-
ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?
નિસબત
ચંદુ મહેરિયા
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઈચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોના સૂચનો માંગ્યા હતા. એટલે ઈચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઉઠી છે.
ગ્રીક વાક્યાંશ યૂ થાનાટોસ પરથી યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઈચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઈચ્છામૃત્યુની અવારનવાર માંગ ઉઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઈચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઈચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃધ્ધ , અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતા હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઈચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તરપ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી ઈચ્છામૃત્યુની યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે. મારું શરીર અને મારી મરજી કે મારી ઈચ્છા મહત્વની કે સરકારનો કાયદો? એવા તર્ક પણ ઈચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.
ભારતમાં ઈચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી.સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે.એટલે તેણે ઈચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા.સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી.એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.
સક્રિય ઈચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઈચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે પરંતુ તેમના જીવવાના જરાય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે . સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ , પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે.એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી. જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું? એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.
માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઈચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે.ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવા ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે.ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દ્રષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે.પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઈચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઉભો થયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જોકે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાવહાલા જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.
સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં ઈચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવે તે ઈચ્છનીય છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
માનવી : રઘુ અને રાજહંસીની મિત્રતા વર્ણવતી બાળનવલ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા જ્ઞાનસત્રમાં અતિથિ સર્જક તરીકે પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી આવી રહ્યાનું સાંભળ્યું ત્યારે સહસા દડી આવેલું સ્મરણ એમની સંસ્કૃત બાલનવલ ‘માનવી’નું હતું. સ્કૉલર તો એ છે જ, પણ એમની વિદ્ધભોગ્ય કામગીરી ચર્ચવાનો અહીં ન તો અધિકાર છે, કે નથી એવો કોઈ આશય પણ. વાત જોકે આપણે ‘માનવી’ની કરતા હતા.
૨૦૨૧માં આવેલી આ બાલનવલ તરફ મારું ધ્યાન હજુ થોડા મહિના પર જ ગયું હતું. શિક્ષણમર્મી કૃષ્ણકુમારે એમની એક્સપ્રેસ નુક્તેચીનીમાં કહ્યું હતું કે પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરસ્કૃત કિશોરયુવા પ્રતિભા ગ્રેટા ધુનબર્ગ અંગ્રેજી અનુવાદ માટે ‘માનવી’થી પરિચિત હોત તો એણે સુંડલા મોંઢે એની જાહેરાત કરવામાં ધન્યતા અનુભવી હોત. ‘માનવી’ એ નવલનામ સંજ્ઞાવાચક છે. આ નામની એક રાજહંસી માનસરોવર ભણી પાછા ફરી રહેલા હંસવૃંદથી છૂટી પડી ગઈ છે. વૃંદસંગાથ છૂટી ગયો એનું કારણ આગળ વધતાં વચમાં કરેલ મુકામ દરમ્યાન બાળ રઘુ સાથેની મૈત્રીનું છે. ‘આવજો’ કહેવા ગઈ તે લંબાયું અને, દરમ્યાન, તકાજાવશ મિત્ર હંસ અનંત સહિતના સમગ્ર હંસવૃંદે પાંખો ફફડાવી…
આ ઘટનાસ્થળ બુંદેલખંડમાં નર્મદાતટે ભોપાલથી સાઠ કિલોમીટર છેટે વિદિશા કને વસેલું નાનું શું નંદનપુર છે. એક દિવસ ‘ઈન્ડિયા ન્યૂઝ’ અખબારમાં ચમક્યું કે અહીં લુપ્તપ્રાય પ્રજાતિવત રાજહંસ ખાસા ચાળીસેકની સંખ્યામાં ડેરો નાખી પડ્યા છે. સમાચારે સહજ ખેંચાયેલા પક્ષીવિદ સલીમ અલી ઊડતે વિમાને ને મારતી મોટરે નંદનપુર પહોંચે છે. પણ હંસવૃંદ તો ઊડી ગયું છે. રહી છે એકમાત્ર રાજહંસી માનવી.
આખી વાર્તા તો હું અહીં ક્યાંથી માંડું. પણ રઘુ અને માનવીની દોસ્તીનો, એમની વચ્ચે સંવાદની અજાયબીનો, એનો બજારુ કસ કાઢવા સરકસ પ્રવેશનો અંતરો, વળતે વરસે ભરતપુરના સરકસડેરા વખતે ત્યાંના પક્ષીવિહારમાં પોતાના હંસટોળા સારુ રઘુની કુમકથી માનવીની ખોજ, એમાં નિરાશા: આગળ ચાલતાં સરકસના રશિયા-મુકામ દરમ્યાન પોતાના હંસ સમુદાય સાથે પુનર્મિલન. અહીં જે બધા ચડાવ-ઉતારનો ઉપરટપકે નિર્દેશ કર્યો છે એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની વિખંડિત ને વિષમતુલા, બજારનાં બળો થકી મનુષ્ય ને પ્રકૃતિનું દોહન કહેતાં નિ:શેષ શોષણ, એ બધું એટલી સરળસોંસરી રીતે કહેવાયું છે કે કથિત બાલનવલ થકી એક આલા દરજ્જાની, ઉપદેશના મુદ્દલ મેદ વગરની બોધકથાનો સહજ સાક્ષાત્કાર થાય છે.
થાય છે, સત્યજિત રાય વહેલા ગયા, બાકી- સંસ્કૃતપંડિત કહેતાં જે એક જમાતજુર્દી આકૃતિ ઊભા થાય છે એને મુકાબલે ‘રાધાવલ્લભ ત્રિપાઠી દેખીતા અભ્યાસબોજ વગરના મૂળગામી રસવિહારી તરીકે આપણી સામે આવે છે. એ તમને વાત વાતમાં સરળતાથી એમ પણ કહી નાખે કે ‘સંસ્કૃત સાહિત્ય એક હદ તક પિતૃસત્તાક સમાજ કી ઉપજ હૈ.’ બીજી બાજુ, સંસ્કૃત સાહિત્યને આધુનિકતાનો સંસ્કાર આપતા આ વિદ્વાનની આંગળીએ તમને સંસ્કૃત કવિતાની લોકધર્મી પરંપરાનોયે હૃર્દ્ય પરિચય મળી રહે. દેશવિદેશમાં ઊંચી પાયરીના વિદ્વાન અધ્યાપક તરીકે પોંખાયેલા ને ઊંચકાયેલા રાધાવલ્લભ ત્રિપાઠીના ભાવજગત ને સંવેદનવિશ્વમાંથી સમકાલીન વાસ્તવ વિશે જે કાવ્યપંક્તિઓ સહજ ઊતરી આવે છે એની લગાર જિકર કરું?
એક રીતે આ નિર્દેશ ‘માનવી’માં વરતાયેલી પર્યાવરણ નિસબતની જ ફ્રિકવન્સી પરનો છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દેહલી (સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી)ના કુલપતિ તરીકે દિલ્હીમાં જે વર્ષો ગાળવાનાં બન્યાં ત્યારનું આ સંવેદન, નમૂના દાખલ:
આગ કી તરહ જલા નહીં સકતા
પાની કી તરહ ધારાઓ મેં નહીં બંટ પાતા
ધરતી કી તરહ નહીં ઉઠા સકતા બોજ* * *
આકાશ તો હૈ કેવલ આકાશ
ગગનચુંબી ઈમારતોં કે જંગલ મેં
વહ ભટકતા હૈ બદહવાસઉસે સબ ઔર સે પીસ રહી હૈં
ઈમારતોં કી ઘની પાંતે
ડરાતા હૈ ઉસે ધુઆં
પાઈપોં સે ફૂટતાઆકાશ ઢૂંઢતા ફિરતા હૈ
અપના ખુદ કા આકાશ
આકાશ કે લિયે કહીં નહીં હૈ
અવકાશ ક્યા કરે
બિચારા આકાશ?વેલ, ઓવર ટુ મહુવા!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૪-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં સ્થાપત્ય કળાનાં રેખાચિત્રો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Architecrural Sketches 122024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વકથા
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘પૂર્વભૂમિકા‘થી આગળ
અમે મૂળ કોંકણના રહેવાસી. મારા જન્મ પહેલાં મારા દાદાજી – નારાયણદાદા અને તેમના પિતાજી લક્ષ્મણદાદા કોંકણમાં રહેતા હતા. અમારા પ્રપિતામહ લક્ષ્મણદાદાને કોંકણના માવળ પ્રદેશના દેવળે ગામમાં ઘણી જમીન વંશપરંપરાગત પ્રાપ્ત થઈ હતી. અમારા પૂર્વજો ત્યાંના “વતનદાર’ એટલે જાગીરદાર હતા. તે ઉપરાંત લક્ષ્મણદાદાએ આંબા અને ફણસીની વાડીઓ પણ ખરીદી હતી. ખેતીવાડીની દેખભાળ તેઓ જાતે જ કરતા, તેથી ઊપજ ઘણી સારી આવતી. અમારાં ખેતરોમાં ઘણી ઊંચી જાતની ડાંગર પાકતી. લક્ષ્મણદાદાએ બે મકાન કોંકણમાં બંધાવ્યાં હતાં. તેમણે કદી નોકરી નહોતી કરી. તે વખતે લોકો બહુધા ખેતીવાડી જ કરતા. ખેતરનું ઉત્પન્ન ભરપૂર પ્રમાણમાં આવતું હોવાથી ઘરમાં કશાની ઊણપ ભાસતી નહોતી તેથી ઘરમાં કોઈને નોકરી કરવાની જરૂર નહોતી પડતી. અમારું ઘર સારું એવું સંપન્ન ગણાતું.
લક્ષ્મણદાદાને બે જ સંતતિ હતી. મારા દાદાજી અને તેમનાથી બે વર્ષે નાના ભાઈ – જેમને અમે દાદાકાકા કહેતા. બેઉ ભાઈઓને જનોઈ પહેરાવવાનો વિધિ કોંકણમાં જ થયો. બન્નેની ઉમર પાંચ-સાત વર્ષની થતાં તેમના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ એવો વિચાર લક્ષ્મણદાદા કરવા લાગ્યા. અમારા ગામડામાં નિશાળ નહોતી. તેથી તેમણે વિચાર કર્યો કે બન્ને પુત્રોને ભણવા માટે તાલુકાના ગામ મહાડ મોકલવા. આ વિચાર તેમણે પોતાનાં પત્નીને કહ્યો. તેમણે તરત સંમતિ આપી. પછી તો રોજ નોકરની સાથે સવારના પહોરમાં ભાઈઓને ગાડામાં બેસાડી નિશાળે મોકલવાની શરૂઆત થઈ. આમ અમારા નારાયણદાદા અને ગોવિંદદાદાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં થયું. તે વખતે અંગ્રેજી શીખવામાં કોઈને રસ નહોતો, તેથી તેમનું ભણતર ત્યાં જ રોકાઈ ગયું. થોડા ઉંમરલાયક થતાં બન્ને ભાઈઓ તેમના પિતાજીને ખેતીકામમાં મદદ કરવા લાગ્યા.
મારાં વડદાદી ઘણાં જ પ્રેમાળ હતાં તેથી બન્ને પુત્રોનાં લાડ – કૌતુક કરતાં અને તેમની બધી હોંશ પૂરી કરતાં. દીકરાઓ પણ માતા-પિતાની ઇચ્છા અને સંમતિને માન આપીને વર્તતા, તેથી બધાંના દિવસ આનંદથી વ્યતીત થતા હતા.
તે જમાનામાં છોકરાંનાં લગ્ન તેમના સોળમે વર્ષે કરવામાં આવતાં. અમારા લક્ષ્મણદાદાએ જોયું કે પુત્રો વયમાં આવ્યા છે તેથી તેમનાં લગ્ન કરવાં જોઈએ એવું તેમને લાગ્યું. અમારો પરિવાર પરંપરાગત જાગીરદાર હોઈ અમારું ખાનદાન ઘણું ઉચ્ચ કક્ષાનું ગણાતું. તેથી મારા દાદા માટે વડોદરાના એક ઊંચા ઘરાણાની કન્યા તરફથી કહેણ આવ્યું. દાદાકાકા માટે પણ વડોદરાની કન્યા આવી તેથી બન્ને ભાઈઓનાં લગ્ન વડોદરા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યાં. લક્ષ્મણદાદાના ઘરનું આ પહેલું જ શુભ કાર્ય હોવાથી લગ્નમાં કશી અડચણ ન આવી. ઠાઠમાઠથી લગ્નપ્રસંગ ઊજવી બન્ને પુત્રવધૂઓને લક્ષ્મણદાદા અમારે ગામ લઈ આવ્યા. તે વખતે મારાં દાદીમા બાર વર્ષનાં હતાં. મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવના હતાં તેથી બન્ને વહુઓને દીકરીઓની જેમ જ રાખતાં. તેમનાં લાડ ઘણા પ્રેમથી કરતાં, અને પૂજા તથા બધા વારતહેવાર પણ તેઓ ઘણા પ્રેમથી ઊજવતાં. તે જમાનામાં છોકરીઓને તેમનાં સાસરિયાંમાં ઘણો ત્રાસ આપવામાં આવતો, પણ અમારા ઘરનાં કુટુંબીજનો પ્રેમાળ હોવાથી વહુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થઈ.
દાદીમાના બાપુજી અને ભાઈ ગાયકવાડીમાં સારા હોદ્દા પર હતા. તેથી તેમનાં લાડકોડ પિયરમાં અને સાસરિયાંમાં ઘણી સારી રીતે થતાં. દાદીમા ૧૪ વર્ષની ઉમરે ગર્ભવતી થયાં તેથી તેમનાં મા તેમને વડોદરા લઈ ગયાં. દિવસ પૂર્ણ થતાં તેમને કન્યા અવતરી – મારાં મોટાં ફોઈ. તેમનું નામ યમુના રાખવામાં આવ્યું, યમુનાફોઈ ત્રણેક માસનાં થયા ત્યારે દાદીમા તેમને લઈ કોંકણ આવ્યાં.
બે કે ત્રણ વર્ષ બાદ મારા પરમ પૂજ્ય પિતાજીનો જન્મ થયો. પછી તો ઘરમાં કેટલો આનંદ છવાયો હતો! તેમનું નામ શંકર રાખવામાં આવ્યું. બે વર્ષ બાદ મારા કાકાનો જન્મ થયો. તેમનું નામકરણ યશવંત થયું. ત્યાર બાદ દાદા-દાદીને બીજી દીકરી અને ત્રીજો પુત્ર થયો. કમભાગ્યે મારા સૌથી નાના કાકા ચાર વર્ષના થઈને ગુજરી ગયા.
અમારા દાદાકાકા અને કાકીદાદીમાને હજી સુધી કોઈ સંતતિ ન થઈ. તેઓ ઘણાં ઉદાસ રહેવાં લાગ્યાં. તેમણે અને વડદાદીએ ઘણી બાધાઓ રાખી, વ્રત કર્યાં પણ કાંઈ ફાયદો. ન થયો. મારાં વડદાદી પણ ઘણાં ઝૂરવા લાગ્યાં. અંતે એક છેલ્લા ઉપાય તરીકે તેમણે જ્યોતિષીને ગ્રહ બતાવ્યા. જ્યારે તેણે કહ્યું કે તેમના નસીબમાં સંતતિ નથી ત્યારે બધાને ઘોર નિરાશા થઈ. અમારા વંશમાં શરૂઆતથી જ એવું થતું આવ્યું છે કે પરિવારમાં જન્મેલા ભાઈઓમાંથી એકનો જ વંશવેલો ચાલુ રહે, જ્યારે બીજાને દીકરીઓ જ જન્મે. દાદાકાકાને ત્યાં તો દીકરી પણ નહોતી અવતરી. આથી તેમણે પિતાની સંમતિથી એક નજીકના સગાનો છ મહિનાનો દીકરો દત્તક લીધો. તેનું નામ ગણેશ રાખ્યું. ઘરમાં ફરીથી આનંદનું વાતાવરણ આવ્યું અને દિવસ ખુશીમાં વ્યતીત થવા લાગ્યા. વડદાદી તો પૌત્રોનાં લાડકોડ કરવામાં મશગૂલ રહેવા લાગ્યાં!
મારાં મોટાં ફોઈને થોડુંઘણું શિક્ષણ લક્ષ્મણદાદાએ ઘરમાં જ આપ્યું, કારણ કે તે વખતે છોકરીઓને ભાગ્યે જ કોઈ નિશાળમાં મોકલતું. લોકો કહેતા કે અંતે તો દીકરીએ કોઈકના ઘેર જઈને રોટલા જ શેકવાના હોય છે, તો તે ભણીને શું કરશે? યમુનાફોઈ નવેક વર્ષનાં થયાં ત્યારે ઘરના વડીલો તેમનાં લગ્ન લેવા અંગેનો વિચાર કરવા લાગ્યા. તે સમયમાં છોકરીઓનાં લગ્ન વહેલાં કરી લેવાની પ્રથા હંતી. તેથી યોગ્ય મુરતિયો શોધવા માટે અભિયાન શરૂ થયું. મારા બાપુજીના મામાએ. વડોદરામાં એક સારો મુરતિયો શોધ્યો. પૂર્વે છોકરાની ઘરની પરિસ્થિતિ અને પૈસા જ જોવામાં આવતા, કારણ કે તે ઉંમરના છોકરાઓ તો કાંઈ કમાતા નહોતા. બિચારા પંદર-સોળ વર્ષની ઉમરના છોકરાને લગ્નનાં બંધનમાં ધકેલવામાં આવતા. વળી છોકરો કેવો નીકળશે એનો વિચાર તે જમાનાના લોક કદી કરતા નહોતા. ખેર, યમુનાફોઈ માટે વડોદરાનો મુરતિયો જોયો. પ્રસ્તુત વેવાઈનું ઘર મોટું અને પોતાની માલિકીનું હતું, તે જોઈને અમારાં ફોઈને તેમને અર્પણ કરવાનો વિચાર દાદાજીએ કર્યો. આમ એક દીકરીનાં લગ્ન અને પરિવારના ત્રણ દીકરાઓની જનોઈનો ભવ્ય વિધિ કોંકણમાં સંપન્ન થયો, અને યમુનાફોઈ સાસરિયે ગયાં.
અહીં અમારા ગામમાં મારા બાપુજી અને યશવંતકાકા તથા દાદાકાકાના દત્તકપુત્ર ગણેશની ઉમર નિશાળે જવા યોગ્ય થઈ. અમારા ગામમાં હજી નિશાળ ખૂલી નહોતી, તેથી મારા બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાને ગાડામાં બેસાડી નોકરની સાથે મહાડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. સવારના પહોરમાં છોકરાં નિશાળે જાય અને બપોરે પાછા આવે. તે વખતે અમારી જાહોજલાલી સારી હતી અને નોકરચાકર પણ ઘણા હતા, કારણ કે અમારી જમીનો વિશાળ હતી અને ગાય-ભેંસ પણ હોવાથી સાથી રાખવા જ પડતા. દાદીમા અને વડદાદી એકલાં કેટલું જુએ?
બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં પૂરું થયું. બાપુજી અને કાકાને વધુ ભણવાની ઇચ્છા હતી, તેથી તેમના આગળના અભ્યાસ માટે શું કરવું તેનો દાદાજી વિચાર કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણદાદા સાથે આની વાત કરી, અને અંતે સૌએ. નક્કી કર્યું કે છોકરાઓને ખેતીવાડીમાં લગાડવાને બદલે તેમની ઇચ્છા મુજબ આગળ અભ્યાસ કરાવવો. તેમણે દાદીમાના મોસાળમાં વડોદરા પૃચ્છા કરાવતાં તેમણે જણાવ્યું કે ત્રણે છોકરાઓને લઈ દાદાજી અને દાદાકાકા વડોદરા આવે. વડોદરામાં શિક્ષણની ઘણી સારી વ્યવસ્થા હતી. મારી દાદીમાના ભાઈ રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા તેથી જરૂર પડતાં દાદાજી અને દાદાકાકા માટે સારી નોકરી પણ શોધી આપશે તેવું તેમણે જણાવ્યું. અંતે બધી વાતનો વિચાર કરી બધાંએ નક્કી કર્યું કે દાદાજી તથા દાદાકાકાએ સપરિવાર વડોદરા જવું. અમારા લક્ષ્મણદાદા અને વડદાદી એટલાં પ્રેમાળ હતાં કે પોતાનાં સંતાનોના શ્રેય માટે કોઈ પણ પ્રકારનો અંતરાય આવવા દેતાં નહિ. પોતાનો તેમણે કદી વિચાર ન કર્યો. તેમણે કહ્યું, “અમારું તો આખું આયુષ્ય ખેતીવાડી કરવામાં ગયું. હવે અમારા પૌત્રોએ તો ભણીગણીને આગળ આવવું જોઈએ એમાં અમે ખુશ છીએ.’ આમ લક્ષ્મણદાદા અને વડદાદી એકલાં કોંકણમાં રહ્યાં.
ભારે મનથી જરૂર જેટલો સામાન લઈ બન્ને પરિવાર – નારાયણદાદા અને તેમના ભાઈ – વડોદરા આવ્યા. શરૂઆતના થોડા દિવસ અમારાં દાદીમાને પિયર રહી નારાયણદાદાએ એક ઘર વેચાતું લીધું અને પોતાના ભાઈ – પરિવાર સાથે ત્યાં રહેવા ગયા. મારા પિતરાઈ કાકાને ભણવામાં રસ નહોતો, તેથી મારા બાપુજી અને યશવંતકાકાને હાઈસ્કૂલમાં દાખલ કર્યા. મારા નાનાજી (દાદીમાના ભાઈ)એ મારા દાદાજીને અને દાદાકાકાને સરકારમાં નોકરીએ રખાવ્યા. વડોદરામાં ઉચ્ચ શિક્ષણની સગવડ ઘણી સારી હતી અને ઘણા લોકો કોંકણમાંથી અહીં આવવા લાગ્યા. વળી ચીજવસ્તુઓ પણ એટલી સસ્તી હતી કે ઘણા લોકોને વડોદરા આવવાની ઇચ્છા થવા લાગી હતી.
મારા પિતરાઈ કાકા – ગણેશકાકાની નોકરી કરવા જેટલી ઉમર થતાં તેઓ પોલીસ ખાતામાં ભરતી થયા. મારા દાદાજીએ બીજું મકાન બાંધવા માટે જમીન લીધી. અમારી કોંકણની જમીનના વાર્ષિક ઉત્પન્નમાંથી ઊપજતા પૈસા લક્ષ્મણદાદા અમારા દાદાજીને મોકલી આપતા. ઘરખર્ચમાંથી જે રકમ બચતી તે નારાયણદાદા ઘર બાંધવા માટે બાજુએ રાખી મૂકતા. કેટલાક સમયમાં તો તેમણે બે મોટી હવેલીઓ બંધાવી. આ ઉપરાંત એક મધ્યમ આકારનું મકાન બનાવ્યું, જેમાં અમારાં બન્ને કુટુંબ – દાદાજી તથા દાદાકાકાનો પરિવાર સંયુક્ત રીતે રહેવા લાગ્યાં.
દાદાજીએ ઘણી સાધન-સામગ્રી એકઠી કરી હતી. તેમણે બંધાવેલી હવેલીઓમાંની એક તો અમારા રહેઠાણની સામે જ હતી, અને તેમાં પાંચસો-સાતસો માણસોને ઉતારો, આપી શકાય એટલી જગ્યા હતી. બીજી હવેલી અમારા ઘરથી થોડે દૂર હતી. દાદાજી અને દાદાકાકાના પરિવારો હજી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કોઈ પણ નવી ચીજવસ્તુ ઘરમાં આવે તો બન્ને પરિવારોમાં સરખી રીતે વહેંચાય.
સમય જતાં બાપુજી અને યશવંતકાકા મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. અમારા ખાનદાનમાં આટલું શિક્ષણ પ્રાપ્ત કરનાર તેઓ પહેલા જ યુવાનો હતા તેથી લક્ષ્મણદાદા અને વડદાદીને ઘણો આનંદ થયો. પરિવારમાં વૃદ્ધિ થતી જોઈ લક્ષ્મણદાદા હવે કોંકણથી વડોદરા આવ્યા અને ગામમાંનો ખેતીવાડીનો વહીવટ સાથીઓ ઉપર છોડી દીધો. હવે અમારા દાદાકાકા જમીનની આવક લેવા દર વર્ષે કોંકણ જતા, પણ કાંઈ ને કાંઈ બહાનું બતાવી ઘરમાં ઓછા પૈસા આપવા લાગ્યા.
એક તરફ ઘરમાં ઓછી આવક બતાવી પૈસા ન આપે, અને બીજી તરફ પુત્રવધૂ માટે નવાં ઘરેણાં ઘડાવીને લઈ આવે. દાદાજીની નજરથી આ છાનું નહોતું રહેતું, પણ તેમણે એક અક્ષરથી ભાઈને પૂછ્યું નહિ કે તે આવું શા માટે કરે છે, ન તો કદી તેમને કદી ટોક્યા. દાદાજી અને દાદીમાએ. બધી વહુવારુઓ માટે એક સરખી રીતે, ન્યાયથી ચીજ-જણસ બનાવડાવીને વહેંચી હતી. દાદાકાકાનો આ જાતનો ભેદભાવ, વહુ પ્રત્યેનો પક્ષપાત અને પૈસાનો હિસાબ ન આપવાની વૃત્તિને કારણે ઘરની સ્ત્રીઓમાં બોલાચાલી થવા લાગી. પરિવારમાં વૈમનસ્ય વધે તે પહેલાં નારાયણદાદાએ અને લક્ષ્મણદાદાએ. મળી બન્ને પરિવારોને જુદા કરવાનો નિર્ણય લીધો. આમ અમારો પરિવાર ખંડિત થયો.
મારા બાપુજી અને કાકા સારા માર્કથી મૅટ્રિક પાસ થયા. મેટ્રિક થયા બાદ યશવંતકાકાએ પોલીસખાતાની પરીક્ષા આપી અને તેમાં પાસ થતાં તેમને પોલીસ જમાદારના પદ પર નીમવામાં આવ્યા. બાપુજીને મહારાજા સયાજીરાવના ખાનગી મહેકમમાં નોકરી મળી. નોકરીના પ્રથમ દિવસથી જ તેઓ કામે સૂટ પહેરીને જતા,
અને પોતાની કાર્યકુશળતાથી તરત મહારાજની મહેર નજરમાં આવ્યા. મહારાજસાહેબે તેમને પ્રાઇવેટ સેક્રેટરી નીમ્યા. તેમના પર એટલો વિશ્વાસ બેઠો કે કોઈ પણ કામ કરતાં પહેલાં તેઓ બાપુજીની સલાહ માગતા. ત્યાર પછી તો મહારાજ ભોજન સમયે પણ તેમને પોતાની પંક્તિમાં બેસાડીને જમે, અને તેમને “રાજે’નો ઇલકાબ આપ્યો. બાપુજી મહારાજ સયાજીરાવ ગાયકવાડની સાથે ત્રણ વાર ઇંગ્લૅન્ડ જઈ આવ્યા. રાજ્યનો વહીવટ તેમના હાથ નીચે ચાલતો, અને પાઈએ પાઈનો હિસાબ રાખતા. ન તો તેમણે એક પાઈ પણ હરામની લીધી કે લેવાની કદી અપેક્ષા રાખી. તેમના આદર્શ અને પ્રામાણિક વહીવટને કારણે આટલી નાની ઉમરમાં તેમને મહારાજસાહેબ તરફથી માન મળતું હતું તે તેમના હાથ નીચેના લોકો સાંખી શકતા નહોતા. તેઓ તેમનો ઘણો દ્વેષ કરવા લાગ્યા.
મારાં નાનાં ફોઈનું વય લગ્નજોગું થયું. દાદાજીએ નક્કી કર્યું કે બેઉ દીકરા અને દીકરીનાં લગ્ન સાથે જ લેવાં. ફોઈ માટે તેમણે મધ્યમ વર્ગનો હોશિયાર મુરતિયો નક્કી કર્યો, કારણ હવે લોકોના વિચારમાં ઘણો સુધારો આવ્યો હતો. છોકરો પોતે સારો હોય તો જ દીકરીનું ભાવિ સુધરશે, એવા વિચારથી તેના પરિવારની સંપત્તિ ન જોતાં છોકરાના ગુણ જોઈને ફોઈનાં લગ્ન નક્કી કર્યા. મારા યશવંતકાકાને મામાની દીકરી તરફથી માગું આવ્યું. અમારી જ્ઞાતિમાં મામા-ફોઈનાં બાળકો પરસ્પર વિવાહ કરી શકે તેવો શિરસ્તો. હતો. પ્રસ્તાવિત વધૂ ઘણાં રૂપાળાં હંતાં. તેમના પિતા મામલતદાર હતા અને સંપન્ન પરિવારના હતા. તેમણે યશવંતકાકાના ગુણ અને નોકરીમાં બઢતીની સુંદર તક જોઈ લગ્ન માટે આગ્રહ કર્યો, અને લગ્ન નક્કી થયાં. ગણેશકાકાનાં પણ લગ્ન નક્કી થયાં. બાપુજી માટે સારા પરિવારની પણ મધ્યમ વર્ગની કન્યા – મારી બા-ના પિતા તરફથી માગું આવ્યું. પાંચ બહેનો અને એક ભાઈમાં બા ત્રીજા નંબરની. ભાઈ – એટલે મારા મામા તો પાંચ વર્ષની ઉમરે જ ગુજરી ગયા હતા, તેથી આખા પરિવારનો ભાર મારા નાના પર જ હતો. બાનું ભણતર ત્રીજી કક્ષા સુધીનું જ. લગ્ન વખતે બાની ઉમર ફક્ત દસ વર્ષની હતી. મારાં કાકી પણ નાનાં જ હતાં. આમ તો ચારેય લગ્ન એકસાથે કરવાના હતાં, પણ મારાં કાકી હજી નાનાં હોવાથી યશવંતકાકાનાં લગ્ન બે વર્ષ માટે મોકૂફ રાખ્યાં. ફોઈબાનાં લગ્ન પહેલાં લેવાયાં. ત્યાર બાદ બાપુજી અને ગણેશકાકાનાં લગ્ન લેવાયાં. દાદાજીએ ત્રણે વહુઓને એકસરખાં ઘરેણાં આપ્યાં. બાને અમારા જેવો ખાનદાન પરિવાર મળવાથી મારા નાના ઘણા ખુશ હતા.
બાપુજી વાને ગોરા અને દેખાવડા હતા. તેમના પ્રમાણમાં બા શ્યામ વર્ણની અને દેખાવમાં સામાન્ય. પણ તે જમાનામાં કન્યાના રૂપ કરતાં તે ઘરકામમાં સુજ્ઞ અને સાસુ-સસરાની સેવા કરે તેવી હોય તેને વધુ પસંદ કરતા. વળી છોકરી ઉમરમાં નાનકડી હોવાથી તેને “આશાંકિત’ થઈને વર્તવાનું સહેલું પડતું. કોઈ વાર વહુથી ભૂલ થઈ જાય તો કોઈ વાર સાસુના હાથે બેચાર ધબ્બા પણ ખાવા પડતા! પરંતુ મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવનાં હતાં, તેથી પૌત્ર-વધૂને ઘણાં લાડ લડાવતાં અને સ્નેહથી વર્તતાં. બધા વારતહેવારમાં પૌત્ર-વધૂને શણગાર કરાવી પૂજા-અર્ચના વ્યવસ્થિત રીતે કરાવતાં. મારા લક્ષ્મણદાદા-દાદીની અંગકાઠી ઘણી મજબૂત હતી અને નીરોગી હોવાથી બન્નેમાંથી કોઈ વૃદ્ધ દેખાતું નહોતું. બધાંના દિવસ આમ આનંદમાં વ્યતીત થતા હતા.
બાપુજીનાં લગ્ન બાદ બે વર્ષે મારા યશવંતકાકાનાં લગ્ન થયાં. નાનાં કાકી ખૂબ સુંદર હતાં. વળી પિયરની સ્થિતિ ઘણી સારી હતી, તેથી તેમનાં લગ્ન ઘણા ધામધૂમથી ઊજવાયાં. તેમને ચાર બહેનો હતી. આમ તો સગપણમાં તેઓ અમારાં ફોઈ પણ થતાં હતાં – તેઓ બાપુજીના સગા મામાની દીકરી હતાં. લગ્ન વખતે મામા-નાનાજી સિદ્ધપુરમાં મામલતદાર હતા, તેથી લગ્ન સિદ્ધપુર ખાતે લેવાયાં. યશવંતકાકા પાટણમાં નાયબ ફોજદાર હતા. લગ્ન બાદ થોડા દિવસ વડોદરા રહી, ધર્મ-કાર્ય પતાવી કાકા પાટણ ગયા. કાકીને તેમની સાથે બહુ રહેવા મળતું નહોતું,,કારણ કાકાની વારંવાર બદલી થતી, અને ડ્યૂટી પણ ચોવીસે કલાકની રહેતી.
દાદીમા ઘણાં કડક સ્વભાવનાં હતાં. પોતે શ્રીમંત ઘરના હતાં. વળી તેમના મનમાં સામાજિક પાયરી વિશેના ખ્યાલ જૂનવાણી હતા. મારાં કાકીના પિયરિયાંના હિસાબે મારી બાનું પિયર સામાન્ય સ્થિતિનું હતું. નાનાજી સરકારી પેન્શન લેતા હતા – તે પણ સાવ ઓછું. તેમાં તેમનું ઘર ચાલે. એક વાર બાના હાથેથી પૂજાનું ચાંદીનું તરભાણું આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. દાદીમા પૂજામાં બેઠાં અને તરભાણું ન જડ્યું. તેમને ખબર હતી કે પૂજાના સમય પહેલાં મારી બાએ તરભાણું લીધું હતું, તેથી તેમણે બૂમ પાડીને બાને કહ્યું, “કેમ અલી, મારી પૂજાનું તરભાણું તારા બાપના શ્રાદ્ધ માટે લઈ ગઈ છો કે શું?
બા ચોધાર આંસુએ રડતી નાનાજી પાસે દોડી ગઈ, અને ફરિયાદ કરવા લાગી, “મારા બાપુજી જીવતા હોવા છતાં સાસુજીના મોઢેથી આવા શબ્દો નીકળે જ કેમ? હું હવે કદી સાસરિયે જવાની નથી.’ નાનાજીએ બાને ખૂબ સમજાવી અને પોતે તેને સાસરિયે પહોંચાડી આવ્યા. દાદીમાનો ક્રોધ પણ ક્ષણિક નીવડ્યો. પ્રસંગ ભુલાઈ ગયો હોય તેવું લાગ્યું, પણ બાના હૃદય પર એક વ્રણની જેમ કાયમ રહી ગયો.
આમ અમારા પરિવારના દિવસ વીતતા હતા.
દાદાકાકા અમારાથી જુદા થઈ ગયા હતા, પણ બધા કાર્યપ્રસંગે તેઓ અમારી સાથે જ રહેતા, અને પરિવારનાં બધાં કાર્ય એકબીજાની સંમતિથી જ ચાલતાં. નોકરીના સ્થાને બાપુજીના કામની ઘણી કદર થઈ અને તેમને કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ઉપરની જગ્યાઓ પર ત્વરિત રીતે બઢતી મળવા લાગી. આખો દિવસ તેમને રાજમહેલમાં રહેવું પડતું, કારણ સયાજીરાવ મહારાજને તેમના વગર એક મિનિટ પણ ચાલતું નહિ. દેશપરદેશ કોઈ પણ સ્થળે જવાનું થાય તો કહેતા, “રાજે, તમે તૈયાર રહો, આપણે બહારગામ જવાનું છે.’ બાપુજી હંમેશાં તૈયાર રહેતા.
બા પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. તે યુગમાં હૉસ્પિટલ નહોતી તેથી પ્રસૂતિ કરાવવા ગામઠી સુયાણીઓને બોલાવવામાં આવતી. નસીબજોગે સારી, અનુભવી દાયણ હોય તો ઠીક, નહિ તો અનેક સ્ત્રીઓ પ્રસવ વખતે જ મરણ પામતી. બાનો પ્રસવનો સમય આવતાં જણાયું કે તેને જોડકું આવી રહ્યું છે. દાયણ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ખબર ન પડવાથી તેણે અમારાં વડદાદીને બોલાવ્યાં. તેઓ બધા કામમાં હોશિયાર અને અનુભવી હતાં, તેથી તેમણે બાને તો બચાવી લીધી, પણ નવજાત બન્ને બાળકીઓ બે કલાકમાં મરણ પામી. બા માટે આ સમય કેવો કપરો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
બીજી તરફ મારા પિતરાઈ કાકીને દીકરો આવ્યો. કાકીદાદીમાને અત્યંત આનંદ થયો! તેમને પોતાનું સંતાન નહોતું, તેથી દત્તક-પુત્રને ત્યાં પહેલો દીકરો જન્મ્યો એટલે તેઓ તો રાજીના રેડ થઈ ગયાં. તેમણે પૌત્રનું નામ દ્વારકાનાથ રાખ્યું. મારાં નાનાં કાકીનાં સંતાનો જીવતાં નહોતાં. એક પછી એક બે દીકરા આવ્યા, પણ બે-ત્રણ મહિના બાદ જ તેઓ ગુજરી ગયા હતા, તેથી તેઓ ઘણા વ્યથિત હતા. એકાદ વર્ષ બાદ બાને દીકરી આવી, સુંદર અને પોયણી જેવી શ્વેત. બાએ અને વડદાદીએ. તેનું નામ કમલ રાખ્યું. પણ લાડમાં તેઓ તેને મનાબાઈ કહીને બોલાવવાં લાગ્યાં. બે વર્ષ બાદ બીજી દીકરી આવી અને તેનું નામ વત્સલાબાઈ રાખ્યું.
એક દિવસ વડદાદીએ બાને કહ્યું, “પાર્વતી, આપણા ગણેશને ઘેર જઈ તેને મારો એક સંદેશો આપી આવ તો! બા ચિઠ્ઠીના ચાકરની જેમ ગણેશકાકાને ઘેર સંદેશો આપવા ગઈ. તે વખતે કાકા પૂજામાં બેઠા હતા.
વડદાદીનો સંદેશો સાંભળી કાકાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો, પણ તે ઉતાર્યો મારી બા પર. તેમણે અગ્નિ-બાણ સમા શબ્દોનો પ્રહાર કર્યો, “હે દેવી કાલિકે, આ પાર્વતીભાભીને સાત-સાત દીકરીઓ થવા દેજો. આ મારો શાપ છે.’
બાને માથે જાણે વજ પડયું. તે હતપ્રભ થઈ ગઈ અને એટલું જ બોલી શકી, “આપ આવું તે શીદ બોલ્યા હશો?’ બાને પણ ગુસ્સો આવ્યો હતો – નિઃસહાયતા ભર્યો ગુસ્સો, પણ તે જમાનાની વહુવારુ બીજું કરી પણ શું શકે? એ એટલું જ બોલી શકી, “વગર વાંકે શાપ આપે તેના ભાગ્યમાં પણ પથ્થર જ આવતા હોય છે તે ભૂલશો નહિ.”
એ વેળા તો ટળી ગઈ, પણ બાના હૈયામાં ફાળ પડી ગઈ હતી, અને આ શાપની ધાસ્તી તેના જીવનમાં કાયમ માટે રહી ગઈ. આ કુવચન સાચાં પડતા હોય તેમ બાને પાંચમી દીકરી જન્મી. હું.
૧૯૧૫ની આ સાલ હતી.
મારા જન્મ પછી કેટલાક મહિનામાં લક્ષ્મણદાદાનું અવસાન થયું. અમારો સુવર્ણયુગ વીતી ગયો.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ચાલ મજાની આંબાવાડી / ગઈ પાનખર પાનસોંસરી
ચાલ મજાની આંબાવાડી
– ગની દહીંવાલા
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતુ આવે જીવન, આગળ આગળ રમીએ.માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવીએ,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પેાકળ રમીએ.ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.હું ય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.ગઈ પાનખર પાનસોંસરી
– અનિલ જોશી
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ,
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ, નાકસોંસરી ગઈ.રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે,
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે.
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી, કાનસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ,
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ.
અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી, સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ. -
ફિલ્મી ગઝલો – ૮૦. શાતિર ગઝનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શાયર શાતિર ગઝનવીનું અસલ નામ હતું અમીન ઉલ હક ખાન. શાતિર ( ચાલાક ) એમનું તખલ્લુસ હતું અને એમના વડવાઓ અફઘાનિસ્તાનના ગઝનીથી હિંદુસ્તાન આવ્યા માટે ગઝનવી. અખંડ ભારતના પેશાવરમાં એમણે શરુઆત નાટ્યલેખનથી કરી. ઓલ ઈંડીયા રેડિયો માટે પણ નાટકો લખ્યા.
ફિલ્મોમાં એમણે શરુઆત ૧૯૩૬ ની ફિલ્મ ‘ બાગી સિપાહી ‘ ના વાર્તા – સંવાદ લખીને કરી. એ આર કારદારની જ અન્ય ફિલ્મો મિલાપ, મંદિર, પૂજા અને સ્વામી પણ એમણે લખી.
એમણે દિગ્દર્શિત કરેલી એકમાત્ર ફિલ્મ હતી ચંદ્રકાંતા ( ૧૯૪૬ ) જેમાં એમણે અભિનેત્રી ગીતા બાલીને ફિલ્મ પ્રવેશ કરાવ્યો. કમનસીબે એ ફિલ્મ રિલીઝ જ ન થઈ.
કનીઝ, ભાઈ, સ્વામી, આંખમિચૌલી જેવી ફિલ્મોમાં એમણે કુલ ત્રીસેક ગીતો લખ્યાં. એમાંની આ બે ગઝલ –
ઈસ દિલ કી હાલત ક્યા કહિયે બરબાદ ભી હૈ આબાદ ભી હૈ
યે જીના કૈસા જીના હૈ નાશાદ ભી હૈ ઔર શાદ ભી હૈવાદોં પે તુમ્હારે જીતે હૈં હમ ખૂને તમન્ના પીતે હૈં
ક્યા ક્યા ન તસલ્લી દી તુમને, સબ ભૂલ ગએ કુછ યાદ ભી હૈદિલ ચુપકે ચુપકે રોતા હૈ ચાહત મેં આંખેં હંસતી હૈં
ઈસ ઉલઝન મેં જો પડતા હૈ, વો કૈદ ભી હૈ આઝાદ ભી હૈ..– ફિલ્મ : ભાઈ ૧૯૪૪
– નસીમ અખ્તર
– ગુલામ હૈદરઅપની રૂઠી હુઈ કિસ્મત કો મના લું તો હંસું
બાત બન બન કે જો બિગડી હૈ બના લું તો હંસુંમુજ પે ઉલ્ફત મેં જો ગુઝરી હૈ બતા લું ઉનકો
દિલ પે ફુરકત મેં જો બીતી હૈ સુના લું તો હંસુંઉનકો ગૈરોં સે છુડા લું તો મેરી બાત રહે
અપને આંસૂ કે મૈં પરદે મેં છુપા લું તો હંસું..– ફિલ્મ : કનીઝ ૧૯૪૯
– ઝીનત બેગમ
– હંસરાજ બહલ, ગુલામ હૈદર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations of November 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સ્વ. ડૉ. સી કે પ્રહલાદની વિદ્વતાનો અર્ક
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
Purely Prahalad – Business Wisdom from Late Dr. C. K. Prahalad’s thoughts એ ડૉ. સી કે પ્રહલાદની વિવિધદૃષ્ટિ વિચારપ્રક્રિયાઓમાંથી તારવેલ અનુભવોના અર્કનો બહુ ઉપયોગી નીવડે એવો સંગ્રહ છે. વૈશ્વિકક્ક્ષાના એ ચિંતકના જે પાંચ વિચારો મને સૌથી વધારે શીખવા મળ્યા તે અહીં રજૂ કરેલ છે:——–
સતત પરિવર્તન
મને નવપરિવર્તન બાબતે “પ્રભાવી પ્રેરણાદાયી નેતૃત્વ” અભિગમમાં રસ નથી. કંપનીઓને માત્ર પ્રસંગોપાત થઈ જતી સફળતાઓ જ નહીં, પરંતુ સતત – સ્થાયી, દૂરગામી – પરિવર્તનોની જરૂર હોય છે.
બહુ લાંબો સમય રાહ ન જોવી
વ્યાપારનું વર્તમાન મોડલ સારી રીતે કામ કરી રહ્યું હોય તેવું લાગે ત્યારે પરિવર્તન કરવાની પ્રેરણા શોધવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ સમયે એ પ્રશ્ન થવો જોઈએ કે, “શું ‘સબ સલામત હૈ’ ની તેમની માનસિક સ્થિતિ તેમને પરિવર્તનની શરૂઆત કરવા માટે બહુ લાંબો સમય રાહ જોવાની આદત તો નથી પાડી રહીને ?
આગામી વિ. શ્રેષ્ઠગામી
શ્રેષ્ઠ પ્રથાઓ સામાન્યતા પર સહમતી તરફ દોરી જાય છે. મને શ્રેષ્ઠ વ્યવહારમાં બહુ રસ નથી. કારણ કે એકબીજાને જ માનદંડ તરીકે પ્રસ્થાપિત કરી લેવાની ઉતાવળમાં આપણે બધાં સામાન્યતા તરફ ઢળતાં જવા લાગીએ છીએ. આપણને ખરેખર તો જરૂર છે એ પૂછવાની છે કે હવે પછીની કાર્યપ્રણાલિકાઓ કેવી હશે જે આપણને વૈશ્વિક માનદંડ કંપની, સંસ્થા બનાવી શકશે.
‘જૂનું ભૂલતી જતી‘ સંસ્થા બનાવવી
‘નવું નવું શીખતી રહેતી સસ્થા’ બનાવવી એ માત્ર અડધો ઉકેલ છે. તેના જેટલું જ મહત્વનું છે કે ”જૂનું ભૂલતી જતી સંસ્થા’નું બનાવવું. ભવિષ્યની રચના કરવા માટે, દરેક કંપનીએ તેના ભૂતકાળમાંથી કંઈક ને કંઈ તો ભૂલવું પડશે. આપણે બધા ‘નવું શીખવાના આલેખ – લર્નિંગ કર્વ’થી તો પરિચિત છીએ, પરંતુ ‘ભૂલતાં જવાના – ભવિષ્યની સફળતાને અવરોધતી ટેવોને દૂર કરી શકવા – આલેખ (અનલર્નિંગ કર્વ’)નું શું?
અન્યને મદદ કરવી
બીજા કરતાં કેટલા વધારે ચતુર છીએ તે બતાવવાને બદલે અન્ય લોકોને મદદ કરવા બાબતે જો આપણે પ્રમાણિક હશું, તો ઘણું બધું ખૂબ જ સરળ બની જશે.
– – – . . . – – – . . . – – –
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કાર્યસ્થળ પરના શિષ્ટાચારને આપણી કારકિર્દીની સફરમાં હમરાહ બનાવીએ
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
મિટિંગમાં મહત્ત્વની ચર્ચા ચાલી રહી હોય ત્યારે જ આપણા ફોનની ઘંટડી ધણધણવા લાગી હોય એવી ઘટના તો કેમ ભુલાય?
કાર્યસ્થળ પરના આવા છબરડાઓના તો આપણે બધા ક્યારેક શિકાર બન્યાં જ હોઇએ છીએ !
વ્યાવસાયિક સંદર્ભમાં કાર્યસ્થળ પરના શિષ્ટાચારનું કંઈ મહત્ત્વ ખરૂં?
કાર્યસ્થળ પરનો શિષ્ટાચાર કાર્યસ્થળ પરના આપણા વ્યવહાર અને વર્તણૂક અને આપણી પાસેથી રખાતી અપેક્ષાઓની લઘુતમ સાધારણ સીમારેખા દોરે છે.
સત્તાવાર મિટિંગ માટે કોઈ ભડકાઉ રંગનાં કપડાં પહેરીને આવે તો કેવું લાગે!
કે પછી મિટિંગમાં તમે પૂરી તૈયારી વગર ગયાં હો અને પછી જે ફાંફાંફાંફાં મારવાં પડે તેને કારણે તમે તો શરમજનક હાલતમાં મુકાઓ જ પણ હાજર રહેલ બીજાં બધાંનો સમય બગડે એટલે તેમની નારાજગીનો ખોફ પણ વહોરવાનો આવે ત્યારે કેવી હાલત થાય!
ચા-કોફી કે બપોરના જમવા માટેના વિરામ સમયે બિનૌપચારિકતા કર્મચારીઓમાં સહઅસ્તિત્વની ભાવના પ્રેરી શકે. પરંતુ, શિષ્ટાચાર વિનાનું કાર્યસ્થળ ત્યાં માટે આવશ્યક એવી એકાગ્રતા અને ઉત્પાદકતાનાં માટે જરૂરી વાતાવરણને અવળી અસર કરે છે.
આ શિષ્ટાચારમાં બૉસ કે સહકર્મચારીઓ સાથે ‘પ્લીઝ’ ‘થેન્ક યુ’ ના યથોચિત પ્રયોગની સાથે સાથે એટલી જ નમ્રતા અને સાલસતા ચા-વાળા કે લિફ્ટ્મેન કે સિક્યુરિટી ગાર્ડ સાથે પણ આવશ્યક છે.
જોકે શિષ્ટાચાર અહીંથી શરૂ થઈને અહીં જ પુરો પણ નથી થતો.
સહકર્મચારીઓ સાથે વાતચીતમાં કરાતા શબ્દ પ્રયોગ, તેમના સમય અને કામનું સન્માન, મોબાઈલ ફોનનો ઉચિત ઉપયોગ , સામાજિક માધ્યમોની અંગત બાબતો માટે ઉપયોગ ન કરવો, મિટિંગ માટે હંમેશાં પુરી તૈયારી કરીને જવું, આપણા કામની જગ્યાને સાફસુથરી રાખવી જેવી કેટલી નાની અને મોટી બાબતો અપેક્ષિત શિષ્ટાચાર માટે આવશ્યક બની રહે છે.

તમારા કામમાં તમે ભલે ને ગમે એટલાં મહારથી હો, પણ શિષ્ટાચારના છબરડાઓ તમારાં કૌશલ્ય વિશેનાં માનને પાયામાંથી નુકસાન કરી શકે છે.
શિષ્ટાચારની ચુક મહત્ત્વના ગ્રાહકને ખોઈ બેસવા જેવી કે અગત્યનાં કામને સમયસર પુરું ન કરવી શકવા જેવી બહુ મોંધી પડે એવી કિંમત ચુકવવામાં પણ પરિણમી શકે છે.
પથ્થર પર લકીર જેવી વાતઃ વ્યાવસાયિક શિષ્ટાચાર સફળતાની ગુપ્ત ચાવી બની શકે છે.
તેને કારણે કામ સરળ બની શકે છે, યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે કાયમ માટે સારી છાપ પડી શકે છે, અને …..કારકિર્દીના માર્ગ પરના અવરોધો દૂર થઈ શકે છે.
ચાલો, કાર્યસ્થળ પરના શિષ્ટાચારને આપણી કારકિર્દીની સફરમાં હમરાહ બનાવીએ….
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સમભાવ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ તબક્કા આવતા જ હોય છે અને આવતા જ રહેવાના. ક્યારેક ચડતી- ક્યારેક પડતી. ક્યારેક સુખના હિંડોળે તો ક્યારેક તકલીફોના ચક્કરે. મોટાભાગે એવું બને કે દુઃખમાં કે તકલીફમાં કોઇના સાથ કે સધિયારાની આવશ્યક્તા જણાય પરંતુ સુખના હિંડોળે ઝૂલતા હોય ત્યારે? ત્યારે તો આસપાસની વ્યક્તિઓ કે વાતાવરણ ક્યાંય કશું જ જાણે સ્પર્શતું જ ન હોય એમ માત્ર પોતાની મસ્તીમાં જ મગ્ન.
આવી જ રીતે બાપ કમાઈ અને થોડી આપ કમાઈથી ધનાઢ્ય બનેલો એક સાહસિક યુવાન ઉદ્યોગપતિ પોતાની પ્રગતિના પ્રતીક જેવી સાવ નવી મર્સિડિઝ લઈને શહેરના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ગાડી અને યુવાન બંને પોતાની રફ્તારે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક કોઇ એક ખૂણેથી મોટો પત્થર આવીને ધડામ…..કરતો ગાડીના કાચ સાથે અથડાયો. અત્યંત મોંઘી ગાડીના કાચ પર મોટી મસ તિરાડ પાડતો એ પત્થર બોનેટ પર અથડાયો અને ત્યાં ય ગોબો પાડતો ગયો અને યુવાનના દિલ પર તો વળી અસંખ્ય તિરાડો પડી ગઈ.
ગાડીને બ્રેક મારીને એમાંથી એ યુવાન ઉતર્યો અને આજુબાજુ જોયું તો એ રસ્તાની કોરે એક ટેણીયો દેખાયો. યુવાનનું દિમાગ તો ગુસ્સાથી ફાટ-ફાટ. એણે એ ટેણીયાની પાસે જઈને સીધી એની ફેંટ પકડી અને હાથ ઉગામવા જતો હતો અને એ ટેણીયો રડી પડ્યો. યુવાન જરા ઢીલો પડ્યો પણ ગુસ્સો તો હજુ જ અકબંધ જ હતો. એણે પેલા બાળકને અત્યંત કઠોર અવાજે પૂછ્યું, “ આ શું માંડ્યુ છે? આવી રીતે રસ્તા પર ઉભા રહીને આવતી જતી ગાડી પર પત્થર ફેંકાય? શા માટે તેં મારી ગાડી પર પત્થર ફેંક્યો? ગાડીને કેટલું નુકશાન પહોંચાડ્યું એની સમજ પડે છે? તારા મન રમત છે પણ મને ઈજા થઈ હોત તો ?”
બાળકે રડતા રડતા જવાબ આપ્યો,“ સાહેબ, મને ખબર છે આપની ગાડીને મેં નુકશાન પહોંચાડ્યું છે અને મેં આ પત્થર રમતમાં પણ નથી ફેંક્યો. મારો ભાઈ અપંગ છે અને ત્યાં પેલા ઝાડ પાસે વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે અને એને ઘણું વાગ્યુ પણ છે. મારા એકલાથી એને ઉભો કરીને વ્હીલચેર પર બેસાડી શકાય એમ છે નહીં. ક્યારનો હું અહીં એકલો ઉભો ઉભો બૂમો મારીને મદદ કરવા સૌને બોલાવતો હતો પણ સાહેબ કોઈ મારી મદદે ન આવ્યું એટલે હારી થાકીને મારે આવું કરવું પડ્યું. મારી ભૂલ થઈ છે એની મને ખબર છે, મને માફ થાય તો માફ કરજો નહીં તો જે સજા આપશો એ મને મંજૂર છે પણ મારી પર મહેરબાની કરો અને મારા આ ભાઈને ઉભો કરવામાં મને મદદ કરો.
પેલા બાળકની વાત સાંભળીને યુવાનનો ગુસ્સો ઠરી ગયો, હ્રદય કંપી ઉઠ્યુ અને એણે વ્હીલચેર પરથી ગબડી પડેલા પેલા બાળકના ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો. પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એઈડ બોક્સ કાઢીને ઈજા સાફ કરી, દવા લગાડીને પાટો બાંધી આપ્યો. આભાર માનીને પેલો ટેણીયો વ્હીલચેરને ધકેલતો પોતાના રસ્તે પડ્યો પણ એ ટેણીયો દેખાયો ત્યાં સુધી એ યુવાને એને જોયા કર્યો.
એ પછી તો એણે પોતાની ગાડી રિપેર કરાવી પણ બોનેટ પરનો ગોબો તો એમ જ રહેવા દીધો. કારણ?
કારણ કે સફળતા પામ્યા પછી પણ એ યુવાનમાં સહ્રદયતા ટકી રહી હતી. આજે પણ એ ગાડીના બોનેટ પરનો ગોબો જુવે છે અને એના જીવનમાં બનેલી ઘટનાને મનમાં તાજી રાખે છે.
એની પાછળનો વિચાર કહો કે હેતુ આપણા માટે પણ પ્રેરણાદાયી છે. “જીવનમાં ક્યારેક એટલી તીવ્ર ઝડપ ન રાખીએ કે આપણું ધ્યાન ખેંચવા કોઇએ આપણી તરફ પત્થર ફેંકવો પડે.”
એટલા પણ સ્વકેન્દ્રી ન બનીએ કે આપણા મનમાં સ્વ સિવાય અન્યનો વિચાર પણ ન આવે. પોતાની સગવડો સાચવવા અન્યની જરૂરિયાત તરફ લક્ષ્ય જ ન આપી શકીએ. આપણે જે મેળવ્યુ છે એમાં આપણી મહેનતની સાથે ઈશ્વરની કૃપા ભળેલી છે તો એ જ ઈશ્વરની સર્જેલી દુનિયાના અન્ય લોકો તરફ દુર્લક્ષ્ય પણ ન કરીએ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
