વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્પર્શ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સાંજના સોનેરી કિરણો પીપળાની ડાળીઓ વચ્ચેથી ચળાઈને ધરતી સુધી માંડ પહોંચતા હતા. પવનની હળવી થપાટથી ગલગલિયાં થતાં હોય એવી રીતે પીપળ-પાન જાણે હસી રહ્યાં હતાં. બખોલના માળાનાં પંખીઓ નિરાંતમાં હતાં.

    વૃક્ષની નીચે આસમાન તરફ તાકી રહેલ રામારાવ આંસુ જાણે  સાચવી રાખવાની જણસ હોય એમ એને રોકવાની મથામણમાં હતા. આમ તો ચાર વર્ષ પહેલાં પોતાની પત્ની, સૌની નાની આશ્રમ ગઈ ત્યારે આંખ ભીની નહોતી થઈ તો આજે નાની ઠીક થઈને પાછી આવે છે ત્યારે કેમ? આજે તો આનંદ થવો જોઈએ ને? નહોતો થતો.

    પીપળાની નીચે નાનીનો દીકરો વીનુ, પુત્રવધૂ અનુરાધા, પૌત્ર રંગા સમેત આખી મંડળી છેલ્લા કલાકથી નાનીની રાહ જોઈ રહી હતી.

    “રંગા, નાની બોલાવે તો પણ એની પાસે ન જતો.” અનુરાધા દીકરાને વારંવાર સમજાવતી હતી. પુત્રવધૂની વાતથી રામારાવ અકળાયા.

    ‘જ્યારે ડૉક્ટરોએ પણ નાની સ્વસ્થ છે એવું કહી દીધું પછી હવે શું છે?’ એ અનુરાધાને કહેવા જતા હતા ને નાનીની બસ આવતી દેખાઈ. ચબૂતરા પર ચહલપહલ મચી.

    બસ ફાટક પાસે ઊભી રહી, ભૈયારામનો હાથ પકડીને નાની ઉતરી. સૌએ દૂરથી જ નાનીનું સ્વાગત કરી ને ઘર તરફ પ્રયાણ કર્યું.

    ચાર વર્ષ પહેલાં નાની આશ્રમ ગઈ ત્યારે એણે વિચાર્યુંય નહોતું કે કુષ્ઠરોગની સારવારથી સાજી થઈને એ ઘેર પાછી આવશે. જતાં પહેલાં ઘરની દરેક ચીજ, ઘરનાં ચોતરા પાસે પીપળાના ઝાડ નીચે ગણેશજીની જૂની મૂર્તિ સુદ્ધાંને અંતિમ વાર સ્પર્શી લીધી હતી. આજે પાછાં આવવાની ખુશીથી નાનીનો ચહેરો આનંદથી ચમકતો હતો.

    ઘરે પહોંચીને ગણેશજીની મૂર્તિ પાસે દગડ પરિવારની પરંપરા મુજબ અનુરાધાએ દીવો પ્રગટાવ્યો. મૂર્તિ હતી તો ખંડિત છતાં દીવાના પ્રકાશમાં એની આભા વધી. ચાર વર્ષે આજે ફરી જાણે મૂર્તિમાં રામારાવને શક્તિનો આભાસ થયો. એમણે મનોમન ગણેશજીનો આભાર માન્યો. નાનીએ મસ્તક નમાવી વંદન કર્યા.

    “મને વિચાર આવતો કે, ગણેશજીની પાસે કોઈ દીવો કરતું હશે કે કેમ?” નાની બોલી.

    “તું જેમ છોડીને ગઈ હતી, બધું એમ જ ચાલે છે.” રામારાવે જવાબ આપ્યો.

    નાનીએ ખુશ થઈને અનુરાધા તરફ જોયું. અનુરાધાની પાછળ સંતાઈને જરા અમસ્તું ડોકું કાઢીને નાની તરફ જોતા પૌત્ર તરફ નજર ગઈ. રંગાને જોઈને નાની રાજી રાજી થઈ. ચાર વર્ષમાં કેટલો મોટો થઈ ગયો ! નાનીએ વહાલથી રંગાને બોલાવ્યો.

    “રંગા, અહીં આવ.” નાનીએ રંગાને બોલાવ્યો, પણ અનુરાધાનો પાલવ છોડીને એ આગળ ન આવ્યો.

    “ભૂલી ગયો હશે કદાચ. ચાર વર્ષ થયાં ને, ઓળખી જશે પછી તો કેડો નહીં મૂકે.” અનુએ રંગાને પોતાની હજુ વધારે પાછળ ધકેલ્યો.

    પગથિયાં ચઢવા નાનીએ હાથ લંબાવ્યો. વીનુએ ભૈયારામને આગળ ધકેલ્યો. ભૈયારામનો હાથ પકડીને નાની ઉપર ચઢવા માંડી, એટલામાં ગૌશાળામાંથી રંભાના ભાંભરવાનો અવાજ સંભળાયો.

    “જોયું કેવી ઓળખી લીધી મને?” નાની ખુશ થઈને પગથિયાં ચઢવાના બદલે રામારાવ સાથે ગૌશાળા તરફ ચાલી. ગાયને વહાલથી પંપાળીને ઘરમાં આવી.

    “નાની, તમારે હવે કોઈ કામ કરવાનું નથી. તમારે ફક્ત આરામ કરવાનો છે.” અનુ બોલી.

    “કોણે વીનુએ કહ્યું?” નાની હસી પડી. આજે એ અતિ આનંદમાં હતી.

    સાંજે દૂધનું વાસણ લઈને એ ગૌશાળા તરફ જતી હતી ને અનુએ રોકી.

    “આ શું કરો છો? વાસણ મૂકી દો. કહ્યું’તું ને કે, તમારે કામ નથી કરવાનું. માત્ર આરામ કરવાનો છે.”

    “અરે, પણ કેમ? ત્યાં આશ્રમમાં તો હું રસોઈ બનાવતી હતી.” નાની બોલી.

    “ત્યાં તો ડૉક્ટર હોય. અહીં કંઈ થયું તો દોડધામ કોણ કરશે?” અનુ અકળાઈ.

    “કંઈ નથી થવાનું.” કહીને નાની આગળ વધી.

    “એક વાર કહ્યું ને, વાસણ મૂકી દો.” અનુના અવાજમાં કડકાઈ ઉમેરાઈ.

    નાનીએ વાસણ મૂકી તો દીધું, પણ જાણે અપમાન થયું હોય એમ દિલમાં એક ટીસ ઊઠી. એ અંદર  ઓરડામાં જઈને રડી પડી. રાત્રે એક નિશ્ચય કર્યો. આ મારું ઘર છે, સૌએ મારો આદેશ માનવો પડશે. આશ્રમમાં દસ-પંદર જણની રસોઈ બનાવતી હતી તો અહીં મહેનત કેવી?

    વહેલી સવારે ઊઠીને લોટ બાંધી રોટલા ઘડવા માંડી. અનુ જાગી ત્યારે ચૂલા પાસે રોટલાની થપ્પી જોઈ.

    “કોણે બનાવ્યા?”

    “મેં.” નાનીએ જવાબ આપ્યો.

    અનુ સન્ન થઈ ગઈ. નાની એની ચિંતા કર્યા વગર સફાઈમાં લાગી ગઈ.

    બપોરે ઘરના પુરુષોએ જમી લે પછી અનુ અને નાની જમવા બેસતાં. આજે અનુએ નાનીની થાળી પીરસીને આપી અને પોતાની થાળી લઈને નાનીથી જરા અંતર રાખીને જમવા બેઠી. નાનીને જરા અજુગતું લાગ્યું તો ખરું, પણ આજે એ પોતાની મસ્તીમાં હતી. કેટલા વખતે એ ઘરમાં બેસીને, ઘરનું ખાવાનું ખાઈ રહી હતી.

    “બધાંએ રોટલા ખાધા, કોઈ કંઈ બોલ્યું? “ નાનીએ અનુને સવાલ કર્યો.

    “હા, સરસ બન્યા છે એવું એમણે અને બાપુજીએ કહ્યું.”

    નાનીના ચહેરા પર રોનક છવાઈ. અનુ બોલ્યા વગર ખાતી રહી, પણ એની નજર નાનીના ચહેરા પર, આંગળીઓ પર ફરતી રહી. નાના નખ, ટેઢીમેઢી આંગળીઓ, ચહેરા પર સફેદ ડાઘના ઉઝરડા દેખાયા.

    જમીને નાની અંદર ગઈ તો વીનુને જોયો.

    “કેવા લાગ્યા મારા હાથના રોટલા?”

    “સારા લાગ્યા.” વીનુ બોલ્યો.

    નાની ખુશ થઈને વરંડામાં જ્યાં રામારાવ ટહેલતા હતા ત્યાં પહોંચી. ફરી એ જ સવાલ.

    “કેવા લાગ્યા આજના રોટલા?”

    રામારાવ જવાબ આપે એ પહેલાં એનું ધ્યાન વીનુ પર ગયું અને એ સહેમી ગયા. હવે નાનીને દાળમાં કઈંક કાળું નજરે આવવા માંડ્યું. અંદર જઈને ઉંઘવાનો પ્રયાસ કર્યો, પણ એ રડી પડી.

    સાંજે દૂધનું વાસણ શોધવા માંડી. સાફ કરવાના વાસણોની સાથે દૂધનું વાસણ, લોટનો ખાલી ડબ્બો જોયો. એને નવાઈ લાગી કારણકે, સવારે તો લોટનો ડબ્બો ભરેલો હતો તો અત્યારે અહીં કેમ?

    વિચાર આવ્યો, પણ પછી દૂધનું વાસણ લઈને ગૌશાળા તરફ ગઈ. ગાય પાસે એણે બનાવેલા રોટલા નજરે પડ્યા. ઘીસ ખાઈને નાની એ જ સમયે ત્યાંથી ચાલી આવી. ઘરમાં આવીને દૂધનું વાસણ પટકી, આંગણાં બાંધેલા હીંચકા પર જઈને બેઠી. આંખમાંથી આંસુનું પૂર રેલાયું.

    ‘ઓહ, તો એણે ઘડેલા રોટલા હવે ગાય જ ખાશે ?’

    સૌ કહેતા કે એને કુષ્ઠરોગ થયો છે. એની સારવાર માટે એટલે તો એ ચાર વર્ષ આશ્રમમાં રહી. નાનીને આશ્રમ યાદ આવ્યો. ત્યાં તો સૌની સાથે ડૉક્ટર પણ એણે બનાવેલી જ રસોઈ ખાતા હતા. એણે બનાવેલી રસોઈ ખાવામાં ડૉક્ટરને બાધ નહોતો પણ ઘરનાંને …?

    જ્યારે એ પાછી આવતી હતી ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે, એનો રોગ ચેપી નહોતો. એ સૌની સાથે હળીમળી, રહી શકશે, પણ અહીં તો ઘરનાં જ એનાથી અંતર રાખતા હતા !

    ઊંઘ નહોતી આવતી છતાં જાતને સંભાળતી પથારી ભેગી થઈ.

    રાત્રે પગરવથી એ જાગી. રામારાવ દીવો પ્રગટાવતા હતા. નાનીએ પતિ તરફ હાથ લંબાવ્યો. પત્નીનો લંબાવેલો હાથ જોઈને એણે ઝટપટ પોતાની પથારી દૂર કરી દીધી. આટલો સ્પર્શ પણ નહીં? નાનીનાં ગળામાંથી ડૂસકું નીકળી ગયું અને એ ક્યાંય સુધી રડતી રહી. બીજી રાત્રે પણ થોડાં અંતરે પાથરેલી બે પથારીઓ નજરે આવી.

    “તો કાલે પણ આમ જ હતું?” એણે રામારાવની પથારી તરફ નજર કરી. એક ઘેરો, ઊંડો નિસાસો નાખીને એ પડખું ફેરવી ગઈ.

    સવારે રામારાવ જાગ્યા ત્યારે જોયું કે, નાની તો એનાથી પહેલાં જાગી ગઈ હતી, પણ હતી ક્યાં?

    વીનુ…..” રામારાવે બૂમ મારી. વીનુ દોડતો આવ્યો. બધા રૂમ ફરી વળ્યો. નાની એકપણ રૂમમાં નહોતી. વીનુ બહાર આવ્યો. પીપળાની નીચે ગણેશજીની મૂર્તિ પાસે દીવો પ્રગટેલો જોયો. ગણેશજીના મસ્તક પર ચંદનનો ટીકો હતો, સૂંઢ પર જસવંતીના ફૂલો હતાં.

    ક્યાં ગઈ હશે? ચારેકોર તપાસ કરી. સમાચાર મળ્યા કે, કોઈએ નાનીને અમરાવતી જતી બસમાં ચઢતી જોઈ હતી.


    જયવંત દલવી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૯ – भूलों से सीखे जो मंज़िल उस ने पाई

    નિરંજન મહેતા

    ૧૯૭૩ની ફિલ્મ ‘સમજૌતા’નું ફિલસુફીભર્યું ગીત છે

    समझौता ग़मों से कर लो

    ज़िन्दगी में गम भी मिलते हैं
    पतझड़ आते ही रहते हैं
    के मधुबन फिर भी खिलते हैं

    रात कटेगी, होंगे उजाले
    फिर मत गिरना, ओ गिरनेवाले
    इन्सां वो खुद संभले औरों को भी संभाले

    भूल सभी से होती आई
    कौन है जिसने ना ठोकर खाई
    भूलों से सीखे जो मंज़िल उस ने पाई

    જીવનમાં દુઃખ તો દરેકને આવે છે. પણ તે સામે હાથ જોડીને ન બેસતા તેને સામનો કરો એવો આ ગીતનો અર્થ છે.

    જેમ પાનખર આવ્યા પછી બાગ બગીચા ફરી ખીલી ઉઠે છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવશે. વળી રાત પછી દિવસ ઉગવાનો તે પણ નિશ્ચિત છે. તો આપણે એકવાર પછડાટ ખાધી પછી ઊભા થવાની ક્ષમતા રાખવી જરૂરી છે.

    જે પોતે જાતને સંભાળે છે અને અન્યોને પણ સંભાળી લે તે જ ખરો મનુષ્ય છે.

    માણસ માત્ર ભૂલને પાત્ર. આ તો જાણીતી વાત છે. કોણે જીવનમાં ભૂલ નથી કરી? કોણે ઠોકર નથી ખાધી? ડગલેને પગલે આપણને તેનો અનુભવ થાય છે. પણ તે ભૂલ કર્યા પછી, તે ઠોકર ખાધા પછી જે વ્યક્તિ બોધપાઠ લે છે તેને પોતાના જીવનની મંઝીલ જરૂર પ્રાપ્ત થાય છે.

    જેલમાં કેદીઓ આગળ અનીલ ધવન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ઇન્દીવરનાં અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૮૧. પંડિત સુદર્શન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પંડિત સુદર્શનનું મૂળ નામ હતું બદ્રીનાથ શર્મા. એ મૂલત: નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. ફિલ્મોમાં એ પ્રવેશ્યા પૃથ્વીરાજ કપુર અભિનિત ફિલ્મ ‘ રામાયણ ‘ ના પટકથા લેખક તરીકે. એ પછી ૧૯૩૫ની ન્યુ ટોકીઝની ફિલ્મ ‘ ધૂપછાંવ ‘ માં એમણે પટકથા ઉપરાંત ગીતો પણ લખ્યા. ( ‘ તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ ઝરા ‘ કે સી ડે ). સોહરાબ મોદીની સફળ ફિલ્મ ‘ સિકંદર ‘ ની પટકથા, સંવાદ અને ગીત પણ એમના જ. એ પછી એમની લખેલી ફિર મિલેંગે, પૃથ્વીવલ્લભ અને જલતરંગ પ્રદર્શિત થઈ.

    મહાત્મા ગાંધી પોતે પંડિતજીના લેખનના પ્રશંસક હતા.

    ઉપર દર્શાવી એ ઉપરાંત ધરતી માતા (‘ દુનિયા રંગરંગીલી બાબા ‘ અને ‘ અબ મૈં કાહ કરું કિત જાઉં ‘) પડોસી, સુભદ્રા, પથ્થરોં કા સોદાગર અને પરખ જેવી ફિલ્મોમાં એમણે લખેલા ચાલીસ ઉપરાંત ગીતોને સાયગલ, પંકજ મલિક, રાજકુમારી, અમીરબાઈ કર્ણાટકી, ઉમા દેવી,  ઉમા શશિ, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને શમશાદ બેગમ જેવા દિગ્ગજ ગાયકોનો કંઠ સાંપડ્યો.

    ૧૯૬૭માં એમનું અવસાન થયું.

    એમની બે ગઝલો જોઈએ :

     

    ઝિંદગી હૈ પ્યાર સે પ્યાર મેં બિતાએ જા
    હુસ્ન કે હુઝુર મેં અપના દિલ લુટાએ જા

    ઝિંદગી હૈ એક રાત, પ્યાર ઉસ મેં હૈ ચિરાગ
    યે ચિરાગ જિતની દેર જલ સકે જલાએ જા

    ઝિંદગી હૈ એક બાગ, પ્યાર ઉસમેં હૈ બહાર
    ઉસ મેં આંખ કા ખુમાર ડાલ કર મિલાએ જા

    ઝિંદગી હૈ એક જુઆ, દૂર સે દેખતા હૈ ક્યા
    આગે બઢ કે અપની જાં દાવ પર લગાએ જા

    ઝિંદગી જુનૂન હૈ, જુનૂન સે નિભાએ જા
    તુ અપને અઝ્મ કો ખુદા એ ઝિંદગી બનાએ જા

    હુસ્ન હૈ શબાબ હૈ, વક્ત લાજવાબ હૈ
    મૈં ભી ચહચહા ઊઠું, તુ ભી ચહચહાએ જા..

    – ફિલ્મ : સિકંદર ૧૯૪૧
    – ખાન મસ્તાના
    – મીર સાહેબ, રફીક ગઝનવી

    મુસાફિર સદા ગીત ગાએ ચલા ચલ
    સફર કી કહાની સુનાએ ચલા ચલ

    કહીં બન કે રહેમત કા બાદલ બરસ જા
    કહીં દિલ પે બિજલી ગિરાએ ચલા ચલ

    રુકાવટ કે પથ્થર હટાએ ચલા ચલ
    ધુંએં આસમાં કે ઉડાએ ચલા ચલ

    તુ દુનિયા મેં અપના સભી કુછ લુટા કર
    તુ દુનિયા કો અપના બનાએ ચલા ચલ

    સુના કર હમેં ચાર સુખદુખ કી બાતેં
    રુલાએ ચલા ચલ, હંસાએ ચલા ચલ..

     

    – ફિલ્મ : જલતરંગ ૧૯૪૯
    – રફી, શમશાદ
    – હુસ્નલાલ ભગતરામ

    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • AI (કૃત્રિમ બુદ્ધિ) છે કે બબુ !!!(બનાવટી બુદ્ધિ)

    – અશોક ભાર્ગવ અને ડૉ. લતા શાહ

    કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence-AI) અથવા તો બનાવટી બુદ્ધિ (બબુ)નાં એંધાણ કેટલાંક વર્ષોથી વર્તાતાં હતાં પણ આજે તે હકીકત બનીને ઉંબરે આવીને ઊભી છે ત્યારે એનાં સારાં નરસાં પાસાઓને ચકાસી લેવાં જોઈએ. કમ્પ્યુટર ક્ષેત્રમાં થયેલ આ હરણફાળ એવાં ઘણાં કામો કરવામાં સક્ષમ છે જે માણસની ક્ષમતાથી પર છે. વૈજ્ઞાનિક શોધખોળમાં જ્યાં વિશાળ માહિતીનું વિશ્ર્લેષણ ઝડપથી કરવાની જરૂર હોય છે ત્યાં આનો ઉપયોગ આવકાર્ય છે. અલબત, આ ટેકનોલોજી માણસની જેમ કામગીરી કરી શકે છે પણ જે કામો કરવાથી માણસની ક્ષમતા અને બુદ્ધિનો વિકાસ થાય છે અને જે કરવામાં માણસને મજા પડે છે તેવાં કામોથી આ ટેકનોલોજીને દૂર રાખવી જોઈએ. જો આ તકેદારી ન રાખવામાં આવે તો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જે કામો અને સંઘર્ષ કરવાથી માણસની બુદ્ધિનો આટલો વિકાસ થયો છે તે રૂંધાઈ શકે છે. આ લેખમાં આપણે જોઈશું કે આપણું મગજ કેવી રીતે વિકાસ પામ્યું છે અને તે કેવી રીતે કામ કરે છે. આપણે એ પણ જોઈશું કે બબુ (AI) આપણાં શિક્ષણ, જીવન શૈલી અને નાગરિકત્વને કેવી રીતે પ્રભાવિત કરશે.

    આપણું મગજ અને બુદ્ધિનો વિકાસ

    બધાં પ્રાણીઓએ જીવન ટકાવી રાખવા માટે પરિસ્થિતિ મુજબ બદલાઈ જવું પડે છે અથવા પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવી લેવી પડે છે. મોટાભાગનાં પ્રાણીઓ પરિસ્થિતિ મુજબ બદલાઈ જાય છે પણ માણસજાતે પરિસ્થિતિને બદલવામાં મહારત હાંસલ કરી છે. બે પગ પર ચાલતાં શીખ્યો એટલે એની દૃષ્ટિ વ્યાપક થઈ અને બે હાથ છુટ્ટા થયા. હાથ વડે કામ કરતાં કરતાં એના મગજનો ઝડપથી વિકાસ થયો.

    શરૂઆત પથ્થરનાં ઓજાર અને હથિયાર બનાવવાથી થઈ. જેમ જેમ આ ઓજારો પરિષ્કૃત થતાં ગયાં, મગજની કાર્યક્ષમતામાં વધારો થતો ગયો. આગની શોધે માણસને અજવાળું આપ્યું, ઠંડી અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપ્યું અને કાચા ખોરાકને બદલે પકવેલો ખોરાક ખાવાની સગવડ કરી આપી. પકવેલો ખોરાક ખાવામાં સહેલો હતો અને એમાંથી ઊર્જા વધારે મળવાને લીધે મગજની ક્ષમતા વધી. એનાં જડબાંના કદમાં ઘટાડો થયો અને મગજના કદમાં વધારો. ધરતીના હવામાનમાં ફેરફારને લીધે માણસને ઘણી વાર હિજરત કરવાની ફરજ પડી છે. નવી જગ્યા વિશે જાણવા – સમજવા અને તેને અનુકૂળ થવાની કસરતને લીધે પણ મગજના કદમાં વધારો થયો. પ્રાકૃતિક હાડમારીઓ સામે ઝઝૂમવા માટે કુટુંબ કબીલાના સહકાર, લાગણીઓ અને બળબુદ્ધિની જરૂર પડે. એટલે ભાવનાઓ મગજની કાર્યક્ષમતામાં અગત્યનો ભાગ ભજવે છે. આદિમાનવ કરતાં આપણા મગજનું કદ ત્રણ ગણું મોટું છે.

    આપણું મગજ ખોલેલા અખરોટ જેવું દેખાય છે. આપણે જેના મારફત વિચારીએ છીએ તે કોષો મગજની ત્રણ મિલીમીટર જેટલી સપાટી પર પથરાયેલા હોય છે. આ સપાટી કાગળના ડૂચા જેવી હોય છે. જો આ કરચલીવાળી સપાટીને પહોળી કરવામાં આવે તો એનો આકાર મોટા ઓશિકા જેવો થઈ જાય. કરચલીને લીધે મગજમાં વધારે કોષો સમાઈ શકે છે.

    આખું મગજ સ્નાયુકોષિકાઓનું બનેલું હોય છે. આકાશગંગામાં જેટલા તારા છે તેના કરતાં સો ગણા કોષ આપણા મગજમાં હોય છે. એટલે કે આશરે 100 અબજ. આપણા આ કરચલીવાળા મગજના વિકાસમાં લાખ્ખો વરસ લાગ્યાં છે. પણ કરચલીની નીચે આપણું જૂનું મગજ અકબંધ છે. આપણું હલન ચલન, શ્ર્વાસોચ્છ્વાસ અને હૃદયના ઘબકારા આ જૂના મગજને આભારી છે. સેરેબેલમ કહેવાતા આ મગજને લીધે જ આપણે સંતુલન જાળવી શકીએ છીએ. જો સેરેબેલમ ન હોય તો આપણે બે પગ પર ચાલી જ ન શકીએ. બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારે તંત્રિકાકોષ અથવા ન્યૂરોન એક મિનિટમાં અઢી લાખ કોષોની ઝડપથી વધે છે. સાત મહિનાના ગર્ભના મગજમાં લગભગ બધા જ એટલે કે 100 અબજ ન્યૂરોન બની ગયા હોય છે.

    પણ ફક્ત અઢળક ન્યૂરોન હોવાને લીધે જ આપણું મગજ આટલું સરસ કામ નથી કરતું. અસલ કારણ છે ન્યૂરોનના આપસી સંપર્ક. દરેક નાનું ન્યૂરોન દસ હજાર જેટલાં જોડાણો બનાવી શકે છે. કેટલાક ન્યૂરોન તો વળી સાઠ હજાર જેટલાં જોડાણો પણ બનાવી શકે છે.

    જ્યારે ન્યુરોન એકબીજા સાથે જોડાય છે ત્યારે નેટવર્ક બને છે, જોડાણોને લીધે ન્યૂરોનોમાં વિદ્યુત-રસાયણિક સંદેશાઓ પ્રસારિત થઈ શકે છે. બાળકના વિકાસનાં થોડાં જ વરસોમાં સો અબજ ન્યૂરોન એક લાખ અબજ જોડાણો બનાવી દે છે. પ્રકૃતિની જેમ માણસોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. દરેક વ્યક્તિ નોખી છે. તે વિશિષ્ટ વ્યક્તિત્વ અને કૌશલ્ય ધરાવે છે. જેના લીધે તેના મગજના લાગતા વળગતા વિભાગમાં જોડાણની સંખ્યા વધતી-ઓછી હોય છે. તેની શીખવાની પદ્ધતિ પણ જુદી હોય છે. ‘બબુ’ બધા માણસોને ડોબા ગણી એક જ લાકડીએ હાંકવા માંગે છે.

    શિક્ષણ પર અસર

    દરેક બાળક ઉત્સુકતા, તર્કબુદ્ધિ અને સર્જનાત્મકતા સાથે જન્મે છે. અનુકરણ, શોધખોળ, પ્રયોગ, સર્જન મારફત તે જ્ઞાન મેળવે છે. આપણા મગજમાં મિરર ન્યૂરોન હોય છે, જેના વડે આપણે બીજા લોકોનું અનુકરણ કરીને શીખીએ છીએ. આ મિરર ન્યૂરોનના કારણે જ આપણે બીજાનાં દુ:ખમાં દુ:ખી અને બીજાનાં સુખમાં આનંદ માણીએ છીએ. એટલે જ ન્યૂરોસાઇન્ટિસ્ટ વી. એસ. રામચંદ્રને મિરર ન્યૂરોનનું નામ “ગાંધી ન્યૂરોન” પાડેલું.

    બાળકની ઉત્સુકતાનાં મૂળિયાંને પ્રાથમિક શાળાઓમાં જ કાપી નાખવામાં આવે છે. શોધખોળને આજના શિક્ષણમાં ઝાઝો અવકાશ નથી. મોટાભાગની નિશાળોમાં સાધન-સામગ્રીના અભાવે વિદ્યાર્થીઓ પ્રયોગ કરવાને બદલે પ્રયોગ લખે છે. ચિંતાજનક બાબત એ છે કે સર્જનનો અર્થ શિક્ષકે ચીંધેલાં ચિત્રો દોરવાં અને બીજા કોઈએ બનાવેલ પ્રોજેક્ટ રજૂ કરવા, એવો કરાય છે.

    સાર્વજનિક શિક્ષણ બધા વિદ્યાર્થીઓ પાસેથી એક જ રીતે શીખવાનો આગ્રહ રાખે છે. ઉદ્યોગોની માંગ પ્રમાણે બીબાંઢાળ શિક્ષિતો તૈયાર કરવામાં આવે છે. જેના લીધે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ પ્રતિભાઓ ગૂંગળાઈ જાય છે. માણસ ઘણું બધું જ્ઞાન પોતાના અનુભવો વડે મેળવે છે. બબુ (AI) બધી માહિતી આંકડા ભેગા કરીને મેળવે છે. તેમાં દરેક માણસના આગવા અનુભવને સ્થાન નથી. બબુ (AI) પદ્ધતિથી મળતા શિક્ષણમાં વિદ્યાર્થીઓની પોતાની રીતે શીખવાની યોગ્યતા બુઠ્ઠી થઈ જાય. તેઓ સર્જનાત્મક રીતે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કાચા પડે અને વિવેચનાત્મક રીતે વિચાર ન કરી શકે.

    ગ્રાહક પર અસર

    આ દુનિયામાં લાખો લોકો સામાન અને સેવાઓના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ અબજો રૂપિયાના વ્યવસાયનો હેતુ માનવમનને બજારમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે ઉશ્કેરવાનો અથવા પ્રભાવિત કરવાનો છે. આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે માનવમન કેવી રીતે કામ કરે છે. તેને શું ગમે છે? શું નહીં? તે કેવી રીતે નક્કી કરે છે કે બજારમાં ઉપલબ્ધ અસંખ્ય સામાન અને સેવાઓમાંથી શું ખરીદવું અને શું નહીં ? છેલ્લાં કેટલાંક વર્ષોમાં ન્યુરોસાયન્સ અને સાયકોલોજીની શોધનો ઉપયોગ વેપારીઓ આપણા મન પર નિયંત્રણ મેળવવા માટે કરી રહ્યા છે.

    આપણે બધા જાણીએ છીએ કે માનવમન જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી મેળવે છે તે કેટલીક સભાનપણે હોય છે અને કેટલીક અચેતનપણે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે માનવમન મોટાભાગે અચેતનપણે શીખે છે. જ્યારે વિજ્ઞાનીઓએ ચેતન અને અચેતનનો અનુપાત જાણવા માટે પ્રયોગ કર્યો ત્યારે પરિણામો ચોંકાવનારાં હતાં. આશરે એક કરોડ દસ લાખ બિટ્સ માહિતી ઇન્દ્રિયો દ્વારા દર સેકન્ડ મગજમાં મોકલવામાં આવે છે. તેમાંથી માત્ર 40 બિટ્સ પ્રતિ સેકન્ડની માહિતી આપણું ચેતન મન સમજી શકે છે, બાકીની માહિતી અચેતન મનમાં સમજાય છે. તેથી જ આપણું મન રહસ્યમય બન્યું છે. આપણું અચેતન મન વીજળીની ઝડપે કામ કરે છે. જો કોઈ ચિત્ર 30 મિલિ સેકન્ડ માટે પણ આપણી દૃષ્ટિ સામેથી પસાર થાય, તો તે અચેતન મનમાં અંકિત થઈ જાય છે અને સભાન મનને તેની જાણ પણ થતી નથી. જે જાહેરાતો સેંકડો વખત આપણી નજર સામેથી પસાર થાય છે તેનાં મૂળિયાં આપણા અચેતન મનમાં પેસી જાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે આપણું અચેતન મન ચેતન મન પર હાવી થઈ જાય છે અને જાહેરાતમાં જોએલી વસ્તુ લેવા દબાણ કરે છે.

    અત્યારે પણ આપણા સોશ્યલ મીડિયા, ઑનલાઇન ખરીદી, ગૂગલ મેપ મારફત આપણી પસંદગી, શોખ, ખરીદશક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બબુ (AI) મારફત આવી જાસૂસીમાં અનેકગણો વધારો થશે.

    બબુ (AI) વાપરીને વેચેલી એક વસ્તુના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે ઘણાં બધાં પરિબળોએ ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે પ્રભાવિત કર્યા સિવાય કે વસ્તુની માહિતી (Product Information) વગર એટલે કે બબુની દોરવણી હેઠળ તમે એવી વસ્તુ ખરીદી લાવશો જેના વિષે તમને માહિતી પણ નથી. અત્યારે પણ આપણે આવા બજારના કેટલાક અંશે શિકાર બની ગયા છીએ જ, બબુના આગમનથી તેમાં ધરખમ વધારો થશે. મારા એક મિત્રે સોનીની જાણીતી દુકાનની મુલાકાત લીધી. બીજે દિવસે તેના મોબાઈલમાં સોનાનાં ઘરેણાંની જાહેરાતો દેખાવા માંડી! આ છે બબુનો પ્રતાપ!

    નાગરિકત્વ પર અસર

    જાગૃત અને સક્રિય નાગરિક એટલે જે મતાધિકારનો ઉપયોગ કરી શકે, જનકલ્યાણ માટે નીતિઓ ઘડવામાં ભાગ લઈ શકે, તેમાં સુધારા વધારા કે તેની ટીકા કરવા માટે ચર્ચા કે આંદોલનમાં ભાગ લઈ શકે અને લોકપ્રતિનિધિ થવા માટે ચૂંટણી લડી શકે. આજે આપણે જોઈએ છીએ કે તે જાગૃત નાગરિક મટીને નિષ્ક્રિય પ્રજાની ભીડનો ભાગ બની ગયો છે.

    સિત્તેરના દાયકામાં જાહેર જીવનને લગતા વિવિધ પ્રશ્ર્નો પર ચોરે ને ચૌટે ચર્ચાઓ થતી હતી. કૉલેજોમાં વાદવિવાદ થતા, છાપાં અને સામયિકોમાં ચર્ચા પત્રો લખાતાં, એક મંચ પરથી જુદા જુદા પક્ષોના આગેવાનો પોતાના વિચારો રજૂ કરતા. આ બધામાં નાગરિકો ભાગ લેતા અને પોતાને લાગતી વળગતી સમસ્યાઓની છણાવટ કરતા. ટીવી અને મલ્ટિમીડિયા આવ્યા પછી આપણે નિષ્ક્રિય દર્શક બની ગયા છીએ.

    મીડિયા લોકશાહીનો એક પાયો મટીને ધનકુબેરોના હાથમાંના સત્તાધીશોનો ચાટુકાર બની ગયો છે. બબુ (AI)નો દુરુપયોગ કરી મીડિયા તમને ખોટા સમાચારોને વિશ્ર્વસનીય બનાવીને ભ્રમમાં નાંખશે. લોકલાગણીઓને ઉશ્કેરી લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું કરી અગત્યના પ્રશ્ર્નોથી તમારું ધ્યાન ભટકાવી શકવાની ક્ષમતા બબુ ધરાવે છે.

    સ્વમાનભેર જીવન જીવવા માટે સ્વાશ્રયી કે આત્મનિર્ભર બનવું પડે. વિશ્ર્વીકરણ અને બજારીકરણ આપણને પરસ્પરાવલંબી બનાવવાને બદલે પરાવલંબી બનાવવા મથી રહ્યા છે. ચીલાચાલુ શિક્ષણ, બજાર અને રાજકારણ આપણી યોગ્યતા, જીવનશૈલી અને સ્વાતંત્ર્ય પર હાવી થઈ ગયાં છે. જો આપણે નિષ્ક્રિય દર્શક બની રહ્યા તો બબુ (AI) આ પકડમાં વધારો કરશે.


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
  • ત્યારે અને અત્યારે : બાપુની ગાડીથી ‘દૂરન્તો’ સુધી

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

    પરેશ ૨. વૈદ્ય


    ભારતીય રેલ એ દુનિયાનું સૌથી મોટું રેલવે તંત્ર છે. પોણા બસ્સો વર્ષમાં એ આપણી જિંદગીઓ જોડે બરાબર ગોઠવાઈ ગયું છે. એની પોતાની જ એક દુનિયા છે. જેનો પરિચય લેખક શ્રી ચં. ચી. મહેતાએ પોતાની આત્મકથા “બાંધગઠરિયાં’માં અને નાટક “આગગાડી’માં કરાવ્યો છે. તંત્રની કામ કરવાની પદ્ધતિમાં ટેકનોલોજિના કારણે થોડા ફેરફાર થયા હશે પરંતુ વહીવટી વ્યવસ્થા તે જ છે. એટલે મુસાફરોની દૃષ્ટિએ છેલ્લાં ૭૫ વર્ષમાં ધીમા ફેરફાર થયા છે. આમ છતાં બે બાબતો છે જેના કારણે “ત્યાર’ના અનુભવ “આજ” કરતાં જુદા છે, એ છે દૂર સુધી જતી સળંગ ગાડીઓ અને રિઝર્વેશન વ્યવસ્થા.

    ગાડી બદલવી…

    આજે આપણે હાપા (જામનગર)થી સીધા કન્યાકુમારી કે વિશાખાપટ્ટનમ જઈ શકીએ છીએ–એ જ ડબ્બામાં, એ જ સીટ ઉપર બેસીને. કચ્છથી કલકત્તા અને જમ્મુથી પણ કન્યાકુમારી જવું શક્ય છે. પચાસ કે સાઠ વર્ષ પહેલાં આવી કલ્પના પણ મુશ્કેલ હતી. આટલા લાંબા અંતરની વાત છોડો, અમદાવાદ જવા માટે પણ ગાડીઓ બદલવી પડતી હતી. આઝાદી વખતે જેમ વલ્લભભાઈએ. રાજકીય એકીકરણ એ જ પ્રમાણે કર્યું તેમ રેલવે પ્રધાનોએ રેલ-લાઇનોનું એકીકરણ કરવાનું હતું. બ્રિટિશ હકૂમત વેળા રાજાઓ અને નવાબોએ પોતપોતાની લાઇનો નાંખી હતી. ચિત્રમાં જોતાં જણાય છે કે સૌરાષ્ટ્ર[1] અને દ. ગુજરાતમાં આવી ખૂબ નાની લાઇનો હતી.

    જ્યાં બે લાઇન મળે તેને “જંક્શન” કહે છે. સૌરાષ્ટ્રના આટલા નાના-શા વિસ્તારમાં ૧૪-૧૫ જંક્શન છે. એટલે ગાડી બદલતાં રહેવી પડતી. દા.ત. મોરબીથી સુરેન્દ્રનગર જવા માટે પણ એક જમાનામાં ટ્રેન બદલવી પડતી હતી! ત્રણે ગેજની લાઇનો હોતાં સળંગ ટ્રેન હોય જ ક્યાંથી?

    જંક્શનમાં સ્ટેશનોનાં પ્લેટફૉર્મ અને વેઇટિંગ રૂમમાં કુટુંબો પથરાઈને પડયાં હોય તેવું દૃશ્ય સામાન્ય હતું. ગઈ સદીમાં કેટલાંય નાટક અને સિનેમા આવા વેઇટિંગ રૂમમાં મળતાં કે છૂટાં પડતાં પતિ-પત્નીની વાર્તા ઉપર આધારિત હતાં. ધીરે ચાલતી એ જિંદગીમાં “કનેક્શન’ની ટ્રેનની રાહમાં ૪-૫ કલાક સ્ટેશને પડ્યાં રહેવું સામાન્ય હતું. આજે વિદેશ જતાં કોઈ એરપોર્ટ ઉપર પાંચ કલાક “ટ્રાંન્ઝિટ’માં રાહ જોવી પડે છે, ત્યારે ૨૦૦ કિ.મી.ની યાત્રામાં પણ એવું કરવું પડતું. વહીવટી સુધારાથી એક નવો શબ્દ ત્યારે મળ્યો જેને “થ્રૂ ડબ્બો’ કહેતા. એવા ડબ્બામાં બેસો તો તમારે જંક્શન ઉપર ટ્રેન બદલવા માટે ઊતરવું ન પડે. રેલવે જ એ ડબ્બાને ઉપાડીને બીજી ટ્રેન સાથે જોડી આપે.

    થ્રૂ ડબ્બો અને શન્ટિન્ગ

    અમને નાનપણથી એ ડબ્બાની અગત્ય સમજાઈ હતી. તેનું કારણ કે અમારું વતન કચ્છ એક ટાપુ છે એ પહેલી વાર દેશ સાથે રેલથી ત્યારે જોડાયું જ્યારે કંડલા-ડીસા રેલવે બની. આમ, ભુજથી અમદાવાદ ટ્રેનથી જવા માટે સમુદ્ર પાર કરવાની જરૂર ન રહી. પરંતુ એ માટે બે વાર ટ્રેન બદલવાની : ગાંધીધામ અને પાલનપુરમાં. જો “થ્રૂ’ ડબ્બો મળી જાય તો સીધા અમદાવાદ એ જ સીટ ઉપર બેસી પહોંચી શકાય. મહેમાનને સ્ટેશન છોડીને ઘરે આવતાં પહેલા સમાચાર એ અપાતા કે થ્રૂ ડબ્બામાં ચઢાવી દીધા!

    ગાડી બદલવી આજે બસ બદલીએ તેવું સહેલું નહોતું. સામાન ઊંચકીને સીડીઓ ચડી પ્લેટફૉર્મ બદલવાં [અમદાવાદમાં ત્યારે મીટરગેજ અને બ્રોડગેજ પ્લેટફૉર્મ ખૂબ દૂર હતાં]. સૂટકેસો હજુ નહોતી શોધાઈ એટલે પતરાની ટ્રંક જરૂર હોય. સ્લીપર કોચ પણ નહોતા : એટલે કોઈ કોઈ તો ગોળ વાળેલ “બેડિંગ’ (બિસ્તરો) લઈને જતા. જો ગાડી મોડી થઈ હોય તો આ પ્રક્રિયા દોડીને કરવી પડે. આ બધું જીવનનો એક અનિવાર્ય હિસ્સો હતું. તેને બદલે જો સળંગ ડબ્બામાં જગ્યા મળી જાય તો આનંદ થાય તે સ્વાભાવિક છે.

    સળંગ ડબ્બા સાથે જોડાયેલ બીજો એક શબ્દ છે “શન્ટિન્ગ’. આજે એ નથી સાંભળવા મળતો. તમારા ડબ્બાને આવેલી ટ્રેનમાંથી અલગ કરી, દૂર યાર્ડમાં લઈ જાય – ત્યાં સુધી જ્યાં બે પ્લેટફોર્મ તરફથી આવતા પાટા મળતા હોય એ જગ્યાએથી એક ડબ્બો અને એક એન્જિનની જોડી નવી ગાડી જે પ્લૅટફૉર્મ પર હોય તે તરફ ઊલટી જાય અને તેમાં જોડાય. આથી, થ્રૂ ડબ્બા હંમેશાં ગાડીને આગળને કે પાછળને છેડે જ હોય તેવું જ્ઞાન અમને નાની ઉંમરે જ લાધ્યું હતું!

    રિઝર્વેશન પ્રક્રિયા

    આજે ટ્રેનનું રિઝર્વેશન ઘેર બેઠાં થાય છે. યુવાન પેઢી તો મોબાઇલથી કરે એટલે ઘર તો શું રિક્ષામાં બેઠે બેઠે કે બગીચામાંથી પણ કરે જ છે. વધુ ચાલાક લોકો સમય બચાવતી “એપ (Application) વાપરી બીજાથી પહેલાં સીટો કબજે કરે છે. ૧૯૭૦-૮૦ના ગાળામાં કોઈ સુષુપ્તાવસ્થામાં ગયું હોય અને આજે જાગે તો તેને આ બધું ચમત્કાર જેવું લાગે.

    એ વખતે “આરક્ષણ’ રેલવે સ્ટેશને બારી ઉપર જ થતું. અને સીટ મેળવવાની દૃષ્ટિએ સૌથી મુશ્કેલ ગાળો હતો. તેનાથી પહેલાંના વખતમાં સળંગ ટ્રેનો ઓછી હતી અને સ્લીપર કોચ બહુ હતા નહીં એટલે મુસાફરી રિઝર્વેશન વિના જ કરવામાં આવતી. બહુ તો ૫૦ પૈસામાં બેઠકનું રિઝર્વેશન મળતું તે કરી લેતા.

    તકલીફ લગ્નગાળામાં અને વેકેશનમાં થતી. રેલવેની પ્રક્રિયા જ એવી કે સમય ઘણો જતો અને અસહ્ય લાઇનો લાગતી. રિઝર્વેશનની નોંધ જાડા ચોપડામાં થતી. પ્રત્યેક ટ્રેન દીઠ એક એક ચોપડો અને એક દિવસ (તારીખ) માટે એક પાનું. તમે ફોર્મ આપો. એટલે એ થોથું ખોલી જુએ કે સીટ છે કે નહીં. હોય તો હાથેથી તમારા કુટુંબનાં નામ લખે. જણ દીઠ એક એવી ૪-૫ ટિકિટો સ્ટેમ્પિંગ મશીનમાં નાંખી તેમાં તારીખ છાપે. પછી હાથેથી ચારે ટિકિટ ઉપર ડબ્બા નંબર લખે. પૈસાની લેવડદેવડનો સમય પણ ખરો.

    આ તો ટિકિટ મળતી હોય તેની વાત. જો એ દિવસે ટિકિટ ન હોય તો તમે બીજી તારીખ કહો, એ બીજું પાનું ઉઘાડે, જુએ. તેય ન જામે તો કઠણાઈ તમારી. વિકલ્પની ટ્રેન માટે બીજી બારીએ જવું પડે. અને ત્યાં પહેલેથી જ લાઇન હોય એટલે તમારે છેલ્લા ઊભવાનું! એવામાં કંઈ પૂછવા માટે પણ જો બારીની નજીક જાઓ તો આખી લાઇન હો-હા કરે. અને કેમ ન કરે? કોઈ સવારથી તો કોઈ ગઈ રાતથી લાઇન લગાવીને બેઠા હોય. સીઝનમાં કેરાળા અને બંગાળ જેવી લાંબા અંતરની ટ્રેનો માટે ત્રણ દિવસ અગાઉથી પણ કતાર લાગતી! એમાં કેટલાક દલાલના માણસો અથવા ભાડાના માણસો પણ હોય. એટલે વાતાવરણ ડર અને ચિંતાનું.

    રજિસ્ટરમાં લખેલ રિઝર્વેશનની બીજી પણ ઘણી તકલીફો હતી. અજાણતાં અને જાણી જોઈને ગોટાળા થાય. જેને મુસાફરીમાં ટ્રેન બદલવાની હોય તેને રિઝર્વેશન તો પહેલી ટ્રેનનું જ મળે. રેલવે જોકે તેમાં મદદ કરવા પ્રયત્ન કરતી. દા.ત., તમારે મુંબઈથી ઉદેપુર જવું હોય તો [ત્યારે સીધી ટ્રેન ન હતી] અમદાવાદથી ઉદેપુરના આરક્ષણ માટે એ અમદાવાદ સ્ટેશનને તાર મોકલતા.

    ટૂંકમાં, રિઝર્વેશનની આખી સિસ્ટમ માનસિક તાણનું કારણ હતી. એ ભલું થજો રાજીવ ગાંધીનું કે બધાના વિરોધ છતાં કૉમ્પ્યુટર દાખલ કર્યા. તેમાં સાથ મળ્યો સારી ટેલિફોન વ્યવસ્થાનો અને આપણા વિશ્વવિખ્યાત કૉમ્પ્યુટર પ્રોગ્રામરોનો.

    પહેલાં શિસ્ત આવ્યું, પછી ઠેકઠેકાણે રિઝર્વેશન બારીઓ ખૂલી. મોબાઇલ આવતાં તો દૃશ્ય તદ્દન બદલી ગયું. જોકે, ચક્ર પૂરું થયું છે અને જૂની પેઢીને ફાવટ ન હોવાથી એ ફરીથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આશા રાખીએ. કે ટેક્નોલોજિ એનોય તોડ કાઢશે!


    સૌજન્યઃ નવનીત સમર્પણ * ઓગસ્ટ ૨૦૨૪


    [1]

    સૌરાષ્ટ્રમાં પહેલી રેલવે લાઈન નાખવાનું શ્રેય ભાવનગર રાજ્યને જાય છે. છેક ૧૮૮૦ ના ડિસેમ્બરમાં ભાવનગર ગોંડળ લાઈનનું ઉદઘાટન થયું. ૧૮૭૭ના દુકાળમાં લોકોને કામ આપવાની નેમથી એ લાઈન બની ખર્ચનો ત્રીજો ભાગ ગોંડળ રાજ્યએ આપ્યો. આ પહેલાં માત્ર વડોદરા રાજ્યએ પોતાની રેલ સેવા ચાલુ કરેલી. આઝાદી સમયે ભાવનગર રાજ્યની કુલ ૬૦૦ કિ.મી. રેલવે લાઈનો હતી.

    એના પછી પોતાની રેલવે લાઈનો નાખનારૂં ગોડળ હતું. તેણે પોતાની ૧૬૯ કિ.મી. લાઈનો નાખવા ઉપરાંત પોરબંદર રાજ્યની રેલ્વેનો વહીવટ પણ સંભાળ્યો. ૧૮૮૬મા મોરબીના રાજાએ વઢવાણ-વાંકાનેર વચ્ચે નેરોગેજ લાઈન નાખી, જેન પછીથી રાજકોટ – મોરબી સુધી લંબાવી મીટર ગેજમાં ફેરવી નંખાઈ. જૂનાગઢ અને જામનગર રાજ્યોએ પણ પોતપોતાના  ક્ષેત્રોમાં રેલવે લાઈનો નાખી.

    આજાદી પછી અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્રએ આ બધી રેલવે લાઈનો સંભાળી લીધી, જે છેવટે ભારતીય રેલવેમાં વિલય પામી.

    ’નવનીત – સમર્પણ’ના લેખ વિષે શ્રી અશોક પંડ્યાએ પ્રો.પી જી કોરાટના ‘ભાતીગળ સૌરાષ્ટ્ર’ના ૨૦૧૬ના અંકમાંથી તારવીને મોકલેલ પ્રતિભાવ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સમિતિ, અહેવાલ, પર્યાવરણ, નિસ્બત વગેરે વગેરે…

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિકાસ’ ખરેખર તો ભાવવાચક નામ છે, કેમ કે, તેને જોઈ કે સ્પર્શી શકાતો નથી, પણ અનુભવી અવશ્ય શકાય છે. બસ, એ માટે ‘ભાવના’ હોવી જોઈએ. આપણે ઘરની બહાર નીકળીએ અને ચાર રસ્તે ટ્રાફિક જામ મળે એમાં પણ ‘વિકાસ’ને સૂંઘી શકાય, અને છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પડેલા ટાયરફાડ ખાડામાં પણ વિકાસને પામી શકાય. હવે આપણા વિકાસશીલ દેશમાં વિચારશીલ નાગરિકોએ એટલું સમજી લેવાની જરૂર છે કે પોતાને ગમે કે ન ગમે, વિકાસની દોટ અવિરત વધતી રહેવાની છે.

    થોડા સમય અગાઉ કર્ણાટક સરકારે કસ્તૂરીરંગન અહેવાલ પરથી ધૂળ ખંખેરીને તેના અમલ બાબતે કંઈક સંચાર કર્યો. પણ એ પછી તેણે આ અહેવાલની ભલામણોને નકારી દીધી. આ સમિતિ,  તેનો અહેવાલ અને તેની ભલામણો તેમજ તેના અમલના ઈન્‍કારનો આખો ખેલ જાણવા જેવો છે.

    વાત ૨૦૧૧ની છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પશ્ચિમ ઘાટના અભ્યાસ માટે નિયુક્ત થયેલી માધવ ગાડગીલ સમિતિએ સૂચવ્યું કે પશ્ચિમ ઘાટની લગભગ સમગ્ર ગિરિમાળાને પર્યાવરણની રીતે સંવેદનશીલ વિસ્તાર (ઈકોલોજિકલી સેન્‍સીટીવ એરિયા-ઈ.એસ.એ.) ઘોષિત કરવામાં આવે. અહીંના વિવિધ વિસ્તારો માટે વિવિધ સ્તરનું રક્ષણ પૂરું પડાય, જે સંબંધિત વિસ્તારની નજાકત અનુસાર હોય. ઝોન 1માં ખનન, ઉષ્મા વિદ્યુત પ્લાન્‍ટ અને બંધ જેવી વિકાસપ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય. આનુવંશિક ફેરફાર કરાયો હોય એવા પાકને તમામ ઝોનમાં પ્રતિબંધિત કરાય. સ્વાભાવિકપણે જ આ સૂચનો આકરાં હતાં. તેની ટીકા થઈ, જેનો મુખ્ય સૂર એવો હતો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ- એમ છ રાજ્યોમાં પથરાયેલા પશ્ચિમ ઘાટને ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાથી એ તમામ રાજ્યોના વિકાસમાં અવરોધ ઊભો થશે. વિરોધીઓ તેમજ લોકો તરફથી થયેલા પ્રચંડ વિરોધને પગલે કેન્‍દ્ર સરકારે ૨૦૧૨માં કસ્તૂરીરંગન સમિતિ નીમી. સ્વાભાવિકપણે જ તેનો હેતુ ગાડગીલ સમિતિના અહેવાલને મંદ કરીને વધુ ‘સ્વીકાર્ય’ અને ‘વ્યવહારુ’ અહેવાલ આપવાનો હતો. કસ્તૂરીરંગન સમિતિએ આપેલા અહેવાલ અનુસાર પશ્ચિમ ઘાટનો ૩૭ ટકા જેટલો એટલે કે ૬૦,000 ચો.કિ.મી. વિસ્તાર ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાની ભલામણ હતી. આ વિસ્તાર પૈકીનો ૨૦,૬૬૮ ચો.કિ.મી. વિસ્તાર કર્ણાટકમાં આવેલો છે, જેમાં ૧,૫૭૬ ગામડાંનો સમાવેશ થાય છે.

    દેખીતી રીતે કસ્તૂરીરંગન સમિતિએ અગાઉની ગાડગીલ સમિતિના અહેવાલને ઘણી હદે મંદ કરી દીધો હતો, છતાં તેની ટીકા થઈ અને કર્ણાટક સરકારે આ અહેવાલને અભરાઈ પર ચડાવી દીધો. એ પછી ‘નવી ઘોડી નવો દાવ’ના ન્યાયે વનમંત્રી ઈશ્વર ખન્‍ડ્રેના વડપણ હેઠળની સમિતિએ ભલામણ કરીને ૧૬,૬૩૨ ચો.કિ.મી. વિસ્તારને ‘ઈ.એસ.એ.’ તરીકે ઘોષિત કરવા સૂચવ્યું. આમ, કસ્તૂરીરંગન સમિતિના અહેવાલમાં ઉલ્લેખાયેલા વિસ્તારમાં તેણે ૪,૦૩૬ ચો.કિ.મી.નો ઘટાડો કર્યો.

    પશ્ચિમ ઘાટમાં એવું તે શું છે કે તેમાં વિકાસકાર્યો કરવા માટે સમિતિઓ બનાવીને અહેવાલ મેળવવા પડે? ૨૦૧૨માં આ સમગ્ર વિસ્તારને વૈશ્વિક ધરોહર એટલે કે ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આખો વિસ્તાર અહીંની વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિને કારણે આગવું મૂલ્ય ધરાવે છે. આને કારણે અહીં કશું કામ સીધેસીધું શરૂ કરવામાં તકલીફ પડે છે. નહીંતર અત્યાર સુધી કશું બાકી રહ્યું હોત ખરું?

    વિચિત્રતા એ છે કે પોતાના રાજ્યને વિકસીત કરવાની હોડમાં આવા મૂલ્યવાન વિસ્તારનું મહત્ત્વ વિસારે પાડી દેવામાં આવે છે. દેખાડો એવો કરવામાં આવે છે કે જાણે પ્રકૃતિ અને પર્યાવરણની સરકારને બહુ ફિકર છે. બીજી બાજુ સરકાર દ્વારા નીમાયેલી સમિતિનો અહેવાલ પોતાને ‘અનુકૂળ’ ન આવે ત્યાં સુધી એક પછી બીજી સમિતિ રચાતી જાય છે. આમ છતાં એ હકીકત છે કે એકે સમિતિનો અહેવાલ એક હદથી આગળ જઈ શકતો નથી. એ જ દર્શાવે છે કે આ સમગ્ર વિસ્તાર પર્યાવરણની રીતે કેટલો સંવેદનશીલ છે.

    એક તરફ વિવિધ વિકાસપ્રકલ્પો માટે અઢળક નાણાં અનુદાનરૂપે ઠલવાઈ રહ્યા છે, જેમાં સ્વાભાવિકપણે જ પર્યાવરણના રક્ષણ માટે પણ અમુક ફાળવવામાં આવ્યા હશે, કેમ કે, એ વાસ્તવમાં થાય કે ન થાય, કાગળ પર થયેલું બતાવવું અગત્યનું છે.

    આની સમાંતરે હેબ્બલથી સીલ્ક રોડ જંક્શનને જોડતા ટનલ રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ પ્રકલ્પ મંજૂર કરાયો છે. સાડા અઢાર કિ.મી. લાંબા આ માર્ગના નિર્માણનો અંદાજ ૧૨,૬૯૦ કરોડ છે, એટલે કે પ્રતિ કિ.મી. ૬૮૫ કરોડ! વ્યવહારુ અભ્યાસ માટે સરકારે નીમેલા સલાહકારે હકીકતમાં બે ટનલ રોડ બનાવવાનું સૂચન કર્યું છે. એ પૈકી આ પ્રથમ પ્રકલ્પ ‘પાયલટ પ્રોજેક્ટ’ તરીકે બનાવવામાં આવશે. રાબેતા મુજબ, આ પ્રકલ્પ માટે જનમત લેવામાં આવ્યો નથી. હજી આ રકમ આરંભિક અંદાજ છે. સમાપન વખતે અંદાજિત રકમમાં અનેકગણો વધારો થતો હોય છે.

    બંગલૂરુના જ નહીં, વિશ્વભરના શહેરોના અનુભવે જણાયું છે કે શહેરોની ટ્રાફિક સમસ્યાનો ઊકેલ નવા રોડ, પુલ, બોગદાં કે અન્‍ડરપાસ બનાવવાથી કદી હલ થતો નથી, કેમ કે, ખાનગી વાહનો માટે જેટલી વધુ વ્યવસ્થા કરવામાં આવે એટલા વધુ પ્રમાણમાં તે રોડ પર ખડકાતાં રહે છે, અને સરવાળે ઠેરના ઠેર રહેવાય છે. આ અનુભવ હવે તો નાનાં નગરોમાં પણ થવા લાગ્યો છે.

    વિકાસ જો પર્યાવરણના ભોગે હોય, શાંતિના ભોગે હોય, નૈસર્ગિક સંપદાના ભોગે હોય, વન્ય જીવનના ભોગે હોય, તો એ વિકાસની અવસ્થા પ્રાપ્ત કરીને શું મેળવી લેવાનું?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ચેટજીપીટીમાં જિજ્ઞાસાવશ થોડી ડૂબકી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત ચેટબોટ ‘ચેટજીપીટી’ની બોલબાલા છે. એના વિશે ઉપરછલ્લું જાણતા લોકો એની વાત કરે ત્યારે એમનો અહોભાવ છૂપો રહેતો નથી. કહેશે – તમે જાણવા માગો તે બધું પલકવારમાં જણાવી દે છે.

    મને પણ કુતૂહલ થયું. મહાજ્ઞાની ચેટજીપીટી પાસે ગયો. શું પૂછવું તે નક્કી નહોતું. જિજ્ઞાસાવશ ગયો ગયો હતો એટલે થયું ‘જિજ્ઞાસા’ વિશે જ પૂછું. ચેટજીપીટીરૂપી જીન ‘માગ, માગ, માગે તે આપું’ એવા ભાવ સાથે મારી સામે હાજર હતો, મેં અલ્લાદીનની જેમ જાદુઈ ચિરાગ ઘસ્યો અને કહ્યું – મને ‘ક્યુરિયોસિટી’ – જિજ્ઞાસા – વિશે જણાવ. ચેટજીપીટીએ ફટાફટ ‘જિજ્ઞાસા’ વિશે ઘણી માહિતીનો ખડકલો કરી દીધો. નવુંનવું જાણવા માટે બાળસહજ જિજ્ઞાસાની જરૂરી છે. મોટા થયા પછી પણ બાળક જેવી જિજ્ઞાસા ટકી રહે તો ઘણાં સારાં પરિણામ આવે છે. માહિતી આપવા ઉત્સુક ચેટજીપીટીએ કહ્યું કે માનવજીવનને ધરમૂળથી બદલી નાખનાર ઘણી શોધના પાયામાં બાળસહજ જિજ્ઞાસા રહેલી છે. એનાં ઉદાહરણો પણ આપવા માંડ્યાં.

    સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો આઇઝેક ન્યૂટનનો. ઝાડ પરથી તૂટેલું સફરજન જમીન પર પડ્યું તે જોઈ ન્યૂટનને બાળકને થાય એવી જિજ્ઞાસા થઈ કે સફરજન જમીન પર કેમ પડ્યું? આકાશ તરફ ઉપર કેમ ન ગયું? એમાંથી એમણે ગુરુત્વાકર્ષણના બળની શોધ કરી.

    સી. વી. રામન સમુદ્રમાર્ગે મુસાફરી કરતા હતા ત્યારે પાણીમાં પડતા પ્રકાશતંરગો જોઈ એમને એના વિશે વધારે જાણવાનું કુતૂહલ થયું અને એમાંથી ‘રામન ઇફેક્ટ’ નામની ખૂબ મહત્ત્વની શોધ કરી શક્યા.

    ‘મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની બાલસહજ જિજ્ઞાસાએ એમને ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવી.

    ચેટજીપીટી પ્રાચીન સમયના મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટને પણ ભૂલ્યું નહીં.

    આ યાદી વધતી ગઈ. ચેટજીપીટીએ બાળસહજ જિજ્ઞાસામાંથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દુનિયાભરની વિભૂતિઓનાં નામ અને કાર્યોની વિગતોનો ઢગલો કરી દીધો.

    અમેરિકાના વોલ્ટ ડિઝનીની બાલસહજ જિજ્ઞાસામાંથી સર્જાયેલાં મિકી માઉસ જેવાં કાર્ટૂન ફિલ્મોનાં પાત્રો અને ડિઝનીલેન્ડની સ્થાપના જેવી અનેક સિદ્ધિઓની વિગતો આપી અને સાથે એમનું આ જાણીતું વિધાન પણ જણાવ્યું – ‘આગળ વધતા રહો, નવાનવા દરાવાજા ખોલતા રહો અને નવી દિશામાં આગળ વધતા રહો. માનવમાત્રમાં જિજ્ઞાસા હોય છે અને એને કારણે જ માણસ કશુંક ને કશુંક નવું કરતો રહે છે.’

    તમારી વાત સાચી, ચેટજીપીટી. હવે તમે સાદી ભાષામાં તમારી પોતાની ઓળખાણ આપો – મેં કહ્યું. જવાબ મળ્યો – ‘હું એક કોમ્પ્યૂટર પ્રોગ્રામ છું અને મારું કામ છે માનવ ભાષાને લેખિત કે મૌખિક રૂપમાં સમજી, મારી પાસે ઉપલબ્ધ માહિતીનો ખજાનો પ્રોસેસ કરી, તમે જાણવા માગતો હો એના યોગ્ય જવાબ આપવા.’

    મને રમૂજ સૂઝી એટલે મેં એને પૂછ્યું – તમારા વિશે રમૂજી ક્વૉટ્સ જણાવોને. એમાંથી એક કવૉટ મજા આવે એવો – ‘ચેટબોટ પિઝાની ડિલિવરી કરવા આવતા લોકો જેવું છે. એ એને મળેલા ઓર્ડરમાં ભૂલ કરશે, પરંતુ ડિલિવરી કરવામાં વિલંબ નહીં કરે!’

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર એન્ડ્રયુ એનજી નામના કોમ્પ્યૂટર નિષ્ણાતે પણ મજાકમાં કહ્યું છે – ‘ચેટબોટ ટીનએજર છોકરા-છોકરીની જેમ માને છે કે પોતે બધું જાણે છે, પણ વાસ્તવમાં કશું જાણતાં હોતાં નથી.’

    માણસ જ્યારે બધું જ યાદ રાખવાની જવાબદારી ચેટબોટ પર જ નાખી દે પછી શું બને?’ એવો સવાલ પૂછ્યો ત્યારે ચેટજીપીટીએ પોતાનો એક રમૂજી અનુભવ જણાવ્યો કે એક માણસ પોતાનું નામ જાણવા માટે પણ ચેટજીપીટીને પૂછે છે!

    કેટલાક લોકોમાં વધારે પડતી બિનજરૂરી જિજ્ઞાસા હોય છે. એમને દરેક બાબત વિશે સવાલ જન્મે છે. એવા એક ‘વધારે પડતા જિજ્ઞાસુ’એ પોતાના વિશે કહ્યું છે – ‘ હું જાણે એવો ડિટેક્ટિવ છું, જેની પાસે એક પણ કેસ નથી, છતાં સૌથી વ્યસ્ત રહું છું.’ ઘણા લોકોનો નેવું ટકા સમય પ્રશ્ર્નો પૂછવામાં જાય છે અને બાકીનો દસ ટકા સમય પોતાના ઘરની ચાવી કે પોતાનાં ચશ્માં શોધવા પાછળ ખર્ચાય છે.

    પછી મેં ચેટજીપીટીને કહ્યું – હવે મજાક પૂરી. મને જિજ્ઞાસા વિશે ગંભીર વાત જણાવો. જવાબ હાજર હતો – ‘જિજ્ઞાસા મીણબત્તીની જ્યોત જેવી છે. એના અજવાળામાં તમે જોવા જેવું ઘણું નવું જોઈ શકો છે. જિજ્ઞાસા માણસને યાદ અપાવે છે કે એણે હજી ઘણું જાણવાનું બાકી છે.’

    પછી મેં ચેટજીપીટીને વિચિત્ર સવાલ પૂછ્યો – ધારો કે માણસમાં જિજ્ઞાસા જ ન હોત તો શું બન્યું હોત? મારા આ સવાલથી ચેટજીપીટીને મજા આવી ગઈ. કહે – ‘તમે તો મને બહુ આકર્ષક સવાલ પૂછ્યો. એનો જવાબ છે – જિજ્ઞાસા ન હોત તો માણસને સવાલો થયા ન હોત અને નવીનવી શોધો શક્ય બની ન હોત. જિજ્ઞાસા વિના જ્ઞાન-વિજ્ઞાનનું ક્ષેત્ર બંધિયાર થઈ ગયું હોત. લોકોમાં સમસ્યામાંથી માર્ગ કાઢવાની આવડત વિકસી ન હોત. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓમાં સર્જનાત્મક કાર્યો થયાં ન હોત. માણસે નવા પ્રદેશો શોધ્યા ન હોત, સામાજિક પરંપરાઓમાં પરિવર્તનો આવ્યાં ન હોત, વિવિધ સંસ્કૃતિ–સભ્યતાનો પરિચય થયો ન હોત. તમને પણ જિજ્ઞાસા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ ન હોત,’ મેં કહ્યું, ‘આભાર, ચેટજીપીટીજી, બહુ મજા આવી’. જવાબ મળ્યો, મળતા રહેશું.

    ચેટજીપીટીમાં થોડી ડૂબકી મારી પછી મને થયું: આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સાથે પનારો પાડનાર નાસ્તિક માણસ પણ ભગવાનમાં માનતો થઈ જાય એવો જમાનો આવી ગયો છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • કેન્દ્ર અને પરિઘ : સંસ્કારપુરુષની વિચારયાત્રા

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ભારતીય પરંપરાની સમૃદ્ધ આચાર્ય – પરંપરાના કુળ સાથે નાળસંબંધે જોડાયેલા, સાંપ્રતકાળના અક્ષરદેહે વિદ્યમાન એવા આચાર્ય શ્રી યશવંત શુક્લ એમના વિદ્યાગુરુ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વિષ્ણુભાઈનો નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ છપાઈ રહ્યો છે અને તેનો આમુખ તમારે લખી દેવાનો છે (એ) સાંભળીને હું અવાક થઈ ગયો. ગંગાને અવળી કેમ કરીને વહેવડાવાય?..એ તો નારી અનધિકાર ચેષ્ટા કરી કહેવાય.. પણ પછીથી ખુદ વિષ્ણુભાઈનો મારા પર પત્ર આવ્યો.. એટલે હવે આ અર્ધ્ય લઈને ઉપસ્થિત થયો છું.’ (‘દ્રુમપર્ણ’, આવૃત્તિ પ્રથમ, પ્રસ્તાવના, પૃ.૧૨)

    આચાર્ય યશવંત શુક્લની શતાબ્દીવંદના નિમિત્તે એમના ‘કેન્દ્ર અને પરિઘ’ નિબંધસંગ્રહ વિશે વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપતો ડૉ. નીતિન વડગામાનો ફોન આવ્યો ત્યારે યશવંતભાઈએ અનુભવેલી આ મીઠી મૂંઝવણ ને ખચકાટનું સાદર સ્મરણ થઈ આવ્યું. યશવંતભાઈ મારા ગુરુજન ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતાના આદરણીય વિદ્યાગુરુ. મારા અભ્યાસ કે વક્તવ્યોના પ્રારંભિક કાળમાં સામે બેસીને મને ધ્યાનથી સાંભળતા યશવંતભાઈ ‘મારા વિદ્યાર્થીના વિદ્યાર્થીઓના અભ્યાસને ચકાસવો તો પડે ને ? કેવોક વારસો સચવાયો છે એ જોવા સ્તો !’ કહીને મને સત્કારતા એ ક્ષણોના સરવાળાએ એમનેય આ અર્ધ્ય ધરવાની ચેષ્ટા કરી બેસવાની હિંમત થઇ શકી છે.

    ‘કેન્દ્ર અને પરીઘ’ યશવંતભાઈનાં ત્રીસેક જેટલા નિબંધોનો સંગ્રહ ‘બુદ્ધિપ્રકાશ’, ‘સંસાર’, ‘નવચેતન’, ‘સંસ્કૃતિ’ જેવાં વિચારનિષ્ઠ સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખો અહીં ગ્રંથસ્થ થયા છે, જેનો સમયગાળો છેક ઓક્ટોબર ’૬૪ થી ’૮૦ દરમિયાનનો છે. પુસ્તકરૂપે આપણને મળ્યો નવેમ્બર ૧૯૮૦માં. કેટકેટલા વિષયો પર યશવંતભાઈએ વિચારણા કરી પણ એમની વિદ્વત્તા જેટલી મંચસ્થ ને મનસ્થ થઈ એટલી ગ્રંથસ્થ ન થઈ જેનો વસવસો આ સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રઘુવીર ચૌધરીએ પણ વ્યક્ત કર્યો જ છે : ‘એમણે આ શક્તિઓનો પૂરેપૂરો હિસાબ આપ્યો હોત તો? એક પૂરા સમયનો દ્રષ્ટિવંત સમીક્ષક સુલભ થાત.’(પ્રસ્તાવના)

    પણ તેમ છતાં આ સંગ્રહમાં યશવંતભાઈ પાસેથી જે સાંપડ્યું છે તે અમૂલ્ય સંપદા સમું છે. દરેક નિબંધનાં મથાળાં લેખકની વિચારસૃષ્ટિનો વ્યાપ સૂચવે તેવાં છે : ‘પહેલ અને પરંપરા’, ‘કાર્ય અને વિવેક’, ‘રાષ્ટ્રીય ચારિત્ર્ય અને સાંસ્કૃતિક પરિબળો’, ‘નારીનું સખી સ્વરૂપ’, ‘મૂલ્યોની કાયાપલટ’, ‘મૂલ્ય અને કવિધર્મ’, ‘લોકધર્મી પત્રકારત્વ’ અને સાહિત્ય પરિષદ, દિલ્હી અધિવેશનમાં અહેવાલરૂપે પ્રગટ થયેલ વ્યાખ્યાન ‘કેન્દ્ર અને પરિઘ. ૧૯૬૪ થી ૧૯૮૦ દરમિયાનની લેખકની આ વિચારયાત્રાનો નકશો એક બાજુથી એમનું ગજું પ્રગટ કરે છે તો બીજી બાજુથી એમની જીવન પ્રતિની નિસબત. પ્રકૃતિએ બૌદ્ધિક ગણાય ને જણાય એવા લેખકની અહીં પ્રગટ થયેલી વિચારયાત્રા એમની નિસબતને લઈને એમને આસ્તિકની પંગતમાં સ્થાન અપાવે એવી જણાય.

    પુસ્તકના આરંભે યેવતુશેન્કોનું આ વિધાન મુકાયું છે :

    ‘તારામાં જે કંઈ સુન્દર છે
    તેનું મૂલ્ય ચૂકવવા માટે
    અનિશ્ચિતતાઓ, પરાજયો, ગુમાવ્યાની વેદનાઓ
    -એ બધું શું વધારે પડતું કહેવાય ?’

    લેખકની જીવન પ્રત્યેની કૃતજ્ઞતા, જે આ નિબંધોમાં સતત વરતાયા કરે છે, તેનો આરંભ કદાચ અહીંથી થયો છે.

    પ્રસ્તુત નિબંધો પ્રધાનતઃ ચિંતનાત્મક છે. પણ લેખકનું ચિંતન નિરીક્ષણ, અનુભવ ને એ અનુભવના અર્થઘટનથી રસાઈને દર્શનમાં પરિવર્તિત થતું સહૃદયને અનુભવાય છે. આવાં અનેક દષ્ટાંતો અહીં જડે છે :

    “આ સહેલું ને સલામત બંને મનુષ્યને એકસાથે જોઈએ છે અને બંને એક સાથે બધાં ને ન મળે એવી વિધિઘટના છે… અનુભવે એને સમજાઈ રહ્યું છે કે વ્યવસ્થિતતા જો બંધન છે તો મુક્તિ અનુભવવા માટે એ અનિવાર્ય પણ છે, અર્થાત જે કંઈ અગાઉથી ગોઠવાયેલું છે તે બધુંયે ફેંદી નાખીને, ઊથલપાથલ કરીને, ફેંકી દેવા સરખું નથી.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

    જીવન પ્રત્યેની નિસબતે લેખકને આપ્યું છે સમ્યક દર્શન. આથી જ પહેલ અને પરંપરાને બંનેનો સ્વીકાર કરતાં ટી.એસ. એલિયેટનું સ્મરણ કરાવે એવું વિધાન કરતાં લેખક નોંધે છે :

    ‘જૂની પરંપરાઓ તૂટે છે, પણ તૂટતાં તૂટતાંય એના જે અંશોમાં જીવનનું સ્થાયી દૈવત પડેલું હોય છે તે નવી પરંપરા સાથે ગંઠાઈ જાય છે અને ભૂત વર્તમાનમાં પ્રવેશીને ભવિષ્યને અભિનવ ઝોક આપે છે. આમ પહેલ અને પરંપરા વચ્ચેના ઘમસાણ દ્વારા ત્રિકાલનું અનુસંધાન થાય છે.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

    ગંભીર અને ગહન વિષયની ચર્ચાની માંડણી કરતી વેળાએ યશવંતભાઈમાં રહેલો કેળવણીકાર ને ભાષાસ્વામી એની કેવી તો મદદે આવી છે તે જોવા જેવું છે. ‘ચાર વિચાર –બિંદુ’ની વાત માંડતાં ‘અભય’ પર લેખકે પહેલી પસંદગી ઉતારી છે . દૈવી સંપત્તિમાંની પ્રથમ એવા અભયને લેખક કેવી રીતે મૂલવે છે ? તેમને મને, ‘ભગવદગીતાકારે દૈવી સંપત્તિઓનું વર્ણન કરતાં અભયનો ઉલ્લેખ સૌથી પહેલો કર્યો તે કેવળ અનુષ્ટુપ છંદની આમન્યા પાળવા તો નહીં આમાન્યા પાડવા તો નહીં જ. એનું એક રહસ્ય છે, અને તે કદાચ એ છે કે સર્વ ગુણોમાં એ શ્રેષ્ઠ છે…’ તે પછી એમની મૌલિક અર્થઘટનશક્તિને ઉઘાડતાં જણાવે છે : ‘અભય એ જીવનની ઉપેક્ષા નથી, પણ જીવનનો સ્વીકાર છે. જીવનના જ વિજય માટે અસ્તિત્વલોપની બીજી ચિંતા છોડે તે નિર્ભય.’ (પૃ.૨૫)

    સામાન્યતઃ જેના વિશે વાત કરતાં વ્યક્તિગત આગ્રહો, અભિગ્રહો નડે ને શૈલી અભિનિવેશપૂર્ણ બની જાય એવા વિષયોને ચર્ચતી વેળાએ લેખકની સ્વસ્થતા ને સમતોલ દ્રષ્ટિકોણ અહીં પાને પાને પ્રગટ થઈને લેખકને માત્ર વિચારક નહીં પણ આચાર્ય ઠેરવતા રહે છે. ‘લોકશાહી અને ધર્મસહિષ્ણુતા’જેવા સંવદેનશીલ મુદ્દાને ચર્ચતા લેખક નોંધે છે : (લોકશાહીમાં) વિચાર કહેવાય છે અને વિચાર સહેવાય છે, તેથી જ વૈચારિક સંઘર્ષને અંતે સંમતિનું તત્ત્વ ઊપસી રહે છે.’(પૃ.૮૯)

    પણ લેખકને મતે આ વિચાર શું છે? “વિચાર એ પથ્થર નથી કે કોઈને વાગે. વિચારનું બળ ઘણું મોટું છે. પણ એ માનવચેતનામાં સરે છે અને ચેતનાનો અંશ બને છે. ચેતનાનો પ્રવાહ બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારોમાં રહેલું હોય છે…’(પૃ.૯૦)

    તો ‘મૂલ્યોની કાયાપલટ ‘ જેવા નાજુક વિષય વિશે વાત કરતાં જરાય ડગ્યા વિના લેખક નોંધે છે : ‘મૂલ્યોની કાયાપલટ કેવળ આજનું સત્ય નથી, એ ચિરકાલનું સત્ય છે.’(પૃ.૧૯૨) આખરે આ વિચારનો, આ મૂંઝવણનો નિષ્કર્ષ શું ? લેખકને એમની પ્રતિભામાંથી એ આમ સાંપડે છે :”.વ્યક્તિ જો સમષ્ટિ સાથે ભિન્નતા અનુભવતી હોય તો વિશ્વભાવ જખ મારે છે. આ દ્વૈતનો પરિહાર બુદ્ધે, મહાવીરે, ગાંધીએ મૈત્રી અને કરુણા દ્વારા કરવાની માનવજાતને શીખ દીધી હતી.તેઓ એ મૂલ્ય જીવી ગયા હતા. એ મૂલ્ય ગઈ કાલે પણ હતું, આજે પણ છે.. માનવપ્રેમનું આ મૂલ્ય આજનું સત્ય ખરું કે નહીં ?” (પૃ.૧૯૭) અત્યંત માર્દવ અને જીવતરના અનુભવના દોહનમાંથી સાંપડેલું દર્શન પ્રશ્નના રૂપમાં મૂકીને તે એમાં જ એનો ઉત્તર વીંટી આપીને લેખક ખસી ગયા છે. ક્રાન્તિકારી વિચારધારાનો સહૃદય પૂરો પરિચય કરાવ્યા છતાં અનાગ્રહિતાનું અહીં થતું દર્શન સહૃદયને એક જુદા પ્રકારના ભાવજગતની અનુભૂતિમાં મૂકી આપે છે.

    જોરશોરથી ચર્ચા માગી લે એવા વિષયોનું નિરાકરણ લેખકે ચપટી વગાડતાં કરી આપ્યું છે. ‘વિદ્વદભોગ્ય અને લોકભોગ્ય’ સાહિત્યની ચર્ચાને આરોપતું આ વિધાન એનું દ્રષ્ટાન્ત છે : ‘એ બે વચ્ચનો ભેદ સૌંદર્યલક્ષી નહીં, પપ્રત્યાયનલક્ષી છે. ભાવકના હૃદયને આંદોલિત કરવાની શક્તિ એ તો નોખી જ શક્તિ છે.’ (પૃ.૨૧૯)

    કાલિદાસે કથેલા નારીનાં સ્વરૂપોને પોતાના દ્રષ્ટિકોણથી મૂલવતાં લેખક નોંધે છે : ‘ગૃહિણી સ્વરૂપમાં સચિવ સ્વરૂપ ભળે તો નારીજીવનની એટલી વધુ કૃતાર્થતા..’ પણ લેખક કાલિદાસકથિત નારીનાં ચતુર્થ રૂપ-પ્રિય શિષ્યાનાં રૂપને મૌલિક અભિગમથી અજવાળતાં નોંધે છે :’…જો સ્ત્રી કોઈક કોઈક બાબતમાં પુરુષની પ્રિય શિષ્યા બની રહેતી હોય તો પુરુષ પણ ઘણી બાબતમાં સ્ત્રીનો પ્રિય શિષ્ય બની રહેતો હોય છે. મને લાગે છે કે આ એવો એક વિશિષ્ટ ગુરુશિષ્ય સંબંધ છે, જેમાં વખતોવખત ગુરુ અને શિષ્ય પોતાનાં સ્થાનોની અદલાબદલી કરી લેતા હોય છે.’(પૃ.૭૩)કવિ કુલગુરુ કાલિદાસની ચેતનાનો સાંપ્રત યુગમાં થયેલો, કવિનેય કૃતાર્થ કરી દેતો આ કેવો ચેતોવિસ્તાર !

    પત્રકારત્વ  અને એ સંદર્ભમાં દૈનિકો, ચર્ચાપત્રોની ચર્ચા કરતા અંતિમ નિબંધ ‘કેન્દ્ર અને પરિઘ’માં શીર્ષક અને લેખકની વિચારધારાનો અંતિમ પરિપાક નિષ્પન્ન થયો છે, જેમાં આવનારા ભવિષ્યનું સાફ દર્શન છે, એને કારણે જાગેલા વિષાદનો ધીમો સળવળાટ છે તે છતાં એમાંથી નીકળી શકતા માર્ગનું દર્શન પણ છે. “સમાજ વધારે ને વધારે વિશાળ થતો રહેવાનો છે, કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર ઉત્તરોત્તર કપાતું રહેવાનું છે. રાજ્યસંસ્થાની પવિત્રતાનો ભાવ ઓસરતો જવાનો છે. અને લોકો સમાનતા સ્થાપીને જ જંપવાના છે. એ પરિસ્થિતિની ઇષ્ટાનિષ્ટતા વિશે આપણો ખ્યાલ ગમે તે હોય, પણ એની અનિવાર્યતા ફીટવાની નથી. તેથી જ વિચારશીલ સમાજનું નિર્માણ કરવામાં પત્રકારત્વે વ્યવસાય તરીકે નિશ્વયપૂર્વક ફાળો આપવો ઘટે છે અને વચગાળાની પ્રક્રિયાજન્ય વેદનાને સહ્ય બને એવી પરિસ્થિતિ સરજવી ઘટે છે. (પૃ.૨૮૩-૮૪)

    પોતાના આ નિબંધસંગ્રહની પ્રાકટ્યવેળાએ યશવંતભાઈએ ઋણસ્વીકાર કરતાં નોંધ્યું છે : “ઋણસ્વીકાર સિવાય આ નિબંધસંગ્રહ વિષે મારે જો કશું પણ કહેવાનું હોય તો તે આટલું જ કે ચાર દાયકા જેટલા સમયગાળા ઉપર પથરાયેલા આ લેખો ફરી વાંચી જતાં એમાં વ્યક્ત થયેલા વિચારો વિશેની મારી શ્રદ્ધા બદલાઈ નથી.’ લેખકની શતાબ્દી વેળાએ તો આ લેખોને લગભગ આઠ દાયકા થવા આવ્યા છતાંય સહૃદય યશવંતભીની આ અડોલ આત્મશ્રદ્ધા સાથે પૂરેપૂરો સંમત થાય એટલી  નક્કરતા, સચ્ચાઈ, મૌલિકતા ને શાશ્વતી એમાં સચવાયેલાં છે, જેનાં મૂળિયાં આગળ નોંધેલી લેખકની આસિકતા, જીવન પ્રત્યેની નિસબતમાં પડેલાં છે.

    જીવન, સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ જેવાં પાસાંઓને ચર્ચતા યશવંતભાઈને નિરાશ કરે એવુંય ઘણું જોવા અનુભવવા મળ્યું જ હોય. પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરી આ અંગે ઈશારો કરતાં ઉચિત રીતે જણાવે છે તેમ, ‘ગાંધીજીના વાંદરાઓમાંથી ત્રણે ત્રણનો આદર્શ એમણે પાળ્યો નથી. ઘણું ખરાબ જોયું છે , સાંભળ્યું છે. એટલે કે તપોવનકાળથી આ ઉધાર જમાના સુધીની અવધિમાં ઉપવન અને રુગ્ણાલય સઘળાની હયાતીથી એ વાકેફ છે. તેથી એ ક્યારેય ભોળા આદર્શવાદી કે રુગ્ણ રોમાન્ટિક લાગતા નથી. એમની પાસેથી એક વ્યવહારુ, બૌદ્ધિકતા તાજા પ્રતિભાવ સતત મળતા રહ્યા છે.’ ને તેથી જ એમનું લગભગ અંતિમ મૂલ્યાંકન કરતાં રઘુવીરભાઈ નોંધે છે : ‘કશાય માટે નર્યો અહોભાવ નહીં, તેમ કશાયનો અભાવો પણ નહીં.. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શક્ય બનતો સમન્વય તાકીને એમણે ગમ્ધીયુગનો ઉત્તરાધિકાર શોભાવ્યો છે.’

    પોતાના વિદ્યાગુરુ વિષ્ણુપ્રસાદ માટે પ્રસ્તાવનાનો અર્ધ્ય ધરનાર યશવંતભાઈ ને ‘દ્ર્રુમપર્ણ’માંથી પસાર થતાં એમને સાંપડેલી પ્રાપ્તિ ‘કેન્દ્ર અને પરિઘ’માંથી પસાર થતાં મારા સહિતના સૌ અભિભાવકોનીય એવી જ પ્રાપ્તિ એવું જ વળતર, જે એમને એમના જ શબ્દોમાં અર્પણ કરવાનું મન થાય.(આ અર્ધ્યથી) પુણ્ય એ રળ્યો છું કે મારા વિદ્યાગુરુની સમગ્ર ભાવનાસૃષ્ટિની પરિશીલન કરવાની આ નિમિત્તે મને ઉત્તમ તક મળી છે.’ આ જ તો આચાર્ય પરંપરાના વાહક યશવંતભાઈની ઓળખ !


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અરણ્યેર દિન રાત્રિ – જંગલમાં રહેતા લોકો જંગલી મુદ્દલ નથી હોતાં

    સંવાદિતા

    કેટલાક વિવેચકો ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ને સત્યજીત રાયની ‘ અપ્પુ ત્રયી ‘ સિવાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મ માને છે

    ભગવાન થાવરાણી

    પોતાની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ ઉપરથી સર્જનાર સત્યજીત રાયે બંગાળીનાં વિખ્યાત સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાયની બે નવલકથાઓ ‘ પ્રતિદ્વંદી ‘ અને ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ઉપરથી એક જ વર્ષ ૧૯૭૦ માં એ જ નામની ફિલ્મો બનાવી. રાયની દરેક ફિલ્મની જેમ ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ( જંગલના રાત દિન ) પણ એક વિલક્ષણ ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરછલ્લી રીતે દેખાય છે એક હલકી ફુલ્કી અને અલગારી પ્રવાસ – ગાથા પણ એની ભીતરના પ્રવાહો જુદા છે. એ છે માણસ, પ્રકૃતિ અને માણસની પ્રકૃતિનો અભ્યાસ !

    ચાર શહેરી યુવકો અશીમ, સંજય, હરિ અને શેખર શહેરની દોડધામભરી જિંદગીથી છુટકારો પામવા અને જંગલમાં મોજમસ્તી કરવા કલકત્તાથી અશીમની આગેવાની હેઠળ એની કારમાં નીકળે છે. એમનું લક્ષ્ય છે કલકત્તાથી દૂર પાલામાઉ ( ઝારખંડ ) ના જંગલો. ચારેય અપરિણિત છે અને પ્રકૃતિએ છેક જ ભિન્ન. એમને મોકળાશ ઉપરાંત મસ્તી, મદિરા અને મોહિનીની તલાશ છે. દેખીતી રીતે એમને શહેરથી મુક્તિ જોઈએ છે પરંતુ શહેર અને શહેરી જીવનનાં બધાં જ દૂષણો એ લોકો સાથે લઈ જાય છે. મંડળીમાં અશીમ અને સંજય પ્રતિષ્ઠિત અધિકારીઓ છે. હરિ વિષયાસક્ત નિષ્ફળ પ્રેમી છે અને શેખર બેકાર પણ વિદૂષક અને બધાની સારસંભાળ રાખનાર વડીલ ! ચારેયમાં ઈમાનદાર પણ એ જ છે. અશીમને પોતાની કારકિર્દી પોકળ અને કંટાળાજનક લાગે છે તો દંભી સંજય પોતાના માર્ક્સવાદી વિચારોની આડશમાં એનું મધ્યમવર્ગીય ડરપોકપણું સંતાડીને કંટાળ્યો છે.

    રસ્તામાં પેટ્રોલ ભરાવતી વખતનું પેટ્રોલ પંપના કર્મચારી સાથેનું એમનું તોછડાઈભર્યું વર્તન અને ડાકબંગલાનો રસ્તો ચીંધવા સાથે લીધેલા આદિવાસી સાથેની આભડછેટ જ એમનો જીવન અને જંગલ પ્રત્યેનો અભિગમ દર્શાવી દે છે.એ લોકોને જંગલના સરકારી ડાકબંગલામાં રહેવું છે પણ ‘ બધું અને બધાને ખરીદી શકાય છે ‘ એ શહેરી આત્મવિશ્વાસ પર મુસ્તાક રહી એમણે કોઈ બુકીંગ કરવાની તસ્દી લીધી નથી. અશીમ એમાં પારંગત છે. બંગલાના ચોકીદારને લાંચ આપી, ફોડી એ એમાં કામિયાબ થાય છે.

    ચારે જંગલ વચ્ચેના દેસી દારૂના અડ્ડે પહોંચે છે. શેખર સિવાયના ત્રણે દારૂ પીને છાકટા થાય છે. દારૂ પી રહેલી આદિવાસી સ્ત્રીઓના ઝૂંડને જોઈ હરિને થાય છે કે આમાંની કોઈને થોડાક પૈસા આપીને પટાવી લેવી તો સાવ આસાન ! આવ્યા છીએ તો ફેરો વસૂલ થવો જોઈએ.

    જંગલમાં જ એમનો ભેટો એક સુશિક્ષિત પરિવાર અને એની બે સ્ત્રીઓ અપર્ણા અને જયા સાથે થાય છે. એ પરિવાર વેકેશન કરવા પોતાના બંગલામાં આવીને રહ્યો છે. અપર્ણા પ્રગલ્ભ જાજરમાન નારી છે જે અશીમ જેવા યુવકોનો અહમ અને વૃતિ પિછાણે છે. જયા વિધવા છે પરંતુ બિંધાસ્ત છે.

    ફિલ્મમાં આ છયે પાત્રોને સાંકળતો એક અદભુત હળવો પ્રસંગ છે. રાયની નિર્દેશક અને કેમેરામેન તરીકેની એટલી બધી ખૂબીઓ એમાં નિહિત છે કે ફિલ્મકળાના વિદ્યાર્થીઓને એ પાઠ્યક્રમમાં શીખવવામાં આવે છે. ડાકબંગલાના પ્રાંગણમાં એ બધા ‘ મેમરી ગેમ ‘ તરીકે ઓળખાતી એક રમત રમે છે. કુંડાળામાં બેઠેલા ખેલાડીઓમાંનો એક પોતાના માનીતા કોઈ પણ પાત્રનું નામ બોલે. એના પછીનો એ પાત્ર ઉપરાંત પોતાની પસંદગીના ચરિત્ર એમ બે નામ બોલે. ત્રીજો એ જ ક્રમ બરકરાર રાખી ત્રણ નામ બોલે. જેનાથી બધાં નામ બોલવામાં અથવા એના ક્રમમાં ચૂક થાય એ રમતમાંથી બાકાત ! છેલ્લે જે બધાં નામ સાચા ક્રમમાં યાદ રાખી શકે એ વિજેતા ! રમત તો ઠીક, સમગ્ર દ્રષ્ય દરમિયાન વચ્ચે કેમેરા રાખી સર્જકે બધા પાત્રો, એમની માનસિકતા અને અવઢવ જે કુનેહથી ઝીલી છે એ બેમિસાલ છે.

    જંગલના રોકાણ દરમિયાન ચારેય મિત્રો અજાણપણે ઘણું બધું શીખે છે .પરત કલકત્તા પ્રયાણ કરે છે ત્યારે કોઇ બોલતું નથી પરંતુ દરેક જાણે છે કે એમની અહીં આવ્યા પહેલાંની માન્યતાઓ અને અભિગમમાં કશીક ત્રુટિ હતી. અશીમને અપર્ણાનો સંગ અને એની જંગલ અને સામાન્ય લોકો તરફની દ્રષ્ટિ કશુંક શીખવે છે. સંજય અપર્ણાની ભાભી જયાના દૈહિક નિમંત્રણને ડરપોક બની નકારે છે એ પશ્ચાતાપ પીડે છે. હરિને આદિવાસી સ્ત્રી દુલીનું આકર્ષણ અને સંસર્ગ ખતા ખવડાવે છે તો નિર્લેપ અને તટસ્થ શેખરને ત્રણે મિત્રોની દશા કશુંક શીખવે છે. વધારામાં આ દરેક શીખ્યા છે અનુકંપા, અન્યનો આદર, અન્યના દ્રષ્ટિકોણનું જગત જોવાની આવડત અને ગરીબ એટલે ઉતરતા એ માન્યતામાંથી મુક્તિ ! જંગલ એક રીતે એમને અરીસો દેખાડે છે, જાતને પ્રથમ નીરખવાનો પડકાર જાણે !

    હંમેશ મુજબ અહીં પણ રાયના બધાં પાત્રો પોતાની બધી ઊણપો સાથે હાજર છે. દરેકમાં ખામીઓ છે પણ કોઈ ખલનાયક નથી. બધાં હાડચામના મનુષ્યો છે. હંમેશની જેમ એમના સ્ત્રી પાત્રો મજબૂત છે. એ બધાં પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ બાબતે જાગૃત છે અને એ અભિવ્યક્ત કરતાં ક્ષોભ અનુભવતાં નથી.

    ફિલ્મમાં આદિવાસીઓનો વ્યવસ્થા તરફનો – સભ્ય સમાજ તરફનો અસંતોષ ક્યાંકને ક્યાંક ડોકાય છે. ફિલ્મ ઉપર રાયના ગુરુ જ્યાં રેન્વારની ૧૯૩૬ ની ફિલ્મ ‘ અ ડે ઈન ધ કંટ્રી ‘ ની અસર વર્તાય છે.

    આ ફિલ્મ બન્યાના ૩૪ વર્ષ બાદ ૨૦૦૩ માં વિખ્યાત બંગાળી ફિલ્મકાર ગૌતમ ઘોષે એ જ કથાના અનુસંધાનમાં એક ફિલ્મ સર્જી ‘ આબાર અરણ્યે ‘ ( ફરી જંગલમાં ). ચાર મિત્રોમાંથી શેખર ( રબી ઘોષ ) અવસાન પામ્યા હતા. અશીમ ( સૌમિત્ર ચેટર્જી ), સંજય ( શુભેંદુ ચેટર્જી ), હરિ ( સમીત ભંજ ) અને અપર્ણા ( શર્મિલા ટાગોર ) હયાત હતાં. નવી કથામાં અશીમ અને અપર્ણા પરણી ચૂક્યા છે. જૂનું જીવન ફરી તાજું કરવા ત્રણે મિત્રો પોતાની પત્ની અને ઉંમરલાયક સંતાનો સહિત ફરી એ જ અરણ્યના એ જ વિસ્તારમાં જાય છે.

    એક દિવસ અશીમ – અપર્ણાની યુવાન પુત્રી અમૃતા ( તબુ ) ગુમ થઈ જાય છે. ખબર પડે છે કે એનું અપહરણ સ્થાનિક આદિવાસીઓના એક જૂથે કરેલ છે. એમને સ્થાનિક આદિવાસી બાળકોના ભણતર માટે પૈસા જોઈએ છે. એ પણ બહાર આવે છે કે અમૃતાને આ આદિવાસીઓની માંગ માટે સહાનુભૂતિ છે અને એ લોકોએ અપહરણ પછી એને બિલકુલ આદર અને પ્રેમપૂર્વક રાખી છે. ખંડણી મળતાં છોકરીને છોડી મૂકવામાં આવે છે પરંતુ એ પોતે આ છુટકારાથી ખુશ નથી !

    ગૌતમ ઘોષ સિદ્ધહસ્ત સર્જક છે ( સ્મિતા – નસીરની યાદગાર ફિલ્મ ‘ પાર ‘ એમની હતી ) પરંતુ આ ફિલ્મ ગુણવત્તામાં મૂળ ‘ અરણ્યેર ..’ની આસપાસ પણ ફરકી શકે તેમ નથી. ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ જ જૂના પાત્રો અને કલાકારોને ત્રણ દાયકાના અંતરાલ બાદ જોવાં એ છે. બીજી રીતે જોઈએ તો જૂની ફિલ્મમાં તણખારૂપે ક્વચિત દેખાતો આદિવાસી અસંતોષ અહીં અગ્નિ બની પ્રગટ્યો છે.

    એક વધુ બંગાળી ફિલ્મ નામે ‘ આબાર અરણ્યેર દિન રાત્રિ ‘ ૨૦૨૪ માં આવી છે જેને અગાઉની બે ફિલ્મોના કથાનક સાથે કોઈ લેવાદેવા નથી.

    અંતમાં ‘ ન્યુયોર્ક ટાઈમ્સ ‘ દ્વારા લખાયેલી ‘ અરણ્યેર દિન રાત્રિ ‘વિષેની ટિપ્પણી. “ એક એવી વીરલ અને તૃપ્તિદાયક ફિલ્મ જે આપણને જીવતાં હોવાનો આનંદ બક્ષે છે ! ‘

    સાચ્ચે જ !


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મલાલાનું મહાભિનિષ્ક્રમણ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો,
    મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો.
    મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો,
    પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો.

                                          -કૈલાસ પંડિત

    જ્યારે શાંતિનું નોબેલ પ્રાઈઝ પાકિસ્તાનના ફાળે જાય છે એવી જાહેરાત થઈ ત્યારે આખા જગતને વિસ્મય થયું હતું. જગત જમાદાર અમેરિકા સહિતના બધા દેશો જાણે છે કે આતંકવાદી છાવણીઓ આ નાપાક દેશમાં ફૂલે ફાલે છે. પરંતુ ૧૯૦૧થી અપાતું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ ૨૦૧૪માં મલાલા યુસુફ્ઝઈ અને ભારતના કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રીતે આપવામાં આવ્યું એવું સાંભળીને એક સ્ત્રી તરીકે ગર્વિષ્ઠ બની. મલાલાની આકા વર્સીસ અક્ષરની ફાઈટમાં અનેક વળાંકો છે. જ્યાં સ્ત્રીશિક્ષણનો લહેરાતો રાષ્ટ્રધ્વજ લઈ ઉભેલી એક નાનકડી બાળકી છે. જેની ઉંમર હજુ ઘરનો ઉંબર ઓળંગીને સહિયરો સાથે નદીની ઊછળકૂદ પગમાં ભરી ધમાલ-મસ્તી કરવાની હોય એ ઉંમરે લોહીની નદી વછૂટતી જોવા મળે ત્યારે આંખો પથ્થર થઈ જાય. જે ઉંમર પીપરમેન્ટની ગોળી ચગળતા આનંદના આઠમાં આસમાને વિહરવાની હોય એ ઉંમરે બંધૂકની ગોળી ખાવાની આવે ત્યારે માનવતા કોમામાં સરી ગઈ હોય એવું લાગે. ઊગીને ઊભી થતી ફૂલ જેવી એક છોકરી ખૂંખાર આતંકવાદીઓને તાબે ન થઈને એકલા હાથે પાઠ ભણાવે છે. કન્યાકેળવણીનો પ્રચાર કરતી આ છોકરીને આતંકવાદીઓ શસ્ત્રો વડે પણ હંફાવી શક્યા નથી. એ મર્દાની છે મલાલા યુસુફઝઈ. મલાલાને ગાંધીજીની અનોખી વારસદાર કહી શકાય. શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારાઓમાં મલાલા સર્વ‍શ્રેષ્ઠ છે. આ સન્માન મલાલાને આપવાથી નોબેલ પ્રાઈઝ કમિટીના પોતાના સન્માનમાં વધારો થયો છે. ‘સામાન્ય માનવીનું તપોબળ કોઈ તોપના બળ કરતા હજારગણું શક્તિશાળી છે. આત્મબળ તો દરેક માણસ ધરાવતો હોય છે પણ કેટલાક તેને ઓળખી લે છે અને કેટલાકને તેનો પરિચય કરાવવો પડે છે’. એવું ગાંધીજી કહેતા. એમણે કરોડો ભારતીયોનું આત્મબળ જગાડ્યું. એ આત્મબળમાં એટલી તાકાત છે કે એ ભલભલી વ્યવસ્થા કે સત્તાને ઉખેડી ફગાવી શકે.

    બે સદી પહેલાં મહિલા સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ, ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો સપનાંમાં પણ સંભળાતા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્ન જેવી કુપ્રથાએ પગપેસારો કર્યો હતો. પરંતુ રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર આનંદીબાઈ જોશી અને સાવિત્રીબાઈ ફૂલે જેવી નિર્ભય અને સાહસિક ભારતીય મહિલાઓએ વર્ષો પહેલા કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. આજે નીતા અંબાણી તો ઘણા વખતથી કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવૃત્ત છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ તેમને મળેલી ભેટોની હરાજી કરાવતા હતા અને તે હરાજી થકી આવતાં ભંડોળનો ઉપયોગ કન્યાકેળવણી પાછળ કરતા હતા. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી પણ આ ક્રમ તેમણે જાળવી રાખ્યો છે. મલાલા યુસુફઝઈ પણ કન્યાકેળવણીનો એક અદમ્ય અવાજ બની. પાકિસ્તાનના ફંડામેન્ટાલીસ્ટ ઇસ્લામીઓએ આદેશ જારી કર્યો હતો કે શરિયા મુજબ મુસલમાનોમાં કન્યાકેળવણી પ્રતિબંધિત છે. મલાલાએ તેમની આ વાતનો વિરોધ કર્યો હતો અને તે પોતાના ગામમાં છોકરીઓને સ્કૂલમાં જવા સમજાવતી હતી. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી ઇસ્લામિસ્ટોએ આપી હતી, પરંતુ મલાલા પોતાની વાતમાં અડગ રહી હતી. મલાલાથી નારાજ ઉગ્રવાદીઓએ ૨૦૧૨માં આ પંદર વર્ષની નાની બાળકીના માથામાં ગોળી મારી દીધી. મલાલા ઘણા દિવસ કોમામાં રહી હતી અને જીવનમરણની લડાઈ લડી હતી. તેને વિદેશમાં સારવાર આપવામાં આવી હતી જેમાં તે બચી ગઈ હતી. ૨૦૧૨માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યાં સુધી તેનું નામ તેના ગામની બહાર કોઈએ સાંભળ્યું ય નહોતું. બ્રિટનમાં લાંબા સમય સુધી ઇલાજ કરાવ્યા બાદ મલાલા ઠીક થઈ શકી હતી. તાલિબાન એટેકને લીધે તે હારી જવાને બદલે હિમતવાન બની. જો કે ત્યાર પછીથી તે લાંબો સમય પાકિસ્તાનની બહાર જ રહી.

    પાકિસ્તાનના વાયવ્યમાં આવેલી સ્વાત ખીણમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ મલાલાનો જન્મ થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે તેણે ‘ગુલ મકઈ’ નામથી બીબીસી ઉર્દૂ માટે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. ત્યારે પહેલી વખત તેઓ ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યાં હતાં. બહારની દુનિયામાં વસતા લોકો માટે આ ડાયરી એક બારી હતી જેનાથી દુનિયાને જાણ થઈ કે સ્વાત ઘાટીમાં તાલિબાનના પડછાયા હેઠળ લોકોનું જીવન કેવી યાતનામાં વીતી રહ્યું હતું.

    ઑગસ્ટ-૨૦૧૪માં મલાલાના સ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલાને અનેક પારિતોષિકો અને સન્માનોથી નવાજવામાં આવેલા છે. જો કે પોતાના પુસ્તક ‘આઈ એમ મલાલા’ના ઉપસંહારમાં તે લખે છે કે ‘ગામ મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે’. ૨૦૧૪માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આ આખાય પુસ્તકનો સાર છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’

    યુનાઇટેડ નેશન્સે (UN) મલાલાને તેની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે બોલાવી હતી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. મિડિયા લખે છે કે UN દ્વારા કરવામાં આવેલું મલાલાનું આ સન્માન ખરા અર્થમાં વિશ્વસમાજે કરેલું સન્માન હતું. સન્માનના ઉત્તરમાં મલાલાએ અસરકારક ભાષણ આપ્યું હતું. મલાલાએ આતંકવાદીઓને ભાઈઓ તરીકે ઓળખાવ્યા હતા. આ એની ઉદ્દાત વિચારસરણી દર્શાવે છે. તેના પર હુમલો કરનારા આતંકવાદીઓને તેણે માફ કરી દીધા હતા અને તેમને વિનંતી કરી હતી કે કન્યાઓને ભણતી રોકવામાં ન આવે. તેણે કન્યાકેળવણી માટે બાકીનું જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. UNમાં મલાલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

    છોકરીઓને શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ મલાલા યુસુફઝઈને ૨૦૧૮નો ગ્લેટ્સ્મેન પુરસ્કાર આપી સન્માનિત કરી. ગ્લેટ્સ્મેન એવોર્ડ હેઠળ વિશ્વભરનાં લોકોના જીવનસ્તરમાં સુધારણા માટે કામ કરનાર વ્યક્તિને ૧,૨૫,૦૦૦ ડોલર પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. આગળ મીડિયા નોંધે છે કે વર્ષ ૨૦૧૩માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૨મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો છે અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ભાગ્યે જ કોઈ વ્યક્તિ માટે આવો વિશિષ્ટ દિવસ ઊજવે છે. ૨૦૧૩ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. ૨૦૧૪માં જ તેને અધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ ૨૦૧૭માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર ૧૬ વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું. પાકિસ્તાન સરકારે તેણીને યુવા શાંતિ પુરસ્કાર એનાયત કરી તેણીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા એક કન્યાશાળાને પણ તેણીનું નામ આપવામાં આવ્યું છે. જગતના મુખ્ય પ્રતિષ્ઠિત સામાયિક ‘ટાઈમ’ દ્વારા તેણીને ૨૦૧૩ના વર્ષમાં ‘પર્સન ઓફ ધ યર’ તરીકે નામાંકિત કરવામાં આવી હતી, જેમાં તેણી બરાક ઓબામા પછી બીજા ક્રમે રહી હતી. મહિલાઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવવા બદલ તેને વીરતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. મલાલા યૂસૂફજઇને આ પુરસ્કાર ‘વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન’ના અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને પ્રદાન કર્યો હતો.

    મલાલાના માથામાં તાલીબાની આતંકીઓએ ગોળી મારી હતી તેમ છતાં તેણે કિશોરીઓના શિક્ષણનું કામ ચાલુ રાખ્યું હતું. તેના આ યોગદાન બદલ UNએ વર્ષ ૨૦૧૭માં પોતાની શાંતિ દૂત તરીકે સન્માનિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે મલાલા યુસુફઝઈને ૨૧મી સદીની ‘મોસ્ટ ફેમસ ટીનેજર ઈન ધ વર્લ્ડ’ જાહેર કરી છે. મલાલા પર ‘He Named Me Malala’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે ૨૦૧૫ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર બારેક જેટલાં પુસ્તકો પણ લખાયાં છે. તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો આંગળીના વેઢે ગણી ન શકાય તેટલી છે. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ કેટલી ઊંડી સમજ અને સંવેદના ! મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલર્સ તેણે ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધા હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

    એકવાર મલાલાએ જ્યારે કહેલું કે ‘પાકિસ્તાનને કાશ્મીર આપી દો’ ત્યારે ભારતીય શૂટર હિના સિદ્ધુએ કહ્યું’ પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો’ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફઝઇ દ્વારા અપાયેલા નિવેદનનો આ ભારતીય ખેલાડી દ્વારા યોગ્ય જવાબ અપાયો હતો. મલાલાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરની છોકરીઓની હાલત વિશે લખ્યું હતું, જેના પર હિનાએ તેમને કાશ્મીરની ચિંતા છોડીને જાતે જ પાકિસ્તાન પાછા આવી બતાવવાની વાત કહી હતી.

    તાલિબાની આતંકવાદીઓ સામે લડનારી મલાલા યુસુફઝઈની કહાની પર એક ફિલ્મ બની છે. જે એક અદ્દભુત બાયોપિક છે. નામ છે ‘ગુલ મકઈ’. આ ફિલ્મનું ડાયરેક્શન અમઝદ ખાને કર્યું છે. ગુલ-મકઈ એટલે મકાઈનું ફુલ. બીબીસીની ઉર્દૂ શાખા માટે મલાલા ગુલ-મકાઈ નામ હેઠળ બ્લોગ લખતી હતી. એથી આ ફિલ્મનું નામ ગુલ મકઈ રાખવામાં આવ્યું છે. એમ તો કન્યાકેળવણી પર ભાર મુકતી ગુજરાતી ફિલ્મ ‘આઇ.એમ.બન્ની’ પણ બનેલી છે જે કચ્છ જેવા વિશાળ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારની શિક્ષણની સ્થિતી અંગે જાગૃત કરે છે. મલાલાની લડાઈ હજુ પણ પુરી નથી થઈ. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. પુસ્તકના અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’


    ઇતિ

    ચિંતાના ઈલાજ તરીકે વ્હિસ્કી કરતા કર્મ બહેતર છે.

    થોમસ એડિસન


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.