સ્થળની શી હાલત થાય? ગણતરીના દિવસ પૂરતા રહેવા-ફરવાનું હોય એટલે સ્વચ્છતાનો ગંભીર પ્રશ્ન કાયમી બને. જે તે સ્થળના પર્યાવરણ પર પણ વિપરીત અસર થતી રહે. સ્થાનિકોને રોજગારી મળે એ એકમાત્ર લાભની સામે નુકસાન અનેકગણું થતું રહે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પર્યાવરણ અંગે અલગથી સમજાવવું પડે એવું નથી, કેમ કે, એક યા બીજા કારણોસર તેની વિપરીત અસરોનો પરચો આપણને મળતો રહે છે. આમ છતાં, પ્રવાસને વધુ ને વધુ ઉત્તેજન આપવાની, અને તેના થકી આવક વધારવાની નીતિઓ ઘડાતી રહે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ઑક્ટોબર, ૨૦૨૪માં કર્ણાટક સરકારે નવી પ્રવાસન નીતિની ઘોષણા કરી, જેના વિવિધ આંકડા જોવા જેવા છે. ૨૦૨૪થી ૨૦૨૯ એમ પાંચ વર્ષ માટે અમલી બની રહેનારી આ નવી નીતિમાં દેશના પ્રવાસીઓની સંખ્યા વધારીને વાર્ષિક ૪૮ કરોડે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વીસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય છે. વર્તમાન આંકડો અનુક્રમે ૨૮ લાખ અને ચાર લાખ છે. આને કારણે પ્રત્યક્ષપણે ૪૭,૦૦૦ રોજગાર ઊભા થશે, જે ૭,૮૦૦ કરોડનું રોકાણ ખેંચી લાવશે. આંતરાષ્ટ્રીય સ્તરના પ્રવાસીઓને આકર્ષવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે કર્ણાટક સરકારે ૧,૩૪૯ કરોડ ફાળવ્યા છે.

    આ રાજ્યમાં ૩૨૦ કિ.મી.નો સમુદ્રતટ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન છે. નવી નીતિમાં સાહસ, સંસ્કૃતિ, વાનગી અને સ્વાસ્થ્ય જેવા વૈવિધ્યપૂર્ણ વિષય આધારિત સ્થળોને વિકસાવવામાં આવશે. ‘એક જિલ્લો એક સ્થાન’ અંતર્ગત રાજ્યના તમામ ૩૧ જિલ્લામાં ઓછામાં ઓછા 31 મુખ્ય સ્થળો વિકસાવવામાં આવશે, જેથી પ્રત્યેક જિલ્લાને આ નીતિનો લાભ મળી શકે.

    આ ઉપરાંત જળ, સ્થળ અને હવા આધારિત કુલ પચાસ સાહસને લગતાં સ્થળો વિકસાવવાનું આયોજન છે. કૉફી બોર્ડ ઑફ ઈન્‍ડિયા ‘કૉફી ટુરિઝમ’ના મહત્ત્વના સ્થળ તરીકે કર્ણાટકને વિકસાવવા સજ્જ થઈ રહ્યું છે. ઓછામાં ઓછા પચાસેક આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળાઓમાં ભાગ લઈને રાજ્ય પોતાની ઉપસ્થિતિ થકી પોતાની ક્ષમતા અને આકર્ષણને વિશ્વ સમક્ષ રજૂ કરવા ધારે છે.

    આ બધું કાગળ પર રૂડુંરૂપાળું જણાય છે, પણ વાસ્તવિકતા વિશે વિચાર કરવા જેવો છે. આ રાજ્યમાંથી પસાર થતો પશ્ચિમ ઘાટ અત્યંત સંવેદનશીલ પર્યાવરણ ધરાવે છે. અત્યારે પ્રવાસ સિવાયના અન્ય વિકાસપ્રકલ્પો થકી તેની પરનો ખતરો વધી રહ્યો છે.

    એક સમયે પ્રવાસન સ્થળ તરીકેનો વિકાસ મહત્ત્વનું પરિબળ બની રહ્યું હતું, પણ પ્રવાસીઓનો બેકાબૂ ધસારો કેવળ પર્યાવરણને જ નહીં, બીજી અનેક બાબતોને નુકસાન કરે છે. સ્થાનિક સંસ્કૃતિ તેમાં અગ્ર ક્રમે મૂકી શકાય. કોઈ પણ નૈસર્ગિક સ્થળનું સૌંદર્ય પ્રવાસન સ્થળ તરીકેના તેના વિકાસ પછી સતત નષ્ટ થતું રહે છે એ અનેક સ્થળે પુરવાર થયેલી હકીકત છે. કર્ણાટકના કોડગૂ અને ચિક્કમગલૂરુ જેવા વિસ્તારો અત્યારે પ્રવાસીઓના જબ્બર ધસારાનો ભોગ બની રહ્યા છે.

    પ્રવાસ નીતિમાં મોટે ભાગે આવક અને રોજગારને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે, પણ જે તે સ્થળની જાળવણી માટે શું કરવામાં આવશે એ જણાવાતું નથી, કેમ કે, એનું ખાસ મહત્ત્વ કદાચ કોઈને મન હોતું નથી. મોટા ભાગના પ્રવાસીઓ ફરવા નીકળે ત્યારે પોતાની આદતો સાથે લઈને નીકળે છે. તેમને વિવિધ સુવિધાઓ જોઈએ છે, નાણાં ખર્ચવા તેઓ તૈયાર હોય તો ગમે એવી અસંબદ્ધ માગણીઓ પણ કરે છે, અને સ્થાનિકો આવક ગુમાવવાની બીકે કે આવક મેળવવાની લાલચે એ પૂરી કરે છે, જેની સીધી અસર એ સ્થળના પર્યાવરણ અને જૈવપ્રણાલિ પર પડે છે.

    કર્ણાટકે આજ સુધી પ્રવાસના ઉત્તેજન માટે ઘણો પ્રચાર કર્યો છે, અને વિવિધ પ્રવાસી આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ હકીકત છે કે વિવિધ યોજનાઓના અમલીકરણ, ઉત્તરદાયિત્ત્વ, અને વિવિધ સમુદાયોની સામેલગીરી બાબતે તેની ક્ષતિઓ વિશે વ્યાપક અસંતોષ છે. પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુના હિતનો વિચાર કરીને આયોજન થવું જરૂરી છે.

    એમ થાય કે ન થાય, નવી નીતિ ઘોષિત થઈ ગઈ છે, અને એનો અમલ પણ કદાચ શરૂ થઈ જશે. શું કર્ણાટક કે શું ગુજરાત! પર્યાવરણની સ્થિતિ અને પ્રવાસ ઉદ્યોગનું ચિત્ર ખાસ જુદું નથી. આંકડાની માયાજાળ પુષ્કળ છે, પ્રસારમાધ્યમોમાં બધું રૂડુંરૂપાળું દેખાય છે, અને વાસ્તવિકતા કંઈક અલગ.

    કોવિડ પછીના સમયગાળામાં જાણે કે લોકો પણ પુષ્કળ સ્થળો ખૂંદવા લાગ્યા છે. સેલ્ફીઓ અને રીલથી સામાજિક નેટવર્કિંગ માધ્યમો ધમધમે છે. સૌને એ જ દર્શાવવું છે કે પોતે અમુકતમુક સ્થળે જઈ આવ્યા. લોકોની આ માનસિકતાનો બરાબર લાભ લેવાય છે. આખી વાતમાં ક્યાંય પર્યાવરણ કે જૈવપ્રણાલિ પ્રત્યેની નિસ્બતનું નામોનિશાન નથી. છે તો બસ, મોટા મોટા આંકડા-પ્રવાસીઓના, આવકના, અને ન જાણે શેના શેના!

    આ પ્રવાહ ઓસરે એવાં કોઈ લક્ષણ કળાતાં નથી. આથી તેનું જે પરિણામ આવે એ ભોગવવાની તૈયારી રાખીને, વિકાસ નામના જનાવરની દોટ જોઈને હરખાવા સિવાય બીજો કોઈ ઊપાય બચ્યો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સપનું : સોનખતથી સમૃદ્ધિ લાવવાનું

    નલિની નાવરેકર

    ‘ગાય-બળદના છાણની જેમ માનવ મળ-મૂત્રનો ઉપયોગ જો આપણે ખાતર માટે કરી શકીએ તો તે ગામડાંની સૌથી મોટી સેવા થશે.’

    – ગાંધીજી

    ‘મનુષ્યનાં મળ-મૂત્રનો સારો ઉપયોગ કરવાથી ખેતીનું ઉત્પાદન પ્રતિ-વ્યક્તિ વીસ રૂપિયા વધશે. જો એક હજારની વસ્તીનું ગામ હોય તો ગામનું ઉત્પાદન વીસ હજાર રૂપિયા વધી જશે.’ (આ આંકડા સ્વતંત્રતા મળી તે અગાઉના છે.)

    – વિનોબા ભાવે

    અંત્યોદયની દૃષ્ટિથી ભંગીકામ કરવાનો સંકલ્પ વિનોબાજીએ લીધો હતો. ૧૯૪૫ની સાલમાં વિનોબાજી જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે તેમણે જે દૃશ્ય જોયું તેને તેઓ ભૂલી શકતા ન હતા. એક રેલવે સ્ટેશનની પાસેના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં કોઈ શરમ-સંકોચ વિના શૌચક્રિયા કરી રહ્યા હતા. વિનોબાજીના મન પર આની ઊંડી અસર થઈ.

    ૧૯૪૯ની સાલથી તેઓ પવનાર રહેવા આવી ગયા હતા. ત્યારે પવનારથી ૩ કિ.મી. દૂર આવેલા સૂરગાંવમાં તેમણે ભંગીકામ કરવાનું શરૂ કર્યું. ગામમાં ખુલ્લામાં પડેલું મેલું ઉઠાવવાનું, તેને ખાડામાં નાખીને તેના પર માટી નાંખવી; પછી સ્નાન કરી, મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા. સૂર્ય ઊગે નહીં એવું કદી બનતું નથી. એ જ રીતે નિયમિતતાથી વિનોબાજી આ કામ કરતા હતા. વીસ વર્ષ માટે તેમણે આ સંકલ્પ કર્યો હતો; જેમાં એક પેઢી બદલાઈ જાય. તેની સાથે માનસિકતા પણ બદલાય. બાળકોને યોગ્ય સંસ્કાર-વિચાર મળે. આ કામ વિનોબાજી ‘ઉપાસના’ માનીને કરતા હતા. આની સાથે સાથે તેલઘાણી, ગૌશાળા જેવાં કામો પણ શરૂ કર્યાં હતાં.

    આ વિષય પર સૌથી પહેલીવાર જ્યારે ધ્યાન ગયું તેની એક વાર્તા છે. ૧૯૧૮ની વાત છે. ત્યારે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ ‘ભંગી પાયખાનાં’ હતાં. પાયખાનામાં એકત્ર થયેલ મેલું ઉપાડવાનું કામ ‘ભંગી’ લોકો જ કરતા હતા. એક દિવસ વહેલી સવારમાં બાળકોબાજી (વિનોબાજીના ભાઈ) પાયખાના તરફ ગયા. ત્યાં તેમણે જોયું કે ભંગીનો છોકરો રડતો રડતો એક બાજુ ઊભો છે. પૂછ્યું તો વધુ રડવા લાગ્યો. તેને થયું હવે વઢ ખાવી પડશે. તેને સાંત્વન આપીને ફરીથી પૂછ્યું તો તેણે જણાવ્યું કે પોતાના બિમાર પિતાને બદલે તે મેલું ઉપાડવાના કામે આવ્યો છે. પરંતુ તેનાથી આ મેલું ભરેલ ડબ્બો ઉંચકાતો નથી. બાળકોબાજીનું દિલ પીગળી ગયું. વિચારોનું ચક્ર ચાલુ થયું. તેમણે કહ્યું ‘રડ નહીં, તું જા, આજથી આ કામ અમે જ કરી લઈશું.’ આશ્રમમાં તો ખળભળાટ મચી ગયો. પરંતુ વિનોબાજીએ બાળકોબાજીને સાથ આપ્યો. ગાંધીજી બહારગામ ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બધી હકીકત જાણીને કહ્યું, ‘આ બહુ સારું કામ કર્યું, આ તો આપણે કરવું જ જોઈએ. ત્યારથી ગાંધીજીના આશ્રમમાં પોતાનાં પાયખાનાં પોતે જ સાફ કરવાનું શરૂ થયું અને ભંગી આવવાના બંધ થયા.

    પદયાત્રા દરમિયાન ૧૯૬૦માં વિનોબાજી જ્યારે ઇંદોર ગયા, ત્યારે ઇંદોરને સર્વોદય નગર બનાવવાનો વિચાર તેમના મનમાં આવ્યો. તેને માટે પહેલાં તો ઇંદોરને સ્વચ્છ કરવું પડે, તે દૃષ્ટિથી ત્યાં સ્વચ્છતા સપ્તાહ ઊજવવામાં આવ્યો. સાત દિવસ આખી ઇંદોર નગરીમાં ખુદ વિનોબાજીએ કાર્યકર્તાઓ સહિત ગટરો, સાર્વજનિક પાયખાનાઓની સફાઈ કરી. સાત દિવસ પતંજલી યોગસૂત્ર વિષય સાથે શુચિતા પર પ્રવચન પણ આપ્યાં. અપેક્ષા કરેલી તેનાથી વધુ લોકોએ આમાં ભાગ લીધો. બહેનો અને બાળકો પણ ઉત્સાહથી ભળ્યાં. આ કામ અંગે વિનોબાજીએ કહ્યું, ‘આજે અમે મોટું પરાક્રમ કર્યું. પગ ગંદા થયા હતા તો ઘરે આવીને વિચાર આવ્યો કે શું તેમને આગ પર તપાવું ? અમે પોતાના હાથથી પાયખાનાની સફાઈ કરી. મહેતર બહેનો તો ચૂપચાપ કંઈ બોલ્યા ચાલ્યા વિના આવી સફાઈ કરે છે. આ બધું જોઈને મને ખૂબ જ તીવ્ર વેદના થઈ. સાર એ જ છે કે અમે જે અનુભવ કર્યો છે તેમાંથી જ્ઞાન નીકળવું જોઈએ. મહેતરો (ભંગી)એ આટલું ગંદું કામ કેમ કરવું પડે ? આ કામ માણસને કરવું જ ન પડવું જોઈએ.

    આ પ્રકારના કામ પાછળ ગાંધી-વિનોબાની દૃષ્ટિ એ હતી કે જે અપરિહાર્ય છે, તેનો તિરસ્કાર કરવા કરતાં એવી વ્યવસ્થા ઊભી કરવી કે કોઈને પણ આવી ઘૃણાસ્પદ પદ્ધતિથી કામ ન કરવું પડે. મળનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને મળમૂત્રમાંથી ઊંચી કોટીનું ખાતર નિર્માણ થાય.

    ઇંદોરના સ્વચ્છતા સપ્તાહમાં માર્ગદર્શન માટે વિનોબાજીએ અપ્પાસાહેબને બોલાવ્યા હતા. અપ્પા પટવર્ધન ગાંધીવિચારના આગલી હરોળના સમાજસેવક હતા. તેઓ સફાઈના ક્ષેત્રમાં નિષ્ણાત ગણાતા હતા. દેશ આખામાં જે ભંગીમુક્તિ આંદોલન વ્યાપક બન્યું તેમાં અપ્પાસાહેબના કામનો મોટો ફાળો હતો. એમ.એ.માં સુવર્ણપદક પ્રાપ્ત થયેલ એવા અપ્પાસાહેબે વર્ષો સુધી પોતે ભંગીકામ કર્યું હતું. તેમની પ્રેરણાથી અનેક લોકો/કાર્યકર્તાઓએ મેલું સાફ કરવાનું કામ વર્ષો સુધી વ્રતપૂર્વક કર્યું. પરંતુ આવી રીતે માત્ર ભંગીકામ કરતા રહેવાથી સમસ્યાનો હલ નહીં આવે, આ બાબત ધ્યાન પર આવતા અપ્પાસાહેબે સફાઈના વિષયમાં નવાં સંશોધનો પણ કર્યાં : કિસાન સંડાસ, ગોપુરી સંડાસ, સોપા સંડાસ જેવા એક કરતાં એક ચઢિયાતા પ્રયોગ તેમજ સંશોધનો તેમણે કર્યાં. ગાંધી સ્મારક નિધિ તથા સરકાર દ્વારા તેનો સારો પ્રચાર-પ્રસાર પણ થયો.

    નાસિકના ભાઉ નાવરેકરજી સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓ એક સારા કલાકાર, મૂર્તિકાર, ગાયક તેમજ આદર્શ શિક્ષક હતા. પરંતુ કલાના કામ કરતાં પણ દેશની ગંદકી દૂર કરવાનું કામ – દેશને સ્વચ્છ કરવાનું કામ વધુ મહત્ત્વનું છે એમ વિચારીને એ કામમાં તેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું. તેમણે સેવાગ્રામમાં નઈતાલીમ દ્વારા ચાલતું પ્રશિક્ષણ લીધું જેમાં ગ્રામસફાઈનું ઊંડાણથી અધ્યયન કરવા મળ્યું. ગાંધી-વિનોબાના વિચારોનો સ્પર્શ તેમને થયો. આમ સમગ્ર સ્વચ્છતા એ જ ભાઉ નાવરેકરજીના જીવનનું લક્ષ્ય બની ગયું.

    ‘મનુષ્યના મળમૂત્રથી એટલું ઉત્પાદન થઈ શકે કે જેના થકી ગામના કાર્યકર્તા રાજા જેવું સમૃદ્ધ જીવન જીવી શકે તેમ છે. આ મારે સિદ્ધ કરી બતાવવાનું હતું, પરંતુ આ એક સપનું જ રહી ગયું.’ – (ગાંધીજીની હત્યા પછી અન્ય જવાબદારીઓ આવી પડતાં વિનોબાજીને સુરગાંવનું કામ બંધ કરવું પડ્યું, તે વખતે તેમણે આ કહ્યું હતું.) વિનોબાજીનું આ વાક્ય ભાઊના મનમાં પાકું થઈ ગયું. અને તેમનું કામ આ દિશામાં આગળ વધતું રહ્યું.

    ચિંતન, પ્રયોગ, કામ કરતા કરતા શૌચાલયનો એક નવો નમૂનો એમણે વિકસિત કર્યો – ‘નાયગાંવ ખાદઘર’ ! ‘ખાદઘર’ શબ્દ જ સ્વયં-અર્થપૂર્ણ છે. અને તે વખતે ભાઊ જ્યાં રહેતા હતા તે ગામનું નામ હતું ‘નાયગાંવ’ !

    નાસિક શહેરમાં ભાઊએ ‘ખાદઘર’ બનાવવામાં માર્ગદર્શન પૂરું પાડ્યું. કેટલીક જગ્યાએ ભંગી પાયખાનાં હતાં તેનું રૂપાંતર નાયગાંવ ખાદઘરમાં કરવામાં આવ્યું. ઘણાં ઘરોમાં નવાં શૌચાલયો બનાવવામાં આવ્યાં. નગરપાલિકાના સાર્વજનિક શૌચાલય પણ આ પદ્ધતિથી બનાવવામાં આવ્યાં. બીજા જિલ્લાઓમાં પણ આનો પ્રચાર-પ્રસાર થયો. ગાંધી સ્મારકનિધિએ ‘ખાદઘર’ અંગેની પુસ્તિકા છાપી. ભારતભરમાં હજારો નાયગાંવ ખાદઘર બન્યાં. સરકાર તરફથી તેને માન્યતા પણ મળી અને અનુદાન પણ મળ્યું. આમ આ કાર્યક્રમનો ખાસ્સો ફેલાવો થયો. અને ભંગીમુક્તિ, સ્વચ્છતા તેમજ ખાતરનું ઉત્પાદન એ ત્રણેય બાબતો આ ખાદઘર દ્વારા લાદી શકાઈ.

    આગળ જતાં ભાઊ નાવરેકરજીએ હૉસ્પિટલ, નિશાળો, ગ્રામ-પંચાયત માટે પાયખાના સાથે જોડેલા બાયોગેસ પ્લાંટ પણ બનાવ્યા.

    હરિભાઊ તળેલે એક સાચા તેમજ સારા સેવક થઈ ગયા. બધું છોડીને સેવાનો માર્ગ તેમણે અપનાવેલો. વચ્ચે એક વર્ષ માતા-પિતાની સેવા માટે પોતાને ગામ ગયા. ત્યાં એક પ્રયોગ કર્યો. રોજ હાથગાડી લઈને ગામમાં ફરતા. મેલું ભેગું કરીને પોતાના ખેતરમાં નાખતા ગયા. ખેતર એવું ફાલ્યું-ફૂલ્યું કે લોકો જોતા જ રહી ગયા. ગામના એક ભંગીએ આ જોયું. તેણે આ જ પ્રકારે મેલું ભેગું કરીને લોકોનાં ખેતરોમાં નાંખવાનું તેમજ તેમાંથી પૈસા કમાવાનું શરૂ કર્યું.

    ડૉ. સુહાસ માપુસકર પૂના પાસે આવેલા દેહુગાવમાં સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા હતા. આ કામ સાથે તેમણે ગામમાં લોકશિક્ષણનું કામ પણ શરૂ કર્યું. ‘બહાર બેસવાને બદલે પાયખાનાનો ઉપયોગ કરો’ – આ કામ માટે દવાખાનાને નોટિસ મળી. તો નોકરી છોડીને પૂરો સમય ગામમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પછી તો ઘેરઘેર શૌચાલય બનાવ્યાં. ‘મલપ્રભા’ બાયોગેસ પ્લાંટનો નમૂનો બનાવ્યો. મળ, મૂત્ર, ગંદુંપાણી અને કચરો બધાનું એકસાથે વ્યવસ્થાપન થઈ શકે તેવી ‘ડોસિવૅમ’ પદ્ધતિ વિકસિત કરી.

    સ્વતંત્રતા મળ્યા પહેલાંના સમયમાં ડૉ. બાપટ સરકારી નોકરી છોડીને આંધળગાંવ નામના ભંડારા જિલ્લાના ગામમાં આવીને વસ્યા. ત્યાં સર્વોદય સમિતિ દ્વારા સંચાલિત ધર્માદા દવાખાનામાં તેમણે કામ શરૂ કર્યું. ત્યારબાદ ગામની સ્વચ્છતાની દૃષ્ટિએ આખા ગામમાં પાયખાનાં બનાવડાવ્યાં. ધીમે ધીમે બીજા તાલુકાઓમાં પણ શૌચાલયો બનતાં ગયાં. તેમણે સફાઈ માટે લોકશિક્ષણના વર્ગો પણ ચલાવ્યા.

    ગુજરાતમાં ઈશ્ર્વરભાઈ પટેલ હરિજન સેવક સંઘના સફાઈ વિદ્યાલયના પ્રાચાર્ય હતા. તેમણે બહુ મોટાં કામો કર્યાં. શહેરો તેમજ ગામડાઓમાં વ્યાપક સ્તરે જુદા જુદા પ્રકારનાં પાયખાનાઓ બનાવ્યાં. જેથી નદીઓ પ્રદૂષિત ન થાય અને ભંગીઓની જરૂર પણ ન પડે. તેમજ ખાતર પણ મળે એવાં શૌચાલયો બનાવ્યાં. આગળ જતાં સરકારની યોજનાઓને લીધે તેમનું કામ વધુ વ્યાપક બન્યું. હજારો લોકોને આ કામની તાલીમ પણ આપી.

    બિહારના બિંદેશ્ર્વર પાઠકજીનું કામ જરા જુદા પ્રકારનું છે. બજાર, રેલવેસ્ટેશન, બસસ્ટેંડ જેવાં સાર્વજનિક સ્થળો માટે ‘પે એન્ડ યુઝ’ પ્રમાણે ‘સુલભ શૌચાલય સંકુલ’ યોજના તેમણે ચલાવી. માત્ર બિહાર જ નહીં, આખા દેશમાં તે કાર્યાન્વિત થઈ.

    આખા દેશમાં બીજા અનેક મહત્ત્વના કાર્યકર્તાઓ થઈ ગયા જેમણે સફાઈ તથા મળ-મૂત્ર વ્યવસ્થાપનના કામને પ્રાધાન્ય આપીને તે અંગે નિષ્ઠાપૂર્વક કામ કર્યું. મુ.ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, જુગતરામ દવે, મનસુખલાલ જોબનપુત્રજી, શિવાભાઈ પટેલ, રામેશ્ર્વરી નહેરુજી, શ્રી કૃષ્ણદાસ શાહ, વલ્લભસ્વામીજી, જીવનલાલ જયરામદાસજી, મલકાનીજી, વિયોગીહરિજી, જી.રામચંદ્રન, એવાં ઘણાં નામો છે જેમણે સફાઈના કામમાં પોતાનો ફાળો આપ્યો.

    સાથે સાથે જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા પણ કેટલાંક કામો થયાં. આમ કુલ મળીને ઘણું મોટું કામ થયું છે. છતાં ઘણું બાકી છે, હજી પણ સપનું અધૂરું છે.

    આજકાલ ઘણી વાર પૂછવામાં આવે છે કે ‘શું ગાંધીવિચાર આજે પણ ઉપયોગી છે ?’ શું આપણે પણ એવું કહીશું ? – આ રીતે મળમૂત્રનું વ્યવસ્થાપન કરીને ખાતર બનાવવાનું કામ આજે કોને ગમે છે ? ન તો આશ્રમોમાં આ કામ કરવાની ધગશ દેખાય છે ન તો ગામમાં કામ કરનારા કાર્યકર્તાઓ આ વિષયને મહત્ત્વ આપે છે.

    પરંતુ જ્યાં સુધી માણસ છે, ત્યાં સુધી તેના મળ-મૂત્રના વ્યવસ્થાપનનો પ્રશ્ન તો રહેવાનો. અને મળમૂત્રનું ખાતર બનાવવા સિવાય તેના વ્યવસ્થાપનનો આનાથી વધુ સારો વિકલ્પ શો હોઈ શકે ?


    – નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જુલાઈ, ૨૦૨૪

  • બશીર બદ્ર – કુછ તો મજબૂરિયાં રહીં હોંગી, યું કોઈ બેવફા નહીં હોતા

    સંવાદિતા

    પ્રેમ અને સૌંદર્ય બશીર બદ્રની શાયરીમાં એ હદે ઓતપ્રોત છે કે એમને ‘ મહેબૂબ શાયર ‘ ના હુલામણા નામે સંબોધવામાં આવે છે.

    ભગવાન થાવરાણી

    જીવનની સંધ્યાના પણ સાંધ્યકાળમાંથી પસાર થઈ રહેલા ઉર્દુ શાયર બશીર બદ્ર નેવું વર્ષના થવા આવ્યા. એક જમાનામાં મુશાયરાઓની જાન અને શાન લેખાતા અને બુલંદ અવાજે તરન્નુમમાં પોતાની ગઝલોની રજુઆત કરતા બશીર સાહેબ હવે સાવ અસ્પષ્ટ શબ્દોમાં બેચાર શબ્દો મહામહેનતે માંડ ગણગણી શકે છે. એમની સ્મરણશક્તિ સાવ ધુંધળી બની ચુકી છે. એમની પોતાની ગઝલોનું પઠન કરીએ તો પણ એ રચનાઓનાં આછેરા પરિચયની ઝાંય એમના ચહેરા પર ફરકે અને તુરંત વિલીન થઈ જાય છે. માંડ સંભળાય અને સમજાય એવા શબ્દોમાં એ એમના આ જગપ્રસિદ્ધ શેરને દોહરાવતા રહે છે :

    ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
    ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ

    આ શેરની લોકપ્રિયતા એ હકીકતથી અંદાજી શકાય કે વિવિધ ભારતીના એક કાર્યક્રમનું નામ જ ‘ ઉજાલે ઉનકી યાદોં કે ‘ રાખવામાં આવ્યું છે !

    આપણી સંસદમાં અનેક સાંસદોએ કોઈક વાતના સંદર્ભમાં જો કોઈ શાયરના મહત્તમ શેર અવારનવાર ટાંક્યા હોય તો એ બશીર બદ્ર સાહેબના ! ૧૯૭૨માં ભારત – પાકના વડા પ્રધાનો વચ્ચે થયેલા સિમલા કરાર વખતે એમણે લખેલું :

    દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે
    જબ કભી હમ દોસ્ત હો જાએં તો શરમિંદા ન હોં..

    કિંવદંતી કે કહેવતનું સ્વરૂપ અખત્યાર કરી ચુકેલા જો કોઈ શાયરના સૌથી વધુ શેર હોય તો એ પણ ચચા ગાલિબ પછી બશીર સાહેબના. થોડાક નમૂના :

    બડે લોગોં સે મિલને મેં હમેશા ફાસલા રખના
    જહાં દરિયા સમંદર સે મિલા – દરિયા નહીં રહતા

    યહાં લિબાસ કી કીમત હૈ આદમી કી નહીં
    મુજે ગિલાસ બડે દે – શરાબ કમ કર દે..

    કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે
    યે નયે મિઝાજ કા શહર હૈ યહાં ફાસલે સે મિલા કરો

    તુમ્હેં જરૂર કોઈ ચાહતોં સે દેખેગા
    મગર વો આંખેં હમારી કહાં સે લાએગા

    ઘરોં પે નામ થે નામોં સે સાથ ઓહદે થે
    બહુત તલાશ કિયા કોઈ આદમી ન મિલા

    ૧૯૮૭ના મેરઠ રમખાણોમાં એમણે ઘર, પુસ્તકો અને એમની રચનાઓ સહિત સર્વસ્વ ગુમાવી દીધેલું, માનવતામાં વિશ્વાસ સિવાય ! પછી એ ભોપાલ આવી વસ્યા. એ વખતે એમણે લખેલું :

    લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં
    તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં

    એમના મતે ‘ જે દીપકની જેમ બળ્યો નથી એ કોઈ રીતે જીવનમાં ગુલાબની જેમ ખીલી શકે નહીં. ‘

    ૧૯૩૫માં ફૈઝાબાદમાં જન્મેલા બશીર સાહેબનું જન્મનું નામ હતું સૈયદ મોહમ્મદ બશીર. એમણે એમ એ પી એચ ડી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કર્યું અને પછીથી ત્યાં જ અધ્યાપન કાર્ય પણ. એમણે મેરઠ યુનિવર્સીટીમાં પણ ભણાવ્યું. મધ્ય પ્રદેશ અને બિહાર ઉર્દુ અકાદમીના અધ્યક્ષપદે પણ રહ્યા. પદ્મશ્રી ઉપરાંત ઉર્દુ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને મળ્યો. એમની રચનાઓ ૨૦૧૫ની ‘ મસાન ‘ ફિલ્મમાં લેવામાં આવેલી. વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ દેઢ ઈશ્કિયા ‘ ના પાત્રો એમના શેર ટાંકતા નજરે પડે છે. એમના કેટલાંક સંગ્રહોના નામ છે ઈકાઈ, ઈમેજ, આમદ, આહટ, કુલ્યાત-એ-બશીર બદ્ર વગેરે. સાહિત્યિક વિવેચનના બે ગ્રંથ ‘ આઝાદી કે બાદ ઉર્દુ ગઝલ કા તનકીદી મુતલા ‘ અને ‘ બીસવીં સદી મેં ગઝલ ‘ પણ એમણે સંપાદિત કર્યા છે.

    અન્ય કેટલાય શાયરોની જેમ ઉદાસી એમની પ્રિય જણસ છે પણ એમાં હતાશા નથી. કેટલાંક શેર :

    હમ તો કુછ દેર હંસ ભી લેતે હૈં
    દિલ હંમેશા ઉદાસ રહતા હૈ

    કભી કભી તો છલક પડતીં હૈં યૂં હી આંખેં
    ઉદાસ હોને કા કોઈ સબબ નહીં હોતા

    દુઆ કરો કે યે પૌધા હરા – હરા હી લગે
    ઉદાસિયોં મેં ભી ચેહરા ખિલા – ખિલા હી લગે

    આજ હમ સબ કે સાથ ખૂબ હંસે
    ઔર ફિર દેર તક ઉદાસ રહે

    ખુશ રહે યા બહુત ઉદાસ રહે
    ઝિંદગી તેરે આસપાસ રહે

    ઉદાસ આંખોં સે આંસૂ નહીં નિકલતે હૈં
    યે મોતિયોં કી તરહ સીપિયોં મેં પલતે હૈં

    બહુત દિનોં સે હૈ દિલ અપના ખાલી – ખાલી સા
    ખુશી નહીં તો ઉદાસી સે ભર ગએ હોતે

    ન ઉદાસ હો ન મલાલ કર, કિસી બાત કા ન ખયાલ કર
    કઈ સાલ બાદ મિલે હૈં હમ, તેરે નામ આજ કી શામ હૈ

    ઉપર જે અંતિમ શેર છે એ કામિલ છંદ કે બહરમાં છે. કામિલ બશીર સાહેબની પ્રિય બહર છે. એમની અનેક ગઝલો આ પ્રમાણમાં અઘરા કહેવાય એવા છંદમાં છે. પારિભાષિક લિપિમાં કામિલ એટલે
    ‘ લ લ ગા લ ગા, લ લ ગા લ ગા ‘. ગુજરાતી કવિતામાં એના ઉદાહરણ :

    દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
    મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી

    – ગની દહીંવાલા

    આ ક્ષણો પછીથી નહીં રહે, ન સુવાસ ફોરશે શ્વાસમાં
    ચલો સંગ થોડુંક ચાલીએ, આ સમયના દીર્ઘ પ્રવાસમાં

    – ભગવતી કુમાર શર્મા

    મને ભાવની હો તલાશ તો, પછી ભવ્યતાનું હું શું કરું ?
    ઊભું સત્ય આવીને બારણે, હવે માન્યતાનું હું શું કરું ?

    – રઈશ મનિયાર

    ભલે જાય સૂર્ય કિરણ લઈ, તમે બાગથી ન જશો પ્રિયે
    હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો

    – ગૌરાંગ ઠાકર

    ફિલ્મી ગીતો ‘ મુજે તુમ સે કુછ ભી ન ચાહિયે ‘, ‘ યે હવા યે રાત યે ચાંદની ‘, તુજે ક્યા સુનાઉં મૈં દિલરુબા ‘, હૈ ઈસી મેં પ્યાર કી આબરુ ‘ વગેરે પણ આ બહરમાં છે.

    બશીર સાહેબે અનેક આખેઆખી ગઝલો આ ડોલાવી દેતી બહરમાં કહી છે. સમગ્ર ગઝલને બાકી રાખી આ બહરમાં એમણે રચેલી કેટલીક ગઝલના મતલા જોઈએ :

    યું હી બેસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર મેં રહા કરો
    વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચુપકે-ચુપકે પઢા કરો

    અભી ઈસ તરફ ન નિગાહ કર, મૈં ગઝલ કી પલકેં સંવાર લું
    મિરા લફ્ઝ-લફ્ઝ હો આઈના, તુજે આઈને મેં ઉતાર લું

    કહીં ચાંદ રાહોં મેં ખો ગયા, કહીં ચાંદની ભી ભટક ગઈ
    મૈં ચિરાગ વો ભી બુઝા હુઆ, મેરી રાત કૈસે ચમક ગઈ

    કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો ખબર ન હો
    મુજે એક રાત નવાઝ દે, મગર ઈસ કે બાદ સહર ન હો

    હૈ અજીબ શહર કી ઝિંદગી, ન સફર રહા ન કયામ હૈ
    કહીં કારોબાર- સી દોપહર, કહીં બદમિજાઝ-સી શામ હૈ

    વહી તાજ હૈ વહી તખ્ત હૈ, વહી ઝહર હૈ વહી જામ હૈ
    યે વહી ખુદા કી ઝમીન હૈ, યે વહી બુતોં કા નિઝામ હૈ

    મેરે દિલ કી રાખ કુરેદ મત, ઈસે મુસ્કુરા કે હવા ન દે
    યે ચિરાગ ફિર ભી ચિરાગ હૈ, કહીં તેરા હાથ જલા ન દે

    સરે – રાહ કુછ ભી કહા નહીં, કભી ઉસ કે ઘર મૈં ગયા નહીં
    મૈં જનમ – જનમ સે ઉસી કા હું, ઉસે આજ તક યે પતા નહીં

    કોઈ ફૂલ ધૂપ કી પત્તિયોં મેં હરે રિબન સે બંધા હુઆ
    વો ગઝલ કા લહજા નયા – નયા, ન કહા હુઆ ન સુના હુઆ

    મેરી ઝિંદગી ભી મેરી નહીં, યે હઝાર ખાનોં મેં બંટ ગઈ
    મુજે એક મુઠ્ઠી ઝમીન દે, યે ઝમીન કિતની સિમટ ગઈ

    મેરે સાથ તુમ ભી દુઆ કરો, યું કિસી કે હક મેં બુરા ન હો
    કહીં ઔર હો ન યે હાદિસા, કોઈ રાસ્તે મેં જુદા ન હો

    કભી યું મિલે કોઈ મસ્લહત, કોઈ ખૌફ દિલ મેં જરા ન હો
    મુજે અપની કોઈ ખબર ન હો, તુજે અપના કોઈ પતા ન હો

    છેલ્લે કામિલ બહરમાં એમની એક સંપૂર્ણ ગઝલ –

    વો નહીં મિલા તો મલાલ ક્યા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
    ઉસે યાદ કર કે ન દિલ દુખા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    ના ગિલા કિયા ના ખફા હુએ, યું હી રાસ્તે મેં જુદા હુએ
    ના તુ બેવફા ન મૈં બેવફા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    તુજે ઐતબારો યકીં નહીં, નહીં દુનિયા ઈતની બુરી નહીં
    ના મલાલ કર મેરે સાથ આ, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો વફાએં થીં કે જફાએં થીં, યે ન સોચ કિસ કી ખતાએં થીં
    વો તેરા હૈ ઉસકો ગલે લગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો ગઝલ કી કોઈ કિતાબ થા, વો ગુલોં મેં એક ગુલાબ થા
    જરા દેર કા કોઈ ખ્વાબ થા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    મુજે પતઝડોં કી કહાનિયાં, ન સુના સુના કે ઉદાસ કર
    તૂ ખિઝાં કા ફૂલ હૈ મુસ્કુરા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો ઉદાસ ધૂપ સમેટ કર, કહીં વાદિયોં મેં ઉતર ચુકા
    ઉસે અબ ન દે મેરે દિલ સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    યે સફર ભી કિતના તવીલ હૈ, યહાં વક્ત કિતના કલીલ હૈ
    કહાં લૌટ કર કોઈ આએગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    કોઈ ફર્ક શાહો ગદા નહીં, કિ યહાં કિસી કો બકા નહીં
    યે ઉજાડ મહલોં કી સુન સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા..

    ( મલાલ = દુખ, તવીલ = દીર્ઘ, કલીલ = ઓછું, શાહો ગદા = ભિખારી અને રાજા, બકા = અમરત્વ )

    બશીર સાહેબના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે વિરમીએ.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


    સંપાદકીય નોંધ : આ સાથે ‘સંવાદિતા’ શ્રેણી અહીં સમાપ્ત થાય છે.

  • કાર્ટૂનકથા (૨૨)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના   બાવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે).


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ અને ભારતમાં ન્યાય

    નિસબત

    ચંદુ મહેરિયા

    શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સીજેઆઈ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા  સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં,  એક હાથમાં ત્રાજવું , બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી,  સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ  છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોશાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.

    ભારતને ન્યાયવ્યવસ્થા અને  ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીના પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.

    ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે પરંતુ તે દેખાવમાં રુઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી eTaleએટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર , ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રુઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રુએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીના પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

    જસ્ટિસ ચંદ્રચૂડના આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.

    ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલા વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સીજેઆઈ બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે.  ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.

    આંધળા કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?

    ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય.માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ….૭

    તારું  સામર્થ્ય

    નીલમ  હરીશ દોશી

    ગાલિબને યહ કહ કર તોડ દી માલા,
    ગિન કર ક્યોં નામ લૂં ઉસકા, જો બેહિસાબ દેતા હૈ

    પ્રિય દોસ્ત,

    મારી પાસે આ વાત કરાય કે ને આ વાત ન કરાય એવો કોઇ સંકોચ રાખવાની જરૂર નથી.તું મોકળા મને મારી પાસે ઠલવાઇ શકે છે. તારા દિલની વાત સાંભળવા હું હમેશા તત્પર છું જ. જો તું મિત્રદાવે મારી પાસે ઠલવાઇને હળવો થવા ઇચ્છતો હો તો દોસ્ત, તારું સ્વાગત છે. અલબત્ત મિત્ર કંઇ  તારા દરેક પ્રશ્નને હલ કરી આપે એ જરૂરી નથી. એની પાસે કોઇ આશા રાખ્યા સિવાય બસ ઠલવાવાનું હોય.આમ મુકત મને  ઠલવાઇને હળવા થવાના ઠેકાણૂં મળે એ પણ કયાં ઓછું હોય છે ?

    દોસ્ત, તું આમ ઉદાસ રહે એ મને જરાયે ગમતું નથી. મને તો જોવો ગમે છે તારો પ્રસન્નતાથી છલક છલક થતો ચહેરો.

    દોસ્ત, તને માનવ જેવો અવતાર મળ્યો છે એનું મૂલ્ય રખે ઓછું આંકતો. પશુ પંખીને સુખ કે દુખ જે આવે તે ભોગવી લેવાના હોય છે, માનવીમાં એ તાકાત છે કે એ દુખને પણ સુખ બનાવી શકે. પ્રેમ એવો ચૈતન્ય સ્પર્શ છે જે શલ્યાને અહલ્યા બનાવી શકે. જરૂરી છે તારા ભીતરી સ્વરૂપને ઓળખવાનું. તું પોતે કદાચ તારા સાચા સ્વરૂપથી, તારી અંદરની શક્તિઓથી અજાણ છે. તારામાં છૂપાયેલા સામર્થ્યની તને પોતાની જ જાણ નથી. એને ઓછું આંકવાની ભૂલ ન કરીશ.

     દોસ્ત, અપાર શક્તિનો તું માલિક છે. એ વાત વિસર્યા સિવાય મહેનત કરતો રહીશ તો આનંદ, ખુશી તારાથી દૂર કદી રહી શકે નહી. આમ પણ આનંદ એ મારા  તરફથી માણસમાત્રને  પ્રાપ્ત થયેલો વિશેષાધિકાર..પ્રીવીલેજ છે. એ વિશેષાધિકારનો કેવી રીતે ઉપયોગ કરવો, કેમ પ્રાપ્ત કરવો એ જો આજ સુધી હજુ તું શીખ્યો ન હોય તો દોસ્ત, હજુ મોડું નથી થયું. કોઇ પણ નવી વાત શીખવા માટે કયારેય મોડું નથી હોતું.

    દોસ્ત, તારી પાસે અઢળક પૈસો હોય પણ  ઘરમાં આવેલો એ પૈસો  જો  આનંદમાં રૂપાંતરિત ન થવાનો હોય તો એની કીંમત કેટલી ?  આયખુ ઓછુ કરે કે ઉંઘ હરામ કરે તેવી કમાણીનો શો અર્થ હોઇ શકે એ મને તો સમજાતું નથી. દોસ્ત, પૈસો જરૂરી નથી એવું તો આજે હું પણ કહેતો નથી. આજે તો તેં મને પણ છપ્પનભોગની, નિતનવા સાજ શણગારની આદત પાડી દીધી છે ને ? આ તો જસ્ટ મજાક કરું છું. બાકી દોસ્ત, હું તો ઇચ્છું કે તું એ પૈસા મારા શણગારને બદલે કોઇ વધારે સારા કાર્યમાં વાપરે.

    લિ. તારો જ અલ્લાહ


    પ્રાર્થના એટલે  કોઇ ધર્મ, કોઇ નાત જાત, કોઇ સંપ્રદાય કે કોઇ અર્થના  વળગણ વિનાની મૌન ભાષા.

    જીવનનો હકાર..

    આજનો  દિવસ  સારો છે કે ખરાબ એનો આધાર આપણા પોતાના એટીટયુડ પર  છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – (૬૨) – બાદશાહ ખાનના અહિંસક પઠાણો

    દીપક ધોળકિયા

    ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો. પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત. હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં – બીજા મુસલમાનો કરતાં પણ – પઠાણોના નીતિનિયમો જુદા. પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે. પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં. એમના નીતિ નિયમો એટલે ‘પખ્તૂનવાલી’. એમાં હિંસા તો બહુ સામાન્ય વાત. આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી – અહિંસાની – દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન (પખ્તૂન નામ બાચા ખાન) અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર. બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને ‘લાલ ખમીસ દળ’ તરીકે પણ ઓળખવામાં આવતા. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો.

    બાદશાહ ખાન

    બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું. એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા. પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા. આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ, ડૉ. ખાન સાહેબ (ખાન અબ્દુલ જબ્બાર ખાન)ને મળ્યો. (ડૉ. ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા).

    બાદશાહ ખાન દિલ્હી, કલકતા, લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા. એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી. એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો. લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો.

     પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર

    ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો. ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું. તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી. સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી.

    આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું. લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી. એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી. સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ, શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી. પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી. આમાં કેટલાય ચગદાઈ મર્યા. ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી. એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ. પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો. કેટલીયે લાશો ઢળી. ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી. મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા.

    ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં. એમની પત્નીને પણ ગોળી વાગી. બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા. એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો. એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો. (વલી ખાન પછી પાકિસ્તાનની એસેંબ્લીમાં ચુંટાયા અને છેવટ સુધી પખ્તૂનોના અધિકારો માતે લડતા રહ્યા).

    કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો. ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું.

    આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો.

    કોંગ્રેસની તપાસ સમિતિ

    ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબારની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી. સમિતિ ત્યાં ગઈ, પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા. તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી. સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા. આમાંથી એક રામચંદ હતો એ ચાલી, બેસી કે ઊઠી શક્તો નહોતો. એના પરથી અંગેજ સૈનિકોએ બખ્તરબંધ ગાડી ચલાવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી. સદ્‍ભાગ્યે એ જીવતો રહી ગયો. સમિતિ સમક્ષ એની જુબાની બહુ અગત્યની  રહી. એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે. બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સરકારી સમિતિ પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતો. એણે કહ્યું કે કોંગ્રેસની સમિતિ સમક્ષ આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી.

    રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો. સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું.

    કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની નવી આવૃત્તિ જેવો હતો. અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે.

    ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં. પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા. એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું. એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે.

    ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી.

     ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ

    કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે. આ મહાન ઘટના પર નજર નાખીએઃ

    કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી (ગઢવાલી) ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો. બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી. એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ. એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ. તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ. એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ. ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા.

    ચંદ્ર સિંઘને ઍબટાબાદ, ડેરા ઇસ્માઈલ ખાન, બરૈલી, નૈનીતાલ, લખનઉ, અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા. બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા. એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા.

    જેલોમાં એમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી. લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ. જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા. ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા.

    પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા (કોયટા)માં રહેતા હતા. પરંતુ તેઓ ચંદ્રસિંહનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧.My Life and Struggle (Autobiography) Khan Abdul Ghaffar Khan

    ૨. http://www.merapahadforum.com/personalities-of-uttarakhand/chandra-singh-garhwali-”/

    ૩. Peshawar Inquiry Report.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • નામોના અણઘડ ફેરફારથી ઈતિહાસ હંમેશાં નાશ પામે છે

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    અમદાવાદમાં જ્ઞાનકુંભ કર્ણાવતી ૨૦૨૪, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હમણેના દિવસોમાં યોજાઈ ગયો ત્યારે એ માટેના નિમંત્રણપત્રમાં વિદ્યાપીઠના સરનામા તરીકે અમદાવાદને સ્થાને ‘કર્ણાવતી’નો હવાલો અપાયો હતો એથી અચરજ પામવું કે આંચકો અનુભવવો, એ નક્કી થઈ શકતું નથી.

    સંઘ પરિવાર પોતાના વહેવારમાં દાયકાઓથી ‘કર્ણાવતી’નો જ પ્રયોગ કરે છે. એની એક રાજકીય વિચારધારાકીય ભૂમિકા છે. વિદ્યાપીઠ હવે ચોક્કસ સરનામાસંકેત સાથે અધિકૃત રીતે આ રાજકીય-શાસકીય વિચારધારા સાથે જોડાવાનો ઉદ્ઘોષ કરે છે એમ જ કહેવું જોઈશે. આ જ્ઞાનકુંભ સંઘ પરિવારની નિશ્રાશી આયોજનમાં મળી ગયો હોવાનું જોકે એના વિદ્યાપીઠ સાથેના સહ બલકે મુખ્ય આયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું નામ જોતાંયે સમજાઈ રહેવું જોઈતું હતું.

    ૨૦૦૭માં આ ન્યાસનો આરંભ થયો અને એના સ્થાપકો પૈકી વડું નામ હજુ સાતમી નવેમ્બરે જ નિધન પામેલા દીનાનાથ બત્રાનું હતું. બત્રા, આમ તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને આગળ ચાલતાં સંઘપ્રેરિત વિદ્યાભારતીના અગુઆ. જાહેર જનતાની સ્મૃતિ ટૂંકી હોવાની વાયકા છતાં એટલું તો યાદ હોવું જોઈએ કે ૨૦૧૪ના જૂનની ૩૦મીએ ગુજરાત સરકારે ખાસ પરિપત્ર પાઠવીને રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓને બત્રાનાં કેટલાંક પુસ્તકો સહ-અને-પૂરક વાચન તરીકે વંચાવવા જણાવ્યું હતું.

    ભલા માણસોની ખોટ દુનિયાને ક્યારેય પડતી નથી એ ન્યાયે કોઈ કોઈ શિક્ષણકારે નાનાભાઈ ભટ્ટને મનુભાઈ પંચોળીનો હવાલો આપી સંવાદ ભૂમિકાએ આ પુસ્તક પ્રવેશ પરત્વે અનુમોદના પણ દાખવી હતી. અલબત્ત, સારુ બત્રા સાહિત્યમાંથી પસાર થવું જરૂરી નહીં હોય- બાકી, આ બત્રા સાહિત્યમાં સારા વિદ્યાર્થીની વ્યાખ્યા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હોય એવી બેધડક અપાઈ હતી. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના લગભગ મુખ્ય ટ્રસ્ટીવત આજકાલ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સચિવ) અતુલ કોઠારી જણાય છે. સરસંઘચાલક ભાગવતે સંઘની પ્રતિનિધિ સભામાં વિધિસર જાહેરાતભેર કોઠારીને ન્યાસની જવાબદારી ભળાવ્યાના હેવાલો આ લખતાં સાંભરે છે. બીજી બાજુ, કોઠારીએ હમણાં બત્રાને અંજલિ આપતાં ખાસ કહ્યું હતું કે એનઈપી કહેતાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં બત્રાની કામગીરી રહી છે.

    આ ન્યાસકથા જોતાં વિદ્યાપીઠનો, ‘કર્ણાવતી’ એ સરનામાસંકેત ખરેખર તો હિમદુર્ગનું એકદશાંસમું ટોચકું જ માત્ર વરતાય છે. ન્યાસે, કર્ણાવતી કુંભ સારુ વિદ્યાપીઠથી સારી પસંદગી બીજી હોઈ જ ન શકે એમ કહેવા સાથે જોતરેલું કારણ એ છે કે મેકોલેની શિક્ષણ પ્રથા સામેનો આ અનેરો વિકલ્પ હતો. જોકે, ન્યાસવીરોને તેમ હવે તો કદાચ વિદ્યાપીઠના વાસ્તવિક ધુરીણોને પણ ગાંધીએ ૧૯૨૦માં વિદ્યાપીઠનો પ્રારંભ કરતાં સરકારથી પરહેજ કરવાપણું જોયું હતું એ ઈતિહાસવસ્તુ બાબતે જાણેત છતે ઓસાણ નયે હોયે. મદનમોહન માલવીયની જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી સારુ બ્રિટિશ સરકારનું ચાર્ટર લેવાની જરૂરત ગાંધીએ જોઈ નહોતી એનું મહત્ત્વ આજે કદાચ કોઈને પણ વસે છે કે કેમ તે આપણે જાણતા નથી.

    સ્વરાજ પછી, ૧૯૬૩માં, વિદ્યાપીઠે સરકાર સાથે યુજીસી રાહે સંધાન કર્યું ત્યારે પણ એણે તે પોતાની સ્વાયત્તતાને ધોરણે કર્યું હતું. પણ, હવે તો, ટ્રસ્ટીમંડળની બહુમતી પોતે સામે ચાલીને શાસકીય સત્તાકીય વરણી ભણી જાય- નારાયણ દેસાઈ અને ઈલા ભટ્ટનાં ૧૪ વરસની ગરિમા ભૂલીને સ્વાયત્તતાનું અંજીરપાંદ પણ રેઢું મેલે, શું કહીશું એને.

    ન્યાસ ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિકતા અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂકવા માગે છે. બત્રાએ પુષ્પક વિમાનનો જે મહિમા કર્યો હતો એમાં આ બેમાંથી એકે વાનું નથી. હશે, લાંબે નહીં જતાં થોડી કર્ણાવતી-ચર્ચા કરી લઈએ એ ઠીક રહેશે. અમદાવાદને અંગે બીજાઓએ પણ કરી હશે, પણ વિદ્યાપીઠ પરિવારને, પોતાને ત્યાં સુદીર્ઘ સેવા આપનાર ઈતિહાસવિદ રસેશ જમીનદારે આ અંગે કરેલી વિશદ ચર્ચાની તો ખબર હોવી જ જોઈએ ને. નામાંતરની ચર્ચા ઊપડી ત્યારે જમીનદારે પ્રમાણપૂર્વક જણાવ્યું હતું કે અહમદાબાદ જે અહમદશાહે વસાવ્યું એની પૂર્વાવૃત્તિ નક્કી જ કરવી હોય તો તે આશાવલ (આશાપલ્લી) હોઈ શકે.

    આઠમીથી અગિયારમી સદીના ગાળામાં એ ભીલી હકૂમત હતી. પાટણના સોલંકીઓ અને લાટના ચાલુક્યો વચ્ચે બફર તરીકે આશાવલની કામગીરી હતી. આગળ ચાલતાં સોલંકીએ આશાવલ કબજે કર્યું ત્યારે લાટના ચાલુક્યો સામે સીમાન્ત રક્ષાવ્યૂહની જરૂરતને ધોરણે આશાવલ પાસે હાલના બહેરામપુરા-દાણી લીમડા (સપ્તર્ષિના આરેથી ગંગનાથ) વિસ્તારમાં કર્ણદેવ સોલંકીએ પૂરા કદના નગર તરીકે નહીં, પણ લશ્કરી છાવણી તરીકે કર્ણાવતી ઊભું કર્યું. તે બાદ સત્તા વિસ્તરી એટલે છાવણીની જરૂર ન રહી. લશ્કરી જરૂરત માટે બજાર સહિતના વહેવારમાં પડેલાઓ પડખેના આશાવલમાં ગોઠવાઈ ગયા કે બીજે ચાલ્યા ગયા. તે પછી અહમદશાહે, પડોશમાં અન્યત્ર અહમદાબાદ વસાવ્યું. એટલે કોઈ કર્ણાવતી નગર ધ્વસ્ત કરીને અહમદાબાદ વસ્યાનો ઈતિહાસ નથી.

    આજે તો જોકે આશાવલ, કર્ણાવતી છાવણી વિસ્તાર, કોટમાંનું અહમદાબાદ આ બધું સમાવીને ઉત્તરોત્તર વિકસતું કે વકરી શકતું મહાનગર અમદાવાદ જ એક વાસ્તવિકતા છે. મૂળ નામનો મહિમા કરવો હોય તો કળશ આશાવલ પર ઢોળવો પડે. ગમે તેમ પણ, આપણે સંમત થઈશું જમીનદાર સાથે કે નામોના અણઘડ ફેરફારથી તો ઈતિહાસ નાશ પામે છે.

    કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઈતિહાસનીયે સ્મૃતિ હોય!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મુન્ની મોબાઈલ

    આશા વીરેન્દ્ર

    ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં સ્તબ્ધતા છવાયેલી હતી. કેસ તો મુન્ની એટલે કે, વીસેક વર્ષની ઘરકામ કરતી છોકરીનાં ખૂનનો હતો એટલે લોકોને એમાં ઝાઝી લેવાદેવા ન હોય પણ એ છોકરી જાણીતા ન્યૂઝ રીડર અમીત ભટ્ટાચાર્યને ઘરે કામ કરતી હતી એ અહીં ભેગા થયેલા લોકોના રસનો વિષય હતો. અમીત સર એકલા જ રહેતા હતા. એમની પત્ની ક્યાં રહે છે કે એમની સાથે કેમ નથી રહેતી એવી પડપૂછમાં મુન્ની કદી પડી નહોતી. એ તો સવાર પડે ને ‘ગુડ મોર્નિંગ સાહેબ’ એમ  બોલતીક ને વાવાઝોડાંની જેમ પ્રવેશે. થોડી થોડીવારે અમીત પાસે આવીને ‘સાહેબ, ખબર છે, ગઈકાલે શું થયું? અમારી ઝૂપડપટ્ટીમાં તો મોટી બબાલ થઈ ગઈ. પછી તો છે ને તે પોલીસ બોલાવવી પડેલી..’ એમ કરતી કોઈ ને કોઈ કથાની શરૂઆત કરતી. એક લોકપ્રિય અને પ્રસિધ્ધ ન્યૂઝ રીડર હોવા છતાં અમીત એની વાતો રસપૂર્વક સાંભળતો રહેતો. ક્યારેક એની તરફથી સરખો હોંકારો ન સંભળાય તો મુન્ની ખિજાઈ જતી,

    ‘તમે તો મારી વાત સાંભળતા જ નથી. ચાલો, જવા દો. મારે કંઈ વાત કરવી નથી.’ એ રિસાઈને કહેતી.

    મુન્ની જરાક મોડી થાય કે અમીતના બાલ્કનીમાંથી ડ્રોઈંગરૂમમાં અને ડ્રોઈંગરૂમમાંથી બાલ્કનીમાં આંટાફેરા ચાલુ થઈ જતા. ‘આજે કેમ મોડું થયું?’ એવા સવાલનો જવાબ એ વિસ્તારથી આપતી, ‘લે, અમારેય ઘર-બાર, કામ-કાજ કંઈ હોય કે નહીં સાહેબ? કો’ક દિવસ ઘરમાં કોઈ નરમ-ગરમ પણ હોય. આ જુઓને, માને બે-ત્રણ દિવસથી એટલી ઉધરસ થઈ ગઈ છે કે નથી પોતે સૂતી ને નથી બીજાંને સૂવા દેતી. આખી રાત ખોં ખોં કરે છે. આખી રાતનો ઉજાગરો થ્યો બોલો સાહેબ…’ વાત અધૂરી રાખીને એ આમ તેમ જૂએ ત્યારે ખબર પડે કે સાહેબ તો બાથરૂમમાં ઘૂસી ગયા છે.

    મુન્ની ઘરમાં પગ મૂકે એટલે અમીતને લાગતું કે એનાં નિર્જીવ ઘરમાં જાણે પ્રાણ ફૂંકાયો. ધીમે ધીમે કરતાં એ એને માટે અને ઘર માટે સંજીવની બની ગઈ હતી. તો સામે મુન્નીનેય  ‘સાહેબ’ નો એટલો સધિયારો હતો, એટલી હૂંફ હતી કે,’સાહેબને જરા જેટલીય અગવડ ન પડવી જોઈએ’ એ એનો જીવનમંત્ર બની ગયેલો. ઘરમાં એનાં મા-બાપ પણ બડબડ કરતાં, ‘તારે તો અમે બધાંય પછી,પહેલા તારા સાહેબ! ન જોઈ હોય તો મોટી સાહેબવાળી!’ મોઢેથી ભલે આમ કહેતાં પણ એ બંને સારી રીતે જાણતાં હતાં કે, આમ થવું સ્વાભાવિક જ છે. વળી એમાં એમનો રાજીપો પણ હતો. એટલે જ, એટલે જ, જ્યારે સાહેબનાં ઘરમાંથી દીકરીની ચૂંથાયેલી લાશ મળી ત્યારે પળવાર માટેય એમનાં મનમાં સાહેબનું નામ નહોતું આવ્યું. પોલિસને આપેલાં નિવેદનમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું,

    ‘સાહેબ તો દેવતા સમાન છે. મુન્ની એમને ત્યાં ત્રણ-ચાર વરસથી કામ કરે છે.એમને નજર બગાડવી જ હોત તો ક્યારની બગાડી ન હોત? એ તો એને પોતાની દીકરી જ સમજતા હતા.’ મુન્નીનાં મા-બાપનાં બયાને તો પહેલા જ અમીતને નિર્દોષ સાબિત કરી દીધો હતો પણ એ ઉપરાંત ચાલેલી તપાસમાં બહાર આવ્યું કે, આ બન્યું ત્યારે અમીત તો મુંબઈમાં હતો જ નહીં. એ તો એના કામે દિલ્હી ગયો હતો. એટલે એ કોઈ રીતે શંકાના દાયરામાં આવતો નહોતો.

    રસોડાનાં પ્લેટફોર્મ પરથી મળી આવેલા મોબાઈલના ઈનકમીંગ કૉલ્સ તપાસતાં છેલ્લા બે દિવસમાં પંદરથી વીસ વખત કોઈ પરેશના જ ફોન આવ્યા કરેલા. દર વખતે પચીસ-ત્રીસ મિનિટ વાતો ચાલેલી. પરેશનો પત્તો મેળવતાં વાર નહોતી લાગી. મુન્નીનાં ઘરની નજીક આવેલી નરશી નાથની ચાલમાં રહેતો ટપોરી ટાઈપનો છોકરો. ખાસ કંઈ કામધંધો કરતો નહીં. નવરો બેઠો બીડી ફૂંક્યા કરતો અને આવતી- જતી છોકરીઓને પટાવવાની કોશિશ કર્યા કરતો. મુન્નીની હત્યા થયાના આઠ જ કલાકમાં, હજી તો અમીત દિલ્હીથી આવ્યો પણ નહોતો ત્યાં પોલિસે એની ધરપકડ કરી લીધેલી. મુન્નીની મા હિબકાં ભરતાં ભરતાં કૉર્ટમાં સ્ટેટમેંટ આપતી હતી,

    ‘મને ખબર હતી કે, સાહેબ બહારગામ ગયા છે ને મુન્ની ઘરની સાફ-સફાઈ માટે ઘરમાં એકલી જ છે. સાહેબને તો કેટલીય વાર બહાર જવાનું થયા કરે એટલે આવું તો વારે ઘડિયે બનતું પણ દર વખતે બે’ક  કલાક થાય એટલે હું ફોન કરતી કે, કામ પત્યું કે નહીં? તું કેટલીવારમાં આવે છે? ઘર બરાબર બંધ કરજે … એવું બધું. તે દિવસે પણ મેં એને ફોન કરેલો  પણ…’

    ‘પણ મુન્નીના મોબાઈલના ઈનકમીંગમાં તો તમારો નંબર નથી ને તમે કહો છો કે…’

    ‘સાહેબ, મોબાઈલ તો એને અમીત સાહેબે ગઈ દિવાળી પછી અપાવેલો. ત્યાં સુધી તો હું કાયમ ઘરના નંબર પર જ ફોન કરતી. આમ પણ મને મોબાઈલનો લાંબો લાંબો નંબર જોડવાનું અને મોબાઈલ પર વાત કરવાનું ફાવતું જ નથી.’

    ‘અચ્છા, તો તમે લેંડલાઈન પર ફોન કરેલો એમ  જ ને?’

    ‘ના સાહેબ, અમીત સાહેબનાં ઘરના ફોન પર.’

    ‘હા, હા, એટલે લેંડલાઈન જ.’ આવી પરિસ્થિતિમાંય સરકારી વકીલના ચહેરા પર મજાકભર્યું સ્મિત આવી ગયું પણ તરત વાત સંભાળી લેતાં એમણે પૂછ્યું, ‘હા, તો લેંડલાઈન પર , એટલે કે,ઘરના ફોન પર તમારે મુન્ની સાથે શું વાત થઈ હતી?’

    સવાલ સાંભળતાંની સાથે મુન્નીની માની આંખો વરસી પડી. ‘વાત જ ક્યાં થઈ સાહેબ? રીંગ વાગ્યા જ કરી, વાગ્યા જ કરી… મને થયું કે, હમણાં એ આવી જ જશે .આવે એટલે ભેગાં બેસીને જમશું પણ…’

    ‘એ વખતે લગભગ કેટલા વાગેલા?’

    ‘એકદમ યાદ નથી સાહેબ, પણ જમવા ટાણું થયેલું એટલે દોઢ- પોણા બે વાગ્યા હશે.’ વકીલે જજસાહેબને નોંધ લેવા વિનંતી કરી કે, પરેશનો છેલ્લો ફોન બાર વાગ્યાની આસપાસ આવેલો.

    ‘એ આવી નહીં તો તમે એકવાર પણ એના મોબાઈલ પર ફોન ન કર્યો?’

    ‘કરવો’તો સાહેબ, પણ એણે કોઈ ચબરખીમાં નંબર લખેલો એ બધે ગોતી વળી પણ મળી જ નહીં. એવુંય હોય કે હું એકદમ રઘવાયી થઈ ગયેલી એટલે મને નહીં મળી હોય. એ અઢી વાગ્યા સુધીય ન આવી એટલે મેં એના બાપુને કીધું કે, ચાલોને, આપણે સાહેબને ઘરે જઈને જોઈ આવીએ કે, છોકરી ગઈ ક્યાં?’

    ‘તમને એમ ન થયું કે, કદાચ કોઈ બહેનપણીને ત્યાં કે તમારા કોઈ સગાવહાલાને ઘરે ગઈ હશે?’

    ‘ના સાહેબ મારી દીકરી એટલી ડાહી કે, સવારે ઘરેથી સીધી સાહેબને ત્યાં જાય ને ત્યાંનું કામ પતાવીને પછી ઘર ભેગી. એ સિવાય અમને કહ્યા વિના એ ક્યાંય જાય જ નંઈ.’

    ‘તો તમે અને તમારા પતિ મિ. અમીત ભટ્ટાચાર્યને ઘરે ગયાં પછી ત્યાં શું થયું, શું જોયું એ તમામ વાતો યાદ કરીને નાનામાં નાની લાગતી માહિતી પણ જજસાહેબને અને નામદાર કૉર્ટને જણાવો.’

    મુન્નીનાં મા-બાપે જઈને જોયું ત્યારે બારણું અંદરથી બંધ હતું. કેટલુંય ઠોક્યું, આડોશી-પાડોશીય ભેગાં થયાં ને અ6તે પોલિસે આવીને બારણાંનું લૉક તોડ્યું ત્યારે એમની દીકરી… કહેતાં કહેતાં મુન્નીની મા બેહોશ થઈને ઢળી પડી. એના બાપે આગળ વાત કરી, બેડરૂમના પલંગ પર મારી પારેવા સરખી મુન્નીની ચુંથાયેલી લાશ જોતાં જ સમજાઈ ગયું કે, કોઈ હવસખોરે એને વીંખી નાખી હતી, પીંખી નાખી હતી અને અંતે ગળે ટૂંપો દઈને બારણું ખેંચીને ભાગી છૂટ્યો હતો. મારી દીકરીના હત્યારાને આકરી સજા કરજો સાહેબ, મારી પારેવડીને ન્યાય અપાવજો.તમારે પગે પડું છું. કહેતાં કહેતાં એ લાચાર બાપ છૂટ્ટે મોઢે રડી પડ્યો.

    ‘યોર ઓનર, મારે આ બાબતમાં કંઈક કહેવું છે. મને બોલવાની પરવાનગી મળી શકશે?’ સૌનાં આશ્ચર્ય વચ્ચે અમીતે પોતાની જગ્યાએ ઊભા થતાં પૂછ્યું. સાક્ષીનાં પીંજરામાં આવીને ગીતાની સાક્ષીએ શપથ લીધા પછી થોડા તરડાયેલા અવાજે, પૂરેપૂરી ગંભીરતાથી એણે કહ્યું, ‘મુન્નીનું ખૂન મેં કર્યું છે.’

    કૉર્ટરૂમમાં હો હા મચી ગઈ.ત્યાં હાજર લોકોને શાંત રહેવાની આજ્ઞા કરી જજે અમીતનેજે કહેવું હોય એની રજૂઆત કરવાની સંમતિ આપી પણ એ પહેલાં વકીલે એને પ્રશ્ન કર્યો,

    ‘મિ. ભટ્ટાચાર્ય, આ કેસના મુખ્ય આરોપી પરેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. કેસ તો સહેલાઈથી ઉકલી જ ગયો છે. વળી તમે તો બનાવનાં સ્થળે હાજર જ નહોતા. તો તમે ખૂની કેવી રીતે હોઈ શકો?’

    ‘શરૂઆતથી માંડીને મારી વાત કરવાનો સમય આપી શકશો જજસાહેબ?’ જજે રજા આપ્યા પછી એમણે વાત આગળ ચલાવી.

    ‘મુન્ની પંદર-સોળ વર્ષની હશે ને મારે ઘરે કામ પર આવવા લાગી હતી. મારાં પત્ની અને હું અંગત કારણોસર લગ્નનાં થોડાં વર્ષો પછી અલગ થઈ ગયેલાં અને કોઈ સંતાન પણ ન હોવાથી હું એકલો જ રહું છું.’

    ત્યાર પછીની અમીતની કેફિયતમાં કઈ રઈતે મુન્નીએ એનાં ઘરને પોતાનું બનાવી લીધું, એની પસંદ-નાપસંદ, ગમા-અણગમા બધું સમજીને એ છોકરીએ કેવી રીતે એનાં દિલમાં સ્થાન મેળવ્યું એ વિગતે કહ્યા બાદ એ મૂળ વાત પર આવ્યો.

    ‘દિવાળીના તહેવારો નજીક આવતા હતા એ પહેલાંથી મુન્ની મને કહ્યા કરતી, ‘સાહેબ આ અખતે દિવાળીએ મને બીજું કાંઈ નથી જોઈતું બસ, મને એક મોબાઈલ અપાવજો.’

    ‘તારે વળી મોબાઈલની શું જરૂર? તું ક્યાં ઓફિસમાં કામ કરવા જાય છે?’

    ‘એ હું કાંઈ ન જાણું. મને મોબાઈલ જોઈએ છે એટલે જોઈએ છે, બસ. તમને ખબર નહીં હોય સાહેબ, પણ રસ્તા આળવા પેલી ચંપા આવે છે ને એની પાસે પણ સેમસેમ કે એવું કંઈ કહે છે ને એવો મોબાઈલ છે. એક મારી પાસે જ નથી.’ પછી આંખો નચાવતી કહેવા લાગી, ‘મારે પણ બધા પાસે વટ ન મારવો હોય? મારેય બધાંને બતાવવું હોયને કે મારી પાસેય મોબાઈલ છે.’

    ‘આટલી વાત થયા પછી ય મેં કંઈ એનું સાંભળ્યું નહીં અને દર વર્ષની માફક બે જોડી કપડાં, મીઠાઈ, રોકડ રકમ બધું એની સામે મૂક્યું તો એણે હાથ પણ ન લગાડ્યો અરે, એ ચીજો સામે જોયું પણ નહીં. મને પણ ગુસ્સો આવ્યો. મને થયું કે મેં જ એને ખોટા લાડ લડાવીને બગાડી છે. આમ ને આમ એની બધી જીદ પૂરી કરીશ તો એક દિવસ એ મારે માથે ચઢી બેસશે. એની આવી દાદાગીરી હું નહીં ચલાવી લઉં. આ વખતે હું એની આગળ ઝૂકી જઈશ તો એ નીત નવી માગણી કર્યા કરશે. થોડા દિવસ જવા દે. આવશે એની મેળે ઠેકાણે ને લઈ જશે  આ આપેલું બધુંય. આમેય એને કપડાંનો કેટલો શોખ છે! લલચાયા વિના રહેશે નહીં. પણ એ તો વટનો કટકો. પેલું બધું લઈ જવાની વાત તો દૂર, એણે તે દિવસથી મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું. કામ બધું કરતી એમ જ એકદમ વ્યવસ્થિત કરે પણ એવી રીતે મૌન રહે જાણે સત્યાગ્રહ ન માંડ્યો હોય!

    દિવસ જતા ગયા એમ મારી અકળામણ વધતી ગઈ. એના કલબલાટ વિના ઘર સૂનુંસૂનું લાગતું હતું. સતત ચીં ચીં કરતી ચકલી સાવ મૂંગી થઈ ગઈ હતી. અંતે મારાથી ન રહેવાયું અને એક દિવસ એને માટે મોબાઈલ લઈ જ આવ્યો. તે દિવસનો એનો આનંદ જોયો હોય સાહેબ! થેંક યુ, થેંક યુ કહેતી જાય ને મોબાઈલના સ્ક્રીન પર હાથ ફેરવતી જાય. મોબાઈલ હાથમાં આવતાં જાણે એની દુનિયા જ બદલાઈ ગઈ. એ જાણે સીધી-સાદી યુવતીમાંથી ઊડાઊડ કરતું પતંગિયું બની ગઈ. મોબાઈલથી શું શું થઈ શકે ને કેવી રીતે થઈ શકે એની માહિતી મેળવતી ગઈ, બધાંને પોતાના નંબરની લ્હાણી કરતી થઈ ગઈ અને અગત્યના (એની દ્રષ્ટિએ) નંબરો સેવ કરતી થઈ ગઈ. પોતાની પાસે મોબાઈલ છે એ વાતથી એ મગરૂર હતી.

    હવે કામકાજમાં એનું મન પહેલાંની જેમ લાગતું નહોતું. પહેલાં એ ગુડ મોર્નિંગ કરતી ઘરમાં દાખલ થતી એને બદલે હવે હું દરવાજો ખોલું ત્યારે મારી સામે જોયા વિના એ ઘરમાં આવતી અને ત્યારે પણ  એની ફોન પરની વાત અખંડપણે ચાલુ જ રહેતી. આખો વખત ક્યાં તો એની પર કોઈનો ફોન આવ્યો હોય ક્યાં તો એણે કોઈને ફોન કર્યો હોય ને એ લાંબી લાંબી વાતોમાં મશગૂલ હોય. એક દિવસ આમ જ ગેસ પર મૂકેલું દૂધ ઊભરાવાની તૈયારીમાં હતું ને એ ફોન પર વાત કર્યા કરતી હતી એ જોઈને મારાથી બૂમ પડાઈ ગઈ-‘એ મુન્ની મોબાઈલ! જરા ધ્યાન રાખ.’

    એ ખૂબ હસી ને મને કહે, તમે આપેલું નામ મને બહુ ગમ્યું. મુન્ની મોબાઈલ! મ એ મ. કેટલું સરસ લાગે છે નહીં? એ ખુશ હતી પણ હું ખુશ નહોતો. રહી રહીને મને થયા કરતું કે એને મોબાઈલ અપાવીને મેં કંઈક ભૂલ કરી છે. આ અલ્લડ છોકરીને આ રમકડાંના ભયસ્થાનોનું ભાન નથી. કોઈ વખત એ એને કારણે મુશ્કેલીમાં ન આવી પડે તો સારું. ઘણી વાર હું એને સમજાવવાની કોશિશ કરતો, ‘મુન્ની, તને મોબાઈલ અપાવ્યો તો ખરો પણ આટલી લાંબી લાંબી વાતો કર્યા કરે છે તે હું કંઈ તારા મોબાઈલનું બીલ નથી ભરવાનો, યાદ રાખજે!’ વળી એક વાર એમ પણ કહ્યું કે, જેને તેને તારો મોબાઈલ નંબર આપ્યા કરે છે એવું ન કરાય. અજાણ્યાને નંબર આપી દેવામાં જોખમ છે.’ પણ એના હાવભાવ પરથી મને ખ્યાલ આવતો કે, આ બાબતમાં કંઈ પણ સાંભળવાની એની તૈયારી નથી.

    પહેલા તો આ પરેશ સાથે એને ફક્ત આંખની ઓળખાણ હતી પણ મોબાઈલ હાથમાં આવ્યા પછી એણે પરિચય વધાર્યો.  બેઉ એકબીજાને ફોન કર્યા કરતાં. ફોન પર નક્કી કરીને ચોરીછૂપીથી ક્યારેક મળી પણ લેતાં એવી મને ગંધ આવતી ખરી પણ એ બાબતમાં મેં ચૂપ રહેવાનું નક્કી કરેલું. એમ ને એમ જ પરેશે મારી ગેરહાજરીની વાત જાણી લીધી. હું ઘરમાં નથી એ વાત એ એણે જાણી લીધા પછી એને ઘરે બોલાવવામાં કદાચ મુન્નીની સંમતિ હોઈ શકે પણ એને કલ્પના ક્યાંથી હોય કે, આ રીતે ઘરનાં એકાંતમાં એને બોલાવવાનું આવું ભયંકર પરિણામ આવશે?

    માટે જ કહું છું યોર ઓનર કે, મોબાઈલ અપાવીને મારી મુન્ની મોબાઈલની હત્યા મેં જ કરી છે, એની હત્યાનાં મૂળમાં હું છું, હું જ છું…’ કહેતાં કહેતાં અમીત ભટ્ટાચાર્ય ભાંગી પડ્યા.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.