મંજૂષા
વીનેશ અંતાણી
ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત ચેટબોટ ‘ચેટજીપીટી’ની બોલબાલા છે. એના વિશે ઉપરછલ્લું જાણતા લોકો એની વાત કરે ત્યારે એમનો અહોભાવ છૂપો રહેતો નથી. કહેશે – તમે જાણવા માગો તે બધું પલકવારમાં જણાવી દે છે.

મને પણ કુતૂહલ થયું. મહાજ્ઞાની ચેટજીપીટી પાસે ગયો. શું પૂછવું તે નક્કી નહોતું. જિજ્ઞાસાવશ ગયો ગયો હતો એટલે થયું ‘જિજ્ઞાસા’ વિશે જ પૂછું. ચેટજીપીટીરૂપી જીન ‘માગ, માગ, માગે તે આપું’ એવા ભાવ સાથે મારી સામે હાજર હતો, મેં અલ્લાદીનની જેમ જાદુઈ ચિરાગ ઘસ્યો અને કહ્યું – મને ‘ક્યુરિયોસિટી’ – જિજ્ઞાસા – વિશે જણાવ. ચેટજીપીટીએ ફટાફટ ‘જિજ્ઞાસા’ વિશે ઘણી માહિતીનો ખડકલો કરી દીધો. નવુંનવું જાણવા માટે બાળસહજ જિજ્ઞાસાની જરૂરી છે. મોટા થયા પછી પણ બાળક જેવી જિજ્ઞાસા ટકી રહે તો ઘણાં સારાં પરિણામ આવે છે. માહિતી આપવા ઉત્સુક ચેટજીપીટીએ કહ્યું કે માનવજીવનને ધરમૂળથી બદલી નાખનાર ઘણી શોધના પાયામાં બાળસહજ જિજ્ઞાસા રહેલી છે. એનાં ઉદાહરણો પણ આપવા માંડ્યાં.
સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો આઇઝેક ન્યૂટનનો. ઝાડ પરથી તૂટેલું સફરજન જમીન પર પડ્યું તે જોઈ ન્યૂટનને બાળકને થાય એવી જિજ્ઞાસા થઈ કે સફરજન જમીન પર કેમ પડ્યું? આકાશ તરફ ઉપર કેમ ન ગયું? એમાંથી એમણે ગુરુત્વાકર્ષણના બળની શોધ કરી.
સી. વી. રામન સમુદ્રમાર્ગે મુસાફરી કરતા હતા ત્યારે પાણીમાં પડતા પ્રકાશતંરગો જોઈ એમને એના વિશે વધારે જાણવાનું કુતૂહલ થયું અને એમાંથી ‘રામન ઇફેક્ટ’ નામની ખૂબ મહત્ત્વની શોધ કરી શક્યા.
‘મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની બાલસહજ જિજ્ઞાસાએ એમને ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવી.
ચેટજીપીટી પ્રાચીન સમયના મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટને પણ ભૂલ્યું નહીં.
આ યાદી વધતી ગઈ. ચેટજીપીટીએ બાળસહજ જિજ્ઞાસામાંથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દુનિયાભરની વિભૂતિઓનાં નામ અને કાર્યોની વિગતોનો ઢગલો કરી દીધો.
અમેરિકાના વોલ્ટ ડિઝનીની બાલસહજ જિજ્ઞાસામાંથી સર્જાયેલાં મિકી માઉસ જેવાં કાર્ટૂન ફિલ્મોનાં પાત્રો અને ડિઝનીલેન્ડની સ્થાપના જેવી અનેક સિદ્ધિઓની વિગતો આપી અને સાથે એમનું આ જાણીતું વિધાન પણ જણાવ્યું – ‘આગળ વધતા રહો, નવાનવા દરાવાજા ખોલતા રહો અને નવી દિશામાં આગળ વધતા રહો. માનવમાત્રમાં જિજ્ઞાસા હોય છે અને એને કારણે જ માણસ કશુંક ને કશુંક નવું કરતો રહે છે.’
તમારી વાત સાચી, ચેટજીપીટી. હવે તમે સાદી ભાષામાં તમારી પોતાની ઓળખાણ આપો – મેં કહ્યું. જવાબ મળ્યો – ‘હું એક કોમ્પ્યૂટર પ્રોગ્રામ છું અને મારું કામ છે માનવ ભાષાને લેખિત કે મૌખિક રૂપમાં સમજી, મારી પાસે ઉપલબ્ધ માહિતીનો ખજાનો પ્રોસેસ કરી, તમે જાણવા માગતો હો એના યોગ્ય જવાબ આપવા.’
મને રમૂજ સૂઝી એટલે મેં એને પૂછ્યું – તમારા વિશે રમૂજી ક્વૉટ્સ જણાવોને. એમાંથી એક કવૉટ મજા આવે એવો – ‘ચેટબોટ પિઝાની ડિલિવરી કરવા આવતા લોકો જેવું છે. એ એને મળેલા ઓર્ડરમાં ભૂલ કરશે, પરંતુ ડિલિવરી કરવામાં વિલંબ નહીં કરે!’
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર એન્ડ્રયુ એનજી નામના કોમ્પ્યૂટર નિષ્ણાતે પણ મજાકમાં કહ્યું છે – ‘ચેટબોટ ટીનએજર છોકરા-છોકરીની જેમ માને છે કે પોતે બધું જાણે છે, પણ વાસ્તવમાં કશું જાણતાં હોતાં નથી.’
માણસ જ્યારે બધું જ યાદ રાખવાની જવાબદારી ચેટબોટ પર જ નાખી દે પછી શું બને?’ એવો સવાલ પૂછ્યો ત્યારે ચેટજીપીટીએ પોતાનો એક રમૂજી અનુભવ જણાવ્યો કે એક માણસ પોતાનું નામ જાણવા માટે પણ ચેટજીપીટીને પૂછે છે!
કેટલાક લોકોમાં વધારે પડતી બિનજરૂરી જિજ્ઞાસા હોય છે. એમને દરેક બાબત વિશે સવાલ જન્મે છે. એવા એક ‘વધારે પડતા જિજ્ઞાસુ’એ પોતાના વિશે કહ્યું છે – ‘ હું જાણે એવો ડિટેક્ટિવ છું, જેની પાસે એક પણ કેસ નથી, છતાં સૌથી વ્યસ્ત રહું છું.’ ઘણા લોકોનો નેવું ટકા સમય પ્રશ્ર્નો પૂછવામાં જાય છે અને બાકીનો દસ ટકા સમય પોતાના ઘરની ચાવી કે પોતાનાં ચશ્માં શોધવા પાછળ ખર્ચાય છે.
પછી મેં ચેટજીપીટીને કહ્યું – હવે મજાક પૂરી. મને જિજ્ઞાસા વિશે ગંભીર વાત જણાવો. જવાબ હાજર હતો – ‘જિજ્ઞાસા મીણબત્તીની જ્યોત જેવી છે. એના અજવાળામાં તમે જોવા જેવું ઘણું નવું જોઈ શકો છે. જિજ્ઞાસા માણસને યાદ અપાવે છે કે એણે હજી ઘણું જાણવાનું બાકી છે.’
પછી મેં ચેટજીપીટીને વિચિત્ર સવાલ પૂછ્યો – ધારો કે માણસમાં જિજ્ઞાસા જ ન હોત તો શું બન્યું હોત? મારા આ સવાલથી ચેટજીપીટીને મજા આવી ગઈ. કહે – ‘તમે તો મને બહુ આકર્ષક સવાલ પૂછ્યો. એનો જવાબ છે – જિજ્ઞાસા ન હોત તો માણસને સવાલો થયા ન હોત અને નવીનવી શોધો શક્ય બની ન હોત. જિજ્ઞાસા વિના જ્ઞાન-વિજ્ઞાનનું ક્ષેત્ર બંધિયાર થઈ ગયું હોત. લોકોમાં સમસ્યામાંથી માર્ગ કાઢવાની આવડત વિકસી ન હોત. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓમાં સર્જનાત્મક કાર્યો થયાં ન હોત. માણસે નવા પ્રદેશો શોધ્યા ન હોત, સામાજિક પરંપરાઓમાં પરિવર્તનો આવ્યાં ન હોત, વિવિધ સંસ્કૃતિ–સભ્યતાનો પરિચય થયો ન હોત. તમને પણ જિજ્ઞાસા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ ન હોત,’ મેં કહ્યું, ‘આભાર, ચેટજીપીટીજી, બહુ મજા આવી’. જવાબ મળ્યો, મળતા રહેશું.
ચેટજીપીટીમાં થોડી ડૂબકી મારી પછી મને થયું: આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સાથે પનારો પાડનાર નાસ્તિક માણસ પણ ભગવાનમાં માનતો થઈ જાય એવો જમાનો આવી ગયો છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
