ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

આ તાલવાદ્ય ખાસ કરીને રાજસ્થાન અને ભારતના ઉત્તરીય પ્રદેશોમાં લોકવાદ્ય તરીકે ખાસ્સું પ્રચલિત છે. એમ મનાય છે કે ડફનો ઉદ્ ભવ ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં થયો હશે.હોળી નજીક આવે ત્યારના દિવસોમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં અને નગરોમાં રાજસ્થાનનાં નર-નારીઓ રંગીન તેમ જ ભાતીગળ વસ્ત્રો ધારણ કરીને રસ્તાઓ ઉપર નૃત્ય કરતાં નીકળી પડે છે. તે સમયે એ લોકોના હાથમાં આ તાલવાદ્ય અચૂક નજરે પડતું હોય છે. ડફની રચના ખુબ જ સાદી હોય છે. ૨૪ ઈંચથી લઈને ૩૬ ઈંચ જેટલા વ્યાસની લાકડા કે ધાતુની બનેલી ગોળાકાર રીંગને બકરાના અથવા અન્ય કોઈ પ્રાણીના ચામડા વડે મજબૂતીથી મઢી લેવામાં આવે છે. બસ, આ બની ગયું ડફ. કોઈ કોઈ ડફની બનાવટમાં તેની ફ્રેમની અંદર ધાતુની નાની નાની પાતળી પતરીઓ જડી લેવામાં આવે છે, જેથી ડફ વગાડતી વેળાએ તાલબદ્ધ રણકાર પણ નિષ્પન્ન થઈ શકે. ઘણા લોકો આવી રચનાને ડફલી કહે છે. ઉલ્લેખનીય છે કે આવી જ રચનાનું નાનું સ્વરૂપ ખંજરી તરીકે જાણીતું છે.

                     ડફ                                                                        ડફલી/ખંજરી

રચનામાં અતિશય સાદા આ તાલવાદ્યને વગાડવાની પદ્ધતિ પણ તેવી જ સાદી છે. આ વાદ્ય એક બાજુએથી બિલકુલ ખુલ્લું હોવાથી તેના વડે માત્ર ઘેરો ધ્વની નીપજે છે. તબલાં, ઢોલક અને અન્ય પ્રચલિત તાલવાદ્યો જેમ ડફ વડે અલગલગ પ્રકારના બોલ ઉત્પન્ન કરવાનું શક્ય નથી. આમ હોવાથી ડફ શાસ્ત્રીય પધ્ધતિએ વગાડી શકાતું નથી. કેટલીક વાર વાદક ડફ વગાડવા માટે ઉપયોગે લેવાતી પોતાની આંગળીઓ સાથે વાંસની પાતળી પટ્ટી બાંધે છે.

પ્રસ્તુત ક્લીપમાં બે કલાકારો એક લોકપ્રિય રચના કુન ફાયા કુન રજૂ કરી રહ્યા છે, તેમાંના એક ડફ વડે સાથ આપી રહ્યા છે. બસ, આવી સાદી પદ્ધતિ વડે ડફ વગાડવામાં આવે છે. અન્ય કોઈ જ વાદ્યનો ઉપયોગ ન થયો હોઈ, ડફના અવાજનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.

આટલા પ્રાથમિક પરિચય પછી માણીએ ડફનો પ્રયોગ થયો હોય તેવાં કેટલાંક ફિલ્મી ગીતો.

સૌથી પહેલાં એક એવી ફિલ્મનું ગીત, જેના સંગીતે હિન્દી ફિલ્મી સંગીતમાં ક્રાંતિકારી બદલાવની શરૂઆત કરી હતી. તે ફિલ્મ  હતી ૧૯૪૯ના વર્ષમાં પ્રદર્શિત થયેલી બરસાત. આ ફિલ્મથી શંકર-જયકિશન નામના સંગીતકારો આ ક્ષેત્રમાં એક વાવાઝોડા જેમ પ્રવેશ્યા અને બે દાયકાથી વધુ સમય માટે તેમનું સામ્રાજ્ય ટકી રહ્યું. ગીત છે ‘બરસાત મેં હમ સે મીલે તુમ સજન. પરદા ઉપર કેટલાક નર્તકોને ડફ વગાડતા જોઈ શકાય છે.

https://www.youtube.com/watch?v=MNMHmy5oI6o&list=RDMNMHmy5oI6o&start_radio=1

હવે પછીનું ગીત પણ શંકર-જયકિશનના નિર્દેશનમાં બન્યું છે. ફિલ્મ શ્રી ૪૨૦(૧૯૫૫)ના ગીત ‘દિલ કા હાલ સુને દિલવાલા’ના ફિલ્માંકનમાં ખુદ નાયક ડફ વગાડતા જોઈ શકાય છે.

https://www.youtube.com/watch?v=tj4xkWLL6wE&list=RDtj4xkWLL6wE&start_radio=1

૧૯૫૯ના વર્ષમાં પરદા ઉપર આવેલી ફિલ્મ નવરંગ માટે સી.રામચંદ્રએ સંગીત તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘યે માટી સભી કી કહાની કહેગી’માં ડફના સંગાથનો સુપેરે ખ્યાલ આવે છે. પરદા પર પણ કલાકારને ડફ વગાડતા જોઈ શકાય છે.

ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહતી હૈ (૧૯૬૦)માટે શંકર-જયકિશનના નિર્દેશનમાં બનેલાં ગીતો આજે ૬૫ વર્ષ પછી પણ ખાસ્સાં લોકપ્રિય છે. તે પૈકીનું ગીત ‘મેરા નામ રાજુ ઘરાના અનામ’ સાંભળીએ. આ ફિલ્મના નાયક રાજ કપૂર ખુદ અચ્છા ડફવાદક હતા. ગીતના ફિલ્માંકનમાં તેમને ડફ વગાડતા જોતાં તે વાતની પ્રતીતિ થાય છે.

૧૯૭૫ની ફિલ્મ ઝિંદાદિલમાં સંગીત લક્ષ્મીકાં-પ્યારેલાલનું હતું. તે ફિલ્મના ગીત ‘શામ સુહાની આયી’માં ડફ સાંભળી શકાય છે. પરદા પર ડફ વગાડી રહેલા નાયક અને સાથી નર્તકો દેખાય છે.

ફિલ્મ બાલીકા બધુ (૧૯૭૬) માટે રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બનેલા ગીત ‘યે ચૂડીયાં નહીં હથકડીયાં હૈ’ ના વાદ્યવૃંદમાં ડફનું પ્રાધાન્ય કાને પડતું રહે છે.

હવે માણીએ ફિલ્મ સરગમ (૧૯૭૯)નું ડફપ્રધાન ગીત ‘ડફલીવાલે ડફલી બજા’. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. પરદા પર નાયકને સમયસમયે ડફ વગાડતા જોઈ શકાય છે. આ ફિલ્મમાં નાયકને ડફવાદક તરીકે રજૂ કરાયા છે. આથી આ ફિલ્મનાં અન્ય ગીતોમાં પણ ડફનો ઉપયોગ કરાયો છે.

૧૯૮૩ની ફિલ્મ હીરો માટે ગીતો લક્ષ્મીકાંટ-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેના યાદગાર ગીત ‘લંબી જુદાઈ’ માં ડફના બોલ કાને પડતા રહે છે. પરદા પર ગાતી યુવતીને સાથે સાથે ડફ વગાડતી જોઈ શકાય છે. તે ગીતના તાલ સાથે તાલ મીલાવીને વગાડી નથી શકતી તે અલગ વાત છે!

૧૯૯૨ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ સંગીતનાં ગીતોના નિર્દેશક હતા આનંદ મીલિંદ. તે ફિલ્મનું એક ડફપ્રધાન ગીત ‘સુન ઓ હસીના કાજલવાલી’ માણીએ.

ફિલ્મ માચીસ (૧૯૯૬) માટે વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં તૈયાર થયેલા ગીત ‘ચપ્પા ચપ્પા ચરખા ચલે’ના વાદ્યવૃ6દમાં ડફ અગત્યના તાલવાદ્ય તરીકે ઉભરી આવે છે, નોંધીએ કે કલાકારના હાથમાં નજરે પડતું તાલવાદ્ય કદમાં ખંજરીને મળતું આવે છે, પણ ઉપયોગ થયો છે અસલ ડફનો.

પછીના જ વર્ષે એટલે કે ૧૯૯૭માં પરદા પર આવેલી ફિલ્મ બોર્ડર માટે અનુ મલિકના સંગીતનિર્દેશનમાં બનેલું અતિશય લોકપ્રિય ગીત ‘સંદેશે આતે હૈ’ ડફના તાલથી સજાવાયેલું છે.

આ કડીની આખરમાં સાંભળીએ ૨૦૧૪ની ફિલ્મ હેપી ન્યુ ‘યરનું એક ડફપ્રધાન ગીત ‘મનવા લાગે’ . સંગીત વિશાલ-શેખરનું છે.

આવતી કડીમાં એક નવા તાલવાદ્ય સાથે મળીશું.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com