ધિક્કારનાં ગીતો
દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી, એનો તમને અહેસાસ ખરો?
દીપક સોલિયા
ઠંડીમાં ફરવા નીકળેલી મિત્રોની ટોળકીમાંથી કોઈ બોલ્યું: ‘ઠંડીમાં આપણે શરીર તો આખું ઢાંકીએ છીએ, પણ ચહેરા ખુલ્લા રહે છે. ચહેરા પર બહુ ઠંડી નથી લાગતી એવું કેમ?’ એક સાથીએ જવાબ આપ્યોઃ ‘ચહેરા પર આપણે અનેક મહોરાં ઓઢી રાખીએ છીએ એટલે.’
આ ચબરાકિયો જવાબ થયો. માણસ દંભ કરે અને ચહેરા પર મહોરા પહેરી રાખે એ વાતને ઠંડી લાગવા સાથે કશો સંબંધ નથી. ખુલ્લા ચહેરે ઠંડીનો સામનો કરવાથી આપણે ટેવાયેલા હોઈએ છીએ, ચહેરાની ત્વચા સહેજ જાડી હોય છે, ગાલમાં ચરબી ભરાયેલી હોય છે… આવી દલીલ કરવામાં આવે તો તે કંઈક વાજબી ગણાય. બાકી ચહેરા પર ઠંડી ન લાગવાના કારણમાં એવું કહેવાનો કોઈ મતલબ નથી કે ‘એક ચહરે પે કઈ ચહરે લગા લેતે હૈં લોગ’.
આ ગીત -જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ- વિશે આપણી વાત ચાલી રહી હતી. વચ્ચે બે અઠવાડિયાનો ગૅપ પડી ગયો એટલે જરા રિકેપ કરી લઈએ.
ફિલ્મ દાગના સાહિર લિખિત આ ગીતના પહેલા અંતરામાં એવી ફરિયાદ છે કે પ્રેમ ઠંડો પડી જાય છે અને ઉત્સાહ મોળો પડી જાય છેઃ સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન.
ઠીક છે. થાય એવું. જુવાનીનો જોશીલો પ્રેમ પછી વાસ્તવની ધરતી પર લેન્ડિંગ કરે, થોડો ટાઢો પડે, વાજબી બને એમાં કશું ખોટું નથી. બીજી ફરિયાદ એવી છે કે અબ મહોબ્બત ભી હૈ ક્યા ઇક તિજારત કે સિવા (સાહિરની આ પંક્તિની નકલ જેવું એક મૂખડું ફિલ્મ ‘અર્પન’ના એક ગીત માટે આનંદ બક્ષીએ આવું રચેલું: મહોબ્બત ઇક તિજારત બન ગઈ હૈ). આ ફરિયાદ પણ લૂલી છે. પ્રેમ તિજારત -વ્યવસાય- જેવો વ્યવહારુ બને તે સ્વાભાવિક છે. પ્રેમમાં આગળ વધતાં પહેલાં, લગ્ન કરતાં પહેલાં માણસ વ્યવહારુ દૃષ્ટિએ આગળ-પાછળનું વિચારે, ખાનદાન-ખોરડું કેવું છે તેની તપાસ કરે, આવક વિશે માહિતી મેળવે તે વાજબી જ છે. ગીતમાંની ત્રીજી ફરિયાદ ભૂલવા વિશે છેઃ જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈ લોગ. પણ જૂનું ભૂલીને આગળ વધવામાં ખોટું શું છે? જૂની વસ્તુ ચાહે પ્રેમ હોય કે દ્વેષ, એને પાછળ છોડીને આગળ વધવામાં જ સાર છે. ભૂતકાળના બોજ હેઠળ કચડાઈ મરવાનો કોઈ મતલબ નથી. જો બીત ગઈ સો બાત ગઈ.
તો, બેવફા પ્રેમીને ટોણા મારતું આ ગીત અહીં જ નથી અટકતું. ઉપરની ત્રણ ફરિયાદો પછી પણ નાયિકાનો પુરુષદ્વેષ હજુ પૂરેપૂરો વ્યક્ત નથી થયો. પછીના અંતરામાં નાયિકા ફરિયાદ આગળ ધપાવે છે.
જાને વો ક્યા લોગ થે જિન કો વફા કા પાસ થા
દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી યે અહસાસ થા
અબ હૈ પત્થર કે સનમ, જિન કો અહસાસ ના ગમ
વો ઝમાના અબ કહાં જો અહલ-એ-દિલ કો રાસ થા
અબ તો મતલબ કે લિએ નામ-એ-વફા લેતે હૈં લોગ.
આ વાત થોડી વિચારવા જેવી ખરી. આગળની ત્રણ ફરિયાદો થોડી નબળી છે, પરંતુ આ ફરિયાદમાં થોડું વજૂદ છે. યુગ થોડો બદલાયો છે ખરો. લોકો અગાઉ કરતાં વધુ સ્વકેન્દ્રી બન્યા છે એ હકીકત સાવ અવગણી શકાય તેમ નથી. આમ પણ આજના યુગમાં નાનપણથી જ બાળકો ફોનમાં, ઉત્તેજનાઓમાં, મનોરંજનમાં એટલાં ગળાડૂબ રહે છે કે તેમને અન્ય લોકો સાથે ઝાઝો અને ઝીણો પનારો પાડવાની તક ઓછી મળે છે. એટલે ‘હું જે કંઈ કરું તેની બીજાંઓ પર કેવી અસર પડશે’ એ વિશે વિચારવાની એમને ઝાઝી તાલિમ નથી મળી શકતી. પછી આવાં બાળકો મોટાં થઈને નોકરીએ લાગે ત્યારે બોસ જરાક કંઈક કહે તો તેમને તરત માઠું લાગે. તેમને પોતાની જ રિધમમાં ચાલવાની ટેવ છે. સમૂહમાં, લોકોની લાગણીનો ખ્યાલ રાખીને જીવવામાં તેમને જૂના જમાનાના લોકો કરતાં થોડી વધુ તકલીફ પડે છે એ એક સચ્ચાઈ છે.
સામેની વ્યક્તિને કેવું લાગશે એવું બધું વિચાર્યા વિના પોતાની જ મસ્તીમાં જીવવું એ આમ તો પ્રામાણિકતાનું લક્ષણ ગણી શકાય, પરંતુ પોતાના વર્તનથી બીજાં લોકો દુભાય તે વાતે લાપરવાહી દાખવવી તે કંઈ બહુ સારી વાત પણ નથી.
આપણે જે ગીતની વાત કરી રહ્યા છીએ તેમાં નાયિકા કંઈક આવી જ ફરિયાદ કરે છે કે જૂના જમાનામાં લોકોને દૂસરે કે દિલ પે ક્યા ગુઝરેગી યે અહસાસ થા.
અલબત્ત, નાયિકા મુખ્યત્વે પ્રેમની જ વાત કરે છે કે એ લોકો કેવા સારા હતા જે પ્રેમના મામલે સજાગ હતા, પ્રેમની જેમને કદર હતી, જિન કો વફા કા પાસ થા. ઉર્દુ શબ્દકોષમાં ‘પાસ’ શબ્દના અર્થો આ પ્રમાણે છેઃ નિરીક્ષણ, રક્ષા, નિગરાની, શીલ, સંકોચ, લિહાઝ. પ્રેમનો લિહાઝ કરવો, પ્રેમની ઇજ્જત કરવી, પ્રેમની કદર કરવી… આ બધું હવે ઘટ્યું છે એવી ફરિયાદ કરતી નાયિકા છેવટે આ અંતરામાં જૂના જમાનાની હતાશ વ્યક્તિની માફક કહે છેઃ વો ઝમાના અબ કહાં જો અહલ-એ-દિલ કો રાસ થા. અહલ-એ-દિલ એટલે પ્રેમાળ હૈયું, સંવેદનશીલ વ્યક્તિ. આવા નાજૂક માણસોને માફક એવો જમાનો હવે ક્યાં રહ્યો છે. જમાનો વધુ આકરો બન્યો છે.
ખેર, જમાના સાથે કદમ ન મિલાવનારે પીડા વેઠવી જ પડે. એ ન્યાયે નાયિકા પીડા વેઠે છે અને ફરિયાદ કરે છે. જોકે આખી વાતમાં પ્રેમિકાની તોપનું નાળચું જાલીમ જમાના કરતાં વધુ તો બેવફા પ્રેમી તરફ જ તકાયેલું છેઃ અબ હૈ પત્થર કે સનમ, જિન કો અહસાસ ના ગમ… પ્રેમીઓ, સરવાળે પુરુષો, આવા જ હોય, જાડી ચામડીના, જે ના લાગણી અનુભવે, ના દુઃખ.
આ ફરિયાદને તમે કેવી ગણશોઃ વાજબી કે વધારે પડતી?
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
