કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
વાત છે ૪૫-૪૭ વરસ પહેલાંની. શિહોર તાલુકાનું ગામ “વાવ” એ અમ ભાઇઓનું મોહાળનું ગામ. નાનો ભાઇ વજુ એ અરસામાં મોહાળમાં રહીને ભણે. મામાની વાડીએ વાઢનો મોટો ઘેરો અને શેરડીનો રસ કાઢી ગોળ બનાવવાની કામગીરી ચાલે. તે દિવસોમાં ચીચોડો ચલાવવા મશીન કે મોટરનો ઉપયોગ હજુ શરૂ નહીં થયેલો-બળદો જોડી ચીચોડો ચલાવાતો. વજુને ચીચોડામાં શેરડી ઓરવાનો ભારે શોખ, નિશાળેથી રજા પડી ન પડી ને વજુ ચીચોડે પહોંચી શેરડી ઓરવા બેસી જાય. સાંઠા ઓરવામાં માપસરનો જ ઓર થવો જોઇએ એનું રાખવાનું હોય છે બરાબરનું ધ્યાન-વધુ રાડા ઓરાઇ જાય તો ચીચોડાને પડે ભીંહ, અને ગોળ ગોળ રીતે ચીચોડો ફેરવવા હાલતા બળદ રહી જાય ઊભા ! અને જો ઓછા રાડા ઓરાય તો ચીચોડો ખાલી વે [ફરે ] અને રસની કુંડી ભરાતા વખત લાગી જાય વધારે. વજુને માપસરનો ઓર કરવાનું સારું ફાવતું. એટલે વજુ રાડા ઓરતો હોય ત્યારે વડીલોને બન્ને બાબતે રહેતી નિરાંત કે ન બળદિયાને ખોટી ભીંહ પડે કે ન ચીચોડો ખાલી વે !
એક દિ’ ખ્યાલ ફેર થઈ ગયો અને બે સાંઠાની ભીડમાં બન્ને હાથના આંગળા એવા ભીડાઇ ગયા કે ઘણું બળ કર્યા પછી એક હાથ માંડ છૂટો થયો અને એક તો એવો સાંઠાના બેવનમાં પકડાઇને પહોંચી ગયો ઠેઠ ચીચોડાના સર અને બુટડી [નાના મોટા દાંતી રોલર] ના મોઢામાં. ખ્યાલ આવતા ચીચોડો ફેરવતા બળદિયા ઊંભા રહે રહે ત્યાં પંજાની બધી આંગળીઓને ચેપીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. શિહોરના દવાખાને દાખલ થઈ, આંગળીઓને અગણિત ટાંકા લઈ, ઘણા દિવસો દવાખાને રોકાઇ સારવાર લીધી તોય એક આંગળી તો ટુંકી રહી ગઈ તે જીંદગીભર રહી ગઈ.
ખેતી એ તો કેટલાય ટાઢ-તડકો અને મે-માવઠાં જેવા કુદરતી પરિબળોની વચ્ચે રાત-દાડો અને અહૂર-સવાર કરવો પડતો વ્યવસાય છે ભાઇ ! એમાં જમીન, શેઢા-પાળા, કૂવા-કુંડીઓ, છોડવા-ઝાડવા, જાનવરો અને જીવ-જંતુઓની સાથે જ કાયમ પનારો પડેલો હોવાથી ક્યારે થોડીક ચૂક પડી જાય અને ક્યારે ન થવાનું થઈ બેસે, કંઈ નક્કી નથી હોતું. આ રહ્યા એવા પસંગો કે જેમાં કંઇ ને કંઇ અકસ્માત થઈ બેઠો હોય.
સાપટીંગમાં ખમીસની ચાળ પકડાઇ ગઈ : અમારે માલપરામાં ભાઇ દામજીના કૂવામાં આડા દાર કરવા શારડો હાલે, અને ચિંધાણ કરવા પોતે કૂવામાં ઉતરેલો. કપડાં કંઇ ધોતિયું-જભ્ભો જેવાં ઢીલાં-ફરફરતાં નહીં પહેરેલાં. પહેર્યું તો હતું ચોરણી ને ખમીસ જ. પણ કોણ જાણે કેમ થયું કે ખમીસની પાછલી ચાળ ગોળ ગોળ ફરતી સાપટીંગે પકડી લીધી અને એવી તો વીંટળાવા માંડી કે દામજીના વાંહાને સંકેલી દઈ કરી દીધો ટુંકો ! એ તો સારું કર્યું કે ખમીસની ચાળ બહુ ભીંહ પડતાં ફાટી ગઈ. નહીંતો તો કેટલું નુકસાન કરી દેત કંઇ કહેવાય નહીં ! ઘણા દિવસો સુધી આરામ અને દવા લીધા પછી માંડ સરખાઇ આવી.
આવું ઘણીએ વાર મગફળી કે ઘઉં-બાજરાનું ઓપનર-હલર હાલતું હોય અને જો જરીકેય ખ્યાલ ફેર થયો તો પટ્ટો કપડું પકડી લે કે ક્યાંક સળે વચાળે હાથ આવી જતા વાર લાગતી નથી.
ઝાડવેથી પડી જવાય : મારા મામાના દીકરા સવજીભાઇ હમણાં દીવાળી ઉપર જ સરગવાની શીંગો ઉતારવા સરગવાના ઝાડ પર ચડેલા અને લળાંભીને થોડી દૂરની તીરખી પર ટીંગાતી શીંગ ઉતારવા ગયા ત્યાં શીંગ તો હાથમાં આવી ગઈ પણ વજન પાતળી ડાલી પર આવી જતાં કડાક…કરતી ડાળી તૂટી પડી અને સવજીભાઇ ખાબક્યા હેઠા, અને બીજી ડાળીનો કઠ્ઠણ ભાગ છાતી સાથે એવો ભટકાયો કે પાંહળાંમાં ફેક્ચર કરી દીધું. દવાખાને ગયા તો પ્લાસ્ટર આવ્યું ને ઘણા દિવસનો ખાટલો સેવવો પડ્યો અને ખર્ચ થયો એટલો કે એ સરગવાની શીંગ રૂપિયા પચ્ચીસ હજારમાં પડી ! તમે જુઓ ! જાંબુડાં ઉતારવાં, આમળાં ઉતારવાં, કે કેરી-ચીકુ જેવાં ફળો ઉતારવામાં ઝાડવે તો ચડવું જ પડતું હોય છે. ઘણું ધ્યાન રાખવા છતાં ક્યારેક ખ્યાલબારું વર્તન થઈ જાય છે અને ભૂંડાઇનો અકસ્માત સર્જાઇ બેસે છે.
એ તો હવે સેંટ્રીફ્યુગલ પંપ-ઓઇલએંજિન અને ઇલેક્ટ્રીક મોટરો આવી જતાં કૂવામાંથી પાણી ખેંચવાના “કોહ” ચલાવવાનું બંધ થયું. નહિતો જૂના વખતમાં ચાલુ કોહે મંડાણ કે ઢીંગલો ભાંગી પડતાં, અરે ! વરત કે વરતડી તૂટી પડતાં કૂવાકાંઠે જે અકસ્માતો બનતા તેમાં કોશિયો તો નંદવાતો અને બળદિયાને પણ વાગી બેસતું. અને અત્યારની વાત કરીએ તો ફ્યુઝ-સ્ટાર્ટર કે કેબલ-લીકના કારણે જરીકેય ખ્યાલફેર થઈ ગયો તો ? તો એ અકસ્માત નાનોસૂનો નહીં, પ્રાણઘાતક જ નીવડતો હોય છે.
ભરોટું ભરતા લથડી જવાય : બળદ-ગાડામાં કે ટ્રેક્ટરની ટ્રોલીમાં – કડબ, સાંઠી, તલહરાં કે ભલેને ભરતા હોઇએ મગફળીના પાથરા. ભરોટું ખડકતી વખતે નીચેનો ડાગળો ખડકનારની આંખે સીધો દેખાઇ શકતો નથી.એણે તો આરહે આરહે જ ઉપર સાંઠી, તલહરા કે પાથરા-પૂળા ખડક્યે જવાના હોય. એમાં જરીકેય ઓહાણચૂક થાય અને વાડ્યની બહાર વજન અપાઇ જાય તો પછી એ જણને બેલેંસ હાથ કરવામાં-ઉપર જટ પકડી લેવાના આધાર જેવું તો કંઇ હોવાનું નહીં, એટલે એણે તો દડુક લઈ નીચે જ દડી જવાનું બનતું હોય છે. અને શરીરના ક્યા ભાગમાં કેટલું વાગશે એ થોડું નક્કી હોય છે ?
અને ભર પૂરો ભરાઇ ગયા પછી બે-ત્રણ જણ મળી ભારાબંધ ખેંચી સતાણ કરતાં ક્યારેક એવુંયે બની જતું હોય છે કે ભારાબંધનું રાંઢવું જ તૂટી પડે અને છટકીને ગરેડો ખેંચનારનું કપાળ કે માથું એવી રીતનું ફોડી નાખે કે ડોક્ટરની સારવાર પછીયે કપાળે કાયમી એંધાણી રૂપેનો ઘોબો ઠઠ્યો રહ્યો હોય !
ઢાંઢા વગાડી દે : અમારે ગોવિંદ કરીને સાથી હતો. પહેલી જ ધરના વઢિયારા બળદ જોડી, સાંતીના સાંબડા પર ઊભો રહી, વાડીમાં કળિયું હાંકતો હતો. બળદિયા ઉતાવળી હાલ્યે હાલે જતા હતા અને ગોવિંદ ટેસમાં આવી જઈ સળુકાના વેણ ગણગણ્યે જતો હતો. એવામાં બન્યું એવું કે ઉનાળાનો વખત, ને જમીન બધી ખેંચાઇને સજ્જડ બની ગયેલી હોઇ, ઓચિંતાનું ધડામાંથી મોટું ઢેફું ઊખડ્યું ને લાગ્યો આંચકો તે ધાર્યું ન રહ્યું ને ગોવિંદ ફરંગટી ખાઈને પડ્યો સાંબડા પરથી હેઠો અને હાથમાંથી બળદિયાની રાશ મૂકાઇ ગઈ, બળદિયા ભડક્યાને એ તો કળિયું ઢસડતાકને ભાગ્યા તે શેઢા પાડોશી દેવાભાઇનું ધ્યાન ગયું, અને દોડતા આવી બળદિયાની સામે આડા ફરી ગયા ત્યારે માંડ ઊભા રહ્યા !! પણ જોયું તો બન્નેના પાછલા પગ કળિયાની રાંપ ભટકાઇ ભટકાઇ લોહીલૂહાણ થઈ ગયેલા. ગોવિંદને કડનો મણકો દુખી ગયો,તે તેને બેમહિનાનો આરામ આવ્યો ને બળદિયાના પગે રૂઝ લાવવા ડોક્ટરી સારવાર આપવી પડી.
જીવડું અડી જાય : ઘાસ-પૂસ ને ધૂડ સાથેનો ધંધો હોવાથી કામ કરતા કરતા ક્યારેક ધ્યાન ન રહ્યું હોય તો વીંછુડો આકડો મારી દે ત્યારે તેની પીડા તો એવી અસહ્ય હોય છે કે એ તો જેને વીતી હોય એને જ ખબર હોય ! અમારે મકો કરીને એક સાથી હતો. તમે માનશો ? એણે છ મહિનામાં ચાર વખત ધોરિયો સાફ કરતા પડકું કરડાવેલું. પણ એ હતો બુદ્ધિનો બેક બુડથલ, તે એની નજર કામ માં હોય એનાથી જાજી ચલમ [હોકલી]પીવામાં જ રહેતી, એટલે એવું જીવજંતુ અગાઉ ભાળવાને બદલે કરડી જાય પછી જ ભાળતો. શેઢા-પાળાના અડાબીડ ઘાસમાં ઉતાવળે હાલવા જતા ક્યારેક પડકું કે સાપોલિયું હડફેટે ચડી જાય અને એના સ્વબચાવ અર્થે બટકું ભરી લીધાના પ્રસંગ ભલે જવલ્લે જ બને, પણ એવે વખતે તો આખું કુટુંબ હાશ-બાકળા થઈ જતું હોય છે.
અરે અમારા બનેવીને હમણા ગયા વરસે જ વાઢેલી જુવારના પૂળા વાળતાં એક સાપોલિયું પગના અંગુઠે એવો ડંખ મારી બેઠું કે બહુ લાંબી સારવાર પછીયે અંગુઠો કપાવ્યો ત્યારે જ એ પગને રૂજ આવી. ચોસલામાં મારા લખમણકાકા વાલાણી રહે છે. એનો કૂવો ગાળવાનું કામ ચાલતું હતું. સાંજે ઉધડિયાએ કામ પૂરું કર્યા પછી દોરડાં સંકેલી બાજુના ઓઘામાં સંઘરવા જ્યાં ઓઘાનો પૂળો ઉંચો લીધો ત્યાં હાથના અંગુઠે સાપ એવું બચકું ભરી બેઠો કે હાથ પાછો ખેંચતાં આખો સાપ હારોહાર બહાર ખેંચાઇ આવ્યો ! જાણે લખમણકાકાની રાહ જોઇને જ પૂળાનીચે સંતાઇને બેઠો હોય એમ ! અમે ભાવનગર અઠવાડિયું દવાખાને રાખ્યા ત્યારે ઝેર ઉતર્યું.
કૂવાકાંઠે કામ કરવામાં કપાણ્યે ચડી જવાય : કૂવો ગાળતા,કે કૂવામાં પંપ-મોટર ઉતારતા-ફીટ કરતાં ક્યારેક અંદર ઉતરતા ભેખડેથી પગ લસરી જાય કે જેના આધારે ચડ-ઉતર કરાતુ હોય એ વરત-દોરડું તૂટી જતા કૂવાકાંઠાના અકસ્માતો બનવા એ કંઇ નવું નથી. પણ મને એક જુદી જાતનો અનુભવ થયો એની વાત કરુ તો….મેં અમારા નદીકાંઠાના કૂવાને ૨૦ ફૂટ ઊંડો કરવા ઉધડો આપેલો. કામ પૂરું કર્યા પછી કૂવામાં ઉતરી રૂબરૂ જોવા-તપાસવાની મારી ના હોવા છતાં ઉધડિયા રાઘવભાઇ ડુંગરાણીએ મને આગ્રહ કર્યો કે નહીં, આવો ને આવો જ ! હું ખૂણા પર ટીંગાતા વરતના આધારે કૂવામાં ઉતરી તો આસાનીથી ગયો, પણ વહમું ત્યારે પડ્યું જ્યારે કૂવામાંથી બહાર નીકળવા દોરડું પકડી ચડવાનું શરૂ કર્યું ત્યારે. બન્ને હાથે દોરડાનો આધાર પકડી પગને બન્ને બાજુના ભેડે વારાફરતી ઠેરવતા ઠેરવતા અધ્ધર ચડવાનું શરૂ તો કર્યું, પણ અરધે અંતરે આવતા પગ પાણી પાણી થઈ ગયા અને જાણે હમણાં હાથમાંથી દોરડું વછૂટી જશે તો ભૂંડાઇનું કૂવામાં પડી જવાશે એવું લાગવા માંડ્યું. મને અટકી પડેલો ભાળી જઈ રાઘવભાઇને ખ્યાલ આવી ગયો અને ઝટ ઝટ માચડી મોકલી, અરધે કૂવેથી માચડી માથે બેસારી બહાર ખેંચવો પડેલો. આમ તો હું કૂવામાં ચડ-ઉતર કરવા ટેવાયેલો હતો જ, પણ છેલા બાર-પંદર વરહથી પ્રેક્ટીસ છૂટી ગયેલી એ ખ્યાલમાંજ ન રહ્યું અને હું સાહસ કરી બેઠો અને કૂવામાં પડતાં પડતાં માંડ બચ્યો.
તડકો ટાઢ ચડાવી દે ! : સાલ બરાબર યાદ નથી. પણ આશરે પાંત્રીશેક વરસ પહેલાના એક મે મહિનાની ત્રીસમી તારીખે એટલો વરસાદ થયો કે ખેતરની બાજુમાં નીકળેલી કાળુભાર નદીમાં પૂર આવ્યું ! પડામાં તરેહ તપાસ્યોતો પૂરો આઠ આંગળ !! મગફળીની આગોતરી વાવણીનો આ ઉત્તમ સમય ગણાય. મગફળી ઉગવામાં ભેજ કહેવરાવશે તો મશીન કરી દેશું ચાલુ, નદીમાં પાણી તો ઘણું આવી ગયું છે માની, બળદોને ખાણ-નીરણથી બરાબર ધરવીને સાડા દસે નાખ્યા ધરમાં… તે હવે ૧૫ વિઘાનો પ્લોટ પૂરો વવાઇ રહે ત્યારે જ છૂટા કરાવા ધારી હાલો મારા બાપલા….કહી વાવણી કરી ચાલુ. પણ તડકો કહે મારું કામ ! ઉનાળાનો દિવસ, નીચેથી ભીની ભોંય અને ઉપરથી માથું ફાડી નાખે એવો તીખો તાપ ! વાતાવરણ જ આખું વરળ વરાળ થઈ ગયેલું. અગિયાર..બાર…એક અને બે વાગતાં પ્લોટ તો અરધ ઉપર વાવી દીધો પણ આખા અંગે ટાઢનું એક લખલખું એવું આવી ગયું કે શરીર આખું ધ્રુજવા લાગ્યું. ! શરૂઆતમાં શરીરે વળેલો પરસેવો તો ક્યા ગાયબ થઈ ગયો તે ખબર ન રહી અને ધોમ તડકે હું ઠાઢ્યે ઠુંઠવાવા લાગ્યો ! તડકાની બોલાતી જીંકનું શરીરે જાણે રીએકશન દેખાડ્યું. મારા કાકાને વાવણિયો સોંપી મારે સૂઇ જવું પડ્યું બોલો ! ગરમીમાં ટાઢ ચડાવી દે તેવો કોઇ ધંધો હોય તો આ ખેતીનો ધંધો છે મિત્રો !
જાનવર વગાડી બેસે : જો બુચકારી કે જાનવરને ખ્યાલ કરીને નીરણ નીરવા કે નીચે કોરું કરવા જેવા કામ કરવા તેની પાસે ન જઈએ તો ક્યારેક તેને ઓચિંતાનો ભય લાગી જતાં સ્વબચાવ અર્થે પાટું કે માથું મારી લે તો એમાં એના વાંક કરતા આપણો વાંક વધુ ગણાય. અને એવું જ વાડ્ય કે શેઢો ટપતાં ધ્યાન મોબાઇલનો નંબર મેળવવામાં હોય અને મગજ એની સાથે શી વાત કરવી એના ઘોડા ધડવામાં હોય અને સ્લીપર સોંસરવો થઈ, પગમાં કાંટો ખુંચી જાય તો ભૂલ કોની ગણાય ?
જંતુનાશક દવાનું ઝેર ચડી જાય : જ્યારે કપાસનું બીટી બીજ નહોતું આવ્યું ત્યારે કપાસમાં ઇયળો ખૂબ લાગતી, અને અમે એનાથી બચવા વહેલી સવારમાં કપાસમાં થાયોડાન-કાર્બારીલ જેવા પાવડર છાંટતા. એક દિવસ હું કોઇ કારણસર વાડીએ થોડોક મોડો-નવેક વાગ્યે પહોચ્યો તો અમારી વાડીના ઊભા મારગે બે જણાના બાવડા પકડી બીજા બે જણા ચાલ્યા આવે. નજીક આવતા જાણ્યું કે “બન્નેને પાવડર ચડ્યો છે.” મેં તો પાણી ભરેલી કુંડીમાં બન્નેને ઉતારી સાબુથી નવરાવ્યા. અને ગઢડા મારા મિત્ર ડો.કળથિયા સાહેબ પાસે લઈ જઈ, ઘણી સારવારના અંતે માંડ બચાવી શકેલો.
જોકે આને અજાણતા થયેલો અકસ્માત ન ગણાય. ખેતીમાં રહેલાં જોખમી કામોની સમજણ ન હોય તો પણ અકસ્માતોની કોઇ વાર આવી ઘટનાઓ ઘટી જતી હોય છે. આવું કેમ બન્યું તેની વિગત જાણી તો ખ્યાલ આવ્યો કે સવારનો પહોર હતો, હવામાં ઝાકળ ભળેલો હતો, એમાં સૂર્યના કિરણો પડતાં અને પાવડરની ઝણ્ય ઊડતાં મેઘધનુષ્ય જેવા રંગો દેખાયા ! વળી હોળી-ધૂળેટી આવી રહ્યા હતા નજીક, અને જુવાનિયા હતા રાજસ્થાની ! બધી વાતનો એવો જામી ગયો મેળ કે આ ઝેરના ફુવારા કરી રહ્યા છીએ એવું ગયું ભૂલાઇ અને “હોળી ખેલવાની મજા આવી ગઈ યાદ ” અને સામસામા પાવડરિયા પંપથી હોળી રમ્યા ! હવે તમે જ કહો, પછી ઝેર ચડ્યા વિના રહે ખરું ? ઝેરી દવા છાંટતાં ભભરાવતાં આવા કિસ્સા બનતા હોવાનું ઘણી વાર બની જતું હોય છે.
અંતે કહેવાનું એટલું કે : ખેતીનો તો ધંધો જ એવો છે ભાઇ કે ગમે ત્યારે ગમે તે ન થવાની થઈ બેસે. પણ કહેવત છે ને કે “ચેતતા નર સદા સુખી !” કામ તો આપણે કાયમ અને એ પણ આ બધા ખેતીના વિશિષ્ટ પાસાંઓની વચ્ચે અને સાથે જ કરતા રહેવાના હોઇ, એનાથી બી જવાની કે એનો ભય રાખવાની વાત હું નથી કરતો. પણ કામ ગમે તે કરતા હોઇએ, ત્યારે સંભવિત જોખમોનો ખ્યાલ મગજમાં રાખીએ તો જાજા ભાગે કશો વાંધો આવતો નથી પણ જો બધાં કામો પૂરી સાવચેતી અને સાધન-સમય પારખીને ન કરીએ તો આવી સામાન્ય શારીરિક હાનિ-ભાંગતૂટ ઉપરાંત જીવન નેવકું ટુંકાઇ જવા સુધીના અકસ્માતો બનતાં વાર લાગતી નથી, એ ખેતી કરનારા ખેડૂત, વ્યવસ્થાપક કે કામદાર કોઇના ખ્યાલ બહાર ન રહેવું જોઇએ મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
