જૂન મહિનામાં આવતો ખાસ દિવસ એટલે પિતૃદિનઃ
સ્વ. હિમાંશુભાઈ ભટ્ટ એક ગઝલકાર હતા. કેન્સરગ્રસ્ત અવસ્થામાં તેમણે અમેરિકાના ડલાસ શહેરમાંથી ૨૦૧૩માં વિદાય લીધી હતી. તે પહેલાં પોતાનાં સંતાનો માટે એક ગઝલ લખી હતી તે અત્રે પ્રસ્તુત છે.
એક પિતાના દિલના આશીર્વાદ..
:ગઝલઃ
પર્વત તને મળે કદી, કે રણ તને મળે
બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે.
છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
પલળી શકે વસંતમાં, તે મન તને મળે.
કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
ઊર્મીના અવનવા, રૂડા પવન તને મળે.
પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા.
સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે.
કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે.
તારામાં તત્વ છે, અહિં તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે.
તારાથી મોટો તો, અહિં તું થાય ના કદી
સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે.
ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળે.
એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે.
આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે.
મારા ગયા પછી, તને તારા વિચારમાં
મારા વિચારની, સદા રજકણ તને મળે.
– હિમાંશુ ભટ્ટ
ડલાસ,અમેરિકા
