વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આ જગથી બેપરવા એવું એ ઝાડ એકદમ અકડુની જેમ ઊભું હતું. એને તો કશાથી કોઈ ફરક પડતો નહીં જ હોય, પણ એને લીધે મા-બાપુ વચ્ચે અવારનવાર વિખવાદ થયે રાખતો.
“એ કપાશે પછી જ હું ખાઈશ નહીંતર આજથી જ મારે ઉપવાસ.” મા ગુસ્સે થઈને જીદ પર આવી જતી. કેટલીય વાર સમજાવ્યા પછી એ ખાતી, પણ ઘરમાં પાછું એ પુનરાવર્તન થયે રાખતું.
આંગણાની પરવા કર્યા વગર એ પગ પસારીને ફેલાવા માંડ્યું હતું. દાદાબાપુએ આ ઝાડ દાદા-દાદીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એ વાવ્યું હતું એટલે એને વધતું જોઈને બંને જણા ખુશ થતાં.
ત્યારે ક્યાં ખબર હતી કે, આ જ ઝાડ એક દિવસ એમનાં દુઃખનું કારણ બનશે ?
આખા આંગણાંમાં ફેલાયા પછી એ ઘરની છત પર છત્રીની જેમ ફેલાવા માંડ્યું. ગરમીમાં એની છાયા ગમતી, પણ ઠંડીમાં તડકો રોકાવા માંડ્યો ત્યારે પરેશાની શરૂ થઈ. પણ, એને શું ફરક પડ્યો? એનો તો વ્યાપ વધવાની સાથે જાણે રોફ વધતો ચાલ્યો. હા, એ જાગૃત પ્રહરીની જેમ ઘરનું રક્ષણ કરતું.
પાનખરમાં ઘરના આંગણમાં ખરેલાં પાનનો ઢગલો સાફ કરવાનું કામ વધી જતું. દાદીનો આગ્રહ હતો કે ઘરનું આંગણું એકદમ સાફ હોવું જોઈએ એટલે જેને આ જવાબદારી સંભાળવાની આવતી એને એ ઝાડ પર રોષ ચઢતો.
દાદાએ દક્ષિણ દિશા છોડીને ઝાડની ફરતે ચબૂતરો બનાવ્યો હતો. સૌની જેમ દીદી પણ સાસરેથી આવે તો પહેલાં આ ચબૂતરા પર બેસી્ને જરા શ્વાસ લઈને જ ઘરમાં આવતી. દીદીને જોઈને દાદી દોડી આવતી. દીદીને વહાલથી ગળે લગાવતી ને ઘરની બધી ફરિયાદોનું પોટલું દીદી આગળ ખોલી દેતી.
ચબૂતરો કેટલાય અવતારો ધારણ કરતો. ઘડીકમાં એ દાદીની અકળામણ ઠલવવાનું સ્થાન બનતો તો ક્યારેક લક્ષ્મણરેખા.
લક્ષ્મણરેખા એટલા માટે કે, ચબૂતરો વટાવીને નાનીના પત્રો અંદર લઈ જવાની માની હિંમત નહોતી. દાદીની નજર ચૂકવીને એણે પત્રો અહીં જ વાંચી લેવા પડતાં.
ક્યારેક ચબૂતરો અમારી રમતોનો, ભણવાના નામે રામાયણ-મહાભારત વાંચતા જોવાનો, દાદીની વાતો સાંભળવાનો તો ક્યારેક મજૂરો સાથે દાદાજીની લમણાઝીક જેવી કેટલીય ઘટનાઓનો સાક્ષી બન્યો.
કૉલેજમાં કેટલીય રાતો આ ઝાડ નીચે બેસીને વાંચ્યું હશે. રાતના પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રનું અજવાળું આ ઝાડના પાંદડાઓની વચ્ચે ચળાઈને આંગણામાં રેલાઈ આવતું.
આ ઝાડ સાથે હું અનોખું ઐક્ય અનુભવતો. જાત સાથે વાતો થતી તો જાણે એ મારું અંતરમન વાંચી લેતું. મારી લાગણીઓ એ પારખી લેતું. અમારાં સુખ-દુઃખ એકબીજાનાં હોય એવી મનોસ્થિતિમાં અમારાં બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.
એક દિવસ અચાનક દાદાજીએ હંમેશ માટે વિદાય લીધી. દક્ષિણાભિમુખ મૂકેલી દાદાજીની અર્થીને કાંધ આપીને સૌ લઈ ચાલ્યા. દાદી બેભાન થઈને પડી. ઝાડ એનું’યે સાક્ષી. એ પછી રાતના અંધારામાં દાદીનું મૂક આક્રંદ પણ એ સાંભળતું રહ્યું. સતત બોલ્યા કરતી કરતી દાદી રાતોરાત મૌનયોગી જેવી બની ગઈ. દાદીની સાથે એ ઝાડ પણ સાવ ગુમસૂમ.
ક્યારેક ચબૂતરા પર બેઠી દાદી જાણે કોઈને લાડ કરતી હોય એમ ઝાડને સહેલાવતી. પોતાના મનની વ્યથા મનમાં જ સમાવીને બહારથી હિંમત દેખાડતી દાદી મનથી કેટલી હિજરાય છે એનુંય સાક્ષી એ ઝાડ. રાત્રે ઘર આખું જંપી ગયું હોય ત્યારે વિલાપ કરતી દાદીને ભલે એ સાંત્વન ન આપી શકતું, પણ એનો શોક સમજી શકતું. એકાદ પાંદડું ખેરવીને સમજાવતું કે, સહન કરવાનું સૌના નસીબમાં લખેલું જ હોય છે.
દાદાજી કહેતા કે, “સહનશીલ વ્યક્તિઓથી વિપત્તિ પણ હાર માની લે.” દાદાજીની આ વાત ઝાડ બરાબર સમજતું. એની સહનશક્તિ અસીમ, અપ્રમેય હતી. મેં પણ આ વાતને જીવનપથનું ભાથું બનાવી લીધું.
“ગમે એટલા આંધી-તોફાન આવે, પથરીલા રસ્તે ચાલવાનું થાય કે શાંત પગલે મોત આવીને ઊભું રહે આપણે મેરુની જેમ અટલ રહીશું.” એવા ભાવને મારી જેમ જ એ ઝાડે આત્મસાત કરીને સમય સાથે કદમતાલ મેળવી લીધો હતો. સમય એની પાંખો પસારીને આગળ વધતો રહ્યો. મારી જેમ ઝાડ બાળપણમાંથી યુવાન બનતું ચાલ્યું. પહેલાંથી અધિક ગર્વીલું બનીને સૂર્ય-ચંદ્રની સમીપ જવા પ્રયાસ કરતું રહ્યું. બદલાતી મોસમ સાથે પોતાની રૂખ બદલીને વધુ સશક્ત બન્યું.
ચબૂતરા પર બેસીને જેવી નોકરી મળ્યાની ઘોષણા કરી કે તરત દાદીએ પડોશમાં રહેતી છોકરી સાથે મારા વિવાહ નક્કી કર્યા. વિવાહ, લગ્ન, દીકરીનો જન્મ, આ બધી ઘટનાનું સાક્ષી આ ઝાડ.
અચાનક દક્ષિણ દિશાએ ઝાડનો એક ભાગ સુકાવા માંડ્યો. એક વાત ધ્યાનમાં આવી હતી કે, દાદીમા એ બાજુથી મૂળ ખોદીને દરેક આગંતુકને આપતી. હું દાદીમાને ટોકતો તો માબાપુની વઢ પડતી. દાદી તરફ આ સહાનુભૂતિનું કારણ દાદીમાની ઉંમર હતી કે ઝાડ પર એમનો અધિકાર હતો, એ મને નહોતું સમજાતું.
ઝાડ સુકાવાના લીધે ઘરમાં સૌ વ્યથિત હતાં. જૂની માન્યતાને અનુસરીને પિતાજીએ શાલિગ્રામ પર ચઢાવેલું પાણી લાવીને ઝાડ પર છંટકોર્યું. વહેલી સવારે પાણીમાં સોનું કે ચાંદી નાખીને એ પાણીનો છંટકાવ કર્યો. ઝાડ બચાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા.
કદાચ દાદાજી વગર એ હિજરાતું હશે એમ માનીને દાદીએ દાદાજીનો ફોટો લાવીને ઝાડની નીચે મૂકવાનું કહ્યું. એ ઝાડ અમારા માટે માત્ર ઝાડ નહોતું, ઘરનું એક સદસ્ય હતું. દરેકની જેમ એનામાં લાગણીઓ હતી. ફરક માત્ર એ હતો કે એની સંવેદના એ વ્યક્ત નહોતું કરતું, પણ એ સમજવા જેટલી સંવેદનશીલતા અમારામાં વિકસી હતી.
એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, “ભલે એ ફળ નથી આપતું, પણ એની દક્ષિણ તરફનું મૂળ કમર પર બાંધવાથી અંડકોષ-વૃદ્ધિને લગતો રોગ મટે છે. તારા દાદાજીના આ નુસખાથી છોકરાંઓને ફાયદો થતો. આ ઝાડનો પાડ માનવો જોઈએ, એની પ્રદક્ષિણા કરી, પાણી સીંચીને માથું ટેકવવું જોઈએ. તું એના માટે જેમતેમ બોલે છે એ બંધ કર. એની મરજીથી એ સુકાયું છે, એની મરજીથી ખીલશે અને અંતે જેટલું સૌના માટે ઉપયોગી થવાનું હશે એટલું થઈને સમય થતાં જાતે મુક્તિ મેળવી લેશે. અને હા, હું ના હોઉં તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી તું એની સંભાળ લેજે. તારા પરદાદા બહુ ખુશ થશે, તને ઢગલો આશીર્વાદ આપશે.”
ઓહ! તો આ હતું ઝાડનું રહસ્ય !? સત્ય જાણ્યા વગર મત આપવા માટે મને જાત પર ચીઢ ચઢી.
આસપાસના ગામમાં સૌને ફાયદો થાય છે એ જાણ્યા પછી ભલે એ ઝાડ ફળ નથી આપતું, આંગણમાં એના પાંદડા ખરે છે કે તડકો નથી આવતો એ ચિંતા કરવાનું મેં છોડી દીધું.
સમય જતા સાચે જ ઝાડ નવપલ્લવિત થવા માંડ્યું સાથે દાદીએ પથારી પકડી. દાદીએ પોતાની ઉંમર ઝાડના નામે કરી હોય એમ ઝાડ લીલુંછમ થયું ને દાદી ચાલી નીકળી.
દાદીના પાર્થિવ શરીરને ઝાડની સાત વાર પરિક્રમા કરાવીને વિદાય આપી. થોડા દિવસ સુધી અસ્થિકુંભ ઝાડ પર લટકાવી રાખ્યો. એક દિવસ એમનાં અસ્થિ ઝાડની બખોલમાં પધરાવી, ખાલી કપડાંની પોટલી અને કુંભનું ગંગામાં વિસર્જન કરી આવ્યો. મને વિશ્વાસ છે ઝાડ અને દાદી બંને એકાકાર થઈ, સમાજ પર અનંતકાળ સુધી ઉપકાર કરતાં રહેશે.
‘અસ્થિકુંભ’ના વિસર્જન પછી આવીને ઝાડ પાસે માથું ટેકવ્યું તો દાદીની જેમ ઝાડ મને લાડ કરતું હોય એમ તનમનને શીતળતાનો સ્પર્શ થયો.
બંદિતા દાશ લિખિત, વિજય અગ્રવાલ અનુવાદિત વાર્તા ‘અનદેખા ભાવ’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
