જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
સવાર પડેને દલપત આખો ફૂલોથી મઘમઘી રહે. ગુલાબ, મોગરા કે કેસરી,પીળા ગલગોટાની સુગન્ધ શ્વાસમાં ભરતો જાય અને હાર ગૂંથતો જાય. ફૂલો વચ્ચે લીલાછમ્મ નાજુક પર્ણોની ગૂંથણી એવી તો સરસ કરે કે ફૂલોની શોભામાં ચાર ચાન્દ લાગી જાય. તો બાજુમાં તેની પત્ની સુન્દર મજાના બૂકેની સજાવટ કરવામાં વ્યસ્ત હોય. આસપાસનું વાતાવરણ પણ સુરભિત સુરભિત..
ચાર વરસની દીકરી વહેલી સવારે સૂતી હોય ત્યાં હારનો ટોપલો તૈયાર થઇ જાય એટલે ઉપર થોડાં છૂટા ફૂલો પણ મૂકી દે અને પત્ની સામે મીઠું હાસ્ય વેરી ગણપત ટોપલો લઇને ઉપડે ત્યારે પંખીઓ કિલકિલાટ કરી સવારના સૂર્યને વધાવવવાની તૈયારી કરતાં હોય.
દલપતના ચહેરા પર સદા હાસ્ય રમતું હોય. હમેશ પ્રસન્નચિત્ત..કયારેય કોઇ ફરિયાદ નહીં..અભાવનો કોઇ અજંપો નહીં. કયારેય ભૂખ્યા નહોતું સૂવુ પડતું. પત્ની પણ એવી જ હસમુખી મળી હતી.દીકરીને મ્યુનીસીપલ સ્કૂલમાં ભણાવી શકાતી હતી. એક ઓરડી હતી. માથા ઉપર છત. અંગ ઢાંકવા બે જોડી કપડાં, અને પેટનો ખાડો પૂરાતો હતો.એથી વિશેષ શું જોઇએ ?
દલપતના મોટા ભાગના ઘરાકો બાન્ધેલા હતા. ગ્રાહકો સાથે હસીને વાત કરતો જાય અને જાણે સૌને ફૂલોની લહાણી કરતો હોય તેમ બધાને મહેકાવતો જાય. આજે તો ગણપતનો ટોપલો રોજ કરતાં પણ વહેલો ખાલી થઇ ગયો. હવે છેલ્લો એક બુકે બાકી હતો. ત્યાં જ એકી સાથે બે ઘરાક આવ્યા. એક પચાસની આસપાસના કાકા હતા. અને એક બાર તેર વરસની મીઠડી છોકરી હતી. બૂકે એક જ બચ્યો હતો. કોને આપવો ? અજુબાજુમાં બીજા કોઇ ફૂલવાળા નહોતા એટલે એકને તો નિરાશ કરવા જ પડે તેમ હતા.
ત્યાં કાકાએ કહ્યું,’ લાવ ભાઇ, જલદી કર..કોઇની નનામી પર મૂકવા જોઇએ છે. પછી થોડી ચીડથી ઉમેર્યું, ’આ મોટા માણસોને મર્યા પછી પણ ફૂલનું નજરાણુ ધરવું પડે. ‘
ત્યાં પેલી છોકરી બોલી ઉઠી,’ અંકલ, આજે મારા પપ્પાનો બર્થડે છે. મારે એને સરપ્રાઇઝ આપવું છે. પ્લીઝ..મને બૂકે આપોને..! મેં મારા પોતાના પૈસા ભેગા કરી રાખ્યા છે.’
દલપત એકાદ ક્ષણ બંને સામે જોઇ રહ્યો. પછી ધીમેથી બૂકે તેણે છોકરીના હાથમાં મૂકયો. છોકરીનો ચહેરો ગુલાબની માફક ખીલી ઉઠયો. ને સાથે દલપત પણ…
પોતાના જન્મદિવસની તો કયાં ખબર હતી ? છતાં કયારેક પોતાની પુત્રી પણ પોતાને આમ કયારેક ફૂલો આપશે..અને પોતે કેવો મઘમઘી રહેશે..!
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
