-
ક્યે દા’ડે છૂટીશું આવા “ખોટા વહેમો” અને “રીતિરીવાજો” માંથી ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“અલ્યા રવજી ! છેલ્લા ત્રણ-ચાર દા’ડાથી “આજ નહીં, કાલે વાત…આજ નહીં, આવતી કાલે વાત” એમ કર્યે જા છો તે તારે ટ્રેક્ટર હાંકી દેવું છે કે નહીં ? તારા ભરોહે તો ભલામાણહ મેં બીજાને કીધું નથી ! હવે આવતી કાલે સવારમાં તારું નાનું ટ્રેક્ટર લઈને આવી જા તો કપાહના ચાહની પડખામાં ખાતર વાવી દઈએ. આ જો, માથા ઉપર મે જળુંબી રહ્યો છે, ક્યારે ટૂટી પડે એનું કંઇ કહેવાય નહીં. જો આવી જાહે ને, તો તો પછી વરાપ થાતાં લાગી જાહે વાર, અને કપાહના છોડવા થઈ જાહે મોટા, એટલે પછી એમાં ટ્રેક્ટર હાંક્યે ડાળ્યું જાય ભાંગી, અને આ ખાતર વાવવાનો આપણો કાર્યક્રમ જ બંધ રાખવાનો થાહે. માટે કાલે મારો વારો લઈલે ભૈલા !” સાંજના રવજીને ઘેરે જઈ કરશનકાકાએ તાકીદ કરી.
“ના, કરશનકાકા કાલ નહીં ! કાલ તો છે “અગિયારશ” ! તમે બમણું ભાડું આપો તોયે અગિયારશ હું નહીં ભાંગુ ! મારું નીમ છે કાકા કે “અગિયારશ” અને “અમાહે” તો અગતો પાળવાનો જ !” રવજીએ કરશનકાકાની શરમ નો ભરી તે બસ નો જ ભરી ! અને કુદરતને કરવુ છે તે કરશનકાકાને બીક હતી એવું જ થયું ! બીજે દિવસે સાંજકનો વરસાદ શરૂ થયો તે ચાર દિ’ સુધી લાગલગાટ વરસ્યો ! રવજીની અગિયારશનો અગતો રવજીને તો ફળતા ફળશે પણ કરશનકાકાને તો સરખાઇનો નડી ગયો !
મિત્રો ! આપણે ખેડૂતોમાં હમણાં સુધી આવા અગિયારશ અને અમાસના અગતા પળાતા હતા. તે દિવસોમાં સાંતી-કોસ અને મુસાફરી જેવા બધાં કામો બળદ માથે હતાં. એટલે ક્યારેક એને થોડોક થાક-પોરો ખાવા મળે એવી એની પાછળની દ્રષ્ટિ હતી. પણ આજ તો હવે મશીનથી-ટ્રેક્ટરથી ખેતીકામો કરવાના થાય છે એમાં વળી “અગતા”ની જરૂર શી ? કહેશો ! ગામડાંમાં અને એમાંયે ખેડૂતસમાજમાં તો આવા કેટકેટલાય વહેમો ને અંધશ્રદ્ધાનું પાલન-પોષણ થઈ રહ્યું છે.કહો ! કોની વાત કરવી ને કોની ન કરવી?
હા, અગતા પાછળનું કોઇ વ્યાજબી કારણ હોય તો જરૂર પળાય. જેમકે અમારા વિસ્તારમાં “ઢસા ગામ” અને “ઢસા વીશી” એવા નામની બે મોટી વસ્તિ છે. બન્ને કસબાની પંચાયતો પણ અલગ અલગ છે. એકમાં અગતો રખાય છે “અમાસ” નો અને બીજામાં પળાય છે “પૂનમ” નો ! પણ એ એટલા માટે કે બન્નેની બજારોમાં આસપાસના ગામડાંઓનું હટાણું જબરું છે. એટલે બધા ધંધાદારીઓને મહિનામાં આવી રજા હોય તો વ્યાપાર-ધંધા બંધ રાખી, અન્ય કામો કરી શકે તે છતાં કોઇ બહારગામડેથી ખરીદીઅર્થે આવી ચડનારને ખોટો ધક્કો ન થાય ! ઢસા ગામની બજારોમાં રજા હોય તો ઢસા સ્ટેશન ખુલ્લું હોય અને ઢસા સ્ટેશનમાં રજા હોય તો ઢસાગામ ખુલ્લું હોય,બન્ને ગામ બાજુબાજુમાં સાવ અડીને છે તેથી આ બન્નેના અગતા સૌને નડતરરૂપ નથી
મૃત્યુ પ્રસંગે “મોટી કાણ્ય” નો દેખાડો :થોડા દિવસો પહેલાં અમારા પાડોશીના સગામાં એક વયોવૃદ્ધદાદાનું મોટું ગામતરું થયું. તો અમારા પાડોશીએ તો “તમારે બે જણાએ ખોટક્યાના કામે આવવાનું,……. તમારે બે જણાએ આવવાનું “ એવું કહી કહી 20-22 જણાને તૈયાર કર્યા, મોટું વાહન બાંધી ખરખરે જઈ આવ્યા. હવે તમે જ કહો, કોઇનું મૃત્યુ થાય એટલે એના નજીકના સગા-સંબંધી હોય તેઓને ફરજ પડે કે સગાંના દુ:ખમાં ભાગીદાર થવા-કંઇક આશ્વાસન દેવા- ખોંખારે જવું જોઇએ. પણ “મોટી કાણ્ય”નો દેખાડો કરવા જેઓને આ મૃત્યુ સાથે કંઇ લેવાલેવાદેવા નથી એ બધાનો સમય અને ગાડીભાડાનો વેડફાટ કરાવવાનો કંઇ અર્થ ખરો ? જ્યારે ને ત્યારે આવી “કાણ્ય” ની ઢાલો ઊભી જ હોય !
વૈતરણી તરવા ગાયને પૂંછડે પાણી ? એક દિવસ કે જેટલા દિવસ “બેસણું” રાખ્યું હોય તેટલા દિવસ કાણ્યે આવતા આદમી માથે ફાળિયાં ઓઢી લાંબે રાગે રોતા રોતા આવે અને બૈરાંઓ તો છાતી કૂટતી આવે એવો રિવાજ ખોટો દેખાડો નથી ? અને “પાણીઢોળ’ ની વિધિ વખતેય એવો ફજેતો કરવાનો, કે વાછરડીની ડોકે સાતધાનની પોટલીઓ ટીંગાડી કુટુંબીજનોએ એને પૂંછડે પાણી રેડવા ક્યાંય ક્યાંયથી આવી જવાનું ! કહેવાય છે કે આમ કરવાથી સદગત વૈતરણી પાર ઉતરી જાય, બોલો ! કોણે ભાળી છે વૈતરણી, કોઇ કહેશો ? બધું ગપેગપ કે બીજું કાંઇ ?
અને પાછો મરણ પછીનો રિવાજ તો જુઓ ! પાણીઢોળને દિવસે “સોગ” ભાંગ્યા પછી પાછા કારજ નિમીત્તે સૌએ ભેગા મળી લાડવા દાબવાના ! “મૃત્યુ” એ તો દુ:ખનો પ્રસંગ છે. તે પછી મૃત્યુ ભલેને વયોવૃદ્ધ દાદા કે દાદીનું થયું હોય ! એ ઘટના દુ:ખદ જ ગણાય. પહેલાં તાણી તાણીને રડી લેવાનું અને પછી ધરાઇ ધરાઇને મિઠાઇ ઝાપટવાની ? સગા-સ્નેહી-સંબંધી આપણા દુ:ખમાં ભાગ પડાવવા આવ્યા હોય તે ઈચ્છવાયોગ્ય છે, તેઓ પણ પ્રસંગની ગંભીરતા જાણી “સાદા રોટલા” જ જમે અને જમાડાય. વિચિત્રતા તો એવી છે કે જે કેટલાક પૈસેટકે થોડા માતબર હોય એતો વળી “ગળી કાણ્ય” નો કાર્યક્રમ આદરે ! મોઢે આવેલાને બધાને તાણ્ય કરી કરીને મિષ્ટાન જમાડીને પછી જ જવા દે,બોલો !
ઉદાહરણરૂપ માલપરાગામનો રિવાજ : અમારા ગામ માલપરામાં સ્વર્ગસ્થ માટલિયાભાઇના તપ થકી ગ્રામસમાજમાં કેટાલાક સંસ્કારો ઘડાયા છે, તેમાં આ “કારજ-દાડા” માંથી મોટાભાગના લોકો મુક્ત થયા છે, એની પાછળની પાક્કી સમજણ બસ એ જ કે “મૃત્યુ પાછળ મિજબાની” ન હોય ! એની પાછળ બીજો પણ શુભ હેતુ સમાયેલો એ છે કે “દાડા” જેવા ખોટા રીત-રિવાજમાં પૈસા ખરચવા એના કરતાં કોઇ સારા ગામાયત કાર્યમાં જ ન ખર્ચીએ ? અને એ નિમીતે કોઇ બસસ્ટેંડ, કોઇ હવાડા ઉપર છાંયો, કોઇ વળી પાણીનું પરબ કે શાળામાં વોટરકૂલર, ગ્રામ-પ્રવેશદ્વાર કે મકાનો બાંધવા જેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
અમારી જ વાત કરું તો અમારા માતુશ્રી દિવાળીબાનું અવસાન થતાં વાછરડીનાં પૂંછડે પાણીયે નથી રેડ્યું કે નથી ગાદલું-ગોદડું-ચાદર-ઓશિકું-લોટો-ચમ્પલ-છત્રી-ફળો જેવી ચીજવસ્તુઓ મૂકીને ખાટલોએ કળપ્યો ! કે નથી લાડવાવાળો દાડોયે કર્યો. હા, એ નિમીતે બા-બાપાની પૂણ્યસ્મૃતિ રૂપે અમે એમનાં સંતાનો જ્યાં ભણીને શિક્ષણ-સંસ્કાર પામ્યાં તે વાત્સલ્યધામ લોકશાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અનુકૂળતા થાય તે અર્થે ત્રણ વર્ગખંડો – Class Rooms બંધાવી આપ્યા, અને દર વરસે એમની નિર્વાણતિથિએ કુટુંબી બધાં ભેળાં થઈ તેમના ગુણસ્મરણનો કાર્યક્રમ રાખતા હોઇએ છીએ.
“લીલ પરણાવવી” : હજી એક એવોએ રજા દીધા જેવો રિવાજ છે કે કોઇ અપરણિત છોકરો, યુવાન કે ભલેને સાઇઠ છાંડી ગયેલ આધેડ હોય પણ [ પુરુષ જાતિ જ હો ! કોઇ દીકરી, કે સ્ત્રી લગ્ન થયા વિના મૃત્યુ પામે તો પાછું નહીં હો !] એના લગ્ન ન થયેલ હોય અને મૃત્યુ થયું હોય તો તેની પાછળ “લીલ પરણાવવી” પડે. અને એમ ન કરાય તો મરનારનો આત્મા અવગતે જાય ! જે રીતની લગ્નમાં વિધિ હોય એ રીતે જ ડાભડા [એક પ્રકારનું ઘાસ ]ના વર-કન્યા બનાવી, એમાં મરનારના આત્માનું નિરૂપણ કરી રીતસર ફેરા ફેરવી લગ્ન કરવાનો રિવાજ છે. બોલો, આવું કરવાનો કોઇ અર્થ ખરો ? માનસમાં ઘર કરી ગયેલ વહેમ કે બીજું કાં? સમયની બરબાદી,નાણાંનો વેડફાટ અને બુદ્ધિનું દેવાળું નહીં તો બીજું શું કહેશું કહો !
સુરધન-શિકોતર રૂપે ગોંખલા પૂજવા : માનો કે કોઇનું કોઇપણ જાતના અકસ્માતે મૃત્યું થયું ? તો તેના મનમાં અધૂરી રહી ગયેલી ઇચ્છાઓની પૂર્તિ માટે ભૂવાને બોલાવી-માંડવો નાખી-દાણા જોવરાવી એને “સુરધન-શિકોતર” સ્વરૂપે ગોંખલામાં બેસાડી કાયમખાતે ભૂવા કહે એમ એની સરભરા કર્યા કરવાની, અને માનોકે કુટુંબમાં કોઇ સભ્ય જરા સાજા-માંદા થયા કે કોઇ કામમાં નબળું પરિણામ મળ્યું ? તો તરત બોલાવો ભૂવાને, અને કરો માંડલું, જૂઓ દાણાં ! શોધો, આપણને કોણ નડે છે ? અને એ શોધવામાં ઢોંગી ભૂવાને રળાવ્યા કરવાનું અને પોતાના મગજને કાયમ આવા વહેમના બાનમાં રાખતા રહેવાનું !
અમારે ઘેર ચોસલામાં પણ મકાનની ઓંશરીના ભડે એક ગોંખલો હતો. એ ગોંખલા ઉપર એક પડદો હતો. એ પડદો ખુલ્લો હોય ત્યારે મારાં બાને એની લાજ કાઢવાની થતી. કારણ કે એમાં “સુરધનદાદા” બેઠેલા હતા. અને ઘરની પછીતે એક ગોંખલો હતો તેમાં “શિકોતરમા” બેઠેલા હતા. હું ત્યારે માલપરે માટલિયાભાઇની લોકશાળામાં 8 મું ધોરણ ભણતો હતો. મેં માટલિયાભાઇને સૂરધન-શિકોતરની વાત કરી. તો મને કહે “આપણે આગ્રા-ગંગાજીના પ્રવાસે જઈએ ત્યારે સાથે લઈ લેજે-ગંગાજીમાં પધરાવીને તેનો મોક્ષ કરી દઈશું.” મેં ઘેર વાત કરી તો કાકાએ તો ભૂવાને બોલાવ્યા. દાણાની એકી-બેકી કરીને ભૂવો કહે, “ જો છોકરા ! સુરધનદાદા સામાપૂરે હાલે તો મૂર્તિઓ સોનાની કરાવવી પડશે !” મારા બાપા કહે, “કંઇ વાંધો નહીં બેટા ! એવું થાય તો પાછા લાવજે”. હું તો ખાદીના રૂમાલમાં વીંટી, કપડાના થેલામાં મૂકી સાથે લઈ ગયો અને 32 વિદ્યાર્થીઓની સાક્ષીમાં ગંગાના વહેણમાં તરતા મૂક્યા,એ કંઇ સામાપૂરે ન હાલ્યાં,તણાઇ ગયા ! અમારા કુટુંબમાંથી સુરધન-શિકોતરનો વહેમ પણ કાયમ ખાતે તણાઇ ગયો
પિતૃઓને પાણી પાવું : ગામડાંઓમાં તો એક એવોએ રિવાજ છે કે ભાદરવી અમાસના દિવસે હાથમાં ઝારી-લોટા લઈ ધરો, બોરડી, પીપળે, વડલે, નદીને કાંઠે, ગાયોનો ગોંદરે વગેરે સ્થળે પિતૃઓને તૃપ્ત કરવાના બહાને પાણી રેડવું જોઇએ. સંત એકનાથજીએ આવું જોયું તો નદીના વહેણમાં ઊભા રહી ખોબલે ખોબલે દક્ષિણ દિશામાં પાણી ઉડાડવા માંડ્યા. કોઇકે કહ્યું કે “એકનાથજી ! આ શું કરો છો ?” તો એકનાથજી કહે, “મારું ખેતર આ બાજુ છે એને પાણી સિંચું છું.” તો પેલો જણ કહે “ આ તમારું ખોબે ખોબે ઉલેચેલું પાણી એટલે દૂર થોડું પહોંચે ?”ત્યારે એકનાથજીએ કહેલું કે “ભલાભાઇ ! મારું ખેતર તો નજીક જ છે, જો મારું ઉલેચેલું પાણી ત્યાં ન પહોંચવાનું હોય તો તમારા વડવાઓને એટલે બધે દૂર તમે આ રીતે રેડો છો તે થોડું પહોંચતું હશે ?” વડવાઓને પાણી તો જીવતેજીવ તેમણે માગ્યું ત્યારે પાયું હોય તો તેમનો કોઠો ઠર્યો હોય ! બાકી શું અર્થ છે આવી રીતે આવા વહેમ અને રીતરિવાજોની પાછળ સમય અને મગજ ખોયા કરવાનો ?
લીંબું-મરચાં અને ઘોડાનો નાળ દરવાજે ટીંગાડવા :એક દિવસ વન-પર્યાવરણ અંગેની એક મિટિંગમાં અમે 5-7 ખેડૂત મિત્રો પાલીતાણા જઈ રહ્યા હતા.રસ્તામાં રોડ ઉપર જ 3-4 મોટર-કાર ઊભેલી જોઇ અમે પણ “શું છે?” એ જાણવા જીપ ધીમી પાડી-ઊભી રાખી અને જોયું તો એક ઘોડાગાડીવાળો હાથમાં ઘોડાના પગેથી નીકળી ગયેલો “નાળ” હાથમાં ઉંચો રાખી, સૌને દેખાડી, “ઘેરે નાળ ટીંગાડી રાખવાથી થતા ફાયદા” વર્ણવી નાળનું વેચાણ કરતો ભાળ્યો. અમારા માહ્યલા કોઇને તો આવી હંબક વાત ગળે થોડી ઉતરે ? અમે તો ત્યાંથી ચાલતી પકડી. પણ અમારા માહ્યલા ઠાકરશીભાઇ કહે “હીરજીભાઇ ! તમે ભલે ન માનો, પણ દરવાજે ઘોડાનો “નાળ” અને લીંબું-મરચા ટીંગાડવાનો જો કંઇ લાભ ન હોય તો મોટા મોટા ડાક્ટરો અને શેઠિયાઓ પોતાના દવાખાને કે ઓફિસોમાં શું કામ ટીંગાડતા હોય ?” મેં કહ્યું કે “ઠાકરશીભાઇ ! ડોક્ટર કે શેઠિયા થઈ ગયા એટલે આવા વહેમોમાંથી નીકળી ગયા હોય એમ માનવું ભૂલ ભરેલું છે. તમને તો ગળે ઉતરે છે ને કે ઘોડાનો નાળ કે લીંબું-મરચાં તો શું, ઘોડાગાડીનું આખું પૈડું અને લીંબું-મરચાની આખી ગાંહડી બારણે ટીંગાડીએ તોયે વિના પુરુષાર્થે ક્યાંય રોટલા મળતા નથી ! એવું કરતા હોય એને કરવા દ્યો. આ જમાનો હવે ઘોડાના નાળ કે લીંબું-મરચાં ટાંગવાથી થાવાવાળી પ્રગતિનો નથી રહ્યો. કમ્પુટર અને ઇંટરનેટનો જમાનો આવી ગયો છે મિત્રો ! આપણે હજુ એવા વહેમોમાં જ રચ્યાપચ્યા રહેશું તો ખરેખર કરવા જેવા કામો કરવાનો ગાળો જ નહીં મળે ભાઇઓ ! એમાંથી જલ્દી બહાર નીકળીએ”આવા વહેમોયે પાર વિનાના : અરે ! કેવા કેવા વિચિત્ર વહેમો અને રીતરિવાજો આપણાં માનસમાં ઘર કરી ગયા છે કે ન પૂછો વાત ! ગામતરે જવા નીકળીએ અને બિલાડી આડી ઉતરે કે-કૂતરું કાન કરે કે વેળા-કવેળાનો વખત હોય અને જો ચીબરી બોલી ઊઠે તો ખલાસ ! ભારે અપશુકન જ થયા ગણાય. બિલાડી તો આપણાં ઘરોમાં રહેનારો જીવ છે, શું એને હરફર નહીં કરવાની ? એ ન આડી ઉતરે તો શું સાવજ-દીપડા આડા ઉતરે ? અને ચીબરી તો ખેતીપાકોનો રાતનો રખેવાળ હોઇ, એ તો ખેડૂતની સહેલી ગણાય. એની હાજરી તો આપણી મોલાતોને ઉંદર જેવા રાની જીવોથી રક્ષણ આપનાર છે.એ બોલે એ તો ખેડૂતને મન શુકન થયા ગણાય.
“શનિવાર” તો કહે હનુમાનદાદાનો વાર. “દેવદેરાં ચડાય પણ હનુમાનની હડિયે ન ચડાય” કંઇ વાંધો નહી, આપણે શનિવારે વાળ ન કપાવવા, નખ ન કાપવા કે એક દિ’ માથામાં તેલ ન નાખવું. દિ’નો ક્યાં દુકાળ છે ? બાકીના છ વાર છે, બીજો કોઇ વાર પસંદ કરવો. પણ ખિજડે મામો બેઠો હોય, પીપળાના ઝાડવે ભૂત હોય કે આંકડોનો ચૂલાપાયો ન કરાય-એ પાછી સારી વાત છે. એ ખોટા વહેમ નથી, પણ એ પર્યાવરણરક્ષાના હેતુસર વૃક્ષોને બચાવવા માટેની એ કહેતી છે.
ગાય-બળદ ખરીદવાના હોય કે ટ્રેક્ટર જોડાવવાનું હોય, કૂવો ગાળવાનો હોય કે મકાનના પાયા છાપવાના હોય, તિથિ-વાર-ને ચોઘડિયાનો મેળ કરવામાં શુંકામ વખત ગુમાવવો, કોઇ કહેશો ? પૂરા મનથી કોઇ કામની શરૂઆત કરીએ તો એમાં સફળ થવાના જ હોઇએ, ઠાલું મુહૂર્ત જોવરાવ્યે શું વળે ? દેખીતી રીતે એનાથકી થતું નુકશાન ભલે ન ભળાતું હોય, પણ એનાથી નુકશાન શું થાય તે કહું? એનાથી મનની નબળાઇ વધે છે. સ્વપુરુષાર્થ પરનો ભરોસો ઘટે છે.“કામ પાર પડશે જ” એવી દ્રઢતા ઓછી થાય છે.
આપણો વિશ્વાસ આપણી જાત ઉપરથી ખસીને પેલા સારા મૂહૂર્ત ઉપર ચાલ્યો જાય, એ આપણી નબળાઇ જ ગણાય. લગ્નો તો સારું મૂહૂર્ત જોઇને જ કરાતાં હોય છતાં છૂટાછેડા થતાં જ હોય છે. આવા વહેમમાંથી મુક્ત થવાનો કુટુંબને દાખલો બેસાડવા જ અમારા સંયુક્ત કુટુંબના એક દીકરાના લગ્ન બીજા કોઇ ન કરે તેવા “ધોકા” એટલે કે દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેના દિવસે ખાસ કમૂર્તુ જોઇને કર્યા ! એમનો ઘરસંસાર આદર્શ દાંપત્યને રૂપે વહી રહ્યો છે.
આ 21મી સદી વિજ્ઞાનયુગની ચાલી રહી છે. છતાં આપણે ત્યાંના ભણેલા કલાકારો, ક્રિકેટરો,રાજકારણીઓ, વિજ્ઞાનીઓ અને મોટા મોટા ખેરખાંઓ પણ ખોટા વહેમો અને અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા ભળાય છે.આ સાચા શિક્ષણની નિશાની નથી.પોતાના પુરુષાર્થ પર જીવનારો ખેડૂત શું આમાંથી બાકાત નહીં રહી શકે ? કહેતી છે-“એ વીલ વીલ ફાઇંડ એ વે”- મન હોય તો જરૂર માળવે પહોંચાય હો મિત્રો ! દ્રઢ સંકલ્પ શું નથી કરી શકતો ?
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
નેપાળમાં પારાની ઝેરી અસરનો ભોગ બનતા મૂર્તિ કારીગરો
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
નેપાળમાં પારાના પ્રદુષણનો સૌથી મોટો સ્ત્રોત ગોલ્ડ-પ્લેટિંગ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

પારો એ કુદરતી રીતે બનતું તત્વ છે જે હવા, પાણી અને જમીનમાં જોવા મળે છે. ડબ્લ્યુએચઓ દ્વારા પારાને જાહેર આરોગ્ય પર અસર કરતા ટોચના દસ રસાયણો અથવા રસાયણોના જૂથોમાંના એક તરીકે ગણવામાં આવે છે. પારાના સંપર્કમાં – નાની માત્રામાં પણ – આવવાને કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે, અને તે ગર્ભાશયમાં રહેલા ભ્રુણ અને બાળકોના શરૂઆતના વિકાસ માટે જોખમ છે.
ગોલ્ડ પ્લેટિંગ (ગોલ્ડ-પારાનું મિશ્રણ; સોનાનો ઢોળ ચડાવવાનું કામ) એ સૌથી જોખમી કામો પૈકીનું એક છે જે મુખ્યત્વે નેપાળમાં એક વંશીય સમુદાય દ્વારા કરવામાં આવે છે અને તે ઘણી સદીઓથી ચાલ્યું આવે છે. મેટલ પ્લેટિંગ એ એક પ્રક્રિયા છે જેમાં હાથમાં પકડેલા ખલમાં પારા અને સોનાને એકસાથે લસોટીને તાંબાની મૂર્તિ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલ સોના અને પારાનું મિશ્રણ ધાતુની મૂર્તિ પર લગાવવામાં આવે છે જે પછી પારાને બાષ્પીભવન કરવા માટે ગરમ કરવામાં આવે છે જેથી કરીને સોનાનું આવરણ પ્રતિમા પર રહે.

પારો-સોનાનું મિશ્રણ બનાવવાથી માંડીને મૂર્તિઓ પર તેને લગાડવા અને કોઈપણ રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કર્યા વિના પારાને બાષ્પીભવન કરવા માટે તેને ગરમ કરવા સુધીની આ બધી પ્રક્રિયાઓમાં, કામદારોને પારાના સીધા અને ખૂબ ઊંચા સ્તરના સંપર્કમાં આવવાનું થાય છે. પારાના વધુ ઉપયોગને કારણે પર્યાવરણીય (હવા, પાણી, માટી) સમસ્યાઓ પણ સર્જાય છે.
આ કામદારો પારાની વરાળ કે બાષ્પના સંપર્કમાં આવે છે જે તેમના શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. નેપાળના લલિતપુરના પાટણ વિસ્તારમાં ધાતુનો ઢોળ ચડાવવાનું કામ કરતી 20 મહિલા કામદારોની તપાસ કરતાં જણાયું હતું કે તેઓને પારાનો ખુબ સંપર્ક થાય છે. કામદારોમાં પારાના સંપર્કનું પ્રમાણ સરેરાશ 3.62 પીપીએમ જોવા મળ્યું જે આફ્રિકા, યુએસએ અને યુરોપમાં નોંધાયેલા સંપર્ક કરતાં વધારે છે. કામદારોના વાળના નમૂના લઇ તેમાં પારો કેટલો છે તે જાણવા તે નમૂના અમેરિકા મોકલવામાં આવ્યા. પારો શરીરમાં ગયો હોય તો લોહી અને પેશાબના નમૂનાઓમાં પણ જોવા મળે. પણ એ નમૂના અમેરિકા મોકલવા હોય તો એ પહોંચે ત્યાં સુધીમાં બગડી જાય તેથી વાળના નમૂના મોકલવામાં આવ્યા. નેપાળમાં લોહી-પેશાબમાં પારો છે કે નહી તેવું જોઇ આપી શકે તેવી લેબોરેટરીઓ નથી. ભારતમાં પણ ક્યાં કેટલી હશે તે આપણે જાણતા નથી. અમેરિકાની લેબના અહેવાલ અનુસાર મોકલવામાં આવેલા નમૂનાઓમાં પારાનું પ્રમાણ 0.35 થી 28.46 પીપીએમ સુધી જોવા મળ્યું. આ નમુનાઓમાં 75 ટકા (20 માંથી 15) કામદારોના નમૂનામાં પારાનું પ્રમાણ 1 પીપીએમ કરતાં વધી જાય છે. આ શોધ પરથી જાણવા મળ્યું છે કે નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય સાથે સંકળાયેલી વસતિને માથે પારાની ઝેરી અસરનું મોટું જોખમ છે. આ સમસ્યાના નિવારક પગલાં અને તબીબી સહાય માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
પારાના બંને પ્રકારના- કાર્બનીક અને અકાર્બનીક – સંયોજનો જોખમી છે. સામાન્ય તાપમાને પણ તે બાષ્પરૂપે હવામાં ભળે છે. તે શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. પારાની ઝેરી અસરને કારણે પાચનતંત્ર, ચેતાતંત્ર, શ્વસનતંત્ર, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુન સીસ્ટમ) અને ઉત્સર્ગતંત્ર પર અસર થાય છે. તે કારણે લકવો થવો, ધ્રુજારી થવી, ઉંઘ ન આવવી, માનસિક તકલીફ થવી (ઇમોશનલ ઇંસ્ટેબીલીટી – લાગણીઓ બેકાબુ બનવી) જેવી અસર થાય છે. કીડની અને ફેફસાં અસર પામે છે. એના સંપર્કને કારણે ત્વચા અને શેલષ્મ ત્વચા (મ્યુકસ મેંબ્રેન) ખવાઇ જાય છે. સ્નાયુઓનું સ્વૈચ્છિક હલનચલન થાય છે (તેના પર આપણો કાબુ રહેતો નથી). સાંભળવા, બોલવા અને જોવાની તકલીફ થઇ શકે છે. ચુસવા અને ગળવાની તકલીફ થઇ શકે છે. તેની સાથેનો સંપર્ક જીવલેણ પણ નીવડી શકે છે.
નેપાળ સરકારે 10મી ઓક્ટોબર 2013ના રોજ પારા પરના યુનોના મિનામાતા કન્વેન્શન (કરાર) પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ ધાતુ પર ઢોળ ચડાવવા માટે જો કોઇ દેશ પારાની આયાત કરવા માગતો હોય તો નિકાસ કરનારા દેશને તેમ કરવાની છુટ નથી. આ કરાર કરવા છતાં ધાતુ પર ઢોળ ચડાવવા પારાની આયાત નેપાળમાં ચાલુ રહી છે. આ કરારની કલમ સરકાર યુએન મિનામાતા મર્ક્યુરી કન્વેન્શનને બહાલી આપવા માટે પણ તૈયારી કરી રહી છે. નેપાળના પૂર્ણ થયેલ મિનામાતા પ્રારંભિક મૂલ્યાંકન (MIA) 2019ના અહેવાલો 2019ની શરૂઆતમાં યુનોના સંબંધીત સચિવાલયને સુપરત કરવામાં આવ્યા હતા. આ અહેવાલ અનુસાર નેપાળમાં વર્ષ 2016/17 દરમિયાન હવામાં અંદાજીત 19,615 કીલો પારાની બાષ્પ છોડવામાં આવી હતી. જેમાં યુનાઇટેડ નેશન્સ એન્વયર્નમેંટ પ્રોગ્રામ (UNEP) દ્વારા વિકસાવવામાં આવેલ ટૂલકિટ થકી ઓળખાયેલ વિવિધ સ્ત્રોત શ્રેણીઓમાંથી 35% (6,790 Kg Hg/y) કરતાં ઓછો અને એકલા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયમાંથી કુલ 65% (12825 Kg Hg/y)થી વધુ પારો વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો. નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય હવામાં પારો છોડવાનો સૌથી મોટો સ્ત્રોત છે.
નેપાળમાં પારો મળતો નથી તેથી તેની આયાત કરવી પડે છે. પારાની આયાતમાં વધારો થતો રહ્યો છે તે નીચેના કોઠા પરથી જોઇ શકાય છે. આ વિગતોમાં કેટલીક વિગતો સમજાતી નથી જેમ કે ૧૪/૧૫માં ૧૬૦૨ કીલોના ૧૬.૮૯ લાખ ચુકવ્યા પણ ૧૫/૧૬માં તેથી સાત ગણા જથ્થા માટે માત્ર ૧૩.૪૪ લાખ ચુકવ્યા.
વર્ષ જથ્થો કિંમત નેપાળી રુપીયા કિંમત અમેરીકન ડોલર ૨૦૧૪/૧૫ ૧,૬૦૨ કીલો ૧૬,૮૯,૦૦૦ ૧૬,૦૦૦.૫૫૮ ૨૦૧૫/૧૬ ૭,૧૨૮ કીલો ૧૩,૪૪,૦૦૦ ૧૩,૦૦૦.૧૭૬ ૨૦૧૬/૧૭ ૨૧૫ કીલો ૩,૧૫,૦૦૦ ૩૦,૮૮,૦૦૦ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) નામની નેપાળની આ વિષય પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 2020માં મેટલ-પ્લેટિંગ વર્કશોપમાંથી નીકળતા ગંદા પાણીમાં પારાના દૂષણ અંગે કરાયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્કશોપમાંથી બહાર ફેંકવામાં આવેલા તમામ 5 નમૂનાઓમાં પારાના પ્રમાણ ખૂબ જ ઊંચું હતું. આ નમુનાઓમાં પારાનું પ્રમાણ 0.627 mg/L થી 11478 mg/L સુધી જોવા મળ્યું જે નેપાળ સરકારના જેનરિક સ્ટાન્ડર્ડ ઓફ વેસ્ટ વોટર એફ્લુઅન્ટ વોટરવેઝ માટે તેમજ જમીનમાં (0.01mg/L) ડિસ્ચાર્જ માટેના ધોરણ કરતાં 62.7 થી માંડીને 1147800 ગણું વધુ હતું. આ ગંદુ પાણી કોઇ જાતની પ્રક્રિયા કર્યા વગર જ જમીનમાં સપાટી પર છોડી મુકવામાં આવે છે અથવા નાની ગટરમાં છોડવામાં આવે છે જે કારણે નદી પ્રદુષિત થાય છે.
નેપાળમાં, 400 થી વધુ પરિવારો (દરેક પરિવારમાં સરેરાશ 10 કામદારો સાથે) આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ રીતે લગભગ 4000 લોકો ગોલ્ડ પ્લેટિંગ પ્રક્રિયા દરમિયાન પારાના સીધા જ વધુ પડતા સંપર્કમાં આવે છે. આ સમુદાય તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે અને તેમના કાર્યસ્થળને પારાના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોથી સુરક્ષિત અને મુક્ત બનાવવા માટે તાત્કાલિક સુધારણાની જરૂર છે. પારાની પ્રતિકૂળ અસરોને ઘટાડવા અથવા દૂર કરવા માટે ગંદા પાણીમાંથી પારો પરત મેળવવાની ટેક્નોલોજી અને/અથવા ઢોળ ચડાવવાની વૈકલ્પિક ટેકનોલઓજી (જેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ) તરફ લોકોને વાળવાની જરૂર છે. તેથી, નેપાળ માટે અનન્ય એવા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયને બચાવવા માટે અને લોકો, કામદારો અને પર્યાવરણની સુરક્ષા માટે મજબૂત તકનીકી નવિનીકરણની જરૂર છે.

આ સમુદાય છેલ્લા ૧૩૦૦ વર્ષથી આ કામ કરે છે. તેઓ પિત્તળ, તાંબા અને કાંસાની મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ કરે છે. આવી મૂર્તિઓ ની વિદેશમાં ઘણી માગ છે. નેપાળથી ભારત, ચીન, ફ્રાંસ, અમેરિકા, સ્પેન, જાપાન, મલેશિયા જેવા દેશોમાં તેની નિકાસ થાય છે. ૧૬/૧૭માં ૪૬.૮૨ કરોડ નેપાળી રૂપિયાની નિકાસ થઇ. નિકાસની વિગત નીચેના કોઠા પરથી જોઇ શકાય છે.
વર્ષ જથ્થો કિંમત નેપાળી રૂપિયા કિંમત અમેરીકન ડોલર ૨૦૧૪/૧૫ ૬૨૪,૮૯૬ ૨૫,૭૪,૪૯,૦૦૦ ૨૫,૨૪,૦૦૦.૦૦૯ ૨૦૧૫/૧૬ ૧,૦૭૮,૬૦૩ ૫૨,૦૯,૧૭,૦૦૦ ૫૧,૦૭,૦૦૦.૦૨૯ ૨૦૧૬/૧૭ ૭૮૧,૬૨૯ ૪૬,૮૨,૩૫,૦૦૦.૫૫ ૪૫,૯૦,૦૦૦.૫૪૪ આ મુદ્દાઓ પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) અને આ કારીગરો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ફેડરેશન ઑફ હેન્ડીક્રાફ્ટ એસોસિએશન ઑફ નેપાળ (FHAN) સાથે સંયુક્ત રીતે વિજ્ઞાન સંવાદનું આયોજન કરવા માટે નેપાળ એકેડમી ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી (NAST) દ્વારા લેવામાં આવેલી પહેલ ખૂબ જ નિર્ણાયક છે. એક તરફ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થાય અને બીજી તરફ ગોલ્ડ પ્લેટિંગની અનોખી પરંપરાગત પદ્ધતિઓનું રક્ષણ થાય તે સારૂ પર્યાવરણમાં છોડવામાં આવતા પારા પર નિયંત્રણ લાવવાની તાકીદની જરૂર છે. તે સરકારને પારા પરના યુનોના મિનામાતા કરારનું પાલન કરવામાં પણ મદદ કરે છે.

સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટના સ્થાપક રામ ચરીત સાહ સાથે મારે ફોન પર ૧/૧૦/૨૨ને રોજ થયેલી વાત મુજબ આ કામ ૨૦૧૯માં થયું હતું તે પછી હજુ પારાનું પ્રદુષણ ઘટાડવા સરકારે કોઇ પગલાં લીધાં નથી. ૨૦૧૯ પછી કોવીડ ફેલાયો અને તેમાં બધા ધંધા પર માઠી અસર પડી તેમ આ કારીગરોના ધંધા પર પણ પડી. આ કારીગરોને સંશોધનમાં સહકાર આપવા માટે મનાવવાનું કામ મોટું હતું. તેમના સહકાર વગર આવા અભ્યાસ થઇ શકે નહી. સામાન્ય રીતે આવા કામ કરવા કારીગરો સાથે વાત કરવામાં આવે ત્યારે એમને એવો ડર લાગતો હોય છે કે જો કોઇ વિપરીત પરિણામ આવશે તો એમના ધંધા પર જોખમ આવશે અને રોજીરોટી પર અસર પડશે. સંસ્થાએ એમના એસોસીએશન સાથે વાત કરી એના આગેવાનોને વિશ્વાસમાં લીધા તે પછી કામ થોડું સરળ થયું.
જેમને રસ હોય તે આ લીંક પર વીડીયો જોઇ શકે છેઃ
આ સંસ્થાને કારણે જ નેપાળમાં એસ્બેસ્ટોસ પર ૨૦૧૫માં પ્રતિબંધ મુકવામાં આવ્યો. સંસ્થાએ સિસાની ઝેરી અસર પર પણ કામ કર્યું છે.
જાપાનના મીનામાતા નામના શહેરમાં આવેલા રસાયણના કારખાનાનો પ્રવાહી કચરો સીધો દરિયામાં ફેંકવામાં આવતો હતો. દરિયાની માછલી તે કારણે પ્રભાવિત થઇ અને તે માછલી ખાવાને કારણે પહેલાં શહેરની બીલાડીઓ અને પછી માણસોમાં અસર દેખાઇ. તે રોગને જ પછી મીનામાતા રોગ તરીકે ઓળખાવાયો જે પારાના એક સંયોજનને કારણે થયો હતો.
સવાલ એ છે કે ભારતમાં પારાની ઝેરી અસરોની શી સ્થિતિ છે? ક્યા કારીગરો આવા કામ સાથે સંકળાયેલા છે? થોડા વર્ષ પહેલાં તામીલનાડુના કોડાઇકેનાલમાં હિંદુસ્તાન લીવર એટલે કે મલ્ટીનેશનલ યુનીલીવરનો થર્મોમીટરના ઉત્પાદનનો પ્લાંટ બંધ કરવામાં આવ્યો તે પછી પારાનો કચરો નજીકના જંગલમાં કોઇ જાતની પરવાનગી લીધા વગર ફેંકી દેવામાં આવ્યો. સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને લાંબા સંઘર્ષ બાદ તેમને વળતર ચૂકવવામાં આવ્યું. આ લડત માટે સ્વતંત્ર લેખ કરવો પડે. તે જ રીતે વડોદરા નજીક સરકારી પ્લાંટ ગુજરાત આલ્કલીઝ એંડ કેમીકલ્સ (જી.એ.સી.એલ) આવેલો છે. તેમાં પારાનો ઉપયોગ કરીને મીઠામાંથી કોસ્ટિક અને ક્લોરીનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ૯૨/૯૩ની આસપાસ તેમણે આ ટેકનોલોજી કાઢીને મેંબ્રેન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેમણે પણ પારાનો કચરો નંદેસરીમાં નાખ્યો હતો અને દિવસો સુધી લોકો ત્યાં જઇને પારો વીણી લાવતા હતા અને રોડ પર ઉભેલા વેપારીને વેચી દેતા હતા. તે સમયે અમે એ અંગે જાગૃતિ માટે પોસ્ટર પણ પ્રગટ કર્યા હતા. ભારતે ૧૯૯૬માં ૨૫૪ ટન પારો આયાત કર્યો હતો તે વધીને ૨૦૦૨માં ૫૩૧ ટન થયો. ભારતમાં પારાનો ઉપયોગ જંતુનાશકોના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રીક અને ઇલેક્ટોનીક્સ સાધનોમાં, થર્મોમીટરમાં, દાંતની સારવારમાં તેમજ રંગના ઉત્પાદનમાં વપરાય છે. દાંતના પોલાણમાં જે “ચાંદી” પુરવામાં આવે છે તે પારો હોય છે, ચાંદી નહી પારો હોય છે. આપણે ડોકટર પાસે જઇએ ત્યારે આપણું બ્લ્ડ પ્રેશર માપવા જે સાધન વાપરવામાં આવે છે તેમાં પારો હોય છે. પારાની બાષ્પના દીવા પણ આપણે વાપરીએ છીએ. તે ઉપરાંત થર્મોસ્ટેટ અને બટન સેલમાં પણ તે હોય છે અને તે બંનેની આપણે મોટા પાયે આયાત કરીએ છીએ.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
-
સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું? મનુષ્ય તો નહીં જ!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વાત ભલે આપણા દેશની નથી, આપણને સીધેસીધી ખાસ લાગતીવળગતી નથી, છતાં આનંદ થાય એવી છે, કેમ કે, આખી વાતના મૂળમાં માનવીય સ્વતંત્રતાનો મુદ્દો છે. ઈરાનમાં મોટે પાયે દેખાવ થયા, મહિલાઓ સડક પર ઊતરી આવી, તેમણે પોતાના હિજાબ ફગાવ્યા, પોતાના વાળ કાપી નાંખ્યા અને ઝંડાની જેમ વાળ લહેરાતા હોય એવી તસવીર પ્રસાર માધ્યમોમાં ફરતી થઈ. આ તસવીર બહુ સૂચક છે. દમન હદ વટાવે એટલે એક તબક્કે એનો ફુગ્ગો ફાટે છે.
ઈરાનમાં કંઈક આવું જ થયું. તેની પૂર્વભૂમિકા તપાસવા જેવી છે. 1979માં ઈરાનમાં ઉદાર રાજતંત્રનો અસ્ત થયો અને ધર્મ આધારિત શાસન સ્થપાયું. આ અગાઉ ઈરાનમાં મહિલાઓ મુક્ત હતી. તેમને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય હતું. તેઓ તમામ પ્રકારનાં વસ્ત્રપરિધાન કે શણગાર કરી શકતી. એ પછીના ધર્મકેન્દ્રી, બલ્કે ધર્મઝનૂની શાસનમાં સૌથી મોટો કાપ મહિલાઓના સ્વાતંત્ર્ય પર આવી ગયો. તેમણે ફરજિયાત હિજાબ પહેરવો પડતો. શરીરનો એકે ભાગ ઢંકાયા વિનાનો ન હોવો જોઈએ, તેઓ વાળ કાપી ન શકે વગેરે પાબંદીઓ તેમની પર લાગુ પાડી દેવામાં આવી. વસ્ત્ર અને શણગાર પર આટલી પાબંદીઓ આવે એટલે બીજું શું બાકી રહે એ જ સવાલ છે. એ પણ હકીકત છે કે આ ધર્મઝનૂની શાસકો કંઈ આકાશમાંથી નહોતા ટપકી પડ્યા. લોકોના સમર્થન વિના શાસકો આ હદે શી રીતે જઈ શકે?
આ શાસનના અધિકારીઓને એ હદની સત્તા આપવામાં આવેલી કે તેઓ કોઈ પણ સ્ત્રીને અટકાવીને તેનાં વાળ, વસ્ત્રો, શણગાર વગેરેની ચકાસણી કરી શકતા. કાનૂનભંગ બદલ દંડ, કેદ યા શારિરીક સજાની જોગવાઈ હતી. આ સીલસીલો બે, પાંચ કે દસ વરસ નહીં, પૂરાં ચાર- સવા ચાર દાયકા સુધી ચાલતો રહ્યો. ઈરાનની બે-ત્રણ પેઢીઓ આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં જન્મી અને ઉછરી. કોઈ પણ ધર્મ, કાનૂન કે નૈતિકતાનાં કારણોસર વ્યક્તિગત સ્વાતંત્ર્યનું દમન કરી શકાય નહીં, છતાં એમ કરવા માટે આ ત્રણે બાબતોને જ આગળ ધરવામાં આવે છે.
ઈરાનની મહિલાઓ પણ આ સીતમ સૂપચાપ વેઠતી આવી હશે. આખરે એનો છેડો આવ્યો એક નાનકડી ઘટના થકી.મહાસા અમીની નામની બાવીસ વર્ષીય મહિલા તેના ભાઈ સાથે બહાર નીકળી હતી ત્યારે રોકવામાં આવી અને તેણે વધુ પડતા વાળને પ્રદર્શિત કર્યા હોવાનું જણાવીને તેની અટકાયત કરવામાં આવી. પોલિસ કસ્ટડીમાં તેને માર મરાયાનો આક્ષેપ છે, જેને કારણે દવાખાને લઈ જતાં તેનું મૃત્યુ થયું. આ ઘટના ચિનગારીરૂપ બની રહી જોતજોતાંમાં દેશ આખામાં વિરોધની જ્વાળા પ્રસરી ગઈ.
ખાસ કરીને મહિલાઓ શાસનના વિરોધમાં સ્વયંભૂ રીતે રસ્તા પર ઊતરી આવી અને ઠેકઠેકાણે તેમણે વિરોધપ્રદર્શન કર્યાં. વિરોધ પણ તેમણે આગવી રીતે કર્યો, જેનો ઉલ્લેખ લેખના આરંભે છે.
આ વિરોધને ડામવા માટે સરકારે પણ આકરાં પગલાં લીધાં. તેને કારણે 26નાં મૃત્યુ થયાં. આમ છતાં, ઈરાનનાં 80 જેટલાં નગરોમાં તે પ્રસરી ચૂક્યો છે.
આનું અંતિમ પરિણામ શું આવશે અને એ પછીની સ્થિતિ શી હશે એ કહેવું મુશ્કેલ છે, પણ કેટલીક બાબતો આના થકી વધુ એક વાર સ્પષ્ટ થાય છે. ધર્મ કે ધર્મગ્રંથ ગમે એટલો પવિત્ર કે અનુકરણીય હોય, તે કદી રાજ્યવ્યવસ્થાનું કેન્દ્ર બની શકે નહીં. મોટા ભાગના ધર્મોમાં તેના અનુયાયીઓ માટે અનેક માર્ગદર્શિકાઓ ઉલ્લેખાયેલી છે, જે વરસો નહીં, પણ સદીઓ પુરાણી છે. ચોક્કસ સામાજિક, ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર તેની રચના થયેલી છે અને એ મુજબના સંદર્ભો તેમાં હોય છે. તેમાં રહેલી સામગ્રીને સનાતન કે શાશ્વત કહેવું મૂર્ખતા છે, કેમ કે, થોડી સદીઓ પહેલાં રચાયેલી સામગ્રીને શી રીતે શાશ્વત ગણાવી શકાય? સામગ્રીમાં શાશ્વતપણું જણાય એવી કોઈક બાબત હોય તો એ કદાચ પાયાનાં માનવીય મૂલ્યોને ગણાવી શકાય. પણ આચરણ કે અનુસરણમાં તેનો ક્રમ સૌથી છેલ્લો આવતો હોય એમ જોવા મળ્યું છે. ધર્મગ્રંથોમાં ગમે એટલી ઉપયોગી, માનવીય બાબતો સમાવાયેલી હોય, તેનું અર્થઘટન છેવટે જે તે ધર્મના સત્તાધીશો પર નિર્ભર છે, અને સૌથી મોટી સમસ્યા જ એ છે. સમાનતાની શીખ આપતા કોઈ પણ ધર્મમાં ધર્મસત્તાધીશો દાખલ થાય ત્યારે તેમાં પદક્રમની રચના થાય છે, અને પહેલો ભોગ સમાનતાનો લેવાય છે. આમાંથી એકે ધર્મ બાકાત નથી. યાદ રહે કે અહીં ધર્મના વ્યવહારુ આચરણની વાત છે.
સરખામણીએ લોકશાહી શાસનવ્યવસ્થા સમાનતાનો સૌથી ઓછો ખરાબ વિકલ્પ છે. આ વ્યવસ્થાની અનેક મર્યાદાઓ છે, પણ બહેતર વિકલ્પ ન મળે ત્યાં સુધી આ વિકલ્પ અપનાવવા જેવો છે એમ કહી શકાય. શાસનમાં ધર્મની દખલઅંદાજી કે ભેળસેળ હંમેશાં સંકુચિતતા, બંધિયારપણું અને કટ્ટરતાને નોતરે છે. આનાં પરિણામ અનેક દેશોમાં જોવાં મળેલાં છે અને હજી મળી રહ્યાં છે.
વિવિધ જીવોનો જન્મ મૂળભૂત રીતે સ્વતંત્ર જીવન જીવવા માટે જ થયેલો હોય છે, પણ એમાં એક માનવ જ એવો જીવ છે કે જેને એક યા બીજી રીતની પરતંત્રતામાં જીવ્યા વિના ચાલતું નથી. આ પરતંત્રતા વૈચારિક, ધાર્મિક, સાંપ્રદાયિક કે બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે. એ કેવી વક્રતા કહેવાય કે સૌથી બુદ્ધિશાળી ગણાતું માનવ નામનું પ્રાણી પોતાની બુદ્ધિ કોઈકને ત્યાં ગિરવે મૂકી દે છે, અને પોતે સ્વતંત્ર હોવા ઉપરાંત બુદ્ધિશાળી હોવાનું પણ ગૌરવ લે છે. ઈરાનમાં જે થયું એ પ્રતિક્રિયા છે, અને એ મહત્ત્વની છે. પણ પ્રતિક્રિયા શમ્યા પછી શી સ્થિતિ સર્જાશે એ વધુ અગત્યનું છે. મહિલાઓ ખરેખર સ્વતંત્રતા મેળવશે? કે બીજી કોઈ વિચારસત્તાનું શરણ શોધશે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ -૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ
નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
જેને “સાહિત્યિક સ્મૃતિ-ગ્રંથ” જેવું આકર્ષક વર્ગીકરણ પ્રાપ્ત થયું છે તે, આત્મ-ચરિત્રણનો પ્રકાર, અમેરિકામાં એવો જનપ્રિય થયો છે કે દર વર્ષે એનાં બસો-સવા બસો જેટલાં પુસ્તકો બહાર પડે છે ! આ દેશમાં, કે જૂયાં પ્રજાજનોને ભૂલ કરવાની પણ છૂટ છે, ત્યાં કોઈ પણ નાની, મોટી, જાણીતી, અજાણી, ડાહી, ગાંડી વ્યફિત આત્મકથાકારનું બિરુદ ધારણ કરી શકે છે. પહેલી વિભ[ફિતના એકચનમાં લખવાના જુવાળમાં કેટલાયે પ્રાધ્યાપકો અને વિચારકો પણ ખેંચાયા છે.
આ એવો કોઈ કાળ લાગે છે જ્યાં નિજીપણા અથવા “પ્રાઈવસી?નો ખ્યાલ જ કશા અજાણ્યા સૂચન જેવો બનેલો છે, ને સામૂહિક પરીક્ષણથી કોઈ ગભરાતું નથી. એક વખત જે “આત્મ-રતિના યુગ” તરીકે ઓળખાતો હતો, તે હવે “આત્મ-સ્વીકૃતિનો યુગ” બન્યો છે, એમ વિદ્વાન વિવેચકો નોંધે છે. આ લેખન-પ્રકારમાં કોઈ નિયમો કે નિયંત્રણો હોતાં નથી. નીતિ અંગેનાં પણ નહીં. “જે ખરેખર બન્યું છે તે વિષે કહેવામાં શું વાંધો?” – એવું મંતવ્ય પ્રસારિત થયેલું જણાય છે. ઘણા લોકો ગંદી કે હલકી જેવી વાતો, કે જુગુપ્સાજનક પ્રસંગો નોંધતાં પણ શરમાતા નથી, જ્યારે બીજા કેટલાક લોકો સાચી હોવા છતાં અમુક વાતો બાકાત રાખે છે. આત્મકથાનકમાં જેમ બધું કહેવાની છૂટ છે, તેમ કશુંક છુપાવી રાખવાની પણ છૂટ છે. અન્ય જીવનકથાની જેમ આત્મ-કથાના લેખનમાં પણ લેખકના હાથમાં જ બધી સત્તા હોય છે.
નવલકથાકાર પોતાના લખાણમાં આત્મકથાનાં તત્ત્વોને કળાત્મક રીતે વેશપલટો કરાવીને રાખે છે. આત્મકથાકારને એવું કશું કરવાની જર્ર નથી. તે છતાં, જયારે સારા લેખકના હાથમાં નવલકથા માટેનાં સાધનો – પાત્રો, દૃશ્યો, કથાવસ્તુ વગેરે – આવે છે ત્યારે સ્મૃતિ-ગ્રંથ અદ્વિતીય ઊંડાણ પામે છે. કથાનકને જ્યારે ગતિ મળે, “ત્યાં”થી “અહીં?” સુધીનો પથ જ્યારે એમાં આલેખાય, ત્યારે જ કથાનક ભાવપ્રવણ અને સાર્થક બને છે.
આવાં સફળ અને અસરકારક વિભિન્ન બાર સર્જકોએ લખેલાં કથાનકોના અલ્પાંશ, થોડાં વર્ષો પહેલાં એક વિશેષાંકમાં પ્રગટ કરીને, ન્યૂયોર્ક ટાઈમ્સે આ પ્રકારને બિરદાવ્યો. એમાં જાતજાતનાં સર્જકોનો સમાવેશ થયો હતો – વ્હાઇટ, બ્લેક, યુરોપી-અમેરિકન, કોરિઅન-અમેરિકન, ખ્રિસ્તી, યહુદી, લેખક, લેખિકા વગેરે. એક લખાણ માતાને પત્ર રૂપે છે, તો વળી એક કાર્ટુન-આર્ટિસ્ટ સચિત્ર રીતે પોતાનું કથાનક રજૂ કરે છે. આ બધાં વિશિષ્ઠ લખાણોમાંથી દરેક સર્જકનાં જીવન તથા પ્રતિભા તાદૃશ થાય છે. જેમકે, લુક સાન્તે નામના માણસ છ વર્ષની ઉમરે બેલ્જિયમથી અમેરિકા આવ્યા, અને માતૃભાષા ફ્રેન્ચ અને અંગ્રેજીની વચ્ચે ઝોલાં ખાતા રહ્યા. આજે પંચાવન-સાઠની ઉમરે એ આ નિષ્કર્ષ પર આવ્યા છે : “મારા જન્મની ભૂમિ છોડીને બીજે ગયો તેથી, અને બે જાતની જર્રિયાતો – એક, મારા બેકગ્રાઉન્ડની અને બીજી, મારા પરિવેશની – માટે થઈને એક ઓળખ તૈયાર કરવી પડી હોઈ હું હંમેશને માટે “કોઈ બીજો?” બની ગયો છું. મારી સામે જે વિકલ્પ છે તે સીધો છે – મારે માનવાનું છે કે ક્યાંતો હું દરેક જગ્યાએ સુ-સ્થ છું, ક્યાંતો કોઈ પણ જગ્યાએ નથી; ક્યાંતો દરેક જાતિ અને નાગરિકતાના માનવ-જનો સાથેના સંબંધ મારે સમજવાના છે, અથવા ખાલીપણામાં ગુંગળાઈને હું મરી જવાનો છું.“
જો લુક સાન્તેને વ્યક્તિની વ્યાપકતા અભિપ્રેત છે, તો વેરોનિકા ચેમ્બર્સ નામની યુવતી ‘મમ્મીની દીકરી’નામના સ્મૃતિ-ગ્રંથમાં એક નાનકડા પ્રસંગથી પોતાના આખા જીવનનો બદલાયેલો મર્મ શબ્દગત કરે છે : “મારી આખી જિંદગી મને એ જ સૂચનો મળતાં રહેલાં કે બ્લૅક સ્ત્રીઓ સ્ટ્રૉન્ગ હતી, ક્યારેય હતોત્સાહ નહતી થતી, અને જાણે ડિપ્રેશન પર વ્હાઇટ છોકરીઓનો જ હક હતો…. હું ડિપ્રેસ્ડ હતી એવું મેં મારી માને એક જ વાર કહેલું. ત્યારે હું તેર વર્ષની હતી. રવિવારની બપોર હતી, રસોડામાં જમવાનું રંધાતું હતું, ને હું એની પાસે ગઇ, ને મેં કહ્યું, હું ખરેખર ડિપ્રેસ્ડ છું….મારી મા જે ધસારાથી ગોળ ફરી એના ધક્કાથી કોઈ ચારસો પાઉન્ડનો માણસ પણ પડી જઈ શક્યો હોત….તારે શું કારણ છે ડોપ્રેસ્ડ થવાનું, એણે પૂછ્યું, પણ એના અવાજનો સૂર એવો હતો કે ગમે તેવો જવાબ ના જ ચાલત. હું કશું બોલી નહીં. “તારા માથા પર છાપરું, તારા શરીર પર કપડાં, અને ટેબલ પર ખાવાનું હોય એ માટે હું અઠવાડિયાના ચાલીસ કલાક કામ કરું છું, અને ડિપ્રેસ્ડ તું છું?” એણે કહ્યું. ને અચાનક, સ્કૂલની અને બીજી કોઈ પણ બાબત મને નિરર્થક અને ક્ષુલ્લક લાગવા માંડી.”
દરેક લખાણમાં આમ વીજળી પડતી નથી દેખાતી. સુઝન ચીવર નામનાં લેખિકા ખૂબ લંબાણપૂર્વક પોતાના કુટુંબમાં રોજ સાંજે ખૂબ શોખથી પીવાતાં માદક પીણાંની વાત કરે છે. એ ટેવ પછી એમને પોતાને પણ પડી ગયેલી. “શ્વાસ લેવાની અને ખાવાની જેમ “પીવું” પણ જિંદગીના અગત્યના ભાગ જેવું બની ગયું હતું. જ્યારે દારૂ અમારા કુટંબની આસપાસ, એક રૂંધતી, ઘાતક, અદૃશ્ય વેલની જેમ વીંટળાતો હતો ત્યારે હજી અમે હસતાં હતાં. કોઈ એ વિષે વાત નહતું કરતું. કોઈને ખ્યાલ નહતો કે શું બની રહ્યું હતું. અને એ બધા સમય દરમ્યાન અમને કાંઈ ખબર નહતી કે કેમ અમારી મા ઉપર એના રૂમમાં રડતી હતી, અથવા કેમ અમારા પિતાને હંમેશાં હૉસ્પિટલમાં જવું પડતું હતું, અથવા શા માટે હું ફરી ફરી ખોટી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી, પરણતી હતી.“
એક કોરિઅન-અમેરિકન લેખક પોતાનો લેખ સરસ સૂક્ષ્મ વિનોદથી રંગે છે. કોરિઅન કુટુંબીજનોની લાક્ષણિક વાતો રસપ્રદ છે. એમના કથાનકનું મુખ્ય પાતર એમના કાકા છે, જેને કારણે પણ લેખક જુદા પડી આવે છે. ભાગ્યે જ કોઈ અપવાદ વગર, અમેરિકન આત્મકથાઓના કેન્દ્રમાં હંમેશાં માતા કે પિતા જ રહેલા હોય છે. જેમકે, એક અમેરિકન લેખકના પિતા બાળકો સાથે હસતા, રમતા, પિ્કાનિક પર લઈ જતા. સાથે જ, એ ખૂબ ક્રોધી સ્વભાવના હતા, ઘાંટા પાડતા અને હાથ પણ ઉગામતા. આવું કર્યા પછી એ મનોમન દુ:ખી થતા, અને ઓફિસમાં બેસીને પોતાના પર જ લાંબા લાંબા કાગળો લખી પોતાનાં વર્તન અને લાગણીઓનું વિશ્લેષણ કરતા. લેખકનો પોતાનો સૂર વિશ્લેષણ કે વિવેચનનો નથી. એ તો જે બન્યું તે જ લખે છે. વાચકે જ એમાંથી એમના જીવનનો ચિતાર મેળવવાનો છે. જે ઘણી વાતો સ્પષ્ટ થાય છે તેમાં મુખ્ય વાત આ લાગે છે, કે જેવા કૉલેજમાં ગયા તેવા જ લેખક ઘરથી બને તેટલા દૂર રહેવા માંડ્યા, અને મા-બાપને મળવા જ ક્યારેક ઘેર જતા.
આ બધાં કથાનકો, ટુકડા ટુકડા થઈને રહેલા આ સમાજની અંદર ઘણું સારું ડોકિયું કરાવે છે. અલબત્ત, દરેકે દરેક લખાણમાં સૌથી અગત્યની બાબત તો સર્જકની અંતર્ગત યાત્રા અંગેની જ હોય છે. લગભગ દરેક સર્જકનો પ્રયત્ન પોતાની જાતને સમજવાનો, ભૂતકાળનાં કનડતાં ભૂત-પ્રેતોથી પીછો છોડાવવાનો હોય છે. આવા સકારાત્મક દૃષ્ટિકોણને સુસ્પષ્ટ કરવામાં જ્યારે લેખક સફળ બને છે, ત્યારે જ એ કૃતિ ઉત્તમ કક્ષા પ્રાપ્ત કરતી લાગે છે.
લેખિકા મૅરિ ગૉર્ડનનું કથાનક આવી કક્ષા પર પહોંચ્યું હતું. એ સાત વર્ષનાં હતાં ત્યારે એમના પિતા મરણ પામ્યા હતા, પણ પિતાનો પ્રભાવ હંમેશાં એમના પર રહ્યો. પછી તો લેખિકાને એ જાણ થઈ કે પિતા તરીકે જે અમુક રીતની હતી તે વ્યક્તિ માણસ તરીકે સાવ જુદી જ હતી, અને સાવ જુઠ્ઠી પણ હતી. પુસ્તકને અંતે. લેખિકા પિતાનાં બધાં જુઠાણાંનો સ્વીકાર કરતાં દેખાય છે. પિતાના સ્મરણને એ વફાદાર રહે છે, કે “એ હંમેશાં મારા પોતાના જ છે.” વાચકને માટે, જોકે, અહીં ખરો વિજય લેખિકાના સાહિત્યિક સામર્થ્યમાં રહેલો છે.
જૂના ફોટા જોઈએ – એ ઘર, એ હિંચકો, એ નાનકડી હસ્તીઓ – ત્યારે થાય, “ઓહ, એ સમયમાં પાછાં જતાં રહેવાય તો?” પણ અલબત્ત, એ શક્ય નથી. પ્રખર વિદુષી અમેરિકન સર્જક જોંઇસ ઓટ્સ પોતાના લેખને અંતે કહે છે, “આપણાં જીવનમાં સમય એક જ દિશા તરફ ગતિ કરતો હોય છે. આપણે એકબીજાંની સાથે રહીએ છીએ – જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી, જ્યાં સુધી સમય રજા આપે ત્યાં સુધી.”
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
