જયશ્રી વિનુ મરચંટ

૨૦૧૪, જૂન માસમાં, ફિલાડેલ્ફિયામાં રહેતી અમારાં ખૂબ જ વહાલાં મિત્રની દીકરીના લગ્નમાં અમને સહકુટુંબ આમંત્રણ હતું.

 વિનુએ છેલ્લાં બે-એક વરસોથી ફોર્મલ પ્રસંગોમાં આવવાનું સાવ મૂકી દીધું હતું. હું પણ એમની મરજીનો આદર કરીને એમને સાથે લઈ જવાનો આગ્રહ નહોતી કરતી. આથી, મેં પણ આર.એસ.વી.પી. કરતાં પહેલાં, માત્ર ઔપચારિકતા ખાતર જ વિનુને પૂછ્યું કે તેઓ લગ્ન માટે ફિલાડેલ્ફિયા આવશે કે નહીં. મારા પતિદેવે ઓચિંતું જ, ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે એ પણ આવશે. ૪૨ વર્ષના લગ્નજીવનમાં મારે માટે મોટા shock ની વાત હતી. વિનુ, કે જે, “સમઃ સુખ દુઃખેષુ નિત્યમ્” એને આમ ફિલાડેલ્ફિયા, લગ્ન પ્રસંગ માટે જવાની વાત પર, ઉત્સાહથી તરવરતો, જવાબ આપતાં સાંભળવાનો પણ એક લહાવો હતો! પણ, ત્યારે ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી?

અમે ભારતથી સીધા ફિલાડેલ્ફિયા જ આવ્યા હતાં આથી ફિલાડેલ્ફિયા, વતનથી દૂર, અમારું બીજું વતન હતું. કેલિફોર્નિયા મુવ થતાં પહેલાં અમે ૨૨-૨૩ વરસો સુધી ત્યાં રહ્યાં હતાં અને કુટુંબ જેવા મૈત્રીના સંબંધો બંધાયા હતાં. એ સંબંધો આટલા બધાં વરસોથી ફિલાડેલ્ફિયા છોડ્યા પછી પણ એટલા જ મીઠાશવાળા રહ્યાં હતાં. અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યાં.

લગ્નના પ્રસંગો વચ્ચે એક દિવસ ખાલી હતો. અમારા પહેલા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષથી આ સફર શરુ કરી. એના પછી, અમારા સંતાનોની સ્કૂલો, વિનુના અને મારા પહેલા જોબની જગા અને અન્ય જગાઓ જોવા અમે ઉપડી ગયાં. ચૌદ-પંદર વર્ષોના ગાળામાં ઘણું બદલાઈ ગયું હતું. પછી, છેલ્લે, અમારા હેવરટાઉનના એ પહેલાં ઘરને જોવા ગયાં. હું અને વિનુ કાર પાર્ક કરીને અમારા એ પહેલા હાઉસ પાસે ઊભા રહ્યાં, અને કેટકેટલાં દ્રુશ્યો નજર સામે ફુલસ્પીડથી પસાર થવા માંડ્યાં.

વિનુએ મને પૂછ્યું, “તું આપાણા ઘરની સામેના ઘરમાં રહેતી નર્સ એમિનાના કોન્ટેક્ટમાં છે? તારી જોડે એને સારા એવા બહેનપણાં હતાં.”

મેં કહ્યું, “ફેસબુક પર ફ્રેન્ડ છું પણ એમિના ફેસબુક પર બહુ એક્ટિવ નથી. અહીંથી તો એ અનેક વર્ષો પહેલાં જ મુવ થઈ ગઈ હતી અને મારી પાસે એનો ફોન નંબર પણ નથી.”

પણ આ બાજુ, મારા મનમાં તો એમિના સાથેની અમારી દોસ્તીની ટેકનિકલર ફિલ્મના રીલ ચાલી રહ્યાં હતાં…!

*****

એમિના અને અમારી ઓળખાણ તો ૧૯૮૫ના ફેબ્રુઆરીમાં જ્યારે એ અમારા ઘરની સામેનું ઘર લઈ રહેવા આવી, ત્યારે થઈ હતી. મને હજુ યાદ છે કે અમારી દોસ્તી ૧૯૮૫, મે માસથી શરૂ થઈ હતી. એમિના બાય પ્રોફેશન, નર્સ હતી. અમારા ફિલાડેલ્ફિયાના ઘરના ફ્રન્ટયાર્ડમાં સરસ લીલોતરીથી આચ્છાદિત નાનકડો એવો ઢોળાવ હતો. ઉનાળાના આવાગમનની છડી પોકારતા, આ ઢોળાવના લીલા ઘાસની વચ્ચે, જંગલી, (વિડ્સ) નાનાં-નાનાં, પીળાં ફૂલો ખીલવા માંડ્યા હતાં.

એ દિવસે મારો ડે ઓફ હતો. છેલ્લા ૧૦ દિવસોથી સ્ટાફની તંગીને કારણે લેબમાં મારે સતત કામ કરવું પડ્યું હતું. અને, હવે એનો એક ફાયદો ગણો તો એ કે મને એકસાથે ચાર દિવસો ઓફ મળ્યા હતાં. એમાં શનિવાર ને રવિવાર ઉમેરી દેતાં છ દિવસોનું મિનિ વેકેશન મળી ગયું હતું!

સવારના સાડા દસ વાગ્યા હતાં. વિનુ ઓફિસમાં ગયા હતાં ને બાળકો સ્કૂલમાં હતાં. સહુ મિત્રો પણ પોતપોતાના કામે હતાં. હું મારા ફ્ર્ન્ટયાર્ડમાં ઊગેલા જંગલી પીળાં ફૂલો ઉખેડી રહી હતી અને મનનું એકાંત માણી રહી હતી. મને થયું કે “જંગલી પીળાં ફૂલોને મૂળ સોતાં ઉખેડી નાંખ્યા પછી પણ દર વર્ષે એનાં મૂળો નાંખીને પાછાં ઊગી જ જાય છે! શું એનું કારણ એ હશે કે જંગલી ફૂલોને માવજતની જરૂર જ નથી પડતી? ગમે ત્યાં, ગમે ત્યારે વચ્ચે ઊગી જવાનું અને લીલા ઘાસના ગાલીચાની શોભા નષ્ટ કરવાની…!” આવા સાવ નકામા લાગતાં વિચારો સાથે સમય વીતાવવો, એ મારા માટે એક પ્રકારે “ઝેનિંગ ઍક્ટિવિટિ ” હતી. તે દિવસે પણ હું આવા જ કઈંક મુડમાં હતી ને, લીલા ઘાસમાં ઊગતાં આ પીળા ફૂલોને આમ ઉખેડતાં હું મારો ‘ઝેનિંગ’ સમય માણી રહી હતી!

એટલામાં, મને બહાર કામ કરતી જોઈ, એમિના ઓસ્મીર આવી. અમે અનેકવાર આગળ-પાછળ નીકળતી વખતે એકબીજા સાથે વાતો કરવા ઊભા રહેતાં. ત્રીસેક વરસની એમિના એકલી જ રહેતી હતી.

એણે પૂછ્યું, “હાય મિસિસ મરચંટ. યુ હેવ અ ડે ઓફ ટુડે? સો ડુ આઈ.”

મેં કહ્યું, “હા, આજે મારો ડે ઓફ છે. તમારો પણ ડે ઓફ છે એ જાણી ખૂબ જ આનંદ થયો. શું પ્લાન છે આજે તમારો?”

એમિના જવાબ આપતાં અંગ્રેજીમાં કહે, “નથીંગ મચ. જો આજે તમને સમય હોય તો પ્લીઝ, તમે મારી સાથે ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં આવી શકશો?” પછી હસીને મને ઈંગ્લીશમાં કહ્યું, “મારે ત્યાં કાલથી, સમરસિંગ ખન્ના, એક ઈન્ડિયન સિંગર, છ મહિના માટે રહેવા આવવાના છે.”

“અરે, વાહ! તમારા ફ્રેન્ડ છે?”

“અરે ના. હું, “IEFAA” – “ઈન્ટરનેશનલ એક્ષચેન્જ ફોર આર્ટ એનહેન્સમેન્ટ” નામની નોન-પ્રોફિટ સંસ્થામાં વોલન્ટિયર છું. આ સંસ્થા દર વરસે, સંગીત અથવા બીજા કોઈ ફીલ્ડના ઉદય પામતાં, નવા આર્ટિસ્ટને, દુનિયાભરમાંથી દર વરસે, ફુલ સ્કૉલરશિપ અને સ્ટાઈપન્ડ આપીને છ મહિના માટે બોલાવે છે. અને અમે, આ સંસ્થાના મેમ્બર્સ વારાફરતી આ આર્ટિસ્ટne પોતાના ઘરમાં રાખીએ છીએ જેથી એ આર્ટિસ્ટને ખર્ચો ઓછો થાય અને થોડા પૈસા બચાવીને અહીંથી પાછા જઈ શકે.”

મારા માટે આ નવી જ માહિતી હતી. મને રસ પડ્યો. મેં પૂછ્યું, “તમે નક્કી કેવી રીતે કરો કે કોને આ સ્કૉલરશિપ આપવી અને કોને બોલાવવા? અને આ, સમરસિંગ ખન્ના શું કરે છે, આઈ મીન ક્યા ફિલ્ડમાંથી છે?”

એમિનાએ પ્રોસેસ સમજાવતાં કહ્યુ,” એને માટે અરજી કરવી પડે છે પણ મોટી શરત એ છે કે આર્ટિસ્ટે, એનાં દેશમાં કોઈ સિનિયર પાસે ઓછામાં ઓછાં ત્રણ વરસ કામ કર્યું હોય અને આર્ટિસ્ટની ઉમર ત્રીસથી વધુ ન હોવી જોઈએ.”

પછી થોભીને પોતાની પર્સ ફંફોસતાં કહે, “વેઈટ. હું આ પેપરમાં જોઈને કહું કે આ સમરસિંગ શું કરે છે.”
પછી પેપર ખોલીને એક જગા પર આંગળી મૂકીને કહે, “છેલ્લા પાંચ વરસથી એ કોઈ ફેમસ સિંગર, મિ. ‘જાગાજીતસિંગ’ના સ્ટુડન્ટ હતા.”

મને હવે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. “અરે વાહ, જગજીતસિંગના શાગિર્દ હતા! એ તો બહુ મોટા કલાકાર છે. હું એમની ફેન છું. આ તો બહુ સરસ! સમરસિંગ કે બીજા કોઈ પણ આર્ટિસ્ટ અહીં છ મહિના માટે આવે તો કરે શું?”

એમિના કહે, “અહીં એમના ફિલ્ડની આર્ટ, હિસ્ટરી, અને કલ્ચરથી અમે ઓરિયેન્ટ થઈએ અને આર્ટિસ્ટ અહીં વેસ્ટર્ન આર્ટ, હિસ્ટ્રી અને કલ્ચરથી વાકેફ થાય. જો આર્ટિસ્ટ ઈંગ્લીશ ન જાણતા હોય તો અમે એમને સૌ પ્રથમ એક મહિના માટે ઈંગ્લીશ શીખવીએ.”

“અરે વાહ, આ એક સાચે જ બહુ સરસ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે!”

“હા, અને આ સાલ, ઈન્ટરનેશનલ ગેસ્ટને હોસ્ટ કરવાનો વારો મારો છે. તમે મને ઈન્ડિયન ફુડ માટેના બેઝિક મસાલાઓ અને અન્ય ઈનગ્રેડિયન્સ લાવવા મદદ કરી શકશો?”

મેં કહ્યું, “માય પ્લેઝર. મારું આ વિડ્સ ઉખેડવાનું કામ ૩૦ મિનિટમાં થઈ જશે. આપણે એકાદ કલાકમાં જવા નીકળીએ.”

બસ, એ દિવસથી અમારી બિન-શરતી મૈત્રી વધુ ગાઢ થવાની શરુઆત થઈ હતી.

એના બીજે દિવસે, સમરસિંગ ખન્ના એમિનાને ત્યાં છ માસ માટે રહેવા આવી ગયા. હું પણ મારાં ઘરનાં બધાં જ કામ પતાવીને એમિનાને ઘરે ગઈ.

એમિનાએ મને મહેમાનની ઓળખાણ કરાવી અને પછી મને એના કિચનમાં બોલાવીને કહે, “ઓ માય ગોડ! હી ઈઝ સો ગુડલુકીંગ! મને લાગે છે કે મને “લવ એટ ફર્સ્ટ સાઈટ” થઈ ગયો છે! આઈ એમ રેડી ટુ ડાય ફોર હીમ! (એ એટલો દેખાવડો છે કે હું એની સાથે કે એને માટે મરી ફીટવા પણ તૈયાર છું.)

સમરસિંગ ૨૫-૨૬ વર્ષના ખૂબ જ દેખાવડા, ગોરા અને છ ફૂટ ઊંચા પંજાબી નવયુવાન હતાં.

“તું છે ને ગાંડી થઈ ગઈ છે! જાણ-પિછાણ વિના આમ કોઈ કરે?” અને એના માથા પર ટાપલી મારીને હું કિચનમાંથી બહાર આવી.

બહાર આવીને મેં સમરસિંગ સાથે વાતચીત કરતાં કહ્યુ, “યહાં આનેસે પહેલે આપ ગઝલસમ્રાટ જગજીતસિંગકે શાગિર્દ રહે થે પાંચ સાલકે લિયે, ઐસા સુના હૈ. તો, ભાઈસા’બ કુછ અશઆર સુના દિજિયે. મુઝે તો ઉનકી ગાઈ હુઈ સારી ગઝલેં અચ્છી લગતી હૈં!”

સમરસિંગે અચકાતાં કહ્યું, “દીદી, પહેલે તો, મૈં આપસે બહુત છોટા હું. મુઝે આપ મત કહીએ!” હું આછું સ્મિત આપી મનોમન બોલી, ‘માણસ તો વિવેકી છે.’

“હાં તો કહીએ, આપ કૈસે જગજીતજી કે શાગિર્દ બને? જગજીતજી કા પ્રોગ્રામ યહાં તીન હપ્તોં કે બાદ હૈ.  આપ કો તો માલૂમ હી હોગા, ઉનકી અમેરિકા કી ઈસ ટૂર કે બારેમેં. યહાં ફિલામેં આપ ઉનકે સાથ સંગત કરના ચાહતે હૈં તો મૈં આપ કો ઓર્ગેનાઈઝર્સ કે સાથ મિલવાકર યહ એરેન્જ કરા સકતી હું. મૈં ઓર્ગેનાઈઝર્સ કો અચ્છી તરહ સે જાનતી હું.”

આ સાંભળીને સમરસિંગના મુખ એકદમ ઝાંખું પડી ગયું. મને એવું પણ લાગ્યું કે સમરસિંગ થોડા ડરી ગયા હતા.

એમિના તો હજુ કિચનમાં હતી.

સમરસિંગે ગભરાટમાં આગળપાછળ જોયું અને કરગરતાં મને કહે, “આપને હું કંઈ કહું તો આપ કોઈને નહીં કહોને?”

મને થયું કે બિચારા નવા છે અને આ નવા વાતાવરણમાં ડરી ગયા હશે. હું બોલી, “અરે જરા પણ અચકાટ વિના કહો. શું વાત છે સમરસિંગ?”

સમરસિંગે હાથ જોડતાં હહ્યું, “દીદી, હું પંજાબી ફોક ગાઉં છું પણ કોઈ સાથેય મેં ત્રણ વર્ષ માટે ન તો તાલિમ લીધી છે ન તો જગજીતજીનો શાગિર્દ રહ્યો છું. તેઓ મને જાણતાયે નથી. મેં એ લેટર ખોટો લખ્યો છે, જાલી છે. મને માફ કરો દીદી.”

હવે ચોંકી જવાનો વારો મારો હતો. મેં મારા પર માંડ કાબુ રાખીને, જરા કડક અવાજે કહ્યું, “જે કહેવું હોય તે જલદી અને સ્પષ્ટ કહો. કોણ છો તમે અને આવા સરસ કલ્ચરલ એકેડેમિક પ્રોગ્રામમાં તમે કઈ રીતે આવી ચડ્યા?”

“દીદી, દરઅસલ હું પંજાબ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છું અને યુનિવર્સિટીની ઓફિસમાં ક્લાર્કનું કામ કરું છું. ત્યાં જ મને ખબર પડી કે આ વરસે કોઈ ગાયકને આ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સ્કૉલરશિપ આપવામાં આવવાની હતી.”

“તો?” મેં એ જ કડકાઈથી પૂછ્યું.

“આ પ્રોગ્રામમાં દાખલ થવા માટે પાંચ વરસ મેં જગજીતજી સાથે સંગત કરીને ગાયકી શીખી છે, એવું યુનિવર્સિટીના લેટરહેડ પર લખીને ખોટો કાગળ મોકલી આપ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મને આવવાનો મોકો મળી ગયો!”

“આનો અર્થ એ કે તમે ગાયકી વિષે કંઈ નથી જાણતા? અનબિલીવેબલ! આટલું જૂઠ્ઠાણું?”

ઓલમોસ્ટ રડમસ અવાજે સમરસિંગ બોલ્યા, “નહીં, નહીં, હું ફોક સિંગિંગ કરું છું અને પંજાબમાં લોકલ પ્રોગ્રામો પણ કરતો હતો. પણ જગજીતજી પાસે કોઈ તાલિમ નથી લીધી કે નથી એમનો શાગિર્દ રહ્યો! બસ, આટલું જ ખોટું બોલ્યો છું.”

મારા મોઢા પર ખૂબ ગુસ્સો હતો. પણ સમરસિંગે આજીજીભર્યા અવાજે પોતાની કથની કહેવાનું ચાલુ રાખ્યું.

“બાબુજીના ગુજરી જવા પછી મારા માથે ઘરની બધી જ જવાબદારી આવી પડી અને એમાં ત્રણ નાની બહેનોના લગ્નના દહેજ જમા કરવાની જવાબદારી પણ મારે માથે છે. વખાના માર્યા મારે આ કામ કરવું પડ્યું છે. દીદી, પ્લીઝ, મને અહીંથી કઢાવશો નહીં. મારા સ્ટાઈપન્ડમાંથી ચાર પૈસા બચાવીને હું વતન પાછો જતો રહીશ. કમ સે કમ મારી નાની બહેનોનાં લગન તો કરાવી શકીશ!”

હું સદંતર અવાચક થઈ ગઈ હતી. માંડમાંડ મારા ગુસ્સા અને અવાજ પર કાબુ રાખીને હું બોલી, “તમારા જેવા માણસો આવી રીતે ખોટું બોલીને અહીં આવીને બાકી સહુ ભારતીયોનું નામ ખરાબ કરીને જાય છે. તમે હમણાં જ આ વાત એમિનાને કહો છો કે નહીં? નહીં તો હું કહીશ.”

સમરસિંગ કરગરી પડ્યો, “ખોટું કરવાનું મને પણ ખરાબ લાગે છે દીદી. પણ, પ્લીઝ, પ્લીઝ, ગરીબ પર દયા કરો!”

“સમરસિંગ, હું સમજી શકું છું કે તમે વખાના માર્યા છો પણ તોયે આ તો ફરેબ છે, દગો છે! તમને પોતાને પણ ખબર છે કે આ સારું નથી થતું. કમ સે કમ એમિનાને હમણાં ને હમણાં જ સાચું કહો. તમે એનું નમક ખાઈને એની સાથે રહેવાના છો. એનો ભરોસો આમ તમે તોડશો? એ ફરી કદી કોઈ ફોરેનર પર વિશ્વાસ કઈ રીતે કરશે?”

મારા અવાજમાં સખતાઈ તો હતી પણ પછી એમને સમજાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું, “સમરસિંગ, એમિના જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા, સંગીત અને લલિતકળાના વિકાસ માટે આંતરરાષ્ટ્રિય સ્તર પર કામ કરે છે. તમને ખબર છે, કે આ જૂઠાણું પકડાશે તો શું થશે?”

સમરસિંગના મોઢા પર ભય પણ હતો અને અનિશ્ચિતતાની કાળી છાયા પણ હતી.

મેં પછી આગળ કહ્યું, “કેટલા બધાં નવા, ઉદય પામતાં કલાકારોને તક આપતાં પહેલાં, આવી નોન-પ્રોફિટ સંસ્થા તમારે લીધે સો વખત વિચાર કરશે.”

સમરસિંગ હવે એકદમ ડરી ગયો હતો. મને કહે, “દીદી, પ્લીઝ, મુઝે બચાલો દીદી!. મૈં વખ્ત કા મારા હું, પર બૂરા આદમી નહીં હું.”

એમિના હજુ કિચનમાં જ હતી. આ સાંભળી, મેં જરાક નરમ પડીને કહ્યું, “ભાઈ, તમે ગાયક તો છો જ. બસ, એકવાર સાચું કહી દો કે તમે જગજીતજીના શાગિર્દ નથી. અને તે પછી પણ એમિના અને એની ઇન્સ્ટિટ્યૂટવાળાઓ, તમને રહેવા દે તો મને શું વાંધો હોય? એમિનાને તમે સત્ય કહી દો. પછી એને અને એની સંસ્થાએ જે કરવું હોય તે કરે!”

સમરસિંગ હજુ ભયભીત હતો.

“જુઓ, ભાઈ, તમે મને સાચું કહ્યું, એથી આટલું તો સાબિત થાય છે કે તમે બૂરા નથી પણ, એમિનાને સાચું કહી દો. આટલું જ હું કહું છું. હું તમારા પર ભરોસો રાખું છું કે તમે એમિનાને મારા ગયા પછી, તરત સાચું કહી દેશો.”

સમરસિંગ સૂનમૂન થઈને ઊભો હતો. એની આંખોમાં ડર હતો, પસ્તાવો હતો કે ડરની સાથે પસ્તાવો હતો? જે કઈં પણ હતું એ આંખોમાં, પણ, એ નક્કી કરવાનું કામ મારું ક્યાં હતું? અમારી આ વાત દરમિયાન એમિના હજુ કિચનમાં જ હતી.

મેં એમિનાને બહારથી જ કહ્યું, “આઈ એમ લિવિંગ, ઓકે? મારે થોડુંક બહાર જવાનું છે.”

એમિનાએ ડોકું કિચનની બહાર કાઢીને કહ્યું, “બાય, ડિયર. હેલ્પ માટે થેંક્યુ.”

સમરસિંગની પીઠ એમિના તરફ હોવાથી એ એમિનાને જોઈ નહોતો શકતો. એમિના સમરસિંગને બે-ચાર ફ્લાઈંગ કિસિસ આપતી હતી અને હું મ્લાન, આછું સ્મિત આપી, મારા ઘરે આવી ગઈ.

પછીના બે દિવસ સુધી ન તો મને એમિના દેખાઈ કે ન તો સમરસિંગ. ત્રીજા દિવસે હું, ફ્રન્ટયાર્ડંમાં કામ કરવા લગભગ સાંજના પાંચેક વાગે આવી. બરાબર એ જ સમયે એમિના તૈયાર થઈને બહાર જવા નીકળી.

મને જોઈ એણે હાથ ઊંચો કર્યો અને રસ્તો ક્રોસ કરીને મારી પાસે આવીને, ટાઈટ હગ આપીને કહ્યું, “થેંક યુ, માય ફ્રેન્ડ!”

મેં એને પૂછ્યું, અંગ્રેજીમાં, “યુ આર ઓલવેઝ વેલકમ, પણ શેને માટે થેંક્યુ કહી રહી છે?”

એણે કહ્યું, “સમરસિંગે મને સાચું કહ્યું, તમારા કહેવાથી, તે મને ગમ્યું.”

હું ચૂપ રહી, ક્ષણેક, અને પછી બોલી, “તું હર્ટ થઈ હશે! તને તો એની સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ થયો હતો ને! સોરી, મારા દેશવાળાએ તારું દિલ તોડ્યું. તેં એને પાછો મોકલી આપ્યો કે નહીં? એ ખોટું બોલ્યો, એ સાચે જ ખરાબ કર્યું!”

એમિના પળેક અટકી ગઈ. પછી કહે, “હું કોણ છું, કોઈને સાચા કે ખોટા સાબિત કરવાવાળી? મેં અમારી ઇન્સ્ટિટ્યૂટને સાચું કહીને એના રહેવાની વ્યવસ્થા બીજે કરાવી છે. તેઓ એની સિંગિંગ ટેલેન્ટને ઈવેલ્યુએટ કરશે અને બોર્ડ મિટિંગમાં એનો ફેંસલો કરશે. હું સમજું છું કે પોતાની ગરીબી હટાવવા એ ખોટું બોલ્યો છે, પણ સિંગર તો છે. હવે જો એને સંગીત ખરેખર આવડતું હશે તો એ આ પ્રોગ્રામમાં ટકી જશે! ભગવાન કરે અને આ એક્ષચેન્જ પ્રોગ્રામને લીધે એની જિંદગી સારી થાય તો મને ખરેખર આનંદ થશે.”

આ સાંભળીને એમિનાના હૃદયની વિશાળતા પાસે માથું અનાયસે ઝૂકી ગયું.

એમિનાએ કહ્યું, “જે થઈ ગયું તે થઈ ગયું. હું તો આજે બ્લાઈન્ડ ડેટ પર હમણાં જઈ રહી છું. વિશ મી લક મિસિસ મરચંટ.” આ સાંભળીને હું આભી બની ગઈ!

મને લાગ્યું, એનો પહેલી નજરનો પ્રેમ સફળ ન થયો, એથી એ ભાંગી પડી હશે! મને એકાદ મિનિટ કળ વળતાં લાગી અને અનાયસે બોલાઈ જવાયું, “બ્લાઈન્ડ ડેટ?”

એ હસી પડી. “હું તો પ્રેમમાં પડવાના વિચારના જ ગળાડૂબ પ્રેમમાં છું!”

“એમિના, હું તારા આ આશાવાદની આજે તો ફેન થઈ ગઈ!”

ત્યાં તો એમિના હસીને જાણે કંઈ થયું જ ન હોય એમ અંગ્રેજીમાં બોલી, “યુ સી, મિસિસ મરચંટ, પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર જોરશોરથી પાછો ઊગશે અને ગમે ત્યાં ઊગશે. કારણ જાણો છો? જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો! પ્રેમ પણ ફૂલોની જેમ જ કુદરતી ઊગે છે! જે ઓરગેનિક હોય એને કેમ રોકી શકાય?”

“ખરેખર, આટલી નાની વયમાં પણ તારા મન અને હૃદયની સ્વચ્છતા અને સ્પષ્ટતાને સલામ, માય ડિયર! તને કોઈ માટે પણ નફરત – હેટ્રેડ્ કે પછી નિરાશા જેવું નથી થતું?”

“કેમ નહીં, મને પણ થાય છે નફરત અને નિરાશા, જેલસી. પણ હું એને રેશનલાઈઝ્ડ – (વ્યાજબી કરવાના કારણો શોધીને)- મારા મનમાં પાળતી નથી. એટલે બચી જાઉં છું!”

પછી, એક ઊંડો શ્વાસ લઈને કહે, “હેટ્રેડ – નફરત કે ઈર્ષા – જેલસી, એની જાતે નથી ઊગતાં! એ તો મેનમેઈડ છે. આપણે જ એને સિંચીને આપણા મનમાં ઊગાડીને, પેન્ડેમિક- મહામારીના રોગચાળાની જેમ આપણી હયાતી પર ફેલાવીએ છીએ. મને આ જંગલી વીડ્સનાં પીળાં ફૂલો આથી જ માત્ર ગમતાં નથી, પણ હું તો આ જંગલી ફૂલોના પ્રેમમાં જીવું છું, કારણ કે તેને માણસે નથી બનાવ્યા.” સાવ સહજતા, સરળતા અને સ્વાભાવિકતાથી એમિના આ વાત કહી રહી હતી.

મારાથી ન રહેવાયું અને મેં એને એક ટાઈટ હગ આપતાં કહ્યું, “મને આજે તારી પાસેથી ખૂબ શીખવા મળ્યું છે!”

એમિનાએ આંખ મીંચકારીને કહ્યું, “નાઉ, ક્મ ઓન મિસિસ મરચંટ! નોટ અ બિગ ડીલ! એની વે, વિશ મી લક, કે હું કોઈ સરસ માણસને – આ જંગલી ફૂલ જેવા કે જેનામાં બનાવટ ન હોય, એવા કોઈને મળું, મારી આ બ્લાઈન્ડ ડેટ પર! મને તો બસ, બધે જ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ દેખાય છે!”

મેં ફરી એને હગ આપીને કહ્યું, “બેસ્ટ ઓફ લક, માય ફ્રેન્ડ!”

એમિના ખુશખુશાલ થનગનતી ચાલે રસ્તો ક્રોસ કરીને, એના ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી ગાડીમાં બેઠી અને ગાડીમાંથી હાથ ઊંચો કરીને એણે કાર પૂરપાટ મારી મૂકી અને હું મારા ફ્રન્ટયાર્ડમાં પાછાં ઊગી ગયેલાં પીળાં ફૂલોને ઉખેડવા ફરી બેસી ગઈ હતી.

*****

મને એમિનાના શબ્દો આજે ફરી યાદ આવી રહ્યા હતા; “પ્રેમ તો આ ઘાસમાં ઊગી જતાં, જંગલી પીળાં ફૂલો સમો છે. જેટલો અને જેટલી વાર ઉખેડશો, એટલીવાર, જોરશોરથી પાછો ઊગશે. કારણ, જંગલી ફૂલો કુદરતી છે અને ફૂલોનો સ્વભાવ છે ઊગવાનો!”

આ વાત યાદ શું આવી કે મારા મનમાં હું ગણગણવા માંડી; “અજીબ દાસ્તાં હૈં યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝીલેં હૈં કોનસી, ન વો સમજ સકે ન હમ!”


સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.