-
સમભાવ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ તબક્કા આવતા જ હોય છે અને આવતા જ રહેવાના. ક્યારેક ચડતી- ક્યારેક પડતી. ક્યારેક સુખના હિંડોળે તો ક્યારેક તકલીફોના ચક્કરે. મોટાભાગે એવું બને કે દુઃખમાં કે તકલીફમાં કોઇના સાથ કે સધિયારાની આવશ્યક્તા જણાય પરંતુ સુખના હિંડોળે ઝૂલતા હોય ત્યારે? ત્યારે તો આસપાસની વ્યક્તિઓ કે વાતાવરણ ક્યાંય કશું જ જાણે સ્પર્શતું જ ન હોય એમ માત્ર પોતાની મસ્તીમાં જ મગ્ન.
આવી જ રીતે બાપ કમાઈ અને થોડી આપ કમાઈથી ધનાઢ્ય બનેલો એક સાહસિક યુવાન ઉદ્યોગપતિ પોતાની પ્રગતિના પ્રતીક જેવી સાવ નવી મર્સિડિઝ લઈને શહેરના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ગાડી અને યુવાન બંને પોતાની રફ્તારે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક કોઇ એક ખૂણેથી મોટો પત્થર આવીને ધડામ…..કરતો ગાડીના કાચ સાથે અથડાયો. અત્યંત મોંઘી ગાડીના કાચ પર મોટી મસ તિરાડ પાડતો એ પત્થર બોનેટ પર અથડાયો અને ત્યાં ય ગોબો પાડતો ગયો અને યુવાનના દિલ પર તો વળી અસંખ્ય તિરાડો પડી ગઈ.
ગાડીને બ્રેક મારીને એમાંથી એ યુવાન ઉતર્યો અને આજુબાજુ જોયું તો એ રસ્તાની કોરે એક ટેણીયો દેખાયો. યુવાનનું દિમાગ તો ગુસ્સાથી ફાટ-ફાટ. એણે એ ટેણીયાની પાસે જઈને સીધી એની ફેંટ પકડી અને હાથ ઉગામવા જતો હતો અને એ ટેણીયો રડી પડ્યો. યુવાન જરા ઢીલો પડ્યો પણ ગુસ્સો તો હજુ જ અકબંધ જ હતો. એણે પેલા બાળકને અત્યંત કઠોર અવાજે પૂછ્યું, “ આ શું માંડ્યુ છે? આવી રીતે રસ્તા પર ઉભા રહીને આવતી જતી ગાડી પર પત્થર ફેંકાય? શા માટે તેં મારી ગાડી પર પત્થર ફેંક્યો? ગાડીને કેટલું નુકશાન પહોંચાડ્યું એની સમજ પડે છે? તારા મન રમત છે પણ મને ઈજા થઈ હોત તો ?”
બાળકે રડતા રડતા જવાબ આપ્યો,“ સાહેબ, મને ખબર છે આપની ગાડીને મેં નુકશાન પહોંચાડ્યું છે અને મેં આ પત્થર રમતમાં પણ નથી ફેંક્યો. મારો ભાઈ અપંગ છે અને ત્યાં પેલા ઝાડ પાસે વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે અને એને ઘણું વાગ્યુ પણ છે. મારા એકલાથી એને ઉભો કરીને વ્હીલચેર પર બેસાડી શકાય એમ છે નહીં. ક્યારનો હું અહીં એકલો ઉભો ઉભો બૂમો મારીને મદદ કરવા સૌને બોલાવતો હતો પણ સાહેબ કોઈ મારી મદદે ન આવ્યું એટલે હારી થાકીને મારે આવું કરવું પડ્યું. મારી ભૂલ થઈ છે એની મને ખબર છે, મને માફ થાય તો માફ કરજો નહીં તો જે સજા આપશો એ મને મંજૂર છે પણ મારી પર મહેરબાની કરો અને મારા આ ભાઈને ઉભો કરવામાં મને મદદ કરો.
પેલા બાળકની વાત સાંભળીને યુવાનનો ગુસ્સો ઠરી ગયો, હ્રદય કંપી ઉઠ્યુ અને એણે વ્હીલચેર પરથી ગબડી પડેલા પેલા બાળકના ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો. પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એઈડ બોક્સ કાઢીને ઈજા સાફ કરી, દવા લગાડીને પાટો બાંધી આપ્યો. આભાર માનીને પેલો ટેણીયો વ્હીલચેરને ધકેલતો પોતાના રસ્તે પડ્યો પણ એ ટેણીયો દેખાયો ત્યાં સુધી એ યુવાને એને જોયા કર્યો.
એ પછી તો એણે પોતાની ગાડી રિપેર કરાવી પણ બોનેટ પરનો ગોબો તો એમ જ રહેવા દીધો. કારણ?
કારણ કે સફળતા પામ્યા પછી પણ એ યુવાનમાં સહ્રદયતા ટકી રહી હતી. આજે પણ એ ગાડીના બોનેટ પરનો ગોબો જુવે છે અને એના જીવનમાં બનેલી ઘટનાને મનમાં તાજી રાખે છે.
એની પાછળનો વિચાર કહો કે હેતુ આપણા માટે પણ પ્રેરણાદાયી છે. “જીવનમાં ક્યારેક એટલી તીવ્ર ઝડપ ન રાખીએ કે આપણું ધ્યાન ખેંચવા કોઇએ આપણી તરફ પત્થર ફેંકવો પડે.”
એટલા પણ સ્વકેન્દ્રી ન બનીએ કે આપણા મનમાં સ્વ સિવાય અન્યનો વિચાર પણ ન આવે. પોતાની સગવડો સાચવવા અન્યની જરૂરિયાત તરફ લક્ષ્ય જ ન આપી શકીએ. આપણે જે મેળવ્યુ છે એમાં આપણી મહેનતની સાથે ઈશ્વરની કૃપા ભળેલી છે તો એ જ ઈશ્વરની સર્જેલી દુનિયાના અન્ય લોકો તરફ દુર્લક્ષ્ય પણ ન કરીએ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અન્નને આપણી સંસ્કૃતિમાં ‘અન્નદેવતા’નું સ્થાન મળેલું છે. ‘અન્ન’ એ કોઈ સ્થૂળ અર્થમાં ‘અનાજ’ પૂરતું મર્યાદિત નહીં, પણ ‘ભોજન’ના બૃહદ અર્થમાં. આ સમજણની અને વ્યવહારની અને આખરે અર્થઘટનની બાબત છે. આથી જ સગવડિયા ધર્માચરણવૃત્તિ ધરાવતા આપણા લોકોએ ઉપવાસ દરમિયાન ‘અન્ન’નો સ્થૂળ અર્થ પકડીને ‘ફરાળ’નો વિકલ્પ શોધી કાઢ્યો, જે ‘ફળાહાર’નું અપભ્રંશ છે. મતલબ કે ‘અન્ન’નો દાણો મોંમાં નહીં મૂકવાનો, પણ ફળ, શિંગોડા જેવી જલજ વનસ્પતિમાંથી, ‘મોરિયો’ જેવા તૃણ ધાનમાંથી બનેલી કે શક્કરિયાં, બટાકા, સૂરણ, રતાળુ જેવા કંદમૂળમાંથી બનેલી વાનગીઓ ભરપેટ ઝાપટવામાં કશો છોછ નહીં. આમ છતાં, આનો વાંધો એક હદથી વધુ ન લઈ શકાય, જ્યાં સુધી એ પોતાના ઊપયોગ માટે હોય. છેલ્લા થોડા વરસોમાં જે વિશિષ્ટ સંસ્કૃતિ ફૂલીફાલી છે એ છે અન્નના એટલે કે ભોજનના બગાડની. બહાર ભોજન લેવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે, એમ મંગાવેલા ભોજનનો બગાડ વધુ ને વધુ થવા લાગ્યો છે, કેમ કે, મોંઘી કિંમતની વાનગી મંગાવ્યા પછી એને છાંડવામાં આવે તો એ પણ એક પ્રકારનો મોભો ગણાય એમ માનનારો વર્ગ વધી રહ્યો છે. કેમ કે, છેવટે એમાં નાણાંના દેખાડાની વાત છે. અન્ન એ નૈસર્ગિક સ્રોત છે, અને કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કદી નાણાંથી માપી શકાય નહીં. કેમ કે, તેની અંતિમ અસર પર્યાવરણ પર થાય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી છેલ્લા થોડા સમયથી ખોરાકના વેડફાટની પર્યાવરણ પર થતી ગંભીર અસર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, છતાં છેવટે તે વ્યક્તિગત અને આદતલક્ષી મુદ્દો હોવાને કારણે તેને ઘટાડવા માટે ભાગ્યે જ કંઈ પગલાં લેવાય છે. એક અંદાજ મુજબ, અમેરિકામાં ઊગાડાયેલા અન્નનો એક તૃતીયાંશ હિસ્સો આરોગાયા વિનાનો રહે છે, અને કચરાપેટીને હવાલે થાય છે. રંધાયેલો ખોરાક બગડે એટલે તેને ઊગાડવાથી માંડીને રાંધવા સુધીનાં અનેક સંસાધનોનો વેડફાટ થાય છે, એટલું જ નહીં, પર્યાવરણ પર તેની ગંભીર અસર પડે છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર થાય છે. લોકો જે ખોરાક વગર વિચાર્યે એમને એમ ફેંકી દે છે, તેની સરખામણીએ અન્ય કેટલાય લોકોને એક ટંકનું ભોજન મેળવવાના ફાંફા હોય છે.
એવી ધારણા છે કે ખોરાકના બગાડની આ વૈશ્વિક વૃત્તિ અર્થતંત્રને અસ્થિર કરશે તેમજ કૃષિક્ષેત્રના સંખ્યાબંધ રોજગારોને પણ અસર કરશે. તદુપરાંત સંખ્યાબંધ પ્રજાતિઓ અને તેમના આવાસ પર આની ગંભીર અસર થશે, કેમ કે, સ્રોત વેડફાઈ રહ્યા છે, અને જૈવપ્રણાલિઓ ખોરવાઈ રહી છે.
આટલું ઓછું હોય એમ જળવાયુ પરિવર્તનની સમસ્યા સામે સૌ ઝઝૂમી રહ્યા છે. વિજ્ઞાનીઓ અને ખેડૂતો વિવિધ ઊપાયોની અજમાયશ કરી રહ્યા છે, જેથી વેડફાટ ઘટે, ખોરાકની સાચવણી થાય, અને સરવાળે પૃથ્વી પરનો બોજો કંઈક ઓછો થાય. આવી એક પદ્ધતિ ખોરાકના કચરાને બરણીમાં સાચવીને તેમાં આથો લાવવાની છે.
આથો લાવવાની ક્રિયા અંગ્રેજીમાં ‘ફર્મેન્ટેશન’ તરીકે ઓળખાય છે, અને એક યા બીજી રીતે તે વિશ્વવ્યાપી છે. દરેક દેશમાં લોકો તેનો ઉપયોગ વિવિધ રૂપે, વિવિધ વાનગીઓ માટે કરે છે. હવે ખોરાકના વેડફાટને અટકાવીને તેની પર્યાવરણ પર થતી અસરોને ઘટાડવા માટે આ પદ્ધતિ પર સૌની નજર ઠરી રહી છે. સાદી રીતે સમજીએ તો આથો લાવવો એટલે યીસ્ટ કે એ પ્રકારના સૂક્ષ્મ જીવો દ્વારા ખોરાક તૈયાર કરવાની કે તેના ગુણધર્મો બદલવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખોરાકમાં બગાડ લાવતા સૂક્ષ્મ જીવોના વિકાસને અટકાવે છે, અને આખરે ખોરાકના વપરાશકાળને લંબાવે છે. આ પ્રક્રિયાને કારણે બગડી જાય એવાં દ્રવ્યો સ્થિરતા ધરાવતી પેદાશમાં પરિવર્તીત થાય છે, જેને લાંબા અરસા સુધી સાચવી શકાય છે.
એ જ રીતે આથો લાવવાને કારણે આહારની પોષકતા વધે છે, અને તે વધુ સ્વાસ્થ્યવર્ધક બને છે. વધેલા ખોરાકને આથા દ્વારા સાચવીને બગાડ અટકાવી શકાય છે, અને સ્રોતોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.
આ બાબતે જાપાનમાં ‘કોજી’ બહુ પ્રચલિત છે. એન્ઝાઈમસભર આ તત્ત્વ એન્ઝાઈમ પેદા કરે છે, જે સ્ટાર્ચ કે પ્રોટીન જેવાં પોષક તત્ત્વને તોડીને તેમાંથી સ્વાદિષ્ટ શર્કરા બનાવે છે. આટલું જાણ્યા પછી પણ એ સમજવું મુશ્કેલ છે કે આથો લાવવાને કારણે ખોરાકનો વેડફાટ શી રીતે અટકી શકે. કેટલાય આહારનિષ્ણાતોના મત મુજબ આ પ્રક્રિયાનો ઉપયોગ વધુ ને વધુ કરતા જવાથી પહેલાં જે ખોરાક કશાય ખચકાટ વિના આંખના પલકારામાં ફેંકી દેવાતો હતો એ અટકી શકે છે.
અલબત્ત,વિજ્ઞાનીઓ અને આહારનિષ્ણાતો જે ધારણા મૂકે તે મોટે ભાગે ખોરાકના કે પ્રક્રિયા અથવા ટેક્નોલોજીના લક્ષણોને આધારે મૂકતા હોય છે. માનવીય પરિબળો તેઓ ગણતરીમાં લેતા હશે કે કેમ એ સવાલ છે. જ્યાં વેડફાટ એ પોતાના સામાજિક મોભાનો હિસ્સો ગણાતો હોય ત્યાં કોઈ પણ ટેક્નોલોજી કે સમજાવટ કામ ન લાગી શકે.
આપણા દેશમાં વ્યક્તિગતથી લઈને સામૂહિક સ્તરે ખોરાકનો વેડફાટ સામાન્ય બાબત છે. અન્યોને ત્યાં લગ્ન યા અન્ય પ્રસંગોની ઉજવણીએ થતો અન્નવેડફાટ જોઈને જીવ બાળનારાઓ પણ પોતાને ત્યાં પ્રસંગ આવે ત્યારે એ વેડફાટને અનિવાર્ય અને ક્ષમ્ય ગણે છે. સ્રોતના વેડફાટની સીધી અસર પર્યાવરણ પર થાય છે એ સમજ હજી મોટા ભાગના લોકોમાં કેળવાવાની બાકી છે. હવે આપણા દેશમાં ઘરના ભોજનને બદલ બહારનું ભોજન જમવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેમાં વેડફાટ અનિવાર્ય બની રહે છે. લાગે છે કે પર્યાવરણ અંગેની સમજણ કેળવવા માટે હજી બહુ લાંબો પંથ કાપવાનો છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મનોહર શ્યામ જોશી – એ કેવળ ભારતીય સોપ ઓપેરાના પ્રણેતા જ નહીં, એક ઉત્તમ સાહિત્યકાર પણ હતા
સંવાદિતા
હમલોગ અને બુનિયાદ જેવી સિરિયલો અને એના પાત્રોએ ભારતીય લોકમાનસ પર કમાલનું કામણ કરેલું.
ભગવાન થાવરાણી
૧૯૮૦ ના દાયકામાં ટેલીવિઝન અને દૂરદર્શનની શરુઆત સાથે જે ધારાવાહિકોએ લોકોના દિલોદિમાગ ઉપર પકડ જમાવેલી એ હતાં હમલોગ અને બુનિયાદ. અનુક્રમે ૧૯૮૪ અને ૧૯૮૭ માં શરુ થયેલાં આ બન્ને સોપ ઓપેરા અને એના પાત્રો જેવાં કે બસેસરરાય, ભાગવંતી, લલ્લુ, નન્હે, બડકી, મઝલી, છુટકી અને માસ્ટર હવેલીરામ, લાલા ગેંદામલ, મુંશી, રલિયારામ, લભાયારામ, કન્ની, લાજો, ભૂષણ, લોચન, ગિરધારીલાલ, રોશન, રજ્જો, લાલા વૃષભાણ, સતબીર અને વીરાંવાલી આજે પણ યાદ આવતાં લોકોના રોમરોમ ઝંકૃત થઈ ઊઠે છે. બબ્વે વર્ષ કે તેથી પણ વધુ ચાલેલી એ સિરીયલો પૂર્ણ થયા પછી પણ ઉપરોક્ત પાત્રો ભજવનારા કલાકારો એમના પાત્રના નામે જ ઓળખાતા એટલું જ નહીં, એમાંના મોટા ભાગના કલાકારો આ સિરિયલો પૂરી થતાં જ અસ્ત પામી ગયાં !કહેવા ખાતર આ બન્ને સિરિયલોના દિગ્દર્શકો તો હતા પી કુમાર વાસુદેવ અને રમેશ સિપ્પી ( કેટલાક હપ્તામાં જ્યોતિ સ્વરૂપ પણ ) પણ એની લોકપ્રિયતા પાછળના ખરા જાદુગર તો હતા એના લેખક મનોહર શ્યામ જોશી ! એમના લેખનની પ્રચંડ કામયાબી માત્ર આ બે સિરિયલોથી અટકી નહીં. એ પછી પણ એમણે દૂરદર્શન માટે મુંગેરીલાલ કે હસીન સપને, કક્કાજી કહિન, હમરાહી, ઝમીન આસમાન અને ગાથા જેવી બેનમૂન સિરિયલો લખી.
પરંતુ મનોહર શ્યામ જોશીની આ ઓળખ પણ હજુ અધૂરી છે. ૨૦૦૬ માં ૭૩ વર્ષની વયે અવસાન પામનાર જોશીજી માત્ર આ ધારાવાહિકોના લેખક જ નહીં, એક સફળ પત્રકાર, ફિલ્મ પટકથાકાર ( હે રામ, અપ્પુ રાજા, પાપા કહતે હૈં, ભ્રષ્ટાચાર ) અને સૌથી વિશેષ તો એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર પણ હતા. એમની નવલકથાઓ એટલે કુરુ કુરુ સ્વાહા, મૈં કૌન હું, વધસ્થલ, કપિશ જી, ક્યાપ, હમઝાદ, નેતાજી કહિન, હરિયા હરક્યુલિસ કી હૈરાની અને કસપ. આ ઉપરાંત એમની સાહિત્ય યાત્રા પ્રભુ તુમ કૈસે કિસ્સાગો, મંદિર ઘાટ કી પૌરિયાં, એક દુર્લભ વ્યક્તિત્વ ( વાર્તાઓ ), ઉસ દેશ કા યારોં ક્યા કહના ( વ્યંગ લેખો ), બાતોં બાતોં મેં ( મુલાકાતો ), લખનૌ મેરા લખનૌ ( સંસ્મરણો ) ગાથા કુરુક્ષેત્ર કી ( નાટક ), સીમાંત ડાયરી ( પ્રવાસ ) અને ઈક્કીસવીં સદી ( નિબંધ ) સુધી વિસ્તરેલી છે.
કુમાઉં પ્રદેશ ( ઉત્તરાખંડ )ના અલ્મોડામાં જન્મેલા મનોહર શ્યામ કુમાઉની બ્રાહ્મણ પરિવારના ફરજંદ હતા. પછીથી એમનો પરિવાર અજમેર આવી વસેલો. આકાશવાણીના હિંદી સમાચાર વિભાગ અને ફિલ્મ્સ ડિવીઝનમાં કામ કરતાં એમણે અનેક દસ્તાવેજી ફિલ્મોની પટકથા લખેલી. ટાઈમ્સ ગ્રૂપના ‘ દિનમાન ‘ માં એમણે ઉપસંપાદક તરીકે કામ કર્યું અને એમના જ ‘ સારિકા ‘ મેગેઝીન માટે એમણે સામાન્ય માણસોની લીધેલી મુલાકાતોની શ્રેણી ઘણી વખણાયેલી. ‘ સાપ્તાહિક હિંદુસ્તાન ‘ માં પણ વર્ષો લગી સંપાદક રહ્યા. છેલ્લે ‘ આઉટલુક સાપ્તાહિક ‘ માં છેવટ સુધી કટાર લેખન કર્યું.
મનોહર શ્યામ જોશી ભાષાના પ્રખર શિલ્પી હતા. એમની પાસે ભાષાના જે વિવિધ પ્રકાર અને મિજાજ હતાં એ એમના સમકાલીનોમાંથી ભાગ્યે જ કોઈને હસ્તગત હતાં. એમની ભાષા ક્યારેક વ્યંગમય, ક્યારેક શરારતી તો ક્યારેક ઉનમુક્ત તેવર અપનાવતી. એ ક્યારેક દૈનંદિન બોલચાલનું સ્વરૂપ અખત્યાર કરે તો ક્યારેક સંસ્કૃતની તત્સમ પદાવલિમાં વિહરે. એમાં ક્યારેક અવધી સંસ્પર્શ મળે તો ક્યારેક એમની જન્મભૂમિ કુમાઉની હિંદીનું. બંબઈયા હિંદી અને ખડી બોલીમાં પણ એ લટાર મારી આવતા. એમની બહુચર્ચિત નવલકથા ‘ હમઝાદ ‘ તો પૂરેપૂરી ઉર્દૂમાં લખાઈ હોય એવું લાગે. એક રીતે જોઈએ તો હમલોગ અને બુનિયાદ પણ એમના દ્વારા ટીવી માટે લખાયેલા મહાઉપન્યાસ જ હતાં કારણ કે એમાં આખ્યાન મહાકાવ્યાત્મક ભારતીય પરંપરાનું જ હતું.
એમની નવલકથા ‘ કસપ ‘ વિષે વિગતે વાત કરીએ. કસપ કુમાઉની ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય ‘ કોણ જાણે ! ‘ જીવનના સઘળા અઘરા પ્રશ્નોનો જવાબ પણ કાયમ આ ‘ કસપ ‘ જ હોય છે ! ( સાહિત્ય અકાદમી પુરસ્કૃત એમની એક નવલકથાનું શીર્ષક છે ‘ ક્યાપ ‘ જે પણ કુમાઉની ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ‘ ન સમજાય નહીં તેવું ! ‘ ) કુમાઉની પરિવેશ અને એ ભાષાના જ અનેક રૂઢિપ્રયોગો યુક્ત ભાષા ધરાવતી આ નવલકથા એક અદ્ભુત અને ઉદાસ કરી મૂકતી પ્રેમકથા છે. અજ્ઞેયની ‘ નદી કે દ્વીપ ‘ ની હરોળમાં આ નવલને મૂકવામાં આવે છે . આંચલિક પરિવેશની નવલોમાં એને રેણુની ‘ મૈલા આંચલ ‘ સમકક્ષ મૂકી શકાય. કોઈક હળવી પ્રેમકથા લખવાના એમની પત્નીનાં આગ્રહને વશ થઈ જોશીજીએ આ ઉદ્વેલિત કરનારી ધીરગંભીર કથા લખી નાંખી! આખી નવલ એમણે માત્ર ચાલીસ દિવસોમાં લખી જેને એ પોતે ‘ મનમાં ચાલેલું સળંગ ચાલીસ દિવસનું શૂટીંગ ‘ કહે છે !કુમાઉંના નૈનિતાલમાં ઉદ્ભવ પામતી અને પછી ત્યાંના અલ્મોડા, ગંગોલીહાટના ઈલાકાઓમાં ઘૂમતી આ કથા દેવી દત્ત તિવારી ઉર્ફે દેબિયા ઉર્ફે ડીડી અને મૈત્રેયી ઉર્ફે બેબીની નિષ્ફળતાને વરેલી પ્રેમકથા વર્ણવે છે . આખી વાત નાયિકાના સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને પ્રાધ્યાપક એવા શાસ્ત્રીજીના મુખે કથક તરીકે કહેવાઈ છે. બેબી બનારસી શાસ્ત્રીઓના સમૃદ્ધ કુટુંબમાં લાડકોડ વચ્ચે ઉછરેલી, સામાન્ય ભણતર ધરાવતી મુંહચડી અલ્લડ છોકરી છે તો સામે ડીડી સુશિક્ષિત પણ અનાથ છોકરો છે જે આજીવન અન્યોની દયા અને મદદ પર ઉછર્યો છે. એને ફિલ્મી દુનિયામાં એક દિગ્દર્શક તરીકે આગળ વધી ‘ કોઈકને લાયક ‘ બનવું છે . એ સાહિત્યાનુરાગી છે અને એના કવિતા, એકાંકી અને વાર્તાના પુસ્તકો પણ છપાયાં છે પરંતુ એ આત્મ પ્રવંચના અને આત્મ સંશયગ્રસ્ત પણ છે. સામે પક્ષે બેબી માને છે કે ‘ આપણે આપણા લાયક બનીએ તો ય ઘણું ! ‘ ડીડીએ સાહિત્યિક ભાષા અને વિચારશીલ મુદ્રામાં લખેલા પ્રેમપત્રો એને કોયડા કે નિબંધ જેવા લાગે છે જે એ પોતાના સ્નેહાળ અને સમજદાર પિતા પાસે વંચાવે છે ! બહુધા એ પત્રોના ઉત્તર પણ એમની પાસે જ લખાવે છે !
૧૯૫૦ ના ગાળામાં આકાર લેતી આ કથા સિનેમાના દ્રશ્યો અને પ્રસંગોની જેમ આગળ વધતી રહે છે અને સાથે સાથે ડીડી અને બેબીના સંબંધો પણ ! મધ્યમવર્ગીય જીવનની ટીસને પોતાના પાંડિત્યપૂર્ણ પરિહાસમાં ઢાળીને બેબીના પિતા માનવીય પ્રેમને સ્વપ્ન અને સ્મૃતિના આભાસની બરાબર વચ્ચે ‘ ફ્રીઝ ‘ કરી દે છે . કથનની શૈલી પાંડિત્ય પ્રચુર હોવા છતાં એમાં ધર્મવીર ભારતીના ‘ ગુનાહોં કા દેવતા ‘ જેવી ભાવુકતા છે.
નાયિકાના પાંચેય ભાઈઓ આ પ્રેમપ્રકરણની વિરુદ્ધ છે અને એક ભાઈ તો ડીડીને સરાજાહેર મારે પણ છે. નાયિકા અડગ રહે છે પરંતુ ભીતરથી ઘવાયેલો નાયક એને છોડી ‘ કશુંક બની પાછા ફરવા ‘ પરદેશ જતો રહે છે. નાયિકા તો ભાઈઓએ એની સગાઈ અન્ય એક ખાનદાન પરિવારમાં કરી નાંખી હોવા છતાં નાયકને ગણનાથ મહાદેવની સાક્ષીએ પોતાના પતિ તરીકે સ્વીકારે છે.
પચીસ વર્ષ વીતી જાય છે. ડીડી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મકાર ‘ દેવીદત્ત ‘ બની ભારત પાછો ફરે છે અને અલ્મોડા કોઈ દસ્તાવેજી ફિલ્મના નિર્માણ માટે આવે છે. એને આબેહૂબ બેબીના નૈનનક્શ ઘરાવતી યુવાન છોકરી મળે છે જે એની પ્રશંસક છે. એ બેબીની પુત્રી છે. બેબી હવે એક પ્રતિષ્ઠાવાન સનદી અધિકારીની પ્રૌઢ પત્ની છે અને સમાજમાં આગવું સ્થાન ધરાવતી સામાજિક કાર્યકર્તા પણ. દીકરીની મધ્યસ્થીથી બન્નેનો સામનો થાય છે. કશુંય બોલ્યા વિના.
મનોહર શ્યામ જોશીની અન્ય કૃતિઓની જેમ અહીં પણ બેબી ઉર્ફે મૈત્રેયી સહિત બધા જ સ્ત્રી પાત્રો મજબૂત છે અને પુરુષ પાત્રો ઢચુપચુ – કરોડરજ્જુવિહોણા !
લેખક કહે છે ‘ પ્રેમને એ જ જાણે છે જે સમજી ચૂક્યો છે કે પ્રેમને સમજી જ ન શકાય ! ‘ અને ઉમેરે છે ‘ પ્રેમના કેમેરામાં બે જ ફોકસ છે – પ્રિયનો ચહેરો અને એ ન હોય તો કશુંક એવું જે અનંત અંતરે હોય ! ‘ પ્રેમ વિષે એ આગળ કહે છે ‘ પ્રેમના આનંદને પ્રેમની પીડાથી જુદો ન તારવી શકાય ! ‘ અને ‘ કદાચ ચિર અતૃપ્તિ એ જ પ્રેમ છે ! ‘
નિયતિ જ લખાવે છે આપણી પાસે આપણા પહેલા પ્રેમરૂપી કવિતા અને આપણે જીવનભર એને સંશોધિત કરતા રહીએ છીએ. જે વેળા સદૈવ આંખો બંધ કરવાનો વખત આવે એ વખતે આ પરિશોધિત નહીં પરંતુ પેલી અણઘડ કવિતા નાચતી હોય છે આપણા બીડાતા ચક્ષુઓ સમક્ષ !
આ કૃતિ ‘ કસપ ‘ નો પ્રભાવ કેવો છે એવું કોઈ આપણને પૂછે તો મોંમાંથી અનાયાસ નીકળી પડે, ‘कसप‘!
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૬
ગુમનામીમાંથી મરણોત્તર પારાવાર ખ્યાતિ મેળવતાં પ્રકૃતિ-પ્રેમી : જેન
લેખન-સંકલન : યાત્રી બક્ષી
આપણે કુદરતની નવી નવી કેડીઓ ખેડવાનું શરૂ કરનારાઓના યોગદાન વિષે જાણવાની સાથે તેઓના સંઘર્ષોનો પણ અછડતો ખ્યાલ મેળવીએ છીએ. આજે એક યુરોપ કે ભારતીય દ્વીપકલ્પ જેવા પૌરાણિક સભ્યતા કે યુરોપ જેવી શક્તિશાળી આધુનિક સભ્યતામાંથી નહિ પરંતુ જે-તે સમયે નવા જ જન્મેલા કહી શકાય તેવા અમેરિકામાં કેડી કંડારનારાં મહિલા પ્રકૃતિપ્રેમીના યોગદાન અને સંઘર્ષ વિષે જાણીશું. ઘણી વાર સુખ અને સામાજિક સુરક્ષા વ્યક્તિ માટે સ્વવિકાસમાં અવરોધક પરિબળ તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને જો તે મહિલા હોય અને તેમાં પણ કાર્યક્ષેત્ર કે રસનો વિષય પ્રકૃતિ હોય. આપણે મારિયા મરીયનના યોગદાન વિષે જાણ્યું. આજે નવા ઊભરતા અમેરિકામાં એક મહિલાના મહત્ત્વના પરંતુ પ્રકાશમાં નહિ આવેલા યોગદાન વિષે જાણીશું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જેન કોલ્ડન મારી યાદીમાં હતાં, મેં શોધવાનું શરૂ કર્યું ત્યારે તરત જ કોલ્ડેન દેખાયા પણ જેન નહીં. તે કેડવાલેડર કોલ્ડેન હતા જેનના પિતા. એનસાયક્લોપીડિયા બ્રિટાનીકામાં પણ સિનિયર કોલ્ડેન ન્યુયોર્કના વનસ્પતિશાસ્ત્રી તરીકે નોંધાયેલા છે. તે આશ્ર્ચર્યજનક છે કે આજે પણ બ્રિટાનીકામાં જેનને યોગ્ય સ્થાન મળ્યું નથી. તેથી જ્યારે અમે મારિયાની તેનાં ખેડાણો અને ક્ષેત્રીય અભ્યાસ માટે પ્રશંસા કરીએ છીએ ત્યારે અમને જેન માટે દિલગીરી થાય છે કારણ કે તે દેખીતી રીતે તેના પિતા દ્વારા પ્રોત્સાહિત હોવા છતાં તેને સ્વતંત્ર રીતે પ્રકૃતિને ખેડવાની, પોતાની સિદ્ધિઓને પ્રસિદ્ધ કરવાની અને પોતાની ખોજ અને તારણોનો દાવો કરવાની પૂરતી તક મળી નથી. તેણીનો સંઘર્ષ શ્રીમંત પિતાના પ્રભાવની છાયામાં ગુમનામ રહી જવાનો છે. છેક ૧૮૪૩ માં જેનને આસા ગ્રે દ્વારા “સ્થાનિક અમેરિકન પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી” તરીકે ગણવામાં આવે છે.
૧૭૨૪ માં ન્યુ યોર્કમાં જન્મેલાં, જેન કોલ્ડેને મોટાભાગનું જીવન કોલ્ડેનહામ ખાતે વિતાવ્યું હતું, જે તેના પિતા કેડવાલેડર કોલ્ડેન દ્વારા સ્થાપિત ન્યુબર્ગથી દસ માઈલ પશ્ર્ચિમમાં આવેલા જંગલ વિસ્તારમાં સ્થાપિત ૩,૦૦૦ એકરનું ખેતર હતું. કિશોર અવસ્થાની જેને માતા એલિસ ક્રિસ્ટી કોલ્ડેન સાથે બાગાયતમાં રસ દર્શાવ્યો હતો. પ્રાંતીય સરકારના વહીવટકર્તા એવા પ્રભાવશાળી પિતા પાસેથી જેને શરૂઆતમાં વનસ્પતિશાસ્ત્રની સમજ મેળવી હતી, જેમણે ૧૭૪૨ માં, સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી કાર્લ લિનીયસની દ્વિપદી વર્ગીકરણની નવી પદ્ધતિનો ઉપયોગ કરીને ન્યુ યોર્કની વનસ્પતિ- ઓના પ્રથમ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણની શરૂઆત કરી હતી.
જેનને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે તક દેખાઈ. પિતા તરીકે કોલ્ડેન માનતા કે પુત્રીના નવરાશના સમયનો સારો સોદો કરી શકાશે કારણ કે જેનના કામમાં ચોક્કસાઈ હતી. તેઓએ માન્યું કે આ પ્રવૃત્તિ જેનના વ્યક્તિત્વ વિકાસમાં પણ ઉપયોગી નીવડશે. પોતાની મહત્ત્વકાંક્ષાને માર્ગ અને સ્થાન મળે અને સાથે પુત્રીનો વિકાસ થાય એ માટે પિતા તત્પર હતા. તેઓએ યુરોપીયન વિજ્ઞાનીઓ સાથે વારંવાર પત્રવ્યવ્હારો કરી જેનના કામને ચકાસવા અપીલ કરી હતી. કોલ્ડેનના પત્રો દર્શાવે છે કે ૧૭૫૫માં ડચ વનસ્પતિશાસ્ત્રી જોહાન ફ્રેડરિક ગ્રોનોવિયસ (૧૬૮૬-૧૭૬૨)ને એમણે ખાતરી આપી હતી કે, “તમે ઇચ્છો છો તેવા કોઈપણ બીજ અથવા કોઈપણ ચોક્કસ છોડના સૂકા નમૂનાઓ મોકલવામાં ખૂબ જ આનંદ થશે અને મારી પુત્રી તમારી જિજ્ઞાસાને સંતોષવા પોતાનો વધુ ને વધુ સમય આપશે.” કોલ્ડેનના પત્રોની ભાષા સમજતા લાગે કે એક પિતા પુત્રીના કાર્યને યોગ્ય દિશા અપાવવા તત્પર છે. પરંતુ વાસ્તવમાં જે કાર્ય જેન દ્વારા કરવામાં આવ્યું તેમાં ક્યાંય શું જેનના નામનો સીધો ઉલ્લેખ કરાતો હતો ?
જેનના વનસ્પતિશાસ્ત્રના અભ્યાસમાં મદદ કરવા માટે, તેના પિતાએ સચિત્ર વનસ્પતિશાસ્ત્રીય પુસ્તકોનો એક નાનો સંગ્રહ એકઠો કર્યો. તેઓ ૧૭૫૫ ના પીટર કોલિન્સનને એક પત્રમાં જણાવે છે કે “કારણ કે તેણીને બોટનિકલ ગાર્ડનમાં છોડ જોવાની તક મળી શકતી નથી. આ પુસ્તકો અને છોડના કટિંગ્સ અને ચિત્રોનો સંગ્રહ જેનને પૂરક રહેશે.” પીટર કોલિન્સને જવાબમાં પ્રખ્યાત વનસ્પતિ ચિત્રકાર જ્યોર્જ ડાયોનિસિયસ એહરેટ (૧૭૦૮-૧૭૭૦) દ્વારા કોતરણી સાથેનાં પુસ્તકો મોકલતાં લખ્યું કે “તમારી અત્યંત પ્રતિભાશાળી પુત્રી દ્વારા પાંદડાના સુંદર વળાંકના સ્કેચ કરવા સહાયક થશે પરંતુ પોતે એમ પણ ઇચ્છશે કે જેનની સાથે બર્ટરામ નજીકમાં હોય કારણ કે તેમનાં છોડનાં ચિત્રો “મિસ્ટર એહરેટ્સની કલા બાદ સૌથી ગુણવત્તાવાળી કલા બર્ટરામની આવે છે અને તેઓ તેણીને ખૂબ મદદ કરશે.” વાસ્તવમાં જેન અને બર્ટરામ આ પહેલાં જ સંપર્કમાં આવી ચૂકેલાં.
આ પત્રવ્યવહારોના સમયગાળા દરમ્યાન વનસ્પતિઓના અવલોકન- માં ગળાડૂબ જેન મૌન પ્રગતિ સાધતાં જતાં હતાં. ૧૯૫૨માં ગંભીરતાથી શરૂ કરેલું કાર્ય એક જ વર્ષમાં ૧૭૫૩માં પ્રથમ વાર ફિલાડેલ્ફિયાના વનસ્પતિ-શાસ્ત્રી જ્હોન બર્ટરામ અને તેના પુત્ર વિલિયમની નજરે ચડે છે. તેઓ નોંધે છે કે કોલ્ડેનની પુત્રીનાં કેટલાંક કાર્યો જોઈ લાગે છે કે જેન વનસ્પતિશાસ્ત્રમાં ગુણ અને વપરાશની ખોજોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરશે.
જેન કોલ્ડેનનું વનસ્પતિશાસ્ત્રીય કાર્ય સંભવત: ૧૭૫૨ની આસપાસ શરૂ થયું હતું અને ૧૭૫૩ના પાનખર સુધીમાં તે સારી રીતે આગળ વધ્યું હતું, જ્યારે ફિલાડેલ્ફિયાના વનસ્પતિશાસ્ત્રી અને નર્સરીમેન જ્હોન બર્ટરામ અને તેમના પુત્ર વિલિયમે કોલ્ડેનહામ ખાતે નોંધ્યું કે ડો. કોલ્ડેનની પુત્રી જેનનાં વનસ્પતિશાસ્ત્રીય વિચિત્ર અવલોકનો રસપ્રદ થઈ રહ્યાં છે. તેઓ સતત જાણકારી રાખતા અને તે જ સમયે, વનસ્પતિઓના દલાલ બ્રિટીશ વેપારી પીટર કોલિન્સને પણ કેડવોલેડર કોલ્ડેનને તેમની પુત્રીએ વનસ્પતિશાસ્ત્ર વિષયને પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, તેણે ડો. કોલ્ડેનને જણાવેલું કે તે એક યુવાન સ્ત્રી માટે આનંદદાયક મનોરંજન અને સુંદર પ્રવૃત્તિ છે પરંતુ તેનું વનસ્પતિનું જ્ઞાન તેણીને તેમના ગુણો અને ઉપયોગો શોધવા તરફ દોરી શકે છે, તે એક સિદ્ધિ છે.
ત્રણ વર્ષ પછી, જેન કોલ્ડેન દ્વારા તૈયાર કરવામાં આવેલી વનસ્પતિઓ- ના સંગ્રહની સુરક્ષિત કરેલી પ્રતોની તપાસ કર્યા પછી, કોલિન્સન વધુ પ્રભાવિત થયા, તેમણે જહોન બર્ટરામને લખેલા પત્રમાં તેમના કાર્યની “વૈજ્ઞાનિક રીત” પ્રશંસા કરી અને ઉમેર્યું : “હું માનું છું કે તે પ્રથમ મહિલા છે જે પ્રકૃતિના કોઈપણ વિષયના નમૂનાઓનો આટલી ગંભીરતાથી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને પ્રકૃતિ શોધના ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી રહી હોય.”
૧૭૫૪ થી જેને શીતપ્રદેશમાં ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓ- ના ઉછેરના પ્રયોગો શરૂ કરી દીધેલા. ૧૭૫૭ માં કોલ્ડેને તેનાં કેટલાંક ઝીણવટભર્યાં છોડનાં વર્ણનો બર્ટરામને મોકલ્યાં, જેમણે તેના પત્રની ઘણી વખત પ્રશંસા કરી જેનને અને પત્ર દ્વારા વિશ્ર્વને વચન આપેલું કે તેઓ પોતાના યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના પત્રોના સંગ્રહમાં તેને સાચવશે. વધુમાં, “તમને મારા ઘરે જોઈને અને તમને મારો બગીચો બતાવીને મને ખૂબ જ આનંદ થશે” એવા બર્ટરામના આમંત્રણ છતાં, જેન ક્યારેય ન્યુયોર્કની બહાર નીકળ્યાં હોય તેવું લાગતું નથી. પોતાની જાતને ‘બોટેનિકલ’ વાનસ્પતિક આદાનપ્રદાનથી સંતોષી લઈ, જેને પોતાના કોલ્ડેનહામ ખાતેના બગીચાને અમેરિકા અને વિશ્ર્વના દૂરના ખૂણેથી આવેલા છોડ સાથે સમૃદ્ધ બનાવવાની મંજૂરી આપી હતી. ૧૭૫૭માં તેણીએ બર્ટરામને લખેલા પત્રમાં દેખીતી રીતે પોતાની નર્સરીમાંથી ઇચ્છિત બીજની સૂચિનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગનાં ન્યુ યોર્કની જેમ આબોહવા માટે સ્વદેશી છે, પરંતુ કેટલાંક વધુ પ્રાયોગિક અભિગમને પ્રતિબિંબિત કરે છે. બર્ટરામ સાથેના પત્રવ્યવ્હારો જોતાં સંવાદો મળે છે – “યે અમોર્ફા એક સુંદર ફૂલ છે,” બર્ટરામે સાવધાનીપૂર્વક જવાબ આપ્યો, પણ… શું તમારો ઠંડો શિયાળો તેને મારી નાખશે નહીં ?”
જેન પહેલેથી જ એમોર્ફા સહિતના ઉપઉષ્ણકટિબંધીય છોડની ખેતી સાથે પ્રયોગ કરી રહ્યાં હતાં, જે ચાર્લસ્ટનના વનસ્પતિશાસ્ત્રી એલેકઝાન્ડર ગાર્ડન સાથેના પત્રવ્યવહાર દ્વારા મેળવ્યા હતા, જેમણે ૧૭૫૪ના ઉનાળા દરમિયાન કોલ્ડેનહામની મુલાકાત વખતે નોંધી લીધેલા. બગીચાની દુર્લભતાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીને ગાર્ડને જેનને રશિયન ચિકિત્સક પાસેથી મેળવેલાં “પર્શિયન બીજ તેમજ દક્ષિણ કેરોલિનાના મૂળ છોડનાં બીજ મોકલ્યાં, જેમાં અમ્બ્રેલા ટ્રી(મેગ્નોલિયા ટ્રિપેટાલા), ફ્રિન્જ ટ્રી (ચિયોનાન્થસ), પીળો જેસામી અને હોર્સ ચેસ્ટનટ (એસ્ક્યુલસ પાવિયાવર)નો સમાવેશ થાય છે. જેનને તેમના તરફથી નર્સરીમાં પતંગિયાઓની જાળવણી માટે માહિતી આપવાનું વચન આપ્યું, અને કેડવાલેડર કોલ્ડેનને લખ્યું કે “તમારી પુત્રીનો હું આભારી રહીશ, જો તે કોઈપણ બીજ અથવા જંતુઓનું આદાન પ્રદાન કરશે.” શ્રી કોલ્ડેને કેટલાક નોર્થ અમેરિકાના છોડના નમૂનાઓ ગાર્ડનને મોકલ્યા, જેમાં બીજ અને આર્બુટ્સના વર્ણનનો સમાવેશ થાય છે. જેને તેણીએ નવા ‘જીનસ’ તરીકે વર્ણવ્યા હતા. જોકે ગાર્ડન આ અવલોકન નોંધ સાથે અસંમત હતા. જ્યારે તે સાબિત થયું કે જેને ૧૭૫૩માં જ એક જીનસનું દસ્તાવેજીકરણ કર્યું હતું પરંતુ શ્રી ગાર્ડને છેક એક વર્ષ પછી પણ પોતે એ શોધનાર પ્રથમ વ્યક્તિ છે, એવું માનેલું. જોકે ઉદાર જેને શ્રી ગાર્ડનના માનમાં તે નવી ઓળખાયેલી વનસ્પતિનું નામ ગાર્ડેનિયા રાખવાનો પ્રસ્તાવ કર્યો. આ અભિગમ બાબતે ગર્વ અનુભવતા, ગાર્ડને જેનની શોધનો પ્રચાર કર્યો અને છોડનાં તેમનાં બંને વર્ણનો સ્કોટિશ ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪-૧૭૬૬)ને મોકલ્યાં, જેમણે ૧૭૫૬માં ફિલોસોફિકલ સોસાયટી ઓફ એડિનબર્ગના આશ્રય હેઠળ પ્રકાશિત કર્યાં. ગાર્ડને, તેમના ભૂતપૂર્વ પ્રોફેસર, એડિનબર્ગ ખાતે બોટેનિક ગાર્ડનના અધિક્ષક, ચાર્લ્સ એલ્સટન (૧૬૮૩-૧૭૬૦) તેમજ ગ્રોનોવિયસ અને કાર્લ લિનિયસ-ને આગ્રહપૂર્વક જણાવ્યું કે એક ભૂલના કારણે આ શોધમાં પોતાનું નામ જાહેર થયું છે જે વાસ્તવમાં એક વર્ષ પૂર્વે જેન દ્વારા શોધવામાં આવેલો. આમ જેન પોતાના સરળ અને નમ્ર અભિગમના કારણે વિશ્ર્વના વનસ્પતિ- શાસ્ત્રીઓમાં પણ માન મેળવી રહ્યાં હતાં.
અવલોકનો અને શોધની સાથે સાથે જેન વર્ણનાત્મક ગ્રંથોના પૂરક તરીકે ચિત્રનાં વિવિધ સ્વરૂપોને અનુસરે છે. જેન એક સરળ પ્રકારના રોલિંગ પ્રેસ દ્વારા પ્રિન્ટરની શાહી વડે કાગળ પર પાંદડાઓની છાપ લેવાની એક પદ્ધતિનો ઉપયોગ કરતાં જે તેમનાં પાંદડાં દ્વારા પ્રજાતિઓને અલગ પાડવા માટે ઉપયોગી થતી. કેડવાલેડરના મિત્ર બેન્જામિન ફ્રેન્કલિને ૧૭૩૦ના દાયકામાં ફિલાડેલ્ફિયાના સ્થાનિક છોડના દસ્તાવેજીકરણ માટે આ જ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે તેમને જોન બર્ટરામ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. એલેકઝાન્ડર ગાર્ડને કોલ્ડેધમની મુલાકાત દરમિયાન જેનની પ્રકૃતિની છાપનાં ઉદાહરણોની પ્રશંસા કરી હતી. તેણે માર્ચ ૧૭૫૫માં ગ્રોનોવિયસને જાણ કરી, “જેન પોતાની ચોક્કસ કુશળ પદ્ધતિ દ્વારા, પોતાના પિતા દ્વારા રાખવામાં આવેલા અસંખ્ય છોડની સંપૂર્ણ છબીઓ બનાવે છે.” સાત મહિના પછી, કેડવાલેડર કોલ્ડેને ગ્રોનોવિયસને જાણ કરી કે જેને ૩૦૦ છોડની છાપ બનાવી છે જેમાંથી કેટલાક નવા જીન્સ છે. જેન પોતાના સંગ્રહોમાં લીનએસ પદ્ધતિ અનુસરી ખૂબ લાંબાં લખાણો લખે છે.
કેડવાલેડર કોલ્ડેન અમેરિકન અને યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના નજીકથી એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં પત્રવ્યવ્હારો કરી જેનનાં કામોને પ્રદર્શિત કરતા રહ્યા જેમાં એડિનબર્ગમાં ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪- ૧૭૬૬), લંડનમાં વેપારી-વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સન અને ચિકિત્સક જોન ફોથરગિલ (૧૭૧૨-૧૭૮૦), હોલેન્ડમાં ગ્રોનોવિયસ અને સાઉથ કેરોલીના ગાર્ડનને જેનના વનસ્પતિશાસ્ત્રીય ગ્રંથો અને ચિત્રોના ઉદાહરણો મોકલ્યાં. આ તમામને કારણે વિવાદો પણ થયા. કેટલાક વેપારી અને વનસ્પતિશાસ્ત્રીઓએ જેનની વધતી ખ્યાતિ સાથે તેની શોધને તેનું નામ આપવા પ્રચાર કરતા આ વિવાદો થયા. તેનાથી વિપરીત જેને એક સંવાદદાતા, ચાર્લ્સ એલ્સટનને વધુ વિવેકબુદ્ધિ માટે વિનંતી કરી હતી. તેણીએ ૧ મે, ૧૭૫૬ના રોજ લખ્યું, “આ મારી તમને વિનંતી છે કે જયાં સુધી હું વનસ્પતિઓ વિષે જરૂરી તમામ જ્ઞાન ના મેળવી લઉં ત્યાં સુધી હું જે કઈ માહિતી વહેંચું છું તેને પ્રકાશિત કરશો નહિ.”
પોતાનાં પ્રારંભિક વર્ષોમાં જ ૧૭૫૩માં જેન, ગાર્ડનિયાનું વર્ણન કરનાર પ્રથમ વિજ્ઞાની પણ હતાં. જે છોડની શોધ થઈ તે હવે હાઈપરિકમ વર્જિનિકમ તરીકે ઓળખાય છે જેનું નામ તેમણે અગ્રણી વનસ્પતિશાસ્ત્રી એલેક્ઝાન્ડર ગાર્ડનના નામ પરથી સૂચવ્યું. તેણીનું કાર્ય અને ગાર્ડનિયાનું અવલોકન વિજ્ઞાનમાં તેણીનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. હસ્તપ્રતમાં લખ્યું હતું કે આ છોડ લિનિયન પ્રણાલી હેઠળ ઓર્ડર વિનાનો હતો. દરેક બંડલમાં માત્ર ત્રણ ચાઇવ્સ, અને ફૂલની સીટ પર ત્રણ અંડાકાર આકારનાં શરીર, એકસાથે. જે સીટ પર બીજ વળગી રહે છે, તે આ છોડને હાયપરિકમ્સથી અલગ પાડે છે અને, તે માત્ર એક અલગ જીનસ બનાવે છે, પરંતુ તે જ રીતે એક ઓર્ડર પણ બનાવે છે.” જેનને, છોડના નામકરણની નવી લિનિયન પદ્ધતિમાં નિપુણતા મેળવનાર “એટલાન્ટિકની બંને બાજુની પ્રથમ મહિલા” તરીકે ગણવામાં આવે છે; ફ્લોરા-નવેમ્બર ઇબોરાસેન્સિસ (બોટાનિક હસ્તપ્રત), અલ્સ્ટર કાઉન્ટીમાં અવલોકન કરાયેલ છોડના ડ્રોઇંગ્સ અને વર્ણનોનું સંકલન છે, જે તે સમય સુધી હાથ ધરવામાં આવેલ એક વિસ્તારનો સંભવત: સૌથી વ્યાપક વનસ્પતિશાસ્ત્રીય અભ્યાસ છે.
જેને ૧૭૫૯ સુધી ન્યૂ યોર્ક વનસ્પતિના અનુભૂતિ વર્ણનો બનાવવાનું ચાલુ રાખ્યું, એક ઉદાર અને સરળ પુત્રી એવાં જેને જે વર્ષે સ્કોટિશ ચિકિત્સક વિલિયમ ફાર્કુહાર (એલેક્ઝાન્ડર ગાર્ડનના મિત્ર) સાથે લગ્ન કર્યાં અને દેખીતી રીતે વનસ્પતિશાસ્ત્રના વ્યવસાયોને છોડી દીધા. જેન કોલ્ડેન ૧૦ માર્ચ, ૧૭૬૬ ના રોજ, તેના ચાલીસમા જન્મદિવસના સત્તર દિવસ પહેલાં, બાળજન્મની જટિલતાઓને કારણે મૃત્યુ પામ્યાં.
જેનની વનસ્પતિશાસ્ત્રીય હસ્તપ્રત એક હોશિયાર વનસ્પતિશાસ્ત્રી તરીકે તેણીની પ્રતિષ્ઠા જાળવી રાખે છે. ત્યારબાદના સમયમાં જેન ભુલાઈ જાય છે. સમકાલીન વનસ્પતિશાસ્ત્રીય પ્રકાશનોમાં સ્વીકૃત ન હોવા છતાં, જેને જે સંખ્યાબંધ પત્રો લખ્યા તેના પરિણામે વનસ્પતિશાસ્ત્રી જહોન એલિસે કાર્લ લિનિયસને અમેરિકન વનસ્પતિમાં છોડની ઓળખની લિનિયન પ્રણાલી લાગુ કરવા અંગેના તેમના કામ વિશે ઉલ્લેખ કર્યો, જેન માટે પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સને કહ્યું કે “જેનનું યોગદાન પ્રશંસાને પાત્ર છે અને તે સમકાલીન વનસ્પતિશાત્રીઓના જૂથમાં પોતાનું નામ જાળવી રાખે છે.” કેટલાક ચુનંદા અને ઉદાર સાથીપુરુષ પ્રકૃતિવાદીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ જેવા કે જ્હોન બર્ટરામ, પીટર કોલિન્સન, એલેકઝાન્ડર ગાર્ડન અને કાર્લ લિનિયસ સહિત ઘણા અગ્રણી વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા જેનને વનસ્પતિશાસ્ત્રી તરીકે માન આપવામાં આવ્યું હતું. તે અમેરિકામાં કામ કરતી પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી હતી, જેને તે સમયની બીજી મહિલા સંશોધકો મારિયા સિબિલા મેરિયન અથવા કેથરિન જેરેમીની જેમ જાહેરમાં સ્વીકારાઈ નહોતી પરંતુ તેમની અવગણના કરવામાં આવેલી.
જીવવિજ્ઞાની અને નૃવંશશાસ્ત્રી બ્રિટ્ટેની કેન્યોન-ફ્લેટે કહ્યું છે કે “જો તે સ્ત્રી ન હોત, તો જેન કોલ્ડેન સૌથી પ્રખ્યાત પ્રારંભિક અમેરિકન વનસ્પતિશાસ્ત્રીઓમાંની એક હોત.”
૭૫ વર્ષ પછી જ્યારે અલ્મિરા હાર્ટ લિંકન ફેલ્પ્સે જણાવ્યું કે અન્ય એક મહિલા વનસ્પતિશાસ્ત્રી વનસ્પતિશાસ્ત્રના વિજ્ઞાનને સમજાવનારી પ્રથમ અમેરિકન મહિલા હતી. ત્યાં સુધી અમેરિકનો જેન કોલ્ડેનની હસ્તપ્રતથી વાકેફ થયા ન હતા.
જેન કોલ્ડેનનાં થોડાં લખાણો બચ્યાં છે. તેણીનું મુખ્ય કાર્ય ન્યુ યોર્કના વનસ્પતિની હસ્તપ્રત છે, ફ્લોરા નોવ- એબોરેસેન્સીસ, જે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે અને સૌથી વધુ પ્રસિદ્ધ છે. વોલ્યુમમાં લાઇન ડ્રોઇંગની ૨૮૪ શીટ્સ અને દરેક છોડનાં વૈજ્ઞાનિક વર્ણનોનો સમાવેશ થાય છે. આ વર્ણનો, લેટિન નામો સાથે અંગ્રેજીમાં લખેલા જાણીતા સામાન્ય નામનો પણ ઉલ્લેખ છે જે ઉત્તમ માનવામાં આવે છે. તેણીના મૃત્યુ પછી, દ્વિપદી પ્રણાલી વધુ લોકપ્રિય બની અને પછીના કેટલાક દાયકાઓ સુધી, વનસ્પતિશાસ્ત્રનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં અને નિયમ પ્રમાણે તેમાં હંમેશાં પ્રથમ વ્યક્તિના નામનો સમાવેશ થતો હતો જેણે તેને શોધ્યું અને તેનું નામ સોંપ્યું. પરિણામે, જેન જેવા વનસ્પતિશાસ્ત્રીઓ ૧૮મી અને ૧૯મી સદી દરમિયાન આ પ્રકાશનોમાં વારંવાર ટાંકવામાં આવ્યાં હતાં. પરિણામે, જેન કોલ્ડેનના પ્રયત્નોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને શરૂઆતના ઘણા વનસ્પતિઓની સૂચિમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આનાથી જેનને એક એવી ઓળખ મળી જે તેણીએ તેના જીવનકાળ દરમિયાન ક્યારેય નહોતી મેળવી. અમેરિકાની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી તરીકેની તેની ખ્યાતિનો અંત ન હતો. ડો. એલેકઝાન્ડર ગાર્ડને તેમના સન્માનમાં એક છોડનું નામ રાખવાની ભલામણ રજૂ કરીને તેમની પ્રશંસા વ્યક્ત કરી, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં.
૧૯૬૩માં, ગાર્ડન ક્લબ ઓફ ઓરેન્જ એન્ડ ડચેસ કાઉન્ટીઝે પંદરસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં ઉત્તર અમેરિકાની મૂળ પ્રજાતિઓનાં જેનનાં ૫૭ વર્ણનો પસંદગી પામ્યાં અને પ્રકાશિત થયાં કારણ કે વર્ણનો જેનના “નિરીક્ષણ અને વર્ણન નોંધપાત્ર સ્તરે શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. ૧૯૯૦ ના દાયકામાં, વેલ્સ ગેટ, ન્યુ યોર્કમાં નોકસના મુખ્ય મથક સ્ટેટ હિસ્ટોરિક સાઇટે વનસ્પતિશાસ્ત્રમાં તેમના યોગદાનને માન આપવા માટે જેન કોલ્ડેન નેટિવ પ્લાન્ટ અભયારણ્યની સ્થાપના કરી. આ સાઇટ ન્યુ વિન્ડસર, ન્યુ યોર્ક શહેરમાં છે અને સેનાપતિઓ હેનરી નોકસ, નેથાનેલ ગ્રીન અને હોરાશિયો ગેટ્સે તેનો ઉપયોગ ક્રાંતિકારી યુદ્ધ દરમિયાન તેમના મુખ્ય મથક તરીકે કર્યો હતો.
આમ એક નવા ઉભરાતા દેશ અમેરિકાને તેના સ્વાતંત્ર્ય પહેલાં જ સ્વદેશી જૈવ ભંડારનાં વૈજ્ઞાનિક તથ્યોની ભેટ આપી જનાર જેન આજે પણ વિશ્ર્વ પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી તરીકે વિશ્ર્વકોષોમાં સ્પષ્ટ ઉલ્લેખના અભાવે અગ્રીમ હરોળમાં નથી. પરંતુ એક નિસ્વાર્થ પ્રકૃતિપ્રેમી તરીકે અને સાતત્યપૂર્ણ કેડી કંડારનારાઓની યાદીમાં તેઓ હંમેશાં પ્રથમ હરોળમાં રહેશે.
-
ક્યાં પરિબળો મહિલાઓને વર્કફોર્સની બહાર ધકેલે છે?
નિસબત
ચંદુ મહેરિયા
વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જોકે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે.પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧ થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નના કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વલ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’ પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.
લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.સામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારના કામો માટે પુરુષોને અને ઘરના કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.
શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પધ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામના સ્થળો દૂર આવેલા હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી.પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી. સગવડયુક્ત માળખાકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.
કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઉભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.
સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે.એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃધ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઉભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃધ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જીડીપીનો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)માં ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે.ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃધ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.
કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ જેવાં પગલાં લઈ શકાય.સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરના અને બહારના કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓ ની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવા કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ.મહિલાઓના કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
“અઘરું પડે….!”
અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.આપણે જે કંઈ બધું ભૂલીને બેઠાં હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડેમેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.:આસ્વાદઃ
સપના વિજાપુરા
ભાવનગર નિવાસી કવયિત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” એક કવયિત્રીની સાથે સાથે એક ગાયિકા, એક વકીલ અને ફેશન ડિઝાઈનર પણ છે. શિક્ષિકા તરીકે કવયિત્રીએ ત્રણ વર્ષ સેવા આપી છે. બાર વર્ષ બેંકમાં પણ જોબ કરી છે. એમને બેસ્ટ ફેશન ડિઝાઈનરનો એવોર્ડ પણ મળ્યો છે.
ચૌદ વર્ષથી ગીત-સંગીત સાથે જોડાયેલા છે. એમનો યાદ કર ગઝલસંગ્રહ પ્રકાશિત થયો છે. એમની રચનાઓ અવારનવાર અખબારો અને કવિતા, શબ્દસૃષ્ટિ, કુમાર, તમન્ના, શબ્દસર, કવિલોક, સમન્વિત જેવા નામાંકિત સામયિકોમાં પ્રકાશિત થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણી અમદાવાદ અને ભાવનગરના રેડિયો સ્ટેશન પર કાવ્યપઠન કર્યું છે.
નાની ઉંમરે ચોટદાર ગઝલ લખવાની કલા એમણે સિદ્ધહસ્ત કરી છે . જીવન ક્યાં એવું સહેલું હોય છે. જિંદગી પ્રશ્નાર્થ ભરેલી હોય છે. અને પ્રશ્નના જવાબ મળતા નથી ત્યારે કેટલું અઘરું પડે છે. કવયિત્રીની આ ગઝલ મુસલસલ બની છે. ‘અઘરું પડે’ રદીફ લઇ તેમ જ ચુસ્ત કાફિયા લઇ બનેલી આ ગઝલ કદાચ આપણાં જીવનના સવાલોના જવાબ આપી શકે !
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.કોઈ પ્રશ્નનો જવાબ સાંભળવાની તાલાવેલી દરેક પ્રેમિકાના દિલમાં હોય છે. ઘણાં પ્રશ્નનાં જવાબ આંખોથી વાંચી લેવાના હોય છે! પણ જે આહલાદકતા મધમીઠી જબાનથી મળે એ આંખોથી મળે એમાં ન હોય, એટલે પ્રશ્નો ઉત્તર સાંભળવા બેતાબ થયેલી પ્રેમિકા માટે ઉત્તર ના મળે તો અઘરું પડે!
ફક્ત પ્રેમિકા શા માટે કોઈપણ સંબંધમાં વાર્તાલાપ જરૂરી છે. પછી એ પતિપત્ની હોય, ભાઈ બહેન હોય કે બીજા કોઈ પણ સંબંધ હોય વાર્તાલાપ એ સંબંધને સબળ રાખવાની ચાવી છે. ગેરસમજ ના કરવી હોય તો પ્રશ્નના ઉત્તર પણ આપવાં પડે, નહીંતર અઘરું પડે! પ્રેમિકા પ્રશ્નના જવાબની રાહમાં છે અને જવાબ મળ્યો નથી! ઈચ્છા અધૂરી રહી જશે! ઈચ્છા ફળશે નહીં! અઘરું તો પડે!
આપણે જે કંઈ બધું ભૂલીને બેઠાં હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.ભૂતકાળ બધાને હોય! કડવો મીઠો! યાદ રાખવા જેવો ભૂલી જવા જેવો! પણ એ બધું ભૂલીને બેઠા હોઈએ અને ફરી એ બધું સામે આવે તો અઘરું પડે! મુકેશનું ગીત યાદ આવે છે, ” ભૂલી હુઈ યાદો મુઝે ઇતના ના સતાવો, અબ ચૈન સે રહેને દો મેરે પાસ ના આવો.” પણ યાદ ઉપર આપણો કાબુ ક્યાં હોય છે? યાદ તો ક્યારે પણ આવી જાય. કોઈ રસ્તે મળી જાય અને છાતીમાંથી ટીસ ઉઠે! અથવા કોઈના તીર જેવા શબ્દો સોંસરવા નીકળ્યા હોય, માંડ કરીને ભૂલ્યાં હોઈએ અને ફરી બીજા તીર વાગે તો અઘરું તો પડે!
હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.બધા હસતા ચહેરા સુખી નથી હોતા! પણ હસતા ચહેરાની પાછળ દર્દ છુપાયેલું હોય છે. કેટલાય દુઃખો છૂપાવીને માનવી હસતું મોઢું રાખે છે. અંદર અંદર જખ્મો કળતાં રહે છે. કહે છે ને કે “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જિસકો છૂપા રહે હો!” કોણ કેટલું દુઃખી છે, એ એનો ચહેરો દેખાડતો નથી. ચહેરા પર લોકો હાસ્યના મોહરા પહેરીને ફરતાં હોય. હૃદયમાં તડપતા ગમને ઓળખવા માટે હૃદયની જ આંખો જોઈએ. ચહેરા તો હંમેશા જૂઠ બોલતા હોય છે. શાવરમાં રડતી આંખોના આંસુ કોઈ જોઈ નથી શકતું. પણ જખ્મોને કળતાં જોવાં અઘરાં તો પડે.!
સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડે.જેના પર વિશ્વાસ હોય, જે આપણી પડખે છે એવી ખાતરી હોય એ જ, આપણા દુશમન સાથે ભળી જાય તો કેટલું દુઃખ થાય? વિરોધીની સામે લડત લડી લઈએ પણ આપણો પ્રિયજન એ વિરોધી સાથે ભળી જાય તો! આપણાં હથિયાર હેઠાં પડી જાય. જ્યારે કોઈ અંગત આપણી સામે પડી જાય તો. ” કોઈ દુશ્મન ઠેસ લગાયે તો મીત જીયા બેહલાયે, મનમીત જો ઘાવ લગાયે ઉસે કૌન મીટાએ ” મનમીત જો બીજા સાથે ભળીને ઘાવ આપે તો અઘરું તો પડે.
મેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.ઘણાં સંબંધો તોડ્યા પછી પણ તમારી સાથે સાથે ચાલતાં હોય છે. ગુસ્સામાં આવીને કે મજબૂરીથી સંબંધ તોડવા પડે છે. પણ એ સંબંધ દિલથી નથી તૂટતાં પણ એ સંબંધ તમારી સાથે કબર સુધી જતાં હોય છે. એ સંબંધની કડવી મીઠી યાદ રોજ તમને તડપાવી જતી હોય છે. તમને લાગે છે કે તમે એને ભૂલી ગયા પણ એ તમારી સાથે શ્વાસોની જેમ વળગેલા હોય છે. ” હમ તો સમજે થે કે હમ ભૂલ ગયે હૈ ઉનકો , ક્યાં હુઆ આજ યે કિસ બાતપે રોના આયા” આમ કોઈને કોઈ વાતે આપણે પ્રિયને યાદ કરી લઈએ છીએ. એની યાદમાં હૈયું બાળી લઈએ છીએ. કોઈ ના જુએ એમ રડી લઈએ છીએ.અંજનાજીની ખૂબ સુંદર ભાવવાહી ગઝલ. -
કોઈનો લાડકવાયો – (૬૧) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો : (૪)
દીપક ધોળકિયા
ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો. ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી. આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું. ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું. એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું! ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા!
દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર ‘દરોડો’ પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ. નહેરુ, સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા.
પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી. ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં. પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી.
એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી. બધી તૈયારી થઈ ગઈ હતી. માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો. એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા. આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ. સ્ટ્રેચરો, ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં.
પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા. પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા. તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા. હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું, તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા. કોઈનાં માથાં ફૂટ્યાં તો કોઈના પગ. લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં.

અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો. એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા, કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી. મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો. તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી ફેલાઈ ગઈ. નિર્દોષ, અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી. મિલરે રિપોર્ટ આપ્યો કે,
“હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો. મને ઊબકા આવવા લાગ્યા. જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો. ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા. કામળા પણ લોહી નીતરતા હતા. ત્યાંથી એમને પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા. હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી. ૩૨૦ ઘાયલ થયા હતા. કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી. એ પીડાથી કણસતા હતા. બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં.”
સરદાર વલ્લભભાઈનાં માતા
મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.
ધોલેરા સત્યાગ્રહ
૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા.
૧૯૩૦ના ગુજરાતના શહીદો
સવિનય કાનૂન ભંગનું આંદોલન તે પછી પણ ચાલતું રહ્યું. આખા દેશમાં પોલીસના દમનને કારણે અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા. આપણે બધાને અંજલિ આપીએ. અહીં ૧૯૩૦નાગુજરાતના શહીદોનાં નામ જેટલાં મળી શક્યાં તેટલાં આપ્યાં છે, કારણ કે પોલીસના રેકૉર્ડમાં હોય – જેમનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હોય અથવા જેલમાં થયાં હોય તેમનાં નામ જ મળી શકે. ઘણાને બહુ ખરાબ હાલતમાં છોડી મૂક્યા હોય અને પાછળથી એમનાં ઘરે મૃત્યુ થયાં હોય. એમની માહિતી એકઠી કરવાનું બહુ કપરું કામ છે. એ સૌની ક્ષમા માગી લઈએ.
૧. બાપુરાવ અંગાપુરકર – ગામ કરાડી (જિ. નવસારી). પ્રાથમિક શાળાના શિક્ષક. ધરપકડ પછી પોલિસના અત્યાચારને કારણે શહીદ થયા.
૨. ભાઇલાલ દાજીભાઈ પટેલ – ગામ પતીજ, જિ. ખેડા. ધરાસણાના સત્યાગ્રહી. એમને પોલીસે લાઠીઓ મારી. લાતો મારી. એ બેહોશ થઈ ગયા અને અર્ધા કલાકમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.
૩. ભાણ ખેપુ હુલ્લા – મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના, પણ સૂરત જિલ્લાના કિસ્મોડા ગામે રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા અને ગંભીર ઈજાઓનો ભિગ બન્યા. ૧૦મી જૂને એમનું મૃત્યુ થયું.
૪. ગોરધનભાઈ રણછોડભાઈ – ભરૂચ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગનાં આંદોલનોમાં સક્રિય રહ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાં પર પિકેટિંગ, મીઠાનો સત્યાગ્રહ વગેરેમાં ભાગ લેતા હતા. એમની ધરપક્ડ પછી સાબરમતી જેલમાં મોકલી દેવાયા. ત્યાં બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.
૫. હરિલાલ શાહ – મૂળ મુંબઈના, પણ સૂરતમાં રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના લાઠી પ્રહારમાં મૃત્યુ પામ્યા.
૬. ઈશ્વરલાલ વૈરાગીવાળા – આંદોલનમાં ભાગ લેવાને કારણે બે વર્ષની સખત કેદની સજા આપીને વિસાપુર જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમની તબીયત લથડી એટલે અહમદનગર લઈ જવાયા. ત્યાં ૭ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
૭.જેઠાભાઈ પટેલ – ગામ જલસામ, જિ, ખેડા. સાબરમતી જેલમાં પોલીસના અત્યાચારને કારણે ૯મીડિસેમ્બર ૧૯૩૨ના રોજ એમનું મૃત્યુ થયું.
૮. જેઠાલાલ જાયેડભાઈ – ખેડા જિલ્લો. ૧૯૩૨માં ગેરકાનૂની ઠરાવેલું કોંગ્રેસનું સાહિત્ય એમની હોટેલમાંથી મળ્યું. કારાવાસ અને દંડની સજા મળી. જેલમાં ગંભીર બીમારી લાગુ પડી અને ૧૯૩૨માં મૃત્યુ પામ્યા.
૯. મનસુખલાલ – ગોધરા, જિલ્લો પંચમહાલ. ૧૯૩૧માં ધરપકડ થઈ. જેલમાં ગંભીર બીમારીનો શિકાર બન્યા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં ખસેડ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું.
૧૦. નરહરિભાઈ પટેલ – ગામ ઊદ, જિલ્લો ખેડા. ૧૯૩૧માં ગામમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો. પોલીસે ગોળીબાર કરતાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.
૧૦. નરુથ નાથ – (નામ સ્પષ્ટ નથી) – ગામ કોસ્મોડા, જિ. સૂરત. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના મારથી ઘાયલ. ૧૩મી જૂન ૧૯૩૦ના મૃત્યુ થયું.
૧૧. રતિલાલ વૈદ્ય – ગામ ધોલેરા, જિ. અમદાવાદ. ઉંમર ૧૬ વર્ષ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગમાં સક્રિય રહ્યા. એમને પકડીને યરવડા જેલમાં મોકલી દેવાયા. ત્યાં ભારે સખત મજૂરીને કારણે મૃત્યુ પામ્યા.
૧૨. ત્રંબકલાલ – સરખેજ (અમદાવાદ)ના રહેવાસી. ઉંમર વર્ષ ૧૮. આંદોલનમાં સક્રિય. સાબરમતી જેલમાં ૧૯૩૦ના ઑગસ્ટમાં મૃત્યુ થયું.
૧૩. ત્રિવિક્રમ – ગામ જંબુસર (ભરૂચ). મે અને જુલાઈ દરમિયાન કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો. ઑગસ્ટ ૧૯૩૦માં સાબરમતી જેલમાં મૃત્યુ.
૧૪. વિઠ્ઠલભાઈ દલ્લુભાઈ પટેલ – નવસારીના વતની. અંભેટી (બારડોલી તાલુકો)માં રાષ્ટ્રીય શાળાના શિક્ષક. ૧૯૩૦ના જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પોલીસના મારથી ગંભીર ઈજા પામ્યા અને ૧૯૩૦ની ૨૩મી ઍપ્રિલે મૃત્યુ થયું.
—–
(મીઠાના સત્યાગ્રહને પગલે પગલે – પણ અલગ રીતે – પઠાણોની અહિંસક વીરતા અને એક સત્યાગ્રહી આર્મી ઑફિસર ચંદ્ર સિંહ ગઢવાલીની કથા માટે વિશે જાણવા આગામી ૬૨મા પ્રકરણની રાહ જૂઓ).
૦૦૦
પ્રકરણ ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ માટેના સંદર્ભની સૂચિઃ
(લેખકની આ પહેલાંની ‘ભારતની ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીના ભાગ ૩નાં પ્રકરણ ૪૮થી ૫૧માં આ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે).
૧. Martys of India, Vol 4 (Maharashtra, Gujarat, Sindh)
૨. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey
૩. Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report
૪. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૨, નવજીવન ટ્રસ્ટ
૫. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩, નવજીવન ટ્રસ્ટ
૬. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm
૭. https://upsctree.com/history-dharasana-satyagraha/
૮. (મહેબૂબ દેસાઈ – https://gujarativishwakosh.org/ધોલેરા)
૯. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.
૧૦. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf
૧૨. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.
૧૩. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.
૧૪. Does Anyone Remember Abbas Tyabji? – By Anil Nauriya (લેખકના અંગત સંગ્રહમાંથી)
૧૫. https://100years.upi.com/sta_1930-05-21.html
0૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
આંબેડકર : સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી નકામી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
પંચોતેરમી સંવિધાન ગાંઠની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે ૧૯૪૯ના નવેમ્બરની ૨૬મીએ બંધારણ સભામાં સંવિધાન પસાર થયું એને આગલે દહાડે, ૨૫મી નવેમ્બરે, આંબેડકરે કહેલી કેટલીક બુનિયાદી વાતોનું સ્મરણ કરવું લાજિમ લાગે છે- અને તે માત્ર રસમી તોર પર મુદ્દલ નહીં; પણ સાભિપ્રાય ને સહેતુક એટલું જ સટીક પણ.
એક આબાદ, બિલકુલ ભરીબંદૂક વાત તો એ કહી હતી આંબેડકરે કે ગમે તેટલું સારું સંવિધાન કેમ ન હોય, જો સુયાણીમાં વેતા ન હોય તો વેતર વંઠે તે વંઠે. ઠેકાણાસરના માણસો મોખા પર ન હોય તો સારામાં સારું સંવિધાન ટાંયે ટાંયે ફીસ પુરવાર થાય એ નક્કી જાણજો. વળી એ પણ ટાંપ કરી હતી એમણે કે સંવિધાનમાં માનો કે મર્યાદાઓ હોય તો પણ રાજ ચલાવનારા જો સરખા હીંડે તો નબળું તોયે તે ઠીક કામ આપી શકે છે. બીજી સોજ્જુ વાત એ કીધી’ તી આંબેડકરે કે દેશને લાંબો સમય સમર્પિતપણે સેવા આપનારાઓ પ્રત્યે આપણો ઋણભાવ હોય એ ઈષ્ટ છે. પણ આ કૃતજ્ઞતાના ખયાલને પણ ચોક્કસ મર્યાદાઓ ખચીત છે. આપણો ઋણભાવ આંધળી ભક્તિમાં ગંઠાઈ જવાનો હોય તો એ લોકતંત્ર સારુ લગારે પથ્ય નથી. ત્રીજી, પણ તેથી પહેલીબીજી કરતાં સહેજે ઓછા મહત્ત્વની નહીં એવી વાત એમણે જે કહી હતી તે એ કે સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મૂળિયાં નાખી શકતી નથી. સામાજિક લોકશાહીને સારુ જરૂરી ત્રણ વાનાં તે સ્વાધીનતા, સમાનતા ને બંધુતા. જો સમાનતા ન હોય તો સ્વાધીનતાને નામે થોડાક લોકો ધરાર ચઢી વાગે. જો બંધુતા ન હોય તો પણ સ્વાધીનતાને નામે થોડાકનો રુક્કો ચાલે. વળી એ પણ સમજાવું જોઈએ કે જો બંધુતા ન હોય તો સ્વાધીનતા ને સમાનતા સહજપણે શક્ય નહીં બને- અને આ સંજોગોમાં જે ગોંધળ સરજાય તેમાં પોલીસપ્રવેશથી માંડી રાજની જુલમજોહાકી સહિતની સંભાવનાઓ સાફ છે.
આ જે ચેતવણીઓ, એમાંથી ખાસ કરીને ત્રીજી ચેતવણી (બંધુતા-સમાનતા-સ્વાધીનતાનાં સહીપણાંની જરૂરત) લક્ષમાં લઈએ તો આંબેડકરના ૨૫મી નવેમ્બર, ૧૯૪૯ના એ ઉદ્દગારો પણ સમજાઈ રહેશે કે આપણે આપોઆપ એક રાષ્ટ્ર થઈ ગયા છીએ કે થઈ જવાના છે એમ કૃપા કરીને માનશો મા. શતસહસ્ર નાતજાતમાં વહેંચાયેલા આપણે એક રાષ્ટ્ર ક્યાંથી હોઈ શકીએ? હા, એમણે કહ્યું હતું, સંવિધાનનું જે દર્શન છે એમાંથી ભારતનો જે ખયાલ ફોરે છે એ સેવીએ, એનું સંગોપન-સંમાર્જન કરીએ તો વાત બને.
આ બધું આંબેડકરે નવેમ્બર ૧૯૪૯માં કહ્યું હતું. એ મુજબનું બંધારણ બે મહિના પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું. સ્વરાજની લડતમાં, જવાહરલાલની અધ્યક્ષતામાં જે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ) દિવસ ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીથી ઊજવાતો થયો એને લક્ષમાં રાખી, ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. એક રીતે લગરીક ટેક્સ્ટબુકી લાગે એવો આ પૂર્વાર્ધ કોઈ માસ્તરી ધક્કાથી નહીં પણ સંવિધાન દિવસ મનાવતી વેળાએ આપણને જે ઓસાણ રહેવા જોઈએ તેમજ ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એવી થોડીક સૂધબૂધ રહે તે વાસ્તે અહીં આલેખ્યો છે.
આમ તો આ ૭૫મી સંવિધાન ગાંઠ છે (વરસફેરે ૭૪મી પણ કહી શકો); પણ એની વિશેષ ઉજવણી ‘મોસમ હૈ ઈવેન્ટાના’ મિજાજમાં માહેર ભાજપ નેતૃત્વે લગીર કચકચાવીને ૨૦૧૫થી શરૂ કરી છે. કચકચાવવાનું કંઈક ઓછું લાગ્યું તે કિન્નો ઉમેરીને હવે, ૨૦૨૪થી, હર ૨૫મી જૂને સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત ઉર્ફે ગેઝેટેડ એલાન આપણી સમક્ષ આવ્યું છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આગળ કરેલો મુદ્દો સંવિધાનનો હતો અને દસ વરસના સુવાંગ શાસને ઊભા કરેલા સવાલો સામેના વૈકલ્પિક કથાનકની ઠીક સામગ્રી એમાં પડેલી હતી તે એક અંતરાલ પછી મતદાતાઓએ વિધિવત્ વિપક્ષ નેતાનું સ્થાન અંકિત કરી આપ્યું એ પરથી સમજાઈ રહે છે. કોંગ્રેસને અને સંવિધાનને શું એવો સવાલ જૂન ૧૯૭૫-માર્ચ ૧૯૭૭ના ઈંદિરાઈ તબક્કાને સહારે સહેજ પણ અપ્રસ્તુત અલબત્ત નથી. પણ ભલે અંજીરપાંદ પણ, કોંગ્રેસ પક્ષે એક બચાવ હોઈ શકે તેમ ત્યારના એક જેલવાસી છતાં કહેવું જોઈએ- અને તે એ કે આ સત્તાલક્ષી તોડમરોડ ચોક્કસ બંધારણીય જોગવાઈના હવાલાસરની હતી. ગમે તેટલું સારું બંધારણ હોય પણ રાજકારભારું કૂટનાર ધોરણ બહાર જાય ત્યારે તેનો મતલબ રહેતો નથી, એ આંબેડકરની ચેતવણી આ સંદર્ભમાં સમજાઈ રહે છે.
માર્ચ ૧૯૭૭-૧૯૭૯ના જનતા પર્વમાં બંધારણીય સુધારાથી દોષદુરસ્તી જરૂર કરાઈ. પણ થોડાં વરસ પર લાલકૃષ્ણ અડવાણીએ આબાદ કહ્યું હતું તેમ છતે સુધારે તોડમરોડ નહીં જ થાય એમ માની શકાતું નથી. જનતા સરકાર પડી તે પછીના રાજીવ શાસનમાં, વાજપેયી ને મનમોહન શાસનમાં અને હવે સવિશેષ મોદી ભાજપ દશકમાં અઘોષિત કટોકટીના મુદ્દા આપણી સામે આવતા રહ્યા છે.
૨૫મી જૂનનો સંવિધાન હત્યા દિવસ, અઘોષિત કટોકટી મુદ્દાઓની પ્રજાસૂય તપસીલનો કેમ ન બની શકે? જનતા રાજ્યારોહણ પછી, છતાં અને સાથે, જયપ્રકાશે લોક સમિતિ અને છાત્ર યુવાન સંઘર્ષ વાહિની જેવા બિનપક્ષીય જનઓજાર પર ભાર મૂક્યો હતો તે અહીં સાંભરે છે. તે સાથે એ પણ યાદ આવે છે કે છાત્ર યુવા વાહિનીએ કટોકટી મુદ્દે ૨૫ જૂનની ઉજવણીનો વિચાર આગળ કર્યો ત્યારે જયપ્રકાશે સૂચવેલું આયોજન ‘લોકચેતના દિવસ’નું હતું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અક્ષયપાત્ર
માયા દેસાઈ
” પપ્પા,પણ તમે કંઈ બોલો તો ખબર પડે. તબિયત સારી ન લાગતી હોય તો ડો. સચિનને ઘરે બોલાવી લઉં. અનન્યાએ કીધું કે બે ટંકથી તમે બરાબર જમતાં નથી તો કારણ જાણવું જરૂરી છે ને. ઉનાળો માથા પર અને તબિયત બગડે તો હોસ્પિટલ ભેગાં જ થવું પડે.”
અમોલ એમના કપાળે હાથ લગાડતાં બોલ્યો. પપ્પાએ પરાણે બેઠા થઈ ઓશિકું ખેંચી મ્લાન હસતાં કહ્યું,” કંઈ જ નથી થયું. શરીર તો કડેધડે છે.બસ, એમ જ.” કહી એમણે ફરી ઓશિકું ખેંચી સરખું કર્યું. અમોલે જોયું તો પપ્પા કશુંક સંતાડી રહ્યા હતા, એણે એ તરફ જતા પૂછ્યું,” શું થયું છે? તમે તો કદી જ કશું છુપાવવામાં માનતા જ નથી, તો એ શું સંતાડી રહ્યા છો!”
પપ્પા ઢીલા પડી ગયા અને એક ખૂણા તરફ સંકોચાઈને બેઠા. જરા વાર પછી ધીમેથી બોલ્યા, “તારી મમ્મી ગુજરી ગઈ ત્યારે મેં કહ્યું હતું હું આ વર્ષે કેરી નહીં ખાઉં. આજે તારી ને અનન્યાની લગ્નની વર્ષગાંઠ એટલે કાલે એ કેરી ઘરમાં લાવી ત્યારે મન જરા દુભાયું. રસ પૂરીનો પ્રોગ્રામ હશે એ સમજાયું, પણ લાગ્યું કે મારી કોઈને પડી નથી એટલે ઓછું જમી રૂમમાં આવી વહેલાં સૂવાનો ડોળ કર્યો. તારી માનાં ફોટા સામે જોતા સૂતો ત્યાં આવી એ સ્વપ્નામાં. મને ઠપકો આપતાં બોલી, ‘મારી પાછળ કેરી છોડી પણ ઘરમાં અશ્મિ છે ને નાની.. એમાં દિલમાં શું લઈ બેઠા? છોકરાની લગ્નતિથિ છે તો લાલાને શીરો ધરાવશો કે નહીં? બધું જ ભૂલી ગયા !”
એણે એક રેશમી કાપડમાં વીંટાળીને મૂકેલ ડબ્બો યાદ કરાવ્યો..
અક્ષયપાત્ર! દરેક શુભ દિવસે એ ડબ્બામાંની સામગ્રી વાપરવી , લાલાને ભોગ ધરાવવો અને આ ડબ્બામાં ફરી નવી સામગ્રી ભરી દેવી. આ ડબ્બો અનન્યાને આપી શીરો કરવા એણે કહ્યું હતું પણ ..”
અમોલ બોલી ઊઠ્યો,” પણ શું પપ્પા! અનન્યા તમારું આટલું ધ્યાન રાખે છે તો શીરો ન બનાવી આપે?” એટલામાં અનન્યા અને અશ્મિ પણ આવી પહોંચ્યાં. તેઓ આવ્યાં એટલે પપ્પા જરા ખચકાટ અનુભવતા કપડાં ઠીક કરી બેઠા.
“હું એની પાસે જવાનો હતો ત્યાં એને રસોડામાં થાકેલી જોઈ. વળી બાઈ ન આવી તેથી બમણો બોજો બીચારીને. રસ સાથે તારે તો ઢોકળા જોઈએ જ તેથી એ બધું કરતાં થાકે નહીં તો શું થાય! તેથી લાલાને પગે લાગી ડબ્બો જ અડકાડી તેને કહેવાનું ટાળ્યું. પણ મન કંઈ પીછો ન છોડે અને તારી મમ્મી ! આ ફોટામાંથી મલક્યા કરે .”
એટલામાં અનન્યાએ ઓશીકાં નીચેથી સુંદર રેશમી કપડાંથી બાંધેલ ડબ્બો હાથમાં લઈને ખોલવા માંડ્યો. સુંદર કોતરણીવાળો પિત્તળનો કડી મારેલ ડબ્બો જોઈ અશ્મિ તો રાજી રાજી થઈ ગઈ.
“હવે આ ડબ્બો મારો .” અનન્યાએ જોયું તો પાંચ ખાનાંવાળા એ ડબ્બામાં એક ખાનામાં કાજુ, બીજામાં બદામ, ત્રીજામાં એલચી અને ચોથામાં નાનકડી ડબ્બીમાં કેસર હતું. પાંચમા એટલે કે વચ્ચેના ખાનામાં એક ચિઠ્ઠી હતી જેમાં લાલાને ધરાવવાના શીરો બનાવવાની માપ સાથે રીત હતી. કાગળ જૂનો થવા આવ્યો હતો પણ મમતાથી મઘમઘ થઈ રહ્યો હતો.
પપ્પા જરા સ્વસ્થ થયા અને અશ્મિને સોડમાં લેતા બોલ્યા, ” બેટા, તારાં ડેડીની દાદીએ તારી દાદીને આ અક્ષયપાત્ર આપેલું. દાદી તારી મમ્મીને આપવા પહેલાં જ લાંબી સફરે ઊપડી ગઈ તેથી હવે આજથી આ ડબ્બો અનન્યાનો થયો. આ ડબ્બો કદી ખાલી ન રહે એ જોવાનું અને દરેક શુભ દિવસે આમાંથી સામગ્રી લઈ શીરો લાલાને ધરાવવાનું યાદ રહે. આજથી આ અક્ષયપાત્ર તારું થયું બેટા, એને આ રેશમી કપડામાં બાંધી તારાં કબાટમાં મૂકી દે. “
અનન્યાએ પપ્પાને પગે લાગતાં કહી જ દીધું, “પપ્પાજી, મને પણ રસ નથી ભાવતો. બંને ડેડી – દીકરી ગરમ પૂરીને ન્યાય આપી રહ્યાં એટલામાં અમોલ અહીં આવ્યા એટલે હું પણ પાછળ આવી, જમી નથી. હું હમણાં જ આ ચિઠ્ઠીનાં માપ પ્રમાણે શીરો બનાવીને લાલાને ધરાવી દઉં એટલે પછી આપણે બંને જ આ મસ્ત શીરો ખાઈશું હોં! આ રસ પૂરી ખાનારાઓની બાદબાકી શીરામાંથી.”
ચારે જણાંનાં મુક્ત હાસ્યથી ઓરડો ગુંજી ઊઠ્યો. અક્ષયપાત્ર આંખે અડકાડી અનન્યા રસોડાં તરફ નીસરી ત્યારે એની પાંપણે બંધાયેલાં આંસુનાં ટીપાંનું રેશમી કાપડે આચમન કર્યું તો પપ્પાની આંખો હરખમાં ચૂઈ રહી. પત્નીનાં ફોટાને ચઢાવેલા હારમાંથી એક નાનકડું ગુલાબ જમીન પર આવી એનો રાજીપો નોંધાવી ગયું !
#©️ માયા દેસાઈ, મુંબઈ ભારત.
-
અધૂરી પ્રેમકથા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“May I have your attention please? પંદર મિનિટમાં આપણે લંડન હવાઈમથક પર પહોંચીશું. સીટ-બેલ્ટ બાંધવા વિનંતી.” પરિચારિકાનો નમ્ર અવાજ સંભળાયો.
કામિનીએ બહાર નજર કરી. જાણે સફેદ રૂ જેવાં વાદળોની વચ્ચે એ પસાર થઈ રહી હતી. એણે ઇંગ્લેન્ડ વિશે પુસ્તકોમાં ઘણું વાંચ્યું અને જાણ્યું હતું. એને વિશ્વાસ નહોતો આવતો કે, સાચે જ એ ઇંગ્લેન્ડ પહોંચી રહી છે.
ચમત્કારો આ યુગમાં પણ થાય છે? મહિનાઓ સુધી શિષ્યવૃત્તિની કેટલી અધીરાઈથી રાહ જોઈને પછી પાસપોર્ટ, વિસા જેવી અનેક મુશ્કેલીઓ પાર કરીને અંતે એ લંડન પહોંચી.
ઇંગ્લેન્ડ સરસ દેશ છે ખબર હતી, પણ અહીંના લોકો માટે થોડી આશંકા હતી. બ્રિટિશરોના લીધે એના પરિવારે ઘણું વેઠ્યું હતું. સત્યાગ્રહ સમયે પિતા, ભાઈઓને માર ખાવો પડ્યો હતો, જેલ જવું પડ્યું હતું. પોતાને પણ જેલની હવા ખાવી પડી હતી.
જેલવાસ પહેલાં મેજિસ્ટ્રેટ- રૉબર્ટ સ્મિથ સિવાય કોઈ અંગ્રેજને જાણતી નહોતી.
એ એક અનોખી ઘટના હતી. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનનો સમય હતો. કૉલેજની યુવતીઓએ રસ્તા પર સરઘસ કાઢ્યું, દેશભક્તિનાં ગીતો ગાયાં. અંગ્રેજોને જોઈને ‘ભારત છોડો’નો નારો જરા વધુ જોશથી બોલાયો. પોલીસે સૌને પકડ્યાં ત્યારે એનાં સિવાય સૌએ માફી માંગી લીધી. કચેરીમાં મેજિસ્ટ્રેટ-રૉબર્ટ સ્મિથ સામે એને હાજર કરવામાં આવી.
કચેરીમાં બેઠો ક્લાર્ક અપરાધીઓનાં નામ બોલે ત્યારે એમને મેજિસ્ટ્રેટના સવાલોના જવાબ આપવાના રહેતા. સામે ઊભેલા લોકો સામે ભાગ્યેજ નજર કરતા યુવાન મેજિસ્ટ્રેટ કોઈ પુસ્તક વાંચવામાં લીન હતા.
કામિનીનું નામ બોલાયું.
એનું નામ, પિતાનું નામ, ઉંમર, શું અપરાધ છે…વગેરે પૂછતાછ થઈ. ક્લર્કનું કામ હતું સવાલ-જવાબોનો અનુવાદ કરવાનું.
“અપરાધી છો, હા કે ના?”
અનુવાદની રાહ જોયા વગર પુસ્તકમાં નજર ખોડીને વાંચતા મેજિસ્ટ્રેટ સામે જોઈને ધારદારે અવાજે કામિની બોલી, “મેજિસ્ટ્રેટને કહો કે, ઇંગ્લેન્ડ પાછા જાય, ત્યાં જઈને એમનું કામ કરે.”
હવે મેજિસ્ટ્રેટે કામિની તરફ નજર કરી અને નજર ત્યાં જ અટકી ગઈ.
“અજબ સંયોગ..”એણે મનોમન બોલીને ફરી નામ પૂછ્યું.
“કામિની ગર્વે.”
“મિસ ગર્વે, તમે સ્કૂલમાં કવિતા ભણાવો છો?”
“હા, પણ એનો આ કેસ સાથે શું સંબંધ, તમને કચેરીમાં કથા-કવિતા ભણવાનો પણ પગાર મળે છે?” કામિનીએ જરા તેજ અવાજમાં પૂછ્યું.
“કથા નહીં યંગ લેડી, કવિતા. તમને સાત દિવસની ‘એ’ ક્લાસની સજા ફરમાવામાં આવે છે. જેલની સજામાં વાંચવા આ પુસ્તક આપીશ, પણ તમારો જો આવો જ વ્યહવાર રહ્યો તો અદાલતની અવહેલના કરવા માટે વધુ સાત દિવસ.”
બીજા દિવસે જેલમાં કામિનીને -હિલેયર બેલૉક-ના કાવ્ય સંકલનનું પુસ્તક મળી ગયું. લખ્યું હતું, “તમને જેલવાસ આપ્યો એના તરફથી શુભેચ્છા સાથે.” સાથે લાલ લીટીમાં કવિતાની એક પંક્તિ ટાંકી હતી.
Her face was like a king’s command,
When all the sword are drawn.”“જ્યારે તલવારો હાથમાં ખેંચાયેલી હોય ત્યારે, સમ્રાટના આદેશ જેવો એનો ચહેરો હતો.”
કામિનીએ નિર્ણય કર્યો કે, જેલવાસ પૂરો કરીને એ બહાર આવશે ત્યારે અખબારમાં સ્મિથના એના પ્રતિના વ્યહવાર અંગે ઉલ્લેખ કરશે. જ્યારે એ ઘેર પાછી આવી ત્યારે એને જાણ થઈ કે સ્મિથ રાજીનામું આપીને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા છે.
કામિનીને સ્મિથે લખેલી પંક્તિઓ અવઢવમાં મૂકી દીધી હતી કે, આ એનાં સૌંદર્યની પ્રશંસા હતી? પણ એ દિવસથી એ જ્યારે અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે એને એ શબ્દો, સ્મિથનું એની તરફ તાકી રહેવું, યાદ આવતું અને એનાં અંગોમાં કંપન થઈ આવતું.
આ ઘટનાથી અંગ્રેજો પ્રતિ એના મનોભાવ બદલાયા નહીં, પણ એ લોકો જેટલા માનીએ છીએ એટલા સંકુચિત માનસના નથી એવું વિચારતી તો થઈ.
******
વિમાનના આંચકાથી કામિનીની વિચારશૃંખલા અટકી. એ લંડનની ધરતી પર હતી. હોટલ પહોંચી ત્યારે શરદઋતુની હુંફાળી સાંજ હતી. સામે પાર્કમાં લોકો ફરતા હતા. લીલાંછમ ઘાસની આસપાસ ફૂલોની ક્યારીમાં ઝૂલતાં ગ્લૈડિયોલીનાં ફૂલો, શાંત-પ્રસન્ન વાતાવરણ, કામિનીને બહાર ફરવાનું મન થયું.
પાર્કમાં નાનાં બચ્ચાંઓ, કબૂતરોને દાણાં ખવડાવતી સ્ત્રીઓ, દુનિયાની ચિંતાથી પરે યુવાન-યુવતીઓ, ભાષણ સાંભળવા ટોળે મળેલા લોકો જોઈને એને સારું લાગ્યું.
હોટલ પાછી આવી તો અચાનક એકલતા સાલી. એને યાદ આવ્યું કે, આ પહેલો દિવસ હશે જ્યારે એણે કોઈની સાથે વાત નથી કરી.
પહેલી વાર એને થયું કે, મિત્ર વગરના આ દેશમાં કેમ આવી?
જો કે, એ ઝડપથી લંડનની દિનચર્યામાં ગોઠવાઈ ગઈ. બસ, અંડરગ્રાઉન્ડ સ્ટેશન, ટ્યૂબ ટ્રેન, કાફેટેરિયામાં લંચ, ક્લાસમાં લેક્ચર અને ફરી પાછી એ ઉલટી રફ્તારે હોટલ ભેગા થવાનું જાણે માફક આવી ગયું.
ભારત છોડતી વખતે કામિનીના મનમાં આશા હતી કે, સ્મિથ ક્યાંક તો મળી જશે. જો કે એ ક્યાં જાણતી હતી કે સ્મિથ આફ્રિકા છે, અમેરિકા છે કે પછી ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડમાં હોય તો પણ આટલા મોટા શહેર લંડનમાં એને શોધવો અસંભવ હતો. કદાચ મળી પણ જાય તો સ્મિથ એને ઓળખશે? મનમાં કેટલાય સવાલો હતા. એ સવાલોના જવાબ મેળવવા એણે ટેલિફોન ડિરેક્ટરિમાં સ્મિથનું નામ શોધવા માંડ્યું. ડિરેક્ટરિમાં ‘આર’ અને ‘એસ’ અક્ષરથી શરૂ થતાં અઢળક નામ, ક્યાંથી પત્તો પડે?
રૉબર્ટ સ્મિથ નામ કદાચ મળી જાય તો એની સાથે શું વાત કરશે? એના મનમાં એક દૃઢ વિશ્વાસ હતો કે, ઈચ્છા છે તો સ્મિથ ક્યાંકથી તો મળી જ જશે. ક્યાંક તો વાંચ્યું હતું કે, જેની તરફ અદમ્ય આકર્ષણ હોય એ મળીને જ રહે છે. એણે મનોમન સ્મિથ સાથે કેટલીય વાતો કરી લીધી.
કૉલેજનું સત્ર પૂર્ણ થવા આવ્યું, પણ કામિનીની ઈચ્છા પરિપૂર્ણ થાય એવો કોઈ અવસર ન આવ્યો.
એક દિવસ એના રોજિંદા ક્રમ મુજબ એણે ટ્યૂબ સ્ટેશન પહોંચવા બસ પકડી. અંડરગ્રાઉન્ડની બીજી તરફ બહાર નીકળી તો ત્યાં લોકોની ભીડ હતી. દૂરથી બેગ-પાઇપર અને ડ્રમ સાથે સૈનિક-ધુન સંભળાતી હતી.
યાદ આવ્યું, આજે ત્યાંથી અતિથિ સાથે મહારાણી પસાર થવાનાં હતાં. એ ભીડમાં ભળી ગઈ. આગળ બેન્ડ, પાછળ શાહી ઢબે આગળ વધતા ગાર્ડ, હાથમાં રાયફલ અને ભાલા પકડીને વિવિધ વેશભૂષામાં ચાલતા સૈનિકોથી અજબ માહોલ સર્જાયો હતો.
સોનાના રથમાં બેઠેલાં, લોકો તરફ સ્મિત ફરકાવતાં મહારાણી પસાર થયાં પછી ભીડ વીખરાઈ. બસ એક મંત્રમુગ્ધ બનેલી કામિની અને એની પાછળ ડૂસકાં ભરીને રડતી એક સ્ત્રી ત્યાં જ અટકી ગયાં.
કામિનીને જોઈને એ આંખમાં આંસુ સાથે બોલી, “આવી રીતે સનિકોનું જુલૂસ નીકળે ત્યારે મારાથી સંયમ નથી જળવાતો.”
“સાચી વાત છે. આવી શિસ્તબદ્ધ રીતે નીકળતા સૈનિકો કેટલા સરસ લાગે છે!” કામિની બોલી.
“હા, પણ મારો એક મિત્ર જ્યારે ભારતમાં હતો અને એક યુવતીને ચાહવા માંડ્યો હતો ત્યારથી અવારનવાર એ કહ્યા કરતો કે, ‘એક તલવારધારી સુંદર સ્ત્રી હજારો સૈનિકો જેવી લાગે.” ફરી એની આંખમાંથી આંસું છલકાયાં.
કામિનીને થયું કે, એ આ શું સાંભળી રહી છે?
“તમારા એ મિત્ર અત્યારે ક્યાં છે?” કોઈ અજનબીને સવાલ કરવો ઉચિત નથી એ જાણવાં છતાં એ સવાલ કર્યા વગર ન રહી શકી.
સ્ત્રી આંસુંથી ખરડાયેલા ચહેરે ઉપર તરફ ઈશારો કરતા બોલી, “ઈશ્વરના દરબારમાં….બીજા વિશ્વયુદ્ધના અંતમાં તે માર્યો ગયો.”
કામિની બુત બની ત્યાંજ ખોડાઈ ગઈ.
ખુશવંત સિંહ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
